Atmadharma magazine - Ank 074
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 23
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૭
સળંગ અંક ૦૭૪
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 23
single page version

background image
વાર્ષિક લવાજમ
ત્રણ રૂપિયા છુટક નકલ
ચાર આના
(૭૪)
।। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે।।
માગશર : સંપાદક: વર્ષ: સાતમું
૨૪૭૬ રામજી માણેકચંદ દોશી અંક: બીજો
વકીલ
હે જીવ, તું શુદ્ધાત્માની શ્રદ્ધા કર.
પરમ પારિણામિકભાવરૂપ નિરપેક્ષ ચૈતન્યસ્વભાવ બતાવીને શ્રી
આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! તું આવા શુદ્ધ જીવતત્ત્વની શ્રદ્ધા
કર. ‘હું રાગી છું–હું દ્વેષી છું, હું વિકારનો કર્તા છું, હું જડની
ક્રિયાનો કર્તા છું’ એવી અશુદ્ધાત્માની શ્રદ્ધા તો તેં અનાદિકાળથી
કરી છે અને એ મિથ્યાશ્રદ્ધાને લીધે જ તું સંસારમાં રખડી રહ્યો
છે. માટે હવે, એ વિકાર હું નહિ પણ ‘પરમ શુદ્ધ આત્મા તે જ હું’
એવી શુદ્ધાત્માની શ્રદ્ધા કર, તો તારા આત્મામાં શુદ્ધભાવ પ્રગટે
અને તારું અવિનાશી કલ્યાણ થાય.
[નિયમસાર–પ્રવચનો]





શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
અ ને કા ન્ત મુ દ્ર ણા લ ય : મો ટા આં ક ડિ યા : કા ઠિ યા વા ડ

PDF/HTML Page 3 of 23
single page version

background image
: ૨૨: આત્મધર્મ: ૭૪
આત્માનો સર્વજ્ઞ સ્વભાવ
અને વસ્તુમાં ક્રમબદ્ધ પર્યાય
‘આ આત્મધર્મ’ માસિકના છ વર્ષ પૂરાં થઈને ગતાંકથી સાતમા વર્ષની શરૂઆત થઈ છે.
આ માસિકમાં તત્ત્વજ્ઞાનને લગતા વિષયો જ લેવામાં આવે છે; અને તેમાં મુખ્યપણે પરમ પૂજ્ય
સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના વ્યાખ્યાનો આપવામાં આવે છે. ગઈ સાલમાં શ્રી વીંછિયા તથા શ્રી લાઠીમાં શ્રી
જિનબિંબપ્રતિષ્ઠાનો પંચકલ્યાણિક મહોત્સવ થયો હતો, અને સનાતન જૈનધર્મના સિદ્ધાંત પ્રમાણે જિનબિંબની
પ્રતિષ્ઠા થઈ હતી. તે પ્રસંગે પૂ. ગુરુદેવશ્રીનો વિહાર સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે થયો હતો. જે જે સ્થળોએ તેઓ
પધાર્યા હતા ત્યાંના મુમુક્ષુઓએ ભવ્ય સત્કાર કરીને તેમની અમૃતમય વાણીનો અપૂર્વ લાભ લીધો હતો. વિહાર
દરમિયાન મુખ્યત: શ્રીપદ્મનંદી પચીસીમાંથી અને શ્રીમદ્ રાજચંદ્રજીની મોક્ષમાળામાંથી પ્રવચનો થતા હતા.
ગામડાનાં અભણ લોકો પણ સમજી શકે તેવી સરળ ભાષામાં ‘આત્માની સમજણ’ ઉપર તે વ્યાખ્યાનો થયા
હતા. તે વ્યાખ્યાનો આ માસિકમાં છપાતાં જાય છે.
રાજકોટમાં સવા મહિનાની સ્થિતિ દરમિયાન શ્રી પ્રવચનસારના જ્ઞેય અધિકારમાંથી આત્મસ્વરૂપને
બતાવતી ૧૭૨ અને ૧૯૨મી ગાથા ઉપર વિશિષ્ટ પ્રવચનો થયા હતા. અને ત્યાંના શિક્ષિત ભાઈ બહેનોએ મોટી
સંખ્યામાં ઘણા રસપૂર્વક તેનો લાભ લીધો હતો. રાજકોટમાં કેટલાક વ્યાખ્યાનો મશીન દ્વારા રેકર્ડમાં ઉતારી
લેવામાં આવ્યા છે, તે વ્યાખ્યાનો ગઈ સાલના ધાર્મિક ઉત્સવ દરમિયાન મુંબઈ લઈ જઈને ત્યાંના મુમુક્ષુમંડળને
સંભળાવ્યા હતા. તે સાંભળતાં મુંબઈના મુમુક્ષુઓને પૂ. ગુરુદેવશ્રીના સાક્ષાત્ પ્રવચનો જેવો લાભ મળ્‌યો હતો.
આ માસિકના પહેલા પાંચ વર્ષમાં આવી ગયેલા વિષયોની ટુંક વિગત છઠ્ઠા વર્ષમાં પ્રવેશ પ્રસંગે
લખાયેલા સંપાદકીય લેખમાં (અંક ૬૨ માં) આપવામાં આવી છે. ગઈ સાલના પ્રસંગોમાં–છ કુમારી બહેનોની
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા, પૂ. ગુરુદેવશ્રીનો વિહ વીંછિયામાં પ્રતિષ્ઠા મહોત્સવ, રાજકોટમાં ધર્મ પ્રભાવના અને લાઠીમાં
પ્રતિષ્ઠા મહોત્સવ–એ પ્રસંગો મુખ્ય છે; ઉપરાંત ગઈ સાલ દરમિયાન પૂ. ગુરુદેવશ્રી પાસે ૨૭ ભાઈઓએ સજોડે
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
વીર સં. ૨૪૭૪માં શ્રી પ્રવચનસારનો અક્ષરશ: ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થયો અને તેના ઉપર પ્રવચનો
શરૂ થયા. તેમાં જ્ઞાન અને જ્ઞેય અધિકાર પૂરા થઈ ગયા છે અને ચરણાનુયોગની ૨પ૦ગાથાઓ વંચાણી છે.
પ્રવચનસારની શરૂઆતના મંગલાચરણમાં ‘
नमो अरिहंताणं’ માં રહેલા ગંભીર અર્થની પ્રવચનો દ્વારા સરળ
ભાષામાં જેવી સ્પષ્ટતા થઈ છે તેવી પૂર્વે ઘણા કાળમાં થયેલી દેખાતી નથી. એ ઉપરાંત શ્રી પ્રવચનસારજીની ૮૦
થી૮૨ ગાથામાં ‘જીવ ધર્મ કઈ રીતે પામી શકે? અને તેના મોહનો ક્ષય કઈ વિધિથી થાય?’ તેનો વિશિષ્ટ ઉપાય
આચાર્યભગવાને બતાવ્યો છે. તે ગાથાઓ ઉપર પ્રવચનો દ્વારા અપૂર્વ સ્પષ્ટીકરણ થયું છે. એ પ્રવચનો
આત્મધર્મ માસિકના અંક ૨૯, ૩૦, ૩૧, પ૮, પ૯ અને ૬૨માં આવી ગયા છે, તે તરફ મુમુક્ષુઓનું ખાસ ધ્યાન
ખેંચીએ છીએ.
શ્રી પ્રવચનસારના પહેલા જ્ઞાનઅધિકારમાં આત્માના જ્ઞાન અને સુખસ્વભાવનું યથાર્થ સ્વરૂપ બતાવતાં
કેવળજ્ઞાન અને અતીન્દ્રિય સુખનું અલૌકિક વર્ણન કર્યું છે. ત્યાં, દરેક આત્માનું સ્વરૂપ સર્વજ્ઞ છે અને સર્વજ્ઞના
જ્ઞાનથી બહાર (–જણાયા વગરનું) કાંઈ પણ હોઈ શકે નહિ–એ વાત સ્પષ્ટ કરીને, સર્વજ્ઞના જ્ઞાનમાં સર્વ દ્રવ્યો–
ગુણો અને તેના અનાદિ અનંત પર્યાયો એક સમયમાં યુગપત જણાય છે–એ વાત સિદ્ધ કરી છે. અને એ સિદ્ધ
થતાં, દરેક દ્રવ્યના અનાદિ અનંત પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે–એવું વસ્તુ સ્વરૂપ સ્વયમેવ સિદ્ધ થાય છે. એટલે
સર્વ પદાર્થોમાં ત્રણ કાળના ક્રમબદ્ધ પર્યાયો જેમ થાય, તેમાં કાંઈ ફેરફાર કે રાગ દ્વેષ કરવાનો જીવનો સ્વભાવ
નથી પણ જેમ થાય તેમ જાણી લેવાનો જ્ઞાયક સ્વભાવ છે;

PDF/HTML Page 4 of 23
single page version

background image
માગશર: ૨૪૭૬ : ૨૩:
એવા પોતાના જ્ઞાયક સ્વભાવી શુદ્ધ આત્મા તરફથી રુચિ અને વલણ વડે આત્માર્થી જીવોએ દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ
કરીને, પર તરફના વલણવાળી પર્યાયબુદ્ધિ છોડવી જોઈએ, –જેથી શાશ્વત સુખના ઉપાયભૂત અપૂર્વ સમ્યગ્દર્શન
પ્રગટ થાય.
હાલમાં મુખ્યપણે આત્માનું સર્વજ્ઞ સ્વરૂપ અને દરેક પદાર્થોમાં ક્રમબદ્ધ પર્યાય એ બે વિષયો ખૂબ ચર્ચાય
છે, તેમજ તે સંબંધમાં જુદે જુદે સ્થળેથી અનેક પ્રકારની શંકાઓ અને વિરોધ થાય છે. તેથી તે સંબંધમાં કેટલુંક
સ્પષ્ટીકરણ અહીં કરવામાં આવે છે.
(૧) વસ્તુનું યથાર્થ સ્વરૂપ.
(૨) અનંત ધર્માત્મક વસ્તુઓને તેમના દ્રવ્ય, અનંત ગુણો તથા ત્રિકાલિક પર્યાયો (જેમાં અપેક્ષિત
ધર્મો સમાઈ જાય છે) તે સહિત એક સમયમાં સંપૂર્ણપણે જાણે એવો, દરેક જીવનો સર્વજ્ઞ સ્વભાવ.
(૩) સ્વભાવ તરફના જ્ઞાન અને પુરુષાર્થ સહિત ક્રમબદ્ધ પર્યાયની માન્યતા.
(૪) જૈનધર્મ અને
(પ) અનેકાંતવાદ.
–ઉપરની પાંચે બાબતોના જ્ઞાનને અવિનાભાવ સંબંધ છે: જે જીવને આ વિષયોમાંથી એકનું પણ ખરું
જ્ઞાન હોય તેને બીજા વિષયોનું ખરું જ્ઞાન ન હોય એમ બની શકે નહીં. જો આ પાંચમાંથી કોઈ પણ વિષયનું
જ્ઞાન ભૂલવાળું હોય તો તેનું પાંચે વિષયો સંબંધી જ્ઞાન ખોટું જ હોય છે.
હવે ઉપરોક્ત પાંચ બાબતોનો ખુલાસો કરીને, તેમનું અવિનાભાવીપણું કઈ રીતે છે તે અહીં વિચારવામાં આવે છે.
૧. વસ્તુનું યથાર્થ સ્વરૂપ
આ જગતમાં જેટલી વસ્તુઓ છે તેના જીવ અને અજીવ એવા બે ભેદ પડે છે. જો વસ્તુને કોઈ પણ રીતે
પરાશ્રય છે એમ માનવામાં આવે તો તેનું ‘છે’ પણું –હોવાપણું સ્વાધીન રહેતું નથી. વસ્તુ હોય અને પરાશ્રય
માગે
[અર્થાત્ પરની મદદની જરૂર હોય] તો તેને ખરી રીતે વસ્તુ કહી શકાય નહીં. કોઈ પણ વસ્તુને પરાશ્રય
[પરની મદદ] છે એમ માનવું તે, તે વસ્તુને નહિ માનવા બરાબર છે.
જે પોતાના ગુણ–પર્યાયોમાં વસે, અથવા જેમાં પોતાના ગુણ–પર્યાયો વસે તે વસ્તુ છે. જે વસ્તુ હોય તે
ગુણપર્યાય રહિત હોય નહીં. જો વસ્તુમાં પોતાના ગુણપર્યાય વસે તો જ તેને વસ્તુ કહેવાય અને તો જ તે
પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરી શકે. કોઈ વસ્તુને કે તેના ગુણ–પર્યાયને પરાશ્રય
[પરની સહાય] હોઈ શકે નહિ.
આથી વિરુદ્ધ વસ્તુસ્વરૂપ માનવું તે મિથ્યાત્વ છે. કોઈ જીવો પોતાના મિથ્યાજ્ઞાનથી વસ્તુને, તેના ગુણોને કે તેના
પર્યાયોને યથાર્થ સ્વરૂપે ન જાણે, અથવા તેમાંથી કોઈને પરાશ્રયે
[–પરની મદદથી થતાં] માને તો કાંઈ વસ્તુનું
સ્વરૂપ બદલી જતું નથી. વસ્તુનું સ્વરૂપ તો કદી અન્યથા થાય નહિ, પણ જે જીવ તેને યથાર્થપણે ન માનતાં
અન્યથારૂપે માને તે જીવનું જ્ઞાન અજ્ઞાનરૂપે પરિણમે છે. જીવને કે અજીવને તેની અવસ્થામાં પરાશ્રય
[પરની
મદદ] છે–એમ અજ્ઞાનપણામાં જ જીવ માને છે.
‘દરેક દ્રવ્ય અનંત ગુણોનો પિંડ છે અને તે અનાદિઅનંત છે, તેથી તે તો સ્વાશ્રયે હોય, પણ પર્યાય તો
ક્ષણિક નવું કાર્ય છે માટે તેમાં પરનો આશ્રય [પરની સહાય] જોઈએ’ –એમ કેટલાક માને છે, તે માન્યતા જૂઠી
છે; તેનો ખુલાસો–
(૧) અનાદિ અનંત પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે. અને
(૨) દરેક ગુણના અનાદિ અનંત પર્યાયનો પિંડ તે ગુણ છે.
–જૈન સિદ્ધાંતદર્પણ પૃ. ૩૯ તથા પ૬
ઉપર પ્રમાણે દ્રવ્ય અને ગુણની વ્યાખ્યા હોવાથી, દ્રવ્ય–ગુણને સ્વતંત્ર સ્વાશ્રિત કબૂલ કરતાં અનાદિ
અનંત પર્યાયોની પણ સ્વતંત્રતા ને સ્વાશ્રય સિદ્ધ થઈ જાય છે.
જીવ અનાદિથી પરનો આશ્રય [પરની મદદ] માનીને પર લક્ષે વિકારી પર્યાય કરે છે–એ ખરું, પણ તેથી
પર તેને કાંઈ આશ્રય આપે છે–એમ બનતું નથી; કેમકે જો તેને આશ્રય આપે એવી પરમાં શક્તિ હોય તો તો
જીવની પરાશ્રય હોવાની માન્યતાને મિથ્યા કહી શકાય નહીં. જીવ પર્યાયમાં અનાદિથી અજ્ઞાની છે અને તેથી જ
તે પરાશ્રય માને છે. પર તેને આશ્રય આપતાં નથી અને જીવ પરાશ્રય હોવાની માન્યતા છોડતો નથી, તેથી જ
તેને મિથ્યાત્વ અને દુઃખ થાય છે.

PDF/HTML Page 5 of 23
single page version

background image
: ૨૪: આત્મધર્મ: ૭૪
જીવ પરાશ્રય માનતો હોવાથી તે ક્યાંક ને ક્યાંક પરાશ્રય શોધ્યા કરે છે, પણ પર તો તેને આશ્રય
આપતું નથી. આમ હોવાથી પરાશ્રય શોધનાર જીવ વ્યગ્ર થયા વિના રહે નહિ. શ્રી પ્રવચનસારમાં આ સંબંધી
કહે છે કે–
“...નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે
સામગ્રી [બાહ્ય સાધનો] શોધવાની વ્યગ્રતાથી જીવો [નકામા] પરતંત્ર થાય છે.”
–ગાથા ૧૬ ટીકા, પૃ. ૨૨
વળી તેમાં સ્પષ્ટપણે કહ્યું છે કે અનાદિની અજ્ઞાન દશામાં પણ જીવ સ્વતંત્રપણે વિકાર કરતો અને જ્ઞાન
દશામાં પણ જીવ સ્વતંત્રપણે અવિકારી દશા કરે છે. [જુઓ, શ્રી પ્રવચનસાર ગા. ૧૨૨ તથા ૧૨૬ પૃ. ૨૧૧
તથા ૨૧૭–૮]
શ્રી સમયસાર ગા. ૧૦૨ ની ટીકામાં શ્રી જ્યસેનાચાર્ય એ મતલબે કહે છે કે–ચિદાનંદ એક સ્વભાવ વડે
આત્માનું એકપણું હોવા છતાં તેના બે ભેદ કરીને જે શુભ કે અશુભભાવને આત્મા કરે છે તે ભાવનો આત્મા
સ્વતંત્રપણે કર્તા અને ભોક્તા થાય છે.
–જુઓ, હિંદી સમયસાર પૃ. ૧૬૭
જીવ અને અજીવ બંને દ્રવ્યો પોતપોતાની વિકારી તેમજ અવિકારી અવસ્થામાં પોતાના છએ કારકોરૂપે
પરિણમે છે, અને પર કારકોની અપેક્ષા વિના તેઓ પોતાની અવસ્થાઓ કરે છે. [જુઓ, શ્રી પંચાસ્તિકાય ગા.
૬૨ પૃ. ૧૧૪ સંસ્કૃત ટીકા]
–આ બધા કથનનો સાર એ છે કે એક દ્રવ્યના પર્યાયમાં બીજા દ્રવ્યનો પર્યાય કાંઈ પણ કરી શકે નહિ,
તેમાં ફેરફાર કરી શકે નહિ, તેને આઘા–પાછા [અક્રમરૂપ] કરી શકે નહિ. આવું વસ્તુસ્વરૂપ હોવા છતાં
મોહભાવને લીધે જીવને અનાદિથી પરની કર્તાબુદ્ધિ પ્રવર્તે છે. કોઈ જીવ, શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી કદાચ
સીધી રીતે એમ ન કહેતો હોય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે છે. પણ અંદરમાં પડેલી પરની કર્તૃત્વબુદ્ધિના કારણે
તે એમ માને છે કે ‘ભલે, આપણે પરના પર્યાયને ન કરી શકીએ, પણ તેના નિમિત્ત થઈ શકીએ; માટે પરના
નિમિત્ત થવું.’ એ રીતે શાસ્ત્ર અભ્યાસના બહાને પણ અનાદિથી ચાલી આવતી કર્તૃત્વબુદ્ધિને જ દ્રઢ કરે છે.
‘પરને આપણે નિમિત્ત થઈએ’ એવા તેના કથન પાછળનો તેનો આશય વિચારવામાં આવે તો તે એ જ છે કે
પોતે નિમિત્ત થવાના કારણે પરના પર્યાયમાં કાંઈક ફેરફાર થઈ શકશે. આવો તેનો આશય હોવાથી તે પરદ્રવ્યના
દરેક સમયના સ્વતંત્ર પર્યાયને માનતો નથી. જો એના નિમિત્તથી પરદ્રવ્યમાં કાંઈ ફેરફાર થતો હોય તો, એ
નિમિત્ત પોતે નિમિત્ત તરીકે નથી રહેતું, પણ પરદ્રવ્યનું કર્તા થઈને પોતે તેનું ઉપાદાન થઈ જાય છે, એમ થતાં
ઉપાદાન તેમજ નિમિત્ત એ બંનેના યથાર્થ સ્વરૂપનો લોપ થાય છે. –આમ તે અજ્ઞાનીઓના ખ્યાલમાં આવતું
નથી. તેથી જ તેઓ ‘નિમિત્ત’ ની ઓથે પોતાની ઊંધી માન્યતાને પોષે છે.
દરેક દ્રવ્ય–ગુણ–પર્યાય સ્વતંત્ર છે, તે પરની જરા પણ અપેક્ષા રાખતા નથી. –આવું જ સ્વતંત્ર યથાર્થ
વસ્તુસ્વરૂપ છે. એવું સ્વતંત્ર વસ્તુસ્વરૂપ સિદ્ધ થતાં બાકીના ચાર વિષયો પણ તેમાં અવિનાભાવપણે આવી
જાય છે તે હવે કહેવામાં આવે છે.
૨. જીવનું સર્વજ્ઞપણું
વસ્તુ છે એમ નક્કી થતાં તે જ્ઞેય છે એમ પણ નક્કી થાય છે. વસ્તુ હોય અને તે જ્ઞેય [પ્રમેય] ન હોય
એમ બની શકે નહીં; કેમકે દરેક વસ્તુઓમાં ‘પ્રમેયત્વ’ નામનો ગુણ છે તેથી દ્રવ્ય–ગુણ પર્યાય બધુંય જ્ઞેય છે.
જ્ઞેય હોય તેને જાણનારું જ્ઞાન પણ અવશ્ય હોય જ. જો જ્ઞાન જ્ઞેયને ન જાણે તો જ્ઞાનનું જ્ઞાનત્વ શું? અને જો
જ્ઞેય જ્ઞાનમાં ન જણાય તો જ્ઞેયનું જ્ઞેયત્વ શું? જીવની સર્વજ્ઞતા વગર આવો જ્ઞેય જ્ઞાયક સંબંધ સિદ્ધ થતો નથી.
જ્ઞાન પોતાના પર્યાય દ્વારા જાણવાનું કાર્ય કરે છે. જો જ્ઞાનનો પર્યાય સર્વ જ્ઞેયોને જાણે તો જ આત્માનો
જ્ઞાનસ્વભાવ સાબિત થાય. વળી સર્વ જ્ઞેયોને જાણવામાં જ્ઞાનને જો એક કરતાં વધારે સમય લાગે તો તે જ્ઞાનની
અવસ્થા પૂર્ણ ન કહેવાય. તેથી સર્વે દ્રવ્ય–ગુણ–પર્યાયો [તેમજ અપેક્ષિત ધર્મો સહિત] સર્વે જ્ઞેયોને એક સમયમાં
સંપૂર્ણપણે જાણે તે જ જ્ઞાનની પૂર્ણ અવસ્થા છે.
આત્માનું જ્ઞાયક સ્વરૂપ છે એટલે કે જાણવાનો સ્વભાવ છે. જાણવાના સ્વભાવમાં ‘ન જાણવું’ એવું
જરાપણ આવી શકે નહીં. બધાં દ્રવ્યો, તેનાં ગુણો અને તેનાં ભૂત–વર્તમાન–ભાવિ સમસ્ત પર્યાયો જ્ઞેય છે.
ભૂતભાવિ પર્યાયો વર્તમાનમાં જો કે પ્રગટ વર્તતા નથી,

PDF/HTML Page 6 of 23
single page version

background image
માગશર: ૨૪૭૬ : ૨૫:
પરંતુ અનાદિ અનંત પર્યાયોનો પિંડ તે જ દ્રવ્ય હોવાથી, દ્રવ્યમાં જ તે પર્યાયો આવી જાય છે. દ્રવ્યાર્થિકનયે
ભૂત–ભવિષ્યના પર્યાયો દ્રવ્યમાં ત્રિકાલ હયાતી ધરાવે છે, તેથી સંપૂર્ણપણે ખીલેલું જ્ઞાન તેમને ન જાણે એમ
બની શકે નહીં.
શ્રી પ્રવચનસારના જ્ઞાનતત્ત્વપ્રજ્ઞાપનમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે અને અમૃતચંદ્રાચાર્યદેવે આ વિષય
ઘણી સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. જુઓ, ગાથા–૧પ, ૧૬, ૨૧, ૨૨, ૨૬, ૨૮, ૨૯, ૩૧, ૩૨, ૩પ, ૩૭, ૩૮, ૩૯,
૪૭, ૪૮, ૪૯, પ૧, પ૪, પ૯, અને ૬૧.
બધા જ્ઞેયો જેમ હોય તેમ જાણે તો જ જ્ઞાન ખરું અને સંપૂર્ણ કહેવાય. જ્ઞેયો અનાદિથી છે તેથી તેને
જાણનારું જ્ઞાન પણ અનાદિથી છે એટલે કે સર્વજ્ઞ અનાદિથી છે. વળી જ્ઞેયો અનંતકાળ સુધી રહેવાના છે તેથી
તેને જાણનારા સર્વજ્ઞો પણ અનંતકાળ હોય જ. એ રીતે આત્મામાં સર્વજ્ઞ થવાનું સામર્થ્ય છે. તો તે સામર્થ્યને
જાણીને પૂર્ણજ્ઞાનના સાધકો પણ આ જગતમાં અનાદિ અનંત હોય છે; અને તેનો વિરોધ કરનાર અજ્ઞાનીઓ
પણ જગતમાં અનાદિ અનંત છે. એ રીતે આ જગતમાં આત્માની સર્વજ્ઞતાનો વિરોધ કરનારા અજ્ઞાનીઓ,
સર્વજ્ઞતાને સાધનારા જ્ઞાનીઓ અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરનારા સર્વજ્ઞો–એ ત્રણે પ્રકારના જીવો [–અર્થાત્
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા] સદાય હોય જ છે.
શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં કેટલાક લોકોને સર્વજ્ઞની શ્રદ્ધા થતી નથી અને પોતાની ઊંધી માન્યતાથી કહે છે કે–
(૧) આ જગતમાં કોઈ જીવ સર્વજ્ઞ હોઈ શકે નહીં.
(૨) સર્વજ્ઞદેવ ભવિષ્યના પર્યાયોને વર્તમાનમાં જાણી શકે નહિ, પણ જ્યારે તે પર્યાય થાય ત્યારે તેને જાણે.
(૩) સર્વજ્ઞદેવ પરને જાણે છે એ કથન વ્યવહારનયે છે અને વ્યવહાર નય તો અભૂતાર્થ છે, માટે
સર્વજ્ઞદેવ પરને જાણતા જ નથી.
(૪) સર્વજ્ઞદેવ વસ્તુના અપેક્ષિત ધર્મોને જાણે નહિ.
ઉપર્યુક્ત ચારે પ્રકારની માન્યતાઓ મિથ્યા છે. તેનો ખુલા સો નીચે પ્રમાણે છે–
(૧) આ જગતમાં કોઈ જીવ સર્વજ્ઞ હોઈ શકે નહિ–એમ માનનાર જીવ, આત્માની સર્વજ્ઞ શક્તિનો નકાર કરે છે.
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ સમયસારમાં કહે છે કે
सो सव्वणाणदरिसी कम्मरएण णियेणवच्छण्णो।
संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं।। १६०।।
તે સર્વજ્ઞાની દર્શી પણ નિજ કર્મ રજ આચ્છાદને, સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦
તે ગાથાની ટીકામાં આચાર્યદેવ કહે છે કે “જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને સામાન્ય–વિશેષપણે
જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, ×××× સર્વ પ્રકારે સર્વ જ્ઞેયોને જાણનારા એવા પોતાને
નહિ જાણતું થકું...અજ્ઞાનભાવે પરિણમે છે.
વળી આત્માની સર્વજ્ઞત્વ શક્તિની વ્યાખ્યા કરતાં પરિશિષ્ટમાં શ્રીઅમૃતચંદ્રસૂરિ કહે છે કે–
‘સમસ્ત વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણમેલા એવા આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિ’ આ શક્તિ
બધા આત્મામાં છે.
આથી જેઓ સર્વજ્ઞને માનતા નથી તેઓ આત્માના જ્ઞાન સ્વભાવને જ માનતા નથી એટલે કે ખરેખર
આત્માને જ માનતા નથી.
(૨) સર્વજ્ઞદેવ ભવિષ્યના પર્યાયોને પણ વર્તમાન પર્યાયોની જેમ જ પ્રત્યક્ષ વર્તમાનમાં જાણે છે. આ
સંબંધમાં પ્રવચનસારના જ્ઞાન અધિકારની ગાથાઓ પૂર્વે જણાવી છે, તે ઉપરાંત પ્રવચનસારની ૨૦૦ મી
ગાથામાં કહે છે કે
“હવે એક જ્ઞાયકભાવનો સર્વ જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી ક્રમે પ્રવર્તતાં, અનંત ભૂત–વર્તમાનભાવિ
વિચિત્ર પર્યાયસમૂહવાળાં, અગાધ સ્વભાવ અને ગંભીર એવા સમસ્ત દ્રવ્ય માત્રને–જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં
કોતરાઈ ગયાં હોય, ચીતરાઈ ગયાં હોય, દટાઈ ગયાં હોય, ખોડાઈ ગયાં હોય, ડૂબી ગયાં હોય, સમાઈ ગયાં હોય,
પ્રતિબિંબિત થયાં હોય એમ–એક ક્ષણમાં જ જે (શુદ્ધ આત્મા) પ્રત્યક્ષ કરે છે×××” (ગુજ. પૃ. ૩૨પ)
આથી સિદ્ધ થાય છે કે સર્વજ્ઞદેવ એક સમયમાં ત્રણકાળના સમસ્ત પર્યાયોને પ્રત્યક્ષ જાણે છે.
(૩) ‘સર્વજ્ઞદેવ પરને જાણે એ કથન વ્યવહારનયે છે, અને વ્યવહારનય તો અભૂતાર્થ છે, માટે સર્વજ્ઞદેવ
પરને જાણતા જ નથી’ ––આ માન્યતા પણ ખોટી છે. વ્યવહાર અનેક પ્રકારનો છે. ‘પરને જાણવું’ તેને અહીં
વ્યવહાર કહ્યો છે, પરંતુ ‘પરને જાણવાની જ્ઞાનની શક્તિ’ તે કાંઈ વ્યવહારે નથી. પરને જાણવાનું સર્વજ્ઞનું જ્ઞાન

PDF/HTML Page 7 of 23
single page version

background image
: ૨૬: આત્મધર્મ: ૭૪
તો સાચું જ છે, પરંતુ પર સાથે તન્મય થઈને તે જ્ઞાન પરને જાણતું નથી તેથી તેને વ્યવહાર કહ્યો છે. અને સ્વને
જાણતાં તન્મયપણે જાણે છે માટે સ્વને જાણવું તેને નિશ્ચય કહ્યો છે.
આ સંબંધી શ્રી સમયસારજી ગા. ૩પ૬ થી ૬પ ની ટીકામાં શ્રીજ્યસેનાચાર્યદેવ સ્પષ્ટ ખુલાસો કરે છે કે–
જો કેવળી તન્મયપણે પરને જાણે તો પરના સુખ દુઃખ સંવેદનકાળે પરના સુખ દુઃખને પ્રાપ્ત કરે, પણ એમ થતું
નથી, એટલું બતાવવા માટે ‘વ્યવહારનયે પરને જાણે છે’ એમ કહ્યું છે. ત્યાં આચાર્યદેવ કહે છે કે– ‘
यद्यपि
स्वकीय सुख सं वेदनापेक्षया निश्चयः परकीय सुखसंवेदनापेक्षया ब्यवहारस्तथापि छद्मस्थजनापेक्षया
सोऽपि निश्चय एवेति। ’
અર્થ:– જો કે પોતાના સુખ સંવેદન અપેક્ષાએ નિશ્ચય અને પરકીય સુખ સંવેદન
અપેક્ષાએ વ્યવહાર છે, તો પણ છદ્મસ્થજન અપેક્ષાએ તે પણ નિશ્ચય જ છે.
પરના જ્ઞાન વિના સ્વનું જ્ઞાન પૂર્ણતા પામી શકે નહિ; જો સ્વને જાણે અને પરને ન જાણે તો તે જ્ઞાન
સ્વને જ જાણી શકે નહિ. તેમ જ પરને જાણે અને સ્વને ન જાણે તો તે પરને જ જાણી શકે નહિ. શ્રી પ્રવચનસાર
ગા. ૪૮–૪૯માં કહ્યું છે કે સર્વને નહિ જાણનાર એકને પણ જાણતો નથી અને એકને નહિ જાણનાર સર્વને પણ
જાણતો નથી. માટે જેઓ આત્માને ‘આત્મજ્ઞ’ માને પણ પરજ્ઞ (સર્વજ્ઞ) ન માને તેઓ આત્માની સ્વપર
પ્રકાશક શક્તિને જ સ્વીકારતા નથી. તેથી કેવળી ભગવાનનો આત્મા પોતાને જ જાણે, પરને ન જાણે–એમ
માનવાથી મહા દૂષણ આવે. આ સંબંધમાં પં. શ્રી દીપચંદજી શાહે ચિદ્દવિલાસ (પૃ. ૧૪ તથા ૧૭) માં ઘણો
સ્પષ્ટ ખુલાસો કર્યો છે. ત્યાં કહ્યું છે કે–“ઉપયોગ જ્ઞાનમાં સ્વ–પર પ્રકાશક શક્તિ છે, તે પોતાના સ્વરૂપ
પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ્ય–વ્યાપકવડે લીન થયેલો અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે પરંતુ વ્યાપકરૂપ
એકતા નથી, તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુરૂપ શક્તિ ઉપચાર નથી.” ... ...“જો જ્ઞાન કેવળ સ્વસંવેદ જ
(અર્થાત્ માત્ર પોતાને જ જાણનાર) છે, તે સ્વ પર પ્રકાશક નથી,–તો મહાદુષણ થાય. સ્વપદની સ્થાપના પરના
સ્થાપનથી છે. પરની સ્થાપનાની અપેક્ષા દૂર કરવામાં આવે તો સ્વનું સ્થાપન પણ સિદ્ધ થતું નથી. માટે સ્વ–પર
પ્રકાશક શક્તિ માનવાથી સર્વ સિદ્ધિ છે, આમાં કાંઈ સંદેહ નથી.”
(૪) અપેક્ષિત ધર્મોને પણ કેવળી ભગવાન જાણે છે. અપેક્ષિત ધર્મને ધારણ કરનાર કાંતો દ્રવ્ય હોય, કાં
ગુણ હોય કે પર્યાય હોય છે. કેવળી ભગવાન દ્રવ્ય–ગુણ–પર્યાયને તો જાણે, અને તેના અપેક્ષિત ધર્મોને ન જાણે
એમ માનનારાઓ કેવળી ભગવાનને દ્રવ્ય–ગુણ–પર્યાયનું સંપૂર્ણ જ્ઞાન હોવાનું માનતા નથી.
શ્રીગણધરોએ કેવળી ભગવાનના દિવ્યધ્વનિમાંથી અપેક્ષિત ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું; જો કેવળી ભગવાનને
અપેક્ષિત ધર્મોનું જ્ઞાન ન હોય તો તેમની વાણીમાં તે અપેક્ષિત ધર્મોનો ઉપદેશ ક્યાંથી આવે? અને ગણધરો
ક્યાંથી ઝીલે? માટે કેવળી ભગવાનને અપેક્ષિત ધર્મોનું જ્ઞાન ન માનવું તે દેખીતી રીતે જ મિથ્યા છે. જો
અપેક્ષિત ધર્મોને કેવળી ભગવાન ન જાણતા હોય તો તે અલ્પજ્ઞ ઠરે. ગણધરો અને શ્રુતકેવળીઓનું જ્ઞાન કેવળી
ભગવાનના જ્ઞાનના અનંતમાં ભાગે છે, છતાં તે ગણધરાદિ છદ્મસ્થ જીવો અપેક્ષિત ધર્મોને જાણે, અને તેમના
પરમગુરુ શ્રી કેવળી ભગવાન અપેક્ષિત ધર્મોને ન જાણે–એ માન્યતા તદ્ન મિથ્યા છે.
ભગવાનની વાણી અનંત નયાત્મક હોય છે. (જુઓ, સમયસાર નાટક પૃ. ૩૩) અનંત નયો અપેક્ષિત
ધર્મોનું પ્રતિપાદન કરે છે. નય–ઉપનયોના વિષયરૂપ પર્યાયોનો સમૂહ તે દ્રવ્ય છે. (આપ્તમીમાંસા ગા. ૧૦૭)
માટે દ્રવ્ય ગુણ–પર્યાયના જ્ઞાનમાં અપેક્ષિત ધર્મોનું જ્ઞાન આવી જાય છે. કેવળજ્ઞાન અનંત ધર્મોને જાણે છે, અને
તેમાં અપેક્ષિત ધર્મો પણ આવી જાય છે. આ બાબતમાં શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવે સમયસારના બીજા કળશમાં
ખુલાસો કર્યો છે. (જુઓ, સમયસાર કલશ બીજો તથા તેનો ભાવાર્થ: પૃ. ૩૪) આજે કેટલાક ઉપદેશકો પણ કહે
છે કે આત્મામાં સર્વજ્ઞ શક્તિ છે કે નહિ–તે નક્કી કરવાની ચર્ચા કે ઝંઝટમાં પડવું નહિ, આપણે તો રાગ–દ્વેષ
ટાળવાનું કામ છેને! પણ એ માન્યતા મોટું અજ્ઞાન છે. સર્વજ્ઞના નિર્ણય વગર મિથ્યાત્વ કે રાગદ્વેષ ટળે જ નહીં.
સર્વજ્ઞદેવનો નિર્ણય તે મોહક્ષયનો ઉપાય છે; એમ જણાવતાં ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રવચનસારની ૮૦ મી
ગાથામાં કહે છે કે–
जो जाणदि अरहंतं दव्वत्त गुणत्त पज्जयत्तेहिं।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।।

PDF/HTML Page 8 of 23
single page version

background image
માગશર: ૨૪૭૬ : ૨૭:
જે અરિહંત ભગવાનને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે (પોતાના) આત્માને જાણે છે અને
તેનો મોહ અવશ્ય લય પામે છે. જો સર્વજ્ઞતા નક્કી ન થાય તો આત્માનો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ જ નક્કી ન થાય.
આત્માનો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ જ જો જીવ નક્કી ન કરે તો તેને આત્માની સાચી શ્રદ્ધા પણ શી રીતે થાય? અને
તેના વગર મિથ્યાત્વ પણ ટળે નહીં, ને મિથ્યાત્વ ટળ્‌યા વિના રાગ–દ્વેષ ટળી શકે નહીં. માટે દરેક જિજ્ઞાસુ જીવોએ
પ્રથમ જ આત્માની સંપૂર્ણ સર્વજ્ઞ શક્તિનો યથાર્થ નિર્ણય અવશ્ય કરવો જોઈએ. સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય કરતાં
જગતના મોટા ભાગના વિદ્વાનો અને ત્યાગીઓ પણ ‘સર્વજ્ઞ’ નું સ્વરૂપ સમજવામાં જે ભ્રમણા કરી રહ્યા છે તેનું
અયથાર્થપણું જણાયા વિના રહેશે નહીં.
વળી કોઈ એમ કહે છે કે ‘કીડી–મંકોડા વગેરેને જાણવાનું ભગવાનને શું પ્રયોજન છે? માટે ભગવાન તેને
જાણે નહીં’ એ પણ સ્થૂળ અજ્ઞાન જ છે. આત્માનો જ્ઞાનસ્વભાવ છે, તે જ્યાં પૂર્ણ પ્રગટી ને સર્વજ્ઞદશા થઈ ગઈ,
ત્યાં તે જ્ઞાનમાં શું ન જણાય? બધું જ જણાય છે. જો પૂરા જ્ઞેયોને ન જાણે તો પૂરું જ્ઞાન જ સિદ્ધ થતું નથી.
જગતના બધા પદાર્થોનો પ્રમેય સ્વભાવ છે, તેથી પૂરું જ્ઞાન પ્રગટી જતા બધાંય પદાર્થો સ્વયમેવ તે જ્ઞાનમાં
જણાય છે, તેથી ‘આ જ્ઞેયોને જાણવું પ્રયોજનભૂત છે ને આ અપ્રયોજનભૂત છે’ એવું તેમને છે જ નહીં.
આત્માનો જ્ઞાનસ્વભાવ પૂરો ખીલી ગયો ત્યાં તેમાં કીડીમંકોડા વગેરે બધુંય સ્વયમેવ જણાય છે. જગતના જ્ઞેય
પદાર્થો હોય તે પૂરા જ્ઞાનમાં ન જણાય–એ કેમ બની શકે?
કોઈ લખે છે કે– ‘महावीर की सर्वज्ञ और सर्वदशी के रूपमें प्रसिद्धि थी। वे सर्वज्ञ और सर्वदर्शी थे या
नहीं यह इस समय की चर्चाका विषय नहीं है, पर वे विशिष्ट तत्त्व विचारक थे’ આ કથન મહાવીર ભગવાનની
સર્વજ્ઞતાને આડકતરી રીતે ઉડાવનારું છે. સર્વજ્ઞદેવને તો બધું જ જેમ છે તેમ જ્ઞાનમાં જણાઈ ગયું છે, તેથી તેમને કોઈ
વિશિષ્ટ તત્ત્વવિચાર હોતો નથી. ‘વિચારક’ તો અલ્પજ્ઞ હોઈ શકે. જેને હજી કાંઈક જાણવું બાકી હોય તે જ વિચારક
હોઈ શકે. વિચાર તે શ્રુતજ્ઞાનનો પ્રકાર છે; ભગવાનને વિશિષ્ટ તત્ત્વવિચારક કહેવા તે તો ભગવાનની સર્વજ્ઞતાનો
નકાર કરીને તેમને અલ્પજ્ઞ માનવા બરાબર છે. એ માન્યતા તદ્ન મિથ્યાત્વ છે. ભગવાન તો સર્વજ્ઞ છે, તેમને કાંઈ
નવું જાણવાનું કે નવો નિર્ણય કરવાનું બાકી રહ્યું નથી. તેથી તેમને વિચાર કરવાનું રહ્યું જ નથી.
આત્માનો જ્ઞાનસ્વભાવ છે, અને વિશ્વના બધા જ પદાર્થો જ્ઞેયો છે. આ રીતે વસ્તુસ્વરૂપ જ એવું છે કે તે
પૂરા જ્ઞાનમાં બધું જ જણાય છે. સર્વે પદાર્થો જ્ઞેયો છે, તેને જાણનાર પૂર્ણજ્ઞાન પણ અવશ્ય હોય જ છે. તે
આત્માનું જ સર્વજ્ઞસ્વરૂપ અથવા તો જ્ઞાયકસ્વરૂપ છે.
આ રીતે (૧) વસ્તુના યથાર્થ સ્વરૂપને અને (૨) સર્વજ્ઞતાને અવિનાભાવપણું છે એટલે કે જે વસ્તુના
યથાર્થ સ્વરૂપને જાણે છે તે આત્માની સર્વજ્ઞતાને પણ જરૂર જાણે છે. જે સર્વજ્ઞતાને નથી માનતો તે
વસ્તુસ્વરૂપને પણ માનતો નથી.
× × × × ×
૩. સ્વભાવ તરફના જ્ઞાન અને પુરુષાર્થ સહિત ક્રમબદ્ધપર્યાયની માન્યતા
પ્રવચનસારની ૮૦ મી ગાથામાં ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે જે જીવ અર્હંત ભગવાનને
દ્રવ્યગુણ–પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે.’ અર્હંત
ભગવાન એક સમયમાં જગતના બધા પદાર્થોનું સ્વરૂપ સંપૂર્ણપણે જાણે છે; તેમનું જ્ઞાન સત્ય અને સંપૂર્ણ
હોવાથી સર્વ વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જાણે છે. ત્રણકાળમાં જે સમયે જે પર્યાય થવાના છે તેને તે જ પ્રમાણે
નિશ્ચિતપણે જાણે છે; કેમકે જેવા જ્ઞેયો હોય તેવા તેને પરિપૂર્ણ જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે. જો જ્ઞેય હોય
તેનાથી વિપરીતપણે જાણે તો જ્ઞાન વિપરીત ઠરે અને જો સર્વજ્ઞેયોને ન જાણે તો જ્ઞાન અપૂર્ણ હોય.
વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે તેના પર્યાયો ક્રમબદ્ધ થાય છે. જેટલા ત્રણકાળના સમયો છે તેટલા જ
વસ્તુના પર્યાયો છે, એટલે કોઈ સમયનો પર્યાય આડો અવળો થતો જ નથી. જે સમયે જે પર્યાય થવા યોગ્ય
હોય ત્યારે તે જ થાય છે. છએ દ્રવ્યોમાં જે પરિણામો થાય છે તે સર્વે પોતપોતાના અવસરમાં સ્વરૂપથી ઉત્પન્ન
અને પૂર્વરૂપથી વિનષ્ટ છે. દ્રવ્યને વિષે પોતપોતાના અવસરોમાં પ્રકાશતા સમસ્ત પરિણામોમાં પછી પછીના
અવસરોએ પછી પછીના પરિણામો પ્રગટ થાય

PDF/HTML Page 9 of 23
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ૭૪
છે અને પહેલા પહેલાના પરિણામો પ્રગટ થતાં નથી. એ પ્રમાણે દરેક જીવ તેમ જ અજીવ દ્રવ્યો ક્રમબદ્ધ પરિણમે છે,
કોઈ દ્રવ્ય આડા અવળા પર્યાયોમાં પરિણમતું નથી. દ્રવ્યના પર્યાયોના ક્રમને ફેરવવા તીર્થંકર, ઈન્દ્ર, નરેન્દ્ર વગેરે કોઈ
સમર્થ નથી. વસ્તુમાં ત્રણકાળના પર્યાયો જે પ્રકારે ક્રમબદ્ધ છે તે પ્રમાણે કેવળજ્ઞાનીના જ્ઞાનમાં તે જણાય છે.
જો વસ્તુના ત્રણકાળના પર્યાયો ક્રમબદ્ધ નિયમસર ન થતા હોય તો સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન પણ
અનિશ્ચિત ઠરે! અને અનિશ્ચિત જ્ઞાન હોય ત્યાં સર્વજ્ઞતા હોય નહિ. એ રીતે વસ્તુમાં ક્રમબદ્ધપર્યાયોને સ્વીકાર્યા
વગર સર્વજ્ઞતા જ સિદ્ધ થઈ શકશે નહિ.
શ્રી સમયસારના સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકારની પડેલી ગાથાઓ (૩૦૮ થી ૩૧૧) આ સંબંધમાં ઘણી
ઉપયોગી છે. તેની ટીકામાં આચાર્યદેવ કહે છે કે “जीवो हि तावत् क्रमनियमितात्मपरिणामैरुत्पद्यमानो जीव
एव नाजीवः। एवमजीवोऽपि क्रम नियमितात्मपरिणामैरुत्पद्यमानोऽजीवः एव न जीवः।
‘અર્થ:– પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવાં પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી
રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી.’
એ પ્રમાણે ક્રમબદ્ધપર્યાયવાળું જ વસ્તુસ્વરૂપ છે. અને જ્ઞાનીઓના સમ્યગ્જ્ઞાનમાં તેવું જ જણાય છે.
વસ્તુના ક્રમબદ્ધપર્યાયો માન્યા વિના સમ્યગ્જ્ઞાન જ સિદ્ધ થઈ શકે નહિ સમ્યગ્જ્ઞાનના પાંચ પ્રકાર છે–મતિજ્ઞાન,
શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન. એ પાંચે જ્ઞાનોમાં પોતપોતાને યોગ્ય, વસ્તુના ભૂત–
ભવિષ્યના ક્રમબદ્ધપર્યાયોને જાણવાનું સામર્થ્ય છે. જો તે જ્ઞાનમાં જણાયા પ્રમાણે જ વસ્તુમાં ક્રમબદ્ધપર્યાયો ન
થાય, ને તેમાં જરાપણ ફેરફાર થાય તો તે જ્ઞાન મિથ્યા જ ઠરે. પાંચ જ્ઞાનના સામર્થ્ય બાબત શાસ્ત્રોમાં કથન
આવે છે તે અહીં કહેવામાં આવે છે.
મતિ – શ્રુતજ્ઞાન
શ્રી તત્ત્વાર્થસૂત્રના ત્રીજા અધ્યાયના ૩૬ મા સૂત્રમાં મનુષ્યોના બે પ્રકાર જણાવ્યા છે, તેમાંથી આર્ય
મનુષ્યોમાં જે જીવોને વિશેષ શક્તિ પ્રાપ્ત હોય તેને ઋદ્ધિપ્રાપ્ત આર્ય કહેવામાં આવે છે. તેમની બુદ્ધિ–ઋદ્ધિનું
સ્વરૂપ વર્ણવતાં એક અષ્ટાંગ નિમિત્તત્તાબુદ્ધિ કહેવામાં આવી છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે–
“અંતરિક્ષ, ભોમ, અંગ, સ્વર, વ્યંજન, લક્ષણ, છિન્ન અને સ્વપ્ન–એ આઠ પ્રકારનું નિમિત્તજ્ઞાન છે.
તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે.
૧. સૂર્ય, ચંદ્ર, નક્ષત્રના ઉદય–અસ્તાદિક દેખી અતીત–અનાગત ફળનું જાણવું તે અંતરિક્ષ નિમિત્તજ્ઞાન છે.
૨. પૃથ્વીની કઠોરતા, કોમળતા, ચીકાશ કે લૂખાશ દેખી, વિચાર કરી અગર પૂર્વાદિક દિશામાં સૂત્ર પડતાં
દેખીને હાનિ–વૃદ્ધિ, જય–પરાજય વગેરેનું પ્રગટ જાણવું તે ભોમ નિમિત્તજ્ઞાન છે.
૩. અંગ–ઉપાંગ દિના દર્શન–સ્પર્શનાદિથી ત્રિકાળભાવી સુખ–દુઃખાદિનું જાણવું તે અંગનિમિત્તજ્ઞાન છે.
૪. અક્ષર–અનક્ષરરૂપ તથા શુભ–અશુભને સાંભળી ઈષ્ટાનિષ્ટ ફળનું જાણવું તે સ્વર નિમિત્તજ્ઞાન છે.
પ. મસ્તક, મુખ, ડોક વગેરે ઠેકાણે તલ, મુસલ, લાખ ઈત્યાદિ લક્ષણ દેખીને ત્રિકાળ સંબંધી હિત–
અહિતનું જાણવું તે વ્યંજન નિમિત્તજ્ઞાન છે.
૬. શરીર ઉપર શ્રીવૃક્ષ, સ્વસ્તિક, કલશ વગેરે ચિહ્ન દેખીને પુરુષના ત્રિકાળ સંબંધી સ્થાન, માન,
ઐશ્વર્યાદિક વિશેષોનું જાણવું તે લક્ષણ નિમિત્તજ્ઞાન છે.
૭. વસ્ત્ર–છત્ર–અશન જયનાદિથી, દેવ–મનુષ્ય રાક્ષસાદિથી તથા શસ્ત્ર–કંટકાદિથી છેદાય તેને દેખીને
ત્રિકાળ સંબંધી લાભ–અલાભ, સુખ દુઃખનું જાણવું તે છિન્ન નિમિત્તજ્ઞાન છે.
૮. વાત–પિત્ત–શ્લેષ્મ રહિત પુરુષને, મુખમાં પાછલી રાત્રે ચંદ્રમા, સૂર્ય, પૃથ્વી, પર્વત કે સમદ્રનું પ્રવેશાદિ
થવું એવું સ્વપ્ન તે શુભસ્વપ્ન છે; ઘી–તેલથી પોતાનો દેહ લેપાયેલ હોય, અને ગધેડા ઊંટ ઉપર ચઢી દક્ષિણ
દિશામાં ગમન ઈત્યાદિ કરે–એવું સ્વપ્ન તે અશુભ સ્વપ્ન છે; તેના દર્શનથી આગામી કાળમાં જીવનમરણ, સુખ
દુઃખાદિનું જ્ઞાન થવું તે સ્વપ્નનિમિત્તજ્ઞાન છે.
–આ આઠ પ્રકારના નિમિત્તજ્ઞાનના જે જ્ઞાતા હોય તેને અષ્ટાંગનિમિત્ત બુદ્ધિ–ઋદ્ધિ છે.”
(–જુઓ, મોક્ષશાસ્ત્ર ગુજરાતી ટીકા. પૃ. ૩૩પ–૬ આવૃત્તિ પહેલી)
હવે જો દ્રવ્યના પર્યાયો ક્રમબદ્ધ ન થતા હોય,

PDF/HTML Page 10 of 23
single page version

background image
માગશર: ૨૪૭૬ : ૨૯:
ને આડાઅવળા થતા હોય તો ઉપર કહેલી અષ્ટાંગ–નિમિત્તત્તાબુદ્ધિ કોઈ જીવોને હોઈ શકે જ નહીં. અને અષ્ટાંગ–
નિમિત્તત્તાબુદ્ધિ તે મતિ–શ્રુતજ્ઞાન છે એટલે મતિ–શ્રુતજ્ઞાનનો જ અભાવ ઠરશે.
અવધિજ્ઞાન
ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન અસંખ્યાત લોક પ્રમાણ અતીત અને અનાગતકાળને જાણે છે. રૂપી પુદ્ગલો તેમજ તે
પુદ્ગલના સંબંધવાળા સંસારી જીવના વિકારી ભાવોને અવધિજ્ઞાન પ્રત્યક્ષ જાણે છે.
હવે જો રૂપી પુદ્ગલો તેમજ જીવના વિકારી ભાવો ક્રમબદ્ધપર્યાયરૂપે પરિણમતા ન હોય, ને આડાઅવળા
ગમે તેમ પરિણમતા હોય તો, અવધિજ્ઞાન રૂપીદ્રવ્યોના તેમજ જીવના વિકારીભાવોના અસંખ્યાત લોક પ્રમાણ
અતીત અને અનાગતકાળના પર્યાયોને વર્તમાનમાં કઈ રીતે જાણી શકે? અવધિજ્ઞાને જે રીતે જાણ્યું તે જ રીતે
જો પદાર્થોની ક્રમબદ્ધ અવસ્થા ન થાય તો અવધિજ્ઞાન જ સિદ્ધ થઈ શકશે નહીં. સ્વભાવપર્યાય હો કે
વિભાવપર્યાય હો, તે બધા ક્રમબદ્ધ જ થાય છે.
મન:પર્યયજ્ઞાન
પોતાનાં તથા પરનાં જીવિત–મરણ, સુખ–દુઃખ, લાભ–અલાભ વગેરેને વિપુલગતિ મનઃપર્યયજ્ઞાન જાણે
છે, તેમજ વ્યક્તમન કે અવ્યક્તમનથી ચિંતવન કરેલા, નહિ ચિંતવેલા, કે આગળ જતાં જેનું ચિંતવન કરશે
એવા સર્વ પ્રકારના પદાર્થોને પણ તે જ્ઞાન જાણે છે. કાળ અપેક્ષાએ આ જ્ઞાન જઘન્યપણે સાત–આઠ ભવ
આગલા–પાછલા જાણે, અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત ભવ આગલા–પાછલા જાણે. ભવિષ્યના જીવિત–મરણ,
લાભ–અલાભ, વગેરે જો નિશ્ચિત ન હોય તો જ્ઞાન તેને ક્યાંથી જાણે?
કેવળજ્ઞાન
કેવળજ્ઞાન સર્વે દ્રવ્યો–ગુણો અને તેમના ત્રિકાળવર્તી અનંતાનંત પર્યાયોને અક્રમે એક કાળે જાણે છે. આ
જ્ઞાન સહજેપણે (ઈચ્છા વિના તેમજ ઉપયોગને પર સન્મુખ વાળ્‌યા વિના) સર્વ જ્ઞેયોને જાણે છે. કેવળજ્ઞાન તે
પૂર્ણ જ્ઞાન છે ને તેમાં સંપૂર્ણ જ્ઞેયો જણાય છે. લોકાલોક કરતાં પણ અનંતગણા જ્ઞેયો હોય તો તેને પણ જાણી લે
એવું દિવ્ય સામર્થ્ય કેવળજ્ઞાનમાં છે.
આ પાંચે પ્રકારના સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ એમ બતાવે છે કે દરેક દ્રવ્યના અનાદિ અનંતકાળના સમસ્ત પર્યાયો
ક્રમબદ્ધ થાય છે, તે આડાઅવળા થતા નથી અને તેના ક્રમને ફેરવવા કોઈ સમર્થ નથી. ખરેખર આમાં આત્માના
જ્ઞાયકભાવનો નિર્ણય આવે છે, અને જ્ઞાયકભાવનો નિર્ણય તે જ સમ્યક્ પુરુષાર્થ છે. જીવના યથાર્થ પુરુષાર્થ વગર આ
નિર્ણય થઈ શકતો નથી. જીવ જ્યારે આવો નિર્ણય કરે ત્યારે તેને પર પદાર્થોમાં કાંઈ પણ ફેરફાર કરવાની મિથ્યાબુદ્ધિ
રહેતી નથી; વિશ્વના બધા પદાર્થો તેના સ્વભાવ પ્રમાણે ક્રમબદ્ધ જ થાય છે એટલે હું તેમાં કાંઈ પણ ફેરફાર કરી શકતો
જ નથી આવો પોતાના જ્ઞાનમાં નિર્ણય થતાં, ‘પર પદાર્થોનું શું થાય છે?’ તે તરફ લક્ષ કરવાનું રહેતું નથી, એટલે તેનો
પુરુષાર્થ પોતાના જ્ઞાનસ્વભાવ તરફ જ વળે છે. અને પોતામાં પણ, પર્યાયબુદ્ધિ ટળીને દ્રવ્યદ્રષ્ટિ થાય છે. “જો બધું જ
નિયમબદ્ધ–ક્રમસર થાય છે, અને જીવ તેમાં કાંઈ જ ફેરફાર કરી શકતો નથી, તો જીવનો પુરુષાર્થ રહેતો નથી” એમ
માનનારને, ક્રમબદ્ધપર્યાયોને જાણનાર જે પોતાનો જ્ઞાયકસ્વભાવ છે તેની પ્રતીતિ નથી. બધા પદાર્થોમાં ક્રમબદ્ધ
પરિણમન થાય છે તેનો હું જાણનાર છું–એવો જે જ્ઞાયકભાવ તે જ પરમ પુરુષાર્થ છે. પરમાં કોઈ ફેરફાર કરી શકે એવો
આત્માનો પુરુષાર્થ છે જ નહીં.
જેઓને પરની પટલાઈ કરવી છે, ‘પરનું હું કરું, પરનું હું કરું’ એવા મિથ્યા અહંકારથી દુનિયાના પદાર્થો સાથે
બાથ ભીડવી છે, સમાજની વ્યવસ્થા કરવાના અભિમાનમાં જેમની બુદ્ધિ રોકાઈ ગઈ છે અને પર સાથેના સંબંધથી
છૂટીને સ્વભાવ તરફ જેમને વળવું નથી એવા જીવોને ઉપર્યુક્ત વસ્તુસ્વભાવની વાત સાંભળતાં એમ થઈ જાય છે
કે– ‘અરેરે! શું આત્મા કોઈનું કાંઈ જ ન કરી શકે? આત્મા પરમાં કાંઈ ફેરફાર ન કરી શકે? –તો તો આત્મા પુરુષાર્થ
રહિત, નિરુદ્યમી અને નિષ્ક્રિય થઈ જશે!’ એવા જીવોને પરપદાર્થનું કરવાનો અહંકાર કરવો–તે જ પુરુષાર્થ ભાસે
છે, પણ તે અહંકારરહિત વીતરાગી જ્ઞાયકભાવ પ્રગટ કરવો–તે પરમ પુરુષાર્થ છે–એમ તેઓ જાણતા નથી. જીવનો
પુરુષાર્થ પોતામાં જ હોય, પણ પરમાં તે કાંઈ જ કરી શકે નહીં. આવું જેને ભાન નથી તે જીવોની દ્રષ્ટિ પર તરફથી,
નિમિત્ત તરફથી; શરીરની ક્રિયા તરફથી, કર્મના ઉદય તરફથી, વ્યવહાર તરફથી, પુણ્ય તરફથી કે પર્યાય તરફથી કદી
ખસતી નથી અને જ્ઞાનસ્વભાવીની સ્વદ્રવ્ય તરફ તેમની દ્રષ્ટિ વળતી નથી; એ રીતે તેમને વસ્તુસ્વ–

PDF/HTML Page 11 of 23
single page version

background image
: ૩૦: આત્મધર્મ: ૭૪
રૂપનો કે આત્માનો નિર્ણય નથી. જેને વસ્તુના ક્રમબદ્ધપર્યાયોની પ્રતીત નથી તેને સર્વજ્ઞની કે આત્માના
જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી. ક્રમબદ્ધપર્યાયની પ્રતીતમાં જ ખરું જ્ઞાન અને ખરો પુરુષાર્થ છે, એ પ્રતીત વગર
પરની પટલાઈ છૂટે નહિ ને સ્વભાવમાં જ્ઞાન ઠરે નહીં એટલે અજ્ઞાન ટળે નહીં.
જેને, વસ્તુમાં સ્વભાવથી જ ક્રમબદ્ધ પરિણમન થાય છે તેની પ્રતીત નથી તેઓ એવી ભ્રમણા સેવે છે કે–
“જેવું નિમિત્ત આવે તેવું કાર્ય થાય, જેવો કર્મનો ઉદય થાય તેવા ભાવો જીવે કરવા જ પડે, બહારની
સમાજવ્યવસ્થા સરખી નથી માટે જીવો દુઃખી છે, સમાજના કાર્યો અને સમાજની વ્યવસ્થામાં ફેરફાર કરવો તે
આપણા પુરુષાર્થના હાથમાં છે.” –જો વસ્તુના ક્રમબદ્ધપર્યાયની યથાર્થ પ્રતીત થાય તો એ બધી મિથ્યા
ભ્રમણાઓ દૂર થઈ જાય.
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવામાં પોતાના જ્ઞાનમાં પુરુષાર્થ રોકાય છે એટલે જ્ઞાન અને પુરુષાર્થ કાર્ય કરે
છે છતાં તે જ્ઞાન અને પુરુષાર્થનો જે નકાર કરે છે તેઓ આ યથાર્થ વસ્તુનિયમને સમજ્યા નથી. પોતાના
વર્તમાન પર્યાયમાં જે જ્ઞાન–પુરુષાર્થનું કાર્ય થઈ રહ્યું છે તેને જ જે ન માને તેને યથાર્થ વસ્તુસ્વભાવના જ્ઞાનનો
પુરુષાર્થ ક્યાંથી થાય? અને તે વસ્તુસ્વભાવને કઈ રીતે સમજે? –કદી પણ સમજે નહીં.
આ રીતે (૧) વસ્તુના યથાર્થસ્વરૂપને, (૨) સર્વજ્ઞતાને અને (૩) ક્રમબદ્ધપર્યાયને–એક બીજા સાથે
અવિનાભાવીપણું છે. આ ત્રણના જ્ઞાન સાથે ‘જૈનધર્મ’ નું જ્ઞાન પણ આવી જ જાય છે, તે હવે કહેવામાં આવે છે.
૪. જનધમ
‘જૈન’ એટલે જીતનાર; ‘ધર્મ’ તે આત્માનો શુદ્ધપર્યાય છે, આત્મામાં પોતાના આશ્રયે તે પર્યાય પ્રગટે
છે. શુદ્ધપર્યાય પ્રગટતાં અશુદ્ધપર્યાયનો (વિકારનો) અભાવ થાય છે. એ રીતે આત્મા પોતાના શુદ્ધભાવ વડે
વિકાર ઉપર જીત મળેવે છે, તેથી તે જીતનારા શુદ્ધપર્યાયને ‘જૈનધર્મ’ કહેવામાં આવે છે. આ પ્રમાણે ‘જૈનધર્મ’
એ ભાવવાચક કથન છે, કોઈ સંપ્રદાય, વાડો, સંઘ કે સમાજસૂચક તે નથી. જે આત્મા પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ
કરીને વિકાર ઉપર જીત મેળવે તે પોતે ‘જૈનધર્મી’ છે.
(૧) જે જીવો વસ્તુનું યથાર્થસ્વરૂપ જાણે તેઓને (૨) પોતાનો આત્મા સર્વજ્ઞાયકસ્વભાવી છે એવો
નિર્ણય થાય છે, તથા (૩) પોતાના સ્વભાવ તરફના જ્ઞાન અને પુરુષાર્થ સહિત કર્મબદ્ધપર્યાયનો નિર્ણય થાય
છે તેમજ (૪) તેને પોતામાં શુદ્ધપર્યાયરૂપ જૈનધર્મ પ્રગટે છે. જગતના બધા પદાર્થો ઉપરથી તેમજ પોતાના
ક્ષણિક પર્યાયો ઉપરથી દ્રષ્ટિ ખસીને, પોતાના ત્રિકાળ ધ્રુવ ચૈતન્ય નિજાનંદ સ્વભાવનો આશ્રય કરીને તેમાં
પર્યાય અભેદ થયો, તે જ જૈનધર્મ છે. આવો શુદ્ધપર્યાયરૂપ સત્યધર્મ (–જૈનધર્મ) એક જ પ્રકારનો છે, તેમાં
બીજા પ્રકારો કે પેટા ભેદો હોઈ શકે નહીં. પર્યાયની હીનાધિકતા હોય તો પણ ધર્મ તો ત્રણે કાળે એક જ પ્રકારનો
છે. છતાં જૈનધર્મના નામે જે ભેદો પ્રવર્તે છે તે ખરેખર જૈનધર્મ નથી પણ અજ્ઞાનના ઘોર વાદળોનો પ્રતાપ છે.
આમ છતાં આવા આ કાળમાં પણ, મુમુક્ષુઓનાં મહત્ભાગ્ય છે કે પરમકૃપાળુ સદ્ગુરુદેવશ્રીના પરમ સત્ય
ધર્મોપદેશનો અપૂર્વ લાભ નિરંતર મળી રહ્યો છે. અને એ પરમ સત્ય ધર્મને સમજવાની રુચિવાળા વિરલા
જિજ્ઞાસુ જીવો. પણ આજે દિનદિન વધતા જાય છે.
પ. અનેકાંત વાદ
ઉપર જે ચાર બોલો કહેવાયા છે તેમાં અનેકાંતવાદ પણ સ્વયમેવ આવી જાય છે. આત્મા પોતાપણે છે અને
પરપણે નથી, એમ નક્કી કરીને પર તરફની રુચિ અને વલણને પાછું ફેરવીને, સ્વભાવની રુચિ અને તે તરફ વલણ કરવું
તેનું નામ ખરેખર અનેકાંત છે. નિશ્ચય અને વ્યવહાર બંનેને જાણીને નિશ્ચય તરફ ઢળવાથી જ અનેકાંત થાય છે. ‘આત્મા
નિશ્ચયથી પરનો કર્તા નથી, ને વ્યવહારથી પરનો કર્તા છે, નિશ્ચયથી આત્મા શુદ્ધ, રાગરહિત છે અને વ્યવહારથી
રાગવાળો અશુદ્ધ છે, નિશ્ચયથી (–દ્રવ્યાર્થિકનયે) આત્મા નિત્ય છે ને વ્યવહારથી (–પર્યાયાર્થિકનયે) આત્મા અનિત્ય છે’
–એ પ્રમાણે બંને નયોને જાણીને, જો નિશ્ચયનયના વિષયભૂત પરમાર્થ સ્વભાવ તરફ ન ઢળે તો અનેકાંત થતું નથી.
પર્યાયનો આશ્રય છોડીને ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો આશ્રય કરવો, તેમાં જ દ્રવ્યપર્યાયની અભેદતા છે, તે જ અનેકાંત (–
પ્રમાણ) છે. અને એ રીતે પોતાના અભેદસ્વભાવ તરફ વળીને અનેકાંત પ્રગટ કર્યા વિના (૧) ‘વસ્તુના સ્વરૂપનો,
(૨) આત્માના સર્વજ્ઞ સ્વભાવનો, (૩) ક્રમબદ્ધ પર્યાયનો કે (૪) જૈનધર્મનો યથાર્થ નિર્ણય થતો નથી.

PDF/HTML Page 12 of 23
single page version

background image
માગશર: ૨૪૭૬ : ૩૦: અ
હાલમાં અનેકાંતના નામે મુખ્યપણે વિદ્વાનો અને ઉપદેશકોમાં ઘણા ગોટા ચાલે છે; અનેકાંત તો વસ્તુના
સ્વરૂપનો નિશ્ચય કરનાર છે તેને બદલે જેને જેમ ઠીક પડે તેમ અનેકાંતના નામે અને ધર્મના નામે ઊંધા કથનો
કર્યા કરે છે. માટે મુમુક્ષુ જીવોએ સત્સમાગમે બધાં પડખાં બરાબર વિચારી, પરીક્ષા કરીને, સત્ય–અસત્યનો
યથાર્થ નિર્ણય કરવો. અને આ લેખમાં જણાવેલ (૧) વસ્તુસ્વરૂપ (૨) આત્માનો સર્વજ્ઞ સ્વભાવ (૩)
ક્રમબદ્ધપર્યાય (૪) જૈનધર્મ અને (પ) અનેકાંતવાદ–આ પાંચે ખાસ જરૂરી વિષયોનો અવશ્ય નિર્ણય કરવો કેમ
કે એના નિશ્ચય વિના કદી આત્મકલ્યાણ થતું નથી.
× × ×
આ કળિકાળમાં ધર્મના નામે, વેષને નામે, દેશની સેવાના નામે, ત્યાગના નામે–વગેરે અનેક પ્રકારે જુઠ્ઠી
માન્યતાઓ પોષાય છે, એ જાણીતું છે. આત્માર્થી જીવો તે પાખંડોથી બચે, ધર્મના નામે ચાલતા પાખંડો બંધ
થાય, અને જગતના પદાર્થોનું તથા આત્માના ધર્મનું સાચું સ્વરૂપ શું છે તે લોકો જાણે, અને તેઓ ધર્મનું સ્વરૂપ
પામે–એ જ આ ‘આત્મધર્મ’ માસિકનો હેતુ છે; તેથી યથાર્થ વસ્તુસ્વરૂપ બતાવનાર લેખો જ તેમાં આપવામાં
આવે છે. તેમાં કોઈ પણ વ્યક્તિની નિંદા કે અંગત ટીકા બિલકુલ કરવામાં આવતી નથી. માત્ર સત્ય સ્વરૂપ શું છે
અને અસત્ય શું છે તેનું વિવેચન કારણો સહિત યુક્તિ અને આગમ વગેરેના આધારે આપવામાં આવે છે.
આત્મધર્મ એ કોઈ લૌકિક છાપું નથી, તેમ જ ધર્મના નામે ચાલી રહેલાં અન્ય છાપાઓ કરતાં પણ જુદી
જાતનું છે. તેમાં જે કાંઈ પીરસવામાં આવે છે તે સતતત્ત્વના નમુનારૂપ હોય છે. આ પત્રમાં જે કાંઈ છપાય છે તે
જો કે પૂ ગુરુદેવશ્રીના મુખથી નિરંતર જે વ્યાખ્યાનો થાય છે તેનો અંશમાત્ર જ છે, તો પણ તેટલામાં ‘ગાગરમાં
સાગર’ ની જેમ ઘણું તત્ત્વ ભરેલું હોય છે. માટે અન્ય છાપાંઓની જેમ આ પત્રને નહિ વાંચતા, તેના દરેક
વાક્યના ભાવ સમજીને વાંચવાની ખાસ ભલામણ છે.
પોતાને સુધારક માનતા કેટલાક ભાઈઓ પોતે દેશસેવા કરી રહ્યા છે–એમ માને છે અને એ દેશસેવાને
જ ધર્મ માનીને ધર્મના નામ તરફ સૂગ ધરાવે છે, તેઓ પણ આ પત્રનો થોડો વખત કાળજીપૂર્વક અને
તૂલનાશક્તિથી વાંચીને અભ્યાસ કરે તો તેમની ધર્મ પ્રત્યેની સૂગ ટળી જઈને પરમ સત્ય ધર્મની રુચિ થયા
વિના રહે નહીં. માટે તેવા ભાઈઓને આ પત્રનો અભ્યાસ કરવાની નમ્ર સૂચના છે.
કોઈ પણ જીવ ગમે તેને માટે ગમે તેવો અભિપ્રાય ધરાવવા સ્વતંત્ર છે. કેટલાક નાસ્તિક જેવા લોકો
સતધર્મને હંબગ (Humbug) માને છે, તેમને પણ આત્મધર્મમાં આવતા વસ્તુસ્વરૂપનો અભ્યાસ કરવાની ખાસ
સૂચના છે. વસ્તુસ્વરૂપના યથાર્થ જ્ઞાન વિના કદી પણ કોઈ જીવ સુખી થાય નહીં. જૈનધર્મ એ કોઈ વાડો કે
કલ્પિત મત નથી, પણ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ તે બતાવે છે એટલે જૈનધર્મ વસ્તુસ્વભાવ છે. વસ્તુસ્વરૂપના
અભ્યાસ વગર કોઈ સુખી થવા માગતું હોય, તો તે અશક્ય છે.
વર્તમાન કેળવણી કેટલાક જુવાનોના મગજમાં એવા પ્રકારની ધૂન પેદા કરે છે કે ‘અમે ઘણા ડાહ્યા
છીએ. અને જેઓએ તેમના જેવી કેળવણી ન લીધી હોય તેઓ મૂર્ખ છે એમ તેઓ માને છે. વળી તેઓ માને છે
કે ધર્મનો અભ્યાસ તો નવરા વૃદ્ધ લોકો માટે છે; અને આપણું કામ તો જગતમાં આગળ વધીને ધનની પ્રાપ્તિ શી
રીતે થાય, અને આપણા દેશની ધનસંપત્તિ શી રીતે વધે–તેના ઉપાયો કરવાનું છે, –એમ માનીને તે સંબંધી વાતો
અને ચર્ચાઓ કર્યા કરે છે. એટલે ધર્મ તો જાણે કે નકામી વસ્તુ હોય અને તેના વગર જ સુખી થઈ શકાતું હોય–
એમ તેમને લાગે છે. તેમની એ માન્યતા અને વિચારો કેટલા જુઠ્ઠા અને અહંકાર ભરેલા છે તે આ પત્ર બતાવે
છે. ધર્મનો અભ્યાસ માત્ર નવરા કે વૃદ્ધનું કાર્ય નથી પણ ધર્મ તો દરેકે દરેક જીવનું કર્તવ્ય છે. જે કોઈ જીવ સુખી
થવા માંગતા હોય તે દરેકનું–પછી ભલે તે વૃદ્ધ હો કે બાળક હો, પુરુષ હો કે સ્ત્રી હો, ભણેલ હો કે અભણ હો,
કરોડપતિ હો કે નિર્ધન હો તે દરેકનું એ જ કર્તવ્ય છે, એમ આ પત્ર સચોટ રીતે સાબિત કરે છે અને સાથે સાથે
એ પણ બરાબર સમજાવે છે કે ધર્મ એ આત્માની ચીજ છે, તેથી તેની શરૂઆત પણ આત્મામાંથી જ થાય છે.
કોઈ બાહ્યક્રિયાઓ વડે તેની શરૂઆત થતી નથી માટે સર્વે યુવકો પણ આ માસિક

PDF/HTML Page 13 of 23
single page version

background image
: ૩૦: બ આત્મધર્મ: ૭૪
વાંચે, વિચારે અને પોતાની તુલનાશક્તિ વડે સત્ય–અસત્યનો નિર્ણય કરે તો તેમને લાભ થશે અને જીવનમાં
બાકી રહી જતું સૌથી મોટું કર્તવ્ય તેમને સમજાશે.
વળી ધર્મના નામે સ્થૂળ ક્રિયાના આગ્રહમાં ફસાઈ પડેલા અને જડની ક્રિયામાં આત્માનો ધર્મ માનનારા
જીવોને ધર્મની ક્રિયાનું સાચું સ્વરૂપ ખાસ વિશિષ્ટ પણે આ માસિક સમજાવે છે.
જો કે ધર્મના નામે ધતિંગો આજે ઘણા ચાલે છે અને આ આર્યદેશ બાહ્યવેશ દેખીને જેટલો ઠગાય છે
તેટલો બીજે ક્યાંય ઠગાતો નથી. છતાં પણ એમ માની લેવું કે ‘જગતમાંથી સત્યધર્મનો સર્વથા લોપ થઈ ગયો
છે, અને સર્વ સ્થળે ધતિંગ જ ચાલે છે’ –એ પણ મહાન ભૂલ છે. આ કાળે પણ સત્યધર્મનો સર્વથા લોપ નથી
થયો, માટે ધીરજથી સત્ય–અસત્યની પરીક્ષા કરતાં શીખવું જોઈએ. માટે સર્વ લોકો આ ‘આત્મધર્મ’ પત્રનો
અભ્યાસ નિયમિતપણે એક વર્ષ સુધી રાખે અને સત્ય–અસત્યની પરીક્ષા કરે, એવી તેમના પ્રત્યે નમ્ર સૂચના છે.
અત્યાર સુધી ઘણા જિજ્ઞાસુ જીવો આ પત્રનો લાભ લે છે, અને તેનાથી સત્ધર્મનો સારો પ્રચાર થયો છે.
છતાં પણ આ પત્રનો જેટલો વિશાળ પ્રચાર અને ફેલાવો થવો જોઈએ તેટલો હજી થયો નથી; તે માટે આ
પત્રના ગ્રાહકો વધવાની જરૂર છે. આત્મધર્મના દરેક ગ્રાહકો તથા વાંચકોએ, તેમજ ધર્મ–પ્રેમી ભાઈ–બેનોએ તે
માટે પ્રયાસ કરવાની જરૂર છે. દરેક ગ્રાહકો તેમજ વાંચકોની ફરજ છે કે તેમણે આ પત્રના ફેલાવા માટે બને
તેટલો પ્રયત્ન કરવો, અને પોતાના સંબંધીઓને તે પત્ર વાંચવાની ભલામણ કરીને તેમને સત્યધર્મ પ્રત્યે પ્રેરવા.
આત્મધર્મ નહિ વાંચનારાઓ સંબંધી કહ્યા બાદ હવે, જેઓ આત્મધર્મનું વાંચન કરે છે તેવા જિજ્ઞાસુ
વાંચકોને એક અગત્યની ભલામણ કરવાની છે કે–જૈનદર્શન એવું ગંભીર છે કે જ્ઞાની પુરુષના સીધા સંસર્ગ વગર
કોઈ જીવ તેના રહસ્યને પામી શકે નહીં, એથી શાસ્ત્રોમાં દેશનાલબ્ધિનું વર્ણન આવે છે,... શ્રીમદ્ રાજચંદ્રજીના
શબ્દોમાં કહીએ તો ‘પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત’ –અનાદિથી એવી જ વસ્તુસ્થિતિ છે કે
ગુરુગમ વગર એટલે કે દેશનાલબ્ધિ વગર કોઈ જીવ ધર્મ પામી શકે નહીં. અને એ દેશનાલબ્ધિ માત્ર શાસ્ત્ર
વગેરેના વાંચનથી કે અજ્ઞાનીના ઉપદેશથી કોઈ જીવ પામી શકે નહીં. પણ જ્ઞાની પુરુષના ઉપદેશનું સીધું શ્રવણ
કરે તો જ દેશનાલબ્ધિ પામે. માટે ધર્મના અભિલાષી જીવોએ એકવાર તો અવશ્ય સત્સમાગમ કરીને સદ્ગુરુગમે
દેશનાલબ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. પોતાની મેળે શાસ્ત્રવાંચન કરવાથી વર્ષો સુધી જે કાર્ય નહિ થાય તે કાર્ય
સત્પુરુષના પ્રત્યક્ષ સમાગમે અલ્પકાળમાં થઈ જશે... માટે, માત્ર ‘આત્મધર્મ’ વાંચીને જ સંતોષ ન માનતાં
વિશેષ સ્પષ્ટ સમજવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીની અમૃતવાણીનું સીધે સીધું પાન કરવા આગ્રહભરી ભલામણ છે.
જ્ઞાની પુરુષના શ્રીમુખથી આધ્યાત્મિક ઉપદેશનું સાક્ષાત્ શ્રવણ કરવું તે જ આત્માર્થીઓને કલ્યાણનું મુખ્ય કારણ
છે. એક વખત તો સતની રુચિપૂર્વક ચૈતન્યમૂર્તિ જ્ઞાની પુરુષ પાસેથી અવશ્ય શ્રવણ કરવું જોઈએ. એમ કરવાથી
જ આત્મામાં સતનું પરિણમન થાય છે.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૨૪૦ માં ‘દ્રવ્યલિંગી મુનિની સમ્યગ્જ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા’
જણાવતાં કહે છે કે “.. કોઈ જીવ એ શાસ્ત્રોનો પણ અભ્યાસ કરે છે, પરંતુ જ્યાં જેમ લખ્યું છે તેમ પોતે નિર્ણય
કરી પોતાને પોતારૂપ, પરને પરરૂપ તથા આસ્રવાદિને આસ્રવાદિરૂપ શ્રદ્ધાન કરતો નથી. કદાપિ મુખથી યથાવત્
નિરૂપણ એવું પણ કરે કે જેમા ઉપદેશથી અન્ય જીવ સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય.” [એ સિવાય લાટી સંહિતામાં પણ પૃ.
૨૧૬–૭માં એવી મતલબનું કથન છે]
–પરંતુ, ઉપરના પ્રસંગમાં જે જીવ સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે તે જીવે પૂર્વે કોઈ જ્ઞાની પાસેથી અવશ્ય
દેશનાલબ્ધિ પ્રાપ્ત કરી હોય છે. જે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે તે જીવ પાંચ લબ્ધિપૂર્વક જ થાય છે; તેમાં ત્રીજી
દેશનાલબ્ધિ છે. દેશનાલબ્ધિ જ્ઞાનીના ઉપદેશથી થાય છે, અજ્ઞાનીના ઉપદેશથી કદાપિ થતી નથી. છતાં કેટલાક
જીવો આજે એમ કહે છે કે અજ્ઞાનીના ઉપદેશથી પણ દેશનાલબ્ધિ થઈ જાય. તેમ કહેનારાઓએ ધર્મના સાચા
નિમિત્તને પણ જાણ્યું નથી.
જેણે આત્મજ્ઞાની ગુરુ પાસેથી પ્રથમ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સાંભળ્‌યું હોય અને તે વખતે તે સમ્યગ્દર્શન
ન પામ્યો હોય પણ તે દેશનાના સંસ્કાર રહી ગયા હોય, એવો કોઈ જીવ, દ્રવ્યલિંગીનો ઉપદેશ સાંભળીને
સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે. ત્યાં ખરેખર તે જીવને વર્તમાન દ્રવ્યલિંગી

PDF/HTML Page 14 of 23
single page version

background image
માગશર: ૨૪૭૬ : ૩૧:
પાસેથી દેશનાલબ્ધિ મળી નથી પણ પૂર્વે જ્ઞાની પાસેથી મળી છે. જે જીવોને પૂર્વે આત્મજ્ઞાની પાસેથી દેશનાલબ્ધિ
પ્રાપ્ત થઈ ન હોય અને તેના સંસ્કાર ન હોય તેવા જીવો કદી પણ દ્રવ્યલિંગીના ઉપદેશથી સમ્યગ્દ્રષ્ટિ થઈ શકે જ
નહીં. આમ વસ્તુસ્થિતિ હોવા છતાં અજ્ઞાનીના ઉપદેશથી પણ જેઓ દેશનાલબ્ધિ અને સમ્યગ્દર્શન થવાનું માને
છે તેઓ ધર્મના સત્ય નિમિત્તનો નિષેધ કરનારા છે. ધર્મમાં સત્પુરુષનો ઉપદેશ જ નિમિત્તરૂપ હોય–એવો જે
વ્યવહાર તેનું પણ જ્ઞાન તેમને ઊંધુંં છે. માટે મુમુક્ષુઓએ, ધર્મમાં નિમિત્તરૂપ જ્ઞાની પુરુષોનો જ ઉપદેશ હોય–
એમ બરાબર સમજીને સત્સમાગમે સ્વભાવ સમજવાનો પ્રયત્ન કરવો.
× × ×
આ આત્મધર્મ માસિક જેમ બને તેમ વધુ વિકસિત થાય અને તેના ગ્રાહકોની સંખ્યા વધે–એવા હેતુને
લક્ષમાં લઈને આ વર્ષથી શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે આત્મધર્મનું આર્થિક સુકાન સંભાળી લીધું છે. આ વર્ષે
આત્મધર્મના ગ્રાહકોને ખાસ લાભો નીચે મુજબ મળશે.
(૧) કાગળ ઊંચી જાતના આવશે.
(૨) અંકની પૃષ્ટ સંખ્યા ૧૬ ને બદલે ૨૦ રહેશે.
(૩) અધિક માસ હોવાથી ૧૨ ને બદલે ૧૩ અંક મળશે.
(૪) લગભગ ચાર રૂપિયાની કિંમતના ત્રણ સુંદર પુસ્તકો (૧. ભેદવિજ્ઞાનસાર, ૨. સમ્યગ્દર્શન અને
ચિદ્દવિલાસ–ગુજરાતી) ભેટ તરીકે મળશે.
–છતાં લવાજમ માત્ર ૩ રૂા. જ છે. આત્મધર્મના સર્વે ધર્મપ્રેમી પાઠકો આત્મધર્મને પોતાનું જ જાણીને
તેનો ખૂબખૂબ પ્રચાર કરે એવી આગ્રહભરી વિનંતિ છે. હાલ આત્મધર્મના અંદાજ ૧પ૦૦ ગ્રાહકો છે, અને આ
વર્ષ દરમિયાન તેના ૨પ૦૦ ગ્રાહકો થઈ જાય તેવી અમારી ઉમેદ છે.
છેવટે, આત્મધર્મમાં આવતાં અધ્યાત્મ–ઝરણાં જેમના પાવન જ્ઞાનસમુદ્રમાંથી નિરંતર વહે છે–એવા
પરમકૃપાળુ પૂ. ગુરુદેવશ્રીના ચરણારવિંદમાં નમસ્કાર કરીને, તેઓશ્રીની કલ્યાણકારિણી વાણી જયવંત વર્તો
એવી ભાવના સાથે, આ લેખ સમાપ્ત કરુ છું.
–સંપાદક
ત્ત્ત્ ખ્
આ તો પોતાના આત્માને સમજવાની
જ વાત છે, બીજી કોઈ વાતની મુખ્યતા કરતા
નથી, કેમ કે બધા તત્ત્વોમાં એક શુદ્ધ
આત્મતત્ત્વ જ ઉપાદેય છે. આત્મતત્ત્વની વાત
પોતાના ઘરની છે કેમકે પોતે જ આત્મતત્ત્વ છે;
તેને ઓળખવાથી જ ધર્મ થાય છે. ભલે ઓછી
બુદ્ધિ હોય પણ જો પોતાના સ્વભાવનો મહિમા
કરીને સમજવા માગે તો જરૂર સમજાય, એવું
વસ્તુ સ્વરૂપ છે.
નિયમસાર ઉપરના પ્રવચનોમાંથી.
સત્ય સ્વરૂપ
પોતાનો શુદ્ધાત્મા કઈ રીતે જણાય?
બહારની ક્રિયાના શુભરાગથી આત્મા સમજાય
નહિ પણ અંતરમાં જ્ઞાનની ક્રિયાથી સમજાય.
સાચા જ્ઞાન વડે આત્મા ઓળખાય. સાચા જ્ઞાન
સિવાય બીજો કોઈ ઉપાય કરવાથી આત્મા
સમજાય નહિ. જેવું સત્ય સ્વરૂપ છે તેવું પોતાના
જ્ઞાનમાં સ્વીકારવાથી સત્ પ્રગટે પણ સ્વરૂપને
બીજી રીતે માનવાથી સત્ પ્રગટે નહિ. અજ્ઞાની
જીવો અસત્યને સત્ય માનીને તેનું સેવન કરે
તેથી કાંઈ તેમને સત્ય ધર્મ પ્રગટે નહિ અને જે
સત્ય સ્વરૂપ છે તે વિપરીત થઈ જાય નહિ.
નિયમસાર ગા. ૩૮ ઉપરના પ્રવચનોમાંથી.
પૂ. ગુરુદેવશ્રીનો વિહાર
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી કારતક વદ ૧૩ શુક્રવારના સોનગઢથી વિહાર કરી બોટાદ,
રાણપુર વઢવાણ થઈ રાજકોટ પધારવાના છે. આથી અતિથિગૃહનું રસોડું બંધ રહેશે તો કોઈ અતિથિએ
મહારાજશ્રી વિહારમાં હોય ત્યાં સુધી સોનગઢ જવું નહિ. તેમજ પુસ્તક વેચાણ વિભાગ પણ બંધ રહેશે. તો છ
માસ સુધી ટપાલથી પુસ્તકો મંગાવવા નહિ કે પુસ્તક મંગાવવા પૈસા સોનગઢ મોકલવા નહિ.

PDF/HTML Page 15 of 23
single page version

background image
શ્રી મોક્ષઅધિકાર ગા. ૨૯૮–૨૯૯ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું
પ્રવચન વીર સં. ૨૪૭૧ માગસર વદ ૩
: ૩૨: આત્મધર્મ: ૭૪
મોક્ષનો ઉપાય
આ મોક્ષ અધિકાર છે; મોક્ષ એટલે આત્માની પરમ પવિત્ર દશા અહીં આચાર્યદેવ આત્માની પરમ શુદ્ધ
મોક્ષદશાના ઉપાયને ઘણો નજીક લાવીને વર્ણવે છે. શરીર–મન–વાણી–ધન કે દેવ–ગુરુ–શાસ્ત્રથી આત્માનું હિત
થાય એ માન્યતા તો દૂર કરી દીધી, અંતરમાં દયા ભક્તિ વગેરે પુણ્ય ભાવથી મુક્તિ થાય–એવી માન્યતાને પણ
મોક્ષમાર્ગમાંથી દૂર જ કરી. અને હવે તો ‘હું ચેતનાવડે આત્માને ચેતું છું’ એવા ભેદના વિકલ્પને પણ દૂર કરીને
ચેતનાના અભેદ અનુભવની વાત આવી છે; એ જ મોક્ષનો ઉપાય છે. પહેલાંં અજ્ઞાનદશામાં પર લક્ષ કરીને
વિકારને જ અનુભવતો હતો, હવે ચેતના લક્ષણ વડે આત્માને જાણીને શુદ્ધ ચેતના તરફ વળે છે, ભેદના
વિકલ્પને તોડીને ચેતના અભેદ સ્વભાવમાં ઢળે છે અર્થાત્ સ્વભાવમાં અભેદ થતાં ભેદનો વિકલ્પ તૂટી જાય છે.
(૨) ચેતના તે જ આત્માનું લક્ષણ છે. ચેતના દર્શન–જ્ઞાનમય છે. પુણ્ય–પાપ આત્માના ચેતન
સ્વભાવથી જુદા છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે. પરની સામે જોયા કરવું એનું નામ જ્ઞાતા–દ્રષ્ટાપણું નથી પણ
પોતાના જ્ઞાયક દર્શક સ્વભાવને ઓળખીને તેમાં સ્થિર રહેવું તે જ જ્ઞાતા–દ્રષ્ટાપણું છે. આપણે જ્ઞાતા–દ્રષ્ટા રહીને
પરના કામ કરવાં–એ માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે; કેમ કે આત્મા પરનું કરી શકતો જ નથી. જ્ઞાન–દર્શન લક્ષણ વડે
પોતાના સ્વભાવને જાણીને તેમાં ઠરવું તે મોક્ષનો નિકટ ઉપાય છે. નિકટ ઉપાય કેમ કહ્યો? –કેમકે સમ્યગ્દર્શન
જ્ઞાન તે પણ મોક્ષનો ઉપાય છે. પરંતુ સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક સ્થિરતા તે મોક્ષનો સાક્ષાત ઉપાય છે. તેથી તેને
નિકટ ઉપાય કહ્યો. સમ્યગ્દર્શન–જ્ઞાન પછી પણ સ્વરૂપમાં સ્થિરતા વગર મોક્ષ થતો નથી.
(૩) ભગવાન શુદ્ધ આત્માને કઈ રીતે ગ્રહણ કરવો? અર્થાત્ આત્માના સ્વભાવ તરફ ઢળીને તેનો
અનુભવ કઈ રીતે કરવો? તેની રીત આચાર્યદેવ બતાવે છે. જ્ઞાન–દર્શનરૂપ ચેતના તે જ હું છું–એમ આત્માને
અનુભવવો. જો કે ‘હું આવો છું’ એમ ભેદના વિકલ્પ વડે આત્માનો અનુભવ થતો નથી પણ કથનમાં ભેદ
આવ્યા વિના રહેતો નથી.
(૪) ચેતના કોને કહેવી? ભગવાનની ભક્તિમાં જે ઝમકાર વાગે તેમાં ચેતના નથી અને ભક્તિનો શુભ
વિકલ્પ ઊઠ્યો તે પણ ચેતનાનું સ્વરૂપ નથી. સ્વરૂપ તો જાણવા–દેખવારૂપ જ છે. દેખવામાં સામાન્ય ‘છે’ એટલું
જ આવે છે પણ તેમાં ભેદ પડતા નથી, જ્ઞાનમાં બધું ભેદીને જણાય છે. આવા જ્ઞાન–દર્શનમય ચેતના તે જ
આત્મા છે એમ ઓળખીને આત્મામાં અભેદ થવું તે મોક્ષનો ઉપાય છે. ભાઈ, તું ચેતનાર છે, જાણવું–દેખવું એ જ
તારું સ્વરૂપ છે અને એ જ સ્વરૂપ ચારિત્રરૂપ પરમાનંદ મુક્ત દશાનો ઉપાય છે.
(પ) સમ્યગ્દ્રષ્ટિ વિચારે છે કે હું દેખનારા આત્મામાં લીન થાઉં છું; બાહ્ય તરફ ઢળતા પુણ્ય–પાપના બંધ
ભાવોથી જુદું મારું સ્વરૂપ જાણીને તે બંધ ભાવને છેદીને મારા દ્રષ્ટા સ્વરૂપમાં હું અભેદ થાઉં છું. બંધ ભાવને
છેદવા અને સ્વરૂપમાં ઢળવું એ બંને કાંઈ જુદા જુદા નથી, સ્વરૂપમાં ઢળ્‌યો એટલે બંધભાવ છેદાઈ ગયા. અહીં
આચાર્ય ભગવાન કહે છે કે ભેદના વિકલ્પ તોડીને અભેદ અનુભવવડે જ આત્માનું ગ્રહણ થાય છે. ‘હું દ્રષ્ટા છું,
જ્ઞાતા છું’ એવા અંતરંગ ભેદના વિકલ્પ વડે પણ આત્માનું ગ્રહણ થતું નથી, તો પછી પુણ્ય–પાપની વૃત્તિથી કે
બાહ્ય ક્રિયાથી આત્માનું ગ્રહણ (આત્માનો અનુભવ) કેમ થાય? અને ધર્મી જીવ તેનું કર્તૃત્વ કેમ માને? નજ
માને. પહેલાંં આવું ભાન કરવું જોઈએ. આવા ભાન વગર સાચું ચારિત્ર હોય નહિ ને સાચા ચારિત્ર વગર મોક્ષ
થાય નહિ. આત્માને ઓળખીને તેનું ગ્રહણ કરવું તે જ મોક્ષનો ઉપાય છે.
બહારની ક્રિયાથી કે પુણ્યભાવની પ્રવૃત્તિ કરતાં કરતાં આત્માને બંધ ભાવથી નિવૃત્તિ થતી નથી, પણ
મારા દેખનાર સ્વભાવમાં હું મારી પ્રવૃત્તિ કરીને, તેમાં લીન થઈને, બંધ ભાવથી નિવૃત્તિ કરું છું. આ રીતે
દેખનાર આત્મામાં લીન થવું તે જ જ્ઞાનનું ચારિત્ર છે, અને તે જ ધર્મ છે.

PDF/HTML Page 16 of 23
single page version

background image
માગશર: ૨૪૭૬ : ૩૩:
(૬) પ્રશ્ન:– આમાં ધર્મ કઈ રીતે આવ્યો? આમાં ક્યાંય પરની સેવા કરવાનું કે પરને સુખી કરવાનું તો
ન આવ્યું, તો ધર્મ કઈ રીતે થયો?
ઉત્તર:– ભાઈ, કોઈ પણ જીવ પરની સેવા કે પરને સુખી–દુઃખી કરી શકતો જ નથી. દરેક જીવ પોતાના
ભાવ સિવાય બહારમાં કાંઈ પણ કરી શકતો નથી. પહેલાંં અજ્ઞાનભાવે પરનું અને વિકારનું અભિમાન કરીને
આત્માના સ્વભાવનું અસેવન કરતો હતો અને અજ્ઞાનભાવે પોતે દુઃખી થતો હતો, તે અધર્મ હતો. હવે ચૈતન્ય
લક્ષણ વડે પોતાના આત્માને પરથી અને પુણ્ય–પાપથી જુદો જાણીને, પોતાના સ્વભાવનું સેવન કરે છે અને
અજ્ઞાનભાવનું અનતું દુઃખ ટાળીને પોતે પોતાના આત્માને સુખી કરે છે, તે જ ધર્મ છે.
(૭) પ્રશ્ન:– લાકડી મારીને તો બીજાને દુઃખી કરી શકાય છે ને?
ઉત્તર:– નહિ; પ્રતિકૂળ સંયોગ એ કાંઈ દુઃખનું સ્વરૂપ નથી. વળી લાકડી મારવી કે ન મારવાની ક્રિયા પણ
સામો જીવ કરી શકતો નથી, તે જીવ માત્ર દુઃખ દેવાના પાપ ભાવ કરે છે, પણ તેના પાપ ભાવનું ફળ તેની પાસે
રહે છે, તેના ભાવના કારણે આ જીવને દુઃખ થતું નથી; અને શરીર ઉપર લાકડી પડવાના કારણે પણ એને દુઃખ
થયું નથી. તેને દુઃખ થાય તો તેની પોતાની શરીર ઉપરની મમતાના કારણે જ થાય છે. માટે કોઈ કોઈને દુઃખી કે
સુખી કરી શકતું નથી.
(૮) પ્રશ્ન:– એક જીવ બીજાને દુઃખી ન કરી શકે. પરંતુ અસાતા કર્મનો ઉદય તો દુઃખનું કારણ છે ને?
ઉત્તર:– એમ પણ નથી. કેમકે અસાતા કર્મનો ઉદય તો બાહ્ય સંયોગ આપે, પણ તે સંયોગ વખત દુઃખની
કલ્પના તો જીવ પોતે મોહ ભાવથી કરે તો જ તેને દુઃખ થાય છે; માટે અસાતા કર્મના ઉદયથી દુઃખ થતું નથી
પણ મોહભાવથી જ દુઃખ થાય છે. અસાતાના સંયોગ વખતે પણ જો પોતે મોહ વડે દુઃખની કલ્પના ન કરે અને
આત્માને ઓળખીને તેના અનુભવમાં રહે તો દુઃખ થતું નથી. બાહ્ય સંયોગને ફેરવી ન શકાય પણ સંયોગ
તરફના વેદનને ફેરવી શકાય છે.
(૯) અજ્ઞાનીઓ સુખ–દુઃખના તથા બંધ–મોક્ષના મૂળ કારણને સમજતા નથી અને પર જીવોનો કે કર્મ
વગેરેનો દોષ કાઢે છે. જેમ કૂતરાને કોઈ લાકડી મારે ત્યાં કૂતરો તે લાકડીને જ વળગે છે, ને લાકડી ઉપર બટકાં
ભરે છે. પણ સિંહને ગોળી લાગે ત્યાં ગોળી સામે જોતો નથી પણ તે તો ગોળી છોડનાર ઉપર જ તરાપ મારે છે.
તેમ શરીરમાં ક્ષુધા–રોગ વગેરે તો સંયોગ છે, બાહ્ય નિમિત્ત છે. અજ્ઞાની તે સંયોગને જ દુઃખનું કારણ માનીને
તેનો વાંક કાઢે છે. પણ અંદરની મમતા જ દુઃખનું કારણ છે, તે મમતાને તો જાણતો નથી, તેને ટાળતો નથી,
અને કૂતરાના દ્રષ્ટાંતની જેમ શરીરના સંયોગને જ દુઃખનું કારણ માનીને તેને ફેરવવા માગે છે. અને જે જ્ઞાની છે
તે તો પુરુષાર્થમાં સિંહવૃત્તિ જેવા છે, તેઓ કોઈ પણ સંયોગને દુઃખનું કારણ માનતા નથી તેથી તેમને સંયોગ
ફેરવવાની બુદ્ધિ હોતી નથી. પોતાના દોષથી જે રાગાદિ ભાવબંધ છે તે જ દુઃખનું કારણ છે એમ જાણીને, અને તે
રાગાદિથી ભિન્ન પોતાના ચેતન સ્વભાવને ઓળખીને, સ્વભાવના પુરુષાર્થની ઉગ્રતાના જોરે તે રાગાદિને છેદી
નાંખવા માંગે છે. કોઈ પરવસ્તુ આત્માને દુઃખનું કારણ છે જ નહિ. અને એ જ પ્રમાણે દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે
કોઈ પણ પર વસ્તુ આત્માને સુખનું કે ધર્મનું કારણ પણ નથી. પોતાના ચૈતન્ય સ્વભાવને જાણીને તેનું ગ્રહણ
કરવું, તેમાં લીન થવું તે જ એક માત્ર મોક્ષનો–સુખનો કે ધર્મનો ઉપાય છે.
(૧૦) અહો, સત્ય તો આમ જ છે; વસ્તુનું પોતાનું સ્વરૂપ તો આવું જ છે. છતાં કોઈ ઊંધુંં માને તો તે
તેના ઘરનું છે, તે માને છે એવું વસ્તુસ્વરૂપ તો નથી,
સુધારો
આત્મધર્મ અંક ૭૦ પૃ ૧૭૪ કોલમ ૩ લાઈન ૧૫ થી ૧૯ માં લખ્યું છે કે–
“વળી યોગ ગુણની પર્યાય પણ આત્મા પ્રમાણે હોવા છતાં તેમાં મધ્ય રૂચક પ્રદેશ અકંપ રહે છે ને બીજા
કંપે છે–એવી તારતમ્યતા હોય છે.” ઉપરના લખાણને બદલે નીચે મુજબ સુધારીને વાંચવું–
“પ્રદશત્વ ગુણની પર્યાય આત્મા પ્રમાણે હોવા છતાં, તેમાં સંકોચ વિસ્તાર થાય ત્યારે આઠ રૂચક પ્રદેશો
સ્થિર રહે છે ને બીજા પ્રદેશોમાં સંકોચ વિસ્તાર થાય છે.” (જુઓ તત્ત્વાર્થ રાજવાર્તિક સંસ્કૃત પૃ. ૨૦૦૩)

PDF/HTML Page 17 of 23
single page version

background image
: ૩૪ : આત્મધર્મ: ૭૪
એટલે તેને કદી ધર્મ થતો નથી, ને અનંતુ દુઃખ મટતું નથી.
કોઈ કોઈને સુખ કે દુઃખ આપી શકતો જ નથી, છતાં મેં પરનું કર્યું ને પર મારું કરે એમ જે માને છે તે
જીવ મિથ્યાત્વના પાપનું સેવન કરીને અનંત સંસારમાં રખડે છે. જ્ઞાની તો એમ જાણે છે કે હું દ્રષ્ટા છું, હું મારા
સ્વભાવને જ દેખું છું. કોઈ પરનો કર્તા નથી, પુણ્યનો કર્તા નથી, હું તો દ્રષ્ટાસ્વરૂપ મારા આત્માને દેખું જ છું.
અહીં સાધક જીવને સ્વભાવ તરફ ઢળવું છે તેથી પરનો દ્રષ્ટા છું એ વાત ન લીધી પણ હું દેખનાર આત્માને જ
દેખું છું–એમ કહ્યું. આ દેખવામાં જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ સમાઈ જાય છે. આ જ આત્મધર્મની
શરૂઆતનો ઉપાય છે.
(૧૧) ધર્મી જીવ કહે છે કે હું દેખું જ છું એટલે કે હું દ્રષ્ટાપણે જ થાઉં છું, રાગાદિ વિકારપણે હું થતો નથી.
વળી મને દેખવા માટે કોઈ પુણ્યનું સાધન નથી, હું કોઈ રાગના સાધનવડે દેખતો નથી પણ દેખતા વડે જ દેખું છું.
પુણ્ય પરિણામને ધર્મનું સાધન ન માનવું પણ દ્રષ્ટા સ્વભાવવડે જ દ્રષ્ટા શક્તિ પ્રગટે છે એમ માનવું તે જ ધર્મ છે.
બહારમાં કાંઈ પણ પર વસ્તુ લેવા–દેવાની ક્રિયા આત્મા કરી શકતો જ નથી. અજ્ઞાની લોકો આ વાત કાને પડતાં
ભડકે છે અને કહે છે કે ‘એવું કહેનારા ગાંડાની ઈસ્પિતાલમાં મોકલવા જેવા છે.’ અહો, શું થાય? એ તો એના
પોતાના ભાવની જાહેરાત કરે છે–એના મિથ્યાત્વનું જોર જ એમ પોકારી રહ્યું છે. અરે ભાઈ, આ વાત સમજનારા
તેં માનેલી ઈસ્પિતાલમાં નથી જવાના, પણ તે તો સિદ્ધની ઈસ્પિતાલમાં જવાના છે. અને જેઓ સત્યને નહિ
સમજે તથા સત્યનો વિરોધ કરશે તેઓ પોતાની જ્ઞાનશક્તિ હારી જઈને ગાંડા થઈને નિગોદમાં જવાના.
(૧૨) પ્રશ્ન:– જો કાંઈક બીજાની સેવા વગેરે પરમાર્થના કામ કરીએ તો કાંઈક કર્યું કહેવાય, એકલા
પોતાનું કરે ને બીજાનું કાંઈ ન કરે–એમાં શું? પોતાનું પેટ તો કૂતરાંય ભરે છે!
ઉત્તર:– પરનું કાંઈક કરવું તે પરમાર્થ–એ વાત જ તદ્ન ખોટી છે. લોકોને મોટો ભ્રમ ઘરી ગયો છે કે
પરનાં કામ કરવા તે પરમાર્થ છે. પણ પરમાર્થની એવી વ્યાખ્યા નથી. પરમાર્થ પરમ પદાર્થ એટલે
(પરમ+અર્થ) પરમ પદાર્થ–ઉત્કૃષ્ટ પદાર્થ; તો આત્મા છે, તેને ઓળખવો
ધર્મી જીવ કોને કહેવો?
(૧) જડ પદાર્થોનું કામ હું કરી શકું એમ જે માને તે જીવ ધર્મી નથી.
(૨) શરીરની ક્રિયા હું કરી શકું એમ જે માને તે જીવ ધર્મી નથી.
(૩) જડ કર્મોનો ઉદય મને વિકાર કરાવે એમ જે માને તે જીવ ધર્મી નથી.
(૪) આત્માની દશામાં દયા, વ્રત, પૂજા, ભક્તિ વગેરે જે પુણ્ય ભાવ થાય તે મારું સ્વરૂપ છે એમ જે
માને તે જીવ ધર્મી નથી.
(પ) આત્મામાં જે ઉપશમ વગેરે સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન વગેરે અવસ્થા છે તે એક સમય પૂરતી છે,
તેના જેટલો આત્માને જે માને તે જીવ ધર્મી નથી.
(૬) જડથી જુદો, વિકારથી જુદો અને એક સમયપૂરતી અવસ્થાની અપેક્ષાથી રહિત જે સહજ પરમ
પારિણામિક ચૈતન્યતત્ત્વ છે તેની જે શ્રદ્ધા કરે તે જીવ ધર્મી છે, તે જીવ અત્યંત નિકટભવ્ય છે.
જેણે ધર્મ કરવો હોય તેણે, આત્મામાં શું ચીજ છે તે જાણવું જોઈએ. શુદ્ધ જીવતત્ત્વને ઉપાદેય કરવાથી
શુદ્ધભાવ પ્રગટે છે, તે જ ધર્મ છે. તેથી આચાર્યદેવ કહે છે કે–જે અત્યંત નિકટ ભવ્ય જીવ છે, જેને બંધનથી છૂટવું
છે ને આત્મસ્વભાવની પ્રાપ્તિ પ્રગટ કરવી છે તેને નિજકારણપરમાત્મારૂપ શુદ્ધજીવતત્ત્વ જ આદરવા યોગ્ય છે.
(નિયમસાર પ્રવચનો ગાથા ૩૮)
અમૃતવાણી
મુનિરાજ અત્યંત નિસ્પૃહ કરુણા બુદ્ધિથી કહે છે અરે પ્રાણીઓ! આત્માનો શુદ્ધ સ્વભાવ સમજ્યા વગર
અનંત કાળમાં બીજા બધા ભાવો કર્યા છે; એ કોઈ ભાવો ઉપાદેય નથી. આત્માનો નિશ્ચય સ્વભાવ જ ઉપાદેય
છે, એમ તમે શ્રદ્ધા કરો.
નિયમસાર–પ્રવચનોમાંથી

PDF/HTML Page 18 of 23
single page version

background image
માગશર: ૨૪૭૬ : ૩૫:
તે જ સાચો પરમાર્થ છે. અથવા પરમ પદાર્થ એટલે મોક્ષ, તેનો ઉપાય કરવો એટલે કે આત્માની સમજણ કરવી
તે જ પરમાર્થ છે. પરંતુ હું પરની સેવા વગેરે કામ કરી શકું એમ માનવું તે પરમાર્થ નથી, પણ એ માન્યતામાં તો
આત્માના પરમાર્થનું ખૂન થાય છે. કોઈ આત્મા પરનાં કામ કરી શકતો જ નથી. ધર્મ સભામાં જૈન પરમાત્મા
સર્વજ્ઞદેવે કહ્યો તે આ ધર્મ! જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું જૈન તીર્થંકરોએ જાણીને જાહેર કર્યું તે આ છે, આવું વસ્તુ
સ્વરૂપ સમજવું તે ધર્મ છે.
(૧૩) પ્રશ્ન:– આ ધર્મથી સમાજને તો કાંઈ લાભ થયો નહિ?
ઉત્તર:– વસ્તુનું સત્ય સ્વરૂપ તો આ પ્રમાણે જ છે. સમાજના જીવોને સત્યથી લાભ થાય કે અસત્યથી?
બધાને સત્યથી જ લાભ થાય. જે સત્યથી એકને લાભ થાય તેનાથી જ અનંતને લાભ થાય. સંસારના જીવો
સત્ય વસ્તુ સ્વરૂપ સમજ્યા નથી તેથી જ તેઓ દુઃખી છે, જો સત્ય વસ્તુસ્વરૂપ સમજે તો દુઃખ ટળે અને સુખનો
લાભ થાય. સત્ય સમજ્યા વગર કોઈને લાભ થાય નહિ અને સત્યથી કદી કોઈને નુકશાન થાય નહીં. જે જીવોને
નુકશાન થાય છે તે તેમને પોતાના અસત્ય ભાવનું (–મિથ્યા સમજણથી) જ થાય છે. આ સત્યમાં તો લાભનો
જ ધંધો છે, તેમાં કોઈને નુકશાન છે જ નહિ.
(૧૪) ખરેખર આત્માના શુદ્ધસ્વભાવની અપેક્ષાએ રાગ પણ અસત્ છે, તે રાગથી સ્વને કે પરને લાભ
થતો નથી; જુઓ, જે રાગના નિમિત્તે તીર્થંકર નામકર્મ બંધાય તે રાગથી પણ કોઈને ખરેખર લાભ થતો નથી.
કેમ કે તે જીવને પોતાને વર્તમાનમાં તે રાગને લીધે વીતરાગદશા અટકી છે, જ્યારે સ્વભાવના જોરે તે રાગને
છેદશે ત્યારે વીતરાગતા અને મુક્તિ થશે. માટે તે રાગથી સ્વને લાભ નથી, હવે તે રાગથી પરને પણ લાભ નથી
તે વાત સમજાવવામાં આવે છે. પ્રથમ તો તે રાગના નિમિત્તે જે તીર્થંકર નામકર્મ બંધાયું તેનું ફળ તો તે રાગનો
અભાવ થયા પછી જ આવે છે અર્થાત્ જ્યારે તે રાગ છેદીને કેવળજ્ઞાન પ્રગટ કરે છે ત્યારે જ તે તીર્થંકર નામકર્મ
ઉદયમાં આવે છે ને દિવ્યધ્વનિ છૂટે છે. હવે જ્યાં સુધી દિવ્યધ્વનિ સાંભળનારનું લક્ષ વાણી ઉપર છે ત્યાં સુધી તે
જીવને વિકલ્પ અને રાગની ઉત્પત્તિ થાય છે, જ્યારે વાણીનું લક્ષ છોડીને પોતે પોતાના સ્વ લક્ષે ઠરે ત્યારે જ
સમ્યગ્દર્શનાદિનો લાભ થાય છે. માટે નક્કી થયું કે રાગથી પરને પણ લાભ થતો નથી. પોતાને સ્વ લક્ષે લાભ
થયો ત્યાં ઉપચારથી એમ કહેવાય કે ભગવાનની વાણીથી અપૂર્વ લાભ થયો. અથવા તો ‘ઉદય શ્રી જિનરાજનો,
ભવિ જીવને હિતકાર.’ પણ એ માત્ર ઉપચારનું કથન છે, ખરેખર પરથી લાભ થયો નથી, પોતાના રાગથી પણ
લાભ થયો નથી, સ્વભાવના આશ્રયે જ લાભ થયો છે.
(૧પ) આ તો પોતાના આત્માની વાત છે, સત્યનું સ્વરૂપ છે. ડાહ્યો જિજ્ઞાસુ કુંભાર પણ હા પાડે તેવું
છે; તો જન કુળમાં આવીને ‘મને ન સમજાય’ એમ કેમ કહેવાય? રુચિથી ધ્યાન રાખે તો આત્માને ન સમજાય
એવું કાંઈ છે જ નહિ. અત્યારે તો સત્યની સમજણ કરીને હા પાડનારા વધતા જાય છે–એ અપેક્ષાએ કાળ સારો
છે. સત્યની હા પાડનાર વિનયથી નિમિત્તનું બહુમાન કરે છે, પણ પરમાર્થથી તો પોતાને જે સ્વભાવ સમજાયો
તેનું જ બહુમાન કરે છે, ખરેખર કોઈ પરનું બહુમાન કરતા જ નથી.
(૧૬) પ્ર્રશ્ન:– કોઈ કોઈનું બહુમાન કરી શકતું નથી આમ જો માનીએ તો તીર્થંકરોનો અવિનય નહિ થઈ જાય?
ઉત્તર:– તીર્થંકરોનો વિનય કહેવો કોને? તીર્થંકર ભગવાન વીતરાગ છે, ખરેખર રાગ વડે તેમનો વિનય
થતો નથી. જેમ તીર્થંકર પ્રભુએ પોતે કર્યું અને કહ્યું તે પ્રમાણે સમજવું અને ભગવાન ચૈતન્ય જ્યોતનું બહુમાન
કરીને તેમાં ઠરવું–તે જ તીર્થંકરોનો સાચો વિનય છે. સત્ સમજવાથી વિનય જાય નહિ પણ સત્ સમજવાથી જ
સત્ની ખરી ભક્તિ અને ખરો વિનય થાય છે. પહેલાંં અજ્ઞાનપણે કુદેવાદિ પાસે માથાં ઝુકાવતો; તેને હવે સાચું
સમજતાં વીતરાગ નહિ થાય ત્યાં સુધી વચ્ચે સત્ નિમિત્તોનો વિનય, ભક્તિ ને બહુમાન આવ્યા વગર રહેશે
નહિ; પણ ત્યાં પરમાર્થે પરનું બહુમાન નથી પણ પોતાના ભાવનું જ બહુમાન છે. જ્ઞાનીઓ પોતાના સ્વભાવને
જ સર્વોત્કૃષ્ટ જાણીને તેનો આદર કરે છે. સ્વભાવના આદરમાં તીર્થંકરોનો વિનય સમાઈ જાય છે.
શ્રી આનંદઘનજી કહે છે કે
અહો અહો મુજને કહું, નમો મુજ નમો મુજ રે...
અમિત ફળ દાન દાતારની જેથી ભેટ થઈ તુજ રે...

PDF/HTML Page 19 of 23
single page version

background image
: ૩૬: આત્મધર્મ: ૭૪
જ્યાં પોતાના પરિપૂર્ણ સ્વભાવનું ભાન થયું ત્યાં બહારમાં કોનો મહિમા કરે? તેથી પોતે પોતાને જ
નમસ્કાર કરે છે. ખરેખર જ્યારે પોતે પોતાનું સ્વરૂપ સમજીને બહુમાન કરે છે ત્યારે શુભરાગને લીધે
‘તીર્થંકરાદિનું બહુમાન કર્યુ’ એમ ઉપચારથી કહેવાય છે. પરંતુ વિકારને જ જે પોતાનું સ્વરૂપ માને છે તે
પોતાના પવિત્ર નિર્વિકાર સ્વરૂપનો અનાદર કરે છે. અને જે પોતાના પવિત્ર સ્વરૂપનો અનાદર કરે છે તે
અનંતા તીર્થંકરોનો અનાદાર કરે છે; કેમકે ભગવાને જેમ કર્યું અને જેમ કહ્યું તેનાથી તે વિરુદ્ધ કરે છે.
(૧૭) કોઈ પણ સંયોગી ચીજ રાગ–દ્વેષનું કારણ નથી, કેમ કે જો હું પોતે પુરુષાર્થની નબળાઈથી પર
લક્ષ ન કરું ને સ્વભાવમાં ઠરું તો રાગ–દ્વેષ થતા નથી. આમ જાણ્યું ત્યાં અનંતા નિમિત્તોનું પડખું શ્રદ્ધામાંથી
ટળી ગયું–અર્થાત્ નિમિત્ત ઉપરની દ્રષ્ટિ ટળી ગઈ, અને સ્વભાવમાં વળ્‌યો. હવે જેમ જેમ જ્ઞાતા દ્રષ્ટા
સ્વભાવમાં એકાગ્ર થવા માંડયો તેમ તેમ રાગ–દ્વેષ ઓછા થવા માંડયા. સ્વભાવમાં આવતાં રાગ તૂટવા
માંડયો ને પર્યાયની નિર્મળતા વધવા લાગી, તેનું કારણ કોઈ રાગ કે પરનું અવલંબન નથી પણ અંદરની
ત્રિકાળ ચેતનશક્તિ જ છે. બસ, જેટલો દ્રષ્ટા સ્વભાવમાં એકાગ્ર થયો તેટલો તો રાગ ટળ્‌યો અને નબળાઈથી
જે અલ્પ રાગ રહ્યો તેનો જાણનાર રહી ગયો. આમાં નિમિત્ત, પુરુષાર્થની નબળાઈ, પર્યાય અને ત્રિકાળી
સ્વભાવ એ ચારે સિદ્ધ થઈ જાય છે પણ તેમાં આશ્રય તો એક ત્રિકાળી સ્વભાવનો જ કરવાનું આવે છે.
(૧૮) નિમિત્તોને દેખવાથી રાગ–દ્વેષ થતા નથી, કેમ કે કેવળી ભગવાન પણ નિમિત્તોને દેખે છે છતાં
તેમને રાગ–દ્વેષ થતા નથી. સૂંવાળી પથારી તે રાગનું કારણ નથી ને કાંટા ભોંકાય તે દ્વેષનું કારણ નથી. –
આમ બધાય નિમિત્તોમાં લાભ–નુકશાનપણાની તથા રાગ–દ્વેષપણાની માન્યતા છૂટી જતાં વીતરાગી
અભિપ્રાય થયો; ને અનંત નિમિત્તોની દ્રષ્ટિથી પાછો ખસીને પોતાની તરફ જોવા માંડયો.
(૧૯) પોતાની પર્યાયમાં પુરુષાર્થની નબળાઈથી જે રાગ–દ્વેષ થાય છે તે કોના આધારે ટળે? પ્રથમ
તો કોઈ નિમિત્તના કારણે તે રાગ–દ્વેષ થતા નથી માટે નિમિત્તના આધારે તે ટળે નહિ, તેમ જ રાગના
આધારે પણ રાગ ટળે નહિ. રાગ તે સ્વભાવને મદદગાર નથી કેમકે જેમ જેમ સ્વભાવ તરફ વિશેષ વલણ
થતું જાય છે તેમ તેમ રાગ ટળતો જાય છે, ને નિર્મળદશા થતી જાય છે. તે નિર્મળદશાના આધારે (અર્થાત્ તે
પર્યાયના લક્ષે) પણ રાગાદિ ટળતા નથી. પણ તે પર્યાય સામાન્ય સ્વભાવના આધારે આવે છે, તે
સ્વભાવના આધારે જ રાગાદિ ટળી જાય છે. એ રીતે સામાન્યના આધારે વિશેષ છે ને રાગ–દ્વેષના અભાવે
વિશેષ છે, વિશેષની નિર્મળતામાં સામાન્ય સ્વભાવની આશ્રયની અસ્તિ છે ને રાગ–દ્વેષની નાસ્તિ છે,
એકનો આધાર છે ને બીજાનો અભાવ છે. આ રીતે પર્યાયની નિર્મળતા વધવાનું એટલે કે મોક્ષમાર્ગનું ને
મોક્ષનું કારણ કોઈ નિમિત્તો નથી, રાગ નથી પૂર્વ અવસ્થા નથી પણ ત્રિકાળ સામાન્ય સ્વભાવ જ તેનું કારણ
છે. એટલે મોક્ષાર્થીઓએ સામાન્ય સાથે જ વિશેષને એકમેક કરવાનું રહ્યું.–આ જ મોક્ષનો ઉપાય છે. આમાં
સ્વમાં અભેદ કરવાની જ વાત છે, પહેલાંં ભેદનો વિકલ્પ ઊઠે છે પણ તે ઉપાય નથી, ભેદ તોડીને અભેદ થઈ
જવું તે જ ઉપાય છે. અભેદમાં આવતાં જ ભેદ તૂટી જાય છે.
(૨૦) શ્રી કુંદકુંદ પ્રભુજીએ બે હજાર વર્ષ પહેલાંં આ રચના કરી છે, અને એક હજાર વર્ષ પહેલાંં શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવે તેની ટીકા રચી છે, તેનો આ વિસ્તાર થાય છે, તે જીવોને સમજી શકાય તે માટે જ છે.
છતાં જે સમજી શકવાની ના પાડે તે જીવ બંનેનો (–સમજાવનાર અને સમજનારનો) અપરાધ–અવિનય કરે
છે, એટલે ખરેખર તે પોતાની સમજણનો જ અપરાધ કરે છે.
આચાર્ય પ્રભુને જે વિકલ્પ આવ્યો છે તે વિકલ્પ સ્વભાવના આશ્રયે ક્ષણેક્ષણે ટળતો જાય છે;
બહારમાં શબ્દોની (ગ્રંથ રચનાની) ક્રિયા સ્વયં થતી જાય છે અને આચાર્ય પ્રભુનું વલણ ક્ષણે ક્ષણે વિશેષ
નિર્મળપણે અંતરમાં ઢળતું જાય છે. આચાર્યદેવને વિકલ્પ ઊઠ્યો ને જે શાસ્ત્રો રચાણાં, –એવા મહાન પવિત્ર
યોગે આ કાળે રચાઈ ગયેલાં આ શાસ્ત્રો સમજવાને લાયક જીવો ન હોય એ તો બને જ કેમ? હજારો પાત્ર
જીવો સમજવાની તૈયારીવાળા છે અને એકાવતારીઓ પણ આ કાળે હોય છે. જો આ કાળે આત્મસ્વભાવ ન
સમજી શકાતો હોય તો સંતોની વાણી, ટીકા, શાસ્ત્રરચનાનો અને કહેનારનો વિકલ્પ એ બધું મફતમાં વ્યર્થ
જાય છે. સમજાય છે આમાં?

PDF/HTML Page 20 of 23
single page version

background image
માગશર: ૨૪૭૬ : ૩૭:
(શ્રોતા: જી હા, સાહેબ! સમજાય છે તો ખરું. પણ આમાં ધ્યાન બહુ જ રાખવું પડે છે!)
(૨૧) કયે ઠેકાણે ધ્યાન રાખ્યા વગર સમજાય? પૈસા પેદા થવાની, કે સગપણ વગેરેની જે વાત પોતાને
ગોઠે છે તેમાં કેવું ધ્યાન રાખે છે? તો સ્વભાવ સમજવા માટે તો અપૂર્વ એકાગ્રતા જોઈએ જ. વકીલાતનું જ્ઞાન
તેમાં ધ્યાન રાખ્યા વગર થતું નથી, રસોઈ કેમ થાય તેનું જ્ઞાન તેમાં ધ્યાન રાખ્યા વગર થતું નથી તેમ આત્માની
સમજણ પણ ધ્યાન વગર થતી નથી. ધ્યાન રાખવું એટલે કે જ્ઞાનને તે તરફ એકાગ્ર કરવું. જો સ્વભાવ તરફ
જ્ઞાનને એકાગ્ર કરે તો જરૂર સમજાય.
(૨૨) જેટલી દેખવાની નિર્મળ અવસ્થા થાય તેની એકતા આત્મામાં છે, પણ જે પુણ્યની વૃત્તિ ઊઠે–
ગુણ–ગુણી ભેદની શુભ વૃત્તિ ઊઠે તેની એકતા આત્મામાં નથી. પુણ્ય–પાપ રહિત જેટલી સ્વભાવદશા છે તે જ
મુક્તિમાં જઈને મળે છે, પુણ્ય પાપના ભાવો તો બીજી જ ક્ષણે છૂટી જાય છે. આ રીતે, પરથી તો જુદો પાડયો
અને પોતામાં પણુ ભંગભેદનો આશ્રય છોડાવીને અભેદ અનુભવમાં લાવે છે. આ પ્રમાણે ઠેઠ મુક્તિની નજીક
લાવ્યા. અભેદનો અનુભવ તે જ મોક્ષનો ઉપાય છે. હે જીવ! બધા પરાશ્રય ભાવ અને ભેદભંગને પડતા મૂકીને
અભેદ સ્વભાવ તરફ વળ. અજ્ઞાની જીવ પણ પરનું કાર્ય તો કરી શકતો નથી. તો પછી જ્ઞાની તો તે વિકલ્પ પણ
કેમ કરે? પર લક્ષે થતા વિકલ્પથી પણ ખસીને નિર્વિકલ્પ સ્વભાવ તરફ ઢળવું તે જ મુક્તિનો ઉપાય છે. હું
દેખતા માટે જ દેખું છું’ એટલે કે દેખનારની પર્યાય દેખવારૂપ સ્વભાવમાં જ ટકી રહે એ માટે હું દ્રષ્ટાપણે દેખું જ
છું. ચેતનાનું સળંગપણું છે તે સ્વભાવની એકતામાં જાય છે.
(૨૩) જુઓ, આ અંતરની સૂક્ષ્મ વાત છે. આત્માનો મોક્ષ કેમ થાય તેની આવાત છે. આત્મા ને પરથી
તથા પુણ્ય–પાપથી છૂટો ઓળખીને સ્વભાવનો અનુભવ કેમ કરવો તેની આ વાત છે. સ્વરૂપમાં ઢળીને એકદમ
મોક્ષ લેવાની આ વાત છે. હું દ્રષ્ટાસ્વરૂપે દેખું જ છું, દેખતાને જ દેખું છું, દેખતામાં–દેખતાવડે–દેખતા માટે જ દેખું
છું–ઈત્યાદિ છ કારક સંબંધી વિકલ્પો વચ્ચે આવી જાય છે પરંતુ તે વિકલ્પમાં અટક્યા વગર, ચેતનાને સ્વભાવ
તરફ લંબાવીને–એકાગ્ર કરીને–ચેતન માત્ર ભાવમાં સ્થિર થઈને હું મને દેખું છું–આવો અભેદ અનુભવ કરવાની
આ જાહેરાત છે, આચાર્ય ભગવાન અભેદ સ્વરુપનો અનુભવ કરવા માટે મોક્ષાર્થી જીવોને આમંત્રણ કરે છે.
(૨૪) હું દેખું છું–મને દેખું છું–ઈત્યાદિ છ કારક ભેદના વિકલ્પ હોવા છતાં તે છએ કારકમાં દેખનારો તો
એક જ કાયમ સળંગ છે, દેખનાર છ ભેદરૂપ થઈ જતો નથી. અહીં નિમિત્તથી દેખું છું કે રાગથી દેખું છું કે
ઈન્દ્રિયોથી દેખું છું –એવી તો વાત જ નથી, કેમકે એ બધાનું લક્ષ છોડીને હવે સ્વભાવ તરફ વળે છે, ને સ્વભાવ
તરફ વળતાં વળતાં વિકલ્પ ઊઠે છે તેનો નિષેધ કરે છે.
હવે છ કારક ભેદના જે વિકલ્પ ઊઠે છે તેનો નિષેધ કરે છે. –“હું નથી દેખતો, નથી દેખતો થકો દેખતો,
નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી દેખતામાંથી દેખતો, નથી દેખતામાં દેખતો કે નથી
દેખતાને દેખતો. પરંતુ સર્વ વિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું.” આ રીતે ધર્મી આત્માનો અનુભવ કરે છે અને તે જ
મોક્ષનો ઉપાય છે.
(૨પ) અહીં “હું નથી દેખતો” ઈત્યાદિ પ્રકારો કહ્યા છે તેમાં કાંઈ દેખવાપણાનો નકાર કર્યો નથી પરંતુ
‘હું’ અને ‘દેખનાર’ એવા જે ગુણગુણી ભેદ પડે છે તેનો નકાર કર્યો છે. અનુભવ વખતે આત્મામાંથી દ્રષ્ટા
શક્તિ ચાલી જતી નથી પરંતુ ‘હું દ્રષ્ટા છું’ એવો વિકલ્પ હોતો નથી. અહીં દ્રષ્ટા શક્તિ સંબંધી વિકલ્પ તોડીને
અભેદમાં ઠરવા માટે આ વાત લીધી છે. ભેદનો નકાર કરવામાં પણ વિકલ્પ છે. ‘મારામાં ભેદ નથી’ એમ
ભેદનો નકાર કરવામાં પણ નિષેધનો વિકલ્પ છે. માટે ખરેખર ‘ભેદનો નિષેધ કરું’ કે ‘વિકલ્પ ટાળું એવા લક્ષે
ભેદનો વિકલ્પ ટળતો નથી, પણ અભેદના અનુભવમાં ઠરતાં જ ભેદનો વિકલ્પ ટળી જાય છે. પરંતુ સમજાવવું
કઈ રીતે? કથનમાં તો ભેદ પડ્યા વિના રહે નહિ. અનુભવ વખતે વિકલ્પ ન હોય પણ જ્યારે અનુભવનું વર્ણન
કરવા બેસે ત્યારે તો (છદ્મસ્થને) વિકલ્પ હોય છે ને કથનમાં ભેદ આવે છે. જો સમજનાર પોતે આશયને
સમજીને અભેદને લક્ષમાં લઈ લ્યે તો જ તે વસ્તુને અનુભવી શકે.
(૨૬) ધર્માત્મા જીવ અથવા તો ધર્મી થવાની તૈયારીવાળો જીવ ભાવના કરે છે કે હું એક અખંડ
ચેતનાર સ્વભાવ છું. ‘હું’ અને ‘દેખનાર’ એવા બે ભેદ મારામાં કેવા? આમાં ચેતનાને વિશેષ લંબાવીને
સ્વભાવ સાથે એકતા કરીને વિકલ્પ તોડવાના પુરુષાર્થની ઉગ્રતા છે.