Atmadharma magazine - Ank 054
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૫
સળંગ અંક ૦૫૪
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ પાંચમું : સંપાદક : ચૈત્ર
રામજી માણેકચંદ દોશી
અંક છઠ્ઠો વકીલ ૨૪૭૪
ભેદવિજ્ઞાનીનો અભિપ્રાય
આત્માનું લક્ષણ ચૈતન્ય છે, ચૈતન્યનો સ્વભાવ માત્ર જાણવાનો છે.
‘આ સારું કે આ ખરાબ’ એવી વૃત્તિ પણ ચૈતન્યમાં નથી. જેમ આંખ પર
દ્રવ્યોથી ભિન્ન રહીને તેને જાણે છે, પણ પરદ્રવ્યોમાં કાંઈ કરતી નથી, તેમ જ્ઞાન
પણ પરને જાણે છે, પરંતુ તેમાં કાંઈ જ કરતું નથી. બંગાળ પ્રાંતમાં અનાજ
સડી ગયું અને ઘણા માણસો મરી ગયા, ત્યાં અમુક માણસોએ ધ્યાન ન રાખ્યું
અને બેદરકારી કરી તેથી એવું બન્યું–એમ અજ્ઞાની માને છે, પણ ખરેખર તેમ
નથી. અનાજ સડયું અને માણસો મરી ગયાં તે કોઈની બેદરકારીને કારણે થયું
નથી, પરંતુ એકે એક દાણો તેના પોતાના કારણે પરિણમીને સડી ગયો છે અને
જે માણસો મરી ગયા તે તેમનું આયુષ્ય પૂર્ણ થવાથી જ મર્યા છે, તેમાં કોઈ
ફેરફાર કરવા સમર્થ નથી. કોઈ પણ જીવ પોતાના ભાવ સિવાય અન્યમાં શું
કરી શકે છે? કાંઈ જ કરી શકે નહિ. ‘અનાજ ન સડે અને માણસો ન મરે’
એવો ભાવ માત્ર જીવ કરી શકે, પરંતુ તે પરદ્રવ્યોની ક્રિયામાં કાંઈ પણ ફેરફાર
કરી શકે નહિ. હે ભાઈ! બહારના દ્રવ્યોનું તો જેમ થવાનું તેમ જ થવાનું, તારા
જ્ઞાનનો સ્વભાવ તો જાણવાનો જ છે. જુઓ તો ખરા, આમાં જ્ઞાનની કેટલી
શાંતિ! જ્ઞાનને કોઈ વિઘ્ન કરનાર નથી અને કોઈ મદદગાર નથી. જેણે આવો
જ્ઞાનસ્વભાવ સ્વીકાર્યો તેને અભિપ્રાયમાંથી તો સર્વ રાગ–દ્વેષ બંધભાવ ટળી
ગયા એટલે કે અભિપ્રાયથી તો તે મુક્ત થયો; હવે તે જ અભિપ્રાયના જોરે
અલ્પકાળે બંધભાવોને સર્વથા છેદીને મુક્ત થશે.
[શ્રી સમયસાર મોક્ષ અધિકાર ઉપરના વ્યાખ્યાનમાંથી]
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
આત્મધર્મ કાર્યાલય – મોટાઆંકડીયા – કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
: ૮૨ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૭૪

વર્ષ પાંચમું : સળંગ અંક : ચૈત્ર
અંક છઠ્ઠો : ૫૪ : ૨૪૭૪
અષ્ટપ્રાભૃત – પ્રવચન
લેખાંક : ૯
[શ્રી અષ્ટપ્રાભૃત ઉપર પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીના વ્યાખ્યાનોનો ટૂંકસાર. : આત્મધર્મ અંક ૫૩ થી ચાલુ]
હે જીવો, આટલું તો અવશ્ય કરો.
[ગાથા–૨૨]
(૧૮૯) આચાર્યદેવ ભલામણ કરે છે કે સાચી શ્રદ્ધા અવશ્ય કરજે
આ ગાથા ઘણી સુંદર છે. આ ગાથામાં આચાર્યદેવ સમ્યગ્દર્શન ઉપર ખાસ ભાર મૂકીને જણાવે છે કે હે
ભવ્ય! જો તારાથી થઈ શકે તો શ્રદ્ધાપૂર્વક ચારિત્ર પણ કરજે, અને જો તારાથી ચારિત્રાદિ ન થઈ શકે તોપણ
સ્વભાવની શ્રદ્ધા તો અવશ્ય કરજે. સ્વભાવની શ્રદ્ધાથી તારૂં સમ્યગ્દર્શન ટકી રહેશે અને આત્મકલ્યાણ થશે. પણ
જો સ્વભાવની શ્રદ્ધા નહિ કર તો અનંત જન્મ–મરણમાં ક્યાંય ઊગારો થવાનો નથી.
जं सक्कइ तं कीरइ जं च ण सक्केइ तं च सद्दहणं।
केवलिजिणेहिं भणियं सद्दहमाणस्स सम्मत्तं।।२२।।
હે જીવ! જે પ્રમાણે અમે મોક્ષમાર્ગ કહ્યો તે પ્રમાણે દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરવા તું સમર્થ હોય તો
તેમ કરજે. અને તે પરિપૂર્ણ કરવા સમર્થ ન હો તોપણ તેનું શ્રદ્ધાન તો અવશ્ય કરજે. કેમકે કેવળીભગવાને સાચી
શ્રદ્ધા કરવાવાળાને પણ સમ્યગ્દર્શન કહ્યું છે. તારાથી બધું ન કરી શકાય તોપણ શ્રદ્ધામાં તો સત્ને જ સ્વીકારજે,
પણ અન્યથા માનીશ નહિ.
(૧૯૦) વ્રતાદિ ન હોવા છતાં આરાધકપણું
આખી જિંદગી સુધી વ્રત, તપ ન કરી શકે, આસક્તિભાવ ન છોડી શકે, ત્યાગ ન કરી શકે અને વિશેષ
ચારિત્રદશા ન કરી શકે છતાં જે જીવ શુદ્ધ સમ્યગ્દર્શન ટકાવી રાખે છે તે જીવ આરાધક છે અને અલ્પકાળે તે
મુક્તિ પામે છે; પરંતુ જે જીવ ઊંધી શ્રદ્ધા કરે છે તે જીવ વિરાધક થઈને અનંતકાળ સંસારમાં ભટકે છે. ચોથા
ગુણસ્થાને વ્રતાદિ ન હોવા છતાં શુદ્ધ સમ્યગ્દર્શન હજારો ને કરોડો વર્ષ સુધી હોય છે.
(૧૯૧) સમ્યગ્દર્શનનો સ્વભાવ
અહીં આચાર્યદેવ સમ્યગ્દર્શન ઉપર ખાસ ભાર મૂકીને કહે છે કે હે ભાઈ, તારાથી વિશેષ ન થાય તોપણ
ઓછામાં ઓછું તું સમ્યગ્દર્શન તો અવશ્ય રાખજે. જો એનાથી તું ભ્રષ્ટ થઈશ તો કોઈ રીતે તારું કલ્યાણ થવાનું
નથી. ચારિત્ર કરતાં સમ્યગ્દર્શનમાં અલ્પ પુરુષાર્થ છે, માટે તું એ સમ્યગ્દર્શન તો અવશ્ય કરજે. સમ્યગ્દર્શનનો
એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પકાળે મુક્તદશા પ્રગટ કરે છે,
જીવને તે લાંબો કાળ સંસારમાં રહેવા દેતું નથી. આત્મકલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રની એકતા તે પૂર્ણ મોક્ષમાર્ગ છે. હે ભાઈ, જો તારાથી સમ્યગ્દર્શનપૂર્વક રાગ છોડીને ચારિત્ર દશા પ્રગટ
થઈ શકે તો તો તે ઉત્તમ છે–અને એ જ કરવાયોગ્ય છે, પણ જો તારાથી ચારિત્રદશા પ્રગટ ન થઈ શકે તો
છેવટમાં છેવટ તારા આત્મસ્વભાવની યથાર્થ શ્રદ્ધા તો જરૂર કરજે. એ શ્રદ્ધા માત્રથી પણ અવશ્ય તારું કલ્યાણ
થશે. જો ચારિત્ર ન થઈ શકે, તો શ્રદ્ધામાં બીજું માનીશ નહિ.
(૧૯૨) સમ્યક્ચારિત્ર અને સમ્યક્શ્રદ્ધા
અહીં એમ ન સમજવું કે સમ્યક્ચારિત્ર કરવાની ના પાડી છે. સમ્યગ્દર્શન સહિત જો સમ્યક્ચારિત્ર થાય
તો એ ઉત્તમ છે; પરંતુ કોઈ જીવને સમ્યક્ચારિત્ર ન થઈ શકતું હોય અને તેથી તે સમ્યગ્દર્શનનો પુરુષાર્થ પણ ન
કરતો હોય તો એવા જીવને કહે છે કે હે ભાઈ, સમ્યક્ચારિત્ર ન હોવા છતાં સમ્યગ્દર્શન થઈ શકે છે, માટે જો
તારાથી સમ્યક્ચારિત્ર ન થતું હોય તો તું સમ્યગ્દર્શન તો અવશ્ય પ્રગટ કરજે. સમ્યગ્દર્શન માત્રથી પણ તારું
આરાધકપણું ચાલુ રહેશે. વીતરાગદેવે કહેલા વ્યવહારની લાગણી ઊઠે તેને પણ બંધન માનજે. પર્યાયમાં રાગ
થાય છતાં એમ પ્રતીત રાખજે કે રાગ મારો સ્વભાવ નથી; અને એ રાગવડે મને ધર્મ નથી. આમ

PDF/HTML Page 4 of 17
single page version

background image
ચૈત્ર : ૨૪૭૪ આત્મધર્મ : ૮૩ :
રાગરહિત સ્વભાવની શ્રદ્ધા પૂર્વક જો રાગરહિત ચારિત્રદશા થઈ શકે તો તો તે પ્રગટ કરીને સ્વરૂપમાં ઠરી જજે;
પણ જો તેમ ન થઈ શકે અને રાગ રહી જાય તો તે રાગને મોક્ષનો હેતુ ન માનીશ, રાગથી ભિન્ન તારા ચૈતન્ય
સ્વભાવની શ્રદ્ધા રાખજે.
(૧૯૩) રાગ હોવા છતાં રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થાય?
કોઈ એમ માને કે પર્યાયમાં રાગ હોય ત્યાં સુધી રાગરહિત સ્વભાવની શ્રધ્ધા કેમ થઈ શકે? પહેલાંં રાગ
ટળી જાય પછી રાગરહિત સ્વભાવની શ્રધ્ધા થાય.–એ રીતે જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યક્શ્રદ્ધા
પણ કરતો નથી તેને આચાર્યભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાયદ્રષ્ટિથી રાગને તારૂં સ્વરૂપ માની રહ્યો છે.
પણ પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવદ્રષ્ટિથી જો તો તારા રાગરહિત સ્વરૂપનો તને
અનુભવ થાય. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગરહિત ત્રિકાળી સ્વભાવ છે, માટે પર્યાયદ્રષ્ટિ
છોડીને તારા રાગ–રહિત સ્વભાવની તું પ્રતીતિ રાખજે; એ પ્રતીતિના જોરે રાગ અલ્પકાળે ટળી જશે, પણ એ
પ્રતીતિ વગર રાગ કદી ટળવાનો નથી.
(૧૯૪) પહેલાંં સાચી શ્રદ્ધા અને પછી વીતરાગતા
‘પહેલાંં રાગ ટળી જાય તો હું રાગરહિત સ્વભાવની શ્રધ્ધા કરું’ – એમ નહિ પણ આચાર્યદેવ કહે છે કે
પહેલાંં તું રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કર તો તે સ્વભાવની એકાગ્રતા વડે રાગ ટળે. ‘રાગ ટળે તો શ્રદ્ધા કરું –
એટલે કે પર્યાય સુધરે તો દ્રવ્યને માનું’ એવી જેની માન્યતા છે તે જીવ પર્યાયદ્રષ્ટિ છે – પર્યાય મૂઢ છે, તેને
સ્વભાવ દ્રષ્ટિ નથી; અને તે મોક્ષમાર્ગના ક્રમને જાણતો નથી, કેમકે તે સમ્યક્શ્રદ્ધા પહેલાંં સમ્યક્ચારિત્ર ઈચ્છે છે.
‘રાગરહિત સ્વભાવની પ્રતીતિ કરું તો રાગ ટળે’ એવા અભિપ્રાયમાં દ્રવ્યદ્રષ્ટિ છે; અને દ્રવ્યદ્રષ્ટિના જોરે
પર્યાયમાં નિર્મળતા પ્રગટે છે. મારો સ્વભાવ રાગરહિત છે એવા વીતરાગી અભિપ્રાય પૂર્વક (–સ્વભાવના લક્ષે
અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિથી) જે પરિણમન થયું તેમાં ક્ષણે ક્ષણે રાગ તૂટતો જાય છે અને રાગનો અલ્પકાળે નાશ થાય
છે; એ સમ્યક્દર્શનનો મહિમા છે. પણ જો પર્યાયદ્રષ્ટિ જ રાખીને પોતાને રાગવાળો માની લ્યે તો રાગ ટળે કઈ
રીતે? હું રાગી છું એવા રાગીપણાના અભિપ્રાય પૂર્વક (–વિકારના લક્ષે અર્થાત્ પર્યાયદ્રષ્ટિથી) જે પરિણમન
થાય તેમાં તો રાગની જ ઉત્પત્તિ થયા કરે, પણ રાગ ટળે નહિ. તેથી, પર્યાયમાં રાગ હોવા છતાં તે જ વખતે
પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવદ્રષ્ટિથી રાગરહિત ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરવાનું આચાર્યભગવાન જણાવે છે; અને
એ જ મોક્ષ માર્ગનો ક્રમ છે.
આત્મધર્મના ગ્રાહકોને ભેટ
ગાંધી નંદલાલ રાયચંદ–બોટાદ તરફથી તેમની સદ્ગત પુત્રી પ્રિયવંદાના સ્મરણાર્થે સામાયિક પાઠ
આત્મધર્મના તમામ ગ્રાહકોને ભેટ આપેલ છે જે બધા ગ્રાહકોને મોકલી આપવામાં આવેલ છે.
ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ–રાજકોટ તરફથી ‘મોક્ષમાર્ગ પ્રકાશકના કિરણો’ આત્મધર્મના
તમામ ગ્રાહકોને ભેટ આપેલ છે જે બધા ગ્રાહકોને મોકલી આપવામાં આવેલ છે.
ઉપર પ્રમાણે આ વર્ષે આત્મધર્મના ગ્રાહકોને બે સારા ગ્રંથો ભેટ રૂપે મળેલ છે. ભેટ આપનાર
બંધુઓની સદ્ધર્મ પ્રચારની ભાવના ખરેખર પ્રશંસનીય છે.
(૧૯૫) આત્માર્થીનું પહેલું કર્તવ્ય
આત્માર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે પર્યાયમાં રાગ ન છૂટી શકે તો પણ ‘મારું સ્વરૂપ રાગરહિત જ છે’
એવી શ્રદ્ધા તો અવશ્ય કરે. મારા સ્વરૂપમાં રાગ નથી એવી જો જીવ શ્રદ્ધા કરે તો તેને રાગ ટાળવાનો પુરુષાર્થ
પ્રગટી શકે. પણ જે જીવ પોતાના રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરવાની ના પાડે છે અને રાગને જ પોતાનું
સ્વરૂપ માનીને ત્યાં એકાકાર થઈ રહ્યો છે તે જીવ પોતાના શુદ્ધ સ્વભાવનો અનાદર કરીને અને વિકારનો આદર
કરીને સંસારમાં જ ભમે છે. અને જેણે રાગરહિત સ્વભાવની શ્રદ્ધા કરી છે એવો જીવ સ્વભાવનો આદર કરીને
અને વિકારનો અનાદર કરીને અલ્પકાળે સિદ્ધિ (–મુક્તિ) પામે છે. માટે સાચી શ્રદ્ધા એ જ ધર્મનું મૂળિયું છે,
દરેક આત્માર્થીઓએ સૌથી પહેલાંં સાચી શ્રદ્ધા તો અવશ્ય કરવી જોઈએ.
(૧૯૬) જેવો અભિપ્રાય તે તરફનું પરિણમન
‘મારામાં રાગાદિ વિકારની અસ્તિ છે’ એવી માન્યતા વાળો જીવ રાગની નાસ્તિ કોના લક્ષે કરશે?
એની દ્રષ્ટિ જ વિકારમાં અટકેલી હોવાથી તે વિકારની નાસ્તિ કરી શકશે નહિ. અને ‘મારા સ્વભાવભાવમાં
રાગાદિ વિકારની નાસ્તિ જ છે’ એવી માન્યતાવાળો જીવ સ્વભાવદ્રષ્ટિના જોરે એકાગ્રતા કરીને રાગની નાસ્તિ
કરશે. જેવો અભિપ્રાય કરે તે તરફનું પરિણમન થાય. જો જ્ઞાનસ્વભાવ સાથે એકતાનો અભિપ્રાય કરે તો તેનું
પરિણમન જ્ઞાનમય થતું જાય. અને જો વિકાર સાથે એકતાનો અભિપ્રાય કરે

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૮૪ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૭૪
તો તેનું પરિણમન વિકારી થતું જાય. માટે પહેલાંં સ્વભાવની શ્રદ્ધા કરવી તે જ વીતરાગતાનો મૂળ ઉપાય છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવો અભિપ્રાય અપેક્ષાએ વીતરાગ છે, અને તે જ અભિપ્રાયપૂર્વકના વિશેષ પરિણમનથી ચારિત્ર
અપેક્ષાએ વીતરાગતા પ્રગટે છે. પહેલાંં અભિપ્રાય અપેક્ષાએ વીતરાગતા પ્રગટ્યા વગર કોઈ જીવને ચારિત્ર
અપેક્ષાએ વીતરાગતા પ્રગટે નહિ. એટલે કે સમ્યગ્દર્શન વગર કદી પણ સમ્યક્ચારિત્ર પ્રગટે નહિ.
(૧૯૭) શ્રદ્ધાગુણ ચારિત્રગુણના કાર્યની ભિન્નતા
‘રાગરહિત ચારિત્રદશા પ્રગટે ત્યારે જ સાચી શ્રદ્ધા થઈ કહેવાય, પણ જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી
રાગ–રહિતપણાની શ્રદ્ધા થઈ શકે નહિ’ એમ જે માને છે તે જીવે આત્માના શ્રદ્ધા–ગુણને અને ચારિત્રગુણને
સ્વીકાર્યા નથી–એટલે ખરેખર તેણે આત્માને જ સ્વીકાર્યો નથી; તેની દ્રષ્ટિ રાગ ઉપર છે પણ આત્મસ્વભાવ
ઉપર નથી. રાગ વખતે પણ તારો આત્મસ્વભાવ શું નાશ પામી ગયો છે? –સ્વભાવ તો ત્રિકાળ છે, તો જે
સ્વભાવ છે તે સ્વભાવની શ્રદ્ધા થઈ શકે છે. પર્યાયમાં રાગ હોવા છતાં તે પર્યાયની દ્રષ્ટિ છોડીને સ્વભાવની
દ્રષ્ટિથી સમ્યગ્દર્શન પ્રગટ થઈ શકે છે. રાગ હોય ત્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય એમ જેણે માન્યું છે તેણે
ચારિત્રગુણનું અને શ્રદ્ધાગુણનું કાર્ય એક જ માન્યું છે, પણ શ્રદ્ધાના ભિન્ન કાર્યને માન્યું નથી એટલે કે શ્રદ્ધા
ગુણને જ માન્યો નથી.
(૧૯૮) રાગનો ત્યાગ કોણ કરી શકે?
તીર્થંકર નામકર્મના કારણરૂપ જે સોળ ભાવનાઓ છે તેમાં સૌથી પહેલાંં જ ‘દર્શનવિશુદ્ધિ’ કહી છે કેમ કે
બધામાં તે મુખ્ય છે; તે તો અવશ્ય હોવી જ જોઈએ. તે ભાવનાઓમાં જ્યાં ત્યાગ અને તપ આવે છે ત્યાં
शक्तिः त्याग तप એટલે કે શક્તિ પ્રમાણે ત્યાગ અને તપ’ એમ કહ્યું છે. જેને પોતાની સંપૂર્ણ રાગરહિત
શક્તિનું ભાન હોય તેને પોતાની પર્યાયમાં કેટલા ત્યાગની શક્તિ છે તેના પ્રમાણની ખબર પડે. પરંતુ જેણે હજી
સંપૂર્ણ રાગરહિત અરાગી આત્મશક્તિને જાણી જ નથી તેને રાગનો ત્યાગ કેવો? રાગથી ભિન્ન સ્વભાવ શું
અને રાગ શું–એના ભિન્ન ભિન્ન સ્વરૂપને જાણે તો સ્વભાવની એકાગ્રતાવડે રાગનો ત્યાગ કરે. પણ જે રાગ
અને આત્માને એક પણે જ માની રહ્યો છે તે જીવ રાગનો ત્યાગ કેવી રીતે કરે? શુભરાગ આત્માના અરાગી
સ્વભાવને મદદ કરે એ માન્યતા અભવ્ય જેવી છે, અભવ્ય પણ એવું તો માને છે. જો અભવ્ય જીવને ધર્મ થાય
તો, ‘રાગથી આત્માને લાભ થાય’ એવી માન્યતાવાળાને ધર્મ થાય.
(૧૯૯) પરવસ્તુ આત્માને લાભ–નુકશાન કેમ ન કરી શકે?
આત્માના સ્વભાવમાં પર દ્રવ્યોનો અત્યંત અભાવ છે. અભાવ શું કરી શકે? જો ‘સસલાના શીંગડા’
કોઈને લાગે તો પર વસ્તુ આત્માને લાભ–નુકશાન કરે; પરંતુ જેમ સસલાના શીંગડાનો આ જગતમાં અભાવ
છે, તેથી ‘સસલાના શીંગડા મને લાગ્યા’ એમ કોઈ માનતું નથી અથવા તો ‘હું સસલાના શીંગડા કાપું છું’ એમ
કોઈ માનતું નથી. તેવી રીતે આત્માના સ્વભાવમાં બધી વસ્તુઓનો, અત્યંત અભાવ જ છે, તેથી તે વસ્તુઓ
સાથે આત્માને કાંઈ લાગતું–વળગતું નથી એટલે કે કોઈ પણ પર વસ્તુ આત્માને લાભ કે નુકશાન કરી જ
શકતી નથી. વળી જે રાગ થાય છે તેનો પણ આત્માના ત્રિકાળીસ્વભાવમાં અભાવ છે, અને પહેલા સમયના
રાગનો પછીના સમયે અભાવ છે, તો તે રાગ આત્માને શું લાભ કરે? રાગ આત્માના સ્વભાવમાં લાભ કરતો
નથી, અને તે રાગ તે પછીની બીજી પર્યાયમાં પણ આવતો નથી કેમ કે રાગનો બીજે સમયે અભાવ છે.
(૨૦૦) તું તારા સ્વભાવને સ્વીકાર!
આચાર્યભગવાન કહે છે કે તારાથી ચારિત્ર ન થઈ શકે તો શ્રધ્ધામાં ગોટા વાળીશ નહિ; તારા સ્વભાવને
અન્યથા માનીશ નહિ. હે જીવ! તું તારા સ્વભાવને તો સ્વીકાર, જેવો સ્વભાવ છે તેવો માન તો ખરો. જેવો
સ્વભાવ છે તેવો માન્યા પછી સ્થિરતા થતાં કદાચ વાર લાગે તો તેથી વિશેષ નુકશાન નથી, કેમ કે જેણે પૂરા
સ્વભાવને સ્વીકારીને સમ્યગ્દર્શનને જાળવી રાખ્યું છે તે જીવ અલ્પકાળે સ્વભાવના જોરે જ સ્થિરતા પ્રગટ કરીને
મુક્ત થશે. પરંતુ જે સ્વભાવને જ નથી માનતો અને રાગને જ સ્વભાવ માને છે તે જીવ સ્વભાવનો અનાદર
અને રાગનો આદર કરે છે, તેને અમર્યાદિત નુકશાન છે, સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયો થકો તે સંસારમાં જ રખડે છે.
સમ્યગ્દર્શન તો સહજ સ્વભાવના પુરુષાર્થવડે થાય છે, રાગથી કે દેહાદિની ક્રિયાથી થતું નથી.
(૨૦૧) પંચમ કાળમાં ઓછી શક્તિ વાળા જીવોએ શું કરવું?
શ્રી નિયમસારશાસ્ત્રની (૧૫૪) મી ગાથામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ કહે છે કે–
जदि सक्कदि कादुं जे पडिकमणादिं करेज्ज झाणमयं।
सत्तिविहीणो जो जइ सद्दहणं चेव कायव्वं।।१५४।।

PDF/HTML Page 6 of 17
single page version

background image
ચૈત્ર : ૨૪૭૪ આત્મધર્મ : ૮૫ :
હે ભાઈ! જો તારામાં શક્તિ હોય તો શુદ્ધ નિશ્ચય–ધર્મધ્યાનરૂપ પ્રતિક્રમણાદિ કર, અને જો તારી શક્તિ ન
હોય તો ત્યાં સુધી શુદ્ધ નિશ્ચય ધર્મનું શ્રદ્ધાન તો અવશ્ય કરવું યોગ્ય છે.
ખાસ પંચકાળના જીવો પ્રત્યે આચાર્ય ભગવાન કહે છે કે, આ દગ્ધ પંચમકાળમાં તું શક્તિ રહિત હો તો
પણ કેવળ શુદ્ધાત્મસ્વરૂપ શ્રદ્ધાન તો અવશ્ય કરજે. આ પંચમ કાળમાં સાક્ષાત્ મુક્તિ નથી, પણ ભવ ભયનો
નાશ કરનાર એવો પોતાનો આત્મસ્વભાવ છે, તેની શ્રદ્ધા કરવી એ નિર્મળ બુદ્ધિમાન જીવોનું કર્તવ્ય છે. તારા
ભવ રહિત સ્વભાવની શ્રદ્ધાથી તું અલ્પ કાળમાં ભવ રહિત થઈ જઈશ.
(૨૦૨) સમ્યગ્દર્શન સહિત ચાંડાળ પણ ઉત્તમ છે
જેઓ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને સ્વભાવની સ્થિરતામાં લીન થયા છે તેઓ તો સર્વોતમ છે; તથા
શુધ્ધ આત્મ સ્વભાવની સાચી શ્રધ્ધા હોય અને વ્રતાદિ ન હોય તોપણ તે ઉત્તમ છે, પરંતુ જેઓ આત્મ
સ્વભાવની શ્રદ્ધા કરે નહિ અને શુભ રાગ કરીને તેમાં વ્રતાદિ માને છે તથા તે રાગ વડે પોતાને ધર્મી માને છે તે
મહા હીન છે; કેમકે તે તો શ્રદ્ધાનથી જ ભ્રષ્ટ છે, તેથી તે અધર્મી છે.
રત્નકરંડ શ્રાવકાચારની ૨૮ મી ગાથામાં કહ્યું છે કે– ‘સમ્યગ્દર્શન સંયુક્ત જીવ ચાંડાળનાં શરીરમાં
ઉપજ્યો હોય તો પણ ગણધર ભગવાન તેને ‘દેવ’ કહે છે. સમ્યગ્દર્શન જેને ઉપજ્યું છે એવો આત્મા પોતે દિવ્ય
ગુણોથી દીપે છે તેથી દેવ છે. ’ સમ્યગ્દર્શન રહિત ચક્રવર્તી પદ કે મોટું દેવપદ તે પણ તુચ્છ છે–અશોભામય છે,
અને સમ્યગ્દર્શન સહિત ચાંડાળ કે દેડકું પણ ઉત્તમ છે.
(૨૦૩) સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિનું વલણ
પુણ્ય ક્ષણિક છે, સમ્યગ્દ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ બંનેને પુણ્ય લાંબો કાળ ટકી શકે નહિ. સમ્યગ્દર્શન વગર ઊંચા
પુણ્ય હોય નહિ. મિથ્યાદ્રષ્ટિ જીવ શુભ કર્મની લાંબી સ્થિતિ બાંધે, પણ મિથ્યાત્વ ભાવને લીધે પુણ્યની રુચિમાં
લીન થઈને, તત્ત્વનો વિરોધ કરીને પુણ્યની સ્થિતિ છેદીને નિગોદ જાય છે. સમ્યગ્દ્રષ્ટિ જીવને સ્વભાવનું ભાન
હોવાથી પુણ્યની રુચિ હોતી જ નથી, તેઓ પુણ્ય પાપ બંનેનો નાશ કરીને અલ્પ કાળમાં સિદ્ધ થાય છે. એ રીતે
સમ્યગ્દ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ કોઈ જીવ એકલા પુણ્યમાં લાંબો કાળ ટકી શકે નહિ. સમ્યગ્દ્રષ્ટિ સ્વભાવના જોરે તેનો
અભાવ કરીને સિદ્ધ થાય છે, મિથ્યાદ્રષ્ટિ પુણ્યની રુચિથી સ્વભાવનો અનાદર કરીને નિગોદ જાય છે. જગતમાં
જેટલી ઉત્કૃષ્ટી પુણ્ય પ્રકૃતિઓ છે તે સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે; તીર્થંકર, ચક્રવર્તી, ગણધર, બળદેવ ઈત્યાદિ ઉચ્ચ
પદો સમ્યગ્દ્રષ્ટિઓ જ પામે છે.
(૨૦૪) પહેલાંં સમ્યગ્દર્શન, પછી મુનિદશા
હે ભાઈ! પહેલાંં તું કોઈ પણ ઉપાયે–પરમ પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટ કર. સમ્યગ્દર્શન કરીને પછી
વિશેષ પુરુષાર્થ વડે જો સહજ દશાથી રાગ ટાળીને મુનિદશા પ્રગટી શકે તો અવશ્ય તેમ કરજે–પરંતુ કદાચ રાગ
રહિત મુનિદશાનો વિશેષ પુરુષાર્થ ન થઈ શકે તો પણ સમ્યગ્દર્શન છોડીશ નહિ.
(૨૦૫) સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી શું કરવું?
પ્રશ્ન:–આપ સમ્યગ્દર્શનનું અપાર માહાત્મ્ય બતાવો છો એ તો બરાબર છે, એ જ કરવા જેવું છે, પણ
એનું સ્વરૂપ ન સમજાય તો શું કરવું?
ઉત્તર:–સમ્યગ્દર્શન વગર આત્મ કલ્યાણનો બીજો કોઈ ઉપાય ત્રણ કાળ ત્રણ લોકમાં નથી; માટે જ્યાં
સુધી સમ્યગ્દર્શનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એનો જ અભ્યાસ નિરંતર કર્યા કરવો. આત્મ સ્વભાવની સાચી
સમજણનો જ પ્રયત્ન કર્યા કરવો, એ જ સરળ અને સાચો ઉપાય છે. જો તને આત્મ સ્વભાવની સાચી રુચિ છે
અને સમ્યગ્દર્શનનો મહિમા જાણીને તેની ઝંખના થઈ છે તો તારો સમજવાનો પ્રયત્ન નકામો નહિ જાય.
સ્વભાવની રુચિ પૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે–ક્ષણે મિથ્યાત્વ ભાવ મંદ પડતો
જાય છે. એક ક્ષણ પણ સમજણનો પ્રયત્ન નિષ્ફળ જતો નથી પણ ક્ષણે ક્ષણે તેનું કાર્ય થયા જ કરે છે.
સ્વભાવની હોંશથી જે સમજવા માગે છે તે જીવને અનંત કાળે નહિ થયેલી એવી નિર્જરા શરૂ થાય છે.
શ્રીપદ્મનંદિ આચાર્યદેવે તો કહ્યું છે કે આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ જે જીવે પ્રસન્ન ચિત્તથી સાંભળી છે
તે જીવ મુક્તિને લાયક છે.
(૨૦૬) સત્ સમજવાના લક્ષે થતી અંતર ક્રિયા
વળી અજ્ઞાની જીવ વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભભાવ કરે તેના કરતાં સત્ સમજવાના લક્ષે જે
શુભભાવ થાય છે તે ઊંચી જાતનો છે. વ્રતાદિમાં ધર્મ માનીને જે શુભભાવ કરે છે તે જીવને તો અભિપ્રાયમાં
મિથ્યાત્વ પોષાતું જાય છે અને સત્ સમજવાના લક્ષે તો ક્ષણે ક્ષણે મિથ્યાત્વ તૂટતું જાય છે. સત્ના લક્ષે આવી
મહાન અંતર ક્રિયા થાય છે તે અજ્ઞા–

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૮૬ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૭૪
નીઓને ખ્યાલમાં આવી શકતી નથી; કેમકે તેઓ બર્હિદ્રષ્ટિ હોવાથી દેહની ક્રિયાને જોનારા છે પણ અંતરમાં
જ્ઞાનાદિની ક્રિયાને સમજી શકતા નથી. સત્ સમજવાનો વિકલ્પ તે પણ ઊંચો શુભભાવ છે અને સત્ સમજવું તે
તો અપૂર્વ આત્મલાભ છે.
(૨૦૭) ચારિત્રનો દોષ હોવા છતાં શ્રદ્ધાનો દોષ ટાળી શકાય છે
પર લક્ષે કષાયની મંદતા કરવી તે પણ આત્મ–સ્વભાવભાવની ક્રિયા નથી, તેના વડે સમ્યગ્દર્શન થતું
નથી. અહીં આચાર્યભગવાન શ્રદ્ધા અને ચારિત્ર ગુણ વચ્ચે કથંચિત્ ભેદ બતાવીને કહે છે કે જો ચારિત્ર ન થઈ
શકે તો પણ શ્રદ્ધા તો અવશ્ય કરવી. અજ્ઞાનીઓ શ્રદ્ધા અને ચારિત્રના ભેદને સમજતા નથી, તેથી તે ચારિત્રના
દોષને શ્રદ્ધાનો દોષ માની બેસે છે એટલે કે ચારિત્ર વગર સમ્યક્શ્રદ્ધા પણ ન હોય એમ તે માને છે. તેથી અહીં
કહે છે કે ચારિત્રનો દોષ ન ટળી શકે તોપણ શ્રદ્ધાનો દોષ તો અવશ્ય ટળી શકે છે.
(૨૦૮) પહેલાંં સત્ને સત્ તરીકે ઓળખવું જોઈએ
જીવોએ અનાદિથી સમ્યગ્દર્શનનો સાચો મહિમા જાણ્યો નથી. ચારિત્ર ન પાળી શકે છતાં શ્રદ્ધા કરનારને
પણ ભગવાને સમ્યગ્દ્રષ્ટિ કહ્યો છે; સમ્યગ્દ્રષ્ટિ જીવ અવશ્ય મોક્ષ પામે છે. માટે હે જીવ! જેમ વસ્તુસ્વરૂપ છે તેમ
યથાર્થ માની લેજે. વ્યવહારને વ્યવહાર તરીકે જાણી લેજે, સંતોને અંતર અને બાહ્યમાં જે સહજદશા છે તેને
જાણજે. પોતાથી ન થઈ શકે માટે સત્ જાણવું પણ નહિ–એમ ન હોય. જો સત્ને જેમ છે તેમ જાણે પણ નહિ તો
તો તે જીવનું જ્ઞાન–શ્રદ્ધાન્ પણ સાચું થાય નહિ, અને જ્ઞાન–શ્રદ્ધાન્ સાચાં થયા વગર ચારિત્ર તો સાચું હોય જ
ક્યાંથી? સત્ને સત્પણે બરાબર જાણીને તેમાંથી જેટલું થાય તેટલું તો કરે અને બીજાની યથાર્થ શ્રદ્ધા તથા જ્ઞાન
રાખે તો તે જીવ આરાધક છે. પણ જો શ્રદ્ધા–જ્ઞાનમાં જ ઊંધુ માને–જાણે તો તે વિરાધક છે.
(૨૦૯) બંધભાવ અને મોક્ષભાવ
જિનવર દેવે કહેલાં વ્રતાદિ શુભરાગ છે તે મોક્ષનું કારણ નથી પણ બંધનું કારણ છે; સમ્યગ્દર્શન જ
મોક્ષનું મૂળ છે–એમ શ્રદ્ધા રાખીને વ્યવહારનો નિષેધ કરજે. ‘વ્યવહાર વિના મોક્ષ થાય નહિ ને! વ્યવહાર તો
આવવો જ જોઈએ ને’ એમ જેનો ઝૂકાવ વ્યવહાર તરફ ઢળે છે તેને વ્યવહારની હોંશ છે એટલે કે તેને
મિથ્યાત્વનો પક્ષ છે પણ સ્વભાવની પ્રતીતિ નથી. રાગ આવે તેનો ખેદ વર્તવો જોઈએ તેને બદલે હોંશ વર્તે છે
તેની દ્રષ્ટિ ઊંધી છે–સ્વભાવની શ્રદ્ધાથી જ તે ભ્રષ્ટ છે. જ્ઞાતા સ્વભાવમાં વલણથી રાગની કોઈ વૃત્તિ ઊઠે નહિ,
જે કોઈ પણ વૃત્તિ ઊઠે છે તે જ્ઞાતા સ્વભાવ તરફના વલણને રોકીને ઊઠે છે તે જ્ઞાતા સ્વભાવ તરફના વલણને
રોકીને ઊઠે છે માટે બંધભાવ છે. જ્ઞાતા સ્વભાવમાં રાગરહિત વલણ તે જ મોક્ષના કારણરૂપ ભાવ છે. એ રીતે
બંધભાવ અને મોક્ષભાવના સ્વરૂપને ઓળખીને તેની શ્રદ્ધા કરજે. શરૂઆતમાં જ બધા બંધભાવ ન છૂટી જાય
પરંતુ શ્રદ્ધામાં એવો વિશ્વાસ હોવો જોઈએ કે આ બંધભાવ છે, તે મારૂં સ્વરૂપ નથી.
(૨૧૦) સમ્યગ્દર્શન સાથે જ સમ્યક્ચારિત્રની પ્રતીત
શ્રદ્ધાપૂર્વક ચારિત્ર થાય તો તે કરવું અને ચારિત્ર ન થઈ શકે તો પણ શ્રદ્ધા તો અવશ્ય કર્તવ્ય છે–એમ
આચાર્ય ભગવાને કહ્યું છે; તેથી એમ ન સમજવું કે ચારિત્રનો નિષેધ થઈ જાય છે; કેમ કે સમ્યગ્દર્શનમાં
અભેદપણે સમ્યક્ચારિત્રની પૂરેપૂરી પ્રતીત આવી જ જાય છે. ચારિત્રના વિકારને સમ્યગ્દર્શન સ્વીકારતું નથી,
પણ પૂરેપૂરા નિર્મળ ચારિત્રને જ સ્વીકારે છે. એટલે સમ્યગ્દર્શન થતાં જ શ્રદ્ધાપણે તો પૂરેપૂરું ચારિત્ર પ્રગટી ગયું
છે અને એ જ સમ્યક્શ્રદ્ધાપૂર્વકના વિશેષ પરિણમનથી સમ્યક્ચારિત્ર પ્રગટે છે. સમ્યગ્દર્શનમાં ચારિત્રના
વિકારનો નિષેધ હોવાથી સમ્યગ્દ્રષ્ટિને ચારિત્રનો દોષ વધારે વખત ટકી શકવાનો નથી પણ સમ્યગ્દર્શનના જોરે
ચારિત્રનો દોષ ક્ષણે ક્ષણે ટળતો જાય છે. ક્ષાયિકસમ્યગ્દર્શનની આરાધનાથી વધારેમાં વધારે ત્રણ ભવે ચારિત્રની
પૂર્ણતા થઈને મુક્તિ થાય છે.
(૨૧૧) સમ્યગ્દર્શન સાથે જ મુનિદશાનું ચારિત્ર હોવાનો નિયમ નથી
ગાથા – ૨ નો ભાવાર્થ
અહીં આશય આ પ્રમાણે છે : જો કોઈ એમ કહે કે ‘સમ્યગ્દર્શન થયા પછી તો સર્વ પરદ્રવ્ય–પર ભાવ રૂપ
સંસારને જીવ હેય જાણે છે, અને જેને હેય જાણે તેને છોડીને મુનિ થઈ ચારિત્ર આચરે. તેથી એમ કરે ત્યારે
સમ્યગ્દર્શન થયું–એમ જાણીએ, પણ મુનિદશા પહેલાંં સમ્યગ્દર્શન કેમ હોય? ’ આ ગાથામાં તેનું સમાધાન કરે છે
કે સર્વ પરદ્રવ્ય–પરભાવને હેય જાણીને નિજસ્વરૂપને ઉપાદેય જાણ્યું અને શ્રદ્ધાન કર્યું ત્યારે

PDF/HTML Page 8 of 17
single page version

background image
ચૈત્ર : ૨૪૭૪ આત્મધર્મ : ૮૭ :
મિથ્યાત્વભાવ તો ટળી ગયો. હવે જ્યાંસુધી ચારિત્ર અંગીકાર કરવાનું સામર્થ્ય ન હોય ત્યાંસુધી, જેટલું સામર્થ્ય હોય
તેટલું તો કરે અને તે સિવાયનું શ્રદ્ધાન કરે. ત્યાં ચારિત્રનો દોષ છૂટયો ન હોવા છતાં તેને હેય–ઉપાદેયપણાની યથાર્થ
શ્રદ્ધા છે, તેથી એવું શ્રદ્ધાન કરવાવાળાને ભગવાને સમ્યગ્દર્શન કહ્યું છે. સમયગ્દર્શન સાથે ચોથી ભૂમિકાને યોગ્ય
સ્વરૂપાચરણ ચારિત્ર તો હોય જ છે, પણ મુનિદશાને યોગ્ય ચારિત્ર હોય જ એવો નિયમ નથી.
(૨૧૨) સમ્યગ્દર્શનનું કાર્ય અને સમ્યક્ચારિત્રનું કાર્ય
શંકા–જે ક્ષણે જીવ હેય–ઉપાદેયપણાને યથાર્થ સમજે તે જ ક્ષણે હેયને છોડીને ઉપાદેયને અંગીકાર કરે
એટલે કે સાચી શ્રદ્ધા ભેગું જ પૂરું ચારિત્ર હોય. જ્યારે રાગાદિ છોડીને ચારિત્ર અંગીકાર કરે ત્યારે જ સાચી
શ્રદ્ધા થઈ કહેવાય. એમ માને તેનું સમાધાન–
સમાધાન–સમ્યગ્દર્શન તો પરિપૂર્ણ આત્મસ્વભાવને જ માને છે; રાગાદિનું ગ્રહણ–ત્યાગ કરવાનું કાર્ય
સમ્યગ્દર્શનનું નથી, પણ ચારિત્રનું છે. સાચી શ્રદ્ધાનું કાર્ય એ છે કે ઉપાદેયની ઉપાદેય તરીકે અને હેયની–હેય
તરીકે પ્રતીત કરવી; પણ ઉપાદેયને અંગીકાર કરવું અને હેયને છોડવું એ કામ ચારિત્રનું છે. રાજપાટમાં હોવા
છતાં અને રાગ હોવા છતાં ભરત ચક્રવર્તી, શ્રેણીકરાજા, રામચંદ્રજી, ભરતના નાની નાની ઉમરના કુમારો તથા
સીતાજી વગેરેને સમ્યગ્દર્શન હતું–આત્મભાન હતું. સમ્યગ્દર્શન થતાં વ્રતાદિ હોવા જ જોઈએ અને ત્યાગ હોવો જ
જોઈએ–એવો નિયમ નથી, પણ એટલું ખરૂં કે સમ્યગ્દર્શન થતાં ઊંધા અભિપ્રાયનો ત્યાગ અવશ્ય થાય છે.
(૨૧૩) સાચો ત્યાગ કોણ કરશે?
પ્રશ્ન:– જો આવું સમજશે તો કોઈ જીવ ત્યાગ અને વ્રતાદિ નહિ કરે?
ઉત્તર:– કોણ ત્યાગ કરે છે? અને શેનો ત્યાગ કરે છે? પર વસ્તુનું તો ગ્રહણ કે ત્યાગ કોઈ પણ જીવો કરી
શકતા નથી; પોતાના વિકારનો ત્યાગ કરવાનો છે. વિકારનો ત્યાગ કોણ કરી શકે? જેને વિકારથી ભિન્ન સ્વભાવની
પ્રતીતિ થઈ હોય તે જ જીવ વિકારનો ત્યાગ કરી શકે. રાગથી ભિન્ન આત્મસ્વભાવને જાણ્યા વગર રાગનો ત્યાગ
કોણ કરશે? સમ્યગ્દર્શન વડે રાગથી ભિન્ન સ્વભાવની શ્રદ્ધા કર્યા પછી જ રાગનો યથાર્થ પણે ત્યાગ થઈ શકે છે,
પણ જે જીવ પોતાના શુદ્ધસ્વભાવને જાણતો નથી અને રાગ સાથે એકત્વ માને છે તે જીવ રાગનો ત્યાગ કરી શકશે
નહિ. માટે આ સમજ્યા પછી જ સાચો ત્યાગ થઈ શકે છે. સાચો ત્યાગ સમ્યગ્દ્રષ્ટિઓ જ કરી શકે છે, મિથ્યાદ્રષ્ટિને
તો કોનું ગ્રહણ કરવું અને કોનો ત્યાગ કરવો એનું જ ભાન નથી તો તેને ત્યાગ કેવો?
(૨૧૪) સૌથી પહેલો ત્યાગ મિથ્યાત્વનો
ધર્મમાં સૌથી પહેલો ત્યાગ તો મિથ્યાત્વનો જ થાય છે. જિનમતમાં એવી જ પરિપાટી છે કે સૌથી પહેલાંં
મોટું પાપ છોડાવીને પછી નાનું પાપ છોડાવે છે. સૌથી મોટું પાપ મિથ્યાત્વ જ છે. જો સાચું સમજશે તો જીવ
પ્રથમ તો મિથ્યાત્વનો ત્યાગી થઈ જશે. આસક્તિના ત્યાગ પહેલાંં અને વ્રતાદિ પહેલાંં તત્ત્વજ્ઞાનનો અભ્યાસ
કરવો–એમ તત્ત્વાર્થસારમાં કહ્યું છે. કેમ કે તત્ત્વજ્ઞાનના અભ્યાસ વગર વિષયાસક્તિ ટળે જ નહિ અને વ્રતાદિ
હોય જ નહિ. તત્ત્વના અભ્યાસ વડે સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વનો ત્યાગ થાય છે. મિથ્યાત્વનો ત્યાગ એ શું
ત્યાગ નથી? અનાદિથી જેનો ત્યાગ નહોતો કર્યો તેનો ત્યાગ કર્યો. અજ્ઞાનીને એ ત્યાગ હોઈ શકતો નથી.
(૨૧૫) દ્રવ્યલિંગી મુનિ અને સમ્યગ્દ્રષ્ટિ બાલિકાનું અંતર
અનેક વર્ષો સુધી વ્યવહાર ચારિત્ર પાળનાર દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિ મુનિના ત્યાગ કરતાં રાજપાટમાં
રહેલી આઠ વર્ષની સમ્યગ્દ્રષ્ટિ બાલિકા સાચી ત્યાગી છે. મિથ્યાદ્રષ્ટિ સાધુએ ખરેખર કાંઈ ત્યાગ કર્યો જ નથી,
માત્ર રાગ મંદ કર્યો છે, પણ સૌથી મોટું મિથ્યાત્વનું પાપ તો તેને વિદ્યમાન છે. અને સમ્યગ્દ્રષ્ટિ બાલિકાએ
મિથ્યાત્વ પાપનો ત્યાગ કરીને અનંત ભવનો ત્યાગ કરી નાખ્યો છે. મિથ્યાદ્રષ્ટિ દ્રવ્યલિંગીને મિથ્યાત્વનો
અત્યાગ હોવાથી તેનામાં અનંત ભવનું ગ્રહણ કરવાની તાકાત પડી છે. આઠ વર્ષની સમ્યગ્દ્રષ્ટિ બાલિકા હોય તે
પણ હજારો વર્ષના મિથ્યાદ્રષ્ટિ મુનિની મિથ્યા માન્યતાનો બેધડકપણે નકાર કરે છે. સમ્યગ્દર્શન થયા પછી પરણે
અને સંતાન પણ થાય, તેથી કાંઈ સમ્યગ્દર્શનમાં દોષ આવતો નથી. પાંચમા–છઠ્ઠા ગુણસ્થાનના વ્રત કે ચારિત્ર ન
હોવા છતાં પણ સમ્યગ્દર્શન હોઈ શકે છે, પરંતુ સમ્યગ્દર્શન વગર તો કોઈ પણ જીવને સમ્યક્ચારિત્ર હોઈ જ શકે
નહિ. માટે આચાર્ય ભગવાન કહે છે કે સૌથી પહેલાંં સમ્યગ્દર્શન અવશ્ય ધારણ કરો.
[–ચાલુ

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૮૮ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૭૪
પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન
: ફાગણ સુદ ૧પ :
સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય;
સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય.
[આત્મસિદ્ધિ ગા. ૧૩૫]
આત્માને ધર્મ કેમ થાય અને તેની મુક્તિ કેમ થાય તે આમાં બતાવ્યું છે. પોતાનો આત્મા શુદ્ધ સિદ્ધ
ભગવાન જેવો છે, શરીરથી જુદો છે, તેની ઓળખાણ અને માહાત્મ્ય ન કરે તો શરીરની મમતા કરીને તેને
ટકાવી રાખવા માગે છે. એક આંગળીમાં સર્પ કરડે અને આંગળી સડવા લાગે ત્યાં તે આંગળી કાપી નાખીને
પણ શરીરને ટકાવી રાખવા માગે છે, આંગળી તોડીને પણ જીવવા માગે છે, તેમ જેણે પોતાના આત્માને
વિકારથી છોડાવીને શુદ્ધ પરમાત્માપણે જીવતો રાખવો હોય તેણે શરીર, મન, વાણી અને વિકારીભાવો–એ બધુંય
જતું કરવું પડશે.
સર્પ કરડે અને આંગળી સડવા માંડે, ત્યાં કોઈ વૈદ્ય કહે કે જો જીવતર ટકાવવું હોય તો આંગળી કપાવવી
પડશે. ત્યાં શરીરની મમતા ખાતર આંગળી જતી કરે છે. તેમ જ્ઞાની કહે છે કે તારો આત્મા પરમાત્મ સ્વભાવી
છે, અને વર્તમાન હાલતમાં વિકારરૂપી સડો છે. જો તારા આખા આત્માને શુદ્ધ પરમાત્માપણે, વિકારથી જુદો
ટકાવી રાખવો હોય તો, તે વિકારને અને શરીરાદિને જતાં કરવાં પડશે.
પ્રશ્ન:– વિકારને અને શરીરાદિને કઈ રીતે જતાં કરી શકાય?
ઉત્તર:– પહેલાંં તો પોતાના આત્માની એવી શ્રદ્ધા કરવી કે મારો આત્મસ્વભાવ સિદ્ધ ભગવાન જેવો જ
છે, મારા આત્મસ્વભાવમાં રાગ–દ્વેષાદિ વિકાર નથી તેમ જ શરીર, મન, વાણી પણ નથી. આમ પોતાના
આત્માને રાગાદિથી અને શરીરાદિથી જુદો જાણ્યો અને માન્યો ત્યાં શ્રદ્ધામાં એકલો આત્મસ્વભાવ રહ્યો અને
શરીરાદિ જતાં કરી દીધાં. શરીરને રાખવા ખાતર આંગળી જતી કરે છે ત્યાં તો મમતા છે, ને આત્માને ખાતર
શરીરાદિની મમતા છોડે છે ત્યાં સ્વભાવની દ્રઢતા છે, ને તે ધર્મ છે.
‘સર્વ જીવ છે સિદ્ધ સમ’ આ દ્રવ્યદ્રષ્ટિની વાત છે. હું સિદ્ધ જેવો છું. સિદ્ધ ભગવાન આત્મા છે, તે પણ
પહેલાંં સંસારમાં હતા; એ આત્માએ પહેલાંં પોતાના સ્વભાવને શરીરથી ને વિકારથી જુદો ઓળખ્યો, ને
આત્માના મહિમાવડે શરીરાદિને શ્રદ્ધામાંથી જતા કર્યાં. તેમ હું પણ સિદ્ધ જેવો છું, મારો આત્મા જ્ઞાન–દર્શનની
મૂર્તિ છે, શરીરાદિ હું નથી ને રાગાદિ પણ મારું સ્વરૂપ નથી– એમ શ્રદ્ધા કરવાથી પોતાના આત્મસ્વભાવની
દ્રઢતા થાય છે, ને શરીરાદિનો મહિમા ટળે છે; આને આત્માને ખાતર શરીરાદિ જતાં કર્યા એમ કહેવાય છે.
હું વિકારથી ને શરીરથી જુદો સિદ્ધ સમાન આત્મા છું–એમ જેણે પોતાના આત્માને વિકારથી ને શરીરથી
જુદો જાણ્યો, તેણે શ્રદ્ધામાં શરીરાદિને જતાં કર્યાં છે. અને ત્યાર પછી ક્રમેક્રમે પોતાના આત્મામાં સ્થિરતા કરીને
રાગ ટાળતાં સિદ્ધદશા પ્રગટે છે, ને વિકાર તથા શરીર સર્વથા ટળી જાય છે. એ રીતે, જેઓ પોતાના આત્માને
સિદ્ધસમાન સમજે છે તેઓ સિદ્ધ થાય છે. સિદ્ધ થવું તે તો નવી હાલત છે, પણ સ્વભાવથી તો બધા આત્મા
સદાય સિદ્ધસમાન છે.
જે પોતાના આત્માને શુદ્ધ સિદ્ધસમાન ઓળખે ને વિકારથી જુદો ઓળખે તેજ વિકારને જતા કરી શકે.
જેમ વૈદ્ય કહે કે એક આંગળી કાપી નાખો તો જ શરીર બચશે. ત્યાં પોતાને વિશ્વાસ આવે છે કે આ એક
આંગળી કાપી નાખતાં પણ આખું શરીર ટકી રહેશે. તેથી ત્યાં શરીરની મમતાવડે આંગળી કપાવી નાખે છે. તેમ
જ્ઞાની કહે છે કે જો તારે તારા આત્માને આખો જીવતો રાખવો હોય તો રાગાદિની શ્રદ્ધા છોડ. રાગ અને
શરીરાદિ જાય તોય તું આખો સિદ્ધ રહીશ. સિદ્ધ ભગવંતો શરીર વગર અને રાગ વગર જીવે છે તે સાચું જીવતર
છે. હે જીવ! તારે જો તારા આત્માનું સાચું જીવતર જીવવું હોય તો તું તારા આત્માને સિદ્ધ જેવો જાણ. પોતાના
આત્માને વિકારી માનવાથી આત્માનું ભાવમરણ થાય છે. પોતાના આત્માને સિદ્ધ જેવો જાણવો–માનવો તે જ
ધર્મ છે, તે શાંતિનો ઉપાય છે.
શરીરમાં સર્પનું ઝેર ચડયું હોય તો વૈદ્ય ઊલટી કરાવીને તે કઢાવી નાખે છે. તેમ આત્મામાં મિથ્યાત્વરૂપી
સર્પનું ઝેર ચડયું છે. આત્મા શરીરથી જુદો છે તેને જીવતો રાખવો હોય તો તે મિથ્યાત્વરૂપી સર્પના ઝેરની
ઊલટી કરવી જોઈએ, એટલે કે આત્માની ઓળખાણ વડે મિથ્યાશ્રદ્ધાની ઊલટી કરીને સમ્યક્ શ્રદ્ધા કરવી
જોઈએ. મને શુભરાગથી લાભ થાય, કે હું શરીરનું કાંઈ કરું,

PDF/HTML Page 10 of 17
single page version

background image
ચૈત્ર : ૨૪૭૪ આત્મધર્મ : ૮૯ :
દેશનું કાંઈ કરું, પર જીવોનું કાંઈ કરું–એવી માન્યતાવાળા જીવોને મિથ્યાત્વરૂપી સર્પનું ઝેર ચડયું છે. તે ઝેર કઈ
રીતે ઊતરે? ‘સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.’ બધા જીવો પરિપૂર્ણ પરમાત્મા છે; જે પોતાના
આત્માને તેવા સ્વરૂપે ઓળખે તેને મિથ્યાત્વરૂપી ઝેર ઊતરી જાય ને તે સિદ્ધ થાય. માટે પોતાના આત્માની
સમજણ એ જ એક ધર્મનો ઉપાય છે. પોતાના આત્માની સમજણ સિવાય જાત્રા, પૂજા, ભક્તિ, દયા, દાન વગેરે
શુભરાગથી ધર્મ થતો નથી.
ધર્મ કરવા માટે શું કરવું? તેનો ઉત્તર એ છે કે, આત્માને સિદ્ધ સમાન ઓળખવો. હું શરીરનું કાંઈ
કરનાર છું કે વિકાર જેટલો છું એમ ન માનવું પણ શરીર રહિત અને વિકારથી પણ રહિત શુદ્ધ પરમાત્મા છું–
એમ પોતાના આત્માને ઓળખીને, મિથ્યાશ્રદ્ધાની ઊલટી કરીને સવળી શ્રદ્ધા કરવી. પોતાના આત્માને સિદ્ધ
સમાન શ્રદ્ધામાં લીધો પછી તેનું જ માહાત્મ્ય કરીને ક્રમે ક્રમે સ્વરૂપમાં સ્થિર થાય ને રાગાદિનો ત્યાગ કરે. સાચી
સમજણ થયા પછી જે રાગાદિ રહે તેને પોતાના સ્વરૂપમાં માનતો નથી તેથી તે ટળવા ખાતર જ છે. સાચી
સમજણ થયા પછી, જે રાગ થાય તેને આદરણિય નથી માનતા પણ પોતાના શુદ્ધ સ્વરૂપને જ આદરણિય
માનીને તેમાં સ્થિર થતા જાય છે, અને ક્રમે ક્રમે સંપૂર્ણ સ્થિરતા પ્રગટ કરીને સિદ્ધ થાય છે. આ સમજણનું ફળ
છે. જે પોતાના આત્માને વિકારી માને કે શરીરવાળો માને તેને વિકાર વધે છે ને નવા નવા શરીરનો સંયોગ
રહ્યા કરે છે. અને જે પોતાના આત્માને સિદ્ધ સમાન માને છે તે સિદ્ધ થાય છે. આત્માની સાચી સમજણ અને
તેનું ફળ બતાવીને, હવે સાચા નિમિત્ત કારણોની ઓળખાણ કરાવે છે.
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય,
સદ્ગુરુ આજ્ઞા જિનદશા નિમિત્ત કારણમાંય.
બીજી લીટીમાં નિમિત્તકારણનું જ્ઞાન કરાવ્યું છે. જીવને પોતાનું મૂળ સ્વરૂપ સમજવામાં આત્મજ્ઞાની ગુરુ
જ નિમિત્ત તરીકે હોય. કોઈ એમ કહે કે આત્મજ્ઞાની ગુરુ મળ્‌યા વગર હું મારી મેળે સમજી જઉં–તો તે સ્વચ્છંદી
છે. પોતાનું સાચું સ્વરૂપ અનંતકાળથી નથી સમજ્યો, તેથી તે સ્વચ્છંદે સમજી શકાય નહિ. સદ્ગુરુની આજ્ઞાએ
જ સમજાય. સદ્ગુરુની આજ્ઞા તે જ શાસ્ત્ર છે. આમાં પરાધીનતા નથી. પહેલાંં સદ્ગુરુ પ્રત્યે અર્પણતા આવ્યા
વગર આત્મસ્વભાવ સમજાશે નહિ. જેને આત્મસ્વભાવ સમજવાની અપૂર્વ તૈયારી હોય તેને સદ્ગુરુ પ્રત્યે
અત્યંત દીનતાપૂર્વક અર્પણતા હોય જ. એ રીતે સદ્ગુરુની આજ્ઞા તે નિમિત્તકારણમાં છે. પહેલાંં તો ઉપાદાન
સમજાવીને પછી નિમિત્ત ઓળખાવે છે.
જિનદશા તે પણ નિમિત્તકારણ છે. વીતરાગી જિન ચૈતન્યબિંબ રાગરહિત આત્મસ્વભાવ છે, જિનદશા
જેવો શુદ્ધચૈતન્ય આત્મસ્વભાવ છે તેને જ ગુરુ આજ્ઞા બતાવે છે અર્થાત્ પોતાના આત્માને વીતરાગી જિન
સ્વરૂપે ઓળખવો તે સદ્ગુરુની આજ્ઞા છે.
અથવા તો, ‘જિનદશા’ એટલે વીતરાગી જિનદશા વાળી પ્રતિમા તે નિમિત્ત છે. જાણે કે ચૈતન્ય બિંબ જ
હોય–એવી જિનદશાવાળી પ્રતિમા તે આત્મ સ્વભાવ સમજવાનું નિમિત્ત છે. જેના જ્ઞાનમાં આવી સદ્ગુરુની
આજ્ઞા સમજાય છે તેને વીતરાગી જિનમૂદ્રા નિમિત્તરૂપ હોય છે.
જ્ઞાનીની આજ્ઞા એ છે કે હે ચૈતન્ય! તું જિન વીતરાગ થા. પહેલાંં એવી શ્રદ્ધા કર કે હું વીતરાગી સ્વરૂપ છું,
મારું ચૈતન્યસ્વરૂપ વિકાર રહિત છે. રાગ હોવા છતાં આવી શ્રદ્ધા કરવી તે ધર્મ છે. પહેલાંં તો શ્રદ્ધામાં તું વીતરાગ
થઈ જા. એવી સમ્યક્શ્રદ્ધા પછી પણ જિનેન્દ્રદેવ પ્રત્યે બહુમાન, ભક્તિ તેમજ સદ્ગુરુની આજ્ઞાનું શ્રવણ–મનન,
અર્પણતા વગેરે શુભરાગ હોય છે. વિકલ્પદશા હોવા છતાં જો દેવ–ગુરુ પ્રત્યે ભક્તિ–બહુમાન ન હોય તો તે જીવ
સ્વચ્છંદી છે. જો સર્વથા રાગ જ ન હોય અને વીતરાગદશા થઈ ગઈ હોય તો દેવ–ગુરુ પ્રત્યે બહુમાનનો શુભભાવ ન
આવે; અને કાં તો સ્વચ્છંદી હોય તો દેવ–ગુરુ પ્રત્યે બહુમાન ને અર્પણતા ન આવે. પણ નીચલી ભૂમિકામાં પાત્ર
જીવને તો દેવ–ગુરુ પ્રત્યે અર્પણતા હોય જ. માટે અહીં યથાર્થ નિમિત્તકારણ સિદ્ધ કર્યું છે.
પોતાના સ્વભાવથી બધાય જીવો સિદ્ધ સમાન છે જ. પર્યાયમાં કોઈને ઓછું જ્ઞાન હોય ને કોઈને વધારે
હોય, પણ સ્વભાવથી બધાય જીવો સરખાં છે. એવા આત્માને સમજવો તે સિદ્ધ થવાનો ઉપાય છે. માટે હે જીવ!
તું તારા આત્માને સિદ્ધ જેવો ઓળખ. શ્રી ગુરુની એ જ આજ્ઞા છે, શાસ્ત્રો પણ એ જ બતાવે છે અને વીતરાગી
પ્રતિમા પણ એ જ સ્વભાવ બતાવવામાં નિમિત્ત છે.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૯૦ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૭૪
જો પોતાના ઉપાદાનસ્વભાવને ઓળખીને તેમાં સ્થિર થઈ ગયો હોય તો તો નિમિત્તનું લક્ષ જ હોય નહિ. પણ
નીચલી દશામાં રાગ હોય છે ત્યાં નિમિત્તોનો વિવેક હોય છે. ઉપાદાનના આશ્રયે નિમિત્તની શ્રદ્ધા છોડવા જેવી છે,
પરંતુ ઉપાદાનની ઓળખાણ કરતાં તેને બતાવનારાં નિમિત્તોનું જ્ઞાન અને બહુમાન આવ્યા વગર રહેતું નથી. એકલા
ઉપાદાનની વાતો કરે અને દેવ–ગુરુ પ્રત્યેનું જે બહુમાન જોઈએ તે ન કરે તો જીવ સ્વચ્છંદી થાય, અને પોતાના શુદ્ધ
ચૈતન્ય સ્વભાવમાં ભાવથી ઠરીને નિમિત્તનું લક્ષ છોડી દે તો જીવ સિદ્ધત્વ પામે છે.
પહેલાંં તો પોતાના આત્માની દરકાર થવી જોઈએ કે, હું આત્મા કોણ છું? શું હું રાગ જેટલો જ છું? કે રાગથી
જુદું કાંઈ તત્ત્વ મારામાં છે? મેં મારા આત્મા માટે અનંતકાળમાં કાંઈ નથી કર્યું. અનંતકાળમાં શરીરાદિની મમતાને
ખાતર આત્માને જતો કર્યો છે, પણ આત્માને ખાતર કદી શરીરાદિને જતા કર્યાં નથી. આત્માને ભૂલીને બહારના
પદાર્થોનો મહિમા કર્યો તેના ફળમાં આ સંસાર દુઃખનો ભોગવટો રહ્યો છે. આમ સાચી ધગશ કરીને સદ્ગુરુઆજ્ઞાએ
પોતાના આત્માને સિદ્ધ જેવો જાણે–માને, અને આત્માને ખાતર શરીર વગેરે બધાયને શ્રદ્ધામાં જતાં કરે (અર્થાત્
આત્મા સિવાય બધાયની શ્રદ્ધા છોડી દે) તો અલ્પકાળમાં મુક્તિ થાય.
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ
ઉનાળાની રજાઓ દરમિયાન
તા. ૪ – ૫ – ૪૮ ચૈત્ર વદ ૧ મંગળવારથી તા. ૨૮ – ૫ – ૪૮ વૈશાખ વદ પ શુક્રવાર સુધી જૈનદર્શના
અભ્યાસ માટે એક શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. ૧૪ વર્ષથી ઉપરના જૈન ભાઈઓને વર્ગમાં દાખલ
કરવામાં આવશે. શિક્ષણ વર્ગમાં દાખલ થનારને માટે ભોજન તથા રહેવાની સગવડતા શ્રી જૈન
સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ તરફથી થશે. આ શિક્ષણવર્ગમાં દાખલ થવા ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે
સૂચના મોકલી દેવી અને તા. ૩ – ૫ – ૪૮ ના રોજ હાજર થઈ જવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ–કાઠિયાવાડ
(વર્ગમાં આવનારે પોતાનું બિછાનું સાથે લાવવું)
આત્મા જાણનાર સ્વભાવ જ છે, એની રુચિ કર, એનું બહુમાન કર, એની શ્રદ્ધા કર અને ‘વિકાર તે હું
તથા શરીર વગેરે મારાં’ એવી શ્રદ્ધા છોડ. એમ પોતાના આત્માને ઓળખ્યા પછી જે રાગ થાય તેને સ્વરૂપ–
સ્થિરતા વડે ક્રમે ક્રમે ટાળીને, બાકી જે એકલો શુદ્ધ સિદ્ધ જેવો આત્મા રહી ગયો તેનું નામ મુક્તિ છે. પોતાના
આત્માને સિદ્ધ પણે ઓળખ્યો તેનું ફળ સિદ્ધ દશા છે. એ ઓળખાણ કરવા માટે સદ્ગુરુનો સમાગમ વારંવાર
કરવો જોઈએ.
શ્રીમદ્ રાજચંદ્રજીએ આ એક ગાથામાં જ આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેની પ્રાપ્તિનો ઉપાય તથા તેનાં
નિમિત્તો કેવાં હોય તે બતાવી દીધું છે. અને સાચી જિન પ્રતિમા કેવી હોય તે પણ તેમાં આવી જાય છે.
જ્યાં સુધી પોતાના સ્વભાવનો મહિમા ન આવે ત્યાં સુધી પરનો મહિમા ટળે નહી, અને પરને જતાં કરી
શકે નહિ. માથાનાં વાળને સરખા રાખવા વારંવાર ધ્યાન રાખે છે, માથાનાં વાળની મમતા ખાતર અજ્ઞાની જીવ
ચૈતન્યને જતો કરે છે. જેટલી દરકાર માથાના વાળનું રક્ષણ કરવાની છે તેટલી ચૈતન્યનું રક્ષણ કરવાની દરકાર
નથી. માથાના વાળની તો મસાણમાં રાખ થવાની છે. હોળીના લાકડાને કોતરણી કરીને બાળો કે એમ ને એમ
બાળો એમાં કાંઈ ફેર નથી. તેમ આ જડ શરીરની સંભાળ કરો કે ન કરો, તે નાશ થવાનું જ છે. માટે હે જીવ! તું
શરીરની દરકાર છોડીને ચૈતન્યની સંભાળ કર. શરીરથી ભિન્ન આત્માની ઓળખાણ કર, તેની શ્રદ્ધા કર, તેનું
માહાત્મ્ય કર.
પ્રશ્ન:–એવી શ્રદ્ધા તો વીતરાગ થાય ત્યારે થઈ શકે ને?
ઉત્તર:–આત્માનો સ્વભાવ તો રાગદ્વેષ રહિત છે જ એવી પહેલાંં શ્રદ્ધા કરે તો પર્યાયમાંથી રાગદ્વેષ ટળે.
પહેલાંં સર્વથા રાગદ્વેષ ટળી જાય નહિ પણ રાગ રહિત સ્વભાવ છે તેની શ્રદ્ધા કરવાથી ક્રમે ક્રમે રાગદ્વેષ ટળી
જાય છે. લૌકિક વિદ્યામાં નાપાસ ન થવાય તે માટે દરકાર રાખે છે અને બધી જાતની નિશાળમાં ભણે છે પણ
પોતાના આત્માની સમજણમાં ભૂલ ન પડે તે માટે દરકાર કરતો નથી અને ચૈતન્યની સમજણ માટે સત્
સમાગમ કરતો નથી, તેને ધર્મ ક્યાંથી થાય? જેણે ધર્મ કરવો હોય અને પોતાના આત્માની મુક્તિ કરવી હોય
તેણે સત્ સમાગમે પોતાના આત્માને સિદ્ધ સમાન સમજવો, તેનો મહિમા કરવો અને એ સિવાય બીજા બધાનો
મહિમા છોડવો.

PDF/HTML Page 12 of 17
single page version

background image
ચૈત્ર : ૨૪૭૪ આત્મધર્મ : ૯૧ :
[વીર સંવત ૨૪૭૩ ના ભાદરવા સુદ પ થી ૧૪ સુધીના ‘દસ લક્ષણ પર્વ’ ના દિવસો દરમિયાન
શ્રી પદ્મનંદિ પચીસીમાંથી ઉત્તમક્ષમા વગેરે દસ ધર્મોનું ક્રમસર વ્યાખ્યાન પૂજ્ય શ્રી કાનજી સ્વામીએ કર્યું
હતું, તેમાંથી ઉત્તમક્ષમાના વ્યાખ્યાનો સાર.] અંક ૪૮ થી ચાલુ –
લેખાંક : ૨
–૧૨–
ચૈતન્યસ્વરૂપ આત્માની રુચિ પ્રગટ કરીને શુભાશુભ ભાવોની રુચિ છોડી દેવાથી જે વીતરાગી ભાવ
પ્રગટે છે તે ઉત્તમક્ષમા છે, અને એ ઉત્તમક્ષમા સાધકજીવને મોક્ષ માર્ગમાં સહચારિણી છે,– એ વાત પહેલા
શ્લોકમાં જણાવી. હવે, ઉત્તમક્ષમાધર્મથી વિરુદ્ધ એવો જે ક્રોધભાવ તે મુનીશ્વરોએ દૂરથી જ છોડવો જોઈએ– એમ
શ્રી આચાર્યદેવ કહે છે:–
–વસંતતિલકા–
श्रामण्यपुण्यतरूरत्र गुणौधशाखा
पत्रप्रसूननिचितोऽपि फलान्यदत्वा।
याति क्षयं क्षणत एव धनोग्रकोप
दाबानलात् त्यजत तं यतयोऽत्र दूरम्।।८३।।
શ્રી પદ્મનંદિ આચાર્યદેવ કહે છે કે, સમ્યગ્દર્શનાદિ ગુણો સહિત મુનિવરો પવિત્ર વૃક્ષ સમાન છે, અને
ઉત્તમ ક્ષમા વગેરે ગુણો તેની શાખા–પાન અને ફૂલ સમાન છે; અલ્પકાળમાં જ એ વૃક્ષ ઉપર મોક્ષરૂપી ફળ
આવવાના છે. પરંતુ, જો ક્રોધરૂપી ભયંકર દાવાનલ પ્રવેશ કરી જાય તો તે મુનિદશારૂપી વૃક્ષ કાંઈ પણ ફળ દીધા
વગર વાત વાતમાં નાશ પામી જાય છે; માટે મુનિવરો ક્રોધાદિને દૂરથી જ છોડો.
મુનિરાજો વૃક્ષસમાન છે, ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તેની શાખાઓ છે, ને મોક્ષદશા તેનું ફળ છે.
ઉત્તમક્ષમા વગેરે દસધર્મો સમ્યક્ચારિત્રના જ ભેદો છે. સમ્યક્ચારિત્રરૂપી વૃક્ષ વગર મોક્ષરૂપી ફળ આવતું નથી.
જો તે યતિ રૂપી વૃક્ષમાં ક્રોધરૂપી અગ્નિ લાગે તો તે ઝાડ નષ્ટ થઈ જાય છે, ને મોક્ષફળ આવતું નથી. મુનિદશા
તે મોક્ષની નિકટતમ સાધક છે. મુનિ તો મોક્ષફળ આવવાની તૈયારીવાળું પાકેલું વૃક્ષ છે; ઉત્તમક્ષમા વડે મુનિવરો
અલ્પકાળમાં મોક્ષ પામે છે. પણ જો આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–પૂર્વક ક્ષમાથી ખસીને ક્રોધ કરે તો તે ક્રોધરૂપી
અગ્નિવડે યતિરૂપી વૃક્ષ બળી જાય છે. માટે ક્રોધને દૂરથી જ છોડવા યોગ્ય છે એટલે કે ક્રોધ થવા જ ન દેવો.
અહીં મુખ્યપણે મુનિઓને ઉદ્દેશીને કથન છે, શ્રાવક–ગૃહસ્થો ગૌણપણે છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને પણ અંશે
ઉત્તમ ક્ષમા ધર્મ હોય છે. વિકાર થતો હોવા છતાં તે રહિત મારું સ્વરૂપ છે–એવી ઓળખાણપૂર્વક સ્વભાવનો
આદર છે ને વિકારનો આદર નથી તેથી તેમને ઉત્તમક્ષમા છે. સ્વભાવને વિકાર વાળો માનીને વિકારનો આદર
કરવો ને વિકાર રહિત જ્ઞાન સ્વભાવનો અનાદર કરવો એ જ ક્રોધ છે.
સમ્યગ્દર્શનપૂર્વક વિશેષ સ્વરૂપ સ્થિરતા કરીને જેઓ મુનિ થયા છે, તેઓએ પોતાના ચારિત્ર સ્વભાવમાં
ક્રોધને પેસવા દેવો નહિ. અનંતાનુબંધી વગેરે ત્રણ પ્રકારના કષાયો તો ટાળ્‌યા જ છે ને તેટલી ઉત્તમ ક્ષમા તો
પ્રગટી જ છે. પણ હજી સંજ્વલન કષાય છે તેનાથી આત્માના ગુણનો પર્યાય બળે છે. જે ત્રણ કષાય ટાળ્‌યા છે તે
તો ન જ થવા દેવા, અને જે અત્યંતમંદ કષાય રહ્યો છે તેને પણ તોડીને સંપૂર્ણ વીતરાગતા કરવી. અહીં કોઈ
બીજા પાસેથી ક્ષમા લેવાની નથી. ‘ભાઈ, તમે મને ક્ષમા કરજો’ –એવા શુભ પરિણામ તે ઉત્તમક્ષમા નથી. બીજા
પાસે ક્ષમા માગે પણ બીજો ક્ષમા ન આપે – તો શું આ જીવ પોતે ક્ષમાભાવ ન કરી શકે? ખરી ક્ષમા તો પોતે
પોતાના આત્માને આપે છે. પૂર્વે આત્માને રાગવાળો – વિકારવાળો માનીને આત્મસ્વભાવ ઉપર ક્રોધ કર્યો તે
દોષની આત્મા એમ ક્ષમા માગે છે કે હે આત્મા, તને ક્ષમા હો. હવે હું તને ખમાવું છું. તારા અખંડ જ્ઞાન
સ્વભાવમાં એક વિકલ્પ પણ ન થવા દઉં. હે આત્મા, ક્ષમા હો તારા પરમાત્મસ્વભાવને. હવે હું તારા આદરને
છોડીને એક વિકલ્પમાત્રનો આદર નહિ કરું. આમ પોતે પોતાના સ્વરૂપને ઓળખીને અખંડ આનંદપણે ટકાવી
રાખવાની ભાવના કરે છે. તેમાં જેટલો રાગ ટળીને વીતરાગભાવ પ્રગટ્યો તેટલી ઉત્તમક્ષમા છે, તે ધર્મ છે, ને
તેનું ફળ મોક્ષ છે.
ઉત્તમક્ષમાનું પાલન કરવામાં શ્રી અરિહંત શૂરવીર છે. સાધકદશામાં તેમણે એવી ઉત્તમ ક્ષમા લીધી કે
વિકલ્પને પણ છોડીને વીતરાગભાવ ધારણ કરીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું. શ્રીપાર્શ્વનાથ ભગવાન મુનિદશામાં હતા
ને ધ્યાનમાં

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૯૨ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૭૪
બેઠા હતા ત્યારે કમઠે મહા ઉપસર્ગ કર્યા, પરંતુ તેમણે તો આત્માના સ્વરૂપની એકાગ્રતારૂપ ઉત્તમક્ષમા ધારણ
કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું. ઉપસર્ગ કરનાર કમઠ ઉપર દ્વેષનો વિકલ્પ નથી, ને સેવા કરનાર ઈન્દ્ર
ઉપર રાગનો વિકલ્પ નથી, એકરૂપ સ્વભાવમાં લીનતા થતાં સંપૂર્ણ વીતરાગભાવ પ્રગટીને કેવળજ્ઞાન થાય છે.
આવો વીતરાગી ભાવ તે જ ઉત્તમક્ષમા છે. આત્માનું સ્વરૂપ સમજીને તેનું બહુમાન કરવું તે જ ઉત્તમક્ષમાની
આરાધનાનું સાચું પર્વ છે. મારો જ્ઞાનસ્વભાવ અંતરમાં સહજ ક્ષમા સ્વરૂપ છે, ક્રોધની વૃત્તિ મારામાં છે જ નહિ–
આમ પોતાના સ્વભાવના અને ક્રોધના ભેદજ્ઞાનપૂર્વક, સ્વભાવની એકાગ્રતા તે સહજ ક્ષમા છે, ને તે જ ધર્મ છે.
એવો ક્ષમાભાવ જે આત્મા પોતામાં પ્રગટ કરે તે જ પર્વનું સાચું આરાધન કરનાર છે.
ઉત્તમક્ષમાને ધારણ કરનારા ધર્માત્મા કેવી ભાવના કરે છે તે હવે બતાવે છે–
–શાર્દૂલ વિક્રીડિત–
तिष्ठामो बयमुज्वलेन मनसा रागादि दोषोज्झिता
लोकः किंचिदपि स्वकीय हृदये स्वच्छाचरो मन्यताम्।
साध्या शुद्धिरिहात्मनः शमवतामत्रापरेण द्विषा
मित्रेणापि किमु स्वचेष्टितफलं स्वार्थः स्वयं लप्स्यते।।८४।।
ધર્માત્મા જીવ ઉત્તમક્ષમાધર્મનું ચિંતવન કરતાં એમ ભાવના કરે છે કે, આ સ્વેચ્છાચારી લોક પોતાના
હૃદયમાં મને ભલો કે બૂરો – ગમે તેવો માને, પણ હું તો રાગ–દ્વેષ રહિત થઈને મારા ઉજ્વળ જ્ઞાનમાં જ સ્થિત
રહીશ. ઉત્તમક્ષમાના ધારક પુરુષોને એક પોતાના આત્માની શુદ્ધિ જ સાધ્ય છે. આ જગતમાં બીજો વેરી હો કે
મિત્ર હો–તેથી મારે શું? વેરી કે મિત્ર મારું તો કાંઈ કરી શકતા નથી. જે દ્વેષરૂપ કે પ્રીતિરૂપ પરિણામ કરશે તેને
સ્વયં તેનું ફળ મળી જશે.
ધર્માત્મા ભાવના કરે છે કે અમારા સ્વભાવમાં રાગ–દ્વેષ નથી. મિત્ર ઉપર રાગ કે દુશ્મન ઉપર દ્વેષ
કરવાનું અમારા હૃદયમાં નથી. ખરેખર આ જગતમાં કોઈ કોઈનો શત્રુ કે મિત્ર જ નથી. સ્વેચ્છાચારી આ લોક
અમને ભલા કહો કે બૂરા કહો–તેથી અમને શું? કોઈ વેરી મારા આત્માને નુકશાન કરવા સમર્થ નથી, ને કોઈ
ભક્તો મારા આત્માને લાભ કરતા નથી. ભક્તો ભક્તિ કરે તે તેના પોતાના શુભરાગને લીધે, ને દુશ્મન નિંદા
કરે તે તેના પોતાના દ્વેષ પરિણામને લીધે કરે છે. હું તો બંનેનો જાણનાર છું. મારા જ્ઞાનમાં તો બંને જ્ઞેય રૂપ છે.
આમ પોતાના જ્ઞાનસ્વભાવની ભાવનાના બળે જ્ઞાની–સંતોને રાગદ્વેષરહિત ક્ષમાભાવ હોય છે, તે જ ઉત્તમક્ષમા
ધર્મ છે. જેને પોતાના જ્ઞાનસ્વભાવની ભાવના ન હોય તે જીવને કદાચ બહારમાં શુભ પરિણામ દેખાતા હોય
પરંતુ તે શુભરાગને આત્માનું સ્વરૂપ માનીને તે જ્ઞાનસ્વભાવના અનાદરરૂપ અનંત ક્રોધભાવને સેવે છે.
સમ્યગ્દર્શન પૂર્વકની ક્ષમા તે જ ઉત્તમ ક્ષમા છે, ને તે જ ધર્મ છે.
ઉત્તમક્ષમા ધર્મને ધારણ કરનારા ધર્માત્મા કેવા પ્રકારનું ચિંત્તવન કરે છે તે હવે વિશેષપણે બતાવે છે–
* સ્રગ્ધરા *
दोषानाधुष्य लोके मम भवतु सुखी दुर्जनश्चेद्धनार्थी
मत्सर्वस्वं गृहीत्वा रिपुरथ सहसा जीवितं स्थानमन्यः।
मध्यस्थस्त्वेवमेवाखिलमिह हि जगज्जायतां सौख्यराशि–
र्मत्तो माभूदसौख्यं कथमपि भविनः कस्यचित्पूत्करोमि।।८५।।
મારા દોષોને બધાની સામે પ્રગટ કરીને સંસારમાં દુર્જનો સુખી થાવ, ધનના અર્થી મારું સર્વસ્વ ગ્રહણ
કરીને સુખી થાવ, વેરી મારું જીવન લઈને સુખી થાવ અને જેને મારું સ્થાન લેવાની અભિલાષા હોય તે સ્થાન
લઈને સુખથી રહે, તથા જેઓ રાગદ્વેષ રહિત મધ્યસ્થ થઈને રહેવા ચાહે તેઓ મધ્યસ્થ રહીને સુખી રહે.– આ
પ્રમાણે સમસ્ત જગત સુખથી રહો, પરંતુ કોઈ પણ સંસારી જીવને મારાથી દુઃખ ન પહુંચો– એમ હું બધાની સામે
પોકાર કરું છું.
આખા જગતના જીવોથી નિરપેક્ષ થઈને, પોતાના આત્મામાં વીતરાગ ભાવે રહેવાની આમાં ભાવના છે.
મારા જ્ઞાનમાં રાગ–દ્વેષ કરવાનો સ્વભાવ જ નથી. પોતે પોતાના આત્માની આરાધનાની ઉગ્રતા કરતા થકા
મુનિ પોકાર કરે છે કે આ જગતના જીવો તેમને સુખ ઉપજે તેમ વર્તો પણ હું મારા જ્ઞાતાભાવરૂપ ક્ષમાને નહિ
છોડું. કોઈ મારા દોષ કાઢીને, કે પીંછી–કમંડલ લઈને, કે સ્થાન લઈને ભલે સુખ માને અને બીજા કોઈ વીતરાગ
ભાવ પણે રહીને સુખી થાય–પણ મને બંને ઉપર સમભાવ છે. સમસ્ત જગત સુખી રહો. જગતમાં કોઈ જીવ
દુઃખી થાય તેવી ભાવના નથી, એટલે ખરેખર પોતે વીતરાગપણે રહેવા માગે છે.
મુનિઓ પાસે ધન વગેરે તો હોતાં નથી, પણ પીંછી કમંડળ કે પુસ્તક હોય છે. તે કોઈ લઈ જાય તો ભલે
લઈ જાવ. પીંછી વગેરે મારાં નથી ને તેના લઈ જનાર

PDF/HTML Page 14 of 17
single page version

background image
ચૈત્ર : ૨૪૭૪ આત્મધર્મ : ૯૩ :
ઉપર મને દ્વેષ નથી; હું તો જ્ઞાયક છું. વીતરાગ ભાવે મધ્યસ્થ રહેનાર જ્ઞાનીઓ ઉપર મને રાગ નથી, ને જીવન
હરનાર અજ્ઞાની ઉપર દ્વેષ નથી. મારા નિમિત્તે કોઈ દુઃખી થશો નહિ. હું તો જગતમાં જેમ થાય તેને જાણ્યા કરું
અને મારા આત્માના વીતરાગ ભાવમાં ટકી રહું.–આ પ્રમાણે સંપૂર્ણ પરિગ્રહરહિત જ્ઞાયકભાવની ભાવનાનો
પોકાર કર્યો છે.
મુનિદશામાં સ્વરૂપના અનુભવની એકાગ્રતામાં ટકીને ક્રોધાદિભાવો થવા જ ન દેવા તે ઉત્તમક્ષમા છે.
અને ગૃહસ્થને ક્રોધાદિભાવો થાય ખરા, પરંતુ ક્રોધાદિભાવો થવા છતાં ‘મારું જ્ઞાનસ્વરૂપ આ ક્રોધાદિથી જુદું છે,
ક્રોધ મારા સ્વરૂપમાં નથી, ખરેખર મારું જ્ઞાન તો ક્રોધને પણ જાણનાર છે’ આમ, ક્રોધથી ભિન્ન પોતાના
જ્ઞાનસ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન ટકાવી રાખવા તે પણ ઉત્તમ ક્ષમા છે. જે રાગને પોતાનું સ્વરૂપ માને છે તે પોતાના
આત્માની હિંસા કરનાર છે, તે અનંતક્રોધી છે. અહીં મુખ્યપણે તો મુનિદશાના ધર્મની વાત છે, પણ ગૌણપણે
સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકની ક્ષમા આવી જાય છે – એમ સમજવું.
શ્રીપદ્મનંદિ આચાર્યદેવે ઉત્તમક્ષમાધર્મ સંબંધી પાંચ શ્લોકો કહ્યા છે, તેમાંથી ચાર પૂરા થયા. હવે,
વીતરાગભાવ છોડીને જો રાગ–દ્વેષની વૃત્તિ ઊઠે તો સ્વભાવની ઉગ્ર ભાવનાવડે તે વૃત્તિ તોડી નાંખવી–તે ઉત્તમ
ક્ષમા છે–એમ છેલ્લા શ્લોકમાં કહે છે:–
–શાર્દૂલ વિક્રીડિત–
किं जानासि न वीतरागमखिलं त्रैलोक्यचूडामणिं
किं तद्धर्ममुपाश्रितं न भवता किंवा न लोको जडः।
मिथ्याद्रग्भिरसज्जनैरपटुभिः किंचित्कृतोपद्रवा–
द्यत कर्माजनहेतुमस्थिरतया बाधां मनोमन्यसे।।८६।।
પોતાના સ્વરૂપની વીતરાગી સ્થિરતામાંથી બહાર નીકળીને પર સન્મુખ વૃત્તિ જતાં કાંઈક રાગ કે દ્વેષનો
વિકલ્પ ઊઠે તે તોડીને સંપૂર્ણ વીતરાગતા પ્રગટ કરવા માટે પોતે પોતાને સંબોધીને કહે છે કે, રે મન! મિથ્યાદ્રષ્ટિ
દુર્જન મૂર્ખજનો દ્વારા કરવામાં આવતાં ઉપદ્રવોથી ચંચળ થઈને કર્મો આવવાનાં કારણભૂત એવી વેદનાનો તું
અનુભવ કરે છે, તો, ત્રણલોકમાં સર્વથી શ્રેષ્ઠ પૂજનીક એવા તારા વીતરાગ ભાવને શું તું નથી જાણતો? તેમજ
જે ધર્મનો તેં આશ્રય કર્યો છે તે ધર્મને શું તું નથી જાણતો? અને આ સમસ્ત લોક અજ્ઞાની–જડ છે તે વાતનું શું
તને જ્ઞાન નથી? અર્થાત્–ત્રણે લોકમાં વીતરાગ ભાવ એ જ સર્વ શ્રેષ્ઠ છે એમ જાણીને, સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક
વીતરાગ ભાવરૂપ ચારિત્ર તે જ ધર્મ છે એમ જાણીને અને આ લોકો જડ–મૂર્ખ છે એમ જાણીને હે જીવ! મૂર્ખ
અજ્ઞાની–ઓ વડે કરવામાં આવતાં ઉપસર્ગોથી તું તારા વીતરાગ ભાવને ન છોડ, તું રાગ દ્વેષ કરીને દુઃખી ન થા.
ઉત્તમક્ષમાનો સંબંધ પર જીવો સાથે નથી. પર જીવને ક્ષમા કરવી કે પર જીવો પોતાને ક્ષમા કરે–એવી
ક્ષમાની વાત નથી. ‘બધાય પર જીવો પોતાને ક્ષમા કરે ત્યારે જ ક્ષમા થઈ કહેવાય’–એમ જો હોય તો, જ્યાં
સુધી બીજા જીવો ક્રોધ ટાળીને ક્ષમાભાવ ન કરે ત્યાં સુધી પોતાને પણ વીતરાગી ક્ષમાભાવ ન થઈ શકે, એટલે કે
ક્ષમા તો પરાધીન થઈ. પણ પરાધીનતામાં કદી ધર્મ હોઈ શકે નહિ. અહીં તો, પોતે પોતાના જ્ઞાન સ્વભાવને
રાગાદિ વિકારોથી જુદો જાણીને, ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગોમાં રાગ દ્વેષ ન કરવો ને વીતરાગી
જ્ઞાતાભાવે ટકી રહેવું તે જ ઉતમ ક્ષમા છે; એ સ્વાધીન છે. પર જીવો ક્ષમા આપે કે ન આપે તો પણ પોતે
પોતામાં ઉત્તમ ક્ષમા ભાવ પ્રગટાવી શકે છે.
અહીં તો મુનિદશામાં શુભ કે અશુભ વિકલ્પ ઊઠે તે પણ ઉત્તમ ક્ષમામાં ભંગ છે, તેને ટાળીને
વીતરાગભાવની ભાવના કરતાં મુનિવર પોતે પોતાને સંબોધીને કહે છે કે–રે આત્મા! અજ્ઞાની જીવો દ્વારા
કરવામાં આવેલા ઉપદ્રવોથી તું દુઃખિત થઈને કલેશ કરે છે, તો શું ત્રિલોકપૂજ્ય એવા તારા વીતરાગીભાવને તું
નથી જાણતો?–કે જેથી વીતરાગતાને છોડીને તું આવા દ્વેષભાવને કરે છે?
એકલો વીતરાગભાવ તે જ ઉત્તમક્ષમાધર્મ છે. ‘હું વીતરાગ થઉં, ને રાગ ટાળું’ એવા વિકલ્પની મુખ્યતા
નથી, વિકલ્પ તે ક્ષમા નથી, પણ સ્વભાવની એકાગ્રતામાં વીતરાગી પણે પરિણમી જવું ને રાગદ્વેષની ઉત્પત્તિ જ
થવા ન દેવી તે ઉત્તમક્ષમા છે. જેટલો રાગાદિનો વિકલ્પ ઊઠે તેટલો ઉત્તમક્ષમામાં ભંગ પડે છે. આવું
ઉત્તમક્ષમાધર્મનું સ્વરૂપ છે. તેનું સંપૂર્ણપણે પાલન ન કરી શકાય તોપણ તેના યથાર્થ સ્વરૂપને ઓળખીને શ્રદ્ધા –
જ્ઞાન કરવાં અને રાગાદિભાવો થાય તેનો આદર ન કરવો તે પણ ઉત્તમક્ષમાધર્મનો અંશ છે. સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનમાં અખંડ ચૈતન્યસ્વભાવ તરફનું જોર ટકી રહેતાં ક્રોધાદિભાવો જેટલે અંશે ન થયા તેટલે અંશે સહજ
ક્ષમા છે.
વળી આ શ્લોકમાં આચાર્યદેવે લોકોને જડ કહ્યા છે, ત્યાં લોકો ઉપર દ્વેષ નથી પણ પોતાના
આરાધકપણાની ઉગ્રતા છે. પોતાનું જ્ઞાન કેવળજ્ઞાન થવા માટે ઊછળી રહ્યું છે, લોકો શું બોલે છે તે જોવાની
જરૂર નથી. લોકો

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૯૪ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૭૪
તો જડ જેવા છે, તે ગમે તેમ બોલશે; પણ હે મુનિ!
કેવળજ્ઞાન લેવાની તૈયારીમાં તને જે ઉપસર્ગ આવે
તેની સામે શું જોવું છે? તને તારામાં શુભ વિકલ્પ ઊઠે
તેનું પણ જોર નથી, ને તારા પર્યાય સામે પણ તારે
જોવાનું નથી, પણ એકલો જ્ઞાયકસ્વભાવ પૂરો છે તેમાં
જ લક્ષ કરીને લીન થઈ જા. આ રીતે, પોતાના જ્ઞાયક
સ્વભાવની ભાવનાના જોરે ચૈતન્ય સમુદ્ર ફાટીને જાણે
હમણાં કેવળજ્ઞાન થશે–એવી દશા મુનિરાજને વર્તે છે.
મારામાં પૂર્ણ જ્ઞાયકપણું છે, તેથી હું પૂર્ણ જ્ઞાયક રહીને
બધાય જીવો પ્રત્યે ક્ષમા કરું છું, બધા પ્રત્યેનો રાગ–દ્વેષ
છોડીને હું વીતરાગ ભાવે મારા સ્વભાવમાં રહું છું,
મારે પરની ઉપેક્ષા છે ને સ્વભાવની એકાગ્રતા છે.
આમ પોતાના જ્ઞાયક સ્વભાવની રુચિ અને એકાગ્રતા
કરીને આરાધના કરવી તે જ મહાનપર્વ છે.
પરમાં લક્ષ જઈને કલ્પના ઊઠે કે ‘આમ કેમ?
’ અથવા તો ઉપસર્ગ ઉપર લક્ષ જાય, કે હું ઉપસર્ગ
સહન કરું – એવી વૃત્તિ ઊઠે તે વૃત્તિ તોડવા કહે છે કે
– અરે મુનિ! સ્વભાવની એકાગ્રતા વડે તને
કેવળજ્ઞાન કેમ નહિ, ને આ વૃત્તિનું ઉત્થાન કેમ? –
આમ અપ્રતિહતભાવે આરાધના ટકાવી રાખવી તેનું
નામ મુનિની ઉત્તમક્ષમા છે.
ચૈત્ર અને વૈશાખ માસના માંગળિક
દિવસો
ચૈત્ર સુદ ૧૩ બુધવાર : પરમ પૂજ્ય શ્રી મહાવીર ભગવાનના જન્મ કલ્યાણકનો મંગળ દિવસ. અને
પૂજ્ય શ્રી કાનજી સ્વામીના પરિવર્તનની ૧૪મી જયંતિ.
ચૈત્ર સુદ ૧૫ શુક્રવાર : શ્રી પદ્મપ્રભુ–કેવળકલ્યાણક.
વૈશાખ સુદ ૨ સોમવાર : પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો જન્મ–મંગળ દિવસ. (૫૯મી વર્ષ ગાંઠ.)
વૈશાખ સુદ ૩ મંગળવાર : અક્ષયત્રીજ. ભગવાન–શ્રી ઋષભદેવને શ્રી શ્રેયાંસકુમારે સૌથી પહેલું
આહારદાન કર્યું, ત્યારથી દાનતીર્થનું પ્રવર્તન થયું.
વૈશાખ સુદ ૧૦ મંગળવાર : શ્રીમહાવીર ભગવાન–કેવળજ્ઞાન કલ્યાણક.
વૈશાખ વદ ૬ શનિવાર : સોનગઢનાં શ્રીસમવસરણ મંદિરમાં શ્રી સીમંધર ભગવાનની ચૌમુખી
પ્રતિમાની તથા શ્રીકુંદકુંદ આચાર્ય દેવની ઉભેલી પ્રતિમાની પ્રતિષ્ઠાનો તથા સમવસરણનો સાતમો વાર્ષિક
ઉત્સવ.
વૈશાખ વદ ૮ સોમવાર : શ્રીશાંતિનાથ ભગવાનના જન્મકલ્યાણક–તપકલ્યાણક તથા મોક્ષકલ્યાણક.
અને સોન ગઢના શ્રી જૈન સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન તથા તેમાં શ્રી સમયસારશાસ્ત્રની સ્થાપનાનો ૧૧ મો
વાર્ષિક ઉત્સવ.
જીવ દ્રવ્ય જ ઉત્તમ છ
(શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા પૃ. ૭૮–૭૯)
उत्तमगुणानां धाम सर्वद्रव्याणां उत्तमं द्रव्यं
तत्त्वानां परमतत्त्वं जीवं जानीहि निश्चयतः।।२०४।।
અર્થ:–જીવદ્રવ્ય ઉત્તમ ગુણોનું ધામ છે, જ્ઞાનાદિ ઉત્તમ–ગુણો તેનામાં જ છે. બધાય દ્રવ્યોમાં જીવદ્રવ્ય જ
ઉત્તમ છે, કેમકે બધા દ્રવ્યોને જીવ જ પ્રકાશે છે. વળી બધા તત્ત્વોમાં જીવ જ પરમ તત્ત્વ છે, અનંતજ્ઞાન–
ઉત્તમતત્ત્વ–એવા જીવને હે ભવ્ય! તું નિશ્ચયથી જાણ.
अन्तरतत्त्वं जीवः बाह्यतत्त्वं भवन्ति शेषाणि।
ज्ञानविहीनं द्रव्यं हेयाहेयं नैव जानाति।।२०५।।
અર્થ:–જીવ અંતરતત્ત્વ છે, અને જીવ સિવાયનાં બીજાં બધાં બહિરતત્ત્વો છે; તે બહિરતત્ત્વો જ્ઞાનરહિત છે
તેથી હેય અને ઉપાદેય તત્ત્વને તે જાણતા નથી. જીવતત્ત્વ વગર તો બધું શૂન્ય સમાન જ છે. તેથી બધાને જાણનાર
અને હેય–ઉપાદેયને પણ જાણનાર એવું જીવદ્રવ્ય જ પરમતત્ત્વ છે. ભવ્યોને તે જ સર્વ પ્રકારે આદરણીય છે.
ભૂલ સુધારો
આત્મધર્મના ૫૩ મા અંકમાં નીચે પ્રમાણે સુધારીને વાંચવા વિનંતિ છે–
(૧) પૃ. ૬૯ કોલમ ૨ લાઈન ૩૦ માં “રાગરહિત નવતત્ત્વો છે તેને બદલે “રાગસહિત નવતત્ત્વો વાંચવું.
(૨) પૃ. ૭૦ કોલમ ૧ લાઈન ૨૬–૩૪ તથા ૩૭ માં “સમ્યક્મિથ્યાત્વ મોહનીય” ને બદલે “સમ્યક્
મોહનીય” એમ વાંચવું.

PDF/HTML Page 16 of 17
single page version

background image
ચૈત્ર : ૨૪૭૪ આત્મધર્મ : ૯૫ :
બાલ – વિભાગ
ધર્મપ્રેમી બાળકો!
જ્યારથી આત્મધર્મમાં બાલવિભાગ શરૂ થયો ત્યારથી ઘણા બાળકો ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લે છે–એ
આનંદની વાત છે. પરંતુ–છેલ્લા બે માસથી બાલવિભાગ બરાબર વ્યવસ્થિત આપી શકાયો નથી, તેથી કેટલાક
બાળકો તરફથી તેની માગણી આવવા લાગી છે હવેથી દરેક મહિને બાલવિભાગ વ્યવસ્થિત રીતે આવશે. તમે
ઉત્સાહથી સમજજો, ને તમારા મિત્રોને પણ તેમાં ભાગ લેવરાવજો.
સિંહનો વૈરાગ્ય
એક હતો સિંહ. એક વાર તે હરણનો શિકાર
કરતો હતો. એવામાં આકાશ માર્ગે બે મુનિઓ જતા
હતા, તેમણે તે સિંહને જોયો. અને તે મુનિઓએ જાણ્યું
કે આ સિંહનો જીવ દસમા ભવે તીર્થંકર થવાનો છે.
એથી મુનિઓ તે સિંહને પ્રતિબોધવા માટે નીચે ઊતર્યા
અને સિંહ સામે એક શિલા ઉપર ઉભા.
અચાનક આકાશમાંથી બે મુનિઓ ઊતર્યા અને
નિડર પણે પોતાની સામે ઉભા, તે જોઈને સિંહને
નવાઈ લાગી. અને તે શાંતિથી ટગર ટગર તેમના
સામે જોઈ રહ્યો; તેનો ક્રોધ ટળી ગયો ને શાંતભાવ
પ્રગટ થયા. ત્યારે તેની તરફ જોઈને, હાથ લંબાવીને
એક મુનિ બોલ્યા, “અરે સિંહ! આ શું? દસમા ભવે
તો તું તીર્થંકર ભગવાન થવાનો છે–એમ અમે
ભગવાન પાસેથી સાંભળ્‌યું છે. હે જીવ! તને આ ન
શોભે. આ ઘોર પાપને હવે તું છોડ, છોડ.
!........જ્ઞાનમૂર્તિ આત્માને આ ભાવથી શાંતિ ન હોય.
તું તારા જ્ઞાનભાવને સમજ રે સમજ! ”
મુનિઓનો ઉપદેશ સાંભળતાં જ તે સિંહને
પોતાના પૂર્વભવનું જ્ઞાન થયું. અને પશ્ચાતાપને લીધે
તેની આંખમાંથી આંસુની ધાર ટપકવા લાગી. ત્યાં ને
ત્યાં આત્મભાન પામ્યો; મુનિને વંદન કર્યું, અને
ખોરાકનો ત્યાગ કરીને સમાધિ કરી.
બાળકો, એ સિંહનો જીવ તે જ આપણા
ભગવાન મહાવીર. એ સિંહનો જીવ પોતે
સમ્યગ્દર્શનના પ્રભાવથી દસમા ભવે કેવળજ્ઞાન પામીને
તીર્થંકર ભગવાન થયો. આજે જગત તેમને મહાવીર
પ્રભુ તરીકે પૂજે છે.
ક્યાં માંસ ખાનારો સિંહ, ને ક્યાં જગતપૂજ્ય
ભગવાન! પોતાના આત્માને ઓળખે તો સિંહનો જીવ
પણ ભગવાન થાય છે. આત્માની ઓળખાણ કરવાથી
પાપી જીવનો પણ ઉદ્ધાર થાય છે. સિંહ જેવા પશુને
પણ એ આત્મભાન થાય છે; બાળકો, તમે તમારા
આત્માનો ઉદ્ધાર કરવા માટે જરૂર આત્માની સમજણ
કરજો: એ જ જીવનનું કર્તવ્ય છે. [એ સિંહના વૈરાગ્યનું
બહુ જ સુંદર ચિત્ર ‘ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન
મંડપમાં છે, જ્યારે તમે સોનગઢ આવશો અને એ
સિંહનું દ્રશ્ય જોશો ત્યારે તમને પણ એ સિંહ જેવો
પુરુષાર્થ કરવાની ભાવના થશે.]
આતમ દેવ
(કોઈ કહેશો કે ભગવાન... એ રાગ)
૧. મારે જોવો–આતમદેવ કેવો હશે?
દેવ કેવો હશે, શું કરતો હશે?....મારે....
૨. પોતે દેવાધિદેવ, પોતે ભગવાન જે,
પોતે પરમેશ્વર કેવો હશે?....મારે....
૩. જાણે બધુંય, વિશ્વ ઝળકે બધુંય જ્યાં,
દર્પણ સમાન દેવ કેવો હશે?....મારે....
૪. જુદો જગતથી ને જુદો શરીરથી,
આનંદે એક મેક કેવો હશે?....મારે....
૫. જન્મ મરણ નહિ, રાજા કે રંક નહિ,
સાગર આનંદનો કેવો હશે?....મારે....
૬. આંખે દેખાય નહિ, કાને સુણાય નહિ,
જ્ઞાને સમાય એ કેવો હશે?....મારે....
(શ્રી. હિંમતલાલ. જે. શાહ. બી. એસ. સી.)
ન્યાય આપો
જીવ અને અજીવ વચ્ચે કજીયો થયો.
જીવ કહે કે ‘અસ્તિત્વ ગુણ મારો છે. ’ ને
અજીવ કહે કે ‘મારો છે. ’ તમને ન્યાયાધીશ
નીમ્યા હોય તો તમે શું ચૂકાદો આપશો?
(ચૂકાદો ન આવડે તો બાલવિભાગમાંથી
શોધી કાઢજો.)
શ્રી સીમંધર ભગવાનનું બીજું નામ
‘સ્વયં–પ્રભજિન’ છે.
(મોક્ષ પ્રાભૃત સંસ્કૃત ટીકા)

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permisdon of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30/24 date 31 - 10 - 4
વસ્તત્વગણન સમજણ
૫૧ મા અંકમાં ‘રમણના દાદા’ ની વાર્તા
લખીને અસ્તિત્વગુણની સમજણ આપી હતી. આ
વખતે વસ્તુત્વગુણની સમજણ આપવાની છે. આ
ગુણો ખાસ સમજવાના છે.
જેમ અસ્તિત્વગુણ બધાં દ્રવ્યોમાં છે, તેમ આ
વસ્તુત્વગુણ પણ બધાં દ્રવ્યોમાં છે. જીવમાં પણ છે, ને
અજીવમાં પણ છે.
વસ્તુત્વ એટલે વસ્તુપણું. જીવનું વસ્તુપણું શું?
જીવમાં જ્ઞાન વગેરે ગુણો વસે છે તે જીવનું વસ્તુપણું છે.
અને અજીવમાં (–પુદ્ગલમાં) રંગ, રસ વગેરે ગુણો વસે
છે તે અજીવનું વસ્તુત્વ છે. દરેક દ્રવ્યમાં પોતાના ગુણ–
પર્યાયો વસેલાં છે. એ જ તેનું વસ્તુત્વ છે.
દ્રવ્ય પોતાના ગુણ–પર્યાયમાં રહે છે. ને ગુણ–
પર્યાય પોતાના દ્રવ્યમાં રહે છે–આન પ્રયોજનભૂત અર્થ
ક્રિયા પણ કહેવાય છે, અને આ જ વસ્તુત્વગુણનું કાર્ય છે.
આ વસ્તુત્વગુણથી એમ સમજાય છે કે જીવ
શરીરમાં વસતો નથી પણ પોતાના જ્ઞાનાદિઅનંત
જ્ઞાન ગુણ પુસ્તકમાં વસતો નથી પણ જીવમાં
જ વસે છે.
× × ×
વસ્તુત્વગુણ સંબંધી સંવાદ
[] શ્રીકાન્ત : જીવ શરીરમાં વસે છે?
જ્ઞાનચંદ્ર : ના, જીવ શરીરમાં વસતો નથી.
શ્રીકાન્ત : તો જીવ ક્યાં વસે છે?
જ્ઞાનચંદ્ર : જીવ તો પોતાના જ્ઞાનાદિ અનંત
ગુણોમાં વસે છે.
શ્રીકાન્ત : જીવ શરીરમાં કેમ નથી વસતો?
જ્ઞાનચંદ્ર : કેમ કે જીવમાં ‘વસ્તુત્વ’ નામનો
ગુણ છે, તેથી તે પોતાના ગુણોમાં જ વસે છે, પણ
બીજામાં વસતો નથી.
વસવું એટલે રહેવું; વસે છે એટલે રહે છે)
× × ×
[] શ્રીકાન્ત : શરીરમાં રંગ વસે છે?
જ્ઞાનચંદ્ર : હા; શરીરમાં રંગ વસે છે, કેમકે
શરીર પુદ્ગલ છે.
શ્રીકાન્ત : શરીરમાં જ્ઞાન વસે છે?
જ્ઞાનચંદ્ર : ના; શરીરમાં જ્ઞાન વસતું નથી.
શ્રીકાન્ત : શરીરમાં જ્ઞાન કેમ વસતું નથી?
જ્ઞાનચંદ્ર : કેમ કે જ્ઞાનગુણ શરીરનો નથી પણ
જીવનો છે, તેથી તે જીવમાં જ વસે છે. દરેક વસ્તુમાં
‘વસ્તુત્વ’ગુણ છે તેથી જે વસ્તુના જે ગુણો હોય તે
વસ્તુમાં જ તે ગુણો વસે છે. વસ્તુના ગુણો વસ્તુની
બહાર વસતા નથી.
આ પ્રમાણે વસ્તુત્વગુણને ઓળખીને પોતાના
આત્માની સમજણ કરવી; વસ્તુત્વગુણ એમ બતાવે છે
કે પોતાની મૂડી પોતામાં જ વસે છે.
ફાગણ માસના પ્રશ્નોના જવાબ
જવાબ (૧) અજીવ વસ્તુઓમાં પણ ગુણો
હોય છે. જીવ વસ્તુમાં જીવના ગુણો હોય છે ને અજીવ
વસ્તુઓમાં અજીવના ગુણો હોય છે.
જવાબ (૨) જીવ પોતાના જ્ઞાન વગેરે
ગુણોમાં વસે છે. જ્ઞાન જીવમાં વસે છે. જ્ઞાનગુણ
આત્માનો જ છે. જે આત્માનો ગુણ હોય તે આત્મામાં
રહે છે.
જવાબ (૩) સામાયિક જીવમાં હોય છે, કેમકે
તે જીવની શુદ્ધ દશા છે. રબરનો ઉંદર અજીવ છે, કેમ
કે રબર અજીવ પદાર્થ છે. ખોટું જ્ઞાન જીવમાં હોય છે
અને શાસ્ત્રનું જ્ઞાન પણ જીવમાં હોય છે, અજીવમાં
જ્ઞાન હોતું નથી. સંસાર, મોક્ષ, પુણ્ય અને પાપ એ
ચારે વસ્તુઓ જીવમાં હોય છે.
આ વખતે કુલ ૭૬ બાળકોના જવાબ આવ્યા
હતા, તેમાંથી ૪૦ બાળકોના જવાબ સાચા હતા.
નવા પ્રશ્નો
(૧) આત્મદેવ કેવા છે તે ટુંકામાં ઓળખાવો.
(૨) અસ્તિત્વગુણ એટલે શું? તે ગુણ જીવમાં
હોય કે અજીવમાં?
(૩) નીચે લખેલા ગુણોમાંથી કયા કયા ગુણો
તમારામાં છે? અને કયા કયા ગુણો અજીવમાં છે તે
બતાવો–અસ્તિત્વ, જ્ઞાન, રંગ, સુખ, વસ્તુત્વ.
(વધારાનો પ્રશ્ન)
શ્રી મહાવીર ભગવાન પછી થયેલા એક મહાન
ધર્માત્માનું નામ શોધી કાઢો કે જેનો પહેલો અને ત્રીજો
અક્ષર સરખો હોય, તથા બીજો અને ચોથો અક્ષર પણ
સરખો હોય, અને જે મોક્ષમાં જવાના હોય.
(આ વધારાના પ્રશ્નનો સંબંધ ઈનામ સાથે નથી.)
મુદ્રક : જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૧૦ – ૪ – ૪૮
પ્રકાશક : શ્રી જૈન સ્વાધ્યાય મન્દિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, કાઠિયાવાડ