Atmadharma magazine - Ank 093
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૯૨: આત્મધર્મ: ૯૩
[૨૨] આત્માનું વર્તન કેમ સુધરે?
લોકો કહે છે કે ‘વર્તન સુધારો.’ પણ વર્તન એટલે શું? દેહની ક્રિયામાં આત્માનું વર્તન નથી. વર્તન
એટલે દેહની ક્રિયા નહિ પણ આત્માના અંતરના ભાવ છે. જેવો શુદ્ધ આત્મા છે તેને સમજીને તેમાં એકાગ્રપણે
વર્તવું તે જ સાચું વીતરાગી વર્તન છે. અને શુદ્ધ આત્માને ન સમજતાં વિકારમાં જ એકાગ્રપણે વર્તવું તે ઊંધુંં
વર્તન છે. જ્યાં પોતાના પૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વભાવને જ જ્ઞાનનું જ્ઞેય કર્યું અને તેની શ્રદ્ધા કરી ત્યાં જ્ઞાન અને
શ્રદ્ધાનું વર્તન તો સુધરી ગયું–અર્થાત્ જ્ઞાન અને શ્રદ્ધા સમ્યક્ થયા. ચારિત્રના વર્તનમાં અમુક વિકાર હોય છતાં
તે વિકારપરિણામ વખતે પણ શ્રદ્ધા–જ્ઞાનને શુદ્ધ સ્વભાવ તરફ વાળીને તેનું વર્તન સુધારી શકાય છે; ને એમ
કરવાથી જ ધર્મની શરૂઆત થાય છે. પર્યાયમાં વિકાર હોવા છતાં તે જ વખતે તે વિકારને મુખ્ય કરીને તેમાં
શ્રદ્ધા–જ્ઞાનને વાળવા તે જ વિધિવડે શુદ્ધાત્મા જણાય છે ને અપૂર્વ કલ્યાણની શરૂઆત થાય છે.
આત્મા ત્રિકાળ છે, તેમાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર એ ત્રણ મુખ્ય ગુણો છે, તેની પર્યાયમાં મલિનતા છે.
અનાદિથી પરાશ્રયે ઊંધુંં પરિણમન હતું તે સ્વભાવનાં આશ્રયે સવળું થાય છે. ચારિત્રમાં કાંઈક વિપરીતતા હોવા
છતાં શ્રદ્ધાં–જ્ઞાન શુદ્ધ સ્વભાવ તરફ વળીને શુદ્ધ આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યે છે. આ જ શુદ્ધ આત્માને જાણવાની
વિધિ છે. આ વિધિથી જે શુદ્ધાત્માને જાણે છે તેને જ આત્માની શુદ્ધતા પ્રગટે છે.
[૨૩] સાચી સામાયિક અને પ્રતિક્રમણ કોને હોય?
સામાયિક એટલે સમતાનો લાભ થવો તે; તે સામાયિક ક્યારે થાય? આત્માના ત્રિકાળ સ્વભાવમાં
જ્ઞાન–આનંદ છે, એવા ત્રિકાળી સ્વભાવને જાણીને તેમાં જે લીન થાય તેને આત્માનો આનંદ પ્રગટે છે ને
રાગદ્વેષના અભાવરૂપ વીતરાગી સમતા હોય છે તે જ સામાયિક છે. એવી જ સામાયિકને ભગવાને ધર્મ અને
મોક્ષનું કારણ કહ્યું છે. તથા તે જીવ મિથ્યાત્વ–અવિરતિ વગેરે પાપથી પાછો ફર્યો તેથી તેને પ્રતિક્રમણ પણ થઈ
ગયું. આવી સાચી સામાયિક અને સાચું પ્રતિક્રમણ શુદ્ધ આત્માની સમજણ વગર કોઈ જીવને હોય નહીં.
[૨૪] મોક્ષાર્થીને મુક્તિનો ઉલ્લાસ [બળદનું દ્રષ્ટાંત]
આત્માએ અનંતકાળથી એક સેકંડ પણ પોતાના સ્વભાવને લક્ષમાં લીધો નથી, તેથી તેની સમજણ કઠણ
લાગે છે ને શરીરાદિ બાહ્ય ક્રિયામાં ધર્મ માનીને મનુષ્યભવ મફતમાં ગુમાવે છે. જો આત્મસ્વભાવની રુચિથી
અભ્યાસ કરે તો તેની સમજણ સહેલી છે, સ્વભાવની વાત મોંઘી ન હોય. દરેક આત્મામાં સમજવાનું સામર્થ્ય છે.
પણ પોતાની મુક્તિની વાત સાંભળીને અંદરથી ઉલ્લાસ આવવો જોઈએ, તો ઝટ સમજાય. જેમ બળદને જ્યારે
ઘેરથી છોડીને ખેતરમાં કામ કરવા લઈ જાય ત્યારે તો ધીમે ધીમે જાય ને જતાં વાર લગાડે; પણ જ્યારે ખેતરના
કામથી છૂટીને ઘરે પાછા વળે ત્યારે તો દોડતા દોડતા આવે. કેમ કે તેને ખબર છે કે હવે કામના બંધનથી છૂટીને
ચાર પહોર સુધી શાંતિથી ઘાસ ખાવાનું છે, તેથી તેને હોંશ આવે છે ને તેની ગતિમાં વેગ આવે છે. જુઓ, બળદ
જેવા પ્રાણીને પણ છૂટકારાની હોંશ આવે છે. તેમ આત્મા અનાદિ કાળથી સ્વભાવ–ઘરથી છૂટીને સંસારમાં રખડે
છે; શ્રીગુરુ તેને સ્વભાવ–ઘરમાં પાછો વળવાની વાત સંભળાવે છે. પોતાની મુક્તિનો માર્ગ સાંભળીને જીવને જો
હોંશ ન આવે તો તે પેલા બળદમાંથી યે જાય! પાત્ર જીવને તો પોતાના સ્વભાવની વાત સાંભળતાં જ અંતરથી
મુક્તિનો ઉલ્લાસ આવે છે અને તેનું પરિણમન સ્વભાવસન્મુખ વેગથી વળે છે. જેટલો કાળ સંસારમાં રખડ્યો
તેટલો કાળ મોક્ષનો ઉપાય કરવામાં ન લાગે, કેમ કે વિકાર કરતાં સ્વભાવ તરફનું વીર્ય અનંતુ છે તેથી તે અલ્પ
કાળમાં જ મોક્ષને સાધી લ્યે છે. પણ તે માટે જીવને અંતરમાં યથાર્થ ઉલ્લાસ આવવો જોઈએ.
[૨પ] મોક્ષાર્થીને મુક્તિનો ઉલ્લાસ [વાછરડાનું દ્રષ્ટાંત]
શ્રી પરમાત્મ–પ્રકાશમાં પશુનો દાખલો આપીને કહે છે કે મોક્ષમાં જો ઉત્તમ સુખ ન હોત તો પશુ