Atmadharma magazine - Ank 063-064
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 33

background image
: ૮૮ : આત્મધર્મ : પોષ–માહ : ૨૪૭૫ :

अयि! कथमपि मृत्वा तत्त्वकौतूहली सन् अनुभव भवपूर्तेः प्रार्श्ववर्ती मुहूर्तम्।
पृथगथ विलसंतं स्वं समालोक्य येन त्यजसि भ्कगिति मूर्त्या साकमेकत्वमोहम्।।
(સમયસાર કલશ ૨૩)
શ્રી આચાર્યદેવ કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ
તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મૂહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે
જેથી પોતાના આત્માને વિલાસ વિલાસરૂપ, સર્વ પર દ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય સાથે
એકપણાના મોહને તું તુરત જ છોડશે.
મિથ્યાદ્રષ્ટિના મિથ્યાત્વનો નાશ કેમ થાય? અને ઊંધી માન્યતા ને ઊંધા પાપ અનાદિનાં કેમ ટળે? તેનો
ઉપાય બતાવે છે.
આચાર્યદેવ કડક સંબોધન કરીને કહેતા નથી પણ કોમળ સંબોધન કરીને કહે છે કે હે ભાઈ! આ તને
શોભે છે! કોમળ સંબોધન કરીને જગાડે છે કે તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ–મરણ જેટલા કષ્ટ
આવે તો પણ તે બધું સહન કરીને તત્ત્વનો કૌતૂહલી થા.
જેમ કૂવામાં કોશિયો મારી તાગ લાવેછે તેમ જ્ઞાનથી ભરેલા ચૈતન્ય કૂવામાં પુરુષાર્થરૂપ ઊંડો કોશિયો
મારી તાગ લાવ, વિસ્મયતા લાવ, દુનીયાની દરકાર છોડ. દુનિયા એકવાર તને ગાંડો કહેશે, ભંગડભૂત પણ
કહેશે. દુનિયાની અનેક પ્રકારની પ્રતિકૂળતા આવે તોપણ તેને સહન કરીને, તેની ઉપેક્ષા કરીને, ચૈતન્યભગવાન
કેવા છે તેને જોવાને એકવાર કૌતૂહલ તો કર! જો દુનિયાની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં રોકાઈશ તો તારા
ચૈતન્ય ભગવાનને તું જોઈ શકીશ નહિ. માટે દુનિયાનું લક્ષ છોડી દઈ અને તેનાથી એકલો પડી એકવાર મહાન
કષ્ટે પણ તત્ત્વ કૌતૂહલી થા!
જેમ સૂતર અને નેતરને મેળ ખાય નહિ તેમ જેને આત્માની ઓળખાણ કરવી હોય તેને અને જગતને
મેળ નહિ ખાય. સમ્યક્ દ્રષ્ટિરૂપ સૂતર અને મિથ્યાદ્રષ્ટિરૂપ નેતરને મેળ નહિ ખાય. આચાર્યદેવ કહે છે કે હે બંધુ!
તું ચોરાશીના કૂવામાં પડયો છે, તેમાંથી પાર પામવા માટે ગમે તેટલા પરિષહો કે ઉપસર્ગો આવે, મરણ જેટલાં
કષ્ટો આવે તોપણ તેની દરકાર છોડીને, પુણ્ય–પાપરૂપ વિકારભાવનો બે ઘડી પાડોશી થા, તો ચૈતન્યદળ તને
જુદું જણાશે. ‘શરીરાદિ તથા શુભાશુભ ભાવ એ બધું મારાથી જુદું છે ને હું એનાથી જુદો છું, પાડોશી છું’ એમ
એક વાર પાડોશી થઈ આત્માનો અનુભવ કર.
સાચી સમજણ કરીને નજીકમાં રહેલા પદાર્થોથી હું જુદો, જાણનાર–દેખનાર છું; શરીર, વાણી, મન તે બધાં
બહારનાં નાટક છે, તેને નાટકસ્વરૂપે જો, તું તેનો સાક્ષી છો. સ્વાભાવિક અંતર જ્યોતિથી જ્ઞાન ભૂમિકાની સત્તામાં
આ બધું જે જણાય છે તે હું નહિ પણ તેને જાણનારો તેટલો હું–એમ તેને જાણ તો ખરો! અને તેને જાણીને તેમાં
લીન તો થા! આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા પ્રગટ થાય છે તેનું આશ્ચર્ય લાવી એકવાર પાડોશી થા.
જેમ મુસલમાનનું ઘર અને વાણિયાનું ઘર નજીક નજીક હોય તો વાણિયો તેનો પાડોશી થઈ રહે છે પણ
તે મુસલમાનનું ઘર પોતાનું માનતો નથી; તેમ તું પણ ચૈતન્ય સ્વભાવમાં ઠરી પર પદાર્થોનો બે ઘડી પાડોશી થા,
આત્માનો અનુભવ કર.
શરીર, મન, વાણીની ક્રિયા તથા પુણ્ય–પાપના પરિણામ તે બધું પર છે. ઊંધા પુરુષાર્થ વડે પરનું
માલિકીપણું માન્યું છે, વિકારી ભાવ તરફ તારું બહારનું લક્ષ છે; તે બધું છોડી, સ્વભાવમાં શ્રદ્ધા, જ્ઞાન અને
લીનતા કરી, એક અંતર્મુહૂર્ત એટલે બે ઘડી છૂટો પડી ચૈતન્ય મૂર્તિને છૂટો જો. ચૈતન્યની વિલાસરૂપ મોજને
જરીક છૂટો પડીને જો. તે મોજને અંદરમાં દેખતાં શરીરાદિના મોહને તું તુરત જ છોડી શકશે. ‘
झगिति’ એટલે
ઝટ દઈને છોડી શકીશ. આ વાત સહેલી છે કેમ કે તારા સ્વભાવની છે. કેવળ જ્ઞાન–લક્ષ્મીને સ્વરૂપસત્તાભૂમિમાં
ઠરીને જો, તો પર સાથેના મોહને ઝટ દઈને છોડી શકીશ.
ત્રણ કાળ ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એક સાથે સામે આવીને ઊભા રહે તો પણ માત્ર જ્ઞાતાપણે
રહીને તે બધું સહન કરવાની શક્તિ આત્માના જ્ઞાયક સ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. શરીરાદિથી
ભિન્નપણે આત્માને જાણ્યો તેને એ પરિષહોના ગંજ જરાપણ અસર કરી શકે નહિ એટલે કે ચૈતન્ય પોતાના
વેપારથી જરા પણ ડગે નહિ.
(અનુસંધાન ટાઈટલ પાન ૪)