Atmadharma magazine - Ank 057
(Year 5 - Vir Nirvana Samvat 2474, A.D. 1948).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 17

background image
: અષાઢ : ૨૪૭૪ : આત્મધર્મ : ૧૫૭ :
આત્માનો વીતરાગ જ્ઞાનમય સ્વભાવ છે, તે પરની ઉપેક્ષા કરનાર છે. પરની ઉપેક્ષા કર્યા વગર
વીતરાગભાવ પ્રગટે નહિ અને વીતરાગભાવ વગર ઉત્તમ સત્ય વગેરે ધર્મો હોય નહિ. ‘હું પરનું કરી કશું કે
નિમિત્ત હોય તો કાર્ય થાય’ એવી જેની માન્યતા છે તે જીવ પરપદાર્થોની ઉપેક્ષા કરીને સ્વભાવમાં ઢળી શકશે
નહિ. પરથી ભિન્ન પોતાના સ્વભાવને ઓળખીને જે જીવ પરમસત્યનું (આત્મસ્વભાવનું) આરાધન કરે છે તે
જીવ વીતરાગ ભાવના ફળમાં મુક્તિ પામે છે અને સાધકદશામાં જે રાગ રહી જાય તેના ફળમાં ઈન્દ્રાદિ પદવી
પામે છે. અજ્ઞાનીઓ ગમે તેવા સત્યનો શુભરાગ કરે તે પણ તેને ઈન્દ્ર–ચક્રવર્તી આદિ લોકોત્તર પદવી મળે નહિ.
જ્ઞાનીઓને સાધકદશામાં જે રાગ વર્તતો હોય તેનો નિષેધ છે તેથી તેમને ઈન્દ્રાદિ પદને યોગ્ય ઊંચા પુણ્ય બંધાઈ
જાય છે. અને આ લોકમાં પણ એવા સમ્યગ્જ્ઞાની સત્યવાદીને સજ્જનપુરુષો આદરદ્રષ્ટિથી દેખે છે, અને તેની
ઉજ્જવળ કીર્તિ સર્વત્ર થાય છે. આચાર્યદેવ કહે છે કે એ બધા ફળ તો ગૌણ છે. ઉત્તમ સત્ય ધર્મનું મુખ્ય ફળ તો
મોક્ષપદની પ્રાપ્તિ છે. માટે સજ્જનોએ જરૂર સત્ય બોલવું જોઈએ એટલે કે, દરેક વસ્તુ સ્વતંત્ર સત્ છે એમ
સમજીને વસ્તુસ્વભાવની સમ્યક્શ્રદ્ધા અને જ્ઞાન પ્રગટ કરવા જોઈએ, ને એ સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક
ઉત્તમક્ષમાદિભાવરૂપ વીતરાગ ધર્મનું આરાધન કરવું જોઈએ. ––એ રીતે ઉત્તમ સત્ય ધર્મનું વ્યાખ્યાન પૂરું થયું.
પ. ઉત્તમ શૌચ ધર્મ (ભાદરવા સુદ ૯)
દશલક્ષણીપર્વનો આજે પાંચમો દિવસ છે. આજે ઉત્તમ શૌચધર્મનો દિવસ છે. ઉત્તમ શૌચ એટલે
સમ્યગ્દર્શનપૂર્વકની પવિત્રતા અથવા નિર્લોભતા. આ દસ ધર્મો મુખ્યપણે મુનિદશામાં હોય છે, ગૃહસ્થધર્મીને
ગૌણપણે હોય છે. શ્રીપદ્મનંદીઆચાર્ય પદ્મનંદીપચીસી શાસ્ત્રમાં શૌચધર્મનું વર્ણન કરે છે–
(આર્યા)
यत्परदारार्थादिषु जन्तुषु निस्पृहमहिंसकं चेतः।
दुर्भेद्यान्तमल हृत्तदेव शौचं परं नान्यत् ।।
९४।।
જે પર સ્ત્રી અને પર પદાર્થો પ્રત્યે નિસ્પૃહ છે, સર્વ પ્રાણીઓ પ્રત્યે અહિંસક છે અને દુર્ભેદ્ય એવા અંતરના
મેલને જેણે ધોઈ નાંખ્યો છે એવું પવિત્ર હૃદય તે જ ઉત્તમ શૌચધર્મ છે, એ સિવાય બીજો કોઈ શૌચધર્મ નથી.
શૌચ એટલે પવિત્રતા. જેને પવિત્ર આત્માનું ભાન નથી અને દેહને જ પોતાનો માની રહ્યો છે એવો
અજ્ઞાની જીવ શરીરને પવિત્ર રાખવું તેને શૌચધર્મ માને છે. આચાર્યદેવ કહે છે કે એ શૌચધર્મ નથી. શરીરને
પોતાનું માનવું તે તો મહાન અશુચિ છે. જે આત્માએ ભેદજ્ઞાનરૂપી જળથી તે મિથ્યામાન્યતારૂપી અશુચિને ધોઈ
નાખી છે તે જ આત્મા શૌચધર્મ છે.
જેને પવિત્ર ચૈતન્યસ્વરૂપનું ભાન ન હોય અને પુણ્ય–પાપને જ પોતાનું કર્તવ્ય માને, પરનું હું કરું એમ
માને તે જીવ પરપદાર્થોથી નિસ્પૃહ થઈ શકે નહિ. પુણ્ય–પાપરૂપ વિકારભાવોની જેને પકકડ છે તેનું જ્ઞાન
વિકારથી મલિન છે. પરનું હું કરું એમ જે માને છે તેનું જ્ઞાન મિથ્યાત્વરૂપ મેલથી મલિન છે. પરની મને મદદ છે,
નિમિત્તના આશ્રયે ધર્મ થાય છે–એવી જેની માન્યતા છે તે જીવ પર પદાર્થોમાં આસકત છે. જે જીવ પરમાં
આસકત છે તે જીવ મહાન અશુચિથી ભરેલો છે. જેણે પુણ્યમાં અને તેના ફળમાં સુખ માન્યું છે તે જીવ ખરેખર
સ્ત્રીઓ પ્રત્યે નિસ્પૃહ નથી. જે પુણ્યમાં આસક્ત છે તે જીવને તેના ફળમાં પણ આસક્તિ છે; તે જીવ સ્ત્રીઆદિ
પદાર્થો પ્રત્યે નિસ્પૃહ નથી અને તેને શૌચધર્મ હોતો નથી.
સ્નાન વગેરેથી શરીરને ચોકખું રાખે તે કાંઈ શૌચધર્મ નથી. શરીરની શુદ્ધિથી આત્માને ધર્મ માનવો તે
મિથ્યાત્વ છે. અને પુણ્ય–પાપના ભાવોથી આત્માની પવિત્રતા થાય એમ માને તેને જરાય ધર્મ થાય નહિ, પણ
ઊલટો મિથ્યાત્વરૂપી મેલ પુષ્ટ થાય. શરીરથી ભિન્ન અને પુણ્ય–પાપથી રહિત એવા પવિત્ર આત્મસ્વરૂપની
સાચી ઓળખાણરૂપી જળવડે મિથ્યાત્વરૂપી મેલને ધોઈ નાખવો અને પવિત્ર આત્મસ્વરૂપમાં એકાગ્રતાવડે
રાગાદિ મેલને ધોઈ નાંખવા તે જ ઉત્તમ શૌચધર્મ છે, એવો ધર્મ મુનિઓને હોય છે. જેટલો રાગાદિ વિકલ્પ થાય
તે તો અશુચિ છે. મુનિવરોની પરિણતિ સ્ત્રી–લક્ષ્મી વગેરેથી તદ્ન નિસ્પૃહ છે, શુભ તેમજ અશુભ બંને ભાવોને
સરખા માને છે, બંને ભાવો અશુચિરૂપ છે, આત્મસ્વભાવથી વિપરીત અશુદ્ધભાવ છે. મુનિઓને સહજ જ્ઞાનની
એકાગ્રતાથી તે રાગાદિ અશુદ્ધભાવો થતા જ નથી; રાગાદિ રહિત વીતરાગભાવ તે ઉત્તમ શૌચધર્મ છે. એ
સિવાય બીજો કોઈ ઉત્તમ શૌચધર્મ નથી.