Atmadharma magazine - Ank 072
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 17

background image
: ૨૧૬ : આત્મધર્મ : આસો : ૨૪૭૫ :
નથી. કેમ કે તે જીવ બંધને અને આત્માના સ્વરૂપને જુદા જુદા જાણીને બંધને છોડે છે ને આત્મ–સ્વભાવને જ
ગ્રહણ કરે છે, તેથી તેને બંધન થતું નથી. એ વાત સમયસારના બંધ અધિકારમાં છે. અત્યારે એવું સમ્યગ્દર્શન
કઈ રીતે થાય તે વાત ચાલે છે.
આત્મા કોઈ પરનો કર્તા કે હર્તા નથી, તેમ જ આત્માનો કર્તા કે હર્તા કોઈ નથી. આત્મા પોતે પરના
અવલંબન રહિત છે. પરની અપેક્ષા વગરના પોતાના સહજ જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિ તે જ સમ્યગ્દર્શન છે. વિકલ્પ
વડે આત્મા ગ્રહણ થતો નથી. વિકલ્પ તો આત્માની જાત નથી. વિકલ્પ રહિત આત્મસ્વભાવ છે તે જ ગ્રહણ
કરવા યોગ્ય છે. આત્માનો જે સ્વભાવ છે તેને શ્રદ્ધામાં માનવો, જ્ઞાનમાં જાણવો ને તેમાં એકાગ્ર થવું તેનું નામ
શુદ્ધાત્માનું ગ્રહણ છે. શ્રી સમયસાર ગા. ૩૮ ઉપરના પ્રવચનોમાંથી
[અનુસંધાન પાન ૨૦૭ થી ચાલુ]
આદર છોડીને પોતાના જ્ઞાનસ્વરૂપનો આદર ક્યારે કરશે? માટે બધા નિકટ ભવ્ય જીવોને એક શુદ્ધ આત્મા જ
ઉપાદેય છે. જે જીવ પોતાના સહજ સ્વભાવની સન્મુખ થતાં બધાય પરદ્રવ્યોથી પરાંગ્મુખ થઈ ગયો, એટલે એક
સ્વભાવને જ ઉપાદેય રાખ્યો ને બીજા બધાયને બહિરતત્ત્વો જાણીને તેની શ્રદ્ધા છોડી દીધી–તે ધર્મી છે.
શુદ્ધાત્માને ઉપાદેય જાણનારા મુનિવરો ઉત્કૃષ્ટ વૈરાગ્યવંત હોય છે, પર દ્રવ્યોથી પરાંગ્મુખ હોય છે. એ વાત કરી.
વળી તે મુનિવરો કેવા છે? –પંચેન્દ્રિયના ફેલાવથી રહિત છે ને માત્ર શરીરનો જ પરીગ્રહ છે. મુનિને પાંચ ઈન્દ્રિયો તો
હોય છે પણ તેનો ફેલાવ નથી એટલે કે પાંચ ઈન્દ્રિયના રસ–રૂપ વગેરે વિષયો પ્રત્યેથી તેમની પરિણતિ રોકાઈ ગઈ છે.
તેમને માત્ર શરીરનો જ પરિગ્રહ છે. મોરપીંછી અને કમંડળ હોય છે પણ તે પોતાના શરીરના રક્ષણ ખાતર નથી.
વળી તે મુનિવરોની બુદ્ધિ સ્વદ્રવ્યમાં લીન છે. પહેલાંં અજ્ઞાનદશામાં પરને પોતાપણે માનીને અને
રાગાદિને આત્માનું સ્વરૂપ માનીને જ્ઞાન ત્યાં લીન થતું હતું, હવે ભેદજ્ઞાનવડે શુદ્ધાત્મ સ્વભાવને જ ઉપાદેય
જાણીને જ્ઞાનને પરદ્રવ્યોની લીનતામાંથી પાછું ખેચીને સ્વદ્રવ્યમાં જોડયું છે અને શુદ્ધાત્મસ્વરૂપના વિશેષં
અનુભવ વડે જ્ઞાનને સ્વદ્રવ્યમાં લીન કર્યું છે. –એ રીતે જેમણે પોતાના જ્ઞાનને પોતામાં જ જોડી દીધું છે એવા તે
વીતરાગી સંતો સાતમા–છઠ્ઠા ગુણસ્થાને આત્માનંદમાં ઝુલે છે, ક્ષણે ક્ષણે વિકલ્પ તોડીને શુદ્ધ આત્માનો સાક્ષાત્
અનુભવ કરે છે. તે મુનિવરોએ મિથ્યાત્વ અને કષાયને જીતી લીધાં છે તેથી તેઓ પરમ જિન છે. અને
સ્વદ્રવ્યમાં જોડાએલા હોવાથી તેઓ યોગી છે આવા પરમ જિન યોગીશ્વરોને એક શુદ્ધાત્મા જ આદરણીય છે,
એના સિવાય બીજા બધા પર દ્રવ્યો અને પરભાવો છે તે બહિરતત્ત્વ છે, તે આદરણીય નથી.
આ ગાથામાં ઉપાદેયરૂપ શુદ્ધ આત્માનું વર્ણન કર્યું છે, અને સાથે સાથે મુનિદશા કેવી હોય ને
આસન્નભવ્ય જીવ કેવા હોય તેનું પણ વર્ણન આવી જાય છે. યોગીશ્વરોને એક શુદ્ધાત્મા જ અંગીકાર કરવા
યોગ્ય છે–એમ મુનિનું દ્રષ્ટાંત લઈને આચાર્યદેવ કહે છે કે બધાય આસન્નભવ્ય જીવોને નિજ કારણપરમાત્મા
સિવાય બીજું કાંઈ પણ અંગીકાર કરવા જેવું નથી.
જેમ મુનિવરોને એક શુદ્ધ પરમાત્મા જ ઉપાદેય છે તેમ બધાય આસન્નભવ્ય જીવોને પોતાનો શુદ્ધ પરમાત્મ
સ્વભાવ જ ઉપાદેય છે. જેઓ શુદ્ધ પરમાત્મ સ્વભાવને ન જાણે અને તેના સિવાય બીજાને ઉપાદેય માને તે જીવો
આસન્નભવ્ય નથી પણ દૂર ભવ્ય છે. નીચલી સાધક દશામાં શુભ કે અશુભ ભાવમાં પણ જોડાણ થતું હોય, છતાં
જેઓ અત્યંત નિકટભવ્ય છે એવા જીવો અંતર શ્રદ્ધામાં એક શુદ્ધાત્માં સિવાય બીજા કોઈ ભાવને પોતાનું સ્વરૂપ
માનતા નથી તેમને શુદ્ધાત્માનો જ આદર છે ને બીજા બધા ભાવોનો નિષેધ છે. સાધકની દ્રષ્ટિનું જોર શુદ્ધ
સ્વભાવમાં જ છે. સંત–મુનિદશા જેવી આત્મસ્થિરતા ન થઈ શકે તો, હે જીવ! શ્રદ્ધા તો આવી જ રાખજે કે મારે
એક શુદ્ધ કારણ પરમાત્મા સિવાય બીજું કાંઈ આદરણીય નથી. જીવ જો પોતાના શુદ્ધ સ્વભાવને આદરણીય
જાણીને તેના શ્રદ્ધા–જ્ઞાન કરશે તો તે તરફના વિશેષ પુરુષાર્થથી તેમાં સ્થિરતા પ્રગટ કરતા અશુદ્ધ ભાવો ટળી જશે
ને મુક્તિ થશે, પણ જો શુદ્ધાત્મા સિવાય બીજા ભાવોને આદરણીય જાણશે તો કદી પણ શુદ્ધભાવ પ્રગટશે નહિ.
નાના બાળક પાસે સો રૂપિયાની કિંમતનો દાગીનો હોય, પણ જો કોઈ તેને બે પૈસાની કિંમતનો પેડો
આપે તો તે દાગીનો આપી દે. કેમ કે તેણે દાગીનાની કિંમત જાણી નથી, ને પેડાની મીઠાશ લાગે છે. તેમ
અજ્ઞાની જીવે પોતાના અખંડ એક નિરપેક્ષ સ્વભાવનો મહિમા જાણ્યો નથી તેથી તે પર્યાય જેટલો જ આત્માને
માનીને આખા સ્વભાવને ભૂલી જાય છે, તેને રાગની–પુણ્યની મીઠાશ છે. એક ક્ષણિક વિકલ્પ આખો આત્મા
વેંચી દેવો તે અજ્ઞાન છે –દુઃખ છે–અધર્મ છે. અને ‘વિકલ્પ જેટલો હું નથી, હું તો વિકલ્પથી પાર સદા એકરૂપ
રહેનાર છું’ એવા શ્રદ્ધા જ્ઞાનવડે આખા આત્માને વિકારથી જુદો ટકાવી રાખવો તે સમ્યગ્દર્શન છે–સુખ છે–ધર્મ
છે. જ્યાં સુધી પોતાનો આખો સ્વભાવ કેવો છે તેની ઓળખાણ અને મહિમા ન કરે ત્યાં સુધી જીવને ધર્મ થાય
નહિ. (શ્રી નિયમસાર ગા. ૩૮ ઉપર પૂ. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી)