Atmadharma magazine - Ank 063-064
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 33

background image
: પોષ–માહ : ૨૪૭૫ : આત્મધર્મ : ૬૫ :

ક્રમબદ્ધ પર્યાયની કે કેવળજ્ઞાની પ્રતીત થાય નહિ
જ્ઞાન ચેતન છે અને વાણી જડનું પરિણમન છે; જ્ઞાન અને વાણી બંને પોતપોતાના પર્યાયમાં સ્વતંત્રપણે
ક્રમબદ્ધ પરિણમે છે.
પ્રશ્ન:– જો દરેક પર્યાય ક્રમબદ્ધ થાય છે, તો રાગાદિ ભાવો થાય તે પણ ક્રમબદ્ધ થાય છે ને? તો તેને
ટાળવાનો પુરુષાર્થ નથી રહેતો.
ઉત્તર:– જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ હોય તેને એવો પ્રશ્ન ઊઠે નહિ; કેમકે દ્રવ્યદ્રષ્ટિના જોરે જ
અનાદિ અનંત ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય છે, દ્રવ્ય–દ્રષ્ટિ થયા વગર ક્રમબદ્ધ પર્યાયની યથાર્થ શ્રદ્ધા હોતી નથી.
અને દ્રવ્યદ્રષ્ટિ થતાં જીવ રાગને પોતાનું સ્વરૂપ માને નહિ કેમકે ત્રિકાળી દ્રવ્યમાં રાગ નથી; તેથી તે જીવ ખરેખર
રાગનો જ્ઞાતા જ રહે છે એટલે પરમાર્થે તેને રાગ થતો નથી પણ ટળતો જ જાય છે. મારી અને જગતના બધા
પદાર્થોની અવસ્થા ક્રમબદ્ધ થાય છે. એમ નક્કી કરનાર જીવ એકેક પર્યાયને નથી જોતો, પણ દ્રવ્યના ત્રિકાળી
સ્વરૂપને જુએ છે. એવો જીવ રાગની લાયકાતને જોતો નથી, કેમકે ત્રિકાળી સ્વભાવમાં રાગની લાયકાત નથી.
એટલે ત્રિકાળી સ્વભાવમાં એકતાના જોરે તેને રાગ ટળતો જ જાય છે. આવા ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ કરવામાં
રાગરહિત શ્રદ્ધા–જ્ઞાનનો અનંત પુરુષાર્થ કાર્ય કરી રહ્યો છે. ક્રમબદ્ધ પર્યાયનો વિશ્વાસ કરતાં તો પરનો,
વિકારનો ને પર્યાયનો આશ્રય છૂટીને એકલા અભેદ સ્વભાવનો જ આશ્રય રહે છે, તે સ્વભાવમાંથી રાગની
ઉત્પત્તિ થતી જ નથી, એટલે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધાવાળા સમ્યગ્દ્રષ્ટિને ક્રમે ક્રમે સ્વભાવની એકતા જ થતી જાય
છે. ને રાગ ક્રમે ક્રમે ટળતો જ જાય છે. સ્વભાવદ્રષ્ટિને લીધે તેને સ્વભાવની ઉત્પત્તિનો ક્રમ છે, ને રાગ ટળવાનો
ક્રમ છે. તો હવે ‘રાગ થવાનો હશે તો થશે’ એ વાત ક્યાં રહી? રાગ ઉપર જ જેની દ્રષ્ટિ છે તેને તો રાગ અને
આત્માના ભેદનો વિચાર જ નથી, તેને તો રાગ તે જ આત્મા છે એટલે તેને રાગની જ ઉત્પત્તિ થાય છે. પણ
જેને રાગ રહિત ચૈતન્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે ને રાગનો નિષેધ છે તેને તો સ્વભાવની નિર્મળતાની જ ઉત્પત્તિ
થાય છે ને રાગ ટળતો જાય છે. સમ્યગ્દ્રષ્ટિને ચારિત્રની નબળાઈથી જે અલ્પ રાગ થાય છે તે ખરેખર ઉત્પત્તિરૂપ
નથી પણ ટળવા ખાતે જ છે; કેમ કે રાગ થાય છે તે વખતે ય રાગનો આશ્રય નથી પણ દ્રવ્યનો જ આશ્રય છે.
સ્વ અને પર બધા પદાર્થો ક્રમબદ્ધપર્યાયમાં પરિણમે છે, એમ નક્કી કરતાં જ, જ્ઞાનનો ક્રમ જ્ઞાનથી અને
વાણીનો ક્રમ જડથી–એમ બંનેનું ભેદજ્ઞાન થઈને જ્ઞાન પોતાના સ્વભાવમાં વળે છે. સ્વભાવ તરફ વળ્‌યા વગર
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય થઈ શકે નહિ. પર તરફના વલણથી ક્રમબદ્ધપર્યાયનો યથાર્થ નિર્ણય હોઈ શકે નહિ. જેમ
સ્વદ્રવ્ય તરફ ઢળ્‌યા વગર સ્વ–પરના ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય હોઈ શકે નહિ, તેમ સ્વદ્રવ્યના નિર્ણય વગર
યથાર્થપણે કેવળીભગવાનનો નિર્ણય પણ થઈ શકે નહિ. પોતે રાગથી અંશે જુદો પડ્યા વગર પૂર્ણ રાગરહિત
એવા કેવળજ્ઞાનનો નિર્ણય ક્યાંથી કરી શકે? રાગ અને જ્ઞાન વચ્ચેના ભેદજ્ઞાન વગર રાગરહિત કેવળજ્ઞાનની
પરમાર્થે પ્રતીતિ હોય નહિ. આથી એમ બતાવ્યું કે સ્વદ્રવ્યના સ્વભાવના નિર્ણયથી જ ધર્મ થાય છે;
કેવળીભગવાનનો નિર્ણય કરવામાં પણ પરમાર્થે તો પોતાના આત્મદ્રવ્યના નિર્ણયનો જ પુરુષાર્થ છે. આત્મ–
નિર્ણયના પુરુષાર્થ વગર કેવળી ભગવાનના વચનોની પણ ખરી પ્રતીતિ કહેવાય નહિ.
(વિશેષ માટે ‘વસ્તુવિજ્ઞાનસાર’ વાંચો)
સમયસાર ગા. ૩૯૦થી૪૦૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી
સફળ અવતર
અહો, આ આત્માના સ્વભાવની અપૂર્વ વાત છે. અત્યારે પ્રમાદ ટાળીને આત્માની જાગૃતિ
કરવાનાં ટાણાં છે. મનુષ્યપણું પામીને પણ ઘણા જીવોનો ઘણો કાળ તો પ્રમાદમાં ચાલ્યો જાય છે, ધર્મના
બહાને પણ પ્રમાદમાં અને ટીખળમાં કાળ જાય છે. જો આ જીવનમાં આત્માની જાગૃતિ કરીને સત્સ્વભાવ
ન સમજ્યો તો અવતાર નકામો છે. અને જો અપૂર્વ રુચિથી આત્માનું સમ્યગ્જ્ઞાન પ્રગટ કરી લ્યે તો તેનો
અવતાર નિષ્ફળ નથી પણ કેવળજ્ઞાનદશાને જન્મ કરવા માટે તેનો સફળ અવતાર છે.
સમયસાર ગા. ૩૯૦ થી ૪૦૪ ઉપરના પ્રવચનોમાંથી.