Atmadharma magazine - Ank 095
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 23
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૮
સળંગ અંક ૦૯૫
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 23
single page version

background image
વર્ષ ૮ મું અંક ૧૧ મો, વીર સં. ૨૪૭૭ ભાદ્રપદ (વાર્ષિક લવાજમ રૂા. ૩–૦–૦)
૯૫
: સંપાદક:
વકીલ રામજી માણેકચંદ દોશી
અહો, રત્નત્રય–મહિમા!
‘આ રત્નત્રય જ સિદ્ધાંતનું સર્વસ્વ છે તથા તે જ મુક્તિનું કારણ છે; વળી
જીવોનું હિત તે જ છે અને પ્રધાન પદ તે જ છે.
જે સંયમી મુનિઓ પૂર્વે મોક્ષ ગયા છે, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં
જશે તેઓ ખરેખર આ અખંડિત રત્નત્રયને સમ્યક્ પ્રકારે આરાધીને જ ગયા છે,
જાય છે અને જશે.
આ સમ્યક્ રત્નત્રયને પ્રાપ્ત કર્યા વગર કરોડો–અબજો જન્મ ધારણ કરવા
છતાં પણ કોઈ જીવ મોક્ષલક્ષ્મીના મુખકમળને સાક્ષાત્ દેખી શકતા નથી. ’
–શ્રી શુભચન્દ્રાચાર્યદેવ.

PDF/HTML Page 3 of 23
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
* શ્રાવણ વદ ૮ *
* પરમ પૂજ્ય ગુરુદેવશ્રી સુખશાંતિમાં બિરાજે છે.
* પ્રવચનમાં સવારે પ્રવચનસાર વંચાતું હતું તે શ્રાવણ વદ ૩ ના રોજ પૂર્ણ થયું છે અને શ્રાવણ
વદ પ થી શ્રી પંચાસ્તિકાયના વાંચનની શરૂઆત થઈ છે. બપોરે સમયસાર વંચાય છે.
* શ્રાવણ સુદ ૧૩ ના રોજ શેઠ કાળીદાસ રાઘવજીના સુપુત્રોના મકાનોનું વાસ્તુ સોનગઢમાં હતું,
તે પ્રસંગે તેમણે પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન પોતાને ઘેર કરાવ્યું હતું; અને આ પ્રસંગ નિમિત્તે રૂા. ૬૦૧–શ્રી
જૈન સ્વાધ્યાય મંદિરને તથા રૂા. ૧૦૧– ‘શ્રી સદ્ગુરુ–પ્રવચન–પ્રસાદ કાર્યાલય’ ને અર્પણ કર્યા હતા.
* શ્રી નિયમસાર પરમાગમ (ગુજરાતી ભાષામાં) છપાઈ ગયું છે; બાઈન્ડીંગ ચાલી રહ્યું છે....
પર્યુષણ દરમિયાન પ્રસિદ્ધ થઈ જશે. આ શાસ્ત્ર ઘણું ઉત્તમ અને ઘણું સુંદર છે. લાગત મૂલ્ય લગભગ રૂા.
પાંચ હોવા છતાં તેનુ મૂલ્ય સાડા ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે.
* બોટાદ શહેરમાં જિનમંદિરનું ખાતમુહૂર્ત *
શ્રાવણ સુદ ૧૩ ના મંગલ દિને બોટાદ શહેરમાં શ્રી સીમંધરભગવાનના
જિનમંદિરનું ખાતમુહૂર્ત થયું હતું; પુજન વગેરે વિધિ થયા બાદ, બોટાદ મુમુક્ષુમંડળના
આમંત્રણથી પધારેલા પોરબંદરના શેઠ શ્રી નેમિદાસ ખુશાલભાઈ તથા તેમના ધર્મપત્ની
કંચનબેને ઉત્સાહપૂર્વક જિનમંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું. અને આવું પવિત્ર કાર્ય કરવાનું
સૌભાગ્ય પોતાને પ્રાપ્ત થયું તેના ઉલ્લાસમાં રૂા. ૭૫૦૨–બોટાદના જિનમંદિર માટે અર્પણ
કર્યા હતા. –રૂા. ૪૦૦૧–પોતાના નામથી તથા રૂા. ૩૫૦૧–તેમના ધર્મપત્ની કંચનબેનના
નામથી જાહેર કર્યા હતા. આ ઉદાર જાહેરાત બદલ બોટાદ મુમુક્ષુમંડળે તેમનો આભાર
માન્યો હતો.
ખાતમુહૂર્ત વિધિ બાદ, પ્રાસંગિક પ્રવચન દ્વારા પોતાનો ઘણો ઉલ્લાસ વ્યક્ત કરતાં
તેમણે જણાવ્યું હતું કે:
‘બોટાદના મુમુક્ષુમંડળે જિનમંદિરનું ખાતમુહૂર્ત કરવાનો લાભ અમને આપ્યો તે
બદલ હું તેમનો આભારી છું. મને પરમ પૂજય સદ્ગુરુદેવશ્રીનો પ્રથમ પરિચય થવાની
અને તેઓશ્રી પ્રત્યે ભક્તિ જાગૃત થવાની આ ભૂમિ છે અને આ જ ભૂમિમાં પૂ.
ગુરુદેવશ્રીની આમન્યામાં જિનમંદિરનું ખાતમુહૂર્ત મારા હાથે થાય છે તે મારા અહોભાગ્ય
છે. શ્રી જિનમંદિરમાં પ્રતિષ્ઠિત થનારા પ્રતિમાજીને આરસની પ્રતિમા તરીકે તો સૌ લોકો
જાણે છે, પણ જેવા મહાવિદેહક્ષેત્રમાં અસ્ત્ર–વસ્ત્ર–શસ્ત્ર–સ્ત્રી રહિત વીતરાગી ધ્યાન
મુદ્રામાં સીમંધર ભગવાન સાક્ષાત્ બિરાજી રહ્યા છે તેવા જ ભગવાન અહીં જિનમંદિરમાં
બિરાજે છે–એમ આપણે ભક્તિના બળે સ્થાપના કરવાની છે. ચૌદ પૂર્વનો સાર જે
વીતરાગતા છે તે વીતરાગતા આ પ્રતિમાની જિનમુદ્રા, –અક્ષરજ્ઞાનવાળાને કે
અનક્ષરજ્ઞાનવાળાને, –બોધી રહી છે. એવા વીતરાગી પ્રતિમાજીને બિરાજમાન કરવાને
માટે શ્રી જિનમંદિરનું ખાતમુહૂર્ત મારા હાથે થયું તેથી મારા હૃદયમાં હર્ષ સમાતો નથી,
આવા પવિત્ર કાર્યને માટે તન–મન–ધન જેટલું અર્પણ કરી શકાય તેટલું ઓછું છે.
– પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રીના પુનીત પ્રભાવે સૌરાષ્ટ્ર દેશમાં સત્દેવ–ગુરુ–ધર્મની
પ્રભાવના દિન–પ્રતિદિન ખૂબ વધતી જાય છે.... યથાર્થ તત્ત્વજ્ઞાનમાં અનેક જીવો રસ લઈ
રહ્યા છે, અને લાંબા કાળમાં નહિ થયેલી એવી જૈનશાસનની મહાન પ્રભાવના અત્યારે
ઉદય પામી છે.... સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વીતરાગી જિનમંદિરો થયા છે ને થતા જાય છે.
બોટાદમાં આ મંગળકાર્યની શરૂઆત કરવા માટે ત્યાંના મુમુક્ષુઓને ધન્યવાદ! ’

PDF/HTML Page 4 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૭૭ : ૨૨૭ :
‘આત્મા કોણ છે ને
કઈ રીતે પમાય? ’
[]

શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા
આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેના ઉપર પૂજ્ય
ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.

[
પ્રવચનમાં આ પરિશિષ્ટ એક વખત વંચાઈ ગયા બાદ તુરત જ બીજી વખત તેનું વાંચન થયું હતું.
બીજી વખતના પ્રવચનોનો સાર પણ પહેલી વખતના પ્રવચનોની સાથે ઉમેરી દેવામાં આવ્યો છે.]
[વીર સં. ૨૪૭૭ જેઠ વદ ૩ થી શરૂ]
ગતાંકથી ચાલુ
[] અસ્તિત્વનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય અસ્તિત્વનયે સ્વદ્રવ્ય ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિત્વવાળું છે; લોહમય, દોરી ને કામઠાના
અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોન્મુખ તીરની માફક.
અનંત ધર્મના પિંડરૂપ આખું આત્મદ્રવ્ય તો પ્રમાણનો વિષય છે, અને તેને જ અસ્તિત્વનયે જોતાં તે
અસ્તિત્વવાળું છે. સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી આત્મા અસ્તિત્વવાળો છે, એમ અસ્તિત્વનય સ્વથી અસ્તિને જ
લક્ષમાં લ્યે છે; પરથી આત્મા નાસ્તિત્વરૂપ છે તે વાત નાસ્તિત્વનયમાં આવશે. અસ્તિત્વધર્મને જાણે તે
અસ્તિત્વનય. નાસ્તિત્વધર્મને જાણે તે નાસ્તિત્વનય; પ્રમાણજ્ઞાનથી આખી વસ્તુના સ્વીકારપૂર્વક તેના એક
પડખાંને મુખ્ય કરીને જાણે તેનું નામ નય છે. વસ્તુ પોતાના અનંત ભાવોથી ભરેલી છે, ભાવ વગરની કોઈ
વસ્તુ હોય નહિ. વસ્તુને ઓળખવા માટે તેમાં રહેલા ભાવોને ઓળખવા જોઈએ. વસ્તુના ભાવોને (–ધર્મોને)
જાણ્યા વગર તેની પ્રાપ્તિ થાય નહિ. જેમ બજારમાં કાંઈ વસ્તુ લેવા જાય તો તેના ભાવને જાણે છે તેમ અહીં
ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ કરવા માટે તેમાં રહેલા તેના સ્વ–ભાવોને જાણવા જોઈએ. વસ્તુમાં અનંત સ્વભાવો છે
તેમાંથી આ અસ્તિત્વ સ્વભાવનું વર્ણન ચાલે છે.
[સ્વભાવ એટલે વસ્તુનો ધર્મ.]
આત્માનું અસ્તિત્વ છે એમ સામાન્યપણે તો ઘણા માને છે પણ તેનું અસ્તિત્વ કઈ રીતે છે, તેના
સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ કેવા છે? તે જાણ્યા વિના યથાર્થ આત્માનું અસ્તિત્વ જણાય નહિ. આત્માનું અસ્તિત્વ
જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે ઓળખીને માને તો તે ખરેખર આસ્તિક કહેવાય, પણ આત્માના અસ્તિત્વને જે
વિપરીતરૂપે માને તે પરમાર્થે નાસ્તિક છે.
આત્મા પોતાના દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી અસ્તિરૂપ છે. આત્માના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ
સમજાવવા માટે અહીં આચાર્યદેવે તીરનું દ્રષ્ટાંત આપ્યું છે: જેમ કોઈ તીર સ્વદ્રવ્યથી લોહમય છે, સ્વક્ષેત્રથી દોરી
અને કામઠાના વચગાળામાં રહેલું છે, સ્વકાળથી સંધાન દશામાં એટલે કે ધનુષ્ય પર ખેંચાયેલી સ્થિતિમાં છે
અને સ્વભાવથી લક્ષ્યોન્મુખ એટલે કે નિશાનની સન્મુખ છે; એ પ્રમાણે તે તીર પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને
ભાવથી અસ્તિત્વવાળું છે, તેમ આત્મા પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવરૂપ સ્વચતુષ્ટયથી અસ્તિત્વવાળો છે.
૧. સ્વદ્રવ્ય: જેમ બાણ લોહમય છે તે તેનું સ્વદ્રવ્ય

PDF/HTML Page 5 of 23
single page version

background image
: ૨૨૮ : આત્મધર્મ : ૯૫
છે તેમ આત્મા અનંત ગુણ–પર્યાયનો પિંડ ચૈતન્યમય છે તે તેનું સ્વદ્રવ્ય છે.
૨. સ્વક્ષેત્ર: જેમ દોરી અને કામઠાની વચમાં રહેલું છે તે તીરનું સ્વક્ષેત્ર છે તેમ આત્મા પોતાના અસંખ્ય
ચૈતન્યપ્રદેશોમાં રહેલો છે તે તેનું સ્વક્ષેત્ર છે.
૩. સ્વકાળ: જેમ બાણ છૂટવાની તૈયારીમાં એટલે કે ખેંચાયેલી અવસ્થામાં છે તે તેનો સ્વકાળ છે તેમ
આત્મા પોતાની સાધક વગેરે વર્તમાન અવસ્થામાં છે તે તેનો સ્વકાળ છે.
૪. સ્વભાવ: જેમ પોતાના નિશાનની સન્મુખ રહેવારૂપ ભાવ તે તીરનો સ્વભાવ છે તેમ તે તે કાળની
પર્યાયની સન્મુખ થયેલો આત્માનો જે ત્રિકાળી ભાવ છે તે તેનો સ્વભાવ છે.
એ રીતે, જેમ બાણ પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવમાં રહેલું છે તેમ આત્મા પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને
ભાવથી અસ્તિત્વવાળો છે. વસ્તુનું આવું અસ્તિત્વ પોતાથી જ છે, કોઈ પરને લીધે નથી.
બાણની ખેંચાયેલી અવસ્થા તે બાણનો પોતાનો સ્વકાળ છે, માણસના વિકલ્પને લીધે કે હાથને લીધે
બાણની તે અવસ્થાનું અસ્તિત્વ નથી, કેમ કે જો એમ હોય તો બાણનો પોતાનો સ્વકાળ રહેતો નથી. તેનો સ્વકાળ
તેના પોતાના અસ્તિત્વધર્મથી છે, કોઈ બીજાને લીધે નથી. તેમ આત્માની સમ્યગ્દર્શનાદિ પર્યાય તે તેનો પોતાનો
સ્વકાળ છે, કોઈ દેવ–ગુરુ વગેરે પરને લીધે તે સ્વકાળનું અસ્તિત્વ નથી. પોતાના વર્તમાન વર્તતા સ્વકાળમાં દ્રવ્ય
પોતે જ રહેલું છે, દ્રવ્યનો જ તેવો અસ્તિત્વધર્મ છે. એ જ પ્રમાણે કામઠા અને દોરીની વચ્ચે, પોતાની લંબાઈ–
પહોળાઈમાં તીર રહેલું છે તે જ તેનું ક્ષેત્ર છે, આકાશનું ક્ષેત્ર તે બાણનું સ્વક્ષેત્ર નથી, તે તો પરક્ષેત્ર છે, તેમાં બાણ
રહેલું નથી. તેમ આત્મા શરીરનાં ક્ષેત્રમાં રહેલો નથી પણ પોતાના અસંખ્ય આત્મપ્રદેશી ક્ષેત્રમાં જ રહેલો છે.
ભાઈ! તું જો તો ખરો કે તારું અસ્તિત્વ ક્યાંય બહારમાં નથી, તારામાં જ તારું અસ્તિત્વ પૂરેપૂરું ભર્યું છે, સિદ્ધ
ભગવાન થવાનું સામર્થ્ય પણ તારા અસ્તિત્વમાં જ પડ્યું છે, તે ક્યાંય બહારથી આવતું નથી.
જે જ્ઞાન આવા સ્વઅસ્તિત્વને જાણે તેનું નામ અસ્તિત્વનય છે. અહો! એક અસ્તિત્વધર્મ કહેતાં તેમાં
દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવ ચારેય સમાઈ જાય છે. આત્માનું અસ્તિત્વ જાણવા માટે તેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ
જાણવા જોઈએ. તે આ પ્રમાણે છે–
૧. ચૈતન્યમય અનંત ગુણનો પિંડ તે આત્માનું સ્વદ્રવ્ય છે.
૨. શરીરના પ્રમાણમાં છતાં શરીરથી ભિન્ન, અસંખ્ય પ્રદેશી પહોળું તે આત્માનું સ્વક્ષેત્ર છે.
૩. સમ્યગ્દર્શન, મુનિપણું કે સિદ્ધદશા વગેરે એકેક
સમયની વર્તમાન વર્તતી પર્યાય તે આત્માનો સ્વકાળ છે. આત્માનો સ્વકાળ કહ્યો એટલે પરથી કોઈ
અવસ્થા થાય એ વાત જ રહેતી નથી. નિગોદીયા જીવની નિગોદદશા તે પણ તેનો સ્વકાળ છે, તે પોતાથી છે,
કર્મને લીધે નથી.
૪. તે તે સમયની પર્યાયમાં પરિણમતા આત્માના જ્ઞાનાદિ
ભાવો ત્રિકાળ રહે છે. વર્તમાન પર્યાયની સન્મુખ થયેલો ભાવ કાયમ રહે છે એટલે કે જ્ઞાનાદિ ગુણો ત્રણે
કાળે તે તે કાળની પર્યાયે પરિણમી જાય છે, એવો જે ત્રિકાળ ટકનારો ભાવ તે આત્માનો સ્વભાવ છે.
–આવા સ્વદ્રવ્ય–સ્વક્ષેત્ર–સ્વકાળ ને સ્વભાવથી આત્મા અસ્તિત્વરૂપ છે. એક અસ્તિત્વધર્મથી આત્માને
બરાબર સમજે તો બધા ગોટા નીકળી જાય તેવું છે. અસ્તિત્વધર્મ એમ બતાવે છે કે આત્મા પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ ભાવથી છે, પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવને ધરનાર આત્મા જ છે. બસ ખલાસ! ક્યાંય પર સામે જોવાની
કે પરમાંથી કાંઈ લેવાની બુદ્ધિ રહેતી નથી, પોતાના ધર્મ માટે પોતામાં જ જોવાનું રહે છે; આત્માના આવા
અસ્તિત્વ સ્વભાવને સમજે તો તે પોતામાં વળ્‌યા વગર રહે નહિ ને તેને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટીને
પરમાનંદની પ્રાપ્તિ થયા વિના રહે નહિ.
પ્રશ્ન:– આ તો બહુ ઝીણી વાત છે એટલે સમજવી અઘરી લાગે છે, આના કરતાં ‘સ્વાશ્રયે મુક્તિ ને
પરાશ્રયે બંધન’ એમ ટૂંકામાં જ સમજાવી દ્યો ને?
ઉત્તર:– ‘સ્વાશ્રયે મુક્તિ અને પરાશ્રયે બંધન’ એ વાત સાચી પણ એમાં ય ભેગી આ વાત પણ આવી જ
જાય છે. કેમકે ‘સ્વાશ્રયે મુક્તિ’ એમ કહેનારે પણ સ્વનો આશ્રય કરવા માટે ‘સ્વ’ કોણ છે તે તો જાણવું પડશે ને!
સ્વ એટલે પોતાનો આત્મા કોણ છે–કેવો છે તે જાણ્યા વિના તેનો આશ્રય કરશે કેવી રીતે? પહેલાંં જેમ

PDF/HTML Page 6 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૭૭ : ૨૨૯ :
છે તેમ આત્માને જાણે તો જ તેનો આશ્રય કરી શકે. એ રીતે ‘સ્વાશ્રયે મુક્તિ’ એમ કહેતાં પણ પહેલાંં સ્વને
જાણવાની જ વાત આવી. અહીં પરિશિષ્ટમાં શિષ્યનો પણ એ જ પ્રશ્ન હતો કે હે ભગવાન! આ મારો આત્મા
કોણ છે–કેવો છે? કે જેને જાણીને અને તેનો આશ્રય કરીને હું પરમાનંદદશાને પામું. શિષ્યના તે પ્રશ્નના ઉત્તરમાં
આ આત્માનું વર્ણન ચાલે છે, તેમાં આત્માનું અસ્તિત્વ કેવું છે તે ઓળખાવે છે. માટે ઝીણી લાગે તો પણ
રુચિપૂર્વક ધ્યાન રાખીને આ વાત બરાબર સમજવા જેવી છે. હવે તો બહુ સ્પષ્ટ અને સહેલું કરીને સમજાવાય
છે, પણ તે સમજવા માટે મગજમાંથી બીજી ચિંતા કાઢી નાંખીને, જે રીતે કહેવાય છે તે રીતે લક્ષમાં લઈને અંદર
વિચારવું જોઈએ. બાકી આ સમજ્યા વિના બીજો તો કોઈ શાંતિનો ઉપાય છે નહિ.
આત્મા અનંત ધર્મવાળો એક પદાર્થ છે. તેને સામાન્ય એકરૂપ અભેદ ચૈતન્યપિંડરૂપે લક્ષમાં લેવો તે
નિશ્ચયનય છે, અને એક ધર્મનો ભેદ પાડીને લક્ષમાં લેવો તે વ્યવહારનય છે. નિશ્ચયથી આત્માને બંધ–મોક્ષ પણ
નથી, આત્માને બંધ–મોક્ષવાળો કહેવો તે પણ વ્યવહાર છે. –આવી અધ્યાત્મનયની શૈલી છે; પરંતુ આ
પરિશિષ્ટમાં તો આત્મા બંધ–મોક્ષવાળો છે. તે પણ નિશ્ચયનયમાં લેશે, કેમ કે આત્મા પોતે એકલો જ બંધ અને
મોક્ષ પર્યાયરૂપે પરિણમે છે તે બતાવવા માટે તેને પણ અહીં નિશ્ચયમાં ગણ્યા છે; કારણકે અહીં દ્રવ્યદ્રષ્ટિના
વિષયનું વર્ણન નથી પણ વસ્તુના બધા પડખાનું જ્ઞાન કરાવીને પ્રમાણ–જ્ઞાન કરવાની આ વાત છે. જો કે
પ્રમાણથી બધા પડખાંનું જ્ઞાન કરનાર પણ અભેદ સ્વભાવને દ્રષ્ટિમાં લઈને તે તરફ જ ઢળે છે, પણ પહેલાંં
તત્ત્વનો નિર્ણય કરવા ટાણે ધર્મના ભેદ પાડીને વિચાર આવે છે.
આત્માના અસ્તિત્વધર્મને જાણે તો તેમાં સ્વકાળની ઓળખાણ પણ આવી જાય છે. ક્ષણે ક્ષણે જે પર્યાય
થાય તે તેનો સ્વકાળ છે, તે પોતાનો ધર્મ છે, તેમાં બીજાનો અભાવ છે. તીરની જે પર્યાય છે તે તેનો પોતાનો
સ્વકાળ છે, તે પર્યાય હાથને લીધે કે આત્માને લીધે થઈ નથી. પરાધીનદ્રષ્ટિવાળાને એમ થાય છે કે જો તીરની
પર્યાય તેના પોતાથી જ થતી હોય તો હાથ અડયા પહેલાંં કેમ ન થઈ? હાથ આવ્યો ત્યારે જ કેમ થઈ? આમ
પૂછનારને વસ્તુની પર્યાયના સમય સમયના ઉપાદાનની ખબર નથી. તીરમાં પહેલાંં બીજા પ્રકારની અવસ્થાનો
સ્વકાળ હતો, ને પછી ધનુષ્ય ઉપર અનુસંધાન થવાનો તેનો સ્વકાળ આવ્યો તે અવસ્થા તેના જ ઉપાદાનથી
થઈ છે.
ઉપાદાન બે પ્રકારના છે: એક શાશ્વત ઉપાદાન અને બીજું ક્ષણિક ઉપાદાન. દ્રવ્યનો જે ત્રિકાળી સ્વભાવ
છે તે શાશ્વત ઉપાદાન છે અને તેની એકેક સમયની પર્યાયની યોગ્યતા તે ક્ષણિક ઉપાદાન છે, ક્ષણિક ઉપાદાન
દરેક પર્યાયનું જુદું જુદું છે. અજ્ઞાનીને સમય સમયની પર્યાયનાં સ્વતંત્ર ઉપાદાનનું એટલે કે સ્વકાળનું ભાન
નથી, એટલે જેવું નિમિત્ત આવે તેવી પર્યાય થાય એમ તે માને છે, તે તેની મૂળમાં ભૂલ છે. તેમજ ક્ષણિક
પર્યાયના રાગ જેટલો જ આખા આત્માનો સ્વભાવ જે માની લ્યે તેને વસ્તુના ત્રિકાળી શુદ્ધ ઉપાદાનનું એટલે કે
સ્વભાવનું ભાન નથી. સ્વકાળ તે ક્ષણિક ઉપાદાન છે ને સ્વભાવ તે ત્રિકાળી ઉપાદાન છે. આત્માના અસ્તિત્વ
ધર્મને જાણે તેમાં આ બધું આવી જાય છે. અસ્તિત્વમાં સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ ભાવ આવી જાય છે, ને દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ–ભાવમાં આ બધું રહસ્ય સમાઈ જાય છે.
વસ્તુની દરેક પર્યાય પોતાના સ્વકાળથી થાય છે, નિમિત્તથી થતી નથી, આવું વસ્તુસ્વરૂપ છે, શાસ્ત્રોમાં
‘કર્મ જીવને વિકાર કરાવે’ એમ વ્યવહારકથન કર્યું હોય ત્યાં અજ્ઞાની તેનો અર્થ ખરેખર તેમ જ માની લ્યે છે,
તેને નિશ્ચય વ્યવહારની ખબર નથી. નિશ્ચય–વ્યવહારમાં પણ અનેક અપેક્ષાઓ છે. તે આ પ્રમાણે–
(૧) જ્યારે વિકારી પરિણામ આત્મા પોતે કરે છે એમ બતાવવા માટે તેને નિશ્ચય કહ્યો ત્યારે, તેમાં
કર્મનો ઉદય નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવવા માટે તે નિમિત્તને વ્યવહાર કહ્યો. પણ ખરેખર કર્મનો ઉદય જીવને
વિકાર કરાવે છે–એમ કહેવાનો તે વ્યવહારનો આશય નથી.
[ત્યાં સ્વ તે નિશ્ચય ને પર તે વ્યવહાર એવી શૈલિ
છે.]
(૨) મોક્ષમાર્ગનું વર્ણન ચાલતું હોય ત્યાં શુભરાગને વ્યવહાર કહે ને શુદ્ધતાને નિશ્ચય કહે છે. [ત્યાં
પર્યાયની શુદ્ધતા તે નિશ્ચય અને પર્યાયની અશુદ્ધતા તે વ્યવહાર એવી શૈલિ છે.]
(૩) જ્યારે દ્રવ્યની વાત ચાલતી હોય ત્યારે અભેદ દ્રવ્ય તે નિશ્ચય ને ગુણ–પર્યાયના જેટલા ભેદ પડે તે
બધોય

PDF/HTML Page 7 of 23
single page version

background image
: ૨૩૦ : આત્મધર્મ : ૯૫
વ્યવહાર છે–એમ કહેવામાં આવે છે. [ત્યાં અભેદ તે નિશ્ચય ને ભેદ તે વ્યવહાર એવી શૈલિ છે.]
એ પ્રમાણે જ્યાં જે અપેક્ષા હોય તે સમવજી જોઈએ.
સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિ છે ને પરથી નાસ્તિ છે–એ વાત યથાર્થ સમજે તો બધા ગોટા નીકળી
જાય. આ અસ્તિ–નાસ્તિધર્મ બધા દ્રવ્યોમાં છે, દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિરૂપ છે ને
પરના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી તે નાસ્તિરૂપ છે. અહીં આત્માના અસ્તિત્વ ધર્મની વાત ચાલે છે. દરેક વસ્તુમાં
અસ્તિ–નાસ્તિ આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ છે, તે વસ્તુને સિદ્ધ કરે છે; વિરોધી શક્તિ એવી ન હોય કે
એકબીજાનો નિષેધ કરે. જો એક ધર્મ બીજા ધર્મનો નિષેધ કરે તો તો વસ્તુ જ અનંતધર્મવાળી સિદ્ધ ન થાય.
અસ્તિધર્મ અને નાસ્તિધર્મ એ બંને પરસ્પર વિરુદ્ધ હોવા છતાં વસ્તુમાં બંને સાથે રહેલા છે, એટલે વસ્તુ
અનેકાંત સ્વભાવવાળી છે. ધર્મ અપેક્ષાએ વિરોધ હોવા છતાં એક વસ્તુમાં સાથે રહેવાની અપેક્ષાએ તેમને
વિરોધ નથી. ધર્મો અનંત ભિન્ન ભિન્ન હોવા છતાં ધર્મી વસ્તુ એક છે, તે અનંતધર્મવાળી વસ્તુ પ્રમાણનો વિષય
છે, ને તેનો એકેક ધર્મ તે નયનો વિષય છે.
આત્મા ત્રણે કાળે પોતાથી જ અસ્તિત્વવાળો છે; તેથી, કોઈ પરવસ્તુની મદદ હોય તો મારું અસ્તિત્વ ટકે
ને મને ઠીક પડે–એ વાત રહેતી નથી. અહો! હું મારી ચૈતન્યસત્તાથી જ સદાય ટકનારો છું–એમ જો પોતાના
અસ્તિત્વનો નિર્ણય કરે તો કેટલી નિર્ભયતા થઈ જાય? જગતનો કોઈ પણ પ્રતિકૂળ સંયોગ આવીને મારો નાશ
કરશે કે મને હેરાન કરશે એવો ભય ટળી જાય. પોતાથી જ આત્માનું અસ્તિત્વ છે એટલે આત્માને બધાય પર
પદાર્થો વિના જ ચાલી રહ્યું છે. ‘મારે પર વિના ન ચાલે’ એવી ઊંધી માન્યતા કરનાર અજ્ઞાની જીવને પણ પર
વિના જ ત્રણે કાળ ચાલી રહ્યું છે. તેની પર્યાયમાં તેણે રાગ વિના અનાદિથી નથી ચલાવ્યું છતાં દ્રવ્યસ્વભાવમાં
તો રાગ નથી, ત્રિકાળી તત્ત્વ તો રાગ વિના જ નભી રહ્યું છે. –આમ ઓળખે તો સ્વભાવસન્મુખ થઈને રાગથી
જુદો પડી જાય, પરથી જુદો તો છે જ. અહીં પ્રમાણના વિષયભૂત આખી વસ્તુનું વર્ણન હોવાથી રાગને પણ
આત્માનો ધર્મ–આત્માનો સ્વભાવ–કહેશે. પણ તે જાણવાનું ય ફળ તો રાગરહિત ચૈતન્ય સ્વભાવ તરફ ઢળવું તે
જ છે. રાગરૂપે આત્મા પરિણમે છે માટે રાગ પણ આત્માનો જ એક ધર્મ છે. એમ જાણનાર જીવ રાગમાં
અટકીને તે નથી જાણતો, પણ રાગનો જ્ઞાતા રહીને તે જાણે છે. રાગને જાણનારું જ્ઞાન રાગમાં એકાકાર થઈને
નથી જાણતું પણ રાગથી જુદું રહીને જાણે છે.
(૧) બધા ગુણ–પર્યાયોનો પિંડ તે સ્વદ્રવ્ય;
(૨) પોતાના અસંખ્ય આત્મ–પ્રદેશો તે સ્વક્ષેત્ર;
(૩) પોતાની વર્તમાન સમયની અવસ્થા તે સ્વકાળ; અને
(૪) તે તે પર્યાયની સન્મુખ ઝુકેલો જે ત્રિકાળી શક્તિરૂપ ભાવ તે સ્વભાવ;
–એ પ્રમાણે સ્વદ્રવ્ય–સ્વક્ષેત્ર–સ્વકાળ અને સ્વભાવથી આત્મા અસ્તિત્વરૂપ છે. આચાર્યદેવે તીરનું દ્રષ્ટાંત
આપીને આ વાત સ્પષ્ટ કરી છે.
(૧) જેમ તીર છે તે લોહમય છે, લોહમયપણું તે તેનું સ્વદ્રવ્ય છે; તેમ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા
પોતાના ગુણપર્યાયમય છે તે તેનું સ્વદ્રવ્ય છે, એવા સ્વદ્રવ્યથી તેનું અસ્તિત્વ છે.
(૨) જેમ તે લોહમય બાણ દોરી અને ધનુષ્યની વચ્ચે પોતાના લોહમય સ્વક્ષેત્રમાં રહેલું છે; તેમ આત્મા
પોતાના અસંખ્યાત ચૈતન્ય પ્રદેશોરૂપી સ્વક્ષેત્રમાં રહેલો છે તે જ આત્માનું રહેઠાણ અર્થાત્ સ્વક્ષેત્ર છે. એ
સિવાય, આત્મા સૌરાષ્ટ્ર દેશમાં રહેલો છે કે આત્મા શરીરમાં રહેલો છે–એમ કહેવું તે આત્માનું ખરું ક્ષેત્ર નથી, તે
તો આત્માથી બાહ્યક્ષેત્ર છે. બાહ્યક્ષત્રમાં આત્માનું અસ્તિત્વ નથી પણ પોતાના ક્ષેત્રમાં જ આત્માનું અસ્તિત્વ છે.
(૩) કોઈ લક્ષની સામે સંધાયેલી અવસ્થા તે તીરનો સ્વકાળ છે, તેમાં તે રહેલું છે; તેમ આત્મા પોતાની
વર્તમાન એક સમયની જે અવસ્થા વર્તી રહી છે તેમાં રહેલો છે, તે તેનો સ્વકાળ છે. પૈસા–કુટુંબ–આબરૂ વગેરે
બધું બરાબર હોય ત્યારે લોકો કહે છે કે હમણાં અમારે સારો કાળ છે, અને જ્યાં કાંઈક ફેરફાર થાય ત્યાં કહે છે
કે હમણાં અમારે માઠો કાળ આવ્યો છે, પણ ખરેખર પૈસા વગેરે પર વસ્તુ આવે કે જાય તેની સાથે આત્માના
સ્વકાળનો સંબંધ નથી. આમ સમજે તો,

PDF/HTML Page 8 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૭૭ : ૨૩૧ :
પૈસા વગેરેનો સંયોગ આવે કે જાય તેમાં એકત્વબુદ્ધિથી હર્ષ કે શોક ન થાય. મારી એકેક સમયની પર્યાયરૂપ
સ્વકાળથી મારું અસ્તિત્વ છે, દ્રવ્ય ત્રિકાળ છે તે કારણ છે અને પર્યાય એકેક સમયની છે તે કાર્ય છે, મારા
ત્રિકાળી દ્રવ્યનું એકેક સમયનું વર્તમાન કાર્ય તે જ મારો સ્વકાળ છે. આમ સમજીને દ્રવ્યસન્મુખ થતાં જે
નિર્મળપર્યાય પ્રગટી તે આત્માનો શુદ્ધ સ્વકાળ–સુકાળ છે.
(૪) લક્ષ્યની સામે રહેવારૂપ જે ભાવ છે તે તીરનો સ્વભાવ છે, તેમ આત્માનો જે શક્તિરૂપ ભાવ છે તે
પરિણમીને પર્યાયની સન્મુખ થાય છે એટલે સમય સમયની પર્યાય થવાની તાકાતવાળો જે કાયમનો ભાવ (–
શક્તિ) છે તે આત્માનો સ્વભાવ છે.
એ રીતે, અસ્તિત્વનય એમ જાણે છે કે મારું આત્મદ્રવ્ય મારા પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી
અસ્તિત્વવાળું છે. આવું અસ્તિત્વ સમજનારને આત્માની સ્વતંત્રતાની પ્રતીત થાય છે ને પરાધીનતાની દ્રષ્ટિ
છૂટી જાય છે, એનું નામ અપૂર્વ ધર્મ છે.
પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવ એ ચારે થઈને પોતાનું અસ્તિત્વ છે, એક અસ્તિત્વધર્મમાં તે ચારે
પ્રકાર સમાઈ જાય છે. સ્વકાળ એટલે પોતાના જ્ઞાન–શ્રદ્ધા વગેરેની સમય–સમયની વર્તમાન પર્યાય, તેનાથી
આત્મા સત્ છે. અશુભ, શુભ કે શુદ્ધભાવરૂપ તે તે સમયની પર્યાયમાં તે દ્રવ્ય જ રહેલું છે, તે પોતાનો જ સ્વકાળ
છે, પોતાના સ્વકાળ વગરની વસ્તુ હોતી નથી અને વસ્તુનો સ્વકાળ બીજાથી હોતો નથી.
રાગપર્યાય તે એક સમયનો સ્વકાળ છે, અને સ્વદ્રવ્યમાં તો સિદ્ધદશાના અનંતા સ્વકાળ પ્રગટવાનું
સામર્થ્ય છે; તેથી જો રાગના કાળે માત્ર રાગ જેટલું જ આત્માનું અસ્તિત્વ માની લ્યે તો બીજા સમયે નિર્મળ
સ્વકાળ આવશે ક્યાંથી? તેમ જ તે રાગ ટળીને બીજા સમયે દ્રવ્યનું અસ્તિત્વ રહેશે શેમાં? વર્તમાન સ્વકાળ
પલટીને બીજા સમયનો સ્વકાળ થાય તે દ્રવ્યમાંથી જ આવે છે અને તે સ્વકાળમાં પણ દ્રવ્યનું જ અસ્તિત્વ છે.
માટે જે જીવ વર્તમાન વિકારી સ્વકાળ જેટલો જ પોતાને માને, અને તે સ્વકાળ પલટીને બીજી સવળી પર્યાયોનો
સ્વકાળ પ્રગટે એવું સ્વભાવસામર્થ્ય છે તેની પ્રતિત ન કરે તો તેણે પોતાના પૂરા અસ્તિત્વને ઓળખ્યું નથી. એક
સમયના સ્વકાળ જેટલું જ મારું આખું અસ્તિત્વ નથી પણ હું તો ત્રણે કાળના સ્વકાળના સામર્થ્યનો પિંડ છું–
એમ સમજે તો ક્ષણિક રાગ જેટલો જ આત્માને ન માને એટલે રાગ સાથેની એકત્વબુદ્ધિ છૂટીને ત્રિકાળી
ચૈતન્યસ્વભાવ તરફ વળ્‌યા વગર રહે નહિ. પ્રથમ આવી દ્રષ્ટિ થયા વિના આત્મા તરફ વળીને એકાગ્ર થવાનું
રહેતું નથી, એટલે તેને મોક્ષ થવાનું બનતું નથી. માટે પ્રથમ વસ્તુનું સ્વરૂપ સમજવું તે જ મોક્ષ માર્ગનો ઉપાય
છે. તે સિવાય કોઈપણ રીતે મોક્ષમાર્ગની શરૂઆતનો અંશ પણ થતો નથી.
શ્રી જિનેન્દ્ર ભગવંતની પૂજા–ભક્તિ કરવાનો જે શુભભાવ થયો તે પણ આત્માનો સ્વકાળ છે, ધર્મીને
પણ વીતરાગી સ્વકાળ પ્રગટ્યા પહેલાંં તેવો ભાવ થઈ જાય છે. ત્યાં ધર્મી જીવને અંતરમાં ભાન છે કે મારી
નબળાઈનો કાળ છે તેથી આ રાગ થાય છે. સ્વભાવની પ્રભુતાનું ભાન છે ને પર્યાયના રાગનું પણ ભાન છે.
આ રાગ મને કોઈ પરના કારણે થતો નથી પણ મારા સ્વકાળને લીધે થાય છે; અને તે વખતે બહારમાં જે ફૂલ–
પાણી વગેરેની ક્રિયા થાય છે તે મારા સ્વકાળથી ભિન્ન છે, મારા શુભરાગને લીધે તે ક્રિયા થતી નથી, આત્મા તે
સમયના પોતાના સ્વકાળના જ્ઞાનભાવને તથા પૂજા–ભક્તિના ભાવને કરે છે પણ ફૂલ–પાણી વગેરે પર દ્રવ્યને
લેવા–મૂકવાની ક્રિયા આત્મા કરતો નથી. પાણી વગેરેની જે ક્રિયા થાય તેમાં પર વસ્તુના દ્રવ્યક્ષેત્ર–કાળ–ભાવ છે,
તેમાં પરનું અસ્તિત્વ છે, આત્માનું અસ્તિત્વ તેમાં પરનું અસ્તિત્વ છે, આત્માનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ–ભાવમાં છે અને પરનું અસ્તિત્વ પરનાં દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ભાવમાં છે, કોઈના અસ્તિત્વને લીધે કોઈ બીજામાં
કાંઈ થતું નથી. આમ હોવાથી ફૂલ–પાણી વગેરે પર વસ્તુની ક્રિયા થાય તેમાં આત્માનો આરંભ–સમારંભ નથી
ને તેને લીધે આત્માને પુણ્ય કે પાપ થતું નથી. આત્માનો આરંભ સમારંભ તો પોતાના અસ્તિત્વમાં–પોતાના
ભાવમાં છે, પોતાના ભાવમાં જો શુભપરિણામ હોય તો તે પુણ્યનું કારણ છે ને પોતાના ભાવમાં જો
અશુભપરિણામ હોય તો તે પાપનું કારણ છે, તથા શુભ–અશુભથી રહિત શુદ્ધપરિણામ તે ધર્મ છે. આ રીતે
આત્માને પોતાના ભાવનું જ ફળ છે. બહારની ક્રિયા થાય તેથી આત્માને

PDF/HTML Page 9 of 23
single page version

background image
: ૨૩૨ : આત્મધર્મ : ૯૫
આરંભ–સમારંભનું પાપ લાગી જાય અને બહારની ક્રિયાને આત્મા રોકે તો આરંભ–સમારંભનું પાપ અટકે–એ
માન્યતા મિથ્યા છે કેમ કે બહારની ક્રિયામાં તો આત્માનું અસ્તિત્વ જ નથી. અજ્ઞાની લોકો બહારમાં ફૂલ–
પાણીને દેખીને ભડકે છે પણ અંતરમાં પરિણામ કેવા છે તે ઓળખતા નથી. ભગવાનની પરમશાંત વીતરાગી
પ્રતિમા પાસે સમકીતિ એકાવતારી ઈન્દ્ર–ઈન્દ્રાણી પણ ભક્તિથી નાચી ઊઠે છે. જુઓ, નંદીશ્વર નામના દ્વીપમાં
રત્નના શાશ્વત જિનબિંબો છે, ત્યાં કારતક, ફાગણ અને અષાડ મહિનામાં સુદ ૮ થી ૧૫ સુધી દેવો ભક્તિ કરવા
જાય છે. જેમ આત્મામાં પરમાત્મપણાની શક્તિ સદાય છે, અને તે શક્તિ પ્રગટેલા સર્વજ્ઞ પરમાત્મા પણ
જગતમાં સદાય એક પછી એક થયા જ કરે છે તેમ તે પરમાત્મપણાના પ્રતિબિંબ તરીકે વીતરાગી પ્રતિમા પણ
જગતમાં શાશ્વત છે. આત્માનો જ્ઞાયકબિંબ સ્વભાવ અનાદિનો છે તેમ તેના નિમિત્ત તરીકે તેના પ્રતિબિંબરૂપે
જિનપ્રતિમા પણ અનાદિથી છે. તેમની પાસે જઈને ઈન્દ્ર–ઈન્દ્રાણી જેવા એકાવતારી જીવો પણ ભક્તિથી થનગન
કરતાં નાચી ઊઠે છે. તે વખતે અંદર ભાન છે કે આ મૂર્તિનું અસ્તિત્વ તેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવમાં છે, શરીરની
ઊંચું–નીચું થવાની ક્રિયાનું અસ્તિત્વ તેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવમાં છે. મૂર્તિમાં કે દેહની ક્રિયામાં મારું અસ્તિત્વ
નથી, મારું અસ્તિત્વ મારા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવમાં છે. આવા સમ્યક્ભાનમાં સ્વાશ્રયે પોતાનો સ્વકાળ અંશે તો
નિર્મળ થયો છે ને અલ્પકાળમાં દ્રવ્યનો પૂરો આશ્રય કરતાં પૂર્ણ નિર્મળ સ્વકાળ તેને પ્રગટી જશે એટલે તે પોતે
પરમાનંદમય પરમાત્મા થઈ જશે. ભગવાનની ભક્તિ વખતે, અશુભરાગ ટળીને જે શુભરાગ થયો તે આત્માનો
સ્વકાળ છે, તેમાં આત્માનું અસ્તિત્વ છે પણ પરની ક્રિયામાં આત્માનું અસ્તિત્વ નથી. અષ્ટપ્રકારી પૂજા વખતે
આઠ ચીજો ભેગી કરવાની જે બાહ્ય ક્રિયા થાય તેને આત્માની પ્રવૃત્તિ માને અને તે ક્રિયા ન થાય તેને આત્માની
નિવૃત્તિ માને, તેને પોતાના અને પરના ભિન્ન ભિન્ન સ્વકાળનું ભાન નથી, અસ્તિત્વધર્મની ખબર નથી, તેનું
જ્ઞાન મિથ્યા છે. મિથ્યાજ્ઞાન તે મોટો અધર્મ છે.
સાધકના શ્રુતજ્ઞાનમાં નય પડે છે, તે નયથી આત્મા કેવો જણાય છે તેનું આ વર્ણન છે. કેવળજ્ઞાન થતાં
તો જ્ઞાન અને સ્વજ્ઞેય બંને પૂરાં થઈ ગયા, પૂરું જ્ઞાન થઈ ગયા પછી નયથી જાણવાનું રહેતું નથી. ત્યાં તો
લોકાલોકના બધાય પદાર્થો જ્ઞાનના જ્ઞેય થઈ ગયા છે, બધા જ્ઞેયોને એક સાથે જ્ઞાન સ્પષ્ટ–પ્રત્યક્ષ જાણી લ્યે છે
એટલે તે જ્ઞાનનો વિષય પલટતો નથી અર્થાત્ જ્ઞાન એક જ્ઞેયમાંથી બીજા જ્ઞેયમાં જતું નથી ને ત્યાં રાગ પણ
નથી. નીચલી દશામાં રાગી જીવને પૂર્ણ જ્ઞાન સ્વભાવનું ભાન હોવા છતાં જ્ઞાન હજી પૂરું પ્રગટ્યું નથી એટલે
તેના જ્ઞાનનું લક્ષ એક જ્ઞેયમાંથી બીજા જ્ઞેયમાં પલટે છે. એક સમયમાં લોકાલોકને જાણવાના સામર્થ્યવાળું પૂરું
દ્રવ્ય તેની શ્રદ્ધામાં આવ્યું છે પણ જ્ઞાન હજી અધૂરું છે એટલે એક સમયમાં લોકાલોકને તે જાણી શકતું નથી
એટલે તેના જ્ઞાનનો ઉપયોગ એક જ્ઞેયમાંથી બીજા જ્ઞેયમાં પલટે છે, અને રાગ પણ છે. જે સમયે જે પ્રકારના
રાગની લાયકાત હોય તે સમયે તેવો જ રાગ હોય અને તેવું જ નિમિત્ત હોય, ત્યાં તે તે સમયના રાગને તેમ જ
નિમિત્તને જ્ઞાન જાણે છે. એટલે જેમ રાગ અને નિમિત્તો જુદા જુદા પલટે છે તેમ તેને જાણનારું જ્ઞાન પણ પલટે
છે. રાગ અનેક પ્રકારનો છે, જે વખતે જેવા પ્રકારનો રાગ હોય તે વખતે તેવા પ્રકારના નિમિત્ત ઉપર જ લક્ષ
જાય. ભક્તિના ભાવ વખતે ભગવાન ઉપર લક્ષ જાય પણ કાંઈ સ્ત્રી ઉપર લક્ષ ન જાય, અને વિષયના ભાવ
વખતે સ્ત્રી ઉપર લક્ષ જાય પણ કાંઈ સિદ્ધ ઉપર લક્ષ ન જાય, એ રીતે જેવો રાગ હોય તેવા નિમિત્ત ઉપર જ
લક્ષ જાય. છતાં રાગના કારણે નિમિત્ત આવતું નથી ને નિમિત્તના કારણે રાગ થતો નથી. રાગ અને નિમિત્ત
બંનેનો સ્વકાળ જુદો છે. અને જ્ઞાન પણ જે કાળે જેવો રાગ અને જેવું નિમિત્ત હોય તેને જાણે છે. પણ રાગ કે
નિમિત્તને લીધે મને જ્ઞાન થયું એમ ધર્મી માનતા નથી, તે કાળે તેવો જ રાગ અને તેવા જ નિમિત્તને જાણે
એવી મારા સ્વપરપ્રકાશક જ્ઞાનની જ લાયકાત હતી તેથી મને જ્ઞાન થયું છે–એમ ધર્મી જાણે છે, એટલે તેને જ્ઞાન
અને રાગની ભિન્નતાનું ભાન છે તેથી એકત્વબુદ્ધિનો રાગ તો તેને થતો જ નથી. આ બધું સમજે ત્યારે જ
અસ્તિત્વધર્મને યથાર્થ ઓળખ્યો કહેવાય. સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી આત્માનું અસ્તિત્વ છે–એમ સમજે તેમાં
આ બધી વાત પણ ભેગી આવી જાય છે.
એ રીતે અસ્તિત્વનયથી આત્માને અસ્તિત્વધર્મવાળો

PDF/HTML Page 10 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૭૭ : ૨૩૩ :
વર્ણવ્યો. હવે નાસ્તિત્વનયથી જોતાં તે જ આત્મા પર ચતુષ્ટયથી નાસ્તિત્વરૂપ છે–એમ કહે છે.
[] નાસ્તિત્વનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય નાસ્તિત્વનયે પરદ્રવ્ય ક્ષેત્ર–કાળ–ભાવથી નાસ્તિત્વવાળું છે;–અલોહમય, દોરી ને કામઠાના
અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા અને અલક્ષ્યોન્મુખ એવા પહેલાંનાં તીરની માફક.
અસ્તિત્વ અને નાસ્તિત્વ એ બને ધર્મો એક જ વસ્તુમાં એક સાથે રહેલાં છે; તેથી અસ્તિત્વધર્મના
વર્ણનમાં જે તીરનું દ્રષ્ટાંત હતું તે જ તીર નાસ્તિત્વધર્મના દ્રષ્ટાંતમાં લીધું છે. એટલે અસ્તિત્વધર્મ જુદી વસ્તુનો,
ને નાસ્તિત્વધર્મ જુદી વસ્તુનો,– એમ નથી પણ એક જ વસ્તુના તે બંને ધર્મો છે.
જે તીરને સ્વતુષ્ટયથી અસ્તિરૂપ કહ્યું તે જ તીર, અન્ય તીરના દ્રવ્યની અપેક્ષાથી અલોહમય છે, અન્ય
તીરના ક્ષેત્રની અપેક્ષાથી દોરી ને કામઠાના વચગાળામાં નહિ રહેલું છે, અન્ય તીરના કાળની અપેક્ષાથી
સંધાયેલી સ્થિતિમાં નહિ રહેલું છે, અને અન્ય તીરના ભાવની અપેક્ષાથી અલક્ષ્યોન્મુખ છે; તેમ આત્મા પોતાના
સ્વચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિરૂપ છે ને તે જ આત્મા પર વસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવની અપેક્ષાએ નાસ્તિરૂપ
છે.
આત્માનો જાણનાર–દેખનાર સ્વભાવ છે, તેની સાથે બીજા અનંત ધર્મો છે; તે બધા ધર્મોનો પિંડ આત્મા
છે. આત્માના અનંત ધર્મોમાંથી કોઈપણ ધર્મ પરના આધારે નથી તેમ જ પરને લીધે નથી, અને પર વસ્તુનો
કોઈ ધર્મ આત્મામાં નથી તેમ જ આત્માને લીધે નથી. પોતપોતાના અનંતધર્મો દરેક વસ્તુમાં સ્વતંત્ર છે. અહીં
તો આત્માને ઓળખાવવા માટે આત્માના ધર્મોનું વર્ણન ચાલે છે.
આત્મદ્રવ્યમાં અનંત ધર્મો છે, તે બધા ધર્મોને એક સાથે પ્રમાણ જાણે છે અને નય તેના એકેક ધર્મને
મુખ્ય કરીને જાણે છે. વસ્તુમાં ધર્મો અનંત છે તેમ તેને જાણનારા નયો પણ અનંત છે. તેમાંથી દ્રવ્યનય,
પર્યાયનય અને અસ્તિત્વનય એ ત્રણ નયથી આત્માના ધર્મોનું વર્ણન કર્યું. હવે ચોથા નાસ્તિત્વનયથી આત્મા
કેવો છે તે વાત ચાલે છે.
જે આત્મદ્રવ્ય પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિત્વવાળું છે તે જ આત્મદ્રવ્ય પરના દ્રવ્ય–ક્ષેત્ર–
કાળ–ભાવપણે નથી એટલે કે નાસ્તિત્વવાળું છે. પરથી ન હોવાપણું તે પણ વસ્તુનો જ એક અંશ છે. વસ્તુમાં
જ્યાં ભાવ–અંશ છે ત્યાં જ આવો અભાવ–અંશ છે, જ્યાં સ્વથી અસ્તિત્વરૂપ ધર્મ છે, ત્યાં જ પરથી નાસ્તિત્વરૂપ
ધર્મ પણ ભેગો જ છે; એક જ અંશીના બે અંશો છે. નાસ્તિત્વધર્મ પણ પોતાનો જ અંશ છે. નાસ્તિત્વધર્મ પોતે
કાંઈ વસ્તુમાં અભાવરૂપ નથી, પણ સત્ છે. તે ધર્મમાં ‘પરપણે નથી’ એવી પરની અપેક્ષા ભલે આવે પણ તે
નાસ્તિત્વધર્મ કાંઈ પરના આધારે કે પરનો નથી, તે ધર્મ તો વસ્તુનો પોતાનો જ છે.
આત્માનો નાસ્તિત્વધર્મ એમ બતાવે છે કે બધાય પર પદાર્થોપણે આત્મા નાસ્તિરૂપ છે, એટલે પર વસ્તુ
આત્મામાં શું કરે? ને આત્મા કોઈ પરવસ્તુમાં શું કરે? બે દ્રવ્યોની વચ્ચે પરસ્પર અભાવરૂપ એવી અભેદ્ય
દીવાલ છે કે કોઈ કોઈમાં કાંઈ કરી શકે નહિ. પર વસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ પરમાં તેના પોતાથી છે, ને
આત્માના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ આત્મામાં પોતાથી છે, એકની બીજામાં નાસ્તિ છે. જે જીવ આ વાત બરાબર
સમજે તે પરાશ્રયની બુદ્ધિ છોડીને સ્વાશ્રય તરફ વળ્‌યા વગર રહે જ નહિ.
કર્મના ચતુષ્ટયપણે કર્મનું અસ્તિત્વ છે ને તેના ચતુષ્ટયપણે આત્મા નથી, એટલે કર્મ આત્માને કાંઈ કરે
એમ બને નહિ. તેમ શાસ્ત્ર કે વાણી તેનું અસ્તિત્વ આત્માથી ભિન્ન છે, તેના અસ્તિત્વમાં આત્માનું નાસ્તિત્વ છે,
માટે તે શાસ્ત્ર કે વાણીને લીધે આત્માને જ્ઞાન થાય એમ બનતું નથી. શાસ્ત્ર વગેરે પર વસ્તુથી મને જ્ઞાન થાય
કે કર્મ વગેરે પર વસ્તુથી મારું જ્ઞાન અટકે એમ જેણે મળ્‌યું છે, તેણે પરપણે આત્માનું નાસ્તિત્વ છે એમ જાણ્યું
નથી એટલે કે આત્માના નાસ્તિત્વ ધર્મને જાણ્યો નથી, તેથી તેણે આત્માને જ જાણ્યો નથી. આત્મા કેવો છે તે
જાણ્યા વિના ધર્મ કરશે શેમાં?
જગતમાં એક આત્મા જ છે ને બીજું બધું ભ્રમ છે એમ જે માને તે આત્માના નાસ્તિત્વધર્મને માની શકે
નહિ. જગતમાં આત્માનું તેમ જ આત્મા સિવાય બીજા પદાર્થોનું અસ્તિત્વ છે તેને કબૂલે તો જ ‘આત્મા તે
પરવસ્તુપણે નથી’ એમ નાસ્તિત્વધર્મને માની શકે.

PDF/HTML Page 11 of 23
single page version

background image
: ૨૩૪ : આત્મધર્મ : ૯૫
સર્વજ્ઞના શાસન સિવાય બીજે ક્યાંય આવા વસ્તુધર્મોનું વર્ણન હોઈ શકે નહિ.
જેમ જગતમાં ‘સસલાના શીંગડા’ છે જ નહિ એટલે ‘સસલાના શીંગડા મને લાગ્યા’ એવું જ્ઞાન પણ
કોઈને થતું નથી; તેમ જગતમાં જો અજીવ વગેરે પર પદાર્થો પણ સર્વથા અભાવરૂપ જ માને તો તેને ‘પરથી
મારું નાસ્તિત્વ છે’ એમ સમજવાનું પણ રહેતું નથી એટલે કે પર તરફનું વલણ છોડીને પોતાના સ્વભાવ તરફ
વળવાનું તેને બનતું નથી. આ રીતે પરનો સર્વથા અભાવ માનતાં પોતાનો ‘અભાવધર્મ’ જ સિદ્ધ થતો નથી,
એટલે આત્મવસ્તુનું યથાર્થ જ્ઞાન થતું નથી.
આ જગતમાં આત્મા સિવાયની પરવસ્તુ જો ન હોય તો આત્માને ભ્રાંતિ કેમ થાય? એકલા સ્વભાવમાં
ભ્રાંતિ ન હોય. જો એકલા સ્વભાવમાં પણ ભ્રાંતિ હોય તો તો તે ભ્રાંતિ પણ સ્વભાવરૂપ થઈ જાય એટલે તે ટળે
જ નહિ. માટે, ભ્રાંતિના નિમિત્તરૂપ પરવસ્તુ છે તેના અસ્તિત્વને જે ન માને તેને કદી ભ્રાંતિ ટળી શકતી નથી.
તેમજ, તે ભ્રાંતિ જો પર વસ્તુને લીધે થતી હોય તો, પરવસ્તુઓ જગતમાં સદાય હોવાથી તે ભ્રાંતિ પણ
સદાય થયા જ કરે! આત્માની સન્મુખ થતાં તે ભ્રાંતિ છેદાઈ જાય છે; એટલે નક્કી થયું કે તે ભ્રાંતિ પરના લક્ષે
છે પણ પરના લીધે નથી. જે પરવસ્તુને જ ન માને તેને તો ભ્રાંતિ ટાળવાનું ન બને અને જે પર વસ્તુને લીધે
ભ્રાંતિ માને તેને ય ભ્રાંતિ ટળી ન શકે.
જગતમાં હું સ્વ છું તે પર પણ છે, તેમાં સ્વપરની એકત્વબુદ્ધિને લીધે જ ભ્રાંતિ છે. તે ભ્રાંતિ છેદવા માટે
સ્વ–પરની એકત્વબુદ્ધિ છેદવી જોઈએ તેને બદલે અજ્ઞાનીઓ પર વસ્તુના અસ્તિત્વનો જ સર્વથા નિષેધ કરી
નાંખે છે તે સ્થૂળ મિથ્યાત્વ છે. હું સ્વપણે છું તેમ જ પર પરપણે છે, પરથી મારું નાસ્તિત્વ છે એમ સમજીને સ્વ–
પરનું ભેદજ્ઞાન કરતાં ભ્રાંતિ ટળીને સમ્યગ્જ્ઞાન પ્રગટે છે; તે અપૂર્વ ધર્મ છે.
નય ભલે વસ્તુના ધર્મોને મુખ્ય–ગૌણ કરીને જાણે, પણ વસ્તુમાં તો બધા ધર્મો એક સાથે જ છે. વસ્તુનું સ્વથી
અસ્તપણું જાણે તેમાં પરથી નાસ્તિપણાનું જ્ઞાન ભેગું આવી જ જાય છે. અસ્તિ નાસ્તિ બંને ધર્મો એક સાથે જ છે.
જ્ઞાનનું અસ્તિત્વ જ્ઞેયને લીધે નથી. એકેક આત્મામાં જ્ઞાનધર્મ તેમ જ જ્ઞેય થવાનો ધર્મ છે. તેમાં જ્ઞેયધર્મ
(પ્રમેયત્વધર્મ) ને લીધે જ્ઞાનધર્મ નથી તેમજ જ્ઞાનને લીધે પ્રમેયત્વધર્મ નથી. અહો! પોતામાં પણ એક ધર્મને
લીધે બીજો ધર્મ નથી. તો પછી પોતાનો કોઈ ધર્મ પરને લીધે હોય એ વાત તો ક્યાં રહી? જ્ઞાનધર્મપણે જ્ઞાનનું
અસ્તિત્વ છે ને પ્રમેયત્ત્વધર્મપણે તે ધર્મનું નાસ્તિત્વ છે. –જો એમ ન હોય તો અનંત ધર્મો સિદ્ધ ન થઈ શકે.
વળી, જ્ઞાન જ્ઞાનરૂપે છે ને પરજ્ઞેયરૂપે તે નથી; એટલે જ્ઞેયને લીધે જ્ઞાન થાય એ વાત રહેતી નથી. જો
જ્ઞેયને લીધે જ્ઞાન થતું હોય તો તો કેવળજ્ઞાન પરાધીન થઈ જાય... તેમ જ જ્ઞેયો તો જગતમાં સદાય છે એટલે
કેવળજ્ઞાન પણ સદાય હોવું જોઈએ. તેમ તો બનતું નથી, માટે જ્ઞેયને લીધે જ્ઞાન થતું નથી. જેમાં જ્ઞાનનું
નાસ્તિત્વ છે તેનાથી જ્ઞાન કેમ થાય? જો કે જેવા જ્ઞેય પદાર્થો હોય તેવું જ કેવળજ્ઞાનમાં જણાય, તો પણ જ્ઞેયને
લીધે તે જ્ઞાન થતું નથી, જ્ઞાનનો પોતાનો તેવો સ્વભાવ છે.
જેમ પરને લીધે જ્ઞાન થતું નથી તેમ પરને લીધે જ્ઞાન અટકતું યે નથી. જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનને રોકે
એમ કહેવું તે નિમિત્તના ઉપચારનું કથન છે; ત્યાં ખરેખર જ્ઞાન પોતાના સ્વકાળથી અટક્યું છે એવા અનુપચાર
વસ્તુસ્વરૂપને લક્ષમાં રાખીને સમજે તો જ ઉપચાર–કથનનો આશય સમજી શકે. યથાર્થ વસ્તુસ્વરૂપ શું છે તેના
ભાન વગર ઉપચારને જ ખરું સ્વરૂપ માની લ્યે તો તે વસ્તુસ્થિતિને સમજતો નથી.
ગોમ્મટસાર વગેરેમાં એમ કથન આવે કે–
‘જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનને રોકે,
દર્શનાવરણીયકર્મ દર્શનને રોકે,
મોહનીયકર્મ ચારિત્ર તથા સમ્યક્ત્વને રોકે,
અંતરાયકર્મ વીર્યને રોકે.’
–એ બધા ય કથન નિમિત્તથી કહેવાયા છે. સામે જ્યારે કર્મના ઉદયનો સ્વકાળ છે તે જ વખતે તે
નિમિત્તથી જુદો આત્માનો પોતાનો સ્વકાળ છે કે નહિ? જ્યારે આત્મા પોતે પોતાના સ્વકાળમાં–પોતાની
યોગ્યતાથી–જ્ઞાનાદિના વિકાસમાં અટક્યો છે ત્યારે સામે કેવા નિમિત્તનું અસ્તિત્વ છે તે બતાવવા માટે
નિમિત્તથી કથન કર્યું છે. ત્યાં અજ્ઞાની પોતાના સ્વકાળને ચૂકીને

PDF/HTML Page 12 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૭૭ : ૨૩૫ :
નિમિત્તને જ વળગી પડે છે, કેમ જાણે નિમિત્તથી જુદો પોતાનો કોઈ સ્વકાળ જ ન હોય! ભાઈ! સામે જે
જ્ઞાનાવરણીયકર્મ નિમિત્ત છે તે નિમિત્ત તો તારા નૈમિત્તિક ભાવની એમ જાહેરાત કરે છે કે તે વખતે આત્માના
સ્વકાળમાં જ્ઞાનની પૂર્ણતા નથી. જ્ઞાનની પૂર્ણતા હોય તો સામે આવરણનું નિમિત્ત ન હોય. ‘કર્મે જ્ઞાનને રોકયું’
એમ નિમિત્તથી કથન ભલે હોય, પણ ત્યાં ઉપાદાનનો સ્વકાળ નિમિત્તથી જુદો સ્વતંત્ર છે તે ઓળખી લેવો
જોઈએ. કથનની ઢબ ભલે જુદી જુદી હોય પણ વસ્તુસ્વરૂપ તો જેમ હોય તેમ સમજવું જોઈએ ને! ચરણાનુયોગ
હો કે પ્રથમાનુયોગ હો–કોઈ પણ અનુયોગનું કથન હો, પણ ચારે અનુયોગમાં આત્મા તો એક જ પ્રકારનો છે,
આત્મા કાંઈ જુદા જુદા ચાર પ્રકારનો નથી. દ્રવ્યાનુયોગનો આત્મા જુદો, ને ચરણાનુયોગનો આત્મા કોઈક
જુદો–એમ નથી. પ્રયોજનવશ માત્ર કથનશૈલિમાં ફેર હોય છે.
સમયસાર અને નિયમસાર વગેરેમાં એમ કહે કે ભગવાન શુદ્ધ આત્મામાં કોઈ ઉદયભાવો છે જ નહિ;
ત્યાં દ્રવ્યદ્રષ્ટિનું વર્ણન છે. દ્રષ્ટિના વિષયમાં પર્યાય ગૌણ થઈ જાય છે. અને તત્ત્વાર્થસૂત્ર વગેરેમાં એમ કહે કે
ઉદયભાવ આત્માનું સ્વતત્ત્વ છે; ત્યાં પ્રમાણના વિષયનું વર્ણન છે. ઉદયભાવરૂપે પણ આત્મા પોતે પરિણમે છે,
આત્માની જ તે પર્યાય છે માટે તેને સ્વતત્ત્વ કહ્યું. તે ઉદયભાવ આત્માના સ્વકાળથી અસ્તિરૂપ છે ને કર્મથી તે
નાસ્તિરૂપ છે, એટલે કર્મના ઉદયને લીધે તે ઉદય ભાવ થયો–એમ ખરેખર નથી. પરથી તો આત્માનું નાસ્તિત્વ
છે, એટલે આત્મા અને પરની વચ્ચે મોટો નાસ્તિત્વરૂપી કિલ્લો છે, તેથી પર આત્માને કાંઈ કરી શકે એમ બની
શકતું નથી.
અરિહંત પ્રભુ સંસારમાં રહ્યા છે તે પોતાના યોગનું કંપન વગેરેની યોગ્યતાથી રહ્યા છે, ચાર અદ્યાતિકર્મ
બાકી છે માટે અરિહંતપ્રભુને સંસારમાં રહેવું પડ્યું છે–એમ નથી. ચાર અઘાતિકર્મોનું અરિહંતના આત્મામાં તો
નાસ્તિત્વ છે, તો તે શું કરે?
‘આ આત્મા અલ્પકાળે મોક્ષ પામવાનો છે’ એમ કેવળી ભગવાને જ્ઞાનમાં જોયું, ત્યાં ભગવાનના જ્ઞાનને
લીધે આ આત્મા મોક્ષ પામે છે એમ નથી. ભગવાનનું કેવળજ્ઞાન તે તેમનો સ્વકાળ છે, આ આત્માને માટે તો તે
પર કાળ છે, તે પર કાળથી આત્માનું અસ્તિત્વ નથી પણ નાસ્તિત્વ છે. જો આવા અસ્તિ–નાસ્તિ ધર્મને બરાબર
જાણે તો, જગતના બધાય પદાર્થો સ્વતંત્ર ભિન્ન ભિન્ન છે એમ સમજે, એટલે ક્યાંય પણ પરમાં એકત્વબુદ્ધિ ન
રહે, કોઈ બીજાથી લાભ–નુકસાન થવાની માન્યતા ન રહે, કોઈ પરના આશ્રયની રુચિ ન રહે ને પોતાના
સ્વભાવ તરફ વળે–એ જ તેનું ફળ છે.
પરથી હું જુદો છું એમ કહેનાર જો સ્વ તરફ વળીને તેમ માનતો હોય તો જ પરથી જુદાપણું ખરેખર
માન્યું કહેવાય. શાસ્ત્ર વાંચીને ‘પરથી જુદો છું’ એમ તો કહે, પણ પરસન્મુખ પર્યાયબુદ્ધિ છોડીને સ્વભાવના
આશ્રય તરફ ન વળે તો તેણે યથાર્થપણે પરથી ભિન્નતા જાણી નથી. પર્યાયમાં વિકાર ઉત્પન્ન થાય છે તેને હું
ટાળું–એવી બુદ્ધિ તે પણ પર્યાયબુદ્ધિ છે, તેની દ્રષ્ટિ વિકાર ઉપર છે, સ્વભાવ ઉપર નથી. ‘આ વિકાર થયો તેને
ટાળું’ એમ વિકાર સામે જોવાથી વિકારનો અભાવ થતો નથી પણ ઉત્પત્તિ થાય છે. જે સમયે જે વિકાર
ઉત્પાદરૂપ છે તે સમયે તો તે સત્ છે, તે જ સમયે તેનો અભાવ ન થઈ શકે; અને બીજા સમયે તો તે સ્વયં વ્યય
થઈ જ જાય છે એટલે બીજા સમયે પણ તેને ટાળવાનું રહેતું નથી. આ રીતે વિકારને ટાળવાનું રહેતું નથી પણ
દ્રવ્યની સન્મુખતામાં વિકારની ઉત્પત્તિ જ ન થાય એ જ વિકારના અભાવની રીત છે. એટલે ખરેખર બધાનું
છેલ્લું તાત્પર્ય તો દ્રવ્યની સન્મુખતા કરવી તે જ આવે છે.
આત્મા કેવો છે તેનું આ વર્ણન ચાલે છે. આત્મામાં અનંત ધર્મો છે, તે અનંત નયોથી જણાય છે.
આત્માને જાણે તો જ તેની પ્રાપ્તિ કરી શકે. પ્રથમ, બધા પડખાથી આત્મતત્ત્વનો નિર્ણય કરવા માટે ધર્મના ભેદથી
વિચાર આવે છે, સ્વભાવના સાક્ષાત્ અનુભવ વખતે ભેદના વિકલ્પ નથી હોતા; પણ પ્રથમ જે વિચારથી નિર્ણય
ન કરે તેને તો અભેદ આત્માનો અનુભવ થાય નહિ.
જેને આત્મા સમજવાની ઝંખના જાગી છે એવા શિષ્યને આચાર્યભગવાન સમજાવે છે કે હે ભાઈ! તારો
આત્મા પોતાના સ્વરૂપે છે ને પરપણે તે નાસ્તિત્વવાળો છે. આત્મા જ્ઞાયક ચૈતન્યસ્વરૂપ સિદ્ધ જેવો છે, તેના

PDF/HTML Page 13 of 23
single page version

background image
: ૨૩૬ : આત્મધર્મ : ૯૫
સ્વભાવમાં તો આનંદ જ છે, પણ અંતરના અવલંબને તે સ્વભાવનું ભાન અનાદિથી કદી કર્યું નથી તેથી તેની
પ્રાપ્તિ થઈ નથી. પૂર્વે આત્માની પ્રાપ્તિ ન થઈ તે કાળ તો વીતી ગયો, પણ હવે તેનું ભાન કરીને પર–માત્મદશાની
પ્રાપ્તિ કઈ રીતે થાય તેની આ વાત ચાલે છે. લોકો પણ કહે છે કે ‘જાગ્યા ત્યાંથી સવાર. ’ તેમ આત્માનું ભાન
જ્યારે પોતે કરે ત્યારે થાય છે. તેમાં પૂર્વનો કાળ નડતો નથી.
આત્મા પોતાના સ્વચતુષ્ટયપણે છે, ને કોઈ પણ પર વસ્તુપણે કોઈ કાળે કોઈ ક્ષેત્રે તે નથી; માટે
આત્માને પરને લઈને સંસાર કે મોક્ષ થતો નથી. આત્મા સ્વપણે છે તેમાં પરનો અભાવ છે, તે અભાવ તેને
કાંઈ લાભ–નુકશાન કરે એમ બની શકે નહિ. વર્તમાન દશામાં પરમ–આનંદનો અભાવ છે અને વિકારદશા પ્રગટ
છે તે જ સંસાર છે. શરીરાદિ પરનો આત્મામામાં અભાવ છે, તેથી તેની ક્રિયાવડે આત્મામાં કાંઈ ભાવ થાય–એમ
નથી. અભાવમાંથી ભાવ કેમ થાય?
આત્મા પોતે પરિપૂર્ણ અનંતધર્મવાળો છે પણ પોતાના મહિમાનું તેને ભાન નથી તેથી પોતાના
સ્વભાવની મૈત્રી ચૂકીને પર નિમિત્તની મૈત્રીથી સંસારમાં રખડે છે. પરથી આત્માને સંસાર નથી પણ પરના
સંગથી સંસાર છે. સ્વભાવનો સંગ (–સ્વભાવનો આશ્રય) કરે તો તેમાં પરના સંગની (પરના આશ્રયની)
નાસ્તિ છે. પરનો આશ્રય છોડીને પોતાનો આશ્રય ક્યારે કરે? કે પરથી પોતાની ભિન્નતા જાણે ત્યારે. મારા સ્વ
ચતુષ્ટયથી મારી અસ્તિ છે ને પરના સ્વચતુષ્ટયથી તેની અસ્તિ છે, પરના ચતુષ્ટયમાં મારી નાસ્તિ છે ને મારા
ચતુષ્ટયમાં પરની નાસ્તિ છે.
ચતુષ્ટય એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ–એ ચાર. તેમાંથી દ્રવ્ય–ક્ષેત્ર અને ભાવ તો ત્રિકાળી છે ને કાળ
તે એકેક સમયની વર્તમાન પર્યાય છે. દરેક વસ્તુમાં પોતાના એકેક સમયના સ્વકાળની પણ પોતાથી અસ્તિ છે
ને પરથી નાસ્તિ છે, એટલે કે પર્યાય સ્વતંત્ર છે તેમાં કોઈ બીજાની અસર નથી.
એક પરમાણુની બીજા પરમાણુમાં નાસ્તિ છે, એટલે ખરેખર એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શતો
નથી. શરીરમાં છરો ભોંકાય અને દુઃખ થાય ત્યાં સંયોગથી જોનાર લોકોને એમ લાગે છે કે ‘શરીરમાં છરો
ભોંકાયો માટે દુઃખ થયું’ પણ ખરેખર વસ્તુસ્વભાવ તેમ નથી. શરીરની અવસ્થા શરીરમાં, છરાની અવસ્થા
છરામાં અને દુઃખરૂપ આત્માની અવસ્થા આત્મામાં. છરાને લઈને શરીરની અવસ્થા થતી નથી ને શરીર છેદાયું
તેને લીધે આત્માની દુઃખ અવસ્થા થઈ નથી. દરેકની અવસ્થા પોતપોતાના સ્વકાળથી સ્વતંત્ર છે. નાસ્તિધર્મને
યથાર્થ સમજે તો તેમાં આ બધા ન્યાય ભેગા આવી જાય છે.
જેમ, જે તીર પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિરૂપ છે તે જ તીર બીજા તીરના લોઢાપણે નથી,
બીજા ક્ષેત્રે નથી, બીજી અવસ્થામાં નથી અને બીજા ભાવમાં નથી, એ રીતે પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવપણે તે
નાસ્તિરૂપ છે; તેમ આત્મા પોતાના ચતુષ્ટયથી અસ્તિરૂપ છે અને તે જ પરવસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી
નાસ્તિરૂપ છે. બીજા આત્માની અપેક્ષાએ બીજા આત્માઓ છે, પણ એક આત્માની અપેક્ષાએ બીજા બધા
આત્માઓ ‘અનાત્મા’ છે, તો એક આત્મા બીજા આત્માને શું કરે? નાસ્તિત્વ એટલે અભાવ; એકમાં બીજાનો
અભાવ છે. જેમાં જેનો અભાવ હોય તેમાં તે શું કરે? ‘અભાવ’ કાંઈ ન કરી શકે. જેમ સસલાના શીંગડાનો
જગતમાં અભાવ છે તો તે લાગે અને ગૂમડું થાય એમ કદી બને નહિ. તેમ પરમાં આત્માનો અભાવ છે તો
આત્મા પરમાં શું કરે? ને પરવસ્તુ આત્માને શું કરે? સિદ્ધ ભગવાનથી માંડીને નિગોદ સુધીના બધાય જીવો
પોતપોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી છે ને પરથી નથી. આવું વસ્તુસ્વરૂપ જાણ્યા વગર સમ્યગ્જ્ઞાન કે
સમ્યગ્દર્શન થાય નહિ. સમ્યગ્દર્શનનો વિષય તો હજી ઘણો સૂક્ષ્મ છે. પહેલાંં પરથી ભેદજ્ઞાન કર્યા વગર અંતરના
સૂક્ષ્મ રાગાદિ ભાવોથી સ્વભાવનું ભેદજ્ઞાન કઈ રીતે કરશે?
ક્ષણિક રાગાદિ ભાવો પણ પોતાના સ્વકાળથી અસ્તિત્વરૂપ છે, જડ કર્મને લીધે તેનું અસ્તિત્વ છે–એમ
નથી, એટલે કે કર્મને લીધે રાગાદિ થતા નથી પણ સ્વપર્યાયની યોગ્યતાથી થાય છે. –આમ નક્કી કરીને
સ્વભાવની અંતર્દ્રષ્ટિથી એમ સમજે કે આ રાગનું અસ્તિત્વ તો માત્ર એક સમય પૂરતું છે ને મારા સ્વભાવનું
અસ્તિત્વ ત્રિકાળ છે, મારો ત્રિકાળી સ્વભાવ રાગ પૂરતો નથી, મારા ત્રિકાળી સ્વભાવમાં એક સમયના રાગનું

PDF/HTML Page 14 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૭૭ : ૨૩૭ :
નાસ્તિત્વ છે; એમ સ્વભાવને દ્રષ્ટિમાં લઈને તેની પ્રતીતિ કરે ત્યારે ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થયું કહેવાય.
પર્યાયમાં અશુદ્ધતાનું એમ સમયનું અસ્તિત્વ જો ન હોય તો જીવને સંસાર જ સાબિત ન થાય, ને મોક્ષ
પર્યાય તો થઈ નથી, એટલે સ્વકાળનો અભાવ થતાં જીવનો જ અભાવ થઈ જાય. જો જીવનું અસ્તિત્વ માને તો
જીવનો સ્વકાળ પણ માનશે કે નહિ? સ્વકાળમાં પૂર્ણ શુદ્ધતા તો છે નહિ એટલે સંસારદશા છે. આ પ્રમાણે
જીવના સ્વકાળને માન્યા વિના જીવનું અસ્તિત્વ જ ખરેખર માની ન શકે. પરથી ભિન્ન અસ્તિત્વ જાણ્યા પછી,
પોતામાં ક્ષણિક રાગ જેટલું ત્રિકાળી સ્વભાવનું અસ્તિત્વ નથી, ત્રિકાળી સ્વભાવ તો રાગરહિત છે–એમ
ઓળખીને, તે સ્વભાવની મૈત્રી કરીને પરની મૈત્રી છોડે તેનું નામ ધર્મ છે. પરથી મને લાભ–નુકશાન થાય એવી
પર સાથે એકત્વપણાની માન્યતા તે પર સાથે મૈત્રી છે, તે સંસારનું કારણ છે, ને સ્વભાવ સાથે મૈત્રી તે મુક્તિનું
કારણ છે. જેને સ્વ–પરનું ભેદજ્ઞાન નથી તેને અંતરમાં સ્વભાવ અને પરભાવ વચ્ચેનું ભેદજ્ઞાન ક્યાંથી હોય?
અને તેના વગર ધર્મ ક્યાંથી થાય? આત્માના આ અસ્તિત્વ, નાસ્તિત્વ વગેરે ધર્મોને સમજે તો ભેદજ્ઞાન થયા
વગર રહે નહિ.
આત્માનું દ્રવ્ય, અસંખ્યપ્રદેશી ક્ષેત્ર ને અનંત ગુણોરૂપ ભાવ તે તો ત્રિકાળ છે, પર્યાયો ક્રમે કરીને ત્રણે
કાળ થયા કરે છે, પણ તે પર્યાયનો કાળ એક સમય પુરતો છે. વિકારી કે અવિકારી ભાવ થાય તે તેનો સ્વકાળ
છે. તે વખતે જગતમાં બીજી ચીજનું અસ્તિત્વ છે પણ તેનાથી આ આત્માના સ્વકાળનું નાસ્તિત્વ છે એટલે તે
પરથી કાંઈ પણ લાભ–નુકશાન થતું નથી. હવે આત્મામાં સ્વકાળનો આધાર તો સ્વદ્રવ્ય છે, એટલે શુદ્ધ દ્રવ્ય
ઉપર દ્રષ્ટિ જાય છે. હું સ્વપણે છું ને પરપણે નથી–એમ પરથી ભેદજ્ઞાન કરીને, સ્વમાં પણ ‘હું ત્રિકાળ શુદ્ધ
ચિદાનંદ છું ને વિકાર જેટલો નથી’ એમ ભેદજ્ઞાન કરીને શુદ્ધ સ્વભાવનો આશ્રય કરતાં અપૂર્વ ધર્મ થાય છે.
દ્રવ્ય ત્રિકાળ છે ને પર્યાય ક્ષણિક છે–એમ જે ઓળખે તેની રુચિનું જોર ત્રિકાળી દ્રવ્ય તરફ વળ્‌યા વગર રહે જ
નહીં.
જેમ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ ને સ્વભાવ એ ચારે થઈને એક અસ્તિત્વ છે, કાંઈ અસ્તિત્વના જુદા
જુદા ચાર પ્રકાર નથી, તેમ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ ને પરભાવ એ ચારેયપણે નહિ હોવારૂપ એક જ નાસ્તિત્વ
ધર્મ છે, કાંઈ જુદા જુદા ચાર ધર્મો નથી.
સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિત્વ કહ્યું તેમાં તો એક પોતાના જ દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવની અપેક્ષા
આવી; ને પરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી નાસ્તિત્વ કહ્યું તેમાં તો પોતાના સિવાય બીજા અનંતા પદાર્થોના દ્રવ્ય–
ક્ષેત્ર–કાળ–ભાવ આવી ગયા, તે બધાયપણે આત્માનું નાસ્તિત્વ છે.
આ આત્મા પોતાના સ્વદ્રવ્યથી અસ્તિરૂપ છે ને તે જ આત્મા પરદ્રવ્યની અપેક્ષાએ ‘અદ્રવ્ય’ છે. પરથી
નાસ્તિત્વ છે એમ કહો, કે પરની અપેક્ષાએ અદ્રવ્ય છે એમ કહો, તે બંને એક જ છે. તે જ પ્રમાણે આત્મા
સ્વક્ષેત્રથી છે ને પરક્ષેત્રની અપેક્ષાએ તે ‘અક્ષેત્ર’ છે; સ્વકાળથી છે ને પરકાળની અપેક્ષાએ તે ‘અકાળ’ છે;
અને સ્વ ભાવથી છે ને પરભાવની અપેક્ષાએ તે ‘અભાવ’ છે.
જેમ તીર પોતાની અપેક્ષાએ લોહમય છે અને બીજા તીરના લોઢાની અપેક્ષાએ તે પોતે અલોહમય પણ
છે; તેમ આત્મા પોતાના દ્રવ્યમય છે ને પરના દ્રવ્યમય નથી માટે અદ્રવ્યમય પણ છે. અસ્તિત્વનયથી જોતાં તે
પોતાના દ્રવ્યમય છે ને નાસ્તિત્વનયથી જોતાં તે પોતે જ અદ્રવ્યમય છે એટલે કે પરના દ્રવ્યપણે તે નથી. એ જ
પ્રમાણે પરનું ક્ષેત્ર, પરનો કાળ ને પરનો ભાવ, તેનાથી પણ આત્માનું નાસ્તિત્વ છે. પોતાના ચતુષ્ટયથી જોતાં
આત્મા છે ને પરના ચતુષ્ટથી જોતાં આત્મા પોતે અભાવરૂપ છે. આવા બંને ધર્મો દરેક આત્મામાં એક સાથે
રહેલા છે. આ ધર્મો પરસ્પર સાપેક્ષ છે એટલે કોઈ એક ધર્મને મુખ્ય કરીને જાણતી વખતે જ તેની સાથે બીજા
અનંત ધર્મોની અપેક્ષા ભેગી જ છે.
અજ્ઞાનીને એમ લાગે છે કે જે તીર લોહમય છે તે જ અલોહમય કઈ રીતે હોય? જે આત્મા ‘છે’ તે જ
આત્મા ‘નથી’ એમ કઈ રીતે હોય? પણ ભાઈ! તું સ્યાદ્વાદથી સમજ. સ્યાદ્વાદમાં અપેક્ષા ક્યાં ફરે છે તે
જાણ્યા વગર વસ્તુનું સ્વરૂપ નહિ સમજાય. તીરને લોહમય કહ્યું તે પોતાની અપેક્ષાએ છે ને તેને જ અલોહમય
કહ્યું તે પરની અપેક્ષાએ છે, જગતમાં બીજા જે લોહમય તીરો છે તેની અપેક્ષાએ પહેલું તીર અલોહમય છે. એ
રીતે જુદી જુદી અપેક્ષાએ બંને ધર્મો તેનામાં સિદ્ધ થાય છે. તેમ જે આત્મા સ્વચતુષ્ટયથી છે તે જ આત્મા
પરચતુષ્ટયથી નથી, એમ બંને ધર્મો

PDF/HTML Page 15 of 23
single page version

background image
: ૨૩૮ : આત્મધર્મ : ૯૫
તેનામાં સિદ્ધ થાય છે. આવું અનેકાન્ત વસ્તુસ્વરૂપ છે.
મારો આત્મા મારા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવપણે છે ને મારા સિવાયના સમસ્ત પદાર્થોના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
ભાવપણે હું અદ્રવ્યમય–અક્ષેત્રમય–અકાળમય ને અભાવમય છું–આવો નાસ્તિત્વધર્મ છે; તેને જે સમજે તે જીવ
પરમાથી મને સુખ મળે એમ ન માને, પર મને અનુકૂળ હોય તો ઠીક ને પર મને પ્રતિકૂળ હોય તો અઠીક–એવો
મિથ્યાભાવ તેને ન થાય. પરથી મને સુખ થાય એવો મિથ્યાભાવ પોતે દુઃખરૂપ છે; પરમાંથી સુખ તો આવતું જ
નથી. ‘પરથી મને સુખ થાય’ એમ અજ્ઞાનીએ માન્યું ભલે, પણ ત્યાં તેને પરમાંથી સુખ થવાનો તો અભાવ જ
છે; તેની પર્યાયમાં તે મિથ્યા માન્યતાનો ભાવ અસ્તિરૂપ છે ને તે મિથ્યાભાવનું આત્માને દુઃખ થાય છે. તે
દુઃખરૂપ ભાવ આત્માની પર્યાયમાં એક સમય પૂરતો થાય છે, પણ ત્રિકાળી ભાવમાં તો તેનો પણ અભાવ છે.
આમ, નાસ્તિત્વનયથી આત્માને પરના અભાવરૂપ જાણતાં જ્ઞાન સ્વમાં વળે છે. આત્મા પરથી તો તદ્ન
અભાવરૂપ છે એટલે પરથી જરા પણ લાભ–નુકશાન તેને નથી. આમ નક્કી કરે તેને પર પ્રત્યે તીવ્ર રાગ–દ્વેષ તો
થતા નથી; અલ્પ રાગ–દ્વેષ થાય તે પણ પરને લીધે થતા નથી. રાગ તે પોતાનો સ્વકાળ છે, સ્વકાળનો
પરકાળમાં અભાવ છે, એટલે રાગ તે પોતાનો સ્વકાળ છે એમ નક્કી કરનારને સ્વમાં વળવાનું રહ્યું. સ્વ
પર્યાયમાં વિકાર છે તે ત્રિકાળી દ્રવ્યમાં નથી–એમ જેણે જાણ્યું તેના જ્ઞાનનું બળ ત્રિકાળી સ્વભાવ તરફ વળ્‌યા
વગર રહે નહિ. એ રીતે, સ્વભાવ તરફ વળવું તે જ નયનું તાત્પર્ય છે. નય ભલે ગમે તે ધર્મને મુખ્ય કરીને
જાણે–શુદ્ધતાને જાણે કે રાગને જાણે, પણ તેનું પરમાર્થ તાત્પર્ય–છેલ્લો સરવાળો તો શુદ્ધ ચૈતન્યદ્રવ્ય તરફ ઢળવું
તે જ છે.
પરની અપેક્ષાએ આત્માનો અભાવ છે ને આત્મામાં પરનો અભાવ છે; માટે પરને લીધે આત્માનું જ્ઞાન
ખીલે કે પરથી આત્માની બુદ્ધિ બગડે–એમ નથી. નિર્દોષ સાદો આહાર કરે તો તેને લીધે નિર્દોષ ભાવ રહે અને
રસવાળો સદોષ આહાર કરે તો તેને લીધે બુદ્ધિ બગડી જાય–એમ નથી. આ બધી વાત નાસ્તિત્વધર્મમાં આવી
જાય છે.
અસ્તિ–નાસ્તિ સ્વભાવ બરાબર સમજે તો બધાય ગોટા નીકળી જાય તેવું છે. સિદ્ધનો આત્મા કે
નિગોદનો આત્મા, કોઈ પણ આત્મા નરથી નથી. સિદ્ધ ભગવાનના આત્માનો સ્વકાળ જ એવો છે કે અલોકમાં
તે ન જાય, લોકમાં જ રહેવાનો તેનો સ્વકાળ છે, નિમિત્ત નથી માટે તે અલોકમાં નથી જઈ શકતા–એમ નથી. એ
જ પ્રમાણે નિગોદનો જીવ નિગોદદશામાં રહ્યો છે તે પણ તેના પોતાના અસ્તિત્વનો સ્વકાળ છે, તેમાં કર્મની
નાસ્તિ છે, અને કર્મના અસ્તિત્વમાં આત્માનું નાસ્તિત્વ છે, માટે કર્મને લીધે તે જીવ નિગોદમાં રહ્યો છે–એમ
નથી. જો કર્મના જોરને લીધે તે જીવને નિગોદમાં રહેવું પડે છે એમ કોઈ માને તો ત્યાં કર્મના અસ્તિત્વને લીધે
આત્માના સ્વકાળનું અસ્તિત્વ થઈ જાય છે એટલે જીવનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી, તેમ જ જીવનો
નાસ્તિત્વધર્મ પણ રહેતો નથી. જીવ તો કર્મના અભાવરૂપ છે તો કર્મ તેને શું કરે?
અહો! પરપણે મારો અભાવ છે એટલે પરમાં મારી શાંતિનો પણ અભાવ છે. માટે મારી શાંતિ મારે
મારામાં જ શોધવાની રહી. –આમ નક્કી કરનાર સ્વ તરફ વળીને શાંતિનો અનુભવ કરે છે. આત્માના પોતાના
અંતરના સ્વભાવમાં જ શાંતિ છે ને અશાંતિ પણ પોતાની પર્યાયમાં જ છે. આત્માને શાંતિ કે અશાંતિ પરને
કારણે નથી. શરીર અને આત્મા વચ્ચે નાસ્તિત્વ હોવાથી તેને અનંતા જોજનનું આંતરું છે, આકાશના ક્ષેત્ર
અપેક્ષાએ ભલે અંતર ન હોય પણ ભાવથી તો તેને અનંતા જોજનનું અંતર છે; એટલે આ દેહની સાથે આત્માની
શાંતિ–અશાંતિનો સંબંધ નથી. આત્મા તો પોતાના નાસ્તિત્વધર્મના બળે દેહાતીત... વચનાતીત... કર્માતીત છે,
અને પર્યાયમાં જે ક્ષણિક વિકાર છે તે ત્રિકાળી સ્વભાવમાં નથી એટલે તે સ્વભાવ તો વિકારથી પણ અતીત છે;
આત્માના અસ્તિ–નાસ્તિ સ્વભાવને સમજતાં આ પ્રમાણે ભેદજ્ઞાન થાય છે. –આવું આ લોકોત્તર વીતરાગી
વિજ્ઞાન છે. આ વિજ્ઞાન સમજે તેને પર સાથેની એકત્વબુદ્ધિ તૂટીને અંર્તસ્વભાવમાં એકત્વબુદ્ધિ થાય ને
અલ્પકાળમાં જ તેની મુક્તિ થઈ જાય.
[અહીં નાસ્તિત્વધર્મનું વર્ણન પૂરું થયું. –૪]
(અપૂર્ણ)

PDF/HTML Page 16 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૭૭ : ૨૩૯ :
આત્માર્થીનું પહેલું કર્તવ્ય–૯
‘ભગવાન
આત્માની પ્રસિદ્ધિ’
* [સર્વજ્ઞના નિર્ણયમાં સમ્યક્પુરુષાર્થ] *
વીર સં. ૨૪૭૬ ભાદરવા સુદ ૬ રવિવાર
ધર્મ કરવા માટે જીવે આત્માનો સ્વભાવ સમજીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ; તેની આ વાત ચાલે
છે. આત્માનો સ્વભાવ તો જ્ઞાયક છે, જ્ઞાન એ જ તેનું સ્વરૂપ છે. અવસ્થામાં જે કાંઈ વિકાર ભાવો થાય છે તે
તો વર્તમાનપૂરતી યોગ્યતાથી, કર્મના નિમિત્તે થાય છે; મૂળ વસ્તુસ્વરૂપમાં તે વિકાર કે નવતત્ત્વના ભેદ નથી.
શુદ્ધનયવડે એકરૂપ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી અનુભવ કરતાં જ્ઞાયકસ્વભાવ એક જ ભૂતાર્થ છે, નવ–તત્ત્વો
અભૂતાર્થ છે. ‘જ્ઞાયકવસ્તુ છું’ એમ જ્યાં અંર્તદ્રષ્ટિથી નક્કી કર્યું ત્યાં જ ભેદનો વિકલ્પ તૂટીને અભેદરૂપ
આત્માનો અનુભવ થયો, અને તે જ સમ્યગ્દર્શન ધર્મ છે.
જેવો વસ્તુનો મૂળ સ્વભાવ છે તેવો પરિપૂર્ણ પ્રતિતમાં લ્યે તો ધર્મ થાય? –કે તેનાથી ઊલટો પ્રતીતમાં
લ્યે તો ધર્મ થાય? વસ્તુના પૂરા સ્વભાવને પ્રતિતમાં લ્યે તો તેના આશ્રયે ધર્મ થાય, પણ અપૂર્ણતાને કે
વિકારને જ આખી વસ્તુ માની લ્યે તો તેના આશ્રયે ધર્મ થાય નહિ. આત્માના સ્વભાવનો નિર્ણય કહો કે
સર્વજ્ઞનો નિર્ણય કહો, બંને એક જ છે; કેમ કે આત્માનો સ્વભાવ છે તે જ સર્વજ્ઞને પ્રગટ્યો છે ને સર્વજ્ઞ જેવો જ
આ આત્માનો સ્વભાવ છે. બંનેમાં પરમાર્થે કાંઈ ફેર નથી. એટલે આત્માનો પૂર્ણ સ્વભાવ ઓળખતાં તેમાં
સર્વજ્ઞની ઓળખાણ પણ આવી જાય છે, ને સર્વજ્ઞની ઓળખાણ કરે તેમાં આત્માના સ્વભાવની ઓળખાણ
આવી જાય છે. સર્વજ્ઞ ભગવાને પ્રથમ તો પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કરીને પછી આત્મામાં એકાગ્ર
થઈને પૂર્ણ જ્ઞાનદશા પ્રગટ કરી, તે જ્ઞાનવડે એક સમયમાં ભગવાન બધું ય જાણે જ છે; અને જાણવું તે પોતાનું
સ્વરૂપ હોવાથી તે પૂર્ણજ્ઞાન સાથે ભગવાનને પૂર્ણ સ્વાભાવિક આનંદ પણ છે, અને તેમને રાગાદિ દોષ બિલકુલ
નથી. –આમ જ્યાં સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય કર્યો ત્યાં પોતામાં પણ પોતાના રાગરહિત જ્ઞાનસ્વભાવનો નિર્ણય
થયો. પરિપૂર્ણ જ્ઞાન જ મારું સ્વરૂપ છે, એ સિવાય રાગમિશ્રિત વિચાર આવે તે મારું–ચૈતન્યનું ખરું સ્વરૂપ
નથી. વસ્તુનો સ્વભાવ પરિપૂર્ણ જ હોય. જેમ જડમાં ‘અચેતનપણું’ છે. તેનામાં અંશે પણ જાણપણું નથી; જડનો
અચેતન સ્વભાવ છે તેથી તેનામાં અચેતનપણું પરિપૂર્ણ છે ને જ્ઞાન બિલકુલ નથી. તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ
છે, તો તેમાં જ્ઞાન પરિપૂર્ણ છે ને અચેતનપણું બિલકુલ નથી. રાગ પણ અચેતનના સંબંધથી થાય છે એટલે રાગ
પણ જ્ઞાનસ્વભાવમાં નથી. –આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય અને અનુભવ કરવો તે જ ધર્મની શરૂઆત છે.
‘જ્ઞાયકભાવ તે જ જીવ છે’ એમ કહેતાં તેમાં જ્ઞાનની પૂર્ણતા જ આવે છે. પર્યાયમાં અલ્પજ્ઞતા હોય તે
તેનો સ્વભાવ નથી. ઓછું જ્ઞાન અવસ્થામાં છે પરંતુ અવસ્થાનો પણ સ્વભાવ ઓછા જ્ઞાનવાળો નથી, એક
સમયમાં પૂરા જ્ઞાનપણે પરિણમે તેવો અવસ્થાનો સ્વભાવ છે. તેમ જ અવસ્થામાં અલ્પજ્ઞતા સાથે જે રાગાદિ
ભાવો છે તે પણ ખરેખર જીવ નથી પણ અજીવ છે. રાગ અને અલ્પજ્ઞતા વગરનો એકરૂપ જ્ઞાયકભાવ તે જ
પરમાર્થે જીવ છે. આવા પૂર્ણ જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરીને તેમાં એકાગ્ર થતાં પર્યાયમાં અલ્પજ્ઞતા કે
રાગ–દ્વેષ રહેતા નથી પણ પૂર્ણતા જ થઈ જાય છે. પહેલાંં તો એવા પૂર્ણ આત્માને શ્રદ્ધામાં સ્વીકારવાની આ વાત
છે. સ્વભાવ કહેવો ને તેમાં વળી અધૂરાશ કહેવી, તો તે સ્વભાવ જ રહેતો નથી. સ્વભાવ કદી અધૂરો હોય નહિ,
ન અધૂરું હોય તેને સ્વભાવ કહેવાય નહીં.

PDF/HTML Page 17 of 23
single page version

background image
: ૨૪૦ : આત્મધર્મ : ૯૫
જેમ લીંડીપીપરના સ્વભાવમાં ૬૪ પહોરી તીખાશ શક્તિરૂપે રહેલી છે, તેમાંથી તે પ્રગટે છે. તેની ૬૪
પહોરી શક્તિનો વિશ્વાસ કર્યા પછી તેને ઘસીને તે તીખાશ પ્રગટ કરવાનો વિકલ્પ આવે છે, કાંકરાને ઘસવાનો
વિકલ્પ નથી આવતો કેમ કે કાંકરામાં તીખાશ પ્રગટવાનો સ્વભાવ નથી એમ જાણ્યું છે. જેનામાં જે સ્વભાવ
હોય તેમાંથી જ તે પ્રગટે છે, સંયોગમાંથી આવતો નથી. તેમ આત્મામાં જ્ઞાયક સ્વભાવ છે તે ૬૪ પહોરી
તીખાશની જેમ પૂર્ણ છે. તે પૂર્ણ જ્ઞાનસ્વભાવને નક્કી કરીને તેમાં એકાગ્રતારૂપી ઘસારો કરતાં પૂર્ણ કેવળજ્ઞાન
પ્રગટે છે. જ્યાં જ્ઞાનસ્વભાવ ભર્યો છે તેમાંથી જ્ઞાન પ્રગટે છે. કોઈ સંયોગમાંથી જ્ઞાન આવતું નથી. શરીરાદિ
અચેતન છે તેમાંથી જ્ઞાન આવતું નથી. હું પરનો તો કર્તા નથી ને નવતત્ત્વના વિકલ્પનો પણ હું કર્તા નથી, હું
પૂર્ણ જ્ઞાયક છું–એમ પોતાના અંર્તસ્વભાવને નક્કી કરીને તેમાં એકાગ્ર થવું તે ધર્મ છે.
આત્માના અંર્તસ્વભાવની દ્રષ્ટિ કરતાં તેમાં એક જ્ઞાયકમૂર્તિ જીવ જ ભૂતાર્થપણે પ્રકાશમાન છે, નવ–
તત્ત્વોના વિકલ્પ તેમાં નથી. સાધકને ભલે નવતત્ત્વના વિકલ્પ હો, પણ તેની દ્રષ્ટિ તો અભેદ સ્વભાવમાં જ છે.
તે અભેદ સ્વભાવની જ મુખ્યતામાં તેને જ્ઞાનની નિર્મળતા થતી જાય છે ને રાગ–દ્વેષ ટળતા જાય છે; વિકલ્પ
થવા છતાં અભેદસ્વભાવની દ્રષ્ટિમાં તો તે અભૂતાર્થ જ છે. આ રીતે શુદ્ધનયવડે, એકપણે પ્રકાશતો શુદ્ધ આત્મા
અનુભવાય છે, એવા શુદ્ધાત્માની અનુભૂતિ તે આત્મ–પ્રસિદ્ધિ છે ને શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ તે નિયમથી
સમ્યગ્દર્શન છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે, બાધારહિત છે.
કોઈ કહે કે ‘સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જણાયું હશે ત્યારે આત્માનો ધર્મ થશે, અત્યારે આ બધું
સમજવાનું શું કામ છે? ’ –તો એમ કહેનારની દ્રષ્ટિ ઊંધી છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. જ્ઞાની તેને કહે
છે કે–અરે ભાઈ! ‘સર્વજ્ઞભગવાને બધું જોયું છે અને તેમ જ બધું થાય છે’ એવો સર્વજ્ઞના જ્ઞાનનો અને વસ્તુના
સ્વભાવનો નિર્ણય કોણે કર્યો? કયા જ્ઞાનમાં તે નિર્ણય કર્યો? જે જ્ઞાન સર્વજ્ઞતાનો અને વસ્તુના સ્વરૂપનો
નિર્ણય કરે તે જ્ઞાન આત્મસ્વભાવ તરફ વળ્‌યા વગર રહે જ નહિ ને તેને વર્તમાનમાં જ ધર્મની શરૂઆત થઈ
જાય, અને સર્વજ્ઞભગવાનના જ્ઞાનમાં પણ એમ જ જણાયું હોય. જેણે આત્માના પૂર્ણ જ્ઞાન–સામર્થ્યને પ્રતીતમાં
લઈને તેમાં એકતા કરી તેને જ ખરેખર સર્વજ્ઞના જ્ઞાનની પ્રતીત થઈ છે. જે રાગને પોતાનું સ્વરૂપ માનીને
રાગનો કર્તા થાય છે, ને રાગરહિત જ્ઞાનસ્વભાવની જેને શ્રદ્ધા નથી તેને સર્વજ્ઞની પણ ખરી માન્યતા નથી;
એટલે સર્વજ્ઞના નિર્ણયમાં જ જ્ઞાનસ્વભાવના નિર્ણયનો સમ્યક્પુરુષાર્થ આવી જાય છે, તે જ મોક્ષસન્મુખનો
પુરુષાર્થ છે, ને તે જ ધર્મ છે. લોકોને બહારની ધમાધમ દેખાય તેમાં પુરુષાર્થ લાગે છે પણ અંતરમાં
જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં જ જ્ઞાતાદ્રષ્ટાપણાનો સમ્યક્પુરુષાર્થ આવી જાય છે, તેને બર્હિદ્રષ્ટિ લોકો જાણતા
નથી. ખરેખર જ્ઞાયકપણું એ જ આત્માનો પુરુષાર્થ છે, જ્ઞાયકપણાથી જુદો બીજો કોઈ સમ્યક્પુરુષાર્થ નથી.
જાણનાર જીવ છે–જ્ઞાયકભાવ આત્મા છે, એવો સમ્યક્ નિર્ણય કર્યો તે જ આત્માની અંર્તક્રિયા છે, તે જ
ધાર્મિકક્રિયા છે; પણ બહારની દેહદ્રષ્ટિથી જોનારને તે વાત ખ્યાલમાં આવતી નથી. અવસ્થાનું પલટવું તે ક્રિયા
છે. ‘હું જ્ઞાયકસ્વભાવ છું’ એમ સ્વભાવમાં દ્રષ્ટિ કરીને પલટવું તે ધર્મની ક્રિયા છે, ને ‘હું વિકારી છું’ એવી
વિકારી દ્રષ્ટિ કરીને પલટવું તે અધર્મની ક્રિયા છે.
શુદ્ધનયવડે અંર્તદ્રષ્ટિથી જોતાં આત્મા એક જ્ઞાયકભાવપણે પ્રકાશમાન ભૂતાર્થ અનુભવાય છે. શ્રી
આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! તું અંતરમાં તો જો, ત્યાં છલોછલ જ્ઞાનસ્વભાવ ભર્યો છે. જ્યાં સરોવરમાં
પાણી ભર્યું હોય ત્યાં તે ઊછળે, તેમ અંતરના ચૈતન્યસરોવરમાં પરિપૂર્ણ જ્ઞાન ભર્યું છે, તેમાં ડુબકી માર તો
પર્યાયમાં જ્ઞાન ઊછળશે. ક્યાંય પર સામે જોવાથી કે ભેદના વિચારથી તારા ગુણો પ્રગટશે નહિ, માટે તે છોડીને
અંતરના પરિપૂર્ણ સ્વભાવ સામે દ્રષ્ટિ કર અને તેમાં જ એકાગ્ર થઈને અનુભવ કર.
જે નવતત્ત્વોને ન ઓળખે તેને તો અનુભવમાં આત્માની પ્રસિદ્ધિ થાય નહિ; ને નવતત્ત્વને જેમ છે તેમ
જાણીને માત્ર નવતત્ત્વના વિકલ્પમાં જ રોકાય તો તેને પણ નવતત્ત્વની જ પ્રસિદ્ધિ છે પણ ભગવાન આત્માની
પ્રસિદ્ધિ નથી એટલે કે સમ્યગ્દર્શન નથી. નવતત્ત્વના ભેદની દ્રષ્ટિ છોડીને ચૈતન્ય જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી
અનુભવ કરતાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે, તે સમ્યગ્દર્શન

PDF/HTML Page 18 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૭૭ : ૨૪૧ :
છે ને ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. અહીં ‘આત્માની પ્રસિદ્ધિ’ થવાનું કહ્યું એટલે શું? ત્રિકાળી
આત્મસ્વભાવ તો પ્રસિદ્ધ જ હતો, તે કાંઈ ઢંકાયો નથી, પણ અવસ્થામાં પહેલાંં તેનું ભાન ન હતું ને હવે તેનું
ભાન થતાં અવસ્થામાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થઈ. નિર્મળ અવસ્થા પ્રગટ થતાં, દ્રવ્ય–પર્યાયની અભેદતાથી
‘આત્મા જ પ્રસિદ્ધ થયો’ એમ કહ્યું છે. અનુભવમાં કાંઈ દ્રવ્ય–પર્યાયના ભેદ નથી. રાગમિશ્રિત વિચાર છૂટીને
જ્ઞાન જ્ઞાનમાં જ એકાગ્ર થયું તેનું નામ આત્મખ્યાતિ છે. તે આત્મખ્યાતિને અહીં સમ્યગ્દર્શન કહ્યું છે. જો કે
આત્મખ્યાતિ પોતે તો જ્ઞાનની પર્યાય છે પણ તેની સાથે સમ્યગ્દર્શન અવિનાભાવીપણે હોય છે તેથી તે
આત્મખ્યાતિને જ અહીં સમ્યગ્દર્શન કહ્યું છે.
એ રીતે, નવતત્ત્વોમાં ભૂતાર્થપણે પ્રકાશમાન એક આત્માને જાણવો તે જ નિયમથી સમ્યગ્દર્શન છે, એમ
સિદ્ધ કરીને શ્રી આચાર્યદેવ નિઃશંકતાપૂર્વક કહે છે કે આ સર્વ કથન નિર્દોષ છે, આવું જ વસ્તુસ્વરૂપ છે ને આવી
જ સમ્યગ્દર્શનની રીત છે. આ સિવાય બીજી કોઈ રીત નથી. આ સિવાય બીજું માને તો તે બાધા–સહિત છે.
નવતત્ત્વને બરાબર ન જાણે તો તે મિથ્યાત્વરૂપ દોષસહિત છે, તેમ જ નવતત્ત્વના ભેદના વિકલ્પમાં જ રોકાઈ
રહે ને એકરૂપ જ્ઞાયકસ્વભાવની પ્રતીત ન કરે તો તે પણ મિથ્યાત્વરૂપ દોષસહિત છે. નવતત્ત્વને જાણ્યા પછી
જ્ઞાયકસ્વભાવની એકતામાં જ્ઞાન વળે તે જ નિર્દોષ સમ્યગ્દર્શન છે, તે જ નિર્દોષ ઉપાય છે. અહીં તો આત્માર્થી
જીવ નવતત્ત્વને જાણીને અંતરના અનુભવમાં વળે જ–એવી જ વાત છે, નવતત્ત્વમાં અટકીને પાછો ફરે–એવી
વાત જ નથી.
નવતત્ત્વને જાણનાર કોણ છે? નવતત્ત્વને જાણનાર તો જ્ઞાનની અવસ્થા છે. કાંઈ ઈન્દ્રિયો કે રાગ
નવતત્ત્વને જાણવાનું કામ નથી કરતા. પણ જ્ઞાનની અવસ્થા જ તેને જાણવાનું કામ કરે છે. હવે જો, જ્ઞાનની જે
અવસ્થા છે તે અવસ્થાએ અંર્તમુખ થઈને જ્ઞાનસ્વભાવમાં એકતાનું કામ ન કર્યું ને બર્હિમુખ રહીને ભેદના
લક્ષે વિકલ્પમાં એકતા કરીને તે અટકી, તો તે જ્ઞાનઅવસ્થામાં ધર્મ નથી; કેમ કે તે જ્ઞાનપર્યાયે સ્વમાં વળીને
સ્વભાવનું કામ ન કર્યું પણ પરલક્ષે રાગમાં જ અટકીને સંસારભાવની ઉત્પત્તિ કરી. માટે જ્ઞાનની અવસ્થામાં
નવતત્ત્વના ભેદનું પણ લક્ષ છોડીને, અભેદ આત્માની દ્રષ્ટિ કરીને જ્ઞાયકનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શનનો
ઉપાય છે. પહેલાંં તો નવતત્ત્વથી ચૈતન્યનું અનુમાન કરતાં પણ જેને ન આવડે તે વિકલ્પ તોડીને અંતરમાં
ચૈતન્યનો સાક્ષાત્ અનુભવ કઈ રીતે કરી શકે? પહેલાંં નવતત્ત્વના જ્ઞાન દ્વારા ચૈતન્યસ્વભાવને બુદ્ધિમાં પકડે
પછી તે સ્વભાવના નિર્ણયને ઘૂંટતા ઘૂંટતા વિકલ્પ તૂટીને અંતરમાં એકાગ્રતા થાય છે. જ્ઞાયકસ્વભાવ તરફ
ઢળતાં એકલા જ્ઞાયકનો રાગરહિત અનુભવ કરવો તે ધર્મની નિર્દોષ ક્રિયા છે.
હે ભાઈ, પ્રથમ જો તને સર્વજ્ઞનો નિર્ણય ન હોય તો તારા જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કર. તારા જ્ઞાનમાં
સર્વજ્ઞનો નિર્ણય કર્યો તો તે જ્ઞાનમાં આત્માના પરિપૂર્ણ જ્ઞાતાસ્વભાવનો નિર્ણય આવી જાય છે. સર્વજ્ઞનો નિર્ણય
કરતાં પોતાના જ્ઞાતાસ્વભાવની પ્રતીત થઈ અને પર્યાય જ્ઞાનશક્તિ તરફ વળીને એકાગ્ર થવા માંડી તે જ સાચો
પુરુષાર્થ છે; ભલે તે જીવને પર્યાયમાં જ્ઞાનની અધૂરાશ હોય ને રાગ થતો હોય પણ તે જીવ રાગનો કર્તા થતો
નથી, તે તો રાગનો પણ જ્ઞાયક જ રહે છે. અને અલ્પજ્ઞતાને તે પોતાનું સ્વરૂપ નથી માનતો, પર્યાયમાં
અલ્પજ્ઞતા હોવા છતાં તેની દ્રષ્ટિ તો પરિપૂર્ણ જ્ઞાનમૂર્તિ સ્વભાવમાં જ છે. –આવો જીવ સાધક છે. સર્વજ્ઞને પૂરું
જ્ઞાન છે ને આ સાધક સમ્યગ્દ્રષ્ટિને અધૂરું જ્ઞાન છે, –એટલો ફેર છે, પરંતુ એ સાધક જીવ પણ જ્ઞાનસ્વભાવની
એકતાની દ્રષ્ટિમાં રાગનો કર્તા નથી પણ જ્ઞાયક જ છે. આમ, જ્ઞાયક–સ્વભાવનો નિર્ણય કરવો તેનું નામ ધર્મ છે,
અને એ જ દરેક આત્માર્થી–મોક્ષાર્થી જીવનું પહેલું કર્તવ્ય છે.
–એ રીતે શ્રી આચાર્યદેવે આ તેરમી ગાથામાં સમ્યગ્દર્શનનું વર્ણન કર્યું.

PDF/HTML Page 19 of 23
single page version

background image
: ૨૪૨ : આત્મધર્મ : ૯૫
ધર્મની વિધિ અને
ધર્મનાં નિમિત્ત
[વીર સંવત ૨૪૭૫ ના વૈશાખ વદી ૦) ) ના રોજ લાઠીમાં
શ્રી પ્રવચનસાર ગાથા ૧૯૪. ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન]
[૨૭] જ્યાં રુચિ ત્યાં પ્રયત્ન
જેને આત્માનું કલ્યાણ કરવું હોય તેણે આત્માનું સાચું સ્વરૂપ જાણવું જોઈએ. અનંતકાળથી આત્માનું
સાચું સ્વરૂપ જીવે કદી જાણ્યું નથી. જો એક વાર પણ આત્માનું સાચું સ્વરૂપ જાણે તો અલ્પકાળમાં મુક્તિ થયા
વિના રહે નહીં. અનંતકાળથી વિકારની રુચિથી પુણ્ય–પાપ જ કર્યાં છે, કદી આત્મ–સ્વભાવની રુચિ કરીને તેની
સમજણ કરી નથી. જેમાં જેની રુચિ હોય તેમાં તેનું અંતરવીર્ય વારંવાર કાર્ય કરે. સત્સમાગમે યથાર્થ વસ્તુ
સ્વરૂપનો ખ્યાલ આવ્યા વગર સાચી રુચિ થાય નહિ, અને રુચિ વગર તે વસ્તુ તરફ વળવાનો પ્રયત્ન પણ જીવ
કરે નહિ. આત્માનું સાચું જ્ઞાન કર્યા વગર કોઈ જીવ દયાદિ શુભભાવ કરે તો તેનાથી પુણ્ય–બંધન થાય પણ તેમાં
ધર્મ નથી.
[૨૮] ધર્મની ક્રિયા
આત્મા કોણ છે, આત્માનો સ્વભાવ શું છે, તેની ખબર ન હોય ને બાહ્ય ક્રિયાથી ધર્મ માની લ્યે તે
અજ્ઞાની છે; આત્માના ધર્મની ક્રિયા કઈ છે તેનું તેને ભાન નથી એટલે જડની ક્રિયામાં તથા વિકારી ક્રિયામાં તે
ધર્મ માને છે. વ્રત કે જાત્રા, દયા કે ભક્તિ, દાન કે તપ–એ બધામાં શુભરાગભાવ છે તે કાંઈ ધર્મની ક્રિયા નથી,
ધર્મની ક્રિયા તો આત્માના અંર્તસ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતામાં છે, એવી ધર્મ ક્રિયા તે જ મોક્ષનું
કારણ છે.
[૨૯] પૂર્ણાનંદ પ્રગટ કરવાની વિધિ
ધર્મ કરનાર જીવ પોતાના આત્મામાં જ્ઞાન અને આનંદની પૂર્ણતા પ્રગટ કરવા માગે છે. તો પૂર્વે જેમણે
જ્ઞાન અને આનંદની પૂર્ણતા પ્રગટ કરી છે તેવા આત્મા કોણ છે તેને ઓળખવા જોઈએ. હું જે પૂર્ણતા પ્રગટ
કરવા માંગું છું, તે પૂર્ણતા પ્રગટ કરનાર હું જ પહેલ–વહેલો થયો નથી, પરંતુ અનંત જીવો મારા પહેલાંં પણ
પૂર્ણતા પામી ગયેલા છે;–એ પ્રમાણે, ધર્મ કરનારે પ્રથમ પૂર્ણતાને પામેલા આત્માને એટલે કે સર્વજ્ઞદેવને નક્કી
કરવા જોઈએ. હું મારા આત્મામાં વિકાર ટાળીને જે પૂર્ણ પરમાનંદ પ્રગટ કરવા માગું છું તો તેવો આનંદ પ્રગટ
કરનાર હું એક જ નથી પણ અત્યાર સુધીમાં અનંત આત્માઓ તેઓ પૂર્ણ આનંદ પ્રગટ કરી ચૂકયા છે, તેમ જ
તે પૂર્ણ આનંદ પ્રગટ કરવા માટે મથી રહેલા બીજા સાધક જીવો પણ છે, તેનું સ્વરૂપ એટલે કે સદ્ગુરુનું સ્વરૂપ
પણ નક્કી કરવું જોઈએ. વળી તે પૂર્ણાનંદ દશાની પ્રાપ્તિનો ઉપાય બતાવનારી સાચા દેવ–ગુરુની વાણી પણ
વિદ્યમાન છે, તેનું એટલે કે સાચા શાસ્ત્રનું સ્વરૂપ પણ નક્કી કરવું જોઈએ. એ રીતે ‘મારે પૂર્ણ આનંદ પ્રગટ
કરવો છે’ એવી ભાવનામાં દેવ–ગુરુ–શાસ્ત્રનો સ્વીકાર આવી જ જાય છે. સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા થયા
વગર પૂર્ણ જ્ઞાન આનંદ દશા પ્રગટ કરવાની ભાવના યથાર્થ હોય નહીં. જેમણે આત્માની પૂર્ણતા પ્રગટ કરી છે તે
દેવ છે, એવા દેવ એક નથી પણ અનંત છે. જેઓ પૂર્ણતા પ્રગટ કરવા માટેનો યથાર્થ ઉપાય કરી રહ્યા છે તેઓ
ગુરુ છે. અને તેવા દેવ–ગુરુની, યથાર્થ મોક્ષમાર્ગ કહેનારી વાણી તે શાસ્ત્ર છે. પૂર્ણાનંદ પ્રગટ કરવાની
ભાવનાવાળાએ એવા દેવ–ગુરુ–શાસ્ત્રની ઓળખાણ પહેલાંં કરવી જોઈએ.
અત્યાર સુધીના અનંતકાળમાં કાળક્રમે અનંત જીવો પૂર્ણાનંદને પામ્યા છે, અત્યારે પણ મહાવિદેહ વગેરે
ક્ષેત્રમાં પૂર્ણાનંદને પામેલા જીવો વર્તે છે, ને ભવિષ્યમાં પણ અનંત જીવો પૂર્ણાનંદને પામશે. –એ બધાય જીવો
જ્ઞાનસ્વભાવી આત્માની ઓળખાણ કરીને તેમાં એકાગ્રતાથી જ પૂર્ણાનંદને પામ્યા છે, એ એક જ વિધિ છે,

PDF/HTML Page 20 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૭૭ : ૨૪૩ :
બીજી કોઈ વિધિ નથી. આત્મા જ્ઞાનપિંડ છે, તેને જ્ઞાન વડે જ પકડી શકાય છે. વચ્ચે અધૂરી દશામાં શુભરાગ
આવે પણ તે ધર્મ નથી. અને તે રાગ વડે આત્મા જણાતો નથી. એ પ્રમાણે રાગરહિત આત્મસ્વભાવનું સાચું
જ્ઞાન જેને નથી તેને ત્રણકાળમાં ધર્મ થતો નથી. પ્રથમ આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં એકાગ્ર થવું તે
જ પૂર્ણાનંદી પરમાત્મદશાને પ્રાપ્ત કરવાની વિધિ છે.
[૩૦] કેવળજ્ઞાનના નિર્ણયમાં સમ્યક્ પુરુષાર્થ–
પ્રશ્ન:– કેવળી ભગવાને જોયું હશે ત્યારે મોક્ષ થઈ જશે; પછી પ્રયત્નનું શું કામ?
ઉત્તર:– ભાઈ, મોક્ષ પામનાર જીવ મોક્ષના પુરુષાર્થ પૂર્વક મોક્ષ પામશે–એમ પણ ભગવાને જોયું છે,
પુરુષાર્થ વગર એમ ને એમ મોક્ષ પામી જશે–એમ કાંઈ ભગવાને જોયું નથી. વળી, ‘ભગવાને જ્યારે જોયું હશે
ત્યારે મોક્ષ થશે’ –એવા યથાર્થ નિર્ણયમાં તો આત્માના પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવનો નિર્ણય પણ ભેગો જ આવી
ગયો, અને જ્યાં જ્ઞાનસ્વભાવનો નિર્ણય થયો ત્યાં મોક્ષમાર્ગની શરૂઆત થઈ ગઈ એટલે તેમાં મોક્ષનો
સમ્યક્પુરુષાર્થ પણ આવી જ ગયો. સમ્યક્પુરુષાર્થ વગર કેવળજ્ઞાનનો યથાર્થ નિર્ણય હોતો નથી.
[૩૧] ધર્મનાં નિમિત્ત અને ધર્મનો વિધિ
જેને પોતાના આત્મામાં ધર્મ પ્રગટ કરવો છે તેનું લક્ષ જેમના આત્મામાં ધર્મ પ્રગટ્યો હોય તેવા નિમિત્ત
ઉપર જ જાય, પણ જેનામાં ધર્મ પ્રગટ્યો ન હોય તેવા આત્માને તે પોતાના ધર્મના નિમિત્ત તરીકે સ્વીકારે નહિ.
આત્મસ્વભાવ સમજનારનું લક્ષ ક્યાં જાય? જો કે સમજનાર તો પોતે પોતાના આત્મસ્વભાવના લક્ષથી જ
સમજે છે, પરંતુ સત્ના નિમિત્ત તરીકે સાચા દેવ–ગુરુનો વિચાર અને બહુમાન આવ્યા વગર રહે નહિ.
પૂર્ણદશા પામીને મુક્ત થઈ જનારા જીવો કોઈ પૂર્વે થઈ ગયા, કોઈ હમણાં થાય છે અને કોઈ હવે પછી
થશે. પૂર્ણતા પામનારા અને તેને સાધનારા અનાદિથી થતા જ આવે છે અને તેમની વાણીરૂપ શાસ્ત્રો પણ
પ્રવાહપણે અનાદિથી છે. ધર્મ કરનારને એ રીતે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનો નિર્ણય આવી જવો જોઈએ. છતાં
સાચા દેવ–ગુરુ શાસ્ત્રના લક્ષે પણ ધર્મ થઈ જતો નથી; પણ ધર્મ તો અંર્તસ્વભાવના જ આશ્રયે થાય છે. ધર્મ
ક્યાંય બહારમાં નથી પણ અંદરની દશામાં છે, એટલે ધર્મ ક્યાંય બહારના લક્ષે થતો નથી, પણ અંર્તસ્વભાવનો
નિર્ણય કરીને તેના લક્ષે એકાગ્રતાથી જ ધર્મ થાય છે. –આ જ ધર્મનો વિધિ છે.
[૩૨] સર્વજ્ઞ પરમાત્મા અને વાણીનો યોગ
પૂર્ણ જ્ઞાન–આનંદદશા પામેલા જીવો પણ બે પ્રકારના હોય છે–એક દેહમુક્ત અને બીજા જીવનમુક્ત. તેમાં
જે દેહમુક્ત થઈ ગયા તે તો ‘સિદ્ધ ભગવાન’ છે, અને જે પરમાત્મા દેહસહિત વિચરે છે તે ‘ અરિહંત ભગવાન’
છે. તે અરિહંતોમાં કેટલાકને વાણીનો યોગ હોય છે અને કેટલાકને નથી પણ હોતો. પરંતુ જે તીર્થંકર હોય તેમને
તો નિયમથી વાણીનો યોગ હોય જ છે. સર્વજ્ઞ પરમાત્મદશા પ્રગટી ગયા પછી શરીર કે વાણીનો સંબંધ હોય જ
નહિ–એમ એકાંત નથી. એટલે, કોઈપણ સર્વજ્ઞને વાણી ન જ હોય–એમ નથી, પણ કોઈ સર્વજ્ઞને વાણીનો યોગ
હોય છે. જો કોઈ સર્વજ્ઞને વાણીનો યોગ ન જ હોય તો તેમની સર્વજ્ઞતાને બીજા જીવો કઈ રીતે જાણે? તથા
સર્વજ્ઞદેવના પૂર્ણ જ્ઞાનમાં શું વસ્તુસ્વરૂપ જણાયું તેની ખબર વાણી વગર બીજા જીવોને કઈ રીતે પડે? ને તીર્થની
પ્રવૃત્તિ કઈ રીતે થાય? –અને એમ થતાં તો સર્વજ્ઞ વગેરેનો નિર્ણય જ થઈ શકશે નહિ. ને દેવ–ગુરુ–શાસ્ત્રના
નિર્ણય વગર અંતરના સ્વભાવનું સાચું જ્ઞાન પણ ન હોય. સાચા નિમિત્તો કોણ છે, ક્યાં છે, શું કરી રહ્યા છે
અને તેમણે કહેલું વસ્તુસ્વરૂપ શું છે–એની નિઃશંકતા વગર અંતરમાં વીર્ય વળે નહિ.
[૩૩] નિમિત્તોનો વિવેક
કોઈ કહે કે ખોટા નિમિત્તોની માન્યતા હતી ને અમારું કલ્યાણ થઈ ગયું, –તો એમ કદી બને શકે નહીં.
જો કે નિમિત્તથી તો કાંઈ લાભ કે નુકશાન થતું નથી, તોપણ સાચા જ્ઞાનમાં કેવા નિમિત્તો હોય ને કેવા નિમિત્તો
ન હોય, તેનો વિવેક કર્યા વગર સમ્યગ્જ્ઞાન થાય નહિ. પુરુષની પ્રમાણતાનો નિર્ણય કર્યા વગર ગમે તેના, ગમે
તેવા ઉપદેશને સાચો માની લ્યે તેને તો હજી સાચા–ખોટા નિમિત્તનો પણ વિવેક નથી, તો નિમિત્તથી પાર
અંર્તસ્વભાવનો નિર્ણય કરવાની તાકાત તેનામાં ક્યાંથી આવશે? –હજી આંગણા સુધી પણ જે નથી આવ્યો તે
આંગણાનો અભાવ કરીને ઘરમાં શી રીતે પ્રવેશી શકશે?