વિકારીભાવને ઔદયિકભાવ કહેવાય છે, તે ભાવ ક્ષણિક છે. મારું ત્રિકાળી સ્વરૂપ ક્ષણિક વિકારથી રહિત છે– એમ
જેને સ્વભાવદ્રષ્ટિ થઈ અને વિકાર ઉપરથી દ્રષ્ટિ ટળી ગઈ તે જીવના અંતરમાંથી જન્મ–જરા–મરણની શંકા, ભય ને
ત્રાસ નીકળી જાય છે. સ્વભાવ સ્વીકાર્યો એને જન્મ–મરણની શંકા કેમ રહે? જન્મ–મરણનું કારણ તો વિકાર છે,
સ્વભાવમાં વિકાર નથી, તેથી જેણે સ્વભાવ સ્વીકાર્યો અને પ્રતીત કરી તેને ભવનો ત્રાસ હોતો નથી અર્થાત્ મારે
ઘણા ભવ હશે એવી તેને શંકા હોતી નથી.
તે એમ નિઃશંક થાય છે કે હવે એવો કોઈ ભાવ કે કોઈ કર્મ નથી કે જે મને સ્વભાવથી ચ્યૂત કરીને સંસારમાં
રખડાવે. હવે મારા સ્વભાવની દ્રષ્ટિથી નિર્મળતાની જ ઉત્પત્તિ છે અને વિકારની નાસ્તિ છે. એવી નિઃશંકતા થતાં
ભવનો ત્રાસ અંતરમાંથી ટળી જાય છે.
આજે દસમું વર્ષ બેસે છે.
નિર્મળદશા પ્રગટે, તે જ મંગળિક છે. પહેલાં તો પોતાના સ્વભાવનો વિશ્વાસ આવવો જોઈએ. પોતાને વિકાર
જેટલો જ માની બેસે તો અવિકારી થવાનો પુરુષાર્થ થાય નહિ, પણ જો વિકારરહિત સ્વભાવ ત્રિકાળ છે તેની
પ્રતીતિ–વિશ્વાસ કરે તો પર્યાયમાં વિકારરહિત દશા પ્રગટવાનો પુરુષાર્થ કરે. માટે પહેલાં જેવો સ્વભાવ છે તેવો
વિશ્વાસમાં લેવો જોઈએ.
“હું અમુક શેઠને ત્યાં લૂંટ કરવા આવ્યો છું, જેને નવી માતાનાં દૂધ પીવાં હોય તે ઘરની બહાર નીકળજો...” અહીં તે
ચોરને પોતાની શક્તિનો વિશ્વાસ હતો–એટલું દ્રષ્ટાંત લેવું છે. તેમ જેને સમ્યગ્જ્ઞાનરૂપી વિદ્યા હોય તેને પોતાના
સ્વભાવના જોરે એવો વિશ્વાસ હોય કે કોઈ કર્મનો ઉદય મને પાડવા સમર્થ નથી. જે જીવ ધર્મ કરવા નીકળ્યો છે તેને
જો પોતાની શક્તિનો વિશ્વાસ નહિ હોય તો ધર્મ ક્યાંથી કરશે? તને તારી સ્વભાવ શક્તિનો વિશ્વાસ છે કે નહિ? તું
કોણ છો? શું શુભભાવ કરવા જેટલી જ તારી શક્તિ છે? કે બીજી કાંઈ શક્તિ છે? આત્મા પરમાર્થે એને કહેવાય કે
જેનામાં પુણ્ય–પાપ વિકાર નથી. અપૂર્ણતા નથી પણ શુદ્ધ સ્વભાવરૂપ છે.–એવા સ્વભાવની જેણે શ્રદ્ધા કરી તેને એવી
શંકા ન હોય કે ભવિષ્યમાં કર્મનો ઉદય આવે ને મને પાડી દે. જીવ સ્વભાવ તે પારિણામિક ભાવ છે. ને વિકાર તે
ઔદયિકભાવ છે. જેને રખડવાની શંકા છે, તેને જીવતત્ત્વની શ્રદ્ધા નથી. જીવતત્ત્વની શ્રદ્ધા ત્યાં પડવાની શંકા નહિ,
ને પડવાની શંકા ત્યાં જીવતત્ત્વની શ્રદ્ધા નહિ.