Atmadharma magazine - Ank 059
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૫
સળંગ અંક ૦૫૯
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
વર્ષ પાંચમું : સંપાદક : ભાદરવો
રામજી માણેકચંદ દોશી
અંક અગીયાર વકીલ ૨૪૭૪
શ્રી ગુરુનું સ્વરૂપ
જે મોટા હોય તેને ગુરુ કહેવાય છે; જીવોને અહિતથી
બચાવીને હિતમાં પ્રવર્તાવવાના કારણરૂપ જે હોય તેને મોટા
કહેવાય છે, ને તે જ ગુરુ છે. તે ગુરુ બે પ્રકારના છે: એક ધર્મગુરુ
અને બીજા ઉપકારી ગુરુ.
જેઓ અઠ્ઠાવીસ મૂળગુણ સહિત હોય, બાહ્ય–અભ્યંતર
પરિગ્રહના ત્યાગી હોય, નગ્નમૂદ્રાના ધારક હોય, શુદ્ધરત્નત્રયરૂપ
જેમની પ્રવૃત્તિ હોય, પરમ દશ લાક્ષણિક ધર્મરૂપ જેની મૂર્તિ હોય,
બાહ્ય–અભ્યંતર બાર પ્રકારના તપમાં આરૂઢ હોય, અને પરમ
દિગંબર હોય તેમને ધર્મગુરુ જાણવા.
ઉપકારી ગુરુ બે પ્રકારના છે: એક ધર્મ–ઉપકારી ગુરુ અને
બીજા લૌકિક ઉપકારી ગુરુ. તેમાં ધર્મ–ઉપકારી ગુરુ ત્રણ
પ્રકારના છે: એક દીક્ષાગુરુ, બીજા શિક્ષાગુરુ અને ત્રીજા
વિદ્યાગુરુ. અણુવ્રત તથા મહાવ્રતનું આચરણ કરાવનાર ગ્રહણ
કરાવનાર એવા જે ચતુર્વિધ સંઘમાં મહાન મુનિરાજ તે દીક્ષાગુરુ
છે. શ્રી જિનેંદ્ર પ્રણીત માર્ગનો ઉપદેશ દેનારા તે શિક્ષાગુરુ છે.
અને શ્રી જિન પ્રણીત શાસ્ત્રને ભણાવનારા તે વિદ્યાગુરુ છે.
(શ્રી દીપચંદજી પંડિત વિરચિત ‘ભાવ દીપિકા’ પૃ. ૩૦)
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
• આત્મધર્મ કાર્યાલય – મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 25
single page version

background image
• જેઠ માસના પ્રશ્નોના જવાબ •
[બાલ – વિભાગ]
(૧) “આત્મા અરૂપી વસ્તુ છે તેથી પોતે પોતાને જાણી શકે નહિ” એ વાત ખોટી છે. આત્મા અરૂપી
વસ્તુ હોવાથી તે ઈન્દ્રિયોથી જણાતો નથી. પરંતુ આત્મામાં ‘પ્રમેયત્વ’ ગુણ છે એટલે આત્માનો એવો સ્વભાવ
છે કે, સાચા જ્ઞાનમાં તે જણાય છે. વળી આત્મામાં જ્ઞાન ગુણ છે; તે જ્ઞાનનો સ્વભાવ એવો છે કે તે રૂપી તેમ જ
અરૂપી વસ્તુઓને પણ જાણે છે. તેથી આત્મા પોતાના જ્ઞાનથી પોતાને જાણી શકે છે. ‘આત્મા અરૂપી છે માટે
તેને જાણી શકાય નહિ’ એમ જેઓ માને છે તેઓ અજ્ઞાની છે, કેમ કે તેઓ આત્માના જ્ઞાન–ગુણને તેમ જ
પ્રમેયત્વ ગુણને માનતા નથી.
(૨) ખાલી જગ્યા પૂરેલા વાક્યો–
૧. અરૂપી વસ્તુઓ પણ જ્ઞાનમાં જણાય છે, કેમકે તેમનામાં પ્રમેયત્વ ગુણ છે.
૨. આત્માને કોઈએ બનાવ્યો નથી અને તેનો કદી નાશ થતો નથી, કેમકે તેનામાં અસ્તિત્વ ગુણ છે.
૩. આત્માની અજ્ઞાનદશા ટાળીને જ્ઞાનદશા પ્રગટ કરી શકાય છે, કેમકે તેનામાં દ્રવ્યત્વ ગુણ છે.
૪. આત્મા બધા પદાર્થોને જાણી શકે છે, કેમ કે આત્મામાં જ્ઞાન ગુણ છે.
૫. શરીરમાં સુખ–દુઃખ થતાં નથી, કેમકે તે અજીવ છે.
(૩) ‘ગુણ’ જીવ અને અજીવ બંનેમાં હોય છે, કેમકે ગુણોનો પિંડ તે દ્રવ્ય છે. અસ્તિત્વ જીવ અને
અજીવ બંનેમાં હોય છે, કેમકે તે સામાન્યગુણ છે.
(૪) મુનિશ્રી કુંદકુંદ–આચાર્ય, મુનિશ્રી ધરસેન–આચાર્ય, મુનિશ્રી પુષ્પદંત–આચાર્ય, મુનિશ્રી ભૂતબલી–
આચાર્ય અને મુનિશ્રી અમૃતચંદ્ર–આચાર્ય–એ પાંચે મુનિવરો શ્રીમહાવીર ભગવાન પછી થઈ ગયેલા છે.
આ વખતે ૬૦ બાળકોના જવાબ આવેલા, તેમાંથી નીચેના ૧૪ બાળકોના જવાબ સંપૂર્ણ સાચા હતાં:–
(૧–૪) વીંછીયા: ચંદ્રકાન્ત, રસિકલાલ, સ્નેહલતા, ઇંદુમતી. (પ) ભાનુમતી–વઢવાણ સીટી (૬) શાંતિલાલ:
વાંકાનેર (૭) હરિહરઃઅમદાવાદ (૮) જગદીશચંદ્ર: મુંબઈ (૯) રાજેન્દ્રઃસાવરકુંડલા (૧૦) કૌશલ્યા: મહેસાણા
(૧૧–૧૨) ચંદ્રપ્રભા, સુશિલા. સોનગઢ (૧૩) અમરેલીના એક બાળક: (તેણે પોતાનું નામ તથા સરનામું
મોકલવું.) (૧૪) લલિતકુમાર: સાવરકુંડલા.
– નવા પ્રશ્નો –
(૧) શું કરવાથી ધર્મ થાય?
(૨)
–જે ગુણ જીવમાં જ હોય ને અજીવમાં ન હોય તેને શોધી કાઢો.
–જે ગુણ અજીવ–પુદ્ગલમાં જ હોય ને જીવમાં ન હોય તેને શોધી કાઢો.
–જે ગુણ જીવમાં પણ હોય ને અજીવમાં પણ હોય તેને શોધી કાઢો.
(૩) નીચેના લખાણમાં જો ભૂલ હોય તો સુધારો:–
. જ્યારે શરીરમાં જીવ રહેલો હીટોય ત્યારે શરીર જાણે છે, અને જીવ શરીરમાંથી નીકળી જાય ત્યારે
શરીર જાણતું નથી.
. આત્મા કદી જડ થતો નથી પણ સદાય આત્મા જ રહે છે, અને જડ વસ્તુ કદી આત્મા થતી નથી પણ
સદાય જડરૂપે જ રહે છે. કેમ કે બંનેમાં દ્રવ્યત્વગુણ છે.
જવાબો જેમ બને તેમ વહેલાસર નીચેના સરનામે મોકલવા:
“આત્મધર્મ–બાલવિભાગ:” સોનગઢ.
આત્મધર્મ અંક ૫૮ માં સુધારો
પૃ. ૧૭૧ કોલમ ૨ લાઈન ૧૮: ‘પરિણામ–પરિણામ’ ને બદલે ‘પરિણામી–પરિણામ’ એમ સુધારવું.
પૃ. ૧૭૩ કોલમ ૨ લાઈન ૩૬–૩૭: ‘સ્વભાવનો નાશ થયા પછી’ ને બદલે ‘સ્વભાવની અભેદતાના
આશ્રયે મિથ્યાત્વનો નાશ થયા પછી’ એમ સુધારવું.
પૃ. ૧૭૪ કોલમ ૧ લાઈન ૨૪: “એવી ઊંધી પ્રતીતિ” ને બદલે “મિથ્યાત્વ અને રાગાદિ મારા સ્વરૂપમાં
છે એવી ઊંધી પ્રતીતિ” એમ સુધારવું.
પૃ. ૧૮૧ કોલમ ૧ લાઈન ૧૯: ‘સર્વત્રતનું પ્રયોજન’ ને બદલે ‘સર્વશ્રુતનું પ્રયોજન’ એમ સુધારવું.
પૃ. ૧૮૧ કોલમ ૧ લાઈન ૨૩: “વ્યાખ્યાનનું ઘોલન” ને બદલે “વ્યાખ્યાન કરતાં–એટલે કે આત્માના
સ્વભાવમાં વિપરીતતા ન થાય એવી રીતે સમ્યગ્જ્ઞાનનું ઘોલન કરતાં” એમ સુધારવું.

PDF/HTML Page 4 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૮૭ :
તીર્થંકરોના પંથે લેખાંક પાંચમો
શ્રી તીર્થંકર ભગવંતોએ કર્મક્ષય કઈ રીતે કર્યો અને જગતના જીવોને શું કરવાનો ઉપદેશ આપ્યો તે વાત
શ્રી પ્રવચનસારની ૮૦–૮૧–૮૨ મી ગાથામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે જણાવી છે. અને તે ગાથા ઉપર પૂ.
ગુરુદેવશ્રીએ કરેલા આ વિસ્તૃત પ્રવચનો તીર્થંકરના માર્ગનું સ્વરૂપ સ્પષ્ટપણે દર્શાવે છે.
તીર્થંકરોનો પંથ સ્વાશ્રયનો છે. તીર્થંકરોના ઉપદેશમાં સંપૂર્ણ સ્વાશ્રયનો જ આદેશ છે. મોક્ષમાર્ગમાં
અંશમાત્ર પરાશ્રયભાવ તીર્થંકરોએ ઉપદેશ્યો નથી. જે જીવ સ્વાશ્રય નથી કરતો તે જીવ તીર્થંકરોના ઉપદેશના
આશયને સમજ્યો નથી. કરણાનુયોગ હો કે કથાનુયોગ હો, ચરણાનુયોગ હો કે દ્રવ્યાનુયોગ હો, પણ તીર્થંકરોએ
તો સર્વત્ર સ્વાશ્રયભાવને જ મોક્ષમાર્ગપણે ઉપદેશ્યો છે. તીર્થંકરોએ સ્વાશ્રય કરીને મુક્તિ પ્રાપ્ત કરી છે અને
સ્વાશ્રયને જ મોક્ષમાર્ગ તરીકે દિવ્યધ્વનિમાં કહ્યો છે; તેથી જે જીવ સ્વાધ્યની શ્રદ્ધા–જ્ઞાન કરે છે તે જ જીવ
તીર્થંકરોના પંથે છે. જે જીવ સ્વાશ્રયની શ્રદ્ધા–જ્ઞાન નથી કરતો ને નિમિત્ત–વ્યવહાર–કર્મ–પુણ્ય વગેરેના લક્ષે
પરાશ્રયથી અંશ માત્ર ધર્મ મનાવે છે તે જીવ તીર્થંકરોના પંથનો નથી.
આવો શ્રી તીર્થંકરોનો પંથ જ્ઞાનીઓ બતાવે છે અને જગતના જીવોને હાકલ કરે છે કે: હે જગતના જીવો!
મોક્ષનો માર્ગ આત્માશ્રિત છે. તમે પરાશ્રયને છોડીને આ સ્વાશ્રિતમાર્ગમાં નિઃશંકપણે ચાલ્યા આવો. આ માર્ગે
જ તમારી મુક્તિ થશે, બીજો કોઈ મુક્તિનો માર્ગ નથી. શ્રી તીર્થંકરદેવોએ આ જ માર્ગે મુક્તિ પ્રાપ્ત કરી છે અને
આ જ માર્ગ જગતને ઉપદેશ્યો છે.
“ભગવાને પર જીવોને બચાવ્યા ને ભગવાને પર જીવોની સેવા કરવાનો ઉપદેશ કર્યો, ભગવાને
સ્યાદ્વાદથી બધા ધર્મોનો સમન્વય કર્યો, ભગવાને ‘જીવો અને જીવવા દો’ એમ કહ્યું, ભગવાને પર જીવોની
હિંસા અટકાવી, ભગવાને વ્યવહાર કરતાં કરતાં ધર્મ થાય એમ કહ્યું” –ઈત્યાદિ અનેક પ્રકારે પરાશ્રયપણામાં ધર્મ
મનાઈ રહ્યો છે અને એ રીતે ભગવાનના નામે અત્યારે મિથ્યા માન્યતાઓનો જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે.
સર્વે તીર્થંકરોએ શું કર્યું હતું અને શું કહ્યું હતું તે આ પ્રવચનમાં શ્રીમદ્ ભગવત્ કુંદકુંદદેવના કથન
અનુસાર બતાવવામાં આવ્યું છે. તીર્થંકરોના સાચા પંથને બતાવતું આ વ્યાખ્યાન જૈનસમાજના સર્વે આત્માર્થી
જીવો બરાબર વાંચે, વિચારે, મંથન કરે... અને તીર્થંકરદેવોના પવિત્ર પંથને બરાબર જાણીને, ઊંધા માર્ગેથી
પાછા તીર્થંકરોના પંથે વિચરે–તીર્થંકર દેવના સાચા અનુયાયી બને, એ ભાવના છે.
(આ પહેલાંં, ૮૦–૮૧ મી ગાથા ઉપરના પ્રવચનોના ચાર લેખો આત્મધર્મ અંક ૨૯, ૩૦, ૩૧ અને
૫૮માં છપાઈ ગયા છે; ત્યાંથી જોઈ લેવા.) સંપાદક
તીર્થંકરોએ શું કર્યુ અને શું કહ્યું?
શ્રી પ્રવચનસારની ૮૦–૮૧મી ગાથામાં મોહનો સર્વથા નાશ કરીને સંપૂર્ણ શુદ્ધ આત્માની પ્રાપ્તિ માટેનો
ઉપાય આચાર્યદેવે વર્ણવ્યો. હવે ૮૨મી ગાથામાં, બધાય તીર્થંકરોને સાક્ષીપણે ઉતારતાં આચાર્યદેવ કહે છે કે જે
ઉપાય અહીં વર્ણવ્યો તે જ ઉપાય બધાય તીર્થંકરોએ પોતે કર્યો અને તેઓએ જગતના ભવ્યજીવોને એવો જ
ઉપદેશ કર્યો. તેઓને નમસ્કાર હો.
આ ગાથા ઘણી ઊંચી છે. પુરુષાર્થની ઉગ્રતાની આમાં વાત છે. હવે, આ જ એક (પૂર્વોક્ત ગાથાઓમાં
વર્ણવ્યો તે જ એક), ભગવંતોએ પોતે અનુભવીને દર્શાવેલો નિઃશ્રેયસનો (મોક્ષનો) પારમાર્થિક પથ છે–એમ
મતિને વ્યવસ્થિત કરે છે:–
सव्वे वि य अरहंता तेण विधाणेण खविदकम्मंसा ।
किच्चा तधोवदेसं णिव्वादा ते णमो तेसिं ।।
८२।।
અર્હંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત થયા; નમું તેમને. ૮૨
અર્થ:– બધાય અર્હંતભગવંતો તે જ વિધિથી કર્માંશોનો (જ્ઞાનાવરણીયાદિ કર્મભેદોનો) ક્ષય કરીને તથા
(અન્યને પણ) એ જ પ્રકારે ઉપદેશ કરીને મોક્ષ પામ્યા છે. તેમને નમસ્કાર હો.
આ ૮૦, ૮૧ અને ૮૨ એ ત્રણ ગાથાઓમાં અનંત તીર્થંકરોના દિવ્યધ્વનિનો, અનંત સંત–મુનિઓનો
અને સર્વે પરમાગમ શાસ્ત્રોનો આશય આવી જાય છે.
જે સ્વાશ્રય સ્વભાવની પ્રતીતિ કરે તેને પરાશ્રિત ભાવોની પ્રતીતિ ટળીને ક્ષાયક સમ્યગ્દર્શન થાય. આવો

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૧૮૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૭૪ :
સ્વભાવ જેણે શ્રદ્ધાજ્ઞાનમાં લીધો છે તે જીવ સર્વે તીર્થંકરોના ઉપદેશના રહસ્યને સમજી ગયો છે, તે જીવ પોતે
તીર્થંકરોના પંથનો છે.
અનંત તીર્થંકરોએ, ૮૦–૮૧ મી ગાથામાં કહેલો માર્ગ પોતે અનુભવીને કર્મનો ક્ષય કર્યો અને જગતના
જીવોને તે જ માર્ગનો ઉપદેશ કરીને તેઓ મુક્તિ પામ્યા. અરિહંતોએ પોતે જે કર્યું તે જ કહ્યું છે; જે માર્ગે પોતે
પૂર્ણ સુખ પ્રગટ કર્યું તે જ માર્ગ જગતના જીવોને દર્શાવ્યો છે. અરિહંતોએ જે કહ્યું છે તે જ નિઃશ્રેયસનો સાચો
માર્ગ છે. આમ નક્કી કરીને આચાર્યદેવ પોતાની મતિ વ્યવસ્થિત કરે છે; લાખ દુનિયા ન માને ને વિરોધ કરે
તોય પોતાની મતિ ન ફરે એવી અપ્રતિહત શ્રદ્ધાની વાત છે. મારી મુક્તિને માટે કોઈ કાળની અપેક્ષા નથી,
ક્ષેત્રની નથી, મહાવિદેહની કે ભગવાનની અપેક્ષા નથી, એકલો હું જ બધાયથી ઉદાસીન થઈને મારા દ્રવ્યગુણમાં
પર્યાયને એક કરું તે જ મારી મુક્તિનું પરમાર્થ સાધન છે. જે પોતાના પૂરા સ્વભાવને ઓળખીને તેમાં લીન થયો
તેને મુક્તિનું બધું સાધન આવી જાય છે. ત્રણે કાળે આ એક જ માર્ગ છે, બધાય તીર્થંકરોએ આ જ માર્ગ
ઉપદેશ્યો છે. અહીં આચાર્યદેવને સ્વાશ્રિત મોક્ષમાર્ગનો મહિમા આવતાં કહે છે કે અહો, તે અરિહંતોને નમસ્કાર
હો અને તેમણે બતાવેલા માર્ગને નમસ્કાર હો.
અરિહંતો કહે છે: પુરુષાર્થવડે સ્વાશ્રય કરો!
અરિહંતો કહે છે કે અમે અમારા દ્રવ્યસ્વભાવનો આશ્રય કરીને કેવળજ્ઞાન પામ્યા છીએ અને હે જગતના
જીવો! તમે પણ એમ પોતાના આત્માનો જ આશ્રય કરો. સ્વભાવ–આશ્રિત મુક્તિનો માર્ગ છે માટે પુરુષાર્થવડે
સ્વભાવને જાણીને તેનો જ આશ્રય કરો આમ તીર્થંકરોના ઉપદેશમાં તો પુરુષાર્થનો આદેશ છે. પણ તીર્થંકરોએ
ઉપદેશમાં એમ નથી કહ્યું કે ‘કર્મો ઢીલાં પડશે ત્યારે કે કાળલબ્ધિ પાકશે ત્યારે મુક્તિ થશે, અથવા તો દેવ–
ગુરુના આશ્રયે મુક્તિ થશે, અથવા તો અમારા કેવળજ્ઞાનમાં જોયું હશે ત્યારે તમારી મુક્તિ થશે.’ –એ તો બધી
પરાશ્રયની વાતો છે. જેવો અમારો (અરિહંતોનો) આત્મસ્વભાવ છે તેવો જ તમારો આત્મસ્વભાવ છે, તેને
જાણીને તેનો જ આશ્રય કરો, દેવ–ગુરુ–શાસ્ત્રનો આશ્રય છોડો, સ્વાશ્રયની પ્રતીતિ કરીને સ્વાશ્રયમાં એકતા
કરો, તે જ મુક્તિનો ઉપાય છે. –આવો બધાય અરિહંતોનો ઉપદેશ છે. ‘તારી કાળલબ્ધિ પાકશે ત્યારે મુક્તિ થશે,
પુરુષાર્થ કામ નહિ આવે’ એવી ભગવાનની વાણી નથી. તીર્થંકરો અપ્રતિહતપુરુષાર્થવાળા હોય છે. અને
તીર્થંકરોની દિવ્ય વાણી જગતના જીવોને મોક્ષમાર્ગના પુરુષાર્થમાં જોડવા માટે જ છે, પણ મોક્ષમાર્ગના પુરુષાર્થથી
પાછા પાડવા માટે નથી.
પરાશ્રયે મુક્તિ અટકે છે.
હે જીવ! સબ અવસર આ ચૂકા હૈ, તું પુરુષાર્થ કર. તું અમારા જેવો જ છો, જેમ અમારે કોઈ પરનો
આશ્રય નથી તેમ તારે પણ કોઈનો આશ્રય નથી, અમારો પણ આશ્રય તને નથી. તું તારા સ્વભાવનો આશ્રય
લે તો તારી મુક્તિ માટેનો કાળ પાકી જ ગયો છે. પણ તું તારો આશ્રય ન કરે તો જ તારી મુક્તિ અટકે છે. કાંઈ
કાળ તારી મુક્તિ અટકાવતો નથી.
સ્વાશ્રયના પુરુષાર્થથી જ મુક્તિનો કાળ પાકે છે
‘કાળ પાકે ત્યારે મુક્તિ થાય’ એ વાક્ય અજ્ઞાનીનું છે. કેમ કે, કાળનું લક્ષ તે પરાશ્રય છે કે સ્વાશ્રય છે?
પરાશ્રયભાવથી કદી મુક્તિ થાય જ નહિ. ‘કાળ પાકે ત્યારે’ એમાં પોતાના સ્વભાવનો સ્વીકાર ક્યાં આવ્યો?
પોતાના સ્વભાવને સ્વીકાર્યા વગર મુક્તિ ક્યાંથી થાય? સ્વભાવ સ્વીકારે તેને કાળ પાકી જ ગયો છે, ને જે
સ્વભાવ ન સ્વીકારે તેને કાળ પાક્યો નથી. સ્વભાવનો સ્વીકાર તે સ્વાશ્રયનો પુરુષાર્થ છે, ને સ્વાશ્રયથી મુક્તિ
થાય છે. ‘કાળ પાકે ત્યારે મુક્તિ થાય’ એ માન્યતામાં તો કાળની સામે જ જોવાનું રહ્યું, પણ સ્વભાવનો આશ્રય
કરવાના સ્વતંત્ર પુરુષાર્થની વાત તો આવી નહિ. મોક્ષમાર્ગ પરાધીન નથી, પણ સ્વતંત્ર પુરુષાર્થને આધીન
મોક્ષમાર્ગ છે. ‘કાળ પાકે ત્યારે મુક્તિ થાય’ એમાં પરાશ્રય છે, પરાશ્રયભાવ અને મુક્તિનો માર્ગ એ બંને એક
બીજાના વિરોધી છે. સ્વભાવનો આશ્રય છોડીને કાળ ઉપર લક્ષ ગયું તે પરાશ્રય છે, પરાશ્રય તે અધર્મ છે. માટે,
કાળ પાકે ત્યારે મુક્તિ થાય–એ દ્રષ્ટિ મિથ્યા છે. પોતાના પૂર્ણ આત્માની પ્રતીતિ અને આત્મામાં સ્થિરતા તે
સ્વાશ્રય ભાવ છે. તેનાથી મુક્તિ થાય છે. જે સ્વાશ્રય કરે તેને કાળ પાકી ગયો એમ કહેવાય છે. સ્વાશ્રયને બદલે

PDF/HTML Page 6 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૮૯ :
પરાશ્રયથી મુક્તિ માની તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. અરિહંતોના ઉપદેશને તે સમજ્યો નથી, તેણે અરિહંતોને
ઓળખ્યા નથી.
નિમિત્ત કે વ્યવહાર વગેરેનો આશ્રય કરવાનો ભગવાનો હુકમ નથી.
પૂર્વે કહેલો, ભગવાને પોતે જ અનુભવીને દર્શાવેલો એક માત્ર પરમાર્થ માર્ગ છે એટલે એ સિવાય બીજા
બધાય માર્ગો ખોટા છે–એમ તેમાં આવી જાય છે. નિમિત્તો મળે તો જીવની મુક્તિ થાય, કાળ પાકે તો થાય,
નિમિત્તદ્વારા થાય, વ્યવહાર કરતાં કરતાં થાય, પુણ્ય કરતાં કરતાં થાય–એ બધી માન્યતા પરાશ્રયદ્રષ્ટિવાળાની
છે, સર્વજ્ઞ ભગવંતોના શ્રીમુખનો તે હુકમ નથી, સર્વજ્ઞ ભગવાને તેમ કર્યું નથી, ને પોતાના જ્ઞાનમાં તેમ જાણ્યું
નથી. જેઓ કર્મનું, કાળનું, નિમિત્તનું કે રાગાદિનું અવલંબન માને છે તેની મુક્તિ ભગવાને જોઈ નથી. પણ જે
પરાશ્રયબુદ્ધિ છોડીને, પોતાના શુદ્ધ આત્મસ્વભાવનો નિર્ણય કરીને સ્વાશ્રયે પુરુષાર્થ કરે છે તે જ જીવ મુક્તિ
પામે છે. આચાર્યદેવ કહે છે કે અહો, આવો સ્વાશ્રય મુક્તિમાર્ગ બતાવનારા અર્હંતોને નમસ્કાર હો.
સ્વાશ્રયના સ્વીકાર વિના મુક્તિમાર્ગ નથી
મુક્તિ એટલે પરના સંબંધ રહિત એકલો શુદ્ધ આત્મા. તેનો ઉપાય પરના આશ્રયે નથી. જેનું વીર્ય હજી
પરાશ્રયની શ્રદ્ધામાં અટક્યું છે તે જીવ મુક્તિના માર્ગનો નિર્ણય કરી શકે નહિ. તું મુક્તિની વાત કરે છે કે
પરની? જો મુક્તિની વાત કરતો હો તો પરાશ્રયની શ્રદ્ધા છોડ. અરિહંતોએ પરાશ્રય કર્યો નથી અને પરાશ્રયને
મોક્ષનો માર્ગ કહ્યો નથી.
જગતને સ્વાશ્રયના માર્ગદર્શક અરિહંતોને શ્રીકુંદકુંદાચાર્યદેવ નમસ્કાર કરે છે.
શ્રીકુંદકુંદઆચાર્યદેવ કહે છે કે ‘णमो तेसिं’ તે અરિહંતોને નમસ્કાર હો. અહોહો, નાથ! આપે આપના
આત્મામાં તો સ્વભાવનો સંપૂર્ણ આશ્રય પ્રગટ કરીને પરાશ્રયભાવના ભૂક્કા ઉડાડયા, અને અન્ય જીવોને માટે
આપના કથનમાં પણ પરાશ્રયના ભૂક્કા જ છે. આપનો દિવ્ય ઉપદેશ જીવોને પરાશ્રય છોડાવે છે. આચાર્યદેવને
ઘણો સ્વાશ્રયભાવ તો પ્રગટ્યો છે ને પૂર્ણ સ્વાશ્રયભાવ પ્રગટ કરવાની તૈયારી છે, તેથી સ્વાશ્રય મુક્તિમાર્ગનો
પ્રમોદ આવી જતાં કહે છે કે–અહો, જગતના જીવોને સ્વાશ્રયનો ઉપદેશ આપનાર હે અર્હંતો! આપને નમસ્કાર
હો. નમો, નમો! હે જિન ભગવંતો! તમને. નમસ્કાર કરું છું.
અજ્ઞાનભાવે અનંત પ્રકારના પરાશ્રયભાવમાં અજ્ઞાની જીવો રખડે છે. અહો, જગતમાં આટલા આટલા
પરાશ્રયભાવો, તે બધાયથી છોડાવીને આત્માને એક પોતાના સ્વભાવના જ આશ્રયમાં લાવી મૂક્યો છે. હે
તીર્થંકરો! આપ પોતે પણ સ્વભાવની શ્રદ્ધા અને સ્થિરતા કરીને જ મુક્ત થયા છો અને આપની વાણીમાં
જગતના મુમુક્ષુઓને પણ એ જ પ્રકારનો ઉપદેશ કર્યો છે. અહો, અરિહંતો! આપને નમસ્કાર, આપના
સ્વાશ્રિતમાર્ગને નમસ્કાર. મારો આત્મા સ્વાશ્રયની સાક્ષી પૂરતો આપના અપ્રતિહત માર્ગમાં ચાલ્યો આવે છે.
અરિહંતોને નમનાર જીવ કેવો હોય?
હે નાથ! અમને સ્વાશ્રયનો ઉલ્લાસ આવે છે. ધન્ય પ્રભુ તારા કથનને! તમને હું નમસ્કાર કરું છું.
અમારો આત્મા સ્વાશ્રયમાં નમે છે, આપની જેમ અમે પણ સ્વાશ્રયપૂર્વક અરહંતદશા પ્રગટ કરવા તરફ આપના
માર્ગે ચાલ્યા આવીએ છીએ. અહો, આવા નમસ્કાર કોણ કરે? આવો ઉલ્લાસ કોને ઊછળે? જેણે પોતાના
સ્વભાવની શ્રદ્ધાથી સ્વાશ્રય તરફ વલણ કર્યું છે અને પરાશ્રયના અંશનો પણ નકાર કર્યો છે તે સ્વાશ્રયના
ઉલ્લાસથી અરિહંતોને નમસ્કાર કરે છે.
અરિહંતોના પગલે
અહો અરિહંતો! હું આપને પગલે પગલે આવી રહ્યો છું. સર્વે અરિહંતોને મારા નમસ્કાર છે. ‘બધાય
અરિહંતોએ આ એક જ માર્ગથી પૂર્ણતા કરી છે અને તેઓએ ઉપદેશમાં પણ એમ જ કહ્યું છે,’ એમ કહીને પછી
તે સર્વે અરિહંતોને આચાર્યદેવે નમસ્કાર કર્યા છે. આમાં આચાર્યદેવના ઊંચા ભણકારા છે. ‘ઉપદેશ પણ એમ જ
કર્યો’ –આમ કહીને આચાર્યદેવ ઉપદેશવાળા અરિહંતોની એટલે કે તીર્થંકરોની વાત લેવા માગે છે. તીર્થંકરોને
કેવળજ્ઞાન પ્રગટ્યા પછી નિયમથી દિવ્યધ્વનિ છૂટે છે ને તે ધ્વનિ દ્વારા આવો જ સ્વાશ્રયનો માર્ગ જગતના
મુમુક્ષુઓને ઉપદેશે છે. અને તે સાંભળીને સ્વાશ્રય કરનારા જીવો પણ હોય જ છે. એ રીતે સંધિ વડે
સ્વાશ્રયમાર્ગનો અછિન્નપ્રવાહ બતાવ્યો છે.

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૧૯૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૭૪ :
(પોષ વદ ૪) મુક્ત થવાનો ઉપાય
આ આત્માનો સ્વભાવ અરિહંત જેવો જ છે. અરિહંતનું દ્રવ્ય એકરૂપ રહેનારું સદ્રશ્ય તત્ત્વ પૂરા સ્વભાવે છે
તેવું જ પોતાનું આત્મદ્રવ્ય છે. અરિહંત જેવા પોતાના આત્માને જાણ્યા વગર કોઈ જીવ ધર્મ પામી શકે નહિ. ત્રણે
કાળના સર્વે તીર્થંકરો આ જ ઉપાય વડે મોહનો નાશ કરી, કેવળજ્ઞાન પામીને મુક્ત થયા છે, થાય છે ને થશે.
અરિહંતોએ શું કર્યું? અને શું કહ્યું?
જેઓ અરિહંત થયા તે આત્માઓએ પહેલાંં શું કર્યું? પહેલાંં તો તેમના પર્યાયમાં રાગ–દ્વેષ–મોહ હતા;
પણ તે રાગ–દ્વેષ–મોહને પોતાનું સ્વરૂપ ન માનતાં, અરિહંતના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને પોતાના
આત્માને પણ તેવો ઓળખ્યો. અરિહંતને આત્મદ્રવ્ય અને ચૈતન્યગુણ તો સદાય એકરૂપ હતા અને તે
સ્વભાવના આશ્રયે પૂર્ણ નિર્મળ પર્યાય નવો પ્રગટ કર્યો છે, રાગાદિ તે આત્માનું મૂળ સ્વરૂપ ન હતું તેથી તેનો
નાશ થઈ ગયો છે. અરિહંતની જેમ પોતાનો આત્મા પણ દ્રવ્યથી અને ગુણથી તો અત્યારે પણ પરિપૂર્ણ એકરૂપ
છે, પર્યાયમાં જે મોહ ભાવ છે તે પોતાનું સ્વરૂપ નથી એમ ઓળખાણ કરીને દ્રવ્ય–ગુણનો આશ્રય કરતાં
પર્યાયમાંથી મોહ ટળે છે ને શુદ્ધતા પ્રગટે છે. –આ રીતે, અરિહંત થનારા બધાય આત્માઓએ અરિહંત દશા
પ્રગટ થયા પહેલાંં જાણ્યું હતું. આ જ વિધિથી પહેલાંં તો દર્શનમોહનો નાશ કરીને ક્ષાયક સમ્યગ્દર્શન પ્રગટ કર્યું
હતું અને પછી સ્વભાવના જ આશ્રયે રાગદ્વેષ ટાળીને કેવળજ્ઞાન પ્રગટ કરી અરિહંત થયા હતા. અને અરિહંત
થયા પછી જે સહજ દિવ્યધ્વનિ છૂટયો તેમાં આ જ વિધિથી કર્મ ક્ષય થવાનો ઉપદેશ હતો.
આત્મા સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે, તેનામાં શરીર નથી, મન નથી, વાણી નથી, કર્મો નથી, રાગ–દ્વેષ નથી
અને અપૂર્ણતા નથી. જેવા અરિહંત છે તેવો જ પૂરો પોતાનો સ્વભાવ છે; એ સ્વભાવના આશ્રયે જ ધર્મ છે.
પરાશ્રયની કોઈ લાગણીમાં ધર્મ નથી. અરિહંતોનો આશ્રય છોડીને તેમજ પોતામાં પણ દ્રવ્ય–ગુણ–પર્યાયના
ભેદનો આશ્રય છોડીને, એકરૂપ અભેદ દ્રવ્યના આશ્રયે શ્રદ્ધા–જ્ઞાન કરતાં મિથ્યાત્વનો નાશ થાય છે અને તે
અભેદ સ્વભાવમાં જ એકાગ્રતા કરતાં રાગદ્વેષનો નાશ થાય છે. આ જ ઉપાય અનંત તીર્થંકરોએ પોતે કર્યો છે
અને આ જ ઉપાય ઉપદેશ્યો છે.
એક જ વિધિ
જુઓ, અહીં કુંદકુંદ પ્રભુ મોક્ષનો ઉપાય બતાવે છે અને તેમાં સર્વે તીર્થંકરોની સાખ પૂરે છે. પોતાનો
આત્મા જ્ઞાન–દર્શન–આનંદસ્વરૂપ છે, તેને લક્ષમાં લઈને તેના જ આશ્રયે શુદ્ધોપયોગ પ્રગટ કરીને, ભેદ અને
વ્યવહારનો ક્ષય કરીને ભગવાન અરિહંતોએ કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે. ત્રણે કાળે મોહનો ક્ષય કરવાનો આ એક
જ વિધિ છે. તીર્થંકરોએ આ જ વિધિ કર્યો છે, અને આ જ વિધિ કહ્યો છે, આ સિવાય બીજો કોઈ વિધિ મોક્ષ
માટે છે જ નહિ.
‘નિશ્ચય સ્વભાવનો આશ્રય’ એ એક જ વિધિ ભગવાને કર્યો છે ને કહ્યો છે.
‘શરીરાદિની ક્રિયાનો હું કર્તા છું કે પુણ્ય–પાપની ક્રિયા મારી છે’ –એવા પ્રકારની વિકાર સાથે એકપણાની
માન્યતાનો સ્વભાવના આશ્રયે નાશ કરીને અને પોતાના સ્વભાવમાં એકતા કરીને સર્વે તીર્થંકરો કેવળજ્ઞાન
પામ્યા છે; અને પછી દિવ્યધ્વનિમાં અન્ય જીવોને પણ એ જ પ્રમાણે માર્ગ ઉપદેશીને તેઓ મોક્ષને પામ્યા છે.
તીર્થંકરોએ પોતે નિશ્ચય સ્વભાવનો આશ્રય કર્યો ને વ્યવહારનો આશ્રય છોડ્યો; દિવ્યધ્વનિમાં પણ
નિશ્ચયરત્નત્રયને જ મોક્ષમાર્ગપણે ઉપદેશ્યાં અને વ્યવહારરત્નત્રય તે ખરો મોક્ષમાર્ગ નથી પણ બંધમાર્ગ છે એમ
ભગવાને ઉપદેશ્યું. કોઈ તીર્થંકરો વ્યવહારરત્નત્રયથી કેવળજ્ઞાન પામ્યા નથી, સ્વભાવઆશ્રિત નિશ્ચય–શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રથી જ સર્વે તીર્થંકરો કેવળજ્ઞાન પામ્યા છે. આ એક જ પ્રકારનો મોક્ષમાર્ગ છે. પુણ્ય પરિણામ તે
મોક્ષનું કારણ થાય એમ ભગવાને ઉપદેશ્યું નથી, પુણ્યપરિણામથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય એવો માર્ગ
ભગવાને ઉપદેશ્યો નથી. મોક્ષમાર્ગનો એક જ વિધિ છે કે પોતાના શુદ્ધઆત્માને ઓળખીને તેના આશ્રયે મોહનો
ક્ષય કરવો. આનાથી વિરુદ્ધ જેટલી વિધિ હોય તે મોક્ષમાર્ગ નથી–પણ સંસારમાર્ગ છે.
ભગવાનના ઉપદેશનો સાર: ‘સ્વભાવનો આશ્રય કરવો’

PDF/HTML Page 8 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૯૧ :
જેવો કેવળી ભગવાનનો જ્ઞાનસ્વભાવ છે તેવો જ મારો જ્ઞાનસ્વભાવ છે, એમ નિર્ણય કરીને પોતાના
જ્ઞાન–સ્વભાવનો આશ્રય કરવાથી પર્યાયમાં જ્ઞાનની અધૂરાશ ટળે છે ને પૂર્ણતા થાય છે. વિકારના આશ્રયે
પર્યાયની અધૂરાશ ટળતી નથી. ભગવાનના ઉપદેશનો સાર શું? ‘સ્વભાવનો આશ્રય કરવો’ તે જ સાર છે.
સ્વભાવનો આશ્રય તે જ નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે; સ્વભાવના આશ્રયનો જ ઉપદેશ ભગવાને કર્યો
છે ને સર્વ પરાશ્રય છોડાવ્યો છે.
તીર્થંકરોનો પંથ
ભગવંતોએ સ્વભાવના આશ્રયે જ પૂર્ણતા પ્રગટ કરી છે ને કર્મનો ક્ષય કર્યો છે. જે વિધિથી અરિહંત
ભગવંતોએ પોતે કર્મનો ક્ષય કર્યો તે જ પ્રકારે ઉપદેશ કર્યો છે. આત્મસ્વભાવના જ આશ્રયે મુક્તિ થાય અને
પરના આશ્રયે મુક્તિ થાય જ નહિ–આમ બધા અરિહંતોએ ઉપદેશ કર્યો છે. અહીં સિદ્ધભગવાનની વાત ન લેતાં
તીર્થંકર અરિહંતોની વાત લીધી છે. તીર્થંકરોને નિયમથી દિવ્યધ્વનિ હોય છે અને તે ધ્વનિમાં સ્વાશ્રયનો ઉપદેશ
સાંભળીને પોતામાં સ્વાશ્રય પ્રગટ કરીને તીર્થંકરોના પંથે ચાલનારા જીવો હોય જ છે. એ રીતે, કહેનાર અને
સાંભળનારની સંધિથી વાત છે.
અરિહંતોએ ઉપદેશેલા સ્વાશ્રિત મુક્તિમાર્ગમાં વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે પણ આશ્રય છોડાવ્યો છે.
અરિહંતોએ સંપૂર્ણ મોહનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું, તેમને ઉપદેશાદિ કોઈ ઈચ્છા હોતી નથી.
છતાં સહજપણે દિવ્યધ્વનિમાં જગતના મુમુક્ષુઓને એવો ઉપદેશ કર્યો કે–હે જીવો! જેવો અમારો આત્મા છે તેવો
જ તમારા આત્માનો સ્વભાવ છે. જેવા અમારા દ્રવ્ય–ગુણ–પર્યાય છે તેવા જ દ્રવ્ય–ગુણ–પર્યાય તમારા આત્માનું
સ્વરૂપ છે, એ સિવાય બીજા જે પરાશ્રિત વિકારી ભાવો છે તે તમારું સ્વરૂપ નથી. વ્યવહારરત્નત્રયના પરિણામ
પણ બહારના લક્ષે થાય છે, તે બંધમાર્ગ છે. જે પોતાના સ્વભાવના આશ્રયે થાય તે જ મુક્તિમાર્ગ છે.
દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા નવતત્ત્વનું જ્ઞાન તથા પંચમહાવ્રતનું પાલન તે વ્યવહારચારિત્ર છે, તેના આધારે મોક્ષમાર્ગ
ભગવાને કહ્યો નથી. ભગવાને પોતે પણ તે વ્યવહારરત્નત્રય છોડીને પૂર્ણતા પ્રગટ કરી છે, કાંઈ
વ્યવહારરત્નત્રયના અવલંબને પૂર્ણતા થઈ નથી. ભગવાનના ઉપદેશમાં વ્યવહારનું સ્વરૂપ તો બરાબર જણાવ્યું
છે પરંતુ તે વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી કહ્યો. મોક્ષમાર્ગ તો નિશ્ચયસ્વભાવના આશ્રયે જ છે. વ્યવહારના
આશ્રયે તો બંધમાર્ગ છે. શુદ્ધ આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં પુણ્ય–પાપરહિત સ્થિરતા તેને જ ભગવાને
મોક્ષમાર્ગ તરીકે ઉપદેશેલ છે. નિશ્ચય અને વ્યવહાર બંનેનું સ્વરૂપ જણાવીને પણ, મોક્ષમાર્ગ તરીકે તો નિશ્ચયનો
જ ઉપદેશ ભગવાને કર્યો છે, વ્યવહારનો ઉપદેશ મુક્તિમાર્ગ તરીકે ભગવાને કર્યો નથી, પણ તેનું અવલંબન
છોડાવવા માટે તેનું જ્ઞાન કરાવ્યું છે. સાધકદશામાં વચ્ચે શુભરાગરૂપ વ્યવહાર આવી જાય પણ તે મુક્તિમાર્ગ
નથી–એમ ભગવાને કહ્યું છે. એ રીતે ભગવાને સ્વાશ્રયનો જ ઉપદેશ કર્યો છે. અનંત તીર્થંકરોના ઉપદેશનો આ
ગાથામાં સાર છે. સ્વાશ્રિતભાવનો ઉલ્લાસ આવતાં શ્રીઆચાર્યદેવ કહે છે કે, અહો! ભગવંતોએ આવો સ્વાશ્રિત
મુક્તિમાર્ગ બતાવ્યો, તેમને નમસ્કાર હો.
અરિહંતોનો ઉપદેશ સમજનાર જીવ ઉલ્લાસથી નમી પડે છે.
‘અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાય જેવો પોતાનો આત્મા છે એટલે પોતાને અરિહંતનો આશ્રય
નથી પણ પોતાના આત્માનો જ આશ્રય છે. પહેલાંં અરિહંતનું લક્ષ હોય છે પણ તે ધર્મ નથી, કેમ કે તે પરાશ્રય
છે. અરિહંતનું લક્ષ છોડીને પોતાના પરિપૂર્ણ સ્વભાવને અભેદપણે લક્ષમાં લેવો તે સ્વાશ્રય છે, તે ધર્મ છે. હે
જીવ, તારો આત્મા પૂરો છે તેને જાણીને તેના આશ્રયે ઠર–એ જ મુક્તિનો માર્ગ છે’ –આવો ઉપદેશ જ્યાં સુધી
ભગવાનને અરિહંતદશા હતી ત્યાં સુધી કર્યો, અને પછી વાણી બંધ પડી, યોગનું કંપન પણ ટળી ગયું અને પ્રભુ
નિવૃત થયા–સિદ્ધ થયા. અહો, ભગવંતો! આપને નમસ્કાર હો. આપનો પવિત્ર ઉપદેશ અમને અંતરમાં રુચ્યો છે
અને અમને અંતરમાં સ્વાશ્રયનો આહલાદ ઊછળ્‌યો છે. પ્રભો, અમે બીજું તો શું કહીએ? નાથ!
नमो भगवद्भयः
ભગવતોને નમસ્કાર હો. આ રીતે, અરિહંતોનો ઉપદેશ સમજાવનાર જીવ સ્વાશ્રયના ઉલ્લાસથી ભગવાનને
નમસ્કાર કરે છે.
અરહંતોના માર્ગે
કોઈ પુણ્યભાવથી કે નિમિત્તોના અવલંબનથી સમ્યગ્દર્શન થતું નથી પણ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયથી

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૧૯૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૭૪ :
અભેદ સ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે. અમને આવો પવિત્ર ઉપદેશ કરીને સ્વાશ્રયનો
માર્ગ દર્શાવ્યો તે માટે હે નાથ! તમને મારા નમસ્કાર છે. વર્તમાન શુભ વિકલ્પ છે પણ તે તરફ ન વળતાં
સ્વભાવના મહિમા તરફ જ અમે વળીએ છીએ. સ્વભાવના આશ્રયે ધર્મની વૃદ્ધિ જ છે. જે દશા આપે પ્રગટ કરી
તેને અમે નમસ્કાર કરીને રાગરહિત ચૈતન્યસ્વભાવનો જ આશ્રય અને વિનય કરીએ છીએ, વિકલ્પનો આશ્રય
કે આદર કરતા નથી. હે નાથ જિનેશ! તમારો ઉપદેશ સાંભળીને અમને સ્વભાવ અને પરભાવનું ભેદજ્ઞાન થયું–
અમને નિશ્ચય સ્વાશ્રય રાગરહિત સ્વભાવ મળ્‌યો તેથી અમે આપને નમસ્કાર કરીએ છીએ–આપે દર્શાવેલા માર્ગે
આવીએ છીએ.
જેણે પોતાના આત્મામાં સ્વાશ્રયનો સ્વીકાર કર્યો તેણે અનંત તીર્થંકરોના માર્ગને અંગીકાર કર્યો. અને
જેણે કોઈ પણ પ્રકારે પરાશ્રયમાં (જડની ક્રિયામાં, રાગમાં, નિમિત્તના આશ્રયમાં કે વ્યવહારમાં) ધર્મ માન્યો છે
તે જીવ અનંત તીર્થંકરોના માર્ગને ઉલ્લંઘનારો છે. સર્વે તીર્થંકરો સ્વાશ્રયભાવથી જ કર્મોનો નાશ કરીને કેવળી
થયા છે અને પછી તેઓએ ઉપદેશ પણ એમ જ કર્યો છે કે સ્વાશ્રયભાવ તે ધર્મ છે ને પરાશ્રયભાવ તે અધર્મ છે.
પુણ્ય પણ પરાશ્રયભાવ છે, તેમાં ધર્મ નથી. આમ હોવા છતાં, જે જીવ સ્વાશ્રયને અંગીકાર કરતો નથી ને
પુણ્યાદિથી ધર્મ માને છે તે જીવ અનંત તીર્થંકરોના ઉપદેશને માનતો નથી, તે અનંત તીર્થંકરોનો વેરી મહા
મિથ્યાદ્રષ્ટિ છે. નિર્મળ સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તો તે આત્માના આધારે પ્રગટે છે, કોઈ પરના આશ્રયે
પ્રગટતું નથી. આમ સમજીને જે જીવ સ્વાશ્રય કરે તે જ જીવ તીર્થંકરોના પંથે ચાલનાર છે.
ટીકા
“અતીત કાળમાં ક્રમશ: થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો, પ્રકારાંતરનો અસંભવ હોવાને લીધે જેમાં
દ્વૈત સંભવતું નથી એવા આ જ એક પ્રકારથી કર્માંશોનો ક્ષય પોતે અનુભવીને, (તથા) પરમાત્મપણાને લીધે
ભવિષ્યકાળે કે આ (વર્તમાન) કાળે અન્ય મુમુક્ષુઓને પણ એ જ પ્રકારે તેનો (કર્મક્ષયનો) ઉપદેશ કરીને,
નિઃશ્રેયસને પ્રાપ્ત થયા છે; માટે નિર્વાણનો અન્ય (કોઈ) માર્ગ નથી એમ નક્કી થાય છે. અથવા, પ્રલાપથી બસ
થાઓ; મારી મતિ વ્યવસ્થિત થઈ છે. ભગવંતોને નમસ્કાર હો.”
(પ્રવચનસર પ. ૧૨) અછન્ન ધમપ્રવહ
ગયા કાળમાં ક્રમશ: –એક પછી એક અનંત તીર્થંકરો થઈ ગયા છે. ક્રમશ: કેમ કહ્યું? જેમ સંસાર અનાદિ
અનંત છે તેમ સ્વભાવ સમજીને મોક્ષ જનારા જીવોનો પ્રવાહ પણ અનાદિ અનંત છે. અનાદિથી એક પછી એક
તીર્થંકરો થતા આવે છે ને તેમના નિમિત્તે સ્વભાવ સમજીને મોક્ષમાં જનાર જીવો પણ ક્રમે ક્રમે થતા જ આવે છે.
તીર્થંકરોનો અને મોક્ષ જનારા જીવોનો કદી સર્વથા અભાવ થતો નથી. એ રીતે ધર્મનો અચ્છિન્ન પ્રવાહ અનાદિ
અનંત છે.
અહીં મુખ્યપણે તીર્થંકરોની વાત લીધી છે. વાણી વગરના મૂક કેવળી ભગવંતોની મુખ્યપણે વાત નથી.
કેમ કે તીર્થંકરોને નિયમથી દિવ્યધ્વનિ હોય છે અને તે દ્વારા સ્વાશ્રયસ્વભાવ સમજીને મોક્ષ જનારા જીવો પણ
હોય છે. બધાય તીર્થંકરોએ કહેલો મોક્ષનો એક જ વિધિ
ક્રમશ: અનંત તીર્થંકરો થયા એટલે કે અનંતકાલ પહેલાંં થયા તેમણે અને હમણાં જ થયા તેમણે–એ
બધાએ એક જ વિધિ કર્યો હતો. અનંતકાળ પહેલાંં થયા તેમણે જુદો વિધિ કર્યો હતો અને હમણાં થયા તેમણે
જુદો વિધિ કર્યો હતો–એમ નથી, કેમ કે મોક્ષનો વિધિ બે પ્રકારનો નથી, એક જ પ્રકારનો છે. અત્યાર સુધી
જેટલા તીર્થંકર ભગવંતો થઈ ગયા તે બધાયે શું વિધિ કર્યો હતો અને શું ઉપદેશ કર્યો હતો? તે આચાર્યદેવે ૮૦
અને ૮૧ મી ગાથામાં બતાવ્યું. શ્રી આચાર્યદેવ પોતે સ્વાશ્રયભાવની નિઃશંકતાથી સર્વે તીર્થંકરોની સાક્ષી આપે છે
કે, મોક્ષનો જે ઉપાય મેં વર્ણવ્યો તે જ ઉપાય સર્વે તીર્થંકરોએ કર્યો છે અને તે જ ઉપાય સર્વે તીર્થંકરોએ ઉપદેશ્યો
છે. હું કાંઈ નવો ઉપાય કહેતો નથી, પૂર્વે અનંતા તીર્થંકરોએ જે ઉપાય કર્યો અને સમવસરણમાં જે ઉપાય કહી
ગયા, તે જ હું કહું છું.
અરિહંત જેવા પોતાના આત્મસ્વભાવને જાણીને અને શુદ્ધોપયોગવડે તેનો જ આશ્રય કરીને મોહનો ક્ષય
થાય છે; આ પ્રમાણે ૮૦–૮૧ મી ગાથામાં મોહના ક્ષયનો જે ઉપાય વર્ણવ્યો તે જ ઉપાયથી મોહનો ક્ષય થાય છે,
અન્ય પ્રકારે મોહનો ક્ષય થતો નથી. અનંત તીર્થંકરોએ કર્મનો નાશ એક જ પ્રકારથી કર્યો છે.

PDF/HTML Page 10 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૯૩ :
‘કોઈક તીર્થંકરોએ નિશ્ચયના આશ્રયે કર્મનો ક્ષય કર્યો અને કોઈક તીર્થંકરોએ વ્યવહારના આશ્રયે કર્મનો ક્ષય
કર્યો’ –એમ નથી, મોક્ષનો માર્ગ દ્વૈતરૂપ નથી પણ એક જ પ્રકારનો છે. ભગવાન જેવા જ પોતાના આત્માની
ઓળખાણ કરીને અને શુદ્ધોપયોગ પ્રગટ કરીને કર્મનો ક્ષય અને મુક્તિ થાય છે. બધાય જીવોને માટે આ એક જ
ઉપાય કર્મક્ષયનો છે; આ સિવાય બીજો કોઈ માર્ગ તીર્થંકરોએ જાણ્યો નથી, કર્યો નથી, કહ્યો નથી અને છે જ નહિ.
એકાંત અને અનેકાંતનું સ્વરૂપ: નિશ્ચય અને વ્યવહાર બંનેને મુક્તિનો ઉપાય માનવો તે એકાંત છે
વર્તમાન પર્યાયમાં અધૂરાશ અને અશુદ્ધતા હોવા છતાં તે પર્યાય જેટલો આખો આત્મા ન માનતાં,
‘અરિહંત ભગવાન જેવો જ પરિપૂર્ણ હું છું’ એમ અરિહંતદ્વારા પોતાના પરિપૂર્ણ સ્વભાવની પ્રતીતિ કરીને અને
તેમાં જ સ્થિર થઈને–આ એક જ પ્રકારથી–સર્વે તીર્થંકરોએ કર્મનો ક્ષય કર્યો છે. ‘એક જ ઉપાય છે’ એમાં જ
અનેકાંત આવી જાય છે. સ્વાશ્રય તે જ ઉપાય છે ને પરાશ્રય તે ઉપાય નથી–એવો અનેકાંત છે; નિશ્ચય તે જ
ઉપાય છે ને વ્યવહાર તે ઉપાય નથી–એવો અનેકાંત છે; શુદ્ધ ઉપયોગ તે જ ઉપાય છે ને શુભ–અશુભ ઉપયોગ તે
ઉપાય નથી–એવો અનેકાંત છે. પરંતુ ‘નિશ્ચય તે મુક્તિનો ઉપાય છે ને વ્યવહાર પણ મુક્તિનો ઉપાય છે,
સ્વાશ્રય પણ ઉપાય છે ને પરાશ્રય પણ ઉપાય છે, શુદ્ધ ઉપયોગ ઉપાય છે ને અશુદ્ધોપયોગ પણ ઉપાય છે’ –
આમ માનવું તે એકાંત છે–મિથ્યાત્વ છે. એક પ્રકાર છે, ને બીજો કોઈ પ્રકાર નથી એ જ અનેકાંત સ્વરૂપ છે.
મોક્ષનો એક જ વિધિ છે, બીજો વિધિ નથી, આત્માની શ્રદ્ધાજ્ઞાન–સ્થિરતાથી જ ધર્મ થાય, બીજી રીતે ન
થાય, નિશ્ચયરત્નત્રયથી ધર્મ થાય, વ્યવહાર રત્નત્રયથી ધર્મ ન થાય–આનું જ નામ અનેકાંત છે.
નિશ્ચયરત્નત્રયથી ધર્મ થાય ને વ્યવહાર રત્નત્રયથી પણ ધર્મ ન થાય એવી માન્યતામાં નિશ્ચય–વ્યવહારની
એકત્વબુદ્ધિ છે તે એકાંત છે. આત્મસ્વભાવથી ધર્મ થાય ને રાગથી પણ ધર્મ થાય એવી માન્યતામાં આત્મા અને
રાગની એકત્વબુદ્ધિ છે, તે એકાંત છે. નિમિત્તોના આશ્રયે ધર્મ થાય એમ માને તેને સ્વ–પરમાં એકત્વબુદ્ધિરૂપ
એકાંતવાદ છે. પોતાના સ્વભાવમાં પુણ્ય–પાપની નાસ્તિ છે. જો પુણ્ય–પાપક્રિયાની પોતાના સ્વરૂપમાં નાસ્તિ ન
માને તો મિથ્યાત્વ છે. જે પુણ્ય–પાપથી આત્માને લાભ માને તેણે વિકારને અને આત્માને એક માન્યા છે. તેને
અરિહંત જેવા પોતાના આત્માની શ્રદ્ધા નથી, તે અરિહંતોના માર્ગે ચાલનારો નથી.
પહેલાં કે પછી ક્યારેય શુભરાગથી ધર્મ થતો નથી
ભલે, સમ્યગ્દર્શન થયા પહેલાંં સાચા દેવ ગુરુ–શાસ્ત્ર તરફનો શુભરાગ હોય છે પણ તેનાથી સમ્યગ્દર્શન
થતું નથી, જ્યારે દેવ–ગુરુ–શાસ્ત્રનું અને રાગનું અવલંબન છોડીને પોતાના ચૈતન્ય સ્વભાવનું અવલંબન
(શ્રદ્ધા, જ્ઞાન) કરે ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન થયા પછી પૂર્ણ વીતરાગચારિત્ર થયા પહેલાંં જે
શુભરાગ હોય છે તે પણ ચારિત્ર–ધર્મનું કારણ નથી. સ્વભાવ આશ્રિત શુદ્ધ ઉપયોગ તે જ ચારિત્રધર્મ છે. આ જ
એક પ્રકારે અનંત તીર્થંકર ભગવંતોએ કર્મોનો ક્ષય કર્યો છે. સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન ને સ્થિરતા એ એક જ પ્રકાર
મોક્ષમાર્ગનો છે. એ પ્રકારથી તીર્થંકરોએ સર્વ કર્મનો ક્ષય કરીને શુદ્ધ આત્મસ્વરૂપ પોતે અનુભવ્યું છે. એવા
તીર્થંકરો સર્વજ્ઞ અને વીતરાગ હોવાથી પરમઆપ્ત છે, જગતના જીવોને આત્મહિતના ઉપદેષ્ટા છે. તીર્થંકરોન
ઉપદેશ પરમવિશ્વાસ યોગ્ય છે. તીર્થંકરોએ શું ઉપદેશ કર્યો?
તીર્થંકરોએ ઉપદેશેલો ત્રણકાળના સર્વ મુમુક્ષુઓને એક જ ઉપાય
ભગવાનના શ્રીમુખે એમ નીકળ્‌યું છે કે, અમે જે ઉપદેશ કરીએ છીએ તે જ પ્રમાણે આ કાળના કે ભવિષ્ય
કાળના મુમુક્ષુ જીવોને મોક્ષનો ઉપાય છે. ભવિષ્યમાં પંચમકાળ કઠણ આવશે માટે તે કાળનો ઉપાય જુદો–એમ
ભગવાને કહ્યું નથી. ભગવાનનો ઉપદેશ ભવિષ્યકાળના જીવોને માટે પણ એક જ પ્રકારનો છે. ધર્મનો બીજો
રસ્તો છે જ નહિ. આત્માની શ્રદ્ધા–જ્ઞાન–રમણતા તે એક જ ત્રણકાળ ત્રણલોકના મુમુક્ષુજીવોને માટે મોક્ષનો
ઉપાય છે.
ત્રણે કાળના અરિહંતોનો ઉપદેશ એક જ પ્રકારનો છે કે સ્વાશ્રયે ધર્મ છે. ભૂતકાળે ભગવાન મોક્ષ પામ્યા
તેઓ આ જ વિધિથી પામ્યા છે અને અરિહંતદશામાં તેઓએ તે કાળે પ્રત્યક્ષ સાંભળનારાં જીવોને એ જ માર્ગ
ઉપદેશ્યો છે તેમ જ ભવિષ્યકાળના મુમુક્ષુઓને માટે પણ તે એક ઉપાય જ સ્થાપ્યો છે.

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૯૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૭૪ :
દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ ફરતાં કાંઈ ધર્મનું સ્વરૂપ ફરી જતું નથી. આત્માનો સ્વભાવ સદાય એકરૂપ છે ને તે
સ્વભાવના આશ્રયે જ સદાય મોક્ષમાર્ગ છે, તેથી મોક્ષનો માર્ગ સદાય એક જ પ્રકારનો છે. જેમ સુખડી મોટા
રાજાને ઘેર કરે કે રંકને ઘેર કરે, પણ ઘી–ગોળ અને લોટ એ ત્રણ વસ્તુની જ થાય છે, પણ ઘીને બદલે પાણી વગેરે
નાંખતા નથી. આજે, ભૂતકાળે કે ભવિષ્યમાં સુખડી કરવાનો એક જ ઉપાય છે. તેમ અનંતકાળ પહેલાંં, અત્યારે કે
અનંતકાળ પછી બધાય મુમુક્ષુ જીવોને મોક્ષનો ઉપાય એક જ પ્રકારનો છે. પોતાના શુદ્ધ આત્મસ્વભાવની
ઓળખાણ અને તેના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતા સિવાય બીજો કોઈ ઉપાય નથી.
અરિહંતભગવાનો પોતે તે ઉપાયથી ધર્મ પામ્યા અને બીજા મુમુક્ષુઓને તે જ ઉપાયનો ઉપદેશ કરીને સિદ્ધ થયા.
શુદ્ધઉપયોગ એ જ અરિહંતોનો માર્ગ છે
પોતે ભગવાન થવા માટે ભગવાન જેવા પોતાના આત્માની ઓળખાણ કરવી જોઈએ. પુણ્ય પાપરહિત
જ્ઞાનાનંદસ્વરૂપની શ્રદ્ધા–જ્ઞાન અને તેમાં સ્થિરતારૂપ જે શુદ્ધોપયોગ તે જ એક માત્ર ઉપાય મોક્ષ માટે ભગવાને
કહ્યો છે. આનાથી વિરુદ્ધ બીજો કોઈ ઉપાય જેઓ કહેતા હોય તેઓ અરિહંતના માર્ગે ચાલનારા નથી. સર્વજ્ઞદેવે
પોતે જોયેલા, કરેલા અને ઉપદેશેલા વસ્તુસ્વરૂપના નિયમને જાણ્યા વગર સમ્યગ્દર્શન થાય નહિ ને મોહ ટળે
નહિ. વિકાર તે આત્માનો સ્વભાવ નથી એમ ભગવાને જાણ્યું છે અને વિકાર ટાળીને શુદ્ધ સંપૂર્ણ જ્ઞાનદશા પ્રગટ
કરી છે. જગતના જીવોને એવા શુદ્ધસ્વરૂપનો ઉપદેશ કર્યો છે. એ રીતે શ્રી જિનેન્દ્રભગવાન ‘
मग्ग देसियाणं
માર્ગના દેખાડનારા છે. ભગવાને જેવો મોક્ષમાર્ગ હતો તેવો દેખાડયો છે, કાંઈ નવો માર્ગ કર્યો નથી.
જે અમારો માર્ગ તે જ તમારો માર્ગ
શ્રીઆચાર્યપ્રભુ કહે છે કે હે ભાઈ! ભગવાનની વાણી પરમવિશ્વાસયોગ્ય છે. ભગવાન કહે છે કે,
સ્વભાવના આશ્રયે મોહ–રાગ–દ્વેષનો ક્ષય કરવો તે જ મોક્ષમાર્ગ છે, કોઈ રાગ મોક્ષમાર્ગમાં સહાયકારી નથી.
પંચમકાળમાં મોળા હીન પુરુષાર્થી જીવો પાકશે તેમને માટે પણ આ જ એક ધર્મનો માર્ગ છે, બીજો માર્ગ નથી.
અમારી જેમ બીજા મુમુક્ષુઓને પણ ભવિષ્યકાળે આ જ માર્ગ છે. અમારામાં ને તમારામાં ખરેખર ફેર નથી,
અમે પણ આત્મા, ને તમે પણ આત્મા છો, અમારું સ્વરૂપ પુણ્ય–પાપ રહિત છે ને તમારું સ્વરૂપ પણ પુણ્ય–પાપ
રહિત છે. તમારા પર્યાયમાં પુણ્ય–પાપ થાય છે, પણ અમે કહીએ છીએ કે તે વિકાર તમારું સ્વરૂપ નથી. માટે
વિકાર રહિત તમારું પૂર્ણ સ્વરૂપ સમજીને તેનો આશ્રય કરો–એ જ મોક્ષનો પંથ છે. જેમ બધાય સિદ્ધોનું સ્વરૂપ
એક જ પ્રકારનું છે તેમ બધા મુમુક્ષુઓને સિદ્ધ થવા માટેનો ઉપાય એક જ પ્રકારનો છે.
સ્વાશ્રયભાવ તે જ મોક્ષમાર્ગ છે
સ્વાશ્રય એટલે પોતાના શુદ્ધ આત્માનો આશ્રય, સ્વભાવમાં એકતા. સ્વાશ્રય તે સમ્યગ્દર્શન છે, સ્વાશ્રય
તે જ સમ્યગ્જ્ઞાન છે ને સ્વાશ્રય તે જ સમ્યક્ચારિત્ર છે. એ રીતે સ્વાશ્રય તે જ મોક્ષમાર્ગ છે. પરાશ્રયભાવ થાય
તે મોક્ષમાર્ગ નથી. વ્યવહાર રત્નત્રયના શુભ પરિણામ પણ પરના આશ્રયે થાય છે, તે મોક્ષમાર્ગ નથી. આવા જ
ઉપાયથી ભગવાન અરિહંત થયા અને પોતે આવા જ પ્રકારનો ઉપદેશ આપ્યો. શ્રીકુંદકુંદભગવાન પોતે સ્વાશ્રિત
મોક્ષમાર્ગ અનુભવીને તે મોક્ષમાર્ગનું વર્ણન કરતાં કહે છે કે જે ઉપાય મેં બતાવ્યો તે જ ઉપાય સર્વે તીર્થંકરોએ
કર્યો હતો અને ઉપદેશમાં પણ તે જ કહ્યું હતું. વર્તમાન પોતે સ્વભાવ–આશ્રિત નિર્ણય કર્યો તેમાં ત્રણેકાળનો
નિર્ણય આવી જાય છે.
ભગવાન શું કરીને મોક્ષ પામ્યા?
પૂર્ણ શુદ્ધ ઉપયોગ પ્રગટ થતાં પહેલાંં વ્યવહાર રત્નત્રયરૂપ રાગ આવે ખરો, પણ તેના વડે કર્મનો ક્ષય
થતો નથી. નિશ્ચયસ્વભાવના આશ્રયે જ કર્મનો ક્ષય થઈને કેવળજ્ઞાન થાય છે–એમ પોતે આત્મામાં અનુભવીને
અને તે જ પ્રકારે બધાયને ઉપદેશ કરીને અરિહંતપ્રભુ નિઃશ્રેયસ (મોક્ષ) પામ્યા છે.
તીર્થંકરોએ જગતના જીવોને વારસામાં ‘સ્વાશ્રિત મોક્ષમાર્ગ’ આપ્યો
પ્રભુ મોક્ષ પધારતાં પહેલાંં જગતના મુમુક્ષુ જીવોને મોક્ષનો ઉપાય સોપી ગયા છે. અમે આ ઉપાયથી
મોક્ષ પામીએ છીએ ને જગતના મુમુક્ષુઓ પણ આ જ ઉપાયથી મોક્ષ પામશે. જેમ અંતિમ સમયે બાપ પોતાના
પુત્રને મૂડી સોંપી દે છે અને ભલામણો કરે છે, તેમ અહીં પરમ ધર્મપિતા સર્વજ્ઞ પ્રભુ પરમ વીતરાગ આપ્ત

PDF/HTML Page 12 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૯૫ :
પુરુષ મુક્તિ પામતાં પહેલાંં (સિદ્ધ થતાં પહેલાંં) તીર્થંકરપદે દિવ્ય ઉપદેશ દ્વારા જગતના ભવ્ય જીવોને મોક્ષનો
ઉપાય દર્શાવે છે–તેમના સ્વભાવની મૂડી સોંપે છે. હે જીવો! તમારો આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છે, તેને ઓળખીને
તેનું શરણ લો. સ્વભાવનું શરણ તે મુક્તિનું કારણ છે, બહારનો આશ્રય તે બંધનું કારણ છે. ધર્મપિતા તીર્થંકરો
આવો સ્વાશ્રિત મોક્ષનો પંથ બતાવીને સિદ્ધ થયા; અહો! તેમને નમસ્કાર હો.
સાધક આત્માના પરમપિતા શ્રીતીર્થંકરદેવ છે. તેઓ ભલામણ કરે છે કે અહો જીવો! આત્માને ઓળખો,
આત્માને ઓળખો. આત્માના સ્વાધીન સત્ પદાર્થ છે, તે પરના આશ્રય વગરનો પોતાથી પરિપૂર્ણ છે.
ભગવાનને સ્વાશ્રયભાવની પૂર્ણતા થતાં કેવળજ્ઞાન થાય છે. સમોસરણ રચાય છે. દિવ્યવાણી “
વીતરાગભાવે છૂટે છે ને બાર સભાના જીવો તે ઉપદેશ સાંભળે છે. ભગવાનની વાણીમાં એમ ઉપદેશ છે કે
આત્માને ઓળખો રે ઓળખો, સર્વ પ્રકારે આત્મસ્વભાવનો જ આશ્રય કરો, તે જ મુક્તિનો રસ્તો છે. પહેલાંં
ભગવાને પોતે આવા ઉપાયથી પૂર્ણદશા પ્રગટ કરી અને પછી ભવ્યોને એમ જ ઉપદેશીને પ્રભુશ્રી પરમકલ્યાણ
સ્વરૂપ મુક્તિને પ્રાપ્ત થયા. માટે મુક્તિનો આ જ માર્ગ છે, અન્ય કોઈ માર્ગ નથી. અનંત તીર્થંકરોએ દુદુંભીના
નાદ વચ્ચે દિવ્યધ્વનિથી આ એક જ માર્ગ જગતના જીવોને દર્શાવ્યો છે; અહીં આચાર્યદેવ પોતે વર્તમાનમાં
અનંત તીર્થંકરોના ઉપદેશની જાહેરાત કરે છે. જેમ મોટો ભાઈ નાનાભાઈને કહે કે ‘આપણા બાપા તો આ
પ્રમાણે કહી ગયા છે. ’ તેમ આચાર્યભગવાન જગતના જીવોને કહે છે કે પરમ પિતા અરિહંત ભગવંતો આ
પ્રમાણે મુક્તિનો માર્ગ કહી ગયા છે.
સ્વાશ્રયને કબૂલનાર જીવ કેવો હોય?
જેણે અરિહંત જેવા પોતાના આત્માને કબૂલ્યો અને સ્વાશ્રયભાવનો સ્વીકાર કર્યો તે જીવે ખરેખર
રાગાદિનો આશ્રય છોડીને જ્ઞાનસ્વરૂપી આત્માનો જ આશ્રય લીધો છે. જેણે જ્ઞાનસ્વસ્વરૂપી આત્માનો આશ્રય
લીધો તે જીવને મોહનો ક્ષય થઈને મુક્તિ થયા વગર રહે જ નહિ. તેને કર્મની કે કાળની શંકા ન પડે. જેને
સ્વભાવનો આશ્રય કર્યો નથી તે જીવને જ પરાશ્રયે એવી શંકા પડે છે કે– ‘હજી મારી મુક્તિનો કાળ પાક્યો નહિ
હોય તો? મારા કર્મ નિકાચિત હશે તો? હજી અનંત ભવ બાકી હશે તો?’ પણ જેણે પોતાના જ્ઞાનસ્વભાવનો
આશ્રય કર્યો છે–શ્રદ્ધા–જ્ઞાન કર્યાં છે તે જીવ કાળ કે કર્મનો આશ્રય કરતો જ નથી, સ્વભાવના આશ્રયે તેને
મુક્તિનો કાળ પાકી જ ગયો છે, ને કર્મની સ્થિતિ પણ પાકી ગઈ છે.
જિનશાસનમાં સ્વાશ્રયના પુરુષાર્થનો આદેશ છે, પરાશ્રયનો આદેશ નથી.
‘જે જીવની ભવસ્થિતિ પાકી ગઈ હોય તેને માટે આ સ્વાશ્રયનો ઉપદેશ છે’ –એમ આચાર્યદેવ નથી
કહેતા. કાળનો આશ્રય નથી બતાવતા, પણ આત્માનો આશ્રય બતાવે છે. પુરુષાર્થવડે જે આત્માનો આશ્રય કરે
તેની ભવસ્થિતિ પાકી જ ગઈ છે. જો તું સ્વાશ્રયનો પુરુષાર્થ કર તો તારી મુક્તિ છે ને જો તું સ્વાશ્રયનો પુરુષાર્થ
ન કર તો તારી મુક્તિ નથી. જેણે કાળની કે કર્મની ઓથ લીધી તેણે પરનો આશ્રય લીધો છે, પરના આશ્રયે
ભગવાને મુક્તિ કહી નથી.
પ્રશ્ન:– જેને અર્ધપુદ્ગલપરાવર્તન સંસાર બાકી હોય તેને સમ્યગ્દર્શન થાય–એમ શાસ્ત્રોમાં આવે છે ને?
ઉત્તર:– ત્યાં પણ કાંઈ પરાશ્રય બતાવ્યો નથી પણ સ્વભાવનો આશ્રય જ બતાવ્યો છે. સમ્યગ્દર્શનનો
મહિમા બતાવ્યો છે કે જે જીવ સ્વભાવનો આશ્રય કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરે તે જીવને અર્ધપુદ્ગલપરાવર્તન કરતાં
વધારે સંસાર તો ન જ હોય. સ્વભાવનો આશ્રય કરે તેને સંસારની લાંબી સ્થિતિ હોય જ નહિ. સ્વાશ્રયથી જ
નિર્વાણ છે એમ ભગવાને કહ્યું છે. સ્વાશ્રિત મોક્ષમાર્ગમાં કોઈ બીજા પદાર્થો આડખીલ કરે તેમ નથી.
જિનેન્દ્રદેવોએ આત્મસ્વભાવ તરફના પુરુષાર્થથી મુક્તિ પ્રાપ્ત કરી છે અને દિવ્યધ્વનિમાં જગતના જીવોને
પુરુષાર્થનો જ ઉપદેશ કર્યો છે. હે જગતના જીવો;! સંસાર સમુદ્રથી પાર થવા માટે સાચો પુરુષાર્થ કરો, પુરુષાર્થ
કરો. જે જીવ શ્રી જિનેશ્વરદેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેનો તો કાળલબ્ધિ અને
ભવિતવ્ય પણ થઈ જ ચૂક્યાં તથા કર્મનો ઉપશમાદિ પણ થયો છે. માટે જે પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને
તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કાળલબ્ધિ અને
ભવિતવ્ય પણ નથી તથા કર્મનો ઉપશમાદિ પણ નથી. માટે જે પુરુષાર્થ કરતો નથી તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી.

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૯૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૭૪ :
જિનેશ્વરદેવોએ સ્વાશ્રયનો પુરુષાર્થ કર્યો અને તેઓ સ્વાશ્રયનો જ પુરુષાર્થ ઉપદેશે છે. શ્રીજિનેન્દ્રદેવનો
સ્વાશ્રિત પુરુષાર્થ કરવાનો ઉપદેશ સાંભળીને જે જીવ તેમ કરે છે તે જીવ અવશ્ય મોક્ષ પામે છે. જેને પોતાના
સ્વભાવની પૂર્ણતાનો સંતોષ નથી–વિશ્વાસ નથી તે જ પરનો આશ્રય કરે છે, તે જીવ કદી બંધનથી છૂટતો નથી.
ભગવાને તો આત્માનો પૂર્ણ સ્વભાવ બતાવીને તેના જ આશ્રયનો પુરુષાર્થ કરવાનું કહ્યું છે, તેમ ન માને અને
વિરુદ્ધ માને તો મુક્તિ ક્યાંથી થાય?
સર્વજ્ઞનું અનુકરણ કરીને તેમના જેવો પુરુષાર્થ કર.
શરીરાદિ સારાં રહે કે નરસાં રહે, –તેનો આશ્રય છોડ, દેવ–ગુરુ–શાસ્ત્રનો આશ્રય છોડ, રાગનો આશ્રય
છોડ અને ક્ષણિક પર્યાયનો આશ્રય છોડ, આખા સ્વભાવને ઓળખીને તેનો આશ્રય કર. તારા આત્મામાં
વિકારની એકતા ન કરતાં જેવો સ્વભાવ છે તેવો સરખો રહે તો તારી મુક્તિ થાય. તારા આત્માને સર્વજ્ઞ જેવો
સમજીને તું સર્વજ્ઞની ઓથ લઈને પુરુષાર્થ કર, સર્વજ્ઞનું અનુકરણ કરીને સર્વજ્ઞ પુરુષાર્થ કર. સર્વજ્ઞદેવે સ્વાશ્રય
કર્યો તેમ તું તારા આત્માનો આશ્રય કર. અજ્ઞાની જીવોની ઓથ લઈને પરાશ્રય ન કર. દીવાળીયો માણસ
દીવાળીયાની ઓથ લઈને કહે કે અમુક માણસે તો છ આની તરીકે દેવું ચૂકવ્યું અને હું તો આઠ આના તરીકે
ચૂકવું છું. પણ શાહૂકાર તેમ ન કરે, તે તો પૂરેપૂરું જ ચૂકવે. તેમ ભગવાનના ભક્ત સાધક સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા
તો ભગવાન જેવો પોતાને માનીને પૂર્ણ સ્વાશ્રયનો પુરુષાર્થ કરે છે. અજ્ઞાની જીવો પરાશ્રયને જ શોધે છે. ધર્મી
જીવ કાળ કે ધર્મની ઓથ લઈને પુરુષાર્થમાં છાંદા પાડતા નથી. પરાશ્રયની સ્વીકારતા નથી, પણ પોતાના પૂરા
સ્વભાવની ઓથ લઈને પૂર્ણતાનો જ પુરુષાર્થ ઉપાડે છે. પુરુષાર્થ હીન જીવો પરાશ્રયમાં અટકે છે, તે તેના ઘરે
રહ્યા, હું તો મારા સ્વભાવનો આશ્રય કરીને પૂર્ણ પુરુષાર્થ વડે મુક્તિ પામવાનો છું. મુક્તિનો અન્ય કોઈ માર્ગ
નથી, –એમ આચાર્ય ભગવાનનો આ ગાથામાં પોકાર છે.
ધર્મી જીવ શું કરે છે?
વર્તમાનમાં જ પરિપૂર્ણ ભગવાન જેવો પોતાનો આત્મા છે, તેનો જ આશ્રય ધર્મી જીવ કરે છે. જે
સ્વભાવનો આશ્રય કરે તે વિકારને પોતાનું સ્વરૂપ માને નહિ. જે વિકારને પોતાનું સ્વરૂપ માને તે જીવ કદી
વિકારનો આશ્રય છોડીને સ્વભાવનો આશ્રય કરે નહિ. ને તેને સ્વાશ્રયનો પુરુષાર્થ પ્રગટે નહિ. પૂર્વનો વિકાર
વર્તમાનમાં નડે અથવા તો પૂર્વના સારા સંસ્કાર હોય તો અત્યારે ધર્મ થાય–એમ ધર્માત્મા જીવ પૂર્વપર્યાયનો
આશ્રય કરતા નથી, પણ પોતાનો સ્વભાવ અત્યારે જ પરિપૂર્ણ છે એને સ્વીકારીને, તેનો જ આશ્રય કરીને
દર્શન–જ્ઞાન–ચારિત્રની પૂર્ણતાને પામે છે. આ જ મોક્ષનો ઉપાય છે. પંચમકાળ છે તેને લીધે અત્યારે પૂર્ણ પુરુષાર્થ
થતો નથી’ –એમ નથી, પણ જીવ પોતે સ્વાશ્રયમાં સંપૂર્ણ પણે ટકી શકતો નથી તે પોતાના જ પર્યાયને કારણે
પુરુષાર્થ નબળો છે. સ્વાશ્રયની પૂર્ણતા નથી કરતો માટે મોક્ષ થતો નથી.
સ્વાશ્રય સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ કોઈ કાળે નથી
ભાવિ મુમુક્ષુઓને પણ તીર્થંકરોએ એ જ પ્રકારના સ્વાશ્રિત મોક્ષમાર્ગનો ઉપદેશ કર્યો છે. અને ભવિષ્યમાં
થનારા તીર્થંકરો પણ એ જ પ્રકારનો ઉપદેશ કરશે. ભવિષ્યમાં જેઓ તીર્થંકરો થશે તેઓ પણ પ્રથમ તો મુમુક્ષુ
થઈને ભગવાનનો ઉપદેશ સાંભળીને જ થશે, માટે તેમનો સમાવેશ પણ બધા મુમુક્ષુઓમાં થઈ જાય છે.
પંચમકાળે કે અનંતકાળે, સર્વે જીવોને પોતાના આત્મસ્વભાવના આશ્રય સિવાય બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી.
અન્ય સંપ્રદાયોમાં તો કદી મોક્ષમાર્ગ હોતો જ નથી, સત્ય જૈન સંપ્રદાયમાં પણ કોઈ પણ જીવને નિમિત્તના
આશ્રયથી, રાગના આશ્રયથી વ્યવહારના આશ્રયથી કે કોઈ સંયોગના આશ્રયથી, મોક્ષમાર્ગ નથી. શુદ્ધ
વસ્તુસ્વભાવના આશ્રયથી જ જૈનમતમાં જ મોક્ષમાર્ગ છે. બધાય તીર્થંકરોએ આમ જ કર્યું છે અને આમ જ કહ્યું
છે તેથી નિર્વાણનો આ જ માર્ગ છે, બીજો માર્ગ નથી એમ બરાબર નક્કી થાય છે.
આચાર્યદેવ પોતાને પ્રગટેલા સ્વાશ્રયની નિ:શંક જાહેરાત કરે છે
‘અથવા, પ્રલાપથી બસ થાઓ; મારી મતિ વ્યવસ્થિત થઈ છે. ’ તીર્થંકરોએ જે ઉપદેશ કર્યો તે કર્યો, મેં
મારા આત્મામાં સ્વાશ્રયે જ મુક્તિ થાય એમ નક્કી કરીને, સ્વાશ્રયભાવને અંગીકાર કર્યો છે. માટે હવે વિશેષ
વિકલ્પોથી બસ થાવ, બસ થાવ. મારી મતિ

PDF/HTML Page 14 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૯૭ :
સ્વાશ્રયમાં સ્થિર થઈ છે. ‘ભગવાન અરિહંતોએ આમ કર્યું અને આમ ઉપદેશ્યું’ –એવા પર તરફના વિકલ્પોથી
अलम् अलम्–બસ થાઓ, બસ થાઓ. સ્વભાવની પ્રતીતિ અને આશ્રયવડે વિકલ્પ તોડીને જ્ઞાન પોતાના
સ્વરૂપમાં સ્થિર થયું છે. હવે મારી મતિમાં સ્વાશ્રય સિવાય બીજાનો અવકાશ નથી. સ્વાશ્રય સિવાય બીજું
માનવાનો અવકાશ નથી. અને વિકલ્પો ઊઠે તો સ્વાશ્રય સિવાય બીજું કાંઈ પ્રરૂપવાનો અવકાશ નથી. અહો,
મારા આત્માએ અંતરથી સ્વાશ્રય કબૂલીને તે ભાવ પ્રગટ કર્યો છે. સ્વભાવનો આશ્રય કર્યો તે કદી પણ ફરવાનો
નથી અને પરાશ્રયની શ્રદ્ધા કદી પણ થવાની નથી. જે સ્વભાવના આશ્રયનો નિશ્ચય કર્યો તે જ નિશ્ચયના
ઘોલનથી સ્વરૂપસ્થિરતાની પૂર્ણતા પ્રગટ કરીને, મોહનો સર્વથા ક્ષય કરીને અમે કેવળજ્ઞાન લેવાના છીએ.’ –
આમ આચાર્યદેવ પોતાની નિઃશંકતાની જાહેરાત કરે છે. પોતાને સ્વભાવનો બરાબર નિશ્ચય થયો છે અને
પોતાની મતિ વ્યવસ્થિત થઈ છે–એમ છદ્મસ્થ જીવને નિઃશંક ખબર પડે છે. જે ક્ષણે પરાશ્રય છોડીને સ્વાશ્રય
કર્યો તે જ ક્ષણે સ્વાશ્રયની શાંતિનું પોતાને વેદન થાય છે. આચાર્યદેવ કહે છે કે અરિહંત ભગવાન જેવા અમારા
ચૈતન્યમૂર્તિ સ્વભાવની શ્રદ્ધાજ્ઞાન કરીને અમે અમારા જ્ઞાનને સ્થિર કર્યું છે, અને તે અમે અમારા અનુભવથી
જાણ્યું છે. હવે અમારી મતિને ફેરવવા કોઈ સમર્થ નથી. જેણે સ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાનને સ્વભાવમાં સ્થિર
કર્યું છે તેણે સ્વાશ્રિત મોક્ષમાર્ગને અંગીકાર કર્યો છે; સ્વભાવના આશ્રયે પ્રગટેલો ભાવ સદાય સ્વભાવ સાથે
અભેદપણે ટકી રહે છે. તેથી આચાર્યદેવ કહે છે કે અમે અમારા સ્વભાવનો આશ્રય કર્યો છે તેથી મોહનો ક્ષય
કરીને, અપ્રતિહતભાવે કેવળજ્ઞાન પ્રગટ કરવાના છીએ. જેમ અરિહંતો મોક્ષ પામ્યા તેમ અમે પણ એ જ
પ્રકારનો પુરુષાર્થ કરીને મોક્ષ પામવાના છીએ. ભગવંતોને નમસ્કાર હો!
આચાર્યદેવ નમસ્કાર કરતાં કહે છે કે હે ભગવાન! તમારા પંથે ચાલ્યો આવું છું.
પોતે સ્વાશ્રયમાં મતિને સ્થાપી છે, પણ હજી છઠ્ઠા ગુણસ્થાને રાગની વૃત્તિ ઊઠે છે. તેથી આચાર્યદેવ
ભગવાન તરફના ઉલ્લાસને જાહેર કરતાં કહે છે કે અરિહંત ભગવંતોને નમસ્કાર હો. અહો, નાથ! તમે
સ્વભાવના આશ્રયે મોહનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા, તેમ હું પણ તમારો જ વારસો લેવા માટે સ્વાશ્રયથી
તમારી પાછળ ચાલ્યો આવું છું. અહો જેણે આવો પૂર્ણ સ્વતંત્ર સ્વાશ્રિત માર્ગ બતાવીને અનંત ઉપકાર કર્યો તે
ભગવંતોને હું નમસ્કાર કરું છું–એટલે કે હું પણ એ સ્વાશ્રયને જ અંગીકાર કરું છું. ભગવાનના ચરણકમળમાં
અમારા નમસ્કાર હો, ભગવાને બતાવેલા સ્વાશ્રય માર્ગને અમારા નમસ્કાર હો. આચાર્યદેવ પોતે પોતાના મોક્ષ
માટેનો ઉત્સાહ અને ખુશાલી જાહેર કરે છે કે હે પ્રભો! જે રીતે આપે મુક્તિ કરી તે જ રીતે અમે પણ મોક્ષના જ
રસ્તે છીએ, અમે પણ કેવળજ્ઞાન પ્રગટ કરશું અને અમે પણ તે જ ઉપદેશ કરીને નિર્વાણ પામશું. બીજું તો શું
કહીએ, ભગવંતોને નમસ્કાર હો. જે જીવોને સ્વાશ્રયની રુચિ હોય અને પરાશ્રયની રુચિ ટળી ગઈ હોય તે જ
જીવ ભગવંતોને નમસ્કાર કરે છે. ખરેખર ભગવાને જેવો સ્વાશ્રય માર્ગ ઉપદેશ્યો તેવો સમજીને તેવો સ્વાશ્રય
પોતામાં પ્રગટ કરવો તે જ ભગવાનને નમસ્કાર છે.
૮૨ મી ગાથાનો ભાવાર્થ: પોષ વદ પાંચમ
પહેલો ધર્મ – સમ્યગ્દર્શન અને તે પ્રગટ કરવાનો ઉપાય
‘જેવા અરિહંત ભગવાનને શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ અને શુદ્ધ પર્યાય છે તેવો જ આ આત્મા પણ દ્રવ્યથી–
ગુણથી અને પર્યાયથી શુદ્ધ સ્વરૂપી છે. દ્રવ્ય–ગુણ–પર્યાયથી અભેદ શુદ્ધ ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરવી તે
સમ્યગ્દર્શન છે. જે રાગ–દ્વેષ થાય છે તે દ્રવ્યમાં નથી–ગુણમાં નથી અને પર્યાયનું સ્વરૂપ પણ તે નથી. જો
પર્યાયને શુદ્ધસ્વભાવમાં અભેદ કરે તો પર્યાયમાં વિકાર થતો નથી. જેમ અરિહંતના સ્વરૂપમાં રાગદ્વેષ નથી તેમ
આ આત્માને પણ સ્વરૂપમાં રાગદ્વેષ નથી. એ રીતે સ્વભાવદ્રષ્ટિ કરીને, વિકાર રહિત દ્રવ્ય–ગુણ–પર્યાયથી અભેદ
શુદ્ધઆત્માને જાણવાથી મોહનો ક્ષય થાય છે ને પવિત્ર સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આજ પહેલો ધર્મ છે.
સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ લક્ષ રહે તે રાગ છે, ધર્મ નથી. પોતાના આત્મામાં દ્રવ્ય–ગુણ–પર્યાયનો
વિચાર તે પણ રાગ છે. એક અભેદ વસ્તુમાં દ્રવ્ય–ગુણ–પર્યાય એવા ત્રણ ભેદ પરમાર્થે નથી. રાગ રહિત અને
ભેદરહિત આત્મસ્વરૂપની પ્રતીતિ તે ધર્મ છે. દ્રવ્ય–ગુણ તો ત્રિકાળ નિર્મળ છે અને પર્યાયમાં વિકાર છે–એમ ભેદ
પાડીને તેના વિકલ્પમાં રોકાય તો સમ્યગ્દર્શન થાય નહિ. પર્યાયમાં દોષ છે તે આત્માનું ખરૂં સ્વરૂપ નથી કેમ કે
અરિહંતોના આત્મામાં તે નથી. માટે તે ક્ષણિક વિકારરહિત

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૯૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૭૪ :
આખો શુદ્ધાત્મા પ્રતીતિમાં લેવો તે ધર્મ છે. જેટલું કેવળીભગવાનના આત્મામાં હોય તેટલું આ આત્માનું સ્વરૂપ
છે, અને જેટલું અરિહંતના આત્મામાં ન હોય તેટલું આ આત્માનું સ્વરૂપ નથી. કેવળીભગવાને દયા–ભક્તિના
ભાવ હોતા નથી તેથી દયા–ભક્તિના ભાવ આત્માનું સ્વરૂપ નથી. દયાદિ રાગ છે અને હિંસાદિ દ્વેષ છે,
ભગવાનને રાગ કે દ્વેષ હોતા નથી, એ તો સમભાવી વીતરાગી જ્ઞાતા છે, એવું જ બધા આત્માનું સ્વરૂપ છે.
અને એવા પોતાના સ્વરૂપની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે.
કોઈ કહે કે જેઓ હમણાં ભગવાન થયા તેઓ, પોતાની પૂર્વે થયેલા અનંતા સિદ્ધ ભગવાનોની ભક્તિ–
વંદના કરે. તો એ વાત ખોટી છે. ભક્તિ તો રાગ છે, બીજાને વંદન કરવાનો ભાવ પણ રાગ છે. જેને રાગ હોય
તે ભગવાન થાય નહિ. રાગ આત્માનું સ્વરૂપ નથી. જે સિદ્ધભગવાન પાસે રહ્યું તે આ આત્માનું સ્વરૂપ છે અને
ભગવાને જે ટાળી દીધું તે કાંઈ આ આત્માનું સ્વરૂપ નથી.
ભગવાન સર્વ પ્રકારે સ્પષ્ટ પૂર્ણ થઈ ગયા છે. તેઓને હવે વિનય, ભક્તિ, દયા વગેરે કોઈ પ્રકારનો રાગ
નથી; માટે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાના અને મોહ ટાળવાના જિજ્ઞાસુએ, રાગરહિત પરિપૂર્ણ પોતાનું સ્વરૂપ
માનીને તેવા સ્વરૂપે પોતાને અનુભવવો. એવો અનુભવ કરવાથી તુરત જ મોહ ક્ષય પામે છે.
જેવું દ્રવ્ય–ગુણ–પર્યાયપણું અરિહંતભગવાનને પ્રગટ્યું છે તેવું જ પોતાનું સ્વરૂપ છે. રાગને પોતાનો માનવો
અથવા તો અરિહંતના અને પોતાના આત્માના સ્વરૂપમાં ફેર માનવો તે મિથ્યાત્વ છે. અરિહંત જેવા જ સ્વરૂપે
પોતાનો આત્મા છે એમ રાગરહિત અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન થતાં જ સાચી શ્રદ્ધાનો વિરોધી
દર્શનમોહરૂપ મિથ્યાત્વભાવ તો નાશ પામી ગયો. હવે, સમ્યગ્દર્શન પછી જે રાગદ્વેષ છે તે પણ મોહની જ સેના છે, તે
રાગદ્વેષ આત્માના પરમ વીતરાગ ચારિત્રના વિરોધી છે, તેથી મોક્ષાર્થી જીવોએ તેનો પણ નાશ જ કરવો યોગ્ય છે.
સમસ્ત અર્હંતોનો માર્ગ
સમ્યગ્દર્શન સહિત મુનિદશામાં વ્યવહાર રત્નત્રયના પાલનનો જે રાગ છે તે આત્માના શુદ્ધોપયોગરૂપ
ચારિત્રને રોકનાર છે, તેથી તે રાગને પણ છોડીને આત્માના નિશ્ચયરત્નત્રયસ્વરૂપ અનુભૂતિમાં લીન થવું તે જ
મોક્ષનો માર્ગ છે. સમસ્ત અર્હંતો તીર્થંકરો, સિદ્ધભગવંતો સર્વજ્ઞો થયા તે બધાય આ નિશ્ચયરત્નત્રયના જ માર્ગે
મોક્ષ પામ્યા છે; કોઈ કાળે બીજો માર્ગ મોક્ષનો નથી. આ પ્રમાણે જાણીને અને આ જ વિધિ કરીને ભગવંતોએ
પોતે સર્વ કર્મોનો ક્ષય કરીને સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરી છે અને સમવસરણમાં અનંત તીર્થંકરોએ દિવ્યધ્વનિમાં આ
જ માર્ગ ઉપદેશ્યો છે. અહો! આવો એક જ પ્રકારનો મોક્ષમાર્ગ દર્શાવનારા ભગવંતોને નમસ્કાર હો.
૮૦ અને ૮૧ મી ગાથામાં કહ્યા પ્રમાણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને વીતરાગ ચારિત્રના વિરોધી રાગ–દ્વેષને
ટાળવા અર્થાત્ નિશ્ચયરત્નત્રયાત્મક શુદ્ધાત્માનુભૂતિમાં લીન થવું તે જ એક મોક્ષમાર્ગ છે; ત્રણે કાળે બીજો કોઈ
મોક્ષનો માર્ગ નથી. સમસ્ત અર્હંત ભગવંતો એ જ માર્ગે મોક્ષ પામ્યા છે અને અન્ય મુમુક્ષુઓને પણ એ જ માર્ગ
ઉપદેશ્યો છે. તે ભગવંતોને નમસ્કાર હો.
ભગવંતોને નમસ્કાર હો!
આચાર્યદેવ કહે છે કે અહો, જેમણે આવો સ્વભાવ મને સમજાવ્યો તે ભગવંતોને નમસ્કાર હો. ભગવંતો
પોતે સ્વાશ્રિત શુદ્ધોપયોગના બળથી મોહનો નાશ કરીને જગતને પણ એવો જ ઉપદેશ આપીને સિદ્ધ થયા;
તેમને વંદન હો. આચાર્યદેવ પોતે છદ્મસ્થ છે તેથી વિકલ્પ છે; ભગવાનને નમસ્કાર કરતાં વિકલ્પનો નિષેધ કરે
છે ને પૂર્ણ શુદ્ધઉપયોગનો આદર કરે છે. જેટલો શુદ્ધોપયોગ પ્રગટ્યો છે તેટલો નિશ્ચય છે, વિકલ્પ વર્તે છે તે
વ્યવહાર છે. તે વ્યવહારનો નિષેધ છે, ને શુદ્ધતાનો આદર છે. –એ રીતે આચાર્યદેવને નિશ્ચય વ્યવહારની સંધિ
છે. વર્તમાન વિકલ્પ છે તેનો આદર નથી પણ સર્વજ્ઞ દેવે જે સ્વભાવ બતાવ્યો તે જ સ્વભાવનો આદર છે.
વિકલ્પને કારણે એમ કહ્યું કે ભગવંતોને નમસ્કાર હો. એટલે ખરેખર તો ભગવાન જે રીતે સ્વાશ્રય કરીને પૂર્ણ
થયા તે જ રીતે હું સ્વાશ્રયને અંગીકાર કરું છું; એ જ તીર્થંકરોનો પંથ છે.
અહીં ગાથા ૮૨ નું વ્યાખ્યાન પૂરું થયું.
[વીર સં. ૨૪૭૨ ના માગસર સુદ ૧૫ ને દિવસે સ્વાધ્યાય પછી પ્રવચનસાર ગા. ૮૦–૮૧–૮૨ ના સારરૂપે પૂ.
સદ્ગુરુદેવશ્રીએ કરેલ વ્યાખ્યાન.]
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવે પ્રવચનસારની આ ત્રણ

PDF/HTML Page 16 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૯૯ :
ગાથાઓમાં બાર અંગનો સાર ટુંકામાં મૂક્યો છે. બધાય તીર્થંકરોએ શું કર્યું અને ઉપદેશમાં શું કહ્યું તે આમાં
બતાવી દીધું છે. ભગવાને કઈ વિધિથી કર્મો ટાળ્‌યા અને કઈ વિધિનો ઉપદેશ કર્યો તે આ ગાથાઓમાં વર્ણવ્યું છે.
જે અરિહંતને જાણે છે તેને ભેદજ્ઞાન થાય છે
જે જીવ અરિહંતના આત્માને દ્રવ્યથી, ગુણથી ને પર્યાયથી જાણે છે તે જીવ પોતાના આત્માને જાણે છે, ને
તેને સમ્યગ્દર્શન થાય છે. ભગવાને આ વિધિથી મિથ્યાત્વનો ક્ષય કર્યો હતો. દ્રવ્ય એટલે ગુણ પર્યાયનો પિંડ.
ગુણ એટલે કાયમી શક્તિ. અને પર્યાય એટલે કાયમી શક્તિનું ક્ષણક્ષણવર્તી પરિણમન. અરિહંતને પહેલાંં અને
પછી રહેનાર એકરૂપ આત્માપણું તે દ્રવ્ય છે, ચૈતન્યપણું તે ગુણ છે અને કેવળજ્ઞાન તે પર્યાય છે. ભગવાનને
જ્ઞાન–સુખ–વીર્ય વગેરેની પૂર્ણતા પ્રગટી ગઈ છે અને રાગ–દ્વેષ–મોહનો સર્વથા નાશ થયો છે. આમ અરિહંતના
દ્રવ્ય–ગુણ–પર્યાયનો જેણે પોતાના જ્ઞાનમાં નિર્ણય કર્યો તેને આત્મસ્વભાવ અને વિકાર વચ્ચે ભેદજ્ઞાન થયું; તે
પોતાના આત્માને વિકાર રહિત પરિપૂર્ણ સ્વરૂપે ઓળખે છે અને તેનું અજ્ઞાન નાશ થાય છે.
પૂર્ણ સ્વભાવનો આશ્રય તે જ પૂર્ણતાનો ઉપાય
અહો, મારો આત્મા અરિહંત જેવડો જ છે–એમ નિર્ણય કરતાં જીવ સ્વાશ્રય કરે છે, સ્વાશ્રયમાં મોહ ટકી
શકતો નથી. હું પરિપૂર્ણ દ્રવ્ય–ગુણ–પર્યાય સ્વરૂપી છું, નિમિત્તથી હું જુદો છું, પુણ્ય પાપથી જુદો છું, અધૂરી
અવસ્થા મારું સ્વરૂપ નથી, અને જે જ્ઞાનમાં મેં અરિહંતનો નિર્ણય કર્યો તે જ્ઞાન જેટલુંય મારું સ્વરૂપ નથી. દ્રવ્ય–
ગુણ–પર્યાયના ભેદરહિત એકરૂપ પરિપૂર્ણ સ્વરૂપ છું; વર્તમાન અધૂરી દશા હોવા છતાં શક્તિરૂપે પૂરી દશા થવા
યોગ્ય છું–આમ નિર્ણય કરતાં કોઈ નિમિત્તમાં, પુણ્ય–પાપમાં કે અધૂરી દશામાં એકત્વબુદ્ધિ રહેતી નથી. પર્યાયનો
આશ્રય છૂટીને દ્રવ્યસ્વભાવનો આશ્રય થાય છે; સ્વભાવના આશ્રયે પર્યાય પરિણમી પરિણમીને પૂર્ણતા થાય છે;
ને મોહ નષ્ટ થાય છે. આ ઉપાય તીર્થંકરોએ કર્યો છે.
સ્વાશ્રયથી કેવળજ્ઞાન તરફ પરિણમન
આમાં શું કરવાનું આવ્યું? પોતાનું સ્વરૂપ દ્રવ્યથી, ગુણથી નેપર્યાયથી પરિપૂર્ણ છે–એની પ્રતીતિ થતાં
કોઈપણ પર સામે જોવાનું ન રહ્યું એટલે કે પરાશ્રય જ ન રહ્યો. પરાશ્રયે થતા જે વિકાર ભાવો તેનું કર્તૃત્વ ન
રહ્યું. પરથી અને વિકારથી રહિત એકલા સ્વભાવ–આશ્રયે પરિણમન રહ્યું. સ્વભાવ આશ્રયે પરિણમન થતાં
અલ્પકાળે મુક્તિ થાય જ. જેણે પોતાના પરિપૂર્ણ જ્ઞાન–આનંદ સ્વરૂપનો નિર્ણય કર્યો છે તેને પોતાના પર્યાયમાં
પણ જ્ઞાન–આનંદનો અંશ પ્રગટ્યો છે એટલે વિકાર અને જ્ઞાનનું ભેદજ્ઞાન થયું છે. તેને હવે પુણ્ય–પાપનો આદર
નથી. સ્વભાવના આશ્રયે જ્ઞાતાપણું, અને દ્રષ્ટાપણું ઊઘડયું એટલે વિકાર તરફનું પરિણમન ટળ્‌યું ને કેવળજ્ઞાન
તરફ વળ્‌યું. જેમ અરિહંતોનું કેવળજ્ઞાન જાણનાર જ છે તેમ હું પણ જાણનાર જ છું–એવા જ્ઞાતાસ્વભાવના
સમ્યક્ નિર્ણયના બળથી જીવ કેવળજ્ઞાન તરફ જ પરિણમે છે, તેનો મોહ લય પામે છે, ક્ષાયક જેવું અપ્રતિહત
સમ્યગ્દર્શન તેને થાય છે. આ જ રીતે ધર્મ થાય છે.
સ્વભાવનો આશ્રય તે જ મોક્ષનો માર્ગ અરિહંતનો નિર્ણય કરનાર કોણ છે? નિર્ણય ક્યાં કરે છે?
કોનાથી કરે છે? આત્મા પોતાના જ્ઞાનની વર્તમાન અવસ્થામાં પરના આલંબનરહિત જ્ઞાનથી જ નિર્ણય કરે છે.
કોઈ શુભરાગમાં કે નિમિત્તમાં નિર્ણય થતો નથી પણ રાગ અને નિમિત્તની અપેક્ષારહિત જ્ઞાનમાં જ નિર્ણય થાય
છે. પોતાના જે પર્યાયમાં નિર્ણય કર્યો તે પર્યાયને સ્વભાવસન્મુખ કરતાં ક્ષાયક જેવું સમ્યક્દર્શન થાય છે. પહેલાંં
અધૂરી દશામાંથી પૂરી દશા પ્રગટ કરવા માટે પરનો આશ્રય માનતો હતો તેથી મોહ ટકતો હતો, પણ હવે
કેવળજ્ઞાનીની ઓળખાણ કરીને સ્વભાવસન્મુખ વળ્‌યો ત્યાં કોઈ પરના આશ્રયની માન્યતા ન રહી, એકલા
પોતાના દ્રવ્યને પરિપૂર્ણપણે પ્રતીતમાં સ્વીકાર્યું, એટલે સમ્યગ્દર્શન થયું ને મોહ ટળ્‌યો. હવે રાગદ્વેષ રહ્યા તેનો
સ્વરૂપમાં સ્વીકાર નથી, તેથી સ્વરૂપની એકાગ્રતાથી શુદ્ધોપયોગ પ્રગટ કરતાં તે રાગ–દ્વેષનો પણ ક્ષય જ થઈ
જશે. આ રીતે સ્વભાવનો આશ્રય તે જ મોક્ષનો માર્ગ છે–આમ અરિહંતોએ દર્શાવ્યું છે.
જ્ઞાતાપણાનો નિર્ણય
કેવળીભગવાન એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે છે, જેણે કેવળીભગવાનના જ્ઞાનનો નિર્ણય કર્યો
તેણે ત્રણકાળ ત્રણલોકના પદાર્થોનો નિર્ણય પણ કરી લીધો. બધાય પદાર્થોમાં જે સમયે ક્રમબદ્ધ જેવી અવસ્થા

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૨૦૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૭૪ :
પ્રગટવાની છે તેવી જ તે સમયે પ્રગટે છે, એ વખતે અનુકૂળ નિમિત્તની હાજરી ભલે હોય, પણ પોતાના સ્વતંત્ર
ઉપાદાનથી જ દરેક વસ્તુ પોતાના પર્યાયરૂપે પરિણમે છે. પહેલાંં–પછી કે આડી અવળી કોઈ અવસ્થા થાય નહિ.
આવો નિર્ણય કરતાં બધાય પદાર્થોનું કર્તાપણું ટળી ગયું. અને પોતાની નિર્મળદશા માટે કોઈ પર સામે કે પુણ્ય–
પાપ સામે જોવાનું રહ્યું નહિ. પર ઉપરની દ્રષ્ટિ અને પર્યાય ઉપરની દ્રષ્ટિ છોડીને, અખંડ એકરૂપ જ્ઞાયક
સ્વભાવની દ્રષ્ટિ કર્યા વગર આવા જ્ઞાતાપણાનો નિર્ણય થઈ શકે નહિ. આવો બધાયના જ્ઞાતાપણાનો નિર્ણય તે
સંપૂર્ણ જ્ઞાન પ્રગટ કરવાનો ઉપાય છે.
સર્વજ્ઞ ભગવાનની દિવ્યવાણી ચૈતન્યને જાગૃત કરીને, સ્વાશ્રયમાં લગાડીને કેવળજ્ઞાન પમાડનારી છે. જે
કેવળજ્ઞાનનો નિર્ણય કરે તેને પોતાના જ્ઞાતાપણાનો નિર્ણય થઈ જાય છે. જેણે જ્ઞાતાપણાનો નિર્ણય કર્યો તે
વિકારનો કર્તા થતો નથી, જ્ઞાતાપણે સ્વાશ્રયમાં ટકીને વિકારનો ક્ષય કરે છે અને પૂર્ણદશાને પામે છે. આ જ
નિર્વાણનો ઉપાય જિનવરોએ કહ્યો છે. વસ્તુમાં જેમ થાય છે–થવાનું છે તેમ કેવળજ્ઞાનમાં જણાય છે અને જેમ
કેવળજ્ઞાનમાં જણાય છે તેમ જ વસ્તુમાં થાય છે. જેમ કેવળજ્ઞાની બધાયના વીતરાગપણે જ્ઞાતા જ છે તેમ મારો
સ્વભાવ પણ જ્ઞાતા જ છે, વિકાર થાય તે મારો સ્વભાવ નથી. આમ નિર્ણય કરતાં પરનું હું કાંઈ કરું એવું મિથ્યા
અભિમાન ટળી ગયું અને વિકાર પોતાનું સ્વરૂપ એ મિથ્યામાન્યતા પણ ટળી ગઈ એટલે પરથી અને વિકારથી
જુદા શુદ્ધ જ્ઞાનસ્વભાવમાં વળ્‌યો. આ જ મિથ્યાત્વને ટાળવાનો ઉપાય છે.
સમ્યગ્દર્શન પછીનો તીર્થંકરોનો પંથ
એ રીતે મિથ્યાત્વમોહને ટાળીને અને સમ્યક્ આત્મસ્વરૂપને પામીને પછી પણ રાગ–દ્વેષને ટાળીને
કેવળજ્ઞાન પ્રગટ કરવા માટે સ્વરૂપની સાવધાની રાખવી જોઈએ. સમ્યગ્દર્શન થતાં રાગદ્વેષ રહિત
શુદ્ધાત્મસ્વરૂપનો નિર્ણય તો થયો છે, પણ જ્યાં સુધી સ્વરૂપની સાવધાની વડે સર્વથા રાગદ્વેષ ન ટાળે ત્યાં સુધી
કેવળજ્ઞાન થતું નથી. સમ્યગ્દર્શનમાં જે શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ તે સ્વરૂપમાં સાવધાનીથી (અર્થાત્
શુદ્ધોપયોગથી) ક્રમે ક્રમે સ્થિરતા કરીને પોતાની ઉગ્ર શક્તિથી કેવળજ્ઞાન પામે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછીની
ક્રિયા કેવી હોય તે જણાવતાં આચાર્યદેવ કહે છે કે સમ્યગ્દર્શનવડે શુદ્ધાત્મસ્વરૂપને પામીને પછી પણ સ્વાશ્રયના
પુરુષાર્થવડે જ્ઞાનની અંતર–સ્થિરતારૂપ ક્રિયાદ્વારા જો જીવ રાગ–દ્વેષનો નાશ કરે છે તો તે જીવ સંપૂર્ણ શુદ્ધદશાને
પામીને મુક્ત થાય છે. જે જીવને રાગ–દ્વેષ રહિત શુદ્ધાત્માની શ્રદ્ધા થઈ નથી તે જીવ તો રાગ–દ્વેષનો નાશ કરી
શકે નહિ. જે જીવને પહેલાંં તો રાગ–દ્વેષ રહિત સમ્યક્ આત્મતત્ત્વની શ્રદ્ધા થઈ છે તે જીવ તે આત્મતત્ત્વના
આશ્રયે જો રાગદ્વેષ પરિહરે છે તો કેવળજ્ઞાન પામે છે. ક્ષાયક–સમ્યગ્દર્શન–પૂર્વકની ક્ષપકશ્રેણીની વાત આચાર્યદેવ
જણાવે છે. સમ્યગ્દર્શન પછી, ‘જો રાગદ્વેષ પરિહરે તો શુદ્ધાત્માને પામે’ એટલે કે ઉપયોગને શુદ્ધાત્મામાં ટકાવે તો
રાગ–દ્વેષનો પરિહાર થઈને કેવળજ્ઞાન પ્રગટે. અને જો સંપૂર્ણ રાગદ્વેષ ન છોડી શકે તો, સમ્યગ્દર્શનને
અચ્છિન્નધારાએ ટકાવી રાખીને એક ભવ સ્વર્ગમાં જઈ પછી મોક્ષ પામે. –આવા ઉગ્ર પુરુષાર્થની વાત છે.
તીર્થંકરોના પંથમાં પુરુષાર્થહીનતાની વાતને અવકાશ નથી. તીર્થંકરોનો પંથ સ્વાધીન પુરુષાર્થનો છે. જે જીવ
સ્વાધીન પુરુષાર્થનો સ્વીકાર કરે છે તે જ જીવ તીર્થંકરોના પંથે છે; જે જીવ સ્વાધીન પુરુષાર્થને સ્વીકારતો નથી
તે જીવ તીર્થંકરોના પંથે નથી.
મોક્ષનો વિધિ શું છે?
પોતાના જ્ઞાનપર્યાયમાં અરિહંતના આત્માનો નિર્ણય કરીને પછી, ‘અરિહંતની જેમ મારા આત્માને કોઈ
પરનું અવલંબન નથી, મારામાં બીજાનું કાંઈ કરવાની તાકાત નથી, હું મારી શક્તિથી પૂરો છું’ આમ નક્કી
કરીને, અરિહંત તરફના વિકલ્પનું પણ આલંબન છોડીને સ્વાશ્રય કરતાં દર્શનમોહ ક્ષય પામે છે, ને પછી એ જ
સ્વભાવમાં વિશેષ એકાગ્રપણે સ્વાશ્રય કરતાં રાગ–દ્વેષનો ક્ષય થઈને વીતરાગતા ને કેવળજ્ઞાન થાય છે.
ત્રણેકાળે આ એક જ પ્રકારનો મોક્ષનો ઉપાય છે. અરિહંત ભગવંતો આવા જ સ્વાશ્રિત જ્ઞાનની વિધિ વડે
મોહનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા; અને પછી દિવ્યધ્વનિમાં જગતના ભવ્ય જીવોને પણ એમ જ ઉપદેશ
આપ્યો કે, હે જગતના ભવ્ય આત્માઓ! જે રીતે અમે કહીએ છીએ તે રીતે તમે આત્માના દ્રવ્યગુણ–પર્યાયનો
તમારા જ્ઞાનમાં નિર્ણય કરો, અને તમારા પર્યાયને પરાશ્રયથી છોડાવીને સ્વાધીન આત્મતત્ત્વમાં વાળો. અમે
પુરુષાર્થવડે

PDF/HTML Page 18 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૦૧ :
સમ્યક્ આત્મસ્વભાવની શ્રદ્ધા અને એકાગ્રતાથી મોહક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા છીએ, તમને પણ તે જ
વિધિવડે, પુરુષાર્થપૂર્વક પોતાના સમ્યક્આત્મતત્ત્વની શ્રદ્ધા અને એકાગ્રતા કરવાથી મોહનો ક્ષય થઈને
સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. માટે પુરુષાર્થવડે સ્વાશ્રય કરો. ‘કર્મ માર્ગ આપે તો ધર્મ થાય,
નિમિત્તના અવલંબને ધર્મ થાય, વ્યવહારના આશ્રયે ધર્મ થાય’ એવા પ્રકારની પરાધીનતાની માન્યતાને છોડો.
કેમ કે પરાશ્રયને મોક્ષમાર્ગ ભગવાને કહ્યો નથી. મોક્ષનો માર્ગ પરાધીન નથી પણ આત્માધીન છે–સ્વાધીન છે.
જેટલા અરિહંતો થાય છે તે બધાય, પહેલાંં તો જ્ઞાન વડે આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયનો નિર્ણય કરે છે
અને શુદ્ધ અભેદ આત્માની પ્રતીતિ કરે છે; પછી તે જ સ્વરૂપમાં સ્થિરતા કરીને મોહનો ક્ષય કરે છે ને કેવળજ્ઞાન
પ્રગટ કરે છે. અને કેવળજ્ઞાન પ્રગટ થયા પછી દિવ્યધ્વનિ વડે જગતના જીવોને એ જ પ્રકારનો ઉપદેશ કરીને
નિર્વૃત થાય છે –સિદ્ધ થાય છે. આ એક જ મોક્ષનો વિધિ છે, બીજો કોઈ વિધિ નથી.
તીર્થંકર – પંથે વિચરશું
આચાર્યપ્રભુ કહે છે કે–સ્વાશ્રયના પુરુષાર્થવડે મોહનો ક્ષય કરીને જેઓ કેવળજ્ઞાન પામ્યા અને જગતને
એ જ સ્વાશ્રયમાર્ગનો ઉપદેશ આપીને જેઓ સિદ્ધ થયા–એવા ભગવંતોને હું નમસ્કાર કરું છું. હે નાથ, હું આપને
નમું છું, જે માર્ગે આપ નિર્વૃત થયા તે જ માર્ગે હું ચાલ્યો આવું છું. હે પૂર્ણ પુરુષાર્થના સ્વામી, ભગવાન!
આપના દિવ્ય ઉપદેશની કોઈ અદ્ભુત બલિહારી છે. આપનો ઉપદેશ જીવોને પરાશ્રયથી છોડાવીને મોક્ષમાર્ગમાં
લગાડનારો છે. આપના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું. કઈ રીતે નમું છું? –આપના ઉપદેશને પામીને, આપે
ઉપદેશેલા સ્વાશ્રિત વિધિને અંગીકાર કરીને હું આપના પંથે ચાલ્યો આવું છું. અહીં એક જ પ્રકારના વિધિવડે
મોક્ષનો ઉપાય બતાવ્યો. બીજા કોઈ વિધિથી મોક્ષનો ઉપાય છે નહિ. મૂઢ અજ્ઞાની લોકો તો આવી માન્યતાને
એકાંતિક માન્યતા માને છે કેમ કે તેમને સ્વાશ્રય માર્ગનું ભાન નથી. જ્ઞાનીઓ તો કહે છે કે આવા
સ્વાશ્રયમાર્ગની યથાર્થ માન્યતા તે ક્ષાયક જેવું અપ્રતિહત સમ્યગ્દર્શન છે. અહો નાથ! જે ઉપાયે આપે દ્રવ્ય–
ગુણ–પર્યાયને ઓળખીને, ક્રમબદ્ધ આત્મ પર્યાયને જાણીને, અભેદ સ્વરૂપની પ્રતીતિ અને સ્થિરતા કરીને,
સમ્યગ્દર્શન–જ્ઞાન ચારિત્રરૂપ નિર્મળ દશા પ્રગટ કરી અને અરિહંત દશા પામ્યા, તથા જગતને તે જ ઉપદેશ કરીને
સિદ્ધદશા પામ્યા, તેમ અમે પણ આપનો સ્વાશ્રયનો ઉપદેશ સાંભળીને, એ જ રીતે સ્વાશ્રય વડે સમ્યક્–શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને મુક્ત થઈશું. એ માટે હે પ્રભો! આપને નમસ્કાર હો.
કયા જીવનું જ્ઞાન અરિહંતને કબૂલે?
જેને વિકારની રુચિ હોય તે જીવ વિકારરહિત એવા અરિહંતનો નિર્ણય યથાર્થ કરી શકે નહિ. અરિહંતો
પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે અને વિકારનો અંશમાત્ર તેમને નથી, આમ જે જ્ઞાન કબૂલે છે તે જ્ઞાન વિકાર તરફથી
પાછું ફરીને વિકાર રહિત સ્વભાવ તરફ નમ્યું છે. અરિહંતોની જેમ મારા આત્મસ્વભાવમાં ભવ નથી–વિકાર
નથી. હું મારા એ જ સ્વભાવના જોરે રાગાદિ ટાળીને એકાદ ભવમાં સંસાર ખલાસ કરી દેવાનો છું. આમ, જેણે
અરિહંત ભગવાનનો નિર્ણય કર્યો તેણે પોતાના એકાવતારીપણાનો નિર્ણય કર્યો છે. અહીં આચાર્યદેવ કહે છે કે,
અરિહંત ભગવંતો આ જ વિધિવડે પૂર્ણદશા પામ્યા છે, અમે પણ આ જ વિધિવડે પૂર્ણદશા પામીએ છીએ, અને
તમે પણ આ જ વિધિને જાણવાથી પૂર્ણદશા પામશો. આ વિધિમાં કદી પણ ફેરફાર થવાનો નથી.
ભગવાના સર્વ ઉપદેશનો સાર
‘આત્મા જ્ઞાનસ્વભાવી છે, એ સ્વભાવના આશ્રયે જાણનાર–દેખનાર રહીને જાણ.’ –આ જિનેન્દ્રદેવના
સર્વ ઉપદેશનો મૂળ સાર છે. ભગવાન કહે છે કે અમે જ્ઞાનસ્વભાવના આશ્રયે કેવળજ્ઞાન પામ્યા છીએ, કોઈ
રાગાદિના આશ્રયે કેવળજ્ઞાન થયું નથી. તું પણ તારા સ્વભાવના આશ્રયે જ્ઞાતા રહે તો તને કેવળજ્ઞાન થાય. જે
વિધિ અમારી, તે જ વિધિ તારી જે માર્ગ અમારો તે જ માર્ગ તારી. બંનેનો એક જ માર્ગ છે. તું પણ આમ જ
જાણ અને સ્વાશ્રય કર, તો તું કેવળી થઈશ.
બધા જીવોને માટે – એક જ માર્ગ
‘ઉપદેશ પણ એમ જ કર્યો’ એટલે ભગવાને પોતે જેમ કર્યું તેમ જ કહ્યું. બધાય જીવોનો એક જ માર્ગ છે.
ભગવાને પોતે જુદો માર્ગ કર્યો અને બીજા જીવોને માટે બીજો માર્ગ બતાવ્યો–એ વાત ખોટી છે. અથવા તો,
ભગવાને ભવિષ્યના મંદ પુરુષાર્થી જીવોને માટે જુદો માર્ગ–સહેલો માર્ગ–બતાવ્યો એમ નથી. તેમજ,

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૨૦૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૭૪ :
કોઈને જ્ઞાનમાર્ગ, કોઈને ક્રિયામાર્ગ, કોઈને ભક્તિમાર્ગ, કોઈને સેવામાર્ગ–એમ જુદા જુદા પ્રકારના જીવોને જુદો
જુદો માર્ગ ભગવાને ઉપદેશ્યો એમ પણ નથી. ભગવાને સર્વે જીવોને માટે એક સ્વાશ્રિતમાર્ગ જ ઉપદેશ્યો છે.
સ્વાશ્રય એ એક જ મોક્ષમાર્ગ છે. પહેલાંં શ્રદ્ધામાં સ્વાશ્રય અને પછી સ્થિરતામાં સ્વાશ્રય થાય છે. પરાશ્રય તે
બંધમાર્ગ જ છે, ને સ્વાશ્રય તે જ મોક્ષમાર્ગ છે. “એક જ માર્ગ છે” એ જ સમ્યક્ એકાંત છે. એક જ માર્ગ છે–એ
સિવાય બીજો કોઈ માર્ગ નથી એનું નામ અનેકાંત છે. પણ સ્વાશ્રયથી પણ મોક્ષ થાય અને પરાશ્રય–વ્યવહારથી
પણ મોક્ષ થાય–એમ માનવું તે મિથ્યાત્વ છે–એકાંત છે.
ભગવાન કહે છે કે–જેવા ભગવાન અમે, તેવો જ ભગવાન તું. તારે કેવળજ્ઞાની થવા માટે જે ઉપાય અમે
કર્યો તે જ ઉપાય કરવો. જ્યારે પોતાના જ્ઞાનમાં રાગને તેમ જ રાગરહિત આત્મસ્વભાવને જાણીને, શ્રદ્ધામાં
રાગ–રહિત સ્વભાવને સ્વીકાર્યો ત્યારે સ્વભાવની પ્રાપ્તિ થઈ, શ્રદ્ધામાં રાગરહિત થઈ ગયો, સ્વાશ્રયભાવ પ્રગટ
થયો. આવડા મોટા (ભગવાન જેવડા) રાગરહિત પરિપૂર્ણ સ્વભાવનો જેણે પોતાના જ્ઞાનમાં નિર્ણય કર્યો તેણે
એકલા આત્માના આશ્રયનો સ્વીકાર કર્યો અને સમસ્ત પરદ્રવ્ય તેમ જ પરભાવોના આશ્રયની માન્યતા છોડી
તેને અનંત પુરુષાર્થ પ્રગટ્યો છે, એ જીવ તીર્થંકરોના પંથે ચાલવા માંડયો છે.
અત્યારે પણ તીર્થંકરોના પંથે વિચરી શકાય છે.
બધા જીવોને માટે આ ઉપર્યુક્ત એક જ મુક્તિમાર્ગ છે. પંચમકાળના જીવોને માટે આ જ ઉપાય છે. કોઈ
કહે કે– ‘અત્યારે તો કોઈ તીર્થંકર ભરતક્ષેત્રમાં વિચરતા નથી, તો તીર્થંકરોના પંથે ક્યાંથી ચાલી શકાય? ’ તેને
આચાર્યદેવ કહે છે કે ભાઈ, તીર્થંકરોએ સ્વાશ્રયનો ઉપદેશ કર્યો હતો; અત્યારે પણ સ્વાશ્રય થઈ કરે છે. તીર્થંકરો
કાંઈ એમ કહેતા નહોતા કે ‘તું અમારો આશ્રય કર’ તીર્થંકરો તો એમ કહેતા હતા કે તું તારા સ્વભાવનો નિર્ણય
કરીને તારો જ આશ્રય કર. અત્યારે પણ સ્વભાવનો નિર્ણય કરીને–સ્વાશ્રયભાવ પ્રગટ કરીને તીર્થંકરોના પંથે
વિચરી શકાય છે. પંચમકાળના આચાર્યદેવ પંચમકાળના જીવોને જ ઉપદેશ કરે છે કે હે જીવ! જેવો અનંત
કેવળીઓનો આત્મા છે, તેવો જ તારો આત્મા છે, અનંત કેવળીઓએ જેવો પોતાના સ્વભાવનો નિર્ણય કર્યો
અને સ્વાશ્રય પ્રગટ કરીને મુક્તિ પામ્યા તેમ તું પણ તારા સ્વભાવનો તેવો જ નિર્ણય વર્તમાનમાં પ્રગટ કર
અને સ્વાશ્રયનો પુરુષાર્થ કર. આ શાસ્ત્ર પંચમકાળના જીવોને લક્ષીને જ રચાયું છે.
નિશ્ચયનો આશ્રય કરો, વ્યવહારનો આશ્રય છોડો.
હે જીવો! તમે એક સ્વભાવના આશ્રયને જ મોક્ષનો વિધિ જાણો. વચ્ચે બીજા પરાશ્રિત ભાવો આવે તેને
મોક્ષના વિધિ તરીકે ન જાણો, પણ બંધન તરીકે જાણો. તીર્થંકરોએ આ જ વિધિ કર્યો છે અને તેઓએ આ જ
વિધિ જગતને કહ્યો છે. તમે પણ આ જ વિધિને અંગીકાર કરો. આ જ વિધિ કરો એટલે કે નિશ્ચય–સ્વભાવનો
આશ્રય કરો અને બીજો વિધિ ન કરો એટલે કે વ્યવહારભાવોનો આશ્રય છોડો. દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે નિમિત્ત
તરફનું લક્ષ વચ્ચે આવે તેનો આશ્રય ન કરો, ભેદના વિકલ્પ વગેરે વ્યવહાર આવે તેનો આશ્રય ન કરો. પહેલાંં
ચૈતન્યસ્વરૂપના આશ્રયનો નિર્ણય કરીને સર્વ વ્યવહારનો નિષેધ કરો, અને પછી એ જ સ્વરૂપના આશ્રયે સંપૂર્ણ
શુદ્ધોપયોગ પ્રગટ કરીને તીર્થંકર ભગવંતોની જેમ સંપૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા થાઓ.
શ્રી તીર્થંકર ભગવંતોને નમસ્કાર
તીર્થંકરોના સ્વાશ્રિતપંથને નમસ્કાર
તીર્થંકરોના પંથ દર્શાવનારા સંતોને નમસ્કાર
શ્રી ‘આપ્ત’ નું સ્વરૂપ
જીવનું પરમ હિત જે મોક્ષ, તેના ઉપદેષ્ટા હોય તે આપ્ત છે. તે આપ્ત બે પ્રકારના છે: એક મૂળ આપ્ત અને
બીજા ઉત્તર આપ્ત.
જેમને સાલ પદાર્થો પ્રત્યક્ષભૂત થયા છે, તથા જેમને ચાર ઘાતિયા કર્મોનો નાશ થયો છે ને તે કર્મોના
નાશથી જેઓ અનંત ચતુષ્ટયને પામ્યા છે એવા શ્રી અરિહંત ભગવાન બાર સભા મધ્યે બિરાજીને મોક્ષ–માર્ગનો
ઉપદેશ કરે છે, તેઓ મૂળ આપ્ત છે.
અને તેમના અનુસાર કથન કરનારા એવા, સમ્યગ્દર્શનાદિક ગુણના ધારક ગણધરાદિક છે તે સર્વે ઉત્તર
આપ્ત છે. તેમજ સમ્યગ્દર્શનાદિ ધારણ કરનારા જિનપ્રણિત શાસ્ત્રના જ્ઞાતા, કષાય–રહિત વક્તા એવા ગૃહસ્થ તે
સર્વે ઉત્તર આપ્ત છે. (શ્રી દીપચંદજી પંડિત વિરચિત ‘ભાવદીપિકા’ પૃ. ૩૨)

PDF/HTML Page 20 of 25
single page version

background image
: ભાદરવો : ૨૪૭૪ : આત્મધર્મ : ૨૦૩ :
આત્માનો જ્ઞાનસ્વભાવ
વીર સંવત ૨૪૭૪ના અષાડ વદ ૧૨ના દિવસે શ્રી સમયસાર ઉપર પૂ. સદ્ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન
“વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો
નહિ હોવાથી, આત્મા જેમ બાહ્યપદાર્થોની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે તેમ બાહ્યપદાર્થોની
સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે.”
(સમયસાર પૃ. ૪૪૨)
નજીકની વસ્તુને કે દૂરની વસ્તુને આત્મા પોતાના સ્વરૂપથી જ જાણનાર છે. આ નજીકના શરીરથી
લીલોતરી વગેરે કાપવાની જે ક્રિયા થાય તેન તેમ જ દૂરના (બીજાના) શરીરથી જે હિંસાદિની ક્રિયા થાય તેને
સમાનપણે પોતાના સ્વરૂપથી જાણનાર છે. અને તે જ પ્રમાણે નજીકના એટલે પોતાની અવસ્થામાં થતાં દયા–
હિંસાદિ પરિણામને કે દૂરના એટલે બીજા જીવમાં થતા દયા–હિંસાદિ પરિણામને પણ આત્મા પોતાના સ્વરૂપથી
જાણનાર છે, નજીકના રાગાદિને કે દૂરના રાગાદિને જાણવામાં કાંઈ ફેર પડતો નથી.
આત્મા પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવના ભરોસે–વિશ્વાસે, અહીં નજીકમાં (પોતામાં) જે રાગાદિ થાય
તેને કે દૂરમાં બીજા જીવોમાં રાગાદિ થાય તેને–બંનેને, સમાનપણે જ જાણે છે, તેમાં કાંઈ ફેર પડતો નથી. આત્મા
નજીકના કે દૂરના રાગાદિને પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. દૂરના રાગાદિને જાણતાં કે નજીકના રાગાદિને
જાણતાં કાંઈ જ્ઞાનમાં ફેર પડતો નથી.
જેમ દીવો નજીકના કે દૂરના પદાર્થોને પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે, તેમ જ શુભ કે અશુભ પદાર્થોને
સમાનપણે જ પ્રકાશે છે. નીચેની આગવણ કે ઉપરની ઓળવણ એ બંનેને દીવો પોતાના પ્રકાશથી પ્રકાશે છે,
તેમ જ દીવાની પાસે સોનાના લાટા પડ્યા હોય કે કોલસાનો ભૂક્કો પડ્યો હોય–તે બંનેને દીવો પોતાથી પ્રકાશે
છે, સોનાને પ્રકાશતાં કાંઈ દીવાનો પ્રકાશ વધી જતો નથી, ને કોલસાને પ્રકાશતાં કાંઈ ઘટી જતો નથી, દીવો
પોતાના પ્રકાશક સ્વભાવથી જ બધાને પ્રકાશે છે, પરને લીધે પ્રકાશતો નથી. દીવાની નજીકમાં કોઈ પાપાદિ
કરતો હોય કે દૂર કરતો હોય પણ દીવો તો બંનેનો પ્રકાશક છે.
તેમ આ આત્મા ચૈતન્ય–દીવો છે, તે પોતાના સ્વરૂપથી ત્રિકાળ જાણનાર છે. તેની નજીકમાં લીલોતરીની
હિંસા થાય કે દૂરમાં બીજાના શરીરથી લીલોતરી કાપવાની ક્રિયા થાય તેને પોતાના સ્વરૂપથી જાણે છે. તેમજ
પોતામાં રાગ થાય કે બીજામાં રાગ થાય તે બંનેનો પોતાના સ્વરૂપથી જ પ્રકાશક છે. પર્યાયમાં પુરુષાર્થની
નબળાઈથી રાગ થાય છે–એ વાત અહીં ગૌણ છે. પર્યાયની નબળાઈ ગૌણ થતાં ને ત્રિકાળી જ્ઞાનસ્વભાવની
અધિકતા થતાં જ્ઞાન તો દૂરના કે નજીકના રાગાદિનું પ્રકાશક જ છે. રાગને જાણે છે–એમ કહેવું તે પણ વ્યવહાર
છે. જ્ઞાન પોતાને જાણે છે તે નિશ્ચય છે. પોતાની અવસ્થામાં થતા રાગાદિભાવો તે નજીકના છે અને બીજા
જીવની અવસ્થામાં થતા રાગાદિભાવો તે દૂરના છે. તે બંનેને આત્મા પોતાના જ્ઞાનથી વ્યવહારે જાણે છે.
હું એક સમયમાં પૂર્ણાનંદ, પૂર્ણબ્રહ્મ. પૂર્ણજ્ઞાન છું–એમ પરિપૂર્ણ સ્વભાવની શ્રદ્ધામાં શુભ કે
અશુભભાવનો આત્મા પોતાના સ્વભાવથી જાણનાર છે. જીવને બચાવવાના દયાદિ ભાવો કે લીલોત્તરી
કાપવાના હિંસાદિ ભાવો–તેને આત્મા પોતાથી જાણે છે. બંનેને જાણતાં જ્ઞાનમાં કાંઈ ફેર પડતો નથી. તેમ
નજીકના શરીરની ક્રિયા કે દૂરના શરીરની ક્રિયા તેને આત્મા પોતાના સ્વભાવથી પ્રકાશી રહ્યો છે. આવા નિત્ય
પ્રકાશક સ્વભાવનો ભરોસો થતાં, નજીકના કે દૂરનાં રાગાદિને જાણતાં આત્મામાં કાંઈ નુકશાન થતું નથી, ને
આવા પ્રકાશક સ્વભાવનો ભરોસો ટળ્‌યે આત્મામાં કાંઈ ધર્મ રહેતો નથી.
પ્રશંસાના શબ્દો કે નિંદાના શબ્દો ઈત્યાદિ પાંચે ઈન્દ્રિયોના શુભ કે અશુભ વિષયો રાગ–દ્વેષનું કારણ
નથી, તેને જીવ પોતાના સ્વરૂપથી જાણે છે તેમ લીલોતરી કાપવાની કે પૂંજણીથી પૂંજવાની જે શુભ–અશુભ ક્રિયા
નજીક થાય કે દૂર થાય તેને પોતાના સ્વભાવથી જાણે છે. અને નજીકના કે દૂરના રાગનો પણ, નિત્ય જ્ઞાન–
જ્યોત સ્વભાવના સ્વીકારથી આત્મા જાણનાર જ છે. આવા જ્ઞાનસ્વભાવનો ભરોસો તે ધર્મ છે.
દૂરમાં–બીજાના શરીરને કોઈ કાપી નાંખતું હોય કે નજીકમાં પોતાના શરીરને કોઈ કાપી નાંખતું હોય