Atmadharma magazine - Ank 093
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૮
સળંગ અંક ૦૯૩
Version History
Version
Number Date Changes
001 Sept 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ ૮ મું, અંક નવમો, અષાઢ ૨૪૭૭
૯૩
: સંપાદક:
વકીલ રામજી માણેકચંદ દોશી
... તો મનુષ્યપણું શું
કામનું?
કોઈ કહે–‘આત્માની ઝીણી વાત અમને ન સમજાય.’ પણ ભાઈ! આત્માની વાત ન
સમજાય એમ કહે તો અનંતકાળે મહા દુર્લભ મનુષ્યપણું મળ્‌યું શું કામનું? આત્માના
ભાન વિના જગતમાં કૈંક કૂતરાં, અણશિયાં જન્મે–મરે છે, તેનો મહિમા નથી. તેમ
અનંતકાળે મહાન દુર્લભ મનુષ્યપણું પામી અપૂર્વ આત્મસ્વભાવને સત્સમાગમ વડે ન
જાણે તો તેની કાંઈ કિંમત નથી; અને જો પાત્રતા વડે આત્મસ્વભાવને જાણે તો તે
જ્ઞાનનો મહિમા અપાર છે.
(પૃ. ૧૬)
જેટલો કાળ પરને માટે ગાળે છે તેટલો કાળ જો સ્વને માટે ગાળે તો કલ્યાણ થયા
વિના રહે નહીં. ભાઈ રે! અનંતકાળે મહાદુર્લભ મનુષ્યપણું મળ્‌યું, તેમાં કલ્યાણ ન કર્યું
તો ક્યારે કરીશ?
–સમયસાર પ્રવચનો ૧, પૃ. ૯૦.

PDF/HTML Page 3 of 21
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
(સોનગઢ : જેઠ વદ ૮)

• પરમ પૂજ્ય ગુરુદેવશ્રી સુખશાંતિમાં બિરાજે છે.
• હાલ સવારે પ્રવચનમાં શ્રીપ્રવચનસારજી વંચાય છે; તેમાં છેલ્લા ભાગમાં વર્ણવેલ ૪૭ નયોનું સ્વરૂપ
વંચાય છે. થોડા દિવસોમાં શ્રી પ્રવચનસાર પૂરું થશે; ત્યારપછી શ્રીકાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચનમાં વંચાશે.
કાર્તિકેયાનુપ્રેક્ષા બે હજાર વર્ષ કરતાં ય વધારે પુરાણું શાસ્ત્ર છે. અને તેમાં બાર વૈરાગ્ય ભાવનાઓનું ઉત્તમ
વર્ણન છે.
• બપોરના પ્રવચનમાં શ્રી સમયસારજી (નવમી વખત) વંચાય છે; તેમાં હાલ નિર્જરા અધિકાર વંચાય
છે. આ ઉપરાંત ભક્તિ, રાત્રિચર્ચા વગેરે કાર્યક્રમ હંમેશ મુજબ ચાલે છે.
• હાલ પ્રેસમાં મુખ્ય શ્રી નિયમસાર શાસ્ત્ર અક્ષરશ: ગુજરાતી અનુવાદ સહિત છપાય છે. અનુવાદકાર્ય
થોડા વખતમાં પૂરું થશે. આ શાસ્ત્રની ૧૮૭ ગાથાઓ છે, તેમાંથી લગભગ ૧પ૦ ગાથાઓ છપાઈ ગઈ છે.
ભાદરવા સુદ પાંચમ દરમિયાન આ પવિત્ર શાસ્ત્રનું પ્રકાશન થઈ જશે–એવો સંભવ છે.
આ સિવાય સમયસાર–પ્રવચનો (બંધ અધિકાર) છપાય છે તે થોડા વખતમાં પ્રસિદ્ધ થશે.
પંચકલ્યાણક–પ્રવચનો છપાઈ ગયા છે તે પણ બંધાઈને થોડા વખતમાં પ્રસિદ્ધ થશે. આ પુસ્તક સચિત્ર છે.
નિયમસાર–પ્રવચનો (શુદ્ધભાવ અધિકાર) છપાઈને પ્રસિદ્ધ થઈ ગયેલ છે, તેની કિંમત ૧–૧૦–૦ છે.
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા
વૈશાખ વદ આઠમના મંગલ દિને બરવાળાના ભાઈશ્રી ચીમનલાલ ભાઈલાલ તથા તેમના ધર્મપત્ની
પ્રભાવતીબેન–એ બંનેએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે; તે માટે તેમને
ધન્યવાદ!
સુધારો: આત્મધર્મ અંક ૯૨
આત્મધર્મ અંક ૯૨ પૃષ્ઠ ૧૭૭ પહેલી કોલમની લાઈન ૧–૨માં–‘આત્માને લક્ષે વિકાર પણ છે’ એમ
છપાઈ ગયું છે તેને બદલે ‘આત્માને પરલક્ષે વિકાર પણ છે’ એમ સુધારીને વાંચવું.
ચૈતન્યતત્ત્વનો મહિમા અને દુર્લભતા
અહો, આત્માના શુદ્ધસ્વભાવની અત્યંત મહિમાવાળી વાત જીવોએ યથાર્થપણે કદી સાંભળી નથી.
અત્યારે ચૈતન્યતત્ત્વના મહિમાની સાચી વાત સાંભળવા મળવી પણ ઘણી દુર્લભ થઈ પડી છે. જે જીવ ઘણો
જિજ્ઞાસુ ને ઘણો લાયક થઈને આત્મસ્વભાવની આ વાત સાંભળે તેનું કલ્યાણ થઈ જાય તેમ છે.
–પ્રવચનમાંથી

PDF/HTML Page 4 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૭ : ૧૮૩ :
આત્માર્થીનું પહેલું કર્તવ્ય–૭
પરમ કલ્યાણનું મૂળિયું –
સમ્યગ્દર્શન પ્રગસ્ટવા માટેની ભૂમિકા
વીર સં. ૨૪૭૬ ભાદરવા સુદ ૪ શુક્રવાર
જેને પોતાના આત્મનું હિત કરવું હોય તેણે પહેલાંં શું કરવું તે વાત ચાલે છે. જે આત્માર્થી છે એટલે કે
જેને પોતાનું કલ્યાણ કરવાની ભાવના છે તેણે દેહથી ભિન્ન ચૈતન્યમૂર્તિ આત્મા કોણ છે તેને જાણવો જોઈએ.
આત્માને જાણવા માટે પ્રથમ નવ તત્ત્વોનું જ્ઞાન કરવું જોઈએ. તે નવ તત્ત્વોમાં પ્રથમ જીવ અને અજીવ એ બે
જાતનાં તત્ત્વો અનાદિઅનંત છે, કોઈએ તેને બનાવ્યાં નથી ને તેનો કદી નાશ થતો નથી. જીવ અને અજીવ એ
બે સ્વતંત્ર તત્ત્વો છે અને તે બેના સંબંધે બંનેની અવસ્થામાં સાત તત્ત્વો થાય છે. આત્મામાં પોતાની યોગ્યતાથી
પુણ્ય, પાપાદિ સાત પ્રકારની અવસ્થા થાય છે ને તેમાં નિમિત્તરૂપે અજીવમાં પણ તે સાત પ્રકાર પડે છે.
આત્મા ચૈતન્યવસ્તુ ત્રિકાળી છે, પણ તેને ભૂલીને અવસ્થામાં મિથ્યાત્વ અને રાગ–દ્વેષથી અજ્ઞાની જીવ
અનાદિ કાળથી બંધાયેલ છે; તે બંધનભાવ આત્માની યોગ્યતાથી છે, કોઈ બીજાએ તેને બંધન કર્યું નથી. જીવને
વર્તમાન અવસ્થામાં જો ભાવબંધન ન હોય તો આનંદનો પ્રગટ અનુભવ હોવો જોઈએ. પણ આનંદનો પ્રગટ
અનુભવ નથી કેમ કે તે પોતાની પર્યાયમાં વિકારના ભાવબંધનથી બંધાયેલો છે. સ્ફટિકના ઊજળા સ્વચ્છ
સ્વરૂપમાં જે રાતી–કાળી ઝાંઈ પડે છે તે તેનું મૂળ સ્વરૂપ નથી પણ સ્ફટિકનો વિકાર છે, ઉપાધિ છે, તેમ જીવનો
સ્વચ્છ ચૈતન્યસ્વભાવ છે, તેની અવસ્થામાં જે પુણ્ય–પાપના ભાવ થાય છે ને તેનું સ્વરૂપ નથી પણ વિકાર છે,
બંધન છે; વિકારભાવ તે જીવ–બંધ છે ને તેમાં નિમિત્તરૂપ જડકર્મો છે તે અજીવ–બંધ છે. એ રીતે જીવ–અજીવ
બંનેની અવસ્થા ભિન્ન ભિન્ન છે. જો પર નિમિત્તની અપેક્ષા વગર એકલા આત્માના સ્વભાવથી વિકાર થાય તો
તો તે સ્વભાવ થઈ જાય, ને કદી ટળી શકે નહીં. પણ વિકાર તે જીવની અવસ્થાની ક્ષણિક યોગ્યતા છે ને તેમાં
દ્રવ્યકર્મ નિમિત્તરૂપ છે. નિમિત્તના લક્ષે વિકાર થાય છે, સ્વભાવના લક્ષે વિકાર કે બંધનભાવ થતો નથી.
[અહીં સુધી બંધ સુધીનાં આઠ તત્ત્વોનું વિવેચન થયું, હવે નવમા તત્ત્વનું વિવેચન થાય છે.]
નવમું મોક્ષતત્ત્વ છે. જીવની પૂર્ણ પવિત્ર સર્વજ્ઞ–વીતરાગી આનંદદશા તે મોક્ષ છે. તે મોક્ષપણે થવાની
લાયકાત જીવની અવસ્થામાં છે ને જડકર્મનો અભાવ તેમાં નિમિત્તરૂપ છે. જીવમાં પવિત્ર મોક્ષભાવ પ્રગટ્યો ત્યાં
કર્મો તેની મેળે છૂટી ગયા. જીવ અને અજીવ એ બે ત્રિકાળી તત્ત્વો છે તેને, તેમ જ તેની પર્યાયમાં સાત તત્ત્વરૂપ
પરિણમન થાય છે તેને, –નવે તત્ત્વોને ઓળખવા જોઈએ.
મોક્ષરૂપે થવાની યોગ્યતા જીવની છે, ને જડ કર્મોનું છૂટી જવું તે નિમિત્ત છે, તે અજીવ–મોક્ષ છે.––એ
પ્રમાણે અહીં પ્રથમ તો મોક્ષતત્ત્વની ઓળખાણ કરાવી છે. અંર્તસ્વભાવના આશ્રયે જીવની પરિપૂર્ણ પવિત્ર
અવસ્થા પ્રગટે તેને મોક્ષ કહે છે તેમ જ અજીવ કર્મો છૂટી જવારૂપ પુદ્ગલની અવસ્થાને પણ મોક્ષ કહેવાય છે.
મોક્ષતત્ત્વને જાણી લીધું તેથી મોક્ષ થઈ જતો નથી, પણ મોક્ષ વગેરે નવે તત્ત્વોને જાણ્યા પછી તે ભેદનો આશ્રય
છોડી અંતરના અભેદસ્વભાવના આશ્રયે મોક્ષદશા પ્રગટે છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૮૪: આત્મધર્મ: ૯૩
ઓળખાણ કરાવી; તે નવ તત્ત્વોને ઓળખવાનું પ્રાયેજન શું છે તે હવે કહેશે. નવ તત્ત્વને ઓળખીને અંતરમાં
અભેદ ચૈતન્યમૂર્તિ સ્વભાવનો શુદ્ધનયથી અનુભવ કરવો તે જ પ્રયોજન છે, ને એવો અનુભવ કરવો તે જ
સમ્યગ્દર્શન છે, તે કલ્યાણનું મૂળિયું છે.
જુઓ, ચૈતન્યની સમજણ અનંતકાળમાં નથી કરી; અનાદિ કાળથી સંસારપરિભ્રમણ કરે છે તેમાં
ચૈતન્યની સમજણનો રસ્તો લીધા વગર બીજા બધા બાહ્ય સાધનો કર્યાં છે, પણ સંસારભ્રમણ નથી ટળ્‌યું. કેમ કે
ચૈતન્યની સમજણ કરવી તે જ સંસારભ્રમણ ટાળવાનો ઉપાય છે, તે ઉપાય બાકી રહી ગયો છે. તેથી શ્રીમદ્
રાજચંદ્રજી નીચેના કાવ્યમાં ‘શું સાધન બાકી રહી ગયું’ તે જણાવતાં કહે છે કે–
યમ નિયમ સંયમ આપ ક્યિો,
પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો,
વનવાસ રયો, મુખ મૌન રહ્યો,
દ્રઢ આસન પદ્મ લગાય દિયો;
× ×
વહ સાધન વાર અનંત ક્યિો,
તદપિ કછૂ હાથ હજુ ન પર્યો;
અબ કયોં ન વિચારત હૈ મનસેં,
કછૂ ઓર રહા ઉન સાધનસેં.
યમ, નિયમ, વ્રત, તપ, બાહ્ય, ત્યાગ વૈરાગ્ય વગેરે બધા સાધન કર્યા પણ ચૈતન્યસ્વરૂપી પોતાનો આત્મા
કોણ છે તેની સમજણરૂપ સાચું સાધન બાકી રહી ગયું, તેથી જીવ કિંચિત્ કલ્યાણ પામ્યો નથી.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ કહે છે કે હે ભવ્ય આત્માઓ! આત્માના અભેદ સ્વરૂપનો અનુભવ કરતાં
પહેલાંં વચ્ચે નવ તત્ત્વની ભેદરૂપ પ્રતીતિ આવ્યા વિના રહેતી નથી, પણ તે નવતત્ત્વના ભેદરૂપ વિચારનો જ
આશ્રય માનીને અટકશો નહિ; નવતત્ત્વના ભેદરૂપ વિચારના આશ્રયે અટકવાથી સમ્યક્ આત્મા અનુભવમાં
આવતો નથી. પણ તે ભેદનો આશ્રય છોડીને–રાગમિશ્રિત વિચારનો અભાવ કરીને, અભેદસ્વભાવસન્મુખ થઈને
શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ અનુભવ અને પ્રતીત કરતાં સમ્યક્શ્રદ્ધા થાય છે, તે આત્માના કલ્યાણનો ઉપાય છે.
અવસ્થામાં જીવની યોગ્યતા અને અજીવનું નિમિત્તપણું–એવો નિમિત્તનૈમિત્તિક સંબંધ જો ન હોય તો
સાત તત્ત્વો જ સિદ્ધ થતા નથી. જીવ અને અજીવની અવસ્થામાં નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તે દ્રષ્ટિથી જોતાં
નવતત્ત્વોના ભેદ વિદ્યમાન છે. અને જો એકલા ચૈતન્યમૂર્તિ અખણ્ડ જીવતત્ત્વને લક્ષમાં લ્યો તો, દ્રવ્યદ્રષ્ટિમાં
નિમિત્તનૈમિત્તિક સંબંધ પણ નહિ હોવાથી, નવતત્ત્વના ભેદ પડતા નથી; માટે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિથી
જોતાં નવતત્ત્વો અભૂતાર્થ છે ને એક ચૈતન્ય પરમતત્ત્વ જ પ્રકાશમાન છે. જો કે વર્તમાન નિર્મળપર્યાય છે ખરી
પણ તે અભેદમાં ભળી જાય છે, અર્થાત્ દ્રવ્ય અને પર્યાયના ભેદનો વિકલ્પ તે જીવને નથી. આવો અનુભવ તે
જ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર છે.
જીવના ભાવરૂપ સાતતત્ત્વો જીવમાં છે, તેમ જ તેમાં નિમિત્તરૂપે જડની અવસ્થામાં સાતતત્ત્વો છે તે
અજીવમાં છે. આવા સાત પ્રકારો એકલા શુદ્ધ જીવમાં કે એકલા અજીવમાં હોય નહિ. એ નવ તત્ત્વોનું ઘણી ઘણી
રીતે વર્ણન કહેવાયું છે. તે પ્રમાણે નવ તત્ત્વોને નક્કી કર્યા વગર આત્માનું સ્વરૂપ સમજી શકાય નહિ અને
પોતાનું સ્વરૂપ શું છે તે સમજ્યા વગર ચૈતન્યસુખની પ્રાપ્તિ થાય નહિ.
‘અમૂલ્ય તત્ત્વવિચાર’ માં શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરૂં?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેક પૂર્વક શાંતભાવે જો કર્યાં,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વો અનુભવ્યાં.
વિચાર તેમાં આવી જાય છે. હું ચૈતન્યસ્વરૂપ જીવ છું, શરીરાદિ અજીવ છે તે હું નથી, પુણ્ય–પાપ–આસ્રવ ને બંધ
એ ભાવો દુઃખરૂપ છે, સંવર–નિર્જરા ભાવ તે સુખનું કારણ છે તે ધર્મ છે, મોક્ષ તે પૂર્ણ સુખરૂપ નિર્મળદશા છે. –
આ પ્રમાણે એક જીવ સંબંધી વિચાર કરતાં નવે તત્ત્વો આવી જાય છે.

PDF/HTML Page 6 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૭ : ૧૮૫ :
જીવ અને અજીવ તો સ્વતંત્ર તત્ત્વો છે, ને તેમાંથી જીવની અવસ્થામાં પુણ્ય–પાપ–આસ્રવ–સંવર–નિર્જરા–
બંધ અને મોક્ષ એવા સાત પ્રકાર પોતાની યોગ્યતાથી પડે છે, તથા અજીવતત્ત્વ તેના નિમિત્તરૂપ છે તેની
અવસ્થામાં પણ પુણ્ય–પાપ વગેરે સાત પ્રકારો પડે છે. એક આત્મા જ સર્વવ્યાપક છે ને બીજું બધું ભ્રમ છે–એમ
જે માને તેને સાત તત્ત્વો રહેતા નથી, અને સાત તત્ત્વના જ્ઞાન વગર આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. સાતે
તત્ત્વોમાં બબ્બે બોલ લાગુ પડે છે, એક જીવરૂપ છે ને બીજું અજીવરૂપ છે.
આત્માને સમજ્યા વગર જીવનો અનંતકાળ ગયો; તે અનંતકાળમાં બીજા બાહ્ય ઉપાયોને કલ્યાણનું
સાધન માન્યું પણ અંતરમાં સિદ્ધ ભગવાન જેવો ચૈતન્યમૂર્તિ આત્મા બિરાજી રહ્યો છે તેનું શરણ લઉં તો કલ્યાણ
પ્રગટે–એમ ન માન્યું. પૂજા, ભક્તિ, વ્રત, ઉપવાસ વગેરેના શુભરાગને ને ક્રિયાકાંડને મુક્તિનું સાધન માન્યું પણ
એ બધો ય રાગ તો સંસારનું કારણ છે, રાગ તે આત્માની મુક્તિનું કારણ નથી. આમ સમજીને શું કરવું? –કે
નવતત્ત્વોને અને આત્માના અભેદ સ્વભાવને જાણીને આત્મસ્વભાવ તરફ વળવું, તેનો જ આશ્રય કરવો, એ જ
ધર્મ છે ને એ જ કલ્યાણ છે.
જે જીવ વિષય–કષાયમાં જ ડૂબેલો છે ને તત્ત્વના વિચારનો પણ અવકાશ લેતો નથી, તે તો પાપમાં
પડેલો છે, તેની અહીં વાત નથી. પણ, મારે આત્માનું કલ્યાણ કરવું છે–એમ જેને જિજ્ઞાસા જાગી છે, વિષય–
કષાયોથી કંઈક પાછો ફરીને જે નવતત્ત્વના વિચાર કરે છે ને અંતરમાં આત્માનો અનુભવ કરવા માંગે છે તેની
આ વાત છે. નવતત્ત્વનો વિચાર પાંચ ઈન્દ્રિયોનો વિષય નથી, પાંચ ઈન્દ્રિયોના અવલંબને નવતત્ત્વનો નિર્ણય
થતો નથી; એટલે નવતત્ત્વનો વિચાર કરનાર જીવ પાંચ ઈન્દ્રિયોના વિષયોથી તો પાછો ફરી ગયો છે. હજી
મનનું અવલંબન છે, પણ તે જીવ મનના અવલંબનમાં અટકવા નથી માંગતો, તે તો મનનું અવલંબન પણ
છોડીને અભેદ આત્માનો અનુભવ કરવા માંગે છે. સ્વલક્ષથી રાગનો નકાર અને સ્વભાવનો આદર કરનારો જે
ભાવ છે તે નિમિત્ત અને રાગની અપેક્ષા વિનાનો ભાવ છે, તેમાં ભેદના અવલંબનની રુચિ છોડીને અભેદ
સ્વભાવનો અનુભવ કરવાની રુચિનું જે જોર છે તે નિશ્ચય–સમ્યગ્દર્શનનું કારણ થાય છે.
વિચાર કર્યા તેના કરતાં આ કાંઈક જુદી રીતની વાત છે. પૂર્વે નવતત્ત્વના વિચાર કર્યા તે અભેદસ્વરૂપના લક્ષ
વગર કર્યા છે, ને અહીં તો અભેદસ્વરૂપના લક્ષ સહિતની વાત છે. પૂર્વે એકલા મનના સ્થૂળ વિષયથી
નવતત્ત્વના વિચારરૂપ આંગણા સુધી તો આત્મા અનંતવાર આવ્યો છે, પણ ત્યાંથી આગળ વિકલ્પ તોડી ધ્રુવ
ચૈતન્યતત્ત્વમાં એકપણાની શ્રદ્ધા કરવાની અપૂર્વ સમજણ શું છે તે ન સમજ્યો તેથી ભવભ્રમણ ઊભું રહ્યું. પરંતુ
અહીં તો એવી વાત લીધી નથી. અહીં તો અપૂર્વ શૈલીનું કથન છે કે આત્માનો અનુભવ કરવા માટે જે
નવતત્ત્વના વિચાર સુધી આવ્યો છે તે નવતત્ત્વનો વિકલ્પ તોડી અભેદ આત્માનો અનુભવ કરે જ છે.
નવતત્ત્વના વિચાર સુધી આવીને પાછો ફરી જાય એવી વાત અહીં છે જ નહીં.
નિશ્ચયના અનુભવમાં તો નવતત્ત્વ વગેરે વ્યવહાર અભૂતાર્થ છે, પરંતુ નિશ્ચયનો અનુભવ પ્રગટ
કરવાની પાત્રતાવાળા જીવને એવો જ વ્યવહાર હોય, એથી વિરુદ્ધ બીજો વ્યવહાર ન હોય. વ્યવહારને સર્વથા
અભૂતાર્થ ગણીને તેમાં ગોટા વાળે અને તત્ત્વનો નિર્ણય ન કરે તો તે તો હજી પરમાર્થના આંગણે પણ નથી
આવ્યો. કુતત્ત્વોની માન્યતા તે પરમાર્થનું આંગણું નથી પણ સાચા તત્ત્વોની માન્યતા તે પરમાર્થનું આંગણું છે.
જેમ કોઈને નાગરના ઘરમાં જવું હોય ને ભંગીયાના આંગણે જઈને ઊભો રહે તો તે નાગરના ઘરમાં પ્રવેશી શકે
નહિ, પણ જો નાગરના જ ઘરના આંગણે ઊભો હોય તો તે નાગરના ઘરમાં પ્રવેશ કરી શકે. તેમ સર્વજ્ઞ પ્રભુએ
કહેલા ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો અનુભવ કરવા માટે સર્વજ્ઞદેવે કહેલાં આ નવતત્ત્વો વગેરેનો નિર્ણય
કરવો તે પ્રથમ અનુભવનું આંગણું છે, તેનો જે નિર્ણય કરતા નથી ને બીજા કુતત્ત્વોને માને છે તે તો હજી
સર્વજ્ઞ–ભગવાને કહેલા આત્મસ્વભાવના અનુભવના આંગણે પણ નથી આવ્યો, તો તેને અનુભવરૂપી ઘરમાં તો
પ્રવેશ ક્યાંથી થાય? પહેલાંં રાગમિશ્રિત વિચારથી નવતત્ત્વ વગેરેનો નિર્ણય કરે પછી અભેદ જ્ઞાયકસ્વભાવ
તરફ વળીને અનુભવ કરતાં તે બધા ભેદો અભૂતાર્થ છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૮૬: આત્મધર્મ: ૯૩
સાચા નવતત્ત્વની ઓળખાણમાં સુદેવ–ગુરુ–શાસ્ત્રની અને કુદેવાદિની ઓળખાણ પણ આવી જાય છે.
આસ્રવ અને બંધતત્ત્વની ઓળખાણમાં કુદેવાદિની ઓળખાણ આવી જાય છે. નવતત્ત્વના સ્વરૂપને વિપરીતપણે
બતાવે તે બધા કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર છે. સંવર અને નિર્જરાભાવ તે નિર્મળ દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે,
સાધકભાવ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તે ગુરુ છે, તેમનું તથા જ્ઞાની ધર્માત્માઓનું સ્વરૂપ સંવર–
નિર્જરામાં આવી જાય છે. મોક્ષ તે આત્માની પૂર્ણ નિર્મળદશા છે, અર્હંત અને સિદ્ધ પરમાત્મા સર્વજ્ઞ વીતરાગદેવ
છે તેમનું સ્વરૂપ મોક્ષતત્ત્વમાં આવી જાય છે. એ રીતે નવતત્ત્વમાં પંચપરમેષ્ઠી વગેરેનું સ્વરૂપ પણ આવી જાય
છે. નવતત્ત્વમાં આખા વિશ્વના બધા પદાર્થો આવી જાય છે. નવતત્ત્વ સિવાય બીજું કોઈ તત્ત્વ જગતમાં નથી.
અહીં કહેલો વ્યવહાર તે સમ્યગ્દર્શનનું આંગણું છે. કુદેવાદિના આંગણે ઊભો હોય તે તો અંતરમાં
આત્માના ઘરમાં પ્રવેશી શકતો નથી. આત્માના ઘરમાં પ્રવેશનારને નવતત્ત્વની શ્રદ્ધારૂપ આંગણું વચ્ચે આવે છે.
જેમ ભંગીયાના આંગણે ઊભેલો નાગરના ઘરમાં પ્રવેશી ન શકે પણ નાગરના આંગણે ઊભેલો જ નાગરના
ઘરમાં પ્રવેશ કરી શકે છે. તેમ આત્માના અનુભવમાં જવા માટે નવતત્ત્વરૂપ આંગણું સમજવું.
અહીં આચાર્યદેવે પરમાર્થ આત્માના અનુભવના નિમિત્ત તરીકે નવતત્ત્વના વિકલ્પરૂપ વ્યવહાર વર્ણવ્યો
છે. આ નિમિત્ત તે પોતાની પર્યાય જ છે. અનુભવ પહેલાંં વચ્ચે એવી પર્યાય થયા વગર રહેતી નથી. અને
સમ્યગ્દર્શનના નિમિત્ત તરીકે જે પંચેન્દ્રિયપણું, દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરેનું વર્ણન આવે છે તે તો બાહ્ય સંયોગરૂપ
નિમિત્તો છે, તે તો સ્વયં હોય છે, તેમાં જીવનો વર્તમાન પ્રયત્ન નથી. ને આ નવતત્ત્વની શ્રદ્ધારૂપ વ્યવહાર તો
પોતાના વર્તમાન પ્રયત્નથી થાય છે, તેથી આ આધ્યાત્મગ્રંથમાં સમ્યગ્દર્શનના નિમિત્ત તરીકે તેની જ વાત લીધી
છે. આ સમયસારમાં ઘણી ગૂઢતા ભરી છે.
× × ×
હવે, નવતત્ત્વોને જાણીને પરમાર્થ સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે શું કરવું તે વિષે આચાર્યદેવ વિશેષ સ્પષ્ટ
ખુલાસો કરે છે; પહેલાંં સામાન્યપણે વાત કરી, હવે તે વાત વિશેષપણે સમજાવે છે––
‘બાહ્યદ્રષ્ટિથી જોઈએ તો:– જીવ–પુદ્ગલની અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં
નવતત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ
અભૂતાર્થ છે, અસત્યાર્થ છે; (જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી;) તેથી આ નવતત્ત્વોમાં ભૂતાર્થનયથી એક
જીવ જ પ્રકાશમાન છે.’ અજ્ઞાનીને નવતત્ત્વોમાં જીવ અને અજીવ એક થઈને પરિણમતાં હોય–એમ સ્થૂલદ્રષ્ટિથી
લાગે છે, પણ જ્ઞાની તો નવે તત્ત્વમાં જીવ અને અજીવનું જુદું જુદું પરિણમન છે એમ જાણે છે. જ્ઞાની
અંર્તદ્રષ્ટિથી જીવ–અજીવને જુદા જુદા પરિણમતા દેખે છે–એ વાત પછી લેશે.
જેને જીવ–અજીવનું ભેદજ્ઞાન નથી એવો અજ્ઞાની જીવ નવતત્ત્વના વિકલ્પથી જીવ–પુદ્ગલના બંધપર્યાયની
સમીપ જઈને અનુભવ કરે છે, અખંડ ચિદાનંદ ચૈતન્યની એકાતાને ચૂકીને બાહ્ય સંયોગને જુએ છે, બાહ્ય લક્ષથી
આત્મા અને કર્મની અવસ્થાનો એકપણે અનુભવ કરતાં તો નવતત્ત્વો ભૂતાર્થ છે–વિદ્યમાન છે, વ્યવહારનયથી
જોતાં પર્યાયમાં નવતત્ત્વના વિકલ્પો થાય છે; પણ જેને એકલા નવતત્ત્વોનું ભૂતાર્થપણું જ ભાસે છે ને એકરૂપ
ચૈતન્યસ્વભાવનું ભૂતાર્થપણું નથી ભાસતું તે મિથ્યાદ્રષ્ટિ છે. જીવ–પુદ્ગલના સંબંધનું લક્ષ છોડીને, એકલા શુદ્ધ
જીવતત્ત્વને જ લક્ષમાં લઈને અનુભવ કરતાં એકલો ભગવાન આત્મા જ શુદ્ધ જીવપણે પ્રકાશમાન છે ને
નવતત્ત્વો અભૂતાર્થ છે; એવો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે. અભેદ આત્માની શ્રદ્ધા કર્યા પહેલાંં એટલે કે
ધર્મની પહેલી દશા થતાં પહેલાંં જિજ્ઞાસુ જીવને નવતત્ત્વનું જ્ઞાન નિમિત્તરૂપે હોય છે. નવતત્ત્વો સર્વથા છે જ
નહિ–એમ નથી.
આત્મા અને કર્મના સંબંધથી થતાં નવતત્ત્વોની દ્રષ્ટિ છોડીને એકલા જ્ઞાયકની દ્રષ્ટિથી સ્વભાવસન્મુખ
જઈને અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે. જેમ એકલા પાણીના પ્રવાહમાં ભંગ ન પડે પણ વચ્ચે નાલાંના નિમિત્તે
તેના પ્રવાહમાં ભંગ પડે છે, તેમ જો કર્મ સાથેના સંબંધના લક્ષથી જીવનો વિચાર કરો તો નવતત્ત્વના ભેદ
વિચારમાં આવે છે, પણ તે નિમિત્તનું લક્ષ છોડીને એકલા ચૈતન્યસ્વભાવને જ દ્રષ્ટિમાં લ્યો તો તેમાં ભંગભેદ
પડતા નથી, તે એક જ પ્રકારનો અનુભવમાં આવે છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૭ : ૧૮૭ :
વળી જેમ એકલા પાણીમાં મીઠું, ખાટું કે ખારું એવા ભેદો પડતા નથી; મીઠું, ખાટું કે ખારું એવા જે ભેદો
પડે છે તે સાકર, લીંબુ કે નીમક વગેરે પરનિમિત્તના સંગની અપેક્ષાએ પડે છે, નિમિત્તના સંગની અપેક્ષાએ
જોતાં પાણીમાં તે ભેદો ભૂતાર્થ છે. પણ એકલા પાણીના સ્વભાવને જોતાં તેમાં મીઠું, ખાટું કે ખારું એવા ભેદો
પડતા નથી તેથી તે ભેદો અભૂતાર્થ છે. તેમ આત્મામાં એકલા સ્વભાવથી જોતાં તો તેમાં ભેદ નથી, પણ જડ
કર્મના સંયોગની અપેક્ષાથી જોતાં આત્માની પર્યાયમાં બંધ, મોક્ષ વગેરે સાત પ્રકાર પડે છે, પર્યાયદ્રષ્ટિથી તે ભેદો
ભૂતાર્થ છે. અને જો એકલા આત્માના ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી અનુભવ કરવામાં આવે તો તેમાં બંધ, મોક્ષ
વગેરે સાત પ્રકારો નથી તેથી તે અભૂતાર્થ છે. એટલે સ્વભાવદ્રષ્ટિથી તો નવતત્ત્વોમાં એક ભૂતાર્થ જીવ જ
પ્રકાશમાન છે, –તેમાં એક અભેદ જીવનો જ અનુભવ છે, ને તે જ પરમાર્થ સમ્યગ્દર્શનનો વિષય છે. આવું
સમજ્યા વગર અનંત કાળમાં જે કર્યું તેનાથી પરિભ્રમણ જ થયું છે ને એક ભવ પણ ઘટ્યો નથી. આ અપૂર્વ
સમજણ કરવી તે જ ભવભ્રમણથી બચવાનો ઉપાય છે.
નવ તત્ત્વો ક્યાં રહે છે? કે જીવ અને અજીવ તો સ્વતંત્ર તત્ત્વો છે, ને તેમના સંબંધથી સાત તત્ત્વો થાય
છે, તેમાં જીવના સાતતત્ત્વો જીવની અવસ્થામાં રહે છે ને અજીવના સાત તત્ત્વો અજીવની અવસ્થામાં રહે છે.
પણ અજ્ઞાનીને તે બંનેની ભિન્નતાનું ભાન નથી એટલે જાણે કે જીવ અને અજીવ બંને ભેગાં થઈને પરિણમતા
હોય એમ તેને લાગે છે. અજ્ઞાની ભિન્ન અખંડ ચૈતન્યતત્ત્વને ચૂકીને, જડ અને ચેતનને એક માને છે અને તેથી
પર્યાયબુદ્ધિમાં તે નવ તત્ત્વોનો જ ભૂતાર્થપણે અનુભવ અનાદિથી કરી રહ્યો છે પણ સ્વભાવ તરફ વળીને
એકરૂપ સ્વભાવનો અનુભવ કરતો નથી. મુક્તસ્વભાવની દ્રષ્ટિએ તો આત્મા એકરૂપ છે તેમાં નવતત્ત્વો નથી,
પણ બાહ્ય સંયોગી દ્રષ્ટિથી–વર્તમાનદ્રષ્ટિથી–વ્યવહારદ્રષ્ટિથી જુઓ તો નવતત્ત્વો ભૂતાર્થ દેખાય છે. અને જો
વર્તમાન પર્યાયને સ્વભાવમાં એકાગ્ર કરીને વર્તમાનમાં સ્વભાવને જુઓ તો નવતત્ત્વો અભૂતાર્થ છે, ને એકલો
જ્ઞાયક આત્મા જ અનુભવમાં આવે છે.
ભગવાન આચાર્યદેવ કહે છે કે અખંડ જ્ઞાયકવસ્તુની દ્રષ્ટિએ તો આત્મામાં એકપણું જ છે ને તેના આશ્રયે
એકપણાની જ ઉત્પત્તિ થાય છે. જો કે પર્યાયમાં નિર્મળતાના પ્રકારો પડે છે પણ તે પર્યાય અભેદઆત્મામાં જ
એકાગ્ર થાય છે, માટે અભેદઆત્માનો જ અનુભવ છે.
અજ્ઞાનીને જડ–ચેતનની એકત્ત્વબુદ્ધિથી અનાદિથી નવતત્ત્વો ઉપર જ દ્રષ્ટિ છે, જડના સંગથી ભિન્ન,
એકલા ચૈતન્યતત્ત્વની તેને ખબર નથી. અહો, મારામાં અનંત ગુણો હોવા છતાં હું અભેદસ્વભાવી એક વસ્તુ છું.
જ્ઞાયકસ્વરૂપ છું–આવો અનુભવ કરવો તે પરમાર્થસમ્યગ્દર્શન છે. અભેદ આત્માના અનુભવમાં ‘હું જ્ઞાન છું’
એવા ગુણભેદના વિકલ્પનો પણ અવકાશ નથી તો પછી નવ તત્ત્વના વિકલ્પ તો ક્યાંથી હોય? હજી નવતત્ત્વોને
પણ જે ન માને તેને તો વ્યવહારધર્મ પણ હોય નહિ. તેમ જ પરના સંયોગની સમીપ જઈને નવતત્ત્વોનો
ભૂતાર્થપણે અનુભવ કરવો–અર્થાત્ એક જીવને નવતત્ત્વપણે અનુભવવો–તે પણ હજી સમ્યગ્દર્શન નથી.
સમ્યગ્દર્શન કઈ રીતે છે તે હવે કહે છે: અંતરમાં ચૈતન્યસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તે નવતત્વો
અભૂતાર્થ છે ને એક પરમ પારિણામિક જ્ઞાયક આત્મા જ ‘ભૂતાર્થપણે’ અનુભવાય છે; એવો અનુભવ કરવો તે
જ સમ્યગ્દર્શન છે. અભેદ સ્વભાવની પ્રધાનતાથી આત્માનો અનુભવ કરતાં તે જ્ઞાયકમૂર્તિ ભગવાન તો એક જ
છે, એકપણું છોડીને તે નવ પ્રકારપણે થયેલો નથી.
અહો, આવી સરસ વાત! પાત્ર થઈને સમજે તો ન્યાલ થઈ જાય તેવું છે. પહેલાંં સત્સમાગમે આ વાત કાને
પડે પછી અંતરમાં વિચાર કરીને નિર્ણય કરે, તો તેનો અનુભવ થાય. જ્યાં મુખ્યતા ચૈતન્ય તરફની થઈ ત્યાં
અભેદ ચૈતન્ય જ દ્રષ્ટિમાં રહે છે, નવ ભેદનો વિકલ્પ આવે તેની મુખ્યતા થતી નથી, માટે તે અભૂતાર્થ છે. હું–જીવ
ચૈતન્ય પરિપૂર્ણ છું–એકરૂપ છું, એવા સ્વભાવની દ્રષ્ટિમાં એકતાની જ મુખ્યતા છે ને તેમાં નવતત્ત્વોની અનેકતા
ગૌણ થઈ જાય છે, તેથી શુદ્ધનયમાં નવતત્ત્વો અભૂતાર્થ છે. આત્માના અભેદ સ્વભાવની દ્રષ્ટિ છોડીને પર્યાયમાં
પર સંગની અપેક્ષાથી જોતાં નવતત્ત્વો ભૂતાર્થ છે પણ જ્યાં શુદ્ધનયથી ભેદનું લક્ષ છૂટીને અભેદ સ્વભાવની
મુખ્યતામાં વળ્‌યો ત્યાં ભેદરૂપ નવતત્ત્વોનો અનુભવ નથી માટે તે અભૂતાર્થ છે, ને એક શુદ્ધ આત્મા જ

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૮૮: આત્મધર્મ: ૯૩
ભૂતાર્થપણે પ્રકાશમાન છે. આવા શુદ્ધાત્માનો અનુભવ થતાં સમ્યગ્દર્શન પ્રગટ્યું. તે સમ્યગ્દર્શન પછી
ધર્મીને નવતત્ત્વના વિકલ્પ આવે પણ તેમની શુદ્ધ દ્રષ્ટિમાં તે વિકલ્પોની મુખ્યતા નથી, એકાકાર ચૈતન્યની જ
મુખ્યતા છે માટે તે નવતત્ત્વો અભૂતાર્થ છે. ‘અભૂતાર્થ’ કહેતાં તે નવતત્ત્વોના વિકલ્પ અભેદ સ્વભાવની દ્રષ્ટિમાં
ઉત્પન્ન જ થતા નથી.
જુઓ તો ખરા, ભગવાન આત્માની કેવી સરસ વાત છે! આ કોઈ બહારની વાત નથી પણ અંતરમાં
પોતાના આત્માની જ વાત છે. ભાઈ, તારે સુખ ને શાંતિ જોઈએ છે ને! તો તું ક્યાં તેની શોધ કરીશ? ક્યાંય
બહારમાં–દેવ, ગુરુ, શાસ્ત્ર, કે સ્ત્રી, લક્ષ્મી, શરીર વગેરેમાં સુખશાંતિ શોધવાથી તે મળે તેમ નથી. તારે સુખ–
શાંતિ જોઈતા હોય, સમ્યગ્દર્શન જોઈતું હોય, સત્ય જોઈતું હોય, આત્મસાક્ષાત્કાર જોઈતો હોય તો કાયમી ચિદાનંદ
સ્વભાવમાં જ તેને શોધ, અંતર સ્વભાવમાં શોધ્યે જ તે મળે તેમ છે. સત્સમાગમે નવ તત્ત્વોને જાણીને
અંતરંગમાં ભૂતાર્થ ચૈતન્યસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં સમ્યગ્દર્શન, સુખ–શાંતિ, સત્ય ને
આત્મસાક્ષાત્કાર થાય છે.
નવતત્ત્વમાં પહેલું જીવતત્ત્વ કેવડું? કે સિદ્ધ ભગવાનના આત્મા જેવડું. જેવડો સિદ્ધ ભગવાનનો આત્મા
છે તેવડો જ દરેકનો આત્મા પરિપૂર્ણ છે. ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’–મારું આત્મસ્વરૂપ સદાય સિદ્ધ સમાન છે.
આવો આત્મા તે સમ્યગ્દર્શનનો વિષય છે અર્થાત્ સમ્યગ્દર્શન પોતાના આત્માને તેવો કબૂલે છે. સમ્યગ્દર્શન થતાં
પોતાના સિદ્ધ સમાન આત્માનું સંવેદન થાય છે–અનુભવ થાય છે. સમ્યગ્દર્શનનો વિષય એકલો આત્મા છે,
નવતત્વના ભેદો સમ્યગ્દર્શનનો વિષય છે જ નહિ. નવતત્વો તે તો ભેદો સમ્યગ્દર્શન માટેનું બારદાન છે.
બારદાન ઉપરથી માલનું અનુમાન થાય કે આને કેવો માલ લેવો છે? જેમ કોઈ ફાટ્યોતૂટ્યો કાળો કોથળો લઈને
બજારમાં જતો હોય તો અનુમાન થાય કે આ માણસ કાંઈ કેસર લેવા નથી જતો પણ કોલસા લેવા જતો હશે.
અને કોઈ સારી કાચની બરણી લઈને બજારમાં જતો હોય તો અનુમાન થાય કે આ દાણા કે કોલસા લેવા નથી
જતો પણ કેસર વગેરે ઉત્તમ ચીજ લેવા જાય છે. તેમ જે જીવ કુદેવ–કુગુરુઓને પોષી રહ્યો છે એટલે જેને
બારદાન તરીકે જ કુદેવ–કુગુરુ છે, તો અનુમાન થાય છે કે તે જીવ આત્માનો ધર્મ લેવા નથી નીકળ્‌યો પણ
વિષયકષાય પોષવા નીકળ્‌યો છે; જેની પાસે નવતત્ત્વની શ્રદ્ધારૂપ બારદાન નથી તો એમ સમજવું કે તે જીવ
આત્માની શ્રદ્ધારૂપી માલ લેવા નીકળ્‌યો નથી પણ સંસારમાં રખડવાનો માલ લેવા નીકળ્‌યો છે. જે જીવ શુદ્ધ
આત્માની શ્રદ્ધારૂપી માલ લેવા નીકળ્‌યો છે. હોય તેની પાસે સાચા દેવ–ગુરુએ કહેલા નવતત્ત્વોની શ્રદ્ધા જ
બારદાનરૂપે હોય. પહેલાંં નવતત્ત્વોને કબૂલ્યા પછી તેના ભેદનું લક્ષ છોડીને શુદ્ધનયના અવલંબનથી અભેદ
આત્માનો અનુભવ કરતાં ધર્મ પ્રગટે છે. પણ જે કુતત્ત્વોને માને છે ને જેને નવતત્ત્વોનું ભાન નથી તેને તો
ચૈતન્યનો અનુભવ થવાની યોગ્યતા જ નથી. શરીરની ક્રિયાથી કે પૂજા–દયા વગેરેથી જે ધર્મ મનાવે તે શણનો
કોથળો લઈને માલ લેવા નીકળ્‌યો છે, તે કોથળામાં સમ્યગ્દર્શનરૂપી માલ નહિ રહે. હજી તો જીવ અને શરીર
ભેગાં થઈને બોલવા વગેરેનું કાર્ય કરે છે એમ જે માને તેણે તો વ્યવહારુ નવતત્ત્વોને પણ જાણ્યાં નથી, તેને તો
યથાર્થ પુણ્યપ્રાપ્તિ પણ હોતી નથી. અને નવતત્ત્વ માનીને ત્યાં જ અટકી રહે તો તે પણ માત્ર પુણ્યબંધમાં અટકી
રહે છે, તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી. નવતત્ત્વને માન્યા પછી અભેદ એક ચૈતન્યસ્વભાવની સમીપ જઈને
અનુભવ કરે તેને અપૂર્વ ધર્મ પ્રગટે છે.
અહીં તો, જે નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા સુધી આવ્યો છે એવા શિષ્યને પરમાર્થ સમ્યગ્દર્શન કરાવવા માટે
શ્રી આચાર્યદેવ કહે છે કે–તું ચૈતન્યજ્યોત વસ્તુ સ્વભાવની અંતરદ્રષ્ટિ કર, એકરૂપ ચૈતન્યની દ્રષ્ટિમાં નવતત્ત્વના
ભંગ–ભેદનો વિકલ્પ ઊભો થતો નથી પણ એક શુદ્ધ ચૈતન્ય આત્મા જ અનુભવાય છે, તેનું નામ સમ્યગ્દર્શન છે,
તેનું જ નામ આત્મસાક્ષાત્કાર છે ને તે જ ધર્મની પહેલી ભૂમિકા છે.
અભેદ સ્વભાવની દ્રષ્ટિથી જોતાં નવતત્ત્વો દેખાતાં નથી, પણ એક આત્મા જ શુદ્ધપણે દેખાય છે, તેથી
ભૂતાર્થનયથી જોતાં નવતત્ત્વોમાં એક શુદ્ધ જીવ જ પ્રકાશમાન છે. અને એ જ સમ્યગ્દર્શનનું ધ્યેય છે.
વ્યવહારદ્રષ્ટિમાં નવતત્ત્વો છે પણ સ્વભાવદ્રષ્ટિમાં નવતત્ત્વો નથી. સ્વભાવદ્રષ્ટિથી એવો અનુભવ કરવો તે જ
ધર્મ છે. *

PDF/HTML Page 10 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૭ : ૧૮૯:
‘જે શુધ્ધ જાણે આત્મને તે શુધ્ધ આત્મ જ મેળવે’
વીર સં. ૨૪૭પ ના વૈશાખ વદ ૧૪ ના રોજ લાઠીમાં
શ્રી પ્રવચનસાર ગાથા ૧૯૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન
[ગાથા ૧૯૪ ની ટીકા]
[૧પ] શુદ્ધાત્માને જાણે તેને શુદ્ધતા થાય
‘આયથોક્ત વિધિ વડે શુદ્ધાત્માને જે ધ્રુવ જાણે છે, તેને તેમાં જ પ્રવૃત્તિ દ્વારા શુદ્ધાત્મત્વ હોય છે;’
આત્મામાં સારું કેમ થાય ને નસારું–અઠીક કેમ ટળે તેની આ વાત છે. સારું કરવું, સુખ, ધર્મ, કલ્યાણ એ બધું
એક જ છે. જીવ અજ્ઞાનભાવે અધ્રુવ એવા વિકારને તથા સંયોગોને પોતાનું સ્વરૂપ માનતો હતો તે અધર્મ હતો.
હવે, પરદ્રવ્યનું આલંબન અશુદ્ધતાનું કારણ છે ને સ્વદ્રવ્યનું આલંબન શુદ્ધતાનું કારણ છે–એમ પૂર્વે કહેલા વિધિ
વડે શુદ્ધાત્માને જાણ્યો તે ધર્મ છે. મૂળ સૂત્રમાં ‘
जो एवं जाणित्ता’ એમ કહ્યું છે તેમાંથી શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવે
ટીકામાં આ રહસ્ય ખોલ્યું છે.
મારામાં પર વસ્તુનો અભાવ છે ને રાગદ્વેષ પણ મારા કલ્યાણનું કારણ નથી, એ બધા અધ્રુવ પદાર્થો છે
તે મને શરણરૂપ નથી. મારો ઉપયોગસ્વરૂપ આત્મા ધ્રુવ છે તે જ મને શરણરૂપ છે;–આ પ્રમાણે જે પોતાના શુદ્ધ
આત્માને જાણે છે તેને તેના આશ્રયે શુદ્ધતા પ્રગટે છે. પહેલાંં મલિન ભાવોને પોતાનું સ્વરૂપ માનતો ત્યારે
શુદ્ધતા પ્રગટતી ન હતી, હવે તે માન્યતા ફેરવીને શુદ્ધ આત્માને જાણ્યો એટલે શુદ્ધતા પ્રગટી.
[૧૬] આ વાત કોને સમજાવે છે?
પહેલાંં અનાદિથી આત્માને અશુદ્ધ માનતો હતો, તે મિથ્યા માન્યતા સર્વથા અસત્ (અર્થાત્ સર્વથા
અભાવરૂપ) નથી, પણ અજ્ઞાનીની અવસ્થામાં તે મિથ્યામાન્યતા થાય છે, તે એક સમયપૂરતી સત્ (–ભાવરૂપ)
છે. જો ઊંધી માન્યતા આત્મામાં સર્વથા થતી જ ન હોય તો શુદ્ધાત્માને સમજીને તે ટાળવાનું પણ રહેતું નથી,
એટલે આત્માને સમજવાનો ઉપદેશ આપવાનું પણ રહેતું નથી. અનાદિથી આત્માને ક્ષણિક વિકાર જેટલો માન્યો
છે તે મિથ્યા માન્યતા છોડાવવા શ્રી આચાર્યદેવ સમજાવે છે કે આત્માનો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ ઉપયોગસ્વરૂપ
ધ્રુવ છે, તેની શ્રદ્ધા કરો.
[૧૭] ‘રાગ વખતે શુદ્ધ આત્માના શ્રદ્ધા–જ્ઞાન કેમ થઈ શકે? ’ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનું
ભિન્ન ભિન્ન કાર્ય.
પ્રશ્ન:– આત્મામાં રાગ–દ્વેષ થતા હોવા છતાં તે રાગ–દ્વેષ હું નહિ–એમ તે ક્ષણે જ કેમ માન્યતા થાય?
રાગ–દ્વેષ વખતે જ રાગ–દ્વેષ રહિત જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કઈ રીતે થઈ શકે?
ઉત્તર:– રાગ–દ્વેષ થતા દેખાય છે તે તો પર્યાયદ્રષ્ટિ છે, તે જ વખતે જો પર્યાયદ્રષ્ટિ ગૌણ કરીને સ્વભાવની
દ્રષ્ટિથી જુઓ તો આત્માનો સ્વભાવ રાગરહિત જ છે, –એની શ્રદ્ધા ને અનુભવ થાય છે. રાગ હોવા છતાં શુદ્ધ
આત્મા તે રાગથી રહિત છે, –એમ જ્ઞાનવડે શુદ્ધઆત્મા જણાય છે. આત્મામાં એક જ ગુણ નથી પણ શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્ર વગેરે અનંત ગુણો છે; રાગ–દ્વેષ થાય તે ચારિત્રગુણનું વિકારી પરિણમન છે ને શુદ્ધાત્માને માનવો તે
શ્રદ્ધાગુણનું નિર્મળ પરિણમન છે તથા શુદ્ધાત્માને જાણવો તે જ્ઞાનગુણનું નિર્મળ પરિણમન છે. એ રીતે દરેક ગુણનું
પરિણમન ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. ચારિત્રના પરિણમનમાં વિકારદશા હોવા છતાં, શ્રદ્ધાજ્ઞાન તેમાં ન વળતાં
ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં વળ્‌યા, શ્રદ્ધાની પર્યાયે વિકારરહિત આખા શુદ્ધ આત્મામાં વળીને તેને માન્યો છે અને
જ્ઞાનની પર્યાય પણ ચારિત્રના વિકારનો નકાર કરીને સ્વભાવમાં વળી છે એટલે તેણે પણ વિકારરહિત શુદ્ધ
આત્માને જાણ્યો છે. આ રીતે, ચારિત્રની પર્યાયમાં રાગ–દ્વેષ હોવા છતાં શ્રદ્ધા–જ્ઞાન સ્વ તરફ વળતાં શુદ્ધ આત્માની
શ્રદ્ધા તથા જ્ઞાન થાય છે. રાગ વખતે જો રાગરહિત શુદ્ધ આત્માનું ભાન થઈ શકતું ન હોય તો કોઈ જીવને ચોથું–
પાંચમું–છઠ્ઠું વગેરે ગુણસ્થાન કે સાધકદશા જ પ્રગટી શકે નહિ અને સાધક ભાવ વગર મોક્ષનો પણ અભાવ ઠરે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૯૦: આત્મધર્મ: ૯૩
રાગ–દ્વેષ તે ચારિત્રગુણની અવસ્થા છે. જો આત્મામાં ચારિત્ર સિવાય બીજા જ્ઞાનાદિ અનંત ગુણો ન
હોય તો ધર્મ થઈ શકે નહીં. કેમ કે જે ચારિત્ર પોતે વિકારમાં અટક્યું હોય તે પોતે વિકારરહિત સ્વભાવનો
નિર્ણય કેમ કરી શકે? અને તે નિર્ણય વગર ધર્મ ક્યાંથી થાય? માટે ચારિત્ર સિવાય બીજા જ્ઞાન, શ્રદ્ધા વગેરે
ગુણો છે; તેથી ચારિત્રની દશામાં વિકાર હોવા છતાં તે જ વખતે જ્ઞાનગુણના કાર્ય વડે શુદ્ધઆત્માનું જ્ઞાન
થાય છે તથા શ્રદ્ધાગુણના કાર્યવડે શુદ્ધાત્માની શ્રદ્ધા થાય છે. અને એ શુદ્ધાત્માની શ્રદ્ધા–જ્ઞાનના જોરે
સ્વભાવસન્મુખ પરિણમતાં ચારિત્રના વિકારનો પણ ક્રમે ક્રમે નાશ થતો જાય છે. સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થતાં
તેની સાથે ચારિત્ર પણ અંશે શુદ્ધ તો થાય છે. સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થવા છતાં ચારિત્ર સર્વથા અશુદ્ધ જ રહે–
એમ બનતું નથી. ચારિત્રનું વર્તન થોડુંક ઊંધુંં હોવા છતાં, તે વખતે શ્રદ્ધા–જ્ઞાનગુણના સ્વાશ્રિત પરિણમનવડે
વિકારરહિત આત્માની શ્રદ્ધા તથા જ્ઞાન થાય છે. માટે, જો કોઈ જીવ આત્મામાં અનંતગુણો ન માને ને એક
જ ગુણ માને તો તેને સાધકદશા થઈ શકે જ નહિ, તેને તો વિકાર વખતે વિકાર જેટલો જ આત્મા માનવાનું
રહે, પણ વિકાર વખતે વિકારરહિત શુદ્ધ આત્માની શ્રદ્ધા તથા જ્ઞાન તેને થઈ શકે નહિ, કેમ કે તે ગુણોને જ
તેણે સ્વીકાર્યા નથી. અવસ્થામાં રાગ–દ્વેષરૂપ જે ક્ષણિક મલિનતા છે તે જ્ઞાન સિવાય બીજા ગુણની છે,
જ્ઞાનની મલિનતા નથી. તેથી તે મલિનતાથી જુદું રહીને જ્ઞાને સ્વભાવ તરફ વળીને આત્માના નિર્મળ
ગુણોને જાણ્યા, એટલે તેના આશ્રયે સાધકદશા શરૂ થઈ ગઈ. તે જીવ પોતાને ક્ષણિક રાગ–દ્વેષ જેટલો જ
માની લેતો નથી.
આત્માની વર્તમાન પર્યાયમાં રાગાદિ મલિનતા છે તે ચારિત્રગુણની વિપરીતદશા છે. ત્યાં તેને જ
અજ્ઞાની આખો આત્મા માનતો તેથી મિથ્યા શ્રદ્ધા–જ્ઞાન હતાં. હવે તે મિથ્યા માન્યતા ફેરવીને શ્રદ્ધા–જ્ઞાન
સ્વસન્મુખ થતાં એમ માન્યું કે ત્રિકાળ ધ્રુવ ચૈતન્ય તે જ હું છું, મારા ત્રિકાળી સ્વભાવમાં મલિનતા નથી;
અવસ્થામાં જે ક્ષણિક અલ્પ મલિનતા છે તેટલો આખો આત્મા નથી. સ્વભાવ તરફ વળેલા સ્વ–પર પ્રકાશક
જ્ઞાને તે મલિનતાને જ્ઞેય તરીકે જાણી ખરી કે આ ચારિત્રનો દોષ છે, પણ તે મારો મૂળ સ્વભાવ નથી. તે
દોષ વખતે પણ બીજા જ્ઞાન–શ્રદ્ધાન્ ગુણવડે ધ્રુવ શુદ્ધ નિત્ય આત્માનું જ્ઞાન–શ્રદ્ધાન થાય છે, એટલે વિકાર
વખતે પણ શુદ્ધ આત્માના સમ્યક્ શ્રદ્ધાન–જ્ઞાનમાં ધર્મી જીવને શંકા પડતી નથી. જો એકેક આત્મામાં શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર વગેરે અનેક ગુણોને (એટલે કે અનેકાંત સ્વભાવને) ન સ્વીકારો તો સાધકપણું જ સાબિત
થાય નહિ, ને સાધકપણા વગર બાધકપણું પણ સિદ્ધ ન થાય, એટલે સંસાર–મોક્ષનો જ અભાવ ઠરે. –પરંતુ
એ વાત પ્રત્યક્ષ વિરુદ્ધ છે.
વળી જો સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થતાં તેની સાથે જ પૂરું ચારિત્ર ઊઘડી જતું હોય ને વર્તનનો જરા પણ
દોષ ન રહેતો હોય તો સાધકપણાના પ્રકારો જ પડે નહિ પણ સમ્યક્શ્રદ્ધા સાથે જ બધા જીવોને વીતરાગતા
થઈ જાય, એટલે કથંચિત્ ગુણભેદરૂપ જે વસ્તુસ્વરૂપ છે તે સિદ્ધ થાય નહિ, માટે તે પણ વિરુદ્ધ છે.
આત્મવસ્તુમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર વગેરે અનેક ગુણો છે અને ગુણ અપેક્ષાએ તે દરેકનું કાર્ય ભિન્ન
ભિન્ન છે–આમ યથાર્થ અનેકાંતને સમજે તો જ વસ્તુસ્વરૂપની સિદ્ધિ થાય.
[૧૮] કલ્યાણ કેમ થાય?
જીવને અવસ્થામાં અકલ્યાણ છે તે ટાળીને કલ્યાણ પ્રગટ કરવું છે. અવસ્થામાં અકલ્યાણ છે તે ટળીને
કલ્યાણ ક્યાંથી આવશે? અવસ્થામાં અકલ્યાણ હોવા છતાં, જેમાંથી કલ્યાણ પ્રગટે છે એવી ધ્રુવ વસ્તુની
શ્રદ્ધા કરવાથી તેના આધારે કલ્યાણ પ્રગટતું જાય છે. ધ્રુવ વસ્તુની શ્રદ્ધા થઈ ત્યાં અંશે કલ્યાણ પ્રગટ્યું છે ને
હજી અંશે અકલ્યાણ પણ છે. જો સંપૂર્ણ કલ્યાણ થઈ જાય તો અકલ્યાણ બાકી રહે નહિ. રાગદ્વેષ તે અકલ્યાણ
છે ને વીતરાગભાવ તે કલ્યાણ છે. અવસ્થામાં અંશે અકલ્યાણ (–રાગદ્વેષ) હોવા છતાં શુદ્ધ આત્માનો વિવેક
થાય છે ને સમ્યક્શ્રદ્ધા જ્ઞાનરૂપ કલ્યાણ પ્રગટે છે. તેથી શ્રીઆચાર્યદેવે પહેલાંં શુદ્ધ આત્માને જાણવાની વાત
મૂકી છે. શુદ્ધાત્માને જાણવાની સાથે જ પૂરું જ વર્તન (–વીતરાગતા) થઈ જતું નથી પણ તેમાં ક્રમ પડે છે.
જો સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થતાંની સાથે જ ચારિત્ર પૂરું થઈ જતું હોય તો સાધકદશા રહે નહિ.

PDF/HTML Page 12 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૭ : ૧૯૧:
[૧૯] દરેક જીવની સ્વતંત્રતા અને દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરેની સિદ્ધિ
‘શુદ્ધાત્માને જે ધ્રુવ જાણે છે તેને...શુદ્ધાત્મત્વ હોય છે’ એમ કહ્યું, એટલે જો બધા જીવો શુદ્ધાત્માને જાણે
તો જ પોતાને શુદ્ધાત્મા જણાય–એમ નથી, પણ બધા જીવોથી પોતે સ્વતંત્ર છે. બધા આત્મા જુદા જુદા સ્વતંત્ર
છે, તેમાંથી જે શુદ્ધાત્માને જાણે તેને જ શુદ્ધાત્મદશા પ્રગટે છે, ને જે શુદ્ધાત્માને નથી જાણતો તેને શુદ્ધાત્મદશા થતી
નથી. વળી આમાં પરિણમન પણ નક્કી થઈ ગયું; કેમ કે અનાદિથી શુદ્ધ આત્માને જાણ્યો ન હતો તે અજ્ઞાનદશા
પલટીને હવે શુદ્ધત્માને જાણ્યો. જો અવસ્થા પલટતી ન હોય તો એમ બની શકે નહિ. એ પ્રમાણે શુદ્ધ આત્માને
જાણીને તેમાં લીનતાથી જે પૂર્ણ શુદ્ધ થઈ ગયા તે ‘દેવ’ છે. શુદ્ધાત્માને જાણ્યો હોવા છતાં જેમને હજી પૂર્ણ
શુદ્ધદશા પ્રગટી નથી પણ સાધકદશા છે તે ‘ગુરુ’ છે, ને આવા દેવ–ગુરુની અનેકાંતમય વાણી તે શાસ્ત્ર છે. શુદ્ધ
આત્માને જાણે તે વખતે જ આત્મા પૂરો શુદ્ધ સર્વજ્ઞ થઈ જતો નથી પણ હજી સ્વભાવ તરફ વિશેષપણે વળવાનું
ને અશુદ્ધતા ટાળવાનું–સાધકપણું રહે છે, એટલે જ્ઞાનના ભેદો તેમ જ ગુણસ્થાનના ભેદો પડે છે. –આ રીતે
અનેક પ્રકાર સિદ્ધિ થઈ જાય છે.
[૨૦] સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનનું કાર્ય
આત્મામાં–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરે અનેક ગુણો ત્રિકાળ છે, તેને જો ન માનો તો આ વાત સિદ્ધ થઈ
શકશે નહીં. ચારિત્રની દશામાં વિકાર હોવા છતાં શ્રદ્ધાજ્ઞાને તેનું લક્ષ છોડીને જ્યારે શુદ્ધ આત્મસ્વભાવનો
સ્વીકાર કર્યો ત્યારથી અપૂર્વ ધર્મકળાની શરૂઆત થઈ છે. વર્તનની ક્ષણિક મલિનતાને સમ્યક્શ્રદ્ધા સ્વીકારતી
નથી પણ ધ્રુવ શુદ્ધ દ્રવ્યને જ તે સ્વીકારે છે, અને તે ધ્રુવના જ આધારે વર્તનની પૂર્ણતા થઈને હું સર્વજ્ઞ થઈ
જઈશ–એમ જ્ઞાન જાણે છે.
[૨૧] સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનરૂપ ધર્મ, અને સમ્યક્ચારિત્રરૂપધર્મ: પહેલાંં કેટલો અધર્મ ટળે?
આત્માનો જે શુદ્ધ ધ્રુવસ્વભાવ છે તે તો નિત્ય છે, તે કાયમી પદાર્થને કાંઈ નવો બનાવવો નથી; પણ
વર્તમાન ક્ષણિક અવસ્થામાં અધર્મ છે તે ટાળીને ધર્મદશા નવી પ્રગટ કરવી છે. બધો અધર્મ એક સાથે ટળી જતો
નથી પણ તે ટાળવામાં ક્રમ પડે છે. જે જીવ ધર્મી થાય તેને સૌથી પહેલાંં કેટલો અધર્મ ટળે? પહેલાંં શુદ્ધ
આત્માને જાણતાં મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાજ્ઞાનરૂપ અધર્મ તો ટળી જાય છે, ને ચારિત્રના અધર્મનો એક અંશ ટળે
છે પણ ચારિત્રનો બધો અધર્મ ટળી જતો નથી. પહેલાંં સમ્યક્શ્રદ્ધા અને સમ્યગ્જ્ઞાનરૂપ ધર્મ એક સાથે પ્રગટે છે
ને પછી સમ્યક્ ચારિત્ર થાય છે, તે ચારિત્રધર્મ ક્રમે ક્રમે પ્રગટે છે. ‘હું શુદ્ધ, ધ્રુવ, ઉપયોગસ્વરૂપ છું’ એમ જે
શ્રદ્ધા–જ્ઞાને માન્યું તથા જાણ્યું તે ધર્મ છે, અને જે રાગ–દ્વેષ થાય છે તે અધર્મ છે; એ રીતે સાધકને અંશે ધર્મને
અંશે અધર્મ બંને સાથે છે. પહેલાંં શુદ્ધ આત્માને જાણતો ન હતો ને પુણ્ય–પાપને જ પોતાનું સ્વરૂપ માનતો ત્યારે
તો તે જીવને શ્રદ્ધા, જ્ઞાન ને વર્તન એ ત્રણે ખોટાં હતાં એટલે એકલો અધર્મ જ હતો. તે અધર્મીપણામાં તો જીવ
વિકારને અને પરને જ જ્ઞાનમાં જ્ઞેય કરતો ને તેની જ શ્રદ્ધા કરતો હતો તેને બદલે હવે જ્ઞાનને સ્વ તરફ વાળીને
આત્માને જ જ્ઞાનનું સ્વજ્ઞેય કર્યું ને તેની જ શ્રદ્ધા કરી, ત્યાં જ્ઞાન અને શ્રદ્ધા સુધર્યાં ને ચારિત્રનો પણ એક અંશ
સુધર્યો. છતાં હજી તે ધર્મીને ચારિત્રમાં અંશે વિકાર પણ છે. પરંતુ તે વિકાર હોવા છતાં તેના સમ્યક્શ્રદ્ધા–
જ્ઞાનરૂપ ધર્મનો નાશ થતો નથી. એ રીતે પહેલાંં તો મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાજ્ઞાનરૂપ અધર્મ ટળે છે ને પછી જ
રાગદ્વેષ ટળે છે.
અધર્મદશા વખતે પુણ્ય–પાપને જાણવામાં એકત્વબુદ્ધિથી જે જ્ઞાન રોકાતું હતું તેનું કાર્ય ધર્મદશા થતાં ફર્યું
ને હવે તે ધ્રુવ ચૈતન્યસ્વભાવને જાણવામાં તેના આશ્રયમાં રોકાયું. તથા પહેલાંં જે શ્રદ્ધા પુણ્યપાપને જ આત્મા
માનતી હતી તેણે હવે ધ્રુવ ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા કરી. – આ રીતે જ્ઞાન અને શ્રદ્ધામાં ધર્મની ક્રિયા થઈ. હવે
માત્ર ચારિત્રનો અલ્પ દોષ રહ્યો, તેને પણ શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા વડે ટાળીને પરમાત્મા થઈ જશે. પરંતુ જેને
શ્રદ્ધા–જ્ઞાન જ સાચાં નથી તેને તો કદી વિકાર ટળતો જ નથી. પહેલાંં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થયા પછી જ ચારિત્રદોષ
ટળે ને પરમાત્મદશા થાય.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૯૨: આત્મધર્મ: ૯૩
[૨૨] આત્માનું વર્તન કેમ સુધરે?
લોકો કહે છે કે ‘વર્તન સુધારો.’ પણ વર્તન એટલે શું? દેહની ક્રિયામાં આત્માનું વર્તન નથી. વર્તન
એટલે દેહની ક્રિયા નહિ પણ આત્માના અંતરના ભાવ છે. જેવો શુદ્ધ આત્મા છે તેને સમજીને તેમાં એકાગ્રપણે
વર્તવું તે જ સાચું વીતરાગી વર્તન છે. અને શુદ્ધ આત્માને ન સમજતાં વિકારમાં જ એકાગ્રપણે વર્તવું તે ઊંધુંં
વર્તન છે. જ્યાં પોતાના પૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વભાવને જ જ્ઞાનનું જ્ઞેય કર્યું અને તેની શ્રદ્ધા કરી ત્યાં જ્ઞાન અને
શ્રદ્ધાનું વર્તન તો સુધરી ગયું–અર્થાત્ જ્ઞાન અને શ્રદ્ધા સમ્યક્ થયા. ચારિત્રના વર્તનમાં અમુક વિકાર હોય છતાં
તે વિકારપરિણામ વખતે પણ શ્રદ્ધા–જ્ઞાનને શુદ્ધ સ્વભાવ તરફ વાળીને તેનું વર્તન સુધારી શકાય છે; ને એમ
કરવાથી જ ધર્મની શરૂઆત થાય છે. પર્યાયમાં વિકાર હોવા છતાં તે જ વખતે તે વિકારને મુખ્ય કરીને તેમાં
શ્રદ્ધા–જ્ઞાનને વાળવા તે જ વિધિવડે શુદ્ધાત્મા જણાય છે ને અપૂર્વ કલ્યાણની શરૂઆત થાય છે.
આત્મા ત્રિકાળ છે, તેમાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર એ ત્રણ મુખ્ય ગુણો છે, તેની પર્યાયમાં મલિનતા છે.
અનાદિથી પરાશ્રયે ઊંધુંં પરિણમન હતું તે સ્વભાવનાં આશ્રયે સવળું થાય છે. ચારિત્રમાં કાંઈક વિપરીતતા હોવા
છતાં શ્રદ્ધાં–જ્ઞાન શુદ્ધ સ્વભાવ તરફ વળીને શુદ્ધ આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યે છે. આ જ શુદ્ધ આત્માને જાણવાની
વિધિ છે. આ વિધિથી જે શુદ્ધાત્માને જાણે છે તેને જ આત્માની શુદ્ધતા પ્રગટે છે.
[૨૩] સાચી સામાયિક અને પ્રતિક્રમણ કોને હોય?
સામાયિક એટલે સમતાનો લાભ થવો તે; તે સામાયિક ક્યારે થાય? આત્માના ત્રિકાળ સ્વભાવમાં
જ્ઞાન–આનંદ છે, એવા ત્રિકાળી સ્વભાવને જાણીને તેમાં જે લીન થાય તેને આત્માનો આનંદ પ્રગટે છે ને
રાગદ્વેષના અભાવરૂપ વીતરાગી સમતા હોય છે તે જ સામાયિક છે. એવી જ સામાયિકને ભગવાને ધર્મ અને
મોક્ષનું કારણ કહ્યું છે. તથા તે જીવ મિથ્યાત્વ–અવિરતિ વગેરે પાપથી પાછો ફર્યો તેથી તેને પ્રતિક્રમણ પણ થઈ
ગયું. આવી સાચી સામાયિક અને સાચું પ્રતિક્રમણ શુદ્ધ આત્માની સમજણ વગર કોઈ જીવને હોય નહીં.
[૨૪] મોક્ષાર્થીને મુક્તિનો ઉલ્લાસ [બળદનું દ્રષ્ટાંત]
આત્માએ અનંતકાળથી એક સેકંડ પણ પોતાના સ્વભાવને લક્ષમાં લીધો નથી, તેથી તેની સમજણ કઠણ
લાગે છે ને શરીરાદિ બાહ્ય ક્રિયામાં ધર્મ માનીને મનુષ્યભવ મફતમાં ગુમાવે છે. જો આત્મસ્વભાવની રુચિથી
અભ્યાસ કરે તો તેની સમજણ સહેલી છે, સ્વભાવની વાત મોંઘી ન હોય. દરેક આત્મામાં સમજવાનું સામર્થ્ય છે.
પણ પોતાની મુક્તિની વાત સાંભળીને અંદરથી ઉલ્લાસ આવવો જોઈએ, તો ઝટ સમજાય. જેમ બળદને જ્યારે
ઘેરથી છોડીને ખેતરમાં કામ કરવા લઈ જાય ત્યારે તો ધીમે ધીમે જાય ને જતાં વાર લગાડે; પણ જ્યારે ખેતરના
કામથી છૂટીને ઘરે પાછા વળે ત્યારે તો દોડતા દોડતા આવે. કેમ કે તેને ખબર છે કે હવે કામના બંધનથી છૂટીને
ચાર પહોર સુધી શાંતિથી ઘાસ ખાવાનું છે, તેથી તેને હોંશ આવે છે ને તેની ગતિમાં વેગ આવે છે. જુઓ, બળદ
જેવા પ્રાણીને પણ છૂટકારાની હોંશ આવે છે. તેમ આત્મા અનાદિ કાળથી સ્વભાવ–ઘરથી છૂટીને સંસારમાં રખડે
છે; શ્રીગુરુ તેને સ્વભાવ–ઘરમાં પાછો વળવાની વાત સંભળાવે છે. પોતાની મુક્તિનો માર્ગ સાંભળીને જીવને જો
હોંશ ન આવે તો તે પેલા બળદમાંથી યે જાય! પાત્ર જીવને તો પોતાના સ્વભાવની વાત સાંભળતાં જ અંતરથી
મુક્તિનો ઉલ્લાસ આવે છે અને તેનું પરિણમન સ્વભાવસન્મુખ વેગથી વળે છે. જેટલો કાળ સંસારમાં રખડ્યો
તેટલો કાળ મોક્ષનો ઉપાય કરવામાં ન લાગે, કેમ કે વિકાર કરતાં સ્વભાવ તરફનું વીર્ય અનંતુ છે તેથી તે અલ્પ
કાળમાં જ મોક્ષને સાધી લ્યે છે. પણ તે માટે જીવને અંતરમાં યથાર્થ ઉલ્લાસ આવવો જોઈએ.
[૨પ] મોક્ષાર્થીને મુક્તિનો ઉલ્લાસ [વાછરડાનું દ્રષ્ટાંત]
શ્રી પરમાત્મ–પ્રકાશમાં પશુનો દાખલો આપીને કહે છે કે મોક્ષમાં જો ઉત્તમ સુખ ન હોત તો પશુ

PDF/HTML Page 14 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૭ : ૧૯૩ :
પણ બંધનમાંથી છૂટકારાની ઈચ્છા કેમ કરત? જુઓ, બંધનમાં બંધાયેલ વાછરડાને પાણી પાવા માટે
બંધનથી છૂટો કરવા માંડે ત્યાં તે છૂટવાના હરખમાં કૂદાકૂદ કરવા માંડે છે; અહા! છૂટવાના ટાણે ઢોરનું બચ્ચું પણ
હોંશથી કૂદકા મારે છે–નાચે છે. તો અરે જીવ! તું અનાદિ અનાદિકાળથી અજ્ઞાનભાવે આ સંસારબંધનમાં
બંધાયેલો છે, અને હવે આ મનુષ્યભવમાં સત્સમાગમે એ સંસારબંધનથી છૂટવાના ટાણાં આવ્યા છે. શ્રી
આચાર્યદેવ કહે છે કે અમે સંસારથી છૂટીને મોક્ષ થાય તેવી વાત સંભળાવીએ અને તે સાંભળતાં જો તને
સંસારથી છૂટકારાની હોંશ ન આવે તો તું પેલા વાછરડામાંથી પણ જાય તેવો છે! ખુલ્લી હવામાં ફરવાનું ને છૂટા
પાણી પીવાનું ટાણું મળતાં છૂટાપણાની મોજ માણવામાં વાછરડાને પણ કેવી હોંશ આવે છે! તો જે સમજવાથી
અનાદિના સંસારબંધન છૂટીને મોક્ષના પરમ આનંદની પ્રાપ્તિ થાય–એવી ચૈતન્યસ્વભાવની વાત જ્ઞાની પાસેથી
સાંભળતાં ક્યા આત્માર્થી જીવને અંતરમાં હોંશ ને ઉલ્લાસ ન આવે? અને જેને અંતરમાં સત્ સમજવાનો
ઉલ્લાસ છે તેને અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહીં. પહેલાંં તો જીવને સંસારભ્રમણમાં મનુષ્યભવ અને
સત્નું શ્રવણ જ મળવું બહુ મોંઘું છે. અને કવચિત્ સત્નું શ્રવણ મળ્‌યું ત્યારે પણ જીવે અંતરમાં વિચાર કરીને,
સત્નો ઉલ્લાસ લાવીને, અંતરમાં બેસાર્યું નહિ, તેથી જ સંસારમાં રખડ્યો. ભાઈ, આ તને નથી શોભતું! આવા
મોંઘા અવસરે પણ તું આત્મસ્વભાવને નહિ સમજ તો ક્યારે સમજીશ? અને એ સમજ્યા વગર તારા
ભવભ્રમણનો છેડો ક્યાંથી આવશે? માટે અંદરથી ઉલ્લાસ લાવીને સત્સમાગમે સાચી સમજણ કરી લે.
[૨૬] જિજ્ઞાસા
જીવ અજ્ઞાનને લીધે અનાદિકાળથી અવતારમાં બળદની જેમ દુઃખી થઈ રહ્યો છે; છતાં તેનાથી છૂટવાની
જિજ્ઞાસા પણ મૂઢ જીવને થતી નથી. નાના ગામડામાં એક ખેડૂત પૂછતો હતો કે ‘મહારાજ! આત્મા અવતારમાં
રઝડે છે, તે રઝડવાનો અંત આવે ને મુક્તિ થાય એવું કંઈક બતાવો!’ આવો જિજ્ઞાસાનો પ્રશ્ન પણ કોઈકને જ
ઊઠે છે. આવા મોંઘાં ટાણાં ફરી ફરીને મળતા નથી, માટે જિજ્ઞાસુ થઈ, અંતરમાં મેળવણી કરીને સાચું
આત્મસ્વરૂપ શું છે તે સમજવું જોઈએ; કેમ કે જે શુદ્ધ આત્માને ઓળખે છે તે જ શુદ્ધાત્માની પ્રાપ્તિ કરે છે.
પ્રૌઢ વયના ગૃહસ્થો માટે–
શ્રી જૈનદર્શન–શિક્ષણવર્ગ
અગાઉની માફક આ વર્ષે શ્રાવણ સુદ ૨ (તા. ૪–૮–પ૧)
શનિવારથી શરૂ કરીને શ્રાવણ વદ ૧૦ (તા. ૨૬–૮–પ૧) રવિવાર
સુધી, સોનગઢમાં શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી
તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે એક જૈનદર્શન શિક્ષણવર્ગ ખોલવાનું
નક્કી કર્યું છે. ખાસ પ્રૌઢ ઉંમરના જિજ્ઞાસુ ભાઈઓ માટે આ વર્ગ
ખોલવામાં આવ્યો છે. જે મુમુક્ષુ ભાઈઓને વર્ગમાં આવવાની
ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે સૂચના મોકલી દેવી.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૯૪: આત્મધર્મ: ૯૩
પુણ્ય અને ધર્મ
(જૈનદર્શન શિક્ષણવર્ગની પરીક્ષામાં પહેલાં પ્રશ્નના ઉત્તરરૂપ નિબંધ)
ઘણા અજ્ઞાની જીવો પુણ્ય અને ધર્મ એ બંનેને એક જ ચીજ માને છે, પણ ખરેખર તો પુણ્ય અને ધર્મ
બંને જુદી જુદી ચીજ છે. ધર્મ તો આત્માના આશ્રયે થાય છે ને પુણ્ય પરના આશ્રયે થાય છે; ધર્મનું ફળ મોક્ષ છે
ને પુણ્યનું ફળ સંસાર છે; ધર્મ તે આત્માનો શુદ્ધ ભાવ છે ને પુણ્ય તો અશુદ્ધભાવ છે.
ધર્મ એ આત્માની નિર્દોષ નિર્વિકારી પર્યાય છે, ધર્મથી આત્માને સાચું સુખ મળે છે, ધર્મ ત્રિકાળી
આત્માના આધારે થાય છે, વિકાર કે પરપદાર્થના લક્ષે ધર્મ થતો નથી. પણ અજ્ઞાની જીવ પુણ્યમાં અને
બહારની ક્રિયામાં ધર્મ માને છે, તે અજ્ઞાની જીવ ધર્મનું સ્વરૂપ સમજતો નથી. ધર્મ તો વીતરાગભાવ છે. પુણ્ય
તે રાગભાવ છે.
પુણ્ય તો આ જીવ અનાદિ કાળથી કરતો આવ્યો છે, પણ જીવે ધર્મ તો અનાદિકાળમાં એક સમયમાત્ર
પણ કર્યો નથી. પુણ્યથી તો બહારની સામગ્રી મળે છે જ્યારે ધર્મથી તો આત્માની કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી મળે છે.
પુણ્ય તો અજ્ઞાની અને અભવ્ય જીવ પણ કરે છે પણ તેને આત્માના ભાન વગર ધર્મ જરાપણ થતો નથી.
જેઓ સિદ્ધ થયા છે અને ખરું સુખ પામ્યા છે તેઓ ધર્મથી જ ખરું સુખ પામ્યા છે. પુણ્યથી ધર્મ થતો
નથી તેમ જ તેનાથી ખરું સુખ મળતું નથી, પુણ્યથી તો બંધન થાય છે ને બંધન તો સંસારપરિભ્રમણનું જ
કારણ છે.
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર તે આત્માની દોષ વગરની અવિકારી પર્યાય છે, તેને
મોક્ષમાર્ગ કહો, સંવર કહો, ધર્મ કહો, રત્નત્રય કહો કે આત્માની શાંતિનો ઉપાય કહો, –જે કહો તે એક જ છે.
પરંતુ એ સિવાય પુણ્ય તો વિકારી પર્યાય છે, તેથી પુણ્ય તે ખરેખર મોક્ષમાર્ગ નથી, પુણ્ય તે સંવર નથી, પુણ્ય તે
ધર્મ નથી, પુણ્ય તે રત્નત્રય નથી, પુણ્ય તે આત્માની શાંતિનો ઉપાય નથી.
જેમ એક લીંડીપીપર હોય તેને ૬૪ પહોર ઘસવાથી જે તીખાસ આવે છે તે લીંડીપીપરમાં અપ્રગટપણે
હતી તે જ પ્રગટ થઈ છે, તે તીખાસ ક્યાંય બહારમાંથી એટલે કે પત્થરમાંથી કે હાથમાંથી આવતી નથી. તેમ
આત્મામાં ધર્મ (–શાંતિ) શક્તિરૂપે ભરપૂર છે, તેની ઓળખાણ–શ્રદ્ધા, જ્ઞાન કરીને તેમાં એકાગ્ર થવાથી તે પ્રગટે
છે. એ ધર્મ ક્યાંય બહારમાંથી એટલે કે દેહની ક્રિયા કે પૈસા વગેરેમાંથી આવતો નથી. જેમ લીંડીપીપરની
તીખાસ લીંડીમાંથી આવે છે તેમ માત્માની ધર્મરૂપી તીખાસ આત્માના સ્વભાવમાંથી જ આવે છે, પુણ્યમાંથી કે
પર પદાર્થોમાંથી તે આવતી નથી. પુણ્ય અને ધર્મનું સ્વરૂપ જુદું જુદું જે રીતે છે તે રીતે ઓળખવું જોઈએ.
ભગવાને નવ તત્ત્વો કહ્યા છે–જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ સંવર, નિર્જરા અને મોક્ષ,
આમાંથી સંવર અને નિર્જરા તત્ત્વમાં ધર્મનો સમાવેશ થાય છે. પણ પુણ્યતત્ત્વમાં કાંઈ ધર્મનો સમાવેશ થતો
નથી. અજ્ઞાનીઓ પુણ્યથી ધર્મ માને છે. જેઓ પુણ્યથી ધર્મ માને છે તેઓ પુણ્યતત્ત્વને અને સંવર–નિર્જરાતત્ત્વને
એક જ માને છે, એટલે તેઓ ખરેખર નવ તત્ત્વને સમજ્યા નથી. અને તેથી તેઓએ સર્વજ્ઞ તીર્થંકર ભગવાનને
કે જ્ઞાનીને પણ ખરેખર માન્યા નથી. માટે જિજ્ઞાસુઓએ પુણ્ય અને ધર્મ એ બંનેને જુદા જુદા જાણવા જોઈએ.

PDF/HTML Page 16 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૭ : ૧૯૫:
શ્રી સનાતન જૈન શિક્ષણવર્ગ
વિદ્યાર્થીઓને ઉનાળાની રજાઓ દરમિયાન તા. ૧૧–પ–પ૧ વૈશાખ સુદ પાંચમથી તા. ૪–૬–પ૧ વૈશાખ
વદ અમાસ સુધી સોનગઢમાં શ્રી જૈન સ્વાધ્યાય મંદિર તરફથી જૈનદર્શન શિક્ષણવર્ગ ખોલવામાં આવ્યો હતો. સં
૧૯૯૭ થી માંડીને દર વર્ષે આવો શિક્ષણવર્ગ ખોલવામાં આવે છે. વચમાં ત્રણ વખત પૂ. ગુરુદેવશ્રી વિહારમાં
હોવાથી એ વર્ગ ખોલાયો ન હતો; એ રીતે ‘શિક્ષણવર્ગ’ નું આ આઠમું વર્ષ હતું. આ વર્ગમાં આવેલા બાળકોને
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકાનો એક અધ્યાય તથા છહઢાળાની પહેલી બે ઢાળ શીખવવામાં આવી હતી. તા. ૨–૬–
પ૧ ના રોજ વર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી, ને વિદ્યાર્થીઓને લગભગ ૧પ૦ રૂા. નાં પુસ્તકો ઈનામ
તરીકે વહેંચાયા હતા. તથા પાસ થયેલા વિદ્યાર્થીઓને શ્રી જૈન સ્વાધ્યાય મંદિર તરફથી છાપેલા સર્ટિફિકેટ
આપવામાં આવ્યા હતા. પરીક્ષામાં વિદ્યાર્થીઓને પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબો અહીં આપવામાં આવે છે:–
પ્રશ્ન: ૧
નીચેના કોઈ પણ એક વિષય ઉપર લગભગ ૨૦ લીટીનો નિબંધ લખો–
(૧) સંસારમાં પરિભ્રમણ કરતો જીવ શા કારણે અનંત દુઃખ ભોગવે છે?
(૨) પુણ્ય અને ધર્મ.
[આ પ્રશ્નના ઉત્તરરૂપે પ્રાપ્ત થયેલા નિબંધો આ અંકમાં અન્યત્ર છપાયા છે, ત્યાંથી વાંચી લેવા.]
પ્રશ્ન: ૨
() સાત તત્ત્વોનાં નામ લખી આસ્રવ અને નિર્જરા તત્ત્વની બાબતમાં મિથ્યાદ્રષ્ટિ શી ભૂલ કરે છે તે લખો.
() આત્માનું સ્વરૂપ સુખરૂપ છે અને તે સમજવું સહેલું છે છતાં તેને કષ્ટદાયક અને સમજવું કઠણ કોણ માને
છે? અને તે ક્યા તત્ત્વની ભૂલ કરે છે?
(ग
ભૂલ છે?
ઉત્તર: ૨
() જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ–એ સાત તત્ત્વો છે. તેમાં મિથ્યાદ્રષ્ટિ જીવ
આસ્રવતત્ત્વ બાબતમાં એ ભૂલ કરે છે કે–મિથ્યાત્વ અને રાગ–દ્વેષાદિ આસ્રવ ભાવો પ્રગટપણે જીવને દુઃખ
દેનાર હોવા છતાં તેને સુખરૂપ માનીને તેનું સેવન કરે છે. પુણ્ય તે આસ્રવરૂપ હોવા છતાં તેને તે ધર્મનું
કારણ માને છે. તથા આત્મભાનપૂર્વક ઈચ્છાનો નિરોધ તે તપ છે, તેનાથી નિર્જરા થાય છે, તે સુખરૂપ
હોવા છતાં અજ્ઞાની તેને કલેશરૂપ માને છે અને પાંચ ઈન્દ્રિયવિષયોમાં પ્રીતિ કરે છે, –આ નિર્જરાતત્ત્વની
ભૂલ છે.
() આત્માનું સ્વરૂપ સમજવું સહેલું અને સુખરૂપ હોવા છતાં અજ્ઞાની તેને કઠણ અને દુઃખરૂપ માને છે; તેમાં
તે સંવરતત્ત્વની ભૂલ કરે છે.
() શરીરને અનુકૂળતા થતાં ‘હું સુખી છું’ ને પ્રતિકૂળતા થતાં ‘હું દુઃખી છું’ એમ અજ્ઞાની જીવ માને છે અને તે
જીવતત્ત્વની ભૂલ કરે છે. કેમ કે જીવ તો ચૈતન્યમય અમૂર્તિક છે, તે દેહથી જુદો છે, તેને તે જાણતો નથી.
પ્રશ્ન: ૩
() પર્યાયની વ્યાખ્યા લખો ને તેના ક્યા ક્યા ચાર પ્રકાર છે તે લખો?

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૯૬: આત્મધર્મ: ૯૩
() તે ચાર પ્રકારમાંથી (૧) સંસારી રાગી જીવને, (૨) અર્હંત ભગવાનને તથા (૩) એક છૂટા પરમાણુને
ક્યા ક્યા પર્યાયો હોય છે?
() મહાવીર ભગવાનના પર્યાયોને સીમંધર ભગવાનના તથા ઋષભદેવ ભગવાનના પર્યાયો સાથે સરખાવો.
ઉત્તર: ૩
() ગુણના વિકારને (એટલે કે વિશેષકાર્યને) પર્યાય કહે છે. પર્યાયના ચાર પ્રકાર: ૧–સ્વભાવ અર્થપર્યાય
૨–વિભાવઅર્થપર્યાય; ૩–સ્વભાવ વ્યંજનપર્યાય અને ૪–વિભાવવ્યંજનપર્યાય.
() સંસારી અજ્ઞાની જીવને વિભાવઅર્થપર્યાય તથા વિભાવવ્યંજનપર્યાય હોય છે.
અર્હંત ભગવાનને સ્વભાવઅર્થપર્યાય, વિભાવ અર્થપર્યાય તથા વિભાવવ્યંજનપર્યાય હોય છે.
એક છૂટા પરમાણુને સ્વભાવઅર્થપર્યાય ને સ્વભાવવ્યંજનપર્યાય હોય છે.
() મહાવીર ભગવાન સિદ્ધ છે, તેમને સ્વભાવઅર્થપર્યાય તથા સ્વભાવવ્યંજનપર્યાય છે. સીમંધર ભગવાન
અર્હંત છે, તેમના જ્ઞાન વગેરે ગુણના સ્વભાવઅર્થપર્યાય છે તે તો મહાવીર ભગવાન જેવા જ છે, પણ
તેમને બીજા કેટલાક ગુણના વિભાવઅર્થપર્યાયો પણ છે, તથા વિભાવવ્યંજનપર્યાય છે. મહાવીર
ભગવાનને વિભાવપર્યાયો નથી.
મહાવીર ભગવાન અને ઋષભદેવ ભગવાન–એ બંનેના સ્વભાવઅર્થપર્યાયો તો સરખા જ છે, પણ તેમના
સ્વભાવવ્યંજનપર્યાયની આકૃતિમાં એટલો ફેર છે કે મહાવીર ભગવાનની આકૃતિ નાની છે ને ઋષભદેવ
ભગવાનની આકૃતિ મોટી છે.
પ્રશ્ન: ૪
() વર્તમાન કાળે આ ભરતક્ષેત્રમાં જન્મેલા જીવને સળંગ ક્યા ક્યા શરીરો રહ્યાં છે?
() માતાના ઉદરમાં આવેલ જીવને ક્યા શરીરો ઊપજતાં નથી?
() ગૃહીત અને અગૃહીત મિથ્યાદર્શનમાં તફાવત શો?
ઉત્તર: ૪
() વર્તમાનકાળે આ ભરતક્ષેત્રમાં જન્મેલા જીવને કાર્મણ અને તૈજસ એ બે શરીરો સળંગ રહ્યાં છે.
() માતાના ઉદરમાં આવેલ જીવને કાર્મણ અને તૈજસ એ બે શરીરો નવાં ઊપજતાં નથી; તેમ જ આહારક
અને વૈક્રિયિક શરીરો પણ ઊપજતાં નથી.
() ગૃહીત મિથ્યાદર્શન તો કુગુરુ વગેરેના ઉપદેશથી, જન્મ્યા પછી નવું ગ્રહણ કરેલું છે, અને અગૃહીત
મિથ્યાદર્શન કોઈના ઉપદેશ વગર અનાદિથી ચાલ્યું આવે છે. ગૃહીત મિથ્યાદર્શન તો જીવે પૂર્વે છોડ્યું પણ
છે પણ અગૃહીત મિથ્યાદર્શન અજ્ઞાની જીવે કદી છોડ્યું નથી. ગૃહીત મિથ્યાદર્શન છૂટવા છતાં અગૃહીત
મિથ્યાદર્શન રહી જાય છે; અગૃહીત મિથ્યાદર્શન છૂટે તેને ગૃહીત મિથ્યાદર્શન પણ છૂટી જ જાય છે.
એકવાર પણ અગૃહીત મિથ્યાદર્શન છોડે તો જીવની મુક્તિ થયા વગર રહે નહિ. પોતાના આત્માના
સ્વરૂપ સંબંધી ભૂલ તે અગૃહીત મિથ્યાદર્શન છે અને દેવગુરુશાસ્ત્રના સ્વરૂપસંબંધી ભૂલ તે ગૃહીત
મિથ્યાદર્શન છે.
પ્રશ્ન: પ
નીચેના પ્રશ્નોના જવાબ લખી તેનાં કારણો આપો–
(૧) પૈસા વડે ધર્મ થાય?
(૨) સિદ્ધ પરમાત્માને આકાર હોય?

PDF/HTML Page 18 of 21
single page version

background image
અષાઢ: ૨૪૭૭ : ૧૯૭:
(૩) આકાશના કટકા થઈ શકે?
(૪) ધર્માસ્તિકાય ગતિ કરી શકે?
(પ) તમે ક્ષમા કરી શકો છો?
(૬) અલોકાકાશમાં પરિણમન હેય?
ઉત્તર: પ
(૧) પૈસા વડે ધર્મ ન થાય; કેમ કે પૈસા તો જડ છે ને ધર્મ તો આત્માની શુદ્ધ પર્યાય છે.
(૨) સિદ્ધ પરમાત્માને આકાર હોય છે; કેમ કે તેમનામાં પ્રદેશત્ત્વ ગુણ છે, પ્રદેશત્ત્વગુણને લીધે દ્રવ્યનો કોઈ ને
કોઈ આકાર જરૂર હોય છે.
(૩) આકાશના કટકા ન થઈ શકે; કેમ કે તે સર્વવ્યાપી એક અખંડ દ્રવ્ય છે.
(૪) ધર્માસ્તિકાય પોતે ગતિ ન કરી શકે, કેમ કે તેનામાં તેવી ક્રિયાવતી શક્તિ નથી. ગતિ તો જીવ અને
પુદ્ગલ એ બે દ્રવ્યો જ કરી શકે છે. તે ગતિ કરતાં દ્રવ્યોને ધર્માસ્તિકાય નિમિત્ત થાય એવો
ગતિહેતુત્ત્વગુણ તેનામાં છે પણ તે પોતે તો સદા સ્થિર જ રહે છે.
(પ) આત્મા ક્ષમા કરી શકે છે, કેમ કે તેનામાં ચારિત્ર નામનો ગુણ છે.
(૬) અલોકાકાશને પણ પરિણમન હોય છે, કેમ કે આકાશમાં દ્રવ્યત્વગુણ છે, તેથી તેની હાલત સદાય બદલાયા
કરે છે.
પ્રશ્ન: ૬ (૧)
એક ભાઈએ કહ્યું કે ‘શ્રીગુરુએ ઈચ્છા થઈ ને તેમના મુખમાંથી વાણી નીકળી, તેનું શ્રવણ કરીને મારું
મિથ્યાજ્ઞાન ટળીને મને સમ્યગ્જ્ઞાન થયું ને ભવિષ્યમાં ઉગ્ર પુરુષાર્થ કરીને હું કેવળજ્ઞાન પ્રાપ્ત કરીશ.’
ઉપરના વાક્યમાંથી નીચે લખેલા બોલો વચ્ચે ચાર પ્રકારના અભાવમાંથી ક્યો અભાવ લાગુ પડે છે તે
લખીને તેનું કારણ જણાવો–
(૧) શ્રીગુરુની ઈચ્છા અને વાણી
(૨) મુખ અને વાણી
(૩) તેમની વાણી અને મારું સમ્યગ્જ્ઞાન
(૪) મારું સમ્યગ્જ્ઞાન અને મિથ્યાજ્ઞાન
(પ) મારું સમ્યગ્જ્ઞાન અને કેવળજ્ઞાન.
ઉત્તર: ૬ (૧)
(૧) શ્રીગુરુની ઈચ્છા અને વાણી વચ્ચે અત્યંત અભાવ છે, કેમ કે ઈચ્છા તે જીવની પર્યાય છે ને વાણી તે
અજીવની પર્યાય છે; જીવ અને અજીવની પર્યાયનો એકબીજામાં અત્યંત અભાવ છે.
(૨) મુખ અને વાણી વચ્ચે અન્યોન્ય અભાવ છે; કેમ કે તે બંને પુદ્ગલની પર્યાયો છે. એક પુદ્ગલની વર્તમાન
પર્યાયનો બીજા પુદ્ગલની વર્તમાન પર્યાયમાં અભાવ હોય તેને અન્યોન્ય અભાવ કહે છે.
(૩) શ્રીગુરુની વાણી અને મારા સમ્યગ્જ્ઞાન વચ્ચે અત્યંત અભાવ છે; કેમ કે વાણી જડની પર્યાય છે ને
સમ્યગ્જ્ઞાન તે આત્માની પર્યાય છે. જડ અને ચેતનની પર્યાયોનો એકબીજામાં અત્યંત અભાવ છે.
(૪) મારી સમ્યગ્જ્ઞાનરૂપ વર્તમાન પર્યાયનો પૂર્વની મિથ્યાજ્ઞાન પર્યાયમાં અભાવ તે પ્રાક્અભાવ છે; કેમ કે
એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો તેની પૂર્વ પર્યાયમાં અભાવ તે પ્રાક્અભાવ છે.
(પ) મારી વર્તમાન સમ્યગ્જ્ઞાન પર્યાયનો ભવિષ્યની કેવળજ્ઞાન પર્યાયમાં અભાવ છે તે પ્રધ્વંસઅભાવ છે; કેમ
કે એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો તેની ભવિષ્યની પર્યાયમાં અભાવ તે પ્રધ્વંસઅભાવ છે.
પ્રશ્ન: ૬ (૨)
(૧) ભાષાવર્ગણા અને વાણી (શબ્દો) માં, તથા
(૨) મિથ્યાજ્ઞાન અને સમ્યગ્જ્ઞાનમાં ઉત્પાદ્–વ્યયધ્રૌવ્ય સમજાવો.
ઉત્તર: ૬ (૨)
(૧) ભાષાવર્ગણા અને વાણી તે બંને પુદ્ગલદ્રવ્યની પર્યાયો છે; જ્યારે ભાષાવર્ગણા પલટીને વાણી થાય છે
ત્યારે તે પુદ્ગલમાં વાણીરૂપ પર્યાયનો

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૯૮: આત્મધર્મ: ૯૩
ઉત્પાદ્ થાય છે, પૂર્વની ભાષાવર્ગણારૂપ પર્યાયનો વ્યય થાય છે, અને પુદ્ગલ ધ્રુવપણે રહે છે.
(૨) મિથ્યાજ્ઞાન અને સમ્યગ્જ્ઞાન એ બંને, જીવના જ્ઞાનગુણની પર્યાયો છે; જ્યારે મિથ્યાજ્ઞાન ટળીને સમ્યગ્જ્ઞાન
પ્રગટે છે ત્યારે જ્ઞાનગુણમાં સમ્યગ્જ્ઞાન પર્યાયનો ઉત્પાદ્ થાય છે, પૂર્વની મિથ્યાજ્ઞાનપર્યાયનો વ્યય થાય છે અને
જ્ઞાનગુણ ધ્રુવપણે રહે છે.
પ્રશ્ન: ૭
નીચે લખેલા પદાર્થોમાંથી દ્રવ્ય, ગુણ, પર્યાયને ઓળખી કાઢો. તથા તેમાં જે દ્રવ્ય હોય તેનો વિશેષ ગુણ લખો,
જે ગુણ હોય તે કયા દ્રવ્યનો–કેવી જાતનો ગુણ છે તે લખો, અને જે પર્યાય હોય તે ક્યા દ્રવ્યના ક્યા ગુણનો
કેવો (વિકારી કે અવિકારી) પર્યાય છે તે જણાવો.
(૧) ખટાશ (૨) સમ્યગ્દર્શન (૩) રાત
(૪) તાવ (પ) સ્થિતિહેતુત્વ (૬) કાળાણુ
(૭) મૃગજળ (૮) કેવળજ્ઞાન (૯) સમુદ્ઘાત (૧૦) અરિસામાં દેખાતું અગ્નિની જ્વાળાનું પ્રતિબિંબ
ઉત્તર: ૭
(કાળદ્રવ્યની પર્યાયમાં અવિકારી કે વિકારી–એવા ભેદ પડતા નથી.)
(૪) તાવ તે પર્યાય છે:– પુદ્ગલદ્રવ્યના સ્પર્શ ગુણની. (વિકારી)
(પ) સ્થિતિહેતુત્ત્વ તે ગુણ છે:– અધર્માસ્તિકાયદ્રવ્યનો વિશેષગુણ.
(૬) કાળાણુ તે દ્રવ્ય છે:– પરિણમનહેતુત્ત્વ તેનો વિશેષગુણ છે.
(૭) મૃગજળ તે પર્યાય છે:– પુદ્ગલદ્રવ્યના રંગ ગુણની. (વિકારી)
(૮) કેવળજ્ઞાન તે પર્યાય છે:– જીવદ્રવ્યના જ્ઞાનગુણની. (અવિકારી)
(૯) સમુદ્ઘાત તે પર્યાય છે:– જીવદ્રવ્યના પ્રદેશત્વગુણની. (વિકારી)
(૧૦) અરિસામાં દેખાતું અગ્નિની જ્વાળાનું પ્રતિબિંબ તે પર્યાય છે:– પુદ્ગલદ્રવ્યના રંગગુણની. (વિકારી) *
પરીક્ષામાં ૮૦ કરતાં વધારે માકર્સ મેળવનાર છ વિદ્યાર્થીઓ નીચે મુજબ છે:
(૧) શાહ જગદિશચંદ્ર નવલચંદ મુંબઈ માર્ક ૯૪
(૨) વસાણી હસમુખલાલ વેલસીભાઈ રાણપુર માર્ક ૮૯
(૩) શાહ વસંતરાય મગનલાલ બરવાળા માર્ક ૮૬
(૪) શાહ રાજેન્દ્ર પ્રેમચંદ સુરત માર્ક ૮૬
(પ) શાહ અનિલકુમાર હિંમતલાલ ભાવનગર માર્ક ૮૬
(૬) શાહ ભાઈલાલ ઈશ્વરલાલ મહેસાણા માર્ક ૮પ
[અનુસંધાન ટાઈટલ પાન ત્રીજા પરથી ચાલુ]
કુધર્મ છે. જે શસ્ત્ર, વસ્ત્ર કે સ્ત્રી વગેરે રાખે તે સાચા દેવ નથી પણ કુદેવ છે. જેને અંતરમાં મિથ્યાત્વ
વગેરેનો પરિગ્રહ હોય ને બહારમાં વસ્ત્ર–પૈસા–સ્ત્રી વગેરેનો પરિગ્રહ હોય છતાં પોતાને મુનિ વગેરે મનાવે તે
દંભી ગુરુ એટલે કે કુગુરુ છે. કુગુરુઓ પત્થરની નૌકા સમાન છે. જેમ પત્થરની નૌકા પોતે તો ડૂબે છે ને તેમાં
બેસનાર પણ ડૂબે છે, તેમ કુગુરુ પોતે તો સંસારમાં ડૂબે છે ને તેનું સેવન કરનાર પણ સંસારમાં ડૂબે છે. માટે હે
જીવો! જો તમે આ સંસારસમુદ્રથી બચવા ચાહતા હો તો કુદેવ–કુગુરુ–કુધર્મના સેવનને છોડી દઈને સાચા દેવ–
ગુરુ–ધર્મને સ્વીકારો અને આત્માની ઓળખાણ કરીને સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રને આરાધો. સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર તે જ આ ભવસમુદ્રથી તરવાનો ઉપાય છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
જીવને સંસારપરિભ્રમણ અને દુઃખ
શા કારણે થાય છે?
[જૈનદર્શન શિક્ષણ વર્ગની પરીક્ષામાં પહેલાં પ્રશ્નના ઉત્તર રૂપે આવેલા નિબંધોમાંથી]

જીવ અનાદિ કાળથી તિર્યંચ–નરક–મનુષ્ય ને દેવ એવી ચાર ગતિરૂપ સંસારમાં રખડે છે ને તેમાં
અનંતદુઃખ ભોગવે છે. તે સંસાર પરિભ્રમણનું દુઃખ ટાળવા માટે પ્રથમ તે દુઃખનાં કારણો શું છે તે જાણવું જોઈએ.
દુઃખનાં જે કારણો હોય તેને બરાબર ઓળખે તો તેને ટાળીને સુખનો ઉપાય કરે.
કોઈ પર ચીજ આત્માને સંસાર પરિભ્રમણ કરાવતી નથી તેમ જ પર ચીજ આત્માને દુઃખ દેતી નથી, પણ
આત્મા પોતે પોતાના આત્મસ્વરૂપને ભૂલીને મિથ્યાદર્શન–મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્રનું સેવન કરે છે તેથી જ તે
સંસારમાં રખડે છે ને અનંતદુઃખ અનુભવે છે.
* * *
જીવને પોતાના સ્વરૂપનું અજ્ઞાન એટલે કે અગૃહીત મિથ્યાત્વ તો અનાદિનું છે અને તે ઉપરાંત કુદેવ–
કુગુરુ–કુશાસ્ત્રના સેવનથી ગૃહીતમિથ્યાત્વ સેવે છે એટલે મિથ્યાત્વને વધારે દ્રઢ કરે છે. મિથ્યાત્વને લીધે સાત
તત્ત્વને પણ તે વિપરીત માને છે; તે સંસાર પરિભ્રમણના દુઃખનું કારણ છે. જીવ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને
ઓળખે અને તેમના સત્ય ઉપદેશ વડે સાત તત્ત્વોનું તથા પોતાના આત્માનું સ્વરૂપ સમજીને અનાદિના
મિથ્યાત્વને ટાળે ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરે તો તેને મોક્ષના અનંતસુખનો અનુભવ થાય ને તેનું
સંસાર પરિભ્રમણનું દુઃખ ટળી જાય.
જીવને પોતાના આત્મસ્વરૂપના અજ્ઞાનથી અને સાત તત્ત્વોના વિપરીત શ્રદ્ધાનથી અનાદિકાળથી સંસાર
પરિભ્રમણ અને દુઃખ થાય છે. દુઃખ એ કોઈ બહારની ચીજ નથી પણ જીવના મિથ્યાભાવથી થતા રાગ–દ્વેષ–મોહ
તે જ દુઃખ છે. તે દુઃખ કોઈ બહારના સાધનથી ટળતું નથી પણ પોતાની સાચી સમજણથી જ ટળે છે.
જીવનું પોતાનું સ્વરૂપ તો દેહથી ભિન્ન અરૂપી ચૈતન્યમય છે, પણ અજ્ઞાની તેને ભૂલીને દેહને જ પોતાનું સ્વરૂપ
માને છે એટલે કે દેહ તે જ હું છું–એમ તે માને છે. તેથી દેહનો સંયોગ થતાં તે પોતાના આત્માનો જન્મ માને છે
ને દેહનો વિયોગ થતાં તે આત્માનો જ નાશ માને છે એટલે જન્મથી મરણ સુધીનો જ આત્મા છે એમ તે માને
છે. વળી દેહના કામ હું કરું છું, દેહની સગવડઅગવડથી હું સુખી–દુઃખી છું–એમ તે અજ્ઞાની માને છે. મોક્ષના
કારણરૂપ જે સંવર–નિર્જરા છે તેમાં તો તે પ્રીતિ કરતો નથી ને તેને કઠણ માનીને ઈન્દ્રિયવિષયોમાં પ્રીતિ કરે છે.
આવી ઊંધી શ્રદ્ધા તે મિથ્યાત્વ છે ને તે મિથ્યાત્વના પ્રભાવથી જીવ અનાદિથી સંસારમાં રખડે છે. ક્યારેક દુર્લભ
મનુષ્યપણું મળે ત્યારે પણ કુદેવ–કુગુરુ અને કુધર્મના સેવનથી મિથ્યાત્વને પુષ્ટ કરે છે એટલે તેનું સંસારભ્રમણ
મટતું નથી, ને પોતાના દુર્લભ મનુષ્યજીવનને નષ્ટ કરીને પોતાના જ હાથે પોતાનું અકલ્યાણ કરીને અનંતદુઃખ
ભોગવે છે. માટે દુર્લભ મનુષ્યભવ પામીને, સાચા દેવ–ગુરુ ધર્મને ઓળખીને સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્રનું સેવન કરવાથી મોક્ષસુખ પ્રગટે છે, ને સંસારપરિભ્રમણનું દુઃખ ટળે છે.
* * *
કુદેવ કુગુરુ અને કુધર્મનું સેવન કરવાથી જીવ સંસારસમુદ્રમાં ડૂબે છે. જેને જીવ અને શરીર વચ્ચે
ભેદવિજ્ઞાન ન હોય, જે વિકારથી ધર્મ મનાવે, વિષયકષાયોનું પોષણ કરે તે બધા કુદેવ–કુગુરુ ને
(અનુસંધાન પાન ૧૯૮ પર)