Atmadharma magazine - Ank 053
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 17

background image
: ૭૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૭૪ :
અધૂરીદશાને અલ્પકાળમાં પૂર્ણતાએ પહોંચાડવાનો છું. હું ભગવાન થવાનો છું પણ રાગવાળો થવાનો નથી.
જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ તો આત્મસ્વભાવપણે જ રહે છે. આ રીતે સ્વભાવનો આદર અને વિકારનો નિષેધ–એવું જે
ભેદજ્ઞાન તે જ મુક્તિનો ઉપાય છે.
(૮) અજ્ઞાની જીવોને ભેદજ્ઞાન કરવા માટેનો ઉપદેશ
જ્ઞાનીઓ સદાય પોતાને રાગથી ભિન્ન સ્વભાવપણે અનુભવે છે, પણ વિકારપણે કે વિકારના ફળપણે
જ્ઞાનીઓ પોતાને કદી અનુભવતા નથી. જેમને સ્વભાવનું ભાન નથી એવા અજ્ઞાનીઓ પોતાને રાગના અને
જડના સ્વામી માને છે, તેથી તેઓ વિકારને જ અનુભવે છે પણ સ્વભાવને અનુભવતા નથી. અહીં
આચાર્યભગવાન એવા જીવોને કહે છે કે– જ્ઞાતાદ્રષ્ટા શક્તિ તે જ તું છો, રાગ તું નથી પણ જ્ઞાન જ તું છો, જ્ઞાન
ને આત્મા એકમેક છે પણ રાગ સાથે તારે એકપણું નથી, માટે તારી ભેદજ્ઞાન શક્તિ પ્રગટ કરીને તું તારા
ચેતકસ્વભાવને અનુભવ. મારો સ્વભાવ ‘ચેતક’ છે પણ રાગ નથી, માટે હું સદા ચેતક–જ્ઞાતાદ્રષ્ટા–પણે જ
રહીશ, પણ વિકારપણે નહિ થાઉં. આમ, વિકારને અને સ્વભાવને જુદાપણે જાણીને, પૂરા જ્ઞાતાદ્રષ્ટાપણે જ રહી
જવું અને વિકારપણે ન થવું તે જ મોક્ષ છે.
(૯) પુણ્ય અનંતવાર કર્યા છે, પણ સાચી સમજણ એકેય વાર કરી નથી: પુણ્ય કર્તવ્ય નથી પણ સાચી
સમજણ જ કર્તવ્ય છે.
સાચી સમજણ તે જ મોક્ષનો ઉપાય છે, પુણ્ય તે મોક્ષનો ઉપાય નથી એમ ધર્મનું સાચું સ્વરૂપ સાંભળીને
ઘણા અજ્ઞાની જીવો કહે છે કે, ‘પહેલાંં પુણ્ય કરીને દેવલોકમાં તો જવા દો, મોક્ષ અત્યારે ક્યાં છે? પંચમકાળે મોક્ષ
તો છે નહિ, મફતના શામાટે સમજવાની વાત કરી કરીને પુણ્યથીયે રખડાવી મારો છો? અત્યારે માનવભવ
પામ્યા છીએ તો નિરાંતે પુણ્ય કરી લઈએ, પછી સત્ સમજશું. પુણ્ય કરતાં કરતાં ક્યારેક સત્ સમજાઈ જશે.’
જ્ઞાની તેને કહે છે કે–અરે ભાઈ, ભાઈ! પુણ્યની હોંશ કરી કરીને, તું માંડ માંડ મળેલો આ મનુષ્યભવ
હારી જવાનો છે. સત્ય સમજણરૂપી દોરો પરોવ્યા વગર તારી સોય (તારો આત્મા) ચોરાશીના ઊકરડામાં
ક્યાંય ખોવાઈ જશે. અને જો સાચી સમજણરૂપી દોરો પરોવી લઈશ તો ગમે ત્યાં જતાં પણ તારી સોય ખોવાશે
નહિ. અનંત સંસારમાં રખડતાં તેં પુણ્ય તો અનંતવાર કર્યાં છે પણ આત્મા શું? તેની સાચી સમજણ એકેય વાર
નથી કરી. આ માનવભવમાં સમજવાની ના પાડી તો બીજે ક્યાં જઈને સમજીશ? પુણ્ય વડે આત્માની સમજણ
થવાની નથી, અને ભવનો અંત આવવાનો નથી. માટે આ પંચમકાળે પણ આત્માની સમજણ એ જ કર્તવ્ય છે,
એ જ ધર્મ છે, અને એ અત્યારે પણ થઈ શકે છે.
અત્યારે પુણ્ય કરીને અહીંથી દેવ થશું અને પછી સીમંધર ભગવાન પાસે જઈને સમજશું અને મોક્ષ જશું–
એમ કહે છે, પણ અરે ભાઈ, જો તને ધર્મની રુચિ ખરેખર હોય તો અત્યારે અહીં જ ધર્મ સમજી લેને! તારો
ભગવાન તો તારામાં અત્યારે વિદ્યમાન છે, તારો પુણ્ય–પાપ રહિત પૂર્ણ સ્વભાવ છે તે જ ભગવાન છે, અહીં
તેની શ્રદ્ધા કરવાની તો ના પાડે છે તો દેવના ભવમાં સંયોગમાં ગૂંચવાઈને ભગવાન પાસે જઈશ જ શેનો? અને
કદાચ જઈશ તો ભગવાન પાસે જઈને પણ તું શું કરવાનો હતો? ‘સીમંધર’ એટલે પોતાના સ્વરૂપની મર્યાદાને
ધારી રાખનાર. તું તારા સ્વભાવની મર્યાદાને ધારી રાખનાર છો, તારે તારા રાગરહિત ચૈતન્ય સ્વરૂપની શ્રદ્ધા
કરવી તે જ પરમાર્થે સીમંધર ભગવાનનો ભેટો છે. સીમંધર ભગવાન પણ સ્વભાવનો જ ઉપદેશ કરે છે. અહીંથી
જ સ્વભાવનો નકાર કરીને અને પુણ્યનો આદર કરીને મિથ્યાત્વભાવને પોષતો જાય છે તો ત્યાં જઈને તને સત્
સ્વભાવ સાંભળવાનો અવકાશ જ ક્યાંથી રહેશે?
(૧૦) પુણ્ય કરતાં કરતાં ધર્મ થાય કે નહિ?
કેટલું ઝેર ભેગું કરવાથી અમૃત થાય? લાખગણું કરો કે અનંતગણું કરો પણ ઝેરના સરવાળાથી અમૃત ન
જ આવે. તેમ પુણ્ય ગમે તેટલું ભેગું કરો પણ ધર્મ ન થાય. કેમ કે પુણ્ય તો વિકાર છે ને સ્વભાવ તો અવિકાર છે,
વિકારના ગુણાકારથી સ્વભાવની પ્રાપ્તિ ન થાય. એટલે કે પુણ્ય કરતાં કરતાં કોઈ કાળે ધર્મ થાય નહિ.
(૧૧) આત્મામાં શું વધારવું ને શું બાદ કરવું?
જેવો પોતાનો ગુણ છે તેવો ઓળખીને તે ગુણના આકારે પોતાની પરિણતિ કરે તો તે સાચો ગુણાંકાર છે.
અને જે પુણ્ય પાપના પરિણામ થાય છે તે બધાયને આત્મામાંથી બાદ કરીને એકલો સ્વભાવ બાકી રાખવો તે સાચી
બાદબાકી છે. ગુણની વૃદ્ધિ અને દોષની હાનિ કરતાં કરતાં જેવો છે તેવો પૂરો સ્વભાવ રહી ગયો અને દોષ ટળી
ગયા તેનું નામ મોક્ષ છે. જેણે પહેલાંં ભેદજ્ઞાન વડે ગુણ–દોષને જાણ્યાં હોય એટલે કે સ્વભાવ અને વિકારને જુદા