: ૮૬ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૭૪
નીઓને ખ્યાલમાં આવી શકતી નથી; કેમકે તેઓ બર્હિદ્રષ્ટિ હોવાથી દેહની ક્રિયાને જોનારા છે પણ અંતરમાં
જ્ઞાનાદિની ક્રિયાને સમજી શકતા નથી. સત્ સમજવાનો વિકલ્પ તે પણ ઊંચો શુભભાવ છે અને સત્ સમજવું તે
તો અપૂર્વ આત્મલાભ છે.
(૨૦૭) ચારિત્રનો દોષ હોવા છતાં શ્રદ્ધાનો દોષ ટાળી શકાય છે
પર લક્ષે કષાયની મંદતા કરવી તે પણ આત્મ–સ્વભાવભાવની ક્રિયા નથી, તેના વડે સમ્યગ્દર્શન થતું
નથી. અહીં આચાર્યભગવાન શ્રદ્ધા અને ચારિત્ર ગુણ વચ્ચે કથંચિત્ ભેદ બતાવીને કહે છે કે જો ચારિત્ર ન થઈ
શકે તો પણ શ્રદ્ધા તો અવશ્ય કરવી. અજ્ઞાનીઓ શ્રદ્ધા અને ચારિત્રના ભેદને સમજતા નથી, તેથી તે ચારિત્રના
દોષને શ્રદ્ધાનો દોષ માની બેસે છે એટલે કે ચારિત્ર વગર સમ્યક્શ્રદ્ધા પણ ન હોય એમ તે માને છે. તેથી અહીં
કહે છે કે ચારિત્રનો દોષ ન ટળી શકે તોપણ શ્રદ્ધાનો દોષ તો અવશ્ય ટળી શકે છે.
(૨૦૮) પહેલાંં સત્ને સત્ તરીકે ઓળખવું જોઈએ
જીવોએ અનાદિથી સમ્યગ્દર્શનનો સાચો મહિમા જાણ્યો નથી. ચારિત્ર ન પાળી શકે છતાં શ્રદ્ધા કરનારને
પણ ભગવાને સમ્યગ્દ્રષ્ટિ કહ્યો છે; સમ્યગ્દ્રષ્ટિ જીવ અવશ્ય મોક્ષ પામે છે. માટે હે જીવ! જેમ વસ્તુસ્વરૂપ છે તેમ
યથાર્થ માની લેજે. વ્યવહારને વ્યવહાર તરીકે જાણી લેજે, સંતોને અંતર અને બાહ્યમાં જે સહજદશા છે તેને
જાણજે. પોતાથી ન થઈ શકે માટે સત્ જાણવું પણ નહિ–એમ ન હોય. જો સત્ને જેમ છે તેમ જાણે પણ નહિ તો
તો તે જીવનું જ્ઞાન–શ્રદ્ધાન્ પણ સાચું થાય નહિ, અને જ્ઞાન–શ્રદ્ધાન્ સાચાં થયા વગર ચારિત્ર તો સાચું હોય જ
ક્યાંથી? સત્ને સત્પણે બરાબર જાણીને તેમાંથી જેટલું થાય તેટલું તો કરે અને બીજાની યથાર્થ શ્રદ્ધા તથા જ્ઞાન
રાખે તો તે જીવ આરાધક છે. પણ જો શ્રદ્ધા–જ્ઞાનમાં જ ઊંધુ માને–જાણે તો તે વિરાધક છે.
(૨૦૯) બંધભાવ અને મોક્ષભાવ
જિનવર દેવે કહેલાં વ્રતાદિ શુભરાગ છે તે મોક્ષનું કારણ નથી પણ બંધનું કારણ છે; સમ્યગ્દર્શન જ
મોક્ષનું મૂળ છે–એમ શ્રદ્ધા રાખીને વ્યવહારનો નિષેધ કરજે. ‘વ્યવહાર વિના મોક્ષ થાય નહિ ને! વ્યવહાર તો
આવવો જ જોઈએ ને’ એમ જેનો ઝૂકાવ વ્યવહાર તરફ ઢળે છે તેને વ્યવહારની હોંશ છે એટલે કે તેને
મિથ્યાત્વનો પક્ષ છે પણ સ્વભાવની પ્રતીતિ નથી. રાગ આવે તેનો ખેદ વર્તવો જોઈએ તેને બદલે હોંશ વર્તે છે
તેની દ્રષ્ટિ ઊંધી છે–સ્વભાવની શ્રદ્ધાથી જ તે ભ્રષ્ટ છે. જ્ઞાતા સ્વભાવમાં વલણથી રાગની કોઈ વૃત્તિ ઊઠે નહિ,
જે કોઈ પણ વૃત્તિ ઊઠે છે તે જ્ઞાતા સ્વભાવ તરફના વલણને રોકીને ઊઠે છે તે જ્ઞાતા સ્વભાવ તરફના વલણને
રોકીને ઊઠે છે માટે બંધભાવ છે. જ્ઞાતા સ્વભાવમાં રાગરહિત વલણ તે જ મોક્ષના કારણરૂપ ભાવ છે. એ રીતે
બંધભાવ અને મોક્ષભાવના સ્વરૂપને ઓળખીને તેની શ્રદ્ધા કરજે. શરૂઆતમાં જ બધા બંધભાવ ન છૂટી જાય
પરંતુ શ્રદ્ધામાં એવો વિશ્વાસ હોવો જોઈએ કે આ બંધભાવ છે, તે મારૂં સ્વરૂપ નથી.
(૨૧૦) સમ્યગ્દર્શન સાથે જ સમ્યક્ચારિત્રની પ્રતીત
શ્રદ્ધાપૂર્વક ચારિત્ર થાય તો તે કરવું અને ચારિત્ર ન થઈ શકે તો પણ શ્રદ્ધા તો અવશ્ય કર્તવ્ય છે–એમ
આચાર્ય ભગવાને કહ્યું છે; તેથી એમ ન સમજવું કે ચારિત્રનો નિષેધ થઈ જાય છે; કેમ કે સમ્યગ્દર્શનમાં
અભેદપણે સમ્યક્ચારિત્રની પૂરેપૂરી પ્રતીત આવી જ જાય છે. ચારિત્રના વિકારને સમ્યગ્દર્શન સ્વીકારતું નથી,
પણ પૂરેપૂરા નિર્મળ ચારિત્રને જ સ્વીકારે છે. એટલે સમ્યગ્દર્શન થતાં જ શ્રદ્ધાપણે તો પૂરેપૂરું ચારિત્ર પ્રગટી ગયું
છે અને એ જ સમ્યક્શ્રદ્ધાપૂર્વકના વિશેષ પરિણમનથી સમ્યક્ચારિત્ર પ્રગટે છે. સમ્યગ્દર્શનમાં ચારિત્રના
વિકારનો નિષેધ હોવાથી સમ્યગ્દ્રષ્ટિને ચારિત્રનો દોષ વધારે વખત ટકી શકવાનો નથી પણ સમ્યગ્દર્શનના જોરે
ચારિત્રનો દોષ ક્ષણે ક્ષણે ટળતો જાય છે. ક્ષાયિકસમ્યગ્દર્શનની આરાધનાથી વધારેમાં વધારે ત્રણ ભવે ચારિત્રની
પૂર્ણતા થઈને મુક્તિ થાય છે.
(૨૧૧) સમ્યગ્દર્શન સાથે જ મુનિદશાનું ચારિત્ર હોવાનો નિયમ નથી
ગાથા – ૨ નો ભાવાર્થ
અહીં આશય આ પ્રમાણે છે : જો કોઈ એમ કહે કે ‘સમ્યગ્દર્શન થયા પછી તો સર્વ પરદ્રવ્ય–પર ભાવ રૂપ
સંસારને જીવ હેય જાણે છે, અને જેને હેય જાણે તેને છોડીને મુનિ થઈ ચારિત્ર આચરે. તેથી એમ કરે ત્યારે
સમ્યગ્દર્શન થયું–એમ જાણીએ, પણ મુનિદશા પહેલાંં સમ્યગ્દર્શન કેમ હોય? ’ આ ગાથામાં તેનું સમાધાન કરે છે
કે સર્વ પરદ્રવ્ય–પરભાવને હેય જાણીને નિજસ્વરૂપને ઉપાદેય જાણ્યું અને શ્રદ્ધાન કર્યું ત્યારે