આફ્રીકામાં મુમુક્ષુ
મંડળની સ્થાપના
પૂ. ગુરુદેવશ્રીના આત્મકલ્યાણકારી ઉપદેશનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહિ પણ આફ્રીકામાં પણ
પહોંચ્યો છે; તેથી આફ્રીકાના નાઈરોબી ગામમાં કેટલાક મુમુક્ષુઓએ મળીને મુમુક્ષુમંડળની સ્થાપના કરી છે,
અને ત્યાં નિયમિત પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોની સ્વાધ્યાય થાય છે. મુમુક્ષુમંડળની સ્થાપના થયાના સમાચાર
જણાવતાં પ્રમુખ, મંત્રી વગેરેએ ઉલ્લાસભર્યો પત્ર લખેલ છે. તેમાં તેઓ લખે છે કે :
“યાત્રાઓ કરી હતી, વ્યાખ્યાનો સાંભળ્યા હતા, ક્રિયાઓમાં વધુ દ્રઢતા હતી; પરંતુ ખરેખરું સત્ય
સમજવા માટે સુર્વણપુરી તરફ આવવાનું ભાગ્યમાં ન હતું એટલે સદ્ગુરુનો સમાગમ અને અમૃતવાણી
સાંભળવાનું–સમજવાનું પ્રાપ્ત ન થયું......અને હવે સમજપૂર્વક આત્માને અનુલક્ષીને પુરુષાર્થ કરવાનો મોકો
મલ્યો છે. જૂની રૂઢી (ઘરેડ) પડેલ તે શંકાઓનું સમાધાન થયું અને સત્ય તરફ ઢળવાની રુચિ થઈ, વધુ રુચિ
થતી જાય છે.
× × × રુચિવંત પુરુષો ગમે ત્યાં અને ગમે તેવા સંયોગો હોય તોપણ છૂપા રહેતા નથી...
[૧] મુમુક્ષુમંડળની સ્થાપના જેઠ વદ ૪ ને રવિવારે થઈ.
[૨] સરસ્વતી ભંડારની સ્થાપના અષાડ વદ ૮ ને રવિવારે થઈ, તેમાં વાંચન તથા વેચાણ માટે સેંકડો
રૂા. નાં પુસ્તકો સોનગઢથી મંગાવ્યાં છે.
[૩] શરૂઆતમાં દર રવિવારે ૨ થી ૬ સુધી વાંચન, સ્વાધ્યાય, ચર્ચા તથા ભક્તિનો કાર્યક્રમ રાખેલ.
ત્યારબાદ દર શનિવારે પણ રાતના ૭ાા થી ૧૦ સુધી વાંચન તથા ચર્ચાનો કાર્યક્રમ રાખેલ.
[૪] પર્યુષણ પર્વ બહુ જ આનંદથી ઊજવેલ અને તે વખતે દરરોજ સવારના ૮ થી રાતના ૯ વાગ્યા
સુધીનો કાર્યક્રમ રાખેલ. તેમાં વાંચન, સ્વાધ્યાય, ભક્તિ, આરતિ અને પ્રતિક્રમણ થતું હતું. દરેક ભાઈઓએ
ઉત્સાહપૂર્વક લાભ લીધેલ હતો. અને પાંચ ભાઈઓએ આઠ આઠ દિવસના ઉપવાસ કર્યા હતા.
[૫] આસો વદ ૧૦ ને રવિવારથી દરરોજ ૬ાા થી ૮ા સુધીનો કાર્યક્રમ રાખેલ છે, અને દરરોજ વાંચન,
ભક્તિ તથા આરતિ થાય છે. રવિવારે ૨ થી ૮ સુધીનો કાર્યક્રમ રાખેલ છે. તે ઉપરાંત સરકારી તહેવારોએ
દુકાનો બંધ હોય તે દિવસે રવિવાર મુજબ કાર્યક્રમ રાખેલ છે.”
ઉપરનો કાર્યક્રમ વાંચીને ત્યાંના મુમુક્ષુમંડળનો ઉત્સાહ જણાઈ આવે છે. આ ઉત્સાહ માટે ત્યાંના
મુમુક્ષુમંડળને ધન્યવાદ!
સ્વ૦ ધરમશીભાઈને આફ્રીકામાં સત્ધર્મ પ્રચાર માટે ઘણો ઉત્સાહ હતો, અને તેમણે આફ્રીકામાં
‘આત્મધર્મ’ના સેંકડો ગ્રાહકો બનાવ્યા હતા. તેમના સ્વર્ગવાસ પાછળ તેમના સુપુત્રી પાનીબેન તરફથી
સોનગઢની સંસ્થાના જુદા જુદા ખાતામાં એકંદર હજારેક રૂા. આપ્યા હતા. તે માટે તેમનો આભાર!
!
અમદાવાદમાં સુપ્રભાવતી બેન–કે જેઓ અમદાવાદ મુમુક્ષુમંડળના એક સભ્ય છે
તેમણે સાડાબાર વર્ષની તપસ્યા કરી હતી,–સાડાબાર વર્ષ સુધી એકાંતરા ઉપવાસ કર્યા હતા.
સાડાબાર વર્ષ સુધી એવા પ્રકારની તપસ્યા કરવા છતાં, સત્સમાગમના પ્રતાપે તેઓ સમજે
છે કે આ એક પ્રકારનો માત્ર શુભભાવ છે, આત્માની મુક્તિ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
વડે જ થાય છે અને એ જ ધર્મ છે, અને તે માટેની તેમની ભાવના છે.
કારતક સુદ ૩ ના રોજ તેમની તપસ્યાનું પારણું હતું; તે પ્રસંગ ત્યાંના
મુમુક્ષુમંડળ દ્વારા ઉત્સાહથી ઉજવવાનો કાર્યક્રમ દિવાળીથી શરૂ થયો હતો. આ પ્રસંગે કા.
સુદ ૨ ના રોજ તે બેનના ઘરે પ્રભુશ્રીની પ્રતિમાને ગાજતે–વાજતે પધરાવીને
બિરાજમાન કર્યા હતા, અને બે દિવસ સુધી તેમની પૂજા, ભક્તિ તેમ જ સ્વાધ્યાય,
પ્રભાવના વગેરેથી આ પ્રસંગ ઊજવ્યો હતો. આથી અમદાવાદમાં સારી ધર્મપ્રભાવના
થઈ હતી.