Atmadharma magazine - Ank 045
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
ઃ ૧૭૪ઃ આત્મધર્મઃ ૪પ
શ્રી ચારણ મુનિઓના આવા મહા પવિત્ર આશીર્વાદ પામીને તે વખતે ધર્માત્મા ભરતના હૃદયમાં કેટલો
આહ્લાદ થઈ ગયો હશે–એ તો પરમાત્મા જ જાણે! અહા! આ પ્રસંગે આત્માર્થીઓનો ઉલ્લાસ અંતરમાં કેમ શમાય!
એ વખતે તો, જાણે સાક્ષાત્ મુક્તિ જ પોતાના હાથમાં આવી ગઈ હોય એવા પ્રકારે ભરતજી નાચવા માંડયા. એ ઠીક
જ છે, કેમ કે ધર્માત્માઓને જગતના કોઈ પણ પદાર્થો કરતાં પોતાની પવિત્ર દશાની પ્રાપ્તિ માટેનો ઉલ્લાસ અપૂર્વ
હોય છે.
ભરતેશની દાનચર્યાથી તે વખતે દેવો પણ પ્રસન્ન થયા, તે હર્ષમાં તેઓએ નર્તન કર્યું. અને તે વખતે ૧–
સુગંધી પવન, ૨–પુષ્પવૃષ્ટિ, ૩–સુવર્ણવૃષ્ટિ, ૪–વાદ્યધ્વનિ અને પ–જય જયકાર– એ પાંચ આશ્ચર્ય પ્રગટ કર્યા, તથા
આકાશમાં રહીને ભરતના દાનની પ્રશંસા કરવા લાગ્યા કે–આ દાન ઉત્તમ છે, દાતા ઉત્તમ છે અને પાત્ર તો
ઉત્તમોત્તમ છે. હે ભરત! સ્વર્ગમાં પણ અમને તારા જેવું મહાભાગ્ય નથી. જે સૌભાગ્ય અને સંપત્તિ અજ્ઞ મનુષ્યોને
મદનું કારણ બને છે તેણે તને તો સ્પર્શ પણ કર્યો નથી. તું ભોગી નથી પણ રાજયોગી છો. ભોગોથી અલિપ્ત છો,
ભોગોમાં મૂર્છા તને આવી નથી. એ પ્રકારે ભરતનો મહિમા ગાયો. એ યોગ્ય જ છે કેમ કે ધર્માત્માઓના ધાર્મિક
ગુણોનો મહિમા લાવીને તેની પ્રશંસા કરવી તે આત્માર્થીઓનું ચિહ્ન છે. છેવટે, ‘ધર્મ સામ્રાજ્યનું ચિર કાળ પાલન
કરો’ એવા આશીર્વાદ આપીને દેવો અંતર્ધ્યાન થયા.
મુનિઓને આહાર દાન દેવાનો ઘણો મહિમા છે, તેમાં પણ આદ્ય ચક્રવર્તીના દાનનો મહિમા અપાર છે. એવો
નિયમ છે કે શ્રી તીર્થંકરોને મુનિદશામાં જે સર્વ પ્રથમ આહાર દાન કરાવે તે તદ્ભવ મુક્તિગામી હોય. આ ઉપરથી
મુનિઓને આહાર દાન દેવાનો કેટલો મહિમા છે તે સમજાશે. અહીં પંચાશ્ચર્ય ઘટના વગેરે ભરતના દાનનો પ્રત્યક્ષ
મહિમા સૂચિત કરે છે.
‘જિન શરણ’ શબ્દનું ઉચ્ચારણ કરીને તે જિન મુનિઓ ત્યાંથી જવા માટે ઉભા થયા, તે જ વખતે ભરત
પણ ‘મને આપનું જ શરણ છે’ એમ કહીને તેઓની પાછળ જવા લાગ્યા. થોડે દૂર ગયા બાદ તે મુનિઓએ ભરતને
કહ્યું કે તમે રોકાઈ જાઓ. પરંતુ ભરતે તેમને સવિનય નિવેદન કર્યું કે ‘આપશ્રી પધારો– એમ કહીને તરત જ ભરતે
વૈક્રિયિક શક્તિથી પોતાના બે રૂપ બનાવી લીધા અને બંને રૂપોથી બંને મુનિરાજોને હાથમાં ધરીને ચલાવવા લાગ્યા
અર્થાત્ જેમ જેમ મુનિરાજો ડગ ભરે તેમ તેમ તેમના ચરણો નીચે પોતાના હાથને ધરતા જતા હતા, અને તેઓના
ચરણને જમીન પર પડવા દેતા ન હતા. થોડે દૂર જતાં ફરીથી મુનિઓએ કહ્યું–હવે રોકાઈ જાવ. ભરતે કહ્યું–
‘સ્વામીન્! મને હજી થોડી સેવા કરવા દો. આપ પધારો.’
થોડે દૂર જતાં ફરીથી મુનિઓએ કહ્યું–હે ભરત! હવે પાછો જા, આગળ ન આવીશ. ભરતે નમ્રભાવે કહ્યું–
ભગવન્! આપને તો ઉચિત છે કે ભક્તને બોલાવીને તેનો ઉદ્ધાર કરો...પરંતુ આપ તો મને આગળ ન આવવાનું
કહો છો...એ શું ઉચિત છે!!! એમ કહીને ભરત તેઓના ચરણમાં નમી પડયા.
ભરતનો વિનય અને તેની ભાવના જોઈને મનમાં પ્રસન્ન થઈને મુનિરાજો આગળ જવા લાગ્યા. ભરત પણ
તેમની પાછળ જવા લાગ્યા. એ રીતે તે મુનિઓની સાથે શહેરના છેલ્લા દરવાજા સુધી ભરત ગયા, ત્યાંથી પણ પાછા
ફરવાની ઇચ્છા ભરતને થતી ન હતી, એ યથાર્થ જ છે...જેઓ સતત્, આત્માનુભવ કરી રહ્યા છે એવા પરમ સંત
યોગીરત્નોને છોડીને જવાનું કોણ મોક્ષગામી જીવ ઇચ્છે!
ભરત હજી પણ પાછા જતા નથી એમ જાણીને મુનિઓએ કહ્યું કે હે ભરત! હવે તારા ભોજનનું મોડું થાય
છે, હવે તું પાછો ફર. ભગવાન શ્રી આદિનાથની આજ્ઞા છે કે તું પાછો ફર.
ભરત ત્યાં જ ઉભા રહી ગયા અને અત્યંત ભક્તિપૂર્વક તે તપસ્વીઓને નમસ્કાર કર્યા. અને પોતાના બે
રૂપને એક કરી લીધું. વીતરાગી તપસ્વીઓએ પણ તેને આશીર્વાદ દીધા અને તેઓ આકાશ માર્ગે વિહાર કરી ગયા.
ભરત ત્યાં ઉભા ઉભા એકીટશે તેમની તરફ જોઈ ગયા. આકાશમાં તેઓ ચંદ્ર અને સૂર્ય જેવા દેખાતા હતા. જ્યાં સુધી
નજર પડી ત્યાં સુધી ભરત ઘણી ઉત્સુકતાથી તેમના તરફ જોઈ રહ્યા અને જ્યારે તેઓ દેખાતા બંધ થયા ત્યારે ઉદાસ
ચિત્તે પોતાના મહેલ તરફ પાછા ફર્યા...
ધન્ય તે વીતરાગી મુનિદશા અને
ધન્ય તે ધર્માત્મા ભરતેશની મુનિ ભક્તિ!
(ભરતેશવૈભવ–ભાગ ૧ પા ૩૨ થી ૪પ ના આધારે)