Atmadharma magazine - Ank 088
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 13
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૮
સળંગ અંક ૦૮૮
Version History
Version
Number Date Changes
001 Sept 2005 First electronic version.

PDF/HTML Page 2 of 13
single page version

background image
।। ધર્મનું મૂળ સમ્યક્દર્શન।।
માહ : સંપાદક : વર્ષ આઠમું
૨૪૭૭ રામજી માણેકચંદ દોશી અંક ચોથો
વકીલ
અરે, મોહ!
...મોહ વડે જીવ પુણ્ય–પાપરૂપ ભારે બોજા
ઉપાડી, અનંત ભવક્રચમાં ફરે છે; અનંતકાળ ફરીને
કોઈ વખત માણસ થયો ત્યારે પણ સત્ય માટે નિવૃત્તિ
લેતો નથી. સંસારના કામનું તો સમયપત્રક રાખે,
સૂવાનો, ખાવા–પીવાનો, વાતો કરવાનો વખત મેળવે,
જગતની માન–આબરૂ માટે બધું કરે, પણ ‘અનંત
જન્મ–મરણ ટાળવાનાં ટાણાં ફરી નહિ મળે માટે શીઘ્ર
આત્મકલ્યાણ કરી લઉ’––એવો વિચાર પણ કરતો
નથી.
...પોતાને ભૂલી પરવસ્તુનો મોહ કર્યો, તેમાંથી
તૃષ્ણારૂપી રોગ ફાટ્યો; તેથી બાહ્યમાં ફાંફાં મારી સુખ
શોધે છે. પણ પર પદાર્થ અનંતા છે, તે અનંતા પર
સાથે રાગ કરતાં ક્યાંય સમાધાન થતું નથી, તેથી
આકુળતા થાય છે. પોતે સુખસ્વરૂપ છે તેમાં સમાઈ
જવાનો વિચાર કરતો નથી, તેથી જીવ સંસારમાં
અનાદિથી ભ્રમણ કર્યા કરે છે.
–સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૂ. ૧૨૪–પ
છૂટક નકલ શાશ્વત સુખનો માર્ગ દર્શાવતુ માસિકપત્ર વાર્ષિક લવાજમ
ચાર આના
૮૮
ત્રણ રૂપિયા
જૈન સ્વાધ્યાયમંદિર–સોનગઢ–સૌરાષ્ટ્ર

PDF/HTML Page 3 of 13
single page version

background image
ક્યારે નિહાળું સીમંધર નાથને રે...!

વિદેહક્ષેત્ર રળિયામણું રે લાલ,
મોક્ષપુરીના જ્યાં પાક છે રે લાલ,
ક્યારે નિહાળું મારા નાથને રે લાલ,
ધન્ય નિહાળું સીમંધરનાથને રે લાલ..
પુષ્કલાવતી વિજય અતિ સોહતી રે લાલ,
પુંડરગીરી દેવપુરી સમી રે લાલ...ક્યારે...
સીમંધરનાથ ત્યાં જનમીયા રે લાલ,
શ્રેયાંસરાય માત સત્યવતી રે લાલ...ક્યારે...
ઈન્દ્રરચિત પુંડરગીરી રે લાલ,
જ્યાં જન્મકલ્યાણક સોહતા રે લાલ...ક્યારે...
સીમંધરનાથે તપ આદર્યા રે લાલ,
તપકલ્યાણક વિદેહમાં રે લાલ..ક્યારે..
ઉગ્ર તપોધન જિન થયા રે લાલ;
કેવળજ્ઞાન પ્રગટાવીયા રે લાલ...ક્યારે...
પાંચસો ધનુષે નાથ સોહતા રે લાલ,
સમોસરણ માંહિ બિરાજતા રે લાલ...ક્યારે...
મુખ પુનમકેરો ચંદ છે રે લાલ,
દેહદેદારે શાંતરસ ઝરે રે લાલ...ક્યારે..
ગુણ–પર્યાયમાંહિ રાચતા રે લાલ,
અડોલ અકંપ ચૈતન્ય રસે રે લાલ...ક્યારે...
નિર્દ્વંદ અને નિરાહાર છો રે લાલ,
વળી અપુનર્ભવ નાથ છો રે લાલ,
ક્યારે નિહાળું મારા નાથને રે લાલ,
ધન્ય નિહાળું સીમંધરનાથને રે લાલ.
તીર્થકૃત્ ભગવાન છો રે લાલ,
પુરુષાર્થ અને સિદ્ધાર્થ છો રે લાલ...ક્યારે...
અંર્તબાહિર લક્ષ્મીથીરે લાલ,
સુશોભિત જગવંદ્ય છો રે લાલ...ક્યારે...
સીમંધરનાથ ક્યારે દેખશું રે લાલ,
આતમમાં લવલીન થશું રે લાલ...ક્યારે...
સેવકને દર્શન આશ છે રે લાલ,
જિનનાથ મળ્‌યે ઉલ્લાસ છે રે લાલ..ક્યારે...
પ્રભુ વાટ જુઓ કેમ આવડી રે લાલ,
મુજ રગે રગે ભક્તિ તાહરી રે લાલ...ક્યારે...
વિરહ પડ્યા ભરતક્ષેત્રમાં રે લાલ,
દૂર રહ્યા અમે વિદેહથી રે લાલ...ક્યારે...
પ્રભુ ક્ષમા કરો અમ બાળને રે લાલ,
ઝટ ચરણે ગ્રહો જગનાથ છો રે લાલ,
ક્યારે નિહાળું સીમંધરનાથને રે લાલ,
ધન્ય નિહાળું સીમંધર નાથને રે લાલ.
મહોત્સવ
આજથી દસ વર્ષ પહેલાંં, સોનગઢના જિનમંદિરમાં ભગવાન શ્રી સીમંધર પ્રભુજી વગેરે ભગવંતોની,
અતિ ઉલ્લાસ અને ભક્તિપૂર્વક પ્રતિષ્ઠા થઈ...આ ફાગણ સુદ બીજે એ પવિત્ર પ્રસંગને બે યુગ પૂરા થઈને ત્રીજા
યુગનો પ્રારંભ થશે–૧૦ વર્ષ પૂરા થઈને ૧૧ મું વર્ષ શરૂ થશે. દસ વર્ષ પહેલાંંના એ ધન્ય પ્રસંગનો ઉલ્લાસ
મુમુક્ષુભક્તોના હૃદયમાં આજે પણ એવો ને એવો તાજો છે. દસ વર્ષ પૂર્ણાહુતિનો ને ત્રીજા યુગના પ્રારંભનો એ
પ્રસંગ ખાસ ઉલ્લાસપૂર્વક ઊજવવાનું નક્કી થયું છે. એ માટે માહ વદ ૯ ને શુક્રવાર તા. ૨–૩–પ૧ થી ફાગણ સુદ
૨ ને શુક્રવાર તા. ૯–૩–પ૧ સુધીના આઠ દિવસો ‘અઠ્ઠાઈ મહોત્સવ’ તરીકે નક્કી કર્યા છે. એ પ્રસંગે અજમેરની
ભજનમંડળી આવવા પણ સંભવ છે.
વળી, ફાગણ સુદ એકમના રોજ ‘ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન–મંડપ’ ના ઉદ્ઘાટનના ચાર વર્ષ પૂરા
થઈને પંચમ વર્ષ પ્રારંભ થાય છે.
સાથે સાથે, આ મહોત્સવ દરમ્યાન, બહેનોના સ્વાધ્યાયાદિ માટે નવા બંધાયેલ હોલ– ‘ભગવાન શ્રી
કુંદકુંદજૈનશ્રાવિકાશાળ’ના ઉદ્ઘાટનનો મહોત્સવ થશે.

PDF/HTML Page 4 of 13
single page version

background image
મહા : ૨૪૭૭ : ૭૧ :
* મોક્ષતત્ત્વનું સાધન (૪) *
[શ્રી પ્રવચનસારજી ગાથા ૨૭૩ ઉપર લાઠીમાં વીર સં. ૨૪૭૬ ના જેઠ સુદ ૬–૭ ના રોજ પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનનો ટૂંકસાર]
૨૭૧ મી ગાથામાં સંસારતત્ત્વનું અને ૨૭૨ મી ગાથામાં મોક્ષતત્ત્વનું વર્ણન કર્યું. તે મોક્ષતત્ત્વનું સાધન
શું છે તે હવે ૨૭૩મી ગાથામાં કહેશે.
પર પદાર્થો હું ને વિકાર જેટલો હું–એવી ઊંધી માન્યતાવાળો જીવ તે સંસારતત્ત્વ છે. આત્મા નિત્ય
જ્ઞાનાનંદસ્વરૂપ છે, તે શરીરાદિ પરથી ભિન્ન છે ને રાગાદિ તેનો સ્વભાવ નથી; આવા આત્માને ભૂલીને, તેની
અવસ્થામાં આ શરીર અને વિકાર તે હું એવી મિથ્યા માન્યતા પૂર્વક રાગ–દ્વેષના ભાવ તે સંસાર છે, સંયોગમાં
સંસાર નથી. આત્માના પવિત્ર સ્વરૂપમાંથી ખસી જવું ને વિકારમાં રહેવું તે ભાવને સંસાર કહે છે. અને
આત્મામાં વિકારરહિત પૂર્ણ શુદ્ધદશા પ્રગટી હોય તે આત્મા પોતે મોક્ષતત્ત્વ છે. આત્માના સ્વભાવને જાણીને
તેમાં જે લીન થયા છે એવા શુદ્ધોપયોગી મુનિને મોક્ષતત્ત્વ કહ્યા છે. સંસારતત્ત્વ અને મોક્ષતત્ત્વ આત્માની બહાર
નથી, પણ મિથ્યાત્વભાવવાળો આત્મા તે સંસારતત્ત્વ છે, ને પવિત્ર નિર્દોષભાવવાળો આત્મા તે મોક્ષતત્ત્વ છે. તે
મોક્ષતત્ત્વનું સાધન ક્યાંય બહારમાં નથી, પણ આત્મામાં જ છે. તે મોક્ષતત્ત્વનું વર્ણન કરે છે–
જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતર્બાહ્યને
આસક્ત નહિ વિષયો વિષે જે, ‘શુદ્ધ’ ભાખ્યા તેમને. ૨૭૩
શ્રી આચાર્યદેવે પ્રવચનસારની છેલ્લી પાંચ ગાથાઓને પાંચ રત્નોની ઉપમા આપી છે, તેમાં આ ત્રીજું
રત્ન છે.
આમાં સૌથી પહેલાંં પદાર્થને યથાર્થ જાણવાની જ વાત કરી છે. પદાર્થને યથાર્થ જાણ્યા વિના કદી મોક્ષનું
સાધન પ્રગટે નહિ. સકળ મહિમાવંત ભગવંત શુદ્ધોપયોગી મુનિઓ જ મોક્ષતત્ત્વનું સાધનતત્ત્વ છે. તે મુનિઓ
કેવા છે તેનું વર્ણન કરે છે. પ્રથમ તો, ‘અનેકાંત વડે જણાતું જે સકળ જ્ઞાતૃતત્ત્વનું અને જ્ઞેયતત્ત્વનું સ્વરૂપ તેના
પાંડિત્યમાં પ્રવીણ છે.’
અનેકાંત એટલે શું? વસ્તુ પોતાપણે છે ને બીજાપણે નથી એમ જાણવું તેનું નામ અનેકાંત છે. આત્મા
આત્માપણે છે ને શરીરાદિપણે નથી એટલે આત્મા શરીરાદિનું કાંઈ કરી ન શકે–એમ જાણવું તે અનેકાંત છે. પણ
શરીરાદિ પરની ક્રિયા હું કરી શકું ને તેની ક્રિયાથી મને લાભ–નુકસાન થાય એમ માને તો તેણે આત્મા અને
શરીરને ભિન્ન ન માનતાં બે પદાર્થોને એક માન્યા, તેથી તે એકાંત છે. શરીરની કે પરની ક્રિયા આત્મા કરે એમ
માન્યું તો તેનો અર્થ એ થયો કે તે પરપદાર્થ પરપણે છે ને મારાપણે પણ છે, તથા આત્મા પોતાપણે છે ને
પરપણે પણ છે,–આવી માન્યતા તે મિથ્યાત્વ છે; એવી મિથ્યા માન્યતાવાળા જીવને મોક્ષનું સાધન પ્રગટે નહિ.
પરપણે થયા વિના પરનું આત્મા કાંઈ કરી શકે નહિ. આત્માપણે જે ચીજ નથી એટલે જે ચીજમાં આત્માનો
અભાવ છે તે ચીજમાં આત્માને લઈને બદલવું થાય નહીં. આ પ્રમાણે અનેકાંતજ્ઞાનવડે આત્મતત્ત્વને તેમ જ
બધા જ્ઞેય પદાર્થોને મુનિઓએ યથાર્થ જાણ્યા છે. તેને જાણ્યા વિના મોક્ષનું સાધન એવો શુદ્ધોપયોગ પ્રગટે નહિ.
અનેકાંતથી જ્યારે સમસ્ત સ્વપર પદાર્થોના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે ત્યારે તો સંસારથી છૂટવાનો પહેલો
ઉપાય પ્રગટે.
પોતાથી પરિપૂર્ણ છે, ને પોતાથી જ નભેલું છે, પરના આધારે કોઈ તત્ત્વ ટકતું નથી.–આમ સ્વ અને પરપદાર્થની
ભિન્નતા તથા સ્વતંત્રતાનો અનેકાંતજ્ઞાન વડે નિર્ણય કરે તે જ ખરું પાંડિત્ય છે. ઘણા શાસ્ત્રો ભણવા તે પાંડિત્ય
છે એમ અહીં નથી કહ્યું, પણ સ્વ–પરનો વિવેક પ્રગટ કરવો તે જ સાચું પાંડિત્ય છે; એ વિવેક પ્રગટ કર્યા વિનાનું
બધું શાસ્ત્રભણતર મિથ્યા છે.
આત્મતત્ત્વ પોતાથી અસ્તિપણે છે ને પરના અભાવપણે છે, એટલે પર વસ્તુઓ વગર જ તેને ત્રિકાળ
નભી રહ્યું છે. છતાં, મારું તત્ત્વ પરના આશ્રયવાળું છે, પરવસ્તુ વગર મારે ચાલે નહિ–એવી મિથ્યામાન્યતા
અનાદિથી કરી છે, તે મિથ્યામાન્યતા વગર અનાદિથી અજ્ઞાનીએ ચલાવ્યું નથી. હું પરથી જુદો છું, મારું તત્ત્વ
પરના આશ્રય વિના જ ટકી રહ્યું છે–એમ સમજીને સમ્યકત્વ પ્રગટ થતાં

PDF/HTML Page 5 of 13
single page version

background image
: ૭૨ : આત્મધર્મ : ૮૮
જીવ મિથ્યાત્વ વિના નભાવે છે, સમ્યકત્વ પ્રગટ્યું એટલે મિથ્યાત્વભાવનો અભાવ થઈ ગયો. છતાં હજી
અસ્થિરતાને લીધે રાગ–દ્વેષના ભાવ થાય. મિથ્યાત્વ વગર ચલાવે છે પણ આસક્તિભાવ છે તે વગર
ચલાવતો નથી. જો તે આસક્તિના રાગ–દ્વેષભાવ વગર પણ ચલાવે તો ચારિત્રદશા પ્રગટ થાય. આત્માનું
ભાન હોવા છતાં જ્યાં સુધી રાગ–દ્વેષના વિકલ્પ હોય ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ થાય નહિ. જે શુદ્ધ
આત્મસ્વરૂપનું ભાન થયું છે તેના અનુભવમાં ઠરતાં આસક્તિના રાગદ્વેષભાવ પણ છૂટીને શુદ્ધોપયોગ
પ્રગટે છે, તેનું નામ ચારિત્રદશા છે. આવી દશાવાળા મુનિને મોક્ષનું સાધનતત્ત્વ કહેવામાં આવે છે.
શુદ્ધોપયોગ તે મોક્ષનું સાધન છે, તે શુદ્ધો પયોગ જેને પ્રગટ્યો છે એવા શુદ્ધોપયોગી મુનિને જ અહીં
અભેદપણે મોક્ષતત્ત્વનું સાધન કહ્યું છે.
આત્માનું યથાર્થ ભાન પ્રગટ કર્યા પછી તેના વિશેષ અનુભવમાં લીન થઈને શુદ્ધોપયોગ પ્રગટ
કરનારા તે મોક્ષમાર્ગી મુનિઓની દશાનું વિશેષ વર્ણન કરે છે. “અંતરંગમાં ચકચકાટ કરતા ચૈતન્યથી
ભાસ્વર (તેજસ્વી) આત્મતત્ત્વના સ્વરૂપને સમસ્ત બહિરંગ તથા અતરંગ સંગતિના પરિત્યાગ વડે
વિવિક્ત (ભિન્ન) કર્યું છે, અને (તેથી) અંતઃતત્ત્વની વૃત્તિ (–આત્માની પરિણતિ) સ્વરૂપગુપ્ત અને
સુષુપ્તસમાન (પ્રશાંત) રહેવાને લીધે તેઓ વિષયોમાં જરાપણ આસક્તિ પામતા નથી.–આવી દશાવાળા
સફળ મહિમાવંત શુદ્ધોપયોગી મુનિભગવંતો ઉગ્ર પુરુષાર્થવડે મોક્ષને સાધી રહ્યા છે તેથી તેઓ જ
મોક્ષતત્ત્વનું સાધન છે એમ જાણવું. બાહ્યમાં વસ્ત્રાદિનો સંગ નથી ને અંતરમાં રાગ–દ્વેષની વૃત્તિનો સંગ
નથી, શુદ્ધાત્માના અનુભવમાં ચૈતન્યગોળો છૂટો અનુભવાય છે, અને પરિણતિ સ્વરૂપમાં ટકી ગઈ છે,
એટલે વિષયોમાં જરાપણ આસકિત રહી નથી, આવી મુનિદશા તે મોક્ષનું સાધન છે. આમાં સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર ત્રણે ભેગાં આવી જાય છે.
૨૭૨ મી ગાથામાં શ્રમણને ‘સ્વરૂપ મંથર’ કહ્યા હતા એટલે કે સ્વરૂપમાં એવા જામી ગયા છે કે
બહાર નીકળવાના આળસુ છે. અહીં ૨૭૩મી ગાથામાં કહે છે કે શુદ્ધોપયોગી મુનિના આત્માની પરિણતિ
‘સ્વરૂપગુપ્ત અને સુષુપ્ત સમાન’ છે. તેમની પરિણતિ આત્મામાં એવી લીન થઈ છે કે જાણે ઊંઘી ગઈ
હોય! જેમ ઊંઘમાં પડેલા માણસને બહારનું કાંઈ ભાન રહેતું નથી, તેમ મુનિની પરિણતિ આત્મસ્વરૂપમાં
એવી ઊંઘી ગઈ છે–એવી લીન થઈ છે કે બહારમાં ક્યાંય લક્ષનો વિકલ્પ પણ ઊઠતો નથી. જુઓ, આનું
નામ મોક્ષનું સાધન છે. આ દશાના ભાન વિના લોકો બાહ્યક્રિયાકાંડમાં ને વ્રત–તપના શુભરાગમાં
મોક્ષમાર્ગ માની રહ્યા છે, તે યથાર્થ નથી.
આત્માનો સર્વને જાણવાનો સ્વભાવ છે એટલે તે જ્ઞાતૃતત્ત્વ છે, અને સમસ્ત ચીજો તે જ્ઞેય છે. પુણ્ય–પાપ
પણ આત્મસ્વભાવથી ભિન્ન, જ્ઞાનનું જ્ઞેય છે. પુણ્ય–પાપ બંને અશુદ્ધ છે, તે મારું સ્વરૂપ નથી–એમ તેનું પણ
જ્ઞાન કરીને, હું તો શુદ્ધ જ્ઞાનસ્વભાવ છું–એમ પહેલાંં શ્રદ્ધા કર્યા વગર મોક્ષનું સાધન પ્રગટે નહિ. શરીરાદિ ચીજો
મારાથી પર છે ને મારી અવસ્થામાં થતા પુણ્યપાપ તે બંને અશુદ્ધ ભાવો છે, મારો મૂળ સ્વભાવ શુદ્ધ ચૈતન્યરૂપ
છે–આમ સમ્યક્શ્રદ્ધા અને સાચું જ્ઞાન કરતાં અંશે શુદ્ધતા થઈ, પણ હજી પુણ્ય–પાપના વિકલ્પો ટાળીને સ્વરૂપમાં
છે.
અજ્ઞાનીઓ શુભ ઉપયોગને મોક્ષનું કારણ માને છે. પરંતુ શુભ ઉપયોગ તો પુણ્યબંધનું કારણ છે, મોક્ષનું
કારણ તે નથી. મોક્ષનું કારણ તો શુદ્ધોપયોગ જ છે.
રાગ–દ્વેષરહિત જ્ઞાયક આત્મતત્ત્વનો નિર્ણય કરીને તેના અનુભવમાં જે ઠર્યા છે તે મોક્ષને સાધનારા છે,
તેથી તે જ મોક્ષતત્ત્વનું સાધનતત્ત્વ છે. ગૃહસ્થપણામાં રહેલા આત્માને આત્મભાન પ્રગટ કરીને
સમ્યગ્દર્શનજ્ઞાનરૂપ ધર્મ હોય, પરંતુ તેને ચારિત્રદશા હોય નહિ. અને શુદ્ધોપયોગરૂપ ચારિત્રદશા પ્રગટ્યા વગર
મોક્ષનું સાધન પૂરું થયું કહેવાય નહીં. શ્રી ભરત ચક્રવર્તી અબજો વર્ષો સુધી રાજપાટમાં રહ્યા, તે વખતે તેમને
અંતરમાં આત્માનું ભાન હતું. ક્ષાયક સમ્યકત્વ હતું, પરંતુ ચારિત્રદશા ન હતી. અસ્થિરતાના રાગ–દ્વેષ હતા તેથી
ચારિત્રદશા ન હતી. પછી એકવાર અરીસામાં જોતાં મોઢા ઉપર કરચલી દેખીને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને
રાજપાટનો રાગ છોડીને દીક્ષા લઈને મુનિ થયા, ત્યારે આત્માના અનુભવમાં એકાગ્ર થતાં શુદ્ધોપયોગરૂપ
ચારિત્ર પ્રગટ્યું. આવી શુદ્ધોપયોગી દશા તે સાક્ષાત્ મોક્ષમાર્ગ

PDF/HTML Page 6 of 13
single page version

background image
મહા : ૨૪૭૭ : ૭૩ :
છે. પુણ્ય અને પાપ તે બંને અશુદ્ધભાવ છે–અશુદ્ધ વેપાર છે, અને તે ભાવ રહિત આત્માના સ્વરૂપમાં ઠરવું તે
શુદ્ધભાવ છે–શુદ્ધ વેપાર છે, તેનું નામ મોક્ષનું સાધન છે.
મહિમાવંત શુદ્ધ ઉપયોગી મુનિવરો અનાદિ સંસારથી રચાયેલા વિકટ કર્મકપાટને તોડવાના અતિ ઉગ્ર
પ્રયત્નવડે પરાક્રમ પ્રગટ કરી રહ્યા છે તેથી તે મુનિ ભગવંતોને મોક્ષતત્ત્વનું સાધનતત્ત્વ જાણવું. શુદ્ધોપયોગ વડે
સ્વરૂપમાં લીન થનારા મુનિઓ અનાદિકાળના નિદ્ધત્ત અને નિકાચિત કર્મને પણ ક્ષણવારમાં તોડી નાખે છે. જેમ
જમશેદપુરના લોખંડના કારખાનાની મોટી ભઠ્ઠીમાં લોઢાનો ગોળો પણ મીણની જેમ ઓગળી જાય, તેમ અહીં
મુનિવરોએ ‘સિદ્ધસમાન સદા પદ મેરો’ એવું ભાન કરીને સ્વરૂપના ધ્યાનવડે શુદ્ધોપયોગરૂપી અગ્નિ પ્રગટ કર્યો
છે, તેમાં અનાદિકાળના નિદ્ધત્ત અને નિકાચિત કર્મો પણ બળીને ભસ્મ થઈ જાય છે. આ રીતે મુનિઓ
અનાદિના કર્મકપાટને ખોલવાનો અતિ ઉગ્ર પ્રયત્ન કરી રહ્યા છે, ખરેખર પોતાની જ્ઞાનશક્તિ અનાદિથી
બીડાયેલી છે તેને કેવળજ્ઞાનપણે પ્રગટ કરવાનો ઉગ્ર પ્રયત્ન કરી રહ્યા છે, કર્મની વાત નિમિત્તથી કરી છે.
શુદ્ધોપયોગી મુનિ કર્મકપાટને તોડવાનો જે અતિ ઉગ્ર પ્રયત્ન કરી રહ્યા છે તે જ ખરું પરાક્રમ છે; મોક્ષ માટેનો
અતિ ઉગ્ર પ્રયત્ન તેને જ અહીં પરાક્રમ કહ્યું છે, સંસારમાં લૌકિક પરાક્રમ તે ખરેખર પરાક્રમ નથી. જેમ ઘણા
ઘણા કાળથી બંધ રહેલી ગુફાના વજ્ર કપાટને ચક્રવર્તી તોડી નાખે છે, તેમ ચૈતન્યના ચક્રવર્તી ભગવંત
શુદ્ધોપયોગી મુનિ શુદ્ધોપયોગ વડે અનાદિના કર્મકપાટને તોડવાનો અતિ ઉગ્ર પ્રયત્ન કરી રહ્યા છે. જાણે કે
હમણાં કેવળજ્ઞાન લીધું કે લેશે! એમ કેવળજ્ઞાનની તૈયારી છે. આને જ મોક્ષતત્ત્વનું સાધનતત્ત્વ કહેવામાં આવે
છે.
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રતીત કરીને તેમાં ઠરે તો અનાદિથી બંધાયેલા વિકટ કર્મો પણ તૂટી જાય છે.
કર્મનું જોર છે અને કર્મ નહિ તૂટે એવી વાત જ લીધી નથી, પણ કર્મકપાટને તોડી નાંખવાના અતિ ઉગ્ર પ્રયત્ન
વડે પરાક્રમ પ્રગટ કરવાની જ વાત લીધી છે. શુદ્ધોપયોગવડે અનાદિના કર્મને તોડવાનો ને કેવળજ્ઞાન પ્રગટ
કરવાનો ઉગ્ર પ્રયત્ન જે કરી રહ્યા છે એવા, સકળ મહિમાવંત ભગવંત શુદ્ધઉપયોગી મુનિ તે મોક્ષનું સાધનતત્ત્વ
છે. આ જ મોક્ષનું સાધન છે, બીજું કોઈ સાધન નથી.
આ રીતે ૨૭૧મી ગાથામાં સંસારતત્ત્વનું, ૨૭૨મી ગાથામાં મોક્ષતત્ત્વનું અને ૨૭૩ મી ગાથામાં
મોક્ષતત્ત્વના સાધનતત્ત્વનું વર્ણન કર્યું. હવે શ્રી આચાર્યભગવાન્ મોક્ષતત્ત્વના સાધનતત્ત્વને સર્વ મનોરથના
સ્થાન તરીકે અભિનંદે છે,–એ વાત ૨૭૪મી ગાથામાં આવશે.
।।૨૭૩।।
* * * * *
લોકોને ખબર નથી
કોઈ કોઈનો ઉપકાર કરી શકતો નથી, માત્ર તેવા ભાવ કરી
શકે છે. × × × ઘણા લોકો જગતને કહે છે કે અમારો સ્વાર્થત્યાગ તો
જુઓ, અમે જગતને માટે મરી ફીટીએ, અમારું બગાડીને પણ
જગતનું સુધારી દઈએ.–પણ આમ કહેનારે સામા જીવોને પરાધીન
અને નમાલા ઠરાવ્યા, એ વાતની લોકોને ખબર નથી.
–સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૧૧૭
બાહ્ય પ્રવૃત્તિની મીઠાશ
બાહ્યની માન્યતાએ ઘર ઘાલ્યાં, તેથી જીવને લૌકિક પ્રવૃત્તિમાં
મીઠાશ લાગે છે, અને પુણ્યપાપ રહિત શુદ્ધ આત્મધર્મની મીઠાશ લાગતી
નથી; ઊલટા તેવી વાત સાંભળતાં બાહ્યદ્રષ્ટિ જીવો નિંદા ને દ્વેષ કરે છે. સૌ
સ્વતંત્ર છે, સંસાર અનંતકાળ રહેવાનો છે!
સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૯૦

PDF/HTML Page 7 of 13
single page version

background image
: ૭૪ : આત્મધર્મ : ૮૮
શુદ્ધઉપયોગ તે ધર્મ
શ્રી વીંછીયામાં પંચકલ્યાણક–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમ્યાન
વીર સં. ૨૪૭પ ના ફાગણ સુદ ૪ ના રોજ પ્રભુશ્રીના ગર્ભકલ્યાણક પ્રસંગે
શ્રી પ્રવચનસાર ગા. ૧પ૯ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન
(૧) કલ્યાણનો માર્ગ
જુઓ,
આ પંચકલ્યાણક–મહોત્સવના દિવસો છે. ખરેખર તો, સર્વજ્ઞભગવાન કેવા હોય અને તેમણે
આત્માનું કેવું સ્વરૂપ કહ્યું છે તે ઓળખીને પોતાના આત્માનું ભાન પ્રગટ કરવું તે જ મહોત્સવ છે, તથા તે જ
કલ્યાણનો માર્ગ છે. સુપાત્ર જીવોને દેવ–ગુરુ–ધર્મની ભક્તિ–પ્રભાવના તેમ જ જિનમંદિર બંધાવવા વગેરેનો
શુભરાગ હોય છે, પણ ત્યાં એકલા રાગનો હેતુ નથી, તેનું લક્ષ તો અંતરમાં વીતરાગભાવ પોષવાનું હોય છે.
આત્માનો સ્વભાવ રાગરહિત છે, તે સ્વભાવના લક્ષ વગર પંચકલ્યાણક વગેરેના શુભભાવ જીવે પૂર્વે ઘણી વાર
કર્યા ને તેમાં ધર્મ માની લીધો. પણ આત્માના ભાન વગર તેનું ભવભ્રમણ મટ્યું નહિ. અહીં તો, આત્માનું
અપૂર્વ ભાન પ્રગટીને ભવભ્રમણ કેમ મટે તેની વાત છે.
(૨) અશુદ્ધોપયોગનું ફળ સંસાર; શુદ્ધાપયોગનું ફળ મોક્ષ
પોતાના રાગરહિત જ્ઞાનસ્વભાવના ભાન વગર અનાદિથી રાગ–દ્વેષ–અજ્ઞાનભાવનો કર્તા થઈને આત્મા
સંસારમાં રખડે છે. આત્માનું ભાન કરીને શુદ્ધોપયોગ પ્રગટ કરવાથી તે રખડવાનું ટળે છે. અશુદ્ધઉપયોગ તે
સંસારનું કારણ છે ને શુદ્ધ ઉપયોગ તે મુક્તિનું કારણ છે; તેથી ધર્મી જીવ તે અશુદ્ધોપયોગનો વિનાશ કરીને
શુદ્ધઉપયોગથી આત્મામાં જ લીન રહેવાની ભાવના કરે છે, તેનું વર્ણન આ ૧પ૯મી ગાથામાં કર્યું છે.
આત્મા સ્વયંસિદ્ધ અસંયોગી ચીજ છે, કોઈ ઈશ્વરે તેને ઉત્પન્ન કર્યો નથી અને તે નાશ થઈને કોઈ
સંયોગોમાં ભળી જાય તેવો નથી. આત્મા સ્વતંત્ર ચૈતન્યસ્વભાવની મૂર્તિ છે; પરદ્રવ્યના લક્ષે તેને જે શુભ કે
અશુભ ઉપયોગ થાય તે બંધન છે, અશુભ ભાવ છે, તે આત્માના ધર્મનું કારણ નથી. શુભ કે અશુભ બંને
ભાવોથી આત્માના સ્વભાવની ખીલવટ થતી નથી પણ બંધન થાય છે અને તેનાથી આત્માને શરીરાદિ
પરદ્રવ્યોનો સંયોગ એટલે કે સંસાર થાય છે. શુભઅશુભ રાગરહિત આત્માના સ્વભાવની ઓળખાણ કરીને
તેમાં રમણતા કરવી તે શુદ્ધોપયોગ છે, તે જ ધર્મ છે અને તે મોક્ષનું કારણ છે. અશુદ્ધઉપયોગ પરદ્રવ્યને
અનુસરીને થાય છે અને તેના ફળમાં પણ પરદ્રવ્યનો જ સંયોગ થાય છે; શુદ્ધઉપયોગ સ્વદ્રવ્યને અનુસાર થાય
છે ને તેના ફળમાં મુક્તદશા પ્રગટે છે.
છે, દેવા–ગુરુ–શાસ્ત્રની ભક્તિ, જીવોની દયા વગેરે ભાવો તે પુણ્યતત્ત્વ છે, તે પુણ્ય–પાપ તત્ત્વોમાં પણ જીવનો
ધર્મ નથી. શુદ્ધજ્ઞાનમય જીવતત્ત્વના આશ્રયે જે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટે તે જ ધર્મ છે. અનાદિકાળથી
જીવ સંસારમાં રખડી રહ્યો છે, તેમાં અનંતકાળે આ મનુષ્યદેહ પામીને જો આત્મા તરફ વલણ નહિ કરે અને
અત્યારે સત્ નહિ સમજે, તો જન્મ–મરણનો અંત લાવવાની શરૂઆત પણ થશે નહિ. પુણ્ય–પાપરહિત ત્રિકાળી
ચૈતન્યમૂર્તિ આત્મસ્વભાવની ઓળખાણ કરીને તેની રુચિ–પ્રતીત અને રમણતા કરવી તે જ શુદ્ધોપયોગ છે અને
તે શુદ્ધોપયોગ જ મુક્તિનું કારણ છે. દેવ–ગુરુ વગેરે પરની ભક્તિનો શુભભાવ કે પરના અવિનયનો
અશુભભાવ તે બંનેમાં પર તરફનું વલણ છે તેથી તે બંને ઉપાધિભાવ છે, તેમાં ધર્મ નથી.
(૪) પ્રભુ! તારી ચૈતન્ય જાત!
પ્રભુ! તારી ચૈતન્ય જાત શું છે તે અહીં બતાવાય છે. જે આત્માઓ અંર્તસ્વભાવનું ભાન કરીને તેમાં
એકાગ્રતા દ્વારા રાગ–દ્વેષ ટાળીને પૂર્ણ પરમાત્મા થયા તે આત્માઓ જેવી જ તારી જાત છે, તેમનામાંથી રાગ–દ્વેષ
ટળ્‌યા તેથી રાગ–દ્વેષ તે તારી જાત નથી. જેમ પાણીનો મૂળ સ્વભાવ ઠંડો છે, ઉષ્ણતા તેનું સ્વરૂપ નથી, તેમ

PDF/HTML Page 8 of 13
single page version

background image
મહા : ૨૪૭૭ : ૭૫ :
આત્મામાં જે રાગ–દ્વેષની લાગણી થાય તે તેનું મૂળસ્વરૂપ નથી, મૂળસ્વરૂપ તો સિદ્ધસમાન પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ,
રાગ–દ્વેષ રહિત છે. બહારના લક્ષે થતા શુભાશુભ ભાવથી બાહ્યસંયોગ મળે પણ સ્વભાવ ન મળે. શુભ કે
અશુભ ભાવ આત્માને આકુળતારૂપ દુઃખનું જ કારણ છે. શુભાશુભ ભાવ પરદ્રવ્યના સંયોગનું કારણ છે એમ
કહેવું તે ફક્ત નિમિત્ત–નૈમિત્તિક સંબંધનું કથન છે.
(પ) બંધનભાવ અને ધર્મભાવ
પુણ્ય અને પાપ બંને સંયોગી ભાવો છે, તેનાથી નવું બંધન થાય છે. જે ભાવે આત્માને નવું બંધન થાય
તે ભાવ ધર્મ ન હોય. જે ભાવ ધર્મ હોય તે નવા બંધનનું કારણ થાય નહિ. જો ધર્મભાવથી પણ બંધન થતું હોય
તો તો જેમ જેમ ધર્મ વધતો જાય તેમ તેમ આત્માને બંધન પણ વધતું જાય. તો પછી આત્માની મુક્તિ ક્યારે
થાય? માટે ધર્મ કદી બંધનનું કારણ થાય નહિ. તેમ જ શુભ રાગભાવ તે બંધનનું કારણ છે, તેનાથી ધર્મ થાય
નહિ. જો રાગભાવ ધર્મનું કારણ થતું હોય તો તો જેમ જેમ રાગ વધે તેમ તેમ ધર્મ પણ વધતો જાય, એટલે
કેવળી ભગવાનને ઘણો રાગ થઈ જાય! પરંતુ એમ કદી બને નહિ. જે ભાવથી બંધન થાય તે ભાવથી ધર્મ નહિ
અને જે ભાવથી ધર્મ થાય તે ભાવથી બંધન નહિ. જે ભાવે તીર્થંકર–નામકર્મનું બંધન થાય તે ભાવ પણ
આત્માના સ્વભાવથી વિરુદ્ધભાવ છે, બંધનભાવ છે, ને ચોખ્ખા શબ્દથી કહીએ તો તે પણ અધર્મભાવ છે. કેમ કે
ધર્મભાવ વડે કર્મનું બંધન થાય નહિ.
(૬) અંશે અધર્મ અને આખો અધર્મ
કોઈ કહે કે તીર્થંકરનામકર્મ બંધાયું તે ભાવમાં અંશે તો ધર્મ છે ને?–તો કહે છે કે ના; તીર્થંકરનામકર્મ જે
ભાવે બંધાય તે ભાવ અંશે ધર્મ નથી પણ અંશે અધર્મ છે. અહીં ‘અંશે અધર્મ’ શા માટે કહ્યો? તેનો ખુલાસો :
જે રાગભાવે તીર્થંકર નામકર્મ બંધાયું તે રાગભાવ તો અધર્મ જ છે, તેમાં કાંઈ ધર્મનો અંશ નથી. પરંતુ
તીર્થંકરનામકર્મ સમ્યગ્દ્રષ્ટિને જ બંધાય છે, શુભરાગ વખતે સમ્યગ્દ્રષ્ટિને આત્માનું યથાર્થ જ્ઞાન–શ્રદ્ધાન છે તેટલે
અંશે ધર્મ છે ને જેટલો રાગ છે તેટલો અધર્મ છે. એ રીતે રાગ વખતે પણ તેની સાથે જ્ઞાનીને સમ્યગ્દર્શન–
જ્ઞાનરૂપ ધર્મના અંશો છે તે બતાવવા તેના રાગને ‘અંશે અધર્મ’ કહ્યો છે; રાગ વખતે તેમને મિથ્યાત્વરૂપ અધર્મ
નથી તેથી તેને ‘અંશે અધર્મ’ કહ્યો; અને મિથ્યાદ્રષ્ટિ તો તે રાગને જ ધર્મ માને છે તેથી તેને ‘અંશે અધર્મ નથી,
પણ તેનો તો આખેઆખો અધર્મ છે, ધર્મ જરા પણ નથી.
(૭) અશુદ્ધ ઉપયોગ તે અધર્મ; શુદ્ધ ઉપયોગ તે ધર્મ
સાચા દેવ–ગુરુની ભક્તિ, જીવોની અનુકંપા વગેરેનો ભાવ તે શુભભાવ છે, અને સાચા દેવ–ગુરુથી
વિરુદ્ધ એવા કુમાર્ગની શ્રદ્ધા, કુશ્રવણ, કુવિચાર, કુસંગ તથા વિષય–કષાય વગેરે ભાવો તે અશુભભાવ છે. આ
શુભ ને અશુભ બંને ભાવો આત્માને પરદ્રવ્યના સંયોગનું કારણ છે તેથી તે અધર્મ છે,–અશુદ્ધભાવ છે, અને તે
શુભ–અશુભ ભાવોથી રહિત થઈને આત્માના ધ્યાનમાં લીન થવું તે શુદ્ધભાવ છે, તે ધર્મ છે ને તે આત્માને
મુક્તિનું કારણ છે. તેથી અશુદ્ધ ઉપયોગનો વિનાશ કરવા માટે અને શુદ્ધોપયોગથી આત્મામાં લીન રહેવા માટે
ધર્મી જીવ કેવો અભ્યાસ કરે છે તેનું શ્રી આચાર્યભગવાન વર્ણન કરે છે:–
મધ્યસ્થ પરદ્રવ્યે થતો, અશુભોપયોગ રહિત ને
શુભમાં અયુક્ત હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને. ૧પ૯.
‘અન્યદ્રવ્યમાં મધ્યસ્થ થતો હું અશુભોપયોગ રહિત થયો થકો તેમ જ શુભોપયુક્ત નહિ થયો થકો
જ્ઞાનાત્મક આત્માને ધ્યાઉં છું.’–આ પ્રમાણે, પરદ્રવ્યના સંયોગનું કારણ જે અશુદ્ધોપયોગ તેના વિનાશ માટે
જ્ઞાની અભ્યાસ કરે છે. અહીં મુખ્યપણે મુનિની વાત છે.
(૮) ધર્મ અને ધર્મનું મૂળ
આ જ્ઞેય–અધિકાર છે. શ્રી જયસેનાચાર્યદેવે આને દર્શનશુદ્ધિનો અધિકાર પણ કહ્યો છે. સમ્યગ્દર્શન તે
ધર્મનું મૂળ છે, ને ચારિત્ર તે સાક્ષાત્ ધર્મ છે. તે ચારિત્ર કોઈ બાહ્ય ક્રિયાકાંડમાં નથી પણ આત્મામાં મોહ અને
ક્ષોભરહિત વીતરાગી સામ્યભાવ પ્રગટે તે ચારિત્ર છે. વ્રત અને અવ્રત રહિત આત્માનો વીતરાગભાવ તે
ચારિત્રધર્મ છે, તેનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વગર કદી ચારિત્રધર્મ હોતો નથી. જગતના બધા પદાર્થો
જ્ઞેય છે, ને તે બધાને જાણનાર મારો જ્ઞાનસ્વભાવ છે; એ પ્રમાણે જ્ઞેય પદાર્થોની પ્રતીત સાથે પોતાના પૂર્ણ
જ્ઞાનસ્વભાવની પ્રતીત પણ આવી જાય છે, એટલે

PDF/HTML Page 9 of 13
single page version

background image
: ૭૬: આત્મધર્મ : ૮૮
જ્ઞેયઅધિકારમાં દર્શનશુદ્ધિનું વર્ણન પણ સમાઈ જાય છે. જે દર્શનશુદ્ધિ પ્રગટી તે પણ જ્ઞાનનું જ્ઞેય છે. દર્શનશુદ્ધિ
પોતે પોતાને જાણતી નથી પણ જ્ઞાન જ તેને જાણે છે.
(૯) જ્ઞેય–જ્ઞાયક સ્વભાવ
આત્મામાં જ્ઞાન સ્વભાવ છે એટલે તે બધાને જાણનાર છે, અને દરેક પદાર્થમાં પ્રમેયત્વ ગુણ છે એટલે કે
બધા પદાર્થો જ્ઞાનમાં જણાવાયોગ્ય–જ્ઞેય છે. આ આત્મા પોતે જ્ઞાનરૂપ પણ છે ને જ્ઞેયરૂપ પણ છે. આત્માના
જ્ઞાનમાં બધા પદાર્થો જણાય એવો સ્વભાવ છે. પદાર્થોનો સ્વભાવ એવો છે કે તે જ્ઞાનમાં જણાય, અને જ્ઞાનનો
સ્વભાવ એવો છે કે તે પદાર્થોને જાણે. આત્માને પર સાથે આવો જ્ઞેય–જ્ઞાયક સંબંધ જ છે. એ સિવાય આત્મા
પરમાં કાંઈ કરે કે પર વસ્તુ આત્મામાં કાંઈ કરે–એવો જ્ઞાનનો કે જ્ઞેયનો સ્વભાવ નથી. આવા સ્વભાવની પ્રતીત
તે ધર્મનું મૂળ અને શરૂઆત છે.
(૧૦) શુદ્ધોપયોગ માટે ધર્મી જીવની ભાવના
બધા પરજ્ઞેયો મારાથી ભિન્ન છે, હું તેનો જાણનાર જ છું, તેમાં કાંઈ કરનાર નથી, જ્ઞાન એ જ મારો
સ્વભાવ છે, એ પ્રમાણે જ્ઞેય–જ્ઞાયકનું ભેદજ્ઞાન અને જ્ઞાનસ્વભાવની પ્રતીત થયા પછી ધર્મી કેવી ભાવના કરે છે
તેનું અહીં વર્ણન છે. ધર્મી જીવ એમ ભાવના કરે છે કે અશુભ કે શુભઉપયોગ રહિત થયો થકો, અને સમસ્ત
પરદ્રવ્ય પ્રત્યે મધ્યસ્થ થઈને હું જ્ઞાનસ્વરૂપ મારા આત્માને ધ્યાઉં છું. શુભ–અશુભભાવ રહિત આત્મસ્વભાવનું
ભાન તો ચોથા ગુણસ્થાનથી જ થઈ જાય છે, હવે અહીં તો આચાર્યદેવ પોતાની વર્તમાન ભૂમિકાથી
ચારિત્રદશાના શુદ્ધોપયોગની વાત કરે છે. શુભ–અશુભભાવો રહિત આત્માના સ્વભાવનું ભાન થયા પછી,
ચારિત્રદશામાં જે શુભભાવ થાય છે તે પણ બંધનું કારણ હોવાથી તેને છોડીને હું આત્મસ્વભાવને ધ્યાઉં છું,
એટલે સ્વદ્રવ્યને જ દ્રષ્ટિમાં લઈને તેમાં ઠરું છું. આ શુદ્ધોપયોગ છે, તેનાથી અશુદ્ધોપયોગની વિનાશ થાય છે.
જીવને પરદ્રવ્યના સંયોગનું કારણ અશુદ્ધોપયોગ છે–એમ ૧પ૬ મી ગાથામાં અશુદ્ધોપયોગની વાત કરીને, તેના
શુભ અને અશુભ એવા ભેદોનું વર્ણન ૧પ૭ તથા ૧પ૮ મી ગાથામાં કર્યું; અને આ ૧પ૯ મી ગાથામાં તે
અશુદ્ધોપયોગનો નાશ કરવાના ઉપાયની વાત કરી છે.
(૧૧) જીવ સંસારમાં કેમ રખડયો?
જીવે અનંતકાળમાં આત્માના સ્વભાવની વાત કદી રુચિથી સાંભળી નથી. જ્યારે સત્ સંભળાવનાર
મળ્‌યા ત્યારે વાત કાને પડી પણ અંતરમાં તેની રુચિ પ્રગટ કરી નથી. આત્મસ્વભાવ સમજ્યા વગર અનંતવાર
સમવસરણમાં જઈને સાક્ષાત્ તીર્થંકરભગવાનની પૂજા હીરાના થાળમાં કલ્પવૃક્ષનાં ફૂલથી કરી, બહારમાં
ભગવાન સામે જોયું પણ અંદરમાં પોતાનો આત્મા ભગવાન છે તેના સામે જોયું નહિ; તેથી પુણ્ય બાંધીને
સંસારમાં રખડ્યો. કોઈ વાર દેવ થઈને સાક્ષાત્ તીર્થંકરભગવાનના પંચકલ્યાણકમાં ગયો, પરંતુ તે વખતે માત્ર
બાહ્યસંયોગ ઉપર દ્રષ્ટિ રાખી અને પુણ્યક્રિયામાં આત્માનો ધર્મ માની લીધો તેથી સંસારમાં જ રખડ્યો. અંદર
આત્માનો સહજ ચૈતન્યસ્વભાવ શું છે અને તેની ધર્મની ક્રિયા શું છે? તે વાતને ન સમજ્યો.
(૧૨) ક્રિયાનું સ્વરૂપ
જુઓ! આ ધર્મની ક્રિયા કહેવાય છે. આત્માના સહજ સ્વભાવને ઓળખીને તેની શ્રદ્ધા–જ્ઞાન કરવાં તે
ધર્મની પહેલી ક્રિયા છે. આ પ્રતિષ્ઠા–મહોત્સવમાં જે બહારની ક્રિયા દેખાય છે તે જડની ક્રિયા છે, અંદર શુભરાગ
થાય છે તે આત્માની વિકારી ક્રિયા છે અને ‘હું જડની ક્રિયાનો કર્તા નથી તથા રાગ મારો સ્વભાવ નથી’ એમ
જડની ને વિકારની ક્રિયાથી ભિન્ન ચૈતન્યસ્વભાવનું અંતરમાં ભાન કરવું તે ધર્મની ક્રિયા છે. એ પ્રમાણે ક્રિયાના
ત્રણ પ્રકાર છે–(૧) જડની ક્રિયા, (૨) વિકારી ક્રિયા અને (૩) ધર્મની ક્રિયા. શરીરાદિની હાલવા–ચાલવાની કે
બોલવાની જે ક્રિયાઓ થાય છે તે જડની ક્રિયા છે, તેનું કારણ જડ છે; તે ક્રિયામાં આત્માનો ધર્મ કે અધર્મ નથી.
આત્માની અવસ્થામાં જે શુભ અને અશુભ પરિણામ થાય તે અરૂપી વિકારી ક્રિયા છે; આ વિકારી ક્રિયા અધર્મ
છે, તેમાં ધર્મ નથી. હવે ત્રીજી ક્રિયા ધર્મની છે. શરીરાદિ જડની ક્રિયારહિત તેમ જ રાગ–દ્વેષાદિ વિકારી
ક્રિયારહિત, આત્માના ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપી જે પવિત્ર ક્રિયા છે તે ધર્મની ક્રિયા છે, ને તે
ક્રિયા મોક્ષનું કારણ છે. સમ્યગ્દ્રષ્ટિને તીર્થંકરનામકર્મના આસ્રવના કારણભૂત જે સોળભાવના હોય તે પણ
શુભરાગની ક્રિયા છે, તેને જ્ઞાની ધર્મ માનતા નથી.

PDF/HTML Page 10 of 13
single page version

background image
મહા : ૨૪૭૭ : ૭૭ :
(૧૩) સાચી ક્રિયાને જ્ઞાની સ્થાપે છે, અજ્ઞાની ઉથાપે છે.
દરેક વસ્તુની સાચી ક્રિયાને જ્ઞાની સ્થાપે છે અને અજ્ઞાની તે ક્રિયાને ઉથાપે છે. તે આ પ્રમાણે:–
(૧) જડની ક્રિયા: શરીરાદિ જડની ક્રિયા એની મેળે સ્વતંત્રપણે થાય છે, આત્મા તેને કરતો નથી–આમ
જ્ઞાનીઓ જડની સ્વતંત્ર ક્રિયાને સ્થાપે છે; અને અજ્ઞાનીઓ કહે છે કે જડની ક્રિયા એની મેળે થતી નથી પણ
આત્મા તેને કરે છે,–એટલે અજ્ઞાનીઓ જડની સ્વતંત્ર ક્રિયાને ઉથાપે છે.
(૨) વિકારી ક્રિયા: પુણ્યભાવ તે ધર્મની ક્રિયા નથી પણ વિકારી ક્રિયા છે–આમ જ્ઞાનીઓ વિકારની
ક્રિયાને વિકારી ક્રિયા તરીકે સ્થાપે છે; અને અજ્ઞાનીઓ તે પુણ્યભાવને વિકારી ક્રિયા તરીકે ન માનતાં તેને
ધર્મની ક્રિયા તરીકે માને છે, એટલે તેઓ વિકારની ક્રિયાને ઉથાપે છે.
(૩) ધર્મની ક્રિયા: વિકારરહિત આત્માના વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તે ધર્મની ક્રિયા છે–
આમ જ્ઞાનીઓ ધર્મની ક્રિયાને સ્થાપે છે; અને અજ્ઞાનીઓ દેહની ક્રિયામાં તથા પુણ્યની ક્રિયામાં ધર્મ માનીને
આત્માના ધર્મની સ્વતંત્ર ક્રિયાને ઉથાપે છે.
ટૂંકમાં, જ્ઞાની જગતના બધાય પદાર્થોની ક્રિયાને સ્વતંત્ર સ્થાપે છે અને અજ્ઞાની જગતના બધાય
પદાર્થોની ક્રિયાને પરાધીન માનીને તેની સ્વતંત્ર ક્રિયાને ઉથાપે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરે એમ જેણે
માન્યું તેણે સાચી ક્રિયાને સ્થાપી નથી પણ ઉથાપી છે. અને એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ પણ ક્રિયા કરે નહિ–
એમ માનવું તે જ દરેક દ્રવ્યની સ્વતંત્ર ક્રિયાનું સ્થાપન છે.
(૧૪) અજ્ઞાન તે સૌથી મોટો દોષ છે
જીવ પોતાની જ ભૂલથી અનાદિથી રખડી રહ્યો છે. અજ્ઞાન તે સૌથી મોટો દોષ છે, અજ્ઞાન તે બચાવ
નથી. લૌકિકમાં કંઈક ગુન્હો કરે અને પછી એમ કહે કે મને કાયદાની ખબર ન હતી. તો તે બચાવ કામ આવે
નહિ. કેમકે અજ્ઞાન તે બચાવ નથી. તેમ આત્મસ્વભાવની સમજણ કરે નહિ અને પુણ્યને ધર્મ માને તો તે
અજ્ઞાન છે–અપરાધ છે ને તેનાથી જીવ સંસારરૂપી જેલમાં રખડે છે. જીવને સત્ સંભળાવનાર ન મળ્‌યા માટે તે
રખડ્યો–એમ નથી, પણ પોતે આત્મામાં સત્ સમજવાની પાત્રતા પ્રગટ ન કરી, તથા કોઈ વાર સત્ સાંભળવા
મળ્‌યું ત્યારે તેની રુચિ કરી નહિ ને અજ્ઞાનભાવનું સેવન ચાલુ રાખ્યું તેથી જ રખડ્યો છે. તીર્થયાત્રા કરવાનો
ભાવ કે જિનમંદિર બંધાવવાનો રાગભાવ તે ધર્મ નથી પણ પુણ્ય છે. પુણ્ય અને પાપ બંને ભાવ અધર્મ છે–એવી
જેની માન્યતા નથી તે મિથ્યાદ્રષ્ટિ છે–જૈન નથી.
–: ટીકા :–
(૧પ) અશુદ્ધોપયોગના વિનાશનો અભ્યાસ
‘જે આ, પરદ્રવ્યના સંયોગના કારણ તરીકે કહેવામાં આવેલો અશુદ્ધ ઉપયોગ, તે ખરેખર મંદ–તીવ્ર
ઉદયદશામાં રહેલા પરદ્રવ્ય અનુસાર પરિણતિને આધીન થવાથી જ પ્રવર્તે છે, પરંતુ અન્ય કોઈ કારણથી નહિ.
માટે બધાય પરદ્રવ્યમાં હું આ મધ્યસ્થ થાઉં. અને મધ્યસ્થ થતો હું પરદ્રવ્ય અનુસાર પરિણતિને આધીન નહિ
થવાથી શુભ અથવા અશુભ એવો જે અશુદ્ધ ઉપયોગ તેનાથી મુક્ત થઈને, કેવળ સ્વદ્રવ્ય અનુસાર પરિણતિને
ગ્રહવાથી જેને શુદ્ધોપયોગ સિદ્ધ થયો છે એવો થકો, ઉપયોગાત્માવડે આત્મામાં જ સદા નિશ્ચળપણે ઉપયુક્ત રહું છું.
આ મારો પરદ્રવ્યના સંયોગના કારણના વિનાશનો અભ્યાસ છે.’
(૧૬) શુદ્ધ અને અશુદ્ધ ભાવોની ઉત્પત્તિનું કારણ પરિણતિ પરદ્રવ્યને અનુસરે તો અશુદ્ધ
ઉપયોગ થાય છે, અને પરિણતિ સ્વદ્રવ્યને અનુસરે તો શુદ્ધ ઉપયોગ થાય છે. અશુદ્ધ ઉપયોગ તે અધર્મ છે
અને સંસારનું કારણ છે. શુદ્ધ ઉપયોગ તે ધર્મ છે ને મુક્તિનું કારણ છે. પુણ્ય અને પાપ એ બંને અશુદ્ધ ભાવો
પરદ્રવ્યના આધીનપણાથી થાય છે, તેથી તે ધર્મ નથી. આત્માના આધીનપણે શુભ–અશુભ ભાવની ઉત્પત્તિ
થાય નહિ. આત્માનો જ્ઞાતા–દ્રષ્ટા સ્વભાવ છે તે સ્વભાવને આધીન રહે તો શુભ–અશુભની ઉત્પત્તિ થતી
નથી પણ શુદ્ધતા પ્રગટે છે. પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન હોવા છતાં નીચલી દશામાં ધર્મીને પણ પૂજા–
ભક્તિ–વ્રત વગેરે શુભભાવ થયા વગર રહે નહિ, પણ તે જાણે છે કે આ શુભભાવ મારા સ્વદ્રવ્યને અનુસાર
થતો નથી પણ પરદ્રવ્યને અનુસાર થાય છે તેથી તે મારો સ્વભાવ નથી. એટલે ખરેખર તે ધર્મી જીવ
શુભભાવને પોતાથી ભિન્ન પરજ્ઞેય તરીકે જાણે છે, ને આત્માની સન્મુખતાની ભાવના કરે છે. શુભભાવ
થાય તેમાં દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે

PDF/HTML Page 11 of 13
single page version

background image
: ૭૮ : આત્મધર્મ : ૮૮
પરનું લક્ષ હોય છે ને અશુભભાવ થાય તેમાં સ્ત્રી, પુત્ર, શરીરાદિ પરનું લક્ષ હોય છે. કોઈ પણ શુભ–
અશુભભાવ થાય તે પરની સન્મુખતાથી થાય છે, આત્માની સન્મુખતાથી શુભાશુભભાવની ઉત્પત્તિ થતી નથી
પણ શુદ્ધ ભાવની જ ઉત્પત્તિ થાય છે. પોતાના સ્વરૂપમાં લીન ન રહી શકે ત્યારે ધર્મીને પણ પરદ્રવ્યને અનુસાર
શુભ–અશુભ પરિણામ થાય છે, અને અશુભથી બચવા પૂજા–ભક્તિ–સ્વાધ્યાય વગેરે શુભભાવ થાય છે. જો
શુભ–અશુભ ભાવ ન જ થાય તો તો વીતરાગ–કેવળી થઈ જાય અથવા જો પરદ્રવ્યની સન્મુખતા વખતે
શુભભાવ ન થાય તો અશુભભાવ થાય કેમકે પરદ્રવ્યના લક્ષે કાં શુભ હોય ને કાં અશુભ હોય. ધર્મીને નીચલી
દશામાં અશુભથી બચવા પુરતો શુભભાવ થાય છે પણ તે પરના અવલંબને થાય છે, તેમાં ધર્મ નથી. આત્માના
સ્વભાવના અવલંબને જો શુભાશુભભાવો થતા હોય તો તે ભાવો આત્માનો સ્વભાવ જ થઈ જાય, અને તે કદી
ટળી શકે નહિ. આત્માના સ્વભાવમાં પુણ્ય–પાપ નથી તેથી આત્મસ્વભાવને અનુસરતાં પુણ્ય–પાપની ઉત્પત્તિ
થતી નથી.
આત્માધીન પરિણતિથી પુણ્ય–પાપ ઉપજતાં નથી પણ તે બંને ભાવો કર્મના મંદ–તીવ્ર ઉદય દશામાં રહેલા
પરદ્રવ્ય અનુસાર પરિણતિને આધીન થવાથી જ પ્રવર્તે છે, તેમાં ધર્મ નથી. આત્મા સ્વદ્રવ્યને આધીન ન પરિણમે
અને પરદ્રવ્ય અનુસાર પરિણતિ કરે તો તે બંધનું જ કારણ છે. અજ્ઞાનીને સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતાનું
ભાન નથી એટલે તે તો શ્રદ્ધા અપેક્ષાએ પણ પરદ્રવ્યઅનુસાર જ પરિણમે છે. ધર્મી જીવને સ્વાધીન
આત્મતત્ત્વની દ્રષ્ટિ હોવાથી શ્રદ્ધા અપેક્ષાએ તો તે સ્વદ્રવ્યઅનુસાર જ પરિણમે છે, છતાં હજી સંપૂર્ણપણે
સ્વરૂપમાં ઠરાતું નથી ત્યાં અસ્થિરતાથી પરદ્રવ્યઅનુસાર પરિણતિને આધીન થઈને પરિણમે છે તેટલી
શુભાશુભભાવની ઉત્પત્તિ છે.
અહીં શ્રી આચાર્યદેવે સિદ્ધાંત મૂક્યો છે કે સ્વદ્રવ્ય અનુસાર પરિણમવું તે શુદ્ધતાનું કારણ છે ને પરદ્રવ્ય
અનુસાર પરિણમવું તે જ અશુદ્ધતાનું કારણ છે. કોઈ કર્મ કે કુદેવાદિ પરવસ્તુઓ આત્માને અશુદ્ધતાનું કારણ
નથી પણ તે પરદ્રવ્યને અનુસાર પરિણમવું તે એક જ અશુદ્ધતાનું કારણ છે.
‘પરદ્રવ્યાનુસાર પરિણતિને આધીન’ એટલે શું? કાંઈ પહેલાંં પરદ્રવ્ય અનુસાર પરિણતિ થઈ ને પછી આત્મા
તેને આધીન થયો–એમ નથી; પણ આત્મા સ્વદ્રવ્યને અનુસાર પરિણતિ ચૂક્યો તે જ વખતે પરદ્રવ્યને અનુસાર
પરિણતિને આધીન થયો છે. પરદ્રવ્ય અનુસાર પરિણતિ થવાનો અને તેને આધીન થવાનો કાળ જુદો નથી.
આત્મા પોતે જો પરદ્રવ્યને અનુસાર પરિણમે તો જ અશુદ્ધતા થાય છે, જો સ્વદ્રવ્ય અનુસાર પરિણમે તો
અશુદ્ધતા થતી નથી. એટલે, ‘આત્માએ પૂર્વે અશુદ્ધભાવથી જે કર્મો બાંધ્યા તે કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે
એક વાર તો તેમાં જોડાઈને વિકાર કરવો જ પડે’–આમ કોઈ અજ્ઞાની માને છે તે વાત તદ્ન જૂઠી છે; કેમ કે તે
વખતે પણ જો આત્મા સ્વદ્રવ્યને આધીનપણે પરિણમે તો તેને અશુદ્ધતા થતી નથી ને કર્મનો ઉદય પણ ટળી
જાય છે.
(૧૭) રાગ–દ્વેષ ટાળવા–એટલે શું?
વળી કોઈ અજ્ઞાની એમ માને છે કે પહેલા સમયે જે રાગ–દ્વેષ થયા તેને બીજા સમયે ટાળવા. જુઓ,
આમાં પણ પર્યાયદ્રષ્ટિની સૂક્ષ્મ ભૂલ છે. શું પહેલા સમયના રાગ–દ્વેષ બીજા સમયે વિદ્યમાન છે? તારે કોને
ટાળવા છે? પહેલા સમયના રાગ–દ્વેષનો બીજા સમયે તો અભાવ થઈ જ જાય છે, તેને ટાળવા પડતા નથી.
રાગ–દ્વેષ ટાળવા ઉપર જેની દ્રષ્ટિ છે તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. ખરેખર રાગ–દ્વેષને ટાળવા પડતા નથી પણ બીજા
સમયે પોતે સ્વભાવને આધીન પરિણમે તો રાગદ્વેષની ઉત્પત્તિ જ થતી નથી, એટલે રાગ–દ્વેષને ટાળ્‌યા એમ
ઉપચારથી કહેવાય છે. સ્વભાવદ્રષ્ટિ કરીને તેના આશ્રયે પરિણમતાં શુદ્ધતાનો ઉત્પાદ થાય છે ને અશુદ્ધતાનો
ઉત્પાદ જ થતો નથી. એટલે સ્વભાવની દ્રષ્ટિ પ્રગટ કરીને સ્વભાવના આશ્રયે પરિણમવું તે જ ધર્મ છે.
આત્મ–માર્ગ
યથાર્થ આત્મસ્વરૂપને સમજ્યા વિના દેહાદિની ક્રિયાની વાતો અને તેના
ઝગડામાં જગત રોકાઈ રહે છે. આત્મમાર્ગ તો અંર્તઅનુભવમાં છે. અનાદિની ઊંધાઈથી
જીવે જે માન્યું છે તે સાચું નથી.
–સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૮૬

PDF/HTML Page 12 of 13
single page version

background image
પુણ્ય, પાપ અને ધર્મ સમ્બંધમાં–આત્માર્થી
જીવનો વિવેક કેવો હોય?
વિકારનું કાર્ય કરવા જેવું છે એમ માનનાર જીવ વિકારને તોડી શકે નહિ. કોઈ જીવ આત્માને એકાન્ત શુદ્ધ જ
માને, અજ્ઞાનભાવે વિકાર કરે છે છતાં ન માને તો વિકારને તોડી શકે નહિ. પુણ્ય બંધન છે માટે મોક્ષમાર્ગમાં તેનો
નિષેધ છે–એ ખરું, પરંતુ વ્યવહારે પણ તેનો નિષેધ કરી પાપમાર્ગમાં પ્રવૃત્તિ કરે તો તે પાપ તો કાળકૂટ ઝેર સમાન છે,
એકલા પાપથી તો નરક–નિગોદમાં જાશે. શ્રદ્ધામાં તો પુણ્ય અને પાપ બંને હોય છે, પણ વર્તમાનમાં શુદ્ધભાવમાં ન રહી
શકે તો શુભમાં જોડાય પણ અશુભમાં તો ન જ જાય. પુણ્યભાવ છોડી પાપભાવ કરવો તે તો કોઈ રીતે ઠીક નથી. વળી
કોઈ પુણ્યભાવને જ ધર્મ માની લ્યે તો તેને પણ ધર્મ ન થાય. કોઈ કહે કે અમારે પુણ્યભાવ નથી કરવો, અથવા તો
સામાનાં પુણ્ય હશે તો મારી તૃષ્ણા ઘટશે,–આમ ખોટા બહાના કાઢે છે ને રાગ ઘટાડતો પણ નથી. તો તો હે ભાઈ! હજી
તું નિર્વિકલ્પ શુદ્ધભાવને તો પામ્યો નથી ને પુણ્યભાવ પણ તારે કરવો નથી તો શું તારે પાપમાં જ જવું છે? તૃષ્ણા
ઘટાડવી તો તારા પરિણામને આધીન છે, સામાના પુણ્યને આધીન નથી. માટે પુણ્યપાપ રહિત આત્માના ભાનસહિત
વર્તમાન યોગ્યતા પ્રમાણેનો બધો વિવેક પ્રથમ સમજવો જોઈએ. વળી કોઈ શુભભાવમાં જ સંતોષ માનીને રોકાઈ જાય,
અથવા તેનાથી ધીમેધીમે ધર્મ થશે–એમ પુણ્યને ધર્મનું સાધન માને તો તેના પણ ભવફેરા ટળશે નહિ. ધર્મની શરૂઆત
કરવાની ઈચ્છાવાળાએ તીવ્ર આસક્તિ તો ઘટાડવી જ જોઈએ, પણ તેટલાથી તરી જવાશે–એમ માને તો તે ખોટું છે.
જીવને પાપથી છોડાવીને માત્ર પુણ્યમાં અટકાવી દેવો નથી પણ પાપ તેમ જ પુણ્ય બંનેથી રહિત જ્ઞાયકસ્વભાવ
બતાવવો છે. માટે પુણ્ય–પાપ અને એ બંનેથી રહિત ધર્મ, તે દરેકનું સ્વરૂપ જાણવું જોઈએ.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન એહ.
(આત્મસિદ્ધિ ગા. ૮)
હું અક્રિય જ્ઞાનાનંદ શુદ્ધ આત્મા છું–એ નિશ્ચય, અને તેનું ભાન કરી તેમાં અંશે અંશે સ્થિરતા વધારી
રાગ ટાળવો તે વ્યવહાર; હું શુદ્ધ જ્ઞાયક છું, અશુભથી બચવા માટે શુભભાવમાં જોડાવું તે પણ વિકાર છે, તે
મારું ખરું સ્વરૂપ નથી–આમ સમજવું અને પોતાના પરિણામ સુધારવાનો પ્રયત્ન રાખવો તે આત્માર્થી જીવનું
કર્તવ્ય છે. પહેલાંં પુણ્ય–પાપરહિત આત્મસ્વભાવને શ્રદ્ધાજ્ઞાનમાં નક્કી કરીને, પછી પુણ્ય–પાપરૂપ વિકારથી
પાછો ખસી અંતરમાં અરૂપી જ્ઞાનશાંતિમાં ઠરવું, એ જ આત્માર્થીનું કર્તવ્ય છે. તે માને અને આચરે, તથા તે જ
માનવા અને આચરવાની અંતરથી ભાવના રાખે તે પણ આત્માર્થી છે.
–સમયસાર–પ્રવચનો, ભાગ ૧ પૃ. ૧૪૨–૩
‘અહો વાણી તારી...!’
અહો! પંચમકાળે શ્રી કુંદકુંદાચાર્યદેવે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે સમયસારમાં અમૃત વરસાવ્યા છે. જેના
શ્રવણની મીઠાશ, મધુરાશ! જે સાંભળતાં જ જિજ્ઞાસુને તત્ત્વનું બહુમાન આવે કે, અહો! આવી વાત કદી સાંભળી નથી.
કેવી સ્પષ્ટ વાત! આ નિર્મળ–ચોખ્ખી વાત જેને આત્મામાં બેઠી તે પાછો ન પડે. હું ભાળીને કહું છું કે હું સિદ્ધ, તું પણ
સિદ્ધ,–એમ શ્રી આચાર્યદેવ કહે છે; તેની હા પાડે એવા લાયક જીવને જ સમયસારમાં શુદ્ધાત્માની વાત સંભળાવે છે.
અહો! ટીકામાં પરમ અદ્ભુત, અલૌકિક વાત છે. શ્રી આચાર્યદેવે અપૂર્વ સત્ની સ્થાપના કરી–કરાવીને પ્રથમ જ
મોક્ષના માંગળિક ગાયા,–દરેક આત્મામાં સિદ્ધપણાનું સ્થાપન કર્યું.–એ જ સર્વોત્કૃષ્ટ મંત્ર છે; તેનો ગુંજારવ કરી આચાર્ય
મહારાજ સંસારમાં સૂતેલાને જગાડે છે. જેમ મોરલીના નાદે સર્પ જાગૃત થઈ આનંદથી ડોલી ઊઠે તેમ, હે જીવ! દેહરૂપી
ગુફામાં તું ત્રિલોકીનાથ આત્મા છે, સમયસારમાં તારા મહિમાનાં ગાણાં ગવાય છે, તો તું કેમ ન નાચે? ‘તું પૂર્ણ છે,
પ્રભુ છે’ એ હોંશથી સાંભળી એકવાર ડોલીને (આનંદથી) ‘હા’ પાડ.–કહે કે ‘હું સિદ્ધ છું, એ પૂર્ણ સ્વભાવ સિવાય
બીજું કાંઈ જોઈતું નથી.’ સર્વજ્ઞ વીતરાગે તો તારી સવતંત્રતાની જાહેરાતના ઢંઢેરા પીટ્યા છે. જેમ રાજા ગાદીએ બેસતાં
ઢંઢેરો જાહેર કરે કે હવે અમારાં રાજ છે. તેમ અમે તને સિદ્ધપદના રાજમાં સ્થાપીએ છીએ; તું જ્ઞાની થઈ, આત્મામાં રાજી
થઈ કહે કે મારું સિદ્ધપદનું રાજ છે, તેમાં સંસારપદનો નાશ છે. અમે પ્રથમ સિદ્ધપદની ગાદીએ બેઠા, અને સિદ્ધપણાની
જાહેરાત કરી, તને પણ તેમ જ કહીએ છીએ. માટે તું આનંદથી હા પાડીને સાંભળ!
(જુએ, સમયસાર–પ્રવચન ભાગ ૧ પૃ. ૪૩, ૪૨)

PDF/HTML Page 13 of 13
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
સાચા અને ખોટાનો વિવેક
કોઈ કહે કે આપણે ખરા–ખોટા ધર્મની પરીક્ષા કરવી નથી, અવગુણ શું કહેવાય અને ગુણ શું કહેવાય તે
જાણવું નથી, જ્યાંથી જેવું મળે ત્યાંથી તેવું લેવું છે.–આમ કહેનાર તો ગારના ખીલા જેવા અથવા ધજાની પૂંછડી
જેવા છે. જેમ ધજાનો છેડો જે તરફનો પવન હોય તે તરફ ઉડવા માંડે અને ગારમાં નાખેલો ખીલો જે તરફ ગાય
ફરે તે તરફ નમી પડે, તેમ તે અજ્ઞાનીઓ જ્યાં જાય ત્યાં ‘હા જી હા’ કરે છે, પણ સત્ય–અસત્યને ન્યાયથી
સમજતા નથી. ‘એકને સાચું માનશું તો બીજા ઉપર દ્વેષ આવશે, માટે બધાને સરખા માનવા, સાચા–ખોટાની
પરીક્ષા ન કરવી’–આવી માન્યતામાં તો અવિવેક અને મૂઢતા છે. સત્ય–અસત્યનો નિઃશંક વિવેક કરવામાં પણ
જેની બુદ્ધિ ચાલતી નથી તેને ધર્મ થાય નહિ. ‘ગોળ અને ખોળ સરખાં માનો, અનાજ અને વિષ્ટા સજ્જન અને
દુર્જન; બધાને સરખાં માનો–એમ તે કહે છે પણ ઘેર રોટલી કે દાળમાં ફેર પડે ત્યાં તો વિરોધ કરે છે. ભાતમાં
કાંકરો આવે તો ત્યાં ભાત અને કાંકરાને સરખાં માનીને એમ ને એમ ખાઈ જતો નથી પણ ભાત અને કાંકરાનો
વિવેક કરીને કાંકરાને કાઢી નાખે છે. જો એમ ન કરે તો લોકો તેને મૂર્ખ ગણે છે. તેમ ધર્મમાં સાચા–ખોટાનો
બરાબર વિવેક કરીને,–અસત્યનું સેવન છોડવું જોઈએ. જો સાચા–ખોટાનો વિવેક ન કરે ને બધું સરખું માને તો
તે સમભાવ નથી પણ ધર્મમૂઢતા છે. સંસારમાં–ઘરમાં સારા–નરસાનો વિવેક કરે છે અને પરમાર્થમાં સત્ય–
અસત્યનો વિવેક ન કરે, અસત્યને સત્યમાં ને સત્યને અસત્યમાં ખતવે, તો તે મૂઢતા છે, સમભાવ નથી. બધા
આત્મા ભગવાન છે–પણ તે તો શક્તિરૂપે છે; વર્તમાન અવસ્થામાં તો ફેર છે, માટે અવસ્થાનો વિવેક પણ કરવો
જોઈએ. ઝેર અને અમૃત, સ્ત્રી અને પુત્રી, –બંનેને સરખાં માનવા તેમાં વિવેક શું રહ્યો? દીકરી, સ્ત્રી અને માતા–
એ ત્રણે ‘સ્ત્રી’ પણે (–નારી જાત અપેક્ષાએ) સરખાં છે, પણ વર્તમાન લોકવ્યવહારમાં સરખાં નથી. જે આમ
ન સમજે તેને લૌકિકમાં મૂર્ખ કહેવાય છે; તેમ લોકોત્તર આત્મધર્મમાં પણ જે વિવેક ન રાખે તેને પણ મૂર્ખ
કહેવાય છે. માટે સાચા–ખોટાને સમજી, સાચાનો જ સ્વીકાર કરવો જોઈએ. જેની પાસેથી ધર્મ સમજવો છે તે
પોતે ધર્મ પામેલ છે કે નહિ અને તેનામાં અલૌકિક ગુણ શું છે?–વગેરે પ્રથમ જાણવું જોઈએ.
(જુઓ, સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૧૪૪)
ગયા અંકમાં જણાવ્યા મુજબ તે ‘વસ્તુવિજ્ઞાન અંક’માં વધારે પાનાં અપાયેલ તેથી આ અંકમાં ઓછા
પાના આપવામાં આવ્યાછે
અવતાર બંધ થવાનો ઉપાય
પોતાનો આત્મા જેવો છે તેવો સમજવાની રીત સૂક્ષ્મ છે; તે
ભૂલીને બીજું બધું કર્યું પણ તેનું ફળ સંસાર (અવતાર) છે. તે અવતાર
મળવા બંધ કરવા માટે અનંત તીર્થંકરોએ પુણ્ય–પાપ રહિત આત્માની
શ્રદ્ધા, તેની સમજણ તથા તેમાં સ્થિરતા–તે ઉપાય કહ્યા છે.
–સમયસાર–પ્રવચનો ભા. ૧ પૃ. પ૩
જ્ઞાનીની શિખામણ
હે જીવ! તારા જ્ઞાનસ્વભાવમાં જાણવારૂપ ક્રિયા થાય છે તે ભૂલીને
પરને ઠીક–અઠીક માનવાની આકુળતા કેમ કરે છે? ઠર રે ઠર, ભાઈ! આવા
અનંતકાળે દુર્લભ મનુષ્ય જીવન, તથા તેમાં મહા મોંઘપવાળા સત્સમાગમ–
શ્રવણ મળ અને તારો સ્વતંત્ર સ્વભાવ છે તેને તું ન માને તે કેમ ચાલે?
–સમયસાર–પ્રવચનો ભા. ૧ પૃ. ૪૦
મુદ્રક : ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય : મોટા આંકડિયા જિ. અમરેલી
પ્રકાશક : શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા (જિ. અમરેલી)