Atmadharma magazine - Ank 046
(Year 4 - Vir Nirvana Samvat 2473, A.D. 1947).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
ઃ ૨૩૦ઃ આત્મધર્મઃ ૪૬
વઢવાણ શહેરમાં શ્રી જિનમંદિર અને શ્રી જૈનસ્વાધ્યાયમંદિરની તૈયારી
તા. ૧૮મીએ સવારના વ્યાખ્યાન પછી જાહેર કરવામાં આવ્યું હતું કે વઢવાણના મુમુક્ષુઓએ પોતાના ગામમાં
શ્રી જિનમંદિર તથા સ્વાધ્યાય મંદિર કરાવવા માટેના ફંડની શરૂઆત કરી છે, જેમાં રૂ. ૭૨૦૦) એકઠા થયા છે, અને
એ રકમ ઉપરાંત ત્યાંના એક સ્થાનિક મુમુક્ષુભાઈએ રૂ. ૭૦૦૦) રોકડા તથા લગભગ રૂ. ૩૦૦૦) ની કિંમતની
જમીન આપવા વચન આપ્યું છે.
શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા
તા. ૧૯મીએ સવારે વ્યાખ્યાન બાદ ૯ થી ૧૦ શ્રી જિનેન્દ્રદેવની રથયાત્રા નીકળી હતી. રથયાત્રામાં ચાંદીની
પાલખીમાં બિરાજમાન જિનેન્દ્રદેવ, ઇન્દ્રધ્વજ, ચાંદીનાં અષ્ટમંગળ દ્રવ્યો, ચાંદીની આઠ છડીઓ, ચાંદીના ભરતથી
ભરેલા સિદ્ધાંત સૂત્રો, મુકુટબંધ ‘સદ્ધર્મ પ્રભાવક દુદુંભી મંડળી’ વગેરે–અને સકલ સંઘનો અત્યંત ઉત્સાહ–તેનાથી
રથયાત્રા ઘણી શોભી ઊઠતી હતી. રથયાત્રામાં ઉલ્લાસથી કેટલાક ભાઈઓ તો જિનેન્દ્રદેવ પાસે નાચી ઉઠતા
હતા...રથયાત્રા ફરીને જ્યારે જિનેન્દ્રદેવ જિનમંદિરમાં પધાર્યા ત્યારે તેમની સમીપે ભક્તિની મોટી ધૂન લેવામાં આવી
હતી, ને તે વખતે પ્રભુશ્રીની વીતરાગતા નીરખી–નીરખીને મુમુક્ષુ ભક્તોના હૃદયો નાચી ઊઠતાં હતાં.
શ્રુતજ્ઞાન પૂજન
તા. ૨૦મીએ સવારે વ્યાખ્યાન પછી તરત સકલ સંઘે શ્રુતજ્ઞાનપૂજન કર્યું હતું. એ વખતે ભાઈઓ
‘जयसमयसार’ नी ધૂન લેતા હતા, તે જોનારને આશ્ચર્યથી સમયસારનું બહુમાન થતું હતુંઃ વચ્ચમાં એક ચાંદીના
સિંહાસન ઉપર સમયસારજીને પધરાવીને મુમુક્ષુભાઈઓ તેની પ્રદક્ષિણા કરતા હતા અને વચ્ચમાં કોઈ કોઈ ભાઈઓ
સમયસારની સામે નાચી ઊઠતા હતા. તે વખતનું દ્રશ્ય ઘણું ઉલ્લાસમય અને ભક્તિપ્રેરક હતું.
પ્રતિક્રમણ
તા. ૨૦મીએ સાંજે પ।। થી ૮ સુધી સકલસંઘે પ્રતિક્રમણ કર્યું હતું; એ દિવસે ‘સર્વ સામાન્ય પ્રતિક્રમણ’ માં
છાપેલા બન્ને પ્રતિક્રમણ કરવામાં આવ્યાં હતાં પ્રતિક્રમણ ઘણી જ શાંતિથી થયું હતું. એ વખતે બધા ભાઈઓના
હાથમાં પુસ્તક રહેતું હોવાથી સર્વે પ્રતિક્રમણના ભાવોને બરાબર સમજી શકે છે.
શાસ્ત્રીજીની રથયાત્રા
તા. ૨૧મીએ સવારનું વ્યાખ્યાન બંધ હતું અને તે વખતે (૮ થી ૯) શાસ્ત્રજીની રથયાત્રા નીકળી હતી.
રથયાત્રા ફરીને આવ્યા બાદ સ્વાધ્યાય મંદિરમાં ‘मेरा जैनधर्म अणमोला...’ એ સ્તવન ગવાયું હતું, તે પછી પૂ.
ગુરુદેવશ્રીએ શ્રીજયધવલામાંથી મંગળિક સંભળાવ્યું હતું. ત્યારબાદ શ્રી સદ્ગુરુસ્તુતિ કરી હતી.
ગુરુદેવશ્રીએ ગવડાવેલી ભક્તિ
ભક્તિ એટલે પહેલું સ્વતન પૂ. ગુરુદેવશ્રીએ ગવડાવ્યું હતું...તે વખતે મુમુક્ષુઓ શાંતરસ નીતરતી ભક્તિમાં
મહાલતા હતા એ ભક્તિથી મુમુક્ષુઓમાં લીલાલ્હેર થઈ ગયા હતા.
એ રીતે ઉલ્લાસપૂર્વક ધર્મમહોત્સવ ઉજવાયો હતો.
સોનગઢમાં પુણ્યની વિશેષતા
ચોવીસે કલાક આત્મકલ્યાણની જ ભાવનાનું રટણ રહ્યા કરે, અને પરમ સત્ય તત્ત્વજ્ઞાનનો જ આદર તથા
બહુમાન રહ્યા કરે, વાતો કરે તો તત્ત્વની, વિચાર આવે તો તેની જ મુખ્યતાના, ને સ્વપ્નાં પણ તેને જ લગતાં,–એવી
હાલતમાં જે ઊંચા પુણ્ય બંધાઈ જાય છે તેવાં પુણ્ય પણ બીજે ક્યાં હશે? અને સત્ અસત્નો વિવેક કરીને સમજે છે
તે તો અપૂર્વ કલ્યાણનું કારણ છે. મોટો ફેર એ છે કે તેઓ તે પુણ્યમાં ધર્મ માનતા નથી, તેની રુચિ કરતા નથી. વળી
એવી જ રીતે સત્ સમજવા તરફનો વિકલ્પ, સત્દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ–બહુમાન અને ઊચ્ચ ભાવના રહ્યા કરે તે
શું વ્યવહાર નથી? સોનગઢમાં છે તેવો સદ્ વ્યવહાર પણ બીજે નહિ હોય! પરંતુ, તે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે–
એવી મિથ્યા માન્યતા તેઓ માનતા નથી. પુણ્ય અને વ્યવહાર તથા તેનાં નિમિત્તો–એ તો બધું છે પરંતુ તેનાથી
આત્માનો ધર્મ થશે–એવી માન્યતાનો નિષેધ છે.–ધર્મ તો આત્માનો શુદ્ધ સ્વભાવ ઓળખવાથી જ થાય છે. જ્ઞાનીઓ
પહેલાં પુણ્ય છોડાવતાં નથી પરંતુ પુણ્યની રુચિ છોડાવે છે, પુણ્યની ભાવના અથવા તો પુણ્યથી ધર્મ થાય–એવી
મિથ્યા માન્યતા જ છોડાવે છે.
ગુરુદેવશ્રીનો ઉપકાર
આ રીતે, ધર્મક્ષેત્ર સોનગઢમાં ઉલ્લાસપૂર્વક જે ધર્મ મહોત્સવો ઊજવાય છે તે અપૂર્વ ધર્મના માહાત્મ્યનું
ભાન કરાવનાર તો પૂજ્ય ગુરુદેવશ્રી જ છે. તેઓશ્રીની પરમ કરૂણાવડે જે સત્ધર્મની પ્રભાવના થઈ રહી છે તે
પ્રગટ છે.