Atmadharma magazine - Ank 066
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૬
સળંગ અંક ૦૬૬
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
ચૈત્ર : સંપાદક : વર્ષ છઠ્ઠું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૫ વકીલ અંક છઠ્ઠો
અપૂર્વ શાંતિ કેમ થાય?
આ આત્મા અનાદિ કાળથી તેનો તે જ છે. પણ
અનાદિ કાળમાં કદી પણ તેણે પોતાના સ્વાધીન
સ્વભાવની ઓળખાણ કરીને તેનો આશ્રય કર્યો નથી અને
પરનો જ આશ્રય કર્યો છે, તેથી પરના આશ્રયે તેને કદી
શાંતિ મળી નથી. આત્માનું સુખ પરમાં નથી, તો પરનો
આશ્રય કરવાથી આત્માને સુખ ક્યાંથી થાય? જીવનો
પોતાનો સ્વભાવ જ્ઞાન–આનંદથી ભરપૂર છે, તેનો વિશ્વાસ
કરીને તેનો આશ્રય કરે તો અપૂર્વ શાંતિ–સુખ થાય. જેમ
લાકડું સમુદ્રના પાણીમાં તરે છે તેમ આત્માની વર્તમાન
અવસ્થા ત્રિકાળી ચૈતન્ય–દરિયામાં પડતાં (અર્થાત્–
ત્રિકાળી ચૈતન્યનો આશ્રય કરતાં) તરે છે, એટલે કે મુક્તિ
પામે છે.
–ભેદવિજ્ઞાનસાર
છુટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
• અનેકાન્ત મુદ્રણાલય: મોટા આંકડિયા: કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
બપોરે ૩ થી ૪ સોમવાર માહ સુદ ૯ પદ્મનંદી પચ્ચીસી સદ્બોધચંદ્રોદયાધિકાર ગાથા–૧
આ સદ્બોધ–ચંદ્રોદય અધિકાર છે. લોકો બીજના ચંદ્રને પગે લાગે છે, પણ તે કાંઈ ધર્મ નથી. આ આત્મા
પોતે ચંદ્રસમાન છે, તેનું સાચું જ્ઞાન કરવું તે સદ્બોધરૂપી ચંદ્રમાં છે, ને તે શાંતિનું કારણ છે. તેનું સાચું જ્ઞાન કરે
તો સુખ પ્રગટે. સમયસારની સ્તુતિમાં કહ્યું કે “સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી” ભાવમરણ કેમ
ટળે તેની આ વાત છે. આત્મા પોતે સુખસ્વરૂપ છે, આત્મામાં શાંતિ છે, પણ તેની જેને ખબર નથી તે બહારમાં
શાંતિ માને છે, પણ તેમાં શાંતિ નથી. શરીર–પૈસા–કુટુંબ વગેરે વસ્તુઓમાં સુખ નથી, તે તો પર ચીજ છે, તે
પડી રહે છે ને આત્મા ક્યાંક ચાલ્યો જાય છે, માટે તેમાં સુખ નથી. પણ અજ્ઞાનથી તેમાં સુખ માને છે ને તે
શરીર વગેરેમાં પોતાપણું માને છે તે સંસાર છે, ને તેનું દુઃખ છે, તે દુઃખ કેમ ટળે તેનો ઉપાય જ્ઞાની કહે છે. સાચું
સુખ તો જ્ઞાનમાં છે, તે સમજે તો શાંતિ થાય. પણ પહેલાંં તેની રુચિ થવી જોઈએ. કે અરેરે! હું કોણ છું? મારું શું
સ્વરૂપ છે? અનંતકાળે મોંઘો મનુષ્યભવ મળ્‌યો તેમાં આત્માનું સ્વરૂપ શું છે તે જાણે તો દુઃખ ટળે. સંસારી
જીવોના ભાવમરણો કેમ ટળે તે માટે કરુણા કરીને જ્ઞાનીનો ઉપદેશ છે.
આત્મામાં ચૈતન્ય ખજાનો છે, આનંદ અને શાંતિ અંદરમાં છે, પણ જેમ કસ્તુરીમૃગ બહારમાં સુગંધ માને છે
તેમ અજ્ઞાની જીવ બહારમાં સુખ ગોતે છે, પણ અંદરમાં સુખ છે; એવા આત્માનું જ્ઞાન થાય તો સદ્બોધરૂપી ચંદ્રમાં
ઊગે, ને પછી જેમ બીજમાંથી પૂર્ણિમા થાય છે તેમ તે સમ્યગ્જ્ઞાનમાંથી કેવળજ્ઞાન થાય છે. તેની આ વાત છે.
ગાથા – ૧
આ આત્મા સુખનો ભંડાર છે; તેમાંથી જ સુખ પ્રગટે છે. જેમ કાચા ચણાને શેકો તો તેમાં મીઠાશ પ્રગટે
છે, તે મીઠાશ બહારથી પ્રગટી નથી પણ ચણામાં જ ભરી હતી તે પ્રગટી છે, તેમ સાચી ઓળખાણ કરતાં
આત્મામાં સુખ પ્રગટે છે, તે બહારથી આવતું નથી પણ અંદર ભર્યું છે તેમાંથી જ આવે છે. એવું સાચું જ્ઞાન કરવું
તે આ મનુષ્યભવનું કર્તવ્ય છે. મનુષ્ય અવતાર પામીને જો આત્માની ઓળખાણ ન કરે તો તે અવતારની કાંઈ
ગણતરી નથી. જેમ કાચો ચણો તૂરો લાગે ને વાવો તો ઊગે પણ તેને શેકો તો મીઠાશ આવે ને ફરી ઊગે નહિ.
તેમ આત્મા અજ્ઞાનભાવથી દુઃખી છે, ને નવાં નવાં ભવ ધારણ કરે છે. પણ આત્માની સાચી ઓળખાણ કરતાં
તેને સુખ પ્રગટે. ને ફરીથી ભવ ધારણ કરે નહિ. આ આત્મા આબાળ–ગોપાળ બધાય ને ખ્યાલમાં આવે તેવો
છે. મોક્ષસુખનો દેવાવાળો આત્મા છે. એવા આત્માને જાણી શકે, પણ મોટા વિદ્વાનો પણ વાણીથી તેનું વર્ણન
કરી શકે નહિ. જ્ઞાનમાં આવે પણ વાણીમાં આવે નહિ. જેમ ઘી ખાતાં તેના સ્વાદનું જ્ઞાન થાય છે પણ વાણીમાં
તે પૂરું કહેવાતું નથી, તેમ આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં જણાય છે પણ વાણીમાં કહી શકાતું નથી. આત્માને
જાણનારા જ્ઞાની પણ તેને વાણીથી કહેવા સમર્થ નથી, તો પછી અજ્ઞાની તો તેને ક્યાંથી કહી શકે?
આ મનુષ્યદેહ દુર્લભ છે, ને તેમાં ય આત્માનું ભાન કરવું તે મહા દુર્લભ છે. ઘણા જીવો મનુષ્યપણું
પામીને આત્માને જાણતા નથી ને કાગડાં–કૂતરાં–કીડા જેવું જીવન ગાળે છે. આત્મસ્વભાવ એવો છે કે જ્ઞાનથી
અનુભવી શકાય છે, પણ વાણીથી કહેવાતો નથી. શ્રી મદ્રાજચંદ્ર કહે છે કે–
“જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં
કહી શક્યા નહિ તે પણ શ્રીભગવાન જો.
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.”
એવા આત્માનું ભાન આઠ આઠ વર્ષના રાજકુમારો કરે છે હું જ્ઞાનાનંદ સ્વરૂપ છું–એવો અનુભવ આઠ
વરસનાં બાળકો પણ કરે છે. ચૈતન્યના મહિમાનો વિસ્તાર એટલો બધો છે કે વાણીથી પૂરો ન પડે, પણ જ્ઞાનના
અનુભવથી જ પૂરો પડે છે. ઘીનું વર્ણન લખીને ગમે તેટલા ચોપડા ભરે કે ગમે તેટલું કથન કરે, પણ તેનાથી
સામા જીવમાં ઘીનો સ્વાદ આપી શકે નહિ, તેમ ચૈતન્યનું ગમે તેટલું કથન કરવામાં આવે પણ અનુભવ વિના
તેનો પાર પડે નહિ. આત્મા જાણ્યા વિના જન્મ મરણનો અંત આવે નહિ. આત્મા જાણનાર દેખનાર પદાર્થ છે,
મહિમાવાળો ભગવાન છે, વાણી જડ અચેતન છે, તેના વડે આત્મા જણાતો નથી. તો તેને જાણવાનો ઉપાય શું?
તે કહે છે. લાખો–કરોડો પ્રાણીમાં કોઈ વિરલા પ્રાણીઓ અંતરમાં અનુભવ વડે તેને જાણે છે.
(અનુસંધાન પાન ૧૨૦)

PDF/HTML Page 4 of 17
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૦૯ :

માહ સુદ ૧૦ મંગળવાર
[સવારે દસ વાગે માંગળિક]
આ આત્મા પોતે માંગળિક છે. આત્માની ઓળખાણ કરવી તે જ મંગળ છે. આત્મા પોતામાં સુખ છે તે
ભૂલીને શરીર–મન–વાણી–લક્ષ્મી વગેરેમાં સુખ માને છે અને તેને પોતાનાં માને છે તે અમંગળ છે. પુત્રને જન્મ
થાય, લગ્ન થાય, કે ઘરનું વાસ્ત લ્યે–એને લોકો મંગળ કહે છે પણ તે તો બધા નાશવાન છે, તે કોઈ માંગળિક નથી.
આત્માનો અવિનાશી સ્વભાવ છે તે જ માંગળિક છે. અરિહંત મંગળ, સિદ્ધ મંગળ, સાધુ મંગળ અને ધર્મમંગળ–એ
ચાર મંગળ છે તે ચારે ય, આત્માની જ નિર્મળ દશાઓ છે. આત્મા પોતે જ્ઞાનપ્રભુ છે પણ એને પોતાના મહિમાની
ખબર નથી તેથી ક્ષણિક પુણ્ય–પાપના વિકારને પોતાનો માને છે, તે અમંગળ છે, આત્મા જ્ઞાનાનંદભગવાન છે તેના
ભાનદ્વારા તે અમંગળ ટળે છે. મંગલ શબ્દમાં મમ અને ગલ એવા બે પદ છે. ‘મમ’ એટલે પર વસ્તુનું હું કરી શકું
એવું અભિમાન, તેને આત્મભાન વડે જે ગાળે નષ્ટ કરે–તે ભાવ મંગળ છે. આત્માના જે પવિત્ર ભાવ વડે પાપનો
નાશ થાય તે માંગળિક છે. અથવા મંગ એટલે પવિત્રતા, તેને જે પમાડે તે માંગળિક છે. આત્માના જે ભાવ વડે
આત્માને પવિત્રતાનો લાભ થાય તે મંગળ છે. પવિત્રતાનો લાભ, અને અભિમાનનો નાશ–એ બંને જુદા નથી.
પવિત્રતાનો લાભ તે અસ્તિથી કથન છે અને અભિમાનનો નાશ તે નાસ્તિથી છે. એક મંગળભાવમાં બંને આવી
જાય છે. આત્માની ઓળખાણ કરીને અંતરમાં આત્માનો ધર્મ પ્રગટ કરે તેને ભગવાન માંગળિક કહે છે. આ
માંગળિક અવિનાશી છે. દેહાદિથી ભિન્ન, જ્ઞાન સ્વરૂપી આત્માની સત્સમાગમે ઓળખાણ, શ્રદ્ધા અને સ્થિરતા પ્રગટ
કરવી તે અસ્તિથી મંગળ છે. જ્ઞાનસ્વરૂપી આત્મા મંગળ છે, તેના ભાન વડે અજ્ઞાન ટળે છે. અજ્ઞાન એ જ પાપ છે,
તેનો નાશ જ્ઞાનથી થાય છે. અજ્ઞાનનો નાશ તે નાસ્તિથી મંગળ છે.
અરિહંત અને સિદ્ધ માંગળિક છે, તે આત્માની જ અવસ્થાઓ છે. અંતરમાં પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ છે
તેમાંથી સર્વજ્ઞદશા પ્રગટ કરવી તેને ભગવાન માંગળિક કહે છે. ઘરનું વાસ્તુ, વિવાહ વગેરે કાર્યોમાં મંગળ નથી,
ત્યાં તો પાપ ભાવ છે તે અમંગળ છે. આત્મા પોતે અનંતગુણનો પિંડ છે. આત્મામાં અનંતગુણોનું વાસ્તુ છે.
આત્માનું વાસ્તુ એટલે આત્માનું રહેઠાણ. આત્મા શરીરમાં કે મકાનમાં રહેતો નથી પણ પોતાના જ્ઞાનાદિ
અનંતગુણોમાં રહે છે અનંતગુણો તે આત્માનું વાસ્તુ છે. આત્માનું રહેઠાણ શોધીને તેમાં વસવું તે માંગળિક છે.
વસ્તુની ઓળખાણ કરીને તેમાં વસે તેને વાસ્તુ કહે છે. આત્માના ભાનથી સિદ્ધદશા પ્રગટ કરી તેમાં આત્મા
સાદિ અનંતકાળ રહે છે, તે જ આત્માનું વાસ્તુ છે. એ સિવાય બીજું ઘર આત્માને નથી.
શ્રી વીતરાગ સર્વજ્ઞદેવે જેવો જોયો અને કહ્યો તેવા આત્માને જાણવો તે જ પ્રથમ મંગળ છે, તે જ ધર્મ છે.
જુઓ ભાઈ! આ વાત અંતરના અધ્યાત્મની છે, બહારની આ વાત નથી. માટે અંતરમાં આત્માની દરકાર કરીને
આ સમજવું જોઈએ. આ સમજ્યા વગર જીવ–અનંતકાળથી રખડયો છે. હવે સાચી સમજણ કરવી તે માંગળિક
છે. શરીર અને વિકારથી ભિન્ન ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું ભાન થયા પછી અંદરમાં ઠરીને પૂર્ણ જ્ઞાન
પ્રગટ્યું તે અરિહંત અને સિદ્ધ છે, અને અંદરમાં ઠરતાં ઠરતાં જેને કંઈક કચાસ રહી ગઈ છે તે સાધુ છે, ને જે
પવિત્ર દશા પ્રગટી છે તે ધર્મ છે, એ અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ–એ ચાર માંગળિક છે. આ ચારે માંગળિક છે
તે આત્માની પવિત્ર દશા છે. જ્યાં સુધી આત્મતત્ત્વને ઓળખે નહિ ત્યાં સુધી જે કાંઈ કરે તે બધા સાધન ખોટા
છે. અનંતકાળે નહિ કરેલ એવું આત્મભાન કરવું તે જ મંગળ છે.
અમ ઘેર પ્રભુજી પધાર્યા
ફાગણ વદ ૩ ના દિવસે સાવરકુંડલામાં શ્રી આદિનાથ ભગવાન અને
શ્રી મહાવીર ભગવાનના પ્રતિમાજી (જેની પ્રતિષ્ઠા વીંછિયામા થઈ હતી
તે) પધાર્યા છે, પ્રભુજી પધાર્યા તે પ્રસંગે ત્યાંના શેઠશ્રી જગજીવન બાઉચંદ
દોશી વગેરેએ ઘણા જ ઉત્સાહપૂર્વક પ્રભુજીના સન્માનનો ઉત્સવ ઊજવ્યો
હતો. પ્રભુજીના ભવ્ય સ્વાગતમાં ગામના સેંકડો લોકોએ ભાગ લીધો હતો.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૧૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૫ :
બપોરે ૩ થી ૪ માહ સુદ ૧૪ શનિ
પદ્મનંદિ [ગાથા ત્રીજી]
ધર્મનું માહાત્મ્ય કરવા માટે તેનું જ્ઞાન કરવું જોઈએ. ઢોર, કાગડાનાં દેહ અનંતવાર મળે છે, તેમાં
મનુષ્યદેહ મોંઘો છે. તે મનુષ્યદેહમાં જો આત્માની સમજણ ન કરે તો તેની કાંઈ કિંમત નથી. વિષયભોગમાં તો
કાગડા કૂતરાં ય જીવન ગાળે છે, મનુષ્ય થઈને પણ ધર્મ ન સમજે અને ભોગમાં જીવન ગાળે તો તેની કાંઈ
કિંમત નથી. આ શરીરની તો રાખ થવાની છે, આત્મા તેનાથી જુદો છે. એવા આત્માને ભૂલીને જીવ રખડે છે,
ને તેને ઓળખે તો પોતે મુક્તિ પામે છે. પણ કોઈ પરમાત્માની અકૃપાથી રખડતા નથી ને પરમાત્માની કૃપાથી
તરતો નથી.
જેમ સરોવરમાં રહેનારો હંસ, કમળ ઉપરની પ્રીતિ છોડીને હંસલી ઉપર પ્રીતિ કરે છે, તેમ શરીરમાં રહેલો
જે આત્મા શરીરાદિની પ્રીતિ છોડીને પોતાના આત્માની પ્રીતિ કરે છે તે જીવ આ જગતમાં ધન્ય છે! સરોવરમાં
કમળો ખીલેલાં હોવા છતાં હંસલો પોતાની હંસલી ઉપરની પ્રીતિ છોડીને તેના ઉપર પ્રીતિ કરતો નથી, તેમ આ
ચૈતન્યરૂપ હંસલો છે, ને તેને પૈસા–મકાન વગેરે બહારની ચીજો છે તે પૂર્વનાં પ્રારબ્ધનું ફળ છે, તેની પ્રીતિ
છોડીને પોતાનો આત્મા સમજવાની પ્રીતિ કરે તો નિર્મળ પરિણતિ પ્રગટે તે આત્માની હંસલી છે.
અરે ભાઈ; બે ઘડી–ચાર ઘડી તું તારા આત્માનો વિચાર તો કર. તારી તને કિંમત નહિ ને તું બીજાની
કિંમત કરે! તે શોભતું નથી. બહારની ચીજો તારી નથી, તે તારી સાથે નહિ આવે. માટે તેનાથી જુદો આત્મા છે
તેની પ્રીતિ કર. ધર્મી જીવને આત્માની પ્રીતિ અને ધ્યાન કરતાં કરતાં અણિમા–મહિમા વગેરે રિદ્ધિ પ્રગટે છે, પણ
તેઓ તેની પ્રીતિ છોડીને આત્માની પ્રીતિ કરે છે. શરીરનું રૂપ મેરુ જેવડું કરી નાંખે ને કંથવા જેવડું પણ કરી
શકે, એક લાડવામાં કરોડો માણસોને જમાડે, શરીરનું વજન કરોડો મણ કરી શકે, ઉપરથી દેવને ઉતારવો હોય
તો ઉતારે–આવી આવી સિદ્ધિઓ ધર્માત્માને પ્રગટી હોય પણ તેની પ્રીતિ તો સંસારમાં રખડવાનું કારણ છે. ધર્મી
જીવ તેની પ્રીતિ કરતા નથી પણ આત્માની પ્રીતિ કરે છે.
એક હતો બ્રાહ્મણ. એકવાર જંગલમાં તેના હાથમાં ચિંતામણિ રતન આવી ગયું. ત્યાં જે તે ચિંતવવા
માંડયો. ખાવાનું, મકાન, પલંગ વગેરે માગવા જ માંડ્યું. ત્યાં એક કાગડો આવ્યો ને તેને ઉડાડવા તેણે તે
ચિંતામણિ રતન ફેંકી દીધું, ત્યાં તરત જ મકાન પલંગ વગેરે બધું વીંખાઈ ગયું, ને હતો તેવો થઈ ગયો. તેમ આ
મનુષ્યદેહ અનંતકાળે જીવને મળ્‌યો છે. આ મનુષ્યદેહ ચિંતામણિ જેવો છે. તેને રળવામાં ને ભોગમાં ગાળે છે,
પણ બે ઘડી આત્માની સમજણ કરતો નથી. બીજે બધે ઠેકાણે ડહાપણ બતાવે છે પણ આત્માની સમજણ તો
કરતો નથી, અનંતકાળે મનુષ્યદેહ મળ્‌યો ને ધર્મની પરીક્ષા પણ કરતો નથી. થોડો વખત રહ્યો, ભાઈ! હવે તું
આત્માની સમજણ કર. નિવૃત્તિ લે; પ્રવૃત્તિ ઘટાડ. અહો મારી મુક્તિ કેમ થાય? મારે જન્મ–મરણ જોઈતાં નથી–
એમ જેને અંતરમાં ભવભ્રમણનો ત્રાસ લાગ્યો હોય, તેણે આત્માની સમજણ કરવી. અનંતકાળમાં બધું પરખ્યું
છે પણ આત્માને ન ઓળખ્યો.
“પરખ્યાં માણેક મોતીયાં
પરખ્યાં હેમ–કપૂર
પણ આત્મા પરખ્યો નહિ
ત્યાં રહ્યો દિગ્મૂઢ.”
અરે ભાઈ, તારું એક રુંવાડું ખેંચાય તો ય તને દુઃખ લાગે છે, તો આખે આખા માણસને રેંસી નાંખવા
તે તો મહાપાપ છે; એવા શિકાર વગેરે મહાપાપ કરનારા નરકમાં જાય છે. મનુષ્ય થઈને આત્માની દરકાર ન
કરે ને વિષય–ભોગ, ક્રોધ, કપટ, લંપટપણું વગેરે મહા અધર્મ કરે તેઓ મનુષ્યપણું હારીને ઢોર ને નરકમાં રખડે
છે, કાંઈક દયા, દાનનાં શુભ કાર્ય કરે તો દેવ કે માણસ થાય છે. પુણ્ય–પાપના ભાવ તો જીવે અનંતકાળથી કર્યા
છે, તે કાંઈ નવું નથી.
જે આત્મવેત્તા હોય કે આત્માવેત્તાની ભક્તિ કરીને આત્મવેત્તા થવાનો કામી હોય તેનું જ જીવન

PDF/HTML Page 6 of 17
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૧૧ :
કૃતાર્થ છે, બાકીના જીવનો અવતાર તો ખાસડા મારવા જેવો છે.
એક હતો ઝવેરી; તે ઘણો વૃદ્ધ થયો હતો. હીરાની પરીક્ષા કરવામાં તે ઘણો હોશિયાર હતો. એક વાર
રાજા પાસે ઘણો કિંમતી હીરો આવ્યો, ને બધા પાસે કિંમત કરાવી. છેવટે તે ઝવેરી પાસે કિંમત કરાવી. તેની
કળાથી રાજા પ્રસન્ન થયો અને તેને ઈનામ આપવાનું નક્કી કર્યું.
તે રાજાનો દીવાન ધર્માત્મા હતો. સાંજે તેણે ઝવેરીને બોલાવીને પૂછયું: ભાઈ, હીરા પરખતાં તો જાણો
છો, પણ આત્માને પરખ્યો? જિંદગીમાં કાંઈ ધર્મની સમજણ કરી? ઝવેરીને ધર્મની કાંઈ ખબર ન હતી; તેથી
તેણે ના કહી.
બીજે દિવસે સવારે રાજાએ ઝવેરીને બોલાવ્યો. અને ધર્મી દીવાનને પૂછયું: દીવાનજી! બોલો, આ
ઝવેરીને શું ઈનામ આપશું? દીવાને કહ્યું–એને સાત ખાસડાંનું ઈનામ આપવું જોઈએ. રાજાને આશ્ચર્ય થયું તેથી
પૂછયું–અરે, દીવાન! સાત ખાસડાંનું ઈનામ હોય? કાંઈક રૂપિયા વગેરે આપવું જોઈએ ને! ત્યારે દીવાને ફરીથી
કહ્યું–એને સાત નહિ પણ ચૌદ ખાસડાં મારવાં જોઈએ. રાજાએ કહ્યું–એમ કેમ? દીવાન કહે–મહારાજ! એને ૮૦
વર્ષ થયા, અને દીકરાના ઘરે દીકરા થયા તો ય હજી ધર્મ સમજવાની દરકાર કરતો નથી. અહીંથી મરીને ક્યાં
જઈશ? તેની દરકાર નથી. જીવન પૂરું થવા આવ્યું છતાં ધર્મની ઓળખાણ કરતો નથી, માટે તેને ખાસડાં
મારવા જોઈએ.
ધર્માત્મા દીવાનની વાત સાંભળીને ઝવેરી બહુ રાજી થયો, ને રાજાને કહ્યું–મહારાજ! મારે તમારું
રૂપિયાનું ઈનામ નથી જોઈતું, દીવાને મને ઈનામ આપ્યું તે મારે જોઈએ છે. એમ સમજીને તે ઝવેરી ધર્મની
સમજણ કરવા લાગ્યો.
જો સંસારમાં સુખ હોય તો ધર્માત્મા તેને છોડે શું કામ? જો પરમાં સુખ હોય તો ધર્માત્મા તેને છોડીને
આત્માનું ધ્યાન કેમ કરે? માટે કલ્પનાતીત અને ઈન્દ્રિયાતીત આત્મામાં જ સુખ છે, તેના સુખની પ્રતીતિ કર, ને
પરની મમતા છોડ. જેઓ આત્માને સમજે ને તેની પ્રીતિ કરે એવા હંસને અમે નમસ્કાર કરીએ છીએ. એના
અવતારની સફળતા છે.
• બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા •
વીંછિયામાં પ્રતિષ્ઠામહોત્સવ દરમિયાન પૂ. ગુરુદેવશ્રી પાસે નીચે જણાવેલા ભાઈ–બહેનોએ આજીવન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે–
(૧) શાહ ત્રિભોવનદાસ પાનાચંદ તથા તેમના ધર્મ–પત્ની ધોળીબેન. (ફાગણ સુદ ૪ ને ગુરુવાર.)
(૨) શેઠ અમરચંદ વાલજીભાઈ તથા તેમના ધર્મપત્ની રૂપાળીબેન. (ફાગણ સુદ ૬ રવિવાર)
(૩) રતિલાલ કસ્તુરચંદ ડગલી તથા તેમના ધર્મપત્ની રંભાબેન. (ફાગણ સુદ ૭ સોમવાર)
(૪) મગનલાલ નારણજી ખારા તથા તેમના ધર્મપત્ની નર્મદાબેન. (ફાગણ સુદ ૭ સોમવાર)
(પ) શાહ મગનલાલ જીવણભાઈ તથા તેમના ધર્મપત્ની બાલુબેન. (ફાગણ સુદ ૭ સોમવાર)
(૬) ધોળકીઆ હરિલાલ લાલચંદ તથા તેમના ધર્મપત્ની સમરતબેન. (ફાગણ સુદ ૭ સોમવાર)
બ્રહ્મચર્ય લેનારા સર્વે ભાઈ–બહેનોને અભિનંદન
• રાજકોટમાં પૂ. ગુરુદેવ શ્રી •
ફાગણ વદ પ સુધી વીંછિયા રોકાઈને, છઠ્ઠને દિવસે પૂ. ગુરુદેવશ્રીએ ત્યાંથી રાજકોટ તરફ વિહાર કર્યો છે.
પૂ. ગુરુદેવશ્રી રાજકોટમાં ચૈત્ર સુદ એકમના રોજ પધારશે અને ત્યાં લગભગ વૈશાખ સુદ ૮ સુધી બિરાજશે.
• અપૂર્વ ચીજ – આત્માની સમજણ •
જુઓ ભાઈ, આત્મસ્વભાવની સમજણ કરવી તે જ અપૂર્વચીજ છે; અનંતકાળમાં બધું ય કર્યું છે પણ
પોતાનો આત્મસ્વભાવ શું છે તે સમજ્યો નથી. આ જીવનમાં એ જ કરવા જેવું છે, એના વગર જીવનમાં જે
કાંઈ કરે તે બધું થોથાં છે; આત્માને સંસારનું કારણ છે. અનંતકાળથી આત્માની સમજણ કરી નથી તેથી તેને
માટે અનંતી દરકાર અને રુચિ જોઈએ. રુચિ વગર પુરુષાર્થ ઊપડે નહિ.
–ભેદવિજ્ઞાનસાર

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૧૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૫ :
બપોરે ૩ થી ૪ માહ સુદ ૧પ રવિ
જેમ કંદોઈની દુકાને અફીણ ન મળે પણ મીઠાઈ મળે, તેમ અહીં આત્માની વાત છે, આત્માની દુકાને
આત્માની વાત મળે, પણ પુણ્ય–પાપની વાત ન મળે. આત્મા શુદ્ધ ચિદાનંદ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. આ મનુષ્યદેહ
અનંતકાળે મળે છે, તેમાં જો શરીરથી ભિન્ન આત્માની સમજણ કરે તો તે સફળ છે. જો આત્માની સમજણ ન
કરે ને એમ ને એમ જીવન ગાળે તો કાગડા–કૂતરાંના જીવનમાં અને તેના જીવનમાં કાંઈ ફેર નથી.
જેમ હંસ એને કહેવાય કે જેની ચાંચમાં દૂધ અને પાણીને જુદા પાડવાની તાકાત હોય. દૂધ અને પાણીને
જુદા પાડવાની તાકાત ન હોય તો તેને હંસ ન કહેવાય પણ કાગડો કહેવાય. તેમ આ મનુષ્યભવ પામીને જે જીવ
શરીરથી જુદા આત્માને જાણે છે તે હંસ છે, પણ શરીરથી ભિન્ન આત્માને જે નથી જાણતો તે અજ્ઞાની છે, તેનું
જીવન વ્યર્થ છે.
આત્મા છે, તે પૂર્વે હતો ને ભવિષ્યમાં રહેશે. આત્મા છે, છે ને છે. આ શરીર વગેરે તો નાશવાન છે,
આત્મા તો અનાદિ છે, તે ક્યારે ય નવો થયો નથી, ને નાશ પામતો નથી. આત્મા જ્ઞાનાનંદ–ચિદાનંદ સ્વરૂપ છે.
દયા કે હિંસાની જે શુભાશુભ લાગણીઓ થાય છે તે વિકાર છે. અને શરીર, પૈસા તો પર છે–જુદા છે. બહારમાં
વસ્તુઓ મળે તે પૂર્વનું પ્રારબ્ધ છે, પણ તેમાં રાગ–દ્વેષ કરવા તે પ્રારબ્ધનું ફળ નથી, તે તો પોતે વર્તમાન ઊંધા
પુરુષાર્થથી કરે છે. રાગ–દ્વેષ જો પ્રારબ્ધનું કાર્ય હોય તો તેને ટાળવાનું આત્માના હાથમાં રહે નહિ. આત્મા પરથી
તો જુદો છે ને રાગ–દ્વેષ તેનું સ્વરૂપ નથી, એવા આત્માનું ભાન કરે તેને જન્મ–મરણ રહે નહિ.
જુઓ ભાઈ, આ આત્માની સમજણની વાત છે. આ દેહ કાયમ નહિ ટકે. નજીકમાં નજીકનું શરીર પણ
પોતાની મરજી પ્રમાણે ચાલતું નથી. રોગ થાય તેવી ઈચ્છા ન હોય છતાં રોગ તો થાય છે, માટે ઈચ્છાનું કર્તવ્ય
બહારમાં આવતું નથી, દીકરો મરતો હોય તેને બચાવવાની ઈચ્છા હોય પણ બચતો નથી. દીકરા ઉપર પ્રેમ હોવા
છતાં ત્યાં ઈચ્છા કામ કરતી નથી. માટે આત્મા તે દીકરાથી અને ઈચ્છાથી જુદો છે, તે જાણનાર છે. એવા
આત્માને ઓળખવો તે ધર્મ છે.
જે ક્ષણિક શુભાશુભ વિકાર થાય છે તે પ્રારબ્ધ કરાવતું નથી પણ પોતે કરે છે. ને આત્મભાનથી પોતે જ
તેને ટાળે છે. આત્માભાન કરવું તે જ ગુણ છે. નિર્ધનતા તે અવગુણ નથી, ને ધનવાનપણું તે કાંઈ ગુણ નથી.
શરીર કાળું હોય તે અવગુણ નથી તે રૂપાળું હોય તે કાંઈ ગુણ નથી, –એ રીતે બહારની બધી વસ્તુઓથી
આત્મા જુદો છે, તેની સાથે આત્માને સંબંધ નથી. તે તો બધું પૂર્વ પ્રારબ્ધનું ફળ છે. આ દેહમાં બધા આત્મા
પરમાત્મસ્વરૂપ છે; ક્ષણિક રાગ–દ્વેષ થાય તે તેનું સ્વરૂપ નથી–આવો જે વિવેક કરે તેણે માનવજીવનને સફળ કર્યું
છે. પર ચીજ તો એની નથી, તો તેના વડે આત્માની કિંમત કેમ અંકાય? હું નિર્ધન, ને હું સધન–એવી કલ્પના
કરવી તે અવગુણ છે, બહારના સંયોગથી આત્માની મોટપ કે હીણપ નથી.
તપ, બ્રહ્મચર્ય વગેરેથી અણિમા–મહિમા વગેરે સિદ્ધિઓ પ્રગટે તેનો મહિમા ધર્મીને નથી. જેમ માર્ગે જતાં
વચ્ચે બીજી વસ્તુઓ આવે ત્યાં પ્રેમ કરીને અટકે તો ધારેલા સ્થાને પહોંચી શકે નહિ, તેમ વચમાં રિદ્ધિ–સિદ્ધિ
આવે તેનો પ્રેમ કરવા અટકે તો મોક્ષસ્થાને પહોંચી શકે નહિ.
આ મનુષ્યદેહ મોંઘો છે. એક આંખ ફૂટે પછી કરોડો રૂપિયા આપ્યે પણ તેવી આંખ ફરી મળે નહિ, કાન
કપાયો હોય તો તેવો કાન ફરીથી લાખો રૂપિયા આપતાં પણ ન મળે. એવો આ મનુષ્યદેહ આત્માનું ભાન કરે
તો સફળ છે. મનુષ્યદેહમાં આત્માનું ભાન કરવા માટે તેને મોંઘો કહ્યો છે.
જેમ કાચો ચણ્યો ઊગે ને તૂરો લાગે, તેમ અજ્ઞાનથી જીવ પોતાના આનંદને ભૂલીને વિકારનો સ્વાદ લે
• જોઈએ છે. •
વીંછિયામાં જિનમંદિર માટે પૂજારી તરીકેનું કામકાજ કરી શકે એવા ઉત્સાહી જૈન યુવાનની જરૂર છે,
પગાર લાયકાત મુજબ. જેને રહેવાની મરજી હોય તેમણે નીચેના સરનામે લખવું.
શાંતિલાલ પોપટલાલ શાહ
ઠે. શેઠ નાનાલાલ કાળીદાસ જસાણી રાજકોટ સદર

PDF/HTML Page 8 of 17
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૧૩ :
છે ને નવા નવા જન્મમાં ઊપજે છે. જેમ ચણ્યો સેકતાં તે ઊગે નહિ ને સ્વાદ મીઠો લાગે. તેમ સત્સમાગમે સાચું
જ્ઞાન કરે તો ફરીથી જન્મ–મરણમાં અવતરે નહિ, ને તેને આત્માનો આનંદ પ્રગટે. આવું સમજ્યા વગરનું
મનુષ્યપણું રણમાં પોક મૂકવા સમાન છે. દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વને ઓળખે ને પૂર્વનાં પ્રારબ્ધનાં ફળની પ્રીતિ
છોડે તે ધર્મી છે. બહારમાં પ્રારબ્ધનો સંયોગ હોય પણ ધર્મી તેનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે, તેને પોતાનું માનતા નથી.
અને ક્ષણિક શુભભાવ થાય તે પણ આત્માનું સ્વરૂપ નથી. પુણ્યભાવ થાય તેમાં જ ઈતિશ્રી માનીને
સંતોષ કરી લ્યે તો તેનાથી પાર આત્માનો ભરોસો નથી. અંદરની પૂરી શક્તિ છે તેનો જેને વિશ્વાસ નથી તે
ભગવાન પાસે મુક્તિ માગે છે. પણ ભગવાન પરમેશ્વર તો કોઈની મુક્તિ કરતા નથી, ને કોઈને રખડાવતા પણ
નથી.
જેમ પાણી ઊનું થયું હોય તોપણ તેનામાં અગ્નિનો નાશ કરવાની તાકાત છે, તેમ આત્મામાં ક્ષણિક
હાલતમાં જે રાગ–દ્વેષ–ક્રોધ–માન થાય છે તેનો નાશ કરવાની આત્માના સ્વભાવમાં તાકાત છે, ભગવાન જેટલી
આત્માની તાકાત છે, પણ તેનો ભરોસો કરતો નથી તેથી રખડે છે. પોતાની પ્રભુતાને ઓળખે નહિ ને પરવસ્તુ
વગર મારે ચાલે નહિ એમ માને છે. એક વસ્તુ વગર પણ મારે ચાલે નહિ–એમ માને છે, તો–જ્ઞાની કહે છે કે તું
બધી વસ્તુથી જુદો છે–એ વાત કેમ બેસશે? પોતાની શક્તિનો ભરોસો નથી તેથી પરનો ઓશિયાળો થઈને
રખડે છે. માટે હે જીવ! મોહ રહિત નિર્મોહ આત્મા છે તેની પ્રીતિ કરીને ઓળખાણ કર, તો તું જન્મ–મરણ રહિત
થઈ જઈશ. અનંતકાળમાં ઘણીવાર મનુષ્યદેહ મળ્‌યો છે પણ અંદરમાં આત્માની સમજણ એકે ય વાર કરી નથી.
અંતરને ભૂલીને બહારમાં ગોતે છે. દોષ ક્ષણિક છે ને દોષરહિત આત્મા ત્રિકાળ છે, એ બે વચ્ચે વિવેક કરવો તે
જ ધર્મ છે, ને એવો વિવેક કરે તેને જ મુક્તિ થાય છે.
ભૂલ પોતે કરે છે. પોતે ભૂલ કરે છે છતાં અજ્ઞાની ભગવાન ઉપર ઢોળે છે કે ભગવાનની મરજી! પણ
ભાઈ, શું ભગવાન ભૂલ કરાવે છે? પોતે પોતાના દોષથી ભૂલ કરી છે. જેણે પોતાના અંતરમાં મુક્તિ ઉપર દ્રષ્ટિ
લગાવી છે એ સિવાય બીજું કાંઈ જોઈતું નથી–એવા આત્મા જ આ જગતમાં પ્રશંસવા યોગ્ય છે. આત્માના
ભાન વિના બાયડી ઘરબરા છોડીને ત્યાગી થાય તેથી કાંઈ ધર્મી નથી, કેમ કે હજી શરીરથી ભિન્ન ચૈતન્ય તત્ત્વને
જાણ્યું નથી, ને શરીરને પોતાનું માનીને અભિમાન કરે છે, તેની બધી ક્રિયાઓ રાખ ઉપર લીંપણ જેવી છે. –તેને
ધર્મ થતો નથી.
ભાઈ, શુભાશુભ ભાવ હોય છે. પણ તેને સર્વસ્વ ન માન, તેનાથી મુક્તિ થઈ જશે–એમ ન માન.
બહારમાં પૈસા હોય કે પુણ્ય હોય તેની ધર્માત્મા પાસે કાંઈ કિંમત નથી. નૂરજહાં અને જહાંગીરની વાત આવે છે.
નૂરજહાંનું રૂપ જગતમાં પ્રખ્યાત હતું. એક ફકીર જોવા આવ્યો. જોઈને માથુ ધૂણાવ્યું અને કહ્યું–જગત કહે છે તેવું
સુંદરરૂપ નથી. ત્યારે જહાંગીરે કહ્યું– ‘સાંઈ બાવા! આપકી દ્રષ્ટિ સે નહિ, હમારી દ્રષ્ટિ સે દેખો! ’ જુઓ, જેને
સ્ત્રીનો મોહ છે તેને શરીરના રૂપની પ્રીતિ છે. પણ શરીર તો ચામડું છે, અંદર હાડકાં ને લોહી માંસ સિવાય
બીજું કાંઈ નથી. એમ જ્ઞાની પાસે આત્માના સ્વભાવ સિવાય પુણ્યની કે પૈસાની કાંઈ કિંમત નથી. અજ્ઞાનીને
તેની ઊંધી દ્રષ્ટિમાં પૈસા અને પુણ્ય મીઠાં લાગે છે. એકવાર એક સેકંડ પણ આત્માનું ભાન કરે તો મુક્તિ થયા
વગર રહે નહિ. એકવાર મુક્તિ થાય તેને ફરીથી અવતાર થાય નહિ. અવતાર હોય તે તેનો નાશ કરીને મુક્ત
થઈ જાય, તેને પછી અવતાર હોતો નથી. જેમ ઘીનું ફરીથી માખણ થતું નથી તેમ મુક્તજીવને ફરીથી અવતાર
થતો નથી. શિકાર, પરસ્ત્રી સેવન, દારૂ–માંસનો ખોરાક વગેરે મોટા પાપ કરતો હોય ને બંગલામાં રહેતો હોય,
તેને અત્યારે પુણ્યનાં ફળ દેખાય છે, પણ પાપનાં ફળથી તો તે નરકમાં જાય છે, ને ત્યાં મહા આકરાં દુઃખ
ભોગવે છે.
આત્મા ચૈતન્ય છે. બહારમાં શરીર–પૈસાની અનુકૂળતામાં સુખ માને અને પોતાને બાદશાહ જેવો માને.
પણ ભાઈ રે, તારી જાત તો તેં જાણી નથી, અને જડ વસ્તુથી તારી બાદશાહી માનીશ તો તું રાંકો થઈ જઈશ.
બાદશાહી તો તારા ચૈતન્યમાં ભરી છે, તેને ઓળખે તો મુક્તિ થયા વિના રહે નહિ.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૧૪ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૫ :


શ્રી જૈનશાસન જયવંત હો! જેના પ્રતાપે જૈનશાસનનો જયકાર વર્તી રહ્યો છે તેવા પૂ. સદ્ગુરુદેવ શ્રી
જયવંત હો. વીંછિયાનગરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામી આદિ જિનેન્દ્રપ્રતિમાના પંચકલ્યાણક મહોત્સવના મહામંગળ
પ્રસંગ ઉપર પધારવા માટે માહ સુદ ૯ ને સોમવારના સુપ્રભાતે પૂ. ગુરુદેવશ્રીએ સોનગઢથી મંગળ વિહાર કર્યો.
ભક્તજનોએ વિહારમહોત્સવ કરીને સદ્ધર્મપ્રભાવનાના એ મંગળ પ્રસંગને દીપાવ્યો.
× × × ×
માહ સુદ ૯ને દિવસે ધારૂકા ગામે રોકાઈને માહ સુદ ૧૦ ને દિવસે ઉમરાળા ગામમાં પ્રવેશ કર્યો.
ઉમરાળા તે પૂ. ગુરુદેવશ્રીની જન્મભૂમિનું સ્થાન છે. આખા ગામના લોકોએ ઘણા ઉલ્લાસપૂર્વક સ્વાગતસન્માન
કર્યું. સવારે પૂ. શ્રી એ માંગળિક સંભળાવીને તેના અર્થો કર્યા. અને બપોરે ૩ થી ૪ વ્યાખ્યાન હતું. આખા
ગામના લોકો હોંશથી વ્યાખ્યાનનો લાભ લેતા હતા.
× × × ×
માહ સુદ ૧૧ ને દિવસે સવારે ૯ થી ૧૦ જન્મ સ્થાનમાં ભક્તિ હતી. સવારે બેન્ડવાજિંત્રો સહિત ત્યાં
પધાર્યા. જન્મસ્થાનની ભક્તિ જોવા આખા ગામના માણસો ઊલટી પડ્યાં હતાં. ત્યાં બહુ ઉલ્લાસથી જન્મોત્સવ
સંબંધી ભક્તિ અને સ્તવનો ગવાયાં હતાં. એ વખતની ભક્તિનું દ્રશ્ય સુંદર હતું. ત્યાંના મુખિયાજી વગેરેએ પણ
પોતાના ભક્તિભાવને વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ પૂ. ગુરુદેવશ્રીના જન્મથી પાવન થયેલા તે મકાનના ઉદ્ધાર માટે અને તેને એક પવિત્ર
જન્મભૂમિસ્થાન તરીકે બનાવવા માટે ઉમરાળા અને પાલેજના ભાઈઓ તરફથી એક ખરડો તૈયાર કર્યો હતો,
જેમાં લગભગ સાત હજાર રૂપિયા તે વખતે જાહેર થયા હતા.
હંમેશાં બપોરે ૩ થી ૪ પદ્મનંદિ ઉપર વ્યાખ્યાન થતું હતું. રાત્રે હંમેશાંં તત્ત્વચર્ચા થતી હતી.
× × × ×
માહ સુદ ૧૨ ને દિવસે સવારે ૯ થી ૧૦ સમયસારના કળશની સ્વાધ્યાય થઈ હતી. તે દરમિયાન વચમાં
૯/ વાગે ઉમરાળાના શેઠશ્રી જીવાલાલભાઈ તથા ફૂલચંદભાઈએ સજોડે પૂ. ગુરુદેવશ્રીપાસે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરી. એ પ્રસંગે પૂ. શ્રી એ કહ્યું: ખરું બ્રહ્મચર્ય તો આત્મામાં છે, બ્રહ્માનંદ–ચિદાનંદ આત્માનું ભાન
કરીને તેમાં રમણતા કરવી તે જ બ્રહ્મચર્ય છે. બ્રહ્મસ્વરૂપ આત્મામાં ચરવું તે જ બ્રહ્મચર્ય છે, તેમાં જ સુખ છે.
વિષયભોગો તો અનંતવાર ભોગવ્યા. પણ તે રહિત આત્મામાં સુખ છે, તેને કદી જાણ્યો નથી. વિષયોમાં
સુખબુદ્ધિ છોડીને આત્માની સમજણનો પ્રયત્ન કરવો જોઈએ.
સ્વાધ્યાયમાં જ્યારે ૩૨મો (मज्जंतु...) કળશ આવ્યો ત્યારે પૂ. શ્રી એ કહ્યું કે–આચાર્યદેવે બધાયને
સાગમટે નોતરું દીધું છે કે ‘આવો, આત્મા આનંદકંદ છે એમાં બધા જીવો ઠરો, તેમાં બૂડો; એ સિવાય બીજું
કાંઈ સાર નથી.’
આગળ જતાં ૩૪ મા કળશમાં પુદ્ગલથી ભિન્ન આત્માનો છ મહિના અભ્યાસ કરવાનું કથન આવ્યું
ત્યારે કહ્યું કે જેમ કુહાડાથી કપડા ધોવાય નહિ પણ ફાટી જાય, તેમ આત્માની સાચી સમજણ વગર ધર્મ થાય
નહિ પણ અધર્મ થાય. આત્માની સાચી સમજણ કર્યા વગર બહારની શરીરાદિની ક્રિયાથી ધર્મ માન્યો પણ
આત્માને તો જાણ્યો નહિ. તો ધર્મ ક્યાંથી થાય?
માહ સુદ ૧૦ થી ૧૩ સુધી ચાર દિવસ ઉમરાળામાં રહીને માહ સુદ ૧૪ ના રોજ ત્યાંથી દડવા થઈને
ઉજ્જલવાવ ગામે પધાર્યા. પૂ. શ્રી પધાર્યા તે નિમિત્તે ત્યાંના ખેડૂતોએ સાંતી બંધ રાખ્યા હતા.
× × × ×
માહ સુદ ૧૫ ના રોજ ઉજ્જલવાવથી વિહાર કરીને લાખણકા ગામ પધાર્યા. પૂ. શ્રી પધારતાં લાખણકા
ગામનો ઉત્સાહ ઘણો હતો. ત્યાંના આગેવાન દરબારોએ પણ સારો પ્રેમ અને ભક્તિ દર્શાવ્યા હતા. ગામને
શણગાર્યું હતું. અને અહીં પણ સાંતી બંધ રાખ્યા હતા. બપોરે ૩ થી ૪ વ્યાખ્યાન હતું, તે વખતે ગામલોકોનો
ઉત્સાહ ઘણો હતો.

PDF/HTML Page 10 of 17
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૧૫ :


માહ વદ એકમને દિવસે લાખણકાથી ગઢકા તરફ વિહાર કર્યો. વચમાં અડતાલા ગામ આવે છે ત્યાંના
લોકોની દર્શન કરવા માટેની વિનંતિ હોવાથી પૂ. શ્રી ગામમાં પધાર્યા અને ત્યાં માંગળિક સંભળાવીને ગઢડા પધાર્યા.
× × × ×
ગઢડામાં મુમુક્ષુ મંડળે બહુ ભક્તિથી સ્વાગત સન્માન કર્યું. સવારે પૂ. શ્રી એ માંગળિક સંભળાવીને તેના
અર્થ કર્યા હતા. બપોરે ૩ થી ૪ વ્યાખ્યાન થયું હતું. વ્યાખ્યાન સાંભળવા માટે ગામના લોકોનો ઉત્સાહ ઘણો
હતો. ખાસ કરીને શિક્ષિત વર્ગ વ્યાખ્યાન સાંભળવા આવતો હતો. અહીં પુ. શ્રી માહ વદ ૧–૨ બે દિવસ રહ્યા
હતા.
(વદ ત્રીજનો ક્ષય હતો)
× × × ×
માહ વદ ચોથને દિવસે ત્યાંથી ઉગામેડી ગામ તરફ વિહાર કર્યો. ગામના લોકોએ ઉત્સાહથી સ્વાગત કર્યું,
અહીં પણ સાંતી બંધ રહ્યા હતા. બપોરે ૩ થી ૪ ના વ્યાખ્યાનમાં પણ ગામના ઘણા લોકો આવ્યા હતા.
× × × ×
ત્યાંથી માહ વદ ૫ ના દિવસે વિહાર કરીને ગોરડકા ગામે પધાર્યા. આ નાનકડા ગામમાં પણ હંમેશ
સમયસાર–પ્રવચનોનું વાંચન થાય છે. ગામના લોકોનો ભક્તિપ્રેમ સારો હતો. બપોરે વ્યાખ્યાન પછી ત્યાંના
મનસુખલાલભાઈએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી.
માહ વદ ૬ ને શુક્રવારે ગોરડકાથી નાગલપર તરફ વિહાર કર્યો, ત્યાં વચમાં ટાટમ ગામ આવ્યું, ત્યાંના
ભક્તોની વિનંતિથી થોડીવાર ત્યાં રોકાયા, અને માંગળિક સંભળાવ્યું. અને પછી ત્યાંથી નાગલપર પધાર્યા. ત્યાં
બપોરે ૨
।। થી ૩।। વ્યાખ્યાન વંચાયું હતું.
× × × ×
માહ વદ ૭ ના રોજ નાગલપરથી બોટાદ પધાર્યા. બોટાદના ભક્તમંડળે ભવ્ય સ્વાગત કર્યું. બોટાદમાં ૭
થી ૧૦ સુધી ચાર દિવસ રહ્યા. ત્યાં હંમેશાંં સવારે એક કલાક તત્ત્વચર્ચા થતી અને બપોરે ૩ થી ૪ વ્યાખ્યાન
તથા રાત્રે ૮ થી ૯ તત્ત્વચર્ચા થતી. વ્યાખ્યાન તેમ જ ચર્ચાનો ગામના ઘણા લોકો લાભ લેતા હતા. માહ વદ ૧૦
ના દિવસે ત્યાંના હરગોવિંદભાઈ ગોપાણી તથા જ જીવનભાઈ પારેખ એ બંનેએ સજોડે પૂ. શ્રી પાસે આજીવન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી. આ પ્રસંગે સવારે ખાસ વ્યાખ્યાન વંચાયું હતું અને તેમાં મોક્ષમાળાના
“બ્રહ્મચર્ય સુભાષિત” એ કાવ્યના અર્થ ઘણી સુંદર રીતે સમજાવવામાં આવ્યા હતા.
× × × ×
માહ વદ ૧૧ ને બુધવારે બોટાદથી વિહાર કરીને ભદ્રાવડી ગામે પધાર્યા. ત્યાં બપોરે તત્ત્વચર્ચા તથા
પ્રવચન થયું હતું.
× × × ×
માહ વદ ૧૨ ને દિવસે ભદ્રાવડીથી વિહાર કરીને સરવા ગામે પધાર્યા. અહીં ‘પુરુષાર્થ’ સંબંધી વાત
નીકળતાં પૂ. શ્રીએ કહ્યું હતું કે “પુરુષાર્થી જીવના અનંતભવ કેવળીભગવાને દીઠા જ નથી. જેને કેવળી
ભગવાનની પ્રતીત થઈ તેને અનંત ભવ હોય જ નહિ. કેવળી ભગવાન ભવરહિત છે, જેને ભવ વિનાના જીવની
શ્રદ્ધા થઈ તેને લાંબા ભવ હોય જ નહિ. મોક્ષ માટે જીવનો પુરુષાર્થ ન ચાલે એવી વાત જગતના કોઈ જીવને
ભવોભવ સાંભળવા મળશો નહિ.” બપોરે ૩ થી ૪ વ્યાખ્યાન થયું હતું.
વીંછિયામાં પ્રતિષ્ઠા મહોત્સવ
સરવાથી વિહાર કરીને માહ વદ ૧૩ ને શુક્રવારના રોજ પૂ. ગુરુદેવશ્રી વીંછિયા પધાર્યા. વીંછિયાના
ભક્તમંડળનો ઉત્સાહ ઘણો હતો. ગામને વિધવિધ રીતે શણગાર્યું હતું. પૂ. શ્રી.નું ભવ્ય સ્વગત કર્યું; સૌથી પહેલાંં
જૈન સ્વાધ્યાય મંદિરે પધાર્યા ને ત્યાં માંગળિક સંભળાવીને તેના અર્થો કર્યા. બપોરે ૩ થી ૪ વ્યાખ્યાન તથા
રાત્રે ૮ થી ૯ ચર્ચા થતી હતી.
ફાગણ સુદ ૧ થી શ્રી પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો વિધિ શરૂ થયો. આ મહાન પ્રતિષ્ઠા પ્રસંગમાં અનેક ગામોના
જિનબિંબો હતા. અહો! સૌરાષ્ટ્ર દેશમાં જિનેન્દ્રોનાં ટોળાં ઊતર્યાં હતાં. એકંદર ૪૨ પ્રતિમાઓ હતા. એક સાથે આટલા
વીતરાગી જિનબિંબોની પ્રતિષ્ઠાનો આવો મહાન્ અવસર સૌરાષ્ટ્ર દેશમાં હજારો વર્ષે નજરે પડે છે. આ પ્રતિષ્ઠામાં
મૂળનાયક તરીકે શ્રી ચંદ્રપ્રભ સ્વામી હતા. પંચકલ્યાણકમાં વિધિનાયક શ્રી. ઋષભદેવપ્રભુ હતા. પ્રતિષ્ઠામંત્ર

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૧૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૫ :
(કે જે મંત્ર થયા પછી પ્રતિમાઓ પૂજનિક મનાય છે તે) પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના શુભહસ્તે
થયો હતો. વીંછિયામાં પ્રતિષ્ઠા કરાવનાર તરીકે શેઠ શ્રી નેમિદાસ ખુશાલભાઈ (પોરબંદરવાળા) હતા. અને
પ્રતિષ્ઠાનો વિધિ કરાવવા માટે ઇંદોરથી પ્રતિષ્ઠાચાર્ય સંહિતાસુરી પંડિત શ્રી નાથુલાલજી પધાર્યા હતા. આ
અમૂલ્ય અવસરને મુમુક્ષુઓએ મહાન ઉત્સાહવડે દીપાવ્યો હતો.
ફાગણ સુદ એકમથી સમોસરણ વિધાન શરૂ થયું હતું, તેમાં સમોસરણની સુંદર રચના કરીને તેનું પૂજન
કરવામાં આવ્યું હતું. અને રાત્રે પ્રતિષ્ઠા મહોત્સવને લગતો એક સુંદર સંવાદ બાલિકાઓએ ભજવ્યો હતો, અને
બીજો સંવાદ ફાગણસુદ ૨ ને દિવસે બાળકોએ ભજવ્યો હતો. બંને સંવાદમાં કેટલાક પ્રસંગો ખાસ વિશેષ
આકર્ષક હતા.
ફાગણ સુદ ૩ ને દિવસે વેદીશુદ્ધિની વિધિ થઈ હતી. તે દિવસે રાત્રે ભાઈઓએ ડાંડિયારાસ સહિત ભક્તિ
કરી હતી.
ફાગણ સુદ ચોથ (પહેલી) : આજે ઈન્દ્રપ્રતિષ્ઠા થઈ, ૧૧ ઈન્દ્રોની સ્થાપના થઈ અને તે ઈન્દ્રોને
સરઘસરૂપે ગામમાં ફેરવ્યા હતા, તે દેખાવ ઘણો ભવ્ય હતો. તથા યાગ્મંડલની રચના કરીને તેમાં ભૂત–ભાવિ–
વર્તમાન તીર્થંકરો, પંચ પરમેષ્ઠિ ભગવંતો વગેરેની સ્થાપના કરીને તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. બપોરે
વ્યાખ્યાન પછી વીંછિયાના ત્રિભોવનભાઈએ સજોડે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી હતી. રાત્રે ૮ થી ૯ પ્રભુશ્રીના
ગર્ભકલ્યાણકની પૂર્વ ક્રિયાનું દ્રશ્ય થયું હતું. બીજી ચોથને દિવસે પણ ગર્ભકલ્યાણકનો પૂર્વ વિધિ થયો હતો તેમાં
માતાજીના ૧૬ સ્વપ્નોનું દ્રશ્ય, દેવ–દેવીઓ દ્વારા સ્તુતિ, દેવોદ્વારા વસ્ત્રની ભેટ અર્પણ, તથા દેવકુમારીઓ
માતાને વિધવિધ તત્ત્વના પ્રશ્નો પૂછે છે ને માતા તેના જવાબ આપે છે–વગેરે દ્રશ્યો થયા હતા.
જન્મકલ્યણક મહત્સવ
ફાગણ સુદ પ ના દિવસે સવારે જન્મકલ્યાણક ઉત્સવ થયો હતો. આ પ્રસંગ ઘણા મહાન્ ઉત્સાહથી
ભવ્યરીતે ઊજવાયો હતો. ભગવાનનો જન્મ થતાં ઈન્દ્રઈન્દ્રાણી આવીને બાળક ઋષભકુમાર ભગવાનને હાથી
ઉપર મેરુ પર્વત ઉપર જન્માભિષેક કરવા તેડી જાય છે, બાલપ્રભુજી હાથી ઉપર બિરાજી રહ્યા છે, મેરુ પર્વત પાસે
પહોંચ્યા બાદ હાથી મેરૂપર્વતને ત્રણ પ્રદક્ષિણા કરે છે–એ બધા વખતે પ્રભુજીનું અદ્ભુત દ્રશ્ય ખરેખર દર્શનીય
હતું. અને જ્યારે પ્રભુશ્રીને મેરુ પર્વત ઉપર બિરાજમાન નિહાળ્‌યા તે વખતે તો મુમુક્ષુ ભક્તજનોના અંતરમાં
કંઈ કંઈ થઈ જતું હતું; અહો, અદ્ભુત દ્રશ્ય છે! આવું દ્રશ્ય જિંદગીમાં જોયું નથી, સાક્ષાત્ જન્મકલ્યાણક જેવું
લાગે છે. અહો! જિનેંદ્રદેવ તો હજી બાળક છે છતાં આટલો મહિમા! ખરેખર આ બધો ચૈતન્યનો મહિમા છે,
અંતરમાં ચૈતન્યદ્રવ્ય જાગ્યું છે તેનો જ આ પ્રતાપ છે.” પછી ઘણા મહાન ઉત્સાહ અને જયકાર નાદ વચ્ચે
પ્રભુશ્રીનો જન્માભિષેક કર્યો. અભિષેક બાદ ઈન્દ્રાણીએ પ્રભુને વસ્ત્રાલંકર પહેરાવ્યાં. એ રીતે જન્માભિષેક કરીને
પાછા ફર્યાં. પ્રભુની રથયાત્રા ઘણી જ શોભતી હતી. પાછા આવ્યા બાદ ઈન્દ્રોએ તાંડવનૃત્ય કર્યું.
બપોરે ભગવાનશ્રી ઋષભકુંવરનું પારણું ઝુલાવવાની ક્રિયા થઈ.
રાત્રે ઈન્દ્રોએ ફરીથી “
अब तो मिले जगत के नाथ” એવી સ્તુતિ સહિત પ્રભુ પાસે ભક્તિ નૃત્ય કર્યું
હતું. ત્યારબાદ આદિકુંવર ભગવાનનો રાજ્યાભિષેક થયો હતો. અને મહારાજાધિરાજ શ્રી આદિનાથ ભગવાનના
રાજદરબારમાં દેશોદેશના રાજા–મહારાજાઓ પ્રભુને ભેટ ધરવા આવ્યા હતા. ઈત્યાદિ દ્રશ્યો થયા હતા.
દીક્ષા કલ્યાણક મહોત્સવ
ફાગણ સુદ ૬: આજે પ્રભુશ્રી આદિનાથ ભગવાનના મહાન વૈરાગ્યનો દિવસ છે. સવારમાં આદિનાથ
મહારાજાનો રાજદરબાર ભરાયો છે, નીલાંજનાદેવી ભક્તિથી નૃત્ય કરી રહી છે, નૃત્ય કરતાં કરતાં તે દેવીનું
આયુષ્ય પૂરું થઈ જાય છે. ને તેના સ્થાને બીજી દેવી આવે છે. અહો, સંસારની આવી ક્ષણભંગુરતાનું દ્રશ્ય જોતાં
મહારાજા આદિનાથ ભગવાન પરમ વૈરાગ્ય પામે છે. સંસારથી વિરક્ત થઈને પરમ ઉપશમભાવથી અંતરમાં બાર
વૈરાગ્ય ભાવનાઓનું ચિંતવન કરી રહ્યા છે. તરત જ લોકાંતિક દેવો પ્રભુની સ્તુતિ અને વૈરાગ્યની પુષ્ટિ કરવા
આવે છે. લોકાંતિક દેવો પ્રથમ ભગવાનની સ્તુતિ કરીને પછી ભક્તિપૂર્વક તેમના પ્રત્યે કહે છે કે પ્રભો, આપ
સ્વયંબુદ્ધ છો, આપશ્રી આજ ભવમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને મુક્ત થનારા છો અને જગતના જીવોને મુક્તિનો
માર્ગ દેખાડનારા છો. અહો, ધન્ય છે પ્રભો! આપની વૈરાગ્યભાવનાને ધન્ય છે. સમસ્ત સંસાર ભાવથી વિરક્ત

PDF/HTML Page 12 of 17
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૧૭ :
થઈને ભગવતી જિનદીક્ષા ધારણ કરવા માટે આપશ્રી જે ચિંતવના કરી રહ્યા છો તેને અમારી અત્યંત
અનુમોદના છે, આપશ્રીના દીક્ષાકલ્યાણક મહોત્સવનો જય હો જયહો.
એ પ્રમાણે વૈરાગ્યની પુષ્ટિ કરાવીને લોકાંતિક દેવો ગયા બાદ પ્રભુશ્રી પાલખીમાં બિરાજીને વનમાં દીક્ષા
લેવા માટે સંચરે છે. ભગવાનના વૈરાગ્યના આ બધા દ્રશ્યો આખી સભાને વૈરાગ્યભાવનામાં ડુબાડી દેતા–હતા.
ભગવાનની પાછળ પાછળ વૈરાગ્ય ભરેલી ભક્તિ કરતા કરતા ભક્તોના ટોળાં થઈ રહ્યાં હતાં–
વંદો વંદો પરમ વીતરાગી ત્યાગી જિને રે, થાયે જિન દીગંબર મુદ્રાધારી દેવ.
શ્રી ઋષભપ્રભુજી તપોવનમાં સંચરે રે.
વનમાં જઈને પ્રભુશ્રી એક વિશાળ વડવૃક્ષ નીચે બિરાજમાન થયા, રાજવસ્ત્રો છોડીને નગ્નમુદ્રા ધારણ
કરી, પછી કેશલોચ કર્યો. પ્રભુશ્રીનો કેશલોચ કરતાં પૂ. ગુરુદેવશ્રીએ કહ્યું કે પ્રભુ તો જાતે જ લોચ કરે, પણ આ
તો પ્રભુના દીક્ષાકલ્યાણકની સ્થાપના છે. દીક્ષા વખતનું વૈરાગ્યદ્રશ્ય બહુ ગંભીર હતું. દીક્ષાબાદ પ્રભુશ્રી
આત્મધ્યાનમાં બેઠા ને મનઃપર્યયજ્ઞાન ઊપજ્યું. પછી પ્રભુજી તો વનમાં વિહાર કરી ગયા.
પ્રભુશ્રીનો દીક્ષાવિધિ પૂરો થયા બાદ ત્યાં વનમાં જ પૂ. ગુરુદેવશ્રીએ દીક્ષાકલ્યાણકને શોભતું અપૂર્વ
વ્યાખ્યાન કર્યું હતું. એ દિવસનું વ્યાખ્યાન ખરેખર એક જુદો જ પડઘો પાડી જતું હતું. વ્યાખ્યાન વખતે
વૈરાગ્યમસ્તીથી નાચી રહેલી પૂ. શ્રી.ની મુદ્રા ભાવુક મુમુક્ષુજનોનાં હૃદયમાં કોતરાઈ ગઈ છે. વ્યાખ્યાનમાં પૂ. શ્રી.
એ મુનિદશામાં આત્માને અંતરની શાંતિના શેરડા હોવાનું જે વર્ણન કર્યું હતું તે સાંભળતાં મુમુક્ષુના હૃદયો
ભાવનાથી નાચી ઊઠતા હતા અને આખી સભા સ્તબ્ધ બની ગઈ હતી.
વ્યાખ્યાન બાદ ભાઈશ્રી અમરચંદભાઈ તથા તેમના ધર્મપત્ની રૂપાળીબહેને બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ધારણ કરીને
તે પ્રસંગને દીપાવ્યો. ત્યારબાદ વૈરાગ્યમાં મગ્ન થયેલું ભક્તમંડળ પાછું ફર્યું, પાલખીમાં માત્ર પ્રભુના કેશ હતા.
બપોરે ૧૦।। વાગે પ્રભુ શ્રીઋષભમુનિરાજ આહાર માટે ગામમાં પધાર્યા. આહારદાનનો પ્રસંગ શેઠશ્રી
પ્રેમચંદ ભાઈને ત્યાં થયો. પ્રભુશ્રીને આહારદાન વખતનું દ્રશ્ય ઘણું ઉલ્લાસમય હતું.
પૂ. ગુરુદેવશ્રીના પવિત્ર હસ્તે જિનેન્દ્ર પ્રતિષ્ઠામંત્ર
બપોરે એક વાગે પૂ. ગુરુદેવશ્રી પધાર્યા અને શ્રી જિનપ્રતિમાઓ ઉપર મંત્રવિધિ શરૂ થયો. આ મંત્રવિધિ
થયા પહેલાંં પ્રતિમાજી અપૂજ્ય હોય છે, ને આ મંત્રવિધિ થયાં પછી પ્રતિમાજી પૂજનીક થાય છે. પ્રતિષ્ઠા
વિધાનમાં આ ક્રિયા ઘણી મહત્ત્વની છે. મહાપવિત્ર જિનપ્રતિમા ઉપર, મહાપવિત્ર ભાવ વડે, પવિત્ર હસ્તે
સોનાની સળીવડે ‘
ओं अं नमः’ એવો પવિત્ર મંત્ર પૂ. ગુરુદેવશ્રીએ લખવો શરૂ કર્યો તે વખતે મહાન્
જયજયકાર પૂર્વક ભક્તજનોએ એ પવિત્ર પ્રસંગને વધાવ્યો હતો.
ત્યારબાદ બપોરે ૨।। વાગે સર્વ પ્રતિમાજી ઉપર નેત્રોન્મિલન વિધિ પણ પૂ. ગુરુદેવશ્રીએ કર્યો હતો.
કેવળજ્ઞાન કલ્યાણક
બપોરે ૩ વાગે પ્રભુશ્રીના કેવળજ્ઞાન કલ્યાણકનું દ્રશ્ય થયું હતું, જેમાં પ્રભુશ્રી ઋષભમુનિરાજ
આત્મધ્યાનમાં લીન છે અને તેમને કેવળજ્ઞાન પ્રગટે છે. તરત જ દેવો આવીને પ્રભુને વધાવે છે, સ્તુતિ કરે છે,
સમોસરણ રચાય છે. સમોસરણમાં ચૌમુખે પ્રભુજી બિરાજમાન છે, બારસભા ભરાણી છે અને પ્રભુશ્રીની
દિવ્યધ્વનિ છૂટે છે.
આ પ્રસંગે ભગવાનના દિવ્યધ્વનિરૂપે પૂ. ગુરુદેવશ્રીએ પ્રવચન કર્યું હતું, જેમાં દિવ્યધ્વનિમાં ભગવાને
કહેલા ઉપદેશનો સાર કહ્યો હતો. એ પ્રવચન બહુ કલ્યાણકારી હતું.
આજે દીક્ષા અને કેવળ કલ્યાણકના પ્રસંગો અદ્ભુત હતા, અને તે બંને પ્રસંગના પ્રવચનો પણ એવા જ
અદ્ભુત હતા. આજનો દિવસ ઘણો વૈરાગ્યમય આનંદ અને ઉલ્લાસનો હતો. મુમુક્ષુ ભક્તોને એમ થતું હતું કે
અહો! જીવન કૃતાર્થ થયું. ધન્ય, ધન્ય જિનેન્દ્રકલ્યાણક. ધન્ય તે પંચકલ્યાણકનો મહિમા. હે જિનેન્દ્રો! તમારા
પંચકલ્યાણક મારા આત્માનું કલ્યાણ કરો.
નિર્વાણકલ્યાણક અને શ્રી જિનેન્દ્ર પ્રતિષ્ઠા
ફાગણ સુદ ૭ ને સોમવાર આજે ભગવાનશ્રી ચંદ્રપ્રભસ્વામી અને સુપાર્શ્વનાથ સ્વામીના
નિર્વાણકલ્યાણકની તિથિ હતી, અને બરાબર એ જ દિવસે નિર્વાણકલ્યાણકવિધિ તથા તે બે ભગવંતોની પ્રતિષ્ઠા

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૧૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૫ :
થઈ હતી, તે શ્રેષ્ઠ મંગળ છે. સાથે સાથે પવિત્ર અષ્ટાહ્નિકા પર્વની પણ શરૂઆત આજથી જ થતી હતી.
સવારમાં સૂર્યોદય સમયે નિર્વાણ કલ્યાણકનું દ્રશ્ય થયું. તેમાં કૈલાસ પર્વત બનાવ્યો હતો, તેના ઉપર
પ્રભુશ્રી આદિનાથ ભગવાન યોગનિરોધદશામાં બિરાજી રહ્યા હતા. થોડી વારમાં પ્રભુશ્રી નિર્વાણ પામ્યા. તરત
જ નિર્વાણકલ્યાણક ઉજવવા દેવો આવ્યા, અગ્નિકુમારદેવોના મુકુટ વડે અગ્નિસંસ્કાર થયો. અને છેવટે શેષભસ્મ
લઈને “અહો પ્રભો! જે પવિત્ર દશા આપશ્રી પામ્યા તે પવિત્ર દશા અમારી હો” એવી ભાવનાપૂર્વક ભક્તોએ
મસ્તકે ચડાવી. ત્યારબાદ નિર્વાણપૂજન થયું.
એ રીતે, મહાપ્રભાવક શ્રી જિનેન્દ્ર પંચકલ્યાણક મહાન ઉત્સાહપૂર્વક સમાપ્ત થયા,
આ પ્રસંગે વીંછિયાના રતિલાલભાઈ ડગલી અને મગનલાલભાઈ ખારાએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી.
ત્યારબાદ ૮ થી ૯।। સુધી મંદિરમાં પ્રતિષ્ઠા કરાવવામાં આવનારા શ્રીચંદ્રપ્રભસ્વામી વગેરે જિનબિંબોને
ઘણા મોટા ઉલ્લાસપૂર્વક જિનમંદિરે લઈ ગયા. જ્યારે પ્રભુ જિન મંદિરે પધાર્યા તે વખતે ભક્તજનોનો ઉલ્લાસ
અને જિનેન્દ્ર દર્શન માટેની ઉત્સુકતા અજબ હતાં.
પછી મહામાંગળિક વેદીપ્રતિષ્ઠાનો સમય આવ્યો. અને પવિત્ર જિનમંદિરમાં, પવિત્ર ચંદ્રપ્રભ ભગવાનની
પૂ. ગુરુદેવશ્રીએ મહા પવિત્ર ભાવે પવિત્ર કરકમળથી પ્રતિષ્ઠા કરી. અને મંદિર જયકારનાદથી ગાજી ઊઠયું.
બોલો શ્રી ચંદ્રપ્રભ ભગવાનનો.... જય હો. ત્યાર બાદ શ્રીચંદ્રપ્રભ ભગવાનની જમણી તરફ શ્રીસીમંધર ભગવાન
અને ડાબી તરફ શ્રીશાંતિનાથ ભગવાનના પ્રતિમાજીનું સ્થાપન કર્યું. ત્યાર બાદ શ્રી આદિનાથ ભગવાન અને
એક સિદ્ધ પ્રતિમાનું તથા ઉપરના ભાગમાં શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું સ્થાપન કર્યું. પછી જિન મંદિર ઉપરના બે
કળશ તથા ધ્વજદંડ ચડાવ્યા. એ રીતે શ્રી જિનમંદિરમાં મહા પવિત્ર દેવાધિદેવ ભગવંતોની પ્રતિષ્ઠા થઈ.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિરમાં પ્રતિષ્ઠા!
ત્યાર બાદ સ્વાધ્યાય મંદિરમાં મહા પરમાગમ શ્રી સમયસારજીની તથા “કારની પ્રતિષ્ઠા પૂ.
ગુરુદેવશ્રીએ “नमःसमयसार” ઈત્યાદિ મંત્ર બોલીને કરી, અને પછી ત્યાં ‘नमः समयसार’ નું માંગલિક
પ્રવચન કર્યું. પછી ભક્તોએ થોડીવાર સ્વાધ્યાય મંદિરમાં અને જિનમંદિરમાં ભક્તિની ધૂન લીધી.
મહોત્સવના દિવસો દરમિયાન હંમેશાં સવાર–સાંજ જાપ જપાતા હતા. આજે તેની પૂર્ણતા થઈ અને
શાંતિયજ્ઞ થયો.
બપોરે વ્યાખ્યાન પછી પાંજરાપોળ માટેનો એક ખરડો થયો, જેમાં લગભગ એક હજાર રૂપિયા થયા
હતા. અને હરિલાલભાઈ ધોળકિયાએ સજોડે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી હતી.
રાત્રે શ્રી સમયસારની પૂજા થઈ હતી તથા બે બાલિકાઓએ ભક્તિ કરી હતી.
એ રીતે વીંછિયા શહેરમાં શ્રી જિનેન્દ્રદેવની પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો મહાન અવસર ઉજવાયો.
સૌરાષ્ટ્રદેશમાં શ્રીજિનેન્દ્રશાસનની પ્રભાવનાનો આવો મહાન સુઅવસર ઘણા ઉત્સાહથી પાર પાડવા માટે
વીંછિયાના શેઠશ્રી પ્રેમચંદ લક્ષ્મીચંદ અને મુમુક્ષુમંડળને ખરેખર ધન્યવાદ છે. પ્રતિષ્ઠાચાર્ય સંહિતાસૂરી પંડિત શ્રી
નાથુલાલજી સાહેબ ઉત્સાહી અને શાંત સ્વભાવી હતા, તેઓએ શાસ્ત્રવિધિ અનુસાર પ્રતિષ્ઠાવિધિ ઘણી સારી
રીતે કરાવ્યો હતો, અને પંચકલ્યાણક વગેરે દ્રશ્યો વખતે પોતે તે સંબંધી ટૂંક વિવેચન કરીને સમજાવતા હતા;
કાંઈ પણ ભેટનો સ્વીકાર કર્યા વિના, ખાસ ઇંદોરથી આવીને તેઓશ્રીએ આ પ્રતિષ્ઠા મહોત્સવનો સર્વ વિધિ
ઘણી સારી રીતે કરાવી આપ્યો તે માટે તેમનો ઘણો આભાર માનવામાં આવે છે.
પરમ પૂજ્ય અધ્યાત્મમૂર્તિ સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પુનિત પ્રભાવે આજે હજારો વર્ષે આ
સૌરાષ્ટ્રદેશમાં ફરીથી પવિત્ર જિનેન્દ્રશાસનની સ્થાપના થઈ રહી છે. પૂ. ગુરુદેવશ્રીના શુભ હસ્તે આવા પવિત્ર
શાસન–પ્રભાવનાના સેંકડો મહાન કાર્યો થાઓ. અને શ્રીજિનેન્દ્ર ધર્મચક્ર સર્વત્ર સર્વદા પ્રવર્તો.
[અહીં પ્રતિષ્ઠા મહોત્સવ વખતે થયેલા કાર્યક્રમની માત્ર ટૂંકી નોંધ કરી છે. વિસ્તારથી તેનું વર્ણન કરવામાં
આવે તો આત્મધર્મમાં તે આવી શકે નહિ. પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ તો તે નજરે જોનાર જ જાણી શકે.]

PDF/HTML Page 14 of 17
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૧૯ :
વીંછિયામાં શ્રી
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આવેલ રકમોની યાદી
૫૦૦૧/– શેઠ. નેમીદાસ ખુશાલભાઈ પોરબંદર ૧૦૧/– કાશીબેન સોનગઢ
૫૦૦૧/– કંચનબેન. નેમીદાસભાઈના ધર્મપત્ની ,, ૧૦૧/– હરકુંવરબેન, ઉજમબેન, જેકુંવરબેન સોનગઢ
૩૧૦૧/– પાટણી સાહેબ નેમીદાસભાઈના માતૃશ્રી ૩૧૧૧/– જુદા જુદા ગામના મુમુક્ષુઓ તરફથી રૂપિયા
૨૫૦૧/– શ્રી સોનગઢ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ૫૧–ની આવેલી ૬૧ રકમો.
૨૦૦૧/– શ્રી. રાજકોટ મુમુક્ષુ મંડળ ૨૩૬૯/– રૂ।। ,, ,, ૫૧–નીચેની રકમો.
૧૦૦૧/– શ્રી. વઢવાણ કેમ્પ મુમુક્ષુ મંડળ ૪૮૪/– ભગવાનના અભિષેક વખતે જળ ભરવા જતાં
૬૦૧/– મોહનલાલ વાઘજીભાઈ કરાંચીવાળા કળશ લેવાના (બહેનોમાંથી)
૫૦૫/– શેઠ. પ્રેમચંદ લખમીચંદના પાંચ પુત્રો તરફથી ૩૪૦૦/– ભગવાનના જન્માભિષેક વખતે કળશના.
૫૦૧/– છબલબેન તંબોલી. જામનગરવાળા ૨૦૧૫–૮–૦ બાળક આદિકુંવર ભગવાનનું પારણું–
૫૦૧/– રાણપુર મુમુક્ષુ મંડળ ઝુલાવવામાં.
૫૦૧/– છોટાલાલ નારણદાસ નાગનેસવાળા ૧૩૩૯–૬–૦ ભગવાન આદિકુંવરના રાજ્યાભિષેક પછી
૫૦૧/– લહેરચંદ ઝવેરચંદ વીંછિઆ રાજાઓ તરફથી પ્રભુને આવેલી ભેટમાં.
૩૨૫/– વઢવાણ મુમુક્ષુ મંડળ ૫૬૨–૮–૦ દીક્ષા કલ્યાણક વખતે વનમાં જતાં ભગ–
૨૫૧/– લાઠી મુમુક્ષુ મંડળ વાનની પાલખી ઉપાડવામાં.
૩૦૧/– શા. કસ્તુર મુળચંદ વીંછીઆ ૯૫૧/– ભગવાન આદિનાથ મુનિરાજના આહારદાન–
૩૦૧/– શા. હરીલાલ મોહનલાલ ,, પ્રસંગે મુમુક્ષુઓ તરફથી
૨૦૧/– શા. વાલજી ભુરાભાઈ ,, ૩૬૦–૧૪–૩ શ્રુત પૂજનમાં
૨૦૧/– શા. મણીલાલ માણેકચંદ ,, ૩૨૭૭–૮–૦ શ્રીજિનમંદિરમાં ભગવાનને વેદી ઉપર બિરા–
૧૫૧/– શા. નાનચંદ ભગવાજી ખારા અમરેલી જમાન કરવામાં.
૧૫૧/– શા. પ્રાણજીવન હરજીવનદાસ. પોરબંદર ૫૨૫–૦–૦ શ્રીજિનમંદિર ઉપર કલશ ચડાવવામાં
૨૦૧/– શા. મોહનલાલ છગનલાલ ભાવનગર ૨૬૪૦–૩–૯ પ્રભુશ્રીની આરતીના, તથા રથયાત્રામાં
૧૧૧/– શ્રીમતી રાધાબેન. મલકાપુર ૩૧૪–૦–૦ બ્રહ્મચર્ય લીધેલ ભાઈ–બહેનો તરફથી.
૧૦૧/– શા. લવજી મોહનલાલ વીંછીઆ ૪૬૦૨૫–૦–૦ (છેંતાલીસ હજાર ને પચીશ રૂપિયા.)
૧૦૧/– શા. ચંદુલાલ બ્રધર્સ ,, (આ ઉપરાંત ચાંદીના છત્રો, ચામર, ભામંડળ તથા પૂજાની
૧૦૧/– શા. પોપટલાલ મોતીચંદ ચુડા સામગ્રી વગેરે વસ્તુઓ પણ ભેટમાં આવેલી છે.)
૧૦૧/– શા. જેઠાલાલ સંઘજી બોટાદ
૧૦૧/– ગાંધી રાઈચંદ રતનશી ,, સૌરાષ્ટ્રમાં જિનબિંબ ભગવાન
૧૦૧/– ગાંધી ચત્રભુજ,, ,, હાલ સૌરાષ્ટ્ર દેશમાં નીચેના સ્થાનોએ શ્રી
૧૦૧/– જીણીબેન પોરબંદરવાળા વીતરાગી જિનબિંબ ભગવાન બિરાજમાન છે.
૧૦૧/– શા. હરીલાલ મોહનલાલના માતુશ્રી (૧) સોનગઢ (૨) વીંછિયા. (૩) બોટાદ (૪) રાણપુર
૧૦૧/– શા. મગનલાલ નારણજી ખારા (૫) વઢવાણશહેર (૬) વઢવાણ કેમ્પ (૭) સાવરકુંડલા
૧૦૧/– શા. હરગોવીંદ દેવચંદ સોનગઢ (૮) રાજકોટ (૯) ચોટીલા (૧૦) મોટા આંકડીઆ
૧૦૧/– શા. પ્રેમચંદ લખમીચંદના ચાર પુત્ર વધૂઓ (૧૧) ભાવનગર (૧૨) ઘોઘા (૧૩) પાલીતાણા ગામમાં
૧૦૧/– શા. મોહનલાલ ગોકળદાસ તેમ જ શત્રુંજ્યપર્વત ઉપર (૧૪) જુનાગઢ–ગિરનાર
૧૨૫/– મોરબીની બેનો તરફથી હા. સમરતબેન પર્વત ઉપર

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૨૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૭૫ :
વીંછીઆ
૧ શ્રીચંદ્રપ્રભ ભગવાન ૨ શ્રી સીમંધર ભગવાન
૩ શ્રીશાંતિનાથ ભગવાન ૪ શ્રીસુપાર્શ્વનાથ ભગવાન
૫–૬ શ્રીઆદિનાથ ભગવાન ૭ શ્રીસિદ્ધ ભગવાન
વઢવણ શહર
૮ શ્રીસીમંધર ભગવાન ૯ શ્રી શાંતિનાથ ભગવાન
૧૦ શ્રીમહાવીર ભગવાન ૧૧ શ્રીપાર્શ્વનાથ ભગવાન
વઢવણ કમ્પ
૧૨ શાંતિનાથ ભગવાન ૧૩ શ્રીમહાવીર ભગવાન
રાણપુર
૧૪ શ્રીમહાવીર ભગવાન ૧૫ સીમંધર ભગવાન
૧૬ શ્રીઆદિનાથ ભગવાન ૧૭ શ્રીપાર્શ્વનાથ ભગવાન
બોટાદ
૧૮ શ્રીસીમંધર ભગવાન ૧૯ શ્રીશાંતિનાથ ભગવાન
સાવર કુંડલા
૨૦ શ્રીઆદિનાથ ભગવાન ૨૧ શ્રીમહાવીર ભગવાન
૨૨ શ્રી મહાવીર ભગવાન (શ્રીમત રાધાબાઈ મલકાપુર)
૨૩ શ્રીવાસુપૂજ્ય ભગવાન અંજડ
૨૪ શ્રીમુનિસુવ્રત ભગવાન કાનપુર
૨૫ શ્રીમહાવીર ભગવાન (શેઠ રાજમલ્લજી
ભેલસા)
૨૬ શ્રી સિદ્ધપ્રભુજી સોનગઢ
૨૭ શ્રીપાર્શ્વનાથ ભગવાન–ચાંદીના (શેઠ ભંવરલાલજી શેઠી
ઇંદોર
૨૮–૩૦ શ્રીશાંતિનાથ ભગવાન વગેરે;
ત્રણ પ્રતિમા સ્ફટિકના સર હુકમીચંદજી શેઠ: ઇંદોર
૩૧ શ્રી જિનપ્રતિમા પન્નાના (સરભાગચંદજી સોની
અજમેર)
૩૨ શ્રીશાંતિનાથ ભગવાન (શેઠ. ભૈયાલાલ બાબુલાલ
પેરડારોડ
શેઠ ગેનામલ્લ સુરજમલ્લ ઇંદોર
૩૩–૩૫
શ્રીસિદ્ધ ભગવાનના ૩ પ્રતિમા
૩૬ શ્રીપાર્શ્વનાથ ભગવાન ૩૭ શ્રીવર્દ્ધમાન ભગવાન
૩૮ શ્રીચંદ્રપ્રભસ્વામી–ચાંદીના
બાવલી
૩૯ શ્રીનેમનાથ ભગવાન (શેઠ રહતુમલ્લ ગોયલીય
કલકત્તા
૪૦ શ્રીચંદ્રપ્રભ ભગવાન (શેઠ. ધર્મચંદ નેમિચંદ સરાવતા
૪૧ શ્રીમહાવીર ભગવાન
૪૨ શ્રીશાંતિનાથ ભગવાન.
ઉપર મુજબ કુલ ૧૬ ગામના ૪૨ પ્રતિમાજીઓ બિરાજમાન છે:
[અનુસંધાન ટાઈટલ પાન ૨ નું ચાલુ]
પુણ્યથી આત્મસ્વરૂપ ઓળખાતું નથી. પુણ્ય તો
અલ્પકાળે ક્ષીણ થઈને નષ્ટ થઈ જાય છે. સ્વાનુભવ
વડે જ આત્મતત્ત્વ જણાય છે. કરોડોમાં વિરલા જીવો જ
સ્વાનુભવથી જે આત્માને જાણે છે તે આત્મસ્વભાવ
આ જગતમાં જયવંત વર્તો! –એમ કહીને અહીં
મંગળિક કર્યું છે.
આત્મસ્વરૂપ અંતરમાં દરેકને છે પણ સ્વાનુભવ
વડે કરોડોમાં વિરલા જીવો જ તેને જાણે છે. છે તો
અંતરમાં, પણ બહાર ભમે છે. એક શિષ્યને જ્ઞાન
જોઈતું હતું, ને કોઈ પાસે જઈને કહ્યું–મને જ્ઞાન આપો.
ત્યારે તેણે કહ્યું કે અમુક સરોવરના માછલાં પાસે
જઈને કહેજે, તે તને બતાવશે. ત્યારે તે માણસ માછલાં
પાસે જઈને કહે–“મારે જ્ઞાન જોઈએ છે” ત્યારે માછલે
કહ્યું–“પહેલાંં મને તૃષા લાગી છે માટે પાણી આપો,
પછી જ્ઞાન બતાવું” ત્યારે તે માણસે આશ્ચર્યથી કહ્યું–કે
અરે, તું આ મીઠા પાણીના સરોવરમાં પડ્યો છે, તારી
પાસે પાણી ભર્યું છે ને મારી પાસે કેમ માગ્યું?” ત્યારે
માછલે કહ્યું– ‘હે ભાઈ, તારું જ્ઞાન તો તારા અંતરમાં
પૂરું છે, તેમાંથી જ્ઞાન કાઢને, બહારમાંથી જ્ઞાન આવે
તેમ નથી. પોતામાં જ્ઞાન ભર્યું છે તેને જાણતો નથી, તે
અજ્ઞાની બહારમાં જ્ઞાન ગોતે છે. પણ અંતર
સ્વભાવમાં જ્ઞાન ભર્યું છે તેને ઓળખે તો
સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્ર પ્રગટે ને આત્માની મુક્તિ થાય.
શ્રાવકને ગૃહસ્થાશ્રમમાં આત્માનું ભાન થાય
છે. રાજ–પાટ, બાયડી–છોકરાં હોવા છતાં આત્માને
સમજી શકે છે, ને કલ્યાણ થાય છે. અને આત્માને
સમજ્યા વગર તે બાયડી–છોકરાં, ઘરબાર છોડીને
જંગલમાં રહે તો ય તેને કલ્યાણ થતું નથી.
આત્મસ્વભાવ મહિમાવંત છે, તે મોક્ષ સુખનો
દેનાર છે, સ્વાનુભવથી જણાય છે, પણ વાણીના
વિસ્તારથી કહેવાતો નથી, લાખો–કરોડોમાં તેને
જાણનારા કોઈક વિરલા જ હોય છે. એવો આત્મા આ
જગતમાં જયવંત વર્તે છે. અને આત્માને જાણનારા
સદાય હોય છે. આત્માને જાણનારા વિરલા જ હોય છે,
પણ તેનો કદી વિરહ પડ્યો નથી. પૂર્વે આત્માને
જાણનારા હતા, અત્યારે છે, ને ભવિષ્યમાં થશે.
એવા આત્માને જાણે તો મુક્તિ પ્રગટે, ને
સંસારમાં જન્મ–મરણ રહે નહિ. માટે એવા આત્માને
જાણવો તે મનુષ્યભવનું કર્તવ્ય છે.

PDF/HTML Page 16 of 17
single page version

background image
: ચૈત્ર : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૨૧ :
કેવા વક્તાનો ઉપદેશ સાંભળવો યોગ્ય છે?
જેમાં લાખો અને કરોડોનો વહીવટ ચાલતો હોય એવી પેઢીનો વહીવટ દસ રૂપિયાના પગારવાળો
મંદબુદ્ધિ જીવ સંભાળી શકે નહિ. પણ મોટા પગારવાળો બુદ્ધિશાળી જીવ હોય તે વહીવટ સંભાળે. તેમ જેમને
પૂર્ણ પરમાત્મદ્રશ રૂપ સ્વરૂપલક્ષ્મી પ્રગટી છે એવા શ્રી વીતરાગદેવની પરંપરામાં રહીને સમ્યગ્દર્શન જ્ઞાન–
ચારિત્રરૂપ વીતરાગ ધર્મનો ઉપદેશ કરનાર જીવ શ્રદ્ધા–જ્ઞાનાદિ અનેક ગુણના ધારી હોવા જોઈએ, અને
અધ્યાત્મવિદ્યામાં પારંગત હોવા જોઈએ. અધ્યાત્મરસદ્વારા પોતાના સ્વરૂપનું અનુભવન જેને ન થયું હોય
એવા જીવો વીતરાગી જિનધર્મનો ઉપદેશ યથાર્થ આપી શકે નહિ, અને એવા વક્તા પાસેથી શાસ્ત્રશ્રવણ
કરવાથી જીવને આત્મલાભ થાય નહિ. માટે યથાર્થ આત્મજ્ઞાની પુરુષને ઓળખીને તેમની પાસે
આત્મસ્વભાવનો ઉપદેશ સાંભળવો યોગ્ય છે.
જે વક્તા હોય તે પ્રથમ તો જૈનશ્રદ્ધાનમાં દ્રઢ હોવા જોઈએ. રાગ–દ્વેષરૂપ દોષ મારી અવસ્થામાં ક્ષણિક છે
અને તેને જીતનાર મારો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ છે–આવી શ્રદ્ધા હોય તેનું નામ જૈનશ્રદ્ધા છે. જે પોતાના શુદ્ધ
સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન અને એકાગ્રતા વડે રાગ–દ્વેષ મોહને જીતે છે તેને જૈનપણું પ્રગટે છે. જેને પોતાના
શુદ્ધાત્મ–સ્વભાવની પ્રતીત ન હોય તે અન્ય જીવોને શુદ્ધાત્મ સ્વભાવનો ઉપદેશ કઈ રીતે આપી શકે?
કોણ જૈન છે?
જૈન એટલે જીતનાર; કોને જીતવું છે અને કોણ જીતનાર છે એ જાણવું જોઈએ. પરદ્રવ્યોથી તો આત્મા
ભિન્ન છે, પણ એક આત્મામાં બે પડખાં છે–એક તો ત્રિકાળી સ્વભાવ છે અને બીજું વર્તમાન અવસ્થા છે. તેમાં
જે ત્રિકાળસ્વભાવ છે તે તો શુદ્ધ જ છે, તેમાં કાંઈ જીતવાનું નથી, પણ વર્તમાન અવસ્થામાં દોષ છે તે દોષને
જીતવાના છે. કોઈ પર પદાર્થોને જીતવા નથી–જીતી જ શકાતા નથી, તેમ જ કોઈ પર પદાર્થોની મદદથી પણ
જીતવું નથી–જીતી શકાતું નથી; પણ પોતાની વર્તમાન અવસ્થા પરલક્ષે થતી હોવાથી દોષવાળી છે, તે અવસ્થાને
સ્વભાવ તરફ વાળીને દોષને જીતવા છે, અને તે પોતાથી થઈ શકે છે. પોતાના ત્રિકાળી સ્વભાવના યથાર્થ
શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક સ્વસ્વરૂપમાં સ્થિરતા કરીને અવસ્થાના દોષને જીતવાના છે. એ રીતે, જીતનાર આત્મા છે. અને
જીતવાનું પણ પોતામાં જ છે. આ રીતે બન્ને પડખાંને પોતામાં જાણીને ત્રિકાળી સ્વભાવની રુચિના પુરુષાર્થથી
વર્તમાન પર્યાયના દોષને જે જીતે તે જૈન છે. આ રીતે જૈનપણું કોઈ વાડામાં, સંપ્રદાયમાં, વેશમાં કે શરીરની
ક્રિયામાં નથી પણ આત્માસ્વરૂપની ઓળખાણમાં જ જૈનપણું છે. હું મારા ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન
સ્થિરતાવડે વર્તમાન ક્ષણિક અવસ્થાના દોષને જીતનાર છું એમ જે જીવ આભ્યંતર માર્ગમાં શ્રદ્ધાવાન્ છે તે જ
વીતરાગ ધર્મનો ઉપદેશ આપી શકે.
હું મારા સ્વભાવથી પરિપૂર્ણ છું, મારા ગુણો પરિપૂર્ણ જ છે, ગુણ કાંઈ ઘટી ગયા નથી, અને પર્યાયમાં
મારા દોષથી વિકાર છે પણ તે વિકાર મારા ગુણસ્વભાવમાં નથી. વિકાર ટાળીને નિર્મળ પર્યાય બહારથી
લાવવાની નથી પણ મારા પરિપૂર્ણ ગુણો વર્તમાન છે તેમાં એકાગ્રતા કરતાં પર્યાયનો વિકાસ થઈને નિર્મળતા
પ્રગટે છે. કોઈ બીજાના કારણે વિકાર થયો નથી અને કોઈ બીજાના અવલંબને તે ટળતો નથી. આમ પોતાની
પરિપૂર્ણ ગુણોની પ્રતીત દ્વારા, અવસ્થાના અવગુણને જાણીને જે ટાળે છે તે જૈન છે. ચોથા ગુણસ્થાને
સમ્યગ્દર્શન પ્રગટતાં વાસ્તવિક જૈનપણું શરૂ થાય છે અથવા તો સમ્યગ્દર્શનની સન્મુખ જે જીવ હોય તેને પણ
જૈન કહેવાય છે; અને તેરમા ગુણસ્થાને જે જિનદશા પ્રગટે છે તે સંપૂર્ણ જૈનપણું છે, તેમને રાગ–દ્વેષ જીતવાના
બાકી રહ્યા નથી. જૈનધર્મ એ વસ્તુનું સ્વરૂપ છે; જગતના જડ–ચેતન પદાર્થોનું યથાર્થ સ્વરૂપ બતાવનાર
જૈનદર્શન તે વિશ્વદર્શન છે. સંપૂર્ણ રાગ–દ્વેષને જીતનાર પોતાના વીતરાગસ્વરૂપનું જેને ભાન છે પણ હજી પૂર્ણ
રાગ–દ્વેષ જીત્યા નથી તે છદ્મસ્થ જૈન છે અને વીતરાગસ્વરૂપના ભાનપૂર્વક જેણે સંપૂર્ણ રાગ–દ્વેષ જીત્યા છે તે
પૂર્ણ જૈન છે. આવા પુરુષો જ જૈનદર્શનના રહસ્યના વક્તા થઈ શકે.

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permission of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30-24 date 31-10-44
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ: સોનગઢનાં પ્રકાશનો
શ્રી સમયસાર–પ્રવચનો ભાગ ૧–૩–૪ દરેકના ૩–૦–૦
શ્રી સમયસાર–પ્રવચનો ભાગ–૨ જો ૧–૮–૦
શ્રી અપૂર્વઅવસર–પ્રવચનો ૦–૮–૦
શ્રી આત્મસિદ્ધિ–પ્રવચનો [આવૃત્તિ ત્રીજી] ૩–૮–૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ૦–૧૨–૦
શ્રી ધર્મની ક્રિયા ૧–૮–૦
શ્રી મૂળમાં ભૂલ ૧–૦–૦
શ્રી જિનેન્દ્ર સ્તવનમંજરી ૨–૦–૦
શ્રી જિનેન્દ્ર સ્તવનાવલી ૦–૮–૦
શ્રી સર્વસામાન્ય પ્રતિક્રમણ [આવૃત્તિ ત્રીજી] ૦–૮–૦
શ્રી નિયમસાર–પ્રવચનો ભાગ–૧ ૧–૮–૦
શ્રી સમવસરણ સ્તુતિ [આવૃત્તિ ત્રીજી] ૦–૪–૦
શ્રી મોક્ષશાસ્ત્ર (ગુજરાતી ટીકા) છપાય છે
શ્રી પૂજા સંગ્રહ
[આવૃત્તિ ચોથી] ૦–૧૦–૦
શ્રી પ્રવચનસાર (ગુજરાતી) ૨–૮–૦
શ્રી સમયસાર પદ્યાનુવાદ ૦–૪–૦
શ્રી પ્રવચનસાર પદ્યાનુવાદ ૦–૫–૦
શ્રી યોગસાર પદ્યાનુવાદ ૦–૨–૦
શ્રી યોગસાર પદ્યાનુવાદ તથા ઉપાદાન નિમિત્ત દોહા ૦–૩–૦
શ્રી મુક્તિનો માર્ગ ૦–૯–૦
શ્રી સત્તાસ્વરૂપ અને અનુભવપ્રકાશ ૧–૦–૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ૩–૦–૦
શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકા ૦–૮–૦
શ્રી છહ ઢાળા [ગુજરાતી] ૦–૧૪–૦
શ્રી દ્રવ્ય સંગ્રહ [ગુજરાતી] ૦–૭–૦
શ્રી સમ્યગ્જ્ઞાન દીપિકા [ગુજરાતી] ૧–૦–૦
શ્રી આત્મસિદ્ધિ સાર્થ ૦–૪–૦
શ્રી આત્મસિદ્ધિ ગાથા ૦–૨–૦
શ્રી આલોચના ૦–૨–૦
શ્રી પુરુષાર્થ ૦–૪–૦
શ્રી દશ લક્ષણ ધર્મ ૦–૯–૦
શ્રી પંચાધ્યાયી ભાગ–૧ ૩–૮–૦
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી. શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૨૫–૩–૪૯
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર