Atmadharma magazine - Ank 079
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
ધ ર્મ નું મૂ ળ સ મ્ય ગ્ દ ર્શ ન
વૈશાખ : સંપાદક : વર્ષ: સાતમું
૨૦૬ રામજી માણેકચંદ દોશી અંક સાતમો
વકીલ
ધર્મ કરનાર જીવે શું જાણવું?
આત્માનો ધર્મ ક્યાં થાય? તે જાણ્યાં વગર કોઈ જીવને ધર્મ
થાય નહિ. આત્માનો ધર્મ ક્યાંય પરમાં થતો નથી પણ આત્માના
પર્યાયમાં થાય છે. પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવ તરફ જે પર્યાય ઢળે
તે પર્યાયમાં ધર્મ થાય છે. જેને ધર્મ કરવો છે તેણે પહેલાંં એમ તો
કબૂલ કરવું જોઈએ કે હું આત્મા છું, મારામાં જ્ઞાન વગેરે અનંત
શક્તિઓ ત્રિકાળ છે, અને સમયે સમયે મારી અવસ્થા બદલાય છે. તે
બદલતી અવસ્થા પરનો આશ્રય કરે છે તે અધર્મ છે, ને પરનો આશ્રય
છોડી, રાગરહિત થઈને સ્વભાવ તરફ વળીને સ્વભાવમાં એકાગ્ર થતાં
જે દશા પ્રગટે તે ધર્મ છે. અને સ્વભાવમાં પૂરેપૂરી એકાગ્રતા થતાં
પૂર્ણદશા–કેવળજ્ઞાન પ્રગટે છે. તે કેવળજ્ઞાન જેમને પ્રગટ્યું છે એવા દેવ
કેવા હોય? તેમની વાણીરૂપ શાસ્ત્રો કેવાં હોય? અને તે કેવળજ્ઞાનને
સાધનારા ગુરુ કેવા હોય? તેની ઓળખાણ પહેલાંં તો ધર્મ કરનાર
જીવને હોવી જોઈએ.
(– ભેદવિજ્ઞાનસાર)
છૂટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય : મોટા આંકડિયા : કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૧૨૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
• ધર્માત્મા વગર ધર્મ હોતો નથી •
न धर्मो धार्मिकैर्विना

ધર્મ ધર્માત્માઓ વિના હોતો નથી. જેને ધર્મની રુચિ હોય તેને ધર્માત્મા પ્રત્યે રુચિ હોય જ. ધર્મી જીવો
પ્રત્યે જેને રુચિ નથી તેને ધર્મની જ રુચિ નથી. જેને ધર્માત્મા પ્રત્યે રુચિ અને પ્રેમ નથી તેને ધર્મની રુચિ અને
પ્રેમ નથી, અને ધર્મની રુચિ નથી તેને ધર્મી એવા પોતાના આત્માની જ રુચિ નથી. ધર્મીની રુચિ ન હોય અને
ધર્મની રુચિ હોય એમ બને જ નહિ. કેમકે ધર્મ તો સ્વભાવ છે, તે ધર્મી વગર હોતો નથી. ધર્મ પ્રત્યે જેને રુચિ
હોય તેને કોઈ ધર્માત્મા ઉપર ક્રોધ–અરુચિ, અપ્રેમ હોય જ નહિ. જેને ધર્માત્માનો પ્રેમ નથી તેને ધર્મનો પ્રેમ નથી
અને જેને ધર્મનો પ્રેમ નથી તે મિથ્યાદ્રષ્ટિ છે. જે ધર્માત્માનો તિરસ્કાર કરે છે તે ધર્મનો જ તિરસ્કાર કરે છે, કેમકે
ધર્મ અને ધર્મી જુદાં નથી.
શ્રી રત્નકરંડ શ્રાવકાચારની ૨૬મી ગાથામાં શ્રી સમન્ત–ભદ્રાચાર્યે કહ્યું છે કે– “न धर्मो धार्मिकैर्विना”
એમાં બે પડખેથી વાત કરી, એક તો જેને પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપની અરુચિ છે તે મિથ્યાદ્રષ્ટિ છે; અને બીજું
જેને ધર્મના સ્થાનો પ્રત્યે–ધર્મી જીવો પ્રત્યે–અરુચિ છે તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. તેનાથી વિરુદ્ધ બે પડખાં લઈએ તો
જેને ધર્મની રુચિ છે તેને આત્માની રુચિ છે, અને બીજામાં જ્યાં જ્યાં ધર્મ જુએ છે ત્યાં ત્યાં તેને પ્રમોદ આવે
છે. જેને ધર્મની રુચિ થઈ છે તેને ધર્મસ્વભાવી આત્માની રુચિ હોય જ અને ધર્માત્માઓની રુચિ પણ હોય જ.
અંતરમાં જેને ધર્મી જીવો પ્રત્યે કાંઈપણ અરુચિ થઈ તેને ધર્મની અરુચિ છે. આત્માની તેને રુચિ નથી.
જેને આત્માનો ધર્મ રુચ્યો છે તેને જ્યાં જ્યાં ધર્મ જુએ ત્યાં ત્યાં પ્રમોદ અને આદરભાવ આવ્યા વગર
રહે નહિ. ધર્મ–સ્વરૂપનું ભાન થયા પછી હજી પોતે વીતરાગ થયો નથી એટલે પોતાને પોતાના ધર્મની પૂર્ણતાની
ભાવનાનો વિકલ્પ ઊઠે છે. અને પોતાના ધર્મની પ્રભાવનાનો વિકલ્પ ઊઠતાં જ્યાં જ્યાં ધર્મી જીવોને જુએ છે
ત્યાં ત્યાં તેને રુચિ, પ્રમોદ અને ઉત્સાહ આવે જ છે; ખરેખર તો તેને પોતાના અંતરંગ ધર્મની પૂર્ણતાની રુચિ છે.
ધર્મનાયક તીર્થંકર દેવાધિદેવ અને મુનિ–ધર્માત્માઓ, સદ્ગુરુ, સમકિતી જ્ઞાનીઓ એ બધા ધર્માત્માઓ–ધર્મનાં
સ્થાનો છે, તેમના પ્રત્યે ધર્માત્માને આદર–પ્રમોદભાદ ઊછળ્‌યા વગર રહેતો નથી; જેને ધર્માત્માઓ પ્રત્યે અરુચિ
છે તેને પોતાના ધર્મની અરુચિ છે, પોતાના આત્મા ઉપર ક્રોધ છે.
જેનો ઉપયોગ ધર્મી જીવોને હીણા બતાવીને પોતાની મોટાઈ લેવાના ભાવરૂપ થયો છે, ધર્મીનો વિરોધ
કરીને જે મોટાઈ ઈચ્છે છે તે પોતાના આત્મકલ્યાણનો વેરી છે–મિથ્યાદ્રષ્ટિ છે. ધર્મ એટલે સ્વભાવ, અને તેનો
ધારણ કરનાર ધર્મી એટલે આત્મા. જેને ધર્માત્માની અરુચિ તેને ધર્મની અરુચિ, ધર્મની અરુચિ તેને આત્માની
અરુચિ, અને આત્માની અરુચિપૂર્વકના જે ક્રોધ, માન, માયા, લોભ હોય તે અનંતાનુબંધી માન, અનંતાનુબંધી
માયા, અને અનંતાનુબંધી લોભ હોય...એટલે જે ધર્માત્માનો અનાદર કરે છે તે અનંતાનુબંધી રાગદ્વેષવાળો છે
અને તેનું ફળ અનંત સંસાર છે.
જેને ધર્મની રુચિ છે તેને પરિપૂર્ણ સ્વભાવની રુચિ છે. તેને બીજા ધર્માત્માઓ પ્રત્યે અણગમો કે
અદેખાઈ ન હોય. પોતા પહેલાંં બીજો કેવળજ્ઞાન પામીને સિદ્ધ થઈ જાય તો તેને ખેદ ન થાય પણ અંતરથી
પ્રમોદ જાગે, કે અહા! ધન્ય છે આ ધર્માત્માને! જે મારે જોઈએ છે તે તેમણે પ્રગટ કર્યું છે, મને તેની રુચિ છે,
આદર છે, ભાવના છે. એમ બીજા જીવોના ધર્મની વૃદ્ધિ જોઈને ધર્માત્મા પોતાના ધર્મની પૂર્ણતાની ભાવના કરે
છે એટલે તેને બીજા ધર્માત્માઓને જોઈને હરખ આવે છે, ઉલ્લાસ આવે છે. અને એ રીતે ધર્મનો આદરભાવ
હોવાથી તે પોતાની ધર્મની વૃદ્ધિ કરીને પૂર્ણ ધર્મ પ્રગટ કરી સિદ્ધ થઈ જવાના...............!

PDF/HTML Page 4 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૨૩ :
ધર્મી જીવ શું કાર્ય કરે છે?
વીર સં. ૨૪૭૬ ચૈત્ર સુદ ૧૨. રાજકોટમાં શ્રી સમયસાર કર્તાકર્મઅધિકાર ગા. ૭ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન.
જેમ સર્વજ્ઞ ભગવાનને રાગાદિ ભાવો નથી, તેઓ એકલું જાણવાનું જ કામ કરે છે, તેમ ધર્મી જીવ પણ શું
એકલું જાણવાનું જ કાર્ય કરે છે કે બીજું કાંઈ કરે છે? તે વાત ચાલે છે. જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવની રુચિ કરીને તેની સન્મુખ
પરિણમતાં જે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના વીતરાગી અંશ પ્રગટ્યા તે ધર્મીનું કાર્ય છે. પરની અવસ્થાનું કામ તો અજ્ઞાની
જીવ પણ કરી શકતો નથી. અજ્ઞાની જીવ પોતાનો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે તેને ન માનતાં વિકારને કર્મ તરીકે સ્વીકારે છે
એટલે વિકારનો કર્તા થાય છે, અને પરનાં કામ હું કરું એમ તે માને છે. ‘હું કર્તા અને વિકાર મારું કાર્ય, હું કર્તા અને
પર મારું કાર્ય’ એમ વિકાર અને પર સાથે કર્તાકર્મપણાની માન્યતા તે અધર્મ છે.
અજ્ઞાની જીવને પોતાના પરિણામ કેમ થાય છે તેની પણ ખબર નથી. હવે શુદ્ધસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન થતાં
જ્ઞાની ધર્માત્મા પોતાના અનેક પ્રકારના પરિણામને જાણે છે. અજ્ઞાનદશામાં જીવ રાગાદિ પરિણામને કરતો હતો અને
અજ્ઞાનથી જડનું કરવાનું માનીને મિથ્યાત્વ પરિણામનો કર્તા થતો; તેને પોતાના પરિણામની કે પરના પરિણામની
ખબર ન હતી; પોતાનો અજ્ઞાનભાવ કેમ થાય છે તેની કે સર્વજ્ઞદેવે કહેલા શાસ્ત્રોની તેને ખબર ન હતી. હવે સ્વસન્મુખ
જ્ઞાની થયો તે જ સ્વ–પરને બરાબર જાણે છે. જ્ઞાની જીવ સ્વસન્મુખ રહીને પરને અને રાગાદિને જાણતો હોવા છતાં
તેનો કર્તા થતો નથી–એ વાત ૭૬મી ગાથામાં લીધી. હવે આ ગાથામાં પોતાના નિર્મળ પરિણામને જાણવાની વાત છે.
હું જ્ઞાનમૂર્તિ શુદ્ધ આત્મદ્રવ્ય છું–એમ સ્વસન્મુખ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના જે નિર્મળ અરાગી પરિણામ થયા તે
પોતાના પરિણામને જ્ઞાની જાણે છે. અહીં રાગાદિ ભાવ તે પર પરિણામમાં જાય છે. ધર્મીનાં ધર્મપરિણામ નિર્વિકલ્પ,
રાગરહિત શુદ્ધ અરૂપી છે.
સ્વભાવસન્મુખ જે શ્રદ્ધા–જ્ઞાન થયા તે પરિણામનો ખ્યાલ પોતાને આવી ગયો કે–અહો, હું સમ્યગ્દ્રષ્ટિ થયો–
સમ્યગ્જ્ઞાની થયો, મારે હવે ભવભ્રમણ નથી. અહો, આત્મદ્રવ્ય! હું સત્–સ્વભાવથી ભરેલો જ્ઞાનમૂર્તિ છું. સર્વજ્ઞદેવ બધું
જાણવાનું જ કામ કરે છે, જાણવા સિવાય રાગનું કે પદાર્થોમાં ફેરફાર કરવાનું કામ કરતા નથી, તેમ સ્વભાવસન્મુખ
રહીને હું પણ મારામાં જાણવાનું જ કામ કરું છું. આ પ્રમાણે વીતરાગી દ્રવ્યના આશ્રયે થયેલા અરૂપી નિર્મળ પરિણામને
ધર્મી જાણે છે–તે જાણવારૂપ કાર્યને કરે છે, પણ તેથી કાંઈ પર પરિણામનો કર્તા થતો નથી.
અહીં કહ્યું કે ધર્મી પોતાના પરિણામને જાણે છે એટલે પોતાના ધર્મપરિણામની પોતાને ખબર પડે છે,
કેવળીભગવાનને પૂછવા જવું પડતું નથી. નીચલી દશામાં જ્ઞાનીને સ્વ–પરનું બરાબર ભાન છે, નિમિત્ત અને પર
તરફના વલણની બુદ્ધિ તો તેને ખસી જ ગઈ છે, અને અવસ્થામાં નબળાઈથી જે પુણ્ય–પાપ થાય છે તેની પણ રુચિ
નથી. ધર્મી તો પોતાના સ્વભાવના આશ્રયે નિર્દોષ પરિણામને જ કરે છે. તે પોતાના સ્વભાવના આશ્રયે થયેલી નિર્દોષ
પર્યાયને સમ્યગ્દ્રષ્ટિ જાણે છે.
પ્રશ્ન :– આત્માનો સ્વભાવ જ્ઞાતા હોવા છતાં વિકારનો કર્તા ક્યાંથી થઈ ગયો?
ઉત્તર :– આત્માના મૂળ સ્વભાવમાં વિકાર નથી, પણ અવસ્થામાં વિકાર થવાની તેની યોગ્યતા છે. અવસ્થાના
ક્ષણિક વિકારનો દ્રવ્યદ્રષ્ટિમાં સ્વીકાર નથી. દ્રવ્યસ્વભાવ તો અનાદિ એકરૂપ છે, પણ પહેલાંં તેનું ભાન ન હતું, હવે
પોતાની આંખ ઉઘડી ત્યારે તેનું ભાન થયું. જેમ દુનિયા તો પહેલેથી હતી જ, પણ આંખ ઉઘડી ત્યારે મીંદડીના બચ્ચાએ
દુનિયા જોઈ. એટલે દુનિયા નવી થઈ–એમ તેને લાગે છે. તેમ અનાદિ વસ્તુસ્વભાવ શું છે તે જાણ્યો ન હતો અને હવે
જાણવામાં આવ્યો એટલે તેની વાત નવી લાગે છે. પહેલાંં, સ્વ કોણ ને પર કોણ તેનું ભાન ન હતું. ધર્મીને
સ્વભાવસન્મુખ આંખ ઉઘડી ત્યાં સ્વ શું ને પર શું તેને તે જાણે છે. ધર્મીને ખબર પડી કે મારા સ્વભાવે હું જાગ્યો.
અત્યાર સુધી હું ઊંઘતો હતો, મને મારા સ્વભાવની ખબર ન હતી તેમ જ ભગવાન શું કહેવા માંગે છે તેની પણ ખબર
ન હતી. હવે હું સ્વસન્મુખ થઈને જાગ્યો એટલે સ્વપર–પ્રકાશક જ્ઞાનશક્તિ ખીલી, તેથી મારા સ્વભાવની તેમ જ
ભગવાન શું કહે છે તેની ખબર પડી. –આમ ધર્મી પોતાના નિર્મળ પરિણામને જાણે છે, પણ તે રાગને ગ્રહતો નથી,
રાગસન્મુખ તેની બુદ્ધિ નથી.
ભવનું કારણ જે રાગ, તે રાગના અભાવસ્વભાવરૂપ જ્ઞાતાસ્વરૂપમાં અભેદપણે પરિણમન છે તેને ધર્મી જાણે
છે, એટલે તેને ભવની શંકા રહેતી નથી. ધર્મી જીવ પોતાના જ્ઞાતા સ્વસન્મુખ વીતરાગી પરિણામને જાણે છે, પણ
રાગાદિ પર પરિણામને તે પકડતો નથી. ધર્મીને દ્રવ્યસન્મુખ દ્રષ્ટિ છે. જડની અવસ્થાને તો તે નથી પકડતો. પરંતુ અહીં
તો શુભરાગ થાય

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૨૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
કે વ્યવહારનો વિકલ્પ ઊઠે તે પણ પરદ્રવ્યના પરિણામ છે, તેને ય જ્ઞાની પકડતો નથી–ગ્રહતો નથી. ધર્મી જીવ તો
સ્વભાવ–સન્મુખ વીતરાગી પરિણામરૂપે જ થાય છે, અને તેને જ ગ્રહે છે.
પરવસ્તુને કે રાગને ફેરવવાનું તો જ્ઞાની માનતા નથી, અને પોતાની નિર્મળ પર્યાય ફેરવવા ઉપર પણ લક્ષ
નથી; દ્રવ્ય–સ્વભાવની સન્મુખ થતાં પર્યાય નિર્મળપણે ફરી જાય છે. ધર્મી પરને–શરીરની ક્રિયાને ફેરવતો નથી,
વિકલ્પને ફેરવતો નથી અને જે સમયે જે પર્યાય થાય છે. તેને ફેરવવાની બુદ્ધિ નથી, એટલે કે તેને પર્યાય ઉપરની દ્રષ્ટિ
જ છૂટી ગઈ છે. ફક્ત વસ્તુસ્વભાવની સન્મુખ બુદ્ધિ થતાં રાગ ટળીને વીતરાગપણે પર્યાય પલટી જાય છે. કાંઈ પણ
ફેરફાર કરવાનો નથી. વસ્તુ–સ્વભાવને જેમ છે તેમ રાખીને પોતે સ્વભાવદ્રષ્ટિથી નિર્મળપણે પલટી જાય છે. આ
સિવાય પદાર્થોમાં કે પોતાની અવસ્થામાં કાંઈ ફેરફાર કરવા માંગે તો તે મિથ્યાદ્રષ્ટિ છે. સ્વભાવસન્મુખ દ્રષ્ટિ થતાં, શુદ્ધ
સ્વભાવની સન્મુખ જે શ્રદ્ધા–જ્ઞાનની નિર્મળ–પર્યાય થઈ તે પર્યાય પોતે પ્રાપ્યકર્મ છે, ધર્મી આત્મા તેનો કર્તા છે.
જે પર્યાયમાં પુણ્ય–પાપ કે વિકલ્પની રુચિ ટળીને સ્વભાવ તરફ વલણ થયું તે નિર્મળપર્યાય પ્રાપ્ય છે. દ્રવ્યમાં
જે સમયે તે નિર્મળદશા થવાયોગ્ય હતી તે દશાને દ્રવ્યે પ્રાપ્ત કરી, તેથી તે પ્રાપ્યકર્મ છે. સ્વભાવસન્મુખ થતાં તે
નિર્મળદશા પ્રાપ્ત થઈ. તે નિર્મળદશા વ્યાપ્ય છે ને આત્મા વ્યાપક છે. આત્મા તે નિર્મળપર્યાયમાં દ્રવ્યવડે વ્યાપ્યો છે;
પર્યાયબુદ્ધિવડે, રાગવડે કે નિમિત્તવડે આત્મા નિર્મળદશામાં વ્યાપતો નથી પણ દ્રવ્યવડે જ વ્યાપે છે. પરસન્મુખ જે દશા
હતી તે પલટીને વસ્તુસ્વભાવ–સન્મુખ જે દશા થઈ તે દશા સમ્યગ્દ્રષ્ટિનું પ્રાપ્યકર્મ છે, એટલે કે તે જ ધર્મીનું ધર્મકાર્ય છે.
એ સિવાય બહારમાં ક્યાંય ધર્મીનું ધર્મકાર્ય નથી.
જુઓ, સર્વજ્ઞનું શાસન આ છે, ને વસ્તુદર્શન આ જ છે. અહો! શુદ્ધ ચિદાનંદ જ્ઞાતા છું–એમ સ્વસન્મુખ થઈને
જે વીતરાગી શ્રદ્ધા–જ્ઞાનરૂપ પર્યાય પ્રગટી તેને ધર્મીનું પ્રાપ્ય કહેવાય છે. ધર્મી જીવ લંબાઈને–પરિણમીને–તે
નિર્મળદશાને જ પ્રાપ્ત કરે છે; એ સિવાય રાગને, નિમિત્તને કે પરને પ્રાપ્ત કરતા નથી. દ્રવ્ય પોતે લંબાઈને–પ્રસરીને–
ફેલાઈને તે વીતરાગી પર્યાયમાં વ્યાપ્યું–ફેલાયું; એટલે ધર્મી આત્મા કર્તા અને જે નિર્મળ પર્યાય થઈ તે તેનું કર્મ છે.
રાગ તે ધર્મી જીવનું વ્યાપ્ય નથી.
‘વ્યાપ્ય’ લક્ષણ છે અને વીતરાગી પરિણામરૂપી કર્મ તે લક્ષ્ય છે; તેમાં ધર્મી જીવનું દ્રવ્ય પોતે વ્યાપ્યું છે. રાગ કે
નિમિત્ત વ્યાપ્યું તે ધર્મીના ધર્મપરિણામનું લક્ષણ નથી, અર્થાત્ રાગ કે નિમિત્ત લંબાઈને તેમાંથી વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન
પ્રગટ થયા–એમ નથી. આત્મા પોતે વ્યાપ્યો અને નિર્મળપરિણામ તે વ્યાપ્ય થયા. વસ્તુસન્મુખ જે નિર્મળપર્યાય થઈ, તે
પર્યાયમાં આત્મા જ વ્યાપ્યો છે. રાગાદિભાવો થાય તે ખરેખર ધર્મી આત્માનું વ્યાપ્ય નથી, પણ જડ પુદ્ગલનું વ્યાપ્ય
છે. જે જીવની દ્રષ્ટિ રાગના કર્તાપણા ઉપર પડી છે અને રાગને જ પોતાનું વ્યાપ્ય સમજે છે એવા મિથ્યાદ્રષ્ટિનું લક્ષ
પુદ્ગલ ઉપર જ છે, તેથી આચાર્યદેવ તેને અચેતન–જડ તરીકે ગણીને કહે છે કે રાગ તે પુદ્ગલનું જ વ્યાપ્ય છે.
ધર્મીને આત્મસ્વભાવની સન્મુખ દ્રષ્ટિ થઈ, ત્યાં જે નિર્મળ અવસ્થા પ્રગટ થઈ તેમાં આત્મા પરિણમ્યો છે.
સ્વભાવસન્મુખ થતાં, પહેલાંં શ્રદ્ધા–જ્ઞાનની જે દશા પરસન્મુખ હતી તે પરસન્મુખદશા પલટીને સ્વસન્મુખ નિર્મળદશા
પ્રગટ થઈ તેથી તે વિકાર્ય કર્મ છે. એવી નિર્મળ વિકાર્યપર્યાયમાં ધર્મી આત્મા વ્યાપ્યો છે. પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય–
એ ત્રણે બોલ એક જ પરિણામમાં લાગુ પડે છે. દ્રવ્યના ક્રમમાં જે પરિણામ પ્રગટવાનો સ્વકાળ હતો તે પરિણામ
પ્રગટ્યા અને આત્મા તેને પહોંચી વળ્‌યો તેથી તે પરિણામ પ્રાપ્ય છે. અને પૂર્વના પરિણામ પલટીને તે નિર્મળપરિણામ
નવાં પ્રગટ થયા–એ અપેક્ષાએ તે જ પરિણામ વિકાર્ય છે. તથા પહેલાંં તે પરિણામ ન હતા ને આત્માએ નવાં ઉત્પન્ન
કર્યા–એ અપેક્ષાએ તે જ પરિણામ નિર્વર્ત્ય છે. આ રીતે એક જ પરિણામમાં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય–એ ત્રણે બોલ
લાગુ પડે છે, તેમાં સમયભેદ નથી. આત્માએ સ્વભાવસન્મુખ દ્રષ્ટિ કરી તે દ્રષ્ટિરૂપ નિર્મળપર્યાય પોતે પ્રાપ્ય છે તથા તે
જ વિકાર્ય છે અને તે જ નિર્વર્ત્ય છે. આ પ્રમાણે પ્રાપ્ય–વિકાર્ય અને નિર્વર્ત્ય એવું વ્યાપ્યલક્ષણવાળું જે વીતરાગી શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રરૂપ કર્મ છે તેમાં આત્મા જ વ્યાપક છે. તે વીતરાગી નિર્મળપરિણામરૂપી કર્મમાં આદિ–મધ્ય ને અંતમાં
આત્મા જ અંતર્વ્યાપક થઈને કર્તા થાય છે. પહેલાંં સમ્યગ્દર્શન તો આત્માને આશ્રયે થયું, પણ પછી ચારિત્ર તો
પંચમહાવ્રતના શુભરાગથી થતું હશે ને? –એમ કોઈ કહે, તો કહે છે કે–ના, શુભરાગ અંતર્વ્યાપક થઈને વીતરાગી
પરિણામ થયા નથી. પણ વીતરાગી પરિણામરૂપી ધર્મકાર્યમાં પહેલેથી છેલ્લે સુધી આત્મા જ અંતર્વ્યાપક થઈને કર્તા
થાય છે. દ્રવ્ય અને નિર્મળપર્યાય એક અભેદ થઈ ગયા તેથી અહીં ‘અંતર્વ્યાપક’ એમ કહ્યું છે. ખરેખર રાગમાં
અંતર્વ્યાપક આત્મા નથી. દ્રવ્ય જ પોતાના નિર્મળ વીતરાગી પરિણામમાં વ્યાપી ગયું, તેથી ધર્મી આત્મા પોતે
અંતર્વ્યાપક થયો. આ જ કર્તાનું કાર્ય છે, આવું કાર્ય આત્મા કરે તેનું નામ જ ધર્મ છે. વ્યવહાર કે નિમિત્તથી ધર્મ થતો
નથી; દ્રવ્યના આશ્રયે નિર્મળપર્યાય પ્રગટ થતાં ધર્મ થાય છે. નિર્મળપર્યાય પોતે જ ધર્મીનું ધર્મરૂપી કર્તવ્ય છે. તેના
આદિ–મધ્ય ને અંતમાં આત્મા જ અંતર્વ્યાપક છે. શરૂઆતમાં નિમિત્તના લક્ષે વિકલ્પ ઊઠ્યો તે કાંઈ નિર્મળ–દશામાં
વ્યાપક થતો નથી.

PDF/HTML Page 6 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૨૫ :
વસ્તુની પર્યાયો ક્રમબદ્ધ–સર્વજ્ઞભગવાને જોયા પ્રમાણે જ થાય, તેમાં ફેરફાર થાય નહિ. પરવસ્તુની પર્યાયો તેના
દ્રવ્યમાંથી ક્રમબદ્ધ થાય છે અને મારી પર્યાયો મારા દ્રવ્યમાંથી ક્રમબદ્ધ જેમ છે તેમ થાય છે. આ પ્રમાણે, અક્રમ એવા દ્રવ્યમાં
બુદ્ધિ થયા વિના ક્રમનો નિર્ણય થાય નહિ. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં બુદ્ધિ સ્વદ્રવ્યસન્મુખ વળે છે. એટલે ક્રમબદ્ધ
પર્યાયનો નિર્ણય કહો, દ્રવ્યનો નિર્ણય કહો, સર્વજ્ઞનો નિર્ણય કહો, દ્રવ્યદ્રષ્ટિ કહો કે સમ્યગ્દર્શન કહો, તથા જ્ઞાયકભાવ કહો કે
યથાર્થ પુરુષાર્થ કહો,–એમાંથી એક આવે તો તેમાં બધું આવી જાય છે. સર્વજ્ઞને અથવા તો ક્રમબદ્ધપર્યાયને સ્વીકારે એટલે
દ્રવ્યદ્રષ્ટિ તરફ વળ્‌યે જ છૂટકો; એ સિવાય સર્વજ્ઞને કે ક્રમબદ્ધપર્યાયને યથાર્થ સ્વીકારી શકે જ નહિ.
‘સર્વજ્ઞદેવે જોયું હોય તેમ થાય’ –એમ સર્વજ્ઞનો નિર્ણય કર્યો ત્યાં પૂર્ણ જ્ઞાનનો નિર્ણય થયો. એટલે અધૂરું જ્ઞાન
તે મારું સ્વરૂપ નથી પણ પૂર્ણજ્ઞાન તે મારું સ્વરૂપ છે–એમ નક્કી કર્યું; હવે જો પોતાની પર્યાયસન્મુખ જુએ તો પર્યાયમાં
તો પૂરું જ્ઞાન નથી, એટલે દ્રવ્ય તરફ વળે છે. પૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ તરફ ઢળતાં વિકલ્પ તૂટીને સમ્યક્શ્રદ્ધા થઈ, તેનું
નામ અપૂર્વ સમ્યગ્દર્શનધર્મ છે. પહેલાંં અપૂર્ણતામાં ને વિકારમાં જ પૂરું સ્વરૂપ માનતો, તે મિથ્યાશ્રદ્ધા ટળીને પૂર્ણ
જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવની સન્મુખ થઈને તેની શ્રદ્ધા કરી. એટલે હવે અવસ્થામાં અધૂરું જ્ઞાન હોવા છતાં, સર્વજ્ઞભગવાન
જેમ પૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા છે તેમ તે ધર્મી જીવ પણ જ્ઞાતાદ્રષ્ટા થયો.
ઉપર પ્રમાણે વીતરાગી શ્રદ્ધા–જ્ઞાનરૂપ ધર્મપરિણામની શરૂઆત થઈ તેમાં આદિમાં આત્મા જ વ્યાપક છે. પહેલાંં
વ્યવહાર હતો અને તે વ્યાપક થઈને ધર્મદશા પ્રગટી–એમ નથી. આત્મા વ્યાપક થઈને નિર્મળ પર્યાય ખીલી, ત્યારે
વિકલ્પને વ્યવહાર તરીકે જાણ્યો. આ સિવાય, પહેલાંં વ્યવહારથી ધર્મ માને તો તેવો વ્યવહાર તો અનાદિથી કરતો
આવ્યો છે. જે અનાદિથી કરે છે તેને પહેલું કેમ કહેવાય? સમયસારમાં એકલા વ્યવહારને તો અનાદિરૂઢ કહ્યો છે. જેની
દ્રષ્ટિ એકલા વ્યવહાર ઉપર છે તે જીવ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ છે. શરૂઆતમાં આત્મા સન્મુખ વળીને આત્મા
અંતર્વ્યાપક થયા વિના, અજ્ઞાની જીવ ધર્મની આદિમાં રાગને અને વ્યવહારને અંતર્વ્યાપક કરવા માંગે છે, તે જીવ
અનાદિરૂઢ એવા વ્યવહારમાં મૂઢ છે, તેને ધર્મની આદિ થતી નથી.
આ ચોથી ભૂમિકાની એટલે ધર્મને માટે પહેલી ભૂમિકાની વાત છે. ચોથી ભૂમિકા તે ધર્મની શરૂઆતની ભૂમિકા
છે. આ સમજ્યા વગર ધર્મની શરૂઆત થતી નથી.
પરની પર્યાય અમુક પ્રકારની હોય તો મને ઠીક પડે અથવા તો અમુક પ્રકારનો શુભભાવ હોય તો મને ઠીક
પડે–એ મિથ્યાદ્રષ્ટિની બુદ્ધિ છે. આત્માના સ્વભાવ ઉપર દ્રષ્ટિ પડતાં નિર્મળદશા પ્રગટીને તેમાં આત્મા વ્યાપ્યો, તે
ધર્મીનું ધર્મકાર્ય છે.
આદ્યમાં તો આત્માના આશ્રયે સમ્યગ્દર્શન થયું પણ પછી મધ્યમાં તો પંચમહાવ્રતના વિકલ્પ વગેરેથી મુનિદશા
ટકે ને? –એમ કોઈ શંકા કરે, તો શ્રી આચાર્યદેવ કહે છે કે એમ નથી. જે સ્વભાવના આશ્રયે ધર્મની શરૂઆત થઈ તેના
જ આશ્રયે ધર્મદશા ટકીને પૂર્ણતા થાય છે. જેને પહેલેથી વ્યવહારની રુચિ અને હોંશ પડી છે તેને તો ધર્મની શરૂઆત જ
થતી નથી, તો પછી મધ્ય અને અંતમાં શું હોય તેની તેને શું ખબર પડે?
પહેલેથી ધર્મી જીવ જે સ્વભાવના આશ્રયે ઉપડ્યો તેના જ આશ્રયે પર્યાય પરિણમ્યે જાય છે; વચ્ચે રાગ અને વિકલ્પ
આવે તેના અભાવસ્વભાવરૂપે પરિણમન થાય છે. શાસ્ત્ર પણ પર છે. સાચા શાસ્ત્રના ભણતરના લક્ષે પણ સ્વભાવસન્મુખ–
દ્રષ્ટિ થાય નહિ. અસ્તિસ્વભાવની સન્મુખ દ્રષ્ટિ થયા વિના શાસ્ત્ર–સન્મુખતાની દ્રષ્ટિ ટળે નહિ. પર તરફનું વલણ ભૂલવાનું
કહેવું તે નાસ્તિથી કથન છે, પણ ક્યે ઠેકાણે અસ્તિ રાખીને તે ભૂલશે? અનંત ગુણનો ચૈતન્યપિંડ અસ્તિસ્વભાવની સન્મુખ
દ્રષ્ટિ થતાં પરની સન્મુખતા છૂટી જાય છે. આવી દ્રષ્ટિ સિવાય ધર્મ થાય–એવું વસ્તુસ્વભાવમાં નથી. ‘અમારું બધું ઊડી જાય
છે’ –એમ અજ્ઞાનીઓ પોકાર કરે તો કરો, પણ વસ્તુ તો આમ છે, વસ્તુ પોતે જ પોતાનો પોકાર કરી રહી છે.
પોતાના આત્મા સિવાય સર્વજ્ઞને વચ્ચે નાંખે–કે સર્વજ્ઞ ભગવાનના આશ્રયે મારું હિત થશે, ભગવાનની
ભક્તિથી મારું કલ્યાણ થશે–એમ માને–તો ય આત્માની નિર્મળતા પ્રગટે તેમ નથી. આત્મા જ્ઞાતાદ્રષ્ટા સર્વજ્ઞશક્તિનો
પિંડ પોતે ભગવાન છે, તેની દ્રષ્ટિ અને એકાગ્રતા કરીને તે જ પોતે વીતરાગી ધર્મરૂપે પરિણમીને આદ્ય–મધ્ય–અંતમાં
વ્યાપે છે. ધર્મીને પોતાના સ્વભાવની દ્રષ્ટિ થઈ ત્યાં, દ્રવ્ય પોતે રાગરૂપે ન થતાં વીતરાગી પરિણામરૂપે થઈને તેમાં
વ્યાપ્યું. પર્યાયબુદ્ધિમાં જે રાગની લાયકાત હતી તે દ્રવ્યબુદ્ધિ થતાં છૂટી ગઈ, એટલે વીતરાગી શ્રદ્ધા, જ્ઞાન અને અંશે
ચારિત્રરૂપ પરિણામ પ્રગટ થયાં, તે દ્રવ્યનો સ્વકાળ છે, દ્રવ્યના સ્વકાળમાં તે અવસ્થા હતી તેને દ્રવ્યે પ્રાપ્ત કરી છે, તેથી
તે પ્રાપ્ય છે. અહીં નિર્મળપર્યાયને પ્રાપ્યકર્મ કહ્યું, કેમકે તે નિર્મળ પર્યાય તેના સ્વકાળે થઈ ત્યારે દ્રવ્ય તેને પહોંચી વળ્‌યું
છે. કોઈ રાગમાં કે પૂર્વની પર્યાયમાં તે નિર્મળપર્યાયને પ્રાપ્ત કરવાની તાકાત ન હતી. બારમા ગુણસ્થાનના છેલ્લા
સમયની પર્યાય તે તેરમા ગુણસ્થાનના પહેલા સમયની પર્યાયને પ્રાપ્ત કરે છે–એમ નથી; દ્રવ્ય પોતે જ પોતાની નિર્મળ
પર્યાયોને પ્રાપ્ત કરે છે. અને નિર્મળ અવસ્થા થઈ તે દ્રવ્યનું પ્રાપ્ય છે. અહીં નિર્મળ અવસ્થાને દ્રવ્યનું વ્યાપ્ય કહીને
આચાર્યદેવ એ બતાવે છે કે ત્રિકાળ અને વર્તમાન એક થયા, એટલે કે દ્રવ્ય અને નિર્મળપાર્યય અભેદ થતા જાય છે.
રાગ દ્રવ્યમાં અભેદ થતો ન હતો પણ નિર્મળદશા દ્રવ્યમાં અભેદ થતી જાય છે. આ જ ધર્મીનું કાર્ય છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૨૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
સ્વભાવની દ્રષ્ટિ થયા પછી સાધકદશામાં વચ્ચે રાગ આવે, છતાં તે સમયે પણ ધર્મી જીવ તે રાગમાં વ્યાપ્યો
નથી, પણ દ્રવ્યના આશ્રયે થયેલા વીતરાગી પરિણામમાં જ વ્યાપ્યો છે. જે રાગનો સમય છે તે સમયે જ આત્મા
નિર્મળપરિણતિને પકડીને તેમાં અભેદ થયો છે. પૂર્વની પર્યાય આદ્યમાં હતી માટે નિર્મળપર્યાય થઈ–એમ નથી, પણ
દ્રવ્ય જ આદ્યમાં છે, દ્રવ્યના આશ્રયે દરેક પર્યાય સ્વતંત્ર છે. દરેક પર્યાય સ્વતંત્ર છે–નિરપેક્ષ છે–એમ માનવામાં દ્રવ્યનો
જ આશ્રય આવે છે. (અહીં, નિર્મળપર્યાયની આદિમાં દ્રવ્ય જ છે–એમ કહ્યું તેથી, પહેલાંં દ્રવ્ય અને પછી નિર્મળપર્યાય–
એમ સમયભેદ ન સમજવો. દ્રવ્યને અને નિર્મળપર્યાયને સમયભેદ નથી, પણ નિર્મળ પર્યાય દ્રવ્યના જ આશ્રયે થાય
છે–એમ બતાવવા તેને આદ્યમાં છે–એમ કહ્યું છે.)
આત્મા સ્વભાવસન્મુખ રહીને પોતાના વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પરિણામરૂપે ઊપજ્યો, તે વીતરાગી
પરિણામને પ્રાપ્ત કર્યા તથા પૂર્વ પર્યાય પલટાવીને તે નવા પરિણામ કર્યા, –એ રીતે એક જ પરિણામને નિર્વર્ત્ય, પ્રાપ્ય
અને વિકાર્ય એવા ત્રણ પ્રકારથી સમજાવ્યા છે, કાંઈ ત્રણ પરિણામ જુદા નથી. ભગવાન આત્મા પોતે જ સ્વસન્મુખ
વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પર્યાય પ્રગટ કરીને તેમાં પોતે વ્યાપે છે. અનંતશક્તિનો પિંડ આત્મા પોતે વિકાસ પામીને
નિર્મળ પર્યાય થાય છે.
જેમ ગુલાબનું ફૂલ ખીલે છે તેની આદ્યમાં ગુલાબની કળી છે, સૂર્ય નહિ. સૂર્ય વિકસીને ગુલાબનું ફૂલ થતું નથી
પણ ગુલાબની કળી જ વિકસીને ગુલાબનું ફૂલ થાય છે. તેમ ભગવાન ચૈતન્યસ્વભાવની પહેલાંં હીણી–સંકોચાયેલી દશા
હતી, તે સ્વભાવની દ્રષ્ટિ થતાં ખીલે છે–વિકાસ પામે છે, તેનું કારણ દ્રવ્ય છે; કોઈ નિમિત્તિને કારણે અવસ્થાનો વિકાસ
થતો નથી. દ્રવ્ય પોતે જ ફેલાઈને જે નિર્મળ અવસ્થા થાય તેને ગ્રહે છે. ‘દ્રવ્ય’ અવસ્થાને ગ્રહે છે–એવો ભેદ તો
સમજાવવા માટે કથન છે. કાંઈ આત્મા અને નિર્મળપરિણામ જુદા નથી, અભેદ છે. આત્મા પોતે તે પરિણામરૂપે
પરિણમી ગયો એટલે આત્માએ તે પરિણામને ગ્રહ્યા–એમ કહેવાય છે. પહેલાંં પરિણામ થયા અને પછી આત્માએ તેને
ગ્રહણ કર્યા–એમ નથી.
રાગાદિ વિકાર થાય તે આત્મા નથી અને ખરેખર આત્મા તે રાગાદિને ગ્રહતો નથી. નવતત્ત્વમાં પુણ્ય–પાપ
તત્ત્વ ભિન્ન છે ને જીવતત્ત્વ ભિન્ન છે. જીવતત્ત્વમાં પુણ્ય–પાપ તત્ત્વનો અભાવ છે. જીવદ્રવ્યની સન્મુખ થઈને જે
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન અને અંશે વીતરાગી પરિણામ થાય છે તેનો આત્મા કર્તા છે, એ સિવાય બીજાનો કર્તા આત્મા નથી.
આત્માએ પરનું કામ કર્યું કે શરીરની ક્રિયા કરી કે આહારનું ગ્રહણ–ત્યાગ કર્યું–એમ કહેવું તે બધા બોલવાના કથન છે,
ખરેખર વસ્તુનું સ્વરૂપ એમ નથી એટલે તે વ્યભિચારી વાણી છે. એકબીજાનો સંબંધ બતાવીને તે વાણી કથન કરે છે
માટે તે વ્યભિચારી વાણી છે.
ધર્મી આત્માવડે કયું કામ કરવામાં આવે છે? તે વાત થઈ. શરીરનાં કે પરનાં કામ તો કોઈ આત્મા કરતો જ
નથી. રાગ–દ્વેષરૂપી કર્મને ધર્મી જીવ કરતો નથી; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના પરિણામસ્વરૂપ જે કર્મ છે તે આત્માવડે
કરવામાં આવે છે. અહીં ‘આત્મા’ કહેતાં નિર્મળપર્યાયરૂપે પરિણમેલો આત્મા લેવો. કોઈ નિમિત્તો વડે કે રાગના
વિકલ્પવડે તે નિર્મળદશારૂપી કર્મ કરવામાં આવતું નથી, કેમકે તેઓ આત્મા નથી. સર્વજ્ઞતા પ્રગટ કરવાની તાકાત
આત્મામાં પડી છે, તેના ઉપર દ્રષ્ટિ પડતાં જ્ઞાતાદ્રષ્ટાની વીતરાગીદશા ખીલવા માંડે છે ને નિર્મળતા વધતાં વધતાં
કેવળજ્ઞાન ખીલે છે. એ રીતે ધર્મરૂપી નિર્મળકાર્ય વસ્તુની દ્રષ્ટિએ પ્રગટે છે અને તે કાર્ય આત્માવડે કરવામાં આવે છે.
ધર્મી જીવ સમયે સમયે એવા કાર્યને કરે છે.
કલ્યાણની મૂર્તિ
હે જીવો! જો તમે આત્મકલ્યાણને ચાહતા હો તો સ્વતઃશુદ્ધ અને સમસ્ત પ્રકારે પરિપૂર્ણ આત્મસ્વભાવની રુચિ
અને વિશ્વાસ કરો, તેનું જ લક્ષ અને આશ્રય કરો. એ સિવાય બીજું જે કાંઈ છે તે સર્વની રુચિ, લક્ષ અને આશ્રય
છોડો. કેમકે સુખ સ્વાધીન સ્વભાવમાં છે, પરદ્રવ્યો તમને સુખ કે દુઃખ કરવા સમર્થ નથી. તમે તમારા સ્વાધીન
સ્વભાવનો આશ્રય છોડીને પોતાના દોષથી જ પરાશ્રયવડે અનાદિથી પોતાનું અમર્યાદિત અકલ્યાણ કરી રહ્યા છો. માટે
હવે સર્વ પર દ્રવ્યોનું લક્ષ અને આશ્રય છોડીને સ્વ દ્રવ્યનું જ્ઞાન, શ્રદ્ધાન તથા સ્થિરતા કરો. સ્વ દ્રવ્યમાં બે પડખાં છે–
એક તો ત્રિકાળ શુદ્ધ સ્વત: પરિપૂર્ણ નિરપેક્ષ સ્વભાવ છે અને બીજું ક્ષણિક વર્તમાન વર્તતી વિકારી હાલત છે. પર્યાય
પોતે અસ્થિર છે તેથી તેના લક્ષે પૂર્ણતાની પ્રતીતરૂપ સમ્યગ્દર્શન નહિ પ્રગટે, પણ જે ત્રિકાળી સ્વભાવ છે તે સદા શુદ્ધ
છે, પરિપૂર્ણ છે અને વર્તમાન પણ તે પ્રકાશમાન છે, તેથી તેના આશ્રયે, લક્ષે પૂર્ણતાની પ્રતીતરૂપ સમ્યગ્દર્શન પ્રગટ
થશે. એ સમ્યગ્દર્શન પોતે કલ્યાણરૂપ છે અને તે જ સર્વ કલ્યાણનું મૂળ છે. જ્ઞાનીઓ સમ્યગ્દર્શનને ‘કલ્યાણની મૂર્તિ’
કહે છે. માટે હે જીવો, તમે સર્વપ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો અભ્યાસ કરો.

PDF/HTML Page 8 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૨૭ :
શ્રી પરમાત્મ – પ્રકાશ – પ્રવચનો
(લેખાંક ૧૫ મો) (અંક ૭૮ થી ચાલુ)
વીર સં. ૨૪૭૩ ભાદરવા સુદ ૧ દસલક્ષણી પર્વનો ઉત્તમ તપ દિન (૭)
[] ત્ િસ્ ? : હવે આત્માના નિરંજન સ્વભાવનું વર્ણન કરે છે–
(ગાથા १९ – २० – २१)
जासु ण वण्णु ण गंधु रसु जासु ण सद्दु ण फासु।
जासु ण जम्मणु मरणु ण वि णाउ णिरंजणु तासु।।
१९।।
जासु ण कोहु ण मोहु मउ जासु ण माय ण माणु।
जासु ण ठाणु ण झाणु जिय सो जि णिरंजणु जाणु।।
२०।।
अत्थि ण पुण्णु ण पाउ जसु अत्थि ण हरिसु विसाउ।
अत्थि ण एक्कु वि दोसु जसु सो जि णिरंजणु भाउ।।
२१।।
ભાવાર્થ :– અહીં સિદ્ધભગવાન સમાન બધા આત્માનો સ્વભાવ છે તેનું વર્ણન છે. એકલા સિદ્ધભગવાનની વાત
નથી પણ પોતાના સ્વભાવની વાત છે. કેવો છે આ આત્માનો સ્વભાવ? –જેને લાલ, સફેદ વગેરે રંગ નથી, ગંધ નથી,
શબ્દ નથી, સ્પર્શ નથી, જન્મ કે મરણ નથી, એવા શુદ્ધ ચિદાનંદમય પરમાત્માને નિરંજન કહેવાય છે. વળી તેને ક્રોધ, મોહ
તથા મદ પણ નથી, માયા કે માન નથી; વળી જેને સ્થાન પણ નથી એટલે કે નાભિ, હૃદય, મસ્તક વગેરે ધ્યાનના સ્થાનો
કહેવાય છે તે સ્વભાવમાં નથી, અને ધ્યાન પણ નથી–એવા નિજ શુદ્ધાત્માને હે જીવ! તું જાણ. વળી તેને પુણ્ય–પાપના
પરિણામ કે કર્મ પણ નથી, હર્ષ કે વિષાદ પણ નથી અને બીજા પણ કોઈ દોષ નથી–ક્ષુધાદિ દોષ નથી; તે જ શુદ્ધાત્મા
નિરંજન છે, એમ તું જાણ અને તેની ભાવના તથા અનુભવ કર.
[] ત્ધ્ ? : જેઓ સિદ્ધભગવાન થઈ ગયા છે તેમને આ વાત સમજાવતા નથી, પણ જેણે
આત્મસ્વભાવ જાણ્યો નથી તેને સમજાવે છે કે આત્માનો સ્વભાવ સિદ્ધ જેવો છે. અજ્ઞાનીઓ એમ માને છે કે આત્માનું
ધ્યાન કરતી વખતે ધ્યાનમાં રાતો–ધોળો વગેરે રંગ દેખાય અથવા પ્રકાશ દેખાય; તેની વાત ખોટી છે. આત્મા તો પાંચે
પ્રકારના રંગરહિત છે. આત્મધ્યાનમાં રંગ દેખાતો નથી પણ જ્ઞાનવડે જ્ઞાનસ્વભાવ જ દેખાય છે.
[] ત્ ? : આત્મા વાણી વગરનો છે. સત્ય બોલવું તે ધર્મ–એમ કોઈ વાર શાસ્ત્રમાં કહે, ત્યાં પરમસત્ય
જ્ઞાયકમૂર્તિમાં જ્ઞાન રોકાઈ જાય તે જ પરમાર્થે સત્યધર્મ છે. પણ સત્ય બોલવાનો વિકલ્પ તે રાગ છે, અને વાણી તો જડ છે,
તેનો કર્તા આત્મા નથી. આત્મા તો વાણી અને વાણીના વિકલ્પ રહિત છે.
[] ત્ ન્ િ : આત્માને જન્મ–મરણ નથી. સિદ્ધભગવાન જન્મ–મરણરહિત છે, ને આ
આત્માનો સ્વભાવ પણ સિદ્ધ જેવો છે, તેથી આત્માના સ્વભાવને જન્મ–મરણ નથી. જેમ સિદ્ધ ભગવાનને મૃત્યુ કે જન્મ
નથી, તથા સૂર્ય–ચંદ્ર કદી નાશ પામતા નથી, તેમ આત્માનો સ્વભાવ કદી જન્મતો કે મરતો નથી, તે ત્રિકાળ ટકનાર છે.
[] સ્: પ્ર શ્વ ન્સ્ : કોઈ એમ પૂછે છે કે આકાશમાં જે સૂર્ય છે તે સૂર્ય ન હોય તો
કોણ પ્રકાશે? ત્યારે ઉત્તર આપે છે કે ચંદ્ર તો છે ને! વળી પૂછે છે કે ચંદ્ર ન હોય તો? ઉત્તર આપે છે કે દીપકાદિનો
પ્રકાશ તો છે ને! ત્યારે વળી ફરી પૂછે છે કે એ દીપકાદિનો પ્રકાશ પણ ન હોય તો? તેનો ઉત્તર–તો હું શાશ્વત
ચૈતન્યમય છું, મારો ચૈતન્યસ્વભાવ સ્વત: પ્રકાશવાનો છે. તે કદી મરતો નથી. ચૈતન્યપ્રકાશ શાશ્વત છે, અને તે પરની
અપેક્ષા વગર સ્વત: જાણનાર છે. સ્વ–પર પ્રકાશક ચૈતન્ય સ્વભાવને પ્રકાશવા માટે ભિન્ન કોઈ પ્રકારની અપેક્ષા નથી.
[] ત્ સ્ િ : વળી ક્રોધ, મોહ કે મદ પણ આત્માના સ્વભાવમાં નથી. જેમ સિદ્ધ
ભગવાનને ધ્યાન નથી તેમ આત્માને પણ ધ્યાન નથી. સિદ્ધપ્રભુને ચિત્ત જ નથી–ચિંતા જ નથી તો કોને રોકે? તેમ આ
આત્માના સ્વરૂપમાં પણ ચિત્તનું અવલંબન નથી તો કોને રોકવું? માટે આત્માના સ્વભાવમાં ધ્યાન નથી. આવા
સિદ્ધસમાન તારા સ્વભાવને હે જીવ! તું જાણ. તું જ્ઞાનમૂર્તિ જ છો, ‘વિકલ્પ છે ને તે ટાળું’ એવા ભેદ તારામાં નથી.
પર્યાયદ્રષ્ટિના ભંગ–ભેદ આત્માના નિશ્ચયશાસનમાં નથી. આત્માનો નિશ્ચય–સ્વભાવ તે જ જિનશાસન છે એમ
સમયસાર ગા. ૧૫માં કુંદકુંદ ભગવાને કહ્યું છે.
[] િ ર્ ત્ : અહીં આચાર્યદેવના કથનનો સાર એ છે કે હે શિષ્ય! પોતાનો
સ્વભાવ જ સંપૂર્ણ મહિમાવંત છે, માટે તેનું જ ધ્યાન કર. તે સિવાય કોઈ બીજાનો મહિમા કે પ્રશંસા મૂકી દે. જગતની
કોઈ વસ્તુનો સંયોગ થાય તે અપૂર્વ નથી, માટે માન, ખ્યાતિ, પૂજા, લાભ વગેરેની બડાઈને છોડીને સ્વભાવનો જ

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
મહિમા કર. અને દેખેલા, સાંભળેલા કે અનુભવેલા એવા સર્વ ભોગની ઈચ્છારૂપ બધાય વિભાવપરિણામને છોડીને
પોતાના શુદ્ધાત્માની અનુભૂતિમાં સ્થિર થા.
[] ત્ જા વ્, િથ્ : આત્માનો જ્ઞાનસ્વભાવ છે,
તે જ્ઞાન પરને જાણે છે એમ કહેવું તે પણ વ્યવહારનય છે. પર સાથે જાણવાનો સબંધ તે વ્યવહારનય છે, તો પછી પર
સાથે કર્તાપણું માનવું તે તો ક્યાં રહ્યું? આત્માને પરનો કર્તા માનવો તે તો મિથ્યાનય છે. કોઈ કહે કે–વ્યવહારનયે એમ
બોલાય તો ખરું ને? તેનું સમાધાન :– પહેલી જ વાત તો એ છે કે બોલવાની ક્રિયા જડની છે, બોલવાની ક્રિયા
આત્માની છે જ નહિ, તો પછી ‘આમ બોલાય ને?’ એ માન્યતા જ ખોટી છે. તેવી જ રીતે લખવાની ક્રિયા પણ જડની
છે. પણ જ્યારે તે બોલવાની કે લખવાની ક્રિયા થઈ તે વખતે આત્માને કેવો રાગ હતો તેનું જ્ઞાન કરવું તે વ્યવહારનય
છે. પણ ‘વ્યવહારનયે અમુક પ્રકારે બોલાય’ એમ માને તો તેનો અર્થ એ થયો કે જડ શબ્દોનો કર્તા આત્મા
વ્યવહારનયે છે, –એ માન્યતા તે મિથ્યાનય જ છે.
[] જ્ઞ જા? : આત્મા પરનું કરી શકતો નથી એમ જ્ઞાની જાણે છે, છતાં ‘હું બોલું’ ઈત્યાદિ
વિકલ્પ જ્ઞાનીને પણ કેમ થાય છે–એવો ઘણાને પ્રશ્ન ઊઠે છે. આ પ્રશ્ન અને તેનું સમાધાન બરાબર સમજવાની જરૂર છે.
પ્રશ્ન :– એમ છે કે આત્મા લખી શકતો નથી એવું જ્ઞાનીને ભાન હોવા છતાં ‘હું લખું’ એવો વિકલ્પ તેને કેમ ઊઠે
છે? જે થતું જ ન હોય તેનો વિકલ્પ કેમ ઊઠે? આકાશના ફૂલને ચૂંટવાનો કે વંધ્યાસુતને મારવાનો ભાવ કદી જ્ઞાની કે
અજ્ઞાનીને આવતો નથી. જેમ આકાશનું ફૂલ અને વંધ્યાસુત અસત્ છે, તેથી તે વિકલ્પ ઊઠતો નથી, તેમ લખવાની ક્રિયા
આત્મા કરી જ શકતો નથી–એમ જ્ઞાની જાણે છે છતાં તેને લખવાનો ભાવ કેમ થાય છે?
સમાધાન :– આ પ્રમાણે છે–જ્ઞાનીના અંતરમાં જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન વર્તે છે. તેમને રાગની પણ કર્તૃત્વબુદ્ધિ
નથી, તો પછી દેહાદિની ક્રિયા કે લખવું વગેરે ક્રિયાની કર્તૃત્વબુદ્ધિ તેમને હોય જ ક્યાંથી? જ્ઞાનને અને રાગને જુદા
ઓળખ્યા વગર, જ્ઞાનીનું અંતર શું કાર્ય કરી રહ્યું છે તેની ખબર અજ્ઞાનીને પડે નહિ. માટે પહેલાંં જ્ઞાનસ્વભાવને અને
રાગાદિને ભેદજ્ઞાનવડે ભિન્ન જાણવા જોઈએ. એ જાણ્યા પછી ‘જ્ઞાનીને લખવા વગેરેનો વિકલ્પ કેમ ઊઠે છે’ એ પ્રશ્ન જ
નહિ રહે. જ્ઞાનીની દ્રષ્ટિ જ પર ઉપરથી અને રાગ ઉપરથી છૂટી ગઈ છે, તેથી તેમને અસ્થિરતાના અલ્પ રાગમાં એવુંં જોર
નથી આવતું કે જેથી કર્તૃત્વબુદ્ધિ થાય. ખરેખર ‘હું આમ કરું’ એવી ભાવના નથી પણ ‘હું જાણું’ એવી જ ભાવના છે.
પોતાને ત્રણકાળનું જ્ઞાન વર્તમાનમાં નથી અને હજી રાગની લાયકાત ટળી નથી તેથી વિકલ્પ ઊઠ્યો છે, પણ જ્ઞાની તે
વિકલ્પના અને પરની ક્રિયાના જાણનાર જ છે. રાગનો વિકલ્પ થાય છે તે પરાશ્રયે થાય છે, અને રાગના અનેક પ્રકાર છે.
ભિન્ન ભિન્ન પ્રકારના રાગ વખતે ભિન્ન ભિન્ન પરદ્રવ્યનો આશ્રય હોય છે. જ્યારે બોલવા કે લખવાના લક્ષે રાગ થયો ત્યારે
એવો વિકલ્પ થયો કે ‘હું બોલું, હું લખું.’ પરાશ્રિત રાગમાં એ પ્રમાણે વિકલ્પ ઊઠે છે, પણ જ્ઞાનમાં એવી માન્યતા નથી કે
હું બોલી કે લખી શકું છું. આમાં તો એમ સિદ્ધ થાય છે કે રાગ તે આત્માનો સ્વભાવ નથી; જ્ઞાનીને જ્ઞાન અને વિકલ્પ બંને
ભિન્ન ભિન્ન છે.
લખવા વગેરેની ક્રિયા થવાની છે તેને કારણે વિકલ્પ થતો નથી, તેમ જ વિકલ્પના કારણે લખવા વગેરેની ક્રિયા
થતી નથી. એ રીતે પરની ક્રિયા સાથેનો સંબંધ તૂટી ગયો. હવે જે રાગ થાય છે તે પોતાના પર્યાયના કારણે થાય છે, –એ
રાગ થાય તેને અને ક્રિયાને જ્ઞાન જાણે છે. એ રીતે જ્ઞાન સળંગપણે જાણનાર રહી ગયું, પણ પરની ક્રિયામાં કે રાગમાં
અટકનાર ન રહ્યું. રાગ પણ જ્ઞાનનું જ્ઞેય છે. પરનું કરવાની વાત તો જ્ઞાનમાં છે જ નહિ, પણ પરને જાણવું તે પણ વ્યવહાર
છે. રાગને જાણવું તે પણ વ્યવહાર છે. જ્ઞેય–જ્ઞાયકના ભેદ કહેવા તે પણ વ્યવહાર છે. મને રાગ થાય છે તેને કારણે બહારની
ક્રિયાઓ (–બોલાવું, લખાવું વગેરે) થાય છે એમ જ્ઞાની માનતા નથી, અને રાગ થાય છે તેની સાથે જ્ઞાનને એકમેક
માનતા નથી; તેથી ખરેખર જ્ઞાનીને પરનું કરવાનો વિકલ્પ થતો નથી, પણ રાગનું તેમ જ પરનું જ્ઞાન જ થાય છે. જ્ઞાની
જ્ઞાન જ કરે છે, રાગાદિ ક્રિયા કરતા જ નથી. પોતાને રાગ અને જ્ઞાનનું ભેદવિજ્ઞાન થયા વગર ‘જ્ઞાની શું કરે છે અને શું
નથી કરતા’ તેની ખબર શી રીતે પડશે?
સમયસારના ૧૫૩મા કલશમાં શ્રીમાન્ અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે– ‘જેણે કર્મનું ફળ છોડ્યું છે તે કર્મ કરે એમ તો
અમે પ્રતીતિ કરી શકતા નથી. ××× ××× જે અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત છે એવાં જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતા તે
કોણ જાણે?
જ્ઞાનીઓ જ્ઞાનથી અચલાયમાન છે તેથી જ્ઞાનથી ભિન્ન એવું કોઈ કર્મ તેઓ કરતા જ નથી. જ્ઞાનીની વાત જ્ઞાની જ
જાણે, અજ્ઞાની જીવમાં જ્ઞાનીના અંતરપરિણામને જાણવાનું સામર્થ્ય નથી. ‘અજ્ઞાનીમાં સામર્થ્ય નથી’ એમ કહીને શ્રી
આચાર્યદેવ એમ જણાવે છે કે હે જીવ! તું પોતે તારા આત્મામાં અજ્ઞાન છોડીને જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કર, તો તને
બધા સમાધાન થઈ જશે. પોતે રાગ અને જ્ઞાનને જુદા અનુભવ્યા વિના ‘જ્ઞાની જ્ઞાન કરે છે કે જ્ઞાની રાગ કરે છે’ તેની
ખબર શી રીતે પડી શકે?

PDF/HTML Page 10 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૨૯ :
વર સ. ૨૪૭૩ ભદરવ સદ ૧૨ (૧) દસલક્ષણ પવન ઉત્તમ ત્યગ દન (૮)
[] ત્ત ત્ ર્ : આજે ઉત્તમ ત્યાગ ધર્મનો દિવસ છે; ઉત્તમ ત્યાગ તે સમ્યક્ચારિત્રનો
પ્રકાર છે, ને એ ચારિત્રનું ફળ પરમાત્મદશા છે. દસે પ્રકારના ઉત્તમ ધર્મો છે તે સમ્યક્ચારિત્રના જ પ્રકાર છે, અને
સમ્યગ્દર્શનપૂર્વક જ તે હોય છે. મિથ્યાદ્રષ્ટિને તે કોઈ ધર્મ હોતા નથી.
[] દ્ધત્ ધ્ મ્ગ્ર્િ પ્ર : અનાદિકાળથી કદી નહિ પ્રગટેલ એવું અપૂર્વ સમ્યગ્દર્શન
કેમ પ્રગટે તેનું અહીં વર્ણન ચાલે છે. ત્રિકાળ મુક્ત આત્મ–સ્વભાવ છે; તેને પુણ્ય–પાપ નથી, હર્ષ–શોકના ભાવ તેનામાં
નથી અને ક્ષુધાદિ કોઈ દોષ નથી. એવો નિજશુદ્ધાત્મા છે, તેને હે પ્રભાકરભટ્ટ! તું જાણ, અને તેનો અનુભવ કર. જે
વીતરાગી નિરંજન સ્વભાવ છે તે જ ઉપાદેય છે, તે જ ધ્યાવવા યોગ્ય છે. એના ધ્યાનથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે, ને
એના ધ્યાનથી જ સમ્યક્ચારિત્ર તથા પરમાત્મદશા પ્રગટે છે.
[] દ્ધત્ધ્ , વ્ધ્ : જ્ઞાનાર્ણવ વગેરે શાસ્ત્રોમાં વ્યવહારધ્યાનના ઘણા
પ્રકારોનું વર્ણન છે, તે બધા પ્રકાર પર તરફના વિકલ્પોથી ખસીને અંદર વળવા માટે છે. પણ અહીં સૂત્રકાર કહે છે કે
શુદ્ધાત્મ–સ્વરૂપના ધ્યાનમાં તે સર્વેનો નિષેધ છે. શાસ્ત્રમાં વ્યવહારધ્યાનના જેટલા પ્રકાર વર્ણવ્યા છે તે બધાય
શુભવિકલ્પ છે. પહેલાંં વ્યવહારધ્યાનના બધા પ્રકારો કરી લ્યે અને ત્યાર પછી જ શુદ્ધાત્માનું ધ્યાન જામે–એવું નથી.
વ્યવહારના કોઈ પણ વિકલ્પ વડે શુદ્ધાત્માનું ધ્યાન થતું નથી, શુદ્ધાત્માના ધ્યાનમાં તે બધાનો અભાવ છે; જેટલા
વ્યવહારધ્યાનના પ્રકારો વર્ણવ્યા છે તે બધાય, શુદ્ધાત્માના ધ્યાન પહેલાંં જે વિકલ્પ વર્તતો હોય તેનું જ્ઞાન કરાવવા માટે
છે. ગૃહસ્થ સમ્યગ્દ્રષ્ટિ જીવ ધ્યાન કરવા બેસે ત્યારે જો વેપારાદિના વિકલ્પો આવતાં હોય તો તે ખસેડવા માટે અને
ચિત્તની એકાગ્રતા માટે પ્રથમ એમ વ્યવહારધ્યાન ચિંતવે કે ‘મારા અંતરમાં એક મોટું કમળ છે, ને તેમાં અરિહંત
ભગવાન બિરાજે છે, તેમનો દિવ્યધ્વનિ છૂટે છે, તે સાંભળીને હું સમ્યગ્જ્ઞાન પામું છું, ને પછી સ્વરૂપનું ધ્યાન કરતાં
કરતાં મને કેવળજ્ઞાન થાય છે, તથા ચાર અઘાતિ કર્મનો પણ નાશ થઈને હું સિદ્ધ થઉં છું.’ આવા પ્રકારના વિકલ્પો
પહેલાંં આવે, પણ તે વિકલ્પ તો રાગ છે, તેને જ્ઞાનીઓ ધ્યાન માનતા નથી. ચૈતન્યની એકાગ્રતા વડે તે વિકલ્પને પણ
તોડી નાંખીને, એકલા ચૈતન્યના આનંદનો અનુભવ રહી જાય તે જ ધ્યાન છે, ને તે જ કર્તવ્ય છે. ।। ૧૯,૨૦,૨૧।।
[] દ્ધત્ ? : શુદ્ધાત્માના સ્વભાવમાં ધારણા, યંત્ર, મંત્ર, જાપ, વગેરેનો પણ નિષેધ છે એમ હવેની
ગાથામાં કહે છે–
(ગાથા – ૨)
जासु ण धारणु धेउ ण वि जासु ण जंतु ण मंतु।
जासु ण मंडलु मुद्द ण वि सो मुणि देउ अणंतु।।
२२।।
ભાવાર્થ :– જે પરમાત્માને કુંભક વગેરે ધારણાઓ નથી, પ્રતિમા વગેરે ધ્યેય નથી, અક્ષરોની રચના વગેરેરૂપ
યંત્રો નથી, મંત્રો નથી, તથા વાયુમંડળ વગેરે નથી અને દ્રવ્યાર્થિકનયથી જે અવિનાશી અનંત જ્ઞાનાદિસ્વરૂપ છે તેને
પરમાત્મદેવ જાણો. દ્રવ્યાર્થિકનયથી આત્મામાં ધ્યાન પણ નથી, કેમકે ધ્યાન પણ પર્યાય છે.
[] દ્ધત્ પ્ર : અહીં, શુદ્ધાત્મસ્વરૂપનો અનુભવ કરવા માટે તેનાથી વિરુદ્ધ એવા
ચાર પ્રકારોનો ત્યાગ કરવાનું કહે છે.
૧. અતીન્દ્રિય આત્મિક સુખના સ્વાદથી વિપરીત એવાં જે જિહ્વાઈન્દ્રિયના વિષય તેને (રસગૃદ્ધિને) જીતીને,
૨. નિર્મોહ શુદ્ધસ્વભાવથી વિપરીત એવા મોહભાવને છોડીને,
૩. વીતરાગી સહજઆનંદ પરમ સમરસીભાવ સુખરૂપી રસના અનુભવના જે શત્રુ એવા નવ પ્રકારના કુશીલને
છોડીને, અને–
૪. નિર્વિકલ્પ આત્મસમાધિના ઘાતક એવા મનના સંકલ્પ–વિકલ્પોને છોડીને, હે પ્રભાકરભટ્ટ! તું શુદ્ધાત્માનો
અનુભવ કર.
૧. પાંચ ઈન્દ્રિયના વિષયોમાં રસ મુખ્ય છે, ૨. બધા વિકાર–ભાવમાં મોહ મુખ્ય છે, ૩. પાંચ અવ્રતમાં અબ્રહ્મ
મુખ્ય છે અને, ૪. અસમાધિનું કારણ સંકલ્પ–વિકલ્પ છે, તેથી તે ચારે છોડાવ્યા છે. ત્યાં ‘રસ’ કહેતાં તેમાં સ્પર્શાદિ બધા
વિષયો પણ આવી જાય છે, ‘મોહ’ કહેતાં તેમાં બીજા સર્વ વિકારભાવો આવી જાય છે, ‘અબ્રહ્મ’ કહેતાં તેમાં હિંસાદિ
અવ્રત આવી જાય છે, અને ‘સંકલ્પ–વિકલ્પ’ કહેતાં તેમાં સર્વે શુભાશુભ ભાવો આવી જાય છે. એ ચારથી વિરુદ્ધપણે
આત્માના સ્વભાવમાં ૧–અતીન્દ્રિય આત્મિક સુખનો રસ શ્રેષ્ઠ છે, ૨–મોહરહિત શુદ્ધસ્વભાવ છે, ૩–સહજ પરમાનંદમય
વીતરાગી ભાવરૂપ શુદ્ધ બ્રહ્મસ્વભાવ છે, અને ૪–સહજ નિર્વિકલ્પ પરમ સમાધિરૂપ સ્વભાવ છે. માટે ઈન્દ્રિયોના વિષયોની
તથા વિકારની રુચિ છોડીને–એટલે કે અતીન્દ્રિય ચૈતન્યસ્વભાવની રુચિ કરીને તેનો અનુભવ કર. –એમ શ્રી ગુરુઓનો
ઉપદેશ છે. અહીં ભેદથી ચાર પ્રકાર પાડીને વિશેષપણે સમજાવ્યું છે; ખરેખર તો જીવ જ્યારે પોતાના ચૈતન્યસ્વરૂપને
અનુભવે ત્યારે ઉપર્યુક્ત ચારે પ્રકારોનો તેને અભાવ હોય જ છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૩૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
શ્રી મહાવીર પ્રભુના આત્માનું જીવન
રાજકોટ: વીર સં. ૨૪૭૬ ચૈત્ર સુદ ૧૩ ના રોજ મહાવીરપ્રભુના જન્મકલ્યાણક પ્રસંગે મહાવીર ભગવાના જીવન ઉપર
પૂ. ગુરુદેવશ્રીનું ખાસ પ્રવચન. [શ્રી સમયસારજી ગાથા ૭]
આજે ભગવાન મહાવીરના જન્મકલ્યાણકનો દિવસ છે. ભગવાનનો જન્મ તો અઢી હજાર વર્ષ પહેલાંં થયો
ત્યારે થયો હતો, પણ વર્તમાન જ્ઞાનમાં તેને યાદ કરીને ‘આજે ભગવાનનો જન્મ થયો’ એમ આરોપથી કહેવાય છે.
ભગવાન મહાવીર એટલે શું? અને તેનું જીવન શું? તે કહેવાય છે.
ભગવાન મહાવીર એક આત્મા હતા; અને તે પણ પહેલાંં બધા જીવોની જેમ સંસારી હતા. પછી આત્માનું
અંતરમાં ભાન કર્યું. પહેલાંં તે ભાન ન હતું, પણ મહાવીર થયા પહેલાના અમુક ભવમાં તે ભાન કર્યું. આત્મસ્વભાવની
અંર્તદ્રષ્ટિવડે, પહેલાંં જે પુણ્ય–પાપની સન્મુખ દ્રષ્ટિ હતી તેને ભેદીને, સ્વભાવ–સન્મુખની અભેદદ્રષ્ટિ કરતાં પ્રથમ
આત્મજ્ઞાન થયું; ત્યારથી મહાવીરના આત્માને ધર્મની ભૂમિકા શરૂ થઈ.
આ ભગવાનના આત્માનું જીવન કહેવાય છે. ભગવાને કોઈનું કર્યું નથી. ભગવાને પોતાના આત્મામાં
ધર્મજીવનની દશા કઈ રીતે પ્રથમથી શરૂ કરીને પૂરી કરી? –તે જ ભગવાન મહાવીરનું જીવનચરિત્ર છે. ભગવાન
મહાવીર અને દરેક આત્મા અનાદિઅનંત છે. મહાવીર ભગવાનના જીવે અનાદિથી સંસારમાં રખડતાં રખડતાં, મહાવીર
થયા પહેલાના ભવોમાં આત્માનું કેવું ભાન કર્યું હતું, તે વાતનો આ અધિકાર ચાલે છે.
શરીર–મન–વાણી તેમ જ કર્મો જડ છે, તેનો હું કર્તા નથી; હું અખંડાનંદ ચૈતન્યકંદ છું. –એમ પરસન્મુખદ્રષ્ટિ
તોડીને સ્વભાવસન્મુખ એકત્વબુદ્ધિ પ્રગટ કરી ત્યારે ભગવાનના આત્માને ધર્મજીવનની શરૂઆત થઈ.
ભગવાન મહાવીર સ્વર્ગમાંથી આવીને ત્રિશલામાતાની કૂંખે અવતર્યા–એમ કહેવું તે
સંયોગનું કથન છે. ખરેખર ભગવાનનો આત્મા શરીરપણે જન્મ્યો નથી. ભગવાનનો આત્મા
સમ્યગ્દ્રષ્ટિ હતો, આત્માના સ્વભાવની અંર્તદ્રષ્ટિ વડે ક્ષણે ક્ષણે તે નિર્મળ પર્યાયની ઉત્પતિ કરતો
હતો. સ્વર્ગમાં હતા ત્યારે પણ ભગવાનનો આત્મા નિર્મળપર્યાયપણે જ ઊપજતો હતો; અને
માતાના પેટમાં આવ્યા ત્યારે પણ તે સ્થાનરૂપે આત્મા ઊપજ્યો નથી પણ નિર્મળપર્યાયની
ઉત્પત્તિના સ્થાનમાં જ ઊપજ્યો છે. જ્યારથી ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ ત્યારથી ક્ષણે ક્ષણે
વીતરાગી નિર્મળદશાપણે જ આત્માનો જન્મ (–ઉત્પાદ) થયા કરે છે.
વર્તમાન અવસ્થાએ સ્વભાવસન્મુખ થઈને એકત્વ કર્યું ત્યારથી આત્મા સમયે સમયે વીતરાગીદશામાં ઉત્પન્ન
થયા જ કરે છે, –જન્મ્યા જ કરે છે. આવો ધર્મીનો જન્મ છે. અજ્ઞાની જીવ ક્ષણે ક્ષણે રાગની ઉત્પત્તિ કરીને રાગપણે
જન્મે છે. શરીરપણે તો કોઈ જીવ થઈ જતો નથી. ભગવાન મહાવીર ત્રિશલા માતાના પેટમાં જન્મ્યા–એમ કહેવું તે
ઉપચારનું કથન છે. ભગવાનનો આત્મા માતાના પેટમાં આવ્યો ત્યારથી જ્ઞાની હતો, તે ક્ષણે પણ સમ્યગ્દર્શન અને
જ્ઞાનની નવીન પર્યાયપણે જ તે આત્મા ઉત્પન્ન થયા કરતો હતો. જે ક્ષણે શરીરની પર્યાપ્તિના પરમાણુઓ બંધાતા હતા
તે ક્ષણે પણ ‘શરીરની પર્યાયનો હું કર્તા, ને તે મારું કાર્ય’ –એમ ભગવાન માનતા ન હતા.
જ્યાં સમ્યક્ આત્માનું વેદન થયું કે હું વર્તમાન અંશ જેટલો નથી, રાગાદિ તે મારું સ્વરૂપ નથી, હું અખંડ
ચૈતન્યમૂર્તિ છું; ત્યાં તે આત્મામાં, સ્વભાવ કર્તા થઈને વીતરાગી પરિણામરૂપ કાર્ય શરૂ થયું. પછી તે જીવ માતાના
પેટમાં કે જન્મ વખતે પણ આત્મામાં નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનરૂપ વીતરાગી પરિણામપણે જ ઊપજે છે. ખરેખર આત્મા તો
આત્મામાં જ હતો, આત્મા સવા નવ મહિના માતાના પેટમાં રહ્યો–એમ કહેવું તે સંયોગનું કથન છે, સ્વભાવનું કથન
નથી. જેટલું સંયોગનું કથન આવે તેનો આશય એમ સમજવો કે ખરેખર એમ વસ્તુનું સ્વરૂપ નથી, પણ સંયોગી બીજી
ચીજનું જ્ઞાન કરાવવા માટે તે કથન છે.
ધર્મી આત્મા કર્તા થઈને પોતાની નિર્મળપર્યાયનું કાર્ય કરે છે; જીવ શરીરની પર્યાપ્તિને બાંધે–એ વાત ખોટી છે.
શરીરનું કાર્ય થાય તેનો કર્તા સમ્યગ્દ્રષ્ટિ આત્મા છે જ નહિ, મિથ્યાદ્રષ્ટિ પણ તેનો કર્તા નથી, ફક્ત તે અજ્ઞાનભાવથી
કર્તાપણું માને છે. શરીરની જન્મક્ષણે પણ શુદ્ધ ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિના વલણમાં ભગવાનના આત્માવડે વીતરાગી
દશા જ કરવામાં આવતી હતી, અને તેનો જ તે આત્મા કર્તા હતો. પણ શરીર થયું કે જન્મ થયો તેનો કર્તા તે આત્મા ન
હતો, અને તે વખતના વિકલ્પનો પણ કર્તા તે આત્મા થતો ન હતો. જુઓ, આ ભગવાન મહાવીરના આત્માનો જન્મ
કહેવાય છે. આ રીતે ઓળખે તેણે ભગવાનને ઓળખ્યા કહેવાય.
પર્યાયબુદ્ધિ ટાળીને સ્વભાવસન્મુખ દ્રષ્ટિથી આત્મા વીતરાગી શ્રદ્ધા–જ્ઞાનપરિણામનો કર્તા થયો, તે કર્તવ્ય કોઈ
ક્ષણે–કોઈ પળે ખસતું નથી, અને જે વિકલ્પ થાય તે વિકલ્પના કર્તા થવા સન્મુખ જ્ઞાનીની દ્રષ્ટિ કદી હોતી નથી.
ભગવાનનો આત્મા જન્મ્યો ત્યારથી તેની આવી દશા હતી. –આવું મહાવીર ભગવાનનું જન્મજીવન હતું.

PDF/HTML Page 12 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૩૧ :
–પછી મહાવીર મોટા થયા. –શેમાં? શરીરની પર્યાયમાં નહિ પણ આત્માની પર્યાયમાં. શરીરની પર્યાય જડને કારણે પુષ્ટ
થવા માંડી, તેનો કર્તા મહાવીરનો આત્મા ન હતો, અને આત્માના પ્રદેશત્વગુણની યોગ્યતાથી આત્માનું ક્ષેત્ર પહોળું
થવા માંડ્યું, તે વ્યંજનપર્યાય સન્મુખ પણ તેની દ્રષ્ટિ ન હતી. પણ વીતરાગી સ્વભાવની સન્મુખ દ્રષ્ટિ હતી; એટલે
સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનરૂપ પર્યાયમાં ભગવાન મોટા થયા.
કર્તાનું ઈષ્ટ તે કર્મ; શરીરની પુષ્ટ અવસ્થા થઈ તે આત્માનું કર્મ નથી, પણ તે તો જડ પુદ્ગલનું કર્મ છે. શરીર
મોટું થતું ત્યારે પણ ભગવાનને ભાન હતું કે શુદ્ધ ચિદાનંદ જ્ઞાનસ્વભાવે પરિણમનાર હું છું અને જે વીતરાગી શ્રદ્ધા–
જ્ઞાન–આનંદ પરિણામ પ્રગટે તે મારું કર્મ છે. શરીરની દશા વધે તે મારું કર્મ નથી. હું–આત્મા વિદ્યમાન છું તો જડ
શરીરની દશા થાય છે–એમ નથી. સ્વસન્મુખ દ્રષ્ટિથી જે નિર્મળ–દશા પ્રગટે તે જ ધર્મીનું ઈષ્ટ–કર્મ છે. વિકાર મારું કાર્ય
અને હું તેનો કર્તા–એમ મિથ્યાદ્રષ્ટિ વિકારને ઈષ્ટપણે સ્વીકારે છે. ચૈતન્ય તત્ત્વનું જેને ભાન નથી તે જીવ પુણ્ય–પાપ
વગેરે વિકારી પરિણામને પોતાનું ઈષ્ટ કાર્ય માને છે, અને તે વિકારનો કર્તા થાય છે. પરંતુ જડની અવસ્થાને તો
અજ્ઞાની પણ કરી શકતો નથી. –આવા ભાનસહિત ભગવાન મોટા થયા.
–પછી મહાવીર ભગવાને દીક્ષા લીધી. તે વખતે પણ ભગવાનના આત્મામાં પંચમહાવ્રતનો જે શુભવિકલ્પ
ઊઠ્યો તે વિકલ્પને ભગવાને કર્તા થઈને કર્યો નથી. શુદ્ધ ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિએ અને એકાગ્રતાએ જે નિર્મળ
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પરિણામ થયા તેના જ ભગવાન કર્તા છે. પરસન્મુખ દ્રષ્ટિ રહિત ધુ્રવસ્વભાવની સન્મુખ દ્રષ્ટિથી
ક્ષણે ક્ષણે વીતરાગી પરિણામને જ ભગવાન કરતા હતા. રાગ થાય તેને આત્માના કાર્ય તરીકે સ્વીકારતા નહિ.
–દીક્ષા પછી લગભગ સાડાબાર વર્ષ સુધી ભગવાન છદ્મસ્થપણે મુનિદશામાં રહ્યા. તે સાડાબાર વર્ષ સુધી ભગવાને
શું કર્યું? આત્માના સ્વભાવસન્મુખ દ્રષ્ટિ અને લીનતાથી ભગવાનને અરાગી પરિણામ ક્ષણે ક્ષણે વધતા હતા ને રાગ તૂટતો
હતો. આ કાર્ય ભગવાને કર્યું છે. એ સિવાય આહારને લેવો કે છોડવો–તે ભગવાને કાંઈ કર્યું નથી. લોકો કહે છે કે મહાવીર
ભગવાને બહુ પ્રતિકૂળ સંયોગ સહન કર્યા અને આહાર છોડ્યો. પરંતુ ખરેખર ભગવાનના આત્માએ તે કાંઈ કર્યું નથી.
સ્વભાવના આનંદની લીનતામાં રહેતાં આહારની લાગણી જ ન થાય, ત્યારે બહારમાં પણ આહારનો સંયોગ જડના કારણે
થવાનો જ ન હતો તેથી ન થયો; ત્યારે ભગવાને આહાર છોડ્યો–એમ ઉપચારથી કહેવાયું. પરંતુ ખરેખર ભગવાનના
આત્માએ પોતાના નિર્મળ પરિણામ સિવાય બીજું કાંઈ કર્યું નથી. ભગવાન સાડાબાર વર્ષ મુનિપણામાં રહ્યાં ત્યારે સર્વજ્ઞ
ન હતા, પણ અલ્પજ્ઞ હતા. પરંતુ ત્યારે પણ શુદ્ધ ચૈતન્ય તરફના વલણમાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના શુદ્ધ પરિણામને જ તેઓ
કરતા હતા. પંચમહાવ્રતનો શુભરાગ પણ ખરેખર ભગવાને કર્યો ન હતો. તે રાગનું સ્વામીપણું ભગવાન માનતા ન હતા.
–પછી જ્યારે ભગવાનનો આત્મા નિજસ્વરૂપમાં પૂર્ણપણે લીન થયો ત્યારે પૂર્ણજ્ઞાનદશા–કેવળજ્ઞાનને પામ્યો.
ચાર ઘાતિ–કર્મોનો નાશ સ્વયં થઈ ગયો ને ભગવાનને અરિહંતદશા પ્રગટી. ચાર ઘાતિકર્મોનો નાશ કરવાનું કાર્ય
ભગવાને કર્યું નથી, પૂર્ણજ્ઞાનદશારૂપી કાર્યને જ ભગવાને કર્યું છે.
કેવળજ્ઞાન પ્રગટ્યા પછી ત્રીસ વર્ષ સુધી ભગવાન અરિહંતપણે રહ્યા; તેમાં ભગવાને શું કર્યું? શું ત્રીસ વર્ષ સુધી
ભગવાને દિવ્યવાણી પ્રરૂપી?–ના. વાણી તો જડ પરમાણુનું પરિણમન છે, તે વાણીનો કર્તા જડ છે. ભગવાને તે વાણી કરી
નથી. આજે મહાવીર ભગવાનના જન્મકલ્યાણક નિમિત્તે ભાષણમાં લોકો કહેશે કે મહાવીર ભગવાને પર જીવોનો ઉદ્ધાર
કર્યો, મહાવીરે યજ્ઞમાં થતી હિંસા અટકાવી, મહાવીરે પરોપકાર અર્થે જીવન વિતાવ્યું;–વગેરે પ્રકારે મહાવીરના નામે ગોટા
વાળશે. પણ ભગવાન મહાવીરે પરનું કાંઈ કર્યું નથી. ભગવાનની વાણીનું નિમિત્ત પામીને તે વખતે જે જીવોની લાયકાત
હતી તે જીવોએ પોતાના પરિણામ ફેરવ્યા. ત્યાં ભગવાને કર્યું–એમ ઉપચારથી બોલાય છે. ખરેખર ભગવાને પરમાં કાંઈ
કર્યું નથી; ભગવાને તો પોતાના કેવળજ્ઞાનરૂપી કાર્ય જ કર્યું છે.
ચૈતન્યતત્ત્વમાં ક્ષણે ક્ષણે શું થઈ રહ્યું છે, તેની આ વાત છે. કોઈ આત્મા પરનું તો કાંઈ કરી શકતો નથી.
અજ્ઞાની પણ જડનો તો કર્તા નથી. એક પરમાણુ બીજા પરમાણુની અવસ્થાને કરતો નથી. જ્યારે મહાવીર ભગવાનની
વાણી છૂટી ત્યારે પાત્ર જીવોએ પોતે પોતાની લાયકાતથી સવળા પરિણામ કર્યા. ત્યાં મહાવીર ભગવાનના આત્માની
હાજરી હતી, તેથી ‘મહાવીરે હિંસા અટકાવી’ એમ નિમિત્તનું કથન છે.
ભગવાને ત્રીસ વર્ષ સુધી ઉપદેશ કર્યો–એ પણ ઉપચારનું કથન છે. ઉપદેશની વાણી છૂટી તે પરમાણુની પર્યાય થઈ
છે. તે પર્યાય વખતે ભગવાનનો આત્મા નિમિત્તરૂપે હાજર હતો. પણ વાણીના કાળ વખતે પણ તે આત્માનું તો ક્ષણે ક્ષણે
કેવળજ્ઞાનરૂપે જ પરિણમન થઈ રહ્યું છે. ભગવાન તે કેવળજ્ઞાનના કર્તા છે. ભગવાને વાણી કરી નથી, તેમ જ ભગવાન ત્યાં
વિદ્યમાન હતા માટે વાણી થઈ એમ પણ નથી. વાણી વખતે નિમિત્તરૂપે આત્મામાં જે જોગનું કંપન હતું તે જોગના કંપનરૂપ
કાર્યના કર્તા પણ ભગવાન નથી. ભગવાન સમયે સમયે કેવળજ્ઞાનરૂપી કાર્યના કર્તા છે ને કેવળજ્ઞાન તેમનું કર્મ છે.
–આવું ભગવાનના આત્માનું જીવન છે, એ સિવાય ભગવાને બીજું કાંઈ કર્યું નથી. હવે, ભગવાનની વાણીમાં
કહ્યું શું? ભગવાનની વાણીમાં આમ આવ્યું કે–
અહો જીવો! તમે તમારા સ્વભાવથી પરિપૂર્ણ છો. તમે

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૩૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
તમારા સ્વતંત્ર આત્મદ્રવ્ય સન્મુખ થઈને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરો, ત્યારે તમને તમારા સ્વતંત્ર કર્મથી ધર્મ થાય છે.
જીવ પોતે પોતાની લાયકાતથી ધર્મ પામે ત્યારે ઉપચારથી–વિનયથી એમ કહેવાય કે હે ભગવાન! तीथ्थयराणं–તમે
ધર્મતીર્થના કર્તા છો. ખરેખર આ આત્માની ધર્મપર્યાયમાં ભગવાનનો અભાવ છે. એક વસ્તુનો બીજામાં અત્યંત અભાવ
છે, તે એકબીજાને કાંઈ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. ભગવાને ઘણા જીવોનો ઉદ્ધાર કર્યો–એમ ઉપચારનું કથન છે,
ઉપચાર એટલે કે ખરેખર એમ છે નહિ. જે જીવોએ આત્મભાન પામીને ઉદ્ધાર કર્યો તેમણે પોતાના પુરુષાર્થથી જ કર્યો છે.
જુઓ, આવું મહાવીર ભગવાનનું જીવનચરિત્ર છે. મહાવીર ભગવાને આટલા વર્ષ વ્રત પાળ્‌યાં, ને આટલા વર્ષ
તપ કર્યા, ને આટલા ઉપવાસ કર્યા–એવું તો કાંઈ આ મહાવીર–જીવનમાં ન આવ્યું! ત્યારે ભગવાને શું કર્યું? મહાવીર
ભગવાને અંર્તસ્વભાવની સન્મુખ થઈને અતીન્દ્રિય આનંદનું વેદન કર્યું, અને અવસ્થામાં વ્રતાદિનો શુભરાગ થાય તેનું
કર્તાપણું છોડ્યું. આત્મા અનાદિઅનંત સચ્ચિદાનંદસ્વભાવની મૂર્તિ છે, વિકાર તેનું સ્વરૂપ નથી. અથસ્થામાં જે
વિકારનો અંશ છે તે મારું કાર્ય ને હું તેનો કર્તા–એવી અંશબુદ્ધિ–વિકારબુદ્ધિ તે પાખંડ છે–અધર્મ છે. અને પર પદાર્થોનું
કાર્ય હું કરું–એમ માનવું તે તો મોટો અધર્મ છે.
ભગવાનનું જીવન બધું અંતરમાં શમાય છે, બહારમાં પરનું કાંઈ ભગવાને કર્યું નથી. મિથ્યાદ્રષ્ટિનું જીવન શું? –
તે કહે છે. મિથ્યાદ્રષ્ટિ પણ પરમાં તો કાંઈ કરી શકતો નથી. પણ મેં પરનું કર્યું ને વિકારનો હું કર્તા–એમ તે માને છે.
એટલે તે ક્ષણે ક્ષણે વિકારપણે ઊપજે છે–એ તેનું જીવન છે. મિથ્યાદ્રષ્ટિને પોતામાં સ્વતંત્ર કાર્યનો સ્વીકાર નથી એટલે
તે વિકારનો કર્તા થાય છે અને પરનું કાર્ય મારાથી થાય એમ માને છે. પણ વસ્તુની અવસ્થા બીજો કરે એમ કદી બને
નહિ. જો બીજાને લઈને વસ્તુનું કામ થાય તો તે વસ્તુના સ્વતંત્ર અસ્તિત્વનો જ અભાવ થાય છે. અજ્ઞાની પણ
બીજાના જીવનમાં કાંઈ કરે–એમ ત્રણકાળ ત્રણલોકમાં બનતું નથી. અજ્ઞાની પોતાના જીવનમાં–પોતાની અવસ્થામાં
વિકાર કરીને તેનો કર્તા થાય છે, અને ધર્મી જીવ પોતાના જીવનમાં–પોતાની અવસ્થામાં નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ
વીતરાગી પરિણામ કરીને તેનો કર્તા થાય છે.
ભગવાને સુખે કરીને ખાધું નહિ, પીધું નહિ અને ઘણાં કષ્ટ સહન કર્યાં–એમ અજ્ઞાનીઓ માને છે; પરંતુ ધર્મ શું
કષ્ટદાયક છે? જેમાં કષ્ટ સહન કરવા પડે એટલે કે દુઃખ વેઠવું પડે–એવો ધર્મ ભગવાને કર્યો ન હતો. ધર્મમાં તો
આત્માની શાંતિ હોય કે કષ્ટ હોય? લોકો બાહ્ય સંયોગથી કષ્ટ માને છે, પણ એમ છે જ નહિ. જો ધર્મમાં કષ્ટ સહન
કરવા પડતાં હોય તો પછી કષ્ટ ટળે શી રીતે? કષ્ટ એટલે દુઃખ; કષ્ટ લાગે તે આર્ત્તધ્યાન છે; તો તેના ફળમાં કેવળજ્ઞાન
ત્રણકાળ ત્રણલોકમાં હોય નહિ. જેમાં કષ્ટ લાગે તેના ફળમાં શાંતિ ક્યાંથી હોય? –ન જ હોય. આત્માનો ધર્મ તો
શાંતિદાતા–અનાકુળ આનંદસ્વરૂપ છે. કષ્ટ તે દુઃખ છે, ને ધર્મ તો સુખરૂપ છે. ધર્મમાં કષ્ટ સહન કરવા પડે–એનો અર્થ
એમ થયો કે દુઃખ વેઠવા પડે તો સુખ થાય! –એમ હોય શકે નહિ. રાગ–રહિત સહજ આત્મસ્વરૂપ તરફના વલણમાં
અનાકુળ શાંતિ અને વીતરાગી આનંદના શેરડા પ્રગટે તેનું નામ ધર્મ છે. અજ્ઞાનીને પણ બાહ્ય પ્રતિકૂળ સંયોગનું દુઃખ
નથી, પરંતુ પુણ્ય–પાપ મારાં, ને જડ શરીરની દશા મારી–એવો તેનો મિથ્યાત્વભાવ તે જ દુઃખ છે. દુઃખ વેઠતાં વેઠતાં
ધર્મ થાય–એનો અર્થ એ થયો કે મિથ્યાત્વ ને રાગદ્વેષ સેવતાં સેવતાં ધર્મ થાય. –આમ અજ્ઞાનીઓ માને છે. મુનિદશામાં
મહાવીર ભગવાને કષ્ટ સહન કર્યાં ન હતા, પણ આત્માની શાંતિના શેરડાનો અનુભવ કર્યો હતો.
મહાવીરે બાર–બાર વર્ષ સુધી ઘોર તપ કર્યાં–એટલે કે જાણે તેમણે ઘણું દુઃખ ભોગવ્યું–એમ અજ્ઞાનીઓ માને છે.
પણ તે વખતે મહાવીરના આત્માએ અંતરમાં શું કર્યું તે અજ્ઞાનીઓ જાણતા નથી. ચૈતન્યસ્વભાવ સન્મુખ લીન થતાં
ભગવાનને તો આનંદકંદ આત્માની શાંતિના શેરડા ફૂટયા હતા. જેમ અત્તરનો મોટો ડુંગરો હોય, ને તેમાં છરો મારતાં
સુગંધનો ફૂવારો વછૂટે, તેમ ભગવાન આત્મા આનંદકંદ અનાકુળ શાંતિનો ડુંગર છે; તેની દ્રષ્ટિ કરીને લીનતા થઈ ત્યાં
ચૈતન્ય–અમૃતનો ડુંગર જે આત્મા તેમાંથી શાંતિના ફૂવારા છૂટવા લાગ્યા; તેનું નામ ધર્મ છે. ધર્મી જીવ એવી શાંતિનો
અનુભવ કરે છે. ભગવાને એવી શાંતિનો અનુભવ કર્યો હતો. એને બદલે ધર્મને કષ્ટદાયક માને છે તેઓ ધર્મને વગોવે છે.
ચારિત્રને વેળુના કોળીયા જેવું માને એટલે ધર્મમાં જાણે કે ઘણો કલેશ હશે! –એમ માન્યું. પરંતુ જેનાથી કલેશ
થાય એવો ધર્મ ભગવાને કર્યો નથી ને તેવો ધર્મ ભગવાને કહ્યો નથી. કલેશ તે કારણ અને અનાકુળ શાંતિ તે કાર્ય–એમ
હોય નહિ. આત્માનો ધર્મ તો અનાકુળ શાંતિરૂપ છે. ચૈતન્ય ભગવાન મહાવીરે એવો ધર્મ કર્યો અને એવો ધર્મ કહ્યો.
ચિદાનંદ વસ્તુ આત્મા છે, તેનો સ્વભાવ દુઃખરૂપ નથી. દુઃખ તો વિકૃતિ છે, ક્ષણિક ઉપાધિ છે. વસ્તુને પોતાના
સ્વભાવથી દુઃખ નથી તેમ જ પરને લીધે પણ દુઃખ નથી; અનાકુળ આનંદ–સ્વરૂપ સ્વતઃસિદ્ધ આત્માનું લક્ષ ચૂકીને પોતે
જેટલી વિકૃતદશા ઉત્પન્ન કરે તે જ દુઃખ છે. સ્વભાવ તે દુઃખ નથી ને સંયોગ પણ દુઃખ નથી. શરીરમાં ક્ષુધા–તૃષા–રોગ
વગેરે થાય તે જડની અવસ્થા છે, તેનું દુઃખ આત્માને નથી. પ્રતિકૂળ સંયોગ તે દુઃખ નથી ને અનુકૂળ સંયોગ તે સુખ
નથી; નિર્ધનતા તે

PDF/HTML Page 14 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૩૩ :
અવગુણ નથી ને સધનતા તે ગુણ નથી; રોગ તે અવગુણ નથી ને નિરોગતા તે ગુણ નથી, અનાબરૂ તે અવગુણ નથી ને
આબરૂ તે ગુણ નથી; કાળુ–કૂબડું શરીર હોય તે અવગુણ નથી ને રૂપાળું શરીર હોય તે ગુણ નથી. આ પ્રમાણે કોઈ પરને
લઈને આત્માને સુખ–દુઃખ કે ગુણ–અવગુણ નથી. પણ ક્ષુધા, તૃષા વગેરે અવસ્થા શરીરમાં થતાં ‘આ મને થાય છે’ એવી
મિથ્યાદ્રષ્ટિની માન્યતા તે જ અવગુણ છે અને તે જ દુઃખ છે.
ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, સ્વભાવની અનાકુળતાનો પિંડ–પર્વત પ્રભુ ચૈતન્ય છે, તેને સ્વભાવમાં દુઃખ
નથી તેમ જ સંયોગનું પણ દુઃખ નથી. પરંતુ વચ્ચે જડની અવસ્થામાં રોગ વગેરે થતાં આ મને થયું–એવી જે પરમાં
પોતાપણાની માન્યતા ઊભી કરે છે તે અધર્મ અને દુઃખ છે. ધર્મી જીવને તે માન્યતા ટળી ગઈ છે. આત્માના સ્વભાવની
શાંતિમાં ધર્મીને કષ્ટ છે એમ માનવું તે ભગવાને કહેલા ધર્મનો અનાદર છે, એટલે પોતાના શાંતિસ્વભાવનો પણ અનાદર
છે. ધર્મીજીવ આત્મસ્વભાવની દ્રષ્ટિથી ક્ષણે ક્ષણે શાંતિનો અનુભવ કરે છે. કષ્ટ અને કલેશ ભોગવવા પડે એવું ધર્મીનું
જીવન નથી પણ ક્ષણે ક્ષણે આત્માની અપૂર્વ શાંતિનો અનુભવ થાય એવું ધર્મીનું જીવન છે.
–આવું જીવન ભગવાન મહાવીરે અને સર્વે ધર્માત્માઓએ ગાળ્‌યું છે, વર્તમાનના ધર્માત્માઓ તેવું જીવન ગાળે છે
અને ભવિષ્યના ધર્માત્માઓ તેવું જ જીવન ગાળશે. ભગવાન મહાવીરના આત્માએ આવું જીવન કર્યું હતું; એનું લોકોને
ભાન નથી એટલે બહારથી ભગવાનનું માપ કાઢે છે. ભગવાન જંગલમાં એકલા રહ્યા, ને રોટલા ન ખાધા તથા ભગવાન
નગ્ન રહ્યા માટે ભગવાન દુઃખી હતા, –આમ કહેવું તે વસ્તુના સ્વભાવને વિકૃત કરીને સર્વજ્ઞનો અનાદર કરવા જેવું છે. શું
જંગલમાં રહ્યા કે રોટલા ન ખાધા તેથી ભગવાનને દુઃખ હતું? ના. તે ક્ષણે ભગવાન તો પોતાના અતીન્દ્રિય આનંદના
ભોગવટામાં લીન હતા.
અહો, ઘરમાં ખોટો રૂપિયો ન આવી જાય તે માટે સાચા–ખોટા રૂપિયાની પરીક્ષા કરવા રૂપિયા ખખડાવવાનો
પથરો રાખે, પરંતુ અહીં ધર્મમાં અખંડ ચૈતન્યપિંડ આત્મા કોણ છે અને તેનો ધર્મ કઈ રીતે છે? તેની પરીક્ષા કરતો નથી.
ધુ્રવસ્વભાવના આશ્રયે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના અંશો પ્રગટાવીને રોકડીઓ ધર્મ લેવો છે, તો તેની પરીક્ષા કરીને
સાચા–ખોટાની ઓળખાણ કરવી જોઈએ.
આદિ–અંત વગરનો, જ્ઞાનદર્શનસ્વભાવનો સાગર આત્મા છે, તેની સન્મુખ થઈને આત્માવડે નિર્મળ પરિણામ કરવામાં
આવે છે; ભગવાન મહાવીરે તેવા પરિણામમાં જીવન ગાળ્‌યું હતું. પહેલેથી એટલે કે ધર્મી થયા ત્યારથી તે મુક્ત થયા ત્યાં સુધી
ભગવાને આવું જીવન કર્યું હતું. ભગવાનનો આત્મા અને મારો આત્મા સ્વભાવે સરખા છે, હું પણ મારી જાતે સ્વસન્મુખ
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને ભગવાન થઈ શકું છું. આ આત્મા સિવાય દેવ–ગુરુ–શાસ્ત્ર પર છે, તેનામાં આ આત્માનું
કલ્યાણ કરવાની તાકાત નથી. તેમ જ તેમની સન્મુખ ભક્તિનો જે શુભરાગ થાય તે શુભરાગમાં પણ આત્માનું કલ્યાણ
કરવાની તાકાત નથી. પોતાના સ્વભાવની સન્મુખતાથી જ કલ્યાણ પ્રગટે છે. મહાવીર ભગવાને આમ કર્યું છે ને આમ કહ્યું છે.
જે આનાથી વિરુદ્ધ માર્ગ કહે તે ભગવાનને, ભગવાનના કહેલા શાસ્ત્રોને કે સંતોને જાણતો નથી. આત્મા–સન્મુખ જેની દ્રષ્ટિ
નથી એવા અજ્ઞાનીનો એક અક્ષર પણ સાચો હોય નહિ; ભગવાનના સમવસરણમાં બેઠો હોય ને દિવ્યધ્વનિ સાંભળતો હોય તે
વખતે પણ તેનું વલણ પરસન્મુખ છે. અજ્ઞાનીનો વેલો જ આખો કડવો છે અર્થાત્ તેની દ્રષ્ટિ ઊંધી હોવાથી ક્ષણે ક્ષણે વિકારની
જ ઉત્પત્તિ થાય છે. ને જ્ઞાનીને સ્વસન્મુખ અમૃતની વેલ છે એટલે સ્વભાવસન્મુખદ્રષ્ટિથી તેને ક્ષણે ક્ષણે પર્યાયની નિર્મળતા
વધે છે. મિથ્યાદ્રષ્ટિને મૂળમાં જ પરને લીધે જ્ઞાનાદિ થવાની માન્યતા છે તે જ ભૂલ છે.
નિમિત્તને લીધે આત્માને જ્ઞાન થાય–એ વાત તો ક્યાંય ગઈ, પણ અહીં તો આચાર્યદેવ કહે છે કે નિમિત્તના લક્ષે
થતા વિકલ્પ અને ખંડજ્ઞાન ઉપરની બુદ્ધિ પણ મિથ્યાત્વને ઉત્પન્ન કરનારી છે. અખંડ ચૈતન્યના સ્વભાવમાં ખંડખંડ જ્ઞાનરૂપ
ભાવેન્દ્રિયનો અભાવ છે. ભાવેન્દ્રિય તો આત્માના અનંતજ્ઞાનનો એક અંશ છે, તે અંશ જેટલો જ આખા આત્માને માને
તેને સ્વભાવસન્મુખદ્રષ્ટિનો અભાવ છે. જેવા મહાવીર ભગવાન છે તેવી જ જાતના બધા આત્મા છે, સ્વભાવ સામર્થ્યમાં
કાંઈ ફેર નથી; ભગવાનને સર્વજ્ઞ–પરમાત્મદશા પ્રગટી છે ને આ જીવને અધૂરું જ્ઞાન છે–એમ વર્તમાન અવસ્થામાં ફેર છે. તે
અવસ્થાને ગૌણ કરીને સ્વભાવસન્મુખબુદ્ધિ કરવી તે મોક્ષનું કારણ છે ને પરસન્મુખબુદ્ધિ તે સંસારનું કારણ છે.
મહાવીર ભગવાને પોતાના જીવનમાં સ્વભાવસન્મુખબુદ્ધિ કરીને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના નિર્મળ પરિણામને કર્યા; ને
અત્યારે મોક્ષમાં પણ એવું જ કાર્ય કરે છે. સમ્યગ્દર્શનથી માંડીને સાદિ–અનંત મોક્ષદશા સુધી ધર્મી જીવ પોતાના જ્ઞાનમય
વીતરાગી પરિણામને જ કરે છે, પણ પરને કે વિકારને કરતો નથી.
જેમ માટી પોતે અંતર્વ્યાપક થઈને ઘડારૂપી કાર્યને કરે છે, તેમ ભગવાનનો આત્મા શરીર–મન–વાણી વગેરે જડની
અવસ્થામાં અંતર્વ્યાપક થઈને તેને કરતો નથી, પણ પોતાના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રના નિર્મળ વીતરાગી પરિણામમાં
અંતર્વ્યાપક થઈને તેને જ કરે છે.
પ્રાપ્ય–વિકાર્ય અને નિર્વર્ત્ય–એવું ત્રણ પ્રકારનું કર્મ છે. માટીમાંથી ઘડો થાય તેને કુંભાર કરતો નથી પણ માટી જ કરે
છે. ઘડારૂપ કર્મને માટી જ પહોંચી વળે છે તેથી ઘડો તે માટીનું પ્રાપ્યકર્મ છે. ઘડો થવાનો જે સ્વકાળ હતો ત્યારે ઘડો

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૩૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
થયો છે, તે અવસ્થાને માટીએ પ્રાપ્ત કરી છે, તેથી માટી જ તેની કર્તા છે. પરંતુ તેવી રીતે પુદ્ગલના પરિણામ તે
ભગવાન આત્માનું પ્રાપ્ય નથી. વાણીના શબ્દો થાય તેને જડ પરમાણુઓ પહોંચી વળે છે, વાણી તે ભગવાન આત્માનું
પ્રાપ્યકર્મ નથી એટલે કે આત્માએ તે વાણી કરી નથી. વાણી તે પરમાણુઓનો સ્વકાળ છે, તે વખતે આત્મા પોતાના
સ્વકાળમાં નિર્મળ પરિણામને કરે છે. એટલે મહાવીર ભગવાને વાણીને કરી નથી.
આત્મા તો જડ ભાષાની પર્યાયને કરતો નથી પરંતુ આ મોઢાના હોઠ ઊંચા–નીચા થાય છે તે પણ ભાષાની
પર્યાયને કરતા નથી. હોઠના પરમાણુઓ હોઠની પર્યાયને પહોંચી વળે છે, ભાષાની પર્યાયમાં તે પહોંચી વળતા નથી.
ભાષાના પરમાણુઓ જ ભાષારૂપે તેને પહોંચી વળ્‌યા છે. સમવસરણમાં દિવ્ય–વાણી છૂટી તે વખતે ભગવાન મહાવીર
તો પોતાની કેવળજ્ઞાન–પર્યાયમાં પહોંચી વળ્‌યા છે. ભગવાને તો તે સમયની પોતાની વીતરાગી કેવળજ્ઞાનદશાને પ્રાપ્ત
કરી છે. ભગવાને દિવ્યધ્વનિથી ઉપદેશ આપીને ચાર તીર્થની સ્થાપના કરી–એમ કહેવું તે વ્યવહારનું કથન છે. ચાર
તીર્થમાં સાધુ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા એ દરેક જીવોએ પોતપોતાની સમ્યગ્દર્શન વગેરે નિર્મળ પર્યાયને પોતાની
યોગ્યતાથી જ પ્રાપ્ત કરી છે, ભગવાને તેમનું કાંઈ કર્યું નથી.
વળી ભગવાને વિહાર કર્યો ત્યાં પણ તેમના શરીરના વિહારની ક્રિયા પરમાણુના કારણે જ થઈ છે, કેવળી
ભગવાનના આત્માએ તે શરીરનું ક્ષેત્રાંતર કર્યું નથી. મહાવીર ભગવાનનું આ જીવન છે કે તેમણે પરનું કાંઈ કર્યું નથી,
તે તે ક્ષણે આત્માવડે કરવામાં આવતા કેવળજ્ઞાનરૂપ પરિણામને જ કર્યા છે. અજ્ઞાની જીવ વિકારીભાવ કરીને તેનો કર્તા
થાય છે. પરનું તો કોઈ જીવ કરી શકતો નથી. હું પરનું કરું ને પર મારું કરે–એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે. હું પરનું કરું
નહિ ને પર મારું કરે નહિ–એમ નક્કી કર્યું પછી કોના સામે જોવાનું રહ્યું? પોતાના જ્ઞાનસ્વભાવ સામે જ જોવાનું રહ્યું,
એટલે સ્વસન્મુખ નિર્મળ પર્યાય થવા માંડી, તે ધર્મીનો ધર્મ છે. હે ભાઈ! પોતામાં સ્વભાવબુદ્ધિ છોડીને તું પરનો
આશ્રય માને તો ભગવાન શું કરશે તને? ભગવાન સામે દ્રષ્ટિ કરે તોપણ ભગવાન તારું કાંઈ કરી દે તેમ નથી. તું
તારા સ્વભાવ તરફ દ્રષ્ટિ વાળ તો તને ધર્મની શરૂઆતથી મોક્ષસુધી વચ્ચે દુઃખ નથી; દુઃખ કે અણગમો હોય તે ધર્મ
નથી, અને ધર્મમાં દુઃખ નથી.
ખોરાક ન ખાધો ત્યાં આત્મામાં અણગમો થાય તો તે આર્ત્તધ્યાન છે, આર્ત્તધ્યાન તે પાપ છે. એ રીતે ભાવમાં
તો આર્ત્તધ્યાનનું પાપ થાય અને માને કે મેં આ ધર્મ કર્યો. –એ તો મિથ્યાત્વને સેવે છે. ધર્મી આત્મા તો
અંર્તશક્તિમાંથી શાંતિના પરિણામ વ્યક્ત કરતો, તે–રૂપે પરિણમે છે, તેને ઊપજાવે છે અને તેને પ્રાપ્ત કરે છે. આ જ
ધર્મીનું ધર્મકાર્ય છે. અજ્ઞાની જીવ રાગાદિનો કર્તા થઈને તે રાગાદિ પરિણામને પકડે છે; અને પરને કરવાનું તે માને છે,
પરંતુ પરના કાર્યને તો તે જીવ પણ કરી શકતો નથી. દરેક પદાર્થ ભિન્ન ભિન્ન છે, અને સૌ સૌનું કાર્ય પોતપોતામાં જ
છે. ભગવાને પોતામાં નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય કર્યું છે, એ સિવાય બહારમાં કાંઈ કર્યું નથી.
વસ્તુનો સ્વભાવ આ જ રીતે છે, તે ઢાંક્યો રહે તેમ નથી. છદ્મસ્થપણામાં પુણ્ય–પાપના વિકલ્પો હોય તેને ધર્મી
પકડતો નથી અને ઈન્દ્રિયો વગેરે જડની પર્યાયને પણ ધર્મી ગ્રહતો નથી; એટલે ઈન્દ્રિયોને કારણે મને જ્ઞાન થાય છે
એમ ધર્મી માનતો નથી. પર્યાયબુદ્ધિવાળો માને છે કે ઈન્દ્રિયો હોય તો મને જ્ઞાન થાય, અને રાગને લીધે મને જ્ઞાન
થાય. ધર્મી જીવ તે ઈન્દ્રિયને કે રાગને ગ્રહતો નથી. હું શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદ છું–એમ પોતાના સ્વભાવને જાણતો થકો
ધર્મી જીવ નિર્મળ પરિણામને કરે છે. સ્વસન્મુખ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર થયા તે પોતાના વીતરાગી પરિણામને ધર્મી જીવ
જાણે છે, પણ તે વિકલ્પને કે જડની દશાને પકડતો નથી.
સ્વભાવસન્મુખદ્રષ્ટિમાં ધર્મી જીવ વિકારને પકડતો નથી, વિકારનો કર્તા થતો નથી, એટલે ‘મને અનંત ભવ
હશે’ એવી શંકા તેને હોતી નથી. ‘હું અભવ્ય હોઈશ કે ભવ્ય?’ –એવી અભવ્યભાવની શંકા જ્ઞાનીને કદી પડે નહિ.
સ્વભાવના ભાનમાં ભવની શંકા જ નીકળી ગઈ છે. ‘અભવ્ય અને ભવ્ય તે તો અરૂપી ભાવ છે એટલે તે તો કેવળી
ભગવાન જાણે, આપણને તેની ખબર ન પડે’ –આમ જે માને છે તેને અંશમાત્ર ધર્મ નથી. અભવ્ય જીવની અનંત
અનંત ભવે પણ મુક્તિ થતી નથી. ‘મારે હજી અનંતભવ કરવાના બાકી હશે’ એવી ભવની શંકા જેને ટળી નથી અને
‘હું ભવ્ય છું, મારે હવે અનંતભવ છે જ નહિ, અલ્પકાળે મારી મુક્તિ છે’ –એવી યથાર્થ નિઃશંકતા જેને પ્રગટી નથી, તે
જીવ ભવરહિત એવા વીતરાગી ભગવાનની વાણીની પરીક્ષા કરવાની ત્રેવડ લાવશે ક્યાંથી? સર્વજ્ઞ દેવને પૂર્ણાનંદદશા
થઈને ભવરહિત જીવન્મુક્તદશા થઈ, તે ભવરહિત પુરુષની વાણીની પરીક્ષા ‘ભવ્ય–અભવ્ય’ ની શંકાવાળો જીવ કરી
શકશે જ નહિ. જે ક્ષણે ક્ષણે ભવની શંકામાં પડ્યો છે તે જીવમાં ભવરહિત ભગવાનના વચન કેવા હોય તેની પરીક્ષા
કરવાની તાકાત હોય શકે નહિ. યથાર્થ વસ્તુસ્વરૂપ સમજ્યા વગર અને પોતાના આત્માનો નિર્ણય કર્યા વગર, મહાવીર
ભગવાનના નામે જેને જેમ ફાવે તેમ બોલે છે, અને પોતાની કલ્પનાને વર્દ્ધમાનદેશના કહીને ભગવાનના નામે ચડાવે
છે, પણ ખરેખર તો તેમાં મિથ્યાત્વનું પોષણ હોય છે. ભગવાનના આત્માએ શું કર્યું તેનું અજ્ઞાનીને ભાન નથી.

PDF/HTML Page 16 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૩૫ :
ભગવાનનો આત્મા જડ શરીરાદિની કોઈ અવસ્થાને તો ગ્રહતો નથી, તેને પરિણમાવતો નથી અને તે–રૂપે
ઊપજતો નથી, પણ તેના લક્ષે પોતાની પર્યાયમાં જે ખંડજ્ઞાન થાય તેના ઉપર પણ ધર્મીની દ્રષ્ટિ નથી એટલે ખરેખર
તે–રૂપે પણ ઊપજતો નથી. પણ અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવના આશ્રયે જ ઊપજે છે. અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવના આશ્રયે
જ કેવળજ્ઞાન થાય છે, તે કેવળજ્ઞાનરૂપી કાર્યને ભગવાન કરે છે.
અહો, ભગવાને આવો આત્મસ્વભાવ સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધી સાધ્યો. અજ્ઞાની પરલક્ષે વિકાર
કરીને તેને વેદે છે, તેનું નામ સંસાર છે. અને ચિદાનંદ સ્વભાવના આશ્રયે તે વિકારનો વ્યય થઈને પૂર્ણાનંદદશા પ્રગટે
તે મોક્ષ છે. સિદ્ધશિલાના ક્ષેત્રમાં મોક્ષ નથી પણ આત્મામાં જે પૂર્ણ જ્ઞાન–આનંદમય શુદ્ધદશા પ્રગટી તે જ મોક્ષ છે.
આત્મસિદ્ધિમાં કહ્યું છે કે–
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગં્રથ.
રાગદ્વેષ વગરનો આત્માનો જ્ઞાનસ્વભાવ
આ આત્મા અનાદિથી છે. અનાદિથી આત્મા પોતાના સ્વભાવને ભૂલીને સંસારમાં રખડી રહ્યો છે. આત્માની
આદિ નથી તેમ તેની ભૂલની પણ આદિ નથી. પહેલાંં અવસ્થાએ પણ આત્મા તદ્રન શુદ્ધ હતો અને પછી ભૂલ થઈ–એમ
નથી. આત્મા અનાદિ છે અને તેની અવસ્થામાં ભૂલ પણ અનાદિની છે. જેમ શેરડીમાં રસ અને કૂચો મૂળથી ભેગાં છે
પણ બંનેનો સ્વભાવ એક નથી; રસ પેટમાં ઊતરે છે ને કૂચો બહાર નીકળી જાય છે. તેમ આત્મામાં ભૂલ અનાદિથી છે,
પણ તે તેનો સ્વભાવ નથી; તેથી આત્મસ્વભાવની ઓળખાણ વડે તે ભૂલ ટળીને ભૂલવગરનો આત્મા નિર્મળ પણે રહી
શકે છે. જેમ અફીણનો કડવો સ્વભાવ છે, ગોળનો ગળ્‌યો સ્વભાવ છે, તેમ આત્માનો જ્ઞાન સ્વભાવ છે. દયા કે હિંસાના
જે પરિણામ થાય તે આત્માનો સ્વભાવ નથી. જ્ઞાનસ્વભાવી આત્માના ભાનથી પ્રથમ અનાદિની ભૂલ (મિથ્યાત્વ)
ટળે છે અને ત્યાર પછી સ્વરૂપમાં એકાગ્ર થતાં ક્રમેક્રમે રાગદ્વેષનો અભાવ થઈને પૂરું જ્ઞાન રહી જાય છે. ત્યાં રાગ–
દ્વેષનો અભાવ થતાં ચૈતન્યનો અભાવ થઈ જતો નથી. કેમકે રાગદ્વેષ તે ચૈતન્યના સ્વભાવની ચીજ નથી પણ કૃત્રિમ
ઉપાધિ છે. જે વસ્તુનો સ્વભાવ હોય તેનો કદી નાશ થાય નહિ. જ્ઞાન આત્માનો સ્વભાવ છે, તેનો કદી નાશ થતો નથી.
આત્માની અવસ્થામાં કોઈ વાર દયા, દાન, પૂજા, ભક્તિ વગેરે શુભ લાગણીઓ થાય છે, અને કોઈ વાર હિંસા,
ચોરી વગેરે અશુભ લાગણીઓ થાય છે; તે શુભ અને અશુભ લાગણીઓ આત્માના સ્વભાવમાં નથી પણ નવી ઉત્પન્ન
થાય છે. આત્મા કાંઈ નવો ઉત્પન્ન થતો નથી. પહેલાંં ક્રોધની લાગણી ન હોય ને પછી થાય, ત્યાં એમ કહે છે કે ‘મને
આ ક્રોધની લાગણી થઈ આવી.’ પણ ‘મારો આત્મા થઈ આવ્યો’ –એમ કોઈ કહેતું નથી. તેનો અર્થ એ થયો કે
આત્મા તો નિત્ય છે અને તેની અવસ્થામાં ક્રોધાદિ ભાવો નવા ઉત્પન્ન થાય છે. તે ક્રોધાદિ ભાવો આત્માના કાયમી
સ્વભાવમાં નથી. ક્રોધાદિ વિકાર રહિત આત્માનો કાયમી સ્વભાવ શું છૈ? તે જીવે અનાદિથી જાણ્યું નથી.
આત્મા અનાદિ અનંત જ્ઞાનમૂર્તિ છે, આ શરીર દેખાય છે તે જડ રજકણોનું ઢીંગલું છે. તે જડની હાલતો જડના
સ્વભાવથી બદલાય છે, આત્મા તેનો કરનાર નથી. દેહાદિ જડ પદાર્થોથી આત્મા ત્રિકાળ જુદો છે; પોતાની ક્ષણિક
અવસ્થામાં શુભાશુભ ભાવ જો આત્મા કરે તો નવા નવા થાય છે, અને જો ન કરે તો થતા નથી. એટલે તે શુભાશુભ
ભાવો આત્માનો સ્વભાવ નથી.
રાગદ્વેષ રહિત જ્ઞાનસ્વભાવી આત્માનું ભાન કરીને, જો રાગ–દ્વેષ ન કરે તો એકલો જ્ઞાનસ્વભાવ રહી જાય છે.
રાગ–દ્વેષ વખતે જ્ઞાન અટકતું એટલે કે પૂરું જાણી શકતું ન હતું. હવે સ્વભાવના આશ્રયે રાગદ્વેષનો અભાવ થઈને
જાણનાર સ્વભાવ પૂરો પ્રગટ્યો તે કોને ન જાણે? એક સમયમાં તે બધાને જાણે છે. એનું નામ સર્વજ્ઞપદ છે. એવું
સર્વજ્ઞપદ પ્રગટ કરીને અનંત જીવો મુક્ત થઈ ગયા છે. અત્યારે આ ભરતક્ષેત્રમાં એવા સર્વજ્ઞ નથી, પણ મહાવિદેહ
ક્ષેત્રમાં શ્રી સીમંધરભગવાન વગેરે સર્વજ્ઞપણે અરિહંતદશામાં અત્યારે વિચરે છે. સર્વજ્ઞ ભગવાન જેવો જ દરેક
આત્માનો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવ છે. એવા પોતાના સ્વભાવની ઓળખાણ કરીને તેના જ આશ્રયથી આત્મા મુક્તિ
પામે છે. એ સિવાય કોઈ ભગવાનની કૃપાથી આત્મા તરતો નથી, તેમ જ કોઈની અકૃપાથી આત્મા રખડતો નથી. પોતે
પોતાની ભૂલથી રખડે છે, અને પોતે જ તે ભૂલ ભાંગીને ભગવાન થાય છે. હે જીવ! તારા તત્ત્વનો મહિમા તેં ન જાણ્યો
એટલે તે મહિમા ક્યાંક બીજે આપી દીધો. પોતે પોતાથી સ્વતંત્ર અને પરિપૂર્ણ છે, તે ભૂલીને, કોઈક બીજો મને તારશે–
એમ પરનો આધાર માની લીધો; પણ ભાઈ! તારી મુક્તિ બીજાના આધારે નથી. તારા સ્વભાવના આધારે જ તારી
મુક્તિ છે, માટે તેને ઓળખ.
– ચૂડા શહેરમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી. પદ્મ. એકત્વ અધિકાર ગા. ૨૬ માગસર વદ ૧૩.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૩૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
ધર્મી જીવ જાણે છે કે – ‘હું મુક્ત છું’
આત્માનો સ્વભાવ શું છે તે જગતના જીવોએ અનંતકાળથી જાણ્યો નથી, તેથી દુર્લભ લાગે છે. જેમ અજાણ્યા
ખેડૂતને શહેરની કોર્ટના પગથિયાં ચડતાં બીક લાગે છે, તેમ અનાદિથી ચૈતન્યમૂર્તિ આત્માના સ્વભાવને જાણ્યો નથી
તેથી તેની યથાર્થ વાત સાંભળતાં તે સમજવી કઠણ લાગે છે. જો પાત્ર થઈને પરિચય કરે તો આ વાત સમજાય તેવી
છે. પોતાના આત્માને કેવા સ્વરૂપે ઓળખવાથી ધર્મ થાય તેની આ વાત ચાલે છે.
આત્મા ત્રિકાળી વસ્તુ છે, તેમાં બે પડખાં છે. એક ત્રિકાળી સ્વભાવ, અને બીજું વર્તમાન પૂરતી અવસ્થા.
આત્માનો ત્રિકાળી સ્વભાવ રાગદ્વેષરહિત, નિર્મળાનંદસ્વરૂપ છે, તેમાં બંધન નથી. અને તેની વર્તમાન હાલતમાં રાગ–
દ્વેષ વગેરે વિકારભાવો છે. ત્યાં વિકાર તે જ હું એમ માનીને વિકારબુદ્ધિથી જીવ સંસારમાં રખડે છે. ધર્મી જીવની દ્રષ્ટિ
એમ છે કે હું જ્ઞાનસ્વભાવી મુક્ત છું, રાગ–દ્વેષ થાય તે મારા સ્વભાવમાં નથી. જેમ સ્ફટિકમણિ સ્વભાવથી તો
ઉજ્જવળ છે, કાળા–રાતા પદાર્થોના સંયોગે જે રંગની ઝાંઈ દેખાય છે તે તેનો સ્વભાવ નથી, પણ વિભાવ છે. તેમ મારો
આત્મા ત્રિકાળી ચૈતન્યમૂર્તિ, પુણ્ય–પાપ રાગ–દ્વેષ રહિત મુક્તસ્વરૂપી છે; અવસ્થામાં પર તરફના વલણથી જે રાગ–દ્વેષ
થાય છે તે મારું સ્વરૂપ નથી, પણ ક્ષણિક વિકાર છે. તે ક્ષણિક વિકાર જેટલો હું નથી. સ્વભાવપણે હું મુક્ત છું–એવી
મારી મતિ છે. હું રાગી–દ્વેષી છું એવી મારી મતિ નથી પણ હું મુક્ત છું એવી મારી મતિ છે. એટલે કે મારું જ્ઞાન
વિકારસન્મુખ નથી પણ સ્વભાવસન્મુખ છે. પુણ્ય–પાપની લાગણીઓ થાય તે મારા મૂળ સ્વરૂપમાંથી આવતી નથી.
આ પ્રમાણે વિકારની રુચિ ટળીને સ્વભાવમાં જેની દ્રષ્ટિ પડી છે તે જ સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા છે; આવી દ્રષ્ટિ થયા વગર
બીજું ગમે તેટલું કરે તોપણ જરાય ધર્મ થતો નથી.
સમ્યગ્દ્રષ્ટિ કહે છે કે હું પરથી ભિન્ન છું ને સ્વભાવથી એક છું એટલે હું મુક્તસ્વરૂપ છું–એવી મારી મતિ થઈ છે.
ભગવાન કહે છે માટે હું આત્માને મુક્તસ્વરૂપ માનું છું–એમ નહિ, પણ મારી મતિ જ એવી થઈ છે. –આ પ્રમાણે
સ્વાશ્રયથી સ્વભાવની કબૂલાત છે. પોતાને પોતાની ખબર ન પડે–એવી વાત લીધી નથી. ધર્મી પોતે પોતાની
નિઃશંકતાથી કહે છે કે સ્વભાવની દ્રષ્ટિએ હું મુક્ત છું એવી મારી મતિ થઈ છે. પોતાને નિઃશંકતા થઈ છે, તેમાં કોઈ
બીજાને પૂછવું પડતું નથી. હજી પર્યાયમાં મુક્તિ થઈ નથી છતાં ધર્મી કહે છે કે હું મુક્ત છું. પર્યાયમાં અધૂરાશ અને
રાગદ્વેષ છે તેનો જ્ઞાનમાં ખ્યાલ વર્તે છે, પણ પર્યાયમાં રાગદ્વેષ થવા છતાં હું તેનો આશ્રય નથી કરતો, હું ત્રિકાળી
સ્વભાવનો જ આશ્રય કરું છું. એ પ્રમાણે સ્વભાવના આશ્રયે ધર્મી કહે છે કે હું મુક્ત છું. અંતરમાં આવા આત્માનું જ્ઞાન
કરવું તે જ મુક્ત થવાનો રસ્તો છે. અંતરમાં જે મુક્તસ્વરૂપની હા પાડે તેને તેમાંથી મુક્તદશા પ્રગટશે. પણ
મુક્તસ્વરૂપની જે ના પાડે છે તેને મુક્તદશા આવશે ક્યાંથી?
જ્ઞાનસ્વભાવી આત્મા ખરેખર બંધાયેલો નથી. એક હીરાનો હાર ડાભલામાં હોય ને ડાભલો પટારામાં પડ્યો
હોય. પણ જ્ઞાનમાં તો તે હાર નજરે તરવરે છે, એટલે આત્માનું જ્ઞાન બંધાયું નથી. પુણ્ય–પાપના ભાવ થાય તેને
જાણનારું જ્ઞાન પોતે પુણ્ય–પાપથી બંધાયું નથી પણ જ્ઞાન તો પુણ્ય–પાપથી મુક્ત જ છે. આમ પુણ્ય–પાપ રહિત મુક્ત
જ્ઞાનસ્વભાવની પ્રતીત કરવી જોઈએ. જેમ માલ લેતી વખતે ભાવ અને તોલ નક્કી કરે છે તેમ આ ચૈતન્યને સમજવા
માટે જ્ઞાનદ્વારા નયપ્રમાણથી તેનું બરાબર માપ કરવું જોઈએ, બધા પડખાંથી નિર્ણય કરવો જોઈએ. જો માપ કરનારું
જ્ઞાન જ ખોટું હોય તો વસ્તુનું માપ સાચું આવે નહિ. તોલા અને કાંટો જ ફેરવાળા હોય ત્યાં સાચું માપ ક્યાંથી આવે?
એમ સાચા જ્ઞાન વગર જગત ધર્મ કરવા માગે તે ધર્મ ક્યાંથી થાય? અહો! અત્યારે તો ચૈતન્યસ્વભાવનું માપ કરનારા
જગતના કાંટા જ ખાદીલા થઈ ગયા છે. આત્મા પરનું કરે અને આત્મા પરને છોડે એવી રીતે આત્માનું માપ કરે છે, તે
મિથ્યાજ્ઞાન છે, તેમાં આત્માનું સાચું માપ ક્યાંથી આવે? બાહ્ય ત્યાગથી કે પુણ્યથી ધર્મનું માપ નથી પણ અંર્તદ્રષ્ટિથી
જ ધર્મનું માપ છે. ધર્મી જીવ પોતાના યથાર્થ જ્ઞાનથી આત્માને કેવો જાણે છે? તે અહીં કહે છે.
સમ્યગ્દ્રષ્ટિને સમ્યક્ મતિજ્ઞાન થતાં ચૈતન્યમાં આવી પ્રતીત થાય છે કે અહો! હું મુક્ત છું; મારા જ્ઞાનસ્વરૂપમાં
કર્મનું કે વિકારનું બંધન નથી. આમ પોતાના મુક્તસ્વભાવની પ્રતીત હોવાથી તેને ભવની શંકા પણ નથી, કેમકે
સ્વભાવમાં ભવ નથી. ભવનું કારણ વિકાર છે, તે વિકાર આત્માના સ્વભાવમાં નથી તેથી સ્વભાવદ્રષ્ટિમાં ધર્મીને
ભવની શંકા હોતી જ નથી. આમાં કેવળી ભગવાનને પૂછવા જવું પડતું નથી, પણ જ્યાં પોતાની જ્ઞાનપરિણતિ સ્વભાવ
તરફ વળી અને મુક્તસ્વભાવનો સ્વીકાર કર્યો ત્યાં નિઃશંકપણે ખબર પડે છે કે હવે અલ્પકાળે આ સ્વભાવના આશ્રયે
મુક્તદશા પ્રગટવાની છે. તૃષા લાગી હોય

PDF/HTML Page 18 of 21
single page version

background image
: વૈશાખ : ૨૦૦૬ : આત્મધર્મ : ૧૩૭ :
અને પોતે ઠંડુ પાણી પીએ, ત્યાં તૃષા છીપી કે નહિ–તે વૈદને પૂછવું ન પડે, તેમ અનંતકાળથી ભવભ્રમણમાં રખડતા
જીવને સત્સમાગમે ચૈતન્યની અપૂર્વ પ્રતીતિ થઈ ત્યાં મુક્તિની નિઃશંકતા થઈ, તેમાં ‘મારી મુક્તિ થશે કે નહિ’ એમ
ભગવાનને પૂછવું ન પડે. જેને પોતાની પરિણતિ સ્વભાવ તરફ કાર્ય કરી રહી હોય, પુરુષાર્થ સ્વભાવ તરફ ઢળતો
હોય, રુચિ અને જ્ઞાન ક્ષણે ક્ષણે સ્વભાવ તરફનું કાર્ય કરતાં હોય, તેને પોતાને તેની ખબર ન પડે એ કેમ બને? અને
તેને ભવની શંકા ન ટળે–એમ કેમ બને? જેમ બંધનમાં બંધાયેલા કોઈ પુરુષે બળ કરીને બંધનના અમુક બંધન છોડી
નાંખ્યા, અમુક ઢીલા કર્યા અને અમુક છૂટવાની તૈયારીમાં હોય, ત્યાં તે પુરુષને ‘હું છૂટીશ કે નહિ’ એવી શંકા રહેતી
નથી. તેમ ધર્મી જીવને પોતાનો આત્મા દર્શનમાં છૂટો મનાયો, જ્ઞાનમાં શુદ્ધ જણાયો, ચારિત્રમાં અલ્પ શુદ્ધતા પ્રગટી,
અને બાકીનાં અલ્પ રાગ–દ્વેષ રહ્યાં છે તેને પણ સ્વભાવના આશ્રયના જોરે અલ્પકાળમાં ટાળીને મુક્ત થવાનો છે; એને
બંધનની શંકા કેમ હોય? હું મુક્તસ્વરૂપ નથી પણ હું બંધાયેલો છું–એવી જેની મતિ છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. ધર્મી જીવ
અવસ્થાના ક્ષણિક બંધનને જાણતો હોવા છતાં તેને ગૌણ કરીને સ્વભાવની મુખ્યતાના જોરે કહે છે કે હું મુક્તસ્વરૂપ
છું–એવી મારી બુદ્ધિ થઈ છે. –આનું નામ ધર્મ છે, આ અમૃતમાર્ગ છે, આ મુક્તિના રાહ છે.
અજ્ઞાની જીવ મૂઢપણે રાગને અને આત્માના સ્વભાવને એકમેક માને છે પણ જુદા જાણતો નથી, તેથી રાગ
વખતે તેને પોતાનું મુક્તસ્વરૂપ ભાસતું નથી, આખો આત્મા રાગી જ ભાસે છે. જેમ ભૂખ્યો હાથી અવિવેકપણે ચૂરમું
અને ઘાસ ભેગાં ખાય છે, તેમ પશુ જેવો અજ્ઞાની જીવ અવિવેકપણે આત્માના નિર્દોષ સ્વભાવને અને વિકારને
એકપણે અનુભવે છે, એટલે વર્તમાનમાં જ પોતાનો આત્મા મુક્તસ્વરૂપે તેને અનુભવમાં આવતો નથી. ધર્મી જીવ
અંતરની દ્રષ્ટિના વિવેક દ્વારા આત્માના સ્વભાવને અને વિકારભાવોને જુદા અનુભવે છે, એટલે અવસ્થામાં વિકાર
વિદ્યમાન હોવા છતાં વર્તમાનમાં જ પોતાના આત્માને મુક્તસ્વરૂપે તેઓ જાણે છે. દરેક મોક્ષાર્થી જીવોએ પહેલાંં પોતાના
આવા સ્વભાવનું ભાન કરવું જોઈએ. આત્મા તો જાગૃત ચૈતન્યસત્તા છે, તે સ્વ–પરને જાણે છે. પરને અને પુણ્ય–પાપને
પણ તેમાં ભળ્‌યા વગર જાણે છે–એવો સ્વભાવ છે. પોતાના સ્વભાવમાં અભેદ થઈને સ્વને જાણે છે, ને પુણ્ય–પાપમાં
એકમેક થયા વગર તેને જાણે છે. પુણ્ય–પાપને જાણતાં જો જ્ઞાન તેમાં એકમેક થઈ જાય તો તે જ્ઞાન પુણ્ય–પાપને
ખરેખર જાણી શકે નહિ. ધર્મી જીવને નીચલી દશામાં રાગ–દ્વેષ થાય છે તથા સ્વરૂપની સ્થિરતા કરવાની બાકી હોવા
છતાં, શ્રદ્ધામાં તેને પોતાના રાગદ્વેષ રહિત મુક્તસ્વભાવની પ્રતીતિ છે, તેથી તેના આશ્રયે અલ્પકાળે પૂર્ણ સ્થિરતા
પ્રગટ કરીને તે મુક્ત થાય છે.
– પદ્મ. એકત્વ અધિકાર ગા. ૨૭ માગસર વદ ૦) ચૂડા શહેરમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.
ભવભમ્રણનો
રોગ કેમ ટળે?

હું પરમાં ફેરફાર કરી શકું–એમ અજ્ઞાની જીવ માને છે. પણ હે ભાઈ! તારી ઈચ્છા પ્રમાણે શરીરમાં પણ ફેરફાર
થતો નથી. શરીરને નીરોગ રાખવાની તારી ઈચ્છા હોવા છતાં રોગ કેમ થાય છે? રોગને જલ્દી દૂર કરવાની ઈચ્છા હોવા
છતાં રોગ કેમ મટતો નથી? પરમાં કિંચિત્ ફેરફાર કરી શકે એવી આત્માની તાકાત જ નથી. આત્મા ઈચ્છા કરે, તે
ઈચ્છાની મર્યાદા તો ફક્ત આકુળતા થાય તેટલી જ છે. શુભાશુભ ઈચ્છાઓ તો નવી નવી થાય છે, ને બીજી ક્ષણે તે
પલટી જાય છે; તે ઈચ્છાઓ આત્માનો સ્વભાવ નથી. તે ઈચ્છારહિત આત્મસ્વભાવનું ભાન કરીને પછી તે ઈચ્છા ટળી
જતાં આત્માની પરમાનંદમય સર્વજ્ઞ મુક્તદશા પ્રગટ થાય છે. તે સર્વજ્ઞદશા પ્રગટ્યા પછી તીર્થંકર ભગવાનને “ એવો
અભેદધ્વનિ નીકળે છે, અને તે ધ્વનિમાં આત્મસ્વભાવનું પૂરું રહસ્ય એક સાથે આવે છે. સાધારણ રાગી જીવોની વાણી
ભેદવાળી હોય છે. ભગવાનને જ્ઞાયકસ્વભાવ અખંડ પ્રગટ્યો તેથી વાણી પણ અભેદ નીકળે છે. તે વાણીમાં શું કહ્યું?
તેની વાત ચાલે છે.
જગતમાં અનંત જીવો છે, તે દરેક ભિન્ન ભિન્ન છે. એકેક આત્મા પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે. અનાદિથી
જીવનો જે મૂળ સ્વભાવ છે તે કદી વિકારમય થતો નથી. અનાદિથી તે સ્વભાવને ભૂલીને મિથ્યાત્વમાં ગમે તેટલો કાળ
ગયો, પણ આત્માનો નિર્મળ જ્ઞાનસ્વભાવ છે તે મિથ્યાત્વસ્વરૂપે થઈ ગયો નથી. મિથ્યાત્વભાવ થાય છે તો આત્માની
જ અવસ્થામાં અને આત્માના જ અપરાધથી, પરંતુ આત્માનો સ્વભાવ જ જો તે મિથ્યાત્વસ્વરૂપે થઈ ગયો હોય તો
સ્વભાવનું ભાન કરીને તે મિથ્યાત્વ કદી ટળી શકે નહિ. જેમ શરીરમાં રોગ થાય તે શરીરનું ખરું સ્વરૂપ નથી, તેમ
મિથ્યાત્વ અને રાગદ્વેષભાવો આત્માનો સ્વભાવ નથી પણ અનાદિનો રોગ છે–વિકાર છે, તેથી તે ટળી શકે છે. કઈ રીતે
તે રોગ મટે? તે કહેવાય છે.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૩૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૦૦૬ :
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.
શરીરમાં રોગ થાય તેનું દુઃખ આત્માને નથી, પણ આત્મ–સ્વરૂપની ભ્રાંતિથી પરમાં પોતાપણું માને છે. તે ઊંધી
માન્યતાનું અનંત દુઃખ છે. સત્સમાગમે આત્માની યથાર્થ ઓળખાણવડે જ તે દુઃખ ટળે છે. આ આત્માનો ચિદાનંદ
સ્વભાવ છે, તે બધા પર સંયોગથી જુદો છે; તેથી કોઈ પ્રતિકૂળ સંયોગનું તેને દુઃખ નથી, તેમ જ કોઈ અનુકૂળ
સંયોગનું સુખ નથી. પણ સંયોગમાં ‘આ હું, અને આ મને થયું’ એવી જે એકત્વબુદ્ધિ છે તે જ દુઃખ છે. એ જ પ્રમાણે
નિર્ધનતા તે દુઃખ નથી, ને સધનતા તે સુખ નથી. નિર્ધનપણું તે કાંઈ અવગુણ નથી. શરીરમાં રોગ થાય તે દુઃખ નથી,
ને શરીરની નીરોગતા તે સુખ નથી. સ્ત્રી–પુત્રાદિનો વિયોગ થાય તે દુઃખ નથી, ને તેના સંયોગમાં સુખ નથી. લોકોએ
બાહ્ય સંયોગથી સુખ–દુઃખની કલ્પના કરી છે, તે ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિથી જ જીવને દુઃખ છે. એ ભ્રાંતિ જીવે પોતે
અજ્ઞાનભાવે ઊભી કરી છે, તેથી તેનું દુઃખ મટાડવા બીજો કોઈ સમર્થ નથી. જીવ પોતે સત્સમાગમે સાચી સમજાણ
પ્રગટ કરીને તે ભ્રાંતિ ટાળે તો જ તેનું દુઃખ મટે. આ પ્રમાણે, હું કોઈ બીજાનું દુઃખ દૂર ન કરી શકું અને કોઈ બીજો મારું
દુઃખ દૂર ન કરી શકે એમ સમજે તો પોતામાં સ્વભાવનું શરણ લઈને સુખ–શાંતિ પ્રગટ કરે. પણ, હું પરનાં દુઃખ ટાળું ને
પર મારાં દુઃખ ટાળે–એમ જે માને તેને પર સામે જ જોયા કરવાનું રહ્યું, પરથી ખસીને પોતાના સ્વભાવ તરફ
આવવાનો અવકાશ રહ્યો નહિ. પર સાથેની એકત્વબુદ્ધિ તે સંસારનું મૂળ છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.
આત્માને ભૂલીને પરમાં અને વિકારમાં એકત્વબુદ્ધિ તે દુઃખ છે, તે જ સંસારનું મૂળ છે. અને પરથી ભિન્ન તેમ
જ વિકારરહિત અંતર્મુખ ચૈતન્યસ્વભાવના ભાનવડે આત્મામાં અપૂર્વ સુખ પ્રગટે છે. કોઈ સંયોગમાં આત્માનું સુખ કે
દુઃખ નથી. મિથ્યાત્વરૂપ મોહથી પરમાં સુખ–દુઃખની કલ્પના કરે છે તે મોહ જ આ સંસારનું મૂળ છે. અંર્તસ્વભાવ
તરફ વળતાં ક્ષણમાત્રમાં તે મોહનો નાશ થઈને અલ્પકાળે મુક્તદશા પ્રગટે છે. અંર્તસ્વભાવના ભાન વિના કદી મુક્તિ
થાય તેમ નથી.
આ જડ શરીર, સ્ત્રી, પૈસા, મકાન, વસ્ત્ર વગેરેમાં આત્માનો સંસાર નથી. પણ ‘આ મારું, આ મને ઈષ્ટ છે, આ
મને અનિષ્ટ છે’ –આવા જે મોહના વિકલ્પ જીવ કરે છે તે જ સંસાર છે. જીવનો સંસાર જીવથી જુદો ન હોય. સંસાર
ક્યાં રહેતો હશે? જીવનો સંસાર ક્યાંય બહારમાં નથી રહેતો, પણ જીવની અરૂપી વિકારી અવસ્થા તે જ સંસાર છે,
અને મરતાં તે વિકારીભાવરૂપ સંસારને સાથે લઈ જાય છે, શરીર વગેરે તો અહીં પડ્યાં રહે છે. જો શરીર, સ્ત્રી
વગેરેમાં જીવનો સંસાર હોય તો, મરતાં તે બધું છૂટી જાય છે તેથી જીવનો સંસાર છૂટીને તેની મુક્તિ થવી જોઈએ!
પરમાં સંસાર નથી, પણ મિથ્યાભ્રાંતિનો ભાવ જીવની અવસ્થામાં થાય છે તેને ભગવાન મુખ્યપણે સંસાર કહે છે.
આથી એમ ન સમજવું કે જગતમાં બીજા પદાર્થો જ નથી. જગતમાં શરીરાદિ જડ પદાર્થો છે ખરા, તે કાંઈ ભ્રમ નથી.
પરંતુ તે પરપદાર્થથી જીવને સુખ–દુઃખ માનવું તે ભ્રમ છે. જીવના મોહ અને વિકલ્પથી જ સંસાર ઊપજે છે, અને
અંર્તસ્વભાવની તરફ વળતાં સંસાર ટળે છે.
નજીકમાં નજીક રહેલા આ દેહને પણ સુધારવાની તાકાત આત્મામાં નથી, તો પછી તે બીજા જીવોનું કે દેશ
વગેરેનું શું કરી શકે? કોને મરવાની ઈચ્છા છે? કોને શરીરમાં રોગ લાવવાની ઈચ્છા છે? કોને કાળામાંથી સફેદવાળ
કરવાની ઈચ્છા છે? જીવની ઈચ્છા ન હોવા છતાં તે બધું થાય છે. શરીર ઉપર પણ જીવની સત્તા નથી ચાલતી, છતાં
દૂરના પદાર્થોનાં કામ હું કરી દઉં એમ જીવ માને છે તે મોટું પાખંડ અને અધર્મ છે. અંતરમાં પરનું હું કરું એમ માને
અને બહારમાં લક્ષ્મી–વસ્ત્ર વગેરે છૂટી જાય તેથી કાંઈ સંસાર છૂટી જતો નથી, કેમકે સંસાર બહારના પદાર્થોમાં નથી
પણ ઊંધી માન્યતામાં છે. અંર્તસ્વભાવની દ્રષ્ટિથી મોહ અને વિકલ્પનો નાશ થતાં સંસાર ટળી જાય છે.
– પદ્મ. એકત્વ અધિકાર ગા. ૨૬ માગસર વદ ૧૩ ચૂડા શહેરમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.
• મોક્ષ અને બંધનુ કારણ •
સાધક જીવને જ્યાંસુધી રત્નત્રયભાવની પૂર્ણતા નથી થતી ત્યાંસુધી તેને જે કર્મનું બંધન થાય છે તેમાં
રત્નત્રયનો દોષ નથી. રત્નત્રય તો મોક્ષના જ સાધક છે, તે બંધના કારણ થતાં નથી. પરંતુ તે વખતે રત્નત્રયભાવનો
વિરોધી એવો જે રાગાંશ હોય છે તે જ બંધનું કારણ છે.
જીવને જેટલા અંશે સમ્યગ્દર્શન છે તેટલા અંશે બંધન થતું નથી, પણ તેની સાથે જેટલા અંશે રાગ છે તે
રાગાંશથી તેટલા અંશે બંધન થાય છે.
(પુરુષાર્થસિદ્ધિ ઉપાય ગા. ૨૧૨, ૨૧૫)

PDF/HTML Page 20 of 21
single page version

background image
• ધર્મી જીવન મત •
પદ્મનંદિ પંચવિંશતિનો એકત્વ – અધિકાર વંચાય છે.
આત્મા અનાદિ જ્ઞાનસ્વભાવી વસ્તુ છે. ધર્મ અને અધર્મ બંને તેની અવસ્થાઓ છે. આત્માનો ધર્મ કે અધર્મ
આત્માની અવસ્થાથી જુદો ન હોય. આત્મા શું ચીજ છે અને તેને ધર્મ–અધર્મ ક્યાં થાય છે તે વાત જીવોએ
અનંતકાળથી જાણી નથી. આત્મા કોઈ સંયોગી ચીજ નથી પણ સ્વભાવિક વસ્તુ છે. જેમ લાકડું ઘણા પરમાણુઓ ભેગાં
થઈને બનેલી સંયોગી ચીજ છે, તેમ આત્મા ઘણા પદાર્થો ભેગાં થઈને બનેલો નથી, પણ સ્વતઃસિદ્ધ અખંડ પદાર્થ છે. જે
સ્વરૂપે આત્માનું હોવાપણું છે તેના ભાન વિના બીજી રીતે હોવાપણું માન્યું છે, તેથી જીવ સંસારમાં રખડે છે, તે
રખડવાનું કેમ ટળે તેની આ વાત છે.
सयोगेन यदायातं मत्तम्तत्सकलं परम
तत्परित्यागयोगेन मुत्तोऽहमिति मे मतिः।। २७।।
સમ્યગ્દ્રષ્ટિ એમ વિચારે છે કે જે વસ્તુઓ સંયોગથી ઉત્પન્ન થઈ છે તે બધી મારાથી ભિન્ન છે. સંયોગથી ઉત્પન્ન
થયેલ તે સમસ્ત વસ્તુઓના ત્યાગથી હું મુક્ત છું–એવી મારી મતિ થઈ છે, અર્થાત્ મારો સ્વભાવ સમસ્ત પર
વસ્તુઓથી ભિન્ન, મુક્ત–સ્વરૂપ છે–એવી મારી મતિ થઈ છે. બસ! આ ‘હું મુક્ત–સ્વરૂપ છું’ એવી મતિ થઈ તે જ
સંસારપરિભ્રમણ મટાડવાનો અને મુક્તદશા પ્રગટાવવાનો ઉપાય છે.
હું રાગી છું, હું શરીરવાળો છું–એવી સયોગબુદ્ધિ તે અધર્મ છે. ધર્મી જીવ પોતાના મતિજ્ઞાનને સ્વભાવ તરફ
વાળીને કહે છે કે ‘मुक्तोऽह इति मे मतिः’ –હું મુક્ત છું એવી મારી મતિ છે. આમ ધર્મીને પોતાને પોતાની નિઃશંકતા
આવી જાય છે. સંયોગે આવેલી કોઈ ચીજ મારી નથી. શરીર, મન, વાણી હું નથી, અને સંયોગ તરફના વલણથી થયેલી
શુભ–અશુભ લાગણીઓ પણ હું નથી.
ધર્મ કરનાર જીવની મતિ કેવી હોય? અથવા કેવી માન્યતાથી જીવને ધર્મ થાય? તેની આ વાત છે. આ
એકત્વઅધિકાર છે; ધર્મી જીવ પોતાના જ્ઞાનનું એકત્વ ક્યાં કરે છે તે વાત આચાર્યદેવે આ ગાથામાં મૂકી છે. શરીર તે હું
કે રાગ તે હું–એમ શરીરમાં કે રાગમાં ધર્મી જીવ જ્ઞાનનું એકત્વ કરતા નથી, પણ હું મુક્તસ્વરૂપ છું–એમ પોતાના
સ્વભાવ તરફ જ્ઞાનનું એકત્વ કરે છે. શરીરની ક્રિયા હું કરું છું ને પુણ્ય કરતાં કરતાં ધર્મ થશે–એવી જેની બુદ્ધિ છે તેને
‘હું મુક્ત છું’ એવી મતિ થાય નહિ એટલે કે સમ્યગ્જ્ઞાન થાય નહિ. સમ્યગ્જ્ઞાની–ચોથા ગુણસ્થાનવાળો ધર્માત્મા એમ
જાણે છે કે શરીર, મન, વાણી કે તેની કોઈ ક્રિયાઓ મારી નથી અને પુણ્ય કે પાપની વૃત્તિનું ઉત્થાન થાય તે પણ
સંયોગે થયેલો વિકાર છે, તે મારી સ્વાભાવિક ચીજ નથી. એ પ્રમાણે સંયોગ અને સંયોગીભાવ તરફનું વલણ છોડીને
અંતરમાં જ્ઞાયકસ્વભાવ સન્મુખ થતાં ‘હું મુક્ત છું’ એવો મારો અનુભવ છે.
જેમ નાળિયેરમાં છોતાં અને કાચલી સફેદ ટોપરાથી જુદાં છે, ને ટોપરા ઉપરની જે રાતી છાલ છે તે પણ
કાચલી તરફનો ભાગ છે, સફેદ અને મીઠો ટોપરાનો ગોટો તે ત્રણેથી ભિન્ન છે. તેમ આ જ્ઞાયકમૂર્તિ આનંદરસનો કંદ
ભગવાન આત્મા, શરીરરૂપી છોતાંથી, કર્મરૂપી કાચલીથી અને રાગદ્વેષરૂપી રાતપથી ભિન્ન છે. ક્ષણિક પર્યાયમાં જે
રાગદ્વેષ થાય છે તે મારા સ્વભાવને આશ્રયે થયેલો ભાવ નથી એટલે તે મારો સ્વભાવભાવ નથી પણ સંયોગના
આશ્રયે થયેલા હોવાથી સંયોગી ભાવ છે. જે કોઈ પણ સંયોગે આવેલા ભાવો છે તે બધા મારાથી પર છે, હું મુક્તસ્વરૂપ
છું–આવી ધર્મીની મતિ હોય છે.
‘હું મુક્તસ્વરૂપ છું’ એવા અભિપ્રાયથી મુક્તિના માર્ગની શરૂઆત થાય કે ‘હું રાંકો છું, હું બંધાયેલો છું, હું રાગી
છું’ એવા અભિપ્રાયથી મુક્તિના માર્ગની શરૂઆત થાય? હું મુક્તસ્વરૂપી છું–એવો સમ્યક્ અભિપ્રાય થયા વગર મુક્તિ
તરફનો પુરુષાર્થ પ્રગટે નહિ. ભગવાન્! ‘આ મારાં ને હું એનો’ એવો જે સંયોગી ચીજનો અહંકાર તે તારા સ્વભાવની
દ્રઢતાનો નાશ કરે છે. ચૈતન્યને ચૂકીને પરમાં અહંબુદ્ધિથી ક્ષણે ક્ષણે તારા જ્ઞાતાભાવમય જીવનનું મરણ થાય છે.
સંયોગબુદ્ધિનું ફળ સંસાર છે, અને હું મુક્ત છું–એવી સ્વભાવબુદ્ધિનું ફળ મુક્તિ છે. દયા, ભક્તિ, હિંસા વગેરે જે વિકારી
ભાવો થાય છે તે પહેલાંં ન હતા ને સંયોગે નવા થયેલા છે એટલે તે ભાવો સંયોગી છે. આત્મા સંયોગે થયેલો નથી પણ
ત્રિકાળી એકરૂપ સ્વાભાવિક પદાર્થ છે. ધર્મ કરવો હોય એટલે કે મુક્તિ કરવી હોય તે જીવને પહેલાં તો એવી મતિ થાય
કે વસ્તુ ત્રિકાળ મુક્ત છે, મોક્ષદશા પ્રગટ થાય પહેલાંં જ વસ્તુસ્વભાવે તો હું મુક્ત જ છું. જેમ ટોપરામાં રતાશ અને
કાચલી તેનો સ્વભાવ નથી તેથી તે જુદાં પડી જાય છે, પણ ધોળાશ અને મીઠાસ તેનો સ્વભાવ છે તેથી તે જુદાં પડી
શકતાં નથી. તેમ આ ચૈતન્યમૂર્તિ આત્મામાં રાગાદિ ભાવો થાય તે તેનો સ્વભાવ નથી તેથી મુક્તદશામાં તે ટળી જાય
છે, પણ જ્ઞાન અને આનંદ તો તેનો સ્વભાવ છે, તે કદી ટળતો નથી. આમ ઓળખીને, રાગાદિ સંયોગીભાવ તે હું નહિ
પણ રાગરહિત વીતરાગ જ્ઞાતાદ્રષ્ટા મુક્તસ્વરૂપ તે હું–આવી પ્રતીત કરવી તે મુક્તિનું સાધન છે.
– પદ્મ. એકત્વ અધિકાર ગા. ૨૭ માગસર વદ ૧૪ ચૂડા શહેરમાં પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.