Atmadharma magazine - Ank 067
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૬
સળંગ અંક ૦૬૭
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
વૈ શા ખ : સંપાદક : વર્ષ છઠ્ઠું
રામજી માણેકચંદ દોશી
૨ ૪ ૭ ૫ વકીલ અંક ૭ મો
સમ્યગ્દ્રષ્ટિની સંસારમુક્તિ
જેણે પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય એવા અવિરત
સમ્યગ્દ્રષ્ટિ પણ વૈમાનિક દેવ અથવા ઉત્તમ મનુષ્યમાં જ
જન્મે છે, એ સિવાય બીજે ક્યાંય જન્મતા નથી; તેથી ઉત્તમ
દેવપણું અને ઉત્તમ મનુષ્યપણું–એ બેને છોડીને બાકીના
સમસ્ત સંસારના કલેશથી તે મુક્ત છે. માટે સંસારના
દુઃખોથી ભયભીત એવા ભવ્ય જીવોએ સમ્યગ્દર્શનની
આરાધનામાં સદાય તત્પર રહેવું જોઈએ.
(સાગાર ધર્મામૃત પૃ: ર૬)

પ્રશ્ન:– સમ્યગ્દ્રષ્ટિ સદાય મુક્ત કેમ છે?
ઉત્તર:– કેમ કે તેને સદાય પોતાના મુક્ત સ્વરૂપનો જ
આશ્રય હોવાથી તે મુક્ત જ છે.
છુટક અંક વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
• અનેકાન્ત મુદ્રણાલય: મોટા આંકડિયા: કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
: ૧૨૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૨૫ :
માહ વદ ૪ બુધવાર તા. ૧૬–ર–૪૮] [પદ્યનંદિ પંચવિંશતિકા સદ્બોધ ચંદ્રોદય અધિકાર
[ગાથા પ મી]
જુઓ, આ મનુષ્યદેહ પામીને દરેક પ્રાણી સુખને શોધે છે. શરીરમાંથી, પૈસામાંથી ખોરાકમાંથી સુખ લેવા
માગે છે. છેવટે બળીને શરીર જતું કરીને પણ સુખ લેવા માગે છે, એનો અર્થ એ છે કે શરીર વગર એકલા
આત્મામાં સુખ છે, તેથી શરીરનો અભાવ કરીને પણ સુખી થવા ઈચ્છે છે. પૈસા વગેરેમાંથી સુખ લેવા માગે છે
પણ તેમાં સુખ નથી. રપ લાખ રૂપિયા પડ્યા હોય, સ્ત્રી–પુત્ર હોય છતાં જ્યાં અપમાન થાય છે ત્યાં દુઃખી થાય
છે, માટે તે રૂપિયામાં કે સ્ત્રી–પુત્રમાં ક્યાંય સુખ નથી. બળીને પણ સુખી થવા ઈચ્છે છે એટલે શરીર, લક્ષ્મી,
સ્ત્રી–પુત્ર બધું ચાલ્યું જાય તોપણ પોતે એકલો રહીને પણ સુખી થાય છે. પણ અજ્ઞાનીને એ વાતનો વિશ્વાસ
બેસતો નથી કે સુખ આત્મામાં છે, તેથી તે બહારમાંથી સુખને ગોતે છે. અજ્ઞાની પણ બધું જતું કરીને; એકલો
રહીને સુખી થવા ઈચ્છે છે પણ સુખ ક્યાં છે તેની ઓળખાણ નથી. પણ અવ્યક્તપણે એટલું તો આવે છે કે આ
જે સામગ્રીઓ પડી છે તેમાં સુખ નથી. પણ તે બધાના અભાવમાં સુખ છે. પર વસ્તુઓ અને તે પ્રત્યેનો રાગ
તથા દ્વેષ પણ જતો કરીને સુખી થવા માગે છે. તો પર વસ્તુઓથી ભિન્ન તેમ જ રાગ–દ્વેષ રહિત એવો ક્યો
પદાર્થ છે તેને ઓળખે તો તેના આધારે સુખ પ્રગટે. છ મહિનાની બાળકી હોય છતાં જ્યાં અપમાન થાય ત્યાં તે
બાળકીના રાગને છોડીને માતા બળી મરે છે, ને શરીરના દ્વેષને પણ જતો કરે છે. માટે એમ નક્કી થયું કે–સુખ
નથી તો કોઈ પર ચીજ માં; નથી પર ચીજ પ્રત્યેના રાગમાં, કે નથી પર ચીજ પ્રત્યેના દ્વેષમાં, પણ રાગ–
દ્વેષરહિત આત્માનો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે, તેમાં જ સુખ છે.
આ દેહમાં જાણનાર–દેખનાર કોણ છે? જાણનાર–દેખનાર તો અંદરમાં ચૈતન્યમૂર્તિ આત્મા છે. જાણવા–
દેખવામાં જ ધર્મ છે. ધર્મ શરીરમાં નથી, ઈન્દ્રિયોમાં નથી, રાગદ્વેષમાં નથી પણ આત્માના જ્ઞાતાદ્રષ્ટા ભાવમાં જ
ધર્મ છે, એને જ સુખ છે.
વર્તમાન જે દુઃખદશા છે તેને ટાળીને બીજી દશા કરવા માગે છે, મારે દુઃખ ટાળીને સુખ પ્રગટ કરવું છે,
રાગ ટાળીને જ્ઞાન પ્રગટ કરવું છે. સુખ ક્યાંઈ બહારમાંથી લાવવું નથી પણ અંદરમાંથી જ પ્રગટ કરવું છે–એમ
તો પહેલાંં નક્કી કરવું જોઈએ. આત્માના સુખ–શાંતિ ક્યાંય બહારમાંથી આવે નહિ, રાગમાંથી ન આવે, દ્વેષમાંથી
ન આવે, ને જે દુઃખદશા ટાળવી છે તેમાંથી પણ સુખ ન આવે, સુખ તો આત્મામાં છે, તે સ્વભાવની
ઓળખાણથી જ સુખ પ્રગટે છે.
પરવસ્તુમાંથી સુખ આવતું નથી, પરને મેળવું એવા રાગ ભાવમાંથી સુખ પ્રગટતું નથી, પરને દૂર કરું
એવા દ્વેષ ભાવમાંથી પણ સુખ પ્રગટતું નથી. તો સુખ આવ્યું ક્યાંથી? અંદર જ્યાં પૂરું સુખ ભર્યું છે તેમાંથી જ
સુખ આવે છે.
પહેલાંં ઓછું જ્ઞાન હોય ને પછી વધે, તે વધારે જ્ઞાન ક્યાંથી આવ્યું? પુસ્તકમાંથી કે શરીરમાંથી આવ્યું
નથી. જ્યાં હોય ત્યાંથી આવે કે બીજેથી આવે? આત્માનું જ્ઞાન ભગવાન પાસેથી કે ગુરુ પાસેથી આવતું નથી,
પણ અંતર તત્ત્વમાં જ જ્ઞાન ભર્યું છે તેમાંથી આવે છે, પણ અજ્ઞાનીને તેનો વિશ્વાસ નથી આવતો. સુખ
આત્માના અંતર સ્વભાવમાં છે. –આ વાત સમજાવવા માટે ભગવાનના દિવ્યધ્વનિનો ઉપદેશ છે.
જગત સુખ શોધે છે. તો ક્યાંક સુખ છે એમ માને છે તેથી તેને શોધે છે. જેમ પુત્ર હોય તો તેને ગોતવા
નીકળે, પણ વાંઝિયો કોને ગોતે? ખેતરમાં પાક હોય તો લણવા જાય, પણ પાક જ ન હોય તો શેને લણે? માટે
જે વસ્તુની હયાતી માને તેને મેળવવાનો ઉપાય કરે. તેમ સુખ છે અને તે સુખનો ઉપાય પણ છે એમ માન્યું છે
તે સુખ મેળવવા પ્રયત્ન કરે છે. હવે તે સુખ ક્યાં છે અને તે સુખનો સાચો ઉપાય શું છે? તેની આ વાત ચાલે
છે. જે આત્મામાંથી અજ્ઞાન અને રાગદ્વેષ ટળીને સર્વજ્ઞતા ને વીતરાગતા થઈ ગઈ તે પરમાત્મા છે. જુઓ,
જીવોને રાગ ઓછો થતો દેખાય છે અને જ્ઞાન વધતું દેખાય છે, એમ જેના રાગદ્વેષ તદ્ન ટળી ગયા ને પૂરું જ્ઞાન
થઈ ગયું એવા વીતરાગ સર્વજ્ઞ
[અનુસંધાન પાન ૧૩૬]

PDF/HTML Page 4 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૨૫ : આત્મધર્મ : ૧૨૫ :
માહ વદ ૧ સોમવાર] [તા. ૧૪–ર–૪૯
[ગાથા ચોથી]
આત્મા દેહ–મન વાણીથી જુદું તત્ત્વ, દેખનાર જાણનાર છે, તેને અનંતકાળમાં એક સેકંડ પણ જાણ્યો
નથી. બાહ્ય ઈન્દ્રિયોથી આત્મા જણાય તેવો નથી પણ તેનાથી તો રૂપ–રસ–ગંધ વગેરે જડ પદાર્થો જણાય છે. જો
એક સેકંડ માત્ર પણ આત્માને પરથી જુદો જાણે તો પરની પ્રીતિ ટળીને આત્માની પ્રીતિ થયા વિના રહે નહિ.
મકાન વગેરે સંયોગી ચીજો છે, તે સુધરે તે તેના કારણે સુધરે છે, જડ મકાન સુધરે તેથી આત્માને લાભ
નથી, આત્મા પોતે સુધરે તો તેને લાભ થાય. જે જેને પ્રીતિકર માને તે તેનો પ્રયત્ન કરે. પરને પ્રીતિકર માને તે
પરને મેળવવાના રાગનો પ્રયત્ન કરે, પણ પરને મેળવવાની તાકાત આત્મામાં નથી. જે પરવસ્તુના સંયોગને
અનુકૂળ કલ્પે છે તે તેને મેળવવાનો રાગ કરીને અટકે છે, ને જેની અપ્રીતિ છે તેને દૂર કરવાનો દ્વેષ કરીને ત્યાં
અટકે છે. ખરેખર પરવસ્તુઓ તો દ્રષ્ટાનું દ્રશ્ય છે. દ્રષ્ટા પોતે બધા પદાર્થોથી ભિન્ન છે. પોતે પોતાને પરથી
ભિન્ન સ્વરૂપે જાણતો નથી તેથી જેને જાણે છે તેના ઉપર જ પ્રીતિ કે અપ્રીતિ કરીને અટકી જાય છે. શરીરમાં
રોગ થાય તે મટાડવાની કામના થાય, પણ તે કામનાનું કામ શરીરમાં થતું નથી. અનંત કાળથી શરીરને પોતાનું
માન્યું અને તેને રાખી મૂકવાની ઈચ્છા કરી, પણ એકેય શરીર રહ્યું નથી. અનંતકાળ થયો છતાં શરીરના એક
રજકણને પણ પોતાનો કરીને રાખી શક્યો નથી. એવી કઈ વસ્તુ પોતાની થઈ કે જે હવે કદી જુદી નહિ પડે?
જુદું તો જ્ઞાન ન પડે; આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, એ સિવાય બીજું એનું સ્વરૂપ નથી. આત્માને જ્ઞાન સિવાય
બીજું કામ કરનાર માનવો તે ચક્રવર્તીની પાસે કચરો કઢાવવા જેવું છે. હું તો દ્રષ્ટા–જ્ઞાતા છું, શરીર વગેરે ચીજો
મારી નથી, તેને રાખવાનું–મેળવવાનું કે ટાળવાનું મારામાં નથી, હું મારા આત્મામાં શુદ્ધસ્વભાવનો મેળવનાર
અને વિકારને ટાળનાર છું. કામ–ક્રોધ–હિંસા વગેરે પાપભાવો અને દયા–દાન વગેરે પુણ્યભાવો તે બધા
ઉપાધિરૂપ છે, તે મારું સ્વરૂપ નથી.
જેમ અજવાળાનો નાનામાં નાનો ભાગ કરો તોય તે અજવાળું હોય. અંધારું ન હોય. તેમ ચૈતન્ય ધર્મનો
નાનામાં નાનો ભાગ પણ ચૈતન્યરૂપ હોય, પણ વિકારરૂપ ન હોય, વિકારના સરવાળામાંથી વિકાર આવે, પણ
તેનાથી ધર્મ થાય નહિ. ચૈતન્યની મોટપને ભૂલીને પરવસ્તુથી પોતાની મોટપ માનવી તે અજ્ઞાન છે. કોઈ ઘણી
વસ્તુને પોતાની માનીને તેનાથી મોટપ માને, અને કોઈ થોડાથી મોટપ માને–તે બંનેને પરનો અહંકાર સરખો છે.
રાજા હોય તો રાજનો મમકાર કરીને તેનાથી પોતાની મોટપ માને ને કીડી શરીરને પોતાનું માનીને તેનો મમકાર
કરે–તે બંનેને પરનો મમકાર સમાનપણે છે. ત્રણકાળમાં રાજાનું રાજ પણ આત્માનું નથી ને કીડીનું શરીર પણ
આત્માનું નથી. આત્મા તેનાથી જુદો, જ્ઞાતાદ્રષ્ટા છે.
જે જીવતા માણસને મરેલો માને તેને લોકો મૂર્ખ કહે છે, તેમ ચૈતન્ય તો જાણનાર–દેખનાર ચૈતન્ય છે,
તેને પરનો કર્તા માનવો તે ચૈતન્યને હણી નાખવા જેવું છે. ચૈતન્ય દેખનાર સ્વરૂપ છે તેને તેવો ન માન્યો એટલે
ચૈતન્યની હિંસા કરી. ચૈતન્યને જાણનાર જ્ઞાની અંતરમાં એકાગ્ર થઈને જ્ઞાનનો વિકાસ કરે છે, અજ્ઞાની બહારમાં
ફેરફાર કરવાનું માને છે પણ પરથી જુદા પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવાનું તે સમજતો નથી. જ્ઞાની તો આત્માને
જાણીને તેમાં એકાગ્રતા વડે અવ્યક્ત શક્તિને પ્રગટ કરે છે. ને વ્યક્ત એવા રાગ દ્વેષ ટળી જાય છે.
આત્માનો સ્વભાવ અનાદિથી એવો ને એવો છે, છે, છે ને છે એટલે ત્રિકાળ છે. ત્રિકાળને કોણ બનાવે?
જો બનાવનાર હોય તો વસ્તુ કૃત્રિમ–અનિત્ય ઠરે. આત્મા તેવો કૃત્રિમ નથી. અનાદિથી આવા આત્માને કદી
જાણ્યો નથી, એ સિવાય જે કર્યું તે બધું રણમાં પોકની જેમ ફોક છે.
લોકો પરવસ્તુથી મોટપ માને છે અને કહે છે કે ‘હતાં તે ગયાં, ને નો’ તાં તે સાંપડ્યા’, પણ ખરેખર
પર વસ્તુ આત્મામાં આવતી નથી ને જતી પણ નથી. આત્મામાં અનાદિનું સમ્યગ્જ્ઞાન ન હતું તે પ્રગટ કર્યું તેણે
જ અનાદિથી નો’ તું તે સાંપડ્યું, અને અનાદિથી જે મિથ્યાત્વ હતું તે ટાળ્‌યું. –એ જ ધર્મ છે.
આત્મસ્વરૂપનું અનંતકાળથી અજાણપણું છે, ને અભ્યાસ નથી તેથી મોંઘું કલ્પ્યું છે માટે દુર્લભ છે, પણ
ખરેખર તો પોતાનું સ્વરૂપ છે તેથી સુલભ છે.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૨૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૨૫ :
આત્મા તો ચૈતન્ય છે, તેને શરીર કેવું ને પૈસા કેવા? કર્મ કેવા? આત્મા તો જ્ઞાનઘન ચીજ છે. એમ અંતરમાં
ઓળખીને એકાગ્ર થવું તે જ સુખનું સાધન છે. બધા વિકાર ભાવોથી રહિત આત્મા પ્રકાશમાન છે. પુણ્્ય–પાપ
હોવા છતાં શ્રદ્ધા–જ્ઞાનમાં એમ આવવું જોઈએ કે તે કોઈ ભાવો મારું સ્વરૂપ નથી. અહો, આત્માના સ્વભાવના
ભાન વિના જગતને પરની અને પુણ્યની પ્રીતિ છે તે અજ્ઞાન છે. એકવાર ભરોસામાં એમ આવવું જોઈએ કે
વિકાર મારામાંથી નીકળી જાય છે માટે તે મારા સુખનું સાધન ન હોય. અંતરમાં જે કાયમી જ્ઞાનાનંદી સ્વભાવ
છે તે જ સાધન છે. એને ઓળખ્યા વગર જે ત્યાગ, તપ કે જ્ઞાન કરે તે બધું ય “છાર ઉપર લીંપણું” જાણો.
પુણ્યને લાભદાયક માને તે ભ્રાંતિ છે, તે ભ્રાંતિ મોટું પાપ છે.
આત્મા પરવસ્તુનો દ્રષ્ટા છે એનો અર્થ જ એ થયો કે આત્મા પરમાં કાંઈ કરનારો નથી, જેમ થાય તેમ
તેને દેખ્યા કરે. આત્મા પરનું કાંઈ કરે એમ જે માને તેણે આત્માને દ્રષ્ટા નથી માન્યો. આ સમજ્યા વિના
ઉપવાસ, ત્યાગ, ક્રિયાકાંડ વગેરે કષ્ટો સહન કર્યાં, પણ ધર્મ ન થયો. કેમ કે આત્મા કષ્ટથી પ્રાપ્ત થાય તેમ નથી
પણ સહજ વસ્તુ છે. અનંતકાળમાં ચૈતન્યની પ્રીતિ કરીને તેને સમજવાનો પ્રયત્ન કર્યો નથી. આચાર્યદેવ કહે છે
કે બધા વિકારી ભાવોનો વિલય થતાં આત્માના જ્ઞાનનો વિકાસ ને પ્રકાશ થાય છે, અંતરમાં એકાગ્ર થતાં થતાં
સમ્યગ્જ્ઞાન પ્રગટીને કેવળજ્ઞાન થાય છે, એ સિવાય બીજા કોઈ ભાવોથી મુક્તિ થતી નથી સર્વે વિકારભાવ રહિત
આત્માની શ્રદ્ધ–જ્ઞાન ને એકાગ્રતા તે સમાધિ છે. તે આધિ વ્યાધિ ને ઉપાધિ એ ત્રણેથી રહિત સમાધિ છે. ઉપાધિ
એટલે બહારની વસ્તુઓ, વ્યાધિ એટલે શરીરમાં રોગ વગેરે ને આધિ એટલે મનના સંકલ્પ–વિકલ્પ; તે બધાથી
પાર ચૈતન્ય–મૂર્તિ આત્માની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા તે સમાધિ છે.
જેમ આંખ સ્થિર છે, ને પાણીનાં પૂર તો દોડયાં જ જાય છે, તેમ નિત્ય સ્થિર એવા આત્મ સ્વભાવની
જેને ખબર નથી તે જીવ અનિત્ય એવા શરીરાદિ સંયોગો દોડયા જાય છે તેને કાયમ રાખવા મથે છે. પણ તે એક
સેકંડ પણ આત્માનાં થતાં નથી. જીવને પરથી ભિન્નપણાનું ભાન નથી તેથી તે પરના અહંકારમાં અટક્યો છે,
અનાદિથી સ્વ–પરનું ભેદવિજ્ઞાન એક સેકંડ પણ કર્યું નથી, અને બહારની કરણીમાં ધર્મ માને છે, તથા કહે છે કે
“કરણી કાંઈ વાંઝણી હોય નહિ”. પણ ભાઈ રે, આત્માના ભાન વગરની તારી બધી કરણી તે વિકારી કરણી છે,
ને તે સંસારમાં રખડવાનું કારણ છે. પણ એક વાર પરથી ભિન્ન પોતે પરમાત્મ સ્વરૂપ છે. તેનો વિશ્વાસ કરે તો
સમ્યગ્જ્ઞાનરૂપી બીજનો ચંદ્ર પ્રગટે ને તેમાંથી ક્રમેક્રમે વિકાસ થતાં પૂર્ણ પરમાત્મદશા પ્રગટે.
માહ વદ ૨] [તા. ૧૫–ર–૪૯ બુધ


જો જ્ઞાનશક્તિથી જુઓ તો આ જડ શરીરથી જુદો ચૈતન્ય આત્મા છે. શરીર જડ છે ને હું ચૈતન્ય છું–એમ
ભિન્ન જાત જાણ્યા વગર ચૈતન્યની દ્રઢતા થાય નહિ ને જડનો અહંકાર ટળે નહિ. જેમ તલમાં તેલ છે, પરંતુ
તલમાં પૂરી તળાય નહિ, પણ તલમાંથી તેલ કાઢીને પછી તેમાં પૂરી તળાય છે. પહેલાંં તલમાં તેલ છે એવો
નિર્ણય કર્યા વગર તલમાંથી તેલ કાઢવાનું લક્ષ થાય નહિ, અને તલમાં તેલ છે એવો નિર્ણય કર્યા પછી તેલ
નીકળતાં વાર લાગે છતાં તેનાં નિર્ણયમાં શંકા પડતી નથી. તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનામાં પરમાત્મા
થવાનું સામર્થ્ય છે. પહેલાંં તેનો નિર્ણય કર્યા વગર પરમાત્મા થવાનો ઉપાય કરે નહિ. અને શરીરથી ભિન્ન
પરમાત્મ સ્વભાવનો નિર્ણય કર્યા પછી પરમાત્મ દશા પ્રગટ થતાં વાર લાગે તો પણ નિર્ણયમાં શંકા પડતી નથી.
કોઈ કહે કે–કોઈ જન્મમાં એમ ને એમ કલ્યાણ થઈ જશે. તો એમ કહેનારને પણ એટલું તો આવી જ ગયું
કે ‘કલ્યાણ કરવા જેવું છે, કલ્યાણ કરવાની રુચિ છે.’ –તો કલ્યાણ કરવાની રુચિ છે તેટલી અત્યારે શરૂઆત
થઈ છે કે નહિ? જો ખરેખર સારું કરવાની રુચિ હોય તો વર્તમાન કલ્યાણ શું ને અકલ્યાણ શું

PDF/HTML Page 6 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૨૫ : આત્મધર્મ : ૧૨૭ :
તેનો નિર્ણય કર. રુચિ હોય ત્યાં જીવ પ્રયત્ન કર્યા વગર રહે નહિ. વિકાર રહિત મારું ચૈતન્ય તેજ છે, વિકારમાં
કલ્યાણ નથી–એનો નિર્ણય કરવો તે કલ્યાણનો ઉપાય છે. એક સેકંડ માત્ર પણ એવો નિર્ણય જીવે અનંતકાળમાં
કર્યો નથી.
શરીર અને વિકારને પોતાનું માનતો તે મોહગ્રંથિ હતી, રાગ અને જ્ઞાનને એકત્વ માનવું તે મોહગ્રંથિ
અનંત જન્મમરણનું કારણ છે. હું ચૈતન્ય છું ને રાગાદિ હું નથી–એવું ભેદજ્ઞાન કરીને ગ્રંથભેદી કરે તેની મુક્તિ
થયા વિના રહે નહિ.
જે ચીજથી પોતાને લાભ માને તે ચીજને પોતાની માન્યા વગર લાભ માની શકે નહિ. શરીરની ક્રિયાથી
આત્માને કાંઈ પણ લાભ થાય એમ જે માને તે શરીર અને આત્માને એક માન્યા વિના તેમ માની શકે નહિ.
શરીર હું નથી, હું ભિન્ન ચૈતન્ય છું–એમ માને તે શરીરથી લાભ માને નહિ. તેવી જ રીતે પુણ્યથી લાભ માને તે
પુણ્યને જ પોતાનું સ્વરૂપ માને છે, પણ પુણ્ય રહિત ચૈતન્ય સ્વરૂપ છે તેને તે માનતો નથી. અને પુણ્યને છોડવા
જેવા નથી માનતો, તે મિથ્યાત્વી છે.
આવો મનુષ્યદેહ મળ્‌યો અને આવી વાત કાને પડી; તો અત્યારે નહિ સમજે તો ક્યારે સમજશે?
અંતરમાં શું ચીજ છે કે જેની પ્રાપ્તિથી કલ્યાણ છે? તેના ભાન વિના બહારની ઓશિયાળ ટળે નહિ. પ્રભુ તો
પોતે છે, પણ પોતાની પ્રભુતાનું સામર્થ્ય એને પ્રતીતમાં આવતું નથી. પુણ્યભાવ રાગ છે, ને પોતે જ્ઞાતા છે,
પુણ્યથી લાભ માને તે જ્ઞાતાને અને રાગને એક માને છે, તે મોહની ગાંઠ છે, તે અનાદિની મોહગાંઠ પહેલાંં
તોડવી જોઈએ. જ્યાંસુધી ચૈતન્ય પ્રકાશની પ્રતિતી થાય નહિ, ત્યાં સુધી ગ્રંથિ ભેદાય નહિ ને ધર્મની શરૂઆત
થાય નહિ.
હે જીવ! શરીરને જો તું ધર્મનું સાધન માનીશ તો જ્યારે શરીરમાં રોગ થશે ત્યારે શું કરીશ? શરીરથી જે
લાભ માને તે શરીરને પોતાથી જુદું માની શકે નહિ. જેનાથી લાભ–નુકશાન માને તેને તે પોતાથી જુદું માની
શકે નહિ. પરથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપના ભરોસા વગર જેટલું કરે તે બધું ‘રણમાં પોક’ સમાન મિથ્યા છે.
દેવ મારું હિત કરી દે, કે મને તારી દે––એમ માને તેને, પોતામાં જ પરમાત્મ શક્તિ ભરી છે એનો
ભરોસો નથી. ભગવાન કોઈને તારી દેતા નથી––એમ ધર્મી જાણે છે, છતાં પોતે પૂર્ણ પરમાત્મા ન થાય ને શુભ
રાગ હોય ત્યારે પૂર્ણ પરમાત્મા પ્રત્યે બહુમાન અને ભક્તિ ધર્મીને આવ્યા વગર રહેતા નથી. છતાં તે ધર્મી
રાગને ધર્મમાને નહિ.
ધર્મી બહારની ક્રિયા તો કરતા નથી અને રાગના પણ કર્તા થતા નથી, છતાં ધર્મીને વીતરાગ દેવ પ્રત્યેની
ભક્તિ વગેરેનો શુભરાગ હોય છે––તે બતાવવું છે. શુભરાગ તે વિકારની ક્રિયા છે, શરીરની અવસ્થા તો જડની
ક્રિયા છે, આત્મા શુભરાગ કરીને કાંઈ જડની ક્રિયા કરતો નથી. અને જે શુભરાગની ક્રિયા છે તેનાથી ધર્મ થતો
નથી. અધ્યાત્મની વાતમાં શુભરાગ કરવાની વાત ન હોય. ધર્મીને રાગ તો થાય, પણ તે રાગને ધર્મ ન માને.
જ્ઞાનીને દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યેનો શુભરાગ થાય તેમજ વિષય ભોગનો અશુભરાગ પણ થાય પણ ધર્મી તેનાથી
આત્માને લાભ ન માને. જે શરીરમાં સોજા ચડે તેને ડાહ્યો માણસ નીરોગતાનું કારણ ન માને પણ રોગ તરીકે
જાણે. તેમ શુભ કે અશુભ રાગ થાય તે બંને રોગ સમાન છે, બંધન છે, તે અબંધનું કારણ નથી. પણ ધર્મી
અબંધ સ્વરૂપને અને બંધનને જુદાજુદા ઓળખે છે તેથી તે બંધને પોતાનું સ્વરૂપ માનતા નથી. રાગ બંધભાવ
છે, બંધભાવ કરતાં કરતાં અબંધ સ્વભાવ કદી પ્રગટે નહિ. જેમ ઝેર ખાતાં ખાતાં અમૃતનાં ઓડકાર ન આવે
તેમ રાગ કરતાં કરતાં ધર્મ થાય નહિ. પહેલાંં આવું ભાન કરીને સર્વે રાગ–દ્વેષાદિ ભાવોનો વિલય થતાં
આત્મામાં પરમાત્મ દશા પ્રગટે છે. પહેલાંં તો શ્રદ્ધામાં રાગ–દ્વેષાદિ ભાવોનો નાશ કર્યો ત્યારે સમ્યગ્દર્શન એટલે
ધર્મની ચોથી ભૂમિકા પ્રગટી. પછી સ્થિરતા વડે તેનો તદ્ન ક્ષય કર્યો, ત્યારે પરમાત્મદશા પ્રગટી.
લાખો રૂપિયા તે જડ છે, કાંકરા છે, તે કાંકરા આપવાથી જે ધર્મ માને તે પહેલાંં તો તે કાંકરાનો સ્વામી
થયો. તે કાંકરા તો પરવસ્તુ અચેતન છે તેને પોતાની માની તેથી તે ચોર છે. પૈસા ખરચવાથી ધર્મ થતો નથી.
પૈસા તો જડ છે, ચૈતન્યતત્ત્વ તેનાથી ભિન્ન છે એની ઓળખાણ કરે તો ધર્મ થાય. જડથી કલ્યાણ માને ને મનાવે
તે બંને ભ્રમમાં પડેલા છે. ધર્મીને પૈસા વગેરેની તૃષ્ણા ઘટાડવાનો ભાવ થાય, પણ

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૨૫ :
અંતરમાં એવું ભાન છે કે લક્ષ્મી જડ છે, તેની ક્રિયાનો કર્તા હું નથી. જેટલો રાગ ટાળ્‌યો તેટલો મને લાભ છે,
અને જે રાગ રહ્યો તે મારું સ્વરૂપ નથી. રાગ ઘટાડીને રાગ વગર રહેનાર પોતે કોણ છે તેના ભાન વગર રાગ
ખરેખર ટળે નહિ. રાગ ઘટાડનારો પોતે રાગ રહિત છે; જો પોતે રાગ વગરનો ન હોય તો રાગ ઘટાડી શકે નહિ.
રાગ વગરનો પોતે કેવો છે તેનું ભાન કરે તો તેને લક્ષ્મી આવી કે ગઈ તેનું લક્ષ રહેતું નથી, અને રાગ ઘટ્યો
તેનું પણ લક્ષ રહેતું નથી, પણ રાગરહિત જ્ઞાતાસ્વરૂપે છું–એવી દ્રષ્ટિ રહે છે.
આત્મા શરીરનો કર્તા, લક્ષ્મીનો કર્તા–એમ જે માને તે અજ્ઞાની છે. સ્વતંત્રપણે કરે તે કર્તા, એટલે
પોતાની અવસ્થાનો પોતે કર્તા છે. હવે પોતામાં જે શુભાશુભ વિકારી લાગણી થાય તેને પોતાનું કાર્ય માને, ને
તેનો હું કર્તા–એમ માને તે પણ અજ્ઞાની છે. કેમ કે જો પોતે પોતાને વિકારનો જ કર્તા માને તો વિકાર રહિત જે
ત્રિકાળ સ્વભાવ છે તેને માન્યો નહિ; જ્ઞાનીને પુણ્ય––પાપ વિકારભાવ થાય તેના તે જ્ઞાતા રહે છે, કર્તા થતા
નથી. હું શરીર–મન–વાણીથી જુદો, ને અંદર પુણ્ય પાપ થાય તેનો ય જાણનાર છું–એમ અંદરની એકાગ્રતાથી
જ્ઞાનની જે નિર્મળદશા થઈ તે કર્મ અને આત્મા તેનો કર્તા છે. જુદા પદાર્થોનું કામ મારાથી થાય એમ માનવું તે
અજ્ઞાન છે. અને વિકારને જ કર્તવ્ય માને તો તેનો નાશ ક્યારે કરે? અજ્ઞાનીનું કર્મ પુણ્ય–પાપ છે. જ્ઞાનીનું કર્મ
તો જ્ઞાન જ છે. કર્તા એટલે થનારો અને કર્મ એટલે જે કાર્ય થયું તે. આત્મા જાણવાના કાર્ય રૂપે પરિણમ્યો, ત્યાં
આત્મા કર્તા છે ને જાણવાની અવસ્થા થઈ તે તેનું કર્મ છે; આ જ ધર્મ છે. અજ્ઞાની પુણ્ય–પાપનો કર્તા થાય છે તે
અધર્મ છે. અને જડનો કર્તા તો કોઈ આત્મા નથી. કર્તા કર્મ ભિન્ન વસ્તુમાં નથી પણ એક વસ્તુમાં જ છે.
આમ સાચા જ્ઞાનથી જ ધર્મ થાય છે. જેમ અંધારું ટાળવા માટે પ્રકાશની જરૂર છે. પણ સૂપડા કે
પાવડાની જરૂર તેમાં પડતી નથી, તેમ અધર્મ ટાળીને ધર્મ કરવા માટે સાચી ઓળખાણની જરૂર છે. અજ્ઞાનીઓ
શરીરની ક્રિયાને અને પુણ્યને ધર્મનું સાધન માને છે, પણ તે આત્માની નિર્મળ દશા જ ધર્મનું સાધન છે. હું
નિર્મળ ચૈતન્ય પ્રકાશ છું–એવી પ્રતીતિ કરી તે જ ધર્મ (નિર્મળદશા) છે.
આત્મા પોતામાંથી કાંઈ કાઢીને બીજાને દાનમાં આપતો નથી, પણ અંતરમાં એકાગ્ર થતાં નિર્મળદશા
પ્રગટે છે તે દશા પોતે જ પોતામાં રાખે છે, અને એ જ સ્વરૂપનું દાન છે.
હું જાણનાર સાક્ષી છું, જાણનાર ચૈતન્યમાં વિકાર હોઈ શકે નહિ. જાણનાર સ્વભાવમાં રાગરહિત પૂરું
જાણવાની તાકાત છે. રાગ થાય તેટલી કૃપણતા છે. મારો સ્વભાવ જ શાંતિનો સાગર છે–એવો નિશ્ચય કરવો તે
જ પ્રથમ ધર્મ છે, એ સિવાય રાગ ઘટાડે તો પુણ્ય થાય, અને તેને પોતાનું સ્વરૂપ માને તો જીવને મિથ્યાત્વનું
મોટું પાપ લાગે; ‘એટલે મીંદડું કાઢતાં ઊંટડું પેઠું’ એના જેવું થયું. એક ડોશીના ફળિયામાં મીદડું મરી ગયું. ભંગી
પાસે તે કઢાવતાં તેને બે પાલી જુવાર આપવી પડશે એવા લોભે પોતે જાતે નાખવા ગઈ, પણ ત્યાં પાછળ ઝાંપો
ઉઘાડો રહી ગયો ને અંદર માંદું ઊંટ પેસીને મરી ગયું! તે કઢાવતાં બે ત્રણ મણ જાર આપવી પડી. જુઓ મીંદડું
કાઢતાં ઊંટડું પેઠું” તેમ જ્યાં દાનાદિનો રાગ કરીને પુણ્ય કરવા ગયો ત્યાં “પુણ્યને પોતાનું સ્વરૂપ માન્યું” એટલે
જ્ઞાનરૂપી ઝાંપો ઉઘાડો રહી ગયો ને મિથ્યાત્વનું મોટું પાપ પેઠું.
ધર્મીને રાગરહિત આત્મસ્વભાવનું ભાન હોવા છતાં વીતરાગદેવની પ્રતિમા વગેરે પ્રત્યે ભક્તિ વગેરેનો
શુભરાગ થયા વિના રહેતો નથી. બહારમાં વીતરાગી પ્રતિમા વગેરે નિમિત્ત હોય છે, પણ તે પ્રતિમાને કારણે
રાગ નથી, રાગને કારણે પ્રતિમા આવતી નથી, ને તે શુભરાગથી ધર્મ થતો નથી, છતાં નીચલી દશામાં ધર્મીને
પ્રતિમાનો શુભરાગ થયા વગર રહેતો નથી. આવી જેમ છે તેમ સાચી સમજણ કરવી તે સદ્બોધરૂપી ચંદ્રમા છે,
એવી સાચી સમજણ કરે તેને જન્મ મરણ રહિત પરમાત્મદશા પ્રગટ્યા વગર રહે નહિ.
સુધારો
આત્મધર્મના ગતાંકમાં પૃ. ૧૧૯માં “૩૧૦૧ પાટણીસાહેબ
નેમીદાસભાઈના માતુશ્રી” એમ લખ્યું છે ત્યાં આ પ્રમાણે વાંચવું:
“૩૧૦૧ કિસનગઢના શેઠ નેમિચંદજી પાટણીના માતુશ્રી તરફથી.
(પ્રતિષ્ઠા ઉત્સવમાં પોતાના સુપુત્ર ઈન્દ્ર થયા હતા તેની ખુશાલીમાં).

PDF/HTML Page 8 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૨૫ : આત્મધર્મ : ૧૨૯ :
ગતાંકથી ચાલુ
લાભ નુકશાન
પ્રશ્ન:– આત્માને લાભ–નુકશાનનું કારણ કોણ છે?
ઉત્તર:– લાભનું કારણ આત્મદ્રવ્ય તરફનું વલણ અને નુકશાનનું કારણ પરલક્ષે થતો ક્ષણિક અવસ્થામાં
વિકાર. આત્મદ્રવ્ય પોતે નુકશાનનું કારણ નથી. જે પર્યાય આખા દ્રવ્યને કારણપણે અંગીકાર કરે છે (એટલે કે
સ્વલક્ષમાં એકાગ્ર થાય છે) તે પર્યાયમાં લાભ પ્રગટે છે. પણ જો ક્ષણિક અવસ્થાના લક્ષમાં રોકાય તો પર્યાયમાં
લાભ પ્રગટે નહિ. કોઈ પરવસ્તુ તો આત્માને લાભ નુકશાનનું કારણ નથી. લાભ કે નુકશાન તો અવસ્થામાં
થાય છે; તેથી ખરેખર તો જે જે અવસ્થામાં લાભ–નુકશાન થાય છે તેનું કારણ તે અવસ્થા પોતે જ છે, અવસ્થા
પોતે પોતાની યોગ્યતાથી શુદ્ધતા કે અશુદ્ધતારૂપે પરિણમે છે. ત્રિકાળી સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–સ્થિરતારૂપે
પરિણમન તે લાભ છે, અને પરવસ્તુથી મને લાભ–નુકશાન થાય એવી માન્યતા તે જ મોટું નુકશાન છે. પણ
પરવસ્તુ તો કંઈ લાભ કે નુકશાન કરતી નથી.
વકતાને લીધે શ્રોતાને, કે શ્રોતાને લીધે વકતાને લાભ નુકશાન થતું નથી
પ્રશ્ન:– જો સાચા વકતા હોય તો સાંભળનારને લાભ થાય છે અને ખોટા વકતા હોય તો સાંભળનારને
નુકશાન થાય છે; તો પછી પર પદાર્થથી લાભ–નુકશાન થતું નથી–એમ કેમ કહો છો?
ઉત્તર:– શ્રોતાઓને લાભ કે નુકશાન વક્તાના કારણે થતું નથી, પણ પોતાના ભાવને કારણે જ થાય છે.
શ્રોતાનું જ્ઞાન શ્રોતાઓ પાસે અને વક્તાનું જ્ઞાન વક્તા પાસે; બંને સ્વતંત્ર છે. સાંભળનારા લાખો માણસો ધર્મ
પામી જાય તેનો કિંચિત્ લાભ વક્તાને નથી પણ વક્તાને તો પોતે પોતાના સમ્યક્ભાવનું જે અંતરઘોલન કરે છે
તેનો જ લાભ છે. તેવી જ રીતે તત્ત્વની ઊંધી પ્રરૂપણા કરનારને સામા લાખો માણસો ઊંધુંં સમજે તેનું કિંચિત્
નુકશાન નથી પણ તે પોતે પોતામાં ઊંધી માન્યતાનું જે ઘોલન કરે છે તે ભાવ જ તેને અનંત સંસારનું કારણ
થાય છે. જે સાચું સમજે તેનો લાભ સમજનારને છે અને જે ઊંધુંં સમજે તેનું નુકશાન પણ સમજનારને પોતાને
છે. સાંભળનારાઓ ઊંધુંં સમજે કે સાચું સમજે તેનું નુકશાન કે લાભ વક્તાને નથી. અને વક્તાના ભાવનું લાભ
કે નુકશાન શ્રોતાને નથી. પણ એવો નિયમ અવશ્ય છે કે–જિજ્ઞાસુ જીવને સત્ય આત્મસ્વભાવ સમજવાની
તૈયારી વખતે આત્મજ્ઞાની વક્તાઓનું જ નિમિત્ત હોય, પણ અજ્ઞાની વક્તાનું નિમિત્ત હોય નહિ.
વક્તાનાં મૂળ લક્ષણ
સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન એ વક્તાનાં મૂળ લક્ષણ છે. સાચી શ્રદ્ધા એ જ આત્માના સર્વ ધર્મનો પાયો
છે. જેને આત્મજ્ઞાન હોય તેનું બધું જ્ઞાન સમ્યક્ છે અને જેને આત્મજ્ઞાન ન હોય તેનું બધું જ્ઞાન મિથ્યા છે.
અજ્ઞાનીને સત્શાસ્ત્રનું જાણપણું, શ્રવણ–મનન તે બધું મિથ્યાજ્ઞાન છે અને જ્ઞાનીને લડાઈનું જ્ઞાન, શસ્ત્ર વગેરે
સંબંધી જ્ઞાન તે બધું સમ્યગ્જ્ઞાન છે. સાચી શ્રદ્ધાવાળા સમ્યગ્જ્ઞાની વક્તા ત્યાગી ન હોય તોપણ તેમની પ્રરૂપણા
સાચી છે, પણ અજ્ઞાની જે પ્રરૂપણા કરે તે યથાર્થ હોય નહિ. માટે પ્રથમ તો વક્તા જૈનશ્રદ્ધાનમાં દ્રઢ હોવા જોઈએ.
આત્મા તો વાણીનો કર્તા નથી, તો પછી ‘વક્તા જૈનશ્રદ્ધાનમાં દ્રઢ હોવા જોઈએ’ એમ કેમ કહ્યું?
પ્રશ્ન:– અહીં વક્તાનું સ્વરૂપ જણાવતાં કહ્યું કે વક્તા જૈનશ્રદ્ધાનમાં દ્રઢ હોવા જોઈએ. પરંતુ જે શબ્દો
બોલાય છે તેનો કર્તા તો તે આત્મા નથી, જેવી ભાષા વર્ગણા લઈને આવ્યો હશે તેવા જ શબ્દો પરિણમશે. તો
પછી વક્તા જૈનશ્રદ્ધાનમાં દ્રઢ હોવા જોઈએ એમ કહેવાનું શું પ્રયોજન છે?
ઉત્તર:– જ્ઞાની અને અજ્ઞાની બંનેને વાણીના શબ્દો તો જડના કારણે જ પરિણમે છે, પણ જ્ઞાનને અને
વાણીના પરિણમનને નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. જેની વાણીમાં મિથ્યાજ્ઞાન નિમિત્તરૂપ હોય તે જીવ યથાર્થ વક્તા
હોઈ શકે નહિ. જેની વાણીમાં સમ્યગ્જ્ઞાન નિમિત્તરૂપ હોય તે જ યથાર્થ વક્તા હોઈ શકે. જ્ઞાની અને અજ્ઞાની
બંનેની વાણીના શબ્દો તો જડના કારણે જ
[અનસધન પન ૧૩ર પર]

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૩૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૨૫ :
[શ્રી આચાર્યદેવે આ સ્વરૂપસંબોધન પચીસીમાં ગૂઢ અધ્યાત્મતત્ત્વ ભરી દીધું છે, અને તેમાં સ્યાદ્વાદ
શૈલીને ખૂબ મલાવીને આમતત્ત્વનું વર્ણન કર્યું છે; આમાં કરેલ આત્મતત્ત્વનું વર્ણન ખાસ સમજવા યોગ્ય છે.
માત્ર પચીચ શ્લોકોના આ નાનકડા ગ્રંથમાં નીચેના વિષયો સુંદર રીતે વર્ણવ્યા છે––
પહેલા શ્લોકમાં મંગલાચરણ તરીકે આત્માનું વર્ણન કરીને તેને નમસ્કાર કર્યા છે. ત્યારપછી નવ શ્લોકો
દ્વારા આત્માનું સ્વરૂપ સ્યાદ્વાદદ્રષ્ટિથી ઘણી સુંદર રીતે વર્ણવ્યું છે. પછી એવા આત્મસ્વરૂપની પ્રાપ્તિના ઉપાયનું
વર્ણન ૧૧ થી ૧પ સુધીના પાંચ શ્લોકોમાં કર્યું છે. ત્યાર પછીના પાંચ શ્લોકોમાં આત્મચિંતવનમાં તન્મય રહેવાની
પ્રેરણા કરી છે. અને ત્યાર પછીના ચાર શ્લોકોમાં મોક્ષાર્થી જીવે શું કરવું જોઈએ તે જણાવ્યું છે, તેમાં કહ્યું છે કે–
પરમાનંદમય આત્મસુખ આત્માધીન હોવાથી સુલભ છે માટે મોક્ષાર્થીઓએ આત્મધ્યાનથી ઉત્પન્ન એવા
પરમાનંદપદને પ્રાપ્ત કરવું જોઈએ. છેવટે પચીસમા શ્લોકમાં ઉપસંહાર કરતાં આ ગ્રંથનો મહિમા જણાવ્યો છે કે આ
સ્વરૂપ–સંબોધન પચીસીમાં વર્ણવેલા આત્મતત્ત્વની જે ભાવના કરશે તે પરમાર્થ સંપત્તિ (મોક્ષ દશા) પ્રાપ્ત કરશે.
–મુમુક્ષુઓ આ સ્વરૂપ–સંબોધન પચીસીમાં વર્ણવેલા આત્મતત્ત્વને ઓળખીને પોતે પણ સ્વરૂપનું
સંબોધન કરો.]
× × ×
મંગલાચરણ
(અનુષ્ટુપ)
मुक्ताऽमुक्तैकरूपो यः कर्मभिः संविदादिना ।
अदयं परमात्मानं ज्ञानमूर्ति नमामि तम् ।।
१।।
સામાન્ય અર્થ:– જે પોતાના જ્ઞાનાદિ ગુણોથી અમુક્ત છે અને કર્મોથી મુક્ત છે તથા જે એકરૂપ અક્ષય છે
એવા જ્ઞાનમૂર્તિ પરમાત્માને હું નમસ્કાર કરું છું.
ભાવાર્થ:– શ્રી આચાર્યદેવે મંગલાચરણ તરીકે આત્મસ્વરૂપને જ નમસ્કાર કર્યા છે. આત્મા પોતાના જ્ઞાન,
સુખ વગેરે ગુણોથી કદી છૂટતો નથી તેથી તે પોતાના ગુણોથી અમુક્ત સ્વરૂપી છે; અને આત્મસ્વભાવ શરીરાદિ
નોકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ તથા રાગદ્વેષાદિક ભાવકર્મોથી સદાય જુદો છે તેથી તે મુક્ત–સ્વરૂપી છે. એ રીતે
આત્મા કથંચિત્ મુક્ત–અમુક્ત સ્વરૂપી છે; આમ કહીને આચાર્યદેવે સ્યાદ્વાદ સિદ્ધ કર્યો છે. વળી તે આત્મસ્વરૂપ
સદાય એકરૂપ છે, તેનો કદી નાશ નથી તેથી તે અક્ષય છે. પોતે બીજા બધાથી જુદો છે અને પોતાથી એકમેક છે
તેથી એક છે. પોતે પોતાથી જ પરિપૂર્ણ છે, આત્મસ્વભાવથી ઊંચું બીજું કાંઈ નથી તેથી તે જ પરમાત્મા છે; તે
સદાય જ્ઞાનની મૂર્તિ છે. આવા પોતાના આત્મસ્વરૂપને ઓળખીને તેને નમસ્કાર કર્યા છે.
આ ગ્રંથનું નામ ‘સ્વરૂપ–સંબોધન’ છે. સ્વરૂપ સંબોધન એટલે સ્વરૂપની જાગૃતિ કરવી તે. પોતાનું શુદ્ધ
આત્મસ્વરૂપ જેવું છે તેવું જાણવું અને તે તરફની જાગૃતિ કરવી તેનું નામ જ સ્વરૂપનું સંબોધન છે. તે માટે
સૌથી પહેલાંં ‘સ્વરૂપ’ શું છે તેનો સમ્યક્બોધ કરવો જોઈએ. સ્વરૂપનો બોધ કરાવવા માટે પહેલી જ ગાથામાં
તેનું વર્ણન કરીને તેને નમસ્કાર કર્યા છે.
જેવું પોતાનું સ્વરૂપ છે તેવું તેને જાણીને, પછી વારંવાર તેનું સંબોધન કરવાથી–જાગૃતિ કરવાથી જે પોતાનું
સ્વરૂપ છે તે જ રહી જાય છે ને પોતાનું સ્વરૂપ નથી તે બધું છૂટી જાય છે એટલે કે આત્માની મુક્તદશા થાય છે.
ઘણા અજ્ઞાની જીવો આત્માને કર્મવાળો જ માનતા હોય છે, તેથી અહીં ‘આત્મા કર્મથી મુક્તસ્વરૂપી છે’
એમ સમજાવ્યું છે. કેટલાક જીવો આત્માને ગુણવગરનો (નિર્ગુણ) માને છે તેથી અહીં ‘આત્મા પોતાના ગુણોથી
અમુક્ત સ્વરૂપ છે’ એમ સમજાવ્યું છે. આત્મા પોતાના ગુણોથી કદી છૂટયો નથી તેથી પોતાની નિર્મળદશા પ્રગટ
કરવા માટે કોઈ બહારનો આશ્રય નથી પણ પોતાના ગુણોને ઓળખીને તેનો આશ્રય કરવાથી નિર્મળદશા પ્રગટ
થાય છે. કેટલાક જીવો આત્માને ક્ષણિક જ માને છે તેથી અહીં ‘આત્મસ્વરૂપ અક્ષય છે’ એમ સમજાવ્યું છે.
કેટલાક જીવો આત્મા અને પરમાત્મા જુદા છે એમ માને છે તથા પરમાત્મદશા થાય એટલે

PDF/HTML Page 10 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૨૫ : આત્મધર્મ : ૧૩૧ :
‘આત્માપણું’ રહેતું નથી એમ માને છે અને ઘણા એમ માને છે કે પરમાત્મામાં જ્ઞાન ન હોય. એ બધાનું
નિરાકરણ કરવા માટે અહીં સમજાવ્યું છે કે આત્મા પોતે જ પરમાત્મા છે અને તે જ્ઞાનમૂર્તિ છે. પોતાના
સ્વરૂપથી આ આત્મા પોતે જ પરમાત્મા છે.
––૧––
પહેલા શ્લોકમ જે જ્ઞાનમૂર્તિ પરમાત્મસ્વરૂપને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ હવેના નવ શ્લોકોમાં
વિસ્તારથી વર્ણવે છે–
सोऽस्त्यात्मा सोपयोगोऽयं क्रमाद्धेतुफलावहः।
यो ग्राह्योऽग्राह्यनाद्यन्तः स्थित्युत्पत्तिव्ययात्मकः।।
२।।
સામાન્ય અર્થ:– તે આત્મા ઉપયોગસહિત છે અને તેઓ ક્રમથી હેતુ અને ફળરૂપ છે (અર્થાત આત્મા
કારણ છે અને ઉપયોગ તેનું કાર્ય છે); વળી તે ગ્રાહ્ય છે ને અગ્રાહ્ય પણ છે, આદિ–અંતરહિત છે ને ઉત્પાદ–વ્યય–
ધ્રુવ સહિત પણ છે.
ભાવાર્થ:– પહેલી ગાથામાં જે પરમાત્મસ્વરૂપને નમસ્કાર કર્યા છે તે કોઈ બીજો નથી પણ આ આત્મા જ
છે. તે આત્મા ઉપયોગસ્વરૂપ છે. આત્મદ્રવ્ય કારણરૂપ છે ને જ્ઞાનદર્શનસ્વરૂપ ઉપયોગ એ જ તેનું કાર્ય છે, એ
સિવાય અન્ય કોઈ કાર્ય આત્માનું નથી. સમ્યગ્જ્ઞાનવડે તેનું ગ્રહણ થઈ શકે છે–તે જાણી શકાય છે તેથી આત્મા
ગ્રાહ્ય છે, અને ઈન્દ્રિયો વડે કે રાગાદિરૂપ વિકલ્પો વડે તેનું ગ્રહણ થઈ શકતું નથી તેથી તે અગ્રાહ્ય છે. સ્વભાવથી
ગ્રાહ્ય અને પરભાવોથી અગ્રાહ્ય–એવા સ્યાદ્વવાદથી અહીં આત્મસ્વરૂપને પ્રકાશિત કર્યું છે. વળી તે આત્મા
પોતાના દ્રવ્યસ્વભાવથી અનાદિ અનંત છે, તેને આદિ કે અંત નથી, અને તે જ આત્મા પોતાના પર્યાય
સ્વભાવથી ઉત્પાદ–વ્યય–ધ્રુવ સહિત છે; ક્ષણે ક્ષણે તેની અવસ્થા બદલાયા કરે છે. આ રીતે નિત્યપણું અને
અનિત્યપણું એ બંને ધર્મોનું વર્ણન કરીને, અનેકાંત દ્વારા આત્મસ્વભાવ બતાવ્યો છે.
જો આત્મા, પોતાનું મૂળ સ્વરૂપ જે રીતે છે તે રીતે તેને ઓળખે તો પોતે તે સ્વરૂપને સંબોધીને તેને
જાગૃત કરે. પણ જો મૂળ સ્વરૂપને જ ન જાણે તો તે સ્વરૂપને કઈ રીતે સંબોધન કરે? સ્વરૂપ જે રીતે છે તે રીતે
ન જાણે અને વિપરીત રીતે માને તો સ્વરૂપની જાગૃતિ ન થાય. જેમ ચક્રવર્તી રાજા વગેરે મહાપુરુષોને તેમના
યોગ્ય બહુ માનપૂર્વક સંબોધન કરવામાં આવે તો જ તેઓ જવાબ આપે છે, તેમ ચૈતન્યરાજા મહામહિમાવંત છે,
તેનો મહિમા જાણીને તેના યથાર્થ બહુમાન પૂર્વક, જો તેને સંબોધવામાં આવે તો જ તે અનુભવાય છે. માટે
સ્વરૂપનો અનુભવ કરવા માટે પહેલાંં તેની બરાબર ઓળખાણ કરવી જોઈએ. તેથી અહીં આચાર્યદેવ પહેલાંં તો
દસ શ્લોક સુધી આત્મસ્વરૂપનું જ વર્ણન કરે છે, પછી તેની પ્રાપ્તિ–અનુભવ–નો ઉપાય બતાવીને તેમાં જ તન્મય
રહેવા સંબંધી શ્લોકો કહેશે. –૨–
આ પરમાત્મસ્વરૂપી આત્મા કથંચિત્ ચેતન છે અને કથંચિત્ અચેતન પણ છે–એમ હવે વર્ણવે છે:–
प्रमेयत्वादिभिर्धर्मैरचिदात्मा चिदात्मकः–
–ज्ञानदर्शनतस्तस्माच्चेतनाऽचेतनात्मकः ।।
३।।
સામાન્ય અર્થ:– એ પરમાત્મા પ્રમેયત્વ વગેરે ધર્મોની અપેક્ષાએ અચિદાત્મક છે, અને જ્ઞાન–દર્શનની
અપેક્ષાએ ચેતનાત્મક છે. ––એ રીતે આત્મા કથંચિત ચેતન–અચેતનાત્મક છે.
ભાવાર્થ:– દરેક વસ્તુનો અનેકાંતસ્વભાવ પોતાના સ્વરૂપમાં જ પ્રકાશે છે. અનેકાન્ત તો દરેક દ્રવ્યોની
સંપૂર્ણ ભિન્નતા જણાવીને ભેદજ્ઞાન કરાવનાર છે, તેને બદલે અજ્ઞાનીઓ પોતાની મિથ્યાકલ્પનાથી અનેકાન્તનું
સ્વરૂપ કલ્પીને તે અનેકાંન્તની ઓથે પોતાની સ્વ–પરની એકત્વબુદ્ધિનું પોષણ કરે છે. અહીં શ્રીઆચાર્યદેવ પરથી
ભિન્ન, એકલા સ્વતત્ત્વમાં જ અનેકાન્ત કઈ રીતે છે તેની ઓળખાણ કરાવે છે. હે જીવ! તું પર સામે ન જો, પણ
તારા જ સ્વરૂપમાં તું અનેકાન્ત શોધ. જો જીવ અનેકાન્તસ્વરૂપે પોતાને ઓળખે તો પોતાના નિત્ય શુદ્ધ ભાવનો
આદર કરીને સમ્યગ્દ્રષ્ટિ થાય.
આત્મા વસ્તુ છે, તેમાં અનંતધર્મો રહેલા છે. એક આત્મામાં જ ચેતનપણું અને અચેતનપણું એવા
પરસ્પર વિરુદ્ધ બે ધર્મો રહેલા છે, એ વાત અજ્ઞાનીને તો વિરોધરૂપ ભાસે છે, પણ અનેકાન્તરૂપ વસ્તુસ્વભાવને
જાણનાર જ્ઞાની તો પરસ્પર વિરુદ્ધ બે ધર્મો વડે એક વસ્તુની સિદ્ધિ કરે છે. આ શ્લોક આત્મામાં જ ચેતનપણું ને
અચેતનપણું કઈ રીતે છે તેનું વર્ણન, કર્યું છે.
એક આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, અસ્તિત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ વગેરે અનંત ધર્મો છે; તેમાં જ્ઞાનદર્શન
સ્વપરને પ્રકાશનારા છે–જ્ઞાનદર્શન સ્વ–પરને ચેતે છે––જાણે દેખે છે તેથી તેઓ (–જ્ઞાન–દર્શન) ચેતનરૂપ ધર્મો છે

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૩૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૨૫ :
અને તે ધર્મોની અપેક્ષાએ આત્મા ચેતનાત્મક છે. જ્ઞાનદર્શન સિવાયના પ્રમેયત્વ, સુખ વગેરે જેટલા ધર્મો
છે તે ધર્મો સ્વ–પરને ચેતના નથી, –જાણતા નથી તેથી તેઓ જીવના અચેતનધર્મો છે, તે ધર્મોની અપેક્ષાએ
આત્મા અચેતનાત્મક છે. આ રીતે, આત્મા પોતે જ ચેતન–અચેતનાત્મક છે–એમ સ્યાદ્વાદથી સિદ્ધ થયું. માટે હે
જીવ, તું બહારના ચેતન કે અચેતન પદાર્થોના અવલંબનને છોડીને તારા આત્મતત્ત્વને જ અવલંબ.
–૩–
હવે જ્ઞાન સાથે આત્માને કથંચિત્ એકપણું અને કથંચિત્ જુદાપણું છે એમ બતાવીને અનેકાંત સિદ્ધ કરે છે:–
ज्ञानाद्भिन्नो न चाभिन्नो, भिन्नाभिन्नः कथंचन।
ज्ञानं पूर्वापरीभूतं सोऽयमात्मेति कीर्तितः।।
४।।
સામાન્ય અર્થ:– આ આત્મા જ્ઞાનથી સર્વથા (એકાંતપણે) ભિન્ન નથી તેમ જ એકાંતપણે જ્ઞાનથી
અભિન્ન પણ નથી; પરંતુ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે કેમ કે પહેલાંં–પછીના જ્ઞાનસ્વરૂપ આ આત્મા
છે–એમ કહેવામાં આવ્યું છે.
ભાવાર્થ:– આત્મામાં માત્ર એક જ્ઞાનગુણ જ નથી પણ જ્ઞાન સિવાયના સુખ, અસ્તિત્વ વગેરે ગુણો પણ
છે. જો આત્મા જ્ઞાનથી સર્વથા જુદો હોય તો જ્ઞાનરહિત આત્મા જડ થઈ જાય, માટે આત્મા અને જ્ઞાન અભેદ છે,
તેને પ્રદેશભેદ નથી અને જો જ્ઞાનથી સર્વથા અભેદ હોય તો જ્ઞાનગુણ જ આત્મદ્રવ્ય થઈ જાય અને તેથી
આત્મામાં જ્ઞાન સિવાય બીજા ગુણોનો અભાવ ઠરે; માટે જ્ઞાન અને આત્માને લક્ષણ વગેરેથી ભેદ પણ છે. એ
રીતે જ્ઞાનથી કથંચિત્ ભિન્નપણું અને કથંચિત્ અભિન્નપણું–એવા બંને ધર્મો આત્મામાં એક સાથે અવિરુદ્ધપણે
રહેલા હોવાથી આત્મા જ્ઞાનથી કથંચિત ભિન્નાભિન્ન છે. કથંચિત્ ગુણગુણી ભેદ છે એ અપેક્ષાએ આત્મા જ્ઞાનથી
જુદો છે. અને કંથચિત ગુણગુણી અભેદ છે એ અપેક્ષાએ આત્મા જ્ઞાનથી અભેદ છે.
વળી બીજી રીતે જ્ઞાનથી કથંચિત્ ભિન્ન–અભિન્નપણું આ પ્રમાણે પણ છે: આત્મામાં જ્ઞાનગુણ સદાય
રહેતો હોવા છતાં તે જ્ઞાન સદાય પરિણમ્યા કરે છે, સદાય એક જ પ્રકારનું જ્ઞાન રહેતું નથી પણ તેની જુદી જુદી
દશાઓ થયા કરે છે. જ્ઞાનની કોઈ એક દશા જેટલો જ આત્મા નથી પણ પહેલાંંની અને પછીની સર્વે જ્ઞાનદશાઓ
તે આત્મા છે. આત્મા કોઈ એક જ્ઞાનદશા જેટલો નથી એ અપેક્ષાએ જ્ઞાનથી ભિન્ન છે અને સર્વે જ્ઞાનદશાઓ તે
આત્મા છે એ અપેક્ષાએ જ્ઞાનથી અભિન્ન છે. આ રીતે આત્માનું અનેકાંત સ્વરૂપ છે. ત્યાં, જ્ઞાન અને આત્મા
ભિન્ન છે એ વ્યવહાર છે; જ્ઞાનલક્ષણદ્વારા આત્માને લક્ષમાં લેવો તે તેનું પ્રયોજન છે. જ્ઞાન અને આત્મા એવા
બંનેના જુદા જુદા વિચારથી તો રાગરૂપ વિકલ્પ ઊઠે છે. જ્ઞાન અને આત્મા અભેદ છે–એ નિશ્ચય છે. ગુણ અને
ગુણીના જુદા જુદા વિકલ્પરહિત અભેદરૂપ એક આત્મસ્વરૂપના અનુભવથી રાગ તૂટે છે ને વીતરાગતા થાય છે.
કથંચિત્ ભિન્ન–અભિન્નપણોનો સંબંધ પર સાથે નથી; પરદ્રવ્યોથી તો આત્મા તદ્ન જુદો જ છે. પોતાના
આત્મામાં જ કથંચિત્ ભિન્ન–અભિન્નપણારૂપ અનેકાંત સ્વભાવ સ્વયં પ્રકાશમાન છે.
–૪–
[અનુસંધાન પાન ૧૨૯ થી ચાલુ]
પરિણમે છે, પણ વાણી પરિણમે ત્યારે જ્ઞાનને અને વાણીના પરિણમનને
નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. જે વાણીમાં સમ્યગ્જ્ઞાનનું નિમિત્ત હોય તે વાણી જ અન્ય
જીવોને પ્રથમ સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવામાં નિમિત્તરૂપ થઈ શકે. પણ જે વાણીમાં
મિથ્યાજ્ઞાનનું નિમિત્ત હોય તે વાણી અન્ય જીવોને પ્રથમ સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવાનું
નિમિત્ત થાય નહિ.
(વિશેષ માટે જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ટ ૧પ)
આજીવન બ્રહ્મચર્ય
બોટાદના ભાઈશ્રી હરગોવિંદભાઈ ગોપાણી તથા તેમના ધર્મપત્ની, અને
જગજીવનભાઈ પારેખ તથા તેમના ધર્મપત્ની–એ દરેકે પૂ. ગુરુદેવશ્રી પાસે માહ વદ ૧૦ ના
રોજ બોટાદ શહેરમાં આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. તે માટે તે દરેકને
અભિનંદન ઘટે છે. (આ સમાચાર પ્રસિદ્ધ થવામાં વિલંબ થયો, તે બદલ ગ્રાહકો ક્ષમા કરે.)

PDF/HTML Page 12 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૨૫ : આત્મધર્મ : ૧૩૩ :
પરમાત્મ – પ્રકાશ પ્રવચનો
લેખાંક ૭] વીર સં. ર૪૭૩ દ્વિ૦ શ્રાવણ વદ ૦) ) રવિાર [અંક ૬પ થી ચાલુ
શ્રી પરમાત્મ – પ્રકાશ ગાથા – ૬ – ૭
() િદ્ધ ર્ ળ્‌ ? : જેઓ સિદ્ધ થયા તેઓએ
સિદ્ધ થયા પહેલાંં શું કર્યું હતું તે આ ગાથામાં બતાવ્યું છે, અને તેમની ઓળખાણ કરીને તેમને નમસ્કાર કર્યા છે.
જેઓ સિદ્ધ થયા તેઓએ પ્રથમ જિનેન્દ્રદેવનો ઉપદેશ પામીને અનંતચતુષ્ટય પ્રગટ કર્યા હતા. “અનંતચતુષ્ટય”
કહ્યા તેનો અર્થ સંખ્યાથી અનંતચતુષ્ટય છે એમ ન સમજવું, પરંતુ જે કેવળજ્ઞાનાદિ ચાર ગુણની નિર્મળદશા પ્રગટી
છે તેને ચતુષ્ટય કહેવાય છે અને તેમાં અનંત સામર્થ્ય છે તેથી તેને અનંતચતુષ્ટય કહેવાય છે.
જેઓ જિનેન્દ્રદેવના ઉપદેશનો પરમાર્થ સમજીને અનંતચતુષ્ટય પ્રગટ કરીને સિદ્ધ થયા છે, તે જીવો
જિનેન્દ્રદેવનો કેવો ઉપદેશ પામ્યા હતા તે કહે છે–પ રમાત્મતત્ત્વ કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટય–સ્વરૂપ છે, એવા
નિજ પરમાત્મતત્ત્વના યથાર્થ શ્રદ્ધા–જ્ઞાન–અનુભવમય અભેદરત્નત્રય જેનો સ્વભાવ છે એવી વીતરાગ
નિર્વિકલ્પ પરમસમાધિનો ઉપદેશ શ્રીજિનેન્દ્રદેવે કહ્યો છે. અહીં તો ગ્રંથકારયોગિન્દુ મુનિરાજ કહે છે કે જિનેન્દ્રદેવે
અભેદ રત્નત્રયનો જ ઉપદેશ કર્યો છે, ભેદ–વિકલ્પ કે વ્યવહાર કરવાનો ઉપદેશ દીધો નથી. અભેદરત્નત્રય એ જ
આરાધવા યોગ્ય છે, ભેદ રત્નત્રય પણ પરમાર્થે આરાધવા યોગ્ય નથી.
() ત્ ? : આત્મા જ્ઞાનસ્વભાવી છે, જેમ મીઠું તે ખારાશનો પિંડ છે તેમ આત્મા જ્ઞાનનો
પિંડ છે; તેની પાસે શું માગવું? તે જ્ઞાનસ્વભાવ પાસેથી પુણ્ય–પાપ માગે કે સ્વર્ગાદિ માગે તે અજ્ઞાની છે.
આત્માના સ્વભાવ પાસે જ્ઞાન સિવાય બીજું શું છે કે જેની (જ્ઞાન સિવાય બીજા પદાર્થની) માગણી અજ્ઞાની કરે
છે? જેમ કંદોઈની દુકાનેથી અફીણ ન મગાય તેમ જ્ઞાનસ્વભાવ પાસેથી વિકાર ન મગાય. જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા ને
એકાગ્રતા થાય તે આત્મા પાસેથી મળેલી ચીજ છે, ને જેટલા બીજા ભાવ થાય તે આત્માનું સ્વરૂપ નથી. આત્માને
ભૂલીને અનંતવાર જીવ શાસ્ત્ર ભણ્યો કે વ્રત–તપ દાન–પૂજા કર્યા પણ આત્મા કોણ છે તે સમજ્યો નહિ. વિકાર કે
પર વસ્તુ પાસેથી આત્મા મળે તેમ નથી અને આત્માના સ્વભાવ પાસેથી પર વસ્તુ કે વિકાર મળતા નથી.
() ર્ : આત્માનો જ્ઞાનસ્વભાવ છે. શત્રુ–મિત્ર લાભ–અલાભ જીવન–મરણ
કે સુખ–દુઃખમાં સમભાવ કરીને જ્ઞાનસ્વભાવમાં લીનતા કરવી તે વીતરાગ–નિર્વિકલ્પ સમાધિ છે. ભગવાને
એવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિ કરવાનો જ ઉપદેશ કર્યો છે. જે શુભરાગ થયો તે કરવાનો ઉપદેશ દીધો નથી
પણ જાણવાનો જ ઉપદેશ કર્યો છે. બધાને જાણવું એટલે કે જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા અને વિકાર તથા પરથી
ઉદાસીનતા કરવી–તે જ ભગવાનના ઉપદેશનો સાર છે. ચરણાનુયોગ વગેરેના ઉપદેશમાં પણ સ્વભાવ સન્મુખ
થઈને સંયોગોનું જ્ઞાન કરાવ્યું છે. એવી એક જ વાત ભગવાને કીધી છે કે નિર્વિકલ્પ આત્મસ્વભાવની શ્રદ્ધા ને
એકાગ્રતા કરવી.
નાટક–સમયસારમાં પણ કહ્યું છે કે––
‘यह निचौर यह ग्रंथको य है परम रस पौष
सुधनय त्यागै बंध है सुध गहै मोख’
અથાત્ આ સમયસાર ગ્રંથ આત્માના પરમ વીતરાગી રસને પોષનાર છે, આ આખા શાસ્ત્રનો નિચોડ એ છે
કે શુદ્ધનયના ગ્રહણથી મોક્ષ છે ને શુદ્ધનયના ત્યાગથી બંધ છે. અને બધા ય જૈનશાસ્ત્રોનો મૂળ સાર પણ એ જ છે.
જેને આત્માનો સ્વભાવ જોઈતો હોય તેણે આત્મામાં એકાગ્ર થવું. આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, તે સિવાય
રાગ–દ્વેષાદિનું ગ્રહણ કરવાનું જે માને તે મિથ્યાત્વી છે, તે આત્મામાં એકાગ્રતા કરી શકાય નહિ. ભગવાને જેટલા
વ્રત–તપાદિના રાગનું સ્વરૂપ બતાવ્યું છે તે બધુંય છોડવા માટે છે. એક જ આત્મસ્વભાવમાં નિર્વિકલ્પ સમાધિ
વડે સ્થિર થવું તે જ કર્તવ્ય છે.
અહીં પરમાત્માને નમસ્કાર કરતાં ગ્રંથકાર મુનિરાજ કહે છે કે ભગવાને પરમાત્માદશા પ્રગટ્યા પહેલાંં તો

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૩૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૨૫ :
જિનેન્દ્રદેવ પાસેથી અભેદ રત્નત્રયસ્વરૂપ પરમાત્મતત્ત્વનો ઉપદેશ સાંભળ્‌યો અને પોતે અભેદરત્નત્રય વડે
નિર્વિકલ્પ સમાધિ પ્રગટ કરીને અનંતચતુષ્ટયમય પરમાત્મા થયા. એવા પરમાત્માને ઓળખીને નમસ્કાર કર્યા છે.
(પ) અત્મસ્વભવ ક્યર સમજાય? : – આત્મસ્વભાવ બહારથી તો સમજાય તેવો નથી. યર્થાથપણે
સ્વભાવને ઓળખ્યા વગર ધ્યાનમાં એકાગ્રતા થાય નહિ. હજી જ્ઞાન કર્યાં વગર વિચાર કરવા બેસી જાય તો તેમ
આત્મસ્વભાવ લક્ષમાં આવતો નથી. પરમ ભાવગ્રાહકનયદ્વારા જ્ઞાન જ આખો આત્મા છે. ‘ભગવાને આત્માને
શુદ્ધ કહ્યો છે, વીતરાગ પરમાનંદ સ્વરૂપ આત્મા કહ્યો છે’ એમ શ્રવણ કરે પરંતુ જ્ઞાનનો સ્વભાવ જેવો છે તેવો
પોતાના ખ્યાલમાં ન લ્યે ત્યાં સુધી યથાર્થ જ્ઞાનની એકાગ્રતા થાય નહિ. દેવગુરુ કે શાસ્ત્ર સામે જોવાથી
સ્વભાવનું જ્ઞાન ઊઘડે નહિ. ‘તું જ્ઞાન છો, તે ઓળખીને સ્વભાવમાં ઠર’ એમ ભગવાને ઉપદેશ કર્યો છે. જાણવા
સિવાય આત્માનું બીજું કાંઈ કર્તવ્ય નથી. ક્ષેત્રાંતર થયું તે જાણવા માટે છે, આત્મામાં જ્ઞાન કરવાની શક્તિ છે.
‘મારું ક્ષેત્રાંતર થયું તે મારા કારણે સ્વતંત્ર થયું છે’ એ જાણવાનું પણ પ્રયોજન નથી કેમ કે તે તો પર્યાયદ્રષ્ટિ છે.
‘આત્મા જ્ઞાનસ્વભાવ જ છે’ એની શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. અહીં સિદ્ધ ભગવાનને ઓળખીને તેમને
નમસ્કાર કર્યા છે. હું સિદ્ધ થવા માટે સિદ્ધને નમસ્કાર કરું છું–એવા ભાવથી અહીં નમસ્કાર કર્યા છે.
() સ્ જી ? : જેઓ સિદ્ધ થયા તેઓશ્રી પહેલાંં અરિહંતપદે હતા અને
નિશ્ચય મોક્ષમાર્ગનો ઉપદેશ કર્યો હતો. એ રીતે, મોક્ષમાર્ગ પ્રગટ કરનાર જિનેન્દ્રને નમસ્કાર કરું છું. એનો સાર
એ છે કે–અરિહંતદેવ કેવળજ્ઞાનાદિ ગુણસ્વરૂપ શુદ્ધાત્મા છે, એવો શુદ્ધાત્મ સ્વભાવ જ આરાધવા યોગ્ય છે.
ભગવાનને નમસ્કાર કરનાર જીવ વિકારને આદરવા યોગ્ય માને નહિ.
।। ६।।
‘પરમાત્મ પ્રકાશ’ શાસ્ત્ર શરુ કરતાં શ્રી યોગીન્દુદેવ ઉત્સાહથી નમસ્કારરૂપ મંગળિક કરે છે. અહીં સુધી
તો પરમાત્મદશાનું સાક્ષાત્ કારણ અભેદરત્નત્રય છે તેની જ વાત કરી. હવે સાધકદશામાં ભેદ–અભેદરત્નત્રય
હોય છે તેથી તેની વાત કરે છે. પરમાત્મા અરિહંત–સિદ્ધને નમસ્કાર કરીને હવે આચાર્ય–ઉપાધ્યાય–ને સાધુને
નમસ્કાર કરે છે. પોતાને અભેદરત્નત્રય પ્રગટીને પરમાત્મ પ્રકાશની શરુઆત થઈ છે પણ હજી અધુરાશ છે તેથી
ભેદરત્નત્રય પણ છે. પૂર્ણ દશામાં ભેદરત્નત્રય હોતા નથી. પણ સાધકદશામાં અભેદરત્નત્રય સાથે ભેદરત્નત્રય
પણ હોય છે. તેથી હવે આચાર્ય–ઉપાધ્યાયને સાધુને નમસ્કાર કરતાં ભેદ–અભેદરત્નત્રયનું વર્ણન પણ સાતમી
ગાથામાં કરશે.
ગાથા – ૭મી
હવે, ભેદ–અભેદરત્નત્રયના આરાધક એવા શ્રી આચાર્ય–ઉપાધ્યાય ને સાધુને નમસ્કાર કરું છું. –એમ
શ્રીયોગીન્દુદેવ કહે છે––
जे परमप्पु णियंति मुणि परम–समाहि धरेवि।
परमाणंदह कारणिण तिण्णि वि ते वि णवेवि।।
७।।
અર્થ:– પરમાનંદની પ્રાપ્તિ માટે જે મુનિઓ પરમસમાધિ ધારણ કરીને પરમાત્માને દેખે છે તે ત્રણેને
(અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય, સાધુને) પણ હું નમસ્કાર કરું છું.
() પ્રિત્ત ર્ ? : કોઈ કહે છે કે–પરમાનંદને માટે પંચપરમેષ્ઠીને નમસ્કાર
કરવા તો યોગ્ય છે, પરંતુ તેમની જડ પ્રતિમાને જ્ઞાનીઓ શા માટે નમસ્કાર કરે છે? તેનું સમાધાન ખરેખર
જિનેન્દ્રદેવની મૂર્તિ તો પરમાણુના કારણે આવી છે. ધર્મીજીવને આત્મસ્વભાવના ભાનપૂર્વક જ્યારે વિકલ્પ ઊઠે
છે ત્યારે પરમાર્થે તો તે રાગ વખતે પોતાના જ્ઞાનમાં નિક્ષેપ કરીને ભગવાનની સ્થાપના કરે છે, અને બહારમાં
પ્રતિમા વગેરેમાં ભગવાનની સ્થાપનાનો નિક્ષેપ કરવો તે ઉપચાર છે. યથાર્થ જ્ઞાન વગર વ્યવહાર કેવો હોય
તેની ખબર પડે નહિ. મૂર્તિ તરફની વૃત્તિ તે મનોગત પરિણમ છે, વિકલ્પ છે, પણ આત્મ પરિણામ નથી. મનથી
વિકલ્પ ઊઠે અને અશુભભાવ ટાળી શુભભાવ થાય તથા પ્રતિમા પ્રત્યે લક્ષ જાય ત્યારે પ્રતિમામાં ભગવાનની
સ્થાપના થઈ કહેવાય અને વિકલ્પ તોડી નાખે તો તેને માટે પ્રતિમામાં નિક્ષેપ નથી. રાગ અને નિમિત્તને યથાર્થ
જાણનાર જે હોય તો તેને યથાર્થ નિક્ષેપ હોય પરમાર્થ નિક્ષેપ તો પોતામાં છે કે ‘હું સિદ્ધ પરમાત્મા છું.’ પણ
તેવી દશા થઈ નથી અને વિકલ્પ ઊઠ્યો

PDF/HTML Page 14 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૨૫ : આત્મધર્મ : ૧૩૫ :
લાઠી ગામમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો મહોત્સવ
લાઠી ગામમાં જેઠ સુદ પ ના રોજ શ્રી જિનમંદિરમાં પંચકલ્યાણક
પ્રતિષ્ઠા થશે. તે પ્રસંગે પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામી ત્યાં પધારશે.
પૂ. ગુરુદેવશ્રી હાલ રાજકોટ સદર (આનંદકુંજ) માં રહ્યા છે. ત્યાંથી
લગભગ વૈશાખ સુદ ૧૦ ના રોજ લાઠી તરફ વિહાર કરશે.
ત્યારે બહારમાં નિક્ષેપ કર્યો તે વ્યવહાર છે. એવા યથાર્થ નિક્ષેપરૂપ વ્યવહાર જ્ઞાનીને જ હોય છે, અજ્ઞાનીને
યથાર્થ હોતો નથી. અજ્ઞાનીને પોતાના સ્વભાવનું ભાન નથી, ભગવાનના ગુણોનું પણ યથાર્થ ભાન નથી, તે તો
એમ જ માને છે કે હું આ મૂર્તિને જ નમસ્કાર કરું છું અને તેને નમસ્કાર કરવાથી મારું હિત છે. એ રીતે
અજ્ઞાની નિક્ષેપના આરોપને જ મૂળસ્વરૂપ માને છે તેથી પરમાર્થે તેણે ભગવાનની પ્રતિમાને માની કહેવાય નહિ.
અને કેટલાક અજ્ઞાનીઓ સ્થાપના નિક્ષેપનો જ સર્વથા અભાવ માની ને, કોઈ જીવને શુભરાગ વખતે
જિનપ્રતિમા પણ કોઈ વખતે નિમિત્ત હોય છે એમ ન માને તો તે પણ સ્થાપના નિક્ષેપને જાણતા નથી અને
તેમના જ્ઞાનમાં યથાર્થ નય પ્રગટ્યા નથી, તેનું જ્ઞાન પણ મિથ્યા છે.
જ્ઞાનીને જ્યારે વંદનાદિનો વિકલ્પ ઊઠ્યો ત્યારે જિનપ્રતિમા ઉપર લક્ષ ગયું અને તે વખતે એમ નિક્ષેપ
કર્યો કે ‘ઓ ભગવાન છે’ સમ્યગ્જ્ઞાનીને ભગવાનનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું છે અને વિકલ્પ ઊઠ્યો છે તથા
પ્રતિમાની હાજરી છે ત્યારે તેઓ પ્રતિમામાં જ ભગવાનનો નિક્ષેપ કરીને તેને વંદનાદિ કરે છે એમ વ્યવહારે
કહેવાય છે, ખરેખર તો પોતાને ભગવાનના સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન થયું છે તે જ્ઞાનનું બહુમાન કરે છે. વિકલ્પ
છે તેને કારણે બહારમાં સ્થાપના નિક્ષેપનો વ્યવહાર લાગુ પડે છે. જ્યારે તે પ્રકારનો વિકલ્પ તોડીને સ્વરૂપમાં
લીન થઈ જાય અગર તો સ્વાધ્યાયાદિ અન્યપરિણામોમાં જોડાય ત્યારે તેને માટે પ્રતિમામાં સ્થાપના નિક્ષેપ ટળી
ગયો છે; પ્રતિમામાં તો તે નિક્ષેપની યોગ્યતા છે પણ તે નિક્ષેપ કરનાર તો ‘નય’ (જ્ઞાનીનું જ્ઞાન) છે. અજ્ઞાનીને
તો નયજ્ઞાન જ નથી તેથી તેને યથાર્થ નિક્ષેપ કરતાં આવડતું નથી. પ્રતિમા તો જે છે તે જ છે પણ સમ્યગ્જ્ઞાની
જીવ પોતાના વિકલ્પનો વિવેક કરીને તેમાં સ્થાપનાનિક્ષેપ કરે છે.
() સ્ ક્ષ ્ય ? : હું રાગરહિત પરમસમાધિથી ઉત્પન્ન એવા પરમાનંદ રસનો
અનુભવ કરવા માટે પરમાનંદનાં સાધક એવા શ્રી આચાર્ય–ઉપાધ્યાય–સાધુને નમસ્કાર કરું છું. નમસ્કાર કરતાં
વિકલ્પ ઉપર મારું લક્ષ નથી પણ નિર્વિકલ્પ સમાધિ વડે પરમાત્માને દેખવા માટે હું નમસ્કાર કરું છું. મારો
ભાવ રાગને તોડીને સ્વસન્મુખ થઈને સ્વરૂપમાં ઠરવાનો છે.
() મ્ગ્ર્ િ ર્ સ્ : અહીં આચાર્ય–ઉપાધ્યાય ને સાધુને નમસ્કાર કર્યા તેથી
તેમના સ્વરૂપની ઓળખાણ માટે પંચાસર વર્ણવે છે. તેમાં પહેલાંં સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવે છે. પરમાર્થરૂપ
સમયસારની પ્રતીતિ તો સમ્યગ્દર્શન છે. પરમાર્થ રૂપ સમયસાર કેવો છે તેનું વર્ણન કરે છે––
આત્મા જ્ઞાનસ્વભાવી છે; અનુપચાર અસદ્ભુત વ્યવહારનયથી દ્રવ્ય–કર્મ–નોકર્મનો સંબંધ છે. અનાદિથી
કર્મો સાથે એકક્ષેત્રે રહેવારૂપ સંબંધ છે માટે તે અનુપચાર છે. પરંતુ તે અસદ્ભુત છે–મિથ્યા છે. તેઓને કેમ
બદલવું તે આત્માના હાથની વાત નથી માટે તે દ્રવ્યકર્મ અને નોકર્મનો સંબંધ અસદ્ભુત છે, ––મિથ્યા છે, એટલે
કે ખરેખર સંબંધ નથી. આમ જો જાણે તો યથાર્થ જ્ઞાન કહેવાય. પરમાર્થ શુદ્ધસ્વભાવ તે દ્રવ્યકર્મ અને નોકર્મના
સંબંધથી રહિત છે, તેને પ્રતીતમાં લેવો તે જ સમ્યગ્દર્શન છે.
સુધારો
“શ્રી વીંછીઆ શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ વખતે પૂ.
ગુરુદેવશ્રીના શુભહસ્તે પ્રતિષ્ઠાપિત થયેલા જિનબિંબોની યાદી”
ઉપર મુજબ ગતાંક ૬૬ ના પાના ૧ર૦ ઉપર સુધારીને વાંચવું.
એજ કોલમની છેલ્લી લીટીમાં ‘બિરાજમાન છે.’ તેને બદલે
‘પ્રતિષ્ઠા માટે આવેલ હતા’ એમ વાંચવું.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૩૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૨૫ :
[અનુસંધાન પાન ૧ર૪ થી ચાલુ]
પરમાત્મા તે અરિહંત ને સિદ્ધ છે; ‘નમો અરિહંતાણાં ને નમો સિદ્ધાણં’ –એમાં તેમને નમસ્કાર કર્યા છે. તે
નમસ્કાર કરનારે એટલું જાણવું જોઈએ કે મારે અરિહંત ને સિદ્ધ પરમાત્મા જેવો આત્મા જોઈએ છે, ભગવાને જે
રાગ–દેષ ટાળ્‌યા તે મારે જોતા નથી, તે મારું સ્વરૂપ નથી.
આ વાત હવે સમજવા જેવી છે. જે કાળ ગયો તે તો ગયો, પણ હવે આ સમજવા જેવું છે. એક સેકંડ પણ
આ વાત સમજે તેને જન્મ–મરણ ટળીને મોક્ષ થયા વિના રહે નહિ. સુખ ક્યાં છે ને તેનો ઉપાય શું છે? તેના
જ્ઞાન વગર અનાદિથી જીવ રખડી રહ્યો છે.
જીવ અનંતકાળથી બહારમાં સુખ માનીને ભમે છે, પણ પોતામાં સુખ છે તેનો ભરોસો આવતો નથી.
જેમ હરણિયાને પોતાની ડૂંટીમાં જ કસ્તુરી છે તેનો વિશ્વાસ આવતો નથી તેમ આત્મામાં જ સુખ છે પણ
અજ્ઞાનીને તેનો ભરોસો બેસતો નથી. એ ભરોસા વગરના ક્રિયાકાંડ તે બધા રણમાં પોક છે. સર્વજ્ઞ ભગવાને
ધર્મની રીત અંતરમાં કીધી છે. હે ભાઈ! તારામાં સુખ છે. તું અજ્ઞાન કાઢી નાંખ તો તારામાંથી જ જ્ઞાન ને શાંતિ
પ્રગટે છે. નવું જ્ઞાન થાય છે, પહેલાંં ઓછું જ્ઞાન હોય ને પછી ભણે ત્યાં વધે છે, તો તે વધારાનું જ્ઞાન ક્યાંથી
આવ્યું? શું પુસ્તકમાંથી આવ્યું? ગુરુમાંથી આવ્યું? તે ક્યાંયથી આવ્યું નથી પણ આત્મા પોતે જ્ઞાનથી ભરેલો છે
તેમાંથી જ આવ્યું છે.
જેમ સાકરનો ગાંગડો બધે ઠેકાણે ગળપણથી જ ભરેલો છે. તેમાં ક્યાંય ખારાશ નથી, તેમ આત્મામાં
જ્ઞાન ભર્યું છે. તેનો વિશ્વાસ કરે તો કાયમી સુખ પ્રગટે. પણ અજ્ઞાની જીવ બહારના પદાર્થોમાંથી સુખ માનીને
તેનો સંયોગ મેળવવા માંગે છે, પણ તે સંયોગ તો કાયમ રહેતો નથી. ક્ષણિક પુણ્યભાવથી પરનો સંયોગ મળે છે,
તે પુણ્યમાં જ સુખ ને શાંતિ માની લ્યે તો તે અજ્ઞાન છે.
જેમ સોનાનો એક ઘાટ ન ગમે ને બીજો કરવાનો વિચાર કરે. ત્યાં નવો ઘાટ સોનામાંથી થયો છે,
સોનીમાંથી કે હથોડીમાંથી તે ઘાટ આવ્યો નથી. સોનામાં જ નવો ઘાટ થવાની તાકાત છે. તેમ આત્મામાં અજ્ઞાન
અને દુઃખરૂપ જે ઘાટ અવસ્થા છે તે ટાળીને સમ્યગ્જ્ઞાન અને સુખરૂપ ઘાટ કરવો છે, તે ઘાટ થવાની તાકાત
આત્મામાં જ ભરી છે. જો તેનો વિશ્વાસ કરે તો અજ્ઞાનનો ઘાટ ટળીને જ્ઞાનનો ઘાટ પ્રગટે છે. આત્મામાંથી જ તે
ઘાટ પ્રગટે છે. શરીરની ક્રિયાથી કે રાગથી તે ઘાટ પ્રગટતો નથી. આત્મા અનાદિ અનંત જ્ઞાન અને આનંદનું
સનાતન ધામ છે, તેનો વિશ્વાસ કરે તો ધર્મ થાય છે.
જેમ બંને ઘાટમાં સોનું તો તે જ છે, તેમ અજ્ઞાન દશામાં અને તે ટળીને જ્ઞાનદશા થઈ તેમાં પણ આત્મા
તો તેનો તે જ છે, ને પરમાત્મા થાય તેમાં પણ તે જ આત્મા છે. મુક્તિ ક્યાંય મુક્તિશીલા ઉપર નથી પણ
આત્મામાં જ મુક્તિ થાય છે. આત્માનું ભાન કરીને રાગ દ્વેષ ટાળીને પૂર્ણ જ્ઞાન પ્રગટ કરીને પરમાત્મા થયાનું
નામ જ મુક્તિ છે.
ચૈતન્યને જે વિકારનો આવિર્ભાવ થાય છે તે પોતે નવો નવો ઊભો કરે છે; તેનો ત્રિકાળસ્વભાવ રાગ–
દ્વેષવાળો નથી પણ ક્ષણપૂરતી હાલતમાં રાગ–દ્વેષ થવાની યોગ્યતા છે: સ્વભાવની શ્રદ્ધા કરે તો રાગને ટાળી શકે
છે. તે માટે સત્સમાગમે અભ્યાસ કરવો જોઈએ.
ધર્મ શું ચીજ છે? તે શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ શું છે તે શોધવાનો પ્રયત્ન ન કરી શક્યા તે
જીવો બહારની ક્રિયાઓમાં જ્યાં ત્યાં ધર્મ માની બેઠા છે. કોઈ પુણ્યમાં ધર્મ માની બેઠા છે, પણ પુણ્યના ફળમાં
રાજા થાય, ને પાછો પાપ કરીને નરકે જાય. સંયોગમાં સુખ નથી. પુણ્યથી સંયોગ મળે, પણ સુખ ન મળે.
એક ક્ષણ પણ ચૈતન્યની સમજણનો પ્રયત્ન કરે તો અનાદિનું અજ્ઞાન ટળી જાય. જેમ લાખ મણની ગંજી
બાળવા માટે લાખ મણ અગ્નિની જરૂર ન પડે, પણ એક જ ચિનગારી તેને બાળી નાખે, તેમ આત્માની
ઓળખાણનો પ્રયત્ન કરતાં ક્ષણમાત્રમાં અનાદિનું અજ્ઞાન ટળી જાય છે. અત્યારે ધર્મ કરે અને પછી ફળ મળશે–
એમ નથી, જે ક્ષણે ધર્મ કરે તે ક્ષણે આત્મામાં શાંતિ થાય છે. જેમ લાડવો ખાય ત્યારે જ તે મીઠો લાગે છે, તેમ
ધર્મ જ્યારે કરે ત્યારે જ તેના ફળમાં આત્મામાં શાંતિ થાય છે. ધર્મ રોકડિયો છે. ધર્મનું ફળ પછી ન મળે પણ
ત્યારે ને ત્યારે જ મળે છે.
આત્મા અનાદિ ચિદાનંદ જ્ઞાન સ્વરૂપ છે, તે કદી મરતો નથી ને જન્મતો નથી. જેમ ચંદ્ર–સૂર્ય મરતા નથી
તેમ આત્મા પણ મરતો નથી. આત્મા સદાય છે.

PDF/HTML Page 16 of 17
single page version

background image
: વૈશાખ : ૨૪૨૫ : આત્મધર્મ : ૧૩૭ :
નવા શરીરમાં ઊપજે તેને લોકો જન્મ કહે છે, પણ ત્યાં કાંઈ આત્મા નવો થયો નથી, ને પરમાણુ પણ નવા થયા
નથી. તેમ જ જ્યાં શરીર અને આત્માનો સંયોગ છૂટો પડ્યો ત્યાં “મરણ થયું” એમ લોકો કહે છે. પણ ખરેખર
આત્માનો નાશ થયો નથી, ને પરમાણુઓનો પણ નાશ થતો નથી.
કોઈ પાસે ઘણા પૈસા હોય છે, કોઈ પાસે થોડા હોય, કસાઈને ત્યાં કરોડો રૂપિયા હોય ને દયા પાળનાર
પાસે થોડીક મૂડી પણ ન હોય–એનું કારણ શું? એનું કારણ પૂર્વનું શુભાશુભ પ્રારબ્ધ છે, તેને લીધે બહારનો
સંયોગ થાય છે. પણ તે પ્રારબ્ધ જડ છે. તે પ્રારબ્ધ આત્માના શુભ કે અશુભ ભાવથી બંધાય છે, જે ભાવ વડે
પ્રારબ્ધ બંધાય તે ધર્મ નથી. અને તે પ્રારબ્ધના ફળમાં બહારનો સંયોગ મળે તેમાં પણ ધર્મ નથી. આત્માના જે
શુભ કે અશુભ ભાવથી પ્રારબ્ધ બંધાય ને સંયોગ મળે તે ભાવ ધર્મ નથી. પણ અસંયોગી આત્મસ્વભાવની
શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં ચરવું તે ધર્મ છે.
અનંતકાળથી આત્માને પોતાના સ્વભાવનું માહાત્મ્ય આવ્યું નથી. જે કેવળજ્ઞાન ને પરમાત્મદશા થાય છે
તે આત્મામાંથી જ આવે છે. આત્મામાં એવું સામર્થ્ય સદાય પડ્યું છે, તેને કદી જીવે ભરોસો કર્યો નથી.
ચિંતામણી પથરાની પ્રતીત કરે. પણ પોતે જ એવો ચૈતન્ય ચિંતામણી છે કે જેવી દશા ચિંતવે તેવી દશા
પ્રગટે. જેના ચિંતવનથી કેવળજ્ઞાન પ્રગટે–એવો પોતે છે; તેની પ્રતીત અને મહિમા કરતો નથી. અંતરમાં જો
ભવભ્રમણનો ભય લાગે કે અરેરે! અનંતકાળથી રખડું છું હવે આનો ક્યાંય આરો છે? એમ અંતરથી ધગશ
જાગે તો સત્સમાગમે આત્માને સમજે.
લોકો શરીરને નીરોગ રાખવા માગે છે, પણ આત્મામાં અનાદિથી રોગ છે તે ટાળવાનો ઉપાય કરતો
નથી. કહ્યું છે કે––
‘આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ.’
પોતે પોતાના આત્માને ઓળખીને પ્રતીત કરે તો તે રોગ ટળે. એવા ચૈતન્યની શ્રદ્ધા–જ્ઞાન અને અંતર
એકાગ્રતા કરે તો ધર્મ અને મુક્તિ થાય.
રુચિ કરે તો સ્વભાવની સમજણ સહેલી છે
કોઈ લોકો કહે છે કે–આમાં તો અમને કાંઈ ખબર પડતી નથી, કાંઈક બહારની વાત કરો તો ખબર પડે?
તેનો ઉત્તર–બહારના પદાર્થોમાં તો આત્મા છે જ નહિ, બહારના પદાર્થોથી તો આત્માજુદો છે, તેથી આત્માના
ધર્મમાં બહારની વાત કેમ આવે? બહારનું કાંઈ આત્મા કરી શકતો નથી. વળી, બહારની રુચિ હોવાથી બહારનું
જ દેખાય છે, તેમ જો અંતર સ્વભાવની રુચિ કરે તો આ પણ બરાબર સમજાય તેવું છે. પર વસ્તુઓ–શરીરની
ક્રિયા વગેરે દેખાય છે તેને કોણ જાણે છે? શરીર–વાણી વગેરે અજીવ પદાર્થો છે તેને કાંઈ ખબર પડતી નથી,
પોતે જ તેનો જાણનાર છે. વળી ‘મને આમાં કાંઈ ખબર પડતી નથી’ ––એમ ક્યાંથી નક્કી કર્યું? પોતે પોતાના
જ્ઞાનને જાણ્યા વગર તે નક્કી ન થાય. પોતે પોતાના જ્ઞાનને જાણે છે છતાં વિશ્વાસ કરતો નથી. પોતાના જ્ઞાનનો
તેમજ પરનો નિર્ણય કરનાર પોતાનું જ્ઞાનસામર્થ્ય છે. પોતાના જ્ઞાન સામર્થ્યનો અવિશ્વાસ તે જ અધર્મ છે.
પરની ખબર પણ આત્માને જ પડે છે ને પોતાની ખબર પણ આત્માને જ પડે છે.
અજ્ઞાની મૂઢ જીવોને આત્માની રુચિ નથી અને વિષયની રુચિ છે તેથી તેને આત્માની સમજણ મોંઘી–
દુઃખદાયક– લાગે છે ને વિકાર તથા પરનું કરવાની વાત સહેલી લાગે છે ને તેમાં તેને સુખ ભાસે છે. પુણ્ય કરવાં
ને તેનાં ફળ ભોગવવા, વિષયો ભોગવવા, પરનો અહંકાર કરવો–એ બધું અજ્ઞાનીને સહેલું લાગે છે ને રુચે છે;
તેથી તેવી વાત તેને ઝટ સમજાય છે, કેમકે એ તો અનાદિ સંસારથી કરી જ રહ્યો છે. પણ એ બધાથી જુદી આ
આત્મસ્વભાવની અપૂર્વ સમજણ છે, તે પોતાના સ્વભાવની વાત તેને રુચતી નથી. સ્વભાવની સમજણ જ
ખરેખર સહેલી અને સુખદાયક છે.
[સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના વ્યાખ્યાનોમાંથી]

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMDHARMA With the permison of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30 - 24 date 31 - 10 - 4
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ: સોનગઢનાં પ્રકાશનો
શ્રી સમયસાર–પ્રવચનો ભાગ ૧–૩–૪ દરેકના ૩–૦–૦
શ્રી સમયસાર–પ્રવચનો ભાગ–૨ જો ૧–૮–૦
શ્રી અપૂર્વઅવસર–પ્રવચનો ૦–૮–૦
શ્રી આત્મસિદ્ધિ–પ્રવચનો [આવૃત્તિ ત્રીજી] ૩–૮–૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકનાં કિરણો ૦–૧ર–૦
શ્રી ધર્મની ક્રિયા ૧–૮–૦
શ્રી મૂળમાં ભૂલ ૧–૦–૦
શ્રી જિનેન્દ્ર સ્તવનમંજરી ૨–૦–૦
શ્રી જિનેન્દ્ર સ્તવનાવલી ૦–૮–૦
શ્રી સર્વસામાન્ય પ્રતિક્રમણ [આવૃત્તિ ત્રીજી] ૦–૮–૦
શ્રી નિયમસાર–પ્રવચનો ભાગ–૧ ૧–૮–૦
શ્રી સમવસરણ સ્તુતિ [આવૃત્તિ ત્રીજી] ૦–૪–૦
શ્રી મોક્ષશાસ્ત્ર (ગુજરાતી ટીકા) છપાય છે
શ્રી પૂજા સંગ્રહ
[આવૃત્તિ ચોથી] ૦–૧૦–૦
શ્રી પ્રવચનસાર (ગુજરાતી) ૨–૮–૦
શ્રી સમયસાર પદ્યાનુવાદ ૦–૪–૦
શ્રી પ્રવચનસાર પદ્યાનુવાદ ૦–પ–૦
શ્રી યોગસાર પદ્યાનુવાદ ૦–૨–૦
શ્રી યોગસાર પદ્યાનુવાદ તથા ઉપાદાન નિમિત્ત દોહા ૦–૩–૦
શ્રી મુક્તિનો માર્ગ ૦–૯–૦
શ્રી સત્તાસ્વરૂપ અને અનુભવપ્રકાશ ૧–૦–૦
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ૩–૦–૦
શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકા ૦–૮–૦
શ્રી છહ ઢાળા [ગુજરાતી] ૦–૧૪–૦
શ્રી દ્રવ્ય સંગ્રહ [ગુજરાતી] ૦–૭–૦
શ્રી સમ્યગ્જ્ઞાન દીપિકા [ગુજરાતી] ૧–૦–૦
શ્રી આત્મસિદ્ધિ સાર્થ ૦–૪–૦
શ્રી આત્મસિદ્ધિ ગાથા ૦–૨–૦
શ્રી આલોચના ૦–૨–૦
શ્રી પુરુષાર્થ ૦–૪–૦
શ્રી દશ લક્ષણ ધર્મ ૦–૯–૦
શ્રી પંચાધ્યાયી ભાગ–૧ ૩–૮–૦
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૨૭–૪–૪૯
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મન્દિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર