ATMADHARMA Regd. No. B. 4787
બહુમાન પ્રગટ્યું છે. ગામોગામ બાળકો, યુવાનો ને વૃદ્ધોમાં, જૈનો ને જૈનેતરોમાં મહારાજશ્રીએ આત્મવિચારનાં
પ્રબળ આંદોલનો ફેલાવ્યા છે અને આ મોંઘા મનુષ્યભવમાં જો જીવે દેહ, વાણી અને મનથી પર એવા પરમ
તત્ત્વનું ભાન ન કર્યું તેની રુચિ પણ ન કરી, તો આ મનુષ્યભવ નિષ્ફળ છે’ એમ દાંડી પીટીને જાહેર કર્યું છે
અને જાહેર કરે છે.
એ અમૃતસિંચક યોગિરાજ કાઠિયાવાડની બહાર વિચર્યા નથી. જો તેઓશ્રી હિંદુસ્તાનમાં વિચરે તો
આખા ભારતવર્ષમાં ધર્મની પ્રભાવના કરી હજારો તૃષાવંત જીવોની તૃષા છિપાવી શકે એવી અદ્ભુત શક્તિ
તેમનામાં દેખાય છે.
આવી અદ્ભુત શક્તિના ધરનાર પવિત્રાત્મા કાનજીસ્વામી કાઠિયાવાડની મહા પ્રતિભાશાળી વિભૂતિ છે.
તેમના પરિચયમાં આવનાર પર તેમના પ્રતિભાયુક્ત વ્યક્તિત્વનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. તેઓશ્રી
અનેક સદ્ગુણોથી અલંકૃત છે. તેમની કુશાગ્ર બુદ્ધિ દરેક વસ્તુના હાર્દમાં ઊતરી જાય છે. તેમની સ્મરણશક્તિ
વર્ષોની વાતને તિથિવાર સહિત યાદ રાખી શકે છે. તેમનું હૃદય વજ્રથીયે કઠણ ને કુસુમથીયે કોમળ છે. તેઓશ્રી
અવગુણ પાસે અણનમ હોવા છતાં સહેજ ગુણ દેખાતાં નમી પડે છે. બાળબ્રહ્મચારી કાનજીસ્વામી એક
અધ્યાત્મમસ્ત આત્માનુભવી પુરુષ છે, અધ્યાત્મમસ્તી તેમની રગેરગમાં વ્યાપી ગઈ છે. આત્માનુભવ તેમના
શબ્દે શબ્દમાં ઝળકે છે. તેમના શ્વાસે શ્વાસે ‘વીતરાગ! વીતરાગ!’ નો રણકાર ઊઠે છે. કાનજીસ્વામી
કાઠિયાવાડનું અદ્વિતીય રત્ન છે. કાઠિયાવાડ કાનજીસ્વામીથી ગૌરવવંત છે.
હિંમતલાલ જેઠાલાલ શાહ.
બી. એસ. સી.
(અનુસંધાન પા. ૮૨ થી ચાલુ)
દર્શનને નક્કી કરનાર જ્ઞાન જ છે. કોઈ પણ ગુણને જાણનાર જ્ઞાન જ છે. દર્શન પોતે અસ્તિરૂપ ગુણ છે.
મહિમા બધે જ્ઞાનનો જ છે; બધે ચૈતન્ય જ્યોતનું જ ચમકવું છે. (સમયસારમાં) જ્યાં જ્યાં ‘પ્રજ્ઞા’ થી
વર્ણન હોય ત્યાં બધે ઠેકાણે જ્ઞાનને આમ જ (ઉપર પ્રમાણે જ) કહ્યું છે.
અપૂર્ણ જ્ઞાન ભલે નિમિત્ત લ્યે છે પણ દર્શનના વિષયને લક્ષમાં લેનાર જ્ઞાન છે. એક સમયમાં વિકલ્પ
રહિત જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે; દર્શનનો અભેદ વિષય લક્ષમાં લ્યે ત્યારે જ જ્ઞાનની પર્યાય ખીલે છે. એમ
નક્કી કરનાર પણ જ્ઞાનની પર્યાય જ છે.
‘જ્ઞાન નિમિત્તને જાણે છે’ એમાં પર તરફ વજન જાય છે એના કરતાં જ્ઞાને દર્શનનો વિષય નક્કી કર્યો
ત્યારે જ્ઞાન સમ્યક્ થયું છે એમ સામાન્યપણે જે જ્ઞાન કર્યું છે તેનું જોર (વજન) જોઈએ.
જ્ઞાન ગુણને વિશેષ, સવિકલ્પ કે સાકાર કહેવાય છે. જ્ઞાન પોતાને જાણે છે અને પરને પણ જાણે છે તેથી
વિશેષ કહ્યો છે; સવિકલ્પ કહેવાથી ‘જ્ઞાનમાં રાગવિકલ્પ છે’ એમ નથી કહ્યું–પણ જ્ઞાનનું સ્વ–પર પ્રકાશકપણું કહ્યું
છે; તથા સાકાર કહ્યું તેથી કાંઈ જડના આકારવાળું નથી, પણ તેનો સ્વપરને જાણવાનો સ્વભાવ બતાવ્યો છે.
દરેક વસ્તુ સામાન્ય–વિશેષપણે એટલે કે દ્વૈતપણે હોય છે. ચેતના પણ દ્વૈતપણે અર્થાત્ દર્શન અને
જ્ઞાનરૂપ સામાન્ય–વિશેષપણે છે. ‘વિશેષમાં બધું આવે છે વિશેષ દર્શનને નક્કી કરનાર છે. ’
અહીં સામાન્ય વિશેષ શા માટે લીધા છે?
(૧) વિશેષમાં બધું સમાઈ જાય છે.
(૨) પુણ્ય–પાપ કે રાગ–દ્વેષને કોઈ ‘આત્માનું વિશેષ’ કહેતાં હોય તો તેમ નથી. પણ પર્યાય તે વિશેષ
છે અને અખંડ દ્રવ્ય તે સામાન્ય છે.
(૩) ચેતના સામાન્ય વિશેષ સ્વરૂપ છે, સામાન્ય વિશેષ (દર્શન–જ્ઞાન) વગર ચેતના હોઈ શકે નહીં અને
ચેતના વગર આત્મા ન હોય. કારણકે વ્યાપક ચેતના છે અને વ્યાપ્ય આત્મા છે. વ્યાપક વિના વ્યાપ્ય હોય નહીં.
જ્ઞાન તો પોતાનું સ્વરૂપ છે. તેનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તેની એક સમયની એક પર્યાયમાં આખો
સ્વભાવ અને અવસ્થા બધું આવે છે.
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી. શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય વિજ્યાવાડી, મોટા આંકડિયા. તા. ૨૪–૪–૪૪
પ્રકાશક–જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વિજ્યાવાડી, મોટા આંકડિયા, કાઠિયાવાડ