Atmadharma magazine - Ank 045
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક ૪પ
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છे ।।
વર્ષ ચોથુંઆષાઢ
અંક નવ
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા
પ્રશ્નઃ– ચૈતન્ય સ્વભાવ પરનું કાંઈ કરે નહિ–એ વાત તો બરાબર છે, પરંતુ એવી
શ્રદ્ધા કેમ રહે? ઘણા માણસો મરી જતા હોય ત્યારે ‘હું જાણનાર છું’ એવી શ્રદ્ધા કેમ
રહે?
ઉત્તરઃ– કોણ શ્રદ્ધા રાખે? એ શ્રદ્ધા કોઈ જડ રાખે કે ચેતન રાખે? હું ચૈતન્ય તો
સર્વદા જાણનાર જ છું, જ્યારે તે માણસો જીવતા હતા ત્યારે તેને જાણતો હતો અને તે
મર્યાં ત્યારે તેમ જાણ્યું. અજ્ઞાની એમ માને કે હું તેને બચાવી દઉં, તોપણ તે કોઈ પરને
બચાવવા સમર્થ નથી. જ્ઞાની કે અજ્ઞાનીને પર જીવોને બચાવવાનો ભાવ થાય, ત્યાં
જ્ઞાની એમ સમજે છે કે પર જીવોને બચાવવા હું સમર્થ નથી અને જે શુભ લાગણી થઈ
તે પણ મારા ચૈતન્ય સ્વભાવનું કાર્ય નથી. મારા ચૈતન્ય સ્વભાવનું કાર્ય તો ચૈતન્ય
સ્વભાવમાં રહીને જાણવાનું જ છે, જે શુભલાગણી થઈ તેનો પણ ખરેખર જાણનાર છું.
અજ્ઞાની એમ માને છે કે ઘણા જીવો મરી જતા હોય તેવે વખતે તેને બચાવવા એ
આપણી ફરજ છે, અને તેને બચાવવાનો શુભભાવ તે ચૈતન્યનું કર્તવ્ય છે; એ રીતે
મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાને પર પદાર્થનો અને વિકારનો કર્તા માને છે, તેને પરથી અને
વિકારથી ભિન્ન ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા નથી. ચૈતન્યનો સ્વભાવ તો ત્રણ કાળ ત્રણ
લોકને એક સાથે જાણવાનો છે, ત્રણકાળ ત્રણલોકમાં શું બાકી રહી ગયું? માટે ગમે તેવા
પ્રસંગે પણ ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા ટકી રહે છે; તે શ્રદ્ધા ચૈતન્યના જ આશ્રયે છે, પરના
આશ્રયે નથી.
(શ્રી સમયસાર– મોક્ષ અધિકાર ઉપરના વ્યાખ્યાનોમાંથી)
* * * * * * *
વાર્ષિક લવાજમ૪પછૂટક અંક
અઢી રૂપિયાશાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 21
single page version

background image
ઃ ૧૬૬ઃ આત્મધર્મઃ ૪પ
વર્ષ ચોથુંસળંગ અંકઅષાઢઆત્મધર્મ
અંક નવમો૪પર૪૭૩
કેટલું જીવ્યા? કેવી રીતે જીવવું?
લેખકઃ ખીમચંદ જેઠાલાલ શાહ
સ્વરૂપની ભ્રમણા અર્થાત્ વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું ન માનતાં વિપરીત માનવું, સ્વની સાવધાની ચૂકી
પરમાં સાવધાની કરવી, એ રૂપ મિથ્યાત્વ, સ્વને ભૂલી પરનું જ્ઞાન કરવા રૂપ અજ્ઞાન અથવા પરનાં જીવન–મરણ
સુખ–દુઃખ, ઉપકાર–અપકાર હું કરું અને પર જીવો મારાં જીવન–મરણ આદિ કરે એવા આશય રૂપ અજ્ઞાન,
આત્મસ્વભાવમાં રમણતા–લીનતા કરવાને બદલે પરમાં લીનતા કરવારૂપ મિથ્યાચરણ, શુભાશુભ ઇચ્છા નિરોધને
તપ માનવાને બદલે આહારાદિના ત્યાગમાં તપબુદ્ધિ, પરવસ્તુ મને લાભ કરી શકે એવી માન્યતાપૂર્વકનો પરમાં
ઇષ્ટબુદ્ધિરૂપ રાગ, પર વસ્તુ મને નુકશાન કરી શકે એવી માન્યતાપૂર્વકનો પરમાં અનિષ્ટ બુદ્ધિરૂપ દ્વેષ, પરની રુચિ
અને સ્વરૂપની અરુચિરૂપ ક્રોધ, પરનું કિંચિત્ત માત્ર નહિ કરી શકતો હોવા છતાં હું પરનું કરી દઉં એવું માન,
પંચમકાળમાં ધર્મ–આત્મસ્વભાવ કઠિન છે માટે ન સમજી શકાય તેથી બીજું કાંઈક કરવું જોઈએ, પુણ્ય કરતાં કરતાં
ધીમે ધીમે સ્વરૂપ પ્રાપ્તિ થઇ જશે માટે હમણાં તો પુણ્ય જ કરવું એમ સ્વરૂપની આડ મારવારૂપ માયા, પોતાનામાં
અનંત ગુણ ભર્યા છે તેનું લક્ષ ચૂકી પરની–પુણ્યાદિની સંગ્રહ બુદ્ધિરૂપ લોભ, રાગદ્વેષાદિ વિકારોની ઉત્પત્તિરૂપ હિંસા,
પરનું પરિણમન મારે આધીન છે, એમ માનવા રૂપ અસત્ય, પરદ્રવ્ય ને પરભાવને પોતાનાં માનવા રૂપ ચોરી,
આત્મા જે એકલો જ્ઞાયક સ્વરૂપ સ્વતંત્ર છે તેને પરાધીન માનવારૂપ મૈથુન, સંયોગી ભાવ અને સંયોગી પદાર્થો મારા
છે એવી પકડબુદ્ધિરૂપ પરિગ્રહ, દેહાદિની ક્રિયાથી આત્મલાભ, વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ–આવી
આવી અનેક પ્રકારની માન્યતા સહિત અજ્ઞાનપણે કેટલું જીવ્યા?
વ્યવહાર જીવનમાં પણ શેર અનાજની જરૂર અને લાખો ખાંડી મેળવવાની ચિંતા, સાડા ત્રણ હાથ ભૂમિની
જરૂર ને મોટી મહેલાતોની ચિંતા, ૨પ–પ૦ વર્ષનું આયુષ્ય ને કરોડો વર્ષની ચિંતા એવી અનેક પ્રકારની એકત્વબુદ્ધિ
રૂપ ચિંતાયુક્ત બનીને કેટલું જીવ્યા?
केटलुं जीव्या’ એ પ્રશ્નનો ઉત્તર આપ્યો. હવે પ્રશ્ન એ છે કે ‘केवी रीते जीववुं’ ?
‘કેટલું જીવ્યા’ વાળી માન્યતાઓનો ત્યાગ કરી તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ, વસ્તુના યથાર્થ સ્વરૂપની
સમજણરૂપ જ્ઞાન, સ્વરૂપ સ્થિરતારૂપ ચારિત્ર, શુભાશુભ ઇચ્છા નિરોધરૂપ તપ, કોઈ પણ પર મને લાભ કે હાનિ કરી
શકે નહિ માટે તેમના પ્રત્યેનો સમભાવ, અકષાય આત્મસ્વરૂપના લક્ષે રાગાદિની અનુત્પત્તિ થવારૂપ સ્વદયા,
જગતનાં સર્વ દ્રવ્યો પૂર્ણ સ્વતંત્ર છે માટે તેના પરિણમનમાં મારો કિંચિત માત્ર હાથ નથી. હું શુદ્ધ ચિદાનંદ રૂપ, કેવળ
જ્ઞાયક આત્મા છું, પર દ્રવ્ય પરમાણુમાત્ર મારું નથી. હું દ્રવ્યે–ગુણે–પર્યાયે પરિપૂર્ણ છું તેના લક્ષે શુદ્ધતા પ્રગટે છે,
ઇત્યાદિ માન્યતાપૂર્વક જેઓ જીવ્યા તેઓ પરિપૂર્ણ શુદ્ધતાને–અનંત અવ્યાબાધ સુખને પામ્યા છે. જેઓ તે પ્રકારે
વર્તમાનમાં જીવે છે તે અનંત અવ્યાબાધ સુખ પામે છે તથા ભવિષ્યમાં તે પ્રકારે જીવશે તે અનંત અવ્યાબાધ સુખ
પામશે. એવો ત્રણે કાળે એકરૂપ અબાધિત સિદ્ધાંત છે.
જેવી રીતે પુષ્પ કે જેના નસીબમાં દિનકર તણો અસ્ત થતાં પહેલાં કરમાવાનું લખ્યું છે તે
“ડોલન્તું તે પવનલહરીમાં, રમન્તું હતું ને
ફેલાવન્તું સકળ દિશમાં સૌરભ સ્વાત્મની ને
અર્પે શોભા સ્થળ સકળને આત્મ સૌંદર્યથી તે.”
તેવી રીતે ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો હો તો પણ જ્ઞાયક રહી, સ્વભાવનું સૌરભ પ્રસરાવી, તેમાં
પ્રીતિવંત બની, સંતુષ્ટ ને તૃપ્ત થઈ, અસંખ્યાત આત્મપ્રદેશે સૌંદર્ય પ્રગટાવી આપણે પણ જીવન જીવીએ એ
ભાવના...!
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
મુદ્રકઃ ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા તા. ૪–૬–૪૭

PDF/HTML Page 4 of 21
single page version

background image
આષાઢઃ ૨૪૭૩ઃ ૧૬૭ઃ
શ્રી કુંદકુંદ વાણી
અષ્ટ પાહુડ– મોક્ષપ્રાભૃત ઉપર પૂ. સદ્ગુરુદેવશ્રીના પ્રવચનોના આધારે તા. ૧૯–૧–૪૭
(૧) શ્રી પંચ પરમેષ્ટિને ઓળખીને તેના સ્મરણ–વંદનાદિથી વિઘ્ન ટળે છે, એમ કહ્યું છે, ત્યાં વિઘ્ન એટલે
બહારના સંયોગ ન સમજવા, પણ આત્મામાં તે વખતે તીવ્ર કષાય ટળી જાય છે, તીવ્ર કષાય તે જ વિઘ્ન છે, તે વિઘ્નનો
પંચ પરમેષ્ટિના સ્મરણથી નાશ થાય છે. પંચ પરમેષ્ટિનું ધ્યાન કરવા છતાં તે વખતે બહારમાં સિંહ ખાઈ જતા હોય એવો
સંયોગ પણ હોય. પરંતુ એ સંયોગ તે કાંઈ વિઘ્ન નથી. પણ તે વખતે પંચ પરમેષ્ટિના સ્મરણથી તે સંયોગનું લક્ષ છૂટી
જાય છે, અને પાપભાવ ટળી જાય છે, તે જ વિઘ્ન ટળી ગયા છે, બહારનો સંયોગ રહે કે ટળે તેની સાથે કાંઈ સંબંધ નથી.
(૨) ચૈતન્યની પર્યાયમાં વિકાર થાય તેને જાણે અને તે વિકારરહિત ચૈતન્ય સ્વભાવને જાણે ત્યારે ભેદજ્ઞાન
થાય છે. દેહાદિ જડની ક્રિયાથી જુદો અને મિથ્યાત્વ વગેરે વિકારથી રહિત એવા ચૈતન્ય સ્વભાવની પ્રતીત અને જ્ઞાન
કરવાં તે જ મોક્ષનો પ્રથમ ઉપાય છે.
(૩) એવું સમ્યક્ આત્મભાન થતાં, પરદ્રવ્યો પ્રત્યેની જે શુભાશુભ લાગણીઓ થાય તે બધાને સંસારનું
કારણ જાણીને, વીતરાગભાવના (વૈરાગ્ય) વડે તે વિકારી લાગણીઓ છોડીને જીવ નિર્ગ્રંથ મુનિ થાય છે. અને
પોતાના સ્વભાવના અનુભવમાં સ્થિર થવાનું સાધન કરે છે.
(૪) ચૈતન્ય આત્મધર્મ સહજ અને સુલભ છે. સહજ એટલે સ્વભાવમાંથી પ્રગટેલું; તેમાં વિભાવની અપેક્ષા
નથી. જે સમ્યગ્દર્શન અને ચારિત્રને દુઃખદાયક માને છે તે ચૈતન્ય સ્વભાવને જ દુઃખદાયક માને છે; સમ્યગ્દર્શનાદિ તો
સુખરૂપ છે, સમ્યક્ પુરુષાર્થ વડે તે પ્રગટે છે.
(પ) કષાય મંદ પડયો તે ધર્મનું ફળ નથી; પ્રતિકૂળતા વખતે તીવ્ર આકુળતા ન કરે તે પણ ધર્મનું કાર્ય નથી,
એ તો રાગની મંદતા છે–કષાય છે. સત્સમાગમનું ફળ તો સાચી સમજણ અને સમ્યગ્દર્શન છે, અને ત્યાર પછી જ
સાચો વૈરાગ્ય હોય છે. સમ્યગ્દર્શન થતાં જીવને સમયે સમયે ગુણોની વિશુદ્ધ પર્યાય વધતી જાય છે, તે ધર્મનું ફળ છે.
(૬) ભક્તિ વગેરેનો શુભરાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન થઈ જશે એમ માનવું તે મિથ્યાત્વ છે, અને સત્ના
શ્રવણનો શુભરાગ કરતાં કરતાં સમજાશે–એમ માનવું તે પણ મિથ્યાત્વ છે કેમકે તેમાં શુભરાગ વડે સમ્યગ્જ્ઞાન
માન્યું. ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં અને સ્વભાવની રુચિ તથા મહિમા કરતાં કરતાં જ સમ્યગ્જ્ઞાન અને
સમ્યગ્દર્શન થાય છે.
(૭) સત્ સ્વભાવની જાહેરાતથી તથા તેના શ્રવણ–મનનથી કદી કોઈને નુકશાન થાય જ નહિ. સત્
સ્વભાવનું કથન, સત્નું શ્રવણ, સત્નું જ્ઞાન અને સત્ની રુચિ તે સત્નું જ (–સમ્યગ્દર્શનાદિ શુદ્ધ પર્યાયનું જ)
કારણ થાય; સત્ સ્વભાવનો અભ્યાસ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય. તે સમ્યગ્દર્શન પછી પણ ચારિત્ર દશા પ્રગટ કરીને
જીવ વીતરાગતા કરે ત્યારે જ મોક્ષ થાય છે.
(૮) દર્શન–જ્ઞાન સ્વભાવની ઓળખાણ થયા પછી વિશેષ અભ્યાસ વડે સ્વભાવની સ્થિરતા કરે છે ત્યારે
સંત–મુનિદશા પ્રગટે છે, તે દશામાં વસ્ત્રાદિ પરિગ્રહનો રાગ હોતો નથી તેથી ત્યાં વસ્ત્રાદિ કાંઈ હોતું નથી, સહજપણે
વસ્ત્રાદિ છૂટી જાય છે; ત્યાં જે વસ્ત્રાદિ છૂટી જાય છે તે તો જડની ક્રિયા છે, તેનો કર્તા આત્મા નથી. આત્મા તો સ્વરૂપ
સ્થિરતારૂપ ક્રિયાનો જ કર્તા છે અને તે જ સાચી મુનિદશા છે. ધન્ય તે મુનિદશા! જેઓ રાત્રિ અને દિવસ નિરંતર
સ્વરૂપના પરમ અમૃતમય નિરાકૂળ સ્વાદને અનુભવી રહ્યા છે, એક સમયનાં પણ પ્રમાદ વગર કેવળજ્ઞાન સ્વરૂપને
સાધી રહ્યા છે, જેમને સ્વરૂપ સાધન કરતાં કદી પણ થાક લાગતો નથી–એવા પરમ પુરુષ શ્રી સંત મુનિશ્વર
ભગવંતોના ચરણ કમળમાં નમસ્કાર હો! એ પરમ દશા વગર મુનિદશા હોય નહિ.
(૯) દયાની શુભ લાગણી થાય તેને વિકાર માને, અને હું પર જીવોને બચાવું છું એવી મિથ્યા લાગણી ન
હોય પણ જ્ઞાતાસ્વભાવ જ છું એવી પ્રતીત હોય તે જીવને પર જીવને મારવાનો ભાવ ન હોવાથી સર્વે જીવોની દયા
પાળનાર ઉપચારથી કહેવાય છે; ખરેખર તો પોતે પોતાના આત્માને કષાયથી બચાવ્યો છે તે જ સાચી આત્મદયા છે.
(૧૦) શાસ્ત્રના શબ્દો ગોખ્યા કરે તેનાથી લાભ થાય નહિ; ઊલ્ટું, તેમાં જે શુભરાગ થાય તેને ધર્મ માને
અથવા ધર્મનું કારણ માને તો તે માન્યતાથી મિથ્યાત્વની પુષ્ટિ થાય–એ નુકશાન થાય. સત્શાસ્ત્ર વગેરેનો અભ્યાસ
કરવાની ના નથી પણ તેમાં જે શુભરાગ થાય તેને ધર્મ ન માનવો, તે રાગથી ખરેખર લાભ ન માનવો અને પોતાના
જ્ઞાનસ્વભાવ તરફ ઢળીને સત્નો નિર્ણય કરવો–તે જ અભ્યાસનું સાચું ફળ છે. *

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૧૬૮ઃ આત્મધર્મઃ ૪પ
હે જીવ! જ્ઞાનીઓનો ઉપદેશ તારા હિત માટે છે
વિકારીભાવમાં શુભ અને અશુભ એવા બે ભેદ વ્યવહારથી છે, પરમાર્થે તો શુભ–અશુભ બંને એક જાતના
છે, અધ્યાત્મશાસ્ત્રમાં તેને ‘અશુભ’ કહેવામાં આવે છે. સર્વે વિકાર તે અશુભ જ છે. પુણ્ય અને પાપ બંનેના ફળમાં
સંસાર જ છે. એક તરફ આખો સંસાર ભાવ અને બીજી તરફ એકલો સંપૂર્ણ સ્વભાવભાવ; બધોય સંસારભાવ
અશુભ જ છે, પછી પુણ્ય હો કે પાપ હો, પણ તે શુભ નથી. અને સ્વભાવભાવ તે જ નિશ્ચયથી શુભ છે, તેને જ શુદ્ધ
કહેવાય છે, અને તે જ ધર્મ છે. અશુભભાવ તે જ અધર્મ છે. અને તેમાં પુણ્ય–પાપ બંનેનો સમાવેશ થઈ જાય છે.
જીવોને પુણ્યભાવ છોડાવીને પાપભાવ કરાવવા માટે જ્ઞાનીઓ પુણ્ય–પાપ સમાન કહેતા નથી, પરંતુ જે જીવો
ધર્મના જીજ્ઞાસુ છે તેમને જ્ઞાનીઓ સમજાવે છે કે હે ભાઈ, આ પુણ્ય અને પાપ એ બંને ભાવોથી તને બંધન થાય છે–
દુઃખ થાય છે, અને તારો સ્વભાવ તો એ પુણ્ય–પાપ બંનેથી રહિત સિદ્ધ જેવો શુદ્ધ છે, એવા તારા શુદ્ધસ્વભાવને તું
સમજ અને તેની પ્રતીત કર તો તને ધર્મ થાય, અને તારૂં અવિનાશી આત્મકલ્યાણ થાય. પરંતુ સ્વભાવને સમજ્યા
વગર પાપ ઘટાડીને પુણ્ય કર તો તેટલાથી તારૂં બંધન ટળી જતું નથી. અને તેનાથી તારૂં હિત થતું નથી. હે ભાઈ, તું
જે પુણ્યને સારા માની રહ્યો છો તે પુણ્ય તો તેં અનંતવાર કર્યા, પરંતુ તેનાથી તારૂં આત્મકલ્યાણ થતું નથી, માટે
આત્મકલ્યાણનો સાચો ઉપાય પુણ્ય નથી પણ પુણ્યથી જુદો કોઈ ઉપાય છે, એમ સમજીને તું તારા આત્મસ્વભાવની
ઓળખાણનો માર્ગ લે, અને પુણ્યને આત્મકલ્યાણનો ઉપાય, કારણ કે હેતુ ન માન.
હે ભવ્ય! પુણ્યથી ધર્મ નથી અને જડની ક્રિયા આત્મા કરી શકતો નથી ઇત્યાદિ પ્રકારે ઉપદેશ આપીને
જ્ઞાનીઓ તને તારા હિતનો ઉપાય દર્શાવે છે. અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ સત્ધર્મમાં તને લગાડવા માગે છે,
પણ કાંઈ ધર્મથી છોડાવવા અને તારૂં અહિત કરવા માટે જ્ઞાનીઓ ઉપદેશ કરતા નથી.
ભલે પુણ્ય ભાવ થાય અને પાપ ભાવ પણ થઈ જાય, પરંતુ તું એટલું તો અવશ્ય સમજ કે તે પુણ્ય–પાપ
બંને વિભાવ છે, તેનાથી આત્મા બંધાય છે, માટે તે ભાવોમાં મારૂં હિત નથી. મારા આત્મસ્વભાવમાં પુણ્ય–પાપ
નથી. આમ સ્વભાવ અને વિભાવના ભિન્નપણાની શ્રદ્ધા તથા જ્ઞાનને ટકાવી રાખીશ તોપણ તારા અવતારનો
અલ્પકાળે અંત આવી જશે. પણ જો પુણ્યમાં જ હિત માની લઈશ તો કદી પણ તારા અવતારનો અંત આવશે નહિ.
તું તારા આત્મામાં વિચારી જો કે પુણ્ય તો બંધન છે અને બંધનનું ફળ તો સંસાર જ છે, તો પછી જેનું ફળ સંસાર છે
તેનાથી આત્મહિત કેમ થાય?
તેવી જ રીતે જડ શરીરની ક્રિયાથી ધર્મ ન થાય–એમ સત્ય સમજાવીને કાંઈ જ્ઞાનીઓ તને ધર્મથી છોડાવવા
નથી માગતા, પણ તને સત્યધર્મમાં લગાડે છે. જડ શરીરની ક્રિયા હું કરૂં અને તેનાથી મને ધર્મ થાય એમ માનીને તું
તારા આત્માની સાચી ક્રિયાને ભૂલી રહ્યો છો. તું વિવેકથી જો તો ખરો કે તું ચૈતન્યસ્વરૂપી આત્મા છો, શું તારો ધર્મ
જડની ક્રિયામાં હોય? તું જડની ક્રિયામાં ધર્મ માનીને અને વિકાર ભાવમાં ધર્મ માનીને ક્ષણે ક્ષણે તારૂં અપાર અહિત
કરી રહ્યો છો, તેથી જ્ઞાનીઓને તારી કરુણા આવે છે અને તને તારા પરમ હિતનો સત્ય માર્ગ દર્શાવે છે.
ज्ञानीओनो
उपदेश तारा हित माटे ज छ
–તેથી હે ભવ્ય જીવ! તું તેનો વિરોધ ન કર, પણ પાત્ર થઈને શાંતિથી તારા
આત્મકલ્યાણને ખાતર જ્ઞાનીઓ જે ઉપાય કહે છે તે સમજવાનો પ્રયત્ન કર...એ માટે જ્ઞાનીને ઓળખીને તેમના
શરણે અર્પાઈ જા–એમ કરવાથી અવશ્ય તારી ભવબંધનની બેડી તૂટી જશે.
આવું મનુષ્યપણું મળ્‌યું, જ્ઞાનનો ઉઘાડ થયો, જૈન શાસન મળ્‌યું અને સત્સમાગમની પ્રાપ્તિ થઈ, આવા
પ્રસંગે પોતાના આત્માની ઓળખાણ નહિ કરે તો પછી ક્યારે કરશે? આત્મસ્વભાવના પરમ શાંત આનંદની
ઓળખાણ અને અનુભવ ન થાય તો જીવનના લહાવા શું? જૈન શાસનમાં આવીને પણ જો આત્માની ઓળખાણનો
સાચો માર્ગ ન લ્યે તો માનવજીવન મળ્‌યું શું કામનું? રણ–અટવીના થાકથી થાકીને સરોવરના કિનારે આવ્યો તે
પાણી પીધા વગર કેમ પાછો જાય? તેમ હે ભાઈ! જો તું જન્મ–મરણના ફેરાથી થાકયો હો અને તે દુઃખથી છૂટીને જો
તારે આત્મિક સુખનો અનુભવ કરવો હોય તો જ્ઞાની પુરુષોની શીતળ છાયામાં તું વિશ્રામ લે. સંત પુરુષના સમાગમે
તું આત્માનો અભ્યાસ કર, તેથી અવશ્ય તને ધર્મની પ્રાપ્તિ થશે અને તારૂં અવિનાશી હિત થશે. * * * * *

PDF/HTML Page 6 of 21
single page version

background image
આષાઢઃ૨૪૭૩ઃ ૧૬૯ઃ
પરમાનંદ સ્તોત્ર
(આ પરમાનંદ સ્તોત્ર રચનાર કોણ છે તે
જાણવામાં આવ્યું નથી; માત્ર ૨૪ શ્લોકોમાં જ રચનારે
પરમાનંદનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિની પ્રેરણાનું સુંદર
વિવેચન કર્યું છે. તેમાં નીચેના વિષયોનો સમાવેશ થાય
છે–
૧. આત્માનું સ્વરૂપ અને તે કોણ દેખી શકે?
(શ્લોક ૧, ૧૦ તથા ૧૩ થી ૧૯)
૨. નિજ પરમાત્મદર્શનની પ્રેરણા (શ્લોક ૨) ૩.
પરમાનંદ સ્વરૂપ આત્માનું લક્ષણ (શ્લોક ૩) ૪. કેવા
વિચાર યોગ્ય છે?(શ્લોક ૪) પ. જ્ઞાનરૂપી સુધારસનું
પાન કોણ કરે? અને કેવી રીતે કરે? (શ્લોક પ) ૬.
પંડિત કોણ અને તે શું કરે? (શ્લોક ૬ તથા ૨૦ થી
૨૪) ૭. શરીરમાં આત્મા કેવી રીતે રહેલો છે અને તેનું
સ્વરૂપ કેવું છે? (શ્લોક ૭–૮) ૮. આત્મા આનંદ સ્વરૂપ
છે, પણ ધ્યાનહીન પુરુષ તેને દેખી શકતો નથી, જેમ
જન્માંધપુરુષ સૂર્યને દેખતો નથી તેમ. (શ્લોક ૯) ૯.
આત્માનું ધ્યાન કરવાથી શું થાય છે? (શ્લોક ૧૧–૧૨)
આ શ્લોકો અધ્યાત્મરસપૂર્ણ અને સહેલાઈથી યાદ રાખી
શકાય તેવા હોવાથી અહીં આપવામાં આવે છે–)
(અનુષ્ટુપ)
परमानंदसंयुक्तं, निर्विकारं निरामयम्।
ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थित्म्।।१।।
અર્થઃ– પરમાનંદ સંયુક્ત, રાગાદિક વિકારોથી
રહિત અને રોગોથી પર એવો પરમ આત્મા પોતાના
દેહમાં જ બિરાજમાન છે, પણ ધ્યાનહીન પુરુષ તેને દેખી
શકતો નથી, અર્થાત્ ધ્યાનના અભ્યાસ વડે તે દેખાય છે.
अनंतसुखसंपन्नं, ज्ञानामृत पयोधरम्।
अनंतवीर्य संपन्नं, दर्शनं परमात्मनः।।२।।
અર્થઃ– અનંત સુખથી ભરપૂર, જ્ઞાનામૃતના
સમુદ્રરૂપ અને અનંત શક્તિ યુક્ત એવા પરમાત્મ
સ્વરૂપનું દર્શન કરવું જોઈએ–તેનું જ અવલોકન કરવું
જોઈએ.
निर्विकारं निराबाधं, सर्वसंग विवर्जितम्।
परमानंद संपन्नं, शुद्ध चैतन्य लक्षणम्।।३।।
અર્થઃ– રાગાદિક વિકારો રહિત, સર્વ પ્રકારની
બાધાઓથી મુક્ત, સર્વ સંયોગોથી રહિત, પરમાનંદમય
શુદ્ધ ચૈતન્ય લક્ષણથી આત્મસ્વભાવને ઓળખવો
જોઈએ.
उत्तमा स्वात्मचिंतास्यान्मोहचिंता च मध्यमा।
अधमा कामचिंता स्यात्, परचिंताऽधमाऽधमा।।४।।
અર્થઃ– પોતાના આત્માના ઉદ્ધારનો વિચાર
કરવો તે ઉત્તમ છે, આત્માના શુદ્ધભાવને લક્ષે
શુભભાવનો વિચાર કરવો તે મધ્યમ છે, કામ–ભોગના
વિચાર કરવા તે અધમ છે અને બીજા જીવોનું અહિત
કરવાનો ભાવ કરવો તે અધમાધમ છે.
निर्विकल्प समुत्पन्नं ज्ञानमेव सुधारसम्।
विवेकमंजुलिं कृत्वा तत्पिबंति तपस्विनः।।५।।
અર્થઃ– સંકલ્પ વિકલ્પના નાશથી
નિર્વિકલ્પદશામાં ઉત્પન્ન થતો જે જ્ઞાનરૂપી સુધારસ તેને
ભાવ મુનિઓ સમ્યગ્જ્ઞાનરૂપી અંજલિ વડે પીવે છે.
सदानन्दमयं जीवं यो जानाति स पंडितः।
स सेवते निजात्मानं परमानन्दकारणम्।।६।।
અર્થઃ– સદા આનંદમય જીવ સ્વભાવને જે જાણે
છે તે જ પંડિત છે, અને પરમાનંદદશાનું જે કારણ છે
એવા પોતાના આત્માનું તે સેવન કરે છે.
नलिन्यां च यथा नीरं, भिन्नं तिष्ठति सर्वदा।
अयमात्मा स्वभावेन देहे तिष्ठति निर्मलः।।७।।
અર્થઃ– જેમ કમળપત્ર અને પાણી સદાય જુદા
જ રહે છે તેમ શરીરના સંયોગમાં રહેલો આ આત્મા
પોતાના સ્વભાવથી નિર્મળ છે અને શરીર, કર્મો તથા
રાગાદિ મળથી સદા અલિપ્ત રહે છે.
द्रव्यकर्म मलैर्मुक्तं भावकर्म विवर्जितम्।
नोकर्म रहितं विद्धि निश्चयेन चिदात्मनः।।८।।
અર્થઃ– આ ચૈતન્ય આત્માનું સ્વરૂપ ખરેખર
જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મથી ભિન્ન, રાગાદિ ભાવ કર્મોથી
રહિત અને શરીરાદિ નોકર્મથી રહિત છે, તેને યથાર્થપણે
જાણવું જોઈએ.
आनंदं ब्रह्मणो रूपं निजदेहे व्यवस्थितम्।
ध्यान हीना न पश्यन्ति जात्यन्धा इव भास्करम्।।९।।
અર્થઃ– આનંદસ્વરૂપ આત્મા પોતાના શરીરમાં
જ બિરાજી રહ્યો છે; પરંતુ જેમ સૂર્ય પ્રગટ પ્રકાશમાન
હોવા છતાં જન્મથી જ આંધળો પુરુષ તેને દેખતો નથી
તેમ ધ્યાન હીન પુરુષ પોતાના આનંદસ્વરૂપ આત્માને
દેખતો નથી. એટલે કે ધ્યાનના અભ્યાસ વડે તે
સહજપણે દેખાવા યોગ્ય છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૧૭૦ઃ આત્મધર્મઃ ૪પ
तद्धयानं र्क्रिर्यते भव्यैर्मनोयेन विलीयते।
तत्क्षणं द्रश्यते शुद्धं चिच्चमत्कार लक्षणम्।।१०।।
અર્થઃ– પોતાના પરમાત્મસ્વરૂપનું ધ્યાન
કરવાથી ભવ્ય જીવોનું મન વિલય પામે છે. જે સમયે
આવું ધ્યાન થાય છે તે જ સમયે ચૈતન્ય ચમત્કાર
લક્ષણસ્વરૂપ શુદ્ધ આત્મા દેખાય છે.
(ઉપજાતિ)
ये ध्यानशीला मुनयः प्रधानास्तेदुखहीना नियमाद्भवन्ति।
सम्प्राप्य शीघ्रं परमात्मतत्त्वम् व्रजन्ति मोक्षं क्षणमेकमेव।।११।।
અર્થઃ– જે મુનિઓ આત્મધ્યાન કરવાના
સ્વભાવવાળા જ છે તે મુનિરાજો નિયમથી અલ્પકાળમાં
સર્વ દુઃખરહિત થઈ જાય છે, તથા ધ્યાનવડે શીઘ્ર
પરમાત્મ તત્ત્વને પામીને એક ક્ષણ માત્રમાં મોક્ષદશા
પ્રાપ્ત કરે છે.
आनन्दरूपंपरमात्मतत्त्वम् समस्त संकल्पविकल्पमुक्तम्।
स्वभावलीना निवसन्ति नित्यम् जानाति योगी स्वयमेव तत्त्वम्।।१२।।
અર્થઃ– આ આનંદ સ્વરૂપ અને સમસ્ત સંકલ્પ
વિકલ્પથી રહિત પરમાત્મ તત્ત્વ છે; યોગીઓ સ્વયમેવ તે
તત્ત્વને જાણે છે, અને પોતાના સ્વભાવમાં નિત્ય લીન
રહે છે.
चिदानंदमयं शुद्धं निराकारं निरामयम्।
अनंतसुखसंपन्नं सर्वंसंगविवर्जितम्।।१३।।
लोकमात्रप्रमाणोऽयं निश्चये न हि संशयः।
व्यवहारे तनूमात्रः कथितः परमेरैः।।१४।।
અર્થઃ– આ પરમ આત્માનું સ્વરૂપ જ્ઞાન–
આનંદમય, શુદ્ધ, જડના આકાર રહિત, રોગ રહિત,
અનંત સુખસ્વરૂપ અને સર્વે સંયોગથી ભિન્ન છે,
નિશ્ચયથી તે લોકાકાશની બરાબર અસંખ્યપ્રદેશી છે–તેમાં
સંશય નથી, તથા વ્યવહારે (–વર્તમાન હાલતમાં) શરીર
પ્રમાણે આકારવાળો છે.–આત્માનું આવું સ્વરૂપ પરમેર
જિનદેવે કહ્યું છે.
यत्क्षणं द्रश्यते शुद्धं तत्क्षणं गतविभ्रमः।
स्वस्थचितः स्थिरीभूत्वा निर्विकल्प समाधिना।।१५।।
અર્થઃ– આ જીવ પોતાના શુદ્ધ આત્માને જે ક્ષણે
દેખે છે તે જ ક્ષણે તેનો વિભ્રમ નાશ થાય છે અને
સ્વસ્થચિત્ત થાય છે અર્થાત્ જ્ઞાન આકુળતારહિત સ્થિર
થાય છે, અને નિર્વિકલ્પ સમાધિને પામે છે.
स एव परमं ब्रह्म स एव जिनपुंगवः।
स एव परमं तत्त्व स एव परमोगुरुः।।१६।।
स एव परमंज्योतिः स एव परम तपः।
स एव परमं ध्यानं स एव परमात्मनः।।१७।।
स एव सर्व कल्याणं स एव सुखभाजनम्।
स एव शुद्धचिद्रूपं स एव परमः शिवः।।१८।।
स एव परमानन्दः स एव सुख दायकः।
स एव परचैतन्यं स एव गुण सागरः।।१९।।
અર્થઃ– યોગીઓને પોતાના ધ્યાન વખતે જે
શુદ્ધ આત્મા દેખાય છે તે જ પરમબ્રહ્મ છે, તે જ જિન છે,
તે જ પરમ તત્ત્વ છે, તે જ પરમ ગુરુ છે; તે જ પરમ
જ્યોતિ છે, તે જ પરમ તપ છે, તે જ પરમ ધ્યાન છે, તે
જ પરમાત્મા છે; તે જ સર્વ કલ્યાણરૂપ છે, તે જ સુખનું
ભાજન છે, તે જ શુદ્ધ ચિદ્રૂપ છે, તે જ પરમ શિવ છે, તે
જ પરમ આનંદ છે, તે જ સુખદાયક છે તે જ ઉત્કૃષ્ટ
ચૈતન્ય છે અને સર્વે ગુણોનો ભંડાર પણ તે જ છે.
અર્થાત્ ધ્યાનમાં અનુભવમાં આવતો શુદ્ધ આત્મા તે જ
જીવનું સર્વસ્વ છે.
परमाह्लादसम्पन्नं रागद्वेष विवर्जितम्।
अर्हन्तं देहमध्ये तु यो जानाति स पंडितः।।२०।।
અર્થઃ– ઉપર કહ્યા મુજબ પરમ આહલાદ
સ્વરૂપ અને રાગ–દ્વેષ રહિત એવા પોતાના અર્હંત
સ્વરૂપને શરીરરૂપી મંદિરમાં જ બિરાજમાન જે જાણે છે
તે જ પંડિત છે.
आकाररहितं शुद्धं स्वस्वरूपव्यवस्थितम्।
सिद्धमष्टगुणोपेतं निर्विकार निरंजनम्।।२१।।
तत्सद्रशं निजात्मानं प्रकाशाय महीयसे।
सहजानंदचैतन्यं यो जानाति स पंडितः।।२२।।
અર્થઃ– સિદ્ધ ભગવાન વર્ણાદિરૂપ આકાર
છે.
पाषाणेषु यथा हेम दुग्धमध्ये यथा धृतम्।
तिल मध्ये यथा तैलं देह मध्ये तथा शिवः।।२३।।
काष्टमध्ये यथा वह्नि शक्तिरूपेण तिष्ठति।
अयमात्मा शरीरेषु यो जानाति स पंडितः।।२४।।
અર્થઃ– જેમ સુવર્ણપાષાણમાં સોનું રહેલું છે,
જેમ દૂધમાં શક્તિપણે ઘી રહેલું છે અને જેમ તલમાં તેલ
રહેલું છે તેમ શરીરમાં શિવસ્વરૂપ આત્મા રહેલો છે.
અર્થાત્ પોતાનો આત્મા જ શક્તિથી ભગવાન છે. વળી
જેમ લાકડામાં અગ્નિ શક્તિરૂપે રહેલો છે તેમ શરીર
મધ્યે બિરાજમાન આ આત્મા શક્તિરૂપે ભગવાન છે.
એવા આત્માને જે જાણે છે તે જ પંડિત છે.
આ સ્તોત્રમાં દર્શાવેલા પરમાનંદ સ્વરૂપ
આત્માને અને તેની પ્રાપ્તિના ઉપાયને જાણીને આત્માર્થી
જીવો પરમાનંદને પામો. *

PDF/HTML Page 8 of 21
single page version

background image
આષાઢઃ ૨૪૭૩ઃ ૧૭૧ઃ
ધર્માત્મા ચક્રવર્તી ભરતની મુનિ ભક્તિ
(ભરત ચક્રવર્તી સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે. પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુના તેઓ પુત્ર છે, પોતે પહેલા ચક્રવર્તી, અને તે ભવે
મોક્ષગામી–ચરમશરીરી છે. ષટ્ખંડનું રાજ્ય પાલન કરતા હોવા છતાં પણ ભરત યોગી સમાન રહે છે. આત્મવિનોદ અને આંતરિક હિતચિંતન
તેના અંતરમાં નિરંતર રહ્યા કરે છે. આ મહાન ધર્માત્માના પવિત્ર જીવનનો એક પ્રસંગ અહીં આપવામાં આવે છે, જે ઉપરથી ધર્માત્મા પુરુષો
રાજપાટમાં હોવા છતાં તેમનું અંતર જીવન કેટલું અલૌકિક અને અલિપ્ત હોય છે તે જિજ્ઞાસુઓ સમજી શકશે...)
મુનિઓની આહાર ચર્યાનો સમય જાણીને ભરત રાજમહેલના દરવાજા તરફ ચાલ્યા...રાજદરબારમાંથી
આવ્યા પછી તેણે પોતાના શરીર ઉપરથી સમસ્ત રાજચિહ્નોને ઉતારી નાખ્યા હતા. દરબારી વસ્ત્રાભૂષણોને ઉતારી
નાખવાથી પણ શું તેની સુંદરતામાં ખામી આવી? ના. અત્યારે તે મુનિરાજના આગમન માટે દ્વાર–પ્રતીક્ષા માટે જતા
હતા; છત્ર, ચામર, ખડ્ગ, વગેરે રાજચિહ્નોની તેને જરૂર ન હતી. અત્યારે તો તે માત્ર પાત્ર દાનની ભાવના કરનાર
એક સામાન્ય ગૃહસ્થની સમાન હતા...
પાત્રદાનની પ્રતીક્ષા માટે જતાં તેમના ડાબા હાથમાં અક્ષત્, પુષ્પ વગેરે મંગળ દ્રવ્યો હતા અને જમણા
હાથમાં પાણીનો કળશ હતો. લોકોને તેમની સખ્ત આજ્ઞા હતી કે મારી સાથે કોઈ આવે નહિ અને માર્ગમાં મને કોઈ
નમસ્કાર કરે નહિ. જેમ કોઈ ખજાનાની ભાવનાવાળો ખજાનાની પૂજા કરીને તેને લઈ આવવા માટે જઈ રહ્યો હોય
તેમ તપોનિધિ મુનિરાજને તેડી લાવવા માટે ભરત ચક્રવર્તી જઈ રહ્યા છે. સેવકોએ રાજા પ્રત્યે અને રાજાએ ધર્માત્મા
ગુરુ પ્રત્યે કેવા પ્રકારે વિનય કરવો જોઈએ તે નીતિવંત ભરત સારી રીતે જાણતા હતા. દાન–પૂજા કરવી તે ગૃહસ્થનું
પોતાનું કર્તવ્ય છે, તે બીજાઓ મારફત કરાવવું ઉચિત નથી એમ સમજીને પોતે જાતે જ તે કાર્ય કરવા માટે જઈ રહ્યા
હતા.
જે વખતે તેઓ આગળ જઈ રહ્યા હતા ત્યારે સાથેના લોકોને પાછળ રોકી દીધા હતા. આખરે રસ્તો પસાર
કરીને રાજમહેલની બહારના ચોકમાં આવીને ભરત મહારાજ ઉભા રહ્યા. અત્યારે હાથમાંનો કળશ તથા પૂજન
સામગ્રી નીચે રાખી દીધી છે અને વીતરાગી સાધુઓના આગમનની ખૂબ ઉત્સુકતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે. આ
વખતે ભરતની શોભા અપાર હતી, જાણે સ્વયં ઇન્દ્ર જ મુનિ ભક્તિ કરવા માટે આવીને ઉભા હોય!
ભરત ઉભા ઉભા બહુ વિચાર કરી રહ્યા છે, તેમના મનમાં એવા ભાવ રમી રહ્યા છે કે હું આ સંસાર સમુદ્રને
પાર કરીને શીઘ્ર મુક્તિ ક્યારે પામીશ! જે ક્ષણે સ્વરૂપ રમણતા કરીને મુક્તિ પામું તે ક્ષણને ધન્ય છે!
જે ચોકમાં ભરત ઉભા છે તેની ત્રણ બાજુ ત્રણ રાજમાર્ગ છે, તે ત્રણે માર્ગો તરફ જોઈ જોઈને ભરત શાંત
ભાવથી મુનિઓના આગમનની રાહ જોઈ રહ્યા છે. જેમ કુમુદિની ચંદ્રની પ્રતીક્ષા કરતી હોય તેમ ભરત મુનિઓની
પ્રતીક્ષા કરી રહ્યા છે. ક્યારેક આંખો વડે દૂર દૂરના માર્ગ તરફ જુએ છે અને ક્યારેક જ્ઞાન ચક્ષુઓ વડે શરીર સ્થિત
આત્માનું નિરીક્ષણ કરી લ્યે છે. અંતરથી આત્માને અને બહારથી મુનિઓના માર્ગને જોતાં તેમના કાર્યમાં કાંઈ પ્રમાદ
થતો નથી.
ચારે બાજુ સ્તબ્ધતા ફેલાઈ ગઈ છે, બધા લોકો જાણે છે કે આ ભરત મહારાજાનો મુનિદાનનો સમય છે.
કેટલાક સેવકો આસપાસમાં છૂપાઈને ભરતના આહાર દાન વિધિને જોવા માટે બેઠા છે. ભરત તેમને જોઈ શકતા
નથી...તે યોગ્ય જ છે,–ભરત પોતાની ચર્યાથી એમ બતાવી રહ્યા છે કે, ભલે આખો લોક મને જોઈ રહ્યો છે પરંતુ હું
તો લોકથી અલિપ્ત જ છું. તેથી જ તેઓ એકાકીપણે ઉભા છે. અત્યારે તેઓ એવા દેખાય છે કે કોઈ આત્મવિજ્ઞાની
પંચેન્દ્રિયોથી યુક્ત હોવા છતાં તેનાથી અલિપ્ત ઉદાસીન છે.
આ વખતે નિર્મળ યોગીઓનોે આહારદાન દેવા સિવાય પોતાના આહાર વગેરેની કોઈ ચિંતા તેમના ચિત્તમાં
નથી. આ દિવસે તે નગરીમાં ચર્યા માટે ઘણા યોગીરાજ પધાર્યા હતા પરંતુ રસ્તામાં જ ઘણા શ્રાવકોએ તેમનું
પ્રતિગ્રહણ કરી લીધું હોવાથી ભરતના મહેલ સુધી કોઈ આવ્યા ન હતા. મુનિઓના આગમન માટે ભરત ચક્રવર્તી
ખૂબ આતૂર છે. ક્યારેક ડાબી તરફ અને ક્યારેક જમણી તરફ જુએ છે પરંતુ ક્યાંય પણ જિનરૂપ નહિ દેખવાથી ફરી
આત્મ વિચારમાં એકાગ્ર થઈ જાય છે.
ઘણો વખત થઈ ગયો છતાં દૂર દૂર સુધી કોઈ જિનમૂદ્રા ધારક મુનિરાજ આવતા જણાતા નથી. શું આજ
કોઈ પર્વ ઉપવાસનો દિવસ છે? આજ કઈ તિથિ છે?...ના, આજ કોઈ પર્વ કે તિથિ નથી...તો પણ કેમ મુનિરાજ ન
પધાર્યા? મારા મહેલ તરફ કોઇ તપોનિધિ આવતા નથી તેનું શું કારણ હશે? શું કોઇએ મુનિરાજની નિંદા કરી? અરે,
જો એમ હોય તો મને ષટ્ખંડાધિપતિ કોણ કહેશે? મારા રાજ્યમાં મુનિ નિંદા કરનાર મનુષ્ય કોઈ છે જ નહિ...છતાં
મુનિઓનું આગમન કેમ થતું નથી? આહ! શું આજ મુનિ પ્રભુની સેવા કરવાનું મહાભાગ્ય નથી? ખરેખર, એક પણ
દિવસનું અંતર પડયા વગર નિરંતર મુનિઓને આહાર દાન દેવું તે મહા સૌભાગ્યની વાત છે...

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૧૭૨ઃ આત્મધર્મઃ ૪પ
...જેમ દ્વીપમાં જનારા વહાણમાં અનેક સામાન ભરીને મોકલાય છે તેમ મુક્તિમાં જનારા મુનિઓના
હસ્તપાત્રમાં ભક્તિપૂર્વક આહાર આપવો તે દરેક શ્રાવકોનું કર્તવ્ય છે. આત્મા અને શરીરને ભિન્ન સમજીને અશરીરી
આત્મસ્વભાવનું ધ્યાન કરવાવાળા યોગીરાજને પોતાના હાથથી આહાર દેવાનું ભાગ્ય શું બધાને મળે છે? પવિત્ર
રત્નત્રયીના ધારક વીતરાગી તપસ્વી મુનિરાજ કે જેઓ સ્વાનુભવરૂપી અમૃતનો આહાર તો આત્માને અર્પણ કરે છે
અને ભવ્યાત્માઓ દ્વારા દેવામાં આવેલો અન્નનો આહાર શરીરને આપે છે–એવા યોગીઓને ભક્તિથી આહાર
દેનાર ગૃહસ્થ ધન્ય છે!! જેઓ ભોજન કરતા નથી એવા અનાહારક શ્રી જિનેન્દ્રદેવની મૂર્તિ પ્રત્યે નૈવેદ્યાદિકની
અર્ચના કરીને પૂજા કરવી તે તો ઉપચાર ભક્તિ છે, અને પોતાના આત્મસાધનામાં લીન એક વખત ભોજન
કરવાવાળા જિનરૂપધારી શ્રી ગુરુઓને આહાર દાન દેવું તે મુખ્ય ભક્તિ છે, કેમકે તે સાક્ષાત્ ધર્મની મૂર્તિ છે...
–આવા પ્રકારના અનેક ભક્તિ ભરેલા વિચારોમાં ભરત ચક્રવર્તી મગ્ન છે, પણ હજી સુધી કોઈ મુનિરાજ
આવ્યા નથી, તેથી ભરત વિશેષ આતૂર થાય છે. અંતરમાં તેને ભક્તિભાવ ઉલ્લસી રહ્યો છે.
એટલામાં ભરતજીએ એક આશ્ચર્યકારક ઘટના જોઈ. ઊંચે આકાશમાં એક અદ્ભુત પ્રકાશ દેખાવા માંડયો.
આજુબાજુ જોવાનું બંધ કરીને તે પ્રકાશ–કાંતિ તરફ જ ભરત મહારાજ જોઈ રહ્યા. અત્યારે તો તે પ્રકાશ દૂરથી
દેખાય છે. તે પ્રકાશ શેનો છે તે સ્પષ્ટ જણાતું નથી. ‘આ શું છે? બીજા સૂર્ય જેવો આ અદ્ભુત પ્રકાશ શેનો છે?
જિન, જિન! આ પ્રકાશ તો મારી તરફ જ આવી રહ્યો છે, શું હશે?” એમ ભરત આશ્ચર્ય મગ્ન થઈને જોયા કરે છે.
એટલામાં તો તે પ્રકાશ એકને બદલે જુદા જુદા બે થઈ ગયા. ભગવન્! પહેલાં એક પ્રકાશ હતો, તે બે થઇ ગયા.
પહેલાં સૂર્ય સમાન જણાતો હવે એક સૂર્ય સમાન અને બીજો ચંદ્ર સમાન એમ બે જણાય છે. ભરત આમ વિચારતા
હતા ત્યાં તો તે બંને પ્રકાશ નજીક આવી ગયા.
બંને પ્રકાશ નજીક આવતાં ભરતે તેમને ઓળખી લીધા. અને ઓળખતાં જ તેને ઉત્સાહ થયો; આહ! આ
તો ચારણઋદ્ધિના ધારક મુનિરાજો છે, અન્ય કોઈ નથી.
પોતાના મહેલમાંથી જ સૂર્યના વિમાનમાં રહેલી જિનપ્રતિમાઓનાં દર્શન કરનાર ચક્રવર્તીને તે મુનિઓને
પિછાનતાં આટલી વાર ન લાગત, પરંતુ તે દિવસે આકાશ વાદળથી ઘેરાયેલું હોવાથી ભરત મહારાજાએ બરાબર
જોયા પછી જ નક્કી કર્યું હતું.
મુનિ મહારાજોને દેખતાં જ ભરતની ચિંતા દૂર થઈ ગઈ, હર્ષથી રોમાંચ ઉલ્લસિત થયા. અહા! મારા
ભાગ્યનો ઉદય થયો...એમ વિચારીને અર્ચના દ્રવ્યોને હાથમાં લઈને ભક્તિપૂર્વક મુનિરાજની સન્મુખ જવા લાગ્યા.
થોડી જ વારમાં તે બે મુનિરાજો નીચે ભૂમિ પર ઉતર્યા. તેમાં એક ચંદ્રમંડળ મુનિ અને બીજા સૂર્યમંડળ મુનિ
હતા. ગરીબ મનુષ્યને નિધિઓની પ્રાપ્તિ થતાં જેમ તે નાચી ઊઠે છે તેમ ભરત ચક્રવર્તી તે મુનિરૂપી નિધિઓને
દેખી–દેખીને અત્યંત હર્ષમય ચિત્તથી તેમની સેવામાં ઉપસ્થિત થયા.
* * * * * *
भो मुनि महाराज! अत्र तिष्ट तिष्ट! અર્થાત્ હે મુનિરાજ પ્રભો! અહીં પધારો પધારો!–એ પ્રમાણે ઘણી
ભક્તિપૂર્વક ચક્રવર્તી બોલ્યા. ત્યારે બંને મુનિરાજ ત્યાં ઉભા રહી ગયા. ત્યારે ભરતજીએ પોતાના હાથમાં રહેલ ગંધ,
પુષ્પ, અક્ષતાદિ સામગ્રીઓ વડે મુનિરાજના ચરણોમાં દર્શનાંજલિ દઈને ભાવશુદ્ધિપૂર્વક જલધારા દીધી. પછી
ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા દઈને તેમને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં. આ પ્રસંગે આસપાસમાંથી કેટલાક લોકો આવીને
જયજયકાર શબ્દ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભરત મહારાજ અહીં ઊભા ઊભા ધ્યાન કરી રહ્યા હતા, તેથી
શું તેમના ધ્યાનના બળથી જ આ બંને મુનિવરો આવી ગયા હશે!!
ધર્માત્મા ભરત જે નિધિ લઈ જવા માટે આવ્યા હતા તે નિધિ તેમને મળી ગઈ, હવે અત્યંત ઉલ્લાસ અને
ભક્તિપૂર્વક તે નિધિને પોતાના મહેલમાં લઈ જાય છે. ભરત ઘણા વિવેકી, અને ભક્તિવંત છે. મહેલમાં જ્યાં
મુનિઓને સીડી ઉતરવાની આવે છે ત્યાં ભરત તેઓને પોતાના હાથનો સહારો આપે છે, અને જ્યારે ઉપર ચઢવાનું
આવે છે ત્યારે પણ બહુ જ ભક્તિથી હાથનો સહારો આપે છે, અને કહે છે કે–હે સ્વામી! આપશ્રી તો આકાશમાં
સહારા વગર ચાલનારા છો, આપને તો સહારાની કાંઈ જરૂર નથી, આ તો માત્ર અમારો ઉપચાર છે.
પ્રભો! એ વાત તો દૂર રહી, પરંતુ જુઓ તો ખરા! અમારો મહેલ પણ આટલો વક્ર છે તો અમારું હૃદય તો
કેટલું વક્ર હશે!! અમારો મહેલ વક્ર છે અને અમારું મન પણ વક્ર છે, છતાં પણ આપશ્રી આપના આ શિષ્ય ઉપર
કૃપા કરીને અહીં પધાર્યા. એ ધનભાગ્ય

PDF/HTML Page 10 of 21
single page version

background image
આષાઢઃ ૨૪૭૩ઃ ૧૭૩ઃ
છે. આપના પધારવાથી અમારો મહેલ અને મન બંને સીધા થઈ ગયા!
ભરતજીના ધર્મવિનોદને બંને મુનિરાજોએ સાંભળ્‌યો, અને તેનો ધર્મ તથા ભક્તિપ્રેમ જોઈને મનમાં પ્રસન્ન
થયા. પરંતુ તેઓ કાંઈ બોલ્યા નહિ કેમ કે મુનિઓને એવી પ્રતિજ્ઞા હોય છે કે ભોજન કર્યા પહેલાં તેઓ કાંઈ બોલતા
નથી.
આ પ્રમાણે અતિ ભક્તિપૂર્વક ભરત જ્યારે તે યોગીઓને મહેલમાં લઈ ગયા ત્યારે ભરતની સર્વે રાણીઓ
સામે આવી અને મુનિરાજના દર્શનથી તેઓ રોમાંચિત થઈ; તત્ક્ષણ તેઓશ્રીની આરતિ ઉતારવામાં આવી. આ
વખતે મહેલમાં માત્ર એક ભરતજીને જ નહિ પરંતુ દરેકે દરેકને એક તહેવારના દિવસ સમાન આનંદ થયો; તહેવાર
તો શું, પણ મોટો મહોત્સવ હોય તેવો ઉત્સાહ હતો. આ ઉત્સાહમાં રાણીઓએ કિન્નરવીણા વગેરે લઈને
શ્રીમુનિરાજના ગુણો અને આહારદાનનો મહિમા ગાવાનું શરૂ કર્યું.
જ્યારે તે મુનિરાજો મહેલમાં આવી રહ્યા હતા ત્યારે બંને બાજુ રાણીઓ ચામર ઢાળતી હતી. સેવકના ઘરે
માલિક આવે તો જેમ સેવક તેની અનેક પ્રકારે ભક્તિ કરે છે તેમ મહાત્મા સંત મુનિ તપસ્વીઓ પોતાના મહેલમાં
પધારતાં ભરત મહારાજાએ રાણીઓ સહિત અનેક પ્રકારે તેમની ભક્તિ કરી, અને પોતાને મહા ભાગ્યશાળી
સમજ્યા.
ચક્રવર્તી રાજા નમસ્કાર કરે છે છતાં મુનિઓને અહંકારનો અંશ પણ થતો નથી, તેમનું મન આત્મામાં જ દ્રઢ
હોય છે. જે યોગી મહાત્માઓએ પરમ મહિમાવંત આત્મસ્વભાવને જાણ્યો છે અને શરીરાદિ સર્વે બાહ્ય પદાર્થોને તૂચ્છ
જાણીને આત્માના મહિમામાં જ ચિત્તને લગાવ્યું છે તે યોગીશ્વરોનું મન શું બાહ્ય પદાર્થો દેખીને વિચલીત થઈ શકે
છે? કદાપિ નહિ.
ત્યારપછી તે મુનિઓના પાદકમલનું પ્રક્ષાલન કરીને અમૃતગૃહમાં (–ભોજનગૃહમાં) તેમનું પદાર્પણ કરાવ્યું–
ત્યાં તે યોગીઓને ઉચ્ચ આસન આપ્યું, અને ભક્તરાજ ભરત મહારાજાએ ભક્તિથી તેમની પૂજા કરી. ત્યારપછી
મુનિઓએ શ્રી સિદ્ધની સ્તુતિ કર્યા બાદ ભરતે ભક્તિપૂર્વક પ્રસન્નતાથી આહારદાન કર્યું...
દાતારમાં ધર્માત્મા ભરત ઉત્તમ હતા, પાત્રોમાં તે ચારણ મુનિશ્વરો ઉત્તમ હતા. તેથી ઉત્તમ દાતાએ ઉત્તમ
પાત્રોને શાસ્ત્રમાં પ્રણિત વિધિ અનુસાર ઉત્તમ દાન કર્યું. દાન વખતે બહાર વાજિંત્રોનો મંગળ ધ્વનિ થઈ રહ્યો હતો.
તે જ્ઞાનશીલા તપસ્વીઓને ભક્તિશીલ ભરતે અમૃત અન્ન આપીને તૃપ્ત કર્યા. તે વખતે અનેક પ્રકારનો નિર્દોષ
આહાર, ક્ષીર, ફળાદિકને સુવર્ણ–રત્નના વાસણોમાં લઈને દેતાં ચક્રવર્તીને જોતાં તેની પાસે કલ્પવૃક્ષ, કામધેનુ કે
ચિંતામણી પણ ભૂલી જવાતાં હતા. જ્યારે ભરત મહારાજ મુનિઓને આહાર દેતા હતા તે પ્રસંગ ખરેખર દર્શનીય
હતો. સ્વર્ગના દેવો જે અમૃતનો આહાર કરે છે તેના જેવો પોતાને માટે તૈયાર કરેલો આહાર પોતાને હાથે ષટ્ખંડ
અધિપતિએ મુનિઓને સમર્પણ કર્યો–તેનું શું વર્ણન કરી શકાય? ભરતે ભુક્તિ અને ભક્તિ બંને વડે મુનિઓને તૃપ્ત
કર્યા–એટલું જ નહિ–પણ સાથે સાથે પોતે પણ તેવી મુક્તદશાની સાધના માટે ભાવના કરી. મુનિઓને આહાર
દેવાથી ભરતને અત્યંત સંતોષ થયો.
જ્યારે તે સંત મુનિઓએ ભોજન સમાપ્તિ કરી ત્યારે તેઓએ એવી ભાવના કરેલી કે આ ચૈતન્ય
પરમાત્માને માટે તો સ્વાત્માનંદ એ જ ભોજન છે. આ આહાર તો જડ શરીર માટે છે, તેના વડે શરીર પુષ્ટ થાય છે,
પણ આત્માની પુષ્ટિ તો પરમ ચૈતન્ય આનંદના અનુભવ વડે જ થાય છે. ભોજન સમાપ્તિ બાદ પદ્માસનમાં
બિરાજમાન થઈને યોગીઓએ મુખશુદ્ધિ તથા હસ્તપ્રક્ષાલન કર્યું અને પછી શ્રીસિદ્ધ સ્તુતિ કરીને તરત જ તેઓએ
અંતરદ્રષ્ટિ વડે આત્મ અવલોકન કર્યું. યોગીઓની નિશ્ચલ ધ્યાન મૂદ્રા જોઈને ચક્રવર્તી મનમાંને મનમાં અત્યંત
પ્રસન્ન થવા લાગ્યા...અત્યારે તે મુનિઓ આત્માનંદમાં લીન છે, તેમનો દેહ જરાપણ હલતો નથી, એક સ્ફટિક
રત્નની મૂર્તિ સમાન તેઓ નિશ્ચલ છે, તેઓ ઘણી એકાગ્રતાપૂર્વક આત્મસ્વરૂપને નીરખે છે...તેઓને કેવળજ્ઞાન
લેવાના કોડ ઉછળ્‌યા છે...ભરત પણ તેમની સન્મુખ નિસ્તબ્ધ ઉભા રહી ગયા છે,
ધ્યાન પૂર્ણ થતાં જ્યારે મુનિઓએ આંખો ખોલીને ભરત તરફ જોયું ત્યારે ભરતેશ્વરે બહુ ઉત્સાહ અને
ભક્તિપૂર્વક नमोस्तु કહીને નમસ્કાર કર્યા.
अक्षयं दानफलमस्तु त
અર્થાત્ તને દાનના અક્ષયદાનની પ્રાપ્તિ હો!’–એમ શ્રી ચંદ્રમંડળ મુનિએ
આશીર્વાદ આપ્યા, અને ‘निर्मलात्म सिद्धिरस्तु અર્થાત્ તને નિર્મળ આત્મસિદ્ધિની પ્રાપ્તિ થાવ!’ એમ શ્રી સૂર્ય
મંડળ મુનિએ મંગળ આશીર્વાદ આપ્યા.

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧૭૪ઃ આત્મધર્મઃ ૪પ
શ્રી ચારણ મુનિઓના આવા મહા પવિત્ર આશીર્વાદ પામીને તે વખતે ધર્માત્મા ભરતના હૃદયમાં કેટલો
આહ્લાદ થઈ ગયો હશે–એ તો પરમાત્મા જ જાણે! અહા! આ પ્રસંગે આત્માર્થીઓનો ઉલ્લાસ અંતરમાં કેમ શમાય!
એ વખતે તો, જાણે સાક્ષાત્ મુક્તિ જ પોતાના હાથમાં આવી ગઈ હોય એવા પ્રકારે ભરતજી નાચવા માંડયા. એ ઠીક
જ છે, કેમ કે ધર્માત્માઓને જગતના કોઈ પણ પદાર્થો કરતાં પોતાની પવિત્ર દશાની પ્રાપ્તિ માટેનો ઉલ્લાસ અપૂર્વ
હોય છે.
ભરતેશની દાનચર્યાથી તે વખતે દેવો પણ પ્રસન્ન થયા, તે હર્ષમાં તેઓએ નર્તન કર્યું. અને તે વખતે ૧–
સુગંધી પવન, ૨–પુષ્પવૃષ્ટિ, ૩–સુવર્ણવૃષ્ટિ, ૪–વાદ્યધ્વનિ અને પ–જય જયકાર– એ પાંચ આશ્ચર્ય પ્રગટ કર્યા, તથા
આકાશમાં રહીને ભરતના દાનની પ્રશંસા કરવા લાગ્યા કે–આ દાન ઉત્તમ છે, દાતા ઉત્તમ છે અને પાત્ર તો
ઉત્તમોત્તમ છે. હે ભરત! સ્વર્ગમાં પણ અમને તારા જેવું મહાભાગ્ય નથી. જે સૌભાગ્ય અને સંપત્તિ અજ્ઞ મનુષ્યોને
મદનું કારણ બને છે તેણે તને તો સ્પર્શ પણ કર્યો નથી. તું ભોગી નથી પણ રાજયોગી છો. ભોગોથી અલિપ્ત છો,
ભોગોમાં મૂર્છા તને આવી નથી. એ પ્રકારે ભરતનો મહિમા ગાયો. એ યોગ્ય જ છે કેમ કે ધર્માત્માઓના ધાર્મિક
ગુણોનો મહિમા લાવીને તેની પ્રશંસા કરવી તે આત્માર્થીઓનું ચિહ્ન છે. છેવટે, ‘ધર્મ સામ્રાજ્યનું ચિર કાળ પાલન
કરો’ એવા આશીર્વાદ આપીને દેવો અંતર્ધ્યાન થયા.
મુનિઓને આહાર દાન દેવાનો ઘણો મહિમા છે, તેમાં પણ આદ્ય ચક્રવર્તીના દાનનો મહિમા અપાર છે. એવો
નિયમ છે કે શ્રી તીર્થંકરોને મુનિદશામાં જે સર્વ પ્રથમ આહાર દાન કરાવે તે તદ્ભવ મુક્તિગામી હોય. આ ઉપરથી
મુનિઓને આહાર દાન દેવાનો કેટલો મહિમા છે તે સમજાશે. અહીં પંચાશ્ચર્ય ઘટના વગેરે ભરતના દાનનો પ્રત્યક્ષ
મહિમા સૂચિત કરે છે.
‘જિન શરણ’ શબ્દનું ઉચ્ચારણ કરીને તે જિન મુનિઓ ત્યાંથી જવા માટે ઉભા થયા, તે જ વખતે ભરત
પણ ‘મને આપનું જ શરણ છે’ એમ કહીને તેઓની પાછળ જવા લાગ્યા. થોડે દૂર ગયા બાદ તે મુનિઓએ ભરતને
કહ્યું કે તમે રોકાઈ જાઓ. પરંતુ ભરતે તેમને સવિનય નિવેદન કર્યું કે ‘આપશ્રી પધારો– એમ કહીને તરત જ ભરતે
વૈક્રિયિક શક્તિથી પોતાના બે રૂપ બનાવી લીધા અને બંને રૂપોથી બંને મુનિરાજોને હાથમાં ધરીને ચલાવવા લાગ્યા
અર્થાત્ જેમ જેમ મુનિરાજો ડગ ભરે તેમ તેમ તેમના ચરણો નીચે પોતાના હાથને ધરતા જતા હતા, અને તેઓના
ચરણને જમીન પર પડવા દેતા ન હતા. થોડે દૂર જતાં ફરીથી મુનિઓએ કહ્યું–હવે રોકાઈ જાવ. ભરતે કહ્યું–
‘સ્વામીન્! મને હજી થોડી સેવા કરવા દો. આપ પધારો.’
થોડે દૂર જતાં ફરીથી મુનિઓએ કહ્યું–હે ભરત! હવે પાછો જા, આગળ ન આવીશ. ભરતે નમ્રભાવે કહ્યું–
ભગવન્! આપને તો ઉચિત છે કે ભક્તને બોલાવીને તેનો ઉદ્ધાર કરો...પરંતુ આપ તો મને આગળ ન આવવાનું
કહો છો...એ શું ઉચિત છે!!! એમ કહીને ભરત તેઓના ચરણમાં નમી પડયા.
ભરતનો વિનય અને તેની ભાવના જોઈને મનમાં પ્રસન્ન થઈને મુનિરાજો આગળ જવા લાગ્યા. ભરત પણ
તેમની પાછળ જવા લાગ્યા. એ રીતે તે મુનિઓની સાથે શહેરના છેલ્લા દરવાજા સુધી ભરત ગયા, ત્યાંથી પણ પાછા
ફરવાની ઇચ્છા ભરતને થતી ન હતી, એ યથાર્થ જ છે...જેઓ સતત્, આત્માનુભવ કરી રહ્યા છે એવા પરમ સંત
યોગીરત્નોને છોડીને જવાનું કોણ મોક્ષગામી જીવ ઇચ્છે!
ભરત હજી પણ પાછા જતા નથી એમ જાણીને મુનિઓએ કહ્યું કે હે ભરત! હવે તારા ભોજનનું મોડું થાય
છે, હવે તું પાછો ફર. ભગવાન શ્રી આદિનાથની આજ્ઞા છે કે તું પાછો ફર.
ભરત ત્યાં જ ઉભા રહી ગયા અને અત્યંત ભક્તિપૂર્વક તે તપસ્વીઓને નમસ્કાર કર્યા. અને પોતાના બે
રૂપને એક કરી લીધું. વીતરાગી તપસ્વીઓએ પણ તેને આશીર્વાદ દીધા અને તેઓ આકાશ માર્ગે વિહાર કરી ગયા.
ભરત ત્યાં ઉભા ઉભા એકીટશે તેમની તરફ જોઈ ગયા. આકાશમાં તેઓ ચંદ્ર અને સૂર્ય જેવા દેખાતા હતા. જ્યાં સુધી
નજર પડી ત્યાં સુધી ભરત ઘણી ઉત્સુકતાથી તેમના તરફ જોઈ રહ્યા અને જ્યારે તેઓ દેખાતા બંધ થયા ત્યારે ઉદાસ
ચિત્તે પોતાના મહેલ તરફ પાછા ફર્યા...
ધન્ય તે વીતરાગી મુનિદશા અને
ધન્ય તે ધર્માત્મા ભરતેશની મુનિ ભક્તિ!
(ભરતેશવૈભવ–ભાગ ૧ પા ૩૨ થી ૪પ ના આધારે)

PDF/HTML Page 12 of 21
single page version

background image
આષાઢઃ૨૪૭૩ઃ ૧૭પઃ
ધર્મ કરવાની રીત
(તા. ૩૦–૪–૪૭ વૈશાખ સુદ ૧૦ ના રોજ પંચાસ્તિકાય ગાથા ૪૮ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન)
આચાર્યદેવ જીવનું સ્વરૂપ વર્ણવે છે. દ્રવ્ય અને તેના ગુણ જુદા નથી પણ એકતારૂપ છે. આત્માના જ્ઞાનાદિ
અનંત ગુણો આત્મામાં છે. તું આત્માના જ્ઞાનાદિ ગુણોને બહારથી શોધીશ તો તે નહિ મળે. બહારના લક્ષે આત્માના
ગુણો પ્રગટશે નહિ. જ્ઞાનાદિ ગુણ તો આત્માના છે, તે આત્મા સાથે એકરૂપે છે માટે આત્મા તરફ ઢળીને એ ગુણોને
શોધ. પુણ્ય–પાપમાં શોધીશ તો ત્યાં તારા ગુણ નહિ મળે. બહારની કોઈ ક્રિયામાં તારા જ્ઞાનાદિ ગુણો નથી. પણ
જ્ઞાન અને આત્માની એકતા જાણીને જ્ઞાન ગુણપણે પરિણમવું તે જ ધર્મ છે.
જ્ઞાનીવસ્તુ આત્મા છે અને જ્ઞાન તેનો ગુણ છે. એ ગુણીમાં જ ગુણને શોધ અને ગુણમાં જ ગુણીને શોધ. જે
બહારમાં ગુણ ગુણીને શોધે તે મિથ્યાદ્રષ્ટિ છે. આત્મા તો જ્ઞાન ગુણમાં છે, પણ રાગાદિમાં આત્મા નથી. અને જ્ઞાન
ગુણ તો આત્મામાં છે પણ રાગાદિમાં નથી. માટે તારા સ્વભાવમાં ગુણ–ગુણીની એકતાના લક્ષે તારા ગુણો પ્રગટે છે.
આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવરૂપ છે. જ્ઞાન અને આત્માને ભેદ નથી પણ એકતા છે. જો જ્ઞાન ગુણથી
ચૈતન્યને સર્વથા ભિન્ન માનવામાં આવે તો જ્ઞાન વગર આત્મા જડ ઠરે, અને આત્મા વગર જ્ઞાનગુણ જડ ઠરે.
એટલે કે જો જ્ઞાન અને આત્માને સર્વથા ભિન્ન માનો તો ચૈતન્ય સ્વરૂપ આત્માની હયાતિ જ ન રહે. માટે ગુણ–
ગુણીની એકતા ઓળખીને, જો જ્ઞાનગુણને આત્મામાં શોધે અને આત્માને જ્ઞાનગુણમાં શોધે–એ રીતે ગુણ–
ગુણીની એકતા તરફ અંતર્મુખ થઈને ઝૂકાવ કરે તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગી ગુણો પ્રગટે.
‘વીતરાગી ગુણો’ પ્રગટે એનો અર્થ એમ સમજવો કે જેવા શુદ્ધ ગુણો છે તેવી જ તેને અનુસરતી શુદ્ધ પર્યાય
પ્રગટે છે અને રાગરહિત છે.
આત્મામાં જ્ઞાનાદિ ગુણો અનાદિ અનંત છે–એમ પ્રતીત કરીને જો અંતર્મુખ અવલોકીશ તો જ્ઞાન–શાંતિ
પામીશ. પણ જો જ્ઞાન આનંદ વગેરે ગુણો એકરૂપે છે તેની પ્રતીત નહિ કર તો કોના લક્ષે જ્ઞાન આનંદ પ્રગટ કરીશ?
જો આત્મામાં જ્ઞાન–આનંદ વગેરે ગુણો ત્રિકાળ ન હોય તો જ્ઞાન–આનંદ વગર આત્માને જડપણું ઠરે. અને જો જ્ઞાન
આનંદમાં સદાય આત્મા ન હોય તો આત્મા વગર તે જ્ઞાનાદિ ગુણો જડ થઈ જાય, અને તે ગુણો કોના આશ્રયે રહે?
બટાટાની એક નાની કટકીમાં અનંત જીવો છે અને તે દરેક જીવોમાં પોતપોતાના જ્ઞાન–આનંદાદિ અનંત
ગુણો ત્રિકાળ છે. ભલે અવસ્થા તદ્ન હીન હોય છતાં તેના અનંત ગુણોથી તેની એકતા તૂટી નથી.
કોઈ એમ પૂછે કે–અનંત આત્મા અને તેના અનંત ગુણોનો નિર્ણય શી રીતે થાય? તેનો ઉત્તર એ છે કે જે
જ્ઞાન વડે પોતે પોતાના આત્મામાં ગુણ–ગુણીની એકતાનો નિર્ણય કરે છે તે જ્ઞાનમાં અનંત આત્માઓના સ્વરૂપનો
પણ નિર્ણય આવી જાય છે. એક આત્મામાં અનંત ગુણો છે તેનો નિર્ણય કરવાનું સામર્થ્ય જ્ઞાનની અવસ્થામાં છે.
અરૂપી વસ્તુઓનો પણ નિર્ણય કરવાનું જ્ઞાનનું સામર્થ્ય છે. જો એક ક્ષણ પણ જ્ઞાનાદિ અનંત ગુણોને આત્માથી જુદા
માને તો ત્રણેકાળે આત્માને ગુણોથી રહિત માન્યો અને અનંત આત્માઓ છે તે દરેકને તેમના અનંત ગુણોથી જુદા
માન્યા તેથી તે માન્યતા મિથ્યા છે. એક ક્ષણમાં પોતાના આત્માની ઊંધી માન્યતા કરી તેમાં એકના ઊંધા નિર્ણયમાં
અનંતનો ઊંધો નિર્ણય આવી જાય છે. તેવી જ રીતે એક આત્માના નિર્ણયમાં અનંત આત્માઓના સ્વરૂપનો સવળો
નિર્ણય થઈ જાય છે.
અંતર સ્વભાવમાં ગુણગુણીની એકતા છે તેના જ અંતર આશ્રયે ગુણ પ્રગટે છે, એ અંતર આશ્રય ન કરે
અને કોઈ પણ ક્ષણે પુણ્યથી, બહારના ત્યાગથી, ઉપવાસમાં આહાર ન લીધો અને શરીર દૂબળું પડી ગયું તેથી,
અથવા તો સ્ત્રીનો સંગ છોડી દીધો તેથી, ઇત્યાદિ કોઈપણ બહારના આશ્રયે આત્માના ગુણ પ્રગટે એમ માને તો ત્રણે
કાળે અંતર આત્માને ગુણોથી ભિન્ન માન્યો છે. તેણે પોતાના ઊંધા અભિપ્રાયથી આત્માનો ઊંધો નિર્ણય કર્યો,
એકના ઊંધા નિર્ણયમાં અનંતનો ઊંધો નિર્ણય કર્યો.
ગુણ–ગુણીની એકતા સ્વભાવથી જ છે, પણ કોઈ નિમિત્તના કારણે ગુણગુણીની એકતા નથી. એકરૂપ
સ્વભાવના આશ્રયે જ ગુણની નિર્મળદશા પ્રગટે છે, પણ નિમિત્તના કે રાગના આશ્રયે નિર્મળતા પ્રગટતી નથી,
નિમિત્તના અને રાગના આશ્રયે તો વિકારની જ ઉત્પત્તિ

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧૭૬ઃ આત્મધર્મઃ ૪પ
છે, સ્વભાવના આશ્રયે નિર્મળ વીતરાગી ભાવની ઉત્પત્તિ છે, એવી સ્વાશ્રિત અંતરદ્રષ્ટિથી જેણે ગુણગુણીની
એકતાની પ્રતીતિ કરી તેનું અંતર વીર્ય સ્વભાવ તરફ રોકાણું. પોતાના આત્માને ગુણગુણી અભેદ સ્વરૂપે સ્વીકાર્યો
તેમાં અનંત આત્માઓને પણ તેવા સ્વભાવવાળા જ સ્વીકાર્યા. અહીં સવળાઈથી એકના નિર્ણયમાં અનંતનો સવળો
નિર્ણય આવી ગયો. આ બધું જ્ઞાનનું જ સામર્થ્ય છે અને જ્ઞાન તો આત્મા સાથે એકતાપણે છે. જો આવી ગુણગુણી
એકતાની પ્રતીત કરીને સ્વભાવ તરફ ઢળે તો રાગ સાથેની એકતા તૂટીને વીતરાગીપર્યાય પ્રગટે. સમ્યગ્દર્શન એ પણ
વીતરાગી પર્યાય છે.
ગુણગુણીની એકતા સ્વભાવથી જ છે, તે કદી જુદા પડતા નથી. તીવ્ર રાગ કરે તેથી કાંઈ ગુણ અને ગુણી
જુદા પડી જતા નથી અને કષાયની મંદતા કરે તેથી કાંઈ ગુણ–ગુણીની એકતા લક્ષમાં આવતી નથી. ગુણગુણીની
એકતા તો સદાય એકરૂપ છે, પણ તેની એકતાનું લક્ષ કષાયની મંદતાથી થતું નથી. મારા ગુણનો આધાર તો દ્રવ્ય
છે–એમ સ્વાશ્રિત પ્રતીત કરીને એકરૂપ દ્રવ્યને પ્રતીતમાં લ્યે તો ગુણગુણીના ભેદનો વિકલ્પ પણ તૂટીને ગુણગુણીની
એકતાનું લક્ષ થાય છે અને સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન પ્રગટે છે તથા અંશે અકષાયભાવ પ્રગટ થાય છે. પરંતુ
કષાયભાવ વડે અથવા તો ગુણ–ગુણી
ભેદના લક્ષે ગુણ–ગુણીનું એક સ્વરૂપ પ્રતીતમાં આવતું નથી. જ્યાં સુધી
ગુણગુણીની એકતાની પ્રતીત ન કરે ત્યાંસુધી પર્યાયમાં ગુણ પ્રગટે નહિ એટલે કે ધર્મ થાય નહિ.
અહીં કહ્યું કે–ગુણગુણીની એકતાનું લક્ષ અકષાયભાવથી થઈ શકે છે, પણ કષાયની મંદતાથી થઈ શકતું
નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે–અકષાયરૂપ તો ભગવાન મહાવીરાદિ થઈ ગયા, છદ્મસ્થ જીવોને તો કષાયભાવ હોય છે,
તો તેને ગુણગુણીની એકતારૂપ સ્વભાવની પ્રતીતિ કેમ થાય? તેનો ઉત્તર–આત્માનો સ્વભાવ ત્રિકાળ અકષાયરૂપ છે
તેના લક્ષે અંશે અકષાયભાવ થાય છે. શુદ્ધાત્માની પ્રતીતિ તો સંપૂર્ણ અકષાયભાવરૂપ છે. મહાવીર ભગવાનને પણ
ત્રિકાળ અકષાયસ્વભાવ હતો તેમાંથી અકષાયપણું પ્રગટયું કે બહારથી? જેવો મહાવીરનો સ્વભાવ છે તેવો જ મારા
આત્માનો સ્વભાવ છે. મારા સ્વભાવની અંતરક્રિયામાં કોઈ પુણ્ય–પાપના ભાવ કે નિમિત્તનો સંયોગ બિલકુલ
મદદગાર નથી–એવા ભાન વગર કષાયની મંદતાને વ્યવહાર પણ કહેવાય નહિ, એ તો વ્યવહારાભાસ છે. જ્યાં
ગુણગુણીની એકતારૂપ નિશ્ચયનું લક્ષ થયું છે ત્યાં વ્યવહાર હોય છે. ગુણગુણીની એકતાનું લક્ષ કરે તો રાગાદિરહિત
દશા પ્રગટે. અને ત્યાં જે રાગ હોય તેને વ્યવહાર કહેવાય. પણ ગુણગુણીની એકતાના લક્ષ વગર કષાયની મંદતા કરે
તેને વ્યવહાર પણ શી રીતે કહેવો? જ્યાં નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોઈ શકે. નિશ્ચય વગર વ્યવહાર હોય નહિ.
ભગવાન મહાવીર આજે કેવળજ્ઞાનદશા પામ્યા, જીવનમુક્ત દશા પ્રગટ કરી. આ પહેલાં ગુણગુણીની
એકતાનું ભાન તો હતું, અને તેમાં જ ઘણી એકાગ્રતા કરીને ઘણા કષાયનો તો અભાવ કર્યો હતો. પણ હજી અત્યંત
અલ્પ કષાય બાકી હતો. આજે સંપૂર્ણ સ્વરૂપએકાગ્રતા વડે કષાયનો સર્વથા નાશ કરી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. તેથી
આજે ‘કેવળજ્ઞાન કલ્યાણક’ નો મંગળ દિવસ ઉજવાય છે. મહાવીર ભગવાનને કેવળજ્ઞાન પ્રગટયું તે કોઈ બહારના
આશ્રયે પ્રગટયું નથી, પણ જ્ઞાન ગુણ અને આત્મા ત્રિકાળ એકરૂપ હતા, તેના જ આશ્રયે તે ગુણ કેવળજ્ઞાનદશારૂપે
પરિણમ્યો છે. એક ક્ષણ પણ પરાશ્રયે ગુણ માને તેણે ત્રણેકાળના આત્માઓને ગુણથી જુદા માન્યા. વ્યવહાર કરતાં
કરતાં નિશ્ચય પ્રગટે એમ માને તેને પણ ગુણગુણીની એકતાની પ્રતીતિ નથી. સ્વાશ્રય વગર ગુણની નિર્મળ પર્યાય
પ્રગટે નહિ; પરાશ્રયે જે રાગાદિરૂપ પર્યાય પ્રગટે તે પરમાર્થે આત્માના ગુણની પર્યાય કહેવાય નહિ.
આત્મા અનાદિ અનંત છે, તેની પર્યાયમાં જ્ઞાન, આનંદ, નિર્મળતા કેમ પ્રગટે તેની વાત છે. સ્વાશ્રયથી
ગુણગુણીની એકતાનું લક્ષ કરે તો ગુણ પ્રગટે. ગુણગુણીની એકતા કાંઈ નવી કરવાની નથી, એ તો ત્રિકાળ એકતારૂપ
છે જ, પણ શ્રદ્ધા–જ્ઞાનવડે તે એકતાનું ભાન કરે તો તેના આશ્રયે નિર્મળ પર્યાય પ્રગટે. પોતે પાત્રતાથી અંતર
સ્પર્શીને એમ માને કે મારા સ્વભાવમાં વિકલ્પનો આશ્રય નથી, પણ ગુણગુણી ત્રિકાળ અભેદરૂપ છે, તેના જ આશ્રયે
પર્યાયમાં પ્રગટ થાય છે. એમ માનનારને એકતાની પ્રતીતિ છે. પણ પરાશ્રયે વિકલ્પથી ગુણ પ્રગટશે એમ માને તે
સદાકાળ ગુણગુણીને જુદા માને છે, તે શાસ્ત્ર વાંચીને ભલે એમ કહેતો હોય કે ગુણ અને ગુણી અભેદ છે, પરંતુ તેને
અંતરથી તેની એકતાની પ્રતીતિ નથી.
મારા ત્રિકાળી ગુણની પર્યાય બહારના સંયોગોથી પ્રગટે એમ જેણે માન્યું તેણે આત્માના આશ્રય વગર

PDF/HTML Page 14 of 21
single page version

background image
આષાઢઃ ૨૪૭૩ઃ ૧૭૭ઃ
ગુણ માન્યા છે. તેથી આત્માનું લક્ષ છોડીને તે પુણ્યથી અને રાગથી ગુણ માને છે. શુભરાગ આવે પણ તેનાથી ગુણ
પ્રગટતા નથી. ગુણગુણીની એકતાના સ્વભાવ તરફ વળતાં જે રાગ ઘટી ગયો તેને વ્યવહાર કહેવાય છે. પણ
સ્વભાવ તરફના વલણ વગર પરના લક્ષે જે રાગ ઘટાડે તેને વ્યવહાર પણ કહી શકાતો નથી. વાસ્તવિકપણે તો તેને
રાગ ઘટયો જ નથી, અલ્પકાળે એવો ને એવો તીવ્ર રાગ થઈ જશે. અને સ્વભાવના લક્ષે જે રાગ ઘટયો તે ઘટયો,
ફરીને તે રાગ આવશે નહિ.
જ્ઞાન તે ગુણ છે અને જ્ઞાનવાન્ તે દ્રવ્ય છે. એ દ્રવ્ય અને ગુણ એકતારૂપ છે. જો તેને ક્ષણ પણ જુદા માને તો
બંને જડ થઈ જાય છેે એમ શ્રી જિનેન્દ્રદેવનું કથન છે. ખરેખર આત્મા કે જ્ઞાન કોઈ જડ થઈ જ શકતું નથી પણ
આત્મા અને જ્ઞાનને જુદા માનનારને જ્ઞાનની અવસ્થા અજ્ઞાનરૂપ થાય છે.
જો જ્ઞાન અને આત્મા જુદા હોય તો જાણવાનું કાર્ય જ ન થઈ શકે. અગ્નિ અને ઉષ્ણતાની માફક આત્મા
અને જ્ઞાન એકમેક છે. જો અગ્નિ અને ઉષ્ણતા જુદા હોય એટલે કે જો અગ્નિમાં જ ઉષ્ણતા ન હોય અને ઉષ્ણતામાં
અગ્નિ ન હોય તો તે લાકડાને બાળવાનું કાર્ય કરી શકશે નહિ. જો અગ્નિનો ગુણ તેનાથી જુદો હોય તો ઉષ્ણતાથી
ખાલી એવો અગ્નિ લાકડાને કેમ બાળી શકશે?
અને જો ઉષ્ણતા ગુણમાં અગ્નિ ન હોય તો અગ્નિ વગર તે ઉષ્ણતા કોના આધારે રહે? સિદ્ધાંતમાં કહ્યું છે કે
द्रव्याश्रया निर्गुणा गुणाः એટલે કે ગુણ દ્રવ્યને આશ્રયે રહે છે અને એક ગુણમાં બીજા ગુણ હોતા નથી. તેથી ગુણ
નિરાશ્રય હોય નહિ. ઉષ્ણતાને જો અગ્નિનો આશ્રય ન હોય તો ઉષ્ણતાગુણ જ ન હોઈ શકે અને તે કોઈને બાળવાનું
કાર્ય ન કરી શકે. જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં ગુણની વ્યાખ્યા એ છે કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ
હાલતોમાં વ્યાપે તે ગુણ છે. એટલે કે ગુણ અને દ્રવ્યને સદાય એકતા છે. ઉષ્ણતા ગુણનો આધાર અગ્નિ છે એટલે કે
ઉષ્ણતા અગ્નિના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં રહેલી જ છે, એક ક્ષણ પણ ઉષ્ણતા અગ્નિથી જુદી નથી.
જો અગ્નિ ન હોય તો એકલી ઉષ્ણતા લાકડાને બાળવાનું કામ કરી શકે નહિ. અને ઉષ્ણતા ન હોય તો ઉષ્ણતા
વગરનો અગ્નિ પણ બાળવાનું કામ કરી શકે નહિ. એ રીત ગુણ અને ગુણી જુદા હોય તો તે ક્રિયા કરવામાં અસમર્થ
છે, પણ બંનેની એકતા હોય તો જ ક્રિયા થાય છે. બેમાંથી એકના અભાવથી બીજાનો પણ અભાવ થાય છે, માટે તે
બંને અભેદ જ છે–એમ પ્રતીત થાય છે.
તેમ અગ્નિ તે આત્મા સમજવો અને ઉષ્ણતા તે જ્ઞાનગુણ સમજવો. અગ્નિ અને ઉષ્ણતાની માફક આત્મા
અને જ્ઞાનને પણ એકતા છે. આત્મા અને જ્ઞાન જે જુદા હોય તો જાણવાની ક્રિયા કરવામાં તે અસમર્થ બને. જો
આત્મા અને જ્ઞાન જુદા હોય તો જાણવાની ક્રિયા શેમાં થાય? જો કહેશો કે આત્મામાં થાય, તો જ્ઞાનથી રહિત એવો
આત્મા કેમ જાણી શકે? અને જો કહેશો કે જ્ઞાનમાં થાય, તો આત્માના આધાર વગર જ્ઞાનની ક્રિયા કોના આધારે
થઈ? જાણવાની ક્રિયા જો શાસ્ત્ર વગેરેના આધાર માનો પણ આત્માના આધારે ન માનો તો જાણવાની ક્રિયા જ ન
થઈ શકે, પણ પરાશ્રયે એકલી વિકારની જ ક્રિયા થાય. ગુણગુણીની એકતાના લક્ષ વગર જે જ્ઞાન થાય તે
વાસ્તવિકપણે જ્ઞાનની ક્રિયા નથી પણ વિકારી ક્રિયા છે. તે જ્ઞાન જ્ઞાનરૂપ રહ્યું નહિ પણ રાગવાળું થયું, તે જ્ઞાન
નાશવાન છે. સ્વના લક્ષ વગરનું પરનું જ્ઞાન નાશવાન છે. આત્માના લક્ષ વગર નવ પૂર્વના ભણેલા અત્યારે
નિગોદમાં પડયા છે. આત્મા અને જ્ઞાનની એકતાની પ્રતીતિ વગર સંસારને કાપવાની ક્રિયા જ્ઞાન નહિ કરી શકે, અને
મોક્ષમાર્ગની ક્રિયા નહિ થાય. આત્મા અને જ્ઞાનસ્વભાવની એકતા માન્યા વગર વિકારનો નાશ કોના આધારે
કરશે? અને જ્ઞાનની નિર્મળતા કોના લક્ષે પ્રગટશે? જ્ઞાન ગુણ દ્વારા આત્મ દ્રવ્ય સાધ્ય છે, ગુણલક્ષણ વડે આખા
ગુણી દ્રવ્યને ઓળખવાનું પ્રયોજન છે. જો ગુણગુણીને અભેદ માને તો અભેદના લક્ષે ભેદનો વિકલ્પ ટાળીને
સમ્યગ્દર્શન પ્રગટ કરે. પણ જો ગુણગુણીને જુદા જ માને તો તેને કદી ગુણ ગુણીના ભેદનો આશ્રય ટળે નહિ; અને
વિકલ્પથી ખસીને કદી સમ્યગ્દર્શન થાય નહિ એને સદાય પરાશ્રય જ રહ્યા કરે.
શાસ્ત્રના આધારે કાંઈ જ્ઞાન નથી. શાસ્ત્રોમાં જ્ઞાનનો અંશ પણ નથી. જ્ઞાન તો આત્માના આધારે છે. જ્યાં
જ્ઞાન થાય ત્યાં શાસ્ત્રો નિમિત્ત હોય, પણ શાસ્ત્રથી જ્ઞાન માને તો તેની દ્રષ્ટિ જ બાહ્ય છે, કેમકે તે આત્માને અને
જ્ઞાનને જુદા માને છે. જો આત્માથી જ્ઞાનગુણ જુદો

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧૭૮ઃ આત્મધર્મઃ ૪પ
હોય તો આત્માના આધાર વગર જ્ઞાનની ક્રિયા થાય નહિ. અને જો આત્મામાં જ્ઞાનગુણ એકપણે ન હોય તો જ્ઞાન
વગર આત્મા કેવી રીતે જાણે? અને આત્મા વગર જ્ઞાનગુણ કેવી રીતે જાણે?
શાસ્ત્રમાં લખ્યા મુજબ દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ માની લ્યે પણ અંતર સ્વભાવમાં દ્રવ્ય–ગુણની એકતા છે
તેના લક્ષે નિર્મળ પર્યાય પ્રગટે છે એમ સ્વાશ્રયે સમજીને દ્રવ્યગુણપર્યાયની એકતા ન કરે અને શાસ્ત્ર વગેરેના
અવલંબનથી જ્ઞાન માને તો તેને કદી સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય પ્રગટે નહિ અને જન્મ મરણનો અંત આવે નહિ.
અને કદાચ શાસ્ત્રનું જ્ઞાન ન હોય પરંતુ પોતાની પાત્રતાથી સત્પુરુષ પાસેથી સાંભળીને જો સ્વાશ્રયભાવે દ્રવ્યગુણની
એકતા સમજે અને તેનો આશ્રય કરે તો દ્રવ્યગુણના જ આશ્રયે પર્યાય નિર્મળ પ્રગટે અને જન્મ–મરણનો અંત આવે.
સત્પુરુષની પાસેથી શ્રવણ કર્યા વગર પોતાના સ્વછંદે ગમે તેટલા શાસ્ત્રો વાંચે તોપણ સત્ સ્વભાવ પામી શકે નહિ.
આ સંબંધમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–
નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો માત્ર મનનો આમળો,
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.
તારા જ્ઞાનાદિ ગુણો સાથે ત્રિકાળ એકતા છે, પણ રાગાદિ વિકાર સાથે તારા સ્વભાવની એકતા નથી– એમ
સમજીને વિકારનું લક્ષ છોડીને સ્વભાવના લક્ષે પુરુષાર્થ કર, તો વિકારનો નાશ થાય અને ગુણોની નિર્મળપર્યાય
પ્રગટે–આ જ પ્રયોજન છે. એ પ્રયોજન સમજ્યા વગર પોતાની કલ્પનાથી કરોડો શાસ્ત્રો વાંચી જાય, કે સમયસાર
શાસ્ત્ર ભલે હજારો વાર વાંચી જાય પણ તેને આત્માનો કિંચિત્ લાભ થાય નહિ. સ્વછંદ છોડીને જ્ઞાની પુરુષના
સમાગમે દેશનાલબ્ધિ વગર પોતાની
કલ્પનાથી એક અક્ષર પણ સાચો સમજાવાનો નથી. જ્ઞાનીના સમાગમે
તારા અંતરમાં આત્મા અને જ્ઞાનની એકતાની અંતદ્રષ્ટિ કર્યા વગર શાસ્ત્રમાંથી કાંઈ મળવાનું નથી. એક વાર
પાત્રતાથી દેશનાલબ્ધિ જ્ઞાની પુરુષ પાસેથી મેળવવી જોઈએ.
દેશનાલબ્ધિની વ્યાખ્યા શ્રી ધવલશાસ્ત્ર પુસ્તક ૬ પા. ૨૦૪ માં સુંદર આપી છે–છ દ્રવ્યો અને નવ પદાર્થના
ઉપદેશનું નામ દેશના છે, એવી દેશના આપનારા આચાર્ય વગેરેની ઉપલબ્ધિ, અને તેમના દ્વારા ઉપદેશેલા અર્થનું
ગ્રહણ, ધારણ તથા વિચારણાની શક્તિની યથાયોગ્ય પ્રાપ્તિ થવી તે દેશનાલબ્ધિ છે. જ્ઞાની પુરુષના સમાગમે પોતે
પાત્ર થઈને બહુમાનપૂર્વક અંતરમાં સત્નું ગ્રહણ કરી લીધું છે–વિચાર શક્તિ પણ પ્રગટ કરી છે પણ વર્તમાન સાક્ષાત્
અનુભવ થયો નથી–એવી પાત્રતાને દેશનાલબ્ધિ કહેવાય છે. એવી દેશનાલબ્ધિ પ્રગટ કરે તેને અવશ્ય અનુભવ વડે
સમ્યગ્દર્શન પ્રગટે. પણ પહેલાં જ્ઞાની પાસેથી ઉપદેશ શ્રવણ કરીને દેશનાલબ્ધિ પ્રગટ કર્યા વગર કોઈ જીવને
ત્રણકાળમાં ધર્મ પરિણમે નહિ.
અનાદિ વસ્તુ સ્વભાવ જ એવો છે કે સત્માં સત્ પુરુષ જ નિમિત્તરૂપ હોય, શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–
બુઝી ચહત જો પ્યાસ કો હય બુઝન કી રીત;
પાવૈ નહિ ગુરુ ગમ વિના એહી અનાદિ સ્થિત.
પ્રશ્નઃ– જેમ દાતરડા વડે કોઈ પુરુષ કાપતો હોય, તેને દાતરડાના સંયોગથી કાપનારો કહેવાય, ત્યાં જુદા
દાતરડાના સંયોગવડે પુરુષ કાર્ય કરે છે, તેમ જ્ઞાન જુદું છે અને તે વડે આત્મા કાર્ય કરે છે–એમ શા માટે ન મનાય?
ઉત્તરઃ– નહિ, દ્રષ્ટાંતમાં પણ પુરુષની કાપવાની શક્તિ છે. જો પુરુષમાં જ શક્તિ ન હોત તો દાતરડું શું કરત?
પુરુષની શક્તિ પુરુષથી ભિન્ન નથી પણ એકતારૂપ છે, દાતરડું બાહ્ય ઉપકરણ છે, વીર્યાંતરાયનો ક્ષયોપશમ
આભ્યંતર ઉપકરણ છે. પુરુષની અંતરશક્તિ વગર છેદવાનું કાર્ય થાય નહિ. (અહીં માત્ર દ્રષ્ટાંત હોવાથી લૌકિક
અપેક્ષાએ કથન સમજવું. વાસ્તવિકપણે તો જડની ક્રિયા જડથી સ્વયં થાય છે. પણ પુરુષ અને પુરુષની શક્તિ એ
બંનેમાં ભિન્નતા નથી એટલું દ્રષ્ટાંતમાંથી લેવાનું છે.) તેમ આત્મામાં જ જાણવાની શક્તિ છે તેનાથી તે જાણે છે.
બાહ્ય નિમિત્તોથી જ્ઞાનની શક્તિ થતી નથી, પણ જ્ઞાન અને આત્મા સદાય એકરૂપ જ છે. પ્રકાશ, શાસ્ત્ર, ઉપાધ્યાય,
વગેરે બાહ્યકારણો હોવા છતાં જો આત્મામાં જ જ્ઞાનની શક્તિ ન હોય તો જાણવાની ક્રિયા ક્યાંથી થાય? જો વસ્તુમાં
જ સ્વયં શક્તિ ન હોય તો કોઈ પર વડે તે ઉત્પન્ન થઈ શકે નહિ. અને જો વસ્તુમાં જ શક્તિ છે તો પછી પર વડે તે
થાય છે એમ કેમ કહેવાય? બહારમાંથી આત્માનું જ્ઞાન પ્રગટતું નથી પણ અંતરમાં ત્રિકાળ છે તેમાંથી જ પ્રગટે છે. જો
રાગરહિત સ્વભાવને જાણવાની અંતરમાં તાકાત ન હોય તો બહારમાં શાસ્ત્ર, ગુરુ, વગેરે પર લક્ષે સમ્યગ્જ્ઞાન પ્રગટી
શકતું નથી. જ્યાં ત્રિકાળ શક્તિ છે ત્યાં એકાગ્ર થાય તો

PDF/HTML Page 16 of 21
single page version

background image
આષાઢઃ ૨૪૭૩ઃ ૧૭૯ઃ
સમ્યગ્જ્ઞાન પ્રગટે. માટે જ્ઞાનજ્ઞાનીની એકતાની પ્રતીતિ તે જ સમ્યગ્જ્ઞાનનું કારણ છે. એ જ્ઞાન વગર રાગ તોડીને
સ્વભાવની એકતા કરવાની ક્રિયા આત્મા કદી કરી શકતો નથી.
વીતરાગી સહજ સુંદર સુખરૂપ પરમાનંદ સ્વભાવનો અજાણ અજ્ઞાની જીવ બહારમાંથી જ્ઞાન–આનંદ માને છે
અને તેથી તે બહારમાં જ શોધે છે, પણ સ્વસન્મુખ થઈને અંતરમાં શોધતો નથી. આત્મા અને જ્ઞાનની એકતાની
પ્રતીતિવડે અભેદરૂપ નિજ શુદ્ધાત્માની અનુભૂતિ તે જ ઉપાદેય છે.
ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે, આનંદ સાથે એકમેક છે, તેના આનંદ માટે બહારમાં કોઈ સાધન નથી,
પણ સ્વયં આનંદ સ્વભાવ સાથે અભેદરૂપ છે એની પ્રતીત અને અંતરમુખ વલણ તે જ આનંદ પ્રગટવાનું સાધન છે.
ખાવા પીવામાં કે રાગમાં ક્યાંય આત્માનો આનંદ નથી. ગિરીગૂફામાં આનંદ નથી, પણ આનંદ અને આત્મા
એકાકાર છે ત્યાં એકાગ્ર થતાં આનંદ પ્રગટે છે. હું મારા વીતરાગી આનંદ સ્વભાવમાં એકતા કરૂં ત્યાં રાગ સાથેની
એકતા છૂટી જ જાય છે અને સંયોગ તો છૂટેલા જ છે. આમ જો સ્વાશ્રય આનંદની પ્રતીત કરે તો પરમાં આનંદ કે
સુખની કલ્પના સ્વપ્ને પણ ન રહે, અને સ્વાશ્રયે આનંદ પ્રગટે.
સંયોગ સારા હોય તો ધર્મ કરવો ઠીક પડે–એમ માનનાર સંયોગોમાંથી ધર્મની ઉત્પત્તિ માને છે, પણ પોતાના
સ્વભાવમાં ધર્મ છે તેની પ્રતીતિ કરતો નથી. પોતાના આત્માને અને ગુણને એકતાપણે જાણ્યા નથી તેથી સંયોગથી
ગુણ પ્રગટે એમ માને છે. જીંદગીભર આજીવિકા ચાલે એટલી લક્ષ્મી મળી જાય તો શાંતિથી આત્મસાધન કરી શકાય–
એમ અજ્ઞાની માને છે. ભાઈ, શું લક્ષ્મીના અવલંબને તારી શાંતિ છે? કે સ્વભાવના અવલંબને છે? લક્ષ્મી હોય કે ન
હોય, પણ તારો આત્મા તો તારી શાંતિ સાથે ત્રિકાળ એકરૂપ છે, તેનું લક્ષ કર તો શાંતિ પ્રગટે. લક્ષ્મી વગેરેનો રાગ
હોય તે જુદી વાત છે પણ તેના આશ્રયે ધર્મ પ્રગટશે એમ જ્ઞાની માનતા નથી. મારા સ્વભાવના આશ્રયે જે સમયે
એકતા કરીને લીન થાઉં તે જ સમયે સ્વભાવમાં જ જ્ઞાન આનંદ છે તે પ્રગટે છે, પણ પહેલાં પોતે ત્રિકાળી
ચૈતન્યસ્વરૂપ છે તેની પ્રતીતિ કરે તો વર્તમાનમાં પ્રગટે ને! સામાન્ય સ્વભાવે ત્રિકાળ આનંદ સ્વરૂપ છું એમ
સામાન્યનું લક્ષ કરે તો વિશેષમાં આનંદ પ્રગટે.
આત્માનો વીતરાગી આનંદ સહજ અને સુંદર છે. સહજ એટલે પોતાના સ્વભાવથી જ, તેને કોઈ પરનું
અવલંબન નથી પણ પોતાથી જ તે આનંદરૂપ છે. આત્મા અને આનંદ ત્રિકાળ એકરૂપ છે. અજ્ઞાની આત્માને પણ
તેનો આનંદગુણ ત્રિકાળ અભેદરૂપ પોતામાં જ છે, પણ તેને તેની પ્રતીતિ નહિ હોવાથી પર્યાયમાં પ્રગટ અનુભવ થતો
નથી. જે સત્ સ્વભાવ છે તેની પ્રતીતિ કરવી તે જ આનંદ પ્રગટ કરવાનો ઉપાય છે; એની પ્રતીતિ ન કરે તો અન્ય
કોઈ પણ સાધનથી આનંદ પ્રગટવાનો નથી. કોઈ લોકો કહે છે કે કાળ કઠણ છે તેથી ધર્મ સમજવો મુશ્કેલ લાગે છે.
પણ જ્ઞાનીઓ કહે છે કે તારી પર્યાય તે જ તારો સ્વકાળ છે. તું તારા આત્મસ્વભાવની પ્રતીતિ કરીને સ્વપર્યાયને
સ્વભાવમાં એકાગ્ર કર, તો તારો સારો જ કાળ છે. તારો કાળ તો તારી જ પર્યાયમાં છે. તને તારા સ્વતંત્ર સ્વકાળને
સુધારવાની ખબર ન પડે અને તું બહારના કાળથી શાંતિ લેવા માગ, પરંતુ એ ઉપાયથી તારી શાંતિ પ્રગટવાની નથી.
તારી શાંતિ પરમાં નથી. પણ તારામાં જ છે.
ગુણો દ્રવ્યના જ આશ્રયે છે, ગુણ એકલો ન હોઈ શકે. દ્રવ્યના આશ્રયે બધા ગુણ રહેલા છે, પણ એક ગુણને
આશ્રયે બીજો ગુણ રહેલો નથી. ગુણ અપેક્ષાએ એક ગુણથી બીજો ગુણ સ્વતંત્ર છે. પણ બધાય ગુણો તો એક દ્રવ્યના
જ આશ્રયે છે. દ્રવ્યને અને ગુણને ભેદ નથી. દ્રવ્યને છોડીને ગુણ ક્યાંય રહેતા નથી. અભેદ દ્રવ્યદ્રષ્ટિથી જોઈએ ત્યારે
બધા ગુણ પર્યાયથી અભેદરૂપ એક દ્રવ્ય છે. પણ ગુણભેદ કે પર્યાયભેદથી જોઈએ તો અનંતગુણ અને અનંત પર્યાયો
છે, તે દરેક ગુણ સ્વતંત્ર છે અને દરેક પર્યાય પણ સ્વતંત્ર છે.
ઘણાને પ્રશ્ન ઊઠે છે કે દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે, તો પર્યાયમાં વિકાર કેમ? તેનો ઉત્તર એ છે કે તે સમયની
પર્યાય સ્વતંત્ર છે, સ્વતંત્રપણે તે પર્યાય વિકારરૂપે પરિણમે છે, તે પર્યાયનો તેવો સ્વભાવ છે. તે સમયની પર્યાય સ્વાધીન
દ્રવ્ય સ્વભાવમાં લીન ન થતાં પરમાં લીન થઈ તેથી તે વિકારરૂપે થઈ છે; તે પોતે જ કારણ કાર્યરૂપ છે.
પહેલાં તો ગુણગુણી અભેદ છે તેની દ્રષ્ટિ કર્યા પછી ભેદથી જોતાં દરેક ગુણ સ્વતંત્ર છે, દરેક ગુણ
પોતપોતાના આધારે છે. અને દરેક પર્યાય પોતપોતાના આધારે છે. પણ દ્રવ્યથી જોતાં દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૮૦ઃ આત્મધર્મઃ ૪પ
અભેદ છે અને તે તે સમયની પર્યાય પણ અભેદ છે; દ્રવ્ય–ગુણ–પર્યાયમાં ભેદ કહેવો તે વ્યવહાર છે. ગુણગુણીને જુદા
માને તેને ગુણ કદી પ્રગટે નહિ. જેમ દાતરડાને અને પુરુષને સંયોગ સંબંધ છે તેમ ગુણગુણીને અર્થાત્ જ્ઞાન અને
આત્માને તેવા પ્રકારનો સંયોગ સંબંધ નથી, પણ ત્રિકાળ એકતારૂપ સમવાય સંબંધ અર્થાત્ તાદાત્મ્ય સંબંધ છે.
જૈનદર્શનમાં ત્રિકાળ એકતારૂપ સંબંધને સમવાય સંબંધ કહેવાય છે, અન્યદર્શનો સમવાયસંબંધનો અર્થ બે જુદી
વસ્તુનો પાછળથી સંબંધ થાય તેને સમવાયસંબંધ કહે છે. પણ વાસ્તવિકપણે ગુણગુણીને ત્રિકાળ એકતારૂપ સંબંધ છે
તે જ સમવાયસંબંધ છે. જ્ઞાન આનંદ પુરુષાર્થ વગેરે અનંત ગુણો આત્મા સાથે એકમેકપણે છે, બહારથી તે મળતાં
નથી.
સાર એ છે કે, જ્ઞાન અને આત્મા જુદા કાર્ય કરતા નથી પણ આત્મા અને જ્ઞાનની એકતા જ છે; માટે તે
સ્વભાવની પ્રતીતિ કરે તો દર્શન–જ્ઞાન–ચારિત્રની નિર્મળતા પ્રગટીને કેવળજ્ઞાન થાય એનું જ નામ પોતાને માટે
કેવળજ્ઞાનકલ્યાણક મહોત્સવ છે. પોતાનો મહોત્સવ બીજા ઊજવે કે ન ઊજવે તે તો પુણ્યને આધીન છે. પોતે પોતાના
અનાદિ અનંત ગુણગુણીની એકતાની પ્રતીતિ વડે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરવા તે જ સારભૂત છે. અભેદ દ્રષ્ટિવડે
ગુણદ્વારા જો ગુણીને નહિ સાધ, તો તારૂં જ્ઞાન ક્યાંય સ્થિર થશે નહિ અને બહાર જ ભટકયા કરશે. ગુણગુણીની
એકતાની શ્રદ્ધા વગર ભ્રમણ ટળશે નહિ. ગુણગુણીની એકતાની પ્રતીતિ કરતાં વિકાર સાથેની એકતા તૂટી જાય છે
અને ભવભ્રમણનો અંત આવે છે.
* * * * * *
ઉપાદાન નિમિત્ત દોહા
* પં. બનારસીદાસજી કૃત દોહા
* પર પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું પ્રવચન
વસ્તુનો સ્વભાવ સ્વતંત્ર છે, દરેક વસ્તુ પોતાના સ્વતંત્ર સ્વભાવથી જ પોતાનું કાર્ય કરી રહી છે. ઉપાદાન
અને નિમિત્ત એ બંને સ્વતંત્ર ભિન્ન વસ્તુઓ છે. ઉપાદાન પોતાનું કાર્ય કરે ત્યારે નિમિત્ત માત્ર હોય છે–એટલો જ
ઉપાદાન–નિમિત્તનો મેળ છે, તેને બદલે જરાપણ કર્તાકર્મ સંબંધ માનવો તે અજ્ઞાન છે. આ દોહાઓમાં ઉપાદાન
નિમિત્તનું સ્વરૂપ ટૂંકામાં સુંદર રીતે બતાવ્યું છે.
પ્રથમ, બે દોહામાં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે–
ગુરુ ઉપદેશ નિમિત્ત વિન ઉપાદાન બલહીન,
જ્યોં નર દૂજે પાવ વિન ચલવે કો આધીન. ૧.
હો જાને થા એક હી ઉપાદાન સોં કાજ,
થકૈ સહાઈ પૌન વિન પાનિમાંહી જહાજ. ૨.
અર્થઃ– જેમ માણસ બીજા પગ વગર ચાલી શકે નહિ તેમ ઉપાદાન (આત્મા પોતે) પણ સદ્ગુરુના ઉપદેશના
નિમિત્ત વગર બળ વગરનો છે. એકલા ઉપાદાનથી જ કામ થાય એમ જે માને છે તે બરાબર નથી; જેમ પાણીમાં
પવનની સહાય વગર વહાણ થાકી જાય છે તેમ (–નિમિત્તની સહાય વગર ઉપાદાન એકલું કાર્ય કરી શકતું નથી).–
આવી અજ્ઞાનીઓની માન્યતા છે, પણ તે બરાબર નથી એમ આ દોહાઓમાં સાબિત કરવું છે.
ઉપાદાન–નિમિત્તનું સ્વરૂપ જાણવાની ઇચ્છાવાળો શિષ્ય આ વાત પૂછે છે. નિમિત્ત અને ઉપાદાનની વાત
કાંઈક ખ્યાલમાં લેનાર પૂછે છે કે ઉપાદાન શું અને નિમિત્ત શું? પણ જેને કાંઈ ખબર જ ન હોય અને જાણવાની
ઇચ્છા જ ન થતી હોય તે શું પૂછે?
જેણે નિમિત્ત–ઉપાદાનની વાત સાંભળી છે પણ હજી નિર્ણય કર્યો નથી એવો નિમિત્તના પક્ષવાળો પૂછે છે કે
–નિમિત્ત વગર ઉપાદાન પોતાનું કામ કરવામાં બળ વગરનું છે, નિમિત્ત હોય તો ઉપાદાન કામ કરી શકે, ગુરુ હોય
તો શિષ્યને જ્ઞાન થાય છે, સૂર્ય હોય તો કમળ ખીલે છે, બે પગ હોય તો માણસ ચાલી શકે છે, કાંઈ એક પગે ચાલી
શકાતું નથી. જુઓ, એક પગ એકલો કામ કરી શકતો નથી પણ એક પગને બીજા પગની સહાય મળે ત્યારે ચાલવાનું
કામ થાય છે. તેમ ઉપાદાન એકલું એકલું કામ કરી શકતું નથી પણ ઉપાદાન અને નિમિત્ત એમ બે ભેગા થાય તો
કાર્ય થાય છે.
ઉપાદાન એટલે આત્માની શક્તિ. જીવને સમ્યગ્દર્શન પ્રગટ કરવામાં આત્માની સાચી સમજણ– સ્વભાવનું
ભાન તે ઉપાદાન છે અને ગુરુનો ઉપદેશ નિમિત્ત છે. જ્યારે ઉપાદાન પોતે કાર્યરૂપ પરિણમે ત્યારે જે બાહ્ય સંયોગ
હોય તે નિમિત્ત છે. આ રીતે ઉપાદાન નિમિત્તની વ્યવસ્થા છે.
અજ્ઞાનીઓની દલીલ છે કે નિમિત્ત સારું ન મળે તો ઉપાદાનનું કામ ન થાય. અને તે માટેના દ્રષ્ટાંત પણ
આપ્યા છે. આ દોહા પં. બનારસીદાસજીએ રચેલા છે, અજ્ઞાનીઓની વતી પોતે જ પ્રશ્ન ઉપાડીને

PDF/HTML Page 18 of 21
single page version

background image
આષાઢઃ ૨૪૭૩ઃ ૧૮૧ઃ
તેનો જવાબ આપ્યો છે. અજ્ઞાનીઓની કેવી કેવી દલીલ હોય છે તે જ્ઞાનીઓ જાણે છે. આ દોહા ઘણા ઊંચા છે, આમાં
વસ્તુસ્વભાવનું જોર મૂકયું છે.
અજ્ઞાની એમ માને છે કે કાંઈક નિમિત્ત હોય તો ઉપાદાનનું કામ થાય છે, જ્ઞાની એમ જાણે છે કે એકલા
વસ્તુના સ્વભાવથી જ કાર્ય થાય છે, તેમાં નિમિત્તની કાંઈ જ અસર–મદદ નથી; પણ જે બાહ્ય સંયોગો હાજરરૂપ હોય
તેને નિમિત્ત કહેવાય છે. કામ તો ઉપાદાન પોતે એકલું જ કરે છે.
શિષ્ય કહે છે કે–એકલા ઉપાદાનથી જ કામ થાય છે એમ તમે કહો છો, પણ જો એકલા ઉપાદાનથી જ કામ
થતું હોય તો પવન વગર વહાણ કેમ ચાલતું નથી? ઉપાદાન છે તો પણ પવનના નિમિત્ત વગર શું વહાણ ચાલે છે?
પવન વગર સારામાં સારું વહાણ પણ થાકી જાય છે; તેમ સદ્ગુરુના ઉપદેશ વિના આત્મારૂપી વહાણ મોક્ષમાર્ગ તરફ
ચાલે નહિ. સદ્ગુરુનું નિમિત્ત હોય તો આત્મારૂપી વહાણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી મુક્તિના માર્ગે ચાલે. માટે
નિમિત્ત હોય તો ઉપાદાન કામ કરે અને નિમિત્ત ન હોય તો ઉપાદાન બળ વગરનું થઈ જાય. એકલો આત્મા શું કરે?
જો સદ્ગુરુ હોય તો તે માર્ગ બતાવે અને આત્મા તે માર્ગે ચાલે–એ રીતે નિમિત્ત–ઉપાદાન ભેગા થાય તો આત્મા
મોક્ષમાર્ગમાં ચાલે.–આ નિમિત્ત તરફની દલીલ સમજવી.
હવે ઉપાદાન તરફથી જવાબ આપે છેઃ–
જ્ઞાન નૈન કિરિયા ચરન દોઉ શિવમગ ધાર,
ઉપાદાન નિશ્ચૈ જહાં તહાં નિમિત્ત વ્યવહાર. ૩.
અર્થઃ– સમ્યગ્દર્શનપૂર્વકના જ્ઞાનરૂપ જે નેત્ર અને તે જ્ઞાનમાં સ્થિરતા સ્વરૂપ સમ્યક્ચારિત્રની ક્રિયારૂપ જે
ચરણ તે બંને મોક્ષમાર્ગને ધારણ કરે છે. ज्यां उपादानरूप निश्चय होय त्यां निमित्तरूप व्यवहार होय ज छे.
અજ્ઞાનીઓ માને છે કે સદ્ગુરુનું નિમિત્ત અને આત્માનું ઉપાદાન એ બે થઈને મોક્ષમાર્ગ છે. જ્ઞાનીઓ જાણે
છે કે–‘જ્ઞાન નયન કિરિયા ચરન’–જ્ઞાન નયન તે મોક્ષમાર્ગ દેખાડે છે અને ચારિત્ર તેમાં સ્થિર થાય છે– આ રીતે
જ્ઞાન અને ચારિત્ર એ બે થઈને મોક્ષમાર્ગ છે. (જ્ઞાન કહેતાં તેમાં શ્રદ્ધા પણ આવી જ જાય છે.) જ્યાં આવો નિશ્ચય
મોક્ષમાર્ગ હોય ત્યાં સદ્ગુરુના નિમિત્તરૂપ વ્યવહાર હોય જ. પરંતુ જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ તો એકલા ઉપાદાનથી
જ થાય છે.
આત્મા દેહાદિ પર સંયોગોથી ભિન્ન છે, દયા વગેરેની શુભ કે હિંસા વગેરેની અશુભ લાગણી તે બંને વિકાર
છે, તે આત્માનું સ્વરૂપ નથી; આમ પરથી અને વિકારથી ભિન્ન આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક જ્ઞાન તે
આત્માની આંખ છે અને પુણ્ય–પાપના વિકાર રહિત સ્થિરતારૂપ ક્રિયા તે ચારિત્ર છે, આ જ્ઞાન અને ચારિત્ર તે
મોક્ષનો ઉપાય છે. પ્રથમ જ્ઞાનરૂપી આંખો વડે મોક્ષનો માર્ગ જાણ્યા વગર તે માર્ગમાં ચાલશે કયાંથી? આત્માના
સ્વભાવને જાણ્યા વગર પુણ્યમાં મોક્ષમાર્ગ માનીને અજ્ઞાનભાવે સંસારમાં જ રખડશે. પહેલાં શુદ્ધાત્માના જ્ઞાનપૂર્વક
મોક્ષમાર્ગને ઓળખે અને પછી તેમાં સ્થિર થાય તો મોક્ષ પામે છે. જીવ પોતાના ઉપાદાન વડે જ્યારે આવો મોક્ષમાર્ગ
પ્રગટ કરે ત્યારે સદ્ગુરુ નિમિત્તરૂપ હોય છે–એ વ્યવહાર છે.
ઉપાદાન એટલે નિશ્ચય અને નિમિત્ત એટલે વ્યવહાર. ઉપાદાન તે સ્વ છે અને નિમિત્ત તે પર છે એટલે સ્વ
તે નિશ્ચય અને પર તે વ્યવહાર. જે દ્રવ્ય પોતે કાર્યરૂપે થાય તે દ્રવ્ય કાર્યમાં નિશ્ચય છે અને જ્યારે પોતે કાર્યરૂપે થતું
હોય ત્યારે અનુકૂળ પર વસ્તુ ઉપર ‘નિમિત્ત’ એવો આરોપ કરવો તે વ્યવહાર છે. આ રીતે નિમિત્ત તો ઉપચાર
માત્ર છે. આ સંબંધમાં શ્રી પૂજ્યપાદ સ્વામીએ ઇષ્ટોપદેશમાં કહ્યું છે કે–
नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति।
निमित्तमात्रमन्यस्तु गतेर्वर्मास्तिकायवत्।।३५।।
અર્થઃ– અજ્ઞાની જીવ (પર વડે) જ્ઞાની થઈ શકતો નથી તેમ જ જ્ઞાની જીવ (પર વડે) અજ્ઞાની થઈ શકતો
નથી. બીજા તો નિમિત્ત માત્ર છે–જેમ પોતાની શક્તિથી ચાલનારા જીવ–પુદ્ગલોને ધર્માસ્તિકાય નિમિત્ત છે તેમ
મનુષ્યો સ્વયં જ્ઞાની કે અજ્ઞાની થાય તેમાં ગુરુ વિગેરે નિમિત્ત છે.
धर्मास्तिकायवत्’–બધાં નિમિત્ત ધર્માસ્તિકાય સમાન છે. આ એક વાક્યમાં તો નિમિત્તનું ઉપાદાનમાં
સર્વથા અકિંચિત્કરપણું બતાવ્યું છે.
જેમ ધર્માસ્તિકાય તો સર્વત્ર સદાય છે, પણ જે પદાર્થો સ્વયં ગતિરૂપ પરિણમે છે તેઓને માટે ધર્માસ્તિકાય
ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે, અને જે પદાર્થો ગતિ કરતા નથી તેમને માટે ધર્માસ્તિકાય પર નિમિત્તનો
આરોપ આવતો નથી.
આ રીતે, જો પદાર્થ ગતિરૂપ પરિણમે તો ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય અને જો ગતિ ન કરે તો નિમિત્ત

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧૮૨ઃ આત્મધર્મઃ ૪પ
ન કહેવાય. ધર્માસ્તિકાય તો બંનેમાં હાજર છે, તે કાંઈ પદાર્થોને ચલાવતું નથી; પણ પદાર્થ ગતિ કરે તો માત્ર
આરોપથી તેને નિમિત્ત કહેવાય છે. આ જ પ્રમાણે બધા નિમિત્તો ધર્માસ્તિકાયવત્ સમજવા.
કમળ ખીલે તેમાં સૂર્ય નિમિત્ત છે એટલે જો કમળ સ્વયં ખીલે તો સૂર્યને નિમિત્તનો આરોપ આવે અને જો
કમળ ન ખીલે તો સૂર્યને નિમિત્તનો આરોપ આવે નહિ. કમળના કાર્યમાં સૂર્યે કાંઈ કર્યું નથી, તે તો ધર્માસ્તિકાયવત્
હાજર માત્ર છે.
સાચી સમજણમાં ગુરુનું નિમિત્ત છે એટલે જો જીવ પોતે સ્વયં સાચું સમજે તો ગુરુને નિમિત્તનો આરોપ
આવે અને જો જીવ પોતે સાચું ન સમજે તો ગુરુને નિમિત્ત કહેવાય નહિ. સામા જીવના જ્ઞાનમાં ગુરુએ કાંઈ જ કર્યું
નથી, તે તો ધર્માસ્તિકાયવત્ માત્ર હાજરરૂપ છે.
માટીમાંથી ઘડો થાય તેમાં કુંભાર નિમિત્ત છે એટલે માટી સ્વયં ઘડારૂપ પરિણમે ત્યારે કુંભારમાં નિમિત્તનો
આરોપ આવે, અને જો માટી ઘડારૂપ ન પરિણમે તો કુંભારને નિમિત્ત કહેવાય નહિ. માટીના કાર્યમાં કુંભારે કાંઈ કર્યું
નથી, કુંભાર તો ધર્માસ્તિકાયવત્ હાજર માત્ર છે. આ પ્રમાણે જ્યાં જ્યાં પરવસ્તુને નિમિત્ત કહેવામાં આવે ત્યાં
સર્વત્ર “ધર્માસ્તિકાયવત્” એમ સમજી લેવું.
જે પદાર્થ સ્વયંકાર્યરૂપે પરિણમે તે નિશ્ચય છે, અને બીજા પદાર્થમાં આરોપ કરીને તેને નિમિત્ત કહેવું તે
વ્યવહાર છે. જ્યાં નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય જ છે–અર્થાત્ જ્યાં ઉપાદાન સ્વયં કાર્યરૂપ પરિણમે ત્યાં નિમિત્તરૂપ
પર વસ્તુની હાજરી હોય જ છે. ઉપાદાને પોતાની શક્તિથી કાર્ય કર્યું એમ જ્ઞાન કરવું તે નિશ્ચયનય છે અને તે વખતે
હાજર રહેલી પરવસ્તુનું જ્ઞાન કરવું તે વ્યવહારનય છે. ૩.
ઉપાદાન નિજ ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય.
ભેદજ્ઞાન પરમાણ વિધિ વિરલા બુઝે કોય. ૪.
અર્થઃ– જ્યાં પોતાનો ગુણ ઉપાદાનરૂપે તૈયાર થાય ત્યાં તેને અનુકૂળ પર નિમિત્ત હોય જ. આવી ભેદજ્ઞાનની
સાચી રીત છે તેને કોઈ વીરલા જીવો જ જાણે છે.
ઉપાદાન પોતાની શક્તિથી કાર્ય કરે અને ત્યારે નિમિત્ત હોય પણ તે ઉપાદાનમાં કાંઈ કરી શકે નહિ– આ
વાત ભેદજ્ઞાનની છે. સ્વ અને પર દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, એકની બીજામાં નાસ્તિ જ છે તો પછી તે શું કરે? જો
સસલાનાં શીંગડા કોઈને અસર કરે તો નિમિત્તની અસર પરમાં થાય; પણ જેમ સસલાનાં શીંગડાનો અભાવ
હોવાથી તે કોઈને અસર કરતાં નથી તેમ નિમિત્તનો પરદ્રવ્યમાં અભાવ હોવાથી નિમિત્તની કાંઈ અસર પરદ્રવ્યમાં
થતી જ નથી. આવું વસ્તુ સ્વભાવનું ભેદજ્ઞાન કોઈ વીરલા–સત્ય પુરુષાર્થી–જીવો જ જાણે છે. ઉપાદાન નિમિત્તની
સ્વતંત્રતાને જ્ઞાનીઓ જ જાણે છે; જ્ઞાનીઓ વસ્તુ સ્વભાવને જુએ છે તેથી તેઓ જાણે છે કે દરેક વસ્તુની પર્યાય તે
વસ્તુના પોતાના સ્વભાવથી જ થાય છે, વસ્તુ સ્વભાવમાં જ પોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય છે, તેને પર વસ્તુના
નિમિત્તની જરૂર નથી. પરંતુ અજ્ઞાનીઓ વસ્તુસ્વભાવને જાણતા નથી તેથી તેઓ સંયોગોને જોનારા છે, અને વસ્તુનું
કાર્ય સ્વતંત્ર થાય છે તેને બદલે તેઓ સંયોગાધીન–નિમિત્તાધીન કાર્ય માને છે; આ કારણે તેમને સંયોગમાં
એકત્વબુદ્ધિ ખસતી નથી અને સ્વ–પર ભેદજ્ઞાન થતું નથી. અહીં ઉપાદાન અને નિમિત્તની સ્વતંત્રતા બતાવીને
ભેદજ્ઞાનનો ઉપાય દર્શાવે છે. આખા જગતના ઘણા જીવો ઉપાદાન નિમિત્તનું સ્વરૂપ સમજ્યા વગર ખીચડો કરે છે
કે–નિમિત્તમાં કાંઈક વિશિષ્ટતા છે, કોઈ વાર નિમિત્તની અસર થઈ જાય છે, કોઈવાર નિમિત્તની મુખ્યતાથી કાર્ય
થાય છે આ બધી માન્યતા અજ્ઞાન છે. ૪.
ઉપાદાન બલ જહં તહાં, નહિ નિમિત્ત કો દાવ,
એક ચક્રસૌં રથ ચલે, રવિ કો યહૈ સ્વભાવ. પ.
અર્થઃ– જ્યાં જુઓ ત્યાં ઉપાદાનનું જ બળ છે, નિમિત્તનો દાવ નથી અર્થાત્ નિમિત્ત કાંઈ કરતું નથી; સૂર્યનો
એવો જ સ્વભાવ છે કે તેનો રથ એક ચક્રથી ચાલે છે (–તેમ વસ્તુનો એવો જ સ્વભાવ છે કે એકલા ઉપાદાનની
તાકાતથી જ કાર્ય થાય છે).
જ્યાં દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવથી જ કાર્ય કરે છે ત્યાં તેના સ્વભાવમાં પરવસ્તુ શું કરે? દરેક વસ્તુ
પોતપોતાના સ્વભાવમાં જ પરિણમી રહી છે, કોઈ વસ્તુ અન્ય વસ્તુના ભાવમાં પરિણમતી નથી. ઉપાદાન પોતે
પોતાના ભાવમાં પરિણમે છે અને નિમિત્ત નિમિત્તના પોતાના ભાવમાં પરિણમે છે. પોતાની પર્યાયનું કાર્ય કરવામાં
દરેક વસ્તુનું ઉપાદાન પોતે જ બળવાન છે, તેમાં નિમિત્તનું કાંઈ કાર્ય નથી. આમાં દ્રષ્ટાંત પણ કુદરતી વસ્તુનું આપ્યું
છે. સૂર્યના રથનો એક જ ચક્ર હોય છે, એક ચક્રથી જ ચાલવાનો સૂર્યનો સ્વભાવ છે તેમ એક સ્વ વસ્તુથી જ કાર્ય
કરવાનો વસ્તુનો સ્વભાવ છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
આષાઢઃ૨૪૭૩ઃ ૧૮૩ઃ
પોતાના ઉપયોગ ને સ્વભાવ તરફ વાળવામાં જીવ પોતે જ સ્વતંત્ર છે. માટે હે નિમિત્તના પક્ષવાળા! તું કહે છે કે
‘નિમિત્ત હોય તો કાર્ય થાય અને જેવું નિમિત્ત મળે તે અનુસાર ઉપાદાનની પર્યાય થાય’–એ વાત અસત્ય છે.
સ્વભાવમાં પર નિમિત્તનું કાંઈ કાર્ય છે જ નહિ જો વસ્તુની કોઈપણ પર્યાય નિમિત્તને લીધે થતી હોય તો તે વસ્તુમાં
તે પર્યાય થવાની તાકાત શું ન હતી? અનાદિ અનંત કાળની સર્વ પર્યાયોનું સામર્થ્ય તો વસ્તુમાં છે. અને જો વસ્તુમાં
જ અનાદિ અનંત પર્યાયનું સામર્થ્ય છે તો તેમાં બીજાએ શું કર્યું? અનાદિઅનંત પર્યાયોમાંથી એક પણ પર્યાય જો
પરને લીધે કે પરની મુખ્યતાને લીધે થઈ એમ માને તો તેમ માનનારે વસ્તુને સ્વીકારી નથી. નિમિત્તે કર્યું કઈ રીતે?
શું વસ્તુમાં તે પર્યાય ન હતી અને બહારથી નિમિત્તે આપી? જે વસ્તુમાં જે તાકાત ન હોય તે બીજાથી આપી શકાય
નહિ અને વસ્તુમાં જે તાકાત હોય તેને બીજાની અપેક્ષા કે મદદ ન હોય. આવો સ્વતંત્ર વસ્તુ સ્વભાવ સ્વીકાર્યા
વગર સ્વતંત્રદશા (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) કદાપિ પ્રગટશે નહિ.
વળી પૂર્વે દલીલમાં કહ્યું હતું કે–શું માણસ બે પગ વગર ચાલી શકે? જેનામાં ચાલવાની તે જાતની શક્તિ
હોય તે એક પગથી પણ ચાલી શકે છે. અંતર્દ્વીપના મનુષ્યોને એક પગ હોય છે અને તેઓ એક પગથી જ ચાલે છે;
તેમ આત્માના અંતર સ્વભાવની શક્તિથી નિર્મળદશા પ્રગટે છે, નિર્મળદશા પ્રગટ કરવામાં નિમિત્તનું કાંઈ કાર્ય તો
નથી પરંતુ નિમિત્ત પ્રત્યેનું લક્ષ પણ હોતું નથી. નિમિત્તનું લક્ષ છોડી દઈને એકલા સ્વભાવના લક્ષે નિર્મળદશા
પ્રગટે છે.
જડ વસ્તુઓમાં ‘ઉપયોગ’ નથી, તેની જે જે દશા થવા યોગ્ય હોય તે સ્વયં તેમનાથી થયા કરે છે, અને તેને
અનુકૂળ નિમિત્ત હોય જ છે. જડને સુખ–દુઃખ નથી. અહીં તો જીવનું પ્રયોજન છે; જીવમાં ‘ઉપયોગ’ છે તેથી તે
એકલો પોતાના ઉપયોગને સ્વ તરફ ફેરવી શકે છે. નિમિત્ત તરફથી ઉપયોગ ખસેડીને સ્વભાવ તરફ ઉપયોગ કરવા
માટે ઉપયોગ સ્વયં પોતાથી જ ફરી શકે છે. સ્વદ્રવ્ય અને અનેક પ્રકારના પરદ્રવ્યો એક સાથે હાજર છે, તેમાં પોતાના
ઉપયોગને પોતે જે તરફ વાળે તે તરફ વળી શકે છે, પર દ્રવ્યો હોવા છતાં તે બધાનું લક્ષ છોડીને ઉપયોગને સ્વદ્રવ્યમાં
વાળી શકે છે. આ ન્યાયમાં ઉપયોગની સ્વતંત્રતા બતાવી અને નિમિત્તાધીન દ્રષ્ટિને ઉડાડી દીધી.
એક બીજાનું કાંઈ કરે નહિ એવો વસ્તુનો સ્વભાવ જ છે–એમ હવે કહે છે–
સબૈં વસ્તુ અસહાય જહાં તહાં નિમિત્ત હૈ કૌન,
જ્યોં જહાજ પરવાહમેં તિરૈ સહજ વિન પૌન. ૬.
અર્થઃ– બધી વસ્તુઓ જ્યાં અસહાય છે તો પછી નિમિત્ત કોણ છે? જેમ પાણીના પ્રવાહમાં વહાણ પવન
વગર સહજ–પોતાના સ્વભાવથી તરે છે (તેમ વસ્તુઓ પરની સહાય વગર પોતાના સ્વભાવથી જ પરિણમે છે.)
આ દોહામાં વસ્તુસ્વભાવ વિશેષ સ્પષ્ટતાથી બતાવ્યો છે. ‘સબૈ વસ્તુ અસહાય’ એટલે બધી જ વસ્તુઓ
સ્વતંત્ર છે, એક વસ્તુની બીજી વસ્તુમાં નાસ્તિ છે તોપછી તેમાં નિમિત્ત પણ કોણ છે? પરમાર્થે તો એક વસ્તુને બીજી
વસ્તુ નિમિત્ત પણ નથી, એક વસ્તુમાં બીજી વસ્તુને નિમિત્ત કહેવું તે વ્યવહાર છે–ઉપચાર છે. વસ્તુ સ્વભાવ પરથી
છૂટો સ્વતઃ પરિપૂર્ણ છે, તે સ્વભાવ પરની અપેક્ષા રાખતો નથી અને તે સ્વભાવનું સાધન પણ અસહાય છે. નિમિત્ત
નિમિત્તમાં ભલે રહ્યું, પરંતુ ઉપાદાનના કાર્યમાં નિમિત્ત કોણ છે? વસ્તુના અનંત ગુણોમાં પણ એક ગુણ બીજા
ગુણથી અસહાય–સ્વતંત્ર છે તોપછી એક વસ્તુને બીજી ભિન્ન વસ્તુ સાથે તો કાંઈ સંબંધ નથી. અહીં સ્વભાવદ્રષ્ટિના
જોરે કહે છે કે એક વસ્તુમાં બીજી વસ્તુનું નિમિત્ત પણ કેવું? નિમિત્ત હોય છે તેનું જ્ઞાન ગૌણપણે છે પરંતુ દ્રષ્ટિમાં
નિમિત્તનું લક્ષ નથી.
જેમ પવનની હાજરી વગર વહાણ પાણીના પ્રવાહમાં તરે છે (આ દ્રષ્ટાંત સમજવું), તેમ આત્મા પર
નિમિત્તના લક્ષ વગર અને પુણ્ય–પાપના વિકાર રહિત, ઉપાદાનના લક્ષે સ્વભાવમાં ઠરી ગયો છે–તેમાં નિમિત્ત કોણ
છે? બહારમાં નિમિત્ત છે કે નહિ એનું લક્ષ નથી અને અંતરમાં શુક્લધ્યાનની શ્રેણીમાં ચડીને કેવળજ્ઞાન પામે છે.
એક ક્ષણમાં અનંત પુરુષાર્થ પ્રગટાવીને કેવળજ્ઞાન પ્રગટ કરે–એવો અસહાય વસ્તુ સ્વભાવ છે. આવા
આત્મસ્વભાવનું ભાન કરીને તેની રમણતામાં ઠર્યો ત્યાં બહારના નિમિત્તોની સહાય કે લક્ષ નથી. તેવી જ રીતે
વિકાર કરે તો તેમાં પણ નિમિત્તની સહાય નથી. ઉપાદાન પોતે પોતાની પર્યાયની લાયકાતથી વિકાર કરે છે. આખી
વસ્તુ અસહાય છે અને તેની દરેક પર્યાય પણ અસહાય છે.
અહો! જેણે આવો સ્વતંત્ર વસ્તુ સ્વભાવ પ્રતીતમાં લીધો તે પોતાની નિર્મળતા માટે કોના સામું જુએ?
આવી પ્રતીત થતાં કોઈ પર પ્રત્યે જોવાનું ન રહ્યું. એટલે એકલા સ્વ સ્વભાવની દ્રષ્ટિ અને એકાગ્રતાના જોરે
વિકારનો ક્ષય થઈને અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે.–૬–
કોઈ પૂછે કે–જો નિમિત્ત કાંઈ જ કરતું નથી અને નિમિત્ત તો આરોપ માત્ર છે, તો પછી શાસ્ત્રોમાં તો