Atmadharma magazine - Ank 028
(Year 3 - Vir Nirvana Samvat 2472, A.D. 1946).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 17

background image
: માહ : ૨૪૭૨ આત્મધર્મ : ૮૧ :
નથી–આવી શ્રદ્ધામાં જ્ઞાનનો અનંતો પુરુષાર્થ સમાય છે. આ સમજવા માટે જ આચાર્યદેવે અહીં બે ગાથા મૂકીને
વસ્તુસ્વરૂપ બતાવ્યું છે. સમ્યગ્દ્રષ્ટિને હજી કેવળજ્ઞાન થયું નથી ત્યારપહેલાંં પોતાના કેવળજ્ઞાનની ભાવના કરતાં
વસ્તુસ્વરૂપ વિચારે છે. સર્વજ્ઞતા થતાં વસ્તુસ્વરૂપ કેવું જણાશે તેનું ચિંતવન કરે છે.
આત્માની અવસ્થા ક્રમબદ્ધ થાય છે, જ્યારે આત્માની જે અવસ્થા થાય ત્યારે તે અવસ્થાને અનુકૂળ
નિમિત્તરૂપ પરવસ્તુ સ્વયં હાજર હોય જ છે; આત્માની ક્રમબદ્ધપર્યાયની જે લાયકાત હોય તેને અનુસાર નિમિત્ત
ન આવે તો તે પર્યાય અટકી જાય–એમ બનતું નથી. ‘નિમિત્ત ન હોય તો? ’ એ પ્રશ્ન જ અજ્ઞાનભરેલો છે,
ઉપાદાનસ્વરૂપની દ્રષ્ટિવાળાને તે પ્રશ્ન ન ઊઠે; વસ્તુમાં પોતાના ક્રમથી જ્યારે અવસ્થા થાય ત્યારે નિમિત્ત હોય
જ છે, એવો નિયમ છે.
જે તડકો છે તે પરમાણુની જ ઊજળી દશા છે અને છાંયો છે તે પરમાણુની જ કાળી દશા છે. પરમાણુમાં જે
સમયે કાળી અવસ્થા થવાની હોય તે જ સમયે કાળી અવસ્થા તેનાથી સ્વયં થાય છે, અને તે વખતે સામે બીજી
ચીજ હાજર હોય છે. પરમાણુની કાળી દશાના ક્રમને ફેરવવા કોઈ સમર્થ નથી. તડકામાં વચ્ચે હાથ રાખતાં નીચે જે
પડછાયો થાય છે તે હાથના કારણે થયો નથી, પણ ત્યાંના પરમાણુની જ તે સમયની ક્રમબદ્ધ અવસ્થા કાળી થઈ છે.
પરમાણુમાં બપોરના ત્રણ વાગે કાળી દશા થવાની છે એમ સર્વજ્ઞદેવે જોયું હોય, અને હાથ મોડો આવે તો
પરમાણુમાં ત્રણ વાગે કાળીદશા થવી અટકી જાય ને? ના, એમ બને જ નહિ. પરમાણુમાં બરાબર ત્રણ વાગે કાળી
દશા થવાની હોય તો બરાબર તે જ વખતે હાથ વગેરે નિમિત્ત સ્વયં હાજર હોય જ; સર્વજ્ઞદેવે ત્રણ વાગે પરમાણુની
કાળી દશા થશે એમ જોયું અને જો નિમિત્તના અભાવને લીધે તે દશા મોડી થાય તો સર્વજ્ઞનું જ્ઞાન ખોટું ઠરે! પરંતુ
તે અસંભવ છે. જે વખતે વસ્તુની જે ક્રમબદ્ધ અવસ્થા થવાની હોય છે તે વખતે નિમિત્ત ન હોય એમ બને જ નહિ,
નિમિત્ત હોય ખરૂં પણ નિમિત્ત કાંઈ જ કરે નહિ. અહીં ઉપરમાં પુદ્ગલનું દ્રષ્ટાંત લીધું, તેમ હવે જીવનું દ્રષ્ટાંત આપી
સમજાવે છે. કોઈ જીવ કેવળજ્ઞાન પામવાનો હોય અને શરીરમાં વજ્રઋષભનારાચસંહનન ન હોય તો કેવળજ્ઞાન
અટકી જાય એવી માન્યતા તદ્ન અસત્ય પરાધીન દ્રષ્ટિની છે. જીવ કેવળજ્ઞાન પામવા તૈયાર થયો અને શરીરમાં
વજ્રઋષભનારાચસંહનન ન હોય એમ કદાપિ બને જ નહિ. જ્યાં ઉપાદાન પોતે તૈયાર થયું ત્યાં નિમિત્ત સ્વયં હોય
જ. જે સમયે ઉપાદાન કાર્યરૂપ પરિણમે તે જ સમયે બીજી ચીજ નિમિત્તરૂપ હાજર હોય, નિમિત્ત પાછળથી આવે
એમ બને નહિ, જે વખતે ઉપાદાનનું કામ તે જ વખતે નિમિત્તની હાજરી–આમ હોવા છતાં ઉપાદાનના કાર્યમાં
નિમિત્ત કાંઈ જ મદદ, અસર કે ફેરફાર કરે નહિ. નિમિત્ત ન હોય એમ ન બને અને નિમિત્તથી કાર્ય થાય એમ પણ
ન બને. ચેતન કે જડ દ્રવ્યમાં તેની પોતાની જે ક્રમબદ્ધ અવસ્થા જ્યારે થવાની હોય છે ત્યારે અનુકૂળ નિમિત્ત હોય
છે. આવો જે સ્વાધીનદ્રષ્ટિનો વિષય છે તે સમ્યગ્દ્રષ્ટિ જ જાણે છે, મિથ્યાદ્રષ્ટિઓને વસ્તુની સ્વતંત્રતાની પ્રતીત નથી
એટલે તેની દ્રષ્ટિ નિમિત્ત ઉપર જાય છે.
અજ્ઞાનીને વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન નથી એટલે તે વસ્તુની ક્રમબદ્ધપર્યાયમાં શંકા કરે છે કે આ આમ કેમ
બન્યું? તેને સર્વજ્ઞના જ્ઞાનની અને વસ્તુની સ્વતંત્રતાની પ્રતીત નથી; જ્ઞાનીને વસ્તુસ્વરૂપમાં શંકા પડતી નથી.
તે જાણે છે કે જે કાળે જે વસ્તુની જે પર્યાય થાય છે તે તેની ક્રમબધ્ધ વ્યવસ્થા છે, હું માત્ર જાણનાર છું; આમ
જ્ઞાનીને પોતાના જાણનાર સ્વભાવનું ભાન છે તેથી સર્વજ્ઞ ભગવાને જાણેલા વસ્તુસ્વરૂપનું ચિંતવન કરીને તે
પોતાના જ્ઞાનની ભાવના વધારે છે કે જે કાળે જેમ બને તેમ હું તેનો જ્ઞાયક જ છું, મારા જ્ઞાયક સ્વરૂપની
ભાવના કરતાં કરતાં મારૂં કેવળજ્ઞાન પ્રગટવાનું છે.
આ ભાવના કેવળી ભગવાન વિચારતા નથી પરંતુ જેને હજી અલ્પ રાગ–દ્વેષ પણ થાય છે એવા ચોથા,
પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનવાળા જ્ઞાનીની ધર્મભાવનાનો આ વિચાર છે, આમાં યથાર્થ વસ્તુ સ્વરૂપની ભાવના છે,
પણ કાંઈ મિથ્યાકલ્પના કે દુઃખના આશ્વાસન માટે નથી. આવી પડેલા કોઈ પણ સંયોગ વિયોગને આપદાનું
કારણ સમ્યગ્દ્રષ્ટિઓ માનતા જ નથી, પણ જ્ઞાનની અધૂરી દશાના કારણે પોતાની નબળાઈથી અલ્પ રાગ–દ્વેષ
થાય છે, તે વખતે સંપૂર્ણ જ્ઞાનદશા કેવા પ્રકારની હોય તેનું તેઓ નીચે પ્રમાણે ચિંતવન કરે છે.
જે કાળે જે વસ્તુની જે અવસ્થા સર્વજ્ઞદેવના જ્ઞાનમાં જણાણી છે તે જ પ્રમાણે ક્રમબદ્ધ અવસ્થા થવાની,