Atmadharma magazine - Ank 057
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૫
સળંગ અંક ૦૫૭
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ પાંચમું : સંપાદક : અષાઢ
રામજી માણેકચંદ દોશી
અંક નવમો વકીલ ૨૪૭૪
શ્રી વીતરાગની આજ્ઞા
[સં: ૨૪૭૨ ચૈત્ર વદ ૨ ના દિવસે શ્રીપરમાત્મપ્રકાશ
અ. ૨ ગા. ૧૪૨–૧૪૩ ઉપરના વ્યાખ્યાનનો ટૂંક સાર]
હે મુનિ! આત્મા કલ્યાણ સ્વરૂપ છે એમાં તું
તારા મનને જોડ, તેને છોડીને બહાર ન જા. આત્માની
પર્યાયમાં જેટલા શુભાશુભ ભાવ થાય તે બધા ઉપદ્રવ
છે. સ્વભાવ તો ત્રિકાળ અબંધ જ છે. સ્વભાવ કદી
બંધાય નહિ. આત્મા તો આનંદકંદ કલ્યાણ સ્વરૂપ છે
તેથી તેમાં એકાગ્રતા છોડીને બહાર ક્યાંય ન જા. હે
તપોધન! આત્મામાં જેટલા દયા, દાન, ભક્તિ, પૂજા કે
હિંસા, ચોરી, જુઠ આદિના ભાવ થાય તેને તું દુઃખ દેખ.
જે પ્રાણી જ્ઞાનાનંદ ચૈતન્યમાં લીન થતા નથી તે મોટા
રાજા કે દેવ હોય તો પણ દુઃખી છે. જેઓ વિષયોમાં સુખ
માને છે તેઓ તો અગ્નિના હિંડોળે હીંચકે છે, તેમને
આત્માની શાંતિ નથી. શું દુઃખનું લક્ષણ બહારમાં રાડો
પાડે તે હશે? દુઃખનું લક્ષણ પોતાને ભૂલીને પરમાં
ભટકવું તે છે. મોટા દેવો અને રાજાઓને પણ
આત્મભાન વિના પ્રત્યક્ષ દુઃખી જાણ.
[અનુસંધાન ટાઈટલ પાન ત્રીજાથી ચાલુ]
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
(આર્યા)
દસ લક્ષણી પર્વ

વીર સંવત ૨૪૭૩ ના ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધીના ‘દસ લક્ષણી પર્વ’ના દિવસો દરમિયાન શ્રી
પદ્મનંદી પચીસીમાંથી ઉત્તમક્ષમા વગેરે દસ ધર્મો ઉપર પૂ. સદ્ગુરુદેવશ્રીએ કરેલા વ્યાખ્યાનોનો સાર. ઉત્તમક્ષમા,
માર્દવ અને આર્જીવ એમ ત્રણ ધર્મો અગાઉના પપ મા અંકમાં આવી ગયા છે.
૪ ઉત્તમ સત્ય ધમ (ભદરવ સદ : ૮)
આજે દસ લક્ષણીપર્વનો ચોથો દિવસ છે. ઉત્તમક્ષમા, માર્દવ અને આર્જવ એ ત્રણ ધર્મોનું સ્વરૂપ કહેવાઈ
ગયું છે. આજે ઉત્તમ સત્યધર્મનો દિવસ છે. આ ઉત્તમક્ષમાદિ ધર્મોનું આરાધન સમ્યગ્દર્શનપૂર્વક જ થઈ શકે છે.
આ ભાદરવા સુદ પ થી ૧૪ સુધીના દિવસોને દસ લક્ષણીપર્વ કહેવાય છે ને તે જ પર્યુષણ પર્વ છે.
નિર્ગ્રંથ સંત મુનિવરોને સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક ઉત્તમસત્યધર્મ કેવો હોય તેનું વર્ણન શ્રીપદ્મનંદી
આચાર્યદેવ કરે છે–
स्वपरहितमेव मुनिभिर्मितममृतसमं सदैव सत्यं च।
वक्तव्यं वचनमथ प्रविधेयं धीधनैर्मौनम् ।।
९१।।
ઉત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા મુનિવરોએ, પ્રથમ તો મૌન જ રહેવું જોઈએ. એટલે કે પરમ સત્ય
આત્મસ્વભાવની એકાગ્રતામાં રહીને બોલવાનો વિકલ્પ જ ન થવા દેવો જોઈએ. અને જો વિકલ્પ ઊઠે તો એવા
વચન બોલવા જોઈએ કે જે સદાય સ્વ–પરને હિતકારી હોય, અમૃત સમાન મિષ્ટ હોય અને સત્ય હોય.
સમ્યગ્જ્ઞાન તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે. એવા સમ્યગ્જ્ઞાનના ધારક મુનિઓને જ ઉત્તમસત્ય હોય છે. ઉત્તમસત્ય
તે સમ્યક્ચારિત્રનો એક પ્રકાર છે. જેને સમ્યગ્જ્ઞાન ન હોય અને આત્મા પરનું કરે, પુણ્યથી ધર્મ થાય, ઈશ્વર
જગતના કર્તા છે. એમ માનતો હોય તે જીવ લૌકિકમાં સત્ય બોલતો હોય તોપણ તેને ઉત્તમ સત્યધર્મ હોતો
નથી. અહીં તો સમ્યગ્દર્શન પછી મુનિદશાની મુખ્યપણે વાત છે. ઉત્તમ સમ્યગ્જ્ઞાનને ધરનારા મુનિવરોએ પ્રથમ
તો મૌન જ રહેવું શ્રેષ્ઠ છે, એટલે કે ચૈતન્યસ્વરૂપમાં વીતરાગી સ્થિરતા પ્રગટ કરીને વાણી તરફનો વિકલ્પ જ
થવા દેવો નહિ. આવો વીતરાગીભાવ તે જ પરમાર્થે ઉત્તમ સત્ય ધર્મ છે. અને અસ્થિરતાને લીધે જ્યારે વિકલ્પ
ઊઠે ત્યારે પોતાને અને પરને હિતકારી એવા સત્ય તથા પ્રિય વચનો બોલવાનો શુભરાગ તે વ્યવહારે ઉત્તમ
સત્ય ધર્મ છે. તેમાં જે રાગ છે તે ધર્મ નથી પણ તે વખતે જેટલો વીતરાગભાવ છે તેટલો ધર્મ છે. વાણી બોલાય
કે ન બોલાય તે તો જડ પરમાણુઓની સ્વતંત્ર અવસ્થા છે, આત્મા તેનો કર્તા નથી. વાણીનો કર્તા આત્મા છે–
એમ જે માને તે અજ્ઞાની છે, તેને સત્યધર્મ હોય નહિ.
પ્રશ્ન:– જો વાણીનો કર્તા આત્મા નથી તો ‘મુનિઓએ સત્ય વચનો બોલવાં’ એમ અહીં આચાર્યદેવે શા
માટે કહ્યું?
ઉત્તર:– સમ્યગ્જ્ઞાન પૂર્વક સત્ય બોલવાનો ભાવ હોય ત્યારે, જો વાણી નીકળે તો તે વાણી સત્ય જ હોય–
એવો મેળ બતાવવા માટે નિમિત્તથી કહેવાય કે ‘મુનિઓએ સત્ય બોલવું; તેમાં એવો આશય છે કે, મુનિવરોએ
આત્મસ્વરૂપમાં સ્થિર રહીને વાણી તરફનો વિકલ્પ જ થવા ન દેવો, અને જો વિકલ્પ થાય તો અસત્ય વચન
તરફનો અશુભરાગ તો ન જ થવા દેવો. પરંતુ ‘આત્મા જડ વાણીનો કર્તા છે’ એમ કહેવાનો આશય નથી.
વાણી બોલાય કે ન બોલાય તેનો કર્તા જીવ નથી. જ્ઞાની પોતાને વાણીનો કર્તા માનતા નથી અને સત્ય
બોલવાનો વિકલ્પ થાય તેના પણ સ્વામી જ્ઞાની થતા નથી; તેઓ વાણી અને વિકલ્પ રહિત ચિદાનંદસ્વભાવને
જ પોતાનું સ્વરૂપ માનીને આદરે છે. તેથી શ્રદ્ધા અને જ્ઞાન અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાને ધર્માત્માને પણ ઉત્તમ
સત્ય વગેરે ધર્મ હોય છે. વસ્તુસ્વરૂપ જેવું છે તેવું સત્ય જાણવું તે ધર્મ છે. જેવું છે તેવું સત્ય વસ્તુ જાણ્યા વગર
સત્યધર્મ હોઈ શકે નહિ. સમ્યગ્જ્ઞાનથી વાણી–વિકલ્પો રહિત આત્મસ્વરૂપને જાણ્યા પછી તે સ્વરૂપમાં સ્થિરતા
કરવી તેમાં ઉત્તમ ક્ષમાદિ દશે ધર્મો આવી જાય છે. અને સત્ય બોલવાનો–ઉપદેશાદિનો–વિકલ્પ ઊઠે તે વ્યવહારે
ઉત્તમ સત્ય છે. સત્ય બોલવાના વિકલ્પને કે વાણીને જ્ઞાની પોતાનું સ્વરૂપ માનતા નથી. હું

PDF/HTML Page 4 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૫૫ :
વીતરાગભાવનો કર્તા છું, ઈચ્છા કે ભાષાનો હું કર્તા નથી, ને તેઓ મારું કર્મ નથી.
સત્ય બોલાય તે શબ્દોનો હું કર્તા છું–એમ જે જીવ માને તે જીવ મોટા જૂઠ્ઠા બોલો છે, કેમકે શરીર, વાણી
વગેરે પદાર્થો પોતાનાં નથી ને પોતે તેનો કર્તા નથી, છતાં હું તે પદાર્થોનો કર્તા છું–એમ તે અસત્ય માને છે. અને
એ જ રીતે જગતના અનંત પરદ્રવ્યોને તે પોતાના માને છે તેથી તેને મિથ્યાત્વરૂપ મહાન અસત્યનું સેવન છે.
અહીં આચાર્યદેવ કહે છે કે મુનિવરોએ મૌન રહેવું. તેનો સાચો અર્થ એ છે કે મુનિઓએ વાણી તરફનું
લક્ષ છોડીને આત્મામાં એકાગ્ર રહેવું. વાણીને રોકવાની ક્રિયા આત્માની નથી, પણ આત્મા જ્યારે બોલવાના
વિકલ્પને તોડીને વીતરાગભાવે આત્માના અનુભવમાં લીન થાય ત્યારે બહારમાં વાણી બોલાતી ન હોય–એવું
પરમાણુઓનું સ્વતંત્ર પરિણમન હોય છે. “મૌન રહેવું” એ તો ‘ઘીનો ઘડો’ કહેવાની જેમ ઉપચારકથન છે.
ખરેખર ભાષા કરવી કે ભાષાને અટકાવવી તે ચેતનને આધીન નથી. ધર્મોપદેશ કરું, સ્વાધ્યાય કરું એવા
પ્રકારનો શુભવિકલ્પ મુનિને થાય અને પરમ સત્યઉપદેશ નીકળે પણ ખરો, પરંતુ તે વખતે સમ્યક્શ્રદ્ધા–
જ્ઞાનપૂર્વક અશુભરાગને છેદીને જેટલો વીતરાગભાવ છે તે જ ધર્મ છે, જે શુભરાગ છે તેને મુનિ ધર્મ માનતા
નથી, ને તે રાગને આદરણીય માનતા નથી, તેથી તેમને ઉત્તમસત્યધર્મ છે. પણ જો રાગને આદરણીય માને તો
ત્યાં તો સમ્યગ્દર્શન પણ હોતું નથી, ઉત્તમસત્યધર્મ તો સમ્યક્ ચારિત્રનો ભેદ છે તે તો હોય જ ક્યાંથી?
મારા શુભરાગથી કે વાણીથી મને કે બીજાને લાભ થાય અગર તો હું નિમિત્ત થઈને બીજાને સમજાવી
દઉં–એવો જેનો અભિપ્રાય છે તે જીવ મહા અસત્ય અભિપ્રાયનું સેવન કરનાર મિથ્યાદ્રષ્ટિ છે. શુભરાગ કે
વ્યવહાર મહાવ્રતનું પાલન કરતાં કરતાં ધર્મ થાય એવો ઉપદેશ આપે અગર તો નિમિત્તથી બીજાનું કાર્ય થાય,
પુણ્યથી ધર્મ થાય–એવા એવા પ્રકારનો ઉપદેશ આપે તે જીવ અસત્ય વકતા છે અને મિથ્યાદ્રષ્ટિ છે. એવા
જીવોની તો વાત નથી. અહીં તો, સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પૂર્વક સમ્યક્ચારિત્રદશા પ્રગટ કરીને જે મુનિ થયા
છે અને કેવળજ્ઞાન પ્રગટ કરવાની તૈયારીવાળા છે એવા મુનિવરોને સંબોધન કરીને આચાર્યદેવ કહે છે કે––અહો
મુનિવરો! તમારે સ્વરૂપસ્થિરતામાં લીન રહીને સંપૂર્ણ વીતરાગતા જ પ્રગટ કરવી યોગ્ય છે. મુનિઓને કોઈ
પ્રકારનો શુભરાગ પણ કરવો ભલો નથી. સત્ય વાણી તરફની ઈચ્છા તોડીને પરમ સત્ય આત્મસ્વભાવમાં સ્થિર
રહીને કેવળજ્ઞાન પ્રગટ કરવું યોગ્ય છે.
શ્રી આચાર્યદેવ ઉત્તમ સત્ય ધર્મનો મહિમા બતાવે છે–
सति सन्ति व्रतान्येव सूनृते वचसि स्थिते।
भवत्याराधिता सद्भिः जगत्पूज्या च भारती।।
९२।।
જે જીવ સત્ય વચન બોલનાર છે તેને સમસ્ત વ્રત વિદ્યમાન રહે છે અર્થાત્ સત્ય વ્રતનું પાલન કરવાથી
સમસ્ત વ્રતોનું પાલન થાય છે અને તે સત્યવાદી પુરુષ જગત્ પૂજ્ય એવી સરસ્વતીને પણ સિદ્ધ કરી લે છે.
શાસ્ત્રોમાં એવી કથન શૈલી હોય છે કે, જ્યારે જેનું વર્ણન કરવું હોય તેને મુખ્ય કરે છે અને બીજાને ગૌણ
કરે છે. અહીં સત્ય વ્રતનું વર્ણન કરવું છે તેથી તેને મુખ્ય કરીને કહ્યું કે એક સત્ય વ્રતના પાલનમાં બધા વ્રતો
સમાઈ જાય છે. જ્યારે બ્રહ્મચર્યનું વર્ણન કરવું હોય ત્યારે એમ કહેવાય કે બ્રહ્મચર્યવ્રતમાં સર્વ વ્રતો સમાઈ જાય
છે, તેમજ જ્યારે અહિંસાનું વર્ણન ચાલતું હોય ત્યારે એમ કહે કે–અહિંસાના પાલનમાં જ સર્વે વ્રતો આવી જાય
છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય ઈત્યાદિ ભેદો વ્યવહારધર્મની અપેક્ષાથી છે. પરમાર્થે તો એક વીતરાગભાવમાં જ
અહિંસા, સત્ય વગેરે બધા ધર્મો આવી જાય છે.
સત્ય–અસત્ય વચન તરફના શુભ કે અશુભ વિકલ્પ તે આત્માનું સ્વરૂપ નથી. સત્ય–અસત્ય વચનો તેમ
જ તે તરફનો શુભ–અશુભરાગ તે બનેથી જુદો રહીને આત્મા તેનો જ્ઞાતા છે; એવા આત્મસ્વભાવના આશ્રય
વગર યથાર્થ સત્યવ્રત હોઈ શકે નહિ. શુદ્ધ આત્મસ્વભાવની શ્રદ્ધા પછી ચારિત્રદશામાં આગળ વધતાં
સત્યવ્રતાદિના જે વિકલ્પ આવે છે તેને ઉપચારથી–વ્યવહારથી નિમિત્તથી ઉત્તમ સત્ય ધર્મ કહેવાય છે. પરમાર્થથી
તો સત્ય વચન તરફનો રાગ પણ છોડીને જે વીતરાગ ભાવ થયો તે જ ઉત્તમ સત્ય ધર્મ છે. તે વીતરાગભાવ જ
ઉત્તમ અહિંસા છે, તે વીતરાગભાવ જ બ્રહ્મચર્ય ઈત્યાદિ છે. ને તે વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. એવો
વીતરાગભાવ મુનિવરોને હોય છે. જે શુભરાગ થાય છે તે પણ ખરેખર અસત્ય છે, હિંસા છે. સમ્યક્શ્રદ્ધાપૂર્વક
વીતરાગભાવરૂપ ઉત્તમ સત્ય ધર્મમાં બીજા બધા ધર્મો આવી જાય છે.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૫૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૪ :
જેઓ એવા ઉત્તમ સત્ય વ્રતનું પાલન કરે છે તેઓ જગત્પૂજ્ય સરસ્વતીને પ્રાપ્ત કરે છે એટલે કે તેઓ કેવળજ્ઞાન
પામે છે ને દિવ્યધ્વનિ છૂટે છે. સરસ્વતી એટલે કેવળજ્ઞાન, અને નિમિત્તરૂપે કહીએ તો દિવ્યધ્વનિ તે સરસ્વતી
છે. ભગવાનના દિવ્યધ્વનિને સરસ્વતી, અંબા વગેરે પણ કહેવાય છે.
લૌકિક સત્ય બોલવાના ભાવ તો જીવે અનંતવાર કર્યા છે, પણ પરમાર્થ સત્યનું સ્વરૂપ સમજ્યો નથી.
સાચા જ્ઞાનથી વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કર્યા વગર પરમાર્થસત્ય હોય નહિ. અજ્ઞાની જે કાંઈ બોલે છે તે લૌકિક
સત્ય હોય તો પણ પરમાર્થે તે અસત્ય જ છે. સમ્યગ્દર્શનપૂર્વક જ પરમાર્થ સત્ય હોઈ શકે છે. આત્માના ત્રિકાળી
શુદ્ધસ્વભાવને ઓળખીને તેમાં વિશેષ સ્થિરતાના પુરુષાર્થવડે અસત્યને (–શુભ–અશુભરાગને) ટાળે છે તે જ
ઉત્તમ સત્ય ધર્મ છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થોને પણ શ્રદ્ધા–જ્ઞાન અપેક્ષાએ ઉત્તમ સત્યાદિ ધર્મો હોય છે.
આચાર્યદેવ ઉત્તમ સત્ય ધર્મનું વિશેષ માહાત્મ્ય કરે છે–
– શાર્દૂલ વિક્રિડિત –
आस्तामेतदमुत्र सूनृतवचाः कालेन यल्लप्स्यते सद्भूपत्वसुरत्व संसृतिसरित्पाराप्तिमुख्यं फलम्।
यत्प्राप्नोति यशः शशांकविशदं शिष्टेषु यन्मान्यतां यत्साधुत्वमिहैव जन्मनि परं तत्केन संवर्ण्यते।। ९३।।
ઉપર કહ્યું તેવા ઉત્તમ સત્ય ધર્મના સ્વરૂપને જાણીને જે સત્યવાદી મનુષ્ય છે તે પરભવમાં શ્રેષ્ઠ ચક્રવર્તી
તથા ઈન્દ્રાદિ પદને પામે છે, અને સંસાર સરિતાના પારને પામે છે એ તેનું મુખ્યફળ છે. પરભવની વાત તો દૂર
રહો, પરંતુ આ ભવમાં જ તે ચંદ્રમા સમાન ઉત્તમ કીર્તિને પામે છે, તે સજ્જન કહેવાય છે ને સજ્જનો તેને
આદરથી જુએ છે. એવા ઉત્તમ સત્ય ધર્મના ફળને કેમ વર્ણવી શકાય? માટે મુમુક્ષુઓએ સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક
ઉત્તમ સત્ય ધર્મનું પાલન કરવું જોઈએ.
(સામેના પાને ચાલુ)
અષાડ અને શ્રાવણ માસના માંગળિક દિવસો
અષાડ સુદ ૬ સોમવાર : શ્રી મહાવીર–ગર્ભકલ્યાણક.
અષાડ સુદ ૭ મંગળવાર : શ્રી નેમનાથ–મોક્ષ કલ્યાણક. અને શ્રી અષ્ટાહ્નિકા ઉત્સવની શરૂઆત.
અષાડ સુદ ૧પ મંગળવાર : શ્રી અષ્ટાહ્નિકા ઉત્સવ પૂર્ણ
અષાડ વદ ૧ (બીજી) ગુરુવાર : શ્રી વીરશાસન જ્યંતિ મહોત્સવ: શ્રી મહાવીર પ્રભુનો દિવ્ય ધ્વનિ છૂટવાનો
પ્રથમ દિવસ.
શ્રાવણ સુદ ૬ મંગળવાર : શ્રી નેમિનાથ પ્રભુના જન્મ અને તપ કલ્યાણક
શ્રાવણ સુદ ૧પ ગુરુવાર : રક્ષાબંધનદિન: આ દિવસે શ્રી વિષ્ણુકુમાર મુનિએ અકંપનાચાર્યાદિ ૭૦૧
મુનિઓના સંઘની, દૂષ્ટ બલિરાજાએ કરેલા ઉપસર્ગથી રક્ષા કરી હતી.
શ્રાવણ વદ ૭ ગુરુવાર : શ્રી શાંતિનાથ–ગર્ભકલ્યાણક
પ્રૌઢ વયના ગૃહસ્થો માટે શ્રી જૈન દર્શન – શિક્ષણવર્ગ
ગયા વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ ૨ (તા. ૬–૮–૪૮) શુક્રવારથી શ્રાવણ વદ અમાસ (તા.
૩–૯–૪૮) શુક્રવાર સુધી, સોનગઢમાં શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી સાચા તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે
એક જૈન શિક્ષણવર્ગ ખોલવાનું નક્કી કર્યું છે. આ વર્ગ ખાસ પ્રૌઢ ઉમરના જૈન ભાઈઓને અનુલક્ષીને
ખોલવામાં આવ્યો છે. પ્રૌઢ વયના જૈન મુમુક્ષુઓને ખાસ આમંત્રણ છે. જે જૈન મુમુક્ષુ ભાઈઓને વર્ગમાં
આવવાની ઈચ્છા હોય તેઓએ પોતાનું નામ તુરત “શ્રી જૈન સ્વાધ્યાયમંદિર, સોનગઢ” એ સરનામે મોકલી દેવું.
– ભલામણ –
આત્મધર્મ માસિક ગુજરાતી ભાષામાં પાંચ વર્ષથી પ્રગટ થાય છે. એ વર્ષો દરમિયાન આત્મધર્મમાં અનેક
ધાર્મિક ન્યાયોની વિસ્તૃત છણાવટ થયેલી છે, યથાર્થ ધર્મની રુચિ ધરાવતા જિજ્ઞાસુઓને સહેલાઈથી સમજાય એવી
સાદી અને સરળ ભાષામાં ભગવાનની દિવ્ય ધ્વનિના ભાવોને આત્મધર્મ માસિકમાં રજુ કરવામાં આવ્યા છે. એથી
જેમની પાસે આત્મધર્મ માસિક ન હોય તેઓ જરૂર મંગાવી લે. પહેલા બીજા વર્ષની થોડી જ ફાઈલો બાકી છે.
આત્મધર્મની પહેલા, બીજા, ત્રીજા તથા ચોથા વર્ષની બાંધેલી ફાઈલ:
દરેકની કિંમત ૩–૪–૦ ટપાલખર્ચ માફ આત્મધર્મ કાર્યાલય–મોટા આંકડિયા–કાઠિયાવાડ

PDF/HTML Page 6 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૫૭ :
આત્માનો વીતરાગ જ્ઞાનમય સ્વભાવ છે, તે પરની ઉપેક્ષા કરનાર છે. પરની ઉપેક્ષા કર્યા વગર
વીતરાગભાવ પ્રગટે નહિ અને વીતરાગભાવ વગર ઉત્તમ સત્ય વગેરે ધર્મો હોય નહિ. ‘હું પરનું કરી કશું કે
નિમિત્ત હોય તો કાર્ય થાય’ એવી જેની માન્યતા છે તે જીવ પરપદાર્થોની ઉપેક્ષા કરીને સ્વભાવમાં ઢળી શકશે
નહિ. પરથી ભિન્ન પોતાના સ્વભાવને ઓળખીને જે જીવ પરમસત્યનું (આત્મસ્વભાવનું) આરાધન કરે છે તે
જીવ વીતરાગ ભાવના ફળમાં મુક્તિ પામે છે અને સાધકદશામાં જે રાગ રહી જાય તેના ફળમાં ઈન્દ્રાદિ પદવી
પામે છે. અજ્ઞાનીઓ ગમે તેવા સત્યનો શુભરાગ કરે તે પણ તેને ઈન્દ્ર–ચક્રવર્તી આદિ લોકોત્તર પદવી મળે નહિ.
જ્ઞાનીઓને સાધકદશામાં જે રાગ વર્તતો હોય તેનો નિષેધ છે તેથી તેમને ઈન્દ્રાદિ પદને યોગ્ય ઊંચા પુણ્ય બંધાઈ
જાય છે. અને આ લોકમાં પણ એવા સમ્યગ્જ્ઞાની સત્યવાદીને સજ્જનપુરુષો આદરદ્રષ્ટિથી દેખે છે, અને તેની
ઉજ્જવળ કીર્તિ સર્વત્ર થાય છે. આચાર્યદેવ કહે છે કે એ બધા ફળ તો ગૌણ છે. ઉત્તમ સત્ય ધર્મનું મુખ્ય ફળ તો
મોક્ષપદની પ્રાપ્તિ છે. માટે સજ્જનોએ જરૂર સત્ય બોલવું જોઈએ એટલે કે, દરેક વસ્તુ સ્વતંત્ર સત્ છે એમ
સમજીને વસ્તુસ્વભાવની સમ્યક્શ્રદ્ધા અને જ્ઞાન પ્રગટ કરવા જોઈએ, ને એ સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક
ઉત્તમક્ષમાદિભાવરૂપ વીતરાગ ધર્મનું આરાધન કરવું જોઈએ. ––એ રીતે ઉત્તમ સત્ય ધર્મનું વ્યાખ્યાન પૂરું થયું.
પ. ઉત્તમ શૌચ ધર્મ (ભાદરવા સુદ ૯)
દશલક્ષણીપર્વનો આજે પાંચમો દિવસ છે. આજે ઉત્તમ શૌચધર્મનો દિવસ છે. ઉત્તમ શૌચ એટલે
સમ્યગ્દર્શનપૂર્વકની પવિત્રતા અથવા નિર્લોભતા. આ દસ ધર્મો મુખ્યપણે મુનિદશામાં હોય છે, ગૃહસ્થધર્મીને
ગૌણપણે હોય છે. શ્રીપદ્મનંદીઆચાર્ય પદ્મનંદીપચીસી શાસ્ત્રમાં શૌચધર્મનું વર્ણન કરે છે–
(આર્યા)
यत्परदारार्थादिषु जन्तुषु निस्पृहमहिंसकं चेतः।
दुर्भेद्यान्तमल हृत्तदेव शौचं परं नान्यत् ।।
९४।।
જે પર સ્ત્રી અને પર પદાર્થો પ્રત્યે નિસ્પૃહ છે, સર્વ પ્રાણીઓ પ્રત્યે અહિંસક છે અને દુર્ભેદ્ય એવા અંતરના
મેલને જેણે ધોઈ નાંખ્યો છે એવું પવિત્ર હૃદય તે જ ઉત્તમ શૌચધર્મ છે, એ સિવાય બીજો કોઈ શૌચધર્મ નથી.
શૌચ એટલે પવિત્રતા. જેને પવિત્ર આત્માનું ભાન નથી અને દેહને જ પોતાનો માની રહ્યો છે એવો
અજ્ઞાની જીવ શરીરને પવિત્ર રાખવું તેને શૌચધર્મ માને છે. આચાર્યદેવ કહે છે કે એ શૌચધર્મ નથી. શરીરને
પોતાનું માનવું તે તો મહાન અશુચિ છે. જે આત્માએ ભેદજ્ઞાનરૂપી જળથી તે મિથ્યામાન્યતારૂપી અશુચિને ધોઈ
નાખી છે તે જ આત્મા શૌચધર્મ છે.
જેને પવિત્ર ચૈતન્યસ્વરૂપનું ભાન ન હોય અને પુણ્ય–પાપને જ પોતાનું કર્તવ્ય માને, પરનું હું કરું એમ
માને તે જીવ પરપદાર્થોથી નિસ્પૃહ થઈ શકે નહિ. પુણ્ય–પાપરૂપ વિકારભાવોની જેને પકકડ છે તેનું જ્ઞાન
વિકારથી મલિન છે. પરનું હું કરું એમ જે માને છે તેનું જ્ઞાન મિથ્યાત્વરૂપ મેલથી મલિન છે. પરની મને મદદ છે,
નિમિત્તના આશ્રયે ધર્મ થાય છે–એવી જેની માન્યતા છે તે જીવ પર પદાર્થોમાં આસકત છે. જે જીવ પરમાં
આસકત છે તે જીવ મહાન અશુચિથી ભરેલો છે. જેણે પુણ્યમાં અને તેના ફળમાં સુખ માન્યું છે તે જીવ ખરેખર
સ્ત્રીઓ પ્રત્યે નિસ્પૃહ નથી. જે પુણ્યમાં આસક્ત છે તે જીવને તેના ફળમાં પણ આસક્તિ છે; તે જીવ સ્ત્રીઆદિ
પદાર્થો પ્રત્યે નિસ્પૃહ નથી અને તેને શૌચધર્મ હોતો નથી.
સ્નાન વગેરેથી શરીરને ચોકખું રાખે તે કાંઈ શૌચધર્મ નથી. શરીરની શુદ્ધિથી આત્માને ધર્મ માનવો તે
મિથ્યાત્વ છે. અને પુણ્ય–પાપના ભાવોથી આત્માની પવિત્રતા થાય એમ માને તેને જરાય ધર્મ થાય નહિ, પણ
ઊલટો મિથ્યાત્વરૂપી મેલ પુષ્ટ થાય. શરીરથી ભિન્ન અને પુણ્ય–પાપથી રહિત એવા પવિત્ર આત્મસ્વરૂપની
સાચી ઓળખાણરૂપી જળવડે મિથ્યાત્વરૂપી મેલને ધોઈ નાખવો અને પવિત્ર આત્મસ્વરૂપમાં એકાગ્રતાવડે
રાગાદિ મેલને ધોઈ નાંખવા તે જ ઉત્તમ શૌચધર્મ છે, એવો ધર્મ મુનિઓને હોય છે. જેટલો રાગાદિ વિકલ્પ થાય
તે તો અશુચિ છે. મુનિવરોની પરિણતિ સ્ત્રી–લક્ષ્મી વગેરેથી તદ્ન નિસ્પૃહ છે, શુભ તેમજ અશુભ બંને ભાવોને
સરખા માને છે, બંને ભાવો અશુચિરૂપ છે, આત્મસ્વભાવથી વિપરીત અશુદ્ધભાવ છે. મુનિઓને સહજ જ્ઞાનની
એકાગ્રતાથી તે રાગાદિ અશુદ્ધભાવો થતા જ નથી; રાગાદિ રહિત વીતરાગભાવ તે ઉત્તમ શૌચધર્મ છે. એ
સિવાય બીજો કોઈ ઉત્તમ શૌચધર્મ નથી.

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૫૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૪ :
સજ્જનોને પરસ્ત્રીના સંગનો ભાવ હોય જ નહિ. પણ ખરેખર તો શુભભાવ પણ પર સ્ત્રી છે.
શુભભાવથી આત્માને લાભ માનીને શુભપરિણતિનો સંગ કરવો તે પરસ્ત્રીગમન છે. ધર્મી જીવો
શુભપરિણામને પોતાનું સ્વરૂપ માનતા નથી, ને તેમાં એકતા કરતા નથી. તેથી શ્રદ્ધા–જ્ઞાન અપેક્ષાએ તેને પણ
શૌચધર્મ છે. આત્મામાં પરભાવનું જે ગ્રહણ કરે છે તે પરમાર્થે પરાયા ધનનું ગ્રહણ છે. જેને પરભાવોમાં
ગ્રહણબુદ્ધિ છે તે જીવ તેના ફળરૂપ લક્ષ્મી આદિ બાહ્ય સંયોગોને પણ પોતાના માન્યા વગર રહેશે નહિ. મુનિઓ
જ્ઞાનાનંદ સ્વભાવના અનુભવની જાગૃતિ દ્વારા પરભાવોની ઉત્પત્તિ થવા દેતા નથી તેથી તેઓ સમસ્ત પર
પદાર્થો ને પરભાવોથી નિસ્પૃહ છે; પરભાવોથી રહિત તેમની પવિત્ર વીતરાગી પરિણતિ તે જ ઉત્તમશૌચધર્મ છે.
બહારમાં સ્નાનાદિ તે શૌચ નથી અને પુણ્ય પરિણામમાં પણ આત્માની શુચિ નથી. જે ભેદવા કઠણ છે એવા
પુણ્ય–પાપ ભાવોરૂપ મલિનતાને આત્માની પવિત્રતાના જોરે જેણે ભેદી નાખી છે તેને ઉત્તમશૌચધર્મ છે.
સ્નાન વગેરેથી શુદ્ધતા થઈ શકતી નથી એ વાત આચાર્યદેવ સ્પષ્ટ કરે છે–
– શાર્દૂલ વિક્રિડિત –
गंगा सागरपुष्कराद्रिषु सदा तीर्थेषु सर्वेष्वपि स्नातस्यापि न जायते तनुभृतः प्रायो विशुद्धिः परा।
मिथ्यात्वा दिमलीमसं यदि मनो बाह्येऽतिशुद्धोदकै– र्धौतं कि बहुशोऽपि शुद्धति सुरापूरपपूर्णो घटः।।
५।।
ગંગા નદી, સમુદ્ર કે પુષ્કરાદિ સર્વે તીર્થોમાં સદા સ્નાન કરાવવાથી પણ શરીરની મલિનતા ટળતી નથી,
શરીર કદી પવિત્ર થતું નથી. સ્વભાવથી જ શરીર અશુચિરૂપ છે. જેમ મદિરાથી પરિપૂર્ણ ભરેલા ઘડાને
અતિસ્વચ્છ પાણીથી અનેકવાર ધોવામાં આવે તો પણ તે સ્વચ્છ થતો નથી, તેમ જેનું ચિત્ત મિથ્યાત્વાદિ મલિન
ભાવોથી ભરેલુ છે તે જીવ બહારમાં શરીરને સ્વચ્છ પાણીથી ગમે તેટલી વાર ધૂએ પણ તેને પવિત્રતા થતી
નથી. જે પુણ્યથી આત્માને લાભ માને છે તે જીવ પોતાના આત્મામાં વિકારનું જ લેપન કરીને આત્માની
મલિનતા વધારે છે. પુણ્યભાવથી આત્માની શુદ્ધિ થતી નથી. પુણ્ય–પાપરહિત અને શરીરથી ભિન્ન, પવિત્ર
આત્મસ્વરૂપની ઓળખાણથી સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરવા તે જ પવિત્રતા છે, ને તે જ શૌચધર્મ છે. સ્નાન
વગેરેમાં જે ધર્મ માને છે તે પોતાના આત્માને મિથ્યાત્વ મળથી મેલો કરે છે. જેના અંતરમાં મિથ્યાત્વ ભરેલું છે
તે જીવને કદી પવિત્રતા થઈ શકતી નથી. માટે શરીર અને પુણ્ય–પાપના ભાવો તે બધાંને અશુચિરૂપ જાણીને,
તેનાથી રહિત પરમ પવિત્ર ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–રમણતા વડે પવિત્ર ભાવ પ્રગટ કરવો તે જ ઉત્તમ
દશધર્મની સાચી ઉપાસના છે.
અહીં ઉત્તમ શૌચધર્મનું વ્યાખ્યાન પૂરુ થયું.
૬ ઉત્તમ સયમ ધમ (ભદરવ સદ ૧૦)
દસલક્ષણ પર્વમાં છઠ્ઠો દિવસ ઉત્તમ સંયમ ધર્મનો છે. આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક શુભાશુભ
ઈચ્છાઓને રોકીને આત્મામાં એકાગ્ર થવું તે પરમાર્થે ઉત્તમ સંયમ ધર્મ છે. અને જ્યારે એવો વીતરાગભાવ ન
થઈ શકે ત્યારે, સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક અશુભરાગને છોડીને છ કાય જીવોની રક્ષાનો શુભરાગ હોય છે તેને
વ્યવહાર સંયમ કહેવાય છે. શ્રી આચાર્યદેવ સંયમધર્મનું વર્ણન કરે છે:–
(આર્યા)
जन्तु कृपार्दितमनसः समितिषु साधोः प्रवर्तमानस्य।
प्राणेंद्रियपरिहारः संयममाहुर्महामुनयः ।।
९६।।
જેનું ચિત્ત દયાથી ભિજાયેલું છે અને જે સમિતિમાં પ્રવર્તમાન છે તથા ઈન્દ્રિયવિષયોનો ત્યાગ છે એવા
મુનિવરોને સંયમધર્મ છે એમ મહામુનિઓ કહે છે. જેઓને આત્મભાનપૂર્વક વીતરાગભાવરૂપ અકષાયી કરુણા
પ્રગટી છે તેમને કોઈ પ્રાણીને દુઃખ દેવાનો વિકલ્પ જ થતો નથી, તેથી તેમનું ચિત્ત દયાથી ભીંજાયેલું છે એમ
કહેવાય છે. રાગભાવ તે હિંસા છે કેમ કે તેમાં પોતાના આત્માના ચૈતન્યપ્રાણ હણાય છે, તેથી તેમાં સ્વજીવની
દયા નથી. વીતરાગભાવ તે જ સાચી દયા છે, કેમ કે તેમાં સ્વ કે પર કોઈ જીવોની હિંસાનો ભાવ નથી. એવી
વીતરાગી દયાથી જેનું ચિત્ત ભીંજાયેલું છે તે મુનિવરોને ઉત્તમ સંયમ ધર્મ છે. અને સંપૂર્ણ વીતરાગભાવ ન હોય
ને રાગની વૃત્તિ ઊઠે ત્યારે પાંચ સમિતિમાં પ્રવર્તવારૂપ શુભભાવ હોય છે તેને પણ સંયમધર્મ કહેવાય છે.
પરમાર્થે તો વીતરાગભાવ તે જ ધર્મ છે, રાગ તે ધર્મ નથી. ઈન્દ્રિયોના વિષયોનો કે જીવહિંસાનો તો વિકલ્પ
મુનિને હોય જ નહિ. પરંતુ જોઈને ચાલવું ઈત્યાદિ પ્રકારના શુભ વિકલ્પ આવે તેને પણ તોડીને સ્વભાવ તરફ
ઢળવાનો પ્રયત્ન વર્તે છે, જેટલે અંશે વિકલ્પનો અભાવ કર્યો તેટલે અંશે વીતરાગી સંયમધર્મ છે.

PDF/HTML Page 8 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૫૯ :
શ્રીમદ્ રાજચંદ્રજી ‘અપૂર્વ અવસર’ માં કહે છે કે: –
સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.
આમાં તેઓશ્રી એમ ભાવના કરે છે કે જ્યાં સુધી વીતરાગભાવે સ્વરૂપમાં ન ઠરી શકાય ત્યાં સુધી,
સ્વરૂપના લક્ષે અને જિન આજ્ઞા અનુસાર સંયમના હેતુએ યોગનું પ્રવર્તન હો. અહીં જિન આજ્ઞા તરફનું લક્ષ છે
તે પણ શુભભાવ છે. તેની ભાવના નથી, પણ પર તરફનો તે વિકલ્પ પણ ક્ષણે ક્ષણે ઘટતો જાય, અને ક્રમે ક્રમે
તેનો અભાવ થઈને સંપૂર્ણ વીતરાગભાવે આત્મસ્વરૂપમાં લીનતા પ્રગટ થઈને કેવળજ્ઞાન થાય–તેવી ભાવના છે.
એવા વીતરાગભાવની પહેલાંં ઓળખાણ કરવી જોઈએ. વીતરાગભાવ તે જ ઉત્તમધર્મ છે.
હવે આચાર્યદેવ સંયમની દુર્લભતા બતાવીને તેની પ્રશંસા કરે છે––
(શાર્દૂલ વિક્રીડિત)
मानुष्यं किल दुर्लभं भवभृतस्तत्रापि जात्यादयस्तेष्वेवाप्तवचःश्रुतिःस्थितिरतस्तस्याश्च द्रग्बोधने।
प्राप्ते ते अपि निर्मले अपि परं स्यातां न येनोज्झिते स्वर्मोक्षैकफलप्रदे स च कथं न श्लाध्यते संयमः।।
७।।
આ સંસારરૂપી ગહન વનમાં ભ્રમણ કરતાં જીવને મનુષ્યપણું ઘણું દુર્લભ છે. મનુષ્યપણામાં પણ
ઉત્તમજાતિ વગેરે મળવું કઠણ છે. ઉત્તમજાતિ મળે તો પણ શ્રી અરિહંત ભગવાન વગેરે આપ્ત પુરુષનાં વચનો
સાંભળવાની પ્રાપ્તિ થવી મહાદુર્લભ છે. અહીં આચાર્યદેવ દેશનાલબ્ધિનો નિયમ મૂકે છે. જે જીવને જ્ઞાની પુરુષ
પાસેથી શુદ્ધ આત્મતત્ત્વના ઉપદેશની પ્રાપ્તિ થઈ નથી તે જીવ ધર્મ પામી શકતો નથી. એથી કાંઈ જીવની
પરાધીનતા થતી નથી. જે જીવને શુદ્ધાત્મસ્વભાવ સમજવાની લાયકાત હોય તે જીવને જ્ઞાની પાસેથી શુદ્ધાત્માનો
ઉપદેશ મળે જ. રુચિ, બહુમાન અને વિનયપૂર્વક જ્ઞાની પુરુષના ઉપદેશને સાક્ષાત્ સાંભળ્‌યા વગર, માત્ર શાસ્ત્રો
વાંચીને કે અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને કદી કોઈ જીવ ધર્મ પામી શકે નહિ. જે જીવ ધર્મ પામે તેને કાં તો
વર્તમાન સાક્ષાત્ જ્ઞાનીની વાણીનો યોગ હોય, અને કદાચ તેવો યોગ ન હોય તો, પૂર્વે જ્ઞાનીનો જે સમાગમ કર્યો
હોય તેના સંસ્કારો વર્તમાનમાં યાદ આવ્યા હોય. જીવને જ્ઞાનીનો ઉપદેશ તો અનંતવાર મળ્‌યો છે, પણ
જિજ્ઞાસાપૂર્વક કદી પણ સત્ સાંભળ્‌યું નથી, તેથી પરમાર્થે તેણે સત્નું શ્રવણ કદી કર્યું જ નથી. જિજ્ઞાસાપૂર્વક
સંતપુરુષની વાણીનું શ્રવણ મહા દુર્લભ છે. આટલું હોય ત્યાં સુધી પણ ધર્મ નથી, આટલું હોય ત્યારે
વ્યવહારશુદ્ધિ થઈ કહેવાય એટલે કે તેનામાં ધર્મી થવા માટેની પાત્રતા પ્રગટી કહેવાય. જેનામાં આટલું ન હોય તે
જીવ તો ધર્મ પામી શકતો જ નથી. કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને જેઓ માને છે તેઓ તો તીવ્ર મિથ્યાદ્રષ્ટિ છે. સાચા
દેવ–ગુરુ–શાસ્ત્રનું સ્વરૂપ ઓળખે અને કુદેવાદિની માન્યતા છોડે ત્યારે ગૃહીતમિથ્યાત્વ ટળે છે.
જેને જ્ઞાની પાસેથી સાચા ધર્મનું શ્રવણ મહાભાગ્યથી પ્રાપ્ત થયું છે તેને તેમાં દ્દઢ સ્થિતિ થવી દુર્લભ છે.
જ્ઞાનમાં યથાર્થ નિર્ણય કરવો તે મહા દુર્લભ છે. સત્ સંભાળી લે પણ નિર્ણય ન કરે તો યથાર્થ ફળ આવે નહિ.
આટલે સુધી આવ્યા પછી હવે અપૂર્વ આત્મધર્મ કેમ થાય તેની વાત કરે છે.
અનંતકાળે દુર્લભ મનુષ્યપણું પામીને, સત્ધર્મનું શ્રવણ પામીને અને જ્ઞાનમાં તેનો નિર્ણય કરીને
શુદ્ધાત્માનો અનુભવ કરવો તે અપૂર્વ છે. અનંતકાળમાં પૂર્વે કદી નહિ કરેલ એવું નિશ્ચય સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવું તે મહાન પુરુષાર્થ છે. અહીંથી અપૂર્વ ધર્મની શરૂઆત છે. જેણે એક સમયમાત્ર પણ
સમ્યગ્દર્શનજ્ઞાનની પ્રાપ્તિ કરી છે તે જીવ અલ્પકાળે અવશ્ય મુક્તિ પામે છે. એવા પવિત્ર સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ પરમ પુરુષાર્થ વડે કરીને પછી પણ વીતરાગી સંયમની પ્રાપ્તિ સૌથી દુર્લભ છે.
અહીં આચાર્યદેવ ઉત્કૃષ્ટ વાત બતાવવા માંગે છે. મોક્ષનું સીધું કારણ વીતરાગી ચારિત્ર છે.
સમ્યગ્દર્શનજ્ઞાન હોવા છતાં જ્યાં સુધી વીતરાગી સંયમદશા પ્રગટ ન કરે ત્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી. માટે
વીતરાગી સંયમધર્મ પરમ પ્રશંસનીક છે. સમ્યગ્દર્શન–જ્ઞાનને ગૌણપણે મોક્ષમાર્ગ ગણવામાં આવે છે, સાક્ષાત્
મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વકની ચારિત્રદશામાં છે. પ્રવચનસારની ૭ મી ગાથામાં કહ્યું છે કે
चारित्तं खलु
धम्मो એટલે કે સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્ર તે ધર્મ છે. ચારિત્રદશા વગર તે ભવે તો મોક્ષ હોય જ નહિ.
આચાર્યદેવને પોતાને ચારિત્રદશા વર્તે છે, ઘણો તો વીતરાગભાવ પ્રગટ્યો છે, પણ ઉત્કૃષ્ટ વીતરાગી સંયમ

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૬૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૪ :
પ્રગટ કરીને તે જ ભવે કેવળજ્ઞાન પ્રગટે–એવા પૂર્ણ ચારિત્રની ભાવના કરે છે. આ કાળે સાક્ષાત્ કેવળજ્ઞાન
પમાડે એવા ઉત્કૃષ્ટ ચારિત્રનો પુરુષાર્થ નથી. શ્રદ્ધા, અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાનથી જ વીતરાગભાવ છે; એવી
સમ્યક્શ્રદ્ધાપૂર્વક વીતરાગભાવ પ્રગટ કરવો તે અત્યંત પ્રશંસનીય છે. ભાવસંયમ વગર ઉચ્ચ સ્વર્ગપદ કે
મોક્ષપદની પ્રાપ્તિ થતી નથી. વીતરાગી સંયમદશા ન પ્રગટ કરી શકાય તો, તેની ભાવનાપૂર્વક, નિર્મળ
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ટકાવી રાખવા જોઈએ. સમ્યગ્દર્શન–જ્ઞાન તે પણ ધર્મ–આરાધના છે, અને ગૃહસ્થો
પણ તે કરી શકે છે.
‘જે ચારિત્ર છે તે ધર્મ છે’ એમ કહ્યું, તે કયું ચારિત્ર? લોકો ઘરબાર છોડી–લુગડા ફેરવીને ચાલી. નીકળે
છે તે કાંઈ ચારિત્ર નથી, કોઈક પ્રકારનો વેશ પહેરવો તેમાં અથવા તો લુગડાંં તદ્ન કાઢી નાંખવા તેમાં કાંઈ
ચારિત્ર નથી. શુભરાગ પણ ચારિત્ર નથી. પણ શરીર અને વિકારથી ભિન્ન સ્વભાવને જાણીને તે સ્વભાવમાં
ચરવું તે ચારિત્ર છે. એવું ચારિત્ર સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક જ હોય છે, ને તે જ મુક્તિનું કારણ છે.
જેને જ્ઞાની પુરુષ પાસેથી સત્ધર્મનું શ્રવણ જ મળ્‌યું નથી તેને સાચો સંયમ હોય નહિ. સાચા દેવ–ગુરુની
ઓળખાણથી ગૃહીત મિથ્યાત્વનો પણ જેણે ત્યાગ કર્યો નથી એવો જીવ બાહ્યમાં ત્યાગી દિગંબર થાય તોય તેને
દ્રવ્યલિંગી પણ કહેવાય નહિ. કેમકે ગૃહીત મિથ્યાત્વને ટાળે અને વ્યવહાર પંચમહાવ્રત ચોકખાં પાળે ત્યારે તો
દ્રવ્યલિંગ કહેવાય છે. એ દ્રવ્યલિંગ પણ ધર્મ નથી. મિથ્યાદ્રષ્ટિ જીવોને સાધુ તરીકે માને તેમાં તો ગૃહીતમિથ્યાત્વ
જ છે, સાચા ગુરુ કેવા હોય તેનો પણ વિવેક તેને નથી. જેને નિમિત્ત તરીકે જ કુગુરુને–અજ્ઞાનીને સ્વીકાર્યા છે તે
જીવ પોતે પણ અજ્ઞાની–ગૃહીતમિથ્યાત્વી છે. એવો જીવ ગમે તેવા શુભભાવ કરે તોપણ આઠમા દેવલોકની ઉપર
જઈ શકે તેવા શુભભાવ તેને થાય નહિ. કેમ કે જેણે નિમિત્ત તરીકે જ કષાયવાળા દેવ–ગુરુ શાસ્ત્રને સ્વીકાર્યા છે
તેને પોતાના ભાવમાં આઠમા દેવલોકથી ઊંચે જાય તેવી કષાયની મંદતા કરવાની તાકાત નથી. જેને
ગૃહીતમિથ્યાત્વ છોડીને નિર્દોષ અકષાયી દેવ–ગુરુ–શાસ્ત્રને સ્વીકાર્યા છે તે જીવને નવમી ગ્રૈવેયક સુધી જઈ શકે
તેટલી કષાયની મંદતા થઈ શકે છે. જેણે સાચા નિમિત્તોને ઓળખ્યા નથી તે જીવને વ્યવહાર સમ્યગ્દર્શન પણ
હોતું નથી તેમ જ વ્યવહાર ચારિત્ર પણ હોતું નથી. એવો ગૃહીતમિથ્યાદ્રષ્ટિ જીવ નગ્ન દિગંબર થાય તો પણ તેને
દ્રવ્યલિંગ પણ યથાર્થ નથી. તો પછી એને સંયમ ધર્મ કેવો? એ તો મિથ્યાદ્રષ્ટિ છે. ધર્મમાં એક સામાન્યપણે
જીવનું માપ કરવાની રીત એ છે કે––જેને ધર્મી જીવનો સીધો ઉપદેશ ન મળ્‌યો હોય (અગર તો પૂર્વભવના ધર્મ
શ્રવણના સંસ્કાર પણ જાગૃત ન થયા હોય) તે જીવને ધર્મ હોતો નથી. જો કોઈ જીવ એમ માને કે હું ધર્મ પામ્યો
છું. તો એ નક્કી કરવું જોઈએ કે, કયા જ્ઞાની ધર્માત્મા પાસેથી તું ધર્મ સમજ્યો? તને કયા જ્ઞાનીનો સમાગમ
થયો? શું તું તારી મેળે સ્વચ્છંદે ધર્મ સમજ્યો? સ્વચ્છંદે ધર્મ સમજાય તેમ નથી. તેમ જ અજ્ઞાની જીવની પાસેથી
પણ ધર્મ સમજાય તેમ નથી, અને પોતાની મેળે શાસ્ત્રો વાંચીને પણ ધર્મ સમજાય તેમ નથી. ધર્મ ધર્મી જીવ
પાસેથી જ સમજાય છે. જે જીવ પોતામાં ધર્મ સમજવાની પાત્રતા પ્રગટ કરે છે તે જીવને ધર્મી જીવનો ઉપદેશ જ
નિમિત્તરૂપ હોય છે–એવો નિયમ છે. જો કે નિમિત્ત કાંઈ કરતું નથી, પરંતુ ધર્મ પામવામાં ધર્મી જીવનું જ નિમિત્ત
હોય, અધર્મીનું નિમિત્ત હોય નહિ–એવો મેળ છે. માટે મુમુક્ષુ જીવોએ સત્–અસત્ નિમિત્તોની ઓળખાણ કરવી
જોઈએ. સત્–સમાગમે આત્માની ઓળખાણ કરીને સમ્યગ્દર્શન–જ્ઞાન પ્રગટ કરે, ત્યારપછી જ વીતરાગભાવરૂપ
ઉત્તમ સંયમધર્મ હોય છે. ઉત્તમક્ષમાદિ દસ ધર્મોના યથાર્થ સ્વરૂપને ઓળખવું જોઈએ. ઉત્તમક્ષમા વગેરેનાં મૂળ
સ્વરૂપને ઓળખ્યા વગર, માત્ર રૂઢી પ્રમાણે બોલી જાય કે વાંચી જાય તેથી આત્માને લાભ થાય નહિ. દસ લક્ષણ
ધર્મનું સ્વરૂપ જાણ્યા વગર તે ધર્મ ઉજવે કઈ રીતે? દસલક્ષણધર્મનું જેવું છે તેવું સ્વરૂપ બરાબર જાણીને,
પોતાના આત્મામાં તેવો વીતરાગીભાવ જેટલે અંશે પ્રગટ કરે તેટલે અંશે ખરેખર દશલક્ષપર્વ આત્મામાં ઉજવા્યું
છે. ધર્મના મૂળ સ્વરૂપને સમજે નહિ અને રાગને જ ધર્મ માને તેણે ખરેખર ધર્મનું પર્વ ઉજવ્યું નથી પણ
મિથ્યાત્વને પોષણ આપ્યું છે. માટે ધર્મના સાચા સ્વરૂપને સત્સમાગમે ઓળખીને, એવી મિથ્યામાન્યતાઓ
છોડવી જોઈએ.
––અહીં ઉત્તમ સંયમધર્મનું વ્યાખ્યાન પૂરું થયું.
[–ચાલુ

PDF/HTML Page 10 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૬૧ :
શ્રી સનાતન જૈન શિક્ષણવર્ગ સોનગઢ
તા. ૨૬: પ :: ૪૮ પરીક્ષા : છઠું વર્ષ : શ્રેણી ચોથી સમય: સવારના ૯ા થી ૧૧
૧. ધર્મ કોને કહેવાય? તે ક્યાં થાય? કોના લક્ષે થાય? તેનાં સાધનો શું અને તે સાધનોનું સ્વરૂપ શું? તે વિષે ૨૦
લીટીનો એક નિબંધ લખો.
૨.
. ‘કષાય’ ના નિમિત્તે કયા કયા પ્રકારના બંધ પડે છે અને ઘાતિ અને અઘાતિકર્મોમાં તેનો વિભાગ કેવી રીતે પડે છે?
. આઠ કર્મોમાંથી કયા કર્મ નવીન બંધમાં નિમિત્ત થાય છે તે કારણ આપી સમજાવો.
. બંધ ટળવાનો ક્રમ શું છે?
૩. . મહાવ્રત–અણુવ્રતને મોક્ષનું સાધન કહી શકાય કે કેમ, તે કારણ સહિત સમજાવો.
. સંવર અને નિર્જરા થવાનો ઉપાય શું?
. શુભયોગથી ધર્મ થાય કે નહિ, તે કારણ આપી સમજાવો.
૪. નીચેનાં લક્ષણો સદોષ છે કે નિર્દોષ? સદોષ હોય તો કયા કયા દોષો આવે છે તે કારણ સહિત લખો.
. છદ્મસ્થ સંસારીનું લક્ષણ રાગદ્વેષ. . જડનું લક્ષણ અરૂપીપણું.
. વ્યવહારચારિત્ર તે મુનિનું લક્ષણ. . અજીવનું લક્ષણ અસંખ્યપ્રદેશીપણું.
. કર્મસંયુક્તપણું તે સંસારીનું અનાત્મભૂત લક્ષણ. . ઔદારિક શરીર તે મનુષ્યનું અનાત્મભૂત લક્ષણ.
પ. . જ્ઞાનના ભેદો લખો ને તેમાં મોક્ષમાર્ગ માટે કયા કયા કાર્યકારી છે? તે કારણ સહિત લખો.
. જીવને ઓછામાં ઓછાં કેટલા જ્ઞાન હોય ને વધુમાં વધુ કેટલાં જ્ઞાન હોય, તથા તે કયા કયા અને કોને કોને હોય?
૬. દ્રવ્યયોગ, ભાવયોગ, સંક્રમણ, દ્રવ્યનિર્જરા, ભાવનિર્જરા, ઈતરેતરાશ્રયદોષ, દ્રવ્યકર્મ, ભાવકર્મની વ્યાખ્યા લખો.
ચોથી શ્રેણીના જવાબો
(ચોથી શ્રેણીના વિદ્યાર્થીઓમાં, લાઠીના ભાઈશ્રી મનસુખલાલ છગનલાલ દેસાઈના જવાબો સંપૂર્ણ સાચા હતા. તેમણે
લખેલા જવાબો અહીં આપવામાં આવ્યા છે.)
ઉત્તર: ૧
वत्थु सहावो धम्मो” વસ્તુનો જે સ્વભાવ છે તેને ધર્મ કહેવાય છે. ત્રીકાળી આત્માનો જેવો શુદ્ધ સ્વભાવ છે તેવી જ
અવસ્થા પ્રગટ થાય તેને ધર્મ કહેવાય છે.
ધર્મ તે આત્માની પર્યાયમાં થાય છે, નહિ કે પર મકાન, ક્ષેત્ર, વસ્ત્ર કે શરીરમાં. કારણ કે તે બધાં પરદ્રવ્ય છે. ધર્મ
પરદ્રવ્યમાં તો ન થાય પરંતુ તેના લક્ષે–આશ્રયે–પણ ન થાય; કારણ પરદ્રવ્યના આશ્રયે વૃતિનું ઉત્થાન થાય છે, રાગ
થાય છે. રાગ તે વિકાર છે અને વિકાર તે અવિકારી એવા આત્મસ્વભાવનું કારણ પણ ન જ હોઈ શકે.
ધર્મ તે આત્માનો જે શુદ્ધ, અખંડ નિર્વિકારી સ્વભાવ છે, તેના લક્ષે થાય છે: પર્યાયના લક્ષે કે ગુણગુણીના ભેદના લક્ષે
થતો નથી. કારણ ભેદના લક્ષે અભેદ સ્વભાવ પ્રગટ ન થાય.
ધર્મ–અવિકારી નિર્મળ પર્યાય–કરવાનાં સાધનમાં ખરેખર નિર્મળાનંદ શુદ્ધ સ્વભાવ જ છે. અને તેના કારણે જે
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ શુદ્ધ અવિકારી પર્યાય પ્રગટ થાય છે તેને મોક્ષમાર્ગ કહી શકાય છે.
સમ્યગ્દર્શનનું સ્વરૂપ: પરથી જુદા અને વિકાર રહિત એવા પોતાના પરિપૂર્ણ આત્મસ્વભાવની યથાર્થ પ્રતીતિ તે
સમ્યગ્દર્શન છે.
સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ: જેવું આત્માનું સ્વરૂપ શુદ્ધ છે તેવું સંશય, વિપરીતતા અને અનધ્યવસાય રહિત જાણવું તે
સમ્યગ્જ્ઞાન છે.
સમ્યગ્ચારિત્રનું સ્વરૂપ: સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક આત્મ સ્વભાવમાં રમણતા–સ્થિરતા કરવી તે છે.
ઉત્તર: ૨
કષાયના નિમિત્તે સ્થિતિબંધ અને અનુભાગબંધ પડે છે.
સ્થિતિબંધ:– જો કષાય તીવ્ર હોય તો, મનુષ્યઆયુ, દેવઆયુ, તિર્યંચઆયુ એ ત્રણેને છોડી બાકીની સર્વ પ્રકૃતિઓમાં
લાંબી સ્થિતિ બંધાય છે અને જો મંદ કષાય હોય તો ટુંકી સ્થિતિ પડે છે. જ્યારે ઉપર કહેલા ત્રણ આયુમાં જો કષાય
તીવ્ર હોય તો સ્થિતિ

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૬૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૪ :
ઓછી પડે છે તથા જો કષાય મંદ હોય તો સ્થિતિ લાંબી બંધાય છે. આવું સ્થિતિબંધનું સ્વરૂપ જાણવું.
અનુભાગ બંધ:– જો કષાય તીવ્ર હોય તો ઘાતિ કર્મની સર્વ પ્રકૃતિમાં અને અઘાતિની પાપ પ્રકૃતિમાં વધુ
અનુભાગ બંધ (ફળદાન શક્તિ) પડે છે અને મંદકષાય હોય તો થોડો અનુભાગ બંધ થાય છે. જ્યારે અઘાતિની પુન્ય
પ્રકૃતિમાં જો કષાય તીવ્ર હોય તો અનુભાગબંધ ઓછો અને જો કષાય મંદ હોય તો અનુભાગ બંધ તીવ્ર–વધુ પડે છે.
. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, વેદનીય, આયુ, નામ, ગોત્ર એ આઠ પ્રકારના કર્મોમાંથી
નવીન બંધમાં ફક્ત મોહનીય જ નિમિત્ત થાય છે. કારણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયના નિમિત્તે જે જ્ઞાન, દર્શન,
વીર્યનો અભાવ છે તે કંઈ બંધનું નિમિત્ત ન થાય. કારણ જે અભાવ છે તે સદ્ભાવમાં–નવીન બંધમાં–નિમિત્ત કેમ હોઈ
શકે? જ્ઞાન, દર્શન, વીર્યનો જેટલો ક્ષયોપશમભાવ–ઉઘાડભાવ છે તે તો સ્વભાવનો જ અંશ છે: તે પણ નવીન બંધમાં
નિમિત્ત ન થાય, કારણ સ્વભાવ જો બંધનું કારણ બને તો સ્વભાવ ત્રિકાળી છે માટે બંધ પણ ત્રિકાળ થઈ જાય. પણ
એમ હોઈ શકે નહિ. પણ મોહનીયના નિમિત્તથી વિપરીત શ્રદ્ધાન રૂપ જે મિથ્યાત્વ તથા ક્રોધ, માન, માયા, લોભાદિ
ભાવ છે તે જ બંધનું કારણ છે. હવે બાકીના જે ચાર અઘાતિ કર્મો છે તેના કારણે તો બાહ્ય શરીરાદિમાં બાહ્ય સંયોગ
મળે છે. તો કંઈ પરદ્રવ્ય બંધનું કારણ ન જ હોય. કારણ પરદ્રવ્ય ત્રિકાળ છે તે જો બંધનું કારણ બને તો બંધ પણ
ત્રિકાળ થઈ જાય. પણ એમ બનતું નથી. ફક્ત તેમાં આત્માના મિથ્યાત્વાદિ ભાવ જ બંધનું કારણ છે.
. નવીન બંધ થવામાં જેમ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ છે તેમ બંધ ટળવાનો ક્રમ પણ તે જ છે.
મિથ્યાત્વ તે જ મહાબંધ છે. તે ટાળ્‌યા વિના જો કોઈ અવિરતિ આદિ ટાળવાનો ઉપાય કરે તો તે મિથ્યા છે.
ઉત્તર: ૩
. મહાવ્રત–અણુવ્રત તે મોક્ષનું સાધન નથી. કારણ તે વિકલ્પ છે, રાગ છે, આશ્રવ છે, બંધનું કારણ છે. જ્યારે
મોક્ષ તે મુક્તિ છે. બંધનરહિતપણું છે. માટે બંધનરહિતનું કારણ બંધ હોય શકે નહિ.
. સંવર અને નિર્જરા થવાનો ઉપાય સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્ચારિત્રની ઐકયતા છે.
. શુભયોગથી ધર્મ થાય નહિ કારણ શુભયોગ એટલે દયા, દાન, પૂજાના ભાવ વખતે જે યોગની પ્રવૃત્તિ. યોગ
છે તે આશ્રવ છે તેથી આશ્રવથી ધર્મ થાય નહિ, તથા જ્યાં સુધી સમ્યકત્વ ન હોય ત્યાં સુધી ઘાતિ કર્મની સર્વ
પ્રકૃતિઓનો સતત બંધ થયા જ કરે છે. કે જે આત્મ–સ્વભાવના ઘાતમાં નિમિત્ત છે. માટે શુભયોગથી કદીપણ ધર્મ થતો
નથી. ઘાતિની સર્વ પ્રકૃતિઓ પાપની જ છે.
ઉત્તર: ૪
. છદ્મસ્થ સંસારીનું લક્ષણ રાગદ્વેષ તે સદોષ છે તેમાં અવ્યાપ્તિ દોષ આવે છે. કારણ ૧૧ તથા ૧૨ મા
ગુણસ્થાનવાળા જીવ છદ્મસ્થ સંસારી છે પણ તેમને રાગદ્વેષ નથી.
. જડનું લક્ષણ અરૂપીપણું તે સદોષ છે, તેમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ આવે છે. કારણ પાંચ
જડપુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ છે તેમાં અરૂપીપણું પુદ્ગળમાં વ્યાપતું નથી, તેથી અવ્યાપ્તિ દોષ અને અરૂપીપણું
તે જડ ઉપરાંત જીવમાં પણ વ્યાપે છે માટે અતિવ્યાપ્તિ દોષ.
. વ્યવહારચારિત્ર તે મુનિનું લક્ષણ તે સદોષ છે. તેમાં અવ્યાપ્તિ દોષ આવે છે. કારણ જે વ્યવહાર ચારિત્ર તે
વિકલ્પરૂપ છે અને તેવો વિકલ્પ ૭ મા ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાનવાળાને હોતા નથી. તેઓ મુનિ કહેવાય છે ખરા.
માટે અવ્યાપ્તિ દોષ.
. અજીવનું લક્ષણ અસંખ્યાત પ્રદેશીપણું તે સદોષ છે. તેમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ આવે છે. અજીવ–
પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ છે. તેમાં કાળ છે તે એક પ્રદેશી છે માટે અવ્યાપ્તિદોષ, તેમાં અસંખ્ય પ્રદેશીપણું
વ્યાપતું નથી. અને અજીવ ઉપરાંત જીવમાં પણ અસંખ્ય પ્રદેશીપણું વ્યાપે છે (જીવ અસંખ્યપ્રદેશી છે) માટે
અતિવ્યાપ્તિદોષ.
. કર્મ સંયુક્તપણું તે સંસારીનું અનાત્મભૂત લક્ષણ તે બરાબર છે. કારણ સર્વ સંસારી જીવોને નિગોદથી
અયોગી કેવળી સુધી–કર્મનું સંયુક્તપણું છે. તથા કર્મ તે જીવના સ્વરૂપમાં વ્યાપેલ નથી માટે અનાત્મભૂત પણ બરાબર છે.
. ઔદારિક શરીર તે મનુષ્યનું અનાત્મભૂત લક્ષણ તે સદોષ છે તેમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિદોષ

PDF/HTML Page 12 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૬૩ :
આવે છે. દેવનું શરીર છોડી જે જીવ મનુષ્યનું શરીર ધારણ કરવા આવે છે ત્યારે વિગ્રહગતિમાં મનુષ્યનું આયુષ્ય શરૂ
થઈ ગયું છે પણ હજુ ઔદારિક શરીરનો સમ્બન્ધ થયો નથી, માટે તેને ઔદારિક શરીર ન હોવાથી અવ્યાપ્તિ દોષ અને
ઔદારિક શરીર મનુષ્ય ઉપરાંત તિર્યંચને પણ હોવાથી તે લક્ષણ લક્ષ્ય ઉપરાંત અલક્ષ્યમાં પણ ફેલાતું હોવાથી
અતિવ્યાપ્તિદોષ આવે છે.
ઉત્તર: પ
. જ્ઞાનના પાંચ ભેદ છે–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન, કેવળજ્ઞાન. તેમાં મોક્ષમાર્ગ માટે
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન કાર્યકારી છે. કારણ મતિજ્ઞાનથી આત્મા સમ્બન્ધી સાંભળ્‌યા બાદ તે જ્ઞાનને લંબાવવું તે
શ્રુતજ્ઞાન, તેમાં વિશેષ વિચારણા થાય છે અને તે વિચારણામાં જીવ રાગથી અંશે જુદો પડે છે ત્યારે આત્મ––અનુભવ
થાય છે, જ્યારે અવધિજ્ઞાન અને મનઃપર્યય જ્ઞાનનો વિષય રૂપી પદાર્થ છે. તે પર–પદાર્થને જાણે છે. આત્માને પકડવા
માટે તે કંઈ ઉપયોગનું નથી માટે મતિશ્રુતજ્ઞાન જ મોક્ષમાર્ગ માટે કાર્યકારી છે. કેવળજ્ઞાન તો સંપૂર્ણ જ્ઞાન છે તે તો કાર્ય
પ્રગટ થાય છે ત્યારે થાય છે. કાર્ય સિદ્ધ થતાં થાય છે. માટે તેમાં પણ કારણપણાનો આરોપ ન આવે.
. જીવને ઓછામાં ઓછું એક જ્ઞાન હોય છે અને વધુમાં વધુ ચાર જ્ઞાન હોય છે.
એક હોય તો કેવળજ્ઞાન અને ચાર હોય તો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાન.
કેવળજ્ઞાન તે તેરમા ગુણસ્થાને અને ઉપરના જીવોને હોય છે એટલે કે કેવળી, તીર્થંકર, સિદ્ધ ભગવાનને.
મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યયજ્ઞાન એ ચારે જ્ઞાનો એકસાથે, બારમા ગુણસ્થાન સુધી, વિશુદ્ધ સંયમધારી
મુનિરાજને જ હોય છે.
ઉત્તર: ૬
દ્રવ્યયોગ:– મન, વચન, કાયાના નિમિત્તથી આત્મપ્રદેશોનું ચંચળ થવું તેને દ્રવ્યયોગ કહે છે.
ભાવયોગ:– જે શક્તિના નિમિત્તથી દ્રવ્યકર્મો આત્માના પ્રદેશે આવે અને બંધાન થાય તે શક્તિને ભાવયોગ કહે છે.
સંક્રમણ:– જીવ ભાવનું નિમિત્ત પામી એક કર્મપ્રકૃતિના પરમાણુઓનું પલટી બીજી કર્મપ્રકૃતિ રૂપે થવું તેને
સંક્રમણ કહે છે.
દ્રવ્યનિર્જરા:– આત્માના પ્રદેશોથી કર્મ પરમાણુઓનું ખરી જવું––ઝરી જવું તેને દ્રવ્યનિર્જરા કહે છે.
ભાવનિર્જરા:– આત્મામાં સંવર પૂર્વક શુદ્ધિની વૃદ્ધિ થવી અને એકદેશ અશુદ્ધતાનું––વિકારી પરિણામનું ટળવું––
તેને ભાવનિર્જરા કહે છે.
ઈતરેત્તરાશ્રયદોષ:– એક અસિદ્ધ–નક્કી ન કરાયેલ–વસ્તુથી બીજી અસિદ્ધ–નક્કી ન કરાયેલ–વસ્તુને
ઓળખાવવી અને તે બીજી અણઓળખાયેલી વસ્તુને પ્રથમની અસિદ્ધ–અણઓળખાયેલી–વસ્તુથી ઓળખાવવી તેને
ઈતરેત્તરાશ્રય દોષ કહે છે.
દ્રવ્યકર્મ:– આત્માના વિકારી પરિણામનું નિમિત્ત પામી પુદ્ગલ પરમાણુઓનું સ્વયં કર્મ રૂપે થવું તેને દ્રવ્યકર્મ
કહે છે.
ભાવકર્મ:– જુના દ્રવ્યકર્મના ઉદયના નિમિતે આત્મા સ્વયં વિકારી પરિણામ કરે તેને ભાવ કર્મ કહે છે.
[પહેલી, બીજી તથા ત્રીજી શ્રેણીના પ્રશ્નો તથા જવાબો હવે પછી અપાશે.]
શ્રી પ્રવચનસાર: ગુજરાતી
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવે રચેલા પરમાગમ શ્રી પ્રવચનસાર શાસ્ત્રનું તેમજ તેના ઉપરની
અમૃતચંદ્રાચાર્યદેવકૃત સંસ્કૃત ટીકાનું ગુજરાતી ભાષાંતર આજથી લગભગ પાંચ વર્ષ પહેલાંં ભાઈશ્રી હિંમતલાલભાઈએ
શરૂ કરેલ, તેની માંગળિક પૂર્ણાહૂતી શ્રુતપંચમીના પવિત્ર દિવસે થઈ ગઈ છે. શ્રુતપંચમીના દિવસે શ્રીષટ્ખંડાગમાદિ
પરમાગમોના પૂજન–મહોત્સવની સાથે સાથે શ્રી પ્રવચન સારજીનો પણ ઉત્સવ થયો હતો. સાથે સાથે શ્રી નિયમસાર
શાસ્ત્રના ગુજરાતી અનુવાદની મંગળ શરૂઆતનો નિર્ણય પણ તે જ દિવસે થયો હતો. જેઠ સુદ ૧૪ ના રોજ સવારના
વ્યાખ્યાનમાં શ્રી પરમાત્મ પ્રકાશનું વાંચન પૂરું થયું છે. ને જેઠ વદ એકમથી ગુજરાતી–પ્રવચનસાર ઉપર પહેલેથી
વ્યાખ્યાનો શરૂ થયા છે. તે મંગળ પ્રસંગે પ્રવચનસારજીની પૂજા–ભક્તિ કરવામાં આવી હતી. ગુજરાતી પ્રવચનસાર
સંપૂર્ણ છપાઈને લગભગ પર્યુષણ દરમ્યાન પ્રસિદ્ધ થઈ જશે.
બપોરના વ્યાખ્યાનમાં શ્રીસમયસાર (આઠમી વખત) વંચાય છે; તેમાં સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકાર ચાલે છે.

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૬૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૪ :
અગરુલઘત્વ ગણન સમજણ
[બાલ વિભાગ

૧. આ જગતમાં જીવ અને અજીવ એવી બે જાતની વસ્તુઓ છે. દરેક વસ્તુમાં પોતાની શક્તિઓ હોય
છે. તે શક્તિને ગુણ કહેવાય છે. જે ગુણ જીવ અને અજીવ બધી વસ્તુઓમાં હોય તેને સામાન્ય ગુણ કહેવાય છે.
ને જે ગુણ કોઈક વસ્તુમાં હોય પણ બધી વસ્તુઓમાં ન હોય તેને વિશેષગુણ કહેવાય છે. આપણા
બાલવિભાગમાં સામાન્ય ગુણોની સમજણ આપવાનું ચાલે છે. તેમાંથી અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ અને
પ્રમેયત્વ–એ ચાર સામાન્ય ગુણોની સમજણ અપાઈ ગઈ છે.
૨. હવે પાંચમો “અગુરુલઘુત્વ” નામનો સામાન્ય ગુણ છે. તે ગુણ જીવમાં પણ છે અને અજીવમાં પણ
છે. આ ગુણને લીધે, જીવ હોય તે સદાય જીવ જ રહે છે ને અજીવ હોય તે સદાય અજીવ જ રહે છે. જીવ કદી
અજીવ થઈ જતો નથી ને અજીવ કદી જીવ થઈ જતું નથી. આમ હોવાથી જગતમાં જેટલા પ્રકારના દ્રવ્યો છે
તેટલા પ્રકારના જ દ્રવ્યો સદાય રહે છે, તેમાં કદી વધારો કે ઘટાડો થતો નથી. વળી આ ગુણને કારણે એક દ્રવ્ય
બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી; તેમ જ બે દ્રવ્યો ભેગા થઈને ત્રીજા દ્રવ્યની ઉત્પત્તિ થાય એમ બનતું નથી.
૩. તેમજ, એકેક દ્રવ્યમાં પોતાના જે ગુણો છે તેઓ અરસ–પરસ એક બીજારૂપે થઈ જતા નથી.
આત્મામાં જે જ્ઞાનગુણ છે તે સદાય જ્ઞાનગુણ જ રહે છે, પણ કદી જ્ઞાનગુણ મટીને સુખ કે અસ્તિત્વ ગુણ થઈ
જતો નથી. તેથી દ્રવ્યમાં જે જે ગુણો છે તે બધા સદાય એટલા ને એટલા જ રહે છે, કદી કોઈ દ્રવ્યમાંથી કોઈ ગુણ
ઓછો થતો નથી ને વધી પણ જતો નથી. બે જાતના ગુણ મળીને કદી નવો ગુણ ઉત્પન્ન થાય–એમ બનતું નથી.
૪. વળી, દ્રવ્યના અનંત ગુણો છે તેઓ કદી વિખરાઈને છૂટા છૂટા થઈ જતા નથી. જીવના એક ભાગમાં
જ્ઞાન રહે, બીજા ભાગમાં સુખ રહે ને ત્રીજા ભાગમાં અસ્તિત્વ રહે–એમ કદી બનતું નથી. પણ દ્રવ્યના જેટલા
ગુણો છે તે બધાય ભેગાં ને ભેગાં જ આખા દ્રવ્યમાં રહે છે. વસ્તુ પોતાના ગુણોને બીજામાં જવા દેતી નથી, ને
બીજાના ગુણોને પોતામાં આવવા દેતી નથી.
પ. પર્યાયમાં જીવ દ્રવ્યનું જ્ઞાન ઓછું થાય પણ તે કદી અજીવ થઈ જાય નહિ. હલકામાં હલકી દશામાં
પણ જીવ તો સદા જીવ જ રહે છે, અજીવ થઈ જતો નથી, અને જીવનું જ્ઞાન વધી વધીને કેવળજ્ઞાન થાય, પણ
કેવળજ્ઞાન પછી પણ જ્ઞાન વધ્યા કરે–એમ બને નહિ. મોક્ષ થાય એટલે જીવ પંચભૂતમાં ભળી જાય એ વાત
ખોટી છે. જીવ સદાય જીવરુપે જ રહે છે.
૬. માટી–ગારો વગેરેમાંથી વીંછીનો જીવ ઉત્પન્ન થવાનું ઘણા માને છે, પણ ખરેખર જીવની નવી ઉત્પત્તિ
થતી નથી. ક્યાંકનો જીવ અહીં આવીને વીંછીનું શરીર ધારણ કરે છે. વળી માટી તો અજીવ છે, તેમાંથી જીવની
ઉત્પત્તિ થાય નહિ. તેમજ આંખ, મન વગેરે જડ છે, તેમાંથી જ્ઞાનની ઉત્પત્તિ થાય નહિ. આવો અગુરુલઘુત્વ ગુણ
છે, ‘અ’ એટલે નહિ, ‘ગુરુ’ એટલે મોટું અને ‘લઘુ’ એટલે નાનું. ‘અ–ગુરુ–લઘુ’ એટલે ‘મોટું કે નાનું નહિ’
વસ્તુમાં દ્રવ્ય–ગુણ–પર્યાયનું જેટલું સ્વરૂપ છે તેનાથી તે કદી વધતું નથી ને ઘટતું નથી. આવો દરેક દ્રવ્યનો સ્વભાવ
છે, તેને અગુરુલઘુત્વગુણ કહેવાય છે. આ ગુણ દરેક દ્રવ્યોમાં રહેલો છે. તેથી તેને સામાન્ય ગુણ કહેવાય છે.
સુકોશલ રાજકુમારનો વૈરાગ્ય
અયોધ્યામાં કીર્તિધર રાજા હતા. તેઓ સંસાર ભોગોથી અત્યંત વિરક્ત ધર્માત્મા હતા. તેમના ઘેર
સુકોશલ કુમારનો જન્મ થયો. કુમારનો જન્મ થતાં તુરત જ કીર્તિઘર રાજપાટ ત્યાગીને વીતરાગી જિનદીક્ષા
લઈને મુનિ થયા.
કીર્તિઘર રાજા મુનિ થઈ ગયા તેથી તેમની રાણી સહદેવીને ઘણોજ આઘાત થયો. અને તેથી તેણે એવો
કડક હૂકમ કરી દીધો કે મારા રાજયમાં કોઈ મુનિ આવે નહિ.
સુકોશલ રાજકુમાર બહુ વૈરાગ્યવંત ધર્માત્મા હતા. રાજવૈભવના સુખોમાં તેમનું ચિત્ત ચોંટતું નહિ;
આત્મસ્વભાવની ભાવનામાં તેઓ રત હતા.
સુકોશલકુમાર એક દિવસ રાજમહેલની અગાશીમાં બેઠા હતા. તેની માતા સહદેવી અને ધાવમાતા પણ
ત્યાં હતા. એકાએક ગામ બહાર નજર કરતાં કુમારે

PDF/HTML Page 14 of 17
single page version

background image
: અષાઢ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૬૫ :
જોયું કે એક મહા તેજસ્વી મુનિરાજ શહેર તરફ આવી આવી રહ્યા છે. પણ રાજ્યના પહેરગીરો તેમને અટકાવી
રહ્યા છે. એ દ્રશ્ય જોઈને કુમારને આશ્ચર્ય થયું. આશ્ચર્યથી તેણે માતાને પૂછયું–હે માતા! એ તેજસ્વી પુરુષ કોણ
છે? ને પહેરગીરો તેને કેમ રોકે છે?
કુમારનો પ્રશ્ન સાંભળતાં જ સહદેવી રાણીને ધ્રાસકો પડ્યો. તેને ભય હતો કે ક્યાંક મારો એકનો એક
કુંવર પણ મુનિરાજના દર્શનથી વૈરાગ્ય પામીને મુનિદીક્ષા ન લઈ લે! તેથી કુંવરની વાત ટાળી દેવા માટે તેણે
જવાબ આપ્યો કે– ‘બેટા, એ તો હશે કોઈક ભિખારી. તારે એનું શું કામ છે?’
રાણીની વાત સાંભળતાં જ ધાવમાતા તો રોઈ પડી. કેમકે તે જાણતી હતી કે બહાર ઊભેલા મુનિરાજ
અન્ય કોઈ નથી પણ કીર્તિધર રાજા જ છે. દુષ્ટ રાણી એક વખતના પોતાના પતિને જ ભિખારી કહી રહી છે.
માતાના જવાબથી રાજકુમારને પણ સંતોષ થયો નહિ. તેણે વિચાર્યું કે–એ પુરુષની મુદ્રા મહાતેજસ્વી છે,
અત્યંત પ્રસન્ન છે, તેનામાં દીનતા જરાપણ નથી. એ ભિખારી ન હોઈ શકે. એ કોઈ મહાપુરુષ છે.
ધાવમાતાને રડતી જોઈને રાજકુમારે તેને રડવાનું કારણ પૂછયું. ધાવમાતાએ તેને સાચી હકીકત કહી દીધી
કે–‘કુમારજી! બહાર ઊભેલા મહાત્મા બીજું કોઈ નથી પણ તમારા પિતા જ છે, અને તેઓ મુનિ થઈ ગયા છે.’
એ વાત સાંભળતાં જ રાજકુમાર તે કીર્તિધર મુનિ પાસે દોડી ગયો. જાણે કે સંસારના બંધનથી છૂટીને મુક્તિ
તરફ જ દોડતો હોય! મુનિરાજ પાસે પહોંચતા જ તેમના ચરણે નમી પડ્યો, ને આંખમાંથી આંસુની ધારા ચાલવા
લાગી. તેમની પાસેથી વૈરાગ્ય ભરપૂર ધર્મોપદેશ સાંભળીને રાજકુમારનું હૃદય સંસારથી તદ્ન ઉદાસ થઈ ગયું.
ત્યાં ને ત્યાં જ રાજકુમારે જિનદીક્ષા અંગીકાર કરી. પિતાના રાજ્યનો વારસો છોડીને પિતા પાસેથી
ધર્મનો વારસો લીધો. કલૈયો કુંવર રાજવૈભવ છોડીને પોતાની સિદ્ધદશા સાધવા માટે ચાલી નીકળ્‌યો. ક્ષણ
પહેલાંંનો રાજકુમાર અત્યારે મુનિદશાની ગંભીરતાથી શોભી રહ્યો છે. અહો, ધન્ય તેનું આત્મજ્ઞાન, અને ધન્ય
તેનો વૈરાગ્ય!
કીર્તિધર મુનિ પાસે સુકોશલકુમારે દીક્ષા લઈ લીધી; એ જોતાં જ સહદેવી રાણીને એકદમ આઘાત લાગ્યો,
કીર્તિધર મુનિ ઉપર ક્રોધ આવ્યો. અને રાજકુમારના વિયોગે, વાઘણ જેવા ક્રૂર પરિણામે મૃત્યુ પામી. મરીને તે
વાઘણ થઈ.
મહાવૈરાગ્યવંત સુકોશલ મુનિ અને કીર્તિધર મુનિ એક દિવસ જંગલમાં આત્મધ્યાનમાં લીન હતા.
એવામાં વાઘણ થયેલી સુકોશલની માતા ત્યાં આવી. ધ્યાનસ્થ સુકોશલ મુનિને જોતાં જ તેમના ઉપર તરાપ
મારી. સુકોશલમુનિના શરીરને વાઘણ ખાઈ રહી છે, પણ તે મુનિરાજ તો આત્માના આનંદમાં ઝૂલી રહ્યા છે.
તેઓ તો તુરત જ કેવલજ્ઞાન પામીને સિદ્ધ થયા. અહો, ધન્ય તે રાજકુમારનું જીવન!
આ બાજુ, સુકોશલમુનિના શરીરને ખાતાં ખાતાં વાઘણની નજર તેમના હાથ ઉપર પડી... અને તરત જ
તે થંભી ગઈ. તેના મનમાં એમ થયું કે આવો હાથ મેં ક્યાંક જોયો છે! ... અને તરત જ તેને પૂર્વભવનું
જાતિસ્મરણજ્ઞાન થયું. અને શોકને લીધે તેની આંખોમાંથી અશ્રુધારા ચાલવા લાગી.
તે પ્રસંગે શ્રીકીર્તિધરમુનિએ વાઘણને ઉપદેશ આપ્યો કે અરે વાઘણ! (સહદેવી!) તેં તારા પુત્રનું જ ભક્ષણ
કર્યું? જે પુત્રના પ્રેમની ખાતર તું મૃત્યુ પામી તે જ પુત્રના શરીરનું તેં ભક્ષણ કર્યું? અહો, મોહને ધિક્કાર છે.
ત્યાં ને ત્યાં વાઘણ ધર્મ પામી, માંસભક્ષણ છોડી દીધું, ને વૈરાગ્યથી સંન્યાસ ધારણ કરીને મૃત્યુ પામીને
દેવલોકમાં ગઈ; શ્રીકીર્તિધરમુનિ પણ દેવલોકમાં જઈને પછી મનુષ્ય થઈને મોક્ષ પામ્યા.
બાળકો! ગૃહવાસમાં પણ ધર્માત્મા જ્ઞાનીઓનું જીવન કેવું વૈરાગ્ય ભરેલું હોય છે તે આ સુકોશલ
રાજકુમારની કથા ઉપરથી સમજજો. અને આત્માની સમજણ કરીને એવું વૈરાગ્ય જીવન જીવવાની ભાવના
કરજો.
(આ આખી કથાનું એક સુંદર ચિત્ર ‘ભગવાન શ્રી કુન્દકુન્દ પ્રવચન મંડપ’ –સોનગઢમાં છે.)
જોઈએ છે
શ્રી જૈન અતિથિ સેવા સમિતિ (સોનગઢ) માં નામું વગેરે કામકાજ કરી શકે એવા એક સેવાભાવી
ઉત્સાહી જૈન કારકુનની જરૂર છે. જેની રહેવા માટે ઈચ્છા હોય તેણે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવો:–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (કાઠિયાવાડ)

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૬૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૭૪ :
શ્રી દિગંબર જિન સ્વાધ્યાય મંદિર: મુંબઈ

મુંબઈમાં શ્રી દિગમ્બર જિનમન્દિર તથા સ્વાધ્યાય મન્દિર બનાવવા માટે ફન્ડ શરૂ થયું છે. તેની યાદી
નીચે આપી છે. આ ફન્ડ હજુ ચાલુ છે અને તેની યાદી ક્રમશ: પ્રગટ થતી રહેશે.
૧પ૦૦૧/– સર શેઠ હુકમીચંદજી રાજકુમારજી સા. ઈન્દોર પ૧/– બેન ઝવેરીબહેન બોટાદવાળા
૬૧૦૧/– શેઠ સર ભાગચંદજી સોની અજમેર પ૧/– એક મુમુક્ષુ બહેન
૨૧૦૧/– શેઠ નાગરમલજી બનારસીદાસજી ૧૦૧/– શાન્તાબહેન, ટોલીઆ (બુલીઅન હોટલ)
પ૦૧/– શેઠ સુરજમલજી ઓસવાલ પ૧/– એક મુમુક્ષુ બહેન હા. ધ્રાંગધ્રાવાળા મરઘાબહેન
૨૦૦૧/– શેઠ પ્રાણજીવનદાસ હરજીવનદાસ પોરબંદર ૧૦૧/– બહેન ઝવેરીબહેન ગુલાબચંદભાઈ
૧૦૦૦૨/– શેઠ ખીમચંદ જેઠાલાલ રાજકોટ ૧પ૧/– એક મુમુક્ષુ બહેન હા. ગંગાબહેન
૨૦૦૧/– શેઠ જેઠાલાલ સંઘજી બોટાદ પ૧/– બહેન કુંવરબહેન ચુનીલાલ
૩૦૦૧/– શેઠ છોટાલાલ નારણદાસ સોનગઢ ૧૦૧/– બહેન કુંવરબહેન છગનલાલ લાઠીવાળા
હા. હિંમતલાલ છોટાલાલ પ૧/– બેન કમળાબેન કામદાર બોટાદ
૧૦૦૧/– શેઠ નાનચંદભાઈ ભગવાનજી ખારા અમરેલી ૧૦૧/– એક મુમુક્ષુ બેન હા. ઉજમબેન
૧પ૦૧/– શેઠ ચુનીલાલ હઠીસીંગ જામનગર ૧પ૧/– શેઠ દલસુખલાલ મોહનલાલ વડોદરા
૧પ૦૧/– શેઠ હરગોવિંદભાઈ દેવચંદ મોદી સોનગઢ હા. ગંગાબેન
૧૦૦૧/– શેઠ ગુલાબચંદ માણેકચંદ નાગનેશ પ૧/– એક મુમુક્ષુભાઈ હા. વજુભાઈ દેસાઈ
પપ૧/– શેઠ ખીમચંદ સુખલાલ કામદાર બોટાદ ૨૦૧/– શા. નેમચંદ દેવજીભાઈ જામનગર
૧૦૦૧/– શેઠ નાગરદાસ દેવચંદ સોનગઢ પ૧/– મોદી બેચરદાસ દેવકરણ કુંડલા
૫૦૧/– શેઠ અમૃતલાલ નરસીદાસ વાંકાનેર હા. મોહનભાઈ
૫૫૧/– શેઠ રણછોડભાઈ ગોવિંદજી રાજકોટ
હા. માણેકલાલ ૭૩૪૪૯/–
પ૦૨/– શેઠ અનુપચંદ છગનલાલ વીંછીયાવાળા (ફંડ ચાલુ છે)
૧૦૦૧/– શાહ અમૃતલાલ ઝવેરચંદ જામનગરવાળા
૩૦૦૧/– શેઠ મગનલાલ હીરાલાલ પાટની કીસનગઢ
પ૦૦૧/– એક સદ્ગૃહસ્થ, હા. શેઠ નેમીચંદ પાટની
પ૦૦૧/– શેઠ હેમચંદભાઈ ચત્રભુજ ગારીઆધાર
પ૦૧/– શેઠ લાલચંદભાઈ ડુંગરશી સંઘવી લીંબડી જ્ શ્ર રુ
૧૦૦૧/– શેઠ ગોકળદાસ શીવલાલ અજમેરા ન્ત્ પ્ર
પ૦૧/– મે. સી. પી. દોશીની કાું. હા. ભાઈ મગનલાલ ૨૪૦૩૧/– પ્રથમનો સરવાળો (ગયા અંક પ્રમાણે)
પ૦૦૨/– શેઠ નેમીદાસ ખુશાલભાઈ
પોરબંદર પ૯/– ચંદુલાલભાઈ તથા ધારસીભાઈ મોરબી
પ૦૧/– શેઠ લખમીચંદજી શેઠ (નેમીચંદ પાટનીના સસરા) ૧૩૪/– પુજ્ય બહેનશ્રી હથુ બહેનોના
પ૦૧/– શ્રીમતી ગંગાબહેન જામનગરવાળા પ૯૦/– અ. સૌ કુસુમબહેન રાજકોટ
પ૦૧/– એક મુમુક્ષુ બહેન પ૯/– પારેખ ગુલાબચંદ જેઠાભાઈના કુટુંબ
પ૦૧/– શ્રી ચંપાબહેન શાંતિલાલ બોટાદવાળા તરફથી જામનગર
૨૦૧/– શ્રી કસ્તુરબહેન જામનગરવાળા ૩૦/– શા. છોટાલાલ પીતામ્બરદાસ કપડવંજ
પ૧/– શ્રી હીરાબહેન ૨૪૯૦૪/–
૧૦૧/– સમરત બહેન મોરબીવાળા

PDF/HTML Page 16 of 17
single page version

background image
(અનુસંધાન મુખપૃષ્ઠથી ચાલુ)
પ્રશ્ન:– જો સામગ્રીમાં સુખ ન હોય તો તેમાં બધા સુખ કેમ માનતા હશે?
ઉત્તર:– ત્રિદોષ રોગવાળો રોગને લીધે ખૂબ હસે અને પોતે સુખ માને પણ ખરેખર તેને દુઃખ જ છે,
થોડીવારમાં તે મરી જશે. તેમ અજ્ઞાની જીવો આ બધા પરભાવોમાં સુખ માને છે તે અજ્ઞાનરૂપી હર્ષસન્નિપાત
રોગ છે. થોડા કાળમાં મિથ્યાત્વને લીધે નિગોદમાં જઈને ઢીમ થઈ જશે–જડ જેવા થઈ જશે. જેણે આત્મામાં થતા
દયાદિ ભાવોને ઠીક માન્યા તેણે મિથ્યાત્વરૂપી શત્રુનો સંગ કર્યો. ભગવાન આત્મા–જેનું લક્ષણ જાણવું, દેખવું છે
તેનો સંગ કરે નહિ અને રાગાદિ ભાવોની હોંશ કરે તે જીવ આત્માનો શત્રુ છે.
પ્રશ્ન:– પાપ ટળે તે ધર્મ કહેવાયને?
ઉત્તર:– હા, પણ પાપ ક્યારે ખરેખર છૂટે? બધા પાપોમાં સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે. પહેલાંં તે પાપ
છોડે તો ધર્મ થાય. આત્મા ચૈતન્યધન છે તેને છોડીને પર સંગથી લાભ માનવો તે જ મિથ્યાત્વ છે. આવું
મિથ્યાત્વરૂપ પાપ છોડે તેને સમ્યકત્વરૂપ ધર્મ થાય. પુણ્યમાં જેઓ ધર્મ માને છે તેને મિથ્યાત્વરૂપી પાપ છૂટતું
નથી, ને ધર્મ થતો નથી.
પ્રશ્ન:– વીતરાગને ન માને તે મિથ્યાત્વ; એવી મિથ્યાત્વની વ્યાખ્યા છે ને?
ઉત્તર:– વીતરાગને ન માનવા તે મિથ્યાત્વ એ વાત સાચી; પણ એનો અર્થ શું? વીતરાગ એટલે
રાગરહિત આત્મસ્વરૂપ છે, તેના સિવાય રાગાદિને આત્માનું સ્વરૂપ જે માને છે તે ખરેખર વીતરાગદેવને
માનતો નથી. રાગરહિત પોતાના જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરવી તેને જ વીતરાગે ધર્મ કહ્યો છે
એ સિવાય રાગાદિમાં ધર્મ માને તે જીવ વીતરાગની આજ્ઞાને માનતો નથી તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે.
કંજુસની લક્ષ્મી જેમ ઠરીને એક ઠામ રહે છે અને હેરફેર બહુ થતી નથી તેમ શરીર તથા વિકારને પોતાનું
સ્વરૂપ માનનારા મૂઢાત્માઓ શરીરની મમતાને લીધે નિગોદ જાય છે અને ત્યાં ક્ષણે ક્ષણે શરીર ફેરવ્યા કરે છે–
જન્મ–મરણ કર્યા કરે છે. આત્માનો જે પરમ પારિણામિક ભાવ છે તે ઓળખીને તેમાં સ્થિરતા કરવી એ જ
પરમાત્મપદ છે. પોતાનો આત્મા જાણવા, દેખવારૂપ સ્વભાવવાળો છે; નિશ્ચયથી તે જ શિવ છે. વ્યવહારથી સિદ્ધ
ભગવાન શિવ છે. પણ એ સિવાય બીજો કોઈ શિવ નથી.
ભગવાન વીતરાગની આજ્ઞા છે કે તારું ચૈતન્યસ્વરૂપ છે, રાગ તારું સ્વરૂપ નથી, –આવી શ્રદ્ધા કર અને
તારા સ્વરૂપમાંથી ખસીને બહાર ન જા, એવી આજ્ઞા જે ન માને તે વીતરાગ દેવની આજ્ઞાનો વિરાધક છે. અને
તે જીવ સંસારમાં રખડે છે. અહીં ગ્રંથકાર કહે છે કે હે જીવ! તું તારા કલ્યાણસ્વરૂપ આત્માની અંદર લીન રહે,
બહારમાં ન ભટક.
જીવ અનાદિ છે, કાળ અનાદિ છે. જીવનો સંસાર પણ અનાદિ છે. અનંતકાળમાં આ જીવે નિશ્ચયથી
પોતાનો આશ્રય કર્યો નથી તેમજ વીતરાગદેવને યથાર્થ સ્વરૂપે ઓળખીને તેમનો પણ કદી સેકંડ માત્ર આશ્રય
કર્યો નથી. આત્માએ અનંતકાળમાં બધું કર્યું છે પણ પોતે જ્ઞાનાનંદ મૂર્તિ છે અને પરલક્ષે થતાં ભાવ જ
દુઃખદાયક છે એવી સાચી આત્મભાવના કદી કરી નથી. તેથી અનાદિકાળથી મિથ્યાદ્રષ્ટિ રહ્યો છે. આત્મજ્ઞાન
સિવાય બીજી બધી ભાવના કરી છે. આત્મસ્વભાવના ભાન વિના સ્વર્ગ–નરકાદિમાં અનંતકાળથી રખડયો, પણ
પોતાનો આત્મા પરમાનંદ મૂર્તિ છે તેની પ્રતીતિ ન કરી અને જિનરાજને ધણી તરીકે સ્વીકાર્યા નહિ. જિનરાજને
ધણી ક્યારે સ્વીકાર્યા કહેવાય? જે રાગથી ધર્મ માને તે જીવ વીતરાગનો દાસ નથી અને તેણે ખરેખર
વીતરાગને ધણી સ્વીકાર્યા નથી. ભગવાન આત્મા દયા, પૂજા વગેરે પુણ્ય અને હિંસાદિ પાપ ભાવોથી જુદો
જ્ઞાયકસ્વરૂપ છે તેને જે નથી માનતા તે ખરેખર વીતરાગના દાસ નથી પણ કુદેવના દાસ છે. ધર્માત્મા સમ્યગ્દ્રષ્ટિ
જ ખરેખર જિનરાજના ભક્ત છે.
પ્રશ્ન:– અનંતકાળમાં આત્માની ઓળખાણ ન થઈ તેથી સમકિત તો ન પામ્યો એ વાત સાચી પણ
જિનરાજનો દાસ ન થયો એમ કઈ રીતે કહ્યું? શાસ્ત્રમાં તો વચન છે કે અનંતભવમાં દ્રવ્યલિંગી મુનિ થઈને
જિનવરદેવના સ્તવન ગાયાં ને તેમની ભક્તિ કરી.
ઉત્તર:– સમ્યગ્દર્શન નહિ હોવાથી જીવે કદી જિનરાજની ભાવ ભક્તિ કરી નથી અને ભાવભક્તિ વિના તે
જિનરાજનો સાચો ભક્ત થઈ શકે નહિ. ભાવભક્તિ એ તો સમ્યગ્દર્શન છે. એણે એક સમય પણ વીતરાગદેવની
આજ્ઞા યથાર્થ માની નથી, અને રાગને જ ધર્મ માન્યો છે. રાગરહિત ચૈતન્ય સ્વભાવ સમજે નહિ અને રાગને
ધર્મ માનીને ભક્તિ વગેરે શુભરાગ કરે તેની અહીં ગણતરી નથી, માટે હે જીવ! રાગરહિત પોતાનું ચૈતન્ય
સ્વરૂપ શું છે તેને તું જાણ અને સમ્યગ્દર્શન પ્રગટ કર એ જ સંસાર સમુદ્રથી છૂટવાનો ઉપાય છે.

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permison of the Baroda Govt. Regd. No. B. 4787
order No. 30 - 24 date 31 - 10 - 4
W A N T E D
A Thesis On Jainism
Pandit F. K. Lalan invites a thesis in English on ' Jainism'
and declares that he will donate through the Jain swadhyay
Mandir, Songad Rs. 300 to the person who gets the first number
and Rs. 200 to the person who gets the second number on the
following conditions:-
1. The thesis must clearly deal with following subjects:-
(a) Jainism is not a sectarian view but propounds the true state
of affairs of all the objects of the universe,
(b) The principle of Anekanta and Syadvad,
(c) The principle of true (Nishchaya) and conventional
(Vyavahara) view-points,
(d) Upadana (real) causeand Nimit (not real but a mere
conventional) cause,
(e) Substances, attributes and conditions (द्रव्य गुण–पर्याय),
(f) Each substance is doing its own action independently
without the help or assistance of any substance. the
principle may be termed (
कर्तृत्व) law of action,
(g) Each substance changes its condition every moment in
regular sequence (क्रमबद्ध पर्याय) so as to include five
samavayas, at the same time.
2. The thesis must contain foolscap pages 75 in the least
either written or typewritten on one side.
3. The thesis must be based on the principles propounded by
Bhagwan shri Kundakundacharya Deva and explained by Maharaj
Shri Kanji Swami at Songad.
4. If any writer desires to listen to the lectures of Maharaj Shri
Kanji Swami at Songad, arrangements will be made for them.
5. Literature on this subject may be had from Songad on
payment.
6. The Swadhyaya Mandir Trust will examine the thesis and
declare its result. Its decision will be final.
7. The thesis must reach the Jain Swadhyaya Mandir by 31
December 1948.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૩ – ૭ – ૪૮
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મન્દિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, કાઠિયાવાડ