Atmadharma magazine - Ank 009
(Year 1 - Vir Nirvana Samvat 2470, A.D. 1944). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૧
સળંગ અંક ૦૦૯
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
ધર્મ
કોઈ વસ્તુ અને તેનો સ્વભાવ જુદા હોય એમ
કદી બને નહીં, એટલે કે વસ્તુનો સ્વભાવ સદાય
વસ્તુમાં જ રહે. આત્માનો સ્વભાવ સદાય આત્મામાં
જ છે. સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ હોવાથી આત્મા
પોતે જ ધર્મસ્વરૂપ છે.
હવે જે વસ્તુ પોતે જ ધર્મસ્વરૂપ છે તેને ધર્મ
માટે બહારની મદદની જરૂર કેમ રહે? આત્માનો ધર્મ
સદાય આત્મામાં જ છે; કોઈ પરથી આત્માનો ધર્મ
નથી. તું ગમે તે ક્ષેત્રે જા કે ગમે તે કાળ હોય તોપણ
તારો ધર્મ તારાથી જુદો નથી. તું પોતે જ ધર્મસ્વરૂપ
હોવા છતાં તને તારી પોતાની જ ખબર અનાદિથી
નથી તે કારણે તારામાં ધર્મ હોવા છતાં તે તને પ્રગટ
અનુભવમાં આવતો નથી. અને તને તારા
ધર્મસ્વરૂપમાં શંકા એ જ અધર્મ છે, અને તે કારણે જ
સંસાર છે. તે અધર્મ ટાળવા તારા ધર્મ–સ્વભાવને
ઓળખ–એ એક જ ઉપાય છે.
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
શિષ્ટ સાહિત્ય ભંડાર * મોટા આંકડિયા * કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
તી.ર્થ. ધા.મ. શ્રી.સુ.વ.ર્ણ.પુ.રી મ. ધ્યે
– પરમ પૂજય સદ્ગુરુ દેવ નિવાસ – શ્રી જૈન સ્વાધ્યાય મંદિરમાં ચોડેલા –
ઉજવળતા પ્રગટાવનાર ચાકળાઓ
જેને પુણ્યની રુચિ છે તેને જડની
રુચિ છે તેને આત્માના ધર્મની રુચિ
નથી.
એક એક વસ્તુમાં વસ્તુપણાને
નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ
અસ્તિ, નાસ્તિ આદિ બે શક્તિઓનું
પ્રકાશવું તે અનેકાન્ત છે.
આ જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે,
સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ
સાધ્ય–સાધક ભાવના ભેદથી બે
પ્રકારે, એક જ નિત્ય સેવવા યોગ્ય
છે, તેનું સેવન કરો.
સદ્ગુરુદેવ શ્રી કા’ન પ્રભુના ચરણ
સમીપે જેનું જીવન છે તે જીવન
ધન્ય છે.
ચૈતન્ય પદાર્થની ક્રિયા ચૈતન્યમાં
હોય, જડમાં ન હોય.
વસ્તુ વિચારત ધ્યાવતૈ,
મન પાવૈ વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઉપજૈ
અનુભવ યાકો નામ.
વ્યવહારનય એ રીત જાણ
નિષિદ્ધ નિશ્ચયનય થકી;
નિશ્ચયનયાશ્રિત મુનિવરો
પ્રાપ્તિ કરે નિર્વાણની.
नमः समयसाराय
સમયસાર
જિનરાજ હૈ,
સ્યાદ્વાદ
જિનવૈન.
અહો! શ્રી સત્પુરુષ!
અહો! તેમનાં વચનામૃત,
મુદ્રા અને સત્સમાગમ!
વારંવાર અહો! અહો!!
૧૦
હું એક, શુદ્ધ, સદા અરૂપી,
જ્ઞાનદર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી
પરમાણુમાત્ર નથી અરે!
૧૧
છૂટે દેહાધ્યાસ તો,
નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહનો,
એજ ધર્મનો મર્મ.
૧૨
કરૈ કરમ સોઈ કરતારા,
જો જાનૈ સો જાનનહારા.
૧૩
આત્મા પોતાપણે છે અને
પરપણે નથી એવી જે દ્રષ્ટિ
તેજ ખરી અનેકાંત દ્રષ્ટિ છે.
૧૪
દ્રવ્યદ્રષ્ટિ તે જ સમ્યક્દ્રષ્ટિ છે.
એક હોય ત્રણકાળમાં,
પરમારથનો પંથ;
પ્રેરે તે પરમાર્થને
તે વ્યવહાર સમંત.
૧પ
એક પરિનામકે ન કરતા દરવ દોઈ,
દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ;
એક કરતૂતિ દોઈ દર્વ કબહૂ ન કરૈ,
દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ.
૧૬
જૈન ધર્મને કાળની મર્યાદામાં
કેદ કરી શકાય નહિ.
૧૭
तत्प्रति प्रीतिचित्तेन
येन वार्तापि हि श्रुता।
निश्चितं स भवेद्भव्यो
भाविनिर्वाण भाजनम्।।
૧૮
ભેદવિજ્ઞાન જગ્યૌ જિન્હકે ઘટ,
સીતલ ચિત્ત ભયૌ જિમચંદન;
કેલિ કરે સિવ મારગમૈં,
જગમાંહિ જિનેશ્વર કે લઘુનંદન.
૧૯
ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ
છતાં ઉજ્જવલ આત્માનો સ્વત:
વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે.
૨૦
તું સ્થાપ નિજને મોક્ષપંથે,
ધ્યા અનુભવ તેહને;
તેમાંજ નિત્ય વિહાર કર,
નહિ વિહર પરદ્રવ્યો વિષે.
૨૧
શુભાશુભ પરિણામનું
સ્વામિત્વ તે મિથ્યાદર્શન છે.
૨૨
ગમ પડ્યા વિના આગમ
અનર્થકારક થઈ પડે છે.
સંત વિના અંતની વાતમાં
અંત પમાતો નથી.
૨૩
જ્ઞાન તેનું નામ કે જે
આસ્રવોથી નિવર્તે.
જ્ઞાનનું ફળ વિરતિ.
૨૪
જ્ઞાનથી જ રાગદ્વેષ નિર્મૂળ થાય.
જ્ઞાનનું મુખ્ય સાધન વિચાર છે.
વિચારદશાનું મુખ્ય સાધન
સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ
છે.
(વધુ માટે જુઓ પાનુ છેલ્લું)

PDF/HTML Page 4 of 17
single page version

background image
वत्थु सहावो धम्मो–વસ્તુનો વર્ષ ૧: અંક ૯
સ્વભાવ એ જ ધર્મ શ્રાવણ: ૨૦૦૦
સમ્યકત્વનું માહાત્મ્ય
(૧) સમ્યકત્વ વગરના જીવો પુણ્ય સહિત હોય તોપણ
જ્ઞાનીઓ તેને પાપી કહે છે; કારણ કે પુણ્ય–પાપ રહિત
સ્વરૂપનું ભાન ન હોવાથી પુણ્યના ફળની મીઠાશમાં
પુણ્યનો વ્યય કરીને–સ્વરૂપના ભાન રહિત હોવાથી
પાપમાં જવાના છે.
(૨) સમ્યકત્વ સહિત નરકવાસ પણ ભલો છે અને સમ્યકત્વ
રહિતનો દેવલોકમાં નિવાસ પણ શોભા પામતો નથી.
(પરમાત્મ પ્રકાશ–પાનું ૨૦૦)
(૩) અપાર એવા સંસાર સમુદ્રથી રત્નત્રયીરૂપ જહાજને પાર
કરવા માટે સમ્યગ્દર્શન ચતુર ખેવટીઓ (નાવિક) છે.
(૪) જે જીવને સમ્યગ્દર્શન છે તે અનંત સુખ પામે છે અને જે
જીવને સમ્યગ્દર્શન નથી તે પુણ્ય કરે તોપણ અનંત દુઃખ
ભોગવે છે.
આવા અનેક મહિમાઓ શ્રી સમ્યગ્દર્શનના છે. માટે દરેક
જીવો કે જેઓ સદા અનંતસુખ જ ઈચ્છે છે તેઓને તે પામવાનો
પ્રથમ ઉપાય સમ્યગ્દર્શન જ છે.
શ્રીમદ્ રાજચંદ્રજી પણ આત્મસિદ્ધિના પ્રથમ જ પદમાં કહે
છે કે:–
જે સ્વરૂપ સમજ્યા વિના
પામ્યો દુઃખ અનંત
સમજાવ્યું તે પદ નમું
શ્રી સદ્ગુરુ ભગવંત. ।। ।।
જે સ્વરૂપ સમજ્યા વિના – એટલે – આત્માના ભાન
વગર અર્થાત્ સમ્યગ્દર્શન પામ્યા વગર અનાદિ કાળથી
અનંતદુઃખ એકલું દુઃખ જ ભોગવ્યું છે, તે અનંત દુઃખથી મુક્ત
થવાનો ઉપાય એક માત્ર સમ્યગ્દર્શન જ છે બીજો નથી.
તે સમ્યગ્દર્શન આત્માનો જ સ્વસ્વભાવી ગુણ છે.
સુખી થવા માટે...........
સમ્યગ્દર્શન પ્રગટાવો.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૪૮ : આત્મધર્મ ૨૦૦૦ : શ્રાવણ :
પરમ પૂજ્ય સદ્ગુરુદેવનું વ્યાખ્યાન. અક્ષયત્રીજ તા. ૨૫ – ૪ – ૪
કારણ પરમાત્મા ને કાર્ય પરમાત્મા
નિયમસાર ગાથા ૭ મી અરિહંત દેવના સ્વરૂપનું વર્ણન
ભગવાન અરિહંતદેવ કાર્ય પરમાત્મા છે. કાર્ય એટલે આત્માની સ્વતંત્ર પૂર્ણાનંદ દશા પ્રગટી તે કાર્ય,
અર્થાત્ અવસ્થા તે કાર્ય છે અને તેનું કારણ દ્રવ્ય પોતે જ છે. દ્રવ્યમાં ત્રણકાળમાં આવરણ નથી, આત્માને કોઈ
કર્મના આવરણનો પડદો પરમાર્થે નથી. વર્તમાન અવસ્થાદ્રષ્ટિએ જોતાં એક સમય પૂરતી અવસ્થામાં આવરણ
દેખાય છે, પણ વસ્તુમાં આવરણ નથી.
પ્રશ્ન:– વસ્તુ દ્રષ્ટિથી જોતાં આવરણ નથી દેખાતું, તો શું આવરણ સર્વથા નથી?
ઉત્તર:– વસ્તુને આવરણ કદી હોય નહીં, એક સમય પૂરતી વિકારી અવસ્થામાં ભાવબંધન છે, અરિહંત
ભગવાનને તે ભાવબંધન ટળી ગયું છે તેથી ‘કાર્ય પરમાત્મા’ છે; કેમકે પૂર્ણદશારૂપી કાર્ય તેમને પ્રગટ છે. તે
કાર્યનું કારણ વસ્તુ પોતે જ છે. વસ્તુ ત્રણેકાળ સંપૂર્ણ આવરણ રહિત છે.
વસ્તુને આવરણ હોઈ શકે નહીં; આવરણ કહ્યું ત્યાં અવસ્થાનું લક્ષ થયું. આત્મા તો અનંતગુણની
શક્તિનો પિંડ છે, તે વસ્તુ કે વસ્તુના ગુણમાં કદી આવરણ નથી; પણ એક સમયની અવસ્થાને જુએ તો એક
સમય પૂરતું આવરણ પર્યાયમાં છે.
પ્રશ્ન:– પર્યાય એક જ સમયની કેમ? એક પર્યાય સાથે બીજી જોડાઈને લાંબી કેમ નહીં?
ઉત્તર:– બે સમયની પર્યાય કદી ભેગી થતી જ નથી. એક સમયની પર્યાય ગઈ ત્યારે બીજા સમયની
પર્યાય આવી છે. પહેલા સમયની પર્યાય રહીને બીજા સમયની પર્યાય આવતી નથી, માટે પર્યાય એક જ સમય
પૂરતી છે.
પ્રશ્ન:– ભૂત–ભવિષ્યની પર્યાય વર્તમાનમાં મેળવીએ તો પર્યાય લાંબી થાય ને?
ઉત્તર:– પર્યાય કોઈ રીતે એક સમય કરતાં વધારે લાંબી હોય નહીં. ભૂત–ભવિષ્યની પર્યાય તો દ્રવ્યની
શક્તિ અર્થાત્ ગુણ છે. વળી ભવિષ્યની પર્યાય વર્તમાન સાથે મળી જ શકે નહીં કેમકે જ્યારે ભવિષ્યની પર્યાય
થશે ત્યારે તો વર્તમાન પર્યાયનો વ્યય થઈ ગયો હશે. વર્તમાન પર્યાય જશે ત્યારે નવી આવશે.
દ્રષ્ટાંત:– પાણીનો ત્રિકાળી સ્વભાવ ઠંડો છે, વર્તમાનઅવસ્થા ઉષ્ણ છે–તે ઉષ્ણતા એક સમય પૂરતી જ
છે. જો ઉષ્ણતા વર્તમાન પૂરતી ન હોત તો ઠરત નહીં. એક સમય બદલીને બીજે સમયે પાણી ભલે ઊનું હોય તો
પણ બીજા સમયનું ઉષ્ણપણું નથી; પહેલા સમયની ઉષ્ણતા બદલીને બીજે સમયે જે ઉષ્ણતા છે તે નવી છે એટલે
કે પહેલા સમયની નથી.
દ્રષ્ટાંતનો સિદ્ધાંત:– પાણીના દ્રષ્ટાંતે આત્મા પણ ત્રિકાળી શુદ્ધ છે, તેમાં સંસારની મલિનતા એક સમય
પૂરતી જ છે. [બારમા ગુણસ્થાનના છેલ્લા સમયે ચાર ઘાતી કર્મોનો સર્વથા નાશ થતાં કેવળજ્ઞાન પ્રગટ્યું.]
વસ્તુમાં સંસાર નથી પણ એક સમય પૂરતી અવસ્થામાં છે. વસ્તુ કદી પણ અશુદ્ધ થતી નથી, વસ્તુમાં નિમિત્ત
નથી, આવરણ નથી, કોઈની અપેક્ષા નથી, વસ્તુ તો ત્રિકાળ એકરૂપ નિરપેક્ષ છે, ભંગ–ભેદની બધી જાળ
પર્યાયમાં છે. વિકાર એક સમય પૂરતો જ છે. સમય સમય કરતાં (પોતે વિકાર કરીને) લાંબુ કરી મૂકયું છે,
સંસાર તો એક સમયનો છે તેને પલટતાં વાર લાગતી નથી.
[ચૌદમા ગુણસ્થાનનો છેલ્લો સમય તે હજી સંસાર
દશા છે અને તે સમયનો નાશ થતાં ત્યાર પછીના સમયમાં સંસાર નથી.]
વસ્તુ ત્રણેકાળ પૂર્ણ નિરાવરણ છે. તેમાં કાળનો ભેદ નથી. જેમ દીવો તો દીવો જ છે, સળગતી જ્યોત જ
છે, તેમાં જે પડદો છે તે વર્તમાન પૂરતો છે. આખા દીવાને જો પડદો હોય તો દીવો જ ન રહે, દીવાનો અભાવ
ઠરે; પણ પડદો વર્તમાન પૂરતો છે. તે ટળી શકે છે. તે ટળ્‌યો કે દીવો તો દીવો જ છે. પડદા વખતે પણ દીવો જ
હતો. પડદો દૂર થતાં પણ દીવો જ છે. તેમ આત્મા તો ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય જ્યોત જ છે; અવસ્થા પૂરતું આવરણ

PDF/HTML Page 6 of 17
single page version

background image
૨૦૦૦ : શ્રાવણ : આત્મધર્મ : ૧૪૯ :
છે તે વસ્તુમાં નથી એક સમય પૂરતું [અવસ્થાનું] આવરણ ટળ્‌યું કે દીવો પૂર્ણ પ્રગટ જ છે. દ્રવ્ય તો પુરી
અવસ્થાથી જ ભરેલું છે, તેની જે અધૂરી કે ઊણી પર્યાય કહેવાય છે તેમાં પરની અપેક્ષા લાગુ પડે છે. દ્રવ્ય પોતે
વર્તમાનમાં જ પુર્ણ અવસ્થાથી ભરેલું છે, જે અહીં છે તે જ સિદ્ધદશામાં પ્રગટ થાય છે–સિદ્ધદશામાં નવું
(બહારથી) કાંઈ આવતું નથી.
વસ્તુ જો અવરાય તો તે વસ્તુ જ ન કહેવાય. અને એક સમયની અવસ્થા પુરતું આવરણ કહો તો તે
અવસ્થા તો બીજે સમયે બદલી જાય છે; અવસ્થા બદલી જતાં તે સમયનું આવરણ પણ ટળી જાય છે, નવી
અવસ્થામાં નવું આવરણ કરે તો થાય, માટે આવરણ વસ્તુમાં નથી.
ટોપલે દીવાને ઢાંક્યો નથી પણ દીવાની અવસ્થાને ઢાંકી છે, જો દીવો જ ઢંકાય તો દીવાનો અભાવ ઠરે,
એમ જો આત્મા જ ઢંકાઈ જાય તો તત્ત્વનો જ અભાવ થઈ જાય. એટલે અવસ્થા તો એક સમય પુરતી છે.
પર્યાય સમયે સમયે પલટી જાય છે અને વસ્તુ તો ત્રિકાળ ટકી રહે છે; પર્યાય તે વસ્તુ નથી. (પર્યાયનું આવરણ
તે વસ્તુમાં નથી.)
જો મલિનતા એક સમય પુરતી ન હોય–કાયમની હોય તો તે પલ્ટી કેમ જાય? પલ્ટી જાય છે તેથી
મલિનતા વર્તમાન એક સમય પુરતી છે અને વસ્તુ ત્રિકાળ નિરાવરણ છે.
જેમ મલિન અવસ્થા એક સમય પૂરતી છે તેમ નિર્મળ અવસ્થા (સિદ્ધ દશામાં) પણ એક સમય પૂરતી
જ છે. સિદ્ધ દશામાં પણ બે સમયની અવસ્થા ભેગી થતી નથી. નિર્મળ કે મલિન અવસ્થામાં પરની અપેક્ષા આવે
છે. અને દ્રવ્ય તો ત્રિકાળ એકરૂપ નિરપેક્ષ છે. વસ્તુસ્વભાવમાં નિર્મળ કે મલિન પર્યાય (સંસાર કે મોક્ષ એવા
ભેદ લાગુ પડતા નથી. વસ્તુ ત્રિકાળ નિરપેક્ષ છે અને પર્યાય અભૂતાર્થ છે. ક્ષણિક છે. ત્રિકાળ આવરણથી રહિત
સંપૂર્ણ દ્રવ્ય તે “વસ્તુ” છે.
અહા! વસ્તુ તે વસ્તુ!!! વસ્તુમાં ત્રણકાળમાં કોઈ અપેક્ષા જ લાગુ પડી શકતી નથી. અપેક્ષા તો
પર્યાયમાં આવે છે. નિરપેક્ષ વસ્તુને જ “કારણ પરમાત્મા” કહેલ છે; એ વસ્તુ ઉપર લક્ષ આપતાં પૂર્ણ
પરમાત્મપદ પ્રગટે છે તેથી અહીં “કારણ પરમાત્મા” પરિપૂર્ણ વસ્તુનું વર્ણન લીધું છે.
ભગવાન અરિહંતદેવ કાર્ય પરમાત્મા છે, તેમને પુર્ણ પરમાત્મદશા પ્રગટી ગઈ છે.
ગુણ અને વસ્તુ ત્રિકાળ એકરૂપ નિર્મળ છે તેમાં નિમિત્ત, સંયોગ કે આવરણ હોઈ શકે નહીં. અહીં કોઈને
પ્રશ્ન ઊઠે કે ત્રિકાળ નિરાવરણ કહ્યું તો વર્તમાન અવસ્થામાં પણ બંધનનો નકાર કર્યો?
ઉત્તર:– અહીં પર્યાયનું લક્ષ જ નથી; વસ્તુનું જ લક્ષ છે, વસ્તુનું લક્ષ અવસ્થાદ્વારા થાય છે, જે અવસ્થાથી
લક્ષ થયું તે અવસ્થાનું લક્ષ નથી. દ્રષ્ટિ નિરપેક્ષ વસ્તુ ઉપર છે તેમાં પર્યાયનું લક્ષ નથી.
વસ્તુ તો ત્રિકાળ છે, જ્યાં અવસ્થાનું પરિણમન અંદર ઢળ્‌યું એટલે કે ‘હું શુદ્ધ દ્રવ્ય છું’ એમ પર્યાય દ્વારા
દ્રવ્યનું સ્વરૂપ નક્કી કર્યું ત્યાં પર્યાય ઉપર દ્રષ્ટિ જ ન રહી, અપેક્ષા જ ન રહી. અહીં એકલો ધુ્રવ સ્વભાવ લીધો
છે. જે અવસ્થાથી અંતરમાં ઢળ્‌યો તે અવસ્થા તો ધુ્રવ સ્વરૂપમાં મળી ગઈ તેમાં નિર્મળતા કે મલિનતાની અપેક્ષા
જ ન રહી.
અરિહંત કે સિદ્ધપદ પ્રગટ્યું તે તો પર્યાય છે. અવસ્થા (પર્યાય) જે વસ્તુથી પ્રગટી તે વસ્તુ તો ત્રિકાળ
એકરૂપ છે, વસ્તુ પોતાથી દુઃખરૂપ કે અપુર્ણ ન હોઈ શકે. વસ્તુ તો આનંદમય પરિપુર્ણ છે; બંધ મોક્ષના ભેદ પણ
વસ્તુમાં નથી.
સોનું સોનાપણે એકરૂપ જ છે; કડાં કુંડળ કે વીંટી ગમે તે અવસ્થામાં સોનું તો–સોનું જ છે અન્ય નથી;
પણ આકારની અવસ્થા–દ્રષ્ટિએ જોવામાં આવે તો તે અનેકરૂપ ભાસે છે. તેમ આત્મા વસ્તુદ્રષ્ટિએ તો નિત્ય
એકરૂપ જ છે, પર્યાય દ્રષ્ટિએ જ ભેદ જણાય તે વસ્તુમાં નથી.
આ સમજતાં પુર્ણ સ્વરૂપની રુચિ થાય અને પરનો મહિમા ટળે તેનું નામ ધર્મ. આ અક્ષય ત્રીજનું અક્ષય
જ્ઞાનસ્વરૂપ બતાવ્યું.
નોટ:– વસ્તુ ત્રિકાળ કહેતાં તેમાં કાળનું લંબાણ નથી બતાવવું પણ ભાવે એકરૂપ નિરાવરણ છે એમ બતાવવું છે.

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૫૦ : આત્મધર્મ ૨૦૦૦ : શ્રાવણ :
પાપ ટાળવાનો સાચો ઉપાય શું?
બતાવનાર: – રામજીભાઈ માણેકચંદ દોશી
પ્રસંગ પહેલો.
પહેલો મિત્ર–તમે એકવાર કહેતા હતા કે પુણ્યથી ધર્મ થાય એ લૌકિક માન્યતામાં જ પુણ્યથી ધર્મ ન થાય
એમ અવ્યક્ત રીતે આવે છે તે શી રીતે?
બીજો મિત્ર–પુણ્યથી ધર્મ થાય એ માન્યતામાં પાપ છોડવા જેવું છે એવી માન્યતા આવી કે કેમ?
(‘માન્યતા’) શબ્દ એ માટે વાપર્યો છે કે– ‘માન્યતા’ થતાં જ ચારિત્ર એકદમ પ્રગટતું નથી, પણ તે જ વખતે
અંશે પ્રગટે છે અને ક્રમે ક્રમે પૂરું થાય છે.)
પહેલો મિત્ર–પાપ છોડવું જ જોઈએ એવી માન્યતા તો આવી જ.
બીજો મિત્ર–ત્યારે કહો કે મહાપાપ તો તુરત જ ટાળવું જોઈએ, કે તે મહાપાપ ઉભું રાખો!
પહેલો મિત્ર– મહાપાપ પ્રથમ જ ટાળવું જોઈએ.
બીજો મિત્ર–ત્યારે કહો–કે મહાપાપ કયું છે?
પહેલો મિત્ર–મિથ્યાદર્શન એ મહાપાપ છે.
બીજો મિત્ર–તે મિથ્યાદર્શન જેને તમે મહાપાપ કહો છો–તેનાં બીજાં નામો આપશો.
પહેલો મિત્ર– હા, તેને સ્વરૂપની અણસમજણ, અજ્ઞાન, અવિદ્યા, ચિદાભાસ પણ કહેવામાં આવે છે.
બીજો મિત્ર–ત્યારે કહે કે
પાપ ટાળવું જ જોઈએ એવી જેની માન્યતા છે તેણે મિથ્યાદર્શનરૂપી
મહાપાપ ટાળવું જ પડશે. જો જીવ સમ્યગ્દર્શન પ્રગટ કરે તો જ તે ટળે એ વાત સાચી કે કેમ?
પહેલો મિત્ર–હા, તેમ જ.
બીજો મિત્ર–ત્યારે તો સમ્યગ્દર્શનથી મિથ્યાદર્શનરૂપ મહાપાપ ટળે તેમ આવ્યું, અને સમ્યગ્દર્શન કહો કે
ધર્મની શરૂઆત કહો–સાચી સમજણ કહો, કે સાચું (સમ્યક્) જ્ઞાન કહો–તે એકજ અથવા સાથે રહેનારાં છે–
તેથી એમ થયું કે શુદ્ધભાવની શરૂઆત થતાં મહાપાપ ટળી શકે છે. કેમ તે બરાબર છે?
પહેલો મિત્ર–હા, તે તદ્રન વ્યાજબી છે. ખરેખર પુણ્યભાવથી ધર્મ નથી થતો છતાં પુણ્યથી ધર્મ થાય એમ
લોકો માને છે તેનું કારણ શું?
બીજો મિત્ર–સામાન્યરીતે લોકો આ બાબતમાં વિચાર કરતા નથી. નાનપણથી પોતે સાંભળ્‌યું હોય છે કે
પુણ્યથી ધર્મ થાય છે, પોતાના મોટેરાઓ પાસેથી પણ તેવું જ સાંભળે છે અને ધર્મસ્થાનકમાં પણ મોટે ભાગે તેવું
જ સંભળાવવામાં આવે છે. એ માન્યતા પોતાને અનાદિથી ચાલી આવે છે અને જેમ જેમ તે ઉંમરે વધતો જાય
છે તેમ તેમ તેનું પોષણ મળતું જાય છે. તેનું પરિણામ એ આવે છે કે કોઈ કહે કે પુણ્યથી ધર્મ થાય નહિ–મહાપાપ
ટળે નહિ તો તેને વિજળી જેવો આંચકો ‘
Electric Shock’ લાગે છે. એ સાંભળવા તરફ અરુચિ થાય છે. પણ
તટસ્થ થઈ શાંતપણે તેનાં બધાં પડખાંઓ વિચારે તો આ વાત તુરત સમજી જાય.
પહેલો મિત્ર–ત્યારે આનાં બીજાં પડખાંઓ શું છે તે આપણે હવે પછી ચર્ચશું.
બીજો મિત્ર–બહુ સારું. (બન્ને છુટા પડે છે)
પ્રસંગ બીજો
પહેલો મિત્ર–પુણ્યનાં બીજાં પડખાં છે એમ તમે કહેતા હતા તે આજે કહો.
બીજો મિત્ર–જુઓ પુણ્યના ઈચ્છક જે વખતે પુણ્ય કરવા માગે છે તે જ વખતે પાપ બંધાય તેમ ઈચ્છે છે?
પહેલો મિત્ર– જે પુણ્ય કરવા માગે તે તે જ વખતે પાપ પણ લાગતું હોય, તો તે પુણ્યનો ઈચ્છક કેમ
કહેવાય? ન જ કહેવાય.
બીજો મિત્ર–તમે એ સ્વીકાર્યું; ત્યારે હવે તમને પુછું છું કે–તમે એ તો જાણો છો ને કે શુભભાવ (પુણ્ય
ભાવ) કરતી વખતે, જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન ન હોય તેને સાચા જ્ઞાન–સાચી પ્રતીતિ–સાચા ચારિત્ર અને વીર્ય
હણાય છે અને તેથી તેનાં આવરણ બંધાય છે અને તે બધાં પાપ છે?

PDF/HTML Page 8 of 17
single page version

background image
૨૦૦૦ : શ્રાવણ : આત્મધર્મ : ૧૫૧ :
પહેલો મિત્ર–તમે કહો છો તે ઉપરથી મને યાદ આવે છે કે શુભભાવ થતાં ચારે ઘાતીયા કર્મની પ્રકૃતિઓ
બંધાય છે એમ જ્ઞાનીઓ જણાવે છે. માટે તમારી એ વાત સાચી છે.
બીજો મિત્ર–કહો ત્યારે પુણ્યભાવ કરતાં, આત્મસ્વરૂપના અજાણને આત્માના નિજ ગુણ એટલે કે
સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર, વીર્ય વિગેરે ને હણનારાં પાપ કર્મમાંથી કયું ટળે? અને કયું ન બંધાય?
પહેલો મિત્ર–એકે નહીં.
બીજો મિત્ર–ત્યારે કહો કે કયા કયા શુભભાવ કરતાં કરતાં આ ભવે, આ ભવે નહીં તો હવે પછીના ભવે,
સમ્યકત્વનો ગુણ પ્રગટે?
પહેલો મિત્ર–એવો એ કે શુભભાવ નથી કે જે કરતાં કરતાં અનંત કાળ જાય તો પણ સમ્યકત્વ પ્રગટે
અને મિથ્યાત્વનું મહાપાપ ટળે.
બીજો મિત્ર–ત્યારે કહો કે જે–આત્મસ્વરૂપના અજ્ઞાની છે તેને તો પુણ્ય (શુભ) ભાવ કરતાં તે જ વખતે
અનંતુ પાપ–સંસારને વધારનારૂં બંધાય છે, તો પછી તે પુણ્યના ખરા હિમાયતી કહેવાય?
પહેલો મિત્ર–ન જ કહેવાય. પણ ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે–પાપનો નાશ કોણ કરી શકે?
બીજો મિત્ર–સમ્યક્દર્શન થાય તે જ વખતે મિથ્યાત્વ અને અનંત સંસારને વધારનારા ક્રોધ–માન–માયા–
લોભ એ પાંચ મહાપાપ તો બંધાતાં જ નથી, અને બીજા પાપો ક્રમેક્રમે તેને નહીં બંધાતાં, છેવટે પાપ બંધથી
રહિત તે થઈ શકે છે.
પહેલો મિત્ર–તમે ઘણી સ્પષ્ટ વાત કરી, પણ આ વિષય બીજી કોઈ રીતે વિચારી શકાય તેમ છે?
બીજો મિત્ર– ઘણાં પડખાંથી તે વિચારી શકાય છે. અને તે બધાનું પરિણામ એક જ આવે છે. કેમકે સત્ય
તો સત્ય જ રહે છે. પણ આપણે હવે તે વિષય બીજે વખતે લેશું. (બન્ને મિત્રો જુદાં પડ્યાં.)
ત્રીજો પ્રસંગ (બન્ને મિત્રો ફરી મળે છે.)
સ્વરૂપની સમજણ વગર પુણ્ય અને પાપચક્ર ચાલ્યા કરે છે.
પહેલો મિત્ર– કહો, બીજી કઈ રીતે આ વાત વિચારી શકાય તેમ છે?
બીજો મિત્ર–જેને આત્મસ્વરૂપનું લક્ષ નથી તેને કષાયચક્ર ચાલુ રહેતું હોવાથી શુભ પછી તુરત જ અશુભ
આવે છે એ જાણો છો?
પહેલો મિત્ર–આ વાત દાખલો આપી સ્પષ્ટ કરો.
બીજો મિત્ર–જુઓ પ્રથમ આપણે શુભ (પુણ્યભાવ) શું–પાપ ભાવ શું તે વિચારીએ.
પહેલો મિત્ર–ભલે, ખુશીથી.
બીજો મિત્ર–જુઓ, આગળ તમને બતાવ્યું હતું કે પુણ્યભાવ કરનાર જીવ જેને આત્મસ્વરૂપનું સાચું જ્ઞાન
નથી તે ભાવ કરતી વખતે જ પાપ બાંધે છે. પણ આ તો તેથી આગળ જવાની વાત છે માટે તે લક્ષપૂર્વક સાંભળજો.
પહેલો મિત્ર– લક્ષપૂર્વક સાંભળી તેની તુલના કરીશ.
બીજો મિત્ર–જુઓ એક માણસને તમે દાન દીધું, પછી તમે સંસારી ધંધા રોજગારમાં જોડાઓ છો?
પહેલો મિત્ર–હા.
બીજો મિત્ર–કહો ત્યારે તમારો ધંધાનો ભાવ શુભ કે અશુભ?
પહેલો મિત્ર–તેને શુભ કેમ કહેવાય? તે તો અશુભ ભાવ કહેવાય.
બીજો મિત્ર–તો પછી એમ થયું કે–શુભભાવ મટયા પછી–અશુભભાવ તો તુરત આવે છે. માટે પુણ્યનું
સળંગ ચાલવાપણું તો ન રહ્યું. અને પુણ્યના ખરા હિમાયતીએ તો ચોવીશ કલાક પુણ્ય કરવું જોઈએ.
પહેલો મિત્ર–પણ એ તો ક્યાંથી બની શકે?
બીજો મિત્ર–અજ્ઞાનીથી ન બની શકે, પણ જ્ઞાનીનાં કેટલાંક પદ એવાં છે કે જેમાં તેમ બને છે.
પહેલો મિત્ર–મને પણ વિચારતાં લાગે છે કે–શુભભાવ સળંગ ચાલુ રહેતો નથી; શુભ પૂરો થયો કે
તરતજ કંઈ અશુભ
જૈનશાસન
૧ જૈનશાસન એટલે વીતરાગતા. ૨ અનેકાન્ત એ જૈનશાસનનો આત્મા.
૩ સ્યાદ્વાદ એ જૈનશાસનની કથન શૈલી. ૪ જૈનશાસન એટલે યુક્તિ અને અનુભવનો ભંડાર.
પ જૈનશાસન એટલે દરેક દ્રવ્યોના સ્વરૂપને સંપૂર્ણ અને ત્રિકાળ સ્વાધીન (સ્વતંત્ર) બતાવનાર અનાદિ
અનંત ધર્મ.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૫૨ : આત્મધર્મ ૨૦૦૦ : શ્રાવણ :
આવે છે; એમ પણ બને છે, કે શુભ કરવાનો વિચાર કરતાં હોઈએ, ત્યાં એકદમ અશુભ ભાવ ડોક્યિાં મારે છે.
બીજો મિત્ર–શુભભાવ–અશુભભાવની માફક ક્ષણિક છે, ઉત્પન્ન ધ્વંસી છે, વિકારી છે. તે બન્ને
મોહરાજાની ફોજના સરદારો છે. શુભ તે મોહરાજાની કઢી છે અને તે Supercially [ઉપલકદ્રષ્ટિએ] મીઠી
મધુરી લાગે છે. માટે પુણ્યના હિમાયતીએ પ્રથમ તેનું યથાર્થ સ્વરૂપ સમજી લેવું જોઈએ. વખત થયો છે માટે
આપણે છુટા પડીએ.
[બન્ને છુટાં પડ્યાં]
પ્રસંગ ચોથો : – પુણ્યનું સ્વરૂપ
પહેલો મિત્ર–પુણ્યનું સ્વરૂપ તો નાનું છોકરૂંએ સમજે છે, તેમાં સમજવા જેવું શું છે?
બીજો મિત્ર–ત્યારે નાનું છોકરૂં શી રીતે સમજે છે તે કહો.
પહેલો મિત્ર–કોઈ જીવનો પ્રાણઘાત કરવો તે પાપ, અસત્ય બોલવું તે પાપ, ચોરી કરવી તે પાપ–
અબ્રહ્મચર્ય તે પાપ, પરિગ્રહી થવું તે પાપ, કોઈ જીવને દુઃખી દેખી દાન દેવું, સેવા કરવી, બચાવવો, અન્ન પાણી
દેવા એ વિગેરે પુણ્ય.
બીજો મિત્ર–ઠીક છે. આ અભિપ્રાય બરાબર છે કે કેમ એ આપણે વિચારીએ. પણ તે વિચારતાં પહેલાંં એ
જાણવાની જરૂર છે કે આ માન્યતા બાળકની જ છે કે મોટાઓની પણ છે?
પહેલો મિત્ર– મોટાની પણ તે જ માન્યતા છે. તેમાં ફેર એટલો છે કે મોટા જોરશોરથી એ માન્યતાની
ઘોષણા કરે છે–તેનું અનુકરણ કરવા બીજાને પ્રેરે છે અને તેમની લાગવગથી કે ઉપદેશથી લોકો દાન દીએ છે
એમ પણ દેખાય છે–
બીજો મિત્ર–ત્યારે કહો કે–એક માણસને મારવા કોઈએ બંદુક મારી. પણ જે માણસને મારવો હતો તે
બચી ગયો. તો બંદુક ફોડનારને પાપ ખરું કે કેમ?
પહેલો મિત્ર–હા. પાપ તો ખરું.
બીજો મિત્ર–શા માટે? માણસ મરી તો નથી ગયો તો પાપ શા માટે?
પહેલો મિત્ર–મારી નાંખવાનો ભાવ હતો માટે.
બીજો મિત્ર–તમારા પોતાના જવાબથી તો એમ નક્કી થયું કે–
જીવને મારી નાંખવાનો ભાવ કર્યો
તેથી પાપ થયું–નહીં કે સામો જીવ જીવ્યો કે મર્યો તેથી? જીવ મરે કે ન મરે તે સાથે પાપની ઉત્પત્તિને
સંબંધ નથી. પાપ તો જીવમાં થાય છે. માટે જીવનો તીવ્ર (આકરો) કષાયભાવ તે પાપ છે. હિંસા તો–પોતાના
ભાવ ઉપરથી જણાય એમ નકી થયું.
પહેલો મિત્ર–પણ તમે તો જીવ બચ્યો તેનો દાખલો દીધો. જીવ મરે તેનો લીઓને!
બીજો મિત્ર–ભલે, તેવો લઈએ. એક માણસ દુઃખી છે, તેને ભૂખ લાગી છે, અને ભૂખ ટાળવા તમે તદ્ન હલકું,
પચે તેવું, સાદું જમવાનું આપ્યું. પણ તે તેને ન પચ્યું, વિપરીત થયું, અને તે કારણે મરી ગયો–કહો તમોને પુણ્ય કે પાપ?
પહેલો મિત્ર–એ તો પુણ્ય છે, એમાં પાપ કેમ કહી શકાય. જમવાનું આપનારનો ભાવ તો તેને સગવડ
આપવાનો હતો–માટે પુણ્ય કહેવાય.
બીજો મિત્ર–ત્યારે માણસ જેવું પ્રાણી મરી ગયું તે કેને ખાતે માંડશો?
પહેલો મિત્ર–વિચારતાં તો એમ માલુમ પડે છે કે પ્રાણી જીવે કે મરે તે સાથે પુણ્ય–પાપને સંબંધ નથી.
પોતાના ભાવની સાથે સંબંધ છે. અને તે જ નિયમ–સત્ય અસત્ય, વિગેરેને લાગુ પડે છે.
બીજો મિત્ર–ઠીક ત્યારે કહો છે–છોકરૂં પણ પુણ્ય સ્વરૂપ સમજે છે એમ તમે કહેતા હતા તે ખરૂં છે?
પહેલો મિત્ર–તે માન્યતા સાચી નથી. જીવ શુભભાવ કરે (પછી સામા પ્રાણીને લાભનુકસાન ગમે તે
થાય) તો પુણ્ય અને અશુભ ભાવ કરે (પછી સામા પ્રાણીને લાભ નુકસાન થાય, ગમે તે થાય) તો પાપ ગણાય.
બીજો મિત્ર–તમારી વાત બરાબર છે. પણ સવાલ ઉઠે છે, કે
જૈન કોણ?
૧ રાગદ્વેષ ઉપર જીત મેળવી, સ્વરૂપને મેળવનાર તે જૈન.
૨ જૈન એટલે વીતરાગતાની મૂર્તિ.
૩ પોતાના ગુણના જોર વડે જે અવગુણને જીતે
[નાશ કરે] તે જૈન.
૪ જૈન એટલે મોક્ષનો અભિલાષી.
પ જૈન એટલે વીતરાગતાનો સેવક.

PDF/HTML Page 10 of 17
single page version

background image
૨૦૦૦ : શ્રાવણ : આત્મધર્મ : ૧૫૩ :
શુભભાવ કરતાં–પાપનો પણ બંધ થાય, એમાં નવાઈ જેવું તમને લાગે છે?
પહેલો મિત્ર–લાગે છે ખરૂં માટે એ બાબતની ચોખવટની જરૂરિયાત છે. આપણે હવે પછી તે ચર્ચીશું.
બીજો મિત્ર–સારું.
(બન્ને જુદા પડે છે.)
પાંચમો પ્રસંગ : – શુભ ભાવ કરતાં પાપ બંધ થાય છે. તેનું કારણ?
પહેલો મિત્ર–શુભભાવ કરતાં પાપનો બંધ પણ કેમ થાય છે?
બીજો મિત્ર–આપણે બે પ્રકારના જીવો આ સંબંધમાં વિચાર કરતાં લઈશું. (૧) આત્મ સ્વરુપથી અજાણ
(૨) આત્મસ્વરૂપના જાણ–સાધક જીવ.
તેમાં પ્રથમ–આત્મ સ્વરૂપથી અજાણનું પહેલું જાણવું લાભ દાયક છે.
પહેલો મિત્ર–બરાબર છે. આત્મ સ્વરૂપથી અજાણને પહેલું લેવું તે વ્યાજબી છે.
બીજો મિત્ર–જુઓ–તે તો એમ માને છે કે–(૧) હું પર જીવને મારી નાંખી શકું (૨) પર જીવને જીવાડી
(બચાવી) શકું (૩) પર જીવને દુઃખ દઈ શકું (૪) પર જીવને સુખ દઈ શકું કેમ એમ તે માને છે કે કેમ?
પહેલો મિત્ર–હા–બીજાને મારી નાંખી શકું. બીજાને દુઃખ દઈ શકું એમ માને છે–અને તેવા કૃત્યને લોકો પાપ
કહે છે, અને બીજાને જીવાડી શકું, બીજાને સુખ દઈ શકું એમ તે માને છે. અને તેવા કૃત્યને લોકો પુણ્ય કહે છે.
બીજો મિત્ર–તેની માન્યતા બાળકની છે કે મોટાની છે.
પહેલો મિત્ર–નાના મોટા લગભગ ઘણાની છે.
બીજો મિત્ર–એક આપણે મહાસભા બોલાવીએ અને પછી ઉપર પ્રમાણે આપણે પુણ્ય–પાપની વ્યાખ્યા
તેમની પાસે મૂકીએ તો તે ઠરાવ પસાર થાય કે કેમ?
પહેલો મિત્ર–જરૂર પસાર થાય.
બીજો મિત્ર–તેથી વિરુદ્ધ કોઈ મહાસભામાં–કહે કે જુઓ ભાઈ જે ઠરાવ તમે પસાર કરવા માગો છો તે
ભૂલ ભરેલો છે. કોઈ કોઈને મારી જીવાડી શકે નહીં. સુખદુઃખ થઈ શકે નહીં તો તેના કથનની શું વલ્લે થાય?
પહેલો મિત્ર–અરે આગેવાનો મહા ફડહડાટ કરી મૂકે અને કહે કે–અરે આવું કહેવાથી તો સમાજને મહા
નુકસાન થાય. ભગવાન મહાવીરે કહ્યું તેને આ લોપે છે. વિગેરે કહી લાંબા ભાષણો કરે. ધર્મનો લોપ થવા બેઠો
છે વિગેરે મતલબે કહે એમ મને લાગે છે.
બીજો મિત્ર–ભાઈ જુઓ! તે માન્યતા ભૂલ ભરેલી છે, એ તમને આગળ કંઈક કહ્યું હતું. હવે આપણે
વળી વધારી ચર્ચીએ. જીજ્ઞાસુ બુદ્ધિથી–ખુલ્લા દિલથી–ચર્ચવાથી સત્ય–અસત્યની ખબર પડે છે. માટે તમને પુછું
છું કે:– જુઓ નીચે મુજબ બને છે.
(૧) એક ડોકટર–દરદીને સાજો કરવા માટે, તેનાથી બની શકે તેટલી બધી કાળજી રાખી તેનું દુઃખ દૂર
કરવાના હેતુથી OPERATION (ઓપરેશન) કરે છે, પણ દરદી ટેબલ ઉપર જ મરી જાય છે?
(૨) એક માણસ બીજા માણસને મારી નાખવાના હેતુથી ઝેર આપે છે, અને બીજો માણસ તે ઝેર ખાય
છે તેને પરિણામે તે મરતો નથી, પણ તેને લાંબા વખતનું કાંઈ દરદ હોય તે તેનાથી મટી જાય તેમ બને છે?
(૩) એક માણસ સુખી થશે એમ માનીને તે બીજા માણસને તે ચીજ આપે છે, પણ તે ચીજ તે માણસને
આપતાં તે તેને ગમે નહીં, અને સુખને બદલે દુઃખ થાય?
(૪) એક પિતા પુત્રને શિખામણ પુત્રના ભલા માટે આપે કે ભાઈ–આપણે અસત્ય બોલવું, ચોરી
કરવી, જુગાર રમવો વિગેરે સારું નહીં છતાં તે પુત્ર ન માને એમ બને કે કેમ? અને તેને સુખ થવા માટે
આપેલી શિખામણ તેને અરુચિકર લાગે કે કેમ?
(૫) ગજસુકુમારને તેના સસરાએ માથા ઉપર જળહળ અગ્નિ તેને દુઃખ માટે મૂકી પણ તેમને
અજન કણ?
૧ અવગુણથી જેના ગુણ જીતાઈ જાય (ઢંકાઈ જાય) તે અજૈન.
૨ જે રાગ–દ્વેષને પોતાના માની રાખવા જેવા ગણે અને શરીરાદિ જડનો પોતાને કર્તા માને તે અજૈન.
૩ અજૈન એટલે જગત (વિકાર) નો સેવક.
૪ અજૈન એટલે સંસારમાં રખડવાનો કામી.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૫૪ : આત્મધર્મ ૨૦૦૦ : શ્રાવણ :
તો દુઃખ ન થતાં, સુખ થયું, મોક્ષ થયો, અવિનાશી કલ્યાણ થયું એ ખરૂં કે કેમ?
(૬) સ્કુલમાં શિક્ષક વિદ્યાર્થી ભણે, સુધરે, ભવિષ્યમાં સુખી થાય તે હેતુથી તેનાથી તેના પાઠો બરાબર
તૈયાર કરવા કહે, અને તે વિદ્યાર્થી તેમ ન કરે, અને શિક્ષકને ખરાબ કહે એ બને કે કેમ?
(૭) ભગવાનો (જ્ઞાનીઓ) આ જગતમાં અનંતા થયા, તેઓએ જગતના કલ્યાણ માટે ઉપદેશ આપ્યો,
પણ તેમના સાંભળનારા બધાઓ જ્ઞાની થયા નહીં. જગતના મોટા ભાગે સુધરવાની ના પાડી, અને કેટલાકોએ
તેમની ધર્મ સભામાંથી બહાર નીકળી મોટો વિરોધ કર્યો. એમ બને છે કે કેમ?
(૮) આ જીવ પોતે અનંત વખત તીર્થંકર ભગવાનોની ધર્મ સભામાં ગયો. ભગવાનનો કલ્યાણકારી
ઉપદેશ કાને પડ્યો, પણ મોટી ઉંધાઈ કરી તે ઉપદેશને નકાર્યો, અને કેવળી પાસે કોરો રહી ગયો. એમ બન્યાનું
તમે સાંભળ્‌યું છે કે કેમ?
(૯) એક માણસ બીજા માણસ ને મારવા ગયો. ત્યાં તે જેને મારવો તે ન મર્યો, અને બીજા માણસ
એકદમ આડો આવી ગયો અને મરી ગયો, એમ બને છે કે કેમ?
(૧૦) આ સાલમાં જ બંગાળામાં અનાજની અછત એટલી થઈ પડી કે કરુણા બુદ્ધિ જીવો અનાજ પોતાથી
બને તેટલા ને પુરું પાડવા માગતા હતાં, છતાં તેમની ધારણા પ્રમાણે પુરું ન પડ્યું, એમ બન્યું હતું કે કેમ?
પહેલો મિત્ર–આ બધાં દ્રષ્ટાંતો મેં વિચાર્યા. તે ખરાં છે, તે ઉપરથી નીચેના સિદ્ધાંતો નીકળે છે.
૧ જીવ પોતે શુદ્ધ, શુભ કે અશુભ ભાવ કરી શકે દ્રષ્ટાંતોનો વિભાગ નીચે પ્રમાણે થઈ શકે:–
શુદ્ધ શુભ અશુભ
૧–૩–૪
૨–૫–૯
૭–૮ ૬–૧૦
૨ પરવસ્તુનું પરિણમન (અવસ્થા) આ જીવને આધિન નથી.
૩ જે જીવતા રહ્યા તેનું શરીર અને જીવ તે વખતે નોખા પડવા લાયક ન હોતા.
૪ જે મરણ પામ્યા તેનું શરીર અને જીવ તે વખતે નોખા લાયક હતા.
૫ પર ઉપર કોઈનો અધિકાર ચાલતો નથી તેથી પિતા–પુત્રને, શિક્ષક– વિદ્યાર્થીને કે તીર્થંકર કેવળી કોઈ
બીજાનું કાંઈ કરી શકતા નથી, પણ પોતે પોતાની અંદર પોતાના ભાવનો પોતે પુરુષાર્થ કરી શકે છે.
બીજો મિત્ર–ત્યારે કહો કે પરનું બીજો કોઈ ભલું–ભુંડું કરી શકે એ માન્યતા ખરી છે?
પહેલો મિત્ર–જરા પણ નહીં લોકમાં ચાલતી માન્યતા કે હું પરનું કાંઈ કરી શકું તે ખોટી છે અંગ્રેજીમાં
પણ કહેવત છે કે:– Man Proposes, God disposes મનુષ્ય ભાવના કરે, કુદરતના કાયદાને અનુસરીને થવું
હોય તેમ થાય (અહીં GOD નો અર્થ ‘પદાર્થોના નિયમ’ એમ લેવો)
બીજો મિત્ર–તે ખોટી માન્યતાને મિથ્યાદર્શન કહેવામાં આવે છે, કહો તે પાપ ખરૂં કે કેમ? પહેલો મિત્ર–
જરૂર તે પાપ છે.
બીજો મિત્ર–કહો ત્યારે પુણ્યની જે માન્યતા લોકિકમાં છે તે માન્યતાપૂર્વક થતા શુભભાવમાં આ ખોટી
માન્યતાનું પાપ સાથે આવ્યું કે નહીં?
પહેલો મિત્ર–આવ્યું, અને તે પુણ્યના સાચા હિમાયતીએ ટાળવું જ જોઈએ.
બીજો મિત્ર–પણ તે મહાપાપ શા માટે તેનો નિર્ણય કર્યો છે.
પહેલો મિત્ર–ના–વખત ઘણો થયો છે. તેથી હવે ફરી મળીશું ત્યારે વિચારશું–
બીજો મિત્ર–બહુ સારું.
(બંને મિત્રો જુદા પડ્યા.)
સુખ એટલે શું?
આત્માનું સ્વાસ્થ્ય એજ સુખ. સ્વાસ્થ્ય એટલે–આત્માનુંઃલક્ષ પરમાં ન જવું અને પોતામાં ટકી રહેવું–તે
સુખ છે. સુખનું લક્ષણ (નિશાની) આકુળતા રહિતપણું છે પોતાના સુખસ્વરૂપનું ભાન એજ સુખ છે.
સુખસ્વરૂપના ભાન વિના કોઈ કાળે કોઈ ક્ષેત્રે કોઈને પણ સુખ હોઈ શકે નહીં.
દુઃખ એટલે શું?
પોતામાં પોતાનું સુખ છે તે ભૂલીને પરવસ્તુમાં પોતાની સુખબુદ્ધિ એ જ દુઃખ છે. આત્માને પોતાના સુખ
માટે પર વસ્તુની ઈચ્છા એ જ દુઃખ છે.
આત્મા પોતાના દુઃખ રહિત સુખ સ્વરૂપને જાણતો નથી એટલે પોતાનું સુખ પરથી (પરના આધારે)
માને છે તે માન્યતા જ દુઃખનું કારણ છે.

PDF/HTML Page 12 of 17
single page version

background image
૨૦૦૦: શ્રાવણ: આત્મધર્મ : ૧૫૫ :
પરના કર્તૃત્વના મહાઅહંકારરૂપ અજ્ઞાનાંધકાર એવો જે અજ્ઞાનીનો પ્રતિભાસ તે
‘વ્યવહર’
પ્રશ્ન:– શાસ્ત્રોમાં ‘વ્યવહાર’ શબ્દ ઘણે ઠેકાણે વાપરવામાં આવે છે તેનો અર્થ શું છે?
ઉત્તર:– ‘વ્યવહાર’ શબ્દના ઘણા અર્થ થાય છે; તેમાં ‘અજ્ઞાનીની પરના કર્તૃત્ત્વની ખોટી માન્યતા
(પ્રતિભાસ) તે વ્યવહાર’ એવો એક અર્થ થાય છે.
પ્રશ્ન:– વ્યવહારનો જે અર્થ કર્યો તે બરાબર સમજાય તે માટે વિશેષ સ્પષ્ટ કરો.
ઉત્તર:– ખરેખર જીવની પ્રવૃત્તિ (ક્રિયા) અને જડ પદાર્થોની પ્રવૃત્તિ (ક્રિયા) ભિન્ન–તદ્ન જુદી છે; પણ
જીવ સાચું જ્ઞાન પ્રગટ ન કરે ત્યાં સુધી તે સ્થુળ દ્રષ્ટિથી જુએ છે અને તેથી તેમની પ્રવૃત્તિ જુદી જુદી હોવા છતાં
એક જેવી દેખાય છે. અજ્ઞાન દશામાં જીવને જીવ અને જડ પદાર્થોનું ભેદજ્ઞાન [સાચું જ્ઞાન] નહિ હોવાથી
ઉપલક દ્રષ્ટિએ ઉપરછલું જેવું દેખાય તેવું (ઊંડો વિચાર કર્યા વગર) તે માની લે છે, અને તેથી તે એમ માને છે
કે જીવ જડકર્મને કરે છે અને ભોગવે છે; શ્રીગુરુ ભેદજ્ઞાન કરાવી જીવનું સાચું સ્વરૂપ બતાવીને અજ્ઞાનીના એ
પ્રતિભાસને “વ્યવહાર” કહે છે.
પ્રશ્ન:– અજ્ઞાન દશામાં જીવ કર્તાપણાના સંબંધમાં શું અને કયારથી માને છે?
ઉત્તર:– આ જગતમાં અજ્ઞાન દશામાં જીવોનો “પરદ્રવ્યને અથવા તેની અવસ્થાને હું કરૂં છું.” એવા
પરદ્રવ્યના કર્તૃત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર (કે જે અત્યંત અનંત પુરુષાર્થથી ટાળી શકાય છે તે)
અનાદિ સંસારથી ચાલ્યો આવે છે.
પ્રશ્ન:– એક વસ્તુ (જીવ) પર વસ્તુ (જડ) નું કાંઈ કેમ ન કરી શકે? એ સમજાવો.
ઉત્તર:– દરેક વસ્તુ પોતાથી પોતાના વસ્તુપણે (દ્રવ્યે), પોતાથી પોતાના પ્રદેશપણે (ક્ષેત્રે–આકારે,)
પોતાથી પોતાની અવસ્થાપણે (કાળે), અને પોતે પોતાથી પોતાના ગુણપણે (ભાવે) છે; અને તે વસ્તુ
પરવસ્તુના દ્રવ્યે–ક્ષેત્રે–કાળે અને ભાવે નથી. હવે જે એક વસ્તુ બીજી વસ્તુમાં દ્રવ્યે–ક્ષેત્રે–કાળે અને ભાવે નથી તે
બીજાને શું કરી શકે? કાંઈ જ ન કરી શકે એ સ્પષ્ટ છે.
જે જે વસ્તુઓ છે તે તે સર્વથા ભિન્ન જ છે, પ્રદેશભેદવાળી જ છે. બન્નેના ક્ષેત્રો ભિન્ન જ રહે છે. આ
પ્રમાણે સ્વક્ષેત્રે દરેક દ્રવ્ય ત્રિકાળી ભિન્ન છે તેથી, તથા સ્વદ્રવ્યે દરેક દ્રવ્ય ત્રિકાળી ભિન્ન છે તેથી, તથા સ્વકાળે
દરેક દ્રવ્ય ત્રિકાળી ભિન્ન છે તેથી, તથા સ્વભાવે દરેક દ્રવ્ય ત્રિકાળી ભિન્ન છે તેથી કોઈ દ્રવ્ય–કોઈ ગુણ કે કોઈ
પર્યાય પરનું કાંઈ કરી શકે નહીં.
પ્રશ્ન:– ત્યારે જીવ પરદ્રવ્યનું કાંઈ કરી શકે એમ માનવું તે મહાઅહંકાર છે?
ઉત્તર:– હા, તેમ જ છે. પોતે પરનું કાંઈ કરી શકતો નથી છતાં કરું છું એમ માને છે તેથી તેને ‘અહંકાર’
કહેવામાં આવે છે, અને તે ખોટી માન્યતા અનંત સંસારનું [દુઃખનું] કારણ છે, અને તેને ટાળવા માટે અનંત
પુરુષાર્થની જરૂર છે તેથી તેને ‘મહા’ કહેવામાં આવે છે.
પ્રશ્ન:– આ મહા અહંકારને અજ્ઞાન અંધકાર કેમ કહેવામાં આવે છે?
ઉત્તર:– કારણ કે પોતે પોતાનું સાચું જ્ઞાન કર્યું નહીં અને મહાન ભૂલ કરી તેથી તેને મહા અહંકારરૂપ
અજ્ઞાન અંધકાર કહેવામાં આવે છે.
પ્રશ્ન:– ત્યારે તો એમ થયું કે મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકારને અજ્ઞાનીનો પ્રતિભાસ અને તે પ્રતિભાસને
‘વ્યવહાર’ કહેવામાં આવે છે એમ ઠર્યું–એ ખરૂં?
ઉત્તર:– હા, તેમ જ છે.
પ્રશ્ન:– આ બાબતમાં જે શાસ્ત્રાધાર હોય તે જણાવો!
ઉત્તર:– હા, શાસ્ત્રાધાર છે. શ્રી સમયસારની ગાથા ૮૪ થી ૮૬ તેની ટીકા ભાવાર્થ અને કલશ ૫૧ થી
૫૬ (પાનાં–૧૨૩ થી ૧૨૮ સુધી) વાંચીને વિચારવાથી વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે સમજી શકાશે.
પ્રશ્ન:– આ મહા અહંકારને ટાળવાનો ઉપાય શું છે?
ઉત્તર:– આ મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર તે અજ્ઞાનીનો પ્રતિભાસ છે, તેથી તેને વ્યવહાર કહેવામાં
આવે છે. માટે વ્યવહારને જેમ છે તેમ જાણી તેનો આશ્રય છોડવાથી અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે
નહીં એમ નક્કી કરી પોતાના ત્રિકાળી ધુ્રવ સ્વભાવનો આશ્રય લેવાથી

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૫૬ : આત્મધર્મ ૨૦૦૦ : શ્રાવણ :
તે મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર ટળી શકે છે.
પ્રશ્ન:– ઉપર જે ઉપાય બતાવ્યો તેને શાસ્ત્રની પરિભાષામાં શું કહે છે?
ઉત્તર:– પરમાર્થ
[સત્યાર્થ–ભૂતાર્થ–નિશ્ચયનય] ના ગ્રહણથી તે અજ્ઞાનાંધકાર ટળી જાય છે એમ
શાસ્ત્રપરિભાષામાં કહેવામાં આવે છે.
પ્રશ્ન:– આ બાબતમાં જે આધાર હોય તે જણાવો!
ઉત્તર:– શ્રી સમયસાર ગાથા ૧૧ ટીકા–ભાવાર્થ તથા કલશ પપ તેના અર્થ–ભાવાર્થ અને “સંજીવની”
નામનું પ્રસિદ્ધ થયેલું પુસ્તક. તે આ બાબતના આધારો છે.
પ્રશ્ન:– આ મહા અહંકાર ટાળવા અનંત પુરુષાર્થ જોઈએ એમ કેમ કહો છો?
ઉત્તર:– “જીવ પરનું કાંઈ કરી શકે નહીં” એમ પ્રથમ સાંભળતાં જ જીવ આભો બની જાય છે, અને “તે
મારે માટે નહીં, હાલ નહીં, એ તો ઊંચી દશાવાળા માટે અને કેવળી માટે છે” એ વિગેરે ખોટી કલ્નાઓ કરી તે
તરફ રુચિ કરતો નથી, પણ અરુચિ કરે છે જેથી તે ટાળવા માટે અનંત પુરુષાર્થની જરૂર છે, એમ કહ્યું છે.
જીવે અનાદિકાળથી “પર દ્રવ્યોને અને તેના ભાવોને (અવસ્થાને) હું કરી શકું” એવો ભ્રમ ગ્રહણ કર્યો
છે, અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે. શ્રીગુરુ પરભાવનો વિવેક [ભેદજ્ઞાન] કરી તેને વારંવાર કહે છે કે
“તું આત્મસ્વરૂપ છો! તું પરનું કાંઈ કરી શકે નહીં; માટે શીઘ્ર જાગ! સાવધાન થા! ”
કંટાળો લાવ્યા વગર આ કથન જો જીવ વારંવાર સાંભળે, અને તેની સારી રીતે પરીક્ષા કરી સાચું જ્ઞાન
કરે તો અજ્ઞાન ટળે છે, તેથી આ સમજવાને માટે અનંત પુરુષાર્થની જરૂર છે એ સિદ્ધ થાય છે. જે આવો પુરુષાર્થ
કરે તે જાણી શકે છે કે જીવ પુદ્ગલકર્મનો કર્તા થઈ શકે નહીં. છતાં અજ્ઞાની તેમ માને છે એ બતાવવા શાસ્ત્રમાં
જીવને અસદ્–ભૂત (ખોટા) વ્યવહારનયે કર્મનો કર્તા કહ્યો છે, પણ સદ્ભુત (સાચા) વ્યવહારનયે તે જીવ
પોતાના શુદ્ધ ભાવોનો જ કર્તા છે.
– : ભેદસંવેદન : –
૧ અજ્ઞાનીની દશા.
ભેદસંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ અનાદિથી અજ્ઞાનને લીધે આત્માની બિડાઈ ગયેલી છે. તેથી પરને
અને પોતાને એકપણે તે જાણે છે. “હું ક્રોધ છું, હું પર દ્રવ્ય છું, હું પરદ્રવ્યની ક્રિયા કરી શકું છું, પરદ્રવ્ય મારું કરી
શકે છે.” ઈત્યાદિ ખોટા વિકલ્પો (કલ્પિત તરંગો) કર્યા કરે છે. પુદ્ગલ કર્મના અને પોતાના સ્વાદનું
ભેળસેળપણું કલ્પી, તેનો એકરૂપ તે અનુભવ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિધાનધન
સ્વભાવથી તે અનાદિથી ભ્રષ્ટ થયો છે. તે કારણે વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમે છે, અને પોતાને, પરનો
અને પરભાવનો (ક્રોધાદિનો) કર્તા પ્રતિભાસે છે.
૨ જ્ઞાનીની દશા
ભેદ સંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ જ્ઞાનીને ઉઘડી ગઈ હોય છે. આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે
જ્ઞાનની આદિથી માંડીને પુદ્ગલ કર્મ અને પોતાનો ભિન્નભિન્નપણે અનુભવ કરે છે, અને એકરૂપે અનુભવ
કરતો નથી. બંનેના પૃથક પૃથક સ્વાદનું સ્વાદન (અનુભવન) તેને હોય છે, તેથી તે જાણે છે કે:–“અનાદિનિધન,
નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ (ભિન્ન) અત્યંત મધુર જે ચૈતન્યરસ તેજ એક જેનો
રસ છે એવો હું આત્મા છું” વળી તે જાણે છે કે “કષાયો મારાથી ભિન્ન રસવાળા [કષાયલા–બે સ્વાદ] છે,
તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાન છે.”
આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જ્ઞાની જાણે છે; તેથી અકૃત્રિમ (નિત્ય) એક જ્ઞાન જ હું છું; પરંતુ
કૃત્રિમ (અનિત્ય) અનેક જે ક્રોધાદિક તે હું નથી એમ જાણતો થકો “હું ક્રોધ છું” ઈત્યાદિ આત્મવિકલ્પ જરાપણ
કરતો નથી; તેથી સમસ્ત કર્તૃત્વને પ્રથમદ્રષ્ટિમાં છોડી દે છે અને ક્રમેક્રમે ચારિત્રમાં છોડી દે છે.
એ રીતે સદાય ઉદાસિન અવસ્થાવાળો થઈને માત્ર જાણ્યા જ કરે છે, અને તેથી નિર્વિકલ્પ; અકૃત્રિમ,
એક વિજ્ઞાનધન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.
જ્ઞાનીની ઉપર કહી તેવી દશા અવિરત સમ્યગ્દ્રષ્ટિથી શરૂ થાય છે.

PDF/HTML Page 14 of 17
single page version

background image
૨૦૦૦: શ્રાવણ: આત્મધર્મ : ૧૫૭:
શાશ્વત સુખના ઈચ્છનારે આ પરીક્ષામાં પાસ થવું જોઈશે.
સાચી પરીક્ષા
[શ્રી સનાતન જૈન શિક્ષણ વર્ગ સોનગઢ, તા. ૩૧–૫–૪૪ ના રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
અને તેના શ્રી ન્યાલચંદ લક્ષ્મીચંદ મૂળી વાળાએ આપેલા ઉત્તર નીચે પ્રમાણે છે. સમય ૯–૧૫ થી ૧૧–૦ સુધીનો
હતો, પેપર ૫૦ માર્કસનો હતો. ભાઈશ્રી ન્યાલચંદે સંપૂર્ણ સાચા જવાબો લખી પૂરા પચાસ માર્કસ મેળવ્યા
હતા.
]
સમય: સવારના ૯–૧૫ થી ૧૧ તા. (૩૧–૫–૪૪)
પ્ર. ૧. (ક) વ્હેલા ઉઠીને સ્મરણ કરવા યોગ્ય એવું કોઈ પણ સ્તુતિનું એક પદ લખો.
(ખ) આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે એવા આશયનો એક શ્લોક અર્થ સહિત લખો.
(ગ) આત્મા નિત્ય છે તેની સિદ્ધિ કરો.
(ઘ) શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના આધારે નિજજ્ઞાન પ્રગટાવની રીત લખો.
પ્ર. ૨. નીચેના પ્રશ્નોમાંથી ગમે તે ચારના જવાબ લખો.
(૧) પર્યાય એટલે શું? વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય એટલે શું? તે દાખલા સહિત સમજાવો.
(૨) સામાન્ય ગુણ કોને કહે છે? મુખ્ય સામાન્ય ગુણો કેટલા છે? તેના નામ લખો.
(૩) જ્ઞાનના અને દર્શનના ભેદ કેટલા છે? તેના નામ આપો.
(૪) કયા ગુણને લીધે પોતાનો આત્મા પોતાને જણાય. વસ્તુમાં એવો ક્યો ગુણ છે કે જેથી એક ગુણ
બીજા ગુણ રૂપે થતો નથી?
(પ) નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:–
પરમાણુ, પ્રદેશ, ચારિત્ર.
(૬) સદ્ગુરુ કયા લક્ષણે ઓળખાય?
પ્ર. ૩. નીચેમાંથી ગમે તે ચારના જવાબ આપો.
(૧) પંચ પરમેષ્ટીમાં દેવ કેટલા છે? તે દેવનું લક્ષણ શું? લોકો સાચું સુખ પામે તે માટે તીર્થંકર દેવને
ઉપદેશ આપવાની ઈચ્છા હોય કે નહિ?
(૨) વ્યવહાર નયથી ગતિ કેટલી છે? લોકોના હિત માટે સિદ્ધ ભગવાન અવતાર લે કે નહિ તે
સમજાવો. મોક્ષમાં બધા આત્મા એક થઈ જાય કે નહિ?
(૩) ‘અભાવ’ કોને કહે છે તે પુદ્ગલ અને જીવનો દાખલો આપી સમજાવો. જીવ એક છે કે અનંત છે?
સિદ્ધ જીવો કેટલા હશે?
(૪) અરૂપી કોને કહેવાય? જીવ અરૂપી છે કે રૂપી? રંગ વગરના પદાર્થને આકાર હોય કે નહિ? જીવ
નિરાકાર છે એટલે શું?
(પ) જીવ અને અજીવ શાથી ઓળખાય? અજીવ અને પુદ્ગલમાં શો તફાવત છે?
પ્ર. ૪. નીચેમાંથી ગમે તે છ વાક્યો ખાલી જગ્યા પૂરી ફરીથી લખો.
(૧) વ્યવહાર નયથી આત્મા.......નો કર્તા છે. અને અશુદ્ધ નિશ્ચયથી.......નો કર્તા છે.
(૨) શુભ અને અશુભ પરિણામને....મોક્ષ થાય છે. (૩).......... આત્માની શ્રધ્ધા તે સમ્યકત્વ છે.
(૪) પરમાર્થે............જીવ અસંગ છે.
(પ) જે જીવ........ને જીનનું વર્ણન સમજે અને........ના જ્ઞાનને શ્રુતજ્ઞાન સમજે તે જીવ.......કહેવાય.
(૬) સુખગુણ...............દ્રવ્યનો છે.
(૭) ............પરિણામ તે મોક્ષનું કારણ છે.
(૮) ............પ્રેરે તે વ્યવહાર સમંત કરવો યોગ્ય છે.
ઉત્તર–૧ (ક)
मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी। मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्।।
મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમો ગણી; મંગલં કુન્દકુન્દાર્યો, જૈનધર્મોસ્તુ મંગલં
(ખ) आत्माज्ञानं स्वयंज्ञानं ज्ञानादन्यतकरोतिकिम्। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।
આત્માજ્ઞાનં સ્વયંજ્ઞાનં, જ્ઞાનાત અન્યત કરોતિ કિં. પરભાવસ્ય કર્તાત્મા મોહો અયં વ્યવહારિણાં.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૫૮ : આત્મધર્મ ૨૦૦૦ : શ્રાવણ :
અર્થ:– આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ જ્ઞાન છે તે જ્ઞાન સિવાય બીજું શું કરી શકે? પરભાવોનો કર્તા
આત્મા છે એમ માનવું [અગર કહેવું] તે વ્યવહારી [અજ્ઞાની] લોકોનો મોહભાવ–મૂઢભાવ છે.
(ગ) આત્માની સાથે જે દેહ રહેલો છે તે એક સ્થાને ભેગો છે વળી તે જડ છે, એટલે કે એમાં જાણવાની
શક્તિ નથી. તે રૂપી છે અને દેખાય એવો છે તે તો સંયોગે કરીને ઉત્પન્ન થએલો છે, તો ચેતન એટલે કે આત્મા
ઉત્પન્ન થાય છે અગર નાશ થાય છે એ કોણ જાણે છે? અને અમુક વસ્તુ નાશ થઈ, આ દેહ નાશ થયો, અગર
ઉત્પન્ન થયો એવું જ્ઞાન કરવાવાળો આત્મા તે દેહથી જુદાં વિના જ્ઞાન થાય નહિ, અને જગતની અંદર જે જે
સંયોગો થાય છે, તે આત્માના અનુભવમાં આવવા યોગ્ય છે, એમાં એક પણ સંયોગ એવો નથી કે જેથી આત્માની
ઉત્પત્તિ થાય માટે તે નિત્ય છે. વળી જડ વસ્તુમાંથી ચૈતન્ય પદાર્થની ઉત્પત્તિ થઈ અગર ચૈતન્યમાંથી જડ પદાર્થની
ઉત્પત્તિ થઈ એવો અનુભવ કોઈને કોઈપણ કાળે થતો નથી. આત્માની ઉત્પત્તિ કોઈપણ સંયોગથી થઈ નથી માટે.
તેનો નાશ પણ કોઈ સંયોગોમાં થાય નહિ માટે આત્મા નિત્ય છે. સર્પ વગેરે પ્રાણીઓમાં ક્રોધ વગેરેનું ઓછા
વધતાપણું હોય છે, અને પૂર્વ જન્મના સંસ્કાર પ્રમાણે છે, માટે પૂર્વ જન્મ પણ હતો અને નિત્ય હતો માટે પૂર્વ જન્મ
હતો એટલે કે આત્મા નિત્ય છે, આત્મા દ્રવ્યપણે વસ્તુપણે નિત્ય ત્રિકાળ રહેવાવાળો છે, પરંતુ તેની પર્યાયો–
અવસ્થાઓ બદલ્યા કરે છે, કારણ બાળક યુવાન તથા વૃદ્ધાવસ્થાનું જ્ઞાન આત્માને છે. વળી પ્રથમ ગાથામાં શિષ્ય
સદ્ગુરુને વંદન કરે છે એમાં પણ કહે છે કે ‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત’ એટલે કે આત્મ સ્વરૂપ
સમજ્યા વિના હું ભૂતકાળે અનંત દુઃખ પામ્યો છું, એટલે પણ સિદ્ધ થાય છે કે તે નિત્ય છે. વળી કોઈ પણ વસ્તુનો–
પદાર્થનો તદન નાશ હોય જ નહિ માત્ર અવસ્થાંતર જ થાય છે. અને ચેતન એટલે કે આત્મા નાશ પામે તો તે કેમાં
ભળી જાય? એક પણ વસ્તુ એવી નહિ મળે કે જેમાં ચેતનનો નાશ થાય માટે આત્મા નિત્ય છે.
(ઘ) પોતાનું જ્ઞાન પ્રગટાવવા માટે આત્મામાં થતા ક્રોધ, માન, માયા, લોભને પાતળા પાડવા જોઈએ
અને માત્ર મોક્ષ સિવાય બીજી કોઈ પણ અભિલાષા હોવી જોઈએ નહિ, ભવ પ્રત્યે અનાસક્તિ એટલે વૈરાગ્ય
ઉત્પન્ન થવો જોઈએ અને સર્વપ્રાણી માત્ર (સ્વ તથા પર) પર દયા વસવી જોઈએ.
આવી પાત્રતા આવ્યા પછી પોતાની અંદર સદ્ગુરુદેવનો બોધ શોભી ઉઠે એટલે કે પરિણામ પામે અને
તે બોધને બહુ સારી અને સુખ દેવાવાળી વિચારણા ઉત્પન્ન થાય છે. અને જ્યાં એવી સારી વિચારણા ઉત્પન્ન
થાય ત્યાં પોતાનું એટલે કે આત્માનું સાચું જ્ઞાન ઉત્પન્ન થાય કે જે જ્ઞાનથી મોહનો નાશ કરી મોક્ષ પદ પમાય.
ઉત્તર–૨
(૧) જે સર્વ દ્રવ્યમાં વ્યાપે તેને સામાન્ય ગુણ કહે છે, પરંતુ તેમાં મુખ્ય છ છે.
અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુલઘુત્વ, પ્રમેયત્વ, અને પ્રદેશત્વ.
(૨) જ્ઞાનના ભેદ આઠ, દર્શનના ભેદ ચાર. જ્ઞાનના ભેદ:–કુમતિ, કુશ્રુત, કુઅવધિ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન,
અવધિજ્ઞાન, મનઃપર્યાયજ્ઞાન, કેવળજ્ઞાન.
દર્શનના ભેદ:–ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન.
(૩) પ્રમેયત્વ ગુણને લીધે પોતાનો આત્મા પોતાને જણાય. દરેક વસ્તુમાં અગુરુલઘુત્વ ગુણ છે એટલે
એક ગુણ બીજા ગુણ રૂપે ન થાય.
(૪) પુદ્ગલના નાનામાં નાનાં ભાગને પરમાણુ કહે છે (૧) આકાશના જેટલા ભાગને એક પુદ્ગલ
પરમાણુ રોકે તેટલા ભાગને પ્રદેશ કહે છે. (૨) બાહ્ય અને અભ્યંતર ક્રિયાના નિષેધથી પ્રગટતી આત્માની શુદ્ધિ
વિશેષને ચારિત્ર કહે છે. (૩)
ઉત્તર–૩
(૧) પંચ પરમેષ્ટીમાં દેવ બે. ૧ અરિહંત ૨ સિદ્ધ અને તેમનું લક્ષણ વીતરાગતા અને સર્વજ્ઞપણું છે.
લોકોને સાચું સુખ પામવા તીર્થંકરને ઉપદેશ દેવાની ઈચ્છા થાય નહીં, કારણ કે તે રાગ વિનાના છે. ઈચ્છાનો તો
તેમણે નાશ જ કર્યો છે.
(૨) વ્યવહાર નયથી ગતિ ચાર છે. ૧ દેવ ૨ મનુષ્ય ૩ તિર્યંચ ૪ નારકી
લોકોના હિત માટે સિદ્ધ ભગવાન અવતાર લે નહિ કારણ તે તો વીતરાગ છે. મોક્ષની અંદર બધા આત્મા
જુદા છે ક્યાંયેથી પણ એક ન થાય, કારણ કે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુત્વનો ગુણ રહેલો છે.

PDF/HTML Page 16 of 17
single page version

background image
૨૦૦૦: શ્રાવણ: આત્મધર્મ : ૧૫૯:
(૩) એક વસ્તુમાં બીજી વસ્તુના નહિ હોવાપણાને અભાવ કહે છે. જેમકે જીવમાં કર્મ નથી (પુદ્ગલ
નથી) એટલે જીવમાં પુદ્ગલનો અભાવ છે, અને પુદ્ગલમાં જીવનો અભાવ છે.
જીવ એક નથી, પરંતુ અનંતા અનંત જીવો છે. સિદ્ધ જીવો પણ અનંત છે.
(૪) જેમાં ચેતના હોય તે જીવ એટલે જીવ ચેતનાથી (જ્ઞાનથી) ઓળખાય. જેમાં જ્ઞાન ન હોય તે અજીવ.
પુદ્ગલ છે તે અજીવ છે, પરંતુ તેમાં વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ છે. જ્યારે પુદ્ગલ સિવાયના બીજા
અજીવોમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી.
ઉત્તર–૪
(૧) વ્યવહાર નયથી આત્મા કર્મનો કર્તા છે, અને અશુદ્ધ નિશ્ચય નયથી પોતાના વિકારી ભાવનો કર્તા છે.
(૨) શુભ અને અશુભ પરિણામને ટાળવાથી મોક્ષ થાય છે.
(૩) પોતાના શુદ્ધ આત્માની શ્રદ્ધા તે સમ્યકત્વ છે. (૪) પરમાર્થે સર્વ જીવ અસંગ છે.
(પ) સુખ ગુણ આત્મ દ્રવ્યનો છે.
(૬) પરમાર્થને પ્રેરે તે વ્યવહાર સમંત કરવા યોગ્ય છે.
(૭) શુદ્ધ પરિણામ તે મોક્ષનું કારણ છે.
(૮) જે જીવ સમવસરણને જિનનું વર્ણન સમજે, અને દેવ વગેરે ગતિઓનાં ભાગોના જ્ઞાનને શ્રુત જ્ઞાન
સમજે તે જીવ મતાર્થી કહેવાય.
મહાસાગરનાં મોતી (ગતાંકથી ચાલુ)
૨૭. કોઈ પર દ્રવ્યની અવસ્થા હું કરી શકતો નથી, તેવી માન્યતા કરે તો અનંતી શાંતિ આવી જાય.
૨૮. દ્રષ્ટિનો વિષય અભેદ–અબંધ–અખંડ દ્રવ્ય છે. તે પર્યાય વિકલ્પ કે નિમિત્તને સ્વીકારતી નથી.
૨૯. પંચ મહાવ્રતાદિના પાલનનો શુભભાવ પણ ચારિત્ર–વીતરાગ ભાવમાં ઝેર છે, કારણ કે તે અમૃત
આત્મામાં બાધક છે; મોક્ષમાં વિઘ્નરૂપ છે.
૩૦. સમ્યગ્દ્રષ્ટિનો ભવ બગડે નહિ ને ભવ વધે નહિ.
૩૧. વાણી પરનું પરિણમન છે, તેમ નહિ માનતાં હું બોલી શકું છું, એટલે કે પરનું પરિણમન મારાથી થય
છે એ જ મિથ્યાદર્શન શલ્ય–અનંતુ પાપ–છે. વાણી બોલવાના ભાવ જેવડો (વિકારી ભાવવાળો) જ હું છું એવી
માન્યતા થઈ એટલે અવિકારી શુદ્ધ સ્વભાવનો અનાદર થયો, એ જ અનંતી હિંસા છે.
(વિશેષ હવે પછી)
ભદ્રપદ
સુદ ૨ રવિ ૨૦ ઓગસ્ટ સુદ ૨ સોમ ૪ સપ્ટેમ્બર
,, ૫ બુધ ૨૩ ,, ,, પ ગુરુ ૭ ,,
,, ૮ રવિ ૨૭ ,, ,, ૮ રવિ ૧૧ ,,
૧૧ બુધ ૩૦ ,, ,, ૧૧ બુધ ૧૩ ,,
,, ૧૪ શુક્ર ૧ સપ્ટેમ્બર ,, ૧૪ શનિ ૧૬ ,,
,, ૧૫ શનિ ૨ ,, ,, ૦)) રવિ ૧૭ ,,
પ્રભાવના
શ્રી. જેઠાલાલ સંઘજી શાહ (બોટાદ) તરફથી રૂા. ૨૫૦/– [આત્મધર્મ માસિકની ૧૦૦ નકલ બાર
મહિના માટે સદ્ધર્મના પ્રચારાર્થે મોકલવા] મળ્‌યા છે. તેમજ શ્રી. ચંદુભાઈ શીવલાલ (અમદાવાદ)
તરફથી રૂા. ૧૨૫/– [આત્મધર્મ માસિકની ૫૦ નકલ બાર મહિના માટે મોકલવા] મળ્‌યા છે, જે
સાભાર સ્વીકાર્યા છે.
પર્યુષણ અંક આવતો અંક ‘પર્યુષણ’ અંક તરીકે પ્રગટ કરવાનું નક્કી થયું છે. અને આત્મધર્મનું પહેલું વર્ષ આસો મહિને પૂરું કરી બીજું વર્ષ કારતક મહિનાથી શરુ કરવાનું છે. એટલે ૧૦ અને ૧૧ અંક પર્યુષણ
ઉપર સાથે જ પ્રગટ થશે. અને બારમો અંક આસો સુદ બીજે પ્રગટ કરવામાં આવશે.
સુચના આત્મધર્મ અંગેનો તમામ પત્ર વ્યવહાર મોટા આંકડિયા જ કરવાનો છે. સરનામામાં ફેરફાર કે બીજી કોઈ ફરિયાદ કરતી વખતે ગ્રાહક નંબર અવશ્ય લખવો. ગ્રાહક નંબર વગરના એવા પત્રોનો
અમલ કરવામાં ખૂબ તકલિફ પડે છે.
સમાચાર શ્રી દ્રવ્યસંગ્રહ (ગુજરાતી) પ્રગટ થઈ ચૂકયું છે. કિંમત સ્થાનિક ૦–૭–૦ બહારગામ માટે ૦–૮–૩
રાખવામાં આવી છે.
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, દાસકુંજ, મોટા આંકડિયા કાઠિયાવાડ. તા. ૧૫–૭–૪૪
પ્રકાશક:– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ, મોટા આંકડિયા કાઠિયાવાડ.

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
૨૫
વત્થુ સહાવો ધમ્મો.
૨૬
સંસારના વિષવૃક્ષને ક્ષણમાત્રમાં
ક્ષય કરાવનાર મહાસુખ સાગરનો
સમ્યક્માર્ગ પ્રાપ્ત કરાવનાર, અતુલ
મહિમાના ધારી એવા શ્રી ગુરુદેવના
ચરણકમળમાં પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર.
૨૭
દર્શનશુદ્ધિથી જ
આત્મસિદ્ધિ.
૨૮
જેમના જ્ઞાન સરોવરમાં સર્વ વિશ્વ
માત્ર કમળ તુલ્ય ભાસે છે એવા
ભગવાન શ્રી સીમંધર આદિ
જિનેંદ્રદેવોને નમસ્કાર! નમસ્કાર!!
૨૯
જેઓ સ્વરૂપનગર વસતા કાળ સાદિ
અનંત,
ભાવે ધ્યાવે અવિચળપણે જેહને
સાધુસંત;
જેહની સેવા સુરમણીપરે સૌખ્ય
આપે અનંત,
નિત્યે મ્હારા હૃદય કમલે આવજો શ્રી
જિનેંદ્ર.
૩૦
ભૂત, વર્તમાન અને ભાવિ
જગતશિરોમણિ તીર્થંકરોને
નમસ્કાર.
૩૧
स द्ध र्म वृ द्धि र स्तु.
स त् नी वृ द्धि हो.
૩૨
શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે
જે સુપ્રભાત સમાન છે, આનંદમાં
સુસ્થિત એવી અચળ જેની જ્યોતિ છે
એવો આ આત્મા ઉદય પામે છે,
એવું જ્ઞાન તથા વચન તેમય
મૂર્તિ સદાય પ્રકાશરૂપ હો!
૩૩
જેમાં અનેક અંત (ધર્મ) છે.
એવું જે જ્ઞાન તથા વચન
તેમય મૂર્તિ સદાય પ્રકાશરૂપ હો!
૩૪
સ્વરૂપસ્થિત સદ્ગુરુદેવનો
પ્રભાવના ઉદય જગતનું
કલ્યાણ કરો! જયવંત વર્તો!!
૩૫
એ જીવ કેમ ગ્રહાય?
જીવ ગ્રહાય છે પ્રજ્ઞાવડે,
પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો
ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞાવડે.
૩૬
પાત્ર થવા સેવો સદા
બ્રહ્મચર્ય મતિમાન.
સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રાણિ
મોક્ષમાર્ગ:
આત્મધર્મની ઉન્નતિ હો! ઉન્નતિ હો!!
૩૭
દુર્લભ મનુષ્યપણું પામીને
જે વિષયોમાં રમે છે તે
રાખને માટે રત્નને બાળે છે.
૩૮
મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે,
મુજ આત્મ દર્શન ચરિત છે,
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને,
મુજ આત્મ સંવર યોગ છે.
૩૯
પુર્ણતાને લક્ષે શરૂઆત
તે જ વાસ્તવિક શરૂઆત છે.
૪૦
આ ભેદવિજ્ઞાન અચ્છિનધારાથી
ત્યાંસુધી ભાવવું કે જ્યાંસુધી
પરભાવોથી
છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય.
૪૧
આ સમયપ્રાભૃત પઠન કરીને,
અર્થ–તત્ત્વથી જાણીને,
ઠરશે અરથમાં આતમા જે,
સૌખ્ય ઉત્તમ તે થશે.
૪૨
જીવ એક અખંડ સંપૂર્ણ
દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન–
સામર્થ્ય સંપૂર્ણ છે.
સંપૂર્ણ વીતરાગ થાય
સંપૂર્ણ સર્વજ્ઞ થાય.
૪૩
સહજપણે વિકાસ પામતી ચૈતન્ય–
શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનધન
સ્વભાવ થતો જાય છે તેમ તેમ
આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે.
૪૪
નિમિત્તની અપેક્ષા લ્યો તો
બંધ અને મોક્ષ બે પડખાં પડે છે
ને તેની અપેક્ષા ન લ્યો તો
–એકલું નિરપેક્ષ તત્ત્વ લક્ષમાં
લ્યો તો–સ્વપર્યાય પ્રગટે છે.
૪૫
જે આત્માને અબદ્ધસ્પષ્ટ,
અનન્ય, નિયત, અવિશેષ અને
અણસંયુક્ત દેખે છે તે સમગ્ર
જિનશાસનને દેખે છે.
૪૬
હું એક અખંડ જ્ઞાયક મૂર્તિ છું,
વિકલ્પનો એક અંશ પણ
મારો નથી, તેવો સ્વાશ્રયભાવ
રહે તે મુક્તિનું કારણ છે ને
વિકલ્પનો એક અંશ પણ મને
આશ્રયરુપ છે તેવો પરાશ્રયભાવ
રહે તે બંધનું કારણ છે.
૪૭
તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ
અમને હો કે જે તેજ
સદાકાળ ચૈતન્યના
પરિણમનથી ભરેલું છે.
૪૮
दंसण मूलो धम्मो
ધર્મનું મૂળ દર્શન છે.