Atmadharma magazine - Ank 046
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ચોથું
સળંગ અંક ૪૬
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છे ।।
વર્ષ ચોથુંદ્વિતીય શ્રાવણ
અંક દસ
સંપાદક
રામજી માણેકચંદ દોશી
વકીલર૪૭૩
જીવ અને કર્મ એકબીજાને કાંઈ નુકશાન કરે નહિ.
શ્રી અમિતગતિ આચાર્યકૃત યોગસાર (અર્થાત્ અધ્યાત્મતરંગિણી) ના નવમા અધિકારની
૪૯મી ગાથામાં (પા. ૧૮૬) કહ્યું છે કે–
न कर्म हंति जीवस्य न जीवः कर्मणो गुणान्।
वध्य घातक भावोऽस्ति नान्योन्यं जीव कर्मणोः।।४९।।
અર્થઃ–ન તો કર્મ જીવના ગુણોને નષ્ટ કરે છે, કે ન તો જીવ કર્મના ગુણોને નષ્ટ કરે છે;
તેથી જીવ અને કર્મનો એકબીજામાં વધ્ય–ઘાતક સંબંધ નથી.
ભાવાર્થઃ– ‘વધ્યાઘાતક ભાવ’ નામના વિરોધમાં વધ્યનો અર્થ મરનાર અને ઘાતકનો
અર્થ મારનાર થાય છે; આ વિરોધ સર્પ અને નોળીયામાં, પાણી અને અગ્નિમાં–વગેરેમાં દેખવામાં
આવે છે અર્થાત્ નોળીઓ સર્પને મારી નાખે છે તેથી સર્પ વધ્ય છે અને નોળીઓ ઘાતક છે એમ
કહેવાય છે તથા પાણી અગ્નિને બૂઝાવી દે છે તેથી અગ્નિ વધ્ય છે અને પાણી ઘાતક છે. પણ અહીં
જીવ અને કર્મમાં તેવા પ્રકારનો વિરોધ જોવામાં આવતો નથી, કેમ કે જો કર્મ જીવના ગુણોને નષ્ટ
કરતું હોત અથવા તો જીવ કર્મના ગુણોને નષ્ટ કરતો હોત તો તો જીવ અને કર્મમાં વધ્યઘાતકભાવ
નામનો વિરોધ હોત, પરંતુ એવું તો છે નહિ. તેથી જીવ અને કર્મમાં વધ્ય ઘાતક ભાવ નામનો
વિરોધ નથી. એટલે કે જીવના ગુણોને કર્મ હણી શકતું નથી અને કર્મને જીવ હણી શકતો નથી, બંને
સ્વતંત્ર છે.
* * * * * * *
વાર્ષિક લવાજમ૪૬છૂટક અંક
અઢી રૂપિયાશાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્રચાર આના
* આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા કાઠિયાવાડ *

PDF/HTML Page 3 of 21
single page version

background image
ઃ ૨૧૪ઃ આત્મધર્મઃ ૪૬
શ્રી જૈન શિક્ષણ વર્ગ– સોનગઢ
(ઉનાળાની રજાઓ દરમિયાન તા. ૪–પ–૪૭ વૈશાખ વદ ૧૪ થી તા. ૨૭–પ–૪૭ સુધી સોનગઢમાં શ્રી
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી જૈન દર્શન શિક્ષણ વર્ગ ખોલવામાં આવેલ હતો. તે વખતે ત્રણ વિભાગ કરવામાં
આવ્યા હતા. તેમાંથી વર્ગના પ્રશ્નોના ઉત્તર તથા વર્ગના બે પ્રશ્નોના ઉત્તર પ્રથમ શ્રાવણ માસના ખાસ અંકમાં
પ્રગટ થયેલ છે. બાકીના પ્રશ્નોના ઉત્તર અહીં આપવામાં આવે છે.)
ત્રીજા પ્રશ્નનો ઉત્તર–
(૧) જીવનું લક્ષણ જો કેવળજ્ઞાન માનીએ તો તે લક્ષણમાં અવ્યાપ્તિ નામનો દોષ આવે છે કેમકે કેવળજ્ઞાન
સર્વ જીવોમાં વ્યાપતું નથી. જીવનું લક્ષણ જો અરૂપીપણું માનીએ તો તે લક્ષણમાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે
કેમકે અરૂપીપણું જીવ સિવાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળદ્રવ્યમાં પણ વ્યાપે (–રહે) છે.
જીવનું લક્ષણ જો મૂર્તપણું માનીએ તો તે લક્ષણમાં અસંભવ નામનો દોષ આવે છે કેમકે જીવ ત્રિકાળ અમૂર્ત
છે, મૂર્ત કદી નથી.
(૨) જે શક્તિના નિમિત્તથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ ન પરિણમે અથવા
એક ગુણ બીજા ગુણરૂપ ન પરિણમે તથા એક દ્રવ્યના અનેક અથવા અનંત ગુણ વિખરાઈને જુદા જુદા ન થઈ જાય
તેને અગુરુલઘુત્વગુણ કહે છે. આ ગુણ જીવાદિ છયે દ્રવ્યોમાં હોય છે, તેથી તેને સામાન્યગુણ કહેવાય છે.
ઉચ્ચતા અને નીચતાના અભાવને અગુરુલઘુત્વ પ્રતિજીવી ગુણ કહે છે. આ ગુણ સર્વ જીવોમાં હોય છે પરંતુ
ગોત્રકર્મનો નાશ થવાથી તે સિદ્ધને શુદ્ધપણે પ્રગટ થાય છે. નીચેની દશામાં તે અશુદ્ધ હોય છે. આ અગુરુલઘુત્વ
પ્રતિજીવી ગુણ જીવ સિવાયના કોઈ દ્રવ્યોમાં હોતો નથી તેથી તેને વિશેષગુણ કહેવાય છે.
(૩) ક–મૂળ શરીર છોડયા વગર જીવના પ્રદેશોનું બહાર નીકળવું તેનું સમુદ્ઘાત કહે છે. ખ–બાહ્ય અને
આભ્યંતર ક્રિયાના નિરોધથી પ્રાદુર્ભૂત આત્માની શુદ્ધિવિશેષને ચારિત્ર કહે છે. ગ–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી
જે જ્ઞાન બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે છે, તેને મનઃપર્યયજ્ઞાન કહે છે. ઘ–ઘણા એક મળેલા
પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરનાર હેતુને લક્ષણ કહે છે. જેમકેઃ– જીવનું લક્ષણ ચેતના. ડ–સ્મૃતિ અને
પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકેઃ–આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો
હતો.
(૪) अज्ञान तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया।
चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः।।
અર્થઃ– જેઓએ, જ્ઞાનરૂપી અંજનસળી વડે અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થયેલા જીવોની આંખો ખુલ્લી કરી તે
આત્મલક્ષ્મીવંત ગુરુરાજને નમસ્કાર હો.
(પ) ક–ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળદ્રવ્યોને અનાદિઅનંત સ્વભાવવ્યંજન
પર્યાય હોય છે. ખ–કેવળજ્ઞાન તે જીવનો સ્વભાવ અર્થપર્યાય છે અને તે અરિહંત તથા સિદ્ધ ભગવાનને હોય છે.
ચોથા પ્રશ્નનો ઉત્તર–
(૧) ધારણા–તે જીવ દ્રવ્યના જ્ઞાનગુણની અપૂર્ણ પર્યાય છે. (૨) આત્મ પ્રદેશોનું ચંચળ થવું–તે જીવ
દ્રવ્યના યોગગુણનો વિકારી પર્યાય છે. (૩) સૂક્ષ્મત્વ–તે જીવ દ્રવ્યનો પ્રતિજીવીગુણ છે. (૪) ભાવેંદ્રિય–તે જીવ
દ્રવ્યના જ્ઞાનગુણની અપૂર્ણ પર્યાય છે. (પ) ખરબચડાપણું–તે પુદ્ગલદ્રવ્યના સ્પર્શગુણનો વિકારી પર્યાય છે.
(૬) કષાય–તે જીવ દ્રવ્યના ચારિત્ર ગુણનો વિકારી પર્યાય છે. (૭) જીવ–તે દ્રવ્ય છે અને તેનો વિશેષગુણ ચેતના
છે. (૮) પરિણમનહેતુત્વ–તે કાળદ્રવ્યનો વિશેષગુણ છે.
શ્રી જૈનદર્શન શિક્ષણ વર્ગ–પરીક્ષા
સવાર ૯–૧પ થી ૧૦–૩૦. વર્ગ . તા. ૨૮–પ–૪૭
(જૈન સિદ્ધાંત પ્રવેશિકા)
(૧) જીવ દ્રવ્ય કોને કહે છે? જીવ દ્રવ્ય કેટલાં અને ક્યાં છે? એક જીવ કેટલો મોટો છે? ૨પ
(૨) કાર્મણવર્ગણા એ કયું દ્રવ્ય છે? કાર્મણવર્ગણા અને કાર્મણશરીર એ બેમાં શો તફાવત છે?
(૩) શરીર, ભાષા અને મન એને તમે જડ કહેશો કે ચેતન? શા માટે?
(૪) દરેક દ્રવ્યને આકાર હોય છે અને દરેક દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય છે એમ દ્રવ્યના કયા
ગુણો બતાવે છે?
(પ) નીચેના શબ્દોના અર્થ સમજાવોઃ–
૧. કેવળજ્ઞાન ૨. અંતનું શરીર ૩. અર્થક્રિયા
(આત્મસિદ્ધિ) (૧) નીચેની લીટીઓનો ભાવાર્થ સમજાવો. ૧પ
૧. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં પરોક્ષ જિન ઉપકાર. ૨. રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ. ૩. જાતાં
સદ્ગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય.(વધુ માટે જુઓ પાનું ૨૩૧)

PDF/HTML Page 4 of 21
single page version

background image
દ્વિતીયશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૧પઃ
સમ્યગ્દર્શન ગુણ છે કે પર્યાય?
(૧) સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. એમાં સમ્યગ્દર્શન પણ મોક્ષમાર્ગ રૂપ છે.
મોક્ષમાર્ગ તે પર્યાય છે, પણ ગુણ નથી. કેમકે જો મોક્ષમાર્ગ તે ગુણ હોય તો તે બધા જીવોમાં અને સદાય રહેવો
જોઈએ. ગુણનો કદી નાશ ન થાય તેમ જ તેની કદી ઉત્પત્તિ ન થાય. મોક્ષમાર્ગ તે પર્યાય હોવાથી તેની ઉત્પત્તિ થાય
છે અને મોક્ષ દશા પ્રગટ થતાં તે મોક્ષમાર્ગનો વ્યય થઈ જાય છે.
(૨) ઘણા જીવો સમ્યગ્દર્શનને ત્રિકાળી ગુણ માને છે. પરંતુ સમ્યગ્દર્શન તો આત્માના ત્રિકાળી શ્રદ્ધા ગુણની
નિર્મળ પર્યાય છે, પણ સમ્યગ્દર્શન તે ગુણ નથી.
(૩) ગુણની વ્યાખ્યા તો એમ છે કે ‘જે દ્રવ્યના પુરા ભાગમાં અને તેની સર્વે હાલતોમાં વ્યાપે તે ગુણ છે.’
હવે જો સમ્યગ્દર્શન તે ગુણ હોય તો આત્માની બધી હાલતોમાં તે રહેવો જોઈએ. પરંતુ એ તો પ્રત્યક્ષ છે કે આત્માની
મિથ્યાત્વદશામાં સમ્યગ્દર્શન રહેતું નથી, તેથી તે ગુણ નથી પણ પર્યાય છે.
(૪) ગુણ હોય તે ત્રિકાળ હોય અને પર્યાય હોય તે નવી પ્રગટે. ગુણ નવો પ્રગટે નહિ પણ પર્યાય પ્રગટે.
સમ્યગ્દર્શન તો નવું પ્રગટે છે, તેથી તે ગુણ નથી પણ પર્યાય છે. પર્યાયનું લક્ષણ ઉત્પાદવ્યય છે, ગુણનું લક્ષણ ધ્રુવ છે.
(પ) જો સમ્યગ્દર્શન પોતે ગુણ હોય તો તે ગુણની પર્યાય શું? ‘શ્રદ્ધા’ નામનો ગુણ છે અને સમ્યગ્દર્શન
(અર્થાત્ સમ્યક્શ્રદ્ધા) તથા મિથ્યાદર્શન (અર્થાત્ મિથ્યાશ્રદ્ધા) એ બન્ને તેની પર્યાયો છે. સમ્યગ્દર્શન તે શુદ્ધ પર્યાય
છે, મિથ્યાદર્શન તે અશુદ્ધપર્યાય છે.
(૬) પ્રશ્નઃ– સમ્યગ્દર્શનને પર્યાય માનવાથી તેનું માહાત્મ્ય ઊડી જશે, કેમકે પર્યાય તો ક્ષણિક હોય છે. અને
પર્યાયદ્રષ્ટિને તો શાસ્ત્રમાં મિથ્યાત્વ કહ્યું છે?
ઉત્તરઃ– સમ્યગ્દર્શન પર્યાય માનવાથી કાંઈ તેનું માહાત્મ્ય ઊડી જતું નથી. કેવળજ્ઞાન પણ પર્યાય છે અને
સિદ્ધપણું એ પણ પર્યાય છે. પર્યાયને પર્યાય તરીકે જેમ છે તેમ જાણવાથી જ તેનું સાચું માહાત્મ્ય આવે છે. ભલે
સમ્યગ્દર્શન પર્યાય ક્ષણિક છે પણ તે સમ્યગ્દર્શનનું કાર્ય શું છે? સમ્યગ્દર્શનનું કાર્ય આખા ત્રિકાળી દ્રવ્યને
સ્વીકારવાનું છે અર્થાત્ સમ્યગ્દર્શન ત્રિકાળી દ્રવ્યની પ્રતીત કરે છે, અને તે પર્યાય ત્રિકાળી દ્રવ્ય સાથે એકાકાર થાય
છે, તેથી તેનું અપાર માહાત્મ્ય છે. આ રીતે સમ્યગ્દર્શનને પર્યાય માનવાથી તેનું માહાત્મ્ય ઊડી જતું નથી. કોઈ
વસ્તુના કાળ ઉપરથી તેનું માહાત્મ્ય નથી પણ તેના ભાવ ઉપરથી તેનું માહાત્મ્ય છે.
વળી, પર્યાય દ્રષ્ટિને શાસ્ત્રમાં મિથ્યાત્વ કહ્યું છે એ વાત સાચી જ છે; પરંતુ પર્યાયદ્રષ્ટિ એટલે શું તે સમજવું
પડશે. સમ્યગ્દર્શન તે પર્યાય છે અને પર્યાયનું પર્યાય તરીકે જ્ઞાન કરવું–એનું નામ કાંઈ પર્યાયદ્રષ્ટિ નથી. દ્રવ્યને દ્રવ્ય
તરીકે અને પર્યાયને પર્યાય તરીકે જાણવું તે તો સમ્યગ્જ્ઞાનનું કામ છે. પરંતુ પર્યાયને જ દ્રવ્ય માની લ્યે અર્થાત્ એક
પર્યાય જેટલું જ આખા દ્રવ્યને માની લ્યે તો તે પર્યાયના જ લક્ષે અટકી જાય પણ પર્યાયના લક્ષથી ખસીને દ્રવ્યનું
લક્ષ કરી શકે નહિ, એનું જ નામ પર્યાયદ્રષ્ટિ છે. અને સમ્યગ્દર્શનને પર્યાય તરીકે જાણવું અને શ્રદ્ધાગુણ તો આત્મા
સાથે ત્રિકાળ છે એમ દ્રવ્ય–ગુણને ત્રિકાળરૂપ જાણીને તેની પ્રતીત કરવી એનું નામ દ્રવ્યદ્રષ્ટિ છે અને એ જ
સમ્યગ્દર્શન છે.
(૭) વળી જે જીવ સમ્યગ્દર્શનને ગુણ માને તે જીવ સમ્યગ્દર્શન પ્રગટવાનો પુરુષાર્થ શા માટે કરે? કેમ કે
ગુણ તો ત્રિકાળ છે તેથી તે જીવ સમ્યગ્દર્શન પ્રગટવાનો પુરુષાર્થ કરે નહિ. તેથી તેને સમ્યગ્દર્શન કદી પ્રગટે નહિ અને
મિથ્યાત્વ કદી ટળે નહિ, પણ જો સમ્યગ્દર્શનને પર્યાય તરીકે જાણે તો તે પર્યાય નવી પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે. જે
પર્યાય હોય તે ત્રિકાળી ગુણના આશ્રયે હોય અને ગુણ દ્રવ્ય સાથે એકરૂપ હોય. એટલે સમ્યગ્દર્શન પર્યાય
શ્રદ્ધાગુણમાંથી પ્રગટે છે અને શ્રદ્ધા ગુણ આત્મા સાથે ત્રિકાળ છે, એમ ત્રિકાળ દ્રવ્યના લક્ષે સમ્યગ્દર્શનનો પુરુષાર્થ
પ્રગટે છે. જેણે સમ્યગ્દર્શનને ગુણ જ માની લીધો છે તેને કાંઈ પુરુષાર્થ કરવાનું રહેતું નથી. સમ્યગ્દર્શન તો નવી
પ્રગટતી નિર્મળ પર્યાય છે–એનો જેણે નકાર કર્યો તેણે ખરેખર પોતાની નિર્મળ પર્યાય પ્રગટવાના પુરુષાર્થનો જ
નકાર કર્યો છે.
(૮) શાસ્ત્રમાં પાંચ ભાવોનું વર્ણન કરતાં ઔપશમિક ક્ષાયિક અને ક્ષાયોપશમિક ભાવના ભેદમાં
સમ્યગ્દર્શનને ગણાવ્યું છે. એ ઔપશમિકાદિ ત્રણે ભાવો તે પર્યાયરૂપ છે, તો પછી સમ્યગ્દર્શન તે પણ પર્યાયરૂપ જ
છે. જો સમ્યગ્દર્શન ગુણ હોય તો ગુણને ઔપશમિક વગેરે અપેક્ષા લાગી શકે નહિ, તેથી ‘ઔપશમિક સમ્યગ્દર્શન’

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૨૧૬ઃ આત્મધર્મઃ ૪૬
ઇત્યાદિ ભેદ હોઈ શકે નહિ. પણ સમ્યગ્દર્શન તે ગુણ નથી પણ પર્યાય છે તેથી તેને ઔપશમિક ભાવ ઇત્યાદિ અપેક્ષા
લાગુ પડે છે.
(૯) શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે અભેદનયે સમ્યગ્દર્શનને જ આત્મા કહેવામાં આવે છે; તેનું કારણ એ છે કે ત્યાં
દ્રવ્ય–ગુણ–પર્યાયના ભેદનું લક્ષ અને વિકલ્પ છોડાવીને અભેદ દ્રવ્યનું લક્ષ કરાવવાનું પ્રયોજન છે. દ્રવ્યાર્થિકનયે
દ્રવ્ય–ગુણ–પર્યાયમાં ભેદ નથી, તેથી એ નયે તો દ્રવ્ય–ગુણ–પર્યાય એ ત્રણે દ્રવ્ય જ છે. પરંતુ જ્યારે પર્યાયાર્થિકનયે
દ્રવ્ય–ગુણ–પર્યાયનું જુદું જુદું સ્વરૂપ વિચારવું હોય ત્યારે તો, જે દ્રવ્ય છે તે ગુણ નથી, જે ગુણ છે તે પર્યાય નથી;
કારણ કે એ ત્રણેનું લક્ષણ ભિન્ન ભિન્ન છે–એમ સમજવું જોઈએ. દ્રવ્ય–ગુણ–પર્યાયના સ્વરૂપને જેમ છે તેમ જાણ્યા
પછી તેના ભેદનો વિકલ્પ તોડીને અભેદ આત્મસ્વભાવમાં ઢળતાં એકલું અભેદ દ્રવ્ય જ અનુભવમાં આવે છે–એમ
બતાવવા માટે શાસ્ત્રમાં દ્રવ્ય–ગુણ–પર્યાયને અભેદ વર્ણવે છે. પરંતુ તેથી એમ ન સમજવું કે સમ્યગ્દર્શન તે ત્રિકાળી
દ્રવ્ય કે ગુણ છે; પરંતુ સમ્યગ્દર્શન તો પર્યાય જ છે એમ સમજવું.
(૧૦) વળી સમ્યગ્દર્શનને કેટલીક વાર ‘ગુણ’ કહેવામાં આવે છે. વાસ્તવિકપણે તો તે શ્રદ્ધાગુણની નિર્મળ
પર્યાય છે; પણ જેમ ગુણ ત્રિકાળ નિર્મળ છે તેમ તેની વર્તમાન પર્યાય પણ નિર્મળ થઈ ગઈ હોવાથી– અર્થાત્ નિર્મળ
પર્યાય ગુણ સાથે અભેદ થતી હોવાથી અભેદનયે તે પર્યાયને પણ ગુણ કહેવામાં આવે છે.
(૧૧) શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે પ્રવચનસારમાં ચારિત્રાધિકારની ૪૨ મી ગાથાની ટીકામાં સમ્યગ્દર્શનને
૩૮)
(૧૨) સમ્યગ્દર્શન તે શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે એ ઉપર જણાવી દીધું છે; એ ‘શ્રદ્ધા’ ગુણને
‘સમ્યકત્વ ગુણ’ એ નામથી પણ ઓળખવામાં આવે છે. તેથી પંચાધ્યાયી અ. ર ગા. ૯૪પ સમ્યકત્વને ત્રિકાળી ગુણ
કહ્યો છે, ત્યાં સમ્યક્ત્વ ગુણને શ્રદ્ધા ગુણ જ સમજવો. એ રીતે સમ્યક્ત્વને ગુણ જાણવો. એ સમ્યક્ત્વ ગુણની નિર્મળ
પર્યાય તે સમ્યગ્દર્શન છે. કોઈ વાર સમ્યગ્દર્શન પર્યાયને પણ ‘સમ્યક્ત્વ’ કહેવામાં આવે છે.
(૧૩) સમ્યક્ત્વ (અર્થાત્ શ્રદ્ધા) ગુણની બે પ્રકારની પર્યાયો છે–એક સમ્યગ્દર્શન, બીજી મિથ્યાદર્શન.
જીવોને અનાદિથી સમ્યક્ત્વગુણની પર્યાય મિથ્યાત્વરૂપ હોય છે. પોતાના પુરુષાર્થ વડે ભવ્ય જીવો તે મિથ્યાત્વ પર્યાય
ટાળીને સમ્યક્ત્વ પર્યાય પ્રગટ કરી શકે છે. સમ્યગ્દર્શન પર્યાય પ્રગટ થતાં, ગુણ–પર્યાયની અભેદ વિવક્ષાથી
‘સમ્યક્ત્વ ગુણ પ્રગટયો’ એમ પણ કહેવાય છે. જેવા શુદ્ધ ત્રિકાળી ગુણો છે તેવી જ શુદ્ધપર્યાયો સિદ્ધદશામાં પ્રગટ
હોય છે, એથી સિદ્ધ ભગવાનને સમ્યક્ત્વ વગેરે આઠ ગુણો હોય છે–એમ કહેવાય છે; દ્રવ્ય–ગુણ–પર્યાયની ભેદ
દ્રષ્ટિથી જોતાં ખરેખર તે સમ્યક્ત્વાદિ આઠ ગુણો નથી પણ પર્યાયો છે–એમ સમજવું.
(૧૪) શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય તે સમ્યગ્દર્શન છે–એ વ્યાખ્યા ગુણ અને પર્યાયના સ્વરૂપનો ભેદ
સમજવા માટે છે. ગુણ ત્રિકાળી શક્તિરૂપ હોય છે અને પર્યાય દરેક સમયે સમયે વ્યક્તિરૂપ હોય છે. ગુણથી કાર્ય
થતું નથી પણ પર્યાયથી કાર્ય થાય છે. પર્યાય સમયે સમયે બદલાય છે તેથી દરેક સમયે નવી પર્યાયનો ઉત્પાદ અને
જુની પર્યાયનો વ્યય થયા જ કરે છે. શ્રદ્ધાગુણની ક્ષાયિકપર્યાય (–ક્ષાયિકસમ્યગ્દર્શન) પ્રગટે ત્યારથી તે અનંતકાળ
સુધી એવી જ રહે છે તોપણ સમયે સમયે નવી પર્યાયનો ઉત્પાદ અને જુની પર્યાયનો વ્યય થયા જ કરે છે. એ પ્રમાણે
સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણની એક જ સમય પુરતી નિર્મળ પર્યાય છે.
(૧પ) શ્રીઉમાસ્વામી આચાર્યદેવે તત્ત્વાર્થસૂત્રના પહેલા અધ્યાયના બીજા સૂત્રમાં ‘तत्त्वार्थ श्रद्धानं
सम्यग्दर्शनम्’ એમ કહ્યું છે, તેમાં ‘શ્રદ્ધાન્’ તે શ્રદ્ધાગુણની પર્યાય છે. એ રીતે સમ્યગ્દર્શનપર્યાયને અભેદનયથી
‘શ્રદ્ધા’ પણ કહેવામાં આવે છે.
વળી શ્રી સમયસારજીની ૧પપમી ગાથામાં ‘जीवादि श्रद्धानं सम्यक्त्व
’ એમ શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે,
ત્યાં પણ ‘શ્રદ્ધાન’ તે શ્રદ્ધાગુણની પર્યાય છે–એમ સમજવું.
(૧૬) ઉપર પ્રમાણે સિદ્ધ થયું કે–સમ્યગ્દર્શન તો શ્રદ્ધાગુણની (–સમ્યક્ત્વ ગુણની) એક સમય પૂરતી પર્યાય
છે.
* * * * * *

PDF/HTML Page 6 of 21
single page version

background image
દ્વિતીયશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૧૭ઃ
શ્રીમદ્ રાજચંદ્ર
(શ્રી જૈનદર્શન શિક્ષણ વર્ગ વખતે “શ્રીમદ્ રાજચંદ્ર” એ વિષય ઉપર
નિબંધ લખાવવામાં આવ્યો હતો, તેમાં ૧૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સૌથી શ્રેષ્ઠ નિબંધ રજનીકાન્ત ધીરજલાલ શાહ (રાજકોટ) નો હતો. તે નિબંધ
અહીં આપવામાં આવે છે.)
ભૂમિકા
શ્રીમદ્ જેવા મહાપુરુષ કે જેમણે ગુજરાત તથા કાઠિયાવાડમાં લુપ્તપ્રાયઃ
થયેલ જૈનધર્મને એટલે કે સનાતન વસ્તુ સ્વભાવને સ્વાનુભવ તથા
આગમગર્ભિત યુક્તિ વડે પ્રસિદ્ધિમાં આણ્યો, અને અધ્યાત્મજ્ઞાની તરીકે–યુગ–
પ્રધાન પુરુષ તરીકે સારાયે હિંદમાં આગળ આવ્યા; એવા મહાપુરુષનું
જીવનચિત્ર આલેખતા પહેલાં બે શબ્દો કહેવા ઇચ્છા રાખું છું–
જ્ઞાનીની મહત્તા કઈ રીતે?
“જ્ઞાનીની મહત્તા તેમના પુણ્યપ્રભાવથી યા માતાપિતાથી હોતી નથી, પરંતુ તેમની મહત્તા તો તેમના જ્ઞાનથી
જ હોઈ શકે. અર્થાત્ વીતરાગ વિશેષજ્ઞાનથી જ જ્ઞાનની મહત્તા હોય છે.– એવો જૈનદર્શનનો અભિપ્રાય છે. આટલી
વાત ધ્યાનમાં રાખી ચિત્ર આલેખન શરૂ કરું છું.
શ્રીમદ્ના જન્મ વખતે જૈન સમાજની પરિસ્થિતિ
જૈનધર્મ તદ્ન લુપ્તપ્રાયઃ થઈ ગયો હતો, જૈનને નામે અનેક વાડા ઉત્પન્ન થયા હતા, વાડાના સાધુઓના
બાહ્ય આચરણમાં મોટા ભગંદર ઊભા થયા હતા અને જૈનદર્શન એટલે કે સનાતન વસ્તુસ્વભાવની ઓળખાણનું
અસ્તિત્વ ક્યાંય દેખાતું ન હતું. આવા નિકૃષ્ઠ સમયમાં સં. ૧૯૨૪ના કાર્તિક સુદી પૂર્ણિમા ને રવિવારે કાઠિયાવાડમાં
આવેલા વવાણિયા નામના સુંદર અને રમણીય નાના બંદરે મહેતા રવજીભાઈ પચાણભાઈના ઘેર શ્રીમદે જન્મ
લીધો, તેમની માતાનું નામ દેવબાઈ હતું. શ્રીમદ્ના પિતામહ શ્રીકૃષ્ણના ભક્ત હતાં. કુટુંબરૂપી આ સરિતામાં
ભક્તિરૂપી જળપ્રવાહ નિરંતર વહ્યા કરતો હતો. શ્રીમદ્ના માતુશ્રી ઉત્તમ જૈન સંસ્કારના ભંડાર હતા.
બાળપણ અને સ્મરણ શક્તિ
શ્રીમદે બાળપણના સાત વર્ષ સુધી અનેક બાળપણના આનંદો અનુભવ્યા, એકાન્ત રમતગમતો સેવી.
રાજરાજેશ્વરની પદવી મેળવવાની, સ્વચ્છ કપડાં પહેરવાની તથા ખાવા પીવા વગેરેની અનેક વિવિધ આકાંક્ષાઓ
અનુભવી. સાતમા વર્ષે તેમણે અભ્યાસમાં પ્રયાણ કર્યું. તેમની સ્મરણશક્તિ એટલી બધી તીવ્ર હતી કે એક વાર પાઠ
વાંચતા તે યાદ રહી જતો હતો. બાળ–રાયચંદની આટલી અદ્ભુત શક્તિથી તે વિદ્યાર્થીઓમાં પંકાવા લાગ્યા. બે
વર્ષમાં તો તેમણે સાતે ગુજરાતી ચોપડીનો અભ્યાસ પૂરો કર્યો. આ એક તેમની અદ્ભુત સ્મરણશક્તિ તથા પૂર્વ
જન્મ સંસ્કારનું કારણ હતું આ તેમની સ્મરણ શક્તિ અને અભ્યાસની ઝડપ લોકોમાં પણ પ્રસિદ્ધ પામી.
સો અવધાન
શ્રીમદ્ બાર વર્ષની ઉંમરે અવધાન કરતા હતા, આઠથી માંડીને સો અવધાનો તેમણે કર્યા હતા અને મોટા
મોટા ઇનામો મેળવ્યાં હતાં. તેમને જ્ઞાનનો કેટલો ઉઘાડ હતો તે કહી શકાતો નથી.
શ્રીમદ્ની મહત્તા શેનાથી છે?
શ્રીમદ્ની મહત્તા કેવળ આવા જ જ્ઞાનથી નથી. આવું જ્ઞાન તો આ જીવ અનંતવાર પામ્યો, પણ તેનાથી તેની
મુક્તિ થઈ નહિ. અરે, આથી પણ અધિક એવું વિભંગ અવધિજ્ઞાન તો અભવી મિથ્યાદ્રષ્ટિને પણ હોય છે; પણ
આત્માના ભાન વિના તે શૂન્ય છે. પૂજ્ય સદ્ગુરુદેવના ઉદ્ગારોમાં કહીએ તો તે કોરે કાગળે મીંડા છે. તેનાથી
આત્માનું કલ્યાણ થતું નથી.

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૨૧૮ઃ આત્મધર્મઃ ૪૬
શ્રીમદ્ને ફક્ત આટલું જ્ઞાન જ હતું એમ નથી, પણ તેમનામાં ભાવે વૈરાગ્યમય જીવન, જૈનધર્મ પ્રત્યેનું
શ્રદ્ધાન, આત્મજ્ઞાન તથા સમ્યગ્દર્શન પણ હતું અને તેથી જ તેઓ તે વખતનાં અધ્યાત્મજ્ઞાની તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
ઉત્કટ વૈરાગ્યભાવના
તેમનો વૈરાગ્ય એટલો બધો હતો કે જેની હદ ન હતી. તેમના લખાણમાં જ્યાં જુઓ ત્યાં વૈરાગ્યના
ભણકારા દેખાય છે. તેઓ લખે છે કે–વૈરાગ્ય તે જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. વળી તેઓ લખે
છે કે–આત્મારૂપી વસ્ત્રને ચારિત્રરૂપ પત્થર ઉપર જિનવચનરૂપ સાબુ વડે ધોવા માટે જો વૈરાગ્યરૂપી જળ નથી તો
બધું નકામું છે. પૂ. સદ્ગુરુદેવે પણ વૈશાખ વદ છઠ્ઠ–આઠમના ઉત્સવ પહેલા વ્યાખ્યાનમાં તેમના ભાવે વૈરાગ્યમય
જીવનનો પ્રવાહ વહેવરાવ્યો હતો, અને તે માત્ર ‘અપૂર્વ અવસર’ ની બે જ લીટી ઉપર કે–‘સર્વ ભાવથી ઔદાસીન્ય
વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો.’ એવા ઉત્કૃષ્ટ તેમના વૈરાગ્યભાવ હતા.
તેમની રચનાઓ
તેમના જ્ઞાનનો ઉઘાડ તેમણે રચેલા મોક્ષમાળા ગ્રંથમાં દેખાઈ આવે છે. જે જીવ આ ગ્રંથ મનનપૂર્વક વાંચે છે
તેના આત્મતાર આ જિનવચનથી ઝણઝણી ઊઠે છે. તેમની સ્વતંત્રકૃતિમાં આ પહેલું શાસ્ત્ર હતું. તે તેમણે સોળ
વર્ષની વયે રચ્યું હતું. તેમનો મુખ્ય ઉપદેશ, હાલના બાળકો તથા યુવાનો જે અવિવેકી વિદ્યા લઈ આત્મસિદ્ધિથી ભ્રષ્ટ
થતા હતા તેનાથી તેમને રોકવાનો હતો. તેમાં પ્રથમ તો વિનય અને વિવેક ઉપર ભાર મૂકયો છે. આત્મજ્ઞાની પ્રત્યેનો
વિનય અને સત્ અસત્ વચ્ચેનો વિવેક તે જ ધર્મનું મૂળ છે એમ તેમાં કહ્યું છે, અને પછી શ્રેણિક રાજા, સનતકુમાર,
સુકુમાર મુનિ વગેરેના દાખલા આપી, આત્માની સિદ્ધિ કરવા માટે જીવે શું શું ઉપાય કરવા તે કહ્યું છે. વળી તેમાં
‘બહુ પુણ્યકેરા પૂંજથી’ કાવ્ય પણ અલૌકિક છે. તેની ‘હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરૂં?–’ એ
કડી ઉપર જે ઊંડા વિચારમાં ઉતરે તેનું હૃદયપટ ઊઘડી જાય અને નિરંતર જ્ઞાન–વૈરાગ્યની ધારા વહેવા લાગે.
અદ્ભુત ગ્રંથની રચના તેમણે સદ્ગુરુના સંયોગ વગર કરી, તે એમ બતાવે છે કે તેમનામાં પૂર્વજન્મ સંસ્કાર
ઘણા ઊચ્ચ હતા. મોક્ષમાળા પ્રસિદ્ધ થયા પહેલાં તેમણે ‘ભાવના બોધ’ નામનું એક પુસ્તક બહાર પાડયું હતું અને
મોક્ષમાળાના દરેક ગ્રાહકને તે ઉપહાર તરીકે આપ્યું હતું. ભાવનાબોધમાં તેમણે બાર ભાવનાનું સ્વરૂપ યથાર્થ પ્રગટ
કર્યું હતું. ત્યાર પછી ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ તેમણે સં. ૧૯પ૨માં નડિયાદમાં રચ્યું હતું. તે ગદ્યમાં હતું તેને થોડા
વખતમાં જ પદ્યમાં રચી નાખ્યું હતું. આ તેમના સમ્યગ્જ્ઞાનના ઉઘાડનો તથા કવિત્વ શક્તિનો પૂરાવો છે.
આત્મસિદ્ધિશાસ્ત્રમાં અનંતકાળના દુઃખનું કારણ, વર્તમાનના શૂષ્કજ્ઞાનીઓ તથા મોક્ષમાર્ગની સ્થિતિ,
સદ્ગુરુના સમાગમથી થતો લાભ, સદ્ગુરુના લક્ષણો, જીવનો સ્વછંદ તથા તે ત્યાગવાનો ઉપાય, મતાર્થિનાં લક્ષણો,
આત્માર્થિનાં લક્ષણો અને ‘આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ, છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ’
એ કડી દ્વારા આત્માના છ પદ અને ગુરુ શિષ્યના સંવાદ દ્વારા તેનું વિવેચન ઘણી જ ઉત્તમ શૈલિમાં કર્યું છે.
ઊંડું તત્ત્વજ્ઞાન
તેમની તત્ત્વશ્રદ્ધા ઘણી અગાધ હતી. જ્યારે તેમને ગાંધીજીએ આફ્રિકાથી પત્ર લખ્યો ત્યારે તેના જવાબનાં
લખ્યું હતું કે ‘આત્મા છે, તે નિત્ય છે, પોતાના કર્મનો કર્તા છે, તેનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ
અવશ્ય છે’ અને તેની સચોટતા તત્ત્વજ્ઞાનદ્વારા કરાવી હતી. વળી તેઓ જૈનદર્શન નિરૂપણ કરતાં લખે છે કે–
‘परिणामी पदार्थ निरंतर स्वाकार परिणामी होय तोपण अव्यवस्थित परिणामीपणुं।’ આ વાક્ય તેમનું ઊંડું
તત્ત્વજ્ઞાન તથા અધ્યાત્મરસિકપણું જણાવે છે.
જૈનદર્શન પ્રત્યેનું તેમનું અચલ શ્રદ્ધાન હતું. તેઓ લખે છે કે ‘જૈન જેવું એકે પવિત્ર દર્શન નથી. વીતરાગ
જેવા દેવ નથી. અનંત સુખની પ્રાપ્તિ કરવી હોય તો સર્વજ્ઞરૂપી કલ્પવૃક્ષને સેવો.’
જૈન એટલે સનાતન વસ્તુ સ્વભાવ છે, એ જાણ્યા વિના એટલે કે જૈન દર્શનની પ્રતીતિ કર્યા વિના જીવનો
મોક્ષ ત્રણકાળમાં નથી–એમ શ્રીમદ્ પોકાર કરી ગયા છે.
સદ્ગુરુના વિનય સંબંધી શ્રીમદ્ લખે છે કે આ ક્ષણભંગુર વિશ્વથી આ જીવને મુક્તિ મેળવવી હોય તો તે
માત્ર સદ્ગુરુના સમાગમથી જ મળી શકે છે. જેણે એકવાર પણ સદ્ગુરુના વચનોનું શ્રવણ નથી કર્યું તે પોતાની મેળે
કદી મોક્ષે જવાનો નથી.
ગૃહસ્થપણામાં અપૂર્વ અવસરની ભાવના
તેમણે એકવીસ વર્ષની વયે ગૃહસ્થઅવસ્થામાં પ્રયાણ કર્યું. તેમના લગ્ન શ્રી ઝબકબાઈ સાથે થયા હતા.
આવી અવસ્થા હોવા છતાં તેમનું ભાવે વૈરાગ્યપણું તો ક્ષણે ક્ષણે દેખાતું હતું, ‘અપૂર્વ અવસર એવો ક્યારે

PDF/HTML Page 8 of 21
single page version

background image
દ્વિતીયશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૧૯ઃ
આવશે’ એ કાવ્ય રચીને તેમણે પોતાની ભાવના વ્યક્ત કરી છે. સવારે માતાના ખાટલા ઉપર બેઠાં બેઠાં તેમણે એ
કાવ્ય રચી નાખ્યું હતું. આ કાવ્ય ગુણસ્થાનક્રમ આરોહણ છે; જેમ મહેલ ઉપર ચઢવા માટે પગથિયાં હોય છે તેમ
મોક્ષમહેલમાં ચઢવા માટે ચૌદ પગથિયાં છે, તેનું તેમાં વર્ણન છે. એ કાવ્યમાં શ્રીમદે બાહ્ય–અભ્યંતર નિર્ગ્રંથ
મુનિદશાનું અપૂર્વ અવસરની ભાવનાથી મંગળિક કર્યું છે, અને સંયમ (–મુનિ અવસ્થા) ની ઊગ્ર ભાવના ભાવીને
છેક મોક્ષમાં પહોંચી જવા સુધીની ભાવના ભાવી છે. અને છેલ્લી કડીમાં તેઓ લખે છે કે ‘પ્રભુ આજ્ઞાએ થાશું તે જ
સ્વરૂપ જો...’ તેમને પોતાની ભાવનામાં અચલ શ્રદ્ધા છે અને તેથી પડકાર કરે છે કે આપણે તે સ્વરૂપને પામશું જ.
સમ્યગ્દર્શન
આ તો વૈરાગ્ય તથા તેમની કૃતિઓની વાત થઈ; હવે તેમના જીવનની મુખ્ય વસ્તુ આવે છે, તે મુખ્ય વસ્તુ
એટલે સમ્યગ્દર્શન. એના વિના બધું ખાલી જાણવા માત્ર હતું.
સં. ૧૯૪૭માં ત્રેવીસ વર્ષની ઉંમરે તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. આ અપૂર્વ અવસર પ્રસંગે તેમણે ‘ધન્ય
રે દિવસ આ અહો’ એ કાવ્ય રચી કાઢયું હતું અને તેમાં ‘સમક્તિ શુદ્ધ પ્રકાશ્યું રે’ ઇત્યાદિ કહીને પોતાની આત્મદશા
જણાવી હતી. આવા અપૂર્વપદને પામીને તેઓ તેનું માહાત્મ્ય ગાતાં લખે છે કે– ‘અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું
તે જ્ઞાનને એક સમયમાં જાતિ અંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું એવા સૌમ્યમૂર્તિ હે સમ્યગ્દર્શન! તને અમારા
નમસ્કાર હો, નમસ્કાર હો.
સત્શાસ્ત્ર અને સદ્ગુરુ પ્રત્યેનું તેમનું બહુમાન
જ્યારે તેમને સમયસાર પુસ્તક મળ્‌યું ત્યારે તેના લાવનાર માણસને ખોબો ભરીને રૂપિયા ભેટ આપ્યા,
આથી તેમને સત્શાસ્ત્રનો કેટલો મહિમા હતો તે જણાઈ આવે છે. તેમને સત્શાસ્ત્રનો વિનય તથા વાંચન એટલું બધું
હતું કે તે સમયે પ્રાપ્ત લગભગ બધાં જૈનશાસ્ત્રોનો અભ્યાસ તેમણે કર્યો હતો, બીજા ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો
હતો અને જૈનતત્ત્વથી તે કેવી રીતે જુદાં પડે છે તેની તૂલના કરી હતી. વળી જ્યારે તેમણે આખું સમયસાર વાંચ્યુ
ત્યારે તેનો મહિમા ગાતાં લખે છે કે–‘હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને
પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.’ આ પ્રમાણે તેમનો વિનયભાવ
ઉત્તમ હતો. તેમણે રચેલ ઉપદેશછાયામાં ઉપદેશ આપતાં ૧૦૮ વાક્યો જણાવ્યાં છે. તેમણે મુમુક્ષુઓને પત્રો દ્વારા પણ
ઘણો ઉપદેશ આપ્યો હતો. તેમને મોક્ષદશા પ્રાપ્ત કરવાની તાલાવેલી અતિશય હતી.
અંતિમ સ્થિતિ
તેઓ એકવાર રાજકોટ આવ્યાં; તેમની શરીર પ્રકૃતિ હવે બગડતી જતી હતી. હવે આ દેહ ટકે તેમ નથી–
એમ જાણતાં તેઓએ પત્રોમાં તે સંબંધી લખ્યું છે. હવે મૃત્યુકાળ નજીક આવ્યો છે એમ જાણીને સં. ૧૯પ૭ના ચૈત્ર
વદ પ ને મંગળવારે તેમના ભાઈ શ્રી મનસુખલાલભાઈને અંતિમ વચનો કહ્યાં કે મનસુખ! હવે હું મારામાં લીન
થાઊં છું; શોક કરીશ નહિ. એમ કહી પોતે સમાધિષ્ઠ થયા અને બપોરના બે વાગે તેમનો જીવ દેહ છોડીને સદ્ગતિમાં
ચાલ્યો ગયો...
દેહ છોડતાં પહેલાં તેઓ મુમુક્ષુઓને એક ‘અંતિમ સંદેશો’ કાવ્ય દ્વારા આપી ગયા હતા. કાવ્ય ઘણું સુંદર છે.
તેમના અંતિમ વચનો એ હતા કે ‘ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો; ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું,
માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચીત
ઉદયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.’
આ રીતે, એક રત્નની સાથે પણ ન સરખાવી શકાય તેવો એ અનુપમ દીવો વિલય પામ્યો...આવા
મહાપુરુષના વિયોગથી તેમના સમ્યગ્જ્ઞાનના વારસદાર મુમુક્ષુઓને ઘણો જ શોક થયો...* * * * *
(આ નિબંધોમાં મુંબઈના બીપીનચંદ્ર લાભશંકર મહેતાએ લખેલ નિબંધ બીજા નંબરે હતો; તે નિબંધમાંથી
કેટલોક ભાગ અહીં આપવામાં આવે છે.)
સદ્ગુરુ માહાત્મ્ય
સંસારને તેમણે સાગર, અંધકાર અગ્નિ અને શકટચક્રની ઊપમા આપેલ છે, સંસાર અનંત છે, તે સર્વનો
ભક્ષ કરે છે અને મોહરૂપી ઇંધન વડે તે વૃદ્ધિ પામે છે; તેને તરવા તેઓશ્રી કહે છે કે ઉપયોગ કરો! ઉપયોગ કરો?
સંસારરૂપી ચક્ર મિથ્યાત્વરૂપી ધરી વડે ચાલી રહ્યું છે. તે માટે સત્સંગ જરૂરી છે. સત્સંગ એ જ અનંત સુખનું કારણ છે
એ જ પરમ હિતસ્વી ઔષધ છે. તે માટે એ સંતપુરુષે કહેલ છે કે–

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૨૨૦ઃ આત્મધર્મઃ ૪૬
અહો! શ્રી સત્પુરુષ કે વચનામૃતં જગહિતકરં
મૂદ્રા અરૂ સત્સમાગમ સૂતી ચેતના જાગૃત કરં
ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શનમાત્ર સે નિર્દોષ હૈ
અપૂર્વ સ્વભાવ કે પ્રેરક સકલ સદ્ગુણ કોષ હૈ.
સદ્ગુરુનો મહિમા વર્ણવતાં તેઓ કહે છે કે–‘હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને
વિષે આ પામરને પરમ ઉપકાર ભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.’
‘આત્મસિદ્ધિ’ માં ‘અહો! અહો! શ્રી સદ્ગુરુ...’ ઇત્યાદિ અનેક ગાથાઓમાં તેમણે શ્રી સદ્ગુરુનું માહાત્મ્ય
ગાયું છે. સદ્ગુરુનો ઉપકાર વર્ણવતાં તેમનું હૈયું ભક્તિથી, માહાત્મ્યથી, પ્રમોદથી ઉભરાઈ જાય છે. તેઓએ જણાવ્યું
છે કે–પોતાના સ્વછંદ અને મત છોડીને જે સદ્ગુરુ શરણમાં જાય છે તે આત્મજ્ઞાન પામે છે; અને સદ્ગુરુનો ઉપકાર
તો જિનપ્રભુ કરતાં પણ વધારે મહિમાવંત છે, કેમ કે જેમ દૂર રહેલ ક્ષીરસમુદ્ર અત્રેના તૃષાતૂરની તૃષા ન છીપાવે
પણ મીઠા પાણીનો કળશો તૃષા છીપાવે તેમ પ્રત્યક્ષ સદ્ગુરુ સંબંધમાં પણ સમજવું.
તેમની ઉચ્ચ ભાવના
શ્રીમદ્ રાજચંદ્રજીએ ‘અપૂર્વ અવસર’ માં પૂર્ણતાની ભાવના ભાવી છે. તેમની વૈરાગ્ય ભાવનાના ઉચ્ચ
આશયો વૈરાગ્યમાં તરબોળ કરી દે તેવા છે. તેઓશ્રી ભાવના ભાવે છે કે ક્યારે અમે સંબંધોના બંધનને છેદીને
સત્પુરુષોના પંથે ચાલીશું! ક્યારે બાહ્યમાં લોક પ્રત્યે અને અંતરંગમાં શુભાશુભભાવો પ્રત્યે ઉદાસીન થઈને અનન્ય
એવા આત્માને સર્વ પ્રકારે ગ્રહણ કરશું?
મહાપુરુષની અંતરદશા
માન–અપમાન, જીવન–મરણ, ભવ–મોક્ષ વગેરે માટે તેમને ચૈતન્યને અનુસરીને સમભાવ વર્તતો હતો.
જ્ઞાનમાં જ્ઞાનપણે સ્થિર રહી સર્વ પદાર્થોને જ્ઞેયપણે જાણવા તે જ ખરો સમભાવ છે. જ્ઞાન તે જ કે જે હર્ષ–શોક વખતે
હાજર થાય. જ્ઞાનીઓ હર્ષ શોકમાં એકાકાર થતા નથી. તેઓશ્રી કહે છે કે–શુદ્ધ જ્ઞાનને આશ્રયે જ નિરાબાધ સુખ
રહેલું છે. તે મહાપુરુષ કરુણા કરી કહે છે કે–શુદ્ધ અને નિર્દોષ એવા ચૈતન્ય તત્ત્વને પર પદાર્થોમાં નહિ મૂંઝવતાં તેને
નિર્દોષ અને અપૂર્વ સુખ લૂંટવા દો. વિનય અને વિવેક એ જ ધર્મના મૂળ હેતુઓ છે. વિવેક એટલે ભેદજ્ઞાન જેમ
વડીલ પાસે આપણે ખરાબ આચરણ આચરતા નથી તેમ આત્મા પાસે પણ શુભાશુભને બદલે શુદ્ધ પરિણમવું એ જ
યથાર્થતા છે. તેમને નિશ્ચય આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયેલ અને તેનો મહિમા એક જ વાક્યમાં તેઓ અપૂર્વ રીતે વર્ણવે
છે કે–અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે
કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર હો.
તેમણે કરેલું જિનમાર્ગનું વર્ણન
તેઓએ જિનમાર્ગનું સ્વરૂપ એક જ કડીમાં કહ્યું છે કે–
જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ,
કોઈ કોઈ પલટે નહિ છોડી આપ સ્વભાવ.
આમાં તેમણે જગત માત્રના જડ–ચેતન્ પદાર્થોને સ્વતંત્ર કહ્યા છે. સ્વતંત્રતા એ જ યથાર્થતા, યથાર્થતા એ
જ વીતરાગતા અને વીતરાગતા એ જ મુક્તિનું કારણ છે. વળી તેઓએ કહ્યું છે કે–
આ ભવ વણભવ છે નહિ એ જ તર્ક અનુકૂળ,
વિચારતાં પામી ગયા આત્મધર્મનું મૂળ.
આ કડીમાં તેમણે આત્મા ત્રિકાળ છે એમ બતાવ્યું, અને તે દ્રવ્યદ્રષ્ટિ થઈ, અને એ જ યથાર્થ દ્રષ્ટિ છે, અને
તે ઉપર વિચારતાં આત્મસાક્ષાત્કાર થાય છે. કારણ કે દ્રવ્યદ્રષ્ટિમાં ભવ કે ભવનો ભાવ હોતો નથી.
સમાધિમરણ અને અંતરંગદશા
સં. ૧૯પ૭ના ચૈત્ર વદ પ ને મંગળવારે તે મહાપુરુષનું રાજકોટ ખાતે સમાધિમરણ થયું. તેમને પોતા માટે
એટલી નિઃશંકતા વર્તતી હતી કે તેઓશ્રીએ કહ્યું હતું કે–‘દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.’ તેઓ ગૃહવાસી
છતાં વનવાસી, ભોગી છતાં ત્યાગી અને અપૂર્ણ છતાં પૂર્ણ હતાં. શી તેમની અંતરની ઊજ્જવળતા, હૃદયની
એકાગ્રતા, ચારિત્રની શુદ્ધતા અને આત્માની એકાગ્રતા! તેમની ભવ્ય અને વૈરાગ્યથી અંકિત મૂદ્રાવાળું ચિત્ર
‘સુવર્ણના પ્રવચન’ ની (સુવર્ણપુરીના પ્રવચન મંડપની) દીવાલ પર શોભી રહ્યું છે.
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત,
તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત
(આ નિબંધોમાં રાણપુરના નંદલાલ હરગોવનદાસ શાહે લખેલ નિબંધ ત્રીજા નંબરે હતો; તે નિબંધમાંથી
કેટલોક ભાગ અહીં આપવામાં આવે છે.)

PDF/HTML Page 10 of 21
single page version

background image
દ્વિતીયશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૨૧ઃ
તેમના કાળમાં જૈનધર્મની અંધેર પરિસ્થિતિ
સનાતન ધર્મનો વિજય વાવટો ફરકાવતા જૈનધર્મમાં વહેતો નિર્મળ અધ્યાત્મ પ્રવાહ સૂકાયો, હજારો હૃદયને
હચમચાવે એવી સાધુતાની કલ્પના કરતાંય કંપ ચડવા લાગ્યો, ભાવનાને બિમારી ચોંટી, ચારિત્રમાં મોટા ભગંદરો
પડયા, ભાવના ઊડી થઈ અને ભાટાઈ ખીલતી ગઈ. આત્મશાન્તિ–સ્થિર શાન્તિને બદલે સ્મશાન શાન્તિ જન્મી,
પરમ સિદ્ધિના પુરુષાર્થો પાતરાનાં મિષ્ટાન્નોથી પીગળી ગયા અને સમ્યક્ત્વની વાતો વેરાગી ધૂતારાના વ્યાપારની
એક વસ્તુ બની...એવે સમયે એ જડવાદને પડકારવા, ચારિત્રના ભગંદરો પૂરવા, વેરાગી બાવાઓની મોહજાળના
પોગળ ખુલ્લા પાડવા અને જગતને ભૂલાઈ ગયેલ સત્પંથ બતાવવા, તેમજ વાડાઓમાં જકડાઈ ગયેલ જૈનધર્મને
મુક્ત કરવા સદ્ભાગ્યે સં. ૧૯૨૪ ના કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે વવાણિયા ગામમાં શ્રી રવજીભાઈ પચાણભાઈ
મહેતાને ઘેર ‘શ્રીમદ્ રાજચંદ્ર’ નો જન્મ થયો.
... તે વૈરાગી મહાત્માનો વેગ સ્વતઃ વૈરાગ્યમાં ઝંપલાવવું એ જ રહ્યો; અને જીવનના કાળા ધોળા ગૌણ કરી
શ્રીમદે આત્મસિદ્ધિનો પરમ પુરુષાર્થ આદર્યો. એ જ એના પૂર્વસંસ્કારનું પરિણામ.
શ્રીમદ્નો કાળ તે એક વહેમી અને જૈનાભાસી કાળ હતો...તેમને મિથ્યાત્વરૂપી યવન સાથે લડવાનું
હતું...ચારિત્રના ભગંદરો અને વાડાધારી શ્રાવક–મુનિઓ સામે તેમને બાથ ભીડવાની હતી, ભાવનાને ચોટેલી
બિમારી દૂર કરવાની હતી, સાપના રહી ગયેલા લીસોટાની જગ્યાએ સાચા સર્પો ચલાવવાના હતા અને તેની સાથે
તેમણે બાથ ભીડી...પણ...લોકોને સાચી વસ્તુ જણાઈ ન જણાઈ ત્યાં તો શ્રીમદ્ કયારનાયે સમાધિમરણ કરી ગયા
હતા.
શ્રીમદ્ કોણ હતા. તેમનું હૃદય શું પોકારતું હતું તે જાણવાની જરૂર છે. જો કે આજ સુધીમાં શ્રીમદ્નું હૃદય
દુનિયાના પટ ઉપર કોઈથી યથાર્થ રીતે આલેખાયું હોય તેમ લાગતું નથી, છતાંય હિંમત નહિ હારી જતાં આ યત્ન
કરી કૃતાર્થ થાઉં છું.
પત્ર વ્યવહાર
ખરેખર ‘કોણ કેટલામાં છે’ તે પારખવાની શ્રીમદમાં ગજબની શક્તિ હતી, અને તેથી જ સમાજધર્મમાં
ઓતપ્રોત થયેલ ગાંધીજીનું હૃદય પણ તેઓ જીતી શક્યા હતા...એટલે તેમનો પત્રવ્યવહાર એ સામા માણસની હદને
અનુકૂળ વાત કહેતો અને એકદમ ભડકાવી મૂકતો નહિ. તેથી જ ધીમે ધીમે કેટલાય લોકો શ્રીમદ્ના પરમ ભક્તો
બન્યા.
તેમનું તત્ત્વજ્ઞાન
અરે! શ્રીમદ્નું તત્ત્વજ્ઞાન ક્યાં ઓછું હતું? બસ, જ્યાં જુઓ ત્યાં સ્વતંત્રતા, સ્વતંત્રતા ને સ્વતંત્રતા.
‘જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન ભાવ;
કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ.’
તે શું બતાવે છે? કર્મો કર્મોમાં અને આત્મા આત્મામાં છે. આત્માની રખડપટ્ટી આત્માથી જ છે, કર્મોથી નહીં.
કર્મ બિચારાં શું કરે? તે તો જડ માટી છે, અને આત્મા તો સચ્ચિદાનંદ પરમસુખની ખાણ છે. તેને એક બીજાને વળી
શું લાગે વળગે? એવી ખૂબ ખૂબ વાતો તેમના તત્ત્વજ્ઞાનમાં ભરી છે. આ નિબંધમાં બધી ઊકેલવા બેસતાં ક્યાંઈ
પાર આવે તેમ નથી, કેમકે આપે તો ગાગરમાં સાગર સમાવવો છે.
સનાતન જૈનધર્મ પ્રત્યે શ્રીમદ્ને અવિચળ શ્રદ્ધા હતી. “હે કુંદકુંદાદિ આચાર્ય...” કહીને તેમણે શ્રીમદ્
ભગવત્ કુંદકુંદાચાર્ય ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કર્યા છે. તેમને સમ્યગ્દર્શનનું ભાન હતું, તેઓએ લખ્યું છે
કે જે જ્ઞાન અનાદિકાળથી ભવહેતુરૂપ થતું હતું તેને સમયમાત્રમાં જાત્યંતર કરીને ભવ છેદક બનાવનાર, હે સૌમ્યમૂર્તિ
સમ્યગ્દર્શન, તને મારા વારંવાર નમસ્કાર હો. વળી એક પત્રમાં તેઓ લખે છે કે–હવે કાંઈ જાણવાનું કે અનુભવવાનું
બાકી રહ્યું નથી, પ્રયોજનભૂત બધું જ જાણી લીધું છે, પરંતુ પુરુષાર્થની નબળાઈથી આચરણમાં મૂકી શકાતું નથી.
અને આચરણમાં મૂકયે એક જ સમયે લોકાલોક જણાઈ જશે.
તેમનો ઉપકાર
શ્રીમદ્ રાજચંદ્ર કોઈ જેવી તેવી વ્યક્તિ ન હતા; સનાતન જૈનધર્મની અવિચળ આરાધના અને જાતિસ્મરણ
તથા પૂર્વજન્મના સંસ્કારના બળે આત્મબળ માત્રથી સત્શ્રુતની બંધ થતી ધારાને, પોતાનું નામ તેના પ્રરુપકો સાથે
જોડી, અચ્છિન્નપણે સાંધી લીધી. એ રીતે શ્રીમદ્નો આ ગુજરાત પરનો અનન્ય ઉપકાર કદી પણ ભૂલાય તેમ
નથી...માર્ગ ભૂલેલા લોકોને સનાતન સત્ય સમજાવી સન્માર્ગે દોરનાર, પરમ ઉપકારી, જૈન શિરોમણી શ્રીમદ્
રાજચંદ્રને અમારા વારંવાર નમસ્કાર હો! નમસ્કાર હો!

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૨૨૨ઃ આત્મધર્મઃ ૪૬
– જીવની પ્રતીત ક્યારે થઈ કહેવાય? –
વીર સં. ૨૪૭૩ વૈશાખ વદ ૮ શ્રી સમયસાર–પ્રતિષ્ઠા મહોત્સવ દિને પંચાસ્તિકાય ગાથા પ૬ ઉપર પૂજ્ય
ગુરુદેવશ્રીનું પ્રવચન
જીવતત્ત્વના પાંચ ભાવોની વાત છે. જીવતત્ત્વને માને તેને કયા ભાવો હોય અને ન માને તેને કયા ભાવો
હોય, તે આ પાંચ ભાવોમાં સમજાઈ જાય છે.
ભવનો ત્રાસ કોને ટળે?
જીવનો સ્વભાવ શુદ્ધ પરમાનંદ નિરાકુળસ્વરૂપ છે, તે સ્વભાવ ત્રિકાળ બધાય જીવોને છે, તેમાં કર્મની
ઉપાધિ નથી; એને પારિણામિક ભાવ કહેવાય છે. અને કર્મ ઉપાધિવાળો વિકારીભાવ અનાદિથી જીવને છે, તે
વિકારીભાવને ઔદયિકભાવ કહેવાય છે, તે ભાવ ક્ષણિક છે. મારું ત્રિકાળી સ્વરૂપ ક્ષણિક વિકારથી રહિત છે– એમ
જેને સ્વભાવદ્રષ્ટિ થઈ અને વિકાર ઉપરથી દ્રષ્ટિ ટળી ગઈ તે જીવના અંતરમાંથી જન્મ–જરા–મરણની શંકા, ભય ને
ત્રાસ નીકળી જાય છે. સ્વભાવ સ્વીકાર્યો એને જન્મ–મરણની શંકા કેમ રહે? જન્મ–મરણનું કારણ તો વિકાર છે,
સ્વભાવમાં વિકાર નથી, તેથી જેણે સ્વભાવ સ્વીકાર્યો અને પ્રતીત કરી તેને ભવનો ત્રાસ હોતો નથી અર્થાત્ મારે
ઘણા ભવ હશે એવી તેને શંકા હોતી નથી.
નાના બાળકો જ્યારે લડાઈ કરે ત્યારે કહે છે કે–આવી જાય, મારી સામે કોણ થાય છે? એવો બળવાન કોણ
છે કે જે મને જીતી શકે? મને પહોંચવાની કોઈની તાકાત નથી. તેમ જેને પોતાના સ્વભાવ સામર્થ્યની પ્રતીત થઈ છે
તે એમ નિઃશંક થાય છે કે હવે એવો કોઈ ભાવ કે કોઈ કર્મ નથી કે જે મને સ્વભાવથી ચ્યૂત કરીને સંસારમાં
રખડાવે. હવે મારા સ્વભાવની દ્રષ્ટિથી નિર્મળતાની જ ઉત્પત્તિ છે અને વિકારની નાસ્તિ છે. એવી નિઃશંકતા થતાં
ભવનો ત્રાસ અંતરમાંથી ટળી જાય છે.
સમયસાર–પ્રતિષ્ઠાનું મંગળિક
આજે શ્રી જૈનસ્વાધ્યાયમંદિરમાં શ્રી સમયસારની મહાપૂજનિક સ્થાપનાનો મંગળિક દિવસ છે. સમયસારની
પ્રતિષ્ઠાને આજે દસમું મહામંગળિક વર્ષ બેસે છે. સમયસાર એટલે આત્મા, તેની પવિત્ર દશા પ્રગટ કરવા માટેનું
આજે દસમું વર્ષ બેસે છે.
આત્માના જે પાંચ ભાવો છે તેમાં એક તરફ એક ત્રિકાળી સ્વભાવ ભાવ છે અને બીજી તરફ ચાર
ક્ષણિક ભાવો છે, ચાર ક્ષણિક ભાવોનું લક્ષ છોડીને ત્રિકાળી સ્વભાવ ઉપર લક્ષ કરીને તેની જીવ પ્રતીત કરે તો
નિર્મળદશા પ્રગટે, તે જ મંગળિક છે. પહેલાં તો પોતાના સ્વભાવનો વિશ્વાસ આવવો જોઈએ. પોતાને વિકાર
જેટલો જ માની બેસે તો અવિકારી થવાનો પુરુષાર્થ થાય નહિ, પણ જો વિકારરહિત સ્વભાવ ત્રિકાળ છે તેની
પ્રતીતિ–વિશ્વાસ કરે તો પર્યાયમાં વિકારરહિત દશા પ્રગટવાનો પુરુષાર્થ કરે. માટે પહેલાં જેવો સ્વભાવ છે તેવો
વિશ્વાસમાં લેવો જોઈએ.
સ્વભાવ શક્તિનો વિશ્વાસ
એક પુસ્તકમાં ચેલાતિ ચોરની વાત આવે છે. તે ચોર પાસે અમુક પ્રકારની વિદ્યા હતી, તેથી તેને પોતાની
શક્તિનો વિશ્વાસ હતો કે મને કોઈ પકડવા સમર્થ નથી. જ્યારે તે શહેરમાં ચોરી કરવા જાય છે ત્યારે પોકાર કરે છે કે
“હું અમુક શેઠને ત્યાં લૂંટ કરવા આવ્યો છું, જેને નવી માતાનાં દૂધ પીવાં હોય તે ઘરની બહાર નીકળજો...” અહીં તે
ચોરને પોતાની શક્તિનો વિશ્વાસ હતો–એટલું દ્રષ્ટાંત લેવું છે. તેમ જેને સમ્યગ્જ્ઞાનરૂપી વિદ્યા હોય તેને પોતાના
સ્વભાવના જોરે એવો વિશ્વાસ હોય કે કોઈ કર્મનો ઉદય મને પાડવા સમર્થ નથી. જે જીવ ધર્મ કરવા નીકળ્‌યો છે તેને
જો પોતાની શક્તિનો વિશ્વાસ નહિ હોય તો ધર્મ ક્યાંથી કરશે? તને તારી સ્વભાવ શક્તિનો વિશ્વાસ છે કે નહિ? તું
કોણ છો? શું શુભભાવ કરવા જેટલી જ તારી શક્તિ છે? કે બીજી કાંઈ શક્તિ છે? આત્મા પરમાર્થે એને કહેવાય કે
જેનામાં પુણ્ય–પાપ વિકાર નથી. અપૂર્ણતા નથી પણ શુદ્ધ સ્વભાવરૂપ છે.–એવા સ્વભાવની જેણે શ્રદ્ધા કરી તેને એવી
શંકા ન હોય કે ભવિષ્યમાં કર્મનો ઉદય આવે ને મને પાડી દે. જીવ સ્વભાવ તે પારિણામિક ભાવ છે. ને વિકાર તે
ઔદયિકભાવ છે. જેને રખડવાની શંકા છે, તેને જીવતત્ત્વની શ્રદ્ધા નથી. જીવતત્ત્વની શ્રદ્ધા ત્યાં પડવાની શંકા નહિ,
ને પડવાની શંકા ત્યાં જીવતત્ત્વની શ્રદ્ધા નહિ.

PDF/HTML Page 12 of 21
single page version

background image
દ્વિતીયશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૨૩ઃ
અપ્રતિહતભાવ
હું રાગી–દ્વેષી છું, એવી માન્યતા અજ્ઞાનીને છે. કર્મનો ઉદય હોય તો રાગ–દ્વેષ થાય એમ જેણે માન્યું છે તેણે
પોતાના આત્માને રાગી–દ્વેષી જ માન્યો છે. રાગાદિ વિકાર ભાવ ક્ષણિક છે, આત્માના ત્રિકાળી સ્વભાવમાં તે નથી.
ત્રિકાળી સ્વભાવની પ્રતીતવાળાને ઉદયભાવ મારો છે એવી માન્યતા હોતી નથી. ચૈતન્યનો જે અપ્રતિહત મંગળભાવ
પ્રગટયો તે કેવો હોય એનું આ વર્ણન છે. વિકારીભાવ તે આસ્રવતત્ત્વ છે, જીવતત્ત્વમાં તે નથી, કર્મો વગેરે
અજીવતત્ત્વ છે, તે જીવતત્ત્વમાં નથી એમ વિકારથી અને કર્મોથી ભિન્ન સ્વભાવને જાણે તો જીવતત્ત્વને માન્યું
કહેવાય.
કોણ છે જગતમાં એવાં કર્મ અને રાગ–દ્વેષ, કે જે મારા આત્માને પાછો પાડે? સમ્યગ્દ્રષ્ટિની અને
સમ્યગ્દર્શન થયા પહેલાં જિજ્ઞાસુ જીવની કેવી માન્યતા હોય તેની આ વાત છે. હું જ્ઞાન–દર્શનની ત્રિકાળમૂર્તિ છું, કોનું
જોર છે કે મારા સ્વભાવની પ્રતીતિને ફેરવી શકે? કર્મનો ઉદય આવે ને હું પડી જાઉં તો? એવી અજ્ઞાનીને શંકા છે,
એટલે કે હું જીવ જ રહેવાનો નથી; વિકાર કે મિથ્યાત્વ મારા ચૈતન્યસ્વભાવમાં પેસી જાય તો! અરે ભાઈ, તેં કોનો
વિશ્વાસ કર્યો? તેં તારા સ્વભાવને જીવતત્ત્વરૂપે માન્યો નહિ પણ વિકારરૂપે માન્યો. શુદ્ધ આત્માનો વિશ્વાસ ન કર્યો
પણ વિકાર અને અજ્ઞાનનો વિશ્વાસ કર્યો. સ્વભાવના ભાનથી હું વિકારને જીતું– એમ નહિ પણ વિકાર મને જીતી
જાય અને કર્મના ઉદયથી હું પડી જાઉં–એમ માનનાર જૈન તો નથી પરંતુ જૈનનું કથન સાંભળવાની તાકાત પણ
તેનામાં નથી, જૈનદર્શનમાં પ્રરૂપેલા સ્વતંત્રતાના કથનોને તે જીરવી શકશે નહિ, કેમકે તેને પોતાના સ્વભાવનો
વિશ્વાસ બેઠો નથી. પાછા પડવાની વાત સાંભળવાનો પણ જૈનદર્શનમાં અવકાશ નથી.
જીવ કોણ?
તે
હું, ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં ઉત્પાદ–વ્યય જેટલો હું નહિ પણ ધ્રુવભાવ તે હું છું; મારા અસ્તિત્વમાં કર્મની નાસ્તિ છે;
જીવદ્રવ્યમાં અજીવ દ્રવ્યનો–કર્મનો અભાવ છે; અને જીવતત્ત્વમાં આસ્રવાદિ તત્ત્વનો અભાવ છે; ધ્રુવતત્ત્વ ક્ષણિક
ઉત્પાદ–વ્યય જેટલું નથી; આમ અસ્તિ અને નાસ્તિરૂપ સ્વભાવની પ્રતીત વડે જે જીવ ઔદયિક વિકારીભાવનો નાશ
કરવા તૈયાર થયો છે તેને કદી પણ એવી શંકા પડતી નથી કે કર્મનો ઉદય આવશે તો હું પાછો પડી જઈશ.
પાત્ર જીવ કેવા હોય?
અનાદિથી જીવ પોતાનું મૂળસ્વરૂપ સમજ્યો નથી. અને પોતાનું સ્વરૂપ સમજ્યા વગર ધર્મ ક્યાં કરે? હે
જીવ! તારે તારામાં ધર્મ કરવો છે ને!–તો તું કોણ છો? જીવ કેવો? તારું સ્વરૂપ શું? શું અજ્ઞાન, રાગાદિ તે તારું
સ્વરૂપ છે? સત્ શ્રવણ કરનાર પાત્ર જીવ એટલું તો સમજે છે કે પુદ્ગલ કર્મ વગેરેથી તો મારું જીવતત્ત્વ ભિન્ન છે,
અને કર્મના નિમિત્તે જે પુણ્ય–પાપ આસ્રવ થાય તે વિકારીભાવ છે, એ વિકારી તત્ત્વમાં મારું જીવતત્ત્વ નથી, ને મારા
જીવતત્ત્વમાં વિકારી તત્ત્વ નથી. જેણે આવું માનવાની શરૂઆત કરી તેને કર્મના ઉદયથી ભવિષ્યમાં પડવાની શંકા
હોતી નથી. અને જેને એવી શંકા છે તેણે જીવતત્ત્વને માન્યું નથી, પણ જીવને અને આસ્રવતત્ત્વને એક માન્યાં છે.
જીવતત્ત્વની તાકાત સદાય વિકારથી ભિન્નપણે ટકવાની છે તેને તે માનતો નથી. અને જે જીવસ્વભાવને નથી
માનતો તેણે તેના કહેનાર એવા દેવ–ગુરુ–શાસ્ત્રને પણ માન્યા નથી.
‘અરે ભાઈ, મોટા મોટા માંધાતાઓને પણ તીવ્ર કર્મે પાડી નાખ્યા છે, તો આપણું શું ગજું?’ એમ
કહેનારને જડથી જુદા જીવતત્ત્વની પ્રતીતિ થઈ નથી. તેની દ્રષ્ટિમાં જીવસ્વભાવનું જોર નથી પણ વિકારનું જોર
છે. પાત્ર શિષ્ય એવો છે કે તેને ભગવાન આત્માનો સ્વભાવ સાંભળવાની અને સમજવાની હોંશ છે, પણ કર્મના
ઉદયના જોરની આ વાત સાંભળવાની કે વિકારની તેને હોંશ નથી. સ્વભાવના મહિમા પાસે વિકારને કે કર્મને
યાદ કરતો નથી. આજે તો ‘સમયસાર’ ની પ્રતિષ્ઠાનો વાર્ષિક મહોત્સવ છે. સમયસાર એટલે
શુદ્ધઆત્મસ્વભાવ, તેને બતાવનાર આ ‘સમયસાર–શાસ્ત્ર’ છે. ભગવાન સમયસાર તો એમ કહે છે કે ત્રિકાળી
આત્મસ્વભાવની પ્રતીતમાં ઔદયિકભાવ કદી સ્વભાવથી અધિક થાય નહિ. ઉદય અધિક થાય કે સ્વભાવ? જેણે
સ્વભાવનો મહિમા જાણ્યો છે તે કદી ઉદયનું અધિકપણું માનતો નથી. એટલે ક્ષણિક ઔદયિકભાવથી મારો
સ્વભાવ ભૂલાઈ જશે એવી તેને કદી શંકા, પડતી નથી, પણ મારા સ્વભાવની પ્રતીતિની દ્રઢતાના જોરે ક્ષણિક
વિકારનો નાશ થઈ જશે એમ નિઃશંકતા હોય છે.

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૨૨૪ઃ આત્મધર્મઃ ૪૬
જેને પુરુષાર્થમાં શંકા છે તે ધર્મ કરી શકશે નહિ
હજી પોતાનો સ્વભાવ સમજ્યા પહેલાં શરૂઆતથી જ શંકા કરવા માંડે છે કે–કર્મનો ઉદય આવશે તો પડી
જવાશે–પણ અરે નમાલા! પુરુષાર્થહીન! સ્વભાવનો પુરુષાર્થ ઉપાડ, તો તને પડવાની શંકા થાય નહિ. હજી સત્ની
શરૂઆત કર્યા પહેલા તો પડવાની વાત માંડે છે. પણ તારા આત્મામાં કાંઈ પુરુષાર્થ છે કે નહિ? હજી તો ધર્મ કરવાની
વાત સાંભળતા જ તને કર્મના ઉદયથી પડવાની શંકા પડે છે પણ સ્વભાવનો પુરુષાર્થ ઉછળતો નથી, તો તારાથી ધર્મ
કેમ થશે?
જીવતત્ત્વ અને ઉત્પાદ–વ્યય–ધ્રુવ
નવતત્ત્વો છે તે દરેકનું સ્વરૂપ જુદું છે. નવતત્ત્વો જુદા અને જીવતત્ત્વ જુદું એમ નથી, પણ તે નવમાં એક
જીવતત્ત્વ છે અને બીજા આઠ તત્ત્વો જુદા છે. જીવતત્ત્વમાં આઠ તત્ત્વો નથી. જીવતત્ત્વ ધ્રુવ પારિણામિકભાવે છે, એ
તત્ત્વને માને તો વિકારીતત્ત્વોનો નાશ થાય અને અવિકારી તત્ત્વની ઉત્પત્તિ થાય– અર્થાત્ ધ્રુવસ્વભાવના લક્ષે
પુણ્ય–પાપ–આસ્રવ–બંધનો વ્યય અને સંવર–નિર્જરા–મોક્ષનો ઉત્પાદ થાય છે. ત્રિકાળી જીવતત્ત્વ તો ધ્રુવ છે, તે
ઉત્પાદવ્યયરૂપ નથી આવી ધ્રુવની પ્રતીતમાં મોક્ષનો ઉત્પાદ અને સંસારનો વ્યય થયા વગર રહે જ નહિ.
જીવ સત્ છે અને સત્ ઉત્પાદ–વ્યય ધ્રુવયુક્ત હોય છે, તેની જીવ ઉત્પાદ–વ્યય–ધ્રુવયુક્ત છે. આત્મા
ત્રિકાળ પારિણામિક–સ્વભાવથી ધ્રુવ છે–એ નિરૂપાધિક નિરપેક્ષ તત્ત્વને જાણતાં, તે નિરૂપાધિક ધ્રુવની દ્રષ્ટિમાં
ઔપાધિકભાવ વ્યય ખાતે રહ્યો પણ ઉત્પત્તિ ખાતે રહ્યો નહિ અને તે નિરૂપાધિક ધ્રુવની દ્રષ્ટિમાં સંવર નિર્જરા–
મોક્ષરૂપ નિરૂપાધિકભાવ ઉત્પાદ ખાતે રહ્યો, પણ વ્યય ખાતે રહ્યો નહિ. એટલે જેને પોતાના ધ્રુવસ્વભાવની દ્રષ્ટિ
છે તેને ‘મારામાં વિકારની ઉત્પત્તિ થશે અને શુદ્ધપર્યાયનો વ્યય થશે અર્થાત્ હું સાધકપણાથી પાછો પડી જઈશ’
એવી શંકા કદી હોતી નથી, પણ મારામાં ક્ષણે ક્ષણે શુદ્ધતાનો જ ઉત્પાદ અને અશુદ્ધતાનો વ્યય છે–એમ નિઃશંકતા
હોય છે.
પરમપારિણામિક સ્વભાવ એટલે શું? એકલો નિરપેક્ષ ચૈતન્યસ્વભાવ; એ ચૈતન્યસ્વભાવમાં બંધ–મોક્ષ
નહિ, બંધમોક્ષની અપેક્ષાથી પાર એકરૂપ સ્વભાવ! સ્વભાવ! સ્વભાવ! તે સ્વભાવની દ્રષ્ટિમાં સંવર–નિર્જરા–
મોક્ષનો ઉત્પાદ થાય છે, તે ઉત્પાદનો વ્યય કરવાની તાકાત ત્રણકાળમાં કોઈની નથી. શુદ્ધજીવતત્ત્વમાં વર્તમાનમાં
અને વિકાર પુણ્ય–પાપનો તથા જડનો અભાવ છે. તો પછી જેના સ્વભાવમાં વિકારનો અભાવ જ છે, તેમાં
ભવિષ્યમાં વિકારની ઉત્પતિ ક્યાંથી થાય? એટલે સ્વભાવની દ્રષ્ટિમાં વિકારની ઉત્પત્તિ છે જ નહિ. ભવિષ્યમાં
કર્મનો તીવ્ર ઉદય આવે ને વિકાર થાય અને હું પડી જઉં–એવી જેને શંકા છે તેને સ્વભાવની દ્રષ્ટિ નથી. સ્વભાવમાં
તો વિકારનો ત્રિકાળ અભાવ છે, અને એ સ્વભાવની દ્રષ્ટિ વિકારની નાશક છે, પણ ઉત્પાદક નથી. સ્વભાવની
પ્રતીતિમાંથી મોક્ષની જ ઉત્પત્તિ છે.
જે જીવ જ્ઞાનસ્વભાવની પ્રતીતિ કરતો નથી અને વિકારની ઉત્પત્તિને તથા અવિકારીદશાના વ્યયને સંભારે
છે તેને શુદ્ધસ્વભાવની પ્રતીત નથી. જ્ઞાનસ્વભાવની પ્રતીતરૂપી દોરો બાંધ્યા વગર એ જીવ પોતાને ભૂલીને સંસારમાં
રખડશે. જો જીવ સ્વભાવની શ્રદ્ધારૂપી દોરો બાંધે તો પોતાના સ્વભાવમાં કદી શંકા ન પડે. આત્માનો પારિણામિક
ભાવ એવો છે કે જીવ ઘણો વિકાર કરે તેથી તે ભાવમાં કાંઈ ઘટતું નથી અને જીવ વિકાર ટાળીને અવિકારભાવ કરે
તેથી તે ભાવમાં કાંઈ વધી જતું નથી, એ તો અનાદિઅનંત એકરૂપ છે. એવા સ્વભાવને જેણે જાણ્યો તે જીવને
જ્ઞાનની જ ઉત્પત્તિ અને વિકારનો નાશ–એમ થયા વગર ત્રણકાળમાં રહે નહિ.
એક જીવતત્ત્વને માનતાં અજીવનો અભાવ, વિકારનો વ્યય અને અવિકારીની ઉત્પત્તિ છે. એકવાર પણ
વિકારથી અને પરથી ભિન્ન નિરપેક્ષ જીવદ્રવ્યને માને તો જીવને વિકારનો સંપૂર્ણ વ્યય અને અજીવના સંબંધનો
પૂરેપૂરો અભાવ થયા વગર રહે જ નહિ.
સ્વકાળ અને પરકાળ
પાંચ દ્રવ્યો અસ્તિકાયરૂપ છે, અને કાળ દ્રવ્ય અસ્તિરૂપ છે પણ કાયરૂપ નથી. જીવનો સ્વકાળ તે
અસ્તિકાયરૂપ છે, જીવના સ્વકાળમાં પર કાળની નાસ્તિ છે. જેને શુદ્ધ જીવાસ્તિકાયની પ્રતીતિ થઈ તેને પોતાની
શુદ્ધપર્યાયરૂપી સ્વકાળ પ્રગટયો, તેને કોઈ કાળ નડતો નથી. પંચમકાળ નડે–એમ જ્ઞાની માનતા નથી, કેમકે પોતાના
સ્વકાળમાં તો તે કાળની નાસ્તિ છે. સ્વભાવ પ્રાપ્તિના કાળ સિવાય બીજા કાળની અસ્તિ જ નથી એટલે કે મારા
સ્વકાળની અસ્તિમાં પર કાળની (–જડની અને વિકારની) અસ્તિ જ નથી, એવા ભાનમાં જ્ઞાની જીવને સ્વકાળને
ભૂલીને

PDF/HTML Page 14 of 21
single page version

background image
દ્વિતીયશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૨પઃ
વિકારી થઈ જવાની શંકા હોતી નથી. કાળદ્રવ્ય મારા અસ્તિકાયમાં નથી. ખરેખર મારા અસ્તિત્વમાં વિકારરૂપી
પરકાળની અસ્તિ નથી. સ્વભાવના સ્વકાળમાં એકત્વપણું છે, પણ વિકારમાં એકત્વપણું નથી તેથી વિકાર તે
અસ્તિકાય નથી. જેમ કાળના બે અણુ કદી ભેગાં થતાં નથી તેથી તે અસ્તિકાય નથી તેમ આત્માના સ્વભાવ સાથે
વિકાર કદી એકમેક થતો નથી તેથી વિકાર તે પરકાળ છે, જીવના સ્વકાળમાં તેની નાસ્તિ છે. જેણે વિકારરૂપી
પરકાળને આત્માનો માન્યો અથવા તો તેનાથી આત્માને લાભ માન્યો તેણે આત્માના અસ્તિકાયને માન્યો નથી
અને પોતાનો સ્વકાળ તેને પ્રગટયો નથી.
વળી, કોઈ જીવ જો કાળદ્રવ્યને સર્વથા અભાવરૂપ જ માને અથવા તો માત્ર ઔપચારિક છે એમ માને તો
તેને પણ આત્માના સ્વકાળની (–શુદ્ધપર્યાયની) પ્રાપ્તિ નથી. જેને પોતાનો સ્વકાળ પ્રગટે તેને તેમાં નિમિત્તરૂપ
પરકાળનું પણ જ્ઞાન થાય. પોતાના સ્વકાળમાં નિમિત્તરૂપ પરકાળ છે, તે નિમિત્તને જેણે સર્વથા ન માન્યું તેણે
પોતાના સ્વકાળને પણ સ્વીકાર્યો નથી; તેથી કાળદ્રવ્યને નહિ સ્વીકારનાર મિથ્યાદ્રષ્ટિ છે.
સમયસારની પ્રતિષ્ઠા અને મંગળિક
આજે સમયસારજીની પ્રતિષ્ઠાનો મંગળ દિવસ છે. આજે પ્રતિષ્ઠાને દસમું વર્ષે બેસે છે, દસમાં વર્ષનાં
સમયસારના માંગળિક ઉજવાય છે. આત્માનો પરમ પારિણામિક સ્વભાવ તે જ સમયસાર છે; એ સમયસારના
સ્વરૂપમાં જ્યાંસુધી નિઃશંકતા ન થાય ત્યાંસુધી પોતાના આત્મામાં સમયસારની પ્રતિષ્ઠા થાય નહિ–અર્થાત્
સમ્યગ્દર્શન–જ્ઞાન ચારિત્ર પ્રગટે નહિ. જ્યાંસુધી એ સમયસાર સ્વભાવની નિઃસંદેહ પ્રતીતિ ન પ્રગટે ત્યાંસુધી
રુચિપૂર્વક ઘૂંટી ઘૂંટીને તેનું જ જ્ઞાન કર. મારા સ્વસમયમાં બધા પરસમયોની (–પરદ્રવ્યોની અને પરભાવોની)
નાસ્તિ છે. આવી પ્રતીતિવાળા જીવને “મારા દ્રવ્યમાં શુદ્ધપર્યાયનો વ્યય થઈ જશે તો” એવી શંકા ન હોય, પણ “
મારા દ્રવ્યમાં સમયે સમયે શુદ્ધતાની વૃદ્ધિનો જ ઉત્પાદ છે”–એમ પૂર્ણતાની પ્રતીતિ જ હોય છે. એવી પ્રતીતિના જોરે
સમયે સમયે શુદ્ધતાની વૃદ્ધિરૂપ પર્યાયનો ઉત્પાદ થાય છે–તે જ મહામંગળિક છે.
સાધકનું એક જ કાર્ય
જેને પોતાના શુદ્ધસ્વભાવની પ્રતીતિ થઈ તેને બધું કર્તૃત્વ છૂટીને તે સાધક થયો, એટલે હવે તેને
પોતાના ગુણસ્વભાવમાં જ અભેદ થવાનું એક જ કાર્ય રહ્યું. સાધકને તે અભેદ થવામાં હીનાધિકતા હોય, પણ
તેમાં વચ્ચે બીજું કાર્ય આવીને વિઘ્ન પાડે નહિ. જેણે શુદ્ધચૈતન્યસ્વભાવને પ્રતીતિમાં લીધો તેને હવે, ‘વિકારને
કાયમ રાખું અથવા તો ભવિષ્યમાં વિકારની ઉત્પત્તિ થશે’ એવી ભાવના હોય જ નહિ. જીવસ્વભાવની જેણે
ભાવના કરી તેને પ્રતીત છે કે મારા ચૈતન્યસ્વભાવમાંથી તો શુદ્ધપર્યાય જ ખીલે છે; તેથી તેવા સાધક જીવને
વિકારની ભાવના ત્રણકાળમાં હોતી નથી. ભવિષ્યમાં વિકારની ઉત્પત્તિ થશે અને મારી શુદ્ધતાનો નાશ થઈ જશે.
એવી જેને શંકા છે તેને વિકારની જ ભાવના છે, પણ સ્વભાવની ભાવના નથી. વર્તમાનમાં જ તે વિકારથી
આઘો ખસ્યો નથી. જો સ્વભાવની પ્રતીતિનો ઉત્પાદ થયો હોય તો વિકારની ઉત્પત્તિ થવાની શંકા ક્યાંથી
આવી? સ્વભાવદ્રષ્ટિમાં તો વિકારનો અભાવ જ છે. સ્વભાવદ્રષ્ટિમાં સાધકને તો સ્વભાવમાં અભેદ થવું. એ
એક જ પ્રકારનું કાર્ય છે.
પુરુષાર્થની પ્રતીતિ– શ્રીકૃષ્ણનું દ્રષ્ટાંત
પૂર્ણ સ્વભાવ સામર્થ્યના વિશ્વાસે જે ઉપડયા તે પાછા પડે જ નહિ, પણ જેઓ પહેલેથી જ પરલક્ષે શંકા કરે
છે તે સ્વભાવમાં કદી આગળ વધી શકશે નહિ. આ સંબંધમાં પાંડવો અને કૃષ્ણનું દ્રષ્ટાંત છે કે–
પદ્મનાભ રાજા દ્રૌપદીનું અપહરણ કરી જાય છે, ત્યારે શ્રીકૃષ્ણ અને પાંડવો તેની સામે લડવા જાય છે.
પહેલાં પાંચ પાંડવો લડવા જાય છે અને રથ ઉપર ચડતાં કહે છે કે ‘આજ કાં તો પદ્મનાભ રાજા, અને કાં તો
અમે!’–તેમાં પહેલાં પર આવ્યો; લડાઈમાં તેઓ હારીને પાછા આવ્યા. તેમને પોતાની શક્તિનો વિશ્વાસ ન
આવ્યો કે ‘આજ અમારી જ જીત છે.’ પછી શ્રીકૃષ્ણ લડવા જાય છે, જતાં જતાં બોલે છે કે ‘આજ હું રાજા,
પદ્મનાભ નહિ’ એટલે કે મારી જીત જ છે; તેઓ જીતીને આવે છે. (અહીં દ્રષ્ટાંત માત્ર છે, પર સાથેની હાર–જીત
તે તો પુણ્ય અનુસાર છે.)
તેમ આત્મસ્વભાવની આરાધના કરવા માટે, અજ્ઞાની જીવ પાંચ ઇન્દ્રિયો અને કર્મના લક્ષે એમ માને છે
કે જો કર્મનું જોર વધારે હશે તો પાછા પડી જશું–એટલે તે તો પહેલેથી જ હારેલા છે. માત્ર ઇન્દ્રિયાધીન જ્ઞાન
કરીને દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે પરાવલંબને જેણે લાભ માન્યો છે, પણ સ્વાધીન અતીન્દ્રિય જ્ઞાનવડે સ્વભાવ
સામર્થ્યની

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૨૨૬ઃ આત્મધર્મઃ ૪૬
જેણે પ્રતીતિ કરી નથી તે જીવ આરાધક થઈ શકતો નથી. અને પોતાના ચૈતન્યસ્વભાવની પ્રતીતિનું જોર
લઈને જ્ઞાની ઊઠયા તે ઊઠયા, ત્યાં કર્મ પ્રકૃતિઓ ભાગી જાય છે. પાંચ ઇન્દ્રિયોથી પાર સ્વાધીનજ્ઞાન વડે
શુદ્ધાત્મસ્વભાવની પ્રતીતિ કરીને કૃષ્ણ (કર્મને હણી નાખનાર આત્મા) જાગ્રત થયો, તેને પાછો પાડવા કોઈ
કર્મ સમર્થ નથી, ચૈતન્યસામર્થ્ય પાસે કોઈ પણ કર્મ કે વિકાર ટકી શકવા સમર્થ નથી. જે રાગ છે તે ટળવા
ખાતર જ છે. આમ જેને સ્વભાવસામર્થ્યની પ્રતીતિ નથી તે ત્રણકાળમાં ધર્મી નથી. ખરેખર કર્મ તો જડ
પુદ્ગલદ્રવ્યની પર્યાય છે, તે જીવથી જુદાં છે, તેથી કર્મનો ઉદય જ્ઞાની કે અજ્ઞાની કોઈ જીવને કાંઈ કરી શકતો
નથી.
ચૈતન્યની પ્રતીત ત્યાં ભવની શંકા નહિ ભવની શંકા ત્યાં ચૈતન્યની પ્રતીત નહિ.
જેને ચૈતન્ય આત્માની રુચિ થઈ–વિશ્વાસ આવ્યો, તેને ભવની શંકા ન હોય. સમ્યગ્દર્શન પામ્યા પછી
અર્ધપુદ્ગલપરાવર્તન સંસાર હોય નહિ. અર્ધપુદ્ગલપરાવર્તનમાં તો અનંતભવ થાય છે, જેને અનંત ભવમાં
રખડવાની શંકા છે તેને સમ્યગ્દર્શન પ્રગટે જ નહિ. સમ્યગ્દર્શન થતાં ચૈતન્યસ્વભાવની પ્રતીતિ થઈ, ચૈતન્યસ્વભાવ
ભવરહિત છે એટલે ભવરહિતપણાની પ્રતીતિ થઈ અને ભવની શંકા ટળી ગઈ. શાસ્ત્રમાં ભવની વાત કરી હોય કે–
સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થાય તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન રખડે, એ ભ્રષ્ટ થવાની અને રખડવાની વાત
બીજાને માટે છે, પણ મારા ભાવમાં હું પાછો પડવાનો નથી, ઉત્કૃષ્ટ આરાધનાની ને એકાવતારીપણાની વાત કરી
હોય તે મારા આત્મા માટે છે.
પુરુષાર્થની પ્રતીત–વેપારીનું દ્રષ્ટાંત
એક વખત કોઈ પુણ્યવંત વેપારીના માલના બે વહાણ આવતાં હતાં, સાથે બીજા વેપારીઓનાં પણ વહાણ
હતાં. બધા મળી સો વહાણ હતાં. ત્યાં ખબર મળ્‌યા કે બધા વહાણ ડુબી ગયા, માત્ર બે જ બચ્યાં છે. શેઠે એ
સાંભળીને તરત જ કહ્યું કે–જે બે વહાણ તર્યાં છે તે બે મારાં જ છે, અને જે ડુબ્યાં છે તે બીજાનાં છે. મારા વહાણ ડુબ
નહિ, કેમકે મારા પુણ્ય જાગૃત છે. એમ પુણ્યવંતને પુણ્યનો વિશ્વાસ હોય છે. અહીં ધર્મનો સંબંધ પુણ્ય સાથે નથી પણ
પુરુષાર્થ સાથે છે. પુરુષાર્થવંત જીવોને પોતાના પુરુષાર્થની પ્રતીતિ હોય છે, અને પાછા પડવાની શંકા હોતી નથી. આ
દુઃષમ પંચમકાળ છે, તેમાં તરનારા જીવો બહુ જ થોડા અને વિરાધક જીવો ઘણાં થાય છે ત્યારે એ સાંભળીને
આત્માર્થિ જીવ તો કહે છે કે ભલે તરનારાં જીવો થોડા, પણ હું તરનારમાં જ છું, કેમકે મારો પુરુષાર્થ જાગતો છે. મને
મારા પુરુષાર્થની પ્રતીતિ છે. પૂછો કેવળીભગવાનને. કેવળીભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જે કોઈ તરનારા જીવો
જોયા છે તેમાં એક હું છું, એમ મને કેવળી ભગવાનના જ્ઞાનની અને મારા પુરુષાર્થની પ્રતીતિ છે. કેવળીભગવાનનું
જ્ઞાન ન ફરે, તેમ મારો પુરુષાર્થ પાછો ન ફરે.–આવી જેને નિઃશંકતા નથી પ્રગટી તે જીવને ધર્મ જ પ્રગટયો નથી, તે
મૂઢ છે, પુરુષાર્થહીન છે.
જીવતત્ત્વની પ્રતીત
જેણે પોતાના એક ચૈતન્યસ્વભાવને જાણીને નિરૂપાધિકપણાની પ્રતીત કરી અર્થાત્ વિકારથી અને પરથી
ભિન્ન એવા સ્વભાવને માન્યો તેણે જ જીવતત્ત્વની પ્રતીતિ કરી છે. અને જેણે વિકારના એક અંશને પણ
પોતાનો માન્યો છે તેણે પોતાના ચૈતન્યસ્વરૂપ જીવતત્ત્વને માન્યું નથી; વિકારરહિત એવા શુદ્ધ જીવતત્ત્વની જેને
પ્રતીત નથી તેને પોતાના જાણનાર સ્વભાવની પ્રતીત નથી એટલે કે તેને પોતાના જ્ઞાનતત્ત્વની પ્રતીત નથી.
જેને જ્ઞાનતત્ત્વની પ્રતીતિ નથી તેને જ્ઞેયતત્ત્વોની પણ પ્રતીત નથી એટલે કે જેને જીવની પ્રતીત નથી તેને કોઈ
પણ દ્રવ્યના સ્વરૂપની પ્રતીત નથી. જીવના સ્વભાવને નહિ જાણનારનું બધું જ્ઞાન મિથ્યા છે. પોતાના
જીવાસ્તિકાયની પ્રતીત વગર અન્ય અસ્તિકાયની પ્રતીત થાય નહિ. પોતાના ધ્રુવ સ્વભાવની પ્રતીત વગર
ઉત્પાદ–વ્યયની પ્રતીત થાય નહિ.
સત્ધર્મની પ્રતીત ક્યારે થાય?
અરેરે! બિચારા જગતના જીવો ધર્મ કરવા માગે છે, પરંતુ તેઓને નથી પોતાના જીવતત્ત્વની પ્રતીત, નથી
પોતાના જ્ઞાનની પ્રતીત, નથી કેવળી ભગવાનની પ્રતીત, નથી સાચા ગુરુની ઓળખાણ. નથી સત્શાસ્ત્રના ભણકાર,
નથી કાંઈ પૂર્વ ભવના સંસ્કાર, એ જીવ ધર્મ ક્યાંથી લાવે? મૂળ તો જીવની પોતાની પાત્રતામાં જ ખામી છે. જો પાત્ર
થાય તો સત્ની પ્રાપ્તિ થયા વગર રહે નહિ. પોતાની બધી માન્યતા ઉપર મીંડા વાળીને જો પાત્ર થઈને સત્સમાગમ
કરે અને સત્નો મહિમા લાવીને સ્વભાવની રુચિનો પ્રયત્ન કરે તો જ અપૂર્વ સ્વભાવ

PDF/HTML Page 16 of 21
single page version

background image
દ્વિતીયશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૨૭ઃ
સમજાય અને ધર્મદશા પ્રગટે. એ સિવાય બીજું ગમે તેટલું કરી કરીને જિંદગી કાઢે તોપણ તેને ધર્મ થવાનો નથી,
જેવા ભાવે અનંત ભવ કર્યા એવી જ જાતનો તે ભાવ છે. એ ઊંધો ભાવ ફેરવીને અપૂર્વ સ્વભાવદશા પ્રગટ કર્યા
વગર જન્મમરણનો અંત આવે નહિ.
હું જીવ છું, મારામાં અજીવ નથી,
હું જીવ છું, મારામાં પુણ્ય–પાપ નથી,
હું જીવ છું, મારામાં સંસાર નથી,
હું જીવ છું મારે મોક્ષ જ છે–એમ સ્વભાવની પ્રતીત વગર ધર્મ નથી. કોઈ કહે કે ધર્મ તો કરીએ છીએ પણ
અમારૂં શું થાશે એની કાંઈ ખબર પડતી નથી.–તો એમ કહેનાર જીવે ધર્મ જ કર્યો નથી પરંતુ ધર્મના નામે અધર્મનું
જ સેવન કર્યું છે. ધર્મ કરે અને તેના ફળની શંકા રહ્યા કરે એમ બને જ નહિ.
સમ્યગ્દ્રષ્ટિ જીવની અપૂર્વ નિઃશંક દશા.
સમ્યગ્દર્શન થતાં જીવની કેવી અપૂર્વ દશા હોય છે તે સંબંધી શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–તે પવિત્રદર્શન થયા
પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, અભ્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી,
અંતરંગ મોહિની નથી...ચિરંકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભૂતસ્વરૂપ દર્શિતાની બલિહારી છે! વળી, જેના આત્મામાંથી
અનંતકાળનું ઊંધુંં પરિણમન ટળી ગયું છે અને સ્વભાવ તરફનું પરિણમન પ્રગટ થયું છે– ક્ષણે ક્ષણે અનંત શુદ્ધતા
વધતી જાય છે અને ક્ષણેક્ષણે અનંત કર્મોનો નાશ થાય છે,–તે આત્માને હવે સંસારમાં રખડવાની શંકા હોય એમ
બને જ કેમ?
આનંદ
આજે સમયસાર–પ્રતિષ્ઠાનો મંગળ દિવસ છે, સવારમાં મંગળિક તરીકે આનંદની વાત કરી છે. શ્રીજયધવલા
શાસ્ત્રમાં કહ્યું છે કે– દિવ્યધ્વનિની પરંપરાથી ગણધરાદિ સંતોને અંગ–પૂર્વોનો જે ઉપદેશ મળ્‌યો તે ‘પરમાનંદ’ છે,
કેમ કે તે પરમાનંદ થવામાં નિમિત્ત છે. ભગવાનની હયાતિમાં ગણધર વગેરે સંતોને સંપૂર્ણ પરમાનંદ પ્રાપ્ત થવાની
લાયકાત હતી અને તેમને નિમિત્તરૂપે ભગવાનની વાણી હતી, તેથી ભગવાનની વાણીની પરંપરામાં જે આગમ છે
તેને પરમાનંદ કહેવાય છે. અને ભગવાનની વાણીની પરંપરા સિવાયના પાછળથી સંત–મુનિઓએ રચેલાં આગમો
‘આનંદ માત્ર’ છે. કેમકે તે પણ એક દેશ આનંદ થવાનું નિમિત્ત છે. ભગવાનના વિરહ બાદ જીવોને સંપૂર્ણ પરમાનંદ
થવાની લાયકાત ન હતી, પણ અંશે આનંદ થવાની લાયકાત તો હતી, તે આનંદનું નોઆગમ આ સમયસાર છે. તેથી
તે સમયસારને પણ આનંદરૂપ કહેવાય છે. એક દેશ આનંદનું નિમિત્ત છે અને એકદેશ આનંદ પ્રગટે છે. આ
સમયસાર સમજે અને આનંદ ન પ્રગટે એ વાત વીતરાગના શાસનમાં નથી–અર્થાત્ સમયસાર સમજે તેને અવશ્ય
વીતરાગી આનંદ પ્રગટે જ. આત્માના આનંદમાં નિમિત્તરૂપ શાસ્ત્રોને પણ ‘આનંદ’ સંજ્ઞા આપી છે.
મને જીતનાર કોઈ નથી
નેપોલીયન બોનાપાર્ટ કહેતો હતો કે ‘અશક્ય’ શબ્દ મારા શબ્દકોષમાં છે જ નહિ. અર્થાત્ હું જેના ઉપર
વિજય ન મેળવી શકું એવું કોઈ છે જ નહિ. એ પોતાનું જ જોર ભાળે છે, પોતાના જોર પાસે બીજાના જોરને ગણતો
નથી. તેમ જે જીવ ચૈતન્ય સ્વભાવના પુરુષાર્થમાં જાગ્યો તે એમ પ્રતીત કરે છે કે હું સર્વે વિકારનો ક્ષય કરનાર છું,
મને જીતી જાય એવું કોઈ આ જગતમાં છે જ નહિ. સ્વભાવના જોર પાસે કોઈ વિકારનું કે કર્મોનું જોર માનતા જ
નથી. મારા સ્વભાવમાં કોઈ ઉપાધિભાવ નથી તેથી એ સ્વભાવની પ્રતીતમાં હવે કોઈ વિકાર થવાનો ભય નથી,
અને તેથી ભવમાં રખડવાની શંકા નથી.
પાંચ ભાવો
પાંચ ભાવોમાં જેને પારિણામિક સ્વભાવ ભાવ પ્રતીતમાં આવ્યો તેણે જ પાંચે ભાવોના સ્વરૂપને યથાર્થ
જાણ્યું છે. પણ જેને ત્રિકાળી સ્વભાવ ભાવની પ્રતીતિ બેઠી નથી તેણે એકેય ભાવને યથાર્થસ્વરૂપે જાણ્યો નથી. પાંચ
ભાવોમાં પારિણામિક ભાવ નિરપેક્ષ છે અને અન્ય ચારે ભાવો કર્મની ઉપાધિવાળા છે. ઔદયિકભાવમાં કર્મની
હાજરીની ઉપાધિ છે, ક્ષાયોપશમિકભાવમાં કર્મની કંઈક હાજરી અને કંઈક અભાવ એવી ઉપાધિ
(–અપેક્ષા) છે. એ ચારે ભાવો ક્ષણિક છે, તેના લક્ષે વિકલ્પ ટળતો નથી; અને ત્રિકાળી પારિણામિક સ્વભાવની
દ્રષ્ટિએ કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને વિકારનો નાશ–એવી દશા થાય જ, તે દશા પાછી ફરે નહિ.
આત્મામાં મંગળિક પ્રગટ કરવા ભવ્યજીવોએ શું કરવું?
જીવોએ પોતાના આત્મામાં મંગળિક પર્યાય પ્રગટ કરવા માટે શું કરવું? ચારે ભાવો કર્મની ઉપાધિવાળા છે
તે ઉપર જોવાનું છોડી દઈને પાંચમા પારિણામિકભાવ–

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૨૨૮ઃ આત્મધર્મઃ ૪૬
રૂપ ચૈતન્ય સ્વભાવમાં જ જોવાનું રહ્યું. એ સ્વભાવમાં વિકાર નથી, કર્મની ઉપાધિ નથી, વર્તમાન પણ તે
એકરૂપ શુદ્ધ છે, એ સ્વભાવના લક્ષે શુદ્ધપર્યાયની ઉત્પત્તિ થાય છે અને વિકારનો નાશ થાય છે; એ જ મંગળિક
છે. પર્યાયમાં વિકાર થાય છે પણ ત્રિકાળ સ્વભાવમાં વિકાર નથી. પોતાની પર્યાયમાં વિકાર હોવા છતાં ‘મારો
સ્વભાવ વિકાર રહિત છે’ એવું ભાન સાધક ધર્માત્માને જ હોય છે, અને તેઓ તે સ્વભાવની એકાગ્રતાના જોરે
વિકારનો નાશ કરે છે. કેવળીભગવાનને વિકાર હોતો જ નથી; અજ્ઞાનીને પર્યાયમાં વિકાર હોય છે પણ વિકાર
રહિત સ્વભાવનું ભાન હોતું નથી, તેથી તેને વિકાર કદી ટળતો નથી. જ્ઞાનીને પૂર્ણ અવિકારી સ્વભાવના લક્ષે
અવિકારી પણાનો અંશ પ્રગટયો છે, તે અંશ દ્વારા પૂર્ણ સ્વભાવની એકાગ્રતાવડે પૂર્ણતા પ્રગટ કરે જ. માટે ભવ્ય
જીવોએ પોતાના આત્મામાં મંગળિક પર્યાય પ્રગટ કરવા માટે, એ પાંચ ભાવોને ઓળખીને પારિણામિક
સ્વભાવનો પરમ મહિમા લાવીને તેમાં જ લીન થવું.
* * * * * *
તીર્થરાજ શ્રી સોનગઢમાં ધાર્મિક મહોત્સવ
ધર્મક્ષેત્ર સોનગઢ
સોનગઢમાં પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના પુનિત પ્રભાવે ભારતભરમાં આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનનો જે
પ્રચાર થઈ રહ્યો છે તેને લીધે સોનગઢ આજે જગપ્રસિદ્ધ બન્યું છે, અને તત્ત્વજ્ઞાનરસિક મુમુક્ષુઓની મીટ
તેના ઉપર મંડાયેલી છે. આજે તો જૈનશાસનની રાજધાની તરીકે સોનગઢને ઓળખાવીએ તો તે પણ
વ્યાજબી છે.
તીર્થધામ સુવર્ણપુરીમાં ઉજવાતા ધાર્મિક મહોત્સવને નજરે નિહાળનારને એમ લાગ્યા વગર રહેતું નથી
છે.
વિદ્વત્પરિષદ પ્રસંગે પધારેલા એક વિદ્વાન ભાઈએ તો કહ્યું હતું કે–સંસાર આજે કઈ દિશામાં જઈ રહ્યો છે
અને શું શું ઊથલ પાથલ થઈ રહી છે તેની સોનગઢમાં વસનારા મુમુક્ષુઓને જાણ નથી. એટલે કે ત્યાં આખોય દિવસ
તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ એવી બની રહે છે કે મુમુક્ષુઓ તેમાં જ રત રહે છે.
સોનગઢમાં શું શું છે?
(૧) શ્રી જિનમંદિરઃ–તેમાં મૂળનાયક તરીકે પરમ ઉપકારી શ્રી સીમંધર ભગવાનની ઉપશમરસ નીતરતી
પ્રતિમા બિરાજમાન છે. આ ઉપરાંત શ્રી શાંતિનાથપ્રભુ, પદ્મપ્રભુ, મહાવીરપ્રભુ, ઋષભદેવપ્રભુ અને પાર્શ્વનાથ
પ્રભુની મૂર્તિઓ પણ બિરાજમાન છે. ઉપરના ભાગમાં શ્રી નેમીનાથ ભગવાનની તીવ્ર વૈરાગ્ય મૂદ્રાવંત પ્રતિમા
શોભે છે.
(૨) શ્રી સમવસરણ મંદિર (ધર્મસભા)ઃ– જિનમંદિરની પાછળ અદ્ભુત સમવસરણની રચના છે, તેની
રચના ઘણી જ શોભાયમાન છે; શ્રી સીમંધરભગવાન પાસે મહાવિદેહમાં જઈને શ્રીકુંદકુંદાચાર્યદેવ તેઓશ્રીની
દિવ્યવાણી ઝીલી રહ્યા છે–એવું દ્રશ્ય તેમાં નજરે પડે છે; ઉપરાંત શ્રી ગણધરદેવ, સંતોના ટોળાં, દેવો–મનુષ્યો ને
તીર્યંચો શ્રોતાઓ વગેરે દ્રશ્યો છે.
(૩) શ્રી જૈનસ્વાધ્યાય મંદિરઃ–જેમાં હંમેશાં વ્યાખ્યાન થાય છે અને પૂ. ગુરુદેવશ્રી બિરાજમાન છે.
(૪) શ્રી સમયસાર–પ્રતિષ્ઠાઃ–શ્રી જૈનસ્વાધ્યાય મંદિરમાં વીતરાગદેવની સાક્ષાત્ વાણી સમાન્ પરમાગમ
શ્રી સમયસારજીની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તેમાં ચાંદીના પતરાં ઉપર કોતરેલું સમયસાર પણ છે. આ
“પ્રતિષ્ઠા–મંદિર” જોતાં જ એમ ખ્યાલમાં આવી જાય છે કે આખા ભારતમાં શ્રી સમયસાર પરમાગમની સર્વોત્કૃષ્ટ
ભક્તિ ને બહુમાન જો ક્યાંય હોય તો તે અહીં જ છે. અને જ્યારે સમયસાર ઉપર સદ્ગુરુદેવશ્રીના પ્રવચનોને
સાંભળીએ ત્યારે એમ ખ્યાલ આવે છે કે સમયસારમાં ભરેલા ઊંડા–ઊંડા તત્ત્વજ્ઞાનને સર્વોત્કૃષ્ટપણે વર્તમાનમાં
સમજવાનું સ્થાન સોનગઢ જ છે.
(પ) ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપઃ–શ્રીવીતરાગી સંત મુનિઓના પરમ જ્ઞાન–ધ્યાન–ભક્તિ અને
વૈરાગ્યમય દ્રશ્યોથી આ મંડપની ભવ્ય સજાવટ થઈ છે. આ મંડપની ધાર્મિક સજાવટ અથવા તો ‘ધર્મનું પ્રદર્શન’
જોઈને મુમુક્ષુઓનાં હૃદયોમાં આત્મિક ભાવનાની ઊર્મિઓ જાગ્યા વગર રહેતી નથી...શ્રોતાઓને માટે શ્રી
જૈનસ્વાધ્યાય મંદિર ટૂંકું પડયું અને આ નવો શ્રી–

PDF/HTML Page 18 of 21
single page version

background image
દ્વિતીયશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૨૯ઃ
મંડપ બંધાયો–એ જ એમ સૂચવે છે કે દિન પ્રતિદિન સત્ધર્મની પ્રભાવનામાં વૃદ્ધિ થઈ રહી છે અને જગતમાં સત્
સમજનારા મુમુક્ષુ જીવો હંમેશાં વધતા જાય છે.
(૬) શ્રી સરસ્વતી જ્ઞાન ભંડારઃ–શ્રી મંડપની અંદર જ આનો સમાવેશ થાય છે. જેમ જેમ સત્ના
જિજ્ઞાસુઓની સંખ્યા વધતી ગઈ તેમ તેમ સત્ શ્રુત શાસ્ત્રોનું પ્રકાશન પણ વિકાસ પામ્યું. અને તેને માટે પણ
જગ્યાની સંકડાશ થવા લાગી. તેથી આ મંડપમાં ૧૨ મોટા કબાટો રાખીને તેમાં શાસ્ત્ર ભંડાર રાખવામાં આવે છે.
ઉપરાંત શ્રી જૈનસ્વાધ્યાય મંદિરમાં પણ કબાટો છે, તેમાં વર્તમાનમાં પ્રાપ્ત જૈન શાસનના લગભગ બધા જ શાસ્ત્રો
છે, પૂ. ગુરુદેવશ્રીએ લગભગ એ બધા જ શાસ્ત્રો વાંચી લીધા છે.
(૭) શ્રી ખુશાલ જૈન અતિથિગૃહઃ–જેમાં મહેમાનોને માટે સગવડતા હોય છે.
(૮) શ્રી કુંદકુંદ મુમુક્ષુ નિવાસઃ–જેમાં મુમુક્ષુઓ વસી રહ્યાં છે.
આ બધા ઉપરાંત, સોનગઢની આસપાસ પણ સુંદરતા છે. જેને સહસ્ત્ર આમ્રવન (સહેસાવન) ની ઉપમા
મળી છે એવી આંબાવાડી છે,–કે જેમાં વિચરતી વખતે મુમુક્ષુના હૃદયમાં સંતોના સંસ્મરણ વિશેષપણે જાગે છે,–ને
જેમાં ગયા જેઠ સુદ ૧પ ને દિવસે ‘વનયાત્રા’ નો મહોત્સવ થયો હતો.
જિનમંદિરની અગાશીમાં ઊભા ઊભા જ તીક્ષ્ણ દ્રષ્ટિવાળાને દક્ષિણ દિશામાં માત્ર સાત ગાઉ પર આવેલ,
પાંડવાદિ સંતોના ચરણથી પાવન થયેલ શત્રુંજય તીર્થ દેખાય છે, અને તેની ઉપરના મંદિરો પણ દેખાય છે.
સોનગઢધામની મહત્તા માત્ર ત્યાંના આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનથી જ છે–કે જે તત્ત્વજ્ઞાન પૂ. ગુરુદેવશ્રી નિરંતર
સમજાવી રહ્યા છે. તેથી સોનગઢની ખરી શોભા તેઓશ્રીથી જ છે. તેઓશ્રીની છત્રછાયામાં તત્ત્વજ્ઞાનમય વાતાવરણ
આખોય દિવસ એવું જામેલું હોય છે કે સોનગઢમાં વસનાર મુમુક્ષુઓ સંસારની જંજાળોને ભૂલી જ જાય છે. તેઓશ્રી
જે અપૂર્વ તત્ત્વજ્ઞાન સમજાવે છે તે તત્ત્વજ્ઞાન સીધું આત્મ સ્વભાવને સ્પર્શનારૂં અને આખી દુનિયાથી જુદું છે.
* * * * *
बुधवार ता. १३–८–४७ थी ता. २०–८–४७ सुधीना दिवसो दरम्यान सोनगढमां धार्मिक महोत्सव
उजवायो हता
.
ए दिवसो दरमियान थएला कार्यक्रमनी टूंक माहिती अत्रे आपवामां आवे छे.
ઉત્સવના બધા દિવસો દરમિયાન સામાન્યપણે નીચે મુજબ કાર્યક્રમ હતો...
સવારે પ
।।।–૬ શ્રી દેવગુરુશાસ્ત્ર વંદન–ચર્ચા.
।।–૭।। શ્રી જિનમંદિરમાં પૂજન–સ્તવનાદિ
૮–૯ પૂજ્ય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન. (સમયસારજીમાં પુણ્ય–પાપ તથા આસ્રવ અધિકારમાંથી)
બપોરે ૧
।।–૨।। પહેલા ત્રણ દિવસ ઉપાદાન–નિમિત્તના દોહરાનું શ્રી રામજીભાઈએ વાંચન કરેલું, પછીના
દિવસોમાં પ્રવચનસાર હરિગીત તથા સમયસાર–હરિગીતની સ્વાધ્યાય.
૩–૪ પૂજ્ય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન. (પદ્મનંદી પંચવિંશતિ સૂત્રના दान अधिकार ઉપર)
પ–પ।।।.
।।।–૭ આરતિ (શ્રી જિનેન્દ્રદેવ, કુંદકુંદ આચાર્યદેવ તથા સત્શ્રુતની)
૭–૮ પ્રતિક્રમણ.
૮–૯ રાત્રિચર્ચા.
એ ઉપરાંત નીચેના ખાસ પ્રસંગો ઊજવાયા હતા–
સ્વતંત્રતાનો ધ્વજ
તા. ૧પમી એ ભગવાનશ્રી કુંદકુંદ–પ્રવચનમંડપ ઉપર કુંદકુંદ ભગવાને બતાવેલી स्वतंत्रतानो ध्वज વાજતે–
ગાજતે ચડાવવામાં આવ્યો હતો. અને તે પ્રસંગે “कुंदकुंद झंडा है हमारा...” એ સ્તવન ગાવામાં આવ્યું હતું.
આત્મસિદ્ધિ–સ્વાધ્યાય
તા. ૧૬મી એ રાત્રે ચર્ચાને બદલે આત્મસિદ્ધિની સ્વાધ્યાય કરવામાં આવી હતી.
પ૦૦૨) રૂ. નું દાન
તા. ૧૭મી એ બપોરે દાન અધિકારનું વ્યાખ્યાન સાંભળ્‌યા પછી, પોરબંદરના ભાઈશ્રી નેમિદાસ
ખુશાલભાઈએ પોતાના આંગણે પૂ. ગુરુદેવશ્રી વગેરેના આહારદાનનો લાભ મળ્‌યો તેના ઉલ્લાસથી પોતા તરફથી રૂ.
પ૦૦૨) ના દાનની જાહેરાત કરી હતી–જેમાં ૨પ૦૧) પોતાના નામથી, ને ૨પ૦૧) પોતાના ધર્મપત્નીના નામથી
આપ્યા હતા.

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૨૩૦ઃ આત્મધર્મઃ ૪૬
વઢવાણ શહેરમાં શ્રી જિનમંદિર અને શ્રી જૈનસ્વાધ્યાયમંદિરની તૈયારી
તા. ૧૮મીએ સવારના વ્યાખ્યાન પછી જાહેર કરવામાં આવ્યું હતું કે વઢવાણના મુમુક્ષુઓએ પોતાના ગામમાં
શ્રી જિનમંદિર તથા સ્વાધ્યાય મંદિર કરાવવા માટેના ફંડની શરૂઆત કરી છે, જેમાં રૂ. ૭૨૦૦) એકઠા થયા છે, અને
એ રકમ ઉપરાંત ત્યાંના એક સ્થાનિક મુમુક્ષુભાઈએ રૂ. ૭૦૦૦) રોકડા તથા લગભગ રૂ. ૩૦૦૦) ની કિંમતની
જમીન આપવા વચન આપ્યું છે.
શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા
તા. ૧૯મીએ સવારે વ્યાખ્યાન બાદ ૯ થી ૧૦ શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી હતી. રથયાત્રામાં ચાંદીની
પાલખીમાં બિરાજમાન જિનેન્દ્રદેવ, ઇન્દ્રધ્વજ, ચાંદીનાં અષ્ટમંગળ દ્રવ્યો, ચાંદીની આઠ છડીઓ, ચાંદીના ભરતથી
ભરેલા સિદ્ધાંત સૂત્રો, મુકુટબંધ ‘સદ્ધર્મ પ્રભાવક દુદુંભી મંડળી’ વગેરે–અને સકલ સંઘનો અત્યંત ઉત્સાહ–તેનાથી
રથયાત્રા ઘણી શોભી ઊઠતી હતી. રથયાત્રામાં ઉલ્લાસથી કેટલાક ભાઈઓ તો જિનેન્દ્રદેવ પાસે નાચી ઉઠતા
હતા...રથયાત્રા ફરીને જ્યારે જિનેન્દ્રદેવ જિનમંદિરમાં પધાર્યા ત્યારે તેમની સમીપે ભક્તિની મોટી ધૂન લેવામાં આવી
હતી, ને તે વખતે પ્રભુશ્રીની વીતરાગતા નીરખી–નીરખીને મુમુક્ષુ ભક્તોના હૃદયો નાચી ઊઠતાં હતાં.
શ્રુતજ્ઞાન પૂજન
તા. ૨૦મીએ સવારે વ્યાખ્યાન પછી તરત સકલ સંઘે શ્રુતજ્ઞાનપૂજન કર્યું હતું. એ વખતે ભાઈઓ
‘जयसमयसार’ नी ધૂન લેતા હતા, તે જોનારને આશ્ચર્યથી સમયસારનું બહુમાન થતું હતુંઃ વચ્ચમાં એક ચાંદીના
સિંહાસન ઉપર સમયસારજીને પધરાવીને મુમુક્ષુભાઈઓ તેની પ્રદક્ષિણા કરતા હતા અને વચ્ચમાં કોઈ કોઈ ભાઈઓ
સમયસારની સામે નાચી ઊઠતા હતા. તે વખતનું દ્રશ્ય ઘણું ઉલ્લાસમય અને ભક્તિપ્રેરક હતું.
પ્રતિક્રમણ
તા. ૨૦મીએ સાંજે પ।। થી ૮ સુધી સકલસંઘે પ્રતિક્રમણ કર્યું હતું; એ દિવસે ‘સર્વ સામાન્ય પ્રતિક્રમણ’ માં
છાપેલા બન્ને પ્રતિક્રમણ કરવામાં આવ્યાં હતાં પ્રતિક્રમણ ઘણી જ શાંતિથી થયું હતું. એ વખતે બધા ભાઈઓના
હાથમાં પુસ્તક રહેતું હોવાથી સર્વે પ્રતિક્રમણના ભાવોને બરાબર સમજી શકે છે.
શાસ્ત્રીજીની રથયાત્રા
તા. ૨૧મીએ સવારનું વ્યાખ્યાન બંધ હતું અને તે વખતે (૮ થી ૯) શાસ્ત્રજીની રથયાત્રા નીકળી હતી.
રથયાત્રા ફરીને આવ્યા બાદ સ્વાધ્યાય મંદિરમાં ‘मेरा जैनधर्म अणमोला...’ એ સ્તવન ગવાયું હતું, તે પછી પૂ.
ગુરુદેવશ્રીએ શ્રીજયધવલામાંથી મંગળિક સંભળાવ્યું હતું. ત્યારબાદ શ્રી સદ્ગુરુસ્તુતિ કરી હતી.
ગુરુદેવશ્રીએ ગવડાવેલી ભક્તિ
ભક્તિ એટલે પહેલું સ્વતન પૂ. ગુરુદેવશ્રીએ ગવડાવ્યું હતું...તે વખતે મુમુક્ષુઓ શાંતરસ નીતરતી ભક્તિમાં
મહાલતા હતા એ ભક્તિથી મુમુક્ષુઓમાં લીલાલ્હેર થઈ ગયા હતા.
એ રીતે ઉલ્લાસપૂર્વક ધર્મમહોત્સવ ઉજવાયો હતો.
સોનગઢમાં પુણ્યની વિશેષતા
ચોવીસે કલાક આત્મકલ્યાણની જ ભાવનાનું રટણ રહ્યા કરે, અને પરમ સત્ય તત્ત્વજ્ઞાનનો જ આદર તથા
બહુમાન રહ્યા કરે, વાતો કરે તો તત્ત્વની, વિચાર આવે તો તેની જ મુખ્યતાના, ને સ્વપ્નાં પણ તેને જ લગતાં,–એવી
હાલતમાં જે ઊંચા પુણ્ય બંધાઈ જાય છે તેવાં પુણ્ય પણ બીજે ક્યાં હશે? અને સત્ અસત્નો વિવેક કરીને સમજે છે
તે તો અપૂર્વ કલ્યાણનું કારણ છે. મોટો ફેર એ છે કે તેઓ તે પુણ્યમાં ધર્મ માનતા નથી, તેની રુચિ કરતા નથી. વળી
એવી જ રીતે સત્ સમજવા તરફનો વિકલ્પ, સત્દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ–બહુમાન અને ઊચ્ચ ભાવના રહ્યા કરે તે
શું વ્યવહાર નથી? સોનગઢમાં છે તેવો સદ્ વ્યવહાર પણ બીજે નહિ હોય! પરંતુ, તે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે–
એવી મિથ્યા માન્યતા તેઓ માનતા નથી. પુણ્ય અને વ્યવહાર તથા તેનાં નિમિત્તો–એ તો બધું છે પરંતુ તેનાથી
આત્માનો ધર્મ થશે–એવી માન્યતાનો નિષેધ છે.–ધર્મ તો આત્માનો શુદ્ધ સ્વભાવ ઓળખવાથી જ થાય છે. જ્ઞાનીઓ
પહેલાં પુણ્ય છોડાવતાં નથી પરંતુ પુણ્યની રુચિ છોડાવે છે, પુણ્યની ભાવના અથવા તો પુણ્યથી ધર્મ થાય–એવી
મિથ્યા માન્યતા જ છોડાવે છે.
ગુરુદેવશ્રીનો ઉપકાર
આ રીતે, ધર્મક્ષેત્ર સોનગઢમાં ઉલ્લાસપૂર્વક જે ધર્મ મહોત્સવો ઊજવાય છે તે અપૂર્વ ધર્મના માહાત્મ્યનું
ભાન કરાવનાર તો પૂજ્ય ગુરુદેવશ્રી જ છે. તેઓશ્રીની પરમ કરૂણાવડે જે સત્ધર્મની પ્રભાવના થઈ રહી છે તે
પ્રગટ છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
દ્વિતીયશ્રાવણઃ૨૪૭૩ઃ ૨૩૧ઃ
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી સુવર્ણપુરીમાં હંમેશા ધર્મનો ઉપદેશ આપીને શાસન પર અપાર ઉપકાર કરી રહ્યા છે.
તેમની વાણી સાંભળનાર જિજ્ઞાસુઓનાં જીવન પલટાઈ જાય છે. તેઓશ્રીની વાણી મુમુક્ષુઓને મોક્ષ પામવા માટે જાગૃત
કરે છે. તેમના ઉપદેશનો મૂળ પાયો એ છે કે તમે આત્માની સાચી સમજણનો ઉપાય કરો, અનાદિના અસત્નું સેવન છોડો.
અહો, મુમુક્ષુઓનાં મહા સદ્ભાગ્યે આ પંચમકાળમાં અજોડ ગુરુદેવશ્રી મળી ગયાં છે...ભરતક્ષેત્રમાં ધર્મકાળ
વર્તાવીને અમારા જેવા પામર જીવોનો ઉદ્ધાર કરનાર હે સદ્ગુરુદેવ! આપ ત્રિકાળ જયવંત વર્તો, આપના
ચરણારવિંદમાં અમારા નમસ્કાર હો.
(અનુસંધાન પાના નં. ૨૧૪ થી ચાલુ.)
૪. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. પ. ગ્રહે નહિ પરમાર્થને લેવા લૌકિક માન.
(૨) અર્થ આપી સમજાવોઃ–. ૧. સદ્વ્યવહાર, ૨. જિનદેહ, ૩. અલ્પપ્રયાસે, ૪. સ્વચ્છંદ, પ. સમક્તિ. ૧૦
. આખી ગાથા પૂરી કરોઃ ......... પામ્યા એમ અનંત છે...
’ વર્ગના પ્રશ્નોના જવાબ
જવાબ (૧)–જેનામાં ચેતનાગુણ હોય તેને જીવદ્રવ્ય કહે છે; જીવદ્રવ્ય અનંતાનંત છે અને તે આખા લોકાકાશમાં
રહેલાં છે. એક જીવને લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશ હોય છે, સંકોચવિકાસ અપેક્ષાએ તે વર્તમાન શરીર પ્રમાણ છે,
સમુદ્ઘાત અપેક્ષાએ લોકાકાશ જેવડો છે અને સિદ્ધદશામાં જીવનો આકાર લગભગ છેલ્લા શરીર જેવડો હોય છે.
જવાબ (૨) જે પુદ્ગલસ્કંધો કર્મરૂપે પરિણમે તેને કાર્મણવર્ગણા કહેવાય છે અને જ્ઞાનાવરણાદિ કર્મોના સમૂહને
કાર્મણશરીર કહે છે. એમાં ફેર એટલો છે કે કાર્મણશરીરમાં તો પુદ્ગલસ્કંધો કર્મરૂપે પરિણમી ગયા છે, અને
કાર્મણવર્ગણાના સ્કંધો વર્તમાનમાં કર્મરૂપે પરિણમ્યા નથી પણ ભવિષ્યમાં કર્મરૂપે થવાની તેનામાં લાયકાત છે.
જવાબ (૩)–શરીર, ભાષા અને મન એ ત્રણે જડ છે, કેમકે તેઓ પુદ્ગલસ્કંધોનાં બનેલાં છે, તેનામાં જ્ઞાન
નથી. શરીર તે આહારવર્ગણા સ્કંધોનું બનેલું છે, ભાષા તે ભાષાવર્ગણાના સ્કંધોની બનેલી છે અને મન તે
મનોવર્ગણાના સ્કંધોનું બનેલું છે. માટે તે ત્રણે જડ છે.
જવાબ (૪)–દરેક દ્રવ્યમાં પ્રદેશત્વ ગુણ હોવાથી તેનો આકાર અવશ્ય હોય છે. અને દરેક દ્રવ્યમાં
પ્રમેયત્વગુણ છે તે એમ બતાવે છે કે દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય છે.
જવાબ (પ)કેવળજ્ઞાન–ત્રણકાળ ત્રણલોકના સર્વ પદાર્થોને એક સાથે જે પ્રત્યક્ષ જાણે તે જ્ઞાનને
કેવળજ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન એટલે પુરેપુરું જ્ઞાન.
અંતનું શરીર–છેલ્લું શરીર. જીવને સિદ્ધદશા થતાં પહેલાં જે શરીર હોય તે શરીરને અંતનું શરીર કહેવાય છે.
અર્થક્રિયા–પ્રયોજનભૂત ક્રિયા; દરેક વસ્તુમાં વસ્તુત્વ નામનો ગુણ હોવાથી દરેક વસ્તુમાં અર્થ ક્રિયા હોય છે.
જેમ પાણીને ધારણ કરવાની ક્રિયા તે ઘડાની અર્થક્રિયા કહેવાય છે તેમ પોતાના ગુણોએ પર્યાયને ધારણ કરવી તે
દરેક દ્રવ્યની અર્થક્રિયા છે. પોતાની મોક્ષપર્યાય ધારણ કરવી તે જીવની શુદ્ધ અર્થક્રિયા છે.
(આત્મસિદ્ધિ)
જવાબ (૧) ૧. પ્રત્યક્ષ સદ્ગુરુ સમાન પરોક્ષ જિનભગવાનનો ઉપકાર નથી. કેમકે પ્રત્યક્ષસદ્ગુરુ પાસેથી
તો ઉપદેશાદિનો લાભ મળી શકે છે, વળી જિનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ સમજાવનાર પણ સદ્ગુરુ છે. સદ્ગુરુના ઉપદેશ
વગર જિનનું સ્વરૂપ સમજાય નહિ. (૨) જીવ અનાદિથી પોતાની ઊંધી માન્યતાથી સ્વછંદે વર્તી રહ્યો છે; જો તે
સ્વછંદ છોડીને સદ્ગુરુ કહે તેમ સમજે તો તેનું અજ્ઞાન ટળે અને તેનો જરૂર મોક્ષ થાય. (૩) માન કષાય તે જીવનો
મહા શત્રુ છે; મને ઘણું જ્ઞાન છે–ઇત્યાદિ પ્રકારે જીવ માન કરે છે, તે માનનો નાશ સદ્ગુરુના શરણથી થાય છે, પણ
પોતાના સ્વછંદે માન ટળતું નથી. સદ્ગુરુના સમાગમથી પોતે પોતાના દોષોને ઓળખીને તે ટાળી શકે છે. (૪)
અજ્ઞાની મતાર્થી જીવ સદ્ગુરુ પાસેથી સત્ સાંભળવા છતાં પોતાની ઊંધી માન્યતા છોડે જ નહિ, અને અંતરથી તેનો
વિરોધ કરે. ‘હું કંઈક જાણું છું’ એવું અભિમાન કરીને સ્વછંદી જીવ સદ્ગુરુની આજ્ઞાથી વિરૂદ્ધ વર્તે છે. (પ) મતાર્થી
જીવો પોતાના પરિણામને તો જાણતા નથી અને ‘હું વ્રત કરું છું’ એવું મિથ્યા અભિમાન સેવે છે. પરંતુ સદ્ગુરુએ
બતાવેલો સાચો પરમાર્થ માર્ગ તેને તે ગ્રહણ કરતા નથી; લૌકિક માન લેવા ખાતર વ્રતાદિનું અભિમાન છોડતા નથી.
જો સાચી સમજણ કરે અને વ્રતાદિનું અભિમાન મૂકી દે તો લૌકિકમાં તેનું માન રહે નહિ, તેથી મતાર્થી જીવ સાચા
માર્ગને માનતા નથી.
જવાબ (૨) ૧. સદ્વ્યવહાર–સાચો વ્યવહાર; જે આત્માના પરમાર્થ સ્વભાવને બતાવનાર હોય તેને
સદ્વ્યવહાર કહેવાય છે. તત્ત્વના અભ્યાસનો સત્ય પુરુષાર્થ તે સદ્વ્યવહાર છે. ૨. જિનદેહ–જિનેન્દ્રભગવાનનું શરીર;
જિનેન્દ્ર ભગવાનના શરીરનું વર્ણન તે આત્માનું વર્ણન નથી, પણ શરીરના ગુણોથી આત્માના ગુણ જુદા છે.