Atmadharma magazine - Ank 057
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 17

background image
(અનુસંધાન મુખપૃષ્ઠથી ચાલુ)
પ્રશ્ન:– જો સામગ્રીમાં સુખ ન હોય તો તેમાં બધા સુખ કેમ માનતા હશે?
ઉત્તર:– ત્રિદોષ રોગવાળો રોગને લીધે ખૂબ હસે અને પોતે સુખ માને પણ ખરેખર તેને દુઃખ જ છે,
થોડીવારમાં તે મરી જશે. તેમ અજ્ઞાની જીવો આ બધા પરભાવોમાં સુખ માને છે તે અજ્ઞાનરૂપી હર્ષસન્નિપાત
રોગ છે. થોડા કાળમાં મિથ્યાત્વને લીધે નિગોદમાં જઈને ઢીમ થઈ જશે–જડ જેવા થઈ જશે. જેણે આત્મામાં થતા
દયાદિ ભાવોને ઠીક માન્યા તેણે મિથ્યાત્વરૂપી શત્રુનો સંગ કર્યો. ભગવાન આત્મા–જેનું લક્ષણ જાણવું, દેખવું છે
તેનો સંગ કરે નહિ અને રાગાદિ ભાવોની હોંશ કરે તે જીવ આત્માનો શત્રુ છે.
પ્રશ્ન:– પાપ ટળે તે ધર્મ કહેવાયને?
ઉત્તર:– હા, પણ પાપ ક્યારે ખરેખર છૂટે? બધા પાપોમાં સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે. પહેલાંં તે પાપ
છોડે તો ધર્મ થાય. આત્મા ચૈતન્યધન છે તેને છોડીને પર સંગથી લાભ માનવો તે જ મિથ્યાત્વ છે. આવું
મિથ્યાત્વરૂપ પાપ છોડે તેને સમ્યકત્વરૂપ ધર્મ થાય. પુણ્યમાં જેઓ ધર્મ માને છે તેને મિથ્યાત્વરૂપી પાપ છૂટતું
નથી, ને ધર્મ થતો નથી.
પ્રશ્ન:– વીતરાગને ન માને તે મિથ્યાત્વ; એવી મિથ્યાત્વની વ્યાખ્યા છે ને?
ઉત્તર:– વીતરાગને ન માનવા તે મિથ્યાત્વ એ વાત સાચી; પણ એનો અર્થ શું? વીતરાગ એટલે
રાગરહિત આત્મસ્વરૂપ છે, તેના સિવાય રાગાદિને આત્માનું સ્વરૂપ જે માને છે તે ખરેખર વીતરાગદેવને
માનતો નથી. રાગરહિત પોતાના જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા કરવી તેને જ વીતરાગે ધર્મ કહ્યો છે
એ સિવાય રાગાદિમાં ધર્મ માને તે જીવ વીતરાગની આજ્ઞાને માનતો નથી તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે.
કંજુસની લક્ષ્મી જેમ ઠરીને એક ઠામ રહે છે અને હેરફેર બહુ થતી નથી તેમ શરીર તથા વિકારને પોતાનું
સ્વરૂપ માનનારા મૂઢાત્માઓ શરીરની મમતાને લીધે નિગોદ જાય છે અને ત્યાં ક્ષણે ક્ષણે શરીર ફેરવ્યા કરે છે–
જન્મ–મરણ કર્યા કરે છે. આત્માનો જે પરમ પારિણામિક ભાવ છે તે ઓળખીને તેમાં સ્થિરતા કરવી એ જ
પરમાત્મપદ છે. પોતાનો આત્મા જાણવા, દેખવારૂપ સ્વભાવવાળો છે; નિશ્ચયથી તે જ શિવ છે. વ્યવહારથી સિદ્ધ
ભગવાન શિવ છે. પણ એ સિવાય બીજો કોઈ શિવ નથી.
ભગવાન વીતરાગની આજ્ઞા છે કે તારું ચૈતન્યસ્વરૂપ છે, રાગ તારું સ્વરૂપ નથી, –આવી શ્રદ્ધા કર અને
તારા સ્વરૂપમાંથી ખસીને બહાર ન જા, એવી આજ્ઞા જે ન માને તે વીતરાગ દેવની આજ્ઞાનો વિરાધક છે. અને
તે જીવ સંસારમાં રખડે છે. અહીં ગ્રંથકાર કહે છે કે હે જીવ! તું તારા કલ્યાણસ્વરૂપ આત્માની અંદર લીન રહે,
બહારમાં ન ભટક.
જીવ અનાદિ છે, કાળ અનાદિ છે. જીવનો સંસાર પણ અનાદિ છે. અનંતકાળમાં આ જીવે નિશ્ચયથી
પોતાનો આશ્રય કર્યો નથી તેમજ વીતરાગદેવને યથાર્થ સ્વરૂપે ઓળખીને તેમનો પણ કદી સેકંડ માત્ર આશ્રય
કર્યો નથી. આત્માએ અનંતકાળમાં બધું કર્યું છે પણ પોતે જ્ઞાનાનંદ મૂર્તિ છે અને પરલક્ષે થતાં ભાવ જ
દુઃખદાયક છે એવી સાચી આત્મભાવના કદી કરી નથી. તેથી અનાદિકાળથી મિથ્યાદ્રષ્ટિ રહ્યો છે. આત્મજ્ઞાન
સિવાય બીજી બધી ભાવના કરી છે. આત્મસ્વભાવના ભાન વિના સ્વર્ગ–નરકાદિમાં અનંતકાળથી રખડયો, પણ
પોતાનો આત્મા પરમાનંદ મૂર્તિ છે તેની પ્રતીતિ ન કરી અને જિનરાજને ધણી તરીકે સ્વીકાર્યા નહિ. જિનરાજને
ધણી ક્યારે સ્વીકાર્યા કહેવાય? જે રાગથી ધર્મ માને તે જીવ વીતરાગનો દાસ નથી અને તેણે ખરેખર
વીતરાગને ધણી સ્વીકાર્યા નથી. ભગવાન આત્મા દયા, પૂજા વગેરે પુણ્ય અને હિંસાદિ પાપ ભાવોથી જુદો
જ્ઞાયકસ્વરૂપ છે તેને જે નથી માનતા તે ખરેખર વીતરાગના દાસ નથી પણ કુદેવના દાસ છે. ધર્માત્મા સમ્યગ્દ્રષ્ટિ
જ ખરેખર જિનરાજના ભક્ત છે.
પ્રશ્ન:– અનંતકાળમાં આત્માની ઓળખાણ ન થઈ તેથી સમકિત તો ન પામ્યો એ વાત સાચી પણ
જિનરાજનો દાસ ન થયો એમ કઈ રીતે કહ્યું? શાસ્ત્રમાં તો વચન છે કે અનંતભવમાં દ્રવ્યલિંગી મુનિ થઈને
જિનવરદેવના સ્તવન ગાયાં ને તેમની ભક્તિ કરી.
ઉત્તર:– સમ્યગ્દર્શન નહિ હોવાથી જીવે કદી જિનરાજની ભાવ ભક્તિ કરી નથી અને ભાવભક્તિ વિના તે
જિનરાજનો સાચો ભક્ત થઈ શકે નહિ. ભાવભક્તિ એ તો સમ્યગ્દર્શન છે. એણે એક સમય પણ વીતરાગદેવની
આજ્ઞા યથાર્થ માની નથી, અને રાગને જ ધર્મ માન્યો છે. રાગરહિત ચૈતન્ય સ્વભાવ સમજે નહિ અને રાગને
ધર્મ માનીને ભક્તિ વગેરે શુભરાગ કરે તેની અહીં ગણતરી નથી, માટે હે જીવ! રાગરહિત પોતાનું ચૈતન્ય
સ્વરૂપ શું છે તેને તું જાણ અને સમ્યગ્દર્શન પ્રગટ કર એ જ સંસાર સમુદ્રથી છૂટવાનો ઉપાય છે.