Atmadharma magazine - Ank 083
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 19

background image
ઃ ૨૩૨ઃ આત્મધર્મઃ ૮૩
(અનુસંઘાન પૃષ્ઠ ૨૨૯ થી ચાલુ)
માંથી જ જ્ઞાનદશા આવે છે. માટે તે અખંડ સ્વભાવના આશ્રયે જ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર થાય છે.
ચૈતન્યતત્ત્વ ને પરથી તો કલ્યાણ નથી, અશુભભાવથી કે શુભભાવથી પણ કલ્યાણ નથી, તથા અધૂરી દશા
ટાળીને પૂરી દશા પ્રગટ કરું–એમ જો અવસ્થાનો જ આશ્રય કરીને અટકે તો પણ સ્વભાવમાં વળતાં તે અટકાવે
છે એટલે વિકારની ઉત્પત્તિ થાય છે. અને ‘હું જ્ઞાન’ ‘હું દર્શન’–એવા ગુણભેદના દ્વૈતના વિચારથી પણ
આત્માનું કલ્યાણ થતું નથી.
હે જીવ! ચૈતન્યસ્વભાવ સમજવાની તારામાં તાકાત છે–એમ જાણીને જ્ઞાનીઓ આ ઉપદેશ કરે છે. લોકો
પણ જેનામાં સમજવાની તાકાત હોય તેને જ કહે છે કે પાણી લાવ. કાંઇ પાડાને કે બે મહિનાના બાળકને કોઇ
પાણી લાવવાનું કહેતા નથી, કેમકે તેનામાં તેવી તાકાત નથી. તેમ આ ચૈતન્યસ્વભાવ સમજવાનો ઉપદેશ જડને
કે એકેન્દ્રિયાદિને દેતા નથી પણ જેનામાં ચૈતન્યસ્વભાવને સમજવાની તાકાત છે તેને જ ઉપદેશ અપાય છે.
તારામાં સમજવાની તાકાત છે એમ જાણીને જ્ઞાની કહે છે કે તું આત્માને સમજ. આમ હોવા છતાં જે કહે છે કે
‘આ વાત અમને સમજાય તેવી નથી,’ તો તે પોતાની ચૈતન્યશક્તિનો તેમ જ જ્ઞાનીઓનો અનાદર કરનાર છે.
અંતરમાં ચૈતન્યતત્ત્વ શું છે તેને સમજ્યા વગર જીવ પુણ્યપાપ કરીને અનંતવાર સ્વર્ગમાં ને નરકમાં ગયો છે,
મોટો રાજા તેમ જ ભિખારી પણ અનંતવાર થયો છે, તે કાંઈ નવું નથી. પુણ્ય–પાપરહિત આત્મસ્વભાવ શું છે
તેની સમજણ અપૂર્વ છે, પૂર્વે એક સેકંડ માત્ર પણ આત્માની સમજણ કરી નથી. જેમ ડુંગર ઉપર વીજળી પડે
અને તેના સેંકડો ટુકડા થઈ જાય પછી તે રેણથી ભેગા થાય નહિ, તેમ જો એક સેકંડ પણ આત્મસ્વભાવની સાચી
સમજણ કરે તો તેની મુક્તિ થયા વિના રહે નહિ અને ફરીથી તેને અવતાર થાય નહિ.
લોકોને અંદરમાં ચૈતન્યની સમજણનો મહિમા આવતો નથી ને બહારની ક્રિયાથી કે પુણ્યભાવથી જ
ચૈતન્યનો મહિમા માને છે. જેમ પચાસ મણની ભેંસ કૂદાકૂદ કરે છતાં ખીલો ખસતો નથી, ત્યાં લોકો ખીલાનું
જોર ન જોતાં ભેંસનું જોર ભાળે છે; તેમ લોકો બહારના સંયોગથી, બહારના વેષથી ને બહારના ત્યાગથી તેમ જ
શુભરાગથી ચૈતન્યના ધર્મનું માપ કાઢે છે, પણ ધર્મીને અંતરમાં ધુ્રવ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ પ્રગટી છે તે અપૂર્વ
ધર્મને તેઓ ઓળખતા નથી. ધર્મ કોઈ બહારની ક્રિયામાં કે પુણ્યમાં નથી પણ અંતરસ્વભાવની સમજણ કરીને
તેની શ્રદ્ધા–જ્ઞાન કરવા તેમાં ધર્મ છે.
ક્રોધ થાય ત્યાં જાણે કે આ ક્રોધરૂપે જ મારી હયાતી છે–એમ ક્ષણિક ક્રોધને જ અજ્ઞાની ભાળે છે, પણ
ક્રોધ પાછળ તે જ વખતે આખો વીતરાગસ્વભાવ છે તેને તે જાણતો નથી. જડ લાકડામાં ક્રોધ થતો નથી કેમ કે
તેનામાં ક્ષમાગુણ નથી. જીવમાં ક્રોધ થાય છે તે અંદર ત્રિકાળી ક્ષમાગુણની હયાતી બતાવે છે. તે ક્ષમાગુણની
વિકૃતિ થાય ત્યારે ક્રોધ થાય છે. જડમાં ક્ષમાગુણ નથી તેથી તેની વિકૃતિરૂપ ક્રોધ નથી.
રતિ અને અરતિ એટલે રાગ અને દ્વેષ, તે દ્વૈત છે, તે આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ એક
પ્રકારનો છે, તેમાં રાગ અને દ્વેષનું દ્વેત નથી. રાગદ્વેષના દ્વૈતના આશ્રયે આત્મસ્વભાવની રુચિ થતી નથી. રાગ–
દ્વેષ રહિત ચૈતન્ય સ્વભાવની રુચિ થયા પછી, અલ્પ રતિ–અરતિ થાય છતાં તે હું નથી,–એમ જ્ઞાની જાણે છે;
અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગને લીધે તો રાગદ્વેષ થતા નથી, પણ પોતાની અસાવધાનીથી થાય છે. તે રાગ–દ્વેષના
ભાવો મારા સ્વભાવથી દ્વૈત છે–અન્ય છે, તે મારો સ્વભાવ નથી. મારા એકત્વ ચૈતન્યસ્વભાવના જ આશ્રયે ધર્મ
અને મુક્તિ થાય છે.
વળી કર્મ અને આત્મા–એમ દ્વૈત છે. આ જગતમાં આત્માથી અન્ય એવા જડ કર્મો છે. આત્મા પોતે
વિકાર કરે ત્યારે જડ કર્મનો ઉદય નિમિત્તરૂપે હોય છે. પણ તે જડ કર્મો આત્માના ધર્મને રોકતા નથી. ‘કર્મમાં
માંડયો હશે તો ધર્મ થશે’–એમ નથી. બાહ્ય સંયોગ બનવો તે પ્રારબ્ધકર્મને અનુસાર બને છે. પણ ધર્મ તો
આત્માના પુરુષાર્થ અનુસાર થાય છે. પ્રારબ્ધકર્મ અને આત્મા બંને જુદી ચીજ છે; એકનો બીજામાં અભાવ છે.
જો આત્મા અને કર્મ બંનેનો એકબીજામાં અભાવ ન હોય તો બંનેનું ભિન્ન અસ્તિત્વ રહેતું નથી. આત્મા અને કર્મ
બંને ચીજ છે ખરી, પણ ‘આ કર્મ છે ને હું આત્મા છું’ એમ બેના જ વિચાર કર્યા કરે, ને કર્મનું લક્ષ છોડીને
આત્માના એકત્વસ્વભાવમાં વળે નહીં, તો રાગ–દ્વેષની ઉત્પત્તિ થાય છે ને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટતાં
નથી. એ રીતે, બંધ અને મોક્ષ, રાગ અને દ્વેષ, તથા કર્મ અને આત્મા–એવા દ્વૈતની બુદ્ધિ છોડીને અખંડ
આત્માની શ્રદ્ધા, જ્ઞાન તથા તેમાં લીનતા કરતાં બંધ છૂટીને મુક્તિ થાય છે.
–લીંબડી શહેરમાં, વીર સં. ૨૪૭૬ ના પોષ સુદ પ ના રોજ, શ્રી પદ્મ. એકત્વ અધિકાર ગા. ૩૩ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન.