Atmadharma magazine - Ank 083
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 19

background image
ભાદ્રપદઃ ૨૪૭૬ઃ ૨૩પઃ
ભિન્ન છે. આત્મા જ્ઞાનસ્વભાવી શુદ્ધ છે–એવી રુચિનું અંતરમાં પરિણમન થવું તે જ આત્મા છે. પુણ્ય–પાપપણે
પરિણમન થવું તે ખરેખર અનાત્મા છે. વર્તમાન જ્ઞાનદશા સ્વભાવ તરફ વળીને અભેદ થઈ ત્યાં તે દ્રવ્ય–
પર્યાયની અભેદતાને આત્મા કહ્યો, તેનું નામ જ સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર છે. જ્ઞાતાની
અવસ્થા જ્ઞાતામાં એકમેક થઈ તે ધર્મ છે, ને જ્ઞાતાની અવસ્થા વિકારમાં એકત્વ થાય તે અધર્મ છે. જે જેનાથી
લાભ માને તે તેનાથી પોતાને જુદો માને નહિ. જેણે વિકારથી આત્માને લાભ માન્યો તેણે વિકારથી આત્માને
જુદો ન માન્યો પણ એક માન્યો, વિકાર તે જ હું–એમ માન્યું, એટલે તેને વિકારથી ભિન્નતા કરવાની તાકાત
નથી. પહેલાં શ્રદ્ધામાં આત્માને વિકારરહિત માન્યા વગર અને જ્ઞાનમાં આત્માને વિકારથી ભિન્ન જાણ્યા વગર
વિકારથી જુદો પડશે શી રીતે? અને એ વિના મુક્તિ કયાંથી થશે? માટે પહેલાં વિકારથી ભિન્ન જ્ઞાનસ્વભાવને
ઓળખીને તેની શ્રદ્ધા કરવી તે જ મુક્તિનો પ્રથમ ઉપાય છે, એ સિવાય બીજી કોઈ રીતે મુક્તિના ઉપાયની
એટલે કે ધર્મની શરૂઆત થતી નથી.
(૭) ક્રોધ કયારે ટળે?
આત્માને પરથી, નિમિત્તથી, પુણ્ય–પાપથી કે પર્યાયબુદ્ધિથી લાભ થાય એમ માનવું તે ક્રોધાદિભાવ છે.
દ્રવ્યલિંગી મુનિ થઈને અહિંસા વગેરે મહાવ્રત પાળતો હોય પણ તે પુણ્યના વિકલ્પથી આત્માને લાભ માનતો
હોય તો તે આત્માના સ્વભાવ ઉપરનો ક્રોધ છે. વિકારની રુચિ અને આત્માના સ્વભાવની અરુચિ તે જ અનંત
ક્રોધ છે. આત્માના જ્ઞાનસ્વભાવને અને વિકારને જુદા ઓળખીને આત્માની રુચિ કરે ને વિકારની રુચિ છોડે તો
તે ક્રોધ ટળે.
(૮) જ્ઞાન અને ક્રોધનું ભેદજ્ઞાન
અહીં આચાર્યદેવ આત્મા અને વિકારનું જુદાપણું સમજાવે છે. જ્યાં જ્ઞાનસ્વભાવની રુચિપણે પરિણમન
થયું ત્યાં ક્રોધાદિની રુચિપણે પરિણમન હોતું નથી એટલે જ્ઞાનનું થવું તે ક્રોધાદિનું પણ થવું નથી. તથા ક્રોધાદિ
વિકારની રુચિપણે પરિણમન થયું ત્યારે તે ક્રોધાદિથી ભિન્ન જ્ઞાન અજ્ઞાનીને ભાસતું નથી, માટે ક્રોધાદિનું થવું તે
જ્ઞાનનું પણ થવું નથી. એ રીતે જ્ઞાન અને ક્રોધ ભિન્ન ભિન્ન છે. જ્ઞાન તે આત્મા છે, ક્રોધાદિ તે આત્મા નથી.
જો જ્ઞાનસ્વભાવ અને ક્રોધાદિ વિકારીભાવો જુદાજુદા ન હોય તો આત્માનું જ્ઞાન વધતાં ક્રોધાદિ પણ
વધવા જોઈએ, તથા ક્રોધાદિ વધતાં જ્ઞાન પણ વધવું જોઈએ. પરંતુ એમ તો બનતું નથી, સ્વસન્મુખ જ્ઞાન વધતાં
ક્રોધાદિ ભાવો ઘટતા જાય છે, ને ક્રોધાદિભાવો વધતાં જ્ઞાન ઘટે છે–માટે જ્ઞાન અને ક્રોધ અત્યંત જુદા છે. જ્ઞાન છે
તે ક્રોધ નથી, ક્રોધ છે તે જ્ઞાન નથી.
(૯) ધર્માત્માનું કર્તાકર્મપણું, અને ભેદજ્ઞાનનો પ્રતાપ
હું ત્રિકાળી જ્ઞાતા છું ને વિકાર એક સમયપૂરતો છે તે હું નથી, એમ જેને વિકારબુદ્ધિ ટળીને સ્વભાવબુદ્ધિ
થઈ છે તે ધર્મી જીવ જ્ઞાનપણે ઉપજે છે, ત્યાં જ્ઞાનપણે ઉપજતાં તેને ‘હું સ્વભાવમાં વધું છું’ એમ માલૂમ પડે છે,
પણ ‘હું ક્રોધાદિરૂપે થાઉં છું’ એમ તેને માલૂમ પડતું નથી; બીજી રીતે લઈએ તો અભેદસ્વભાવસન્મુખની દ્રષ્ટિથી
પરિણમતાં, ‘રાગાદિ વ્યવહાર તે મારું કાર્ય ને હું તેનો કર્તા’ એમ જ્ઞાનીને પ્રતિભાસતું નથી. અજ્ઞાનીને ‘રાગાદિ
વ્યવહારનો હું કર્તા ને તે મારું કર્મ’ એમ અજ્ઞાનથી પ્રતિભાસે છે. સાધક ધર્માત્માને, વિકાર હોવા છતાં,
‘સ્વભાવસન્મુખ જે શ્રદ્ધા–જ્ઞાન થયા તેનો હું કર્તા ને તે મારું કર્મ’ એમ અભેદ કર્તાકર્મ પ્રતિભાસે છે. પણ
ક્રોધાદિ મારું કર્મ ને હું તેનો કર્તા–એમ તેને જ્ઞાન સાથે ક્રોધાદિ એકપણે થતા ભાસતા નથી. આવું જે જ્ઞાન અને
વિકારનું અપૂર્વ ભેદજ્ઞાન તે જ પ્રથમ ધર્મ છે. શ્રી તીર્થંકર ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી તેમને એવું
ભેદજ્ઞાન હતું; એ ભેદજ્ઞાનના પ્રતાપે જ તેઓ કેવળજ્ઞાન અને મુક્તિ પામ્યા છે. *
શ્રી કુંદકુંદ શ્રાવિકા–શાળાનું ખાત મુહૂર્ત
શ્રાવણ સુદ ૨ ને મંગળવારના રોજ સોનગઢમાં ‘શ્રી કુંદકુંદ શ્રાવિકા–શાળા’ નું ખાતમુહૂર્ત પૂ. બેનશ્રી
બેનના શુભહસ્તે થયું હતું. પરમ પૂ. ગુરુદેવશ્રીના પુનિત પ્રતાપે દિન–પ્રતિદિન વધતી જતી સદ્ધર્મપ્રભાવનાને
લીધે, ધાર્મિકોત્સવપ્રસંગે ‘સ્વાધ્યાયમંદિર’ ટૂંકું પડતાં જેમ ‘ભગવાન શ્રીકુંદકુંદ પ્રવચન મંડપ’ બંધાયો; તેમ
ધાર્મિકોત્સવાદિ પ્રસંગે તત્ત્વચર્ચા, પ્રતિક્રમણાદિ ધાર્મિક ક્રિયાઓ માટે બેનોને મકાનની ઘણી ખેંચ હતી, તેથી તે
કાયમી અગવડતા દૂર કરવા બેનો માટે સ્વાધ્યાયમંદિર જેવી ‘શ્રી કુંદકુંદ શ્રાવિકાશાળા’ બંધાય છે. ‘કહાન
કિરણ’ નામના મકાનની બાજુના ટેકરા ઉપર આ મકાન બંધાય છે.