Atmadharma magazine - Ank 063-064
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 33

background image
: ૮૪ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :
અભિપ્રાય મુજબ તેનું સ્વરૂપ નથી. પરની અપેક્ષા રાખે એવું વસ્તુનું સ્વરૂપ નથી. આમ નિરપેક્ષ વસ્તુ સ્વરૂપને
સમજીને પરાશ્રય છોડીને સ્વાશ્રયમાં ટકવું તે જ મુક્તિનો ઉપાય છે.
પ્રશ્ન:– ‘પરને હું સુખી કરી શકું’ એવી અમારી માન્યતા ભલે ખોટી હોય, પણ પરને સુખી કરવાના
અમારા ભાવ છે તે તો સારા છે ને?
ઉત્તર:– તારો સ્વભાવ જેમ હોય તેમ માત્ર જાણવાનો છે, તેને બદલે, હું જાણનાર નહિ પણ પરનો કરનાર
એવા અભિપ્રાયથી તું તારા આત્માને જ હણી નાંખે છે. ‘હું પરને સુખી કરું’ એવા તારા ભાવ તારા આત્માને
અનંત દુઃખનું કારણ છે, તો તે ભાવને સારા કોણ માને? પહેલાં તું વસ્તુસ્વરૂપ સમજીને તારો અભિપ્રાય તો સાચો
કર, સાચો અભિપ્રાય થયા પછી શુભ કે અશુભ ભાવ આવશે તેનું કર્તાપણું તને નહિ રહે, અને તેમાં એકતાબુદ્ધિ
નહિ થાય. માટે સૌથી પહેલાં બધાય પરનો આશ્રય છોડીને, બધાયથી નિરપેક્ષ તારા સ્વભાવને સમજ.
‘સામો જીવ એની મેળે સમજવાનો છે અને તેમાં હું નિમિત્ત થવાનો છું, તેથી તેને નિમિત્ત થવા માટે મને
આ શુભરાગ થાય છે’ આવો જેનો અભિપ્રાય છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને હજી પરાશ્રયદ્રષ્ટિ છે. શું પર જીવને
નિમિત્ત થવા ખાતર તેં રાગ કર્યો છે? શું સામો જીવ સમજણ માટે તારા શુભરાગની અપેક્ષા રાખે છે? તને જે
રાગ થયો છે તે પરને નિમિત્ત થવા માટે થયો નથી પણ તારા જ દોષથી થયો છે. આ બેમાં મોટું અંતર છે. રાગ
વખતે, જેની સ્વાશ્રિતદ્રષ્ટિ છે તે જીવ પોતાની પર્યાયની લાયકાત જુએ છે, અને જેની પરાશ્રિત દ્રષ્ટિ છે તે જીવ
પરની લાયકાત જુએ છે અને પરના કારણે રાગ માને છે. પર વસ્તુ માત્ર જ્ઞાનનું જ નિમિત્ત છે તેને બદલે
અજ્ઞાની તેના કારણે રાગ માને છે. પોતાનો રાગ પરને નિમિત્ત થવા માટે થતો નથી તેમજ પરવસ્તુને તે
રાગની અપેક્ષા નથી. ‘પરવસ્તુને સુખ દુઃખ થવાનાં જ છે અને તેમાં હું જ નિમિત્ત થવાનો છું માટે મને રાગદ્વેષ
થાય છે’ એ માન્યતા ખોટી છે. રાગ કરીને પરનું નિમિત્ત થવાની જેની દ્રષ્ટિ છે તેને રાગમાં અને પરમાં જ
એકત્વબુદ્ધિ છે. તેને સદાય પર ઉપરના લક્ષે રાગ કર્યા કરવો છે ને પરનું નિમિત્ત થવું છે. પર સાથેનો સંબંધ
રાખ્યા કરવો છે. પણ પર સાથેનો સંબંધ તોડીને આત્માના સ્વભાવનો આશ્રય કરવો નથી. પર સાથેના
સંબંધની દ્રષ્ટિ એ જ બંધનું મૂળ છે, ને એ જ સંસારનું કારણ છે, એ જ મિથ્યાત્વ છે અને પરની અપેક્ષા રહિત
નિજસ્વભાવનો આશ્રય તે જ મુક્તિનું કારણ છે.
ભેદજ્ઞાની ભૂમિકામાંરાગની મંદતા
ચૈતન્યસ્વભાવના આશ્રયે પ્રગટેલો પર્યાય તે ચૈતન્યનો સ્વભાવ છે. અને ચૈતન્યસ્વભાવની બહાર
વલણ થઈને જિનેન્દ્ર ભગવાન–ગુરુ–કે શાસ્ત્રના લક્ષે જે જ્ઞાન થાય તે ચેતનનો સ્વભાવ નથી, અને તેનાથી
સંવર–નિર્જરા થતા નથી. પર્યાયમાં ચેતનપણું–ચેતન સાથે એકપણું–થયા વગર સંવર–નિર્જરા ક્યાં થાય? અને
રાગનો અભાવ કોના જોરે થાય? યથાર્થ ચૈતન્ય સ્વભાવની સમજણ વગર ખરેખર રાગાદિ ટળે નહિ, અને
રાગ ઘટ્યો પણ ન કહેવાય. રાગ રહિત સ્વભાવના સ્વીકાર પૂર્વક, રાગથી આત્માની ભિન્નતા જાણીને જો રાગ
ઘટે તો રાગ ઘટ્યો કહેવાય. રાગને જ જે પોતાનું સ્વરૂપ માને તેને રાગ ઘટ્યો કેમ કહેવાય?
પ્રશ્ન:– પ્રભો! આપે જ કહ્યું કે ‘આત્માના જ્ઞાન વગર યથાર્થપણે રાગાદિ ઘટે નહિ;’ માટે આત્મજ્ઞાન ન
થાય ત્યાં સુધી અમારે રાગાદિ ઘટાડવા નહિ?
ઉત્તર:– જુઓ ભાઈ, એ વાત તો બરાબર છે કે આત્માના જ્ઞાન વગર ખરેખર રાગાદિ ઘટે નહિ. પણ
તેથી તેનો અર્થ તો એમ થયો કે આત્માની સમજણનો પ્રયત્ન કરવો. હવે, જે જીવ આત્મસ્વભાવની સમજણનો
પ્રયત્ન કરે તેને રાગાદિ ઘટ્યા વગર રહે જ નહિ. પરંતુ રાગ ઘટ્યો તેની મુખ્યતા નથી પણ આત્મજ્ઞાનની
મુખ્યતા છે–એ ભૂલવું ન જોઈએ, એટલે કે મંદ રાગને ધર્મ માનવો ન જોઈએ. આનો અર્થ એમ નથી કે આત્મા
ન સમજાય ત્યાં સુધી તો સ્વચ્છંદપણે વર્તવું ને એવાં ને એવા તીવ્ર પાપ કર્યા કરવાં, અને વિષયકષાય જરા ય
છોડવાં જ નહિ. અહો! પુણ્ય–પણ આત્માનું સ્વરૂપ નથી એવી વાત જેને રુચે–એટલે કે પુણ્ય રહિત
આત્મસ્વભાવ જેને રુચે તે જીવો પાપને તો કેમ આદરે? તેવા જીવોને વિષય–કષાયની રુચિ ન હોય, સત્
સ્વભાવ પ્રત્યે અને સત્ નિમિત્તો પ્રત્યે બહુમાન આવતાં સંસાર તરફનો અશુભરાગ ઘણો જ મંદ થઈ જાય છે.
એ સિવાય તો ધર્મી થવાની પાત્રતા પણ હોતી નથી. જેને આત્માનું જ્ઞાન થયું ન હોય તેણે તો ઘણો જ પ્રયત્ન
કરીને અશુભ રાગાદિ ઘટાડીને આત્માની સમજણનો અભ્યાસ કરવો જોઈએ. જો એમ ન કરે અને એમ ને એમ
અશુભમાં જ પ્રવર્ત્યા કરે તો આત્માની સમજણ ક્યાંથી થાય?
[–સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના વ્યાખ્યાનોમાંથી]