Atmadharma magazine - Ank 039
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક ૩૯
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।।
વર્ષ ચોથુંપોષ
અંક ત્રીજો
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
ભેદભક્તિ અને અભેદભક્તિ
ભરત ચક્રવર્તીના નાની ઉંમરના પુત્ર ભક્તિનું વર્ણન કરે છે–
ભક્તિ બે પ્રકારની છે–એક ભેદભક્તિ અને બીજી અભેદભક્તિ. ‘સમવસરણમાં શ્રી જિનેન્દ્ર
ભગવાન છે, અમૃતલોક અર્થાત્ મોક્ષ મંદિરમાં શ્રી સિદ્ધભગવાન છે’ એ પ્રમાણે ક્રમથી તેમને પોતાના
આત્માથી અલગ રાખીને ધ્યાન કરવું તે ભેદભક્તિ છે. અને તે જિન–સિદ્ધોને ત્યાંથી કાઢીને (– અર્થાત્
તેઓનું લક્ષ છોડીને) પોતાના આત્મામાં જ તેમનું સંયોજન કરવું અને પોતાના આત્મામાં અર્થાત્
હૃદયમંદિરમાં જિન–સિદ્ધ બિરાજમાન છે એ પ્રમાણે ધ્યાન કરવું તે અભેદભક્તિ છે, તે ભક્તિ મુક્તિનું
કારણ છે.
જિનેન્દ્ર ભગવાનને પોતાના આત્માથી અલગ રાખીને ધ્યાન કરવું તે ભેદભક્તિ છે અને પોતાના
આત્મામાં રાખીને ધ્યાન કરવું અર્થાત્ પોતાના આત્માને જ જિનસ્વરૂપે ઓળખીને ધ્યાવવો તે
અભેદભક્તિ છે; એ જિનશાસન છે.
ધ્યાનના અભ્યાસકાળમાં ભેદભક્તિને આદરવી જોઈએ; જ્યાં સુધી આ આત્માને ધ્યાનનું સામર્થ્ય
પ્રાપ્ત ન થાય અર્થાત્ અભેદભક્તિ ન પ્રગટે ત્યાં સુધી અભેદના લક્ષે ભેદભક્તિનું અવલંબન કરવું
જોઈએ. પછી અભેદભક્તિનો આશ્રય કરવો જોઈએ. અભેદભક્તિમાં આત્માને સ્થિર કરવો તે અમૃતપદ
અર્થાત્ સિદ્ધદશાનું કારણ છે.
આત્મા જિનેન્દ્ર અને સિદ્ધ ભગવાન સમાન શુદ્ધ છે–એ પ્રમાણે ઓળખાણપૂર્વક પ્રતિદિન પોતાના
આત્માનું ધ્યાન કરવું તે જિન–સિદ્ધભક્તિ છે, તથા તે જ નિશ્ચયરત્નત્રય છે અને તે મુક્તિનું સાક્ષાત્
કારણ છે.
શિલા, કાંસુ, પીતળ, સુવર્ણ વગેરે દ્વારા જિનમુદ્રા તૈયાર કરાવીને તેનો સમ્યક્ પ્રકારે આદર કરવો
અને ઉપાસના કરવી તે ભેદભક્તિ છે અને અચલ થઈને પોતાના આત્માને જ જિનપણે અનુભવવો તે
અભેદભક્તિ છે.
(‘ભરતેશવૈભવ’ ભાગ ૪ પાનું ૯–૧૦ ના આધારે)
વાર્ષિક લવાજમ૩૯છુટક અંક
અઢી રૂપિયાશાશ્ચત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 21
single page version

background image
વર્ષ ચોથુંસળંગ અંકપોષઆત્મધર્મ
અંક ત્રીજો૩૯ર૪૭૩
મોક્ષમાર્ગ
રુચિ તો આત્માનો ગુણ છે, એ ક્યાંક રુચિ તો કરશે જ. જે તરફની રુચિ કરે તે તરફની
પરિણતિ થાય. જો સ્વભાવનો મહિમા લાવીને સ્વભાવની રુચિ કરે તો સ્વભાવ તરફની પરિણતિ
(–મોક્ષમાર્ગ) પ્રગટે અને જો પરમાં રુચિ કરે તો સંસાર તરફની વિકારી પરિણતિ થાય. પણ
પરિણતિ વગર તો કોઈ જ જીવ હોતા નથી.
પોતાના સ્વભાવ સામર્થ્યના મહિમાને યથાર્થપણે જાણે તો તેની રુચિ કરે અને રુચિ કરે
તો તે તરફ પરિણતિ લંબાઈને સ્થિર થાય અને સ્વભાવનું કાર્ય અર્થાત્ મોક્ષ પ્રગટે. આ ટૂંકામાં
મોક્ષનો ઉપાય જાણવો.
(મોક્ષ અધિકાર ગાથા–૨૯૭)
અજ્ઞાનીઓ ભલે પુકારે...
જ્યારે સત્ય વસ્તુસ્વરૂપને જ્ઞાનીઓ પ્રગટ કરે છે ત્યારે વસ્તુસ્વરૂપને નહિ જાણનારા અજ્ઞાનીઓ, પોતાની
કલ્પના કરતાં જુદી રીતે વસ્તુસ્વરૂપ સાંભળીને તેનો વિરોધ કરે છે–એ અજ્ઞાનીનો સ્વભાવ છે. પરંતુ સત્ય
વસ્તુસ્વરૂપ તો જેમ છે તેમ જ છે. આપ્તમીમાંસા–ગાથા ૧૧૦ માં શ્રી સમંતભદ્રાચાર્ય કહે છે કે–
‘यहां एसा जानना जो वस्तु है सो तो प्रत्यक्षादि प्रमाण का विषयभूत सत् असत् आदि विरुद्ध धर्म
का आधाररुप है सो अविरुद्ध है। सो अन्यवादी ‘सत् रूप ही है’ तथा ‘असत् रूप ही है’ एसा ऐकान्त कहै
तौ कहो, वस्तु तो ऐसैं है नाहीं। वस्तु ही अपना स्वरूप अनेकान्तात्मक आप दिखावै है तो हम कहा करे?
वादी पूकारे हे ‘विरुद्ध हैरे विरुद्ध है रे’ तौ पुकारो, किछू निरर्थक पुकारनेमें साध्य है नाहिं।’
અર્થઃ– અહીં એમ જાણવું કે જે વસ્તુસ્વરૂપ છે તે તો પ્રત્યક્ષાદિ પ્રમાણના વિષયભૂત, અસ્તિ–નાસ્તિ આદિ
વિરુદ્ધ ધર્મોના આધારરૂપ છે, તે અવિરુદ્ધ–સત્ય છે. છતાં અન્યવાદી તેને ‘એકાંતઅસ્તિરૂપ છે’ અથવા ‘એકાંત
નાસ્તિરૂપ છે’ એમ એકાંત કહે તો ભલે કહો, પરંતુ વસ્તુ તો એવી નથી. વસ્તુ જ પોતે પોતાનું સ્વરૂપ અનેકાંતાત્મક
દેખાડે છે તો અમે શું કરીએ? વાદી (–અજ્ઞાનીઓ) પૂકારે છે કે ‘વિરુદ્ધ છે રે, વિરુદ્ધ છે’ તો ભલે પુકારો, તેમના
નિરર્થક પુકારથી કાંઈ સાધ્ય નથી.
અજ્ઞાનીઓ પોકાર કરે તેથી કાંઈ વસ્તુસ્વરૂપ ફરી જવાનું નથી. જેમ છે તેમ વસ્તુસ્વરૂપ કહેવા છતાં
અજ્ઞાની વિરોધનો પોકાર કરે તો ભલે કરે, પણ જ્યાં સત્ય વસ્તુ પોતાનું સ્વરૂપ એમ જાહેર કરે છે તો જ્ઞાનીઓ
બીજું કેમ કહે? માટે જ્ઞાનીઓ વસ્તુસ્વરૂપને જેમ છે તેમ નિઃશંકપણે જાહેર કરે છે.
અહીં અસ્તિ, નાસ્તિ આદિ ધર્મોથી વસ્તુસ્વરૂપની વાત કરી છે, તે જ પ્રમાણે વસ્તુસ્વરૂપના બીજા પડખાં
નીચે પ્રમાણે છે–
‘આત્મા જડની ક્રિયા કરી શકતો નથી. અને જડની ક્રિયાથી આત્માને લાભ કે નુકસાન થતું નથી’ એમ
જ્ઞાનીઓ જાહેર કરે છે, ત્યારે અજ્ઞાનીઓ પોકાર કરે છે કે ‘ક્રિયા ઊડી જાય છે.’ અજ્ઞાનીઓ પોકારે તો ભલે
પોકારો, પણ આત્માનું વસ્તુસ્વરૂપ જ સ્વયં એમ બોલે છે કે ચૈતન્યની વસ્તુની ક્રિયા ચૈતન્યમાં જ છે, જ્ઞાનની
સ્થિરતા તે જ મારી (–આત્માની) વાસ્તવિક ક્રિયા છે; હું જડથી ભિન્ન છું, જડની ક્રિયા સાથે મારે સંબંધ નથી. માટે
પુકાર વ્યર્થ છે.
‘પુણ્ય તે વિકાર છે, પુણ્ય કરતાં કરતાં આત્માને ધર્મ થતો નથી’ એમ જ્યારે જ્ઞાનીઓ જાહેર કરે છે, ત્યારે
અજ્ઞાનીઓ વિરોધથી પુકારે છે કે ‘અરે, પુણ્ય ઊડી જાય છે.’ અજ્ઞાનીઓ ભલે પુકારે, પણ જ્યાંં પુણ્યનું અને ધર્મનું
સત્ય સ્વરૂપ જ એવું છે ત્યાં જ્ઞાનીઓ શું કરે? અજ્ઞાનીનો તે પુકાર વ્યર્થ છે.
‘નિમિત્ત પરવસ્તુની હાજરી માત્ર છે, ઉપાદાનના કાર્યમાં તે કાંઈ કરી શકતું નથી, નિમિત્ત આવે તો કાર્ય
થાય–એમ નથી, ઉપાદાનના પોતાના સ્વભાવથી જ કાર્ય થાય છે’–આમ જ્ઞાનીઓ કહે છે. ત્યારે અજ્ઞાનીઓ વિરોધ
કરીને પુકારે છે કે ‘રે નિમિત્ત ઉડી જાય છે.’ તેમનો એ પુકાર વ્યર્થ છે, કેમ કે ઉપાદાન અને નિમિત્તની હદ જ તેટલી
છે. જ્યાં વસ્તુ પોતે જ પોતાના સ્વરૂપનો પોકાર કરી રહી છે ત્યાં કોઈનો વિરોધ કામ આવે તેમ નથી.

PDF/HTML Page 4 of 21
single page version

background image
મુક્તિનો ઉપાય
પ્રશ્નઃ ચૈતન્યના ભાન દ્વારા સમ્યગ્દર્શન થયા પછી શું કરવું?
ઉત્તરઃ ચૈતન્યનું ભાન થતાં જ્ઞાનસ્વભાવ અન રાગ બંને ભિન્નપણે અનુભવાય છે, તેમાં ચૈતન્યનું–જ્ઞાનનું
ગ્રહણ કરવું અને બંધનો–રાગનો ત્યાગ કરવો. વચ્ચે વ્યવહાર વિકલ્પ વગેરે બંધભાવ આવે તેને આત્મપણે ગ્રહણ
કરવા નહિ, પણ બંધપણે જાણીને છોડી દેવા. આમ કરવાથી જ બંધન ટળીને મુક્તિ થાય છે અને તેનો મૂળ ઉપાય
સમ્યગ્દર્શન જ છે.
શુભરાગ છોડીને અશુભરાગ કરવાની વાત નથી પરંતુ શુભરાગથી પણ રહિત વીતરાગ અકષાય સ્વરૂપનું
ભાન કરવાનું જ્ઞાનઓ કહે છે. સમ્યગ્દર્શન પછી પણ બહારની દશામાં તો મુનિપણું નથી અને મહાવ્રતના વિકલ્પમાં
પણ ખરૂં મુનિપણું નથી, પણ સમ્યગ્દર્શનમાં જે સ્વભાવ સ્વીકાર્યો તે અકષાય સ્વભાવની સ્થિરતા તે જ મુનિદશા છે.
એવી લીનતા જો ન થઈ શકે તો ઓળખાણપૂર્વક તે લીનતાનો અભ્યાસ–પ્રયત્ન કરવો, પણ વચ્ચે જે વિકલ્પો આવે
તેને બંધન તરીકે જાણીને તેમાં ધર્મ ન માનવો. પુણ્ય પાપ બંને બંધ છે એમ જાણીને તેનો શ્રદ્ધામાં તો પહેલાં જ છેદ
કરવો અને પુણ્ય–પાપરહિત જ્ઞાન–સ્વભાવની શ્રદ્ધા કર્યા પછી જે શુભ વિકલ્પ આવે તેને છોડીને શુદ્ધ સ્વરૂપમાં
લીનતા કરવી તે જ આત્માનું પ્રયોજન છે–તે જ મુક્તિનો ઉપાય છે. (મોક્ષ અધિકાર ગા.–૨૯૭ના વ્યાખ્યાનમાંથી)
એકવાર તો જીવતાં મર!
ઃ શ્રી પદ્મનંદી પંચવિંશતિકાઃ અનિત્ય અધિકારઃ
(પરમ પૂજ્ય સદગુરુદેવનું વ્યાખ્યાન. તા. ૧૨–૯–૪૪)
(એકવાર તો જીવતાં મર! એટલે મરણ ટાણે તો આ દેહથી છૂટો પડવાનો જ, પણ જીવનમાં દેહથી જુદા
સ્વરૂપનું ભાન કરીને એકવાર દેહનું ધણીપણું મૂકી દે! જીવતાં જ દેહનું ધણીપણું છોડ! ‘આ શરીર નહીં, મન નહીં,
વાણી નહીં, શ્વાસ નહીં, કર્મ પણ નહીં અને કર્મના નિમિત્તે થતાં રાગ દ્વેષના ક્ષણિક વિકારી ભાવ પણ નહીં, હું તો
શુદ્ધ જ્ઞાનઘન અરૂપી આત્મા છું’ એમ એકવાર બધા પરનું ધણીપણું છોડીને સ્વભાવનું ધણીપણું કર! તો ફરી
દેહાદિનો સંયોજ ન રહે.) રાત્રિચર્ચા
શરીરાદિ અનિત્ય છે, છતાં તેને માટે જગતના જીવો શું શું કરી રહ્યા છે–તેનો અધિકાર છે.
શરીરાદિ પર વસ્તુ છે, તે ક્ષણિક છે, સંયોગી છે, અને આત્મા પોતે નિત્ય છે, અસંયોગી છે, પોતે નિત્ય છે
તેને લક્ષમાં ન લેતાં શરીરાદિ અનિત્ય વસ્તુને નિત્ય રાખવા માગે છે. માતાએ બાળકને જન્મ આપ્યા પહેલાં જ તે
બાળક અનિત્યતાની ગોદમાં આવ્યો છે. જન્મ થયાં પહેલાં જ મરણ નક્કી થયેલું છે; કેમકે શરીર અને આત્મા એ
બેનો સંયોગ થયેલો છે, સંયોગ તેનો વિયોગ થયા વિના રહે નહીં.
મંગલાચરણ કરતાં આચાર્યદેવ કહે છે કેઃ– શ્રી જિનેન્દ્ર ભગવાન કે જેમની વાણી દયામય હોવા છતાં, ધૈર્ય
(સ્વરૂપની એકાગ્રતા) રૂપી ધનુષ્યને ધારણ કરનાર એવા યોગીઓરૂપી યોદ્ધાઓને, મોહરૂપી દુશ્મનનો નાશ કરવા
માટે તીખા બાણોની હાર સમાન છે (બાણોની હાર સમાન એમ કહ્યું છે, વચમાં ભંગની વાત જ નથી) એવા
જિનેન્દ્ર વીતરાગ દેવ જગતમાં જયવંત વર્તે છે.
જે દયામય હોય તે કોઈનો નાશ કરે નહીં, પણ ભગવાનની વાણીમાં એવી વિચિત્રતા છે કે તે દયામય હોવા
છતાં પણ યોગીઓના મોહને ક્ષણમાત્રમાં નાશ કરી દે છે; એવી આશ્ચર્યકારી વાણીના ધરનારા શ્રી જિનેન્દ્રદેવ સદાય
જયવંત હો!
આચાર્યદેવ શરીરનું અનિત્યપણું બતાવે છેઃ–ભાઈ રે! આ શરીરનો સ્વભાવ તો જો! શરીરને તું ‘મારૂં
મારૂં’ કરી રહ્યો છો પણ એ કેવું છે તે તો જો! એક દિવસ તેને રોટલા ન આપવામાં આવે તો જેમ કમળનું પાન
અગ્નિ પાસે કરમાઈ જાય છે તેમ આ શરીર શૂષ્ક થઈ જાય છે એવા આ શરીરને તું મારું કરીને રાખવા માગે છે પણ
ભાઈ! આ શરીર તો પરમાણુના સંયોગે બનેલું છે તે ક્યાં સુધી રહેશે એનો કોઈ નિશ્ચય નથી; તું ભગવાન આત્મા
તો અનાદિ–અનંત છો. શરીર તે તારી ચીજ નથી, શરીર તો સંયોગે મળેલી ચીજ છે તેનો વિયોગ જરૂર થવાનો! તો
પછી તેમાં આશ્ચર્ય નથી કે તે તુરત જુદું પડી જાય. આ શરીર તો રાખ્યું રહેવાનું નથી; અરે ભાઈ! શ્વાસ ઊંચો લીધો
તે નીચે મૂકવો એ પણ આત્માના હાથની વાત નથી.
મરનારની પાછળ રડાકુટ કરનારને એક ઠેકાણે કહ્યું છે કેઃ–
‘મરનારાને શીદ રૂઓ તમે? રોનારા નથી રે’ વાના રે...’
આ સંયોગી શરીરનો વિયોગ ન થાય તો શું અસંયોગી તત્ત્વનો વિયોગ થાય? જુઓ તો ખરા આ અનિત્ય
શરીર! લોહી, માંસ, હાડકાં અને મળ–મૂત્રથી તે ભરેલું છે અને તેના ઉપર આ ચામડાનો કોથળો છે, ભૂખ અને
તરસરૂપી ઉંદરડાને રહેવાનું બીલ છે, અને રાગાદિ દુઃખોનો તો ભંડાર છે એવા શરીરરૂપી ઝુંપડાને નિત્ય અને
શરણરૂપ–સુખરૂપ માનીને અજ્ઞાની જીવો અમૃત–સ્વરૂપ ભગવાન આત્માનું શરણ ચૂકે છે એ બડા ખેદ હૈ!

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૪૪ઃ આત્મધર્મઃ ૩૯
ચૈતન્યઘન અમૃત–સ્વરૂપ આત્મા તે આ મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો. અહા! શું આ શરીર તે અમૃતનો પિંડ
છે કે તેમાંથી અજ્ઞાની જીવ સુખનાં બટકાં ભરી લેવા માગે છે? સુખ સ્વરૂપ ભગવાન આત્માને જેણે જાણ્યો નથી એવા
મૂઢ પ્રાણી વિષયાદિદ્વારા શરીરમાંથી સુખ લેવા માગે છે–જ્યારે–જ્ઞાની ધર્માત્મા તેનાથી ઉદાસ રહીને આત્માનું કલ્યાણ
કરે છે.
વળી આ શરીરનું આયુષ્ય તો પાણીના પરપોટા જેવું છે, ક્ષણમાં ફૂ થઈ જશે. અને ધન, કુટુંબ, સ્ત્રી, પુત્ર
વગેરે પવનનાં વાદળાં જેવાં છે, પવનથી વાદળાં ભેગાં થાય અને બીજી દિશાના પવનનું ઝાપટું આવે ત્યાં વીખરાઈ
જાય. તેમ જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી આ સ્ત્રી, પુત્ર, ધન વગેરે ભેગાં રહે અને જ્યાં પાપનો પવન વાયો કે બધા
ઉડી જવાના છે. કોઈ ક્યાંક અને કોઈ ક્યાંક ચાલ્યા જશે. આ આત્માનું ભાન ન કર્યું તો પુણ્ય–પાપના વંટોળીએ
ચોરાશીમાં ક્યાંય ઉડી જશે, પત્તો પણ નહિ ખાય!
એક માણસ એકલો મુંબઈમાં ગયો, ત્યાં પૈસા ભેગાં થયાં, બાયડી પરણ્યો છોકરાં થયાં–એમ પુણ્યના કારણે
મુંબઈમાં ને મુંબઈમાં બધું ભેગું થયું અને કેટલાક વર્ષો સુધી તો બધું રહ્યું પણ ત્યાં પાપનો એવો પવન ફુંકાણો કે
અકસ્માત (મુંબઈની હોનારત) માં બધું ચાલ્યું ગયું અને પોતે એકલો રહ્યો. જેવો એકલો મુંબઈ ગયો હતો તેવો જ
પાછો આવ્યો, વચમાં બધું બની ગયું. જેનો સંયોગ થયો તેનો વિયોગ તો અવશ્ય થાય જ.
વળી આંખના કટાક્ષની જેમ વિષયાદિનું સુખ ચંચળ છે. ‘વિષયાદિનું સુખ’ એ ભાષા પણ અજ્ઞાનીએ માની
રાખ્યું છે તે અપેક્ષાએ વાપરી છે, ખરેખર વિષયાદિમાં સુખ છે જ નહીં. અજ્ઞાનીએ માત્ર કલ્પનાથી વિષયાદિમાં સુખ
માન્યું છે, તે પણ ક્ષણિક છે. તેથી સ્ત્રી, પુત્ર, ધન કે શરીર વગેરેના મળવાથી ડાહ્યા પુરુષે હર્ષ ન કરવો જોઈએ અને
જવાથી શોક ન કરવો જોઈએ. એ વાત તો જગપ્રસિદ્ધ છે કે, જે ઉત્પન્ન થાય તેનો અવશ્ય નાશ થાય છે. તેથી સંયોગ
વિયોગમાં હર્ષ–શોક ન માનતાં જે રીતે આત્માનું કલ્યાણ થાય તે જ કરવું યોગ્ય છે.
દેહના સંબંધમાં ક્યાંય સુખ નથી. ઘડીમાં રોગ, ઘડીમાં ક્ષય વગેરે શરીરના સંબંધે તો દુઃખ અને શોકની જ
ઉત્પત્તિ છે તે માટે ડાહ્યા પુરુષોએ આત્માનું જ જ્ઞાન કરવા જેવું છે કે જેથી ફરીને દુઃખ અને શોકનું ઘર એવા આ
શરીરનો સંયોગ જ ન મળે!
પૂર્વ કર્મને લઈને મળેલાં, સ્ત્રી, પુત્ર, શરીરાદિનો વિયોગ થતાં ગાંડા માણસની લીલાની જેમ (ગાંડા મનુષ્યનું
દૃષ્ટાંત આગળ આવશે) કાંઈ પણ પ્રયોજન વગર મફતનો શોક કરે છે, શોક કરવાથી કાંઈ સ્ત્રી, પુત્રાદિ પાછાં
આવવાનાં નથી, છતાં મૂર્ખ મનુષ્ય શોક કરે છે, અને ભવિષ્યમાં ફરી તેવો વિયોગ થાય એવાં કર્મ ઉપાર્જે છે, માટે તે
પ્રમાણે ડાહ્યા પુરુષોએ શોક ન કરવો જોઈએ.
ચોરાશીના અનિત્ય પદાર્થોમાં શરીર ધારણ કરવું અને તેને જતું કરવું નહીં એ કેમ બને? મોટા ચોકમાં
બંગલો બાંધ્યો હોય અને પાસેથી મોટર, ઘોડા, માણસો વગેરે પસાર થાય તેને “મારાં મારાં” એમ માનીને રોકી
રાખવા માગે તો તેમ ચાલે નહીં. ચૌટા વચ્ચે બંગલો બાંધવો અને પાસેથી માણસ વગેરેને જવા ન દેવા એ કેમ બની
શકે? તેમ ચોરાશીના ચાર ગતિના ચૌટે શરીર ધારણ કરવું અને તે જતાં રાડો પાડવી અને શરીરને ન જવા દેવું એ
કેમ બને?
એકવાર ભોજા ભગતનો દીકરો મરી ગયો ત્યારે બધા મોંકાણિયા ભેગા થઈને છાજીયા લેવા મંડયા ત્યારે
ભોજા ભગતને થયું કે આ બધા મફતનો કૂટારો કરે છે, ત્યારે તેણે કહ્યું– સાંભળો, હું છાજીયા લેવરાવું, એમ કહીને
ગવરાવવા માંડયુંઃ–
અરે રોનારાઓ?
મરનારાને શીદ તમે રૂઓ રે?
રોનારા નથી રહેવાના; તમે મરનારાને શીદ રૂઓ રે?
બીજો પ્રસંગઃ–
એક ડાૉકટરનો જુવાન દીકરો મરી ગયો ત્યારે છોકરાની મા ખૂબ રડે–ખૂબ રડે! અને મડદાને
બહાર કાઢવા ન દે, ત્યારે ડોકટર જરાક સમજુ માણસ હતો, તેણે બાયડીને કહ્યું કે બોલ! તારે રડવું છે કોને? આ
દેહમાંથી જે ચાલ્યો ગયો તેને (આત્માને) તો આપણે જીવતા કદી જાણ્યો નથી, અને આ શરીરને
–ત્રણ ફાઇલ–
સંભવ છે કે ઘણા ગ્રાહકો પાસે પહેલા, બીજા કે ત્રીજા વર્ષની ગુજરાતી આત્મધર્મની ફાઇલ નહિ હોય. એથી
જેઓને આત્મધર્મની શરૂઆતથી આજ સુધીના પ્રવચનો તેમજ લેખોનુ વાંચન–મનન કરવુ હોય તેઓ પોતાની પાસે
જે વર્ષની ફાઇલ ન હોય તે વસાવે.
દરેકની કિં રૂા. ૩–૪–૦ ટ.ખ. રજીસ્ટ્રેશન સાથે ૦–૯–૦
પ્રાપ્તિસ્થાનઃ આત્મધર્મ કાર્યાલય, મોટા આંકડિયા– કાઠિયાવાડ.

PDF/HTML Page 6 of 21
single page version

background image
પોષઃ ૨૪૭૩ઃ ૪પઃ
છોકરા તરીકે માન્યું છે તો તું રડે છે કોને? જે શરીરને છોકરા તરીકે માન્યુ હતું તે શરીર તો હજી પડયું છે, અને તું
કહે તો આપણે તેને પટારામાં રાખી મૂકીએ? ત્યારે સ્ત્રી કહે એ મડદું તો સડી જાય! ત્યારે રડે છે કોને? શરીર
ગંધાઈ જાય અને આત્માને જાણ્યો નથી. પોતાને જ ખબર નથી કે ‘હું કોને માટે રડું છું?’ વિચાર જ કરતા નથી.
રોવાથી કાંઈ મરનાર તો પાછા આવનાર નથી, ઊલટું આર્તધ્યાન થશે અને ફરીથી એવો વિયોગ થાય એવા અશુભ
કર્મ બાંધશે; માટે ડાહ્યા પુરુષોએ સંયોગ–વિયોગમાં હર્ષ–શોક કરવો યોગ્ય નથી.
જેમ સૂર્ય અસ્ત થવા માટે ઊગે છે તેમ આ શરીરાદિનો સંયોગ પણ અવશ્ય વિયોગ થવા માટે જ થાય છે;
જે ઉત્પન્ન થાય તેનો નાશ પણ અવશ્ય થાય જ એવો નિયમ છે; માટે સંયોગ–વિયોગમાં ડાહ્યા પુરુષો હર્ષ–શોક
કરતા નથી.
જેમ વૃક્ષમાં ક્રમેક્રમે ડાળીઓ, ફૂલ, ફળ વિગેરે ઋતુ અનુસાર ફાલે છે અને પાછા સૂકાઈ જાય; (ભાદરવા
માસમાં ભીંડો એકદમ ફાલે અને પાછો એકાદ માસ પછી સૂકાઈ જાય છે;) જેમ મનુષ્ય પોત–પોતાના કર્માનુસાર
ઊંચ, નીચ કૂળમાં જન્મે છે અને ત્યાં સ્ત્રી, પુત્રાદિ સૌ સૌના કર્મ પ્રમાણે આવે છે અને ટાણાં આવ્યે ચાલ્યા જાય છે.
અહો હો! આવું અનિત્ય શરીર! છેલ્લું ડચકું લઈને દેહ છોડીને ચાલ્યો જાય ત્યાં પાસે બેઠેલાં તો હજી શરીર
તપાસતા હોય કે નાડી ચાલે છે કે નહીં અર્થાત્ અંદર આત્મા છે કે નહીં! એમ અહીં તપાસતા હોય ત્યાં તો તે જીવનો
બીજે અવતાર પણ થઈ ગયો હોય! કેમકે દેહ છોડતાં જ બીજા ભવનું આયુષ્ય સાથે લઈને ગયો છે, તેથી તરત જ
બીજો દેહ ધારણ કરે છે.
છેલ્લો બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો, તેના પૂર્વના પુણ્યને કારણે ૯૬૦૦૦ તો સ્ત્રીઓ હતી, અને ૧૬૦૦૦ દેવો સેવા
કરતા હતા, તથા ૩૨૦૦૦ તો મોટા શહેનશાહ જેવા રાજાઓ તેની સેવામાં હતા અને અન્નદાતા–અન્નદાતા કરતા
હતા; અને જ્યાં જીવન પૂરૂં થયું ત્યાં પહેલી પળનો અન્નદાતા બીજી પળે અન્ન વગરનો થઈને ગયો સાતમી
અપ્પયઠાણા નરકમાં! ત્યાં અબજો–અબજો વર્ષ સુધી અન્નનો દાણો કે પાણીનું ટીપુંય ન મળે! ક્યાં ૯૬૦૦૦
સ્ત્રીઓ, ૧૬૦૦૦ દેવો અને ૩૨૦૦૦ મોટા રાજાઓ વાળું ચક્રવર્તીનું રાજ અને ક્યાં સાતમી નરક!
ઋષભદેવ ભગવાન તીર્થંકર થવાના હતા, તે પહેલાં રાજપાટમાં હતા, તેમને ચારિત્ર અંગીકાર (મુનિદશા)
પહેલાં વૈરાગ્યનું નિમિત્ત કેવી રીતે બન્યું તેની વાત આ પ્રમાણે છે; – જ્યારે તેમને દીક્ષાનો કાળ થયો ત્યારે ઇન્દ્રે
દેવીઓના નાચમાં એક એવી દેવીને ગોઠવી કે જેનું આયુષ્ય નાચ કરતાં કરતાં જ પૂરું થઈ જવાનું હતું. શ્રીઋષભદેવ
સભામાં હતા અને સામે દેવીઓનું નૃત્ય થતું હતું. ત્યાં નાચ કરતાં કરતાં જ તે દેવીનું આયુષ્ય પૂરૂં થઈ ગયું અને
(દેવ–દેવીનું શરીર એવું હોય છે કે આયુષ્ય પૂરૂં થતાં તેના પરમાણુઓ વીખરાઈ જાય છે) તેનાં શરીરનાં પરમાણુઓ
છૂટા પડી ગયા. ઇન્દ્રે તરત જ તે જગ્યાએ બીજી દેવીને ગોઠવી દીધી, પણ નાચમાં વચ્ચે જરાક ભંગ પડયો તે
શ્રીઋષભદેવના લક્ષમાં આવી ગયું અને ઋષભદેવે તેનું કારણ ઇન્દ્રને પૂછતાં ઈન્દ્રે પ્રથમની દેવીનું આયુષ્ય પૂરૂં
થવાની વાત જણાવી! આ વખતે ઋષભદેવ ભગવાનને વૈરાગ્યનું નિમિત્ત થયું કે અહો! આ ક્ષણભંગુર દેહ! ક્યારે
દેહનો વિયોગ થઈ જશે–એનો ભરોસો નથી! દેહ તો નાશવાન છે. શીઘ્ર આત્મકાર્ય કરવું એ જ શ્રેષ્ટ છે, એમ શ્રી
ઋષભદેવ ભગવાનને વૈરાગ્ય થયો અને ત્યારપછી તુરત જ તેઓએ દીક્ષા લીધી હતી.
જુઓ! નાચમાંથી પણ વૈરાગ્યનું નિમિત્ત મળ્‌યું. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–‘ગમે તેવા તુચ્છ વિષયમાં
પ્રવેશ છતાં ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગવૈરાગ્યમાં ઝંપલાવવું એ છે.’ જ્ઞાનીઓ તો દરેક પ્રસંગમાં વૈરાગ્યની
વૃદ્ધિ જ પામે છે.
– ત્રણ પુસ્તિકા –
પુરુષાર્થ–એક પ્રવચન–કિં. ૦–૪–૦ ટ. ખ. ૦–૧–૦
(શ્રી સદ્ગુરુદેવશ્રીનું સ્વામીકાર્તિકેય ગાથા ૩૨૧–૨૨–૨૩ પર પ્રવચન)
સામાન્ય અને વિશેષ–એક પ્રવચન–
કિં. ૦–૨–૦ ટ. ખ. ૦–૦–૯
(પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનું શ્રુતપંચમીઃ ૨૪૭૧નું વ્યાખ્યાન)
ઉપાદાન નિમિત્ત દોહા કિં. ૦–૧–૦ ટ. ખ. ૦–૦–૯
(ભૈયા ભગવતીદાસ કૃત ૪૭ દોહા અર્થ સાથે)
પ્રાપ્તિસ્થાનઃ આત્મધર્મ કાર્યાલય, મોટા આંકડિયા–કાઠિયાવાડ

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૪૬ઃ આત્મધર્મઃ ૩૯
અત્યાર સુધી બધું અંધકારમાં જ ગાળ્‌યું. અહોહો! અમૃતકુંભ આત્મા તેને ભૂલીને આ
મૃતકકલેવરમાં ચૈતન્ય ભગવાન આત્મા મૂર્છાઈ પડયો!!! જેમ અંધકારમાં નાચ કરે તેને કોઈ દેખી શકે
નહીં અને નાચનારની મહેનત નકામી જાય, તેમ અજ્ઞાનરૂપી અંધકારથી ઘેરાયેલો અજ્ઞાની જીવ, જો કે પૂર્વ
કર્મમાં કાંઈ પણ ફેર પાડવાનો નથી છતાં પરદ્રવ્યમાં અહંભાવ અને કર્તૃત્વભાવ કરીને નાચ કર્યા કરે છે, અને
ફરી અશુભ કર્મો બાંધે છે.
વળી જેમ સર્પ ચાલ્યા પછી તેના લીસોટા ઉપર લાકડી મારવી તે નકામું છે, તેમ સ્ત્રી, પુત્રાદિ મરી ગયા
પછી તેનો શોક કરવો તેમાં કાંઈ પ્રયોજનની સિદ્ધિ નથી; માટે ‘પૂર્વ કર્મ અનુસાર જે પ્રાણીનો જે કાળમાં અંત
આવવાનો હતો તેમ જ બન્યું છે’ એમ શ્રદ્ધા કરીને, હે ભવ્ય જીવો! સંયોગ વિયોગમાં હર્ષ શોક છોડી દઈને
રુચિપૂર્વક આ ધર્મનું આરાધન કરો. જેની પ્રત્યે ‘મારે આના વગર એક મિનિટ પણ નહીં ચાલે’ એમ માનતો હતો
તેના વિના અનંતકાળ ચાલ્યો ગયો છતાં તું તો તે જ છો. અને જેને દુશ્મન ગણીને મોઢું પણ જોવા નહોતો ઇચ્છતો તે
જ જીવ તારા જ ઘરે સ્ત્રી, પુત્રાદિપણે અનંતવાર આવી ગયા; છતાં તારામાં કાંઈ ફેર પડી ગયો નથી. માટે પર પ્રત્યે
રાગ–દ્વેષ કરવો વૃથા છે એમ કહેવાનો આશય છે.
આગળ જતાં આચાર્યદેવ કહે છે કે–પૂર્વકર્મને કારણે પોતાને આવી પડેલા સંયોગોથી છુટવા માટે જે
મહેનત કરે છે તે, જો કે મૂર્ખ તો છે, પરંતુ સ્ત્રી, પુત્રાદિના વિયોગમાં જે શોક કરે છે, તે તો મૂર્ખનો શિરોમણિ
છે, કેમકે તેમાં તો ઉલટું દુઃખ વધે છે નવાં અશુભ કર્મ બંધાય છે; તેથી વિદ્વાનોએ સ્ત્રી આદિના વિયોગમાં શોક
ન કરવો જોઈએ.
હે ભાઈ! આ આખો સંસાર તે ઇન્દ્રજાળ સમાન અનિત્ય છે; અને કેળના થડ જેવો છે. જેમ કેળનાં થડ
ઉપર દેખાય લીલાંછમ અને અંદર હોય પોલા ભમ! તેમ સ્ત્રી, શરીરાદિનો સંયોગ જાણે આવોને આવો કાયમ
રહેશે એમ અજ્ઞાનીને લાગે છે પણ તે તો ક્ષણિક છે એક પળમાં ફરી જશે! હે મૂઢ મનુષ્ય! આ સ્ત્રી, પુત્રાદિ
તેમાં મરે કોણ? શું આત્મા મરે છે? આત્મા તો ત્રિકાળી પદાર્થ છે, તે આ દેહ છોડીને બીજે ઠેકાણે અવતર્યો
છે; છતાં જે આત્માને મરી ગયો એમ માનીને મરનારની પાછળ શોક કરે છે તે આત્માને ક્ષણિક માનનાર
બૌદ્ધ સમાન છે. હે ભાઈ! તું જેે માટે શોક કરે છે, તેે તો પરલોકમાં રહેલાં છે, તે હોવા છતાં તેને માટે શોક
કરવો તે વ્યર્થ છે, માટે સ્ત્રી, પુત્રાદિનો શોક છોડી દઈને આત્મસ્વરૂપની એવી ઓળખાણ કર કે જેથી તને
અવિનાશી અને ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય.
જો સંસાર સંંબંધી એકપણ ચીજનો સંયોગ સારભૂત કે નિત્ય રહેતો હોત તો તો જે શોક કરે છે તે વ્યર્થ ન
હોત, પણ સંસારમાં કોઈ પણ ચીજ એવી તો નથી કે જેનો સંયોગ કાયમ ટકી રહે! સંસારમાં તો દરેક ચીજનો
સંયોગ અને વિયોગ થયા જ કરે છે; માટે આત્માની શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતારૂપ રત્નત્રયીનું આરાધન કરો! એ જ
શાશ્વત સુખના દેનાર છે. પરવસ્તુમાં મારાપણું માનીને તેના વિયોગ વખતે અજ્ઞાની મફતો દુઃખી થાય છે; આ
સંબંંધમાં એક ગાંડાનું દ્રષ્ટાંતઃ– કોઈ ગાંડો માણસ નદીને કિનારે બેઠો હતો ત્યાંં કોઈ રાજાના લશ્કરે પડાવ નાખ્યો,
તેમાં હાથી, ઘોડા, રથ વગેરે હતું; ગાંડો વિચાર કરવા લાગ્યો કે આ બધું મારૂં લશ્કર આવ્યું, આ રથ મારો, આ હાથી
મારો એમ તે બધાને પોતાનું માની બેઠો; આ લશ્કર તો તેનો વખત થતાં ચાલતું થયું, તેને જતું જોઈને ગાંડો કહે–
અરે! કેમ ચાલ્યા જાવ છો? લશ્કરના માણસો સમજી ગયા કે આ કોઈ ગાંડો છે; લશ્કર વગેરે તેના પોતાના કારણે
આવ્યા હતા અને પોતાના કારણે ચાલ્યા જાય છે. તેમ જ્યાં આ જીવ જન્મે છે
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી પ્રકાશિત ગ્રંથો નીચેના સ્થળોએથી પણ મળશે...
૧. મુંબઈઃ– “શ્રીકુંદકુંદ સ્ટોર્સ” સ્વદેશી માર્કેટ, શમી ગલી, કાલબાદેવી રોડ.
૨. અમદાવાદઃ– શાહ ન્યાલચંદ મલુકચંદઃ કાળુપુર પોસ્ટ ઓફિસ પાસે, અમૃત ભુવન–ત્રીજે માળે.
૩. કરાંચીઃ– શેઠ મોહનલાલ વાઘજી. સુતાર સ્ટ્રીટ, રણછોડ લાઈન.
૪. ગોંડલઃ– ખત્રી વનમાળી કરસનજી, કાપડના વેપારી.
આ ઉપરાંત વીંછીયા, લાઠી, વઢવાણ કેમ્પ અને વઢવાણ શહેરના શ્રી જૈન સ્વાધ્યાય મંદિરેથી પણ મળી
શકશે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
પોષઃ૨૪૭૩ઃ ૪૭ઃ
ત્યાં બીજા સંયોગો એના પોતાના કારણે આવી મળે છે, અને તેનો વખત પૂરો થતા ચાલ્યા જાય છે; ત્યાં ગાંડાની
જેમ અજ્ઞાની જીવ ‘મારૂં મારૂં’ કરીને દુઃખી થઈ રહ્યો છે. ‘જેણે જોડી તેણે તોડી’ આ શરીર આવ્યું અને તે છૂટયું.
શરીર ન છૂટે તો શું જ્ઞાન છૂટે? જેનો સંયોગ થયો હતો તેનો જ વિયોગ થાય છે. સંયોગ વખતે જેમાં સુખ માન્યું હશે
તેના વિયોગ વખતે દુઃખ થયા વિના રહેશે નહીં. પણ જો સંયોગ વખતે જ વિયોગનું ભાન હશે તો વિયોગ વખતે
આકૂળતા થશે નહીં. સંયોગ–વિયોગ તે સુખ–દુઃખનું કારણ નથી, પણ કલ્પનામાં સુખ–દુઃખ અજ્ઞાની માને છે.
મનુષ્યપણું મળવું એ તો અનંત અનંતકાળે દુર્લભ છે; એ દુર્લભ મનુષ્યપણું તો મળ્‌યું છે, પણ મનુષ્ય થયો
એમાં શું દાળિયા થયા? મનુષ્યપણું પામીને જો જન્મ–મરણના નાશનું કારણ એવું સમ્યગ્દર્શન કરી લ્યે તો મનુષ્યપણું
સાર્થક છે. મનુષ્યપણું અનંતકાળે દુર્લભ, તેમાં પણ ઘણા જીવો તો ગર્ભમાં જ મરી જાય છે, કેટલાક જન્મતા જ મરી
જાય છે, કોઈ બાલ્યાવસ્થામાં મરી જાય છે, અને લાંબુ આયુષ્ય હોય તેમાં ઘણા તો માંસાહારી કુળમાં અને ઘણા
ચાંડાળ કુળમાં જન્મે છે તેમને તો ધર્મ સમજવાની વૃત્તિ જ થતી નથી હોતી. આચાર્યદેવ કહે છે કે સંસારના દુઃખોથી
મુક્ત કરવામાં આત્મભાન સિવાય જગતમાં કોઈ સમર્થ નથી. માટે આત્મભાન એ જ પ્રથમ કર્તવ્ય છે.
વીસ વર્ષનો દીકરો છ મહિનાની પરણેતર બાયડીને મૂકી મરી જાય ત્યાં પાછળના શોક અને આર્તધ્યાન
કરે! કેમ જાણે પોતાને તો દેહ છોડવાનો જ ન હોય? છોકરો તારો હતો જ ક્યારે કે રહે? શું આત્માને દીકરો કે બાપ
હોય? બીજાનું શું થયું તે જોવા બેઠો છો પણ પોતાનું શું થાય છે તે જોતો નથી! ભાઈ! પરનું તો અનાદિથી જોતો
આવ્યો છો, પણ તારૂં શું થઈ રહ્યું છે તે તો હવે જો! એક ધર્મ જ આત્માને ધારી રાખે છે. ધર્મ એ જ આત્માને
શરણભૂત છે. (ધર્મ=સ્વભાવ).
એક ૮૦ વર્ષની ડોશી હતી તેને કોઈ ન હતું, માત્ર એકનો એક છોકરો હતો; તે છોકરો લાકડાં કાપીને બંનેની
આજીવિકા ચલાવતો અને જંગલમાં ઝુંપડી હતી તેમાં પડયાં રહેતાં. એકવાર લાકડાં કાપતાં તેના છોકરાને સર્પ
કરડયો, ડોસીને ખબર પડી ત્યાં તો એકદમ રોવા લાગી અને માથું કૂટવા લાગી. પણ ત્યાં જંગલમાં શરણ કોણ!
શરણભૂત એવું જે પોતાનું સ્વરૂપ છે તેનાં તો ભાન ન મળે અને બહારમાં શરણ માની રાખ્યાં છે, પણ બહારમાંથી
શરણ મળે તેમ નથી.
હે બુદ્ધિમાન પુરુષો! પ્રિય વસ્તુના સંયોગમાં હર્ષ કે વિયોગમાં શોક કરવાથી શું ફાયદો છે? અર્થાત્ કાંઈ જ નથી.
મનુષ્યો મોટા મોટા પર્વતો ઓળંગી જાય છે. વિશાળ નદીઓ પણ તરી જાય છે પરંતુ મરણકાળમાં એક
ક્ષણનો ફેર પાડવા કોઈ દેવ પણ સમર્થ નથી. મિથ્યાદ્રષ્ટિ દેવ હોય તે તો મરણટાણાં આવ્યે ઝુરે છે! કેમકે દેવપણામાં
મળેલી સામગ્રીના ભોગવટામાં જ જીવન પુરૂં કર્યું છે તેથી તેના વિયોગ ટાણે ઝુરે છે. અને જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ દેવ હોય
તે તો દેહ છૂટવા ટાણે શાશ્વત જિનદેવની પ્રતિમા પાસે જાય, ત્યાં ખૂબ ભક્તિ કરે કે ‘અહો! જિનદેવ! આપ પૂર્ણ
થઈ ગયા, અમારા સ્વરૂપની ભાવના અધૂરી રહી ગઈ, હવે મનુષ્ય થઈને અમારી આરાધના પૂર્ણ કરશું’ એમ ખૂબ
ભક્તિ કરીને જિન પ્રતિમાજીના ચરણકમળમાં મસ્તક નમાવી દીએ અને ત્યાં જ દેહના પરમાણુઓ છુટા પડી જાય.
આમ જ્ઞાની અને અજ્ઞાનીના મરણમાં મોટો આંતરો છે.
જન્મ–મરણ તે તો જગતનું સ્વરૂપ છે, તેમાં બીજું લાવીશ ક્યાંથી? સંસારમાં જન્મ–મરણ ન હોય તો શું
સિદ્ધને હોય? સંસારમાં તો જન્મ–મરણ થયા જ કરે; માટે ધર્માત્માએ સ્ત્રી, પુત્રાદિના સંયોગમાં હર્ષ કે વિયોગમાં
શોક ન કરતાં આત્માનું–ધ્યાન કરવું, આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરવાં એ જ યોગ્ય છે.
* * * * * * * *
ઃ નીતિનું સ્વરૂપઃ
દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવે પોતાથી છે અને પરવસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવે તે
વસ્તુ નથી; તેથી દરેક વસ્તુ પોતાનું જ કાર્ય કરી શકે–એમ જાણવું તે ખરી નીતિ છે.
જિનેન્દ્રદેવે કહેલું અનેકાન્તસ્વરૂપ, પ્રમાણ અને નિશ્ચય–વ્યવહારરૂપનય એ ખરી નીતિ છે. જે
સત્પુરુષો અનેકાન્ત સાથે સુસંગતદ્રષ્ટિ વડે અનેકાન્તમય વસ્તુસ્થિતિને દેખે છે તેઓ સ્યાદ્વાદની શુદ્ધિને
પામીને જિન નીતિને એટલે કે જિનેન્દ્રદેવના માર્ગને–ન્યાયને નહિ ઉલ્લંઘતા થકા જ્ઞાનસ્વરૂપ થાય છે. (મો.
શા. ગુ. ટી. પા. ૪૦)

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૪૮ઃ આત્મધર્મઃ ૩૯
જિન સૂત્રમાં નિશ્ચય અને વ્યવહારની કથન શૈલિ
(અષ્ટપ્રાભૃત, સૂત્રપ્રાભૃત ગાથા ૬, પા. પપ થી પ૯)
ભાવાર્થ જિનસૂત્રને વ્યવહાર અને પરમાર્થ સ્વરૂપે
જાણીને યોગીશ્વર મુનિઓ કર્મનો નાશ કરી અવિનાશી
સુખરૂપ મોક્ષ પામે છે.
જિનસૂત્રમાં પરમાર્થ અર્થાત્ નિશ્ચય અને વ્યવહારનું
સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે–
ચાર અનુયોગરૂપ શાસ્ત્રોમાં જિન–આગમની વ્યાખ્યા
બે પ્રકારે સિદ્ધ છે–એક આગમરૂપ અને બીજી
અધ્યાત્મરૂપ. જ્યાં સામાન્ય–વિશેષરૂપે સર્વ પદાર્થોનું
પ્રરૂપણ કરવામાં આવે તે આગમરૂપ છે, અને જ્યાં એક
આત્માના જ આશ્રયે નિરુપણ કરવામાં આવે તે
અધ્યાત્મ છે. તથા જિનઆગમની વ્યાખ્યાના અહેતુવાદ
અને હેતુવાદ એવા પણ બે પ્રકાર છે. તેમાં કેવળ
સર્વજ્ઞદેવની આજ્ઞાવડે જ જે કથનની પ્રમાણતા માનીએ
તે અહેતુવાદ છે અને પ્રમાણનય વડે વસ્તુની નિર્બાધ
સિદ્ધિ કરીને જે કથન માનીએ તે હેતુવાદ છે. આવા
પ્રકારના આગમમાં નિશ્ચય વ્યવહાર વડે કેવું વ્યાખ્યાન
છે તે અહીં કેટલુંક લખીએ છીએ–
આગમરૂપ શાસ્ત્રોમાં નિશ્ચય–વ્યવહારની કથન
શૈલિ
જ્યારે આગમરૂપ સર્વ પદાર્થોના વ્યાખ્યાન પર
નિશ્ચય વ્યવહાર લગાડીએ ત્યારે વસ્તુનું સ્વરૂપ સામાન્ય
વિશેષરૂપ અનંતધર્મ સ્વરૂપ છે તે જ્ઞાનગમ્ય છે, તેમાં
સામાન્યરૂપ તો નિશ્ચયનયનો વિષય છે અને જેટલું
વિશેષરૂપ છે તેને ભેદરૂપ કરીને જુદા જુદા કહેવા તે
વ્યવહારનયનો વિષય છે. તેને (સામાન્ય વિશેષરૂપ
વસ્તુને) દ્રવ્ય–પર્યાય સ્વરૂપ પણ કહેવાય છે.
જે વસ્તુને વિવક્ષિત કરીને સાધવામાં આવે તે
વસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવપણે જે કાંઈ સામાન્ય–
વિશેષરૂપ વસ્તુનું સર્વસ્વ હોય તે તો નિશ્ચય–વ્યવહારવડે
ઉપર કહ્યું તે રીતે સધાય છે–જણાય છે. અને તે વિવક્ષિત
વસ્તુને કોઈ અન્ય વસ્તુના સંયોગરૂપ અવસ્થા હોય તેને
(અન્ય વસ્તુને) તે વિવક્ષિત વસ્તુરૂપ કહેવી તે પણ
વ્યવહાર છે, તેને ‘ઉપચાર’ પણ કહેવાય છે; તેનું
ઉદાહરણ આ પ્રમાણે–
જ્યારે ‘ઘડા’ નામની એક વિવક્ષિત વસ્તુ ઉપર
નિશ્ચય–વ્યવહાર લગાડીએ ત્યારે તે ઘડાના દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ–ભાવરૂપ સામાન્ય–વિશેષરૂપ જે કાંઈ ઘડાનું સર્વસ્વ
છે તે, ઉપર જણાવ્યા મુજબ, નિશ્ચય–વ્યવહારવડે કહેવું તે
તો નિશ્ચય–વ્યવહાર છે અને ઘડાને કોઈ અન્ય વસ્તુના
લેપથી તે ઘડાને તે અન્ય વસ્તુના નામથી કહેવો, તેમ જ
અન્ય વસ્ત્ર વગેરેમાં ઘડાનો આરોપ કરીને તેને પણ ઘડો
કહેવો તે પણ વ્યવહાર છે.
વ્યવહારના બે આશ્રય છે–એક પ્રયોજન અને બીજો
નિમિત્ત. તેમાં, પ્રયોજન સાધવા માટે કોઈ અન્ય વસ્તુને
‘ઘડો’ કહેવી તે તો પ્રયોજનાશ્રિત વ્યવહાર છે અને કોઈ
અન્ય વસ્તુના નિમિત્તથી ઘડાની જે અવસ્થા થઈ તે
અવસ્થાને ઘડારૂપ કહેવી તે નિમિત્તાશ્રિત વ્યવહાર છે.
આ પ્રમાણે જીવ–અજીવ સર્વ વિવક્ષિત વસ્તુઓ પર
નિશ્ચય–વ્યવહાર લગાડવા.
આ રીતે આગમરૂપ શાસ્ત્રના નિશ્ચય–વ્યવહારનું
સ્વરૂપ બતાવ્યું, હવે અધ્યાત્મરૂપ શાસ્ત્રોના નિશ્ચય–
વ્યવહારનું સ્વરૂપ કહે છે.
અધ્યાત્મરૂપ શાસ્ત્રોમાં
નિશ્ચય–વ્યવહારની કથન શૈલિ
જ્યાં એક આત્માને જ પ્રધાન કરીને નિશ્ચય–વ્યવહાર
લગાડવા તે અધ્યાત્મ છે. ત્યાં જીવ સામાન્યને (–દરેક
જીવને) પણ આત્મા કહેવાય છે અને જે જીવ અન્ય સર્વ
જીવોથી પોતાનો ભિન્ન અનુભવ કરે તેને પણ આત્મા
કહેવાય છે. જ્યારે પોતાનો સર્વથી ભિન્ન અનુભવ
કરીને પોતાના આત્મા ઉપર નિશ્ચય વ્યવહાર
લગાડવામાં આવે ત્યારે આ પ્રમાણે–
આત્મા પોતે અનાદિ અનંત અવિનાશી સર્વ દ્રવ્યોથી
ભિન્ન એક સામાન્ય વિશેષરૂપ અનંત ધર્માત્મક–દ્રવ્ય–
પર્યાયાત્મક જીવ નામની શુદ્ધ વસ્તુ છે, તે કેવી છે? શુદ્ધ
દર્શન–જ્ઞાનમયી ચેતનાસ્વરૂપ અસાધારણ ધર્મ સહિત
અનંત શક્તિની ધારક છે, તેમાં સામાન્ય ભેદ ચેતના–
અનંત શક્તિનો સમૂહ તે દ્રવ્ય છે; અનંતજ્ઞાન, દર્શન,
સુખ, વીર્ય–કે જે ચેતનાના વિશેષ છે તે ગુણ છે; અને
અગુરુલઘુ ગુણદ્વારા ષટ્સ્થાનપતિત હાનિ–વૃદ્ધિરૂપ
પરિણમતા જીવના ત્રિકાલાત્મક અનંત પર્યાયો છે. એવી
જીવ નામની વસ્તુ સર્વજ્ઞદેવે દેખી છે તે આગમમાં પ્રસિદ્ધ
છે; તે તો એક અભેદરૂપ શુદ્ધનિશ્ચયનયના વિષયભૂત
જીવ છે. જ્યારે આ દ્રષ્ટિ વડે (નિશ્ચયનય વડે) અનુભવ
કરવામાં આવે ત્યારે તો જીવ આવો છે.
–અને વસ્તુના અનંત ધર્મોમાંથી ભેદરૂપ કોઈ એક
ધર્મને લક્ષમાં લઈને કહેવું તે વ્યવહાર છે.
આત્મવસ્તુને અનાદિથી પુદ્ગલ કર્મનો સંયોગ છે,
તેના નિમિત્તથી વિકારભાવની ઉત્પત્તિ છે, તેના
નિમિત્તથી રાગ–દ્વેષરૂપ વિકાર થાય છે તેને વિભાવ
પરિણતિ કહેવાય છે, તેને લીધે ફરીથી નવાં કર્મોનો
બંધ થાય છે; આ રીતે અનાદિ નિમિત્ત–નૈમિત્તિકભાવ
વડે ચતુર્ગતિરૂપ સંસારના ભ્રમણરૂપ પ્રવૃત્તિ થાય છે,
તેમાં જે ગતિને પ્રાપ્ત થાય તેવું નામ જીવને કહેવામાં
આવે છે, તથા જેવા રાગા–

PDF/HTML Page 10 of 21
single page version

background image
પોષઃ૨૪૭૩ઃ ૪૯ઃ
દિકભાવ થાય તેવું નામ જીવને કહેવામાં આવે છે. જ્યારે દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવની બાહ્ય–અંતરંગ સામગ્રીનું નિમિત્ત
પામીને શુદ્ધ નિશ્ચયનયના વિષયસ્વરૂપ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણીને શ્રદ્ધા કરે અને કર્મસંયોગનું અને તેના
નિમિત્તથી થતા પોતાના ભાવોનું યથાર્થ સ્વરૂપ જાણે ત્યારે ભેદજ્ઞાન પ્રગટે, પરભાવોથી વિરક્ત થાય તથા તે
પરભાવને મટાડવાનો ઉપાય સર્વજ્ઞના આગમથી યથાર્થ સમજીને તે ઉપાય અંગીકાર કરે, ત્યારે પોતાના સ્વભાવમાં
સ્થિર થઈને અનંતચતુષ્ટય પ્રગટ કરે અને સર્વ કર્મનો ક્ષય કરીને લોક–શિખરે બિરાજે ત્યારે જીવ મુક્ત થયો
કહેવાય, તેને સિદ્ધ પણ કહેવાય છે. આ પ્રમાણે જેટલી સંસારની અવસ્થા અને આ મુક્ત અવસ્થા એવા ભેદરૂપે
આત્માને નિરૂપે છે તે પણ વ્યવહારનયનો વિષય છે, અધ્યાત્મશાસ્ત્રોમાં તેને ‘અભૂતાર્થ, અસત્યાર્થ એમ કહીને
વર્ણન કર્યું છે; કેમકે શુદ્ધ આત્મામાં સંયોગજનિત જે અવસ્થા થાય તે તો અસત્યાર્થ જ છે, કંઈ શુદ્ધ વસ્તુનો તો તે
સ્વભાવ નથી માટે અસત્ય જ છે. વળી નિમિત્તની અપેક્ષાથી જે અવસ્થા થઈ તે પણ આત્માના જ પરિણામ છે, અને
જે આત્માના પરિણામ છે તે આત્મામાં જ છે તેથી તેને કથંચિત્ સત્ય પણ કહેવાય છે; પરંતુ જ્યાં સુધી ભેદજ્ઞાન ન
હોય ત્યાં સુધી આ દ્રષ્ટિ (પર્યાયદ્રષ્ટિ) છે, ભેદજ્ઞાન થયા પછી જેમ છે તેમ જાણે છે.
વળી જે દ્રવ્યરૂપ પુદ્ગલકર્મ છે તે આત્માથી જુદા જ છે અને તેને લીધે શરીરાદિકનો સંયોગ છે તે પણ
આત્માથી પ્રગટપણે ભિન્ન છે, તેને આત્માના કહીએ છીએ–એવો આ વ્યવહાર પ્રસિદ્ધ જ છે, તેને અસત્યાર્થ એટલે
કે ઉપચાર કહેવાય છે. કર્મના સંયોગજનિત જે ભાવ છે તે સર્વે નિમિત્તાશ્રિતવ્યવહારનો વિષય છે, અને ઉપદેશ
અપેક્ષાએ તેને પ્રયોજનાશ્રિત પણ કહેવાય છે.
આ પ્રમાણે નિશ્ચય–વ્યવહારનું સંક્ષિપ્ત સ્વરૂપ છે.
જ્યાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો ત્યાં એમ સમજવું કે તે ત્રણેય એક આત્માના જ ભાવ છે
તેથી તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ આત્માનો જ અનુભવ થવો તે તો નિશ્ચય મોક્ષમાર્ગ છે; તેમાં પણ જ્યાં
સુધી અનુભવની સાક્ષાત્ પૂર્ણતા ન થાય ત્યાં સુધી એકદેશરૂપ મોક્ષમાર્ગ હોય તેને કથંચિત્ સર્વદેશરૂપ મોક્ષમાર્ગ
કહેવો તે વ્યવહાર છે, અને તે એકદેશને એકદેશરૂપે કહેવો તે નિશ્ચય છે. વળી દર્શન–જ્ઞાન–ચારિત્રને ભેદરૂપ કહીને
તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે, તેમ જ બાહ્ય પરદ્રવ્યરૂપ જે દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ તેના નિમિત્ત છે તેને દર્શન–
જ્ઞાન–ચારિત્ર નામથી કહેવાં તે વ્યવહાર છે; દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવું, જીવાદિક તત્ત્વોની શ્રદ્ધાને
સમ્યગ્દર્શન કહેવું, શાસ્ત્રના જ્ઞાનને એટલે કે જીવાદિક પદાર્થોના જ્ઞાનને સમ્યગ્જ્ઞાન કહેવું ઇત્યાદિ, તથા પાંચ
મહાવ્રત–પાંચ સમિતિ–ત્રણ ગુપ્તિરૂપ પ્રવૃત્તિને ચારિત્ર કહેવું અને બાર પ્રકારના તપને તપ કહેવું–આવી રીતે ભેદરૂપ
તથા પરદ્રવ્યના આલંબનરૂપ જે પ્રવૃત્તિ છે તે સર્વેને અધ્યાત્મ શાસ્ત્રની અપેક્ષાએ વ્યવહાર નામથી કહેવામાં આવે
છે; કેમ કે વસ્તુના એકદેશને વસ્તુ કહેવી તે પણ વ્યવહાર છે અને પરદ્રવ્યના આલંબનરૂપ પ્રવૃત્તિને તે વસ્તુના (સ્વ
વસ્તુના) નામથી કહેવી તે પણ વ્યવહાર છે.
વળી અધ્યાત્મશાસ્ત્રોમાં એવું પણ વર્ણન છે કે–અનંતધર્મરૂપ વસ્તુ છે તેને સામાન્ય–વિશેષરૂપે તેમજ દ્રવ્ય–
પર્યાયરૂપે વર્ણવવામાં આવે છે. ત્યાં વસ્તુને દ્રવ્યમાત્ર કહેવી અથવા પર્યાયમાત્ર કહેવી તે વ્યવહારનો વિષય છે; અને
દ્રવ્યનો તેમજ પર્યાયનો પણ નિષેધ કરીને વસ્તુને વચનઅગોચર કહેવી તે નિશ્ચયનયનો વિષય છે; તથા જે વસ્તુ
દ્રવ્યરૂપ છે તે જ પર્યાયરૂપ છે–એમ બંનેને પ્રધાન કરીને કહેવું તે પ્રમાણનો વિષય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે–
જેમ કે–જીવને ચૈતન્યરૂપ નિત્ય એક અસ્તિરૂપ ઇત્યાદિ અભેદમાત્ર કહેવો તે તો દ્રવ્યાર્થિકનયનો વિષય છે;
અને જ્ઞાનદર્શનરૂપ, અનિત્ય, અનેક, નાસ્તિત્વરૂપ ઇત્યાદિ ભેદરૂપ કહેવો તે પર્યાયાર્થિકનયનો વિષય છે. (આ
દ્રવ્યાર્થિક તેમજ પર્યાયાર્થિક તે બંનેનો સમાવેશ વ્યવહારનયમાં સમજવો) અને તે બંને પ્રકારની પ્રધાનતાના
નિષેધમાત્ર વચન અગોચર કહેવો તે નિશ્ચયનયનો વિષય છે; અને તે બંને પ્રકારને પ્રધાન કરીને કહેવું તે પ્રમાણનો
વિષય છે,–ઇત્યાદિ.
આ પ્રમાણે નિશ્ચય–વ્યવહારનું સામાન્ય સંક્ષિપ્ત સ્વરૂપ છે તે સમજીને, જે પ્રમાણે આગમ અધ્યાત્મ
શાસ્ત્રોમાં વિશેષપણે વર્ણન હોય તે પ્રમાણે તેને સૂક્ષ્મદ્રષ્ટિવડે સ્યાદ્વાદ છે, અને નયોને આશ્રયે તેનું કથન છે. ત્યાં
નયોનો પરસ્પર વિરોધ છે તેને સ્યાદ્વાદ મટાડે છે; નયોના વિરોધનું તથા અવિરોધનું સ્વરૂપ જાણવું. *

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ પ૦ઃ આત્મધર્મઃ ૩૯
श्री सर्वज्ञाय नमः।। ।। श्री वीतरागाय नमः
શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ પ સુધીના ધાર્મિક દિવસો દરમિયાન થયેલા
શ્રી સમયસારજી ગાથા ૧૩ તથા શ્રી પદ્મનંદી પંચવિંશતિકા શાસ્ત્રના ઋષભજિનસ્તોત્ર ઉપરનાં
વ્યાખ્યાનો અને ચર્ચાઓનો–ટૂંકસાર–લેખાંકઃ ૩
(આ લેખના નં. ૪પ સુધીના ફકરા અંક ૩૭માં આવી ગયા છે, ત્યારપછી અહીં આપવામાં આવે છે)
(૪૬) જિનભક્તિ
જિનમાર્ગમાં હંમેશા જિનેન્દ્રદેવના દર્શન કરવાનો સનાતન રિવાજ છે. પ્રથમ દેવદર્શન પછી ગુરુ વંદન અને
શાસ્ત્રશ્રવણ–એવો માર્ગ છે. જ્ઞાન મેળવવા માગે, પણ દેવ–ગુરુ–શાસ્ત્રનો વિનય કરતાં ન આવડે તો જ્ઞાન થાય નહિ.
પ્રભુદર્શનના ભાવ કરે નહિ, જ્ઞાની પ્રત્યે બહુમાન આવે નહિ તેને જ્ઞાન પરિણમે નહિ. સમ્યગ્જ્ઞાનના ધારક જ્ઞાની ગુરુ,
તેમના ગુરુ આચાર્યભગવંત અને તેમના પણ પરમ ગુરુ શ્રીસીમંધરાદિ જિનેન્દ્ર ભગવંતો–તેમના પ્રત્યે ભક્તિનો વિવેક
ન ઊગે તો જ્ઞાન ક્યાંથી પરિણમે? સંસારમાં સ્ત્રી, પૈસા વગેરે ખાતર જેટલી અર્પણતા અને હોંશ છે તથા તેના વિરહનું
જેટલું વેદન થાય છે તેટલી અર્પણતા, હોંશ અને વિરહનું વેદન જ્ઞાનીઓ પ્રત્યે જેને નથી તેને જ્ઞાનની સાચી ઝંખના જ
નથી. પૂર્ણ જ્ઞાનસ્વરૂપ જે સાક્ષાત્ જિનપ્રતિમા બિરાજે છે તેમના પ્રત્યે પણ ભક્તિ, દર્શનાદિનો ઉલ્લાસ ભાવ આવતો
નથી અને માત્ર જ્ઞાનની વાતો કરે છે તેને જ્ઞાન પ્રગટશે નહિ. જિનભક્તિ વગર જ્ઞાનને ક્યાં સંઘરશો? જિનભક્તિ અને
જ્ઞાનીની ભક્તિ વગર જ્ઞાન ઠરશે નહિ. જ્યાં પહેલું પગથિયું પણ નથી ત્યાં સમ્યગ્જ્ઞાન વગેરે હોય નહિ. જ્ઞાનને માટે જે
અપર્ણતા, ભક્તિ અને આત્મઝંખના જોઈએ તે નથી માટે જ જ્ઞાન અટકયું છે.
(૪૭) સ્વભાવની એકતા
હું એક શુદ્ધ સદા ચૈતન્યસ્વરૂપ છું, રાગ થાય તેનાથી જુદો ચૈતન્ય જ્ઞાતા જ છું–એવી શ્રદ્ધાપૂર્વક સ્વભાવની
એકતા કરવા માટે જિજ્ઞાસુ જીવોને પ્રથમ ભૂમિકામાં, સ્વભાવને પામી ચૂકેલા એવા સત્દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે ભક્તિ
ઉછળ્‌યા વગર રહે નહિ. છતાં જે રાગ છે તે મોક્ષમાર્ગ નથી પણ સ્વભાવની એકતા તે જ મોક્ષમાર્ગ છે. સ્વભાવમાં
એકતાનું ફળ મોક્ષ અને વિકારમાં એકતાનું ફળ સંસાર છે. અનાદિકાળથી જે અવતાર છે તે સ્વભાવને ભૂલીને
વિકારમાં એકતાને લીધે જ થાય છે, પણ વિકાર રહિત આખો શુદ્ધસ્વભાવ છે તેની એકતા તે જ મોક્ષ છે; પ્રથમ અંશે
એકતા તે સમ્યગ્દર્શન છે અને પછી વિશેષ એકતા થતાં સમ્યક્્ચારિત્ર પ્રગટે છે અને પૂર્ણ એકતા થતાં કેવળજ્ઞાન થઈ
મોક્ષ થાય છે.
(૪૮) પાનું ફરે ને મોતી ઝરે
સ્વભાવની રુચિપૂર્વક સત્દેવ–ગુરુ–શાસ્ત્રનો પ્રેમ ઊછળી નીકળે છે ત્યારે નવતત્ત્વની શ્રદ્ધા હોય છે અને ત્યાર
પછી રુચિના જોરે સમ્યગ્દર્શન પ્રગટતાં સ્વભાવની એકતા થાય છે. જેમ વેપારી બોલે છે કે–ચોપડાનું પાનું ફરે ને મોતી
ઝરે, તેમ સમ્યગ્દર્શન વડે સ્વભાવની એકતા થતાં પર્યાય પરિણમે ને પવિત્રતા પ્રગટે.
(૪૯) જિન પ્રવચનમાતા હુલરાવે છે...
જેમ બાળકને પુષ્ટ કરવા માટે માતાના સ્તનનું દૂધ પથ્ય છે તેમ અનંતકાળથી જન્મ–મરણમાં રખડતાં આત્માને
સમ્યગ્જ્ઞાન વડે પુષ્ટ થવા માટે આ સ્વભાવની વાત માતાના સ્તનનાં દૂધ સમાન પથ્ય છે. માતાના સ્તનનું દૂધ પીને જેમ
બાળક પુષ્ટ થાય છે તેમ સ્વભાવની રુચિ વડે તત્ત્વ–શ્રવણ કરીને આત્મા પુષ્ટ થાય છે.
જગતમાં બાળકને સુવડાવવા માટે માતા ગાણાં ગાતી ગાતી હૂલરાવે છે; પણ અહીં તો શ્રી જિનપ્રવચન માતા
આત્મસ્વભાવને જાગૃત કરવા માટે હૂલરાવે છે. ભગવાનના દિવ્ય વચનોરૂપી જિનપ્રવચન માતા આત્માના સમ્યગ્જ્ઞાનનું
પોષણ કરી કરીને જન્મ–મરણનાં દુઃખથી ઉદ્ધાર કરે છે. પ્રવચનમાતા જ આત્માના સમ્યગ્જ્ઞાનને પોષનારી છે.
પ્રવચનમાતા આત્મસ્વભાવને જાગૃત કરવા માટે કઈ રીતે હૂલરાવે છે? પ્રવચનમાતા કહે છે કે–હે આત્મન! તું સિદ્ધ છો,
તું જ્ઞાનરૂપ છો, તારા ચૈતન્ય પદ પાસે ત્રણ જગતનનું રાજ તુચ્છ છે, તું સ્વાધીન છો; પરિપૂર્ણ છો; તું તારા સ્વરૂપના
મહિમા વડે સ્વભાવમાં એકતા કર, રાગમાં અટકવાથી તારા ચૈતન્ય સ્વભાવની

PDF/HTML Page 12 of 21
single page version

background image
પોષઃ૨૪૭૩ઃ પ૧ઃ
એકતા થતી નથી. તારો સ્વભાવ નિરાલંબી છે, તે સ્વભાવના અવલંબન વડે જ તારી શોભા છે, સ્વભાવના
અવલંબનથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટીને પૂર્ણ પરમાત્મ દશા પ્રગટે છે. તારો સ્વભાવ પરથી નભતો નથી
અને પરથી દુભાતો નથી; ચૈતન્ય તત્ત્વ પરની અપેક્ષા રાખતું નથી.
(પ૦)...પણ આત્મા જાણ્યો નહિ
આત્મા પોતે સ્વભાવથી ભગવાન છે. દરેક આત્મા પોતાની શક્તિનું ભાન કરીને તે શક્તિના વિકાસદ્વારા
પોતે પરમાત્મા થઈ શકે છે, આવી સ્વતંત્રતાની જાહેરાત જૈનદર્શન સિવાય ક્યાંય નથી. જો પોતે પોતાની શક્તિની
ઓળખાણ ન કરી તો જીવનમાં શું કર્યું? આત્માનો જ્ઞાનસ્વભાવ પરિપૂર્ણ જાણવાનો છે પરંતુ અનાદિથી પોતે
પોતાને ભૂલીને જ્ઞાનનો ઉપયોગ પર તરફ કરી રહ્યો છે; પર વસ્તુમાં જ્ઞાનનું ડહાપણ બતાવે છે પરંતુ પોતાના
સ્વસામર્થ્યના ભાન વગર અનંતકાળથી સંસારમાં રખડી રહ્યો છે. કહ્યું છે કે–
પરખ્યાં માણેક મોતિયાં, પરખ્યાં હેમ કપુર,
એક ન પરખ્યો આત્મા ત્યાં રહ્યો દિગ્મૂઢ.
અનંતકાળથી સંસારમાં રખડતાં જ્ઞાનના ઉઘાડવડે હીરા અને માણેક વગેરે પરખવામાં ચતુરાઈ મેળવી,
પરંતુ ચૈતન્ય હીરો એવો પોતાનો આત્મા તેને કદી જાણ્યો નથી. ચૈતન્યને ઓળખ્યા વગર જે જાણ્યું તે બધું
જાણપણું ધૂળમાં ગયું છે, તેનાથી આત્માને લાભ થયો નથી. જો એકવાર પણ ચૈતન્યને જાણે તો તેના સંસારનો
અંત આવી જાય. જેણે એક આત્મા જાણ્યો તેણે જાણવાયોગ્ય બધું જ જાણ્યું છે, જેણે એક આત્મા મેળવ્યો તેણે
મેળવવાયોગ્ય બધું જ મેળવી લીધું. એટલે આ જગતમાં જાણવાયોગ્ય હોય તો એક આત્મા જ છે અને મેળવવા
યોગ્ય એક આત્મા જ છે.
(પ૧) બુદ્ધિ વગરના બાવા થઈને...
આત્માને જાણ્યા વગર રાગ મંદ પાડીને ત્યાગી થાય તોપણ તેણે આત્માને ખાતર કાંઈ જ કર્યું નથી. એ તો
‘બુદ્ધિ વગરના બાવા થઈને ભવસાગરમાં ડૂબી મૂઆ’ એના જેવું કર્યું છે. આત્માનું તો ભાન ન કરે અને રાગ
ઘટાડયો તેમાં ધર્મ અથવા મુનિદશા માની બેઠો તે મહા મિથ્યાત્વ પોષીને સંસારમાં ડૂબી ગયા છે. માટે પ્રથમ સત્ય
સમજવું જોઈએ. સત્સ્વભાવના ભાન વિના કોઈ રીતે કલ્યાણ નથી.
(પ૨) પ્રથમ મિથ્યાત્વરૂપી નાગને બહાર કાઢવો જોઈએ
આત્માના સમ્યગ્દર્શન વગર જે રાગ ટાળવા માગે તે યથાર્થપણે ટાળી શકે નહિ. વર્તમાન રાગ મંદ પડયો
એમ લાગે, પણ જ્યાં સુધી વિકારના મૂળરૂપ મિથ્યાત્વનો નાશ ન કરે ત્યાં સુધી વિકાર ટળે નહિ. આ સંબંધમાં
દ્રષ્ટાંતઃ– કોઈના ઘરમાં મોટો ફણીધર નાગ નીકળ્‌યો હોય અને પકડવા જતાં ક્યાંક ખૂણે–ખાંચરે ભરાઈ બેઠો હોય.
લાંબો સાણસો વગેરે સાધન લાવતાં વાર લાગે તેમ હોય ત્યારે નાગ ઉપર ટાઢું પાણી છાંટીને તેને ઠારે છે. પરંતુ
પાણી છાંટીને ઠારવાથી નાગ સંબંધી ભય ટળ્‌યો કહેવાય નહિ. અલ્પકાળે પાણીની અસરમાંથી છૂટીને ફુંફાડા કરતો
બહાર નીકળશે...જ્યાં સુધી સર્પને જ પકડીને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી ભય ટળે નહિ, તેમ આત્મામાં
મિથ્યાત્વરૂપી નાગ છે, કષાય મંદ કરે તો તેણે કષાયને ઠાર્યો છે, પણ જ્યાં સુધી મિથ્યાત્વરૂપી નાગ વિદ્યમાન છે ત્યાં
સુધી કષાય ટળે તો નહિ અને વાસ્તવિકપણે મંદ પણ ન થાય. મિથ્યાત્વને લીધે કષાયભાવની રુચિ તો ટળી નથી
તેથી વર્તમાન મંદ કષાયને અલ્પકાળમાં ટાળીને અતિ તીવ્ર કષાય વ્યક્ત કરશે. અનંત કષાયનું મૂળ મિથ્યાત્વ જ છે,
તે ટાળ્‌યા સિવાય વર્તમાન કષાય મંદ કર્યો દેખાય કે ત્યાગી દેખાય પરંતુ તેથી આત્મકલ્યાણ નથી.
(પ૩) સર્વ પાપનું મૂળિયું
વળી જેમ ઝાડનું મૂળ કાપી નાખવામાં આવે તો તેનાં ડાળ–પાન અલ્પકાળે નષ્ટ થઈ જાય છે; અને ડાળ–
પાન કાપે પણ જો મૂળ સલામત હોય તો અલ્પ કાળે પાછું ઝાડ પાંગરી જાય છે. તેમ જેણે સંસારનું મૂળ જે મિથ્યાત્વ
તેને છેદી નાખ્યું છે તેને અન્ય કષાય પણ અલ્પકાળમાં નષ્ટ થઈ જશે; અને જેણે કષાયની મંદતા તો કરી છે પણ
સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વરૂપી મૂળને છેદ્યું નથી તેને તો અલ્પકાળે કષાય એવો ને એવો થશે. આજે ભલે જીવ દયા
પાળતો હોય તેમ દેખાય, પરંતુ મિથ્યાત્વના ફળમાં તે ભવિષ્યમાં કસાઈખાનાં માંડશે. કહેવાનો આશય એ છે કે
મિથ્યાત્વ એ જ સર્વ પાપનું મૂળ છે, તેને સૌથી પહેલાં ટાળવું જોઈએ.
(પ૪) જિજ્ઞાસુનો ઉલ્લાસ
આત્મા ત્રિકાળી તત્ત્વ છે; ત્રિકાળી તત્ત્વને પરની અપેક્ષાથી લક્ષમાં લ્યો નવ તત્ત્વોના ભેદ પડે છે. નવ

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ પ૨ઃ આત્મધર્મઃ ૩૯
તત્ત્વના રાગમિશ્રિત વિચાર સાથે ત્રિકાળી તત્ત્વને ક્ષણિક સંબંધ છે, પણ નિત્ય સંબંધ નથી; અને ત્રિકાળી તત્ત્વને
પર સાથે તો કદી સંબંધ નથી. પરની અપેક્ષા વગર અને ક્ષણિકરાગના સંબંધથી પણ ભિન્ન એવા ત્રિકાળી તત્ત્વને
નિરપેક્ષપણે લક્ષમાં લેતાં નવ તત્ત્વોના ભેદ પડતા નથી, એ રીતે ત્રિકાળી તત્ત્વની પ્રતીતિ તે જ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શનનો ઉપાય સાંભળતાં જ જિજ્ઞાસુને ઉલ્લાસ આવે છે. જેમ ગરીબ મનુષ્યને કોઈ અખૂટ નિધાન મળે તેવી
વાત સંભળાવે તો તે કેટલી હોંશથી સાંભળે? તેમ જ્ઞાનીઓ આત્માના અપૂર્વ નિધાન બતાવે છે કે ભાઈ રે! તારા
ચૈતન્ય નિધાન તારામાં જ છે, તારે કાંઈ બહારથી મેળવવું પડે તેમ નથી, તારી પરિપૂર્ણતામાં જરા પણ ઓછપ થઈ
નથી; આમ ચૈતન્ય નિધાન બતાવે છે અને તે મેળવવાનો ઉપાય પણ બતાવે છે. તે સાંભળીને સાચા જિજ્ઞાસુને
અપાર હોંશ ઉછળે! અને ઘણી રુચિથી સાંભળે! પોતાના આત્મસ્વભાવની વાત સાંભળતાં અને સમ્યગ્દર્શનાદિ
પ્રગટવાનો ઉપાય જાણતાં જિજ્ઞાસુને પોતાના આત્મામાં અસંખ્ય પ્રદેશે ઉલ્લાસ આવે છે, ચૈતન્યનિધાન–પ્રાપ્તિનો
આનંદ ઉલ્લસે છે. જેને આત્મસ્વભાવની પ્રાપ્તિ માટેનો આવો ઉલ્લાસ આવે તેને, તે આત્મસ્વભાવ દર્શાવનારા
દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે અપાર ભક્તિ અને બહુમાન આવ્યા વગર કેમ રહી શકે? (ચાલુ...)
* * * * * * * *।। ।।
ભૈયા ભગવતીદાસજી કૃત લેખાંક–ત્રીજો
ઉપાદાન–નિમિત્ત સંવાદ
(આ ઉપાદાન–નિમિત્તના સંવાદના ૪૭ દોહાનું વ્યાખ્યાન વીર સંવત ૨૪૭૧ના પર્યુષણ દરમિયાન
વંચાઈ ગયેલ છે તેમાંથી ૧૬ થી ૨૧ દોહાનું વ્યાખ્યાન આત્મધર્મ માસિકના ગયા અંકમાં આવી ગયેલ છે.
અહીં ત્યારપછી આગળના દોહાઓનું વ્યાખ્યાન આપવામાં આવે છે.)
આ ઉપાદાન–નિમિત્તનો સંવાદ ચાલે છે, તેના ૨૧ દોહા વંચાઈ ગયા છે. આત્માના ગુણ–દોષ માટે પર
ચીજની મદદની જરૂર છે, પર ચીજ આત્માને ગુણ–દોષ ઉપજાવે છે–આ માન્યતા સાચી નથી એમ આ સંવાદમાં સિદ્ધ
કર્યું છે.
જો પર ચીજ આત્માને દોષ ઉપજાવે તો, પર ચીજ તો કાયમ છે તેથી, દોષ કાયમ થઈ જાય અને કદી તે ટળી
શકે નહિ; તથા જો ગુણ માટે આત્માને પર ચીજની જરૂર પડે તો ગુણ પરાધીન થઈ જાય, પરંતુ ગુણ તો સ્વાધીન
સ્વભાવ છે, માટે આત્માના ગુણ–દોષ પરચીજ ઉપજાવી શકતી નથી. જ્યારે જીવ પોતે પોતાનું કાર્ય કરે ત્યારે તે
નિશ્ચય (–ઉપાદાન) છે અને બીજી ચીજની હાજરી તે વ્યવહાર (–નિમિત્ત) છે; આ બંને છે ખરા, પરંતુ બીજી ચીજ
તેને ગુણ–દોષ ઉપજાવવા સમર્થ નથી.
પૈસા હોય તો પુણ્ય ઉપજે અને શરીર સારૂં હોય તો ધર્મ થાય એ બંને માન્યતા તદ્ન મિથ્યા છે, તેવી જ રીતે
દેવ–ગુરુ–શાસ્ત્રની હાજરી જીવને ધર્મ પમાડે એ વાત પણ મિથ્યા જ છે. જીવ પોતે સમજે તો ધર્મ પામે, અને પોતે
ધર્મ પામે ત્યારે ‘શ્રીસદ્ગુરુએ ધર્મ સમજાવ્યો’ એમ વિનયથી બોલાય, તે વ્યવહાર છે, પરંતુ ખરેખર કોઈ કોઈને
ધર્મ સમજાવવા સમર્થ નથી એવા નિશ્ચયનું જો ભાન હોય તો વ્યવહાર સાચો કહેવાય, નહિતર તો વ્યવહાર પણ
ખોટો છે.
નિમિત્તની દલીલ હતી કે હે ઉપાદાન! તારી એ બધી વાત તો ઠીક, પરંતુ તારા આત્મામાં જે દોષ થાય છે તે
દોષ શું તારા સ્વભાવમાંથી આવે છે? નહિ જ, દોષ માટે બીજી ચીજની હાજરીની જરૂર છે, તેથી હું કહું છું કે
નિમિત્તના જોરથી જ દોષ થાય છે. ત્યારે ઉપાદાને જવાબમાં કહ્યું કે–અરે નિમિત્ત! ઉપાદાન જ્યારે પોતાનું કાર્ય કરે
ત્યારે નિમિત્તની હાજરી હોય છે એમ શ્રી સર્વજ્ઞભગવાને જોયું છે–તો તેની મારાથી કેમ ના કહેવાય? પરંતુ હાજર
રહેલી બીજી ચીજ આત્માને બિલકુલ વિકાર કરાવતી નથી.
“જો એકલા ઉપાદાનથી જ કાર્ય થઈ શકતું હોય તો શું કર્મ વગર આત્મામાં અવગુણ થાય છે? કર્મ વગર
અવગુણ ન થાય માટે કર્મનું જોર જ આત્માને અવગુણ કરાવે છે” આ રીતે અજ્ઞાનીઓ ઉપાદાનને પરાધીન માને
છે. ઉપાદાનની સ્વાધીનતા જાહેર કરતાં જ્ઞાનીઓ કહે છે કે–જીવ પોતે સમજે તો તે મુક્તિ પામે

PDF/HTML Page 14 of 21
single page version

background image
પોષઃ ૨૪૭૩ઃ પ૩ઃ
છે, તેને કર્મ રોકી શકતાં નથી; અને જીવ પોતે દોષ કરે તો કર્મ વગેરે બીજી ચીજને નિમિત્ત કહેવાય છે, પરંતુ કર્મ
બળજોરીથી આત્માને વિકાર કરાવતું નથી. આ રીતે પરવસ્તુની નિમિત્તરૂપ હાજરી છે એટલું જ્ઞાનમાં સ્વીકાર્યું પરંતુ
તે ઉપાદાનને કાંઈ પણ કરે એ વાતને તો મૂળથી ઉડાડી દીધી.
હવે નિમિત્ત જરાક ઢીલું પડીને, ઉપાદાન–નિમિત્ત બંનેને સરખાં (પચાસ–પચાસ ટકા) કહેવા માટે
ઉપાદાનને સમજાવે છે–
જો દેખ્યો ભગવાનને, સોહી સાંચો આંહિ;
હમ તુમ સંગ અનાદિકે, બલી કહોગે કાહિ. ૨૨.
અર્થઃ– નિમિત્ત કહે છે–ભગવાને જે દેખ્યું છે તે જ સાચું છે, મારો અને તારો સંબંધ અનાદિનો છે માટે
આપણામાંથી બળવાન કોને કહેવો? અર્થાત્ બંને સરખા છીએ એમ તો કહો?
નિમિત્ત–હે ઉપાદાન! ભગવાનશ્રી જિનદેવે આપણને બંનેને (ઉપાદાન–નિમિત્તને) જોયાં છે, તો ભગવાને
જે જોયું તે સાચું; આપણે બંને અનાદિથી ભેગાં છીએ માટે કોઈ બળવાન નહિ–બંને સરખાં, આમ તો કહો?
ઉપાદાન–ના, ના. નિમિત્તાધીન પરાવલંબી દ્રષ્ટિથી તો જીવ અનાદિથી સંસારમાં રખડયા કરે છે. સંસારના
અધર્મો, સ્ત્રી–પૈસા વગેરે નિમિત્તો કરાવે અને ધર્મ દેવ–ગુરુ–શાસ્ત્રના નિમિત્તો કરાવે–એવી સર્વત્ર પરાધીન
નિમિત્તદ્રષ્ટિ એ જ મિથ્યાત્વ છે અને તેનું જ ફળ સંસાર છે.
નિમિત્ત– ભગવાને એક કાર્યમાં બે કારણ જોયાં છે, ઉપાદાનકારણ અને નિમિત્તકારણ બંને હોય છે માટે
કાર્યમાં ઉપાદાન અને નિમિત્તના બંનેના પચાસ પચાસ ટકા (percent) રાખો. સ્ત્રીનું નિમિત્ત હોય તો વિકાર
થાય, ગાળ દેનાર હોય તો ક્રોધ થાય માટે પચાસ ટકા નિમિત્ત કરાવે અને પચાસ ટકા ઉપાદાન કરે એમ બંને ભેગા
થઈને કાર્ય થાય, ચોકખો હિસાબ છે.
ઉપાદાન–ખોટું, તદ્ન ખોટું. પચાસ ટકાનો ચોકખો હિસાબ નથી પણ ‘બે ને બે ત્રણ’ (૨ + ૨=૩) જેવી
ચોકખી ભૂલ છે. જો સ્ત્રી કે ગાળો એ કોઈ પચાસ ટકા વિકાર કરાવતાં હોય તો કેવળી ભગવાનને પણ તેટલો વિકાર
થવો જ જોઈએ, પરંતુ કોઈપણ નિમિત્ત એક ટકો પણ વિકાર કરાવવા સમર્થ નથી. જીવ પોતે સો એ સો ટકા
પોતાથી વિકાર કરે ત્યારે પર ચીજની હાજરીને નિમિત્ત કહેવામાં આવે છે. આ સમજણમાં જ ચોકખો હિસાબ છે કે
દરેક દ્રવ્ય જુદે જુદાં છે, અને સ્વતંત્રપણે પોતપોતાની અવસ્થાના કર્તા છે, કોઈ દ્રવ્ય બીજાનું કાંઈ જ કરી શકતું
નથી.
આ દોહામાં નિમિત્તની વિનંતિ છે કે આપણને બંનેને સમકક્ષી (સરખી હદના) રાખો. અનાદિથી જીવની
સાથે કર્મ ચોંટયાં છે અને જીવને વિકારમાં નિમિત્ત થાય છે; નિમિત્તરૂપ કર્મ અનાદિથી છે માટે તેને જીવની સાથે
સમકક્ષી તો રાખો! –૨૨–
હવે ઉપાદાન એવો જવાબ આપે છે કે–સંભાળ રે સાંભળ! નિમિત્તરૂપ જે કર્મના પરમાણુઓ છે તે તો
અનાદિથી પલટતાં જ જાય છે અને હું ઉપાદાન સ્વરૂપ તો એવો ને એવો ત્રિકાળ રહું છું, માટે હું જ બળવાન છુંઃ–
ઉપાદાન કહે વહ બલી, જાકો નાશ ન હોય;
જો ઉપજત બિનશત રહૈ, બલી કહીં તે સોય? ૨૩.
અર્થઃ– ઉપાદાન કહે છે કે–જેનો નાશ ન થાય તે બળવાન. જે ઉપજે અને વિણસે તે બળવાન કેવી રીતે હોઈ
શકે? (ન જ હોય.)
નોંધઃ– ઉપાદાન પોતે ત્રિકાળી અખંડ એકરૂપ વસ્તુ છે તેથી તેનો નાશ નથી. નિમિત્ત તો સંયોગરૂપ છે,
આવે ને જાય, તેથી તે નાશરૂપ છે માટે ઉપાદાન જ બળવાન છે.
જીવ પોતે અજ્ઞાનભાવે ભલે અનાદિથી રાગ–દ્વેષ નવા નવા કરે છે તોપણ નિમિત્ત કર્મ અનાદિથી એકને
એક જ રહેતાં નથી, એ તો બદલતાં જ રહે છે. જુનાં નિમિત્ત કર્મ ખરીને નવાં બંધાય છે અને તેની મુદત પૂરી થતાં
તે પણ ખરી જાય છે; જીવ જો નવા રાગદ્વેષ કરે તો તે કર્મોને નિમિત્ત કહેવાય છે. આ રીતે ઉપાદાન સ્વરૂપ આત્મા
તો અનાદિથી એવોને એવો જ રહે છે, અને કર્મ તો બદલ્યા જ કરે છે માટે હું–ઉપાદાન જ બળવાન છું. મારા ગુણને
પ્રગટ કરવાની તાકાત પણ મારામાં જ છે. સત્દેવ–ગુરુ–શાસ્ત્ર એ પણ જુદા જુદા પલટતા જાય છે, અને તેમની
સાચી વાણી પણ પલટતી જાય છે (–ભાષાના શબ્દો સદા એક સરખા રહેતા નથી) પરંતુ સત્દેવ–ગુરુ–શાસ્ત્ર અને
તેમની વાણી જ્ઞાન કરતી વખતે મારા પોતાનું જ્ઞાન જ્ઞાનથી કામ કરે છે હું આત્મા ત્રિકાળ છું અને ગુણના નિમિત્તો
કે દોષના નિમિત્તો એ તો બધા બદલતા જ જાય છે. કર્મોના

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ પ૪ઃ આત્મધર્મઃ ૩૯
પરમાણુઓ પણ ફરતા જ જાય છે તો કર્મ મોટા કે હું મોટો? અજ્ઞાનીઓની મહામિથ્યાત્વરૂપ ભયંકર ભૂલ છે કે કર્મ
આત્માનો પુરુષાર્થ અટકાવે, આત્માના પુરુષાર્થને પરાધીન માનનારાઓ મહા મિથ્યાત્વરૂપ સૌથી મોટો દોષ
વહોરે છે. વીતરાગ શાસનમાં પરમ સત્ય વસ્તુસ્વરૂપ જાહેર થાય છે કે આત્માના ભાવમાં કર્મનું જોર બિલકુલ
નથી, આત્માનું જ બળ છે. આત્મા સંપૂર્ણ સ્વાધીન છે, પોતે સ્વાધીનપણે પોતાના ગમે તે ભાવને કરી શકે છે,
આત્મા પોતે જે સમયે જેવો પુરુષાર્થ કરે ત્યારે તેવો પુરુષાર્થ થઈ શકે છે. આવી આત્મસ્વાધીનતાની સમજણ એ
જ મિથ્યાત્વના સૌથી મોટા દોષને નાશ કરવાનો એકમાત્ર ઉપાય છે.
ભાઈ રે! તું આત્મા સ્વતંત્ર વસ્તુ છો, તારા ભાવે તને લાભ–નુકશાન છે. કોઈ પર ચીજ તને લાભ–નુકશાન
કરતી નથી; આવું સાચું ભાન જીવ કરે તો તે સ્વલક્ષે ઠરીને મુક્તિ પામે, પરંતુ જો જીવ પોતાના ભાવને ઓળખે નહિ
અને પર નિમિત્તથી પોતાને લાભ–નુકશાન થાય એમ માન્યા જ કરે તો તેનું પર લક્ષ કદી છૂટે નહિ અને સ્વની
ઓળખાણ કદી થાય નહિ, તેથી તે સંસારમાં રખડયા જ કરે. માટે ઉપાદાન અને નિમિત્ત એ બંનેના સ્વરૂપને ઓળખીને
એમ નક્કી કરવું જોઈએ કે ઉપાદાન અને નિમિત્ત તે બંને જુદા જુદા પદાર્થો છે, કદી કોઈ એક બીજાનું કાર્ય કરતા નથી.
આમ નક્કી કરીને નિમિત્તનું લક્ષ છોડીને પોતાના ઉપાદાન સ્વરૂપને લક્ષમાં લઈને ઠરવું તે જ સુખી થવાનો–મોક્ષનો
ઉપાય છે. –૨૩–
નિમિત્તની દલીલઃ–
ઉપાદાન તુમ જોર હો, તો કયોં લેત અહાર;
પર નિમિત્તકે યોગ સોં, જીવત સબ સંસાર. ૨૪.
અર્થઃ– નિમિત્ત કહે છે–હે ઉપાદાન, જો તારું જોર છે તો તું આહાર શા માટે લે છે? સંસારના બધા જીવો પર
નિમિત્તના યોગથી જીવે છે.
હે ઉપાદાન! આ કર્મ વગેરે બધું તો ઠીક, એ તો કાંઈ નજરે દેખાતું નથી, પરંતુ આ તો નજરે દેખાય છે કે
આહારના નિમિત્તથી તું જીવે છે. જો તારું જોર હોય તો તું આહાર કેમ લે છે? આહાર વગર કેમ એકલો નથી જીવતો?
અરે! છઠ્ઠા ગુણસ્થાન સુધી મુનિરાજ પણ આહાર લે છે, તો આહારના નિમિત્તની તારે જરૂર પડી કે નહિ? આખું જગત
આહારના નિમિત્તથી જ જીવે છે. શું આહારના નિમિત્ત વગર એકલા ઉપાદાનથી જીવાય? માટે નિમિત્ત જ જોરવાળું છે.–
આમ નિમિત્ત તરફના વકીલ દલીલ કરે છે. વકીલ હોય તે તો પોતાના જ અસીલ તરફની દલીલ મૂકે ને! સામા પક્ષની
સાચી દલીલ જાણતા હોય તોપણ કાંઈ તે દલીલ રજુ કરે! સામા પક્ષવાળા તરફની દલીલ કરે તો તે વકીલ કેમ કહેવાય!
અહીં નિમિત્તના વકીલ કહે છે કે નિમિત્તના પણ થોડાક દોકડા છે, એકલું ઉપાદાન જ કામ કરતું નથી, માટે નિમિત્તની
શક્તિ પણ કબુલ રાખો...–૨૪–
ઉપાદાનનો જવાબઃ–
જો અહારકે જોગસોં, જીવત હૈ જગમાહિં;
તો વાસી સંસારકે, મરતે કોઉ નાહિં. ૨પ.
અર્થઃ– ઉપાદાન કહે છે–જો આહારના જોગથી જગતના જીવો જીવતા હોત તો સંસારવાસી કોઈ જીવ મરત નહીં.
હે નિમિત્ત! આહારના કારણે જીવન ટકતાં નથી. જો જગતના જીવોના જીવન આહારથી ટકતાં હોય તો આ
જગતમાં કોઈ જીવો મરવાં ન જોઈએ; પરંતુ ખાતા ખાતા પણ જગતના અનેક જીવો મરી જતા દેખાય છે, માટે આહાર
તે જીવતરનું કારણ નથી. સૌ પોતપોતાના આયુષ્યથી જીવે છે. આયુષ્ય હોય ત્યાં સુધી જીવે અને આયુષ્ય ન હોય તો
ચક્રવર્તી–વાસુદેવ–બળદેવ પોતાના માટે બનાવેલા ‘સિંહ–કેસરીઆ લાડુ’ ખાય છતાં પણ મરી જાય. જ્યાં જીવન ખૂટયાં
ત્યાં આહાર શું કરે? આઠે પહોર ખાન–પાન અને આરામથી શરીરની માવજત કરવા છતાં જીવો કેમ મરી જાય છે?
આહારના નિમિત્તના કારણે ઉપાદાન ટકતું નથી. એક ચીજમાં પર ચીજને લીધે કાંઈ જ થતું નથી; માટે હે નિમિત્ત! તારી
વાત ખોટી છે. ભાણાં ઉપર બેઠો હોય, ભોજન કરીને પેટ ભર્યું હોય, હાથમાં કોળીયો રહી ગયો હોય અને શરીર છૂટી
જાય–એમ બને છે. જો આહારથી શરીર ટકતું હોય તો ખાનાર કોઈ મરવા ન જોઈએ અને ઉપવાસી બધા મરી જવા
જોઈએ. પરંતુ આહાર ખાનાર પણ મરે છે અને આહાર વગર પણ પવન ભક્ષીઓ વર્ષો સુધી જીવે છે માટે આહાર સાથે
જીવન–મરણને સંબંધ નથી. આહારનો સંયોગ તે પરમાણુઓના કારણે આવે છે અને શરીરના પરમાણુઓ શરીરના
કારણે ટકે છે, આહાર

PDF/HTML Page 16 of 21
single page version

background image
પોષઃ ૨૪૭૩ઃ પપઃ
અને શરીર બંનેના પરમાણુ જુદા છે. આહારની માફક દવાના કારણે પણ શરીર ટકતું નથી અને દવાના કારણે રોગ
ટળતો નથી. હજારો દવા લાવે છતાં રોગ ન મટે અને દવા વગર પણ રોગ મટી જાય–એ તો સ્વતંત્ર દ્રવ્યની સ્વતંત્ર
અવસ્થાઓ છે. એક વસ્તુના કારણે બીજી વસ્તુમાં કાર્ય થાય એ વાત
પવિત્ર જૈનદર્શનને માન્ય નથી કેમકે
વસ્તુની સ્થિતિ જ તેમ નથી. એક દ્રવ્યના કારણથી બીજા દ્રવ્યનું કાર્ય થાય એવી જેને ઊંધી માન્યતા છે તે મહા
અજ્ઞાની છે, વસ્તુની સ્થિતિની તેને ખબર નથી, જૈનધર્મને તે જાણતો નથી. –૨પ–
હવે નિમિત્તની દલીલ કહે છેઃ–
સુર સોમ મણિ અગ્નિકે, નિમિત્ત લખૈં યે નેન;
અંધકારમેં કિત ગયો, ઉપાદાન દગ દૈન. ૨૬.
અર્થઃ– નિમિત્ત કહે છે–સૂર્ય, ચંદ્ર, મણિ કે અગ્નિનું નિમિત્ત હોય તો આંખ દેખી શકે છે, ઉપાદાન જો દેખવાનું
કામ આપતું હોય તો અંધકારમાં તેની જોવાની શક્તિ ક્યાં ગઈ? (અંધકારમાં કેમ આંખેથી દેખાતું નથી?)
તું બધામાં ‘હું–હું’ કરે છે અને બધું મારી (ઉપાદાનની) શક્તિથી જ થાય એમ કહે છે પરંતુ હે ઉપાદાન!
જોવાનું કામ તો તું સૂર્ય–ચંદ્ર–મણિ કે દીપક ના નિમિત્તથી જ કરી શકે છે, જો જાણપણું તારા જ્ઞાનથી જ થતું હોય તો
અંધારા વખતે તારૂં જ્ઞાન ક્યાં જાય છે? દીપક વગેરેના નિમિત્ત વગર અંધારામાં તું કેમ નથી જોઈ શકતો? વળી
પુસ્તક વગર તને કેમ જ્ઞાન નથી થતું? શું શાસ્ત્ર વગર એકલા જ્ઞાનમાંથી જ્ઞાન થાય છે? જુઓ, આ સામે
સમયસાર શાસ્ત્ર રાખ્યું હોય તો તેનું જ્ઞાન થાય છે, જો જ્ઞાનથી જ જ્ઞાન થતું હોય તો સામે શાસ્ત્ર કેમ રાખો છો?
માટે મારું જ જોર છે. તારો ‘હુંકાર’ છોડ અને મારૂં પણ જોર છે એ કબુલ કર! આમ નિમિત્તે દલીલ કરી.–૨૬–
ઉપાદાનનો જવાબઃ–
સુર સોમ મણિ અગ્નિ જો, કરૈ અનેક પ્રકાશ;
નૈનશક્તિ બિન નર લખૈં, અન્ધકાર સમ ભાસ. ૨૭.
અર્થઃ– ઉપાદાન કહે છે–જો સૂર્ય, ચંદ્ર, મણિ અને દીપક અનેક પ્રકારનો પ્રકાશ કરે છે તોપણ દેખવાની શક્તિ
વિના દેખાય નહિ, બધું અંધકાર જેવું ભાસે છે.
ભાઈ રે! કોઈ પરવસ્તુ વડે જ્ઞાન થઈ શકતું નથી. જ્ઞાનનો, પ્રકાશ કરનારો તો જ્ઞાનસ્વરૂપી આત્મા છે અને
પ્રકાશ વગરનો પ્રકાશક પણ આત્મા જ છે. સૂર્ય વગેરે કોઈથી જ્ઞાન પ્રકાશતું નથી અર્થાત્ પરનિમિત્તથી આત્મા
જાણતો નથી. હે નિમિત્ત! જો સૂર્ય, ચંદ્ર કે દીપકથી દેખાતું હોય તો અંધ પાસે તે બધું મૂકીને તેનામાં દેખવાની શક્તિ
લાવી દે. તે સૂર્ય વગેરે બધું હોવા છતાં આંધળાને કેમ નથી દેખાતું? ઉપાદાનમાં જ જાણવાની શક્તિ નથી તેથી જ તે
જાણી શકતો નથી જો ઉપાદાનમાં જાણવાની શક્તિ હોય તો તે (–બિલાડી વગેરે) અંધારામાં પણ જાણી શકે છે. જ્યાં
પ્રાણીની આંખ જ જાણવાની તાકાતવાળી છે ત્યાં તેને કોઈ અંધારૂં રોકી શકે નહિ, તેમ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન વગેરે
આત્માના ગુણોનો ચૈતન્યપ્રકાશ કોઈ સંયોગથી પ્રગટતો નથી પણ આત્મસ્વભાવથી જ તે પ્રગટે છે. જ્યાં આત્મા
સ્વયં પુરુષાર્થવડે સમ્યગ્દર્શનાદિરૂપ પરિણમે છે ત્યાં તેને કોઈ નિમિત્ત રોકનાર કે મદદગાર નથી, માટે નિમિત્તનું કાંઈ
જ જોર નથી. આ જ પ્રમાણે શાસ્ત્રની મદદથી પણ જ્ઞાન થતું નથી. સમયસાર શાસ્ત્ર તો હજારો માણસો પાસે એક જ
પ્રકારનું હોય, જો શાસ્ત્રથી જ્ઞાન થતું હોય તો તે બધાયને એક જ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ, પરંતુ તેમ તો બનતું
નથી. એકને એક જ શાસ્ત્ર હોય છતાં કોઈ સવળો અર્થ સમજી સમ્યક્ત્વ પ્રગટ કરે અને કોઈ ઊંધો અર્થ લઈ ઊલટો
મિથ્યાત્વને પૂષ્ટ કરે, ત્યાં શાસ્ત્ર શું કરે? સમજણ તો પોતાના જ્ઞાનમાંથી કાઢવી છે ને! કાંઈ શાસ્ત્રમાંથી સમજણ
કાઢવી નથી. હું મારા જ્ઞાનવડે મારા સ્વતંત્ર આત્મસ્વભાવની ઓળખાણ કરૂં તો મને ધર્મનો લાભ થાય છે, કોઈ
સંયોગથી મને લાભ થતો નથી– આમ જે નથી માનતા તે અજ્ઞાની છે.
અહા! જુઓ તો ખરા, ઉપાદાન સ્વભાવનું કેટલું જોર છે! ક્યાંય જરાક પણ પરાધીનપણું પાલવે તેમ નથી.
આવા ઉપાદાન સ્વરૂપને ઓળખીને તેનો જે આશ્રય કરે તે અલ્પકાળમાં જ મુક્તિ પામે. જીવોએ અનાદિથી પોતાની
મૂળ શક્તિની ઓળખાણ જ કરી નથી એટલે પરની જરૂર માની બેઠા છે, તેથી જ પરાધીન–દુઃખી થઈ રહ્યા છે. આ
જે રીતે કહેવાય છે તે રીતે પોતાને સ્વાધીનપણે પ્રથમ ઓળખવો જોઈએ તે જ મુક્તિનો માર્ગ છે. –૨૭–

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ પ૬ઃ આત્મધર્મઃ ૩૯
હવે નિમિત્ત દલીલ કરે છેઃ–
કહૈ નિમિત્ત વે જીવ કો? મો બિન જગકે માહિં;
સબૈ હમારે વશ પરે, હમ બિન મુક્તિ ન જાહિં. ૨૮.
અર્થઃ– નિમિત્ત કહે છે–મારા વિના જગતમાં જીવ કોણ માત્ર? બધા મારે વશ પડયા છે, મારા વિના મુક્તિ
થતી નથી.
નિમિત્ત વગર જીવ મુક્તિ પામતો નથી, પહેલાં મનુષ્ય શરીરનું નિમિત્ત, પછી દેવ–ગુરુ–શાસ્ત્રનું નિમિત્ત
પછી પંચમહાવ્રતાદિના શુભરાગનું મુનિદશામાં નિમિત્ત–આમ બધી નિમિત્તની પરંપરા વગર જીવ મુક્તિ પામી શકતો
નથી. શું વચ્ચે વ્રતાદિના પુણ્ય આવ્યા વગર કોઈ જીવની મુક્તિ થાય? ન જ થાય, માટે પુણ્ય નિમિત્ત છે અને તેના
જ બળથી જીવ મુક્તિ પામેછે–આ નિમિત્તની દલીલ!–૨૮–
ઉપાદાનનો જવાબઃ–
ઉપાદાન કહૈં રે નિમિત્ત, ઐસે બોલ ન બોલ;
તાકો તજ નિજ ભજત હૈં, તેહીં કરૈ કિલોલ. ૨૯.
અર્થઃ– ઉપાદાન કહે છે–અરે નિમિત્ત! એવાં વચનો ન બોલ. તારા ઉપરની દ્રષ્ટિ તજીને જે જીવ પોતાનું
ભજન કરે છે તે જ કિલોલ (આનંદ) કરે છે.
હે નિમિત્ત! તારા પ્રતાપથી જીવ મુક્તિ પામે છે એ વાત તું રહેવા દે; કેમકે શરીર દેવ–ગુરુ–શાસ્ત્ર કે
પંચમહાવ્રત એ બધાય નિમિત્તોના લક્ષે તો જીવને રાગ જ થાય છે અને તેને સંસારમાં રખડવું પડે છે, પરંતુ જ્યારે
એ બધા નિમિત્તોનું લક્ષ છોડીને અને પંચમહાવ્રતના વિકલ્પને પણ છોડીને પોતાના અખંડાનંદી સ્વરૂપ આત્માની
ભાવના કરીને સમ્યગ્દર્શન–જ્ઞાન પૂર્વક જે અંતરમાં સ્થિરતા કરે છે તે જ જીવો મુક્તિ પામે છે અને તેઓ જ પરમ
કિલ્લોલ ભોગવે છે; નિમિત્તના લક્ષે આનંદનો અનુભવ થઈ શકતો નથી. જેઓ નિમિત્તની દ્રષ્ટિમાં રોકાય છે તેઓ
મુક્તિ પામતા નથી. આ રીતે, નિમિત્તનું બળ છે એ દલીલ તૂટી ગઈ. –૨૯–
હવે, પંચમહાવ્રતાદિ ક્રિયાથી જીવની મુક્તિ થાય છે એવી દલીલ નિમિત્ત કરે છેઃ–
કહૈં નિમિત્ત હમકો તજૈ, તે કૈસે શિવ જાત;
પંચમહાવ્રત પ્રગટ હૈ, ઔર હુ ક્રિયા વિખ્યાત. ૩૦.
અર્થઃ– નિમિત્ત કહે છે–અમને તજવાથી મોક્ષ કેવી રીતે જવાય? પાંચ મહાવ્રત પ્રગટ છે, વળી બીજી ક્રિયા
પણ વિખ્યાત છે (–કે જેને લોકો મોક્ષનું કારણ માને છે).
શાસ્ત્રોમાં તો નિમિત્ત તરફના લખાણના પાનાંના પાનાં ભરેલાં છે, તો નિમિત્તની મદદની તમે કેમ ના પાડો
છો? પંચમહાવ્રત, સમિતિ–ગુપ્તિ એ બધાનું તો શાસ્ત્રોમાં ખૂબ લખાણ છે, તે ધાર્યા વગર શું જીવ મોક્ષ જઈ શકે?
મને છોડવાથી જીવ મોક્ષ જઈ શકે નહિ. અહિંસા વગેરે પંચમહાવ્રતમાં પરનું લક્ષ કરવું પડે છે કે નહિ?
પંચમહાવ્રતમાં પર લક્ષે જે રાગનો વિકલ્પ ઊઠે છે તેને આગળ લાવીને અહીં નિમિત્ત કહે છે કે શું પંચમહાવ્રતના
રાગ વગર મુક્તિ થાય? પંચમહાવ્રતના શુભરાગથી મુક્તિ માનનારા અજ્ઞાનીઓ ઘણા છે તેથી નિમિત્તે તે દલીલને
રજુ કરી છે. દલીલ તો બધી જ મૂકે ને? જો આવી ઊંધી દલીલો ન હોય તો જીવનો સંસાર કેમ ટકે? આ બધી
નિમિત્તાધીનની દલીલો સંસાર ટકાવવા માટે સાચી છે અર્થાત્ નિમિત્તાધીન દ્રષ્ટિથી જ સંસાર ટકયો છે. જો
નિમિત્તાધીન દ્રષ્ટિ છોડીને સ્વભાવદ્રષ્ટિ કરે તો સંસાર ટકી શકે નહિ. –૩૦–
હવે, પંચમહાવ્રતાદિને જીવ છોડે ત્યારે તે મુક્તિ પામે છે એમ, ઉપાદાન ઉત્તર આપે છેઃ–
પંચમહાવ્રત જોગત્રય, ઔર સકલ વ્યવહાર;
પરકો નિમિત્ત ખપાયકે, તબ પહુચેં ભવપાર. ૩૧.
અર્થઃ– ઉપાદાન કહે છે–પાંચ મહાવ્રત, મન, વચન અને કાય એ ત્રણ તરફનું જોડાણ, વળી બધો વ્યવહાર
અને પર નિમિત્તનું લક્ષ જ્યારે જીવ છોડે ત્યારે ભવપારને પહોંચે છે.
જ્ઞાનમૂર્તિ આત્માનું જેટલું પર લક્ષ જાય છે તે બધો વિકાર ભાવ છે. ભલે પંચમહાવ્રત હો તોપણ તે વિકાર
છે, તે વિકાર ભાવને અને બીજા જે જે વ્યવહાર છે તે બધા રાગને અને નિમિત્તના લક્ષને જીવ જ્યારે છોડે છે ત્યારે
જ તે મોક્ષ પામે છે. પુણ્ય–પાપ રહિત આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતા વડે જ મુક્તિ થાય છે. તેમાં ક્યાંય
પણ રાગ હોતો નથી. પંચમહાવ્રત તે આસ્રવ છે, વિકાર છે, આત્માનું ખરૂં ચારિત્ર તે નથી, તેને ચારિત્રનું ખરૂં સ્વરૂપ
માને તો મિથ્યાદ્રષ્ટિ છે. આત્માનો ચારિત્ર–ધર્મ તેનાથી પાર છે. જગતના અજ્ઞાની જીવોને આ મહા આકરૂં લાગે તેવું
છે પરંતુ પરમ સત્ય મહા હિતકારી છે.
પ્રશ્નઃ– પંચમહાવ્રત તે ભલે ચારિત્ર ન હોય પરંતુ તે ધર્મ તો છે ને?
ઉત્તરઃ– પંચમહાવ્રત તે ચારિત્ર પણ નથી અને ધર્મ પણ નથી. સર્વ પ્રકારના રાગરહિત એકલા જ્ઞાયક

PDF/HTML Page 18 of 21
single page version

background image
પોષઃ ૨૪૭૩ઃ પ૭ઃ
સ્વભાવી આત્માનું સમ્યક્ભાન કર્યા પછી જ
વિશેષ સ્વરૂપ સ્થિરતા કરતાં પહેલાં પંચમહાવ્રતની
શુભવિકારી લાગણી મુનિદશામાં આવી જાય છે પરંતુ
તે વિકલ્પ છે, રાગ છે, વિકાર છે–અધર્મ છે કેમકે તે
લાગણીઓ આત્માના શુદ્ધ ચારિત્રને અને
કેવળજ્ઞાનને રોકે છે. આત્માના ગુણને રોકનાર તે
લાગણીઓમાં જો ધર્મ માને તો આત્માના પવિત્ર
ગુણોનો મહાન અનાદર કરી રહ્યો છે, તેને આત્માનું
ભાન નથી.
આત્માના ભાનસહિત સાતમે–છઠ્ઠે ગુણસ્થાને
આત્માનુભવમાં ઝુલતા મુનિને પંચમહાવ્રતના વિકલ્પ
છઠ્ઠા ગુણસ્થાનમાં હોય છે તે રાગ છે–આસ્રવ છે,
આત્માના કેવળજ્ઞાનને તે વિઘ્ન કરે છે. નિમિત્તે
દલીલમાં કહ્યું હતું કે આ મોક્ષમાં મદદ કરે છે; ઉપાદાન
કહે છે–તે મોક્ષમાં ડખલ કરે છે, તે વિકલ્પોને તોડીને
જ્યારે સ્વરૂપ સ્થિરતાની શ્રેણી માંડે ત્યારે મોક્ષ થાય
છે, પણ પંચમહાવ્રતાદિ રાખીને કદી મોક્ષ થતો નથી,
માટે હે નિમિત્ત! તારાથી ઉપાદાનનું એક પણ કાર્ય થતું
નથી. –૩૧– (ચાલું...)
* * * * * * *
શ્રીસમયસારજી ગાથા એકના પ્રવચનના
આધારે કેટલાક પ્રશ્નોત્તર
(પહેલાના પર પ્રશ્નોત્તર માટે જુઓ અંક ૩પ)
પ૩. પ્ર. શ્રીસમયસારશાસ્ત્રની પહેલી ગાથા કઈ
છે અને તેમાં શું સૂચન છે?
ઉ.– પહેલી ગાથામાં મંગળિક તરીકે શ્રી
સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યા છે અને ગ્રંથ કહેવાની
પ્રતિજ્ઞા કરી છે. ગાથા નીચે પ્રમાણે છે–
‘ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળી–કથિત આ સમયપ્રાભૃત અહો!’ ૧.
પ૪. પ્ર. કયું પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે? ને તે
શા માટે?
ઉ. સિદ્ધપદ પ્રાપ્ત કરવા યોગ્ય છે કેમ કે તે
આત્માના સ્વભાવભાવભૂત છે તેથી ધ્રુવ છે; તે પદ
વિનાશ રહિત છે, પરિભ્રમણરહિત છે અને અનુપમ છે.
પપ. પ્ર.– સિદ્ધ ભગવંતોને નમસ્કાર કઈ રીતે
કર્યા છે?
ઉ.–પોતાનો આત્મા સિદ્ધસમાન છે એવી
ઓળખાણ પૂર્વક ભગવાનને પોતાના આત્મામાં સ્થાપ્યા
છે તે જ નમસ્કાર છે.
પ૬. પ્ર.–સિદ્ધ ભગવંતોને જ નમસ્કાર કેમ
કર્યા?
ઉ.– આ જીવને શુદ્ધાત્મા સાધ્ય છે અને સિદ્ધ
ભગવંતો શુદ્ધાત્માના પ્રતિચ્છંદના સ્થાને છે. એટલે
સંસારી ભવ્ય જીવો સિદ્ધના સ્વરૂપનું ચિંતવન કરીને,
પોતાના આત્માને પણ તેવા જ સ્વરૂપે ઓળખીને ધ્યાવે
છે અને એ રીતે તેઓ પણ સિદ્ધ જેવા થઈ જાય છે. માટે
સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યા છે.
પ૭. પ્ર.– આત્માના પ્રતિચ્છંદના સ્થાને
સિદ્ધપ્રભુ જ શા માટે?
ઉ.– સિદ્ધ પ્રભુ સર્વ પ્રકારે સંપૂર્ણ શુદ્ધ હોવાથી
તેઓ જ આત્માના પ્રતિચ્છંદના સ્થાને છે. સિદ્ધ ભગવાન
સિવાયના આત્માઓ સર્વ પ્રકારે શુદ્ધ નથી.
પ૮. પ્ર.– સિદ્ધ ભગવાનનું ધ્યાન કરતાં તેમના
જેવા થવાય–તો તે દશા સિદ્ધ–ભગવાને આપી કે અન્ય
કોઈએ?
ઉ.– અહીં આત્માથી ભિન્ન સિદ્ધ ભગવાનના
ધ્યાનની વાત નથી, પરંતુ ‘હું સિદ્ધ છું’ એમ પોતાના જ
આત્માને સિદ્ધપણે સ્થાપીને તેનું ધ્યાન કરવાથી શુદ્ધદશા
પ્રગટે છે અને આત્મા પણ સિદ્ધસમાન થાય છે. પરંતુ
જુદા સિદ્ધ ભગવાનના લક્ષે તો રાગ થાય છે, તેનાથી
સિદ્ધપણું થતું નથી.
પ૯. પ્ર.– સિદ્ધ ભગવાનની દ્રવ્ય સ્તુતિ અને
ભાવસ્તુતિ એટલે શું?
ઉ.– જેવા સિદ્ધ ભગવાન છે તેવો જ હું છું એવા
ભાનપૂર્વક પોતાના આત્મામાં સિદ્ધપણાનો અંશ
(સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) પ્રગટ કરવો તે સિદ્ધની
ભાવસ્તુતિ છે, અને સિદ્ધ ભગવાન પ્રત્યેનું લક્ષ–વિકલ્પ
તથા વાણી તે સિદ્ધની દ્રવ્યસ્તુતિ છે.
૬૦. પ્ર.– અરિહંત પ્રભુની અંતરબાહ્ય સ્થિતિ
કેવી હોય?
ઉ.– અરિહંત પ્રભુને અંતરંગમાં સંપૂર્ણજ્ઞાન,
સંપૂણ દર્શન, સંપૂર્ણ સુખ અને સંપૂર્ણ વીર્ય પ્રગટ હોય છે
અને બાહ્યમાં નિર્ગ્રંથ શરીરનો સંયોગ અને
સમવસરણાદિકની રચના તથા દિવ્યધ્વનિ વગેરે હોય છે.
૬૧. પ્ર.– સિદ્ધ પ્રભુ જેવો અનુભવ કરવા માટે
કેવી માન્યતા કરવી?
ઉ.– જેવા સિદ્ધ ભગવાન છે તેવો જ હું પણ
સિદ્ધ સમાન જ છું. સિદ્ધને જે ભાવ ન હોય તે ભાવ

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ પ૮ઃ આત્મધર્મઃ ૩૯
મારૂં સ્વરૂપ નથી–એવી માન્યતાપૂર્વક આત્માનું ધ્યાન
કરતાં સિદ્ધ પ્રભુ જેવો અનુભવ થાય છે.
૬૨. પ્ર.– જીવ સિદ્ધ ભગવાનને ભાવ નમસ્કાર ક્યારે
કરે છે?
ઉ.– સાધકદશાની શરૂઆતથી સાધકદશાની પૂર્ણતા
સુધી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે.
૬૩. પ્ર.– સિદ્ધદશા સાદિ અનંત કેમ છે?
ઉ.– કેમકે તે સિદ્ધદશા પોતાના સ્વસ્વભાવને
અવલંબીને પ્રગટી છે તેથી તે ધ્રુવ છે. સિદ્ધદશા તે
સ્વભાવભૂત છે, એટલે પ્રગટયા પછી તેનો કદી નાશ
થતો નથી. જે ભાવ સ્વભાવભૂત હોય તેનો કદી નાશ
થાય નહિ.
૬૪. પ્ર.– આત્માને સિદ્ધસમાન સ્થાપ્યો એટલે કે
સિદ્ધદશા જ આત્માની છે, તો પછી શ્રાવક–મુનિદશા
આવે તે કોની છે?
ઉ.– શ્રાવક–મુનિદશા તે જો કે આત્માની જ પર્યાયો
છે પરંતુ અહીં તો આત્માનો પૂરો સ્વભાવ બતાવવો છે
તેથી પૂરી અવસ્થા તે જ આત્માનું સ્વરૂપ છે પણ
શ્રાવકમુનિ વગેરે અધુરી અવસ્થા તે આત્માનું સ્વરૂપ
નથી. જે શ્રાવક કે મુનિદશા જેટલો આત્માને માને તે
સંપૂર્ણ શુદ્ધ આત્માને ઓળખી શકે નહિ.
૬પ. પ્ર.– સર્વાર્થસિદ્ધિનો ભવ તેમજ તીર્થંકરગોત્ર તે
આત્માના આશ્રયે છે કે કેમ?
ઉ.– સર્વાર્થસિદ્ધિની સામગ્રી અને તીર્થંકરગોત્ર એ તો
બંને જડ છે–પુદ્ગલોને આધારે છે; પરંતુ જે રાગથી તે
સર્વાર્થસિદ્ધિનો ભવ મળે કે તીર્થંકરગોત્ર બંધાય તે રાગ
પણ ખરી રીતે આત્માના આશ્રયે નથી. કેમ કે જે ભાવ
આત્માના આશ્રયે હોય તે ભાવ આત્માના આશ્રયે
સદાય ટકી રહેવો જોઈએ. પણ રાગાદિ ભાવ તો નાશ
પામી જાય છે, માટે તેનો આધાર આત્મા નથી.
સમ્યગ્દર્શનાદિ જે ગુણો પ્રગટે તેનો આધાર આત્મા છે.
૬૬. પ્ર.– સિદ્ધ ભગવાનને કયું ગુણસ્થાન હોય?
ઉ.– સિદ્ધ ભગવાનને એકે ગુણસ્થાન હોય નહિ; કેમ
કે જે ચૌદ ગુણસ્થાન છે તે બધાય સંસારી જીવને જ હોય
છે, ગુણસ્થાનનું કારણ મોહ અને યોગ છે,
સિદ્ધભગવાનને મોહ કે યોગ હોતા નથી તેઓ
ગુણસ્થાનથી પાર (મુક્ત) છે.
૬૭. પ્ર.–જ્ઞાનીઓ કહે છે કે–નવમી ગ્રૈવેયકે જનારા
અનંત જીવો અત્યારે નરક–નિગોદમાં પડયા છે–તો તેનું
શું કારણ?
ઉ.–શુભભાવવડે નવમી ગ્રૈવેયક સુધી જવા છતાં તે
જીવો આત્માનું સાચું સ્વરૂપ સમજ્યા નહિ અને
મિથ્યાત્વ છોડયું નહિ તેથી તેઓને સંસારપરિભ્રમણ ટળ્‌યું
નહિ.
પરિભ્રમણનું કારણ વિકાર હોવાથી તે સદા બદલ્યા કરે છે
એટલે અજ્ઞાની જીવ શુભરાગ પલટીને અલ્પકાળમાં
અશુભરાગ કરીને નરકાદિમાં જાય છે અને તત્ત્વનો
વિરોધી હોવાથી પરંપરા તે નિગોદ જાય છે. સંસારમાં
ભ્રમણ કરતા જીવનો સૌથી વધારે કાળ નિગોદમાં જ
જાય છે.
૬૮. પ્ર.–સમયસારનું સ્વરૂપ આત્માથી સમજે તેને શું
મળે?
ઉ.–સમયસાર એટલે શુદ્ધાત્મસ્વરૂપ; તેને જે આત્મા
સમજે તે જીવ તેવા શુદ્ધાત્માને પામે અર્થાત્ રત્નત્રયીને
પામીને તે જીવ અલ્પકાળમાં પંચમગતિ જે મોક્ષ તેને
પામે.
૬૯. પ્ર.–આ જીવને અનંત ભવો કોનાં કારણે થયા?
ઉ.–પોતાના આત્માની ઓળખાણ ન કરી તેના કારણે
અનંતભવ થયા છે.
૭૦. પ્ર.–તે અનંતભવ કેમ ટળે?
ઉ.–પોતાના આત્માની સાચી સમજણ (સમ્યગ્દર્શન)
છે.
૭૧. પ્ર.–અહીં નમસ્કાર કોને કર્યાં અને શું સમજીને
કર્યા છે?
ઉ.–અહીં સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યા છે. જેમ
સિદ્ધભગવાન સર્વ પ્રકારે શુદ્ધ છે તેમ મારો સ્વભાવ પણ
સર્વ પ્રકારે શુદ્ધ સિદ્ધ સમાન જ છે– એમ સિદ્ધ સમાન
પોતાના આત્માને સ્વીકારીને અહીં નમસ્કાર કર્યા છે.
૭૨. પ્ર.–જેમાં એક સમયમાં અનંત ગુણોની અનંત
આનંદમય પૂર્ણ અવસ્થા છે એવી સિદ્ધદશાને કોની ઉપમા
આપશો?
ઉ.–આ જગતમાં એવી કોઈ જ વસ્તુ નથી કે જેની
સાથે સિદ્ધદશાને સરખાવી શકાય! એટલે સિદ્ધદશા
અનુપમ છે. સિદ્ધની ઉપમા સિદ્ધને. અર્થાત્ સિદ્ધદશા
કેવી? કે જેવા સિદ્ધ ભગવાન તેવી.
૭૩. પ્ર.–સિદ્ધ ભગવાનને શરીર વગેરેનો સંયોગ તો
હોતો નથી, તો પછી સિદ્ધ ભગવાનને સુખ કઈ વસ્તુનું?
ઉ.–સુખ તે જીવનો સ્વભાવ છે. સુખ કે દુઃખ
પરવસ્તુને આધારે નથી. સંસારી જીવ પણ શરીર, પૈસા,
ખોરાક વગેરેનો ભોગવટો કરતો નથી પરંતુ તેને જાણે છે
અને રાગ કરીને તે રાગને જ ભોગવે છે. અને સિદ્ધ–
ભગવાન સંપૂર્ણ જ્ઞાન કરે છે અને રાગ કરતા નથી તેથી
તેઓ પોતાના વીતરાગ અનાકુળ સ્વભાવને ભોગવે છે,
તેનું જ સુખ છે. દરેક જીવ પોતાની પર્યાયમાં જ સુખ–
દુઃખને ભોગવે છે. સિદ્ધ ભગવાનની પર્યાય સંપૂર્ણ
જ્ઞાનમય શુદ્ધ હોવાથી તેઓ સંપૂર્ણ સુખને ભોગવે છે.
(ચાલું...)

PDF/HTML Page 20 of 21
single page version

background image
પોષઃ૨૪૭૩ પ૯
કહ્યું કે–નમિરાજ! તમારી વાત મને પસંદ ન આવી, તમે બરાબર કહેતા નથી.
આ સાંભળતાં જ ભરતના પુત્રો બોલી ઊઠયા કે–પિતાજી! અમારા મામાજી તો બરાબર જ કહી રહ્યા છે.
આવી સીધી વાતને તમે કેમ કબૂલતા નથી?
ભરતે કહ્યું–તમે કોઈ કારણે તમારા મામાનો પક્ષ કરી રહ્યા છો, રહેવા દ્યો. આ મારા બીજા પુત્રો આવી રહ્યા
છે તેમને આ વાત પૂછીશું. તેઓ શું કહે છે તે જુઓ.
એટલામાં પુરુરાજ અને ગુરુરાજ એ બે કુમારો આવ્યા, તેમને ભરતજીએ પૂછયું ત્યારે તેઓએ એમ જ કહ્યું
કે નિશ્ચયરત્નત્રય જ મોક્ષનું કારણ છે–એમ મામાજી કહે છે તે બરાબર છે. પણ ભરત કહે–હું તે સ્વીકારતો નથી. એ
પ્રમાણે કુમારો આવતા ગયા અને ભરત તેમને પૂછતા ગયા. બારસો કુમારોને પૂછયું પણ તે બધાયે દ્રઢતાથી એક
પ્રકારે ઉત્તર આપ્યો. છેવટે સૌથી મોટા કુમારો અર્કકીર્તિ, આદિરાજ અને વૃષભરાજ આવ્યા. ભરતજીએ તેમને પ્રશ્ન
કર્યો કે–બેટા, મારી અને તમારા મામા વચ્ચે એક વિવાદ ઉપસ્થિત થયો છે, તેનો નિર્ણય તમારે આપવો જોઈએ.
કુશળ કુમારો વચમાં જ બોલી ઊઠયા–પિતાજી! આપના અને મામાજીના વિવાદમાં વચ્ચે પડવાનો અમારો અધિકાર
નથી. આપ લોકો શ્રી આદિભગવંતના દરબારમાં જઈ શકો છો, ત્યાં સર્વ નિર્ણય થઈ જશે. સમ્રાટે કહ્યું–આ તો
સાધારણ વાત છે, તમે સાંભળો તો ખરા. કુમારો! મુક્તિ માટે આત્મધર્મ અર્થાત્ નિશ્ચયરત્નત્રયની શું આવશ્યકતા
છે? શું વ્યવહાર કે બાહ્યધર્મ જ પર્યાપ્ત નથી? આ નમિરાજ કહે છે કે– સ્થુળધર્મની (–વ્યવહારધર્મથી) સ્વર્ગની
પ્રાપ્તિ થાય છે–મોક્ષની પ્રાપ્તિ તેનાથી થતી નથી, આત્મધર્મથી (–નિશ્ચયધર્મથી) મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ
સંબંધમાં તમારો શું મત છે તે જણાવો.
આ સાંભળતાં જ તે પુત્રો આશ્ચર્યચક્તિ થઈ ગયા. મનમાં સોચવા લાગ્યા કે–અરે, આ શું! પિતાજી તો
અમને હંમેશા કહ્યા કરતા હતા કે મુક્તિને માટે આત્માનુભવ એ જ મુખ્ય સાધન છે. અને આજે તેનાથી ઊલટું આ
શું કહી રહ્યા છે! ! આનું કારણ શું હશે! પુત્રોના સંકોચને જોઈને ભરત બોલ્યા–પુત્રો! તમે સંકોચ ન રાખો. જે
સત્ય હોય તે કહો.
ત્યારે કુમારો દ્રઢતાપૂર્વક બોલ્યા–પિતાજી! નિશ્ચયરત્નત્રય એ જ મોક્ષનું કારણ છે, વ્યવહાર ધર્મ તો
શુભરાગ છે, તે મોક્ષનું કારણ નથી; મામાજીની વાત બિલકુલ સત્ય છે, આપને પણ તે મંજુર કરવી જોઈએ.
છેલ્લા કુમારોની દ્રઢતા જોઈને ચક્રવર્તીએ કહ્યું–બેટા, મને એમ હતું કે તમારા ભાઈઓએ તો મામાનો પક્ષ
ગ્રહણ કર્યો પરંતુ તમે અવશ્ય મારા પક્ષમાં રહેશો. પરંતુ તમે પણ મામાનો જ પક્ષ ગ્રહણ કર્યો...અચ્છા, તમારી
મરજી!
કુમાર બોલ્યા–પિતાજી અમે જુઠ કેમ બોલી શકીએ? અમને જે સત્ય લાગ્યું તે જ અમે કહ્યું છે. સત્ય વાત
તો આપે પણ સ્વીકારવી જોઈએ.
કુમારોની વાત સાંભળીને ભરત ચક્રવર્તી પ્રસન્ન થયા અને નમિરાજ પ્રત્યે કહેવા લાગ્યા–જુઓ, ગમે તેમ
તોય આ બધાય શ્રી ભગવાન આદિનાથ સ્વામીના પૌત્રો છે! તેમનું શું વર્ણન કરું! સાક્ષાત્ પિતા હોવા છતાં પણ
તેઓએ મારો પક્ષ ગ્રહણ કરીને વાત ન કરી, પણ જે યથાર્થ મોક્ષમાર્ગ છે તે જ તેઓએ કહ્યો. આથી તેમની
તત્ત્વજ્ઞાનની દ્રઢતા અને સત્યપ્રિયતા છે તે જણાયા વગર રહેતી નથી...
* * * * *
અહા, ધન્ય તે ધર્મકાળ અને તે ધર્માત્માઓ! જ્યારે પારણામાંથી જ બાળકોને તત્ત્વનાં સીંચન મળતાં, સાચું
તત્ત્વજ્ઞાન ઘેર ઘેર મળતું, અને તે આત્માઓ પણ કુમારવયથી જ તત્ત્વના પ્રેમીઓ હતા, તત્ત્વજ્ઞાન એ તેઓના
જીવનનું મુખ્ય અંગ હતું...આજે પણ...
હજી તત્ત્વજ્ઞાનનો સર્વથા વિચ્છેદ નથી થયો, સત્પુરુષોની પરમ કરુણાથી આજે પણ સત્ય તત્ત્વના ધોધ
વહેતા થયા છે, અને તત્ત્વપ્રેમી ભવ્ય આત્માઓ હજી આ ભરતમાં વસી રહ્યાં છે...એ રીતે...આ ભરતક્ષેત્રમાં ફરીથી
ધોરી ધર્મમાર્ગના સુપ્રભાતનો ઉદય થાય છે...– ધન્ય એ ધર્મકાળ –
(‘ભરતેશવૈભવ’ ભાગ–૨ પા. ૨૨૪ થી ૨૨૮ના આધારે)
ઃ સુવર્ણપુરી સમાચારઃ
૧. હાલ સવારે વ્યાખ્યાનમાં અષ્ટપાહુડ વંચાય છે, તેમાં છઠ્ઠા મોક્ષપાહુડની ૬૦ ગાથા વંચાણી છે; બપોરે સમયસાર
(આઠમી વખત) વંચાય છે, તેની ૪૪ ગાથા વંચાણી છે.
૨. શાસન નાયક શ્રી કુંદકુંદભગવાનનો આચાર્યપદ દિન મહોત્સવ–માગશર વદ ૮ના રોજ ઘણા ઉત્સાહ અને
ભક્તિપૂર્વક ઉજવાયો હતો.