Atmadharma magazine - Ank 065
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૬
સળંગ અંક ૦૬૫
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
વર્ષ છઠ્ઠું : સંપાદક : ફાગણ
અંક પાંચમો રામજી માણેકચંદ દોશી ૨૪૭૫
વકીલ
પૂ. ગુરુદેવશ્રીનો વિહાર
વીંછીઆ ગામાં ફાગણ સુદ ૭ ના માંગળિક દિવસે
ભગવાન શ્રી ચંદ્રપ્રભ સ્વામી, સીમંધર સ્વામી આદિ અનેક
જિનબિંબ પ્રતિષ્ઠાનું મુહૂર્ત છે. આ પવિત્ર પ્રસંગે વીંછીઆ
પધારવા માટે પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી માહ સુદ
૯ ને દિવસે સોનગઢથી વિહાર કરીને વીંછીઆ તરફ પધાર્યા છે.
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના વિહાર દરમિયાન સોનગઢમાં
શ્રી જૈન અતિથિ સેવા સમિતિનું ભોજનાલય બંધ રહેશે.
+ * +
વીંછીઆમાં પ્રતિષ્ઠા સંબંધી સમાચાર આપવાના કારણે
ફાગણ માસનો અંક મોડો પ્રસિદ્ધ કરવાનું ગયા અંકમાં જણાવ્યું
હતું. પરંતુ હવે તે સમાચાર ચૈત્ર માસના અંકમાં આપવાનું નક્કી
કર્યું છે, અને તે ચૈત્ર માસનો અંક શક્યતા અનુસાર વહેલો
પ્રસિદ્ધ કરવામાં આવશે. આમ નક્કી કરીને આ ફાગણ માસનો
અંક વહેલો પ્રસિદ્ધ કર્યો છે.
વાર્ષિક લવાજમ છુટક અંક
ત્રણ રૂપિયા ચાર આના
અનેકાન્ત મુદ્રણાલય ∴ મોટાઆંકડીયા ∴ કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
જેને ચૈતન્યનો પુરુષાર્થ નથી તે નપુંસક છે
જે ચીજ આત્માથી જુદી હોય તેનાથી આત્માને લાભ થાય નહિ; અને તે પર ચીજોનો લક્ષે પણ આત્માને
લાભ થાય નહિ; આત્માના સ્વભાવના લક્ષે જ આત્માને લાભ થાય. લાભ કહો, શાંતિ કહો, હિત કહો, સુખ
કહો કે ધર્મ કહો, તે એકાર્થ છે. બહારમાં અનુકૂળ સંયોગો આવે તેને અજ્ઞાની જીવ લાભ માને છે અને તે
પદાર્થોમાં સુખ માને છે, પણ પોતાના સ્વભાવમાં સુખ છે તેને નથી માનતો. મારામાં સુખ નહિ ને પૈસામાં
સુખ–એમ માનનાર જીવ પોતાને નિર્માલ્ય–પુરુષાર્થ રહિત માને છે. પોતાના સ્વભાવ સામર્થ્યને જાણવાનો
પુરુષાર્થ નહિ કરનાર અને પરમાં સુખ માનનાર જીવને આચાર્યદેવ નપુંસક કહે છે. પુરુષ તો તેને કહેવાય કે જે
સ્વભાવનો પુરુષાર્થ પ્રગટ કરે. જેઓ શુદ્ધ આત્મ સ્વભાવને નથી જાણતા તેને નામર્દ કહ્યા છે–(સમયસાર પૃ.
૨૦૦) આત્માના અસાધારણ લક્ષણને નથી જાણતા તેને નપુંસક કહ્યા છે.–(સમયસાર પૃ.૭૩) આત્મામાં જ
આનંદ સામર્થ્ય છે, પણ તે આનંદ ભોગવવાની જેનામાં તાકાત નથી તે જીવ પરમાં આનંદ માને છે ને પર
વિષયોને દેખીને રાજી થાય છે, તે નામર્દાઈનું ચિહ્ન છે. સ્વભાવની શ્રદ્ધા નથી કરતા ને પરથી સુખ માને છે
તેમને ચૈતન્યનો પુરુષાર્થ નથી.
આત્મા પોતે પુરુષ છે, અનંતગુણોમાં રહીને આનંદનો સ્વતંત્રપણે ભોગવટો કરનાર પુરુષ છે, ચૈતન્ય
સ્વભાવી ભગવાન છે, પુરુષાર્થનો સાગર છે, તેના અસાધારણ ચૈતન્ય સ્વભાવને જે અનુભવતો નથી અને
પર્યાયમાં પુણ્ય–પાપ થાય તેને જ ધર્મ માને છે તે જીવ ચૈતન્યના પુરુષાર્થરહિત નપુંસક છે. –ભેદવિજ્ઞાનસાર
અહો, ભગવાન કુંદકુંદ! અને જગતનાં મહાભાગ્ય!
અહો, કુંદકુંદાચાર્યદેવની શું વાત કરીએ? કુંદકુંદાચાર્ય દેવ તો ભગવાન કહેવાય. એમનું વચન એટલે
કેવળીનું વચન. અંતરમાં અધ્યાત્મના પ્યાલા ફાટી ગયેલા હતા. એકદમ કેવળ જ્ઞાનની તૈયારી હતી.
વીતરાગભાવે અંતરમાં ઠરતાં ઠરતાં વળી છદ્મસ્થ દશામાં રહી ગયાં. ને વિકલ્પ ઊઠતાં આ સમયસારાદિ મહાન
શાસ્ત્રો રચાઈ ગયાં. –એટલા વળી જગતનાં મહાભાગ્ય! કે તેઓશ્રી દ્વારા આ સમયસાર–પ્રવચનસાર જેવાં
મહાન્ પરમાગમોની રચના થઈ ગઈ. અત્યારે તો તેવી શક્તિ અહીં નથી. કાઠિયાવાડના વળી વિશેષ મહાભાગ્ય
છે કે અત્યારે ગુજરાતી ભાષામાં તે શાસ્ત્રો બહાર આવ્યાં છે. –ભેદવિજ્ઞાનસાર
દેશનાલબ્ધિ અને ભેદવિજ્ઞાનો સાર
આત્મજ્ઞાની પુરુષના ઉપદેશરૂપ દેશનાલબ્ધિ મળતાં આત્મસ્વભાવની જેને રુચિ થઈ તેને મુક્તિ માટે
ભાવિનૈગમનય લાગુ પડી ગયો અર્થાત્ તે જીવ ભવિષ્યમાં મુક્તિ પામશે,––એમ જ્ઞાનીઓ જાણે છે. ધર્મ
પામનાર જીવને દેશનાલબ્ધિ હોય જ એ નિયમ છે. સત્સમાગમે પરમાર્થ આત્મસ્વભાવનું શ્રવણ કરીને તે
સ્વભાવની રુચિપૂર્વક વારંવાર અભ્યાસ કરીને જ્યારે જ્ઞાન સ્વસન્મુખ થઈને આત્માને જાણે છે ત્યારે પહેલાંં તો
મતિજ્ઞાનથી આત્માનો અવગ્રહ થાય છે, પછી તે જ જ્ઞાન ઉપયોગ વિશેષ દ્રઢ થતાં શ્રુતજ્ઞાનનો ઉપયોગ
સ્વભાવમાં ઠરે છે, જે શ્રુતજ્ઞાન સ્વભાવમાં અભેદપણે ઠર્યું તેને નિશ્ચયનય કહેવાય છે, તે જ ધર્મ છે, તે
ભેદવિજ્ઞાનનો સાર છે. સ્વભાવ તરફ ઢળતા જ્ઞાનને જ અહીં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે કહ્યું છે.
જે જ્ઞાન, સ્વભાવથી થતી પ્રવૃત્તિ ન કરે અને કર્મના આશ્રયે પ્રવૃત્તિ કરે તે ચેતન નથી. ચેતન
સ્વભાવના આશ્રયે જે ઉત્પન્ન થાય તે ચેતન છે અને ચેતનસ્વભાવના આશ્રયે જે ભાવ ઉત્પન્ન ન થાય તે
અચેતન છે. આવી આત્મસ્વભાવની વાત જગતના જીવોએ સાંભળી નથી, તો અંતરમાં વિચારીને મેળવે
ક્યાંથી? અને ક્યારે તેની રુચિ કરીને આત્મામાં પરિણમાવે?
પર તરફ વળતા અને સ્વ તરફ વળતા મતિ શ્રુતજ્ઞાનને જુદાઈ છે; એમ સમજીને–સ્વ અને પરનું
ભેદજ્ઞાન કરીને અંતર સ્વભાવમાં વળતું જ્ઞાન તે અપૂર્વ આત્મધર્મ છે. –‘ભેદવિજ્ઞાનસાર’
ચૈતન્ય ભગવાનાં દર્શન
જેણે જ્ઞાનને વિકારનું કર્તા માન્યું છે તે જીવે આત્મા અને જ્ઞાન વચ્ચે ભેદરૂપ પડદો રાખ્યો છે. જેમ જિન પ્રતિમા
આડો પડદો નાખીને જુએ તો તેનું રૂપ સ્પષ્ટ દેખાય નહિ, તેમ આ આત્માનો સ્વભાવ ચૈતન્યમય જિન પ્રતિમા
છે; પણ ‘વિકાર મારું સ્વરૂપ’ એવી મિથ્યા માન્યતારૂપી પડદો આડો રાખીને જોનારને પોતે ચૈતન્ય ભગવાન છે
તે દેખાતું નથી પણ વિકારી જ ભાસે છે. તે જીવ જ્ઞાન અને આત્મા વચ્ચે મિથ્યાત્વરૂપી પડદો રાખે છે તેથી તેને
ચૈતન્ય ભગવાનનાં દર્શન થતાં નથી. તે પડદો દુર કરીને સાચી માન્યતાથી જુએ તો પોતાનો જ આત્મા
ભગવાન છે, તે જણાય છે. –ભેદવિજ્ઞાનસાર

PDF/HTML Page 4 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭પ : આત્મધર્મ : ૯૩ :
જ્ઞાનું કાર્ય
(૧) ભેદ વિજ્ઞાનીના જ્ઞાનું કાર્ય
ભેદવિજ્ઞાની રસને જાણતા હોય ને અલ્પરાગ થતો હોય, તે વખતે પણ જ્ઞાનસ્વભાવની એકતામાં જ તેનું
જ્ઞાન કાર્ય કરી રહ્યું છે. રસ સાથે કે રાગ સાથે એકતાથી તેનું જ્ઞાન કાર્ય કરતું નથી. કોઈ સમયે સ્વભાવની
એકતા છોડીને પરને જાણતા નથી, એટલે તેમને સમયે સમયે જ્ઞાનની શુદ્ધતા જ વધતી જાય છે.
(૨) અજ્ઞાનીના જ્ઞાનું કાર્ય
અજ્ઞાની જીવો સ્વભાવને ન માનતાં બહારમાં સુખ માને છે. રસને જાણતાં એકાકાર થઈ જાય છે કે આ
રસમાં ભારે મજા પડી, ભારે સ્વાદ આવ્યો! અરે ભાઈ! શેની મજા? તારા આત્મામાં મજા–સુખ છે કે નહિ?
રસ તો જડ છે, શું જડમાં તારી મજા છે? અને શું જડ રસ તારા આત્મામાં ઘરી જાય છે? તારી મજાતારું સુખ
તો તારા જ્ઞાનસ્વભાવમાં છે. આખા જ્ઞાનસ્વભાવને ભૂલીને એક રસને જાણતાં જ્ઞાન ત્યાં જ રાગ કરીને અટકી
ગયું, તેને અજ્ઞાની જીવ રસનો સ્વાદ માને છે. પણ જ્ઞાન પરમાં ન અટકતાં, આત્મસ્વભાવ તરફ વળતાં
સ્વભાવનો અતીંદ્રિય આનંદ આવે છે, તે જ સાચું સુખ છે. એ સિવાય બીજી કોઈ ચીજમાં સુખ નથી.
(૩) જ્ઞાની પરમાં લીનતા તે અધર્મ, સ્વભાવમાં લીનતા તે ધર્મ.
દૂધપાક–શીખંડ કે કેરીનો રસ વગેરેનો સ્વાદ આત્મામાં આવતો નથી. જ્ઞાનમાં ફકત એમ જણાય છે કે
આ રસ છે, આ સ્વાદ્રિષ્ટ છે. પણ હું સ્વાદિષ્ટ છું એમ કાંઈ નથી જણાતું. એ રીતે રસને અને જ્ઞાનને જુદાપણું જ
છે. પણ અજ્ઞાની જીવ સ્વભાવથી ખસીને રસની રુચિમાં લીન થયો છે તે અધર્મ છે. અને પર પદાર્થોની રુચિથી
અધિક થઈને–છૂટો પડીને સ્વભાવની રુચિ વડે વર્તમાન અવસ્થાને સ્વભાવમાં ધારી રાખે–ટકાવી રાખે–તે ધર્મ
છે. વર્તમાન અવસ્થા વિકારમાં ન ટકતાં સ્વભાવમાં ટકે તે ધર્મ છે. જ્ઞાનસ્વરૂપ આત્મા અને સમસ્ત પર
વસ્તુઓ તદ્ન જુદી છે––એમ જાણ્યા વિના અને આત્મા સ્વરૂપની રુચિ કર્યા વગર કદી ધર્મ થતો નથી.
• જ્ઞાની ક્રિયાનો પ્રતાપ •
આ ધર્મની વાત છે; આમાં એકલા જ્ઞાનની ક્રિયાની વાત છે. આત્મા શરીર વગેરેથી તો જુદી જ વસ્તુ છે
તેથી આત્માના ધર્મમાં શરીરની ક્રિયા કારણરૂપ નથી. શરીરની ક્રિયા સાથે આત્માના ધર્મનો કે અધર્મનો સંબંધ
નથી, પણ જ્ઞાનની ક્રિયામાં ધર્મ–અધર્મ છે. પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવને સ્વીકારીને તેના આશ્રયે જ્ઞાનની જે
ક્રિયા થાય તે ધર્મ છે. અને સ્વભાવને ભૂલીને, ક્ષણિક જ્ઞાન જેટલો જ પોતાને માનીને, પરના આશ્રયે જ્ઞાનની
જે ક્રિયા થાય તે અધર્મ છે. અનાદિથી મતિ–શ્રુત–જ્ઞાન પરના લક્ષે કાર્ય કરી રહ્યા છે તેથી સંસાર–પરિભ્રમણ છે,
તે જ્ઞાનને ચેતનસ્વભાવના લક્ષે સ્વભાવમાં વાળવા તે અપૂર્વ ધર્મ છે, ને તે મુક્તિનું કારણ છે. ઉપર
(સમયસારના ૨૩૪મા કળશમાં) કહ્યું હતું કે પર પદાર્થોને જાણતાં તેની સાથે એકપણાની માન્યતાથી અનેક
પ્રકારની વિકારી ક્રિયા ઉપ્તન્ન થતી તે અધર્મ હતો. અથવા પરને જાણવા જેટલું જ મારું જ્ઞાન છે એમ માનવું તે
પણ પરમાં એકત્વ બુદ્ધિ જ છે ને તે અધર્મ છે. અહીંથી હવે (આ પંદર ગાથાઓ દ્વારા કહ્યું તે રીતે) સમસ્ત
વસ્તુઓથી જુદું કરવામાં આવેલું જ્ઞાન એટલે કે સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન ચેતનસ્વભાવને જાણીને તે તે
સ્વભાવમાં વળેલું જ્ઞાન અનેક પ્રકારની અધર્મ ક્રિયાઓથી રહિત છે અને એક જ્ઞાનક્રિયામાત્ર છે, અનાકુળ છે
અને દેદીપ્યમાન વર્તતું થકું સ્વભાવમાં લીન રહે છે.– આ જ ધર્મ છે. અત્યાર સુધી જે અનંત જીવો સંસારથી
તરીને સિદ્ધ થયા છે તે બધાય આવી સ્વ સન્મુખ જ્ઞાનક્રિયાના પ્રતાપથી જ તર્યા છે, વર્તમાન જે જીવો તરે છે
તેઓ એ ક્રિયાના પ્રતાપથી જ તરે છે ને ભવિષ્યમાં જે કોઈ જીવો તરશે તેઓ એ જ્ઞાનક્રિયાના પ્રતાપે જ તરશે.
(સમયસાર ગા. ૩૯૦થી૪૦૪ ઉપરના વ્યાખ્યાનોમાંથી)
• બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા •
પૂ. ગુરુદેવશ્રીની જન્મભૂમિ ઉમરાળામાં ત્યાંના શેઠ શ્રી જીવાલાલ પાનાચંદભાઈ તથા તેમનાં
ધર્મપત્ની વિજકોરબેન–એ બંનેએ સજોડે, તેમજ પારેખ ફુલચંદ કાળીદાસભાઈ તથા તેમનાં ધર્મપત્ની
કંચનબેન–એ બંનેએ સજોડે, માહ સુદ ૧૨ ગુરુવારના રોજ પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય
પાળવાની પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. આ કાર્ય માટે તેઓને ધન્યવાદ.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૯૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭પ :
• હે જીવ, શરીરથી જાુદા ચૈતન્યનું શરણ કર! •
હે ભાઈ, જે શરીરને તું તારું માની રહ્યો છે તે શરીરમાં પણ તારો અધિકાર ચાલતો નથી, તો પછી જે
પદાર્થો પ્રત્યક્ષપણે દૂર છે તેમાં તારું ક્યાંથી ચાલે? તું પરનું કાંઈ કરી શકતો નથી; પર પદાર્થો તારાથી જુદા છે
માટે તે પદાર્થોના આશ્રયે જે મોહાદિ ભાવો થાય છે તે પણ તારા સ્વરૂપથી જુદા છે. એ બધાથી જુદા તારા
ચૈતન્ય–તત્ત્વને તું ઓળખ તો તેના આશ્રયે તને ધર્મ અને શાંતિ પ્રગટે. શરીરની આંગળી વાંકી થઈ જાય, કંપવા
લાગે, અંગ ખોટું પડી જાય, રોગ થાય તે વખતે તેને સરખું રાખવાની તારી ઈચ્છા હોવા છતાં, તારી ઈચ્છા
પ્રમાણે શરીરમાં કાર્ય થતું નથી. માટે હે ભાઈ, તું સમજ રે સમજ! અંતરમાં જો, કે તારો સ્વભાવ તે શરીરથી ને
તેના તરફની ઈચ્છાથી જુદો છે. માટે તેમનો આશ્રય છોડ અને તારા કાયમી ચૈતન્યસ્વભાવનો આશ્રય કર, તેનું
શરણ લે. વર્તમાન અધૂરી દશામાં રાગ થતો હોવા છતાં હે ભાઈ! તું તારા જ્ઞાનમાં એવો નિર્ણય અને શ્રદ્ધા તો
કર કે તે રાગ અને અધૂરાશ હું નથી, હું તો તે રાગ અને અધૂરાશ રહિત પૂરા જ્ઞાનસ્વભાવ રૂપે છું જો તું એવો
નિર્ણય કરીશ તો તને અંતરમાં મોકળાશ રહેશે,–રાગ અને શરીરથી જુદાપણાનું ભાન જાગૃત રહેશે. જીવનમાં જ
શરીરથી છૂટા ચૈતન્યનું ભાન કર્યું હશે તો, શરીર છૂટવાના પ્રસંગે (–મૃત્યુ વખતે) શરીરમાં મૂર્ચ્છાઈશ નહિ, ને
શરીરથી છૂટા ચૈતન્યની જાગૃતિ રહેશે, ને આત્માના આનંદ પૂર્વક સમાધિ થશે. અહો! હું ચૈતન્ય ભગવાન છું,
શરીરથી જુદો છે એમ જેણે ભાન કર્યું છે તેને શરીરથી મૂકાવાનો (જન્મ મરણ રહિત થવાનો) મોકો–અવસર
આવશે. શરીરમાં જ જે એકતા માની બેઠો તે તો શરીરમાં જ મૂર્ચ્છાઈ જશે ને ફરી ફરી નવા શરીર ધારણ કરીને
અનંત જન્મ મરણમાં રખડશે. મારા ચૈતન્ય તત્ત્વને શરીરનો સંબંધ જ નથી–એવી શ્રદ્ધા કરનાર જીવ અલ્પકાળે
અશરીરી સિદ્ધ થશે. ચૈતન્ય જાતને શરીરથી અને વિકારથી ભિન્ન જાણીને, ત્રણ કાળના સર્વે પદાર્થોથી હું જુદો છું
એમ જાણીને, પોતાના જ્ઞાનને સ્વભાવમાં એકાગ્ર કરીને જે આત્માની શ્રદ્ધા જ્ઞાન–અનુભવ કરે છે તેને અપૂર્વ
ધર્મ પ્રગટ થાય છે. તે જીવના જ્ઞાનમાં સ્વભાવની એકતાનું ગ્રહણ થયું અને સર્વ પર પદાર્થના અભિમાનનો
ત્યાગ થયો.
સમયસાર ગા. ૩૯૦થી૪૦૪
• દદુર્લભતા •
અનંત અનંત કાળમાં મનુષ્યપણું મળવું મોંઘું છે, મનુષ્યપણામાં આવી સત્ય ધર્મની વાત સાંભળવા
કોઈક જ વાર મળે છે. અત્યારે તો આ વાત લોકોને તદ્ન નવી છે. આવી સત્ય વાત સાંભળવા મળવી મહા
દુર્લભ છે, સાંભળ્‌યા પછી બુદ્ધિમાં તેનું ગ્રહણ થવું દુર્લભ છે,–‘આ શું ન્યાય કહેવા માગે છે, એમ જ્ઞાનમાં પકડાવું
તે દુર્લભ છે, ગ્રહણ થયા પછી તેની ધારણા થવી દુર્લભ છે. સાંભળતી વખતે સારું લાગે ને બહાર નીકળે તો બધું
ભૂલી જાય તો તેને આત્મામાં ક્યાંથી લાભ થાય? શ્રવણ–ગ્રહણ અને ધારણા કરીને પછી એકાંતમાં પોતે
પોતાના અંતરમાં મંથન કરીને સત્યનો નિર્ણય કરે એ દુર્લભ છે. પણ સાચી વાત જ સાંભળી ન હોય તે ગ્રહણ
શું કરે? ને ધારણા શેની કરે? અને અંતરમાં શું વિચારે? અંતરમાં યથાર્થ નિર્ણય કરીને તેને રુચિમાં
પરિણમાવીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે મહાન દુર્લભ અપૂર્વ છે. એ સમ્યગ્દર્શન વગર કોઈ રીતે જીવનું કલ્યાણ
થાય નહિ. જુઓ, આમાં શરૂઆતનો ઉપાય કહ્યો પહેલાંં તો સંસારની લોલુપતા ઘટાડીને તત્ત્વ શ્રવણ કરવા
માટે નિવૃત્તિ લેવી જોઈએ શ્રવણ, ગ્રહણ, ધારણા, નિર્ણય અને રુચિમાં પરિણમન –આટલા બોલ આવ્યા. તે
દરેક એકેક કરતાં દુર્લભ છે. શ્રવણ કરીને વિચારે કે મેં આજે શું શ્રવણ કર્યું? નવું શું સમજ્યો? એમ અંતરમાં
પ્રયત્ન કરીને સમજે તો આત્માની રુચિ જાગે ને તત્ત્વ સમજાય. પણ જેને સત્યના શ્રવણ–ગ્રહણ ને ધારણનો જ
અભાવ છે તેને તો સત્ સ્વભાવની રુચિ હોતી નથી, અને રુચિ વગર તેનું પરિણમન ક્યાંથી થાય? રુચિ વગર
સત્ય સમજાય નહિ ને ધર્મ થાય નહિ.
ભગવાને કહ્યું છે અથવા તો જ્ઞાનીઓ કહે છે માટે આ વાત સાચી છે–એમ પરના લક્ષે સત્ને માને તો તે
શુભ ભાવ છે, તે પણ સાચું જ્ઞાન નથી; પહેલાંં દેવ–ગુરુના લક્ષે તેવો રાગ હોય પણ દેવ–ગુરુના લક્ષને છોડીને
પોતે પોતાના અંતરસ્વભાવમાં વળીને રાગ રહિત નિર્ણય કરે કે મારો આત્મસ્વભાવ જ આવો છે, તો તેના
આત્મામાં સાચું જ્ઞાન થયું છે. એથી સત્સમાગમનો કે શ્રવણ વગેરેનો નિષેધ નથી, સત્સમાગમે સત્ ધર્મનું
શ્રવણ કર્યા વગર તો કોઈ જીવ આગળ વધી શકે નહિ, પણ તે શ્રવણાદિ પછી આગળ વધવા માટેની આ વાત
છે. માત્ર શ્રવણ કરવામાં ધર્મ ન માનતાં, ગ્રહણ–ધારણા અને નિર્ણય કરીને આત્મામાં રુચિથી પરિણમાવવું
જોઈએ.
ભેદવિજ્ઞાનસાર

PDF/HTML Page 6 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭પ : આત્મધર્મ : ૯૫ :

ધર્મની શરૂઆત કેમ થાય તેની આ વાત છે. સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર તે ધર્મના નિમિત્તો છે. તે નિમિત્તોને
ઓળખીને કુદેવાદિ મિથ્યાત્વના નિમિત્તોની માન્યતા છોડે, તે જીવને દેવ–ગુરુ–શાસ્ત્રના લક્ષે જે મતિ–શ્રુત–જ્ઞાન
થાય તે પણ હજી મિથ્યામતિ–શ્રુત છે. સાચાદેવ–ગુરુ–શાસ્ત્રને કબુલ્યા તેણે હજી તો વ્યવહારથી વ્યવહારને
માન્યો છે; નિશ્ચય સ્વભાવના ભાન સહિત જે વ્યવહાર હોય તે જ ખરેખર વ્યવહાર છે, પણ નિશ્ચય સ્વભાવના
ભાન વગરનો વ્યવહાર તે ખરેખર વ્યવહાર નથી પણ વ્યવહારથી વ્યવહાર છે. જો ત્રિકાળ સ્વભાવની પ્રતીતિ
પ્રગટ કરીને તે વ્યવહારનો નિષેધ કરે તો, જેનો નિષેધ કર્યો તેને નિશ્ચયપૂર્વકનો વ્યવહાર કહેવામાં આવે છે.
અને સ્વભાવના ભાનપૂર્વક તેને જાણે તો તે જ્ઞાનમાં વ્યવહારનય છે, પણ રાગને જ આદરણીય માને અથવા
એકલા રાગના લક્ષે જ તેને જાણે તો તે જ્ઞાન તો મિથ્યાજ્ઞાન છે; તેને વ્યવહાર પણ કહેવાતો નથી.
(૨) સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા, દયા,–ભક્તિ વગેરે શુભપરિણામ તથા દ્રવ્ય–ગુણ–પર્યાયની કે નવ
તત્ત્વની ભેદથી શ્રદ્ધા તે બધો વ્યવહાર છે, અને તેના તરફ ઢળનારું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે. તે વ્યવહાર અને તે
તરફ ઢળનારું જ્ઞાન તે મારું સ્વરૂપ નથી, એક રૂપ જ્ઞાયક સ્વભાવ તે હું છું–એમ મતિ–શ્રુત જ્ઞાનને સ્વભાવમાં
ઢાળીને વ્યવહારથી જુદો પડે ને સ્વભાવમાં એકતા કરે ત્યારે પ્રમાણજ્ઞાન થાય છે અને તે જીવના મતિ–શ્રુતજ્ઞાન
તે સમ્યગ્જ્ઞાન છે. આ મતિ–શ્રુતજ્ઞાન પણ અતીંદ્રિય છે, તે કેવળજ્ઞાનનું કારણ છે. આ આત્મા પોતે ભગવાન કેમ
થાય? તેની આ રીત છે.
(૩) મતિ–શ્રુતજ્ઞાનને સ્વભાવમાં વાળીને દ્રવ્યમાં એકતા કરે તે નિશ્ચય છે, અને સ્વભાવની એકતા
પૂર્વક સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની પ્રતીતિ તે વ્યવહાર છે. વ્યવહારને જાણતાં જે જ્ઞાન વ્યવહારમાં જ અટકી રહે તે
જ્ઞાન વ્યવહારથી જુદું પડ્યું નથી એટલે કે તેણે નિશ્ચય અને વ્યવહારને જુદા જાણ્યા નથી, તેથી ત્યાં વ્યવહાર
પણ સાચો હોતો નથી. જ્ઞાન વ્યવહારને જાણે ખરું પણ વ્યવહારજ્ઞાન જેટલો આત્મા નથી એમ સમજી,
વ્યવહારથી જુદું પડી અખંડજ્ઞાનસ્વભાવ તરફ વળે ત્યારે શ્રુત–જ્ઞાન પ્રમાણ થાય છે અને ત્યારે જ નિશ્ચય તથા
વ્યવહાર બંનેનું સાચું જ્ઞાન હોય છે.
જીવનું જે શ્રુતજ્ઞાન સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને જાણે તે શ્રુતજ્ઞાન જેટલો જ આત્માને જે સ્વીકારે અને તેના
ઉપર જ વલણ રાખ્યા કરે પણ ત્રિકાળ જ્ઞાનસ્વભાવ તરફ ન વળે તો તે શ્રુતજ્ઞાન મિથ્યા છે; તેને નિશ્ચય અને
વ્યવહાર જુદા ન રહ્યા, પણ ક્ષણિકને જ ત્રિકાળીરૂપ માની લીધું એટલે કે વ્યવહારને જ નિશ્ચય માની લીધો;
તેને નિશ્ચય–વ્યવહારનું સાચું જ્ઞાન નથી. ત્રિકાળીસ્વભાવનો આશ્રય કરીને જે જ્ઞાન એમ સ્વીકારે કે ‘આ દેવ–
ગુરુ–શાસ્ત્રથી હું જુદો અને તેને જાણનાર ક્ષણિક જ્ઞાન છે તેટલો પણ હું નથી’ તો તે સમ્યગ્જ્ઞાન છે અને તેને
ત્રિકાળીસ્વભાવનું તેમ જ વર્તમાન પર્યાયનું એટલે કે નિશ્ચય–વ્યવહારનું સાચું જ્ઞાન છે.
(૪) અતર – મથન કરવ યગ્ય અદભત રહસ્ય
નિશ્ચય અને વ્યવહાર જુદા છે. એટલે નિશ્ચય તરફ ઢળતું જ્ઞાન વ્યવહાર તરફ ઢળતા જ્ઞાનથી જુદું છે.
નિશ્ચય અને વ્યવહાર બંનેનું જ્ઞાન સાધક જીવને હોય છે પરંતુ સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે નિશ્ચયનય વધતો
જાય છે ને વ્યવહારનય ટળતો જાય છે એટલે કે સ્વભાવની એકતા તરફ જ્ઞાનનું વલણ વધતું જાય છે, ને પર
તરફનું જ્ઞાનનું વલણ ટળતું જાય છે. એ રીતે ક્રમે ક્રમે, સ્વભાવમાં સંપૂર્ણ એકતા થતાં, વ્યવહાર સંપૂર્ણ ટળી જાય
છે, ને કેવળજ્ઞાન થાય છે. સ્વભાવ તરફ ઢળેલું જ્ઞાન તે જ આત્મા છે, તે જ્ઞાન જ સમ્યક્ત્વ છે, તે જ ચારિત્ર છે,
તે જ સુખ છે. જ્ઞાન આત્મામાં અભેદ થતાં દ્રવ્ય–પર્યાયનો ભેદ ન રહ્યો એટલે તે જ્ઞાન જ આત્માનું સર્વસ્વ છે.
અહો! આચાર્યભગવાને આત્માના અંતરસ્વભાવનું પરમ અદ્ભુત રહસ્ય બતાવ્યું છે. આ રહસ્ય સમજીને
અંતરમાં મંથન કરવા જેવું છે. માત્ર ઉપર ઉપરથી સાંભળી લેવું ન જોઈએ પણ બરાબર ધારણ કરીને, અંતરમાં
જાતે વિચારીને નિર્ણય કરવો જોઈએ.
–ભેદવિજ્ઞાનસાર

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૯૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭પ :
(૧)
અનીતિથી પૈસા મેળવાનો ભાવ તે પાપ કે ધર્મ?
ઘણા જીવો એમ માનતા હોય છે કે ‘આપણે વેપાર ધંધામાં અનીતિ ન કરવી, પણ નીતિથી, પૈસા
મેળવવા. એ નીતિથી ધર્મ થશે.’ એટલે પૈસા પણ કમાવાય અને ધર્મ થાય!! પણ એમાં ધર્મ નથી. પૈસા
કમાવાનો ભાવ તે પાપ જ છે, તેમાં અનીતિ ન કરે ને નીતિ રાખે તો ઓછું પાપ થાય, પણ ધર્મ થાય નહિ. એક
માણસ એવો નીતિવાળો હતો કે તેને લાખો રૂપિયાની લાંચ મળે તો પણ લેતો નહિ. એક વાર તેણે કોઈ જ્ઞાની
પાસે જઈને પૂછયું– ‘મહારાજ! મને પાંચ પાંચ લાખ રૂપિયાની લાંચ આપવા આવે છે, પણ હું લેતો નથી, તો
મને કેટલો ધર્મ?’ જ્ઞાનીએ કહ્યું તેમાં જરાય ધર્મ થાય નહિ. ભલે નીતિથી નોકરી કરો પણ તેમાં પૈસા રળવાનો
ભાવ છે તેથી પાપ જ છે; લાંચ વગેરે અનીતિ ન કરે તો ઓછું પાપ થાય–એટલું જ, બાકી તેમા ધર્મ હરામ છે.
સ્વ–પરના ભેદવિજ્ઞાન વગર ધર્મ કેવો?
(૨)
ભેદજ્ઞાન વગર ખરેખર પાપ ઘટે નહિ
ધંધા વગેરેમાં અનીતિ, કાળા બજાર, ચોરી વગેરે કરનારને ઘણું પાપ છે, નીતિપૂર્વક કરે તો ઓછું પાપ છે.
પણ ખરેખર પાપ ઓછું ક્યારે થયું કહેવાય? જે પાપ ટળ્‌યું તે પાપ ફરીને કદી થાય નહિ તો તે પાપ ઘટ્યું કહેવાય.
હવે એમ ક્યારે બને? હું પાપ અને પુણ્ય રહિત જ્ઞાનસ્વરૂપ છું, હું પાપનો ઘટાડનારો સર્વ પાપથી રહિત જ છું, પાપ
કે પુણ્ય મારું સ્વરૂપ જ નથી–એમ પોતાના જ્ઞાનસ્વભાવના લક્ષે જે પાપ ટળ્‌યા તે ટળ્‌યા, તે પાપ ફરીને કદી થાય
નહિ, પણ સ્વરૂપની એકાગ્રતાથી ક્રમેક્રમે પુણ્ય પાપ ટળતા ટળતાં સર્વથા વીતરાગતા થાય. પાપને છોડનારો પોતે
સંપૂર્ણ પાપ રહિત કેવો છે? પાપને છોડીને પોતે કેવા સ્વરૂપે રહેનાર છે? તેના ભાન વગર પાપને ખરેખર છોડી
શકે નહિ. એટલે પોતાના આત્મસ્વભાવના લક્ષ વગર ખરેખર અનીતિ છોડી શકે નહિ એમ નક્કી થયું.
(૩)
ભેદજ્ઞાન વગર અનીતિનો ત્યાગ હોય નહિ
લોકો નીતિ–નીતિ કરે છે, પણ જો યથાર્થપણે નીતિની હદ બાંધવા જઈએ તો તેમાં ય આત્મસ્વભાવનું જ લક્ષ
આવે છે. કઈ રીતે આવે છે? તે કહેવાય છે. કોઈએ એમ નક્કી કર્યું કે ‘મારે અનીતિથી પૈસા લેવા નહિ.’ હવે ગમે
તેવો પ્રસંગ આવે તો પણ તેનાથી અનીતિ કરાશે નહિ. દેહ જવાનો પ્રસંગ આવે તો પણ અનીતિ ન કરે એટલે શરીર
છોડીને પણ નીતિ રાખવા માંગે છે. હવે શરીર ક્યારે છોડી શકે? જો શરીર છૂટતાં શ્રદ્ધામાં અણગમો થાય–દ્વેષ થાય
તો તેને ખરેખર શરીર જતું કરવાનો ભાવ નથી; પણ શરીર તેના કારણે છૂટે છે. શરીર છૂટતા અંતરમાં રાગ–દ્વેષ ન
થાય કે અનીતિ કરીને શરીર રાખવાનું મન ન થાય તો નીતિ ખાતર શરીર છોડ્યું કહેવાય. હવે શરીર જતાં રાગ–દ્વેષ
ન થાય એમ ક્યારે બને? જો શરીર ઉપર જ લક્ષ હોય તો તો રાગ–દ્વેષ થયા વગર રહે નહિ. પણ શરીરથી ભિન્ન
પોતાના આત્માને જાણીને તેનું લક્ષ હોય તો શરીરને રાગ–દ્વેષ વગર જતું કરી શકે. માટે, ‘હું શરીરથી
મૂળ તાત્પર્ય
બધા કથનનું મૂળ તાત્પર્ય ટૂકામાં સમજવું હોય તો એમ છે કે આત્માના જ્ઞાનને પર્યાય
બુદ્ધિથી પાછું વાળીને દ્રવ્યબુદ્ધિમાં લાવવું –એ જ આત્માના કલ્યાણનો–હિતનો –શ્રેયનો –
મોક્ષનો કે ધર્મનો માર્ગ છે. તેમાં જ સમ્યગ્દર્શન –જ્ઞાન–ચારિત્ર–તપ વગેરે સમાઈ જાય છે.
પહેલાંં તો પોતાને અંતરમાં પોતાના આત્મસ્વભાવનો ઉત્સાહ આવવો જોઈએ, પોતાનો
સ્વભાવ સમજવા માટે તેના શ્રવણ–મનનની હોંશ જોઈએ.
ભેદ વિજ્ઞાનસાર

PDF/HTML Page 8 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭પ : આત્મધર્મ : ૯૭ :
જુદો છું, પૈસા અને અનીતિથી રહિત મારું જ્ઞાનસ્વરૂપ છે’–એમ પોતાના શુદ્ધસ્વરૂપના લક્ષ વગર
ખરેખર અનીતિનો ત્યાગ થઈ શકે નહિ. આત્માના ભાન વગર જે અનીતિ છોડે છે તેને ખરેખર પાપ ટળ્‌યું નથી
પણ માત્ર વર્તમાન પૂરતો મંદ કષાય છે.
(૪)
જૈની – નીતિ
આ રીતે આત્માની ઓળખાણ કરવામાં જ સાચી નીતિ આવે છે. આ ‘જૈની–નીતિ’ છે. જેવું છે તેવું
સ્વતંત્ર વસ્તુ સ્વરૂપ જાણવું તે જ સાચી નીતિ છે.
પૈસા વગેરે આવવા–જવાની ક્રિયા તો સ્વતંત્ર છે, જીવ ઈચ્છા કરે પણ પરમાં કાંઈ કરી શકે નહિ. આમ
વસ્તુ સ્વરૂપ સમજવું તેમાં નીતિનું પાલન છે, ને તેનાથી ઊંધુંં માનવું–હું પરનું કરી શકું એમ માનવું–તેમાં
અનંતી અનીતિનું સેવન છે. ઈચ્છાથી પરનું કાર્ય પણ થતું નથી અને ઈચ્છાથી જ્ઞાન પણ થતું નથી, ઈચ્છા તે
આત્માનો સ્વભાવ નથી. જ્ઞાનનું કાર્ય ઈચ્છા નથી અને ઈચ્છાનું કાર્ય પરમાં થતું નથી. પ્રત્યક્ષ દેખાય છે કે
પોતાનો વહાલામાં વહાલો એકનો એક પુત્ર હોય, ને માંદો પડ્યો હોય, ત્યાં તે સાજો થઈ જાય અને મરે નહિ
એવી પોતાની ઘણી ઈચ્છા હોવા છતાં તે મરી જાય છે. તારી ઈચ્છા પરમાં શું કરે? સૌથી નજીક પોતાનું શરીર
છે, તેમાં પણ પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય થતું નથી રોગની ઈચ્છા ન હોવા છતાં શરીરમાં રોગ થાય છે, અને તે
રોગ ઝટ મટાડવાની ઈચ્છા હોય છતાં ઊલટો વધે છે. આ શરીરનું પણ પોતે કંઈ કરી શકતો નથી તો બહારનું
તો શું કરે? પ્રમાણિકપણે હું પૈસા રળું–એવી જેની માન્યતા છે તે અનીતિનું સેવન કરે છે, જૈન ધર્મની નીતિની
તેને ખબર નથી. સ્વ–પરનું ભેદજ્ઞાન કરવું તે જ જૈની–નીતિ છે, ને તેનું ફળ મુક્તિ છે.
(પ)
અનીતિનો ત્યાગી
‘મારે અનીતિથી આજીવિકા કરવી નથી’–એમ જે અનીતિ છોડવા માગે છે, તેને કોઈ કહે કે અમુક
અનીતિ કર, નહિતર તને પ્રતિકૂળતા આવશે, અથવા તો અનીતિ ન કરે તો પ્રાણ હરવાની ધમકી આપે, છતાં
તેને અનીતિ કરાશે નહિ: તેમ જ જે પ્રતિકૂળતા આવે તેના ઉપર અણગમો પણ ન થાય, તો તેને અનીતિ છોડી
કહેવાય. જો તેને પ્રતિકૂળતા ઉપર અરુચિ આવે તો નીતિ ઉપર જ અરુચિ છે, ને તેણે ખરેખર અનીતિ છોડી
નથી. જેણે શરીરને પોતાનું માન્યું છે તે અનીતિ છોડી શકશે નહિ. એ રીતે શરીરથી ભિન્ન આત્મસ્વભાવની
રુચિમાં જ ખરી નીતિનું પાલન અને અનીતિનો ત્યાગ છે સ્વભાવના આશ્રયે ત્રણ કાળની અનીતિ રુચિમાંથી
છૂટી ગયા પછી અસ્થિરતાના કારણે જે રાગ–દ્વેષ થાય છે તેનો પણ સ્વભાવના આશ્રયે નાશ કરીને વીતરાગ
થશે. કેમ કે રાગદ્વેષ થાય છે તે પરના કારણે માનતા નથી અને તે રાગદ્વેષની રુચિ નથી તેના રાગ–દ્વેષ ઘણા
મર્યાદિત છે.
(૬)
સાચું બ્રહ્મચર્ય કોણ પાળી શકે?
જેમ ઉપર નીતિ બાબતમાં કહ્યું તેમ બ્રહ્મચર્ય વગેરે બાબતમાં પણ સમજવું. આત્માની રુચિ વગર
ખરેખર અબ્રહ્મચર્યનો ત્યાગ હોય નહિ, જેને આત્માની દ્રષ્ટિ નથી ને દેહ ઉપર જ દ્રષ્ટિ છે તેને કાયમી બ્રહ્મચર્ય–
ખરું બ્રહ્મચર્ય–હોય નહિ. કોઈ સાચા બ્રહ્મચારી હોય તેને કોઈ કહે કે તું મારી સાથે અમુક દુષ્કર્મ કર, નહિ તો
તારા ઉપર ખોટો આરોપ મૂકીને તને મરાવી નાખીશ. એમ મરણનો પ્રસંગ આવે તો પણ અંતરમાં ખેદ વગર
શરીર જતું કરે, પણ અબ્રહ્મચર્ય સેવે નહિ. જો તે પ્રસંગે એમ અંતરમાં અણગમો થાય કે અરેરે, બ્રહ્મચર્યને કારણે
મરણનો પ્રસંગ આવ્યો–તો તેને ખરેખર બ્રહ્મચર્યની રુચિ નથી અને અબ્રહ્મચર્ય છોડ્યું નથી. મૃત્યુ આવે છતાં
શરીર ઉપર રાગ ક્યારે ન થાય? કે શરીરથી ભિન્ન, રાગદ્વેષ રહિત ત્રિકાળ સ્વભાવનું લક્ષ હોય તો દેહ પ્રત્યે
મમત્વ–બુદ્ધિનો રાગ ટળી જાય. પહેલાંં તો જાણનાર દેખનાર આત્મસ્વભાવની ઓળખાણ કરીને શ્રદ્ધાનો દોષ
ટાળવો જોઈએ, શ્રદ્ધાનો દોષ ટળ્‌યા પછી ક્રમે ક્રમે અલ્પકાળે ચારિત્રનો દોષ પણ ટળી જાય છે. આ રીતે
ભેદજ્ઞાનથી જ ધર્મ થાય છે. ભેદવિજ્ઞાન વગર ધર્મ થતો નથી.
–ભેદવિજ્ઞાનસાર

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૯૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭પ :


આત્માને પરથી તો પૂરેપૂરું જુદાપણું છે, ને પોતાના જ્ઞાન સાથે પૂરેપૂરી એકતા છે, જરા ય જુદાઈ નથી.
આ બાબતમાં જરા ય શંકા કરવી નહિ–એમ આચાર્યદેવ કહે છે.
“જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરા પણ શંકનીય નથી અર્થાત્ જ્ઞાનની જીવથી ભિન્નતા હશે એમ જરા
ય શંકા કરવા યોગ્ય નથી, કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે.” સમ્યગ્દ્રષ્ટિને નિઃશંકતા હોય છે, અહીં સમ્યગ્દર્શનના
નિઃશંકિત અંગની વાત મૂકી છે.
સ્વભાવની નિ:શંકતામાં આવતા અહિંસા અને સત્યધર્મ
જ્ઞાન તે આત્મા જ છે એમ નિઃશંક માનવા યોગ્ય છે, તેમાં જરા ય શંકા કરવા યોગ્ય નથી. જ્ઞાનની
વર્તમાનદશા આત્મામાં અભેદ થઈને આખું દ્રવ્ય જણાય તે આત્મા છે. એવા આત્માને નિઃશંક માનવો તે
અહિંસા છે; અને પરમાં કે પુણ્ય–પાપમાં આત્મા માનવો તે હિંસા છે. ‘જ્ઞાન તે આત્મા છે’ એમ કહેતાં તેમાં
ભેદની જરા ય શંકા ન કરવી. જાણનાર જ્ઞાન આત્માથી જરા ય જુદું હશે એવી શંકા ન કરવી. કોઈ પરને લીધે
જ્ઞાન થતું હશે–એમ ન માનવું. રાગાદિ ભાવોમાં જ્ઞાન હશે–એવી શંકા જરા ય ન કરવી. જ્ઞાન અને આત્મા એક
જ છે–એવી નિઃશંક શ્રદ્ધા કરવી. આવી શ્રદ્ધા તે ધર્મ છે. એવી શ્રદ્ધા કરનારે જેવું છે તેવું સ્વરૂપ માન્યું છે, તેથી તે
સત્યવાદી થયો છે.
સ્વભાવની નિ:શંકતામાં આવતો અચૌર્ય ધર્મ
‘શું આત્મા જાણવાનું જ કામ કરે? કે પરનું કાંઈ કરતો હશે? કે રાગ પણ કરતો હશે?’ એવી જરા ય
શંકા ન કરવી. આત્મા ચૈતન્ય સ્વભાવ જ છે એમ નિઃશંક માનીને આત્માને સ્વભાવમાં થોભાવવો, ને
પરદ્રવ્યનો પોતામાં સ્વીકાર ન કરવો તે અચૌર્યધર્મ છે. પરદ્રવ્ય પોતાનું નથી છતાં તેને પોતાનું માનવું તે ચોરી
છે; જ્ઞાન પરથી તદ્ન જુદું છે ને આત્માથી જરાય જુદું નથી એમ માનનારે પોતાના આત્માને ચોરીના ભાવોથી
બચાવ્યો છે, આવા આત્મસ્વરૂપની શ્રદ્ધામાં ધર્મ છે, ક્યાંય બહારમાં મંદિર–પુસ્તક વગેરેમાં ધર્મ નથી. જડ
વસ્તુને કે વિકારી ભાવોને પોતાનું સ્વરૂપ માનવું તે મિથ્યા માન્યતા છે, તેમાં ત્રણ કાળના પદાર્થોની ચોરી છે.
પારકી વસ્તુને ગ્રહણ કરે તેનું નામ ચોર છે. પર વસ્તુ પોતાની નથી છતાં તેને પોતાની માને તે જીવ
ચોર છે. જેમ નદીમાં પાણીનો પ્રવાહ ચાલ્યો જતો હોય, ત્યાં કોઈ એમ માને કે ‘આ મારું પાણી છે. ’ તો તે
અસત્ય રૂપ છે. તેમ આ જગતમાં બધી વસ્તુઓ પોતાના પરિણમનપ્રવાહમાં પરિણમ્યા કરે છે અને પુણ્યપાપ
ભાવો પણ થઈ થઈને બીજી ક્ષણે ચાલ્યા જાય છે. તે પરવસ્તુઓને કે ક્ષણ પુરતા ભાવને જે આત્મા પોતાનું
સ્વરૂપ માને તે આત્માનો હિંસક, અસત્યનો સેવક અને ચોર છે; પૈસાને પોતાના મનાવે કે પૈસા ખર્ચવાના
ભાવને ધર્મ મનાવે તે પણ ચોર છે, આત્માનો હિંસક છે.
પરનું કરવાનો કે વિકાર કરવાનો જ્ઞાનનો સ્વભાવ નથી. જ્ઞાન તે જીવતત્ત્વ છે. ને ક્ષણિક વિકાર તે
આસ્રવ તત્ત્વ છે. તે બંનેને એકમેક માનનાર જીવ પોતાના સ્વભાવની તેમ જ દેવ–શાસ્ત્ર–ગુરુની પણ પરમાર્થે
આસાતના કરનાર છે, તેને મિથ્યાત્વનું મોટું પાપ છે.
સ્વભાવની નિ:શંકતામાં આવતો બ્રહ્મચર્ય ધર્મ
રાગાદિકથી ભિન્નપણું જાણીને, આત્મા અને જ્ઞાનની એકતા માનનાર સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ હોય તોપણ તે જીવ
આત્મસ્વભાવની ભાવના
વ્યાખ્યાનમાં એકને એક વાત વારંવાર કહેવામાં આવે તો કાંઈ પુનરુક્તિ દોષ થતો
નથી, કેમ કે આ તો આત્મસ્વભાવની ભાવના છે, તે ભાવના વારંવાર કરવામાં દોષ નથી પણ
સ્વભાવની દ્રઢતા થાય છે. એ ભાવના તો વારંવાર કરવા જેવી છે; વારંવાર આત્મસ્વભાવની
વાત સાંભળતાં તેમાં જરાય કંટાળો ન આવવો જોઈએ. આત્મસ્વભાવની વાત વારંવાર
સાંભળતાં જો કંટાળો આવે તો તેને આત્માની અરુચિ છે.
–ભેદ વિજ્ઞાનસાર.

PDF/HTML Page 10 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭પ : આત્મધર્મ : ૯૯ :
શ્રદ્ધા અપેક્ષાએ બ્રહ્મચારી છે. પહેલાંં પર સંયોગ અને વિકાર સાથે આત્માની એકતા માનીને તેમાં જોડાતો તે
મૈથુન સેવન હતું. હવે જ્ઞાન અને આત્મામાં એકપણાની શ્રદ્ધા કરીને વિકાર અને સંયોગોથી જુદાપણું જાણ્યું
એટલે તેણે આત્મા સાથે એકતા કરીને પર સાથેની એકતારૂપ જોડાણ તોડયું, તે પરમાર્થે બ્રહ્મચારી છે.
સ્વભાવની નિ:શંકતામાં આવતો અપરિગ્રહ ધર્મ
હું જ્ઞાનમાત્ર છું, એ સિવાય પરનો એક અંશ પણ મારો નથી–એમ માનનાર જીવ ખરેખર અપરિગ્રહી છે.
તેને બહારમાં ચક્રવર્તી રાજનો સંયોગ હોવા છતાં અંતરના અભિપ્રાયમાં એક અંશને પણ પોતાનું માનતા નથી,
જ્ઞાન સ્વભાવ સિવાય બીજે ક્યાંય અંશમાત્ર એકતા માનતા નથી, તેથી જ્ઞાનીઓ તેને નિષ્પરિગ્રહી કહે છે. અને
જેને આત્મસ્વભાવમાં એકતા પ્રગટ કરી નથી ને બહારના પદાર્થોમાં અંશ માત્ર એકતા છે તે જીવ બાહ્યમાં
ત્યાગી હોય તો પણ અનંત પરિગ્રહી છે.
ઉત્તમ ક્ષમા ધર્મ
ઉત્તમ ક્ષમા વગેરે દસધર્મો અનાદિના છે. તેમાં આજે ઉત્તમ ક્ષમાધર્મનો દિવસ છે. હું ત્રિકાળ અશરીરી
નિર્વિકારી તત્ત્વ છું, જ્ઞાન સાથે અભેદ છું–એવી રુચિ અને પ્રતીત કરવી તે મહાનક્ષમા છે. કોઈ આવીને ગાળ દે
કે મારે ત્યારે ક્રોધ ન કરવો,–તે તો શુભરાગ છે, એવી ક્ષમાની અહીં વાત નથી. આત્માને વિકારવાળો ને શરીર
વાળો માને તેણે આત્માના સ્વભાવ ઉપર અનંત ક્રોધ કર્યો છે; અને જ્ઞાનસ્વભાવથી પરિપૂર્ણ આત્માને માને
તેણે પોતાના આત્મા ઉપર ઉત્તમ ક્ષમા કરી છે.
નિ:શંકતાનું ફળ કેવળજ્ઞાન, અને શંકાનું ફળ અનંત સંસાર
જેણે આત્મા અને જ્ઞાનમાં જરા ય જુદાપણું માન્યું છે તે જીવ જ્ઞાનથી જુદો ને જુદો રહેશે એટલે વિકારમાં
એકતા કરી કરીને તે અનંત સંસારમાં રખડશે; તે પોતાના જ્ઞાનને આત્મામાં અભેદ કરશે નહિ. અને જેણે આત્મા
અને જ્ઞાનની સંપૂર્ણ એકતા માની છે તે જીવ પર્યાયે પર્યાયે આત્મામાં જ્ઞાનની એકતા કરે છે ને વિકારથી જુદો જ
રહે છે. તે જીવ અલ્પકાળે જ્ઞાન અને આત્માની સંપૂર્ણ એકતા પ્રગટ કરી કેવળજ્ઞાન પામીને મુક્ત થશે.
આત્મા અને જ્ઞાનને જરા ય ભેદ નથી એવી જેને નિઃશંકદ્રષ્ટિ થઈ છે તે જીવ કોઈ પ્રસંગે આત્માને
જ્ઞાનથી જુદો માનતો નથી એટલે આત્મસ્વભાવનો આશ્રય કદી છોડતો નથી, ને વિકાર સાથે જ્ઞાનની એકતા
કદી માનતો નથી; તે કોઈ સમયે આત્માને વિકારવાળો માનતો નથી. તેથી તે જીવનું જ્ઞાન ક્ષણે ક્ષણે
આત્મસ્વભાવ સાથે જોડાતું જાય છે ને વિકારથી છૂટતું જાય છે એટલે તેને સમયે સમયે જ્ઞાન અને
વીતરાગતાની વૃદ્ધિ થતી જાય છે. આનું નામ સાધકદશા છે. અજ્ઞાની એમ માને છે કે વાણીના કારણે જ્ઞાન થાય
છે. એટલે તેણે આત્મા સાથે જ્ઞાનની એકતા ન માની, જ્ઞાનને આત્મા સાથે ન જોડયું પણ પર દ્રવ્ય સાથે એકતા
માનીને વિકાર સાથે જ્ઞાનને જોડયું, તે જીવ આત્માના જ્ઞાનસ્વભાવનો ખૂની–આત્મઘાતકી છે. તેણે જ્ઞાનને
આત્માથી જુદું માન્યું હોવાથી તેના આત્માને જ્ઞાનથી અત્યંત જુદાઈ (એટલે કે એકેન્દ્રિય દશા) થઈ જશે.
જ્ઞાનને અને આત્માને જ એકતા છે એટલે જ્ઞાન આત્માના આશ્રયે જ સ્વ–પરને જાણનાર છે, રાગાદિનું કર્તા
નથી, –એમાં જે જીવ જરા ય શંકા કરતો નથી તે જીવના જ્ઞાનને આત્માથી જરા ય જુદાઈ રહેશે નહિ ને
વિકારનો જરા ય સંબંધ રહેશે નહિ એટલે કે તેનું જ્ઞાન આત્માના આશ્રયે જ પરિપૂર્ણપણે પરિણમીને કેવળજ્ઞાન
પ્રગટ થશે ને વિકારનો સર્વથા અભાવ થશે. આચાર્ય ભગવાન કહે છે કે આત્માને અને જ્ઞાનને જુદાઈ હશે એવી
જરા પણ શંકા કરવી નહિ. આવી આત્મસ્વભાવની નિઃશંકતા ને
રુચિરૂપી તારદ્વારા આ વાત આત્મામાં ઝટ ઊતરી જાય છે.
અહો, જ્ઞાનની પરિપૂર્ણતા સ્વતંત્રતાની આ વાત છે. જેને ચૈતન્ય સ્વભાવની રુચિ નથી તેને
આ વાત બેસતી નથી. પણ–જેમ મોટા મકાન ઉપર તાંબાનો એવો તાર ગોઠવે છે કે ઉપરથી વીજળી
પડે તો મકાનને નુકસાન કર્યા વગર તે તાર દ્વારા સીધી જમીનમાં ઊતરી જાય. તેમ જેણે ચૈતન્યની
રુચિરૂપ તાર આત્મા સાથે જોડ્યો છે તેને ચૈતન્યની સ્વાધીનતાની આ વાત રુચિદ્વારા આત્મામાં
ઝટ ઊતરી જાય છે; સ્વ–પરનું ભેદજ્ઞાન થતાં વસ્તુની સ્વતંત્રતાને જરાય નુકસાન કર્યા વગર તેનું
જ્ઞાન ચૈતન્ય તરફ વળી જાય છે.
સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના પ્રવચનમાંથી

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૦૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭પ :
મોક્ષનો માર્ગ છે.
બસ! જાણવું તે જ આત્મા છે એટલે અંતર સ્વભાવમાં વળીને સ્વમાં અભેદ થયું તે જ્ઞાન જ આત્મા છે.
આમ નિઃશંક શ્રદ્ધા થઈ ત્યાં જ વિકારથી છૂટું પડીને જ્ઞાન સ્વ તરફ વળ્‌યું–ભેદજ્ઞાન થયું, એટલે હવે પર્યાયે
પર્યાયે જ્ઞાન અને આત્માની અભેદતા વધતાં વધતાં અને રાગ ટળતાં ટળતાં વીતરાગતા ને કેવળજ્ઞાન થશે.
આત્મા પરનું કાંઈ કાર્ય કરે અથવા પર વસ્તુ આત્માનું કાંઈ કાર્ય કરે–એમ માનવું તે અજ્ઞાન છે, અધર્મ
છે. તેમ જ જેવા સંયોગો આવે તેવું જ્ઞાન થાય એટલે કે જ્ઞાન તો સંયોગોના આધારે થાય છે–એમ જે માને છે
તેણે ખરેખર આત્માને અને જ્ઞાનને એક માન્યા નથી, પણ જુદા માન્યા છે, અને પરસંયોગોમાં જ્ઞાનની એકતા
માની છે; તે જીવનું જ્ઞાન ચેતનસ્વભાવ સાથેની એકતારહિત હોવાથી, ને સંયોગો સાથે એકતાના અભિપ્રાયવાળું
હોવાથી, ખરેખર અચેતન છે.
જ્ઞાનની જે અવસ્થાએ સંયોગમાં–રાગમાં એકતા કરી છે તે આત્મા નથી. કેમ કે તે અવસ્થાએ આત્માથી
જુદાપણું કલ્પ્યું છે તેથી તે અવસ્થા આત્મસ્વભાવમાં એકતા કરીને ઠરશે નહિ ને આત્મ–અનુભવના આનંદને
ભોગવી શકશે નહિ; પણ તે અવસ્થાએ પોતાનું જ્ઞાન આત્માની બહાર રખડતું મૂકયું છે તેથી બહારના લક્ષે
એકલી આકુળતાને જ ભોગવશે.
સ્વભાવની નિ:શંકતા એ જ કર્તવ્ય
પ્રશ્ન:–આમાં શું કરવાનું છે તે ટૂંકામાં સમજાવો ને?
ઉત્તર:–આત્મા જ્ઞાનસ્વરૂપી છે ને પુણ્ય–પાપ આત્માનું સ્વરૂપ નથી, એમ નિઃશંક શ્રદ્ધા કરીને જ્ઞાનસ્વભાવ
સાથે વર્તમાન પર્યાયની એકતા કરવી ને પુણ્ય–પાપથી ભેદજ્ઞાન કરવું–એ જ કરવાનું છે. જેણે જ્ઞાન અને
આત્માના જુદાપણાની જરા પણ શંકા ન કરી એટલે કે જ્ઞાનને પર સાથે કે વિકાર સાથે જરાય સંબંધ ન માન્યો તે
જીવ પોતાના જ્ઞાનસ્વભાવમાં નિઃશંક થયો નિડર થયો–ધર્મી થયો. આવો પોતાનો આત્મા છે તેની નિઃશંક શ્રદ્ધા
કરવી તે જ ધર્મનું મૂળ છે. પહેલાંં તે જીવ પોતાને સંયોગાધીન માનતો, હવે સ્વભાવ આધીન થયો. હવે ગમે તેવા
પ્રતિકૂળ કે અનુકૂળ સંયોગો આવે તેનાથી ભિન્નતા જાણીને, સ્વભાવમાં નિઃશંક અને નિર્ભય રહીને ક્ષણે ક્ષણે
આત્માશાંતિની વૃદ્ધિપૂર્વક સમાધિ–મરણ કરીને એકાવતારી થઈ જાય,–તેના ઉપાયનું આ કથન છે.
નિ:શંકતા તે મુક્તિનો ઉપાય
ત્રિલોક પૂજ્ય શ્રી તીર્થંકર દેવો અને આત્મ અનુભવમાં ઝૂલતા સંત–મુનિવરો પોકાર કરે છે કે–હે ભવ્ય!
તારા જ્ઞાનને તારા સ્વભાવથી જરા ય જુદાપણું નથી ને તારા જ્ઞાનને અમારા સાથે જરાય એકતા નથી. તુ
અમારાથી જુદો છે, અમારો આશ્રય તને જરા પણ નથી. તારા જ્ઞાનસ્વભાવ સાથે જ તારે એકતા છે, તારા
આત્મસ્વભાવથી તું જ્ઞાનને જરા ય જુદું માનીશ તે નહિ પાલવે. જ્ઞાન અને આત્માની સર્વ પ્રકારે એકતા
માનીને, રાગથી છૂટો પડીને સ્વભાવમાં જ જ્ઞાનનું જોડાણ કર, એમાં જરા પણ શંકા ન કર.–એજ મુક્તિનો
ઉપાય છે. એમાં જરા પણ શંકા કરે ત
ેની મુક્તિ થતી–નથી. ‘ભેદ વિજ્ઞાનસાર’
આત્મા સાથેનું વેરીપણું કેમ ટળે?
આચાર્ય ભગવાન કહે છે કે, હે જીવ! તું પરમાં ન જો, પરથી ગુણ પ્રગટશે એમ માનીને
તારા આત્માનો અનાદર ન કર. તારો આત્મા જ અનંત ગુણનો ભંડાર છે, તેમાં તારા જ્ઞાનની
એકતા કરીને, આત્મા સાથેના અનંતકાળના વેરીપણાને છોડ રે છોડ. તે જ સાચી ક્ષમા છે. જેણે
આત્માને અને જ્ઞાનને જુદાઈ માનીને વિકાર સાથે જરાય એકતા માની અથવા સંયોગોથી જ્ઞાન
થશે એમ માન્યું તેણે સંયોગ અને વિકાર સાથે ભાઈબંધી
[એકત્વ બુદ્ધિ] કરી અને પોતાના
આત્માની સાથે વેર બાંધ્યું, વિકારનો આદર કર્યો. ને સ્વભાવનો અનાદર કરીને તેના ઉપર
અનંતો ક્રોધ કર્યો, પોતાના આત્માનો મોટો અપરાધ કર્યો. અનંતકાળનો એ મોટો અપરાધ ને
ક્રોધ ટળીને સાચી ક્ષમા કેમ પ્રગટે તેનો ઉપાય અહીં કહ્યો છે.
–ભેદ વિજ્ઞાનસાર,

PDF/HTML Page 12 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭પ : આત્મધર્મ : ૧૦૧ :
આત્માની કેવળજ્ઞાન – કળા
દરેક આત્મા ચૈતન્ય સ્વભાવી છે, તેનામાં કેવળજ્ઞાન ખીલે તેવી તાકાત છે. જેમ–બાળકોને રમવાનો
કાગળનો એક એવો પંખો આવે છે કે તેના બે પાંખિયા જુદા પાડીને તેને ઉઘાડતાં તેમાં મોરની કળા જવો
દેખાવ થાય છે. બિડાયેલ પંખામાં જ તેવી તાકાત હતી. તેથી તેમાંથી કળા ખીલે છે, બીજા સામાન્ય કાગળમાંથી
તેમ થાય નહિ. તેમ–આત્મા ચૈતન્યની કેવળ જ્ઞાનકળાનો ભંડાર છે; તેની શ્રદ્ધા કરીને રાગ અને જ્ઞાનને જુદા
પાડતાં કેવળજ્ઞાનરૂપી પૂર્ણકળા ખીલી જાય છે. પરંતુ હું પરનું કરું એમ માને અને પર્યાયમાં ક્રોધાદિ થાય તેને જ
જ્ઞાનનું સ્વરૂપ માને તો તે જીવ જ્ઞાન અને રાગને જુદા જાણતો નથી તેથી તેને જ્ઞાન કળા ખીલતી નથી પણ
બિડાયેલી રહે છે.
આત્મામાં ભગવાન થવાનું સામર્થ્ય છે
વળી જેવી રીતે મોરના નાનકડા ઇંડામાં સાડાત્રણ–હાથનો રંગબેરંગી મોર થવાની તાકાત છે, તે ઇંડાની
શ્રદ્ધા કરીને તેને સેવતાં અલ્પ કાળે તેમાંથી સાક્ષાત્ મોર પ્રગટે છે. પણ ‘આ નાના ઇંડામાં મોટો મોર ક્યાંથી
હોય!’ એમ શંકા કરીને, જો ઇંડાને ખખડાવે તો મોર થતો નથી. તેવી રીતે આ આત્મા ચૈતન્યસ્વરૂપ, શરીર–
મન–વાણી–પુણ્ય–પાપરહિત છે, તેના પરિપૂર્ણ સામર્થ્યની શ્રદ્ધા કરીને તેનું સેવન કરવાથી તે પોતે કેવળ જ્ઞાનરૂપે
થઈ જાય છે. જે સિદ્ધભગવાન થયા તે પોતાના સ્વભાવ સામર્થ્યથી જ થયા છે, ને હું પણ એવા જ સ્વભાવ
સામર્થ્યથી ભરેલો છું–એમ જેણે નિઃશંક શ્રદ્ધા કરી, જરા ય શંકા ન કરી, તે જીવને વર્તમાન જ્ઞાનદશા ઓછી
હોવા છતાં તે અવસ્થા ત્રિકાળી સ્વભાવમાં વળે છે ને ત્રિકાળી સ્વભાવના સેવન વડે અલ્પકાળમાં તેને
કેવળજ્ઞાન પ્રગટ થાય છે. પરંતુ– હું તો એક અલ્પજ્ઞ પ્રાણી પૈસા વગેરે વગર મારે ચાલે નહિ, ને મારામાં
ભગવાન થવાનું સામર્થ્ય અત્યારે કઈ રીતે હોય?’ એમ જે જીવ સ્વભાવ સામર્થ્યમાં શંકા કરે છે, તે મિથ્યાદ્રષ્ટિ
છે, તેને જ્ઞાનકળા ખીલતી નથી માટે શ્રી આચાર્યદેવ કહે છે કે–હે જીવો! આત્મા પરિપૂર્ણ ચૈતન્ય સામર્થ્યવાળો
છે, તે સામર્થ્યની શ્રદ્ધા કરો, તેમાં નિઃશંક થાઓ તેમાં જરા ય શંકા ન કરો.
દ્રવ્યદ્રષ્ટિનું ફળ કેવળ જ્ઞાન, પર્યાયદ્રષ્ટિનું ફળ નિગોદ
––એવી નિઃશંક શ્રદ્ધા ક્યારે થાય? વર્તમાન અવસ્થા તો અધૂરી ને પુણ્ય પાપ વાળી છે; તેથી અવસ્થા
ઉપર દ્રષ્ટિ રાખીને જો નિઃશંકતા કરવા જશે તો રાગરહિત ત્રિકાળી ચૈતન્યની નિઃશંકતા નહિ થાય પણ
સંયોગની શ્રદ્ધા થશે, વિકારમાં એકતા થશે, વીતરાગતા ને કેવળજ્ઞાન નહિ ખીલે, સમ્યગ્જ્ઞાન નહિ થાય, પણ
મિથ્યાત્વથી જ્ઞાનની અત્યંત હીનતા કરીને તે નિગોદ થશે. પર્યાય દ્રષ્ટિનું ફળ નિગોદ દશા છે ને દ્રવ્યદ્રષ્ટિનું ફળ
કેવળજ્ઞાન છે. જેણે આત્માના જ્ઞાનને વર્તમાન પૂરતું જ ક્ષણિક અને વિકારી માન્યું તેણે ત્રિકાળી ચૈતન્ય સાથે
જ્ઞાનની એકતા ન કરી એટલે કે જ્ઞાનસ્વભાવની નિઃશંકતા ન કરી, તેથી તેના જ્ઞાનનું પરિણમન હણાઈ જશે ને
તે એકેન્દ્રિય–નિગોદ થશે. ઊંધી દ્રષ્ટિને લીધે સંયોગમાં અને વિકારમાં જ પોતાનું અસ્તિત્વ માને છે તે જીવે પોતે
જીવસ્વરૂપે પોતાના અસ્તિત્વનો સ્વીકાર નથી કર્યો
કણ સમજ?
જો આત્માની હોંશથી સમજવા માગે તો આ વાત સહેલી છે, આત્માને સમજાય તેવી છે
આત્મા પોતે જેવો છે તેની આ વાત છે, આત્માની વાત કોને ન સમજાય? બધાય આત્માઓને
સમજાય. આત્માનો સ્વભાવ જ જાણવાનો છે તેથી જે ‘આત્મા’ હોય તેનામાં બધુંય
સમજવાની તાકાત છે જડમાં જ્ઞાન નથી તેથી જડને કાંઈ ન સમજાય આ વાત સાંભળવા કાંઈ
જડ નથી બેઠાં જડને સમજવા માટે કાંઈ આ વાત થતી નથી પણ જડથી ભિન્ન જ્ઞાનતત્ત્વ છે
તેને સમજવા માટેની આ વાત છે.
–ભેદ વિજ્ઞાનસાર

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૦૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭પ :
તેથી તેનું પરિણમન એવું થઈ જાય છે કે બીજા સાધારણ જીવો પણ જીવ સ્વરૂપે તેના અસ્તિત્વને ન સ્વીકારે.
હું ત્રિકાળ પરમ પારિણામિક ચૈતન્યસ્વભાવ છું––એમ આત્મસ્વભાવ નક્કી કરીને તેમાં ઢળતું જ્ઞાન તે
જીવ છે. એ રીતે પોતાના જ્ઞાનને ત્રિકાળી સ્વભાવ તરફ લંબાવતાં ક્ષણિક રાગાદિ પર્યાયની શ્રદ્ધા–રુચિ ટળીને
આત્મસ્વભાવની નિઃશંક શ્રદ્ધા થાય છે. જ્ઞાનસ્વભાવની એવી નિઃશંક શ્રદ્ધા પ્રગટ કરીને સ્વભાવમાં ઢળતાં
કેવળજ્ઞાન થાય છે, ને ઈન્દ્રો તેના મહોત્સવ કરવા આવે છે.
“શું એકલા જ્ઞાનથી જ ધર્મ થતો હશે”–કે ભક્તિ–પૂજા વગેરેથી પણ ધર્મ થતો હશે” એમ જેણે શંકા કરી
અને જ્ઞાનસ્વભાવમાં નિઃશંક ન થયો તે જીવ સ્વભાવનો અનાદર કરીને રાગને જ સ્વીકારે છે, ચૈતન્યના
કેવળજ્ઞાન–સામર્થ્યને તે હણી નાંખે છે. ત્રિકાળ જ્ઞાનમય જીવની શ્રદ્ધા કરીને જે નિઃશંક થયો છે તે જીવ ગુણ–
ગુણીને વિકારથી બચાવીને અભેદ કરે છે, પર્યાયને દ્રવ્યમાં લીન કરીને તે કેવળજ્ઞાન પામે છે.
જરા પણ શંકા કરવી નહિ
“હું પરનું કાંઈ કરું, અથવા શ્રુત–શાસ્ત્ર વગેરેથી મને જ્ઞાન થાય” એમ માનીને જેણે પોતાના જ્ઞાનને પર
સન્મુખ જ અટકાવી દીધું છે તેણે આત્મા અને જ્ઞાનમાં ભિન્નતા માની છે, આત્મા તરફ વળતાં જ્ઞાન ખીલે છે
તેમાં તેણે શંકા કરી છે, તેથી તેનું જ્ઞાન આત્માથી જુદું જ રહેશે અર્થાત્ તેનું જ્ઞાન આત્માને જાણવા તરફ નહિ
વળે પણ પરમાં જ એકતા બુદ્ધિ કરી કરીને ભવભ્રમણમાં રખડયા કરશે. જેણે જીવ અને જ્ઞાનની એકતામાં
નિઃશંકતા કરીને આત્માને જાણવામાં ને અનુભવવામાં પોતાના જ્ઞાનને વાળ્‌યું છે તેને આત્મસ્વભાવના આધારે
જ્ઞાનની સપૂર્ણકળા ખીલીને કેવળજ્ઞાન થવાનું છે. માટે અહીં નિશંકતા ઉપર ભાર દઈને આચાર્યદેવ કહે છે કે
અહો જીવ પોતે જ જ્ઞાન છે માટે જ્ઞાનને જીવથી જુદાઈ હોવાની જરા પણ શંકા ન કરો, જ્ઞાન સ્વભાવી આત્માની
નિઃશંક પ્રતીત કરો.
–ભેદવિજ્ઞાનસાર
વળીને જે જ્ઞાન થાય તે ખરેખર અચેતન છે, આત્માના ચેતનસ્વભાવ સાથે તેની એકતા નથી.
–ભેદવિજ્ઞાનસાર
– શ્રવણની અપૂર્વતા –
આત્મા પોતે સૂક્ષ્મ સ્વભાવ વાળો છે, તે કોઈ પરના અવલંબન દ્વારા જણાય તેવો નથી પણ સ્વભાવનું
અવલંબન કરવાથી તેને જાણી શકાય છે, એટલે કે આત્મા સ્વાનુભવ પ્રત્યક્ષ છે. અનંતકાળમાં પોતાના
આત્માને જાણવાની જીવે કદી દરકાર કરી નથી. અનંતકાળથી જે કાંઈ જાણ્યું તે માત્ર પરને જાણ્યું છે પણ પોતાને
જાણવાની દરકાર કરી નથી. પોતાનું સ્વરૂપ જાણ્યા વગર પરનું પણ સાચું જ્ઞાન થાય નહિ. શ્રી સમયસારની
ચોથી ગાથામાં આચાર્યદેવે કહ્યું છે કે–પોતાના આત્મસ્વભાવથી વિરુદ્ધ એવી કામ, ભોગ અને બંધનની કથા તો
સર્વે જીવોને સુલભ છે, તે તો જીવે અનંતકાળથી સાંભળી છે; તેનો પરિચય કર્યો છે ને અનુભવ પણ કર્યો છે,
પરંતુ પરથી ભિન્ન પોતાના એકત્વસ્વભાવની વાત પણ રુચિથી કદી સાંભળી નથી. પોતાનો આત્મા–સદા
અંતરમાં પ્રકાશમાન છે અને નિર્મળ ભેદજ્ઞાનના પ્રકાશથી તે સ્પષ્ટ ભિન્ન દેખી શકાય છે, પણ પર સાથેની
એકત્વબુદ્ધિને લીધે પોતે પોતાના ભિન્ન સ્વભાવને કદી જાણ્યો નથી, તેમ જ બીજા આત્મજ્ઞાની પુરુષોની
સંગતિ– સેવા કરી નથી ને તેમની વાત રુચિપૂર્વક સાંભળી નથી; જ્યારે સત્પુરુષની વાણી સાંભળવા મળી ત્યારે
પણ સ્વાશ્રયની રુચિ કરી નહિ ને વાણી વગેરેના લક્ષે કે પરાશ્રિત વ્યવહારના લક્ષે અટકી ગયો, તેથી
અનંતકાળમાં જીવ આત્મસ્વભાવને સમજ્યો નથી. જેમ મગશેળિયા પત્થર ઉપર લાખો મણ પાણી પડે તોય તે
પલળે નહિ અને કોરડુ મગને ગમે તેટલા પાણીમાં બાફો તો પણ તે બફાય નહિ, તેમ જે પોતાના
ભાવશ્રુતજ્ઞાનને અંતરમાં વાળીને ચૈતન્ય–મૂર્તિ આત્મસ્વભાવનો આશ્રય કરતો નથી અને દ્રવ્યશ્રુતના
અવલંબનને જ જ્ઞાન માનીને અટકે છે એવા જીવ ઉપર સત્પુરુષની અમૃત વાણીનો વરસાદ ગમે તેટલો વરસે
પણ તે પલળતો નથી–તેને ધર્મ થતો નથી. વાણીના લક્ષે ધર્મ થાય નહિ પણ સ્વભાવના આશ્રયે જ ધર્મ થાય
છે. સત્પુરુષોની વાણી પણ સ્વભાવનો જ આશ્રય કરવાનું કહે છે. પરંતુ જીવ પોતે ભાવશ્રુત પ્રગટ કરીને
સ્વભાવનો આશ્રય ન કરે તો દ્રવ્યશ્રુતરૂપ વાણી તેને શું કરે? વાણી તો અચેતન છે, તેના આધારે જ્ઞાન નથી
આત્મા તરફ ન વળતાં પર તરફ

PDF/HTML Page 14 of 17
single page version

background image
: ફાગણ : ૨૪૭પ : આત્મધર્મ : ૧૦૩ :
પરમાત્મ પ્રકાશ – પ્રવચનો
લેખાંક : ૬
(અંક ૬૩ – ૬૪ થી ચાલુ) વીર સં. ર૪૭૩ દ્વિ. શ્રાવણ વદી ૧૪ શુક્રવાર (ગાથા પ મી)
(૪) ‘નમો સિદ્ધાણં’ એટલે શું?
આ પરમાત્મ પ્રકાશની માંગળિકની ગાથાઓ વંચાય છે. મંગળ તરીકે સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે.
અહીં ‘નમો સિદ્ધાણં’ ની વ્યાખ્યા છે. એટલે સિદ્ધને નમસ્કાર કરવાની રીતનું વર્ણન ચાલે છે. જેવા
સિદ્ધભગવાન છે તેવા પોતાના સ્વભાવનું ભાન કરીને, પુણ્ય–પાપ સાથે જ્ઞાનનું તન્મયપણુ ન થવું તેનું નામ
સિદ્ધને નમસ્કાર છે.
સિદ્ધદશામાં તો રાગાદિ હોતા જ નથી; છદ્મસ્થદશામાં પણ આત્મા પરમાં જઈને તો જાણતો નથી અને
રાગદ્વેષમાં તન્મય થઈને પણ જાણતો નથી. જ્ઞાનનો સ્વભાવ રાગમય થઈને રાગને જાણવાનો નથી પણ રાગથી
ભિન્ન રહીને રાગને જાણે છે. જો રાગ સાથે જ્ઞાન તન્મય થઈ જાય તો તે જ્ઞાન આંધળુ થઈ જાય અને રાગને
જાણી શકે નહિ; આવો જે પોતાનો જ્ઞાનસ્વભાવ છે તેને જાણવું તે જ ધર્મ છે અને તે જ સિદ્ધને નમસ્કાર છે.
(૪પ) ‘જ્ઞાન સ્વને જાણે તે નિશ્ચય, ને પરને જાણે તે વ્યવહાર’ એનું વિશેષ સ્પષ્ટીકરણ તથા તેનું તાત્પર્ય
સિદ્ધભગવાન નિશ્ચયથી સ્વને જાણે છે ને વ્યવહારથી પરને જાણે છે.–એટલે શું? ‘સ્વને જાણવું તે નિશ્ચય
છે માટે તે જ્ઞાન પ્રત્યક્ષ છે અને પરને જાણવું તે વ્યવહાર છે માટે તે પરોક્ષજ્ઞાન છે’––એમ તેનો અર્થ નથી,
કેવળીભગવાન સ્વને કે પરને બંનેને પ્રત્યક્ષ જ જાણે છે. ત્યાં પરને જાણે છે––એમ કહેવું તે વ્યવહાર છે, પરંતુ
પરને જાણનારું તેમનું જ્ઞાન કાંઈ પરોક્ષ નથી. તેમ અધૂરું જ્ઞાન હોય ત્યારે પણ ‘પરને જાણે છે’ એમ કહેવું તે
વ્યવહાર છે, અને પોતાના જ્ઞાનને જ જાણે છે––તે પરમાર્થ છે.
પરનું જ્ઞાન થાય છે તે જ્ઞાન તો પરમાર્થ છે; પરંતુ ‘જાણનાર સ્વ અને જ્ઞેય પર’ એમ બે ભેદ પડે છે માટે
તે વ્યવહાર છે. પરને જાણનારું જ્ઞાન પણ સ્વ નું જ છે. પણ જ્ઞાનમાં પરની અપેક્ષા કહેવી અર્થાત્ તે પરને જાણે
છે–એમ કહેવું તે વ્યવહાર છે. છદ્મસ્થ જીવ પરને જાણે કે રાગને જાણે તે વ્યવહાર છે; કેમકે કોઈ પણ જીવ
રાગના સામર્થ્યથી જાણતો નથી પણ જ્ઞાનના જ સામર્થ્યથી જ્ઞાનમાં રહીને જાણે છે. જે ગુણનો જેવો સ્વભાવ
હોય તેવો જાણવો તે યથાર્થ જ્ઞાન કહેવાય છે. જ્ઞાનગુણનો સ્વભાવ જાણવાનો છે; તે જાણવામાં પરની અપેક્ષા
નથી, પર સાથે એકમેક થઈને જ્ઞાન જાણતું નથી, પણ જ્ઞાન તો જ્ઞાનપણે રહીને જ જાણે છે આવો સ્વતંત્ર જ્ઞાન
સ્વભાવ જાણવો અને પરથી–વિકારથી તેને જુદો ટકાવી રાખવો તે જ ધર્મ છે, જ્ઞાન કહો કે ‘સમજ’ કહો.
જ્ઞાનમાં બે પ્રકાર નથી અર્થાત્ ‘અમુક જ્ઞાન પરને જાણનારું અને અમુક જ્ઞાન સ્વને જાણનારું, એવા બે ભેદ
જ્ઞાનમાં નથી. જે જ્ઞાન સ્વને જાણે છે તે જ જ્ઞાનમાં પર જણાઈ જાય છે. એ જ્ઞાન તો એકરૂપ છે, તેમાં બે ભાગ
પાડીને ‘જ્ઞાન સ્વને જાણે, અને જ્ઞાન પરને જાણે’–એમ કહેવું તેમાં નિશ્ચય–વ્યવહાર લાગુ પડે છે. જ્ઞાન પરને
જાણે છે ત્યાં પણ જે જાણપણું છે તે તો પોતાનું સ્વરૂપ જ છે, તે જ્ઞાન તો પ્રત્યક્ષ છે; પણ ‘પરને જાણનારું જ્ઞાન’
એમ પરની અપેક્ષાથી કહેવું તે વ્યવહાર છે. વ્યવહાર કહેવાથી જ્ઞાનનું પ્રત્યક્ષપણું ટળી જતું નથી.
૧–શરીરાદિ જડ છે, ર–પુણ્ય–પાપ થાય તે વિકાર છે, અને ૩–જ્ઞાન તે મારું સ્વરૂપ છે––એમ જે ત્રણ
પ્રકારને જાણે છે, તે જાણનાર જ્ઞાનમાં ત્રણ પ્રકાર નથી, જ્ઞાન તો એક જ છે, એવા એકરૂપ જ્ઞાનને એકરૂપે
ટકાવી રાખવું તેનું જ નામ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે જ ધર્મ છે. જ્ઞાનને એકરૂપ કહીને તેમાં પરની
અપેક્ષા ઉડાડી દીધી અને પ્રત્યક્ષપરોક્ષનાં ભેદ પણ કાઢી નાંખ્યા, આવો જ્ઞાનસ્વભાવી આત્મા પરની અપેક્ષા
રહિત નિરપેક્ષ છે તેને માનવો તે જ ભેદજ્ઞાન છે, તે જ ધર્મ છે.
(૪૬) સિદ્ધને નમસ્કાર કરવામાં ધર્મ કઈ રીતે આવે છે?
‘હું સિદ્ધને નમસ્કાર કરું છું’ એવો વિકલ્પ તે રાગ

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૦૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭પ :
છે. પણ જેને સિદ્ધને નમસ્કાર કરવાની વૃત્તિ થઈ તેણે સિદ્ધ કેવા છે તે જાણ્યું છે; અને સિદ્ધભગવાન પવિત્રતામાં
મારાથી મોટા છે અને મારી દશા અધૂરી છે તેથી મારે તેમને વંદન કરવા યોગ્ય છે, અને તેઓ વંદનીક છે–– એમ
સિદ્ધને અને પોતાને જ્ઞાનમાં જાણ્યા; ત્યાં બંનેને જાણનાર જ્ઞાન તો એક જ છે; સિદ્ધને જાણનાર જ્ઞાન જુદું અને
પોતાને જાણનાર જ્ઞાન જુદું–એમ નથી. આમ ભેદ, વ્યવહાર અને પરની અપેક્ષા રહિત અભેદ ચૈતન્ય સ્વભાવને
પ્રતીતમાં લેવો તે જ સમ્યગ્દર્શન છે. તે જ સાચા સિદ્ધને નમસ્કાર છે. નીચલી દશામાં પણ પરની અપેક્ષાથી જ્ઞાન
થતું નથી માટે પરમાર્થે જ્ઞાન પ્રત્યક્ષ છે. પણ નીચલી દશામાં રાગ હોય છે તેથી જ્ઞાનને પરોક્ષ કહેવું તે વ્યવહાર
છે. પોતાના જ્ઞાનસ્વભાવમાં જે રીતે કાર્ય થઈ રહ્યું છે તે રીતે જાણવું તે જ ધર્મ છે, અને પોતાના જ્ઞાનસ્વભાવને
ઊંધી રીતે માનવો તે જ અધર્મ છે.
વ્યવહારનયથી જ્ઞાન પરને જાણે છે એમ કહ્યું, છતાં તે જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે, કેમકે જાણનારે જ્ઞાનમાંથી
સ્વને જુદો રાખીને પરને જાણ્યું નથી, પણ રાગ અને નિમિત્તની અપેક્ષા વગર પોતાના સ્વભાવસામર્થ્યમાં ટકીને
જાણ્યું છે; એ સ્વભાવને જાણવો તે ધર્મ છે.
(૪૭) સિદ્ધ ભગવાનો અને સંસારી જીવોનો જ્ઞાન સ્વભાવ
પહેલાંં જ્ઞાનની વાત કરી અને તેમાં નિશ્ચય–વ્યવહાર બતાવ્યા; તેમાં કહ્યું કે સિદ્ધભગવાન પરમાં એકમેક
થઈને પરને જાણતા નથી માટે તેમને સુખ–દુઃખ નથી. હવે બીજી વાત કરે છે, તેમાં કહે છે કે કેવળીભગવાનને
રાગ–દ્વેષનો અભાવ છે માટે તેમને હર્ષ–શોક નથી, કોઈ કહે કે ‘કેવળીભગવાન ભલે પરમાં તન્મય થઈને નથી
જાણતા, પરંતુ પરનો જાણવામાં રાગ–દ્વેષ કરે તો તેમને હર્ષ–શોક થાયને? ’ તેના સમાધાન માટે કહે છે કે,
ભગવાન રાગ–દ્વેષના હેતુથી જાણતા નથી, તેથી તેમને હર્ષ–શોક નથી. જાણવામાં તેમને રાગાદિની વૃત્તિ થતી
નથી. જેમ સિદ્ધભગવાન પરને જાણે છે તેમ છદ્મસ્થ પણ પરને જાણે છે, એ જાણવામાં શું ફેર છે? પ્રત્યક્ષ અને
પરોક્ષની અપેક્ષાએ જે ફેર છે તેની અહીં મુખ્યતા નથી. અહીં તો જ્ઞાનનું કાર્ય શું છે તે બતાવવું છે. આ શરીરને
સિદ્ધભગવાન જાણે કે આ જીવ જાણે–તે બંનેના જ્ઞાનમાં શરીર જણાયું તેમાં ફેર નથી. પણ અજ્ઞાની જીવ ‘શરીર
મારું છે અથવા હું શરીરનું કરી શકું’ એમ ઊધુ માને છે અને પોતાના જ્ઞાનનો નિશ્ચય કરતો નથી–એ જ દોષ છે;
એ રાગ–દ્વેષ કરે છે અને ઊંધુ માને છે તે જ અધર્મ છે; સિદ્ધ રાગ–દ્વેષ કરતા નથી ને પરને પોતાનું માનતા નથી;
છદ્મસ્થ જ્ઞાની રાગદ્વેષને કે પરને પોતાનું સ્વરૂપ માનતા નથી છતાં હજી રાગદ્વેષ થાય છે તેથી તે સાધક છે.
જેમ સિદ્ધભગવાન પરને જાણે છે પણ પરપદાર્થો તેનાથી જુદાં છે તેમ આ જીવથી પણ પર પદાર્થો જુદાં
જ છે. જો શરીર–સ્ત્રી–પૈસા વગેરેને જાણતાં તે શરીરાદિ પદાર્થો સિદ્ધનાં થઈ જતા હોય તો આ જીવને શરીરાદિ
હોય. પણ જેમ સિદ્ધને તે કાંઈ નથી તેમ આ આત્માને પણ તે કાંઈ નથી. સિદ્ધના જ્ઞાનમાં પણ કર્મ વગેરેનો
અત્યંત અભાવ છે. તેમ આ આત્માના જ્ઞાનમાં પણ તેનો અત્યંત અભાવ છે. સિદ્ધ પણ જાણે છે ને આ જીવ
પણ જાણે છે, પણ આ જીવ રાગ–દ્વેષમાં અટકીને જાણે છે, સિદ્ધભગવાન રાગદ્વેષ રહિત જાણે છે. માટે અટકતું
જ્ઞાન હેય જાણવું અર્થાત્ રાગ–દ્વેષને હેય જાણવા અને વિકાર રહિત જ્ઞાનસ્વભાવ જ ઉપાદેય જાણવો તે કર્તવ્ય
છે. એવા જ્ઞાનસ્વરૂપ આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં ઠરવું તે સિદ્ધને ભાવનમસ્કાર છે.
(૪૮) જીવ કોની સેવા કરે છે?
સિદ્ધભગવાન પોતાના સ્વરૂપમાં જ નિવાસ કરે છે તે જાણીને પોતે પણ પોતાના સ્વરૂપમાં નિવાસ
કરવો, તેની જ આરાધના કરવી, તેનું જ સેવન કરવું તે કર્તવ્ય છે. આત્માની સાચી ઓળખાણ તે આત્માની
સેવા છે. ભગવાનની સેવા કરે છે તે કથન ઉપચારથી છે, ખરેખર
વીંછીઆમાં શ્રી જિનબિંબપ્રતિષ્ઠાનો ઉત્સવ
ફાગણ સુદ ૭ સોમવારના રોજ વીંછીઆ ગામમાં શ્રી ચંદ્રપ્રભ ભગવાન
વગેરે જિનેન્દ્રબિંબની પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો ઉત્સવ છે. ફાગણ સુદ પ–૬–૭ના ત્રણ
દિવસો દરમ્યાન ભગવાનના પંચકલ્યાણકનું દ્રશ્ય વગેરે વિધિ થશે. શ્રી જિનબિંબને
અંજનસલાકા કરવા માટે પરમ પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી પધારશે.

PDF/HTML Page 16 of 17
single page version

background image
ગાથા–
: ફાગણ : ૨૪૭પ : આત્મધર્મ : ૧૦૫ :
પોતે જેટલો રાગટાળીને પોતામાં ઠરે છે તેટલી પોતાના આત્માની જ સેવા છે.
(૪૯) જ્ઞાનીઓ પ્રતિમા પાસે કેમ જાય છે?
જ્ઞાનીઓ પણ જિનપ્રતિમાના દર્શનાદિ કરે છે; ત્યાં અજ્ઞાનીને એવું લાગે છે કે “ભગવાનની પ્રતિમા
પાસેથી કાંઈક માગે છે; જો તેમની પાસે કાંઈ ન માગતા હોય તો તેમની પાસે જાય શા માટે?” પણ જ્ઞાનીઓ
પ્રતિમા વગેરે પરદ્રવ્ય પાસેથી કાંઈ માગતા નથી. પોતાને શુભ વિકલ્પ ઊઠ્યો છે, ત્યાં પ્રતિમા વગેરે નિમિત્ત
કોઈવાર હોય છે, પણ તે નિમિત્તના અવલંબને રાગ થયો નથી. પોતાને ભગવાનના સ્વરૂપની ઓળખાણપૂર્વક
શુભ વિકલ્પ ઊઠ્યો છે તેથી પ્રતિમામાં જિનેન્દ્રદેવનો નિક્ષેપ કરે છે. મિથ્યાદ્રષ્ટિ જીવને સમ્યક્નય જ હોતા નથી
તેથી તે નિક્ષેપના સ્વરૂપને પણ જાણતો નથી. નિક્ષેપ કરનાર તો સમ્યક્નય છે.
() ત્ત્
કોઈ કહે કે ‘શાસ્ત્રથી જ્ઞાન થાય છે.’ તો જ્ઞાની તેને પૂછે છે કે શાસ્ત્ર તે કયું દ્રવ્ય? જે દ્રવ્ય શાસ્ત્રો છે તે
તો પરમાણુ છે–જડ છે–અચેતન છે, તેમાંથી શું જ્ઞાન થાય? જડ વસ્તુથી તો જ્ઞાન થાય જ નહિ. અને જો ભાવ–
શાસ્ત્ર કહો તો તે તો આત્માની જ નિર્વિકારી જ્ઞાન પર્યાય છે, તેમાં નિમિત્તનું અવલંબન નથી. દ્રવ્ય–ગુણ–
પર્યાયનું યથાર્થ સ્વરૂપ ઓળખવાથી જ જૈન દર્શનના દરેક તત્ત્વનો યથાર્થ ઉકેલ થઈ શકે છે.
કોઈ કહે કે ‘ભગવાનની વાણીથી જ્ઞાન થયું;’ તો તેને જ્ઞાની પૂછે છે કે ભગવાન એટલે શું? તે દ્રવ્ય–ગુણ
કે પર્યાય? અને વાણી એટલે શું?–તે કોની પર્યાય? પહેલાંં, ભગવાન તો આત્મદ્રવ્યની પર્યાય છે અને વાણી તો
જડની પર્યાય છે, માટે વાણી ખરેખર ભગવાનની નથી. અને વાણી જડ–છે તેનાથી જ્ઞાન–થતું નથી. આમ
સંયોગથી અને રાગથી જુદું જ્ઞાનસ્વરૂપ જાણે તો તે જ્ઞાન સ્વ પરને યથાર્થ જાણી શકે. પણ જો રાગમાં ને પરમાં
જ એકપણું માને તો જ્ઞાન સ્વને કે પરને યથાર્થ જાણી શકે નહિ.
।। ५।।
વળી સિદ્ધભગવાનનું સ્વરૂપ વિશેષપણે ઓળખાવે છે––
केवल दंसण णाणमय केवल सुक्ख सहाय।
जिणवर बंदउं भत्तियए जेहिं पयासिय भाव।।
६।।
અર્થ:–જેઓ કેવળદર્શન અને કેવળજ્ઞાનમય છે તથા કેવળ સુખ જ જેમનો સ્વભાવ છે અને જેમણે
જીવાદિક સમસ્ત પદાર્થો પ્રકાશિત કર્યા છે (–જાણ્યા છે, ને કહ્યા છે) તે પરમાત્માને હું નમસ્કાર કરું છું.
(પ૧) સિદ્ધભગવાને શેનું સુખ?
પ્રશ્ન:–સિદ્ધ ભગવાનને શરીર અને ઈન્દ્રિયો કે બાહ્ય કાંઈ સામગ્રી નથી છતાં તેઓ કેવળ સુખમય છે તો
તેઓ કઈ રીતે સુખી હશે?
ઉત્તર:–ત્યાં કેવળજ્ઞાન–કેવળ દર્શનમય સ્વભાવ છે, સિદ્ધને પોતાની પૂર્ણ શુદ્ધ પર્યાયનું જ સુખ છે. સિદ્ધ
દશામાં અથવા તો કોઈ પણ જીવને સુખ માટે જે સામગ્રીની જરૂર માને છે અને પરને સંભારે છે તેને
સુખસ્વરૂપી આત્માની પ્રતીતિ નથી અને તેણે જ્ઞાનસ્વભાવને જાણ્યો નથી. સિદ્ધદશામાં તો આત્માની આકુળતા
ટળી ગઈ છે અને એકલા સુખરૂપ દશા થઈ ગઈ છે. સાધક જીવને પોતાની પર્યાયનું પૂર્ણધ્યેય સિદ્ધદશા છે તેથી
તેને ઓળખીને બહુ માન કરે છે–વારંવાર સ્મરણ કરીને નમસ્કાર કરે છે. અહીં શરૂઆતથી ૬ ગાથા સુધી
સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા છે.
(–ચાલુ)
વર્દ્ધમાનપુરીમાં જિનમંદિરનું ખાતમુહૂર્ત
શ્રી વર્દ્ધમાનપુરી (વઢવાણ શહેર)માં પોષ વદ ૩ને સોમવારના દિવસે શ્રી જિનમંદિર તથા
સ્વાધ્યાયમંદિરનું ખાતમુહૂર્ત ત્યાંના મુમુક્ષુમંડળે ઉત્સાહપૂર્વક કર્યું હતું. ખાતમુહૂર્તનો વિધિ સોનગઢમાં
બ્રહ્મચારી શ્રી ગુલાબચંદભાઈએ કરાવ્યો હતો. પરમ પૂજ્યગુરુદેવશ્રી જૈનધર્મની જે અપૂર્વ પ્રભાવના કરી
રહ્યા છે તેનો જ આ પ્રતાપ છે. આ મંગળ કાર્યની શરૂઆત કરવા માટે વર્દ્ધમાનપુરીના મુમુક્ષુઓને વધાઈ!!
આજીવન બ્રહ્મચર્ય
મહા વદ પ ગુરુવાર તા ૧૭–ર–૪૯ના રોજ પરમ પૂજ્ય સદગુરુદેવશ્રી વિહાર કરીને ગોરડકા ગામે
પધાર્યા ત્યારે ત્યાંના ભાઈ શ્રી મનસુખલાલ અમીચંદભાઈ (ઉ. વ. ૪૪) તથા તેમનાં ધર્મપત્ની પારવતી
બેન–તેમણે પૂ. ગુરુદેવશ્રી પાસે સજોડે આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. આ શુભકાર્ય
બદલ તેઓને ધન્યવાદ.

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permison of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30 - 24 date 31 - 10 - 4
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ : સોનગઢનાં પ્રકાશનો
શ્રી સમયસાર–પ્રવચનો ભાગ ૧–૩–૪ દરેકના ૩–૦–૦
શ્રી સમયસાર–પ્રવચનો ભાગ–ર જો ૧–૮–૦
શ્રી અપૂર્વઅવસર–પ્રવચનો ૦–૮–૦
શ્રી આત્મસિદ્ધિ–પ્રવચનો [આવૃત્તિ ત્રીજી] ૩–૮–૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ૦–૧ર–૦
શ્રી ધર્મની ક્રિયા ૧–૮–૦
શ્રી મૂળમાં ભૂલ ૧–૦–૦
શ્રી જિનેન્દ્ર સ્તવનમંજરી ર–૦–૦
શ્રી જિનેન્દ્ર સ્તવનાવલી ૦–૮–૦
શ્રી સર્વસામાન્ય પ્રતિક્રમણ [આવૃત્તિ ત્રીજી] ૦–૮–૦
શ્રી નિયમસાર–પ્રવચનો ભાગ–૧ ૧–૮–૦
શ્રી સમવસરણ સ્તુતિ [આવૃત્તિ ત્રીજી] ૦–૪–૦
શ્રી મોક્ષશાસ્ત્ર (ગુજરાતી ટીકા) છપાય છે
શ્રી પૂજા સંગ્રહ
[આવૃત્તિ ચોથી] ૦–૧૦–૦
શ્રી પ્રવચનસાર (ગુજરાતી) ર–૮–૦
શ્રી સમયસાર પદ્યાનુવાદ ૦–૪–૦
શ્રી પ્રવચનસાર પદ્યાનુવાદ ૦–પ–૦
શ્રી યોગસાર પદ્યાનુવાદ ૦–ર–૦
શ્રી યોગસાર પદ્યાનુવાદ તથા ઉપાદાન નિમિત્ત દોહા ૦–૩–૦
શ્રી મુક્તિનો માર્ગ ૦–૯–૦
શ્રી સત્તાસ્વરૂપ અને અનુભવપ્રકાશ ૧–૦–૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ૩–૦–૦
શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકા ૦–૮–૦
શ્રી છહ ઢાળા [ગુજરાતી] ૦–૧૪–૦
શ્રી દ્રવ્ય સંગ્રહ [ગુજરાતી] ૦–૭–૦
શ્રી સમ્યગ્જ્ઞાન દીપિકા [ગુજરાતી] ૧–૦–૦
શ્રી આત્મસિદ્ધિ સાર્થ ૦–૪–૦
શ્રી આત્મસિદ્ધિ ગાથા ૦–ર–૦
શ્રી આલોચના ૦–ર–૦
શ્રી પુરુષાર્થ ૦–૪–૦
શ્રી દશ લક્ષણ ધર્મ ૦–૯–૦
શ્રી પંચાધ્યાયી ભાગ–૧ ૩–૮–૦
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી. શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. રપ – ર – ૪૯
પ્રકાશક : શ્રી જૈન સ્વાધ્યાય મન્દિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા સૌરાષ્ટ્ર