વૈરાગ્ય–સમાચાર
સીતાપુરવાળા ભાઈશ્રી લક્ષ્મીચંદ ખીમચંદ શાહ, જેમણે મુંબઈ મુમુક્ષુમંડળના ફંડમાં પોતાની દસેક
હજારની મૂડીમાંથી પાંચહજાર રૂા. અર્પણ કર્યા હતા, તેઓ મુંબઈમાં સોમવાર તા. ૨૧–૮–પ૦ ના રોજ સ્વર્ગવાસી
થયા છે. આ સંબંધમાં મુંબઈથી આવેલ પત્રમાં લખ્યું છે કે–“સીતાપુરવાળા લક્ષ્મીચંદભાઈ ગઈ કાલે બપોરે ત્રણ
વાગે ગુજરી ગયા, તેમણે શનીવારે સવારે આઠ વાગે ઓપરેશન રૂમમાં કેન્સરનું ઓપરેશન કરવા લઈ જતા
પહેલાં પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવને નમસ્કાર પત્ર લખ્યો છે તે આ સાથે મોકલ્યો છે, તો ગુરુદેવના ચરણમાં
ધરજો. (આ પત્ર આ સાથે છેલ્લે છાપ્યો છે) ”
“લક્ષ્મીચંદભાઈ ગુરુદેવના પરિચયમાં લાંબો વખત નહિ રહેવા છતાં શાસ્ત્રઅધ્યયન અને સત્–રુચિ
વિશેષ હોવાના કારણે તેમને સત્નો પ્રેમ છેવટ સુધી રહ્યો હતો. જો કે ઓપરેશન બાદ વેદના અસહ્ય હતી પણ
આપણા મુમુક્ષુભાઈઓને જોતાં જ તે વેદનાને ભૂલી જતા હતા. ઉત્સાહી આત્મા થોડા પરિચયમાં પણ આ રીતે
પરિણામને સુધારી શકે છે, તેના ઉપરથી મુમુક્ષુઓએ દાખલો લેવા જેવો છે. આ બધો પ્રતાપ એક ગુરુદેવનો જ
છે. આ પંચમકાળમાં હળાહળ ઝેરની પ્રરૂપણા થઈ રહી છે તેમાં ભવ્યજીવોને ગુરુદેવનો ઉપદેશ અમૃતતુલ્ય છે.”
“ઓપરેશન પહેલાં લક્ષ્મીચંદભાઈએ પોતાની અંતઃકરણની ભાવનાથી ભગવાનશ્રી સીમંધર સ્વામી તથા
પૂ. ગુરુદેવનો ફોટો તથા સમયસાર–ત્રણેની ઇસ્પિતાલમાં ભક્તિ કરી હતી. લક્ષ્મીચંદભાઈની અહીંના
મુમુક્ષુમંડળમાં ખોટ પડી છે.”
સ્વ. ભાઈશ્રી લક્ષ્મીચંદભાઈની ઉમર માત્ર વર્ષ ૪૦ લગભગ હતી. સત્ધર્મ પ્રત્યેનો તેમનો ઉત્સાહ અને
તેમની ઉદારતા વગેરે મુમુક્ષુઓને અનુકરણીય છે. અને આવી અનિત્યતાના પ્રસંગ ઉપરથી આત્માર્થી જીવોએ
શરીરાદિની ક્ષણભંગુરતા સમજીને સદ્વૈરાગ્ય પ્રગટાવી નિત્ય શરણભૂત આત્માના આશ્રય તરફ વળવાની
ભાવના કરવી જોઈએ.
પૂજ્ય ગુરુદેવને નમસ્કારપત્ર
“જેમણે આ પામરપર અપાર ઉપકાર કર્યો છે, જેમની પ્રેરણાથી આ પામર જીવને અદ્ભુત
આત્મલાભ થયો છે તેવા, અનન્ય શરણ આપનાર સદ્ગુરુદેવ પૂજ્ય શ્રી કાનજી સ્વામીને અનંતવાર
નમસ્કાર હો. તેમના ઉપકારનો બદલો આપવા હું અસમર્થ છું. મ્હારા આત્માને વિષે અહર્નિશ શાન્તિ વર્તે
એ જ પ્રાર્થના.
લી. દર્શનાભિલાષી
લક્ષ્મીચંદ ખીમચંદ શાહના
અત્યંત વિનયપૂર્વક ચરણકમળમાં નમસ્કાર.”
(ઉપર મુજબ પત્ર તેમણે પોતાના જ હાથે લખ્યો હતો.) મુમુક્ષુ જીવોને વૈરાગ્યની વૃદ્ધિ અર્થે આ વૈરાગ્ય
સમાચાર અહીં આપવામાં આવ્યા છે.
સુધારો
આત્મધર્મમાં આપવામાં આવતો સુધારો ખાસ અગત્યનો હોય તે જ આપવામાં આવે છે; માટે
આત્મધર્મના કોઈ પણ અંકમાં આવતા સુધારા પ્રમાણે સુધારી લેવા દરેક વાંચકોને વિનંતિ છે.
આત્મધર્મ અંક ૮૨ માં ૨૧૬ મા પાને (૬૧) માં પારાની પાંચમી લીટીમાં ‘આત્માને તો બીજો જ જાણે
છે.’ એમ છપાયું છે તેને બદલે ‘આસ્રવોને તો બીજો જ જાણે છે.’ એમ સુધારીને વાંચવું.
ગ્રાહકોને સૂચના
આત્મધર્મ માસિકની કોઈ પણ પ્રકારની ફરિયાદ અને વી. પી. મનિઓર્ડર સંબંધી વ્યવહાર નીચેના
સરનામે કરવો–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)