: ૮૪ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૭૪
તો તેનું પરિણમન વિકારી થતું જાય. માટે પહેલાંં સ્વભાવની શ્રદ્ધા કરવી તે જ વીતરાગતાનો મૂળ ઉપાય છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવો અભિપ્રાય અપેક્ષાએ વીતરાગ છે, અને તે જ અભિપ્રાયપૂર્વકના વિશેષ પરિણમનથી ચારિત્ર
અપેક્ષાએ વીતરાગતા પ્રગટે છે. પહેલાંં અભિપ્રાય અપેક્ષાએ વીતરાગતા પ્રગટ્યા વગર કોઈ જીવને ચારિત્ર
અપેક્ષાએ વીતરાગતા પ્રગટે નહિ. એટલે કે સમ્યગ્દર્શન વગર કદી પણ સમ્યક્ચારિત્ર પ્રગટે નહિ.
(૧૯૭) શ્રદ્ધાગુણ ચારિત્રગુણના કાર્યની ભિન્નતા
‘રાગરહિત ચારિત્રદશા પ્રગટે ત્યારે જ સાચી શ્રદ્ધા થઈ કહેવાય, પણ જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી
રાગ–રહિતપણાની શ્રદ્ધા થઈ શકે નહિ’ એમ જે માને છે તે જીવે આત્માના શ્રદ્ધા–ગુણને અને ચારિત્રગુણને
સ્વીકાર્યા નથી–એટલે ખરેખર તેણે આત્માને જ સ્વીકાર્યો નથી; તેની દ્રષ્ટિ રાગ ઉપર છે પણ આત્મસ્વભાવ
ઉપર નથી. રાગ વખતે પણ તારો આત્મસ્વભાવ શું નાશ પામી ગયો છે? –સ્વભાવ તો ત્રિકાળ છે, તો જે
સ્વભાવ છે તે સ્વભાવની શ્રદ્ધા થઈ શકે છે. પર્યાયમાં રાગ હોવા છતાં તે પર્યાયની દ્રષ્ટિ છોડીને સ્વભાવની
દ્રષ્ટિથી સમ્યગ્દર્શન પ્રગટ થઈ શકે છે. રાગ હોય ત્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય એમ જેણે માન્યું છે તેણે
ચારિત્રગુણનું અને શ્રદ્ધાગુણનું કાર્ય એક જ માન્યું છે, પણ શ્રદ્ધાના ભિન્ન કાર્યને માન્યું નથી એટલે કે શ્રદ્ધા
ગુણને જ માન્યો નથી.
(૧૯૮) રાગનો ત્યાગ કોણ કરી શકે?
તીર્થંકર નામકર્મના કારણરૂપ જે સોળ ભાવનાઓ છે તેમાં સૌથી પહેલાંં જ ‘દર્શનવિશુદ્ધિ’ કહી છે કેમ કે
બધામાં તે મુખ્ય છે; તે તો અવશ્ય હોવી જ જોઈએ. તે ભાવનાઓમાં જ્યાં ત્યાગ અને તપ આવે છે ત્યાં
‘शक्तिः त्याग तप એટલે કે શક્તિ પ્રમાણે ત્યાગ અને તપ’ એમ કહ્યું છે. જેને પોતાની સંપૂર્ણ રાગરહિત
શક્તિનું ભાન હોય તેને પોતાની પર્યાયમાં કેટલા ત્યાગની શક્તિ છે તેના પ્રમાણની ખબર પડે. પરંતુ જેણે હજી
સંપૂર્ણ રાગરહિત અરાગી આત્મશક્તિને જાણી જ નથી તેને રાગનો ત્યાગ કેવો? રાગથી ભિન્ન સ્વભાવ શું
અને રાગ શું–એના ભિન્ન ભિન્ન સ્વરૂપને જાણે તો સ્વભાવની એકાગ્રતાવડે રાગનો ત્યાગ કરે. પણ જે રાગ
અને આત્માને એક પણે જ માની રહ્યો છે તે જીવ રાગનો ત્યાગ કેવી રીતે કરે? શુભરાગ આત્માના અરાગી
સ્વભાવને મદદ કરે એ માન્યતા અભવ્ય જેવી છે, અભવ્ય પણ એવું તો માને છે. જો અભવ્ય જીવને ધર્મ થાય
તો, ‘રાગથી આત્માને લાભ થાય’ એવી માન્યતાવાળાને ધર્મ થાય.
(૧૯૯) પરવસ્તુ આત્માને લાભ–નુકશાન કેમ ન કરી શકે?
આત્માના સ્વભાવમાં પર દ્રવ્યોનો અત્યંત અભાવ છે. અભાવ શું કરી શકે? જો ‘સસલાના શીંગડા’
કોઈને લાગે તો પર વસ્તુ આત્માને લાભ–નુકશાન કરે; પરંતુ જેમ સસલાના શીંગડાનો આ જગતમાં અભાવ
છે, તેથી ‘સસલાના શીંગડા મને લાગ્યા’ એમ કોઈ માનતું નથી અથવા તો ‘હું સસલાના શીંગડા કાપું છું’ એમ
કોઈ માનતું નથી. તેવી રીતે આત્માના સ્વભાવમાં બધી વસ્તુઓનો, અત્યંત અભાવ જ છે, તેથી તે વસ્તુઓ
સાથે આત્માને કાંઈ લાગતું–વળગતું નથી એટલે કે કોઈ પણ પર વસ્તુ આત્માને લાભ કે નુકશાન કરી જ
શકતી નથી. વળી જે રાગ થાય છે તેનો પણ આત્માના ત્રિકાળીસ્વભાવમાં અભાવ છે, અને પહેલા સમયના
રાગનો પછીના સમયે અભાવ છે, તો તે રાગ આત્માને શું લાભ કરે? રાગ આત્માના સ્વભાવમાં લાભ કરતો
નથી, અને તે રાગ તે પછીની બીજી પર્યાયમાં પણ આવતો નથી કેમ કે રાગનો બીજે સમયે અભાવ છે.
(૨૦૦) તું તારા સ્વભાવને સ્વીકાર!
આચાર્યભગવાન કહે છે કે તારાથી ચારિત્ર ન થઈ શકે તો શ્રધ્ધામાં ગોટા વાળીશ નહિ; તારા સ્વભાવને
અન્યથા માનીશ નહિ. હે જીવ! તું તારા સ્વભાવને તો સ્વીકાર, જેવો સ્વભાવ છે તેવો માન તો ખરો. જેવો
સ્વભાવ છે તેવો માન્યા પછી સ્થિરતા થતાં કદાચ વાર લાગે તો તેથી વિશેષ નુકશાન નથી, કેમ કે જેણે પૂરા
સ્વભાવને સ્વીકારીને સમ્યગ્દર્શનને જાળવી રાખ્યું છે તે જીવ અલ્પકાળે સ્વભાવના જોરે જ સ્થિરતા પ્રગટ કરીને
મુક્ત થશે. પરંતુ જે સ્વભાવને જ નથી માનતો અને રાગને જ સ્વભાવ માને છે તે જીવ સ્વભાવનો અનાદર
અને રાગનો આદર કરે છે, તેને અમર્યાદિત નુકશાન છે, સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયો થકો તે સંસારમાં જ રખડે છે.
સમ્યગ્દર્શન તો સહજ સ્વભાવના પુરુષાર્થવડે થાય છે, રાગથી કે દેહાદિની ક્રિયાથી થતું નથી.
(૨૦૧) પંચમ કાળમાં ઓછી શક્તિ વાળા જીવોએ શું કરવું?
શ્રી નિયમસારશાસ્ત્રની (૧૫૪) મી ગાથામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ કહે છે કે–
जदि सक्कदि कादुं जे पडिकमणादिं करेज्ज झाणमयं।
सत्तिविहीणो जो जइ सद्दहणं चेव कायव्वं।।१५४।।