આસોઃ૨૪૭૩ઃ ૨૬૧ઃ
(પ૮) નિમિત્ત કોનું? અને ક્યારે?
જો નિમિત્તનું યર્થાથ સ્વરૂપ સમજે તો નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે એ માન્યતા ટળી જાય. કેમ કે જ્યારે
કાર્ય થયું ત્યારે તો પરને તેનું નિમિત્ત કહેવાયું છે, કાર્ય થયા પહેલાં તો તેનું નિમિત્ત કોઈને કહેવાતું નથી.–જે કાર્ય
થઈ ગયું છે તેમાં નિમિત્ત શું કરે? અને કાર્ય થયા પહેલાં નિમિત્ત કોનું? કુંભાર કોનું નિમિત્ત છે?–જો ઘડારૂપી કાર્ય
થાય તો કુંભાર તેનું નિમિત્ત છે, પણ જો ઘડારૂપી કાર્ય જ ન થાય તો કુંભાર તેનું નિમિત્ત નથી. ઘડો થયા પહેલાં તો
કોઈને ‘ઘડાનું નિમિત્ત’ કહી શકાય જ નહિ. અને જો ઘડો થાય છે ત્યારે જ કુંભાર ને નિમિત્ત કહેવાય છે, તો પછી
કુંભારે ઘડામાં કાંઈ પણ ર્ક્યું એ વાત સ્વયમેવ અસ્ત ઠરે છે.
પ્રશ્ન–ઉપાદાનમાં કાર્ય ન થાય તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાતું નથી એમ ઉપર કહ્યું; પરંતુ ‘આ જીવને
અનંતવાર ધર્મના નિમિત્તો મળ્યાં છતાં જીવ પોતે ધર્મ સમજ્યો નહિ’ એમ કહેવાય છે, અને તેમાં જીવને ધર્મરૂપી
કાર્ય થયું નથી છતાં પરદ્રવ્યોને ધર્મનાં નિમિત્ત તો કહ્યાં છે?
ઉત્તર– ‘આ જીવને અનંતવાર ધર્મનાં નિમિત્તો મળ્યાં પણ પોતે ધર્મ સમજ્યો નહિ’ એમ કહેવાય છે, ત્યાં
જો કે ઉપાદાનમાં (જીવમાં) ધર્મરૂપી કાર્ય થયું નથી તેથી ખરેખર તેને માટે તે પદાર્થો ધર્મનાં નિમિત્ત નથી. પરંતુ જે
જીવો ધર્મ પ્રગટ કરે છે તે જીવોને એવાં પ્રકારનાં નિમિત્તો જ હોય છે એવું જ્ઞાન કરાવવા માટે, કાર્ય ન થયું હોવા
છતાં સ્થૂળદ્રષ્ટિએ તેને નિમિત્ત કહેવામાં આવે છે.
(પ૯) અનુકૂળ નિમિત્ત
ઊકળતા તેલમાં હાથ દાઝયો ત્યાં હાથને દાઝવા માટે ઊકળતું તેલ અનુકૂળ નિમિત્ત છે; ઘડો ફૂટવામાં ધોકો
વગેરે અનુકૂળ નિમિત્ત છે. અમુક પદાર્થને અનુકૂળ નિમિત્ત કહ્યું તેથી તે સિવાયના બીજા પદાર્થો પ્રતિકૂળ છે–એમ ન
સમજવું. એકદ્રવ્ય બીજા દ્રવ્યને અનુકૂળ કે પ્રતિકૂળ તો છે જ નહિ. નિમિત્તને અનુકૂળ કહેવાનો અર્થ એટલો જ છે કે–
તે પદાર્થ કાર્ય થતી વખતે સદ્ભાવરૂપ હોય છે અને વ્યવહાર દ્રષ્ટિએ અનુકૂળતાનો આરોપ તેના ઉપર આવી શકે છે.
(૬૦) બે પર્યાયોની લાયકાત એક સાથે ન હોય
એક સમયમાં બે લાયકાત હોતી જ નથી. કેમકે જે સમયે જેવી લાયકાત છે તેવી પર્યાય પ્રગટ હોય છે, અને
તે જ વખતે જો બીજી લાયકાત પણ હોય તો એક સાથે બે પર્યાય થઈ જાય. પરંતુ એમ કદી બની શકે નહિ. જે સમયે
જે પર્યાય પ્રગટ હોય છે તે સમયે બીજી પર્યાયની લાયકાત હોતી જ નથી. લોટરૂપ અવસ્થાની લાયકાત વખતે
રોટલીરૂપ અવસ્થાની લાયકાત જ હોતી નથી. તો પછી નિમિત્ત ન મળ્યા માટે રોટલી ન થઈ એ વાતને અવકાશ ક્ય
ાં છે? અને જ્યારે રોટલી થાય છે ત્યારે તે પૂર્વની લોટ પર્યાયનો અભાવ કરીનેજ થાય છે, તોપછી બીજાને તેનું
કારણ કેમ કહેવાય? બહુબહુ તો લોટરૂપ પર્યાયનો વ્યય થયો તેને રોટલીરૂપ પર્યાયનું કારણ કહી શકાય.
(૬૧) ‘જીવ પરાધીન છે’ એટલે શું?
પ્રશ્ન–સમયસાર–નાટકમાં સ્યાદ્વાદઅધિકારના ૯ મા શ્લોકમાં જીવને પરાધીન કહ્યો છે; શિષ્ય પૂછે છે કે હે
સ્વામી! જીવ સ્વાધીન છે કે પરાધીન? ત્યારે શ્રીગુરુ ઉત્તર આપે છે કે–દ્રવ્યદ્રષ્ટિથી જીવ સ્વાધીન છે, ને પર્યાયદ્રષ્ટિથી
પરાધીન છે.–તો ત્યાં જીવને પરાધીન કેમ કહ્યો છે?
ઉત્તર–પર્યાયદ્રષ્ટિથી જીવ પરાધીન છે એટલે કે જીવ પોતે પોતાના સ્વભાવનો આશ્રય છોડીને, પર લક્ષે પોતે
સ્વતંત્રપણે પરાધીન થાય છે, પરંતુ પરદ્રવ્યો કાંઈ જીવ ઉપર બળજોરી કરીને તેને પરાધીન કરતા નથી. પરાધીન
એટલે પોતે સ્વતંત્રપણે પરને આધીન થાય છે–પરાધીનપણું માને છે, નહિ કે પર પદાર્થો તેને આધીન કરે છે.
(૬૨) દ્રવ્યાનુયોગ ને ચરણાનુયોગનો ક્રમ
પ્રશ્ન–આ ઉપાદાન–નિમિત્તની વાત તો દ્રવ્યાનુયોગની છે. પરંતુ પહેલાં તો જીવ ચરણાનુયોગ અનુસાર
શ્રદ્ધાની થાય અને તે ચરણાનુયોગ અનુસાર વ્રત–પડીમા વગેરે અંગીકાર કરે, ત્યાર પછી તે દ્રવ્યાનુયોગ અનુસાર
શ્રદ્ધાની થઈને સમ્યગ્દર્શન પ્રગટ કરે–એવી જૈનધર્મની પરિપાટી હોવાનું કેટલાક જીવો માને છે તે બરાબર છે?
ઉત્તર–ના. એવી જૈનમતની પરિપાટી નથી. પરંતુ જિનમતમાં એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય
પછી વ્રત હોય; હવે સમ્યકત્વ તો સ્વ–પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય
છે. માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક
કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની
પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે; માટે સર્વે જીવોએ મુખ્યપણે
દ્રવ્યાનુયોગ અનુસાર અધ્યાત્મઉપદેશનો અભ્યાસ કરવા યોગ્ય છે. આમ જાણીને નીચલી દશાવાળાઓએ પણ
દ્રવ્યાનુયોગના અભ્યાસથી પરાડમુખ થવું યોગ્ય નથી. (મો. મા. પ્ર. પા. ૨૯પ) *