દ્રવ્યોથી ભિન્ન રહીને તેને જાણે છે, પણ પરદ્રવ્યોમાં કાંઈ કરતી નથી, તેમ જ્ઞાન
પણ પરને જાણે છે, પરંતુ તેમાં કાંઈ જ કરતું નથી. બંગાળ પ્રાંતમાં અનાજ
સડી ગયું અને ઘણા માણસો મરી ગયા, ત્યાં અમુક માણસોએ ધ્યાન ન રાખ્યું
અને બેદરકારી કરી તેથી એવું બન્યું–એમ અજ્ઞાની માને છે, પણ ખરેખર તેમ
નથી. અનાજ સડયું અને માણસો મરી ગયાં તે કોઈની બેદરકારીને કારણે થયું
નથી, પરંતુ એકે એક દાણો તેના પોતાના કારણે પરિણમીને સડી ગયો છે અને
જે માણસો મરી ગયા તે તેમનું આયુષ્ય પૂર્ણ થવાથી જ મર્યા છે, તેમાં કોઈ
ફેરફાર કરવા સમર્થ નથી. કોઈ પણ જીવ પોતાના ભાવ સિવાય અન્યમાં શું
કરી શકે છે? કાંઈ જ કરી શકે નહિ. ‘અનાજ ન સડે અને માણસો ન મરે’
એવો ભાવ માત્ર જીવ કરી શકે, પરંતુ તે પરદ્રવ્યોની ક્રિયામાં કાંઈ પણ ફેરફાર
કરી શકે નહિ. હે ભાઈ! બહારના દ્રવ્યોનું તો જેમ થવાનું તેમ જ થવાનું, તારા
જ્ઞાનનો સ્વભાવ તો જાણવાનો જ છે. જુઓ તો ખરા, આમાં જ્ઞાનની કેટલી
શાંતિ! જ્ઞાનને કોઈ વિઘ્ન કરનાર નથી અને કોઈ મદદગાર નથી. જેણે આવો
જ્ઞાનસ્વભાવ સ્વીકાર્યો તેને અભિપ્રાયમાંથી તો સર્વ રાગ–દ્વેષ બંધભાવ ટળી
ગયા એટલે કે અભિપ્રાયથી તો તે મુક્ત થયો; હવે તે જ અભિપ્રાયના જોરે
અલ્પકાળે બંધભાવોને સર્વથા છેદીને મુક્ત થશે.