Atmadharma magazine - Ank 072
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૬
સળંગ અંક ૦૭૨
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image


આ સો સં પા દ ક વર્ષ છઠ્ઠું
રામજી માણેકચંદ દોશી
૨ ૪ ૭ ૫ વ કી લ અંક બારમો
આત્માની સમજણ
ઘણા જીવો એમ માનતા હોય છે કે આપણાથી આત્માની સમજણ
ન થઈ શકે. જ્ઞાની તેને કહે છે કે ભાઈ, દરેક જીવ આત્મસ્વભાવને
સમજી શકે છે. જેનામાં સમજણ–શક્તિ છે તેણે ઊંધાઈથી ભૂલ કરી
છે, તે ભૂલ ટાળીને તે પોતે સાચી સમજણ કરી શકે છે. ભૂલ
કરનાર જીવ પોતે છે, ને સાચી સમજણ કરીને ભૂલ ટાળનાર પણ
પોતે છે. જીવ ભૂલે ને જીવ સમજે. કાંઈ જડ સમજતું નથી; માટે,
મને ન સમજાય એવી બુદ્ધિ કાઢી નાંખવી. જેને આત્માનો પ્રેમ હોય
તેને આત્માની સમજણ મુશ્કેલ ન લાગે.
(નિયમસાર–પ્રવચન ગાથા ૩૮)
છુટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય : મોટાઆંકડીયા : કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
નવા વર્ષનું લવાજમ મોકલનારા આત્મધર્મના ગ્રાહકોને
ત્રણ ભટ પસ્તક
આ અંકની સાથે ‘આત્મધર્મ’ માસિકનું છઠ્ઠું વર્ષ પૂરું થાય છે. આવતા અંકથી સાતમા વર્ષની શરૂઆત
થશે. મુમુક્ષુ વાંચકો વહેલામાં વહેલી તકે નવા વર્ષનું લવાજમ મોકલાવીને ‘આત્મધર્મ’ પ્રત્યેનું બહુમાન વ્યક્ત
કરે એવી ખાસ વિનંતી છે. વી. પી. કરવામાં આત્મધર્મ કાર્યાલયને ઘણી તકલીફો પડે છે. તેથી આ વખતે એમ
નક્કી કર્યું છે કે જે ગ્રાહકોનું લવાજમ રૂબરૂમાં અગરતો મનીઓર્ડર વગેરે દ્વારા ભરાઈ ગયું હશે તેમને જ ત્રણ
ભેટ પુસ્તકો મોકલવામાં આવશે. જે ગ્રાહકોનું લવાજમ વસુલ કરવા માટે તેમને વી. પી. કરવું પડશે તેમને ભેટ
પુસ્તકો મોકલાશે નહિ. માટે આત્મધર્મના ખરા વાંચકોને વિનતિ છે કે પોતાનું લવાજમ તુરત મોકલાવીને
આત્મધર્મ કાર્યાલયના કાર્યને સરળ બનાવે. ત્રણ ભેટ પુસ્તકો નીચે મુજબ છે–
(૧)
ભેદવિજ્ઞાનસાર
ગયા વર્ષે
ધાર્મિકોત્સવ દરમિયાન
શ્રી સમયસાર ગા. ૩૯૦
થી ૪૦૪ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના અપૂર્વ
પ્રવચનો આમાં
છાપવામાં આવ્યા છે. પૃ.
૨૬૦: પાકું પુઠું છૂટક
નકલની કિંમત લગભગ
૧–૪–૦ થશે.
આ પુસ્તક
ભાઈશ્રી હિંમતલાલ
જેઠાલાલ શાહ (
B.
Sc.) ને અર્પણ કરવામાં
આવ્યું છે. લગભગ
કારતક સુદ એકમ
દરમિયાનમાં પ્રસિદ્ધ થશે.

(૨) બીજું પુસ્તક છે–ચૈતન્યવિલાસ: પં. શ્રી દીપચંદજી શાહ કૃત ચિદ્દવિલાસ નામના હિંદી ગ્રંથનો આ
ગુજરાતી અનુવાદ છે. પૃ. ૧૫૦ લગભગ: (પ્રેસમાં છપાય છે.) અમરેલીના ભાઈશ્રી મૂળજીભાઈ ભગવાનજી
ખારા તરફથી આ પુસ્તક ભેટ તરીકે આપવાનું છે. છૂટક નકલની કિંમત લગભગ રૂા. ૧–૦–૦ થશે.
અ. ટા. પા. ૩

PDF/HTML Page 4 of 17
single page version

background image
: આસો : ૨૪૭૫ : આત્મધર્મ : ૨૦૫ :
લેખાંક: ૧] વીર સંવત ૨૪૭૩ ભાદરવા સુદ ૪ ગુરુવાર [અંક ૭૧ થી ચાલુ
[શ્ર પરમત્મ પ્રકશ ગ. ૯]
[૮૭] શિષ્યની પાત્રતા
જેને સંસાર દુઃખદાયક લાગ્યો છે એવો શિષ્ય આત્માનો સ્વભાવ સમજવા માટે પ્રશ્ન કરે છે; જેને સંસાર
દુઃખદાયક ન લાગે તેને ધર્મ સમજાય નહિ. સ્વર્ગ–નરક વગેરેના જે અવતાર તેનું કારણ વિકાર છે, તે વિકાર
મારો એવી માન્યતા તે સંસારનું મૂળ છે; જેને સંસાર દુઃખદાયક જ નથી લાગતો તેને આત્મસ્વભાવ સમજવાની
ધગશ કેમ થાય?
[૮] સંસારથી ભયભીત શિષ્ય દુ:ખનું વર્ણન કરે છે.
અહીં શિષ્યને પોતાની પર્યાયમાં સંસારની હયાતી ભાસી છે; હું વિકારમાં વસ્યો છું તેથી જ દુઃખ છે, જો
સ્વભાવમાં વસ્યો હોઉં તો આ દુઃખ મને ન હોય;–આમ જેને દુઃખ ભાસ્યું છે તે જીવ સંસારના દુઃખનું વર્ણન કરે છે.
(૧) આ સંસાર દુઃખરૂપ ખારા જળથી ભરેલો છે. ચાર ગતિમાં મોટા રાજપદનો ભવ હો કે દેવપદનો
અવતાર હો, પણ તે દુઃખરૂપ છે, તેની મીઠાશ શિષ્યને ઊડી ગઈ છે. જેને સ્વર્ગાદિના અવતારની મીઠાશ છે તેને
આત્મસ્વભાવ રુચ્યો નથી.
(૨) આત્માનો અજર અમર સ્વભાવ છે, તેનાથી વિરુદ્ધ આ સંસારનાં જન્મ–મરણ છે. જન્મ–જરા–
મરણ વગેરે જળચરોથી આ સંસારસમુદ્ર ભરેલો છે. આમ જે જન્મ મરણથી ભયભીત થયો છે ને અંતરથી
પોકાર કરતો આવ્યો છે, એવો શિષ્ય આત્મસ્વભાવ સમજવાને પાત્ર છે.
(૩) આત્માના અનાકુળસ્વરૂપ સુખથી વિપરીત આ સંસાર છે, તે અનેક પ્રકારના આધિ–વ્યાધિ ને
ઉપાધિરૂપી વડવાનલથી સળગી રહ્યો છે. મનમાં અનેક પ્રકારના ભય તથા આર્ત્ત–રૌદ્ર ધ્યાન તે આધિ છે,
શરીરમાં રોગાદિ તે વ્યાધિ છે, અને સ્ત્રી, પુત્રાદિની ચિંતા તે ઉપાધિ છે. એવા આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ
મહાઅગ્નિથી આ સંસાર સળગી રહ્યો છે. તેમાં સદાય દુઃખ છે.
પ્રશ્ન:– સાચું સુખ જોયા પહેલાંં દેવગતિમાં દુઃખ ભાસે?
ઉત્તર:– હા, અંતર સ્વભાવમાં આવવાની જેને રુચિ થઈ હોય તેને બહારમાં દુઃખ લાગ્યા વગર રહે જ
નહિ. શ્રીમદે કહ્યું છે કે ‘એમ નહિ તો કંઈ દુઃખ રંગ’ એટલે સંસારમાં દુઃખ છે એવો તેને રંગ લાગે. હજારો સ્ત્રી
ખમા ખમા કરતી હોય ને મોટા રાજપાટ હોય તેમાં પણ પાત્ર જીવને દુઃખ ભાસે છે. ક્ષણિક વિકાર અને તેના
ફળની રુચિ–સુખ બુદ્ધિ ટળ્‌યા વગર સ્વભાવમાં આવશે શી રીતે? જેને આત્મસ્વભાવની રુચિ થઈ હોય તેને,
સાચું સુખ પ્રગટ્યા પહેલાંં જ દુઃખ અને તેના કારણરૂપ વિકારભાવ પ્રત્યે વૈરાગ્ય આવી જાય છે.
(૪) આત્માનો સ્વભાવ વીતરાગ નિર્વિકલ્પ અભેદ સમાધિરૂપ છે, આ સંસાર તે સમાધિથી રહિત છે,
અને અનેક પ્રકારના સંકલ્પ–વિકલ્પની જાળરૂપી કલ્લોલોથી ભરેલો છે. જેમ માળામાં એક પછી એક મણકો
આવ્યા કરે તેમ આ સંસારમાં એક પછી એક સંકલ્પ વિકલ્પની જાળ આવ્યા જ કરે છે. એવો આ સંસાર દુઃખથી
શોભી રહ્યો છે. જેમ ‘સારું ઝેર’ એટલે ઝટ મારી નાંખે તેવું ઝેર; આ સંસારની શોભા એટલે કે દુઃખ; સંસાર
દુઃખોથી સળગી રહ્યો છે, તેમાં ક્ષણ પણ સુખ નથી.
–એવી રીતે સંસારનું સ્વરૂપ જાણીને શિષ્ય (પ્રભાકરભટ્ટ) કહે છે કે હે સ્વામી! એવા દુઃખમય સંસારમાં
વસતાં મારો અનંતકાળ વીતી ગયો. હંમેશ મિષ્ટાન્ન જમનાર પણ વિકારભાવથી દુઃખી છે, ને ખાવા ન મળતું હોય
તે પણ વિકારભાવથી દુઃખી છે; પુણ્ય–પાપ બંને દુઃખરૂપ છે. ચૈતન્યપિંડ આત્મસ્વભાવનું વેદન જ સુખરૂપ છે.
[૮૯] દુ:ખથી ભયભીત શિષ્ય ધર્મની દુર્લભતા સમજીને તેની ભાવના કરે છે.
આ સંસારમાં જીવે અનાદિથી નિત્યનિગોદમાં જ અનંતકાળ કાઢ્યો છે. તે નિત્યનિગોદમાંથી નીકળીને
એકેન્દ્રિયપણું પામવું દુર્લભ છે. તેનાથી બેઈન્દ્રિયપણું પામવું દુર્લભ છે, તેનાથી ત્રણ ઈન્દ્રિયપણું પામવું દુર્લભ છે,
તેનાથી ચૌઈન્દ્રિયપણું પામવું દુર્લભ છે. કીડી–મંકોડો થવું પણ અનંત–

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૨૦૬ : આત્મધર્મ : આસો : ૨૪૭૫ :
કાળે દુર્લભ છે. પ્રભો! આવા સંસારમાંથી મારો આત્મા કેમ નીકળે! કઈ રીતે વીતરાગ સ્વરૂપની પ્રાપ્તિ થાય! –
એમ શિષ્ય ધગશથી પૂછે છે. સુખ અનુભવ્યા પહેલાંં દુઃખનો ત્રાસ લાગે છે તે શુભરાગ છે, તે પણ સ્વભાવની
અપેક્ષાએ તો વિકાર છે. પરંતુ સ્વભાવ સમજ્યા પહેલાંં તેની અંતર ખોજ અને વૈરાગ્ય આવવો જોઈએ.
મારા આત્મામાં અવતાર ન હોય એવું અવતાર વગરનું સ્વરૂપ મારે જોઈએ છીએ આવી ધગશથી શિષ્ય
કહે છે કે પ્રભો, આ સંસારમાં ચાર ઈન્દ્રિયપણું પામવું દુર્લભ છે, અને પંચેન્દ્રિય પામવું અત્યંત દુર્લભ છે, તેનાથી
પણ સંજ્ઞીપણું પામવું અત્યંત દુર્લભ છે. સંજ્ઞીપણું પામ્યા વગર હિત–અહિતનો વિચાર જ થઈ શકે નહિ. અહીં
બહારની વાત નથી પણ આત્મામાં રાગ ઘટીને જ્ઞાનનો ઉઘાડ થાય તે દુર્લભ છે, અને જ્ઞાનના ઉઘાડ અનુસાર
બહારમાં અધિકરણ હોય છે. અહીં ધર્મની દુર્લભતા વર્ણવવી છે; પરંતુ એ ઈન્દ્રિયો કે શરીરની નીરોગતા વગેરેથી
ધર્મ થાય છે–એમ ન સમજવું. આ સંસારમાં સંજ્ઞી પંચેન્દ્રિય થાય તો પણ તેમાં છ પર્યાપ્તિની પૂર્ણતા દુર્લભ છે
અને તેમાં પણ મનુષ્યપણું અત્યંત દુર્લભ છે. તેમાં પણ આર્યક્ષેત્ર, ઉત્તમકુળ અને પાંચ ઈન્દ્રિયોથી પૂર્ણ શરીર તે
મળવું દુર્લભ છે. સંતમુનિઓના દર્શન અને તેમની વાણીનું શ્રવણ કરવાની શક્તિ મળવી દુર્લભ છે. વળી લાંબુ
આયુષ્ય દુર્લભ છે. એ બધું દુર્લભ છે એમ જાણીને ધર્મનું મહાત્મ્ય કરે છે. એ બધું મળવા છતાં જૈનદર્શનનો
સંયોગ મળવો દુર્લભ છે. જૈનદર્શન વગર જીવ ધર્મ પામી શકે નહિ.
જૈનધર્મની પ્રાપ્તિ તે બધાથી પણ દુર્લભ છે; એ બધું મળ્‌યા પછી પણ શ્રેષ્ઠ બુદ્ધિ દુર્લભ છે.
આત્મકલ્યાણનો વિચાર કરવાની બુદ્ધિ તે શ્રેષ્ઠ બુદ્ધિ છે. તે બુદ્ધિ હોય તો શ્રેષ્ઠ ધર્મનું શ્રવણ પામવું દુર્લભ છે.
શ્રેષ્ઠ ધર્મનુ એટલે કે આત્માના સત્સ્વભાવનું શ્રવણ દુર્લભ છે. તે શ્રવણ પછી ગ્રહણ અને ધારણ કરવું દુર્લભ છે.
ધર્મ સાંભળી જાય પણ અંતરમાં કાંઈ ધારી ન શકે તો સમજી શકે નહિ. જૈનધર્મનું શ્રવણ કરીને તેની ધારણા
પણ કરી રાખે પણ તેની વ્યવહાર શ્રદ્ધા કરવી દુર્લભ છે, ત્યાર પછી કંઈક વૈરાગ્ય, અને વિષય સુખોથી નિવૃત્તિ
એટલે કે તેમાં તીવ્ર ગૃદ્ધિનો ત્યાગ કરવો દુર્લભ છે. અને ક્રોધાદિ કષાયોની મંદતા થવી પણ દુર્લભ છે. આ બધું
ઉત્તરોત્તર દુર્લભ છે, પરંતુ હજી અહીં સુધી ધર્મ નથી, અહીં સુધી તો શુભભાવ છે. આટલે સુધી આવ્યો હોય તે
જીવ તો ધર્મ સમજવાની પાત્રતા વાળો છે. હવે ધર્મની વાત કરે છે.
–અને તે બધાયમાં ઉત્કૃષ્ટ શુદ્ધાત્મ ભાવના રૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિ થવી બહુ જ દુર્લભ છે.
પુણ્ય–પાપ રહિત, નિરપેક્ષ શુદ્ધાત્મ સ્વભાવની ભાવના કરવી, એકાકાર સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન–કરવું તે
મહાન દુર્લભ છે. આમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમજવા.
આત્મસ્વભાવની ભાવનારૂપ સમાધિ તે દુર્લભ છે, કેમકે મિથ્યાત્વ–વિષય કષાય વગેરે વિભાવ
પરિણામો તેના શત્રુ છે. કર્મને શત્રુ કહ્યા નથી પણ પોતાના ઊંધા પરિણામ જ શત્રુ છે. તેને લીધે જીવને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની પ્રાપ્તિ થતી નથી.
એ સમયગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની પ્રાપ્તિ તે બોધિ છે. આ જીવને પૂર્વે કદી તેની પ્રાપ્તિ થઈ નથી; એવા
સમ્યગ્દર્શનાદિ બોધિની નિર્વિઘ્નપણે પ્રાપ્તિ તે સમાધિ છે. નિર્વિઘ્નપણે એટલે શું? મરતાં પણ તે બોધિ અખંડપણે
સાથે ચાલુ રહે અને કેવળજ્ઞાન થતાં સુધી તેમાં વચ્ચે વિઘ્ન ન આવે, એવા અપ્રતિહતભાવે બોધિ ટકી રહે તેનું
નામ સમાધિ છે, તે અત્યંત દુર્લભ છે. એ રીતે નિગોદથી શરુ કરીને ઉત્તરોત્તર દુર્લભતા બતાવતાં કેવળજ્ઞાન
સુધીની વાત કરી; વર્તમાનમાં આરાધકભાવ પ્રગટ કરવો તે બોધિ છે, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન થતાં સુધી તે
અખંડપણે ટકી રહે એ સમાધિ છે.
હવે પ્રભાકરભટ્ટ શિષ્ય શ્રીગુરુને કહે છે કે ‘किमपि सुख न प्राप्तं मया’ –હું આ સંસારમાં જરા પણ સુખ
પામ્યો નથી. બોધિ અને સમાધિનો મારામાં અભાવ છે તેથી બોધિ અને સમાધિવડે પ્રાપ્ત એવા પરમાનંદમય
સુખની મને કિંચિત્ પ્રાપ્તિ થઈ નથી, હું દુઃખ જ પામ્યો છું. અહીં પાત્ર શિષ્યને એટલું ખ્યાલમાં આવી ગયું છે કે
હું અનાદિથી છું અને મારી પર્યાયમાં અનાદિથી દુઃખ જ છે. હું મારો સ્વભાવ સમજ્યો નથી તેથી જ દુઃખ છે. તે
દુઃખ ટાળીને પરમાનંદમય સુખ પ્રગટ કરવાનો ઉપાય બોધિ અને સમાધિ છે એટલે કે મારા પરમાનંદ–
સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર રૂપ રત્નત્રયની અખંડપણે આરાધના તે જ મારા પરમાનંદ સુખનો ઉપાય છે.

PDF/HTML Page 6 of 17
single page version

background image
: આસો : ૨૪૭૫ : આત્મધર્મ : ૨૦૭ :
[૯૦] જે પ્રમાદ કરે છે તે સંસારમાં જ રખડે છે
આ સંસારમાં ભમતાં અનંત કાળે દુર્લભ એવું મનુષ્યપણું મળ્‌યું છે, અને તેમાં પણ અત્યંત દુર્લભ એવું
જૈનશાસન મળ્‌યું છે; માટે પ્રમાદ કરવો ઉચિત નથી. દુર્લભ જૈનશાસ્ત્રના જ્ઞાનને પામીને પણ જે પ્રમાદી થાય અને
‘હવે શાસ્ત્રનું જ્ઞાન થઈ થયું છે માટે વાંધો નથી’ એમ માનીને અંતરમાં સ્વભાવનો પુરુષાર્થ ન કરે, સ્વભાવના
અંતર–વલણપૂર્વક જ્ઞાન ધ્યાનની સાવધાનીનો પુરુષાર્થ ન કરે અને પરિણામમાં સ્વચ્છંદી–પ્રમાદી થાય તેવા જીવો
બિચારા ચાર ગતિમાં ભટકે છે. શુદ્ધ ચિદ્રૂપ સ્વભાવને જ્ઞાન–ધ્યાનમાં પકડવાનો પુરુષાર્થ તો કરતા નથી અને
‘શ્રદ્ધા સાચી છે, પણ ચારિત્રનો દોષ છે’ એમ કહીને પ્રમાદી થાય છે તે સંસારમાં ભટકે છે. જૈનશાસનનું જ્ઞાન
પામીને વારંવાર જાગૃતિથી સ્વભાવની સાવધાનીનો પ્રયત્ન કરવો જોઈએ. સારાંશ એ છે કે–જીવને સમ્યગ્દર્શનાદિ
નહિ હોવાથી તે સંસારમાં જ ભટકી રહ્યો છે ને દુઃખ જ ભોગવી રહ્યો છે, તેને કિંચિત્ સુખ મળ્‌યું નથી. માટે
પરમાનંદમય સુખની પ્રાપ્તિનો ઉપાય બોધિ અને સમાધિ છે તેનો પ્રયત્ન કરવો યોગ્ય છે.
।। ।।
–આમ જાણીને સંસાર દુઃખથી છૂટવા માટે ને પરમાનંદ સુખની પ્રાપ્તિ માટે આત્મસ્વભાવ સમજવાની
ધગશથી શિષ્ય શ્રીગુરુને વિનંતિ કરે છે. શું વિનંતિ કરે છે તે હવેની ગાથામાં કહેશે.
મુનિવરોનો સહજ વૈરાગ્ય
પોતાના શુદ્ધાત્માને જ ઉપાદેય જાણીને તેમાં જ લીન થનારા મુનિવરો કેવા હોય તેનું વર્ણન કરે છે. તે
મુનિ, સહજ વૈરાગ્યરૂપી મહેલનું જે શિખર તેના શિખામણિ છે. સ્વભાવની ભાવના થતાં પરભાવો પ્રત્યે
સ્વાભાવિક વૈરાગ્ય હોય છે. સ્વભાવના ભાન વગર બહારમાં ત્યાગ કરી દીધો હોય–એ કાંઈ વૈરાગ્ય નથી.
સ્વભાવના ભાન વગર કષાયની મંદતા કરીને ત્યાગી થાય તોપણ તે સહજ વૈરાગ્ય નથી અને તેનો ત્યાગ તે
સાચો ત્યાગ નથી. જેને શુદ્ધાત્માનું ગ્રહણ નથી તેને પરભાવોનો ત્યાગ હોતો નથી. પર ભાવોને જ જે ઉપાદેય
માને છે તેને વૈરાગ્ય કેવો?
સહજ જ્ઞાન તે જ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ જડ રજકણોમાં કે રાગમાં નથી. પંચમહાવ્રત પાળું–એવો
વિકલ્પ પણ રાગ છે–બંધન છે, તે મારું સ્વરૂપ નથી. –આમ પોતાના જ્ઞાનસ્વભાવના ભાનમાં જ્ઞાનીને સહજ
વૈરાગ્ય હોય છે. ચોથા ગુણસ્થાનથી જ સહજ વૈરાગ્ય હોય છે. સમ્યગ્દર્શન તે સહજ વૈરાગ્યરૂપી મહેલનો પાયો
છે અને મુનિ તો, તે સહજ વૈરાગ્યરૂપી મહેલની ટોચ ઉપરના મણિ સમાન છે. તેમની પરિણતિ પોતાના સહજ
સ્વભાવમાં ઘણી ઢળી ગઈ છે. સ્વભાવથી જ સ્વભાવમાં આવીને જેમની પરિણતિ પરથી ઉદાસ થઈ ગઈ છે
એવા વૈરાગ્યના શિરોમણિ મુનિવરોને એક અંતરતત્ત્વ જ ઉપાદેય છે.
કોઈએ એક બાવાજીને એકાંતમાં પૂછયું–બાવાજી! કેવી માળા ફેરવો છો? બાવાજી કહે–જેવો માણસનો
ભરાવો હોય તેવી. એટલે કે જો વધારે માણસો હોય તો બહુ એકાગ્રતાનો દંભ કરે અને ઓછા માણસો હોય તો
માળાને એક બાજુ મૂકી દે. આ લોકોને દેખાડવા માટેનો દંભ છે; એ તો પાપભાવ છે. જે લોકોને દેખાડવા
માટેનો દંભ ન કરે પણ પોતાના પરિણામમાં જ કષાયની મંદતા કરીને શુભભાવથી ત્યાગી થયો હોય, ને તેનાથી
ધર્મ માનતો હોય એવા જીવને પણ સાચો વૈરાગ્ય નથી. જે જીવને અંતરમાં એક શુદ્ધાત્મા સિવાય બીજા શેમાંય
ઉપાદેય બુદ્ધિ નથી તેને જ સાચો વૈરાગ્ય હોય છે. એવા સહજ વૈરાગ્યરૂપી મહેલની ટોચ ઉપરના મણિ સમાન
મુનિવરોને શુદ્ધાત્મા જ ઉપાદેય છે. શુદ્ધાત્માને ઉપાદેયપણે જાણવો તે જ ધર્મ છે.
શુદ્ધ આત્મા જ જેમને ઉપાદેય છે એવા યોગીશ્વરો પરદ્રવ્યોથી પરાંગ્મુખ હોય છે. આ જીવને પોતાના
અંતરસ્વભાવ સિવાય કોઈ બીજાનું શરણ નથી, કોઈ પર સાથે સંબંધ નથી. દેવ–ગુરુ–શાસ્ત્ર પણ આ જીવને
શરણભૂત નથી, પોતે અંતરતત્ત્વ છે ને બધાય પરદ્રવ્યોથી ઉદાસીન છે. મુમુક્ષુ જીવોને સાચા દેવ–ગુરુના ગુણોની
અધિકતા જોઈને તેમના પ્રત્યે પ્રમોદ ને ભક્તિભાવ આવે તો ખરો. નીચલી દશામાં જો ગુણોની અધિકતા દેખીને
તે પ્રત્યે પ્રમોદભાવ ને ભક્તિ ન જાગે તો તે જીવ શુષ્ક છે, તેને ખરેખર ગુણની રુચિ નથી. પરંતુ દેવ–ગુરુ
પ્રત્યેનો જે પ્રમોદ ભાવ થાય તે પણ રાગ છે, તે રાગને જો શરણભૂત માને તો અજ્ઞાન છે. જો પરને શરણભૂત
માનશે તો પરથી ઉદાસીન થઈને પોતાના સ્વરૂપનો આદર ક્યાંથી કરશે? અને દેવ–ગુરુ પ્રત્યેના શુભરાગને જો
પોતાનું કર્તવ્ય માનશે કે તેનાથી કલ્યાણ માનશે તો તે રાગનો
[અનુસંધાન પાન ૨૧૬]

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૨૦૮ : આત્મધર્મ : આસો : ૨૪૭૫ :
બોટાદમાં, પૂજ્ય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન : માહ વદ ૧૦: મંગળવાર ૨: ૨: ૪૯
શરીરમાં રોગ હોય, પુત્ર મરે ઈત્યાદિ ગમે તેવી પ્રતિકૂળતા વખતે પણ તેમાં રાગ–દ્વેષ ન કરતાં
સ્વભાવના લક્ષે જ્ઞાતા દ્રષ્ટા રહીને જ્ઞાની જીવ અંતરમાં અનાકૂળ શાંતિનું વેદન કરે છે. તે શાંતિનું વેદન થવાની
તાકાત કોઈ સંયોગમાં નથી. પણ સ્વભાવમાં તેવી તાકાત છે. અનુકૂળતા કે પ્રતિકૂળતામાં રાગ–દ્વેષ કર્યા વગર
જ્ઞાતા–દષ્ટાપણે રહીને શાંતિનું વેદન કરવાની તાકાત ચૈતન્યમાં જ છે. એટલે ગમે તે વસ્તુના અભાવમાં પણ
પોતે પોતાની શાંતિનું વેદન કરવા સમર્થ છે. એટલે બધી વસ્તુઓ વગર જ આત્માને ચાલે છે. પૈસા વિના
ચાલતું નથી–એમ અજ્ઞાની માને છે, પણ તે વાત બરાબર નથી. જગતમાં આત્મા છે, ને પૈસા છે, પણ આત્મા
પૈસાપણે નથી અને પૈસા આત્માપણે નથી. એટલે ત્રણેકાળે આત્મા પૈસા વિના જ ટકી રહેલો છે આત્મા
પોતાના સ્વભાવથી જ છે. પૈસા છે માટે આત્મા છે–એમ નથી. આત્મા પોતાના સ્વભાવથી ટકેલો છે, ને પૈસા
પૈસાથી ટકેલાં છે. એકનો બીજામાં અભાવ છે. પણ પરવસ્તુ વગર મારે ચાલે નહિ–એવી અજ્ઞાનીની કલ્પના છે
તે જ દુઃખ છે. આત્મા અનાદિથી છે, ને આત્મામાં પરનો અભાવ અનાદિથી છે. પરવસ્તુ અનાદિથી છે. પણ
આત્મામાં તેનો અભાવ છે; એટલે આત્માને સદાય પરવસ્તુ વગર જ ચાલે છે.
વસ્તુ અનાદિ અનંત છે. વસ્તુ જ તેનું રૂપાંતર થાય છે. આત્મા વસ્તુ અનાદિથી છે, ને તેનું વર્તમાન
રૂપાંતર પણ અનાદિથી થયા કરે છે. અનાદિથી “પરવસ્તુ વગર મારે ન ચાલે” એવી કલ્પનારૂપે રૂપાંતર થયું છે,
તે કલ્પના વગર અનાદિથી અજ્ઞાનીને ચાલ્યું નથી. પરથી હું ટક્યો નથી, પણ મારાથી જ ટક્યો છું; મારો
સ્વભાવ મારાથી પરિપૂર્ણ છે ને પરથી શૂન્ય છે એટલે મારે મારા સ્વભાવ વગર ન ચાલે એમ માને તો તો
પોતાના સ્વભાવને ઓળખીને તેનો આશ્રય કરે ને પરાશ્રય ટાળીને મુક્ત થાય.
જગતનાં જીવોને ધર્મની કળાની કિંમત નથી. લૌકિકકળાની કિંમત જગતને લાગે છે પણ ધર્મની કળાનો
મહિમા નથી. કુંભારના કામમાં વકીલ ડહાપણ ન કરે, ને વકીલાતના કાર્યમાં કુંભાર માથું ન મારે. પણ ધર્મમાં
તો જે હોય તે માથું મારે કે આમ કરો તો ધર્મ થાય, ને તેમ કરો તો ધર્મ થાય પણ પરથી ભિન્ન આત્માના ભાન
વગર ધર્મ થાય નહિ. અને જેને પોતાને આત્માની ઓળખાણ થઈ ન હોય તે ધર્મનું સાચું સ્વરૂપ કહી શકે નહિ.
આત્મામાંથી બીજી બધી ચીજને બાદ કરી નાંખવી જોઈએ કે તે મારું સ્વરૂપ નથી, એને બદલે અજ્ઞાની
જીવ પર વસ્તુથી હું ટકું છું. એમ માનીને પર સાથે પોતાનો ગુણાકાર કરે છે. હું મારામાં છું, ને પરનો વિયોગ
મારામાં અનાદિ છે; તો પછી પુત્ર હતો ને તેનો વિયોગ થયો–એમ ત્રણકાળમાં નથી. કેમકે પુત્રનો ત્રણે કાળે
મારામાં વિયોગ જ છે.
જે ગામ જવું હોય તેનો માર્ગ છોડીને બીજા માર્ગે ચાલે તો તે ધારેલા સ્થાને પહોંચે નહિ, તેમ ચૈતન્યની
ઓળખાણ તે મુક્તિનો માર્ગ છે, તે માર્ગ છોડીને બીજા માર્ગે ચાલે તો મુક્તિ થાય નહિ.
આત્માને પરવસ્તુ વગર જ ત્રિકાળ ચાલી રહ્યું છે કેમ કે આત્માનું હોવાપણું પરવસ્તુને લીધે નથી. પરંતુ
જીવને એવી મિથ્યા કલ્પના છે કે મારે પર વગર ન ચાલે એ જ દુઃખનું મૂળ છે. દરેક ચીજ બીજી ચીજ વગર જ
સાધ્ય ચલાવે છે. પણ એક પદાર્થને બીજા પદાર્થ વગર ન ચાલે એવી માન્યતા તે કુમાર્ગ છે. હું પરથી ભિન્ન
ત્રિકાળ સ્વાધીન પરિપૂર્ણ છું–એવી પ્રતીતિ તે સુમાર્ગ છે, તે માર્ગે ચૈતન્યનો પ્રકાશ છે.
આત્મા એક પદાર્થ છે એમ કહેતાં જ સિદ્ધ થયું કે તે પરપણે નથી. પર કેટલા? કે એક આત્મા સિવાય
બીજા બધા પદાર્થોપણે તે અભાવરૂપ છે. આવો ભિન્નતાનો માર્ગ લેવો તે મોક્ષનો સુમાર્ગ છે. જેને પરથી ભિન્ન
ચૈતન્યતત્ત્વની પ્રીતિ છે તે ઉત્કૃષ્ટ સ્થાન પામવાને પાત્ર છે. પર વસ્તુ વગર જ મારે ચાલે છે–એમ પ્રતીતિ થઈ
ત્યાં “આ સંયોગ મને અનુકૂળ, ને અમુક પ્રતિકૂળ” એવી કલ્પનાને સ્થાન ન રહ્યું. બધા પદાર્થોનો હું જ્ઞાતા છું
એવો અભિપ્રાય થયો. પર વગર મારે ન ચાલે એવી ઊંધી માન્યતાને લીધે જીવને સ્વભાવ તરફ જવામાં
અનાદિથી મહાન વિઘ્ન થઈ રહ્યું છે. પર ચીજ વગર મારે ન ચાલે એવી

PDF/HTML Page 8 of 17
single page version

background image
: આસો : ૨૪૭૫ : આત્મધર્મ : ૨૦૯ :
માન્યતા તે સ્વ–પરની એકતાબુદ્ધિ છે ને તે જ મિથ્યાત્વ છે.
બે માણસને પુત્રમરણનો સંયોગ થયો. ત્યાં એક માણસ સમાધાન કરે છે, ને બીજો ખેદ કરીને આકુળતા
કરે છે. પુત્રમરણનો સંયોગ હોય તે વખતે પણ જો આત્મા સમાધાન કરવા માગે તો તે સમાધાન કરી શકે એવી
તેનામાં તાકાત છે. ગમે તેવા સંયોગ વખતે સમાધાન કરવાની તાકાત આત્મામાં છે પણ તેનો જેને વિશ્વાસ
નથી, તે ‘પરવગર મારે ન ચાલે’ એમ માને છે, તે જ મિથ્યાભાવ છે. જો એક વાર સ્વભાવ ના ભાનવડે તે
મિથ્યાત્વનો નાશ કરે તો અલ્પકાળે મુક્તિ થાય.
સ્વયંસિદ્ધ ચૈતન્યતત્ત્વ સ્વાધીન છે, તે બીજા પદાર્થ વગર જ ટકી રહ્યું છે–એનો જેને ભરોસો નથી તે
ચૈતન્યનું ધ્યાન કરવાને પાત્ર નથી. આત્મામાં પરવસ્તુનો તો ત્રિકાળ અભાવ જ છે. અને “પરવસ્તુ વગર મારે
ન ચાલે” એવી કલ્પનાનોય ત્રિકાળી સ્વભાવમાં અભાવ છે પણ એક સમયના પર્યાયમાં તેનો સદ્ભાવ છે.
વિકાર તે ત્રિકાળ સ્વભાવમાં નથી પણ અવસ્થામાં છે. એ વિકારી અવસ્થા વગર અનાદિથી એક સમય ચલાવ્યું
નથી, તે જ સંસાર છે. એ સિવાય બહારના પદાર્થોમાં સંસાર નથી. જ્યારે એમ શરૂઆત કરે કે મારા ત્રિકાળ
સ્વભાવમાં પરવસ્તુનો અભાવ છે, ને વિકારનો પણ અભાવ છે, –આવી શ્રદ્ધા થઈ ત્યારે વિકાર વગર મારે
ચાલી શકે એવો મારો જ્ઞાનસ્વભાવ છે–એવું ભાન થયું. એટલે વિકાર વગરના સ્વભાવની પ્રતીત થઈ
સમ્યગ્દર્શન થયું. હવે વિકાર થાય તેને પોતાનું સ્વરૂપ માને નહિ. અજ્ઞાનીને ક્ષણિક વિકાર ભાસે છે પણ વિકાર
વગરનો જ્ઞાનમૂર્તિ આત્મા ત્રિકાળ ધુ્રવ છે તેનો મહિમા ભાસતો નથી. વિકાર છે તે ત્રિકાળસ્વભાવ નથી પણ
ક્ષણિક વિભાવ છે. ત્રિકાળ સ્વભાવની અંતરદ્રષ્ટિથી પરિણમવું તે ધર્મ છે. અજ્ઞાની તો માને છે કે વિકાર વગર
મારે ચાલે નહિ, એટલે તેને વિકારની રુચિ ને ત્રિકાળ સ્વભાવનો અનાદર છે તે અધર્મ છે, તેને ત્રિકાળ
સ્વભાવના અનાદરનું મિથ્યાત્વ છે. ધર્મીને ત્રિકાળ સ્વભાવનો આદર છે ને ક્ષણિક વિકારનો અનાદર છે, તેમને
અલ્પ શુભાશુભ ભાવ થાય તેને તે સ્વભાવથી બહિર ભાવ જાણે છે, તેથી વિકાર થાય છતાં તેને સાચી શ્રદ્ધા–
જ્ઞાનરૂપ ધર્મ થાય છે. માટે આત્માર્થીઓએ ત્રિકાળ ચૈતન્ય સ્વભાવની રુચિ ને પ્રતીતિ કરવી જોઈએ. તેના
વિશ્વાસે સ્વભાવનો વિકાસ થશે ને વિકારનો વિનાશ થશે.
સતની દુર્લભતા : : શ્રોતાની પાત્રતા
આ વાત આત્મ સ્વભાવની છે. કોઈ અન્ય સંપ્રદાયો સાથે કે લૌકિક વાતો સાથે
તેને જરાય મેળ મળે તેમ નથી, અને આ વાત અન્યત્ર જ્યાં–ત્યાંથી મળે તેમ નથી. તથા
જેને આત્મકલ્યાણની દરકાર છે, ભવભ્રમણનો ડર છે એવા આત્માર્થી સિવાય બીજા
જીવોને આ વાત બેસે તેમ નથી. આવા મનુષ્ય અવતારમાં આવ્યો અને પરમ દુર્લભ એવી
સત્યવાણી સાંભળવાનો જોગ મળ્‌યો; જો અત્યારે સ્વભાવની રુચિથી આ વાત નહિ સાંભળે
અને નહિ સમજે તો ક્યારે સાંભળશે? અનંત કાળે પણ આવી વાત સાંભળવા મળવી
મુશ્કેલ છે.
ભેદવિજ્ઞાનસાર
જીવનું કર્તવ્ય
અહો, ધર્માત્મા જીવને જીવનમાં કરવાનું જો કાંઈ હોય તો આત્મા અને જ્ઞાનની
સંપૂર્ણ એકતા જ કરવી, તે જ કરવાનું છે. પહેલાંં રાગથી ભિન્નતા ને. જ્ઞાન સાથે આત્માની
એકતાની શ્રદ્ધા કરવી ને પછી જ્ઞાનને સ્વરૂપમાં સ્થિર કરીને વીતરાગભાવ પ્રગટ કરીને
સંપૂર્ણ એકતા કરવી, એ સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી. આમાં જ મોક્ષમાર્ગ અથવા
ધર્મ જે કહો તે આવી જાય છે. કોઈ પણ પરને લીધે જ્ઞાન ખીલે એમ જેણે માન્યું છે તેણે
રાગ સાથે જ જ્ઞાનની એકતા કરી છે, એવો અજ્ઞાની જીવ દરેક સંયોગ વખતે જ્ઞાન અને
આત્માની એકતાને તોડે છે, તે અધર્મ છે. જ્ઞાન સાથે આત્માની એકતાની અને રાગાદિથી
ભિન્નતાની શ્રદ્ધાથી જ્ઞાની જીવને ગમે તેવા પ્રસંગ વખતે પણ સમયે સમયે સ્વભાવમાં
જ્ઞાનની એકતા વધતી જાય છે ને રાગ તૂટતો જાય છે, તે ધર્મ છે.
ભેદવિજ્ઞાનસાર

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૨૧૦ : આત્મધર્મ : આસો : ૨૪૭૫ :


નિયમસારની આ ૩૮મી ગાથામાં હેય–ઉપાદેય તત્ત્વનું કથન છે. પોતાનો શુદ્ધ આત્મસ્વભાવ જ ઉપાદેય
છે; જીવ–અજીવાદિ સાત તત્ત્વો પરદ્રવ્યસ્વરૂપ છે, તે ગ્રહવાયોગ્ય નથી.
પ્રશ્ન:– સાતતત્ત્વોમાં ‘જીવતત્વ’ પણ આવી જાય છે, તો શું તે પણ પરદ્રવ્ય છે?
ઉત્તર:– સહજ જ્ઞાનસ્વરૂપી જીવ તો સ્વતત્વ છે, તે કાંઈ પરદ્રવ્ય નથી. અહીં જીવના શુદ્ધ સ્વભાવને
પરદ્રવ્ય કહ્યું નથી, પરંતુ ‘હું જીવ છું’ એવો જે મનસંબંધી રાગમિશ્રિત વિચાર તેને અહીં જીવતત્વ તરીકે ગણીને
પરદ્રવ્ય કહ્યું છે. ‘હું જીવ છું’ એવો વિકલ્પ તે આત્માનું સ્વરૂપ નથી, તેથી તે પરદ્રવ્ય છે, અને હેય છે.
આત્મતત્વ જ્ઞાનસ્વરૂપ છે; હું જીવ છું’ એવો જીવસંબંધી વિકલ્પ તે આત્મતત્વમાં નથી, અને તે વિકલ્પવડે
આત્મતત્વ અનુભવમાં આવ શકતું નથી, માટે તે વિકલ્પ હેય છે. જીવ પોતે પરદ્રવ્ય નથી પણ જીવતત્વ સંબંધી
જે વિકલ્પ છે તે પરદ્રવ્ય છે. શુદ્ધ જીવતત્વ તો ઉપાદેય છે પણ ‘હું જીવતત્વ છું, એવો વિકલ્પ ઉપાદેય નથી. આ
અપેક્ષાએ જીવતત્વને હેય કહ્યું છે–એમ સમજવું.
બીજું અજીવ તત્વ છે, તે ઉપાદેય નથી. જીવ સિવાયનાં બીજા પાંચ અચેતન દ્રવ્યો છે તે અજીવ છે. ‘હું
અજીવ નથી’ એવો જે રાગમિશ્રિત વિકલ્પ છે તે પરદ્રવ્ય સ્વરૂપ છે, તે વિકલ્પ વડે અજીવથી ભિન્ન જીવતત્વ
અનુભવાતું નથી, માટે તે હેય છે.
ત્રીજું આસ્રવ તત્ત્વ છે. દયાદિના શુભભાવ કે હિંસાદિના અશુભભાવ તે બંને આસ્રવ છે, તે જીવનું
સ્વરૂપ નથી. આસ્રવ મારું સ્વરૂપ નથી, હું આસ્રવથી ‘જુદો છું’ એવો વિકલ્પ તો રાગ છે; પરદ્રવ્યસ્વરૂપ છે; તે
વિકલ્પમાં જ જેની બુદ્ધિ અટકી છે તે મિથ્યાદ્રષ્ટિ છે; એ વિકલ્પ વડે આત્મ તત્વ અનુભવમાં આવી શકતું નથી,
માટે તે વિકલ્પ હેય છે. વિકલ્પ રહિત થતાં જે સહજ આત્મતત્વનો અનુભવ થાય છે તે સહજ આત્મતત્વ જ
ઉપાદેય છે. અહીં વિકલ્પમાત્રને પરદ્રવ્યમાં ગણેલ છે; પોતાના શુદ્ધ સ્વભાવ સંબંધી વિકલ્પ કરવો તે પણ
સ્વદ્રવ્યનો સ્વભાવ નથી.
ચોથું બંધતત્ત્વ છે, તે ઉપાદેય નથી. હું કર્મથી બંધાયેલો છું, એવો વિકલ્પ તો હેય છે, અને હું કર્મથી
બંધાયેલો નથી, –અબંધ છું. એવો રાગમિશ્રિત વિકલ્પ તે પણ હેય છે. અબંધ સ્વભાવ તો પોતાનું સ્વરૂપ છે,
પણ ‘હું અબંધ છું’ એવો વિકલ્પ પોતાનું સ્વરૂપ નથી, તે પરદ્રવ્ય છે, માટે હેય છે.
પાંચમું સંવરતત્ત્વ છે, તે પણ હેય છે. આત્મસ્વરૂપના ભાનપૂર્વક અંશે શુદ્ધતા પ્રગટી અને પુણ્ય–પાપ
અટક્યા તે સંવર છે. સંવર પોતે નિર્મળ પર્યાય છે.
પ્રશ્ન:– સંવર તો નિર્મળ પર્યાય છે, છતાં તેને હેય કેમ કહ્યો?
ઉત્તર:– સંવરતત્વના લક્ષે વિકલ્પ થાય છે. સંવરતત્ત્વ અને તેના લક્ષે થતો વિકલ્પ એ બંનેને એક
ગણીને સંવર તત્ત્વને જ હેય કહ્યું છે. ‘હું સંવર કરું’ એવો વિકલ્પ કરવો તે રાગમિશ્રિત ભાવ છે, તેનાથી સંવર
દશા પ્રગટતી નથી. અહીં એકરૂપ આત્મસ્વભાવનું જ ગ્રહણ કરાવવું છે, તેમાં કોઈ પ્રકારના ભેદનો કે વિકલ્પનો
સ્વીકાર નથી. સંવર તો એક નિર્મળ પર્યાય છે. અહીં પર્યાયદ્રષ્ટિ જ છોડાવવી છે, માટે સંવરતત્ત્વ પણ હેય છે
અર્થાત્ તેનું લક્ષ કરવા જેવું નથી. પુણ્ય–પાપને અટકાવું એવા વિકલ્પથી પુણ્ય–પાપ અટકાતા નથી, પણ એકદમ
આત્મસ્વભાવના લક્ષે જ પુણ્ય–પાપ અટકે છે; માટે એકરૂપ આત્મસ્વભાવ જ ઉપાદેય છે. આત્મસ્વભાવના લક્ષે
એકાગ્ર થતાં સંવર–નિર્જરાને મોક્ષ થઈ જાય છે.
છઠ્ઠું નિર્જરા તત્ત્વ છે. આત્મસ્વભાવની એકાગ્રતાથી શુદ્ધતા વધે ને અશુદ્ધતા ટળે તે નિર્જરા છે. મલિનતા
ટાળું ને શુદ્ધતા વધારું–એવો વિકલ્પ પણ હેય છે; તે વિકલ્પ પરદ્રવ્ય સ્વરૂપ છે, તેના લક્ષે ધર્મ થતો નથી.
સાતમું મોક્ષતત્ત્વ છે, મોક્ષ એટલે આત્માની સંપૂર્ણ શુદ્ધ દશા. આ મોક્ષતત્ત્વ પણ હેય છે. પર્યાયબુદ્ધિ–
અજ્ઞાનીને એમ લાગે કે, અરર! શું મોક્ષતત્ત્વ પણ છોડવા જેવું છે? –પણ ભાઈ, મોક્ષદશા તો એક પર્યાય છે.
મોક્ષપર્યાય ઉપર જેનું લક્ષ છે તેને કદી મોક્ષદશા થતી નથી. પર્યાયદ્રષ્ટિ છોડીને આખા દ્રવ્ય સ્વભાવને દ્રષ્ટિમાં ન
સ્વીકારે ત્યાંસુધી ધર્મ થતો નથી. હું મોક્ષ કરું–એવો વિકલ્પ તે પરદ્રવ્ય સ્વરૂપ છે. હું આત્મા, અને મારો મોક્ષ
કરું’ એવા વિચાર વડે આત્મ–

PDF/HTML Page 10 of 17
single page version

background image
: આસો : ૨૪૭૫ : આત્મધર્મ : ૨૧૧ :
તત્વનું ગ્રહણ થઈ શકતું નથી, એ વિચારમાં તો રાગસ્વરૂપ ભેદનો વિકલ્પ આવે છે. અભેદ શુદ્ધ આત્મસ્વરૂપને
જ ઉપાદેયપણે અંગીકાર કરીને ત્યાં એકાગ્ર થતાં મોક્ષદશા સહજ થાય છે.
‘મારો મોક્ષ કરું’ એવો ભાવ થાય તે અંગીકાર કરવા જેવો નથી; કેમ કે વર્તમાનમાં મોક્ષદશા તો નથી
તેથી તેના ઉપર લક્ષ કરવાથી પર્યાયબુદ્ધિ ટળશે નહિ. અને આત્મસ્વભાવ લક્ષમાં આવશે નહિ. જે ત્રિકાળ
આત્મ સ્વભાવ છે તેના ઉપર લક્ષ કરવાથી જ પર્યાયબુદ્ધિ ટળે છે; માટે તે ત્રિકાળી દ્રવ્ય જ ઉપાદેય છે, એ
સિવાય સાતે તત્ત્વો હેય છે. માટે, આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! તારે ઉપાદેયસ્વરૂપ તો એક આત્મસ્વભાવ છે
એમ તું સમજ, તેની ઓળખાણ કર.
અહીં આચાર્યદેવ આત્મસ્વભાવ સમજાવતાં કહે છે કે જીવઅજીવાદિ સાતે તત્ત્વના વિકલ્પો તે પરદ્રવ્ય છે,
અને એ સાત તત્ત્વોના વિકલ્પથી અગોચર જે શુદ્ધ અભેદ આત્મસ્વરૂપ છે તે જ એક સ્વદ્રવ્ય છે તે જ જીવ છે,
અને એનો જ અંગીકાર કરવાનો છે; શુદ્ધ જીવને અંગીકાર કરવાથી શુદ્ધભાવ પ્રગટે છે. અંગીકાર કરવો એટલે
તેની શ્રદ્ધા કરવી, તેનું જ્ઞાન કરવું અને તેમાં લીન થવું. જ્યાં સાત તત્વના ભેદની શ્રદ્ધા છે ત્યાં એક સ્વતત્ત્વ
અનુભવાતું નથી, ને એક સ્વતત્ત્વની શ્રદ્ધામાં સાત તત્વના વિકલ્પો નથી. સાત તત્ત્વના વિચારમાં ક્રમ પડે છે
અને રાગ થાય છે. એક સ્વતત્ત્વની શ્રદ્ધામાં ભેદ નથી, રાગ નથી માટે પોતાનું એક શુદ્ધ સ્વરૂપ જેમ છે તેમ
જાણીને તેમાં ઠરવું, તે જ ધર્મ અને મોક્ષમાર્ગ છે.
શ્રી નિયમસાર ગા. ૩૮ ઉપરના પ્રવચનમાંથી
[ઉમરાળા: વીર સંવત ૨૪૭૫ માહ સુદ ૧૦ મંગળવારના રોજ પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન
બપોરે ૩ થી ૪ પદ્મનંદી પચ્ચિસી]
આસદ્બોધ ચંદ્રોદય અધિકાર છે. આ આત્મા અનાદિનો છે, પણ તે કેવા સ્વભાવે છે તે વાત આત્માએ
એક સેકંડ માત્ર પણ જાણી નથી. સદ્બોધ ચંદ્રોદય એટલે સાચા જ્ઞાન રૂપી ચંદ્રનો ઉદય; આત્માના સ્વરૂપને
ઓળખે તો સાચું જ્ઞાન પ્રગટે. સત્સમાગમ વિના તે કદી જણાય તેમ નથી. આ શરીર તો આત્માનું નથી, પણ
અંદર જે રાગ–દ્વેષ, પુણ્ય–પાપ, ક્રોધ–ભક્તિ વગેરે ભાવો થાય છે તે પણ વિકાર છે, તે આત્માનું સ્વરૂપ નથી.
આત્માનું સ્વરૂપ તો જે કાયમ ટકી રહે તેને કહેવાય. આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે એક સેકંડ માત્ર જો જીવ
સમજે તો તેને જન્મમરણ રહે નહિ. જેમણે રાગદ્વેષ ટાળી પૂર્ણ પરમાત્મ દશા પ્રગટ કરી એવા ભગવાન અરિહંત
સર્વજ્ઞદેવના શ્રીમુખથી દિવ્યધ્વનિ છૂટે છે, તેમાં આત્મસ્વભાવની વાત આવે છે, તે સમજીને જે આત્માને
અનુભવે છે તેને જન્મ–મરણનો નાશ થાય છે.
અહીં તે આત્મસ્વરૂપની વાત ચાલે છે. તે આત્મસ્વરૂપ એવું છે કે બૃહસ્પતિ પણ તેનું વર્ણન વાણીથી ન
કરી શકે. જેમ ઘીનો સ્વાદ જાણવામાં આવે પણ વાણીદ્વારા કહેવામાં આવી શકતો નથી. તેમ આત્મસ્વભાવનો
મહિમા અનુભવમાં આવે, પણ વાણીદ્વારા કહેવાય તેવો નથી. જે સ્વરૂપે આત્મા છે તે સ્વરૂપે તેને જ્ઞાનથી
જાણવો–માનવો ને અનુભવવો તે જ ધર્મ છે. એ સિવાય બહારમાં ક્યાંય ધર્મ નથી. ભાઈ રે, ધર્મ તો અંતરની
વસ્તુ છે, કાંઈ બહારની વસ્તુ નથી. પુણ્ય કરે તેનાથી બહારનાં રાજપદ કે દેવપદ મળે, પણ જેનાથી જન્મ–મરણ
ટળે એવો ધર્મ તેનાથી જુદો છે. ધર્મ તો એવો છે કે જીવ જો એક સેકંડ પણ તેનું સેવન કરે તો મુક્તિ થઈ જાય.
જેમ દીવાસળીના ટોપકામાં અગ્નિ ભર્યો છે, તેમાંથી તે પ્રગટે છે, તેમ આત્માની શક્તિમાં કેવળજ્ઞાનજ્યોત
થવાની તાકાત છે, તેનામાં શક્તિ છે તેને ઓળખીને તેમાં એકાગ્રતા કરતાં કેવળજ્ઞાન પ્રગટીને આત્મા પોતે
પરમાત્મા થઈ જાય છે. ક્ષણિક પુણ્ય–પાપના ભરોંસે આત્માનું કલ્યાણ થાય નહિ. અને આ શરીર જડ છે, તેના
ભરોંસે આત્માનું હિત થાય નહિ. પણ પોતામાં પરમાત્મા થવાની તાકાત છે તેને ઓળખીને તેના ભરોંસે
અંતરની શક્તિ પ્રગટીને પોતે પરમાત્મા થાય છે. માટે હે જીવ! અંદરમાં પરમાત્મસ્વભાવ છે તેનો વિશ્વાસ કર.
શરીર, પૈસા કે પુણ્ય–પાપ ક્ષણિક છે તેના ભરોંસે તારું કલ્યાણ થતું નથી, માટે તારું સ્વરૂપ શું છે તેની
ઓળખાણ તો કર.
લીંડીપીપરમાંથી તીખાશ પ્રગટે છે કેમ કે તેમાં ભરી છે, પણ ઊંદરની

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૨૧૨ : આત્મધર્મ : આસો : ૨૪૭૫ :
લીંડીમાંથી તીખાશ પ્રગટે નહિ. તેમ આત્મામાં જ્ઞાનશક્તિ ભરી છે તેમાંથી જ્ઞાન પ્રગટે છે. જ્ઞાનીનો ઉપદેશ
આત્માની ઓળખાણ કરવાનો છે. સત્સમાગમે તેની ઓળખાણ કરવી જોઈએ. અનંત અનંત કાળથી આ આત્મા
છે, તો તે કેવો છે? તે ઓળખવાની દરકાર કરવી જોઈએ. મનુષ્યદેહ અનંતકાળે મળે છે, તેમાં આત્માને
સમજવાની દરકાર કરવી જોઈએ. સત્સમાગમે વારંવાર તેનો પરિચય કરીને સમજવું જોઈએ. તેની ઓળખાણ
કરવી તે જ મનુષ્યદેહમાં આવ્યાનું ખરુ ફળ છે. બાકી પુણ્ય કરીને સ્વર્ગમાં જાય કે પાપ કરીને નર્કમાં જાય–તે
કાંઈ નવું નથી.
અહો, આવો મનુષ્યદેહ મળ્‌યો, ને જો આત્માને ન જાણે તો અવતાર નકામો છે. જેમ સર્વવ્યાપી
આકાશને હૃદયમાં સમાવી દેવાનું કઠણ છે, તેમ આત્મસ્વભાવનું વર્ણન વાણીદ્વારા કરવું કઠણ છે. છતાં જે જીવ
દરકાર કરીને તેને સમજવા માગે તે જીવને સત્સમાગમે જ્ઞાનમાં સમજાય છે. અનંતા જીવો તે સમજીને મુક્ત
થયા છે, અત્યારે પણ આત્માને સમજનારા છે, ને ભવિષ્યમાં અનંતા થશે. પુણ્ય અને પાપ તો આખી દુનિયા
કરે છે, પણ આત્માની સમજણ કરનારા કોઈક વિરલા જ હોય છે. પરમાં સુખ માને ને સુખ માટે પરની
ઓશિયાળ માને તે તો માગણ છે, કોઈ લાખો રૂપિયા માગે, કોઈ હજાર માગે, કોઈ સો માગે; ઝાઝું માગે તે
મોટો માગણ છે ને થોડું માગે તે નાનો માગણ છે. અને એમ સમજે કે અહો! હું આત્મા છું, મારે કાંઈ જોઈતું
નથી, મારું–સુખ મારામાં છે, મારે તો હવે આત્મા સમજવો છે–એમ જે ભાવના કરે છે તે મોટો બાદશાહ છે.
ભલે ગૃહસ્થદશામાં હોય છતાં અંતરમાં આત્માનું ભાન કરે તે ધર્માત્મા છે, ને તેને જન્મ–મરણનો અંત થઈ જશે.
જેમ પર્વત પર વીજળી ૫ડે ને બે કટકા થઈ જાય, પછી તે ફરીથી સંધાતા નથી, તેમ જે જીવ એક સેકંડ પણ
આત્માની સમજણ કરે છે તેનો સંસાર તૂટી જાય–છે. જેમ કોઈકના ઘરે લક્ષ્મીનો ઢગલો જોઈને “આ લક્ષ્મી
મારી” એમ લોકો માનતા નથી, તેમ ધર્મી જીવ આ શરીરાદિને કે પુણ્ય–પાપના ભાવોને પોતાનું સ્વરૂપ માનતા
નથી; તે ધર્મી જીવો આત્મસ્વભાવને જાણે છે, પણ વાણી દ્વારા કહેવો કઠણ છે.
શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે–જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો. તેહ
સ્વરૂપને અન્યવાણી તો શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
આવા આત્માને જાણ્યા વિના કોઈ રીતે કલ્યાણ નથી. જેણે આત્માને જાણ્યો નથી ને પૈસાનો ઓશિયાળો
થઈ રહ્યો છે, તે મોટો ભિખારી છે.
જૈનદર્શનમાં સાત તત્વો છે–જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ.
જે જાણે છે તે જીવ છે.
શરીર વગેરે અજીવ છે, તેનામાં જ્ઞાન નથી.
પુણ્ય–પાપ તે આસ્રવ છે.
તે પુણ્ય–પાપમાં અટકવું તે બંધન છે.
તે પુણ્ય–પાપ રહિત ચૈતન્યમૂર્તિ આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે, તેની ઓળખાણ કરીને ઠરવું તે સંવર–નિર્જરા
રૂપ ધર્મ છે. અને પૂરી શુદ્ધદશા પ્રગટી જાય તે મોક્ષ છે. પહેલાંં તો પરિપૂર્ણ આત્માનો વિશ્વાસ આવવો જોઈએ.
ઘણા વિવેકથી, ઘણા સત્સમાગમથી ઘણી રુચિથી અને ઘણી પાત્રતાથી આત્મા સમજાય છે. આત્મા એવો
નથી કે સમજાય નહિ. જો આત્મા સમજી ન શકાય તો તો ધર્મ જ ક્યાંથી જાય? આ જગતમાં લાખો રૂપિયા
મળે કે સ્વર્ગ મળે –તે દુર્લભ નથી, આત્માની સમજણ જ દુર્લભ છે. આ માનવજીવનમાં એવા આત્માની સમજણ
કરવા જેવી છે.
આત્માના અંતર–આનંદમાં ઝૂલતાં ઝૂલતાં, જંગલમાં શ્રીપદ્મનંદી મુનિવરે આ શાસ્ત્રની રચના કરી છે;
તે–માતાએ જન્મ આપ્યો ત્યારથી–બાળક જેવા નગ્ન દિગંબર સંત હતા, તેમણે જંગલમાં આ વાત લખી છે. તેઓ
કહે છે કે આ આત્મસ્વભાવનો મહિમા જગતમાં જયવંત વર્તે છે.
અહો, અજ્ઞાનીઓ એક બીડી પીવામાં સુખ માને છે, મકાનમાં સુખ માને છે, શરીર–પૈસામાં સુખ માને
છે, સ્ત્રીમાં સુખ માને છે, પણ આત્મામાં સુખ છે તેને જાણતા નથી. આત્મતત્ત્વ જ મોક્ષના સુખને દેનારું છે;
આચાર્ય દેવ કહે છે કે અહો? એવા અમારા આત્મતત્ત્વનો જય થાઓ, ને વિકારનો પરાજય થાઓ. જગતના
જીવો પોતાની ચૈતન્ય જાતનો મહિમા ભૂલીને પરમાં સુખના ઝાંવા નાંખી રહ્યા છે, પણ પરમાં ક્યાંય સુખ નથી
પરપદાર્થ પ્રત્યેની ઈચ્છા તે દુઃખ છે. સુખ તો આત્મામાં છે, તેને ઓળખે તો સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્
ચારિત્રનું સુખ પ્રગટે છે. સુખનો દેનાર આત્મા છે, તેની શ્રદ્ધા જ્ઞાન કરવી તે ધર્મ છે. લોકો ક્રિયા ક્રિયા કરે છે,
પણ આત્માની સાચી

PDF/HTML Page 12 of 17
single page version

background image
: આસો : ૨૪૭૫ : આત્મધર્મ : ૨૧૩ :
ઓળખાણ અને બહુમાન તે જ નિર્વિકારી ક્રિયા છે.
શરીરની ક્રિયામાં ક્યાંય ધર્મ નથી,
જેમ બીજનો ચંદ્ર ઊગ્યા પછી ક્રમે ક્રમે તે પૂરો થાય છે તેમ આત્માની સાચી સમજણ એક સેકંડ પણ
પ્રગટ કરે તેને કેવળજ્ઞાન પ્રગટ્યા વગર રહે નહિ. જીવનમાં આત્માને સમજવા માટે થોડી થોડી નિવૃત્તિ લઈને,
રાગ ઘટાડવો જોઈએ.
આ હજી શરૂઆતનું મંગળ ચાલે છે; તેમાં આચાર્ય ભગવાન કહે છે કે અહો, આત્મતત્ત્વનો મહિમા
જયવંત હો. એટલે આત્મ સ્વભાવના આશ્રયે અમને જે સાધકદશા પ્રગટી છે તે જયવંત રહો, તે દશા ક્રમે ક્રમે
આગળ વધીને પૂર્ણ સિદ્ધદશા થશે, ને વિકાર ટળી જશે.
‘નમો અરિહંતાણં’ ને ‘નમો સિદ્ધાણં’ એમા અરિહંત અને સિદ્ધને નમસ્કાર કરે છે, તે અરિહંત અને
સિદ્ધ એ બન્ને આત્માની જ પવિત્ર દશાઓ છે, તે નામનો કોઈ પુરુષ નથી. અરિહંત અને સિદ્ધ તો પુણ્ય–પાપ
ટાળીને વીતરાગ થઈ ગયા. જે પુણ્ય રહિત છે તેમને નમસ્કાર કરે અને પાછો પોતે પુણ્યની ભાવના કરે, તે તેણે
ખરેખર અરિહંત કે સિદ્ધને નમસ્કાર કર્યા નથી. પુણ્ય–રહિત વીતરાગ પુરુષને નમસ્કાર કરનાર પુણ્ય માગે નહિ.
ધર્મીને પુણ્ય–પાપભાવ થાય, પણ દ્રષ્ટિમાં એમ છે કે મારે આ પુણ્ય જોઈતાં નથી. મારું પુણ્યરહિત સ્વરૂપ છે, તે
મારે જોઈએ છે. અહો, હું અનાદિ અનંત, મારો કદિ નાશ થાય નહિ, અને આ પુણ્ય–પાપ તો નાશવાન છે, તે
મારી ચીજ નથી. –એમ ધર્મીને ઓળખાણ છે.
અરિહંતોના પુણ્યની બલિહારી છે, ઈન્દ્રો તેમના ચરણકમળને પૂજે છે, છતાં ધર્મી ભક્ત કહે છે–હે નાથ,
આપ પુણ્ય પાપ રહિત વીતરાગ થયા છો, આ બહારની સામગ્રી મારે જોઈતી નથી પણ અંતરમાં જે વીતરાગતા
પ્રગટી છે તે જોઈએ છે. એ રીતે અરિહંતને નમસ્કાર કરનાર જીવને પુણ્યની ભાવના હોતી નથી. તેમજ મુનિને
તો બહારમાં દાગીના, લૂગડાં, ઘરબાર કાંઈ નથી, છતાં તેમને નમસ્કાર કરે છે. ખરેખર ત્યાં નમસ્કાર કરનારની
એવી ભાવના છે કે હે પ્રભો, આપની પાસે ઘરબાર, વસ્ત્ર, દાગીના કાંઈ ન હોવા છતાં અંતરમાં કાંઈક અપૂર્વ
ચીજ છે તે મારે જોઈએ છે. મારી પાસે પૈસા ઘરબાર, દાગીના છે પણ તેમાં સુખ નથી, એ બધાં પુણ્યનાં ફળ છે
પણ તેમાં સુખ નથી, આપના આત્મામાં રાગ–દ્વેષ ટળીને સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર પ્રગટ્યા છે, તેમાં ખરેખર
સુખ છે. –આમ સમજનાર જ ખરેખર ધર્માત્મા ને નમસ્કાર કરી શકે. માટે પુણ્ય–પાપરહિત આત્માનું સ્વરૂપ છે
તેની પહેલાંં સમજણ કરવી જોઈએ.


આ શુદ્ધભાવ–અધિકાર ચાલે છે. આત્માનો સ્વભાવ એ જ શુદ્ધ ભાવ છે, ને તે જ આદરણીય છે. એ શુદ્ધ
સ્વભાવને માનવો તે સમ્યગ્દર્શન છે. આત્માનો શુદ્ધ સ્વભાવ પરથી જુદો ને વિકારથી રહિત શી રીતે છે તે
જાણીને, તેની રુચિ કરવી તે સમ્યગ્દર્શન છે. સ્વભાવ શું અને પરભાવ શું–એ જાણ્યા વગર સ્વભાવની રુચિ
થાય નહિ. ને પરનો મહિમા ટળે નહિ. અને ત્યાં સુધી જીવને ધર્મ થાય નહિ.
જીવ પોતાના સ્વભાવને ભૂલીને પરની ગમે તેવી રુચિ કરે ને કર્તા પણાના થનગણાટ કરે, પણ તેથી પર
ચીજ કાંઈ પોતાની થઈ જતી નથી, ને પોતે પર ચીજનું કાંઈ કરી શકતો નથી. પોતાના સ્વભાવની પૂર્ણતાનો
મહિમા જાણ્યો નથી તેથી વિકારથી ને પરથી પોતાનો મહિમા માની રહ્યો છે. શુભભાવ કરે ત્યાં તો મેં ઘણું કર્યું
એમ માની લે છે, અને ધાર્યા પ્રમાણે બહારમાં અનુકૂળતા દેખે ત્યાં તો જાણે કે હું આનાથી ભરપૂર છું–પણ તે
અજ્ઞાનીને ખબર નથી કે જ્ઞાન–સુખથી ભરપૂર તો પોતાનો સ્વભાવ જ છે, ને તે જ પોતાને શરણભૂત છે,
બહારની કોઈ વસ્તુ જરાય શરણભૂત નથી અને વિકાર પણ શરણભૂત નથી. જેને પોતાના સ્વભાવની વિકારથી
ને પરથી ભિન્નતા નથી ભાસતી, ને વિકારમાં તથા પરમાં જ એકાકારપણું માની રહ્યો છે તે પોતાના શુદ્ધ ભાવને
ઉપાદેય જાણતો નથી; તે મિથ્યાદ્રષ્ટિ છે. અને જે જીવ પોતાના શુદ્ધ ભાવને વિકારથી ને પરથી જુદો જાણીને
ઉપાદેય માને છે તે ધર્માત્મા સમ્યગ્દ્રષ્ટિ છે.
આ જીવને પર વસ્તુઓ જરા પણ શરણભૂત નથી. પરંતુ ‘મને પર વસ્તુઓ શરણભૂત નથી, ને તેમાં

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૨૧૪ : આત્મધર્મ : આસો : ૨૪૭૫ :
મારું સુખ નથી’ એમ અજ્ઞાનીને મૂઢબુદ્ધિથી દેખાતું નથી. પોતે સદાય પરિપૂર્ણ ભગવાનસ્વરૂપે અંતરમાં સ્થિત
છે, એને તો ભૂલી જ જાય છે, અને વર્તમાનમાં અશુભ છોડીને શુભ પરિણામ કરે ત્યાં તો પોતે ભરપૂર હોય
એમ અજ્ઞાનીને લાગે છે. પણ શ્રીગુરુ કહે છે કે–ભાઈ, પુણ્ય તારું સ્વરૂપ નથી. પુણ્ય કર્યા તેથી તારા આત્માની
મોટાઈ નથી. તારો આત્મા તો પુણ્ય–પાપ રહિત અત્યારે જ એકરૂપ જ્ઞાનભાવે ભરપૂર છે, એમાં જ તારું સુખ
છે, એ જ તારે ઉપાદેય છે. તું એને ભૂલીને, પુણ્ય–પાપમાં તારું એકત્વ માની રહ્યો છે અને તેમાં સુખ માને છે,
પણ ભાઈ! એ ઊંધી માન્યતાથી તો કરોડો કાળા વીંછીના ડંખની વેદના કરતાં ય વધારે દુઃખની વેદના તું
ભોગવી રહ્યો છે. માટે શુદ્ધ સ્વભાવના અભ્યાસ વડે તે માન્યતા છોડ.
જે શુભ કે અશુભ પરિણામ થાય છે તે આત્માના મૂળ સ્વરૂપમાં નથી, પણ પર્યાયમાં ઉપરટપકે થનારા
વિકાર ભાવો છે. તે ઉપરટપકે થનારા ભાવો જેટલો આત્માને ન માનતાં, તું અંતરના મૂળ સ્વરૂપને જો. જેમ
સમુદ્રના પાણીમાં ક્યાંક મેલું મોજું દેખાય, પણ કાંઈ આખો સમુદ્ર મેલો નથી. ક્ષણિક મેલું મોજું આખા સમુદ્રને
મેલો કરવા સમર્થ નથી. મેલાં મોજાં વખતે પણ સમુદ્ર તો નિર્મળ છે. તેમ આ આત્મા ચૈતન્યસમુદ્ર છે. તેની
વર્તમાન દશામાં જે મલિનતા દેખાય છે તે ક્ષણિક છે, આખું આત્મસ્વરૂપ મેલું નથી, આત્મસ્વરૂપ શુદ્ધ એકરૂપ
છે. ક્ષણિક વિકાર થાય છે તે ભાવ આખા શુદ્ધ સ્વરૂપને મલિન કરવા સમર્થ નથી. વિકાર જેટલો જ આત્મા
માનવો તે અજ્ઞાન છે; ને શુદ્ધ આત્મ સ્વરૂપને માનવું તે સમ્યગ્જ્ઞાન છે.
મીઠા જળથી ભરેલા સમુદ્રના મોજામાં જે મલિનતા દેખાય છે તેટલો જ કાંઈ આખો સમુદ્ર નથી. મૂળ
સ્વરૂપે સમુદ્રને જુઓ તો તે સમુદ્ર અને તેનું પાણી એકરૂપ ચોકખાં છે, મોજાંની મલિનતા તો બહારની ઉપાધિ
છે. તેમ આ આત્મા સહજ ચૈતન્યરૂપ છે તેમાં વર્તમાન જે વિકારભાવ દેખાય છે તે તેના મૂળ સ્વરૂપમાં નથી. જો
એકલા આત્માને મૂળસ્વરૂપે જુઓ તો, તેના દ્રવ્યમાં–ગુણમાં કે વર્તમાન વર્તતા ભાવમાં પણ વિકાર નથી.
આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ છે તે ઉપાદેય છે. જેમ સમુદ્રનો એવો સ્વભાવ છે કે મેલને પોતામાં રહેવા દે નહિ પણ
ઊછાળીને બહાર ફેંકી દે. તેમ આ આત્મસ્વરૂપમાં વિકારભાવોનો પ્રવેશ થઈ શકતો નથી. આત્મા અંર્તતત્ત્વ છે
ને વિકાર બર્હિતત્ત્વ છે; અંતરતત્ત્વમાં બર્હિ તત્ત્વનો પ્રવેશ નથી. આત્માનો સ્વભાવ વિકારનો નાશ કરવાનો
છે. આવો આત્મસ્વભાવ જ અમૃતરૂપ છે, એની ઓળખાણ સિવાય બીજા જેટલા ભાવો કરે તે બધાય ઝેરરૂપ
સંસાર સ્વરૂપ છે.
પુણ્ય–પાપ પરિણામમાં કે તેના ફળને ભોગવવામાં આનંદ માનવો તે મૂઢતા છે. પુણ્યપરિણામ કરીને
એમ માનવું કે ‘મેં બહુ સારા ભાવો કર્યાં,’ તે અગ્નિના લાવા ભોગવવા જેવું છે. જેમ કોઈ ગાંડો માણસ અગ્નિથી
ઝગમગતા કોલસાને હાથમાં લઈને એમ માને કે હું અગ્નિના લહાવા લઉં છું. મને બહુ આનંદ આવે છે. પણ
અગ્નિથી પોતાનો હાથ બળી જાય છે તેનું તેને ભાન નથી. તેમ પુણ્ય –પરિણામના વેદનથી તો આકુળતારૂપી
અગ્નિમાં આત્મા બળી રહ્યો છે, પણ અજ્ઞાની તેમાં શાંતિ માને છે.
આત્મા પોતાના સ્વભાવથી ભરપૂર છે. પણ અજ્ઞાની જીવ સ્વભાવનો મહિમા સમજતો નથી તેથી
સ્વભાવનું શરણ કરતો નથી; તેની દ્રષ્ટિ નિમિત્તો ઉપર છે તેથી નિમિત્તોની હાજરીમાં તેને પોતાનું શરણ લાગે
છે. બહારના પદાર્થોથી તો પોતે ખાલી છે, ને અંતરમાં શુદ્ધ આનંદઘન સ્વભાવથી ભરેલો છે, તે જ ઉપાદેય ને
શરણભૂત છે. પણ એના ભાન વિના, બહારની ક્ષ્ણિક વસ્તુઓથી પોતાને ભરેલો માને છે, પોતાને માલ વગરનો
માને છે. પણ બહારના પદાર્થોમાંથી કદી જીવની શાંતિ આવે તેમ નથી. વળી કંઈક પુણ્ય પરિણામ કરે તેનાથી
પોતાને ભરપૂર માને છે ક્ષણિક પરિણામમાં જ અર્પાઈ જઈને તેમાં જ આત્માનું સર્વસ્વ માની બેઠો છે; પણ
ક્ષણિક પુણ્ય પરિણામ રહિત આખી વસ્તુ જ્ઞાનકંદ છે તેને જાણતો નથી.
જીવનો શ્રદ્ધા ગુણ એવો છે કે જ્યાં તેની દ્રષ્ટિ પડે ત્યાં તે પોતાને પૂરો માને છે. પોતાનો મૂળ સ્વભાવ
પૂરો છે તેની શ્રદ્ધા છોડીને અજ્ઞાનીએ વિકારમાં ને પરમાં પોતાપણું માન્યું છે, તેથી વિકારથી ને પરથી જ
પોતાને ભરપૂર પૂરો માને છે, પણ તેનાથી જુદું સ્વરુપ છે તેને માનતો નથી. જ્યાં જ્યાં દ્રષ્ટિ મૂકે છે ત્યાં ત્યાં
ભર્યો ને પૂરો જ માને છે, અધૂરો માનતો નથી. અંતરમાં પોતાનો સ્વભાવ પૂરો છે તેથી ઊંધો પડીને બહારમાં
પણ પોતાની પૂર્ણતા માને છે. પોતે પૂરો છે પણ દ્રષ્ટિમાં ગૂલાંટ મારી છે તેથી બહારમાં પૂર્ણતા માની બેઠો છે.
બહારમાં પૂર્ણતા માનનારો પોતે જ પૂરો છે, પણ જ્યાં પૂર્ણતા છે ત્યાં ન માનતાં,

PDF/HTML Page 14 of 17
single page version

background image
: આસો : ૨૪૭૫ : આત્મધર્મ : ૨૧૫ :
જ્યાં નથી ત્યાં પોતાપણું માન્યું છે. શ્રીઆચાર્યદેવ કહે છે કે તારો શુદ્ધ સ્વભાવ જ તારે ઉપાદેય છે, તેની જ તું
માન્યતા કર, એ સિવાય બીજું કાંઈ તારે ગ્રહણ કરવા જેવું નથી. પર્યાયમાં રાગાદિ હોવા છતાં તે ગ્રહણ કરવા
જેવા નથી. આવી શ્રદ્ધા કરવી તે ધર્મ છે. રાગાદિમાં આત્મા નથી, છતાં ત્યાં ખોટી કલ્પના કરીને પોતાપણું માની
રહ્યો છે, તે અસત્ માન્યતા જ અધર્મ છે. અને જે પોતાનો સ્વભાવ સત્ છે તેને જ માન્યતામાં સ્વીકારવો તે
સત્ની માન્યતા છે, ને તે ધર્મ છે.
અજ્ઞાની જીવ પૈસા, બંગલો, સ્ત્રી વગેરેને શરણભૂત માને છે, પણ જ્યારે વીંછી બરાબરનો ડંખ મારે
ત્યારે રાડેરાડ પાડે છે; તે વખતે પૈસા, બંગલો, ને સ્ત્રી વગેરે વસ્તુઓ એની એ જ હોવા છતાં કેમ શરણભૂત
થતી નથી? પહેલાંં તેમાં સુખ માનતો હતો ને? ક્યાં ગઈ તારી સુખની કલ્પના? માટે હે અજ્ઞાની, તું સમજ કે
એ કોઈ પણ બહારના પદાર્થો તને શરણભૂત નથી; તેમાં સુખની જે કલ્પના કરી હતી તે કલ્પના પણ શરણભૂત
નથી. અને જેના ફળમાં તે સંયોગ મળ્‌યા છે તે પુણ્ય પણ તને શરણભૂત નથી. એ બધાય તારાથી બાહ્યતત્ત્વો છે,
ને તારો એકરૂપ ચૈતન્યસ્વભાવ તે અંતરતત્ત્વ છે ને તે જ શરણભૂત છે. એ સ્વભાવની ઓળખાણ આચાર્યદેવ
આ ગાથામાં કરાવે છે.
આ આત્મા પોતાના ગુણોથી ને પર્યાયોથી પૂરો છે; વર્તમાન પર્યાયમાં જે અધુરાશ દેખાય છે તેટલો તે
નથી. પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યસ્વભાવના લક્ષે જે એકરૂપ સ્વભાવ જણાય છે તે જ આત્મતત્ત્વ છે, ને તે જ
ઉપાદેય છે. જ્યાં સુધી તેનો અનુભવ ન થાય ત્યાં સુધી, તેના લક્ષે વારંવાર તેનું શ્રવણમનન કરવું જોઈએ, ને
તેના મહિમાનું વારંવાર ચિંતવન કરવું જોઈએ. અનાદિથી પર્યાય જેટલો માનીને પોતે તેના મહિમામાં અટક્યો
છે ને વિકારનો જ અનુભવ કર્યો છે, તેને બદલે સ્વભાવનો મહિમા કરે તો વિકારરહિત શુદ્ધભાવનો અનુભવ
થાય છે, ને વિકારનો મહિમા છૂટી જાય છે. સુખી થવાનો માર્ગ આ જ છે.
આત્મા એકરૂપ દ્રવ્ય છે. તેના પર્યાયમાં સાત તત્ત્વોના વિકલ્પ–રૂપી મોજું ઊઠે તે આત્મા નથી. તેમ જ
નવ પદાર્થના રાગમિશ્રિત વિચાર આવે તે પણ આત્મા નથી. ‘હું જીવ છું’ એવા વિકલ્પમાં અટકવું તે
અજ્ઞાનબુદ્ધિ છે, કેમ કે ‘હું જીવ છું, અજીવ નથી’ એવા વિકલ્પો તે આત્મા નથી. વિકલ્પ તો મલિન તરંગ છે,
શુભરાગ છે તેને આત્મા માનવો તે તો ચપટી ધૂળવાળા એક તરંગને જ આખો દરિયો માની લેવા જેવું છે. તે
વિકલ્પને બાદ કરતાં જે એકલું ચૈતન્ય દળ રહી જાય છે તે આત્મસ્વભાવ છે. ડાહ્યો માણસ એક મેલા મોજાને
દેખીને આખા દરિયાને મલિન માની લેતો નથી, પણ તે જાણે છે કે આખો દરિયો સ્વચ્છ છે, આ મલિન મોજું
તેનું સ્વરૂપ નથી. દરિયો તે મલિનતાને ઊછાળીને બહાર ફેંકી દેશે. તેમ જીવ–અજીવાદિના જે વિકલ્પ ઊઠે છે તે
મલિન મોજાં સમાન ક્ષણિક વિકાર છે, આખો આત્મા વિકારવાળો નથી. આત્માનો સ્વભાવ તે વિકારરૂપ થઈ
ગયો નથી. –આમ જ્ઞાની જાણે છે. ‘હું જીવ છું ને પ્રયત્ન વડે મારી મોક્ષદશા પ્રગટ કરું’ એવા વિકલ્પ ઊઠે તે
વિકાર છે, જ્ઞાની તેને સ્વભાવમાં પ્રવેશવા દેતા નથી પણ ભેદજ્ઞાનના બળે તેને જુદા ને જુદા જ રાખે છે; તેથી
ચૈતન્ય સ્વભાવના જોરે તે વિકારને ઊછાળીને બહાર ફેંકી દે છે. પણ અજ્ઞાની તો વિકારને અને આત્માને
એકમેક જ જાણે છે તેથી તે કદી વિકારથી મુક્ત થતો નથી.
પર્યાયમાં ગમે તેવા મલિન ભાવો હોય, તે એક સમયપૂરતા જ છે, ને તે સ્વભાવની બહાર જ રહે છે,
સ્વભાવમાં પ્રવેશતા નથી. જેમ–કોઈ માણસ લાકડી વડે મેલાં મોજાંને દરિયામાં ખોસવા પ્રયત્ન કરે, પણ તે
મલિનતા દરિયામાં પેસી શકે નહિ કેમ કે દરિયાનો સ્વભાવ એવો છે કે તે મેલને પોતામાં પેસવા દે નહિ; તેમ–
આ આત્મા પરમ પારિણામિક ભાવરૂપ ચૈતન્ય સમુદ્ર છે, વિકારી અવસ્થા તે મેલાં મોજાં સમાન છે. મેલી
અવસ્થા એક જ સમય પૂરતી છે, તે મલિનતા આત્માના સ્વભાવમાં ભેગી થતી નથી. આત્માનો સ્વભાવ કદી
વિકારી થઈ જતો નથી. આત્માનો સ્વભાવ વિકારથી છૂટા જ રહેવાનો છે. જ્ઞાની જાણે છે કે શુભ–રાગના બધા
વિકલ્પો મારા સ્વભાવની ચીજ નથી, પણ અંતરમાં જે સદા એકરૂપ જ્ઞાયકભાવ છે તે જ હું છું ને તે જ મારે
આદરણીય છે; તેની શ્રદ્ધા કરીને તેમાં જ એકાગ્ર થવા જેવું છે. આમ પોતાના અંતર સ્વભાવની પ્રતીતિવડે તેમાં
જ આદરબુદ્ધિ થાય તેનું નામ શુદ્ધભાવનું ગ્રહણ છે ને તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, તે જ ‘નિયમસાર’ છે.
જેણે એવા શુદ્ધાત્માનું ગ્રહણ કર્યું છે તે સમ્યગ્દ્રષ્ટિ છે, ને તેને બંધન થતું

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૨૧૬ : આત્મધર્મ : આસો : ૨૪૭૫ :
નથી. કેમ કે તે જીવ બંધને અને આત્માના સ્વરૂપને જુદા જુદા જાણીને બંધને છોડે છે ને આત્મ–સ્વભાવને જ
ગ્રહણ કરે છે, તેથી તેને બંધન થતું નથી. એ વાત સમયસારના બંધ અધિકારમાં છે. અત્યારે એવું સમ્યગ્દર્શન
કઈ રીતે થાય તે વાત ચાલે છે.
આત્મા કોઈ પરનો કર્તા કે હર્તા નથી, તેમ જ આત્માનો કર્તા કે હર્તા કોઈ નથી. આત્મા પોતે પરના
અવલંબન રહિત છે. પરની અપેક્ષા વગરના પોતાના સહજ જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ તે જ સમ્યગ્દર્શન છે. વિકલ્પ
વડે આત્મા ગ્રહણ થતો નથી. વિકલ્પ તો આત્માની જાત નથી. વિકલ્પ રહિત આત્મસ્વભાવ છે તે જ ગ્રહણ
કરવા યોગ્ય છે. આત્માનો જે સ્વભાવ છે તેને શ્રદ્ધામાં માનવો, જ્ઞાનમાં જાણવો ને તેમાં એકાગ્ર થવું તેનું નામ
શુદ્ધાત્માનું ગ્રહણ છે. શ્રી સમયસાર ગા. ૩૮ ઉપરના પ્રવચનોમાંથી
[અનુસંધાન પાન ૨૦૭ થી ચાલુ]
આદર છોડીને પોતાના જ્ઞાનસ્વરૂપનો આદર ક્યારે કરશે? માટે બધા નિકટ ભવ્ય જીવોને એક શુદ્ધ આત્મા જ
ઉપાદેય છે. જે જીવ પોતાના સહજ સ્વભાવની સન્મુખ થતાં બધાય પરદ્રવ્યોથી પરાંગ્મુખ થઈ ગયો, એટલે એક
સ્વભાવને જ ઉપાદેય રાખ્યો ને બીજા બધાયને બહિરતત્ત્વો જાણીને તેની શ્રદ્ધા છોડી દીધી–તે ધર્મી છે.
શુદ્ધાત્માને ઉપાદેય જાણનારા મુનિવરો ઉત્કૃષ્ટ વૈરાગ્યવંત હોય છે, પર દ્રવ્યોથી પરાંગ્મુખ હોય છે. એ વાત કરી.
વળી તે મુનિવરો કેવા છે? –પંચેન્દ્રિયના ફેલાવથી રહિત છે ને માત્ર શરીરનો જ પરીગ્રહ છે. મુનિને પાંચ ઈન્દ્રિયો તો
હોય છે પણ તેનો ફેલાવ નથી એટલે કે પાંચ ઈન્દ્રિયના રસ–રૂપ વગેરે વિષયો પ્રત્યેથી તેમની પરિણતિ રોકાઈ ગઈ છે.
તેમને માત્ર શરીરનો જ પરિગ્રહ છે. મોરપીંછી અને કમંડળ હોય છે પણ તે પોતાના શરીરના રક્ષણ ખાતર નથી.
વળી તે મુનિવરોની બુદ્ધિ સ્વદ્રવ્યમાં લીન છે. પહેલાંં અજ્ઞાનદશામાં પરને પોતાપણે માનીને અને
રાગાદિને આત્માનું સ્વરૂપ માનીને જ્ઞાન ત્યાં લીન થતું હતું, હવે ભેદજ્ઞાનવડે શુદ્ધાત્મ સ્વભાવને જ ઉપાદેય
જાણીને જ્ઞાનને પરદ્રવ્યોની લીનતામાંથી પાછું ખેચીને સ્વદ્રવ્યમાં જોડયું છે અને શુદ્ધાત્મસ્વરૂપના વિશેષં
અનુભવ વડે જ્ઞાનને સ્વદ્રવ્યમાં લીન કર્યું છે. –એ રીતે જેમણે પોતાના જ્ઞાનને પોતામાં જ જોડી દીધું છે એવા તે
વીતરાગી સંતો સાતમા–છઠ્ઠા ગુણસ્થાને આત્માનંદમાં ઝુલે છે, ક્ષણે ક્ષણે વિકલ્પ તોડીને શુદ્ધ આત્માનો સાક્ષાત્
અનુભવ કરે છે. તે મુનિવરોએ મિથ્યાત્વ અને કષાયને જીતી લીધાં છે તેથી તેઓ પરમ જિન છે. અને
સ્વદ્રવ્યમાં જોડાએલા હોવાથી તેઓ યોગી છે આવા પરમ જિન યોગીશ્વરોને એક શુદ્ધાત્મા જ આદરણીય છે,
એના સિવાય બીજા બધા પર દ્રવ્યો અને પરભાવો છે તે બહિરતત્ત્વ છે, તે આદરણીય નથી.
આ ગાથામાં ઉપાદેયરૂપ શુદ્ધ આત્માનું વર્ણન કર્યું છે, અને સાથે સાથે મુનિદશા કેવી હોય ને
આસન્નભવ્ય જીવ કેવા હોય તેનું પણ વર્ણન આવી જાય છે. યોગીશ્વરોને એક શુદ્ધાત્મા જ અંગીકાર કરવા
યોગ્ય છે–એમ મુનિનું દ્રષ્ટાંત લઈને આચાર્યદેવ કહે છે કે બધાય આસન્નભવ્ય જીવોને નિજ કારણપરમાત્મા
સિવાય બીજું કાંઈ પણ અંગીકાર કરવા જેવું નથી.
જેમ મુનિવરોને એક શુદ્ધ પરમાત્મા જ ઉપાદેય છે તેમ બધાય આસન્નભવ્ય જીવોને પોતાનો શુદ્ધ પરમાત્મ
સ્વભાવ જ ઉપાદેય છે. જેઓ શુદ્ધ પરમાત્મ સ્વભાવને ન જાણે અને તેના સિવાય બીજાને ઉપાદેય માને તે જીવો
આસન્નભવ્ય નથી પણ દૂર ભવ્ય છે. નીચલી સાધક દશામાં શુભ કે અશુભ ભાવમાં પણ જોડાણ થતું હોય, છતાં
જેઓ અત્યંત નિકટભવ્ય છે એવા જીવો અંતર શ્રદ્ધામાં એક શુદ્ધાત્માં સિવાય બીજા કોઈ ભાવને પોતાનું સ્વરૂપ
માનતા નથી તેમને શુદ્ધાત્માનો જ આદર છે ને બીજા બધા ભાવોનો નિષેધ છે. સાધકની દ્રષ્ટિનું જોર શુદ્ધ
સ્વભાવમાં જ છે. સંત–મુનિદશા જેવી આત્મસ્થિરતા ન થઈ શકે તો, હે જીવ! શ્રદ્ધા તો આવી જ રાખજે કે મારે
એક શુદ્ધ કારણ પરમાત્મા સિવાય બીજું કાંઈ આદરણીય નથી. જીવ જો પોતાના શુદ્ધ સ્વભાવને આદરણીય
જાણીને તેના શ્રદ્ધા–જ્ઞાન કરશે તો તે તરફના વિશેષ પુરુષાર્થથી તેમાં સ્થિરતા પ્રગટ કરતા અશુદ્ધ ભાવો ટળી જશે
ને મુક્તિ થશે, પણ જો શુદ્ધાત્મા સિવાય બીજા ભાવોને આદરણીય જાણશે તો કદી પણ શુદ્ધભાવ પ્રગટશે નહિ.
નાના બાળક પાસે સો રૂપિયાની કિંમતનો દાગીનો હોય, પણ જો કોઈ તેને બે પૈસાની કિંમતનો પેડો
આપે તો તે દાગીનો આપી દે. કેમ કે તેણે દાગીનાની કિંમત જાણી નથી, ને પેડાની મીઠાશ લાગે છે. તેમ
અજ્ઞાની જીવે પોતાના અખંડ એક નિરપેક્ષ સ્વભાવનો મહિમા જાણ્યો નથી તેથી તે પર્યાય જેટલો જ આત્માને
માનીને આખા સ્વભાવને ભૂલી જાય છે, તેને રાગની–પુણ્યની મીઠાશ છે. એક ક્ષણિક વિકલ્પ આખો આત્મા
વેંચી દેવો તે અજ્ઞાન છે –દુઃખ છે–અધર્મ છે. અને ‘વિકલ્પ જેટલો હું નથી, હું તો વિકલ્પથી પાર સદા એકરૂપ
રહેનાર છું’ એવા શ્રદ્ધા જ્ઞાનવડે આખા આત્માને વિકારથી જુદો ટકાવી રાખવો તે સમ્યગ્દર્શન છે–સુખ છે–ધર્મ
છે. જ્યાં સુધી પોતાનો આખો સ્વભાવ કેવો છે તેની ઓળખાણ અને મહિમા ન કરે ત્યાં સુધી જીવને ધર્મ થાય
નહિ. (શ્રી નિયમસાર ગા. ૩૮ ઉપર પૂ. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી)

PDF/HTML Page 16 of 17
single page version

background image
: આસો : ૨૪૭૫ : આત્મધર્મ : ૨૧૭ :
અનુસંધાન ટાઈટલ પાન – ૨ પરથી ચાલુ
૩ સમ્યગ્દશન
આ પુસ્તકમાં સમ્યગ્દર્શન સંબંધી, પૂ. ગુરુદેવશ્રીનાં
સુંદર પ્રવચનો વગેરેનો સંગ્રહ છે. વિધવિધ પ્રકારનાં
લગભગ ૫૦ લેખો છે. જિજ્ઞાસુ વાંચકોને આ પુસ્તક ખાસ
અભ્યાસ કરવા જેવું છે. પૃ. ૨૪૦ લગભગ. પાકું પૂઠું, છૂટક
નકલની કિંમત લગભગ ૧–૪–૦ થશે.
માટે આત્મધર્મના સર્વે ગ્રાહકો અને વાંચકોને ખાસ ભલામણ છે કે તેઓ પોતાનું નવા વર્ષનું લવાજમ
કારતક સુદ પૂર્ણિમા સુધીમાં મળી જાય તે રીતે મોકલાવી આપે.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ આત્મધર્મ કાર્યાલય
સોનગઢ (સૌરાષ્ટ્ર) મોટાઆંકડિયા (સૌરાષ્ટ્ર)
નિયમસાર – પ્રવચનો
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ રચિત શ્રી નિયમસાર–
પરમાગમના પહેલા અધિકાર ઉપરના પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજી
સ્વામીના ખાસ આધ્યાત્મિક વિશિષ્ટતાઓથી ભરપૂર પ્રવચનો આ
પુસ્તકમાં છપાયા છે. દરેક જિજ્ઞાસુ જીવોએ આ પુસ્તક ખૂબ મંથન
કરવા યોગ્ય છે. આ પ્રવચનોમાં પાને પાને આત્માના પરિપૂર્ણ
સ્વાધીન સ્વભાવનું અચિંત્ય માહાત્મ્ય ઝળકે છે. પરિપૂર્ણ આત્મિક
સ્વભાવનાં ગાણાં ગાતું અને તેની સ્વતંત્રતાનો માર્ગ દર્શાવતું આ
શાસ્ત્ર આત્માના સાચા સ્વરાજ્યનું સ્વરૂપ જાહેર કરે છે.
જ્યારે આ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે એક જિજ્ઞાસુ ભાઈએ તેની
એક નકલની કિંમત તરીકે રૂ।। ૫૦૧– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
ટ્રસ્ટને આપ્યાં હતાં. પૃ. ૩૨૦, પાકું પૂઠું. કિંમત માત્ર ૧–૮–૦ છે.
– પ્રાપ્તિસ્થાન –
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA Regd No. B. 4787
ભાદરવા સુદ
પાંચમના દિવસે આ જૈન
બાળપોથી પ્રસિદ્ધ થઈ છે.
આ બાળપોથીમાં નાના
નાના ૨૮ પાઠો દ્વારા,
બાળકો પણ હોંશપૂર્વક
વાંચે–સમજે એ રીતે નીચેના
વિષયોનું સંકલન કર્યું છે.
જીવ–અજીવ, દ્રવ્ય–
ગુણ–પર્યાય, ધર્મ, દેવ–ગુરુ–
શાસ્ત્ર, પંચપરમેષ્ઠી,
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર,
શિકારત્યાગ, જૈનધર્મ, મુક્ત
અને સંસારી, ભગવાન
મહાવીરનું જીવન ચરિત્ર,
દેવદર્શન, હિંસાદિ પાપોના
ત્યાગનો ઉપદેશ, ક્રોધાદિ
ત્યાગનો ઉપદેશ, ધૂનસંચય,
દેવ–શાસ્ત્ર–ગુરુને વંદન,
આત્મદેવનું વર્ણન વૈરાગ્ય
અને ભાવનાઓ.
એ ઉપરાંત ૫૦
“મોક્ષશાસ્ત્ર ગુજરાતી ટીકા” ની બીજી આવૃત્તિ છપાઈને પ્રસિદ્ધ થઈ ગઈ છે. તેની પડતર કિંમત રૂ।।
લગભગ થતી હોવા છતાં પહેલી આવૃત્તિની માફક તેની કિંમત માત્ર સાડાત્રણ રૂપિયા જ રાખવામાં આવી છે.
– પ્રાપ્તિસ્થાન – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય: મોટા આંકડિયા સૌરાષ્ટ્ર તા. ૧૫–૯–૪૯
પ્રકાશક: શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ: સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા : સૌરાષ્ટ્ર