આસો : ૨૪૭૨ આત્મધર્મ : ૨૨૧ :
પોક મૂકવા જેવું છે. જેણે આત્માને જાણ્યો નથી અને વિકારની ને શરીરની મમતા કરી છે તે ભવ પૂરો કરીને
જન્મ–મરણમાં જ ચાલ્યા જાય છે. પોતાના આત્માનો મહિમા અને રુચિ જાગ્યા વગર કદી જન્મ–મરણથી નિવેડા
થાય તેમ નથી.
આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને શુદ્ધનય પરોક્ષ દેખાડે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ બધાને સમજાય તેવું છે
માટે જ જ્ઞાનીઓ તે સમજાવે છે. પ્રભુ! તું આ કાળે આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજી જા અને તને પોતાને આત્માથી
ખાતરી થઈ જાય કે, હવે એક–બે ભવમાં જ સંસારની સમાપ્તિ છે. આવી નિઃશંક પ્રતીતિ પોતાને થઈ જાય એવી
સમજણ અત્યારે થઈ શકે છે. રાગ–દ્વેષ સર્વથા ટળી જાય નહિ છતાં રાગદ્વેષરહિત શુદ્ધ જ્ઞાન સ્વરૂપની પ્રતીતિ
થઈ શકે છે, એવી પ્રતીતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે.
૧૩. –સમ્યગ્દર્શનનું કાર્ય–
પ્રશ્ન:– અમારે ગૃહસ્થોને સમ્યગ્દર્શન શું કામનું?
ઉત્તર:– અરે ભાઈ! જગતના સર્વ જીવોને ધર્મ કરવા માટે સૌથી પ્રથમ સમ્યગ્દર્શન જ ઉપાય છે.
સમ્યગ્દર્શન મહાન ઉપકારી ત્રણકાળ ત્રણ લોકમાં અન્ય કોઈ નથી. એક સેકંડ માત્રનું સમ્યગ્દર્શન અનંત ભવનો
નાશ કરે છે. શ્રી અષ્ટપાહુડમાં કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે–
“પ્રથમ તો શ્રાવકે સુનિર્મળ અને મેરૂવત્ નિષ્કંપ એવા સમ્યક્ત્વને ગ્રહણ કરવું અને દુઃખના ક્ષય અર્થે
તેને જ ધ્યાનમાં ધ્યાવવું.” [મોક્ષપાહુડ–ગાથા–૮૬]
“ઘણું કહેવાથી શું સાધ્ય છે? જે નરપ્રધાન ભૂતકાળમાં સિદ્ધ થયા અને ભવિષ્યકાળમાં સિદ્ધ થશે તે આ
સમ્યગ્દર્શનનું જ માહાત્મ્ય જાણો” [મોક્ષ પાહુડ ગાથા ૮૮]
“મુક્તિનું કરવાવાળું સમ્યક્ત્વ છે તેને સ્વપ્નદશા વિષે પણ જે પુરુષે મલિન કર્યું નથી તે જ પુરુષ ધન્ય
છે, તે જ સુકૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે અને તે જ મનુષ્ય છે.” [મોક્ષપાહુડ ગાથા ૮૯]
વળી શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાં કહ્યું છે કે–
ત્રણકાળ ત્રણલોકમાં આ જીવને સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનાર સમ્યક્ત્વ સિવાય બીજું કોઈ નથી, અને
સર્વોત્કૃષ્ટ અહિત કરનાર મિથ્યાત્વ સિવાય બીજું કોઈ નથી. તીર્થંકર વગેરે પણ સમ્યક્ત્વ સમાન ઉપકાર
કરનાર નથી. સંસારના સમસ્ત દુઃખનો નાશ કરનાર અને આત્મકલ્યાણ પ્રગટ કરનાર એક સમ્યક્ત્વ છે, માટે
તે પ્રગટ કરવાનો પુરુષાર્થ કરો.
૧૪. “નવ તત્ત્વોની પરિપાટીને છોડીને એક આત્મા જ અમને પ્રાપ્ત હો! ”
“જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય
સમ્યગ્દર્શન નથી. તેથી આચાર્યદેવ કહે છે કે એ નવતત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી શુદ્ધનયનો વિષયભૂત
એક આત્મા જ અમને પ્રાપ્ત હો; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે, કોઈ નયપક્ષ
નથી. જો સર્વથા નયનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે” (સમયસાર પા. ૨૬)
જે જ્ઞાની હોય તે વ્યવહારનું જ્ઞાન રાખે પરંતુ કેવળ વ્યવહારને જ ન માને. જે નવતત્ત્વને ઓળખતા
નથી તે તો સ્થૂળમિથ્યાદ્રષ્ટિ છે, તેને તો ઊંચા પ્રકારનો શુભરાગ પણ હોય નહિ. પરંતુ જેઓ કેવળ વ્યવહારવડે
નવતત્ત્વની રાગમિશ્રિત શ્રદ્ધા કરે છે તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ છે. શુદ્ધનયવડે એકલા શુદ્ધ આત્માને જાણ્યા વગર
નવતત્ત્વના વિકલ્પના ભેદ વડે આત્માને માને તેને સમ્યગ્દર્શન થાય નહિ, અને સમ્યગ્દર્શન વગર ભક્તિ, દાન
વગેરે કરે તે બધું ‘રણમાં પોક’ છે. જેમ જંગલમાં સિંહના મુખમાં પડેલા હરણિયાની પોક સાંભળનાર કોઈ નથી
તેમ સંસાર દુઃખથી ઉગરવા માટે સમ્યગ્દર્શન સિવાય કોઈ શરણભૂત નથી.
પરિપાટીના વિકલ્પમાં રોકાતાં એકલો આત્મા પ્રતીતમાં આવતો નથી અને આત્માનો ધર્મ થતો નથી; માટે એક
આત્મામાં તે નવ તત્ત્વના વિકલ્પો છોડીને અમને તો શુદ્ધાત્મા જ પ્રાપ્ત હો. વ્યવહારના ભેદનું લક્ષ છોડીને
શુદ્ધનયના વિષયભૂત આત્મા જ અમને પ્રાપ્ત હો. –આવી ભાવના સમ્યગ્દ્રષ્ટિઓની અને મુનિઓની છે. જેટલે
અંશે ભેદ તૂટીને આત્મામાં અભેદતા થાય તેટલે અંશે શુદ્ધતા છે, અને જેટલું ભેદનું લક્ષ રહે તેટલો રાગ છે; માટે
અહીં ભેદને ગૌણ કરીને અભેદની ભાવના છે. પ્રથમ અભેદ સ્વભાવને જ્ઞાનથી જાણે તો તેની ભાવના કરે ને!
સત્ય અસત્યનો વિવેક કરીને જે સત્યની હા પાડે છે તેને પણ સત્યનો આદર છે. અસત્ની માન્યતા
છોડીને