ATMADHARMA With the permission of Baroda Govt. Regd No. B. 4787
Order No. 30-24 date 31-10-44
ઉ–અર્થપર્યાય અને વ્યંજનપર્યાય બંને હોય છે.
૫૭. પ્ર.–અરૂપી વસ્તુને આકૃતિ હોય?
ઉ–હા, પ્રદેશત્વ ગુણને લીધે દરેક વસ્તુને આકૃતિ હોય જ; તેને વ્યંજનપર્યાય કહેવાય છે.
૫૮. પ્ર.–ધર્મ–અધર્મ–આકાશ અને કાળ એ ચાર દ્રવ્યને સ્વભાવવ્યંજન પર્યાય છે કે વિભાવ વ્યંજન પર્યાય છે?
ઉ–એ ચારે દ્રવ્યોને સદાય સ્વભાવવ્યંજન પર્યાય જ હોય છે, તેની પર્યાયમાં કદી વિકાર થતો નથી, સંસારી જીવ
અને પરમાણુઓને જ વિભાવવ્યંજનપર્યાય હોય છે.
૫૯. પ્ર.–અગુરુલઘુત્વગુણ પ્રતિજીવી કે અનુજીવી?
ઉ–અગુરુલઘુત્વગુણ બે પ્રકારના છે; તેમાં જે સામાન્ય અગુરુલઘુગુણ છે તે અનુજીવી છે અને જે વિશેષ
અગુરુલઘુગુણ છે તે પ્રતિજીવી છે.
૬૦. પ્ર.–બંને અગુરુલઘુ ગુણમાં અભાવસૂચક ‘અ’ આવે છે છતાં બંનેમાં ભેદ કેમ?
ઉ–સામાન્ય અગુરુલઘુગુણ તો બધી વસ્તુઓમાં ત્રિકાળ છે, તે ગુણ કોઈ બીજાના અભાવની અપેક્ષા રાખતો
નથી માટે તે અનુજીવી છે અને વિશેષ અગુરુલઘુગુણ તો ગોત્ર કર્મનો અભાવ થતાં સિદ્ધદશામાં પ્રગટે છે–કર્મના
અભાવની અપેક્ષા રાખતો હોવાથી તે પ્રતિજીવી ગુણ છે.
અભાવસૂચક ‘અ’ આવે માટે તે ગુણને પ્રતિજીવી કહેવો એવી તેની વ્યાખ્યા નથી, પણ કોઈ બીજા પદાર્થના
અભાવની અપેક્ષા રાખે તે ગુણ પ્રતિજીવી છે.
૬૧. પ્ર.–મન જ્ઞાન કરતાં અટકાવે છે કે મદદ કરે છે?
ઉ–મન તો જડ છે, તે જ્ઞાનથી જુદું છે તેથી તે જ્ઞાન કરવામાં મદદ પણ ન કરે અને અટકાવે પણ નહિ. જ્યારે
જ્ઞાન પર પદાર્થને જાણે છે ત્યારે મન નિમિત્તરૂપ હાજરમાત્ર હોય છે અને જ્યારે જ્ઞાનવડે પોતાના આત્માને જ જાણે છે
ત્યારે તો મન નિમિત્તરૂપ પણ હોતું નથી.
૬૨. પ્ર.– ‘આત્મા દેહ છોડીને ચાલ્યો ગયો’ –ત્યારે અહીંથી છ દ્રવ્યોમાંથી કેટલા દ્રવ્યો ગયા?
ઉ–એક તો જીવ અને તેની સાથે કાર્માણ તથા તૈજસ શરીરના રજકણો; એટલે કે જીવ અને પુદ્ગલ દ્રવ્યો ગયાં.
જીવ અને પુદ્ગલ દ્રવ્ય સિવાયનાં ચારે દ્રવ્યો તો સદા સ્થિર છે તેઓમાં કદી ક્ષેત્રાંતર થતું જ નથી.
૬૩. પ્ર.– ‘શરીરને છોડીને જીવના પ્રદેશોનું બહાર ફેલાવું તેને સમુદ્ઘાત કહે છે’ –આ વ્યાખ્યા બરાબર છે?
ઉ–ના, એ વ્યાખ્યા બરાબર નથી. શરીરને છોડીને આત્મપ્રદેશ બહાર નીકળી જાય તો તે મરણ કહેવાય,
સમુદ્ઘાતમાં તો મૂળ શરીરને છોડયા વગર આત્મપ્રદેશો બહાર ફેલાય છે.
૬૪. પ્ર–રાગ–દ્વેષ આત્માના છે કે જડના છે?
ઉ–રાગ–દ્વેષભાવ આત્માની પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો તે આત્માના છે; પરંતુ રાગ–દ્વેષભાવ તે
આત્માનું સ્વરૂપ નથી–તેથી આત્માના શુદ્ધસ્વરૂપની અપેક્ષાએ તેને જડના પણ કહેવાય છે.
૬૫. પ્ર–ઈન્દ્રિય સિવાય જીવ હોઈ શકે કે નહિ?
ઉ–હા, સિદ્ધ દશામાં અનંત જીવો છે તેઓને ઈન્દ્રિય કે શરીર નથી, તેમજ જીવ જ્યારે એક ગતિમાંથી બીજી
ગતિમાં ગમન (વિગ્રહ ગતિ) કરે છે ત્યારે પણ તેને ઈન્દ્રિય કે સ્થૂળ શરીર હોતાં નથી; અને ખરી રીતે તો બધા જ
જીવો ઈન્દ્રિય અને શરીર વગરનાં જ છે, ઈન્દ્રિય અને શરીર તો જડ છે, જ્ઞાનસ્વરૂપ આત્મા તે નથી જુદો જ છે.
વ્યવહારથી જીવને ઓળખવા માટે એકેન્દ્રિય વગેરે નામ આપ્યાં છે.
૬૬. પ્ર–જડ અને પુદ્ગલમાં શું ફેર છે?
ઉ–જડનું લક્ષણ અચેતનપણું છે તેથી ‘જડ’ કહેતાં તેમાં જીવ સિવાયના પાંચે દ્રવ્યનો સમાવેશ થઈ જાય છે
અને પુદ્ગલનું લક્ષણ રૂપીપણું છે તેથી પુદ્ગલ કહેતાં એકલું પુદ્ગલ દ્રવ્ય લક્ષમાં આવે છે; જડ તો રૂપી પણ હોય અને
અરૂપી પણ હોય, પરંતુ પુદ્ગલ તો રૂપી જ હોય છે.
૬૭. પ્ર–સત્દેવનું ટુંકામાં ટૂંકું સ્વરૂપ શું?
ઉ–સર્વજ્ઞતા; જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં વીતરાગતા હોય જ.
૬૮. પ્ર– ‘અર્હંતદેવ’ અને ‘સ્વર્ગના દેવ’ એ બે દેવોમાં શું ફેર છે?
ઉ–અર્હંતદેવ પૂજનીક છે, તેઓ પૂર્ણજ્ઞાની છે, વિકાર રહિત છે, જીવન્મુક્ત છે; ભવ રહિત છે. પણ સ્વર્ગના દેવ
તો અપૂર્ણજ્ઞાનવાળાં છે; વિકાર સહિત છે, સંસારી છે, ભવ સહિત છે; અર્હંતપ્રભુને દેવપણું ગુણના કારણે છે તેથી
પૂજનીક છે, અને સ્વર્ગનું દેવપણું તે તો પુણ્યના વિકારનું ફળ છે. તેથી તે દેવપદ પૂજનીક નથી. (અપૂણર્)