Atmadharma magazine - Ank 094
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: ૨૦૬ : : આત્મધર્મ : ૯૪
વસુ એટલે આઠ કર્મ અને બિંદુ એટલે તેનો નાશ કરનાર, એ રીતે આઠ કર્મોનો નાશ કરનાર એવો
વસુબિંદુનો અર્થ છે. બે હજાર વર્ષ પહેલાંં ચંદ્રપ્રભ ભગવાનની પ્રતિષ્ઠા માટે જે આ વસુબિંદુ પ્રતિષ્ઠાપાઠ બન્યો
તેનો ઉપયોગ આજે આ સૌરાષ્ટ્રમાં અહીં ચંદ્રપ્રભ ભગવાનની પ્રતિષ્ઠા માટે થાય છે. એ રીતે કુદરતી મેળ થઈ
ગયો છે.
(૩૦) શાસ્ત્રમાં આવતા વ્યવહારકથન અને તેનો પરમાર્થ આશય
એ પ્રતિષ્ઠાપાઠમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકનું વર્ણન આવે છે. તે શ્રાવક શ્રી આચાર્યદેવ
પાસે જઈને આજ્ઞા માગે છે કે–હે પ્રભો! હું આ લક્ષ્મીને કુલટા સમાન અને અનિત્ય જાણું છું. હે સ્વામી! આ
અનિત્ય લક્ષ્મી ઉપરનો રાગ ઘટાડીને તેનો સદુપયોગ કઈ રીતે કરું? શ્રી જિનમંદિર બંધાવીને શ્રી અરિહંત
ભગવાનની પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો મહોત્સવ કરવાની મારી ભાવના છે. એ રીતે લક્ષ્મીનો સદુપયોગ કરીને
મારું જીવન સફળ કરું, તે માટે હે નાથ! આજ્ઞા આપો. પછી શ્રી આચાર્યદેવ તેને આજ્ઞા આપતા કહે છે કે ધન્ય
છે, તું તારા કુળમાં સૂર્ય સમાન છે.
જુઓ, ખરેખર આત્મા પરદ્રવ્યનું કાંઈ ગ્રહણ કે ત્યાગ કરી શકતો નથી. લક્ષ્મી વગેરે જડ છે, આત્મા
તેની ક્રિયા કરી શકતો નથી. છતાં પ્રતિષ્ઠાપાઠમાં લક્ષ્મીનો સદુપયોગ કરવાની વાત આવી, તે વ્યવહારથી કથન
છે, આત્મા લક્ષ્મીની ક્રિયા કરી શકે છે–એમ ત્યાં નથી બતાવવું, પરંતુ ત્યાં રાગ ઘટાડવાનું તાત્પર્ય છે. કથન તો
નિમિત્તથી આવે પણ વસ્તુસ્વરૂપ લક્ષમાં રાખીને તેના ભાવ સમજવા જોઈએ. રાગરહિત આત્મસ્વભાવને
જાણીને તેમાં ઠરવું તે સર્વ શાસ્ત્રોનું પ્રયોજન છે. શાસ્ત્રોમાં સૂત્રનું તાત્પર્ય દરેક સૂત્ર દીઠ જુદું હોય છે, કોઈવાર
વ્યવહારનું, નિમિત્તનું કે સંયોગનું જ્ઞાન કરાવવા અનેક પ્રકારનું કથન આવે, પણ શાસ્ત્રનું તાત્પર્ય તો
વીતરાગભાવ પોષવાનું જ છે. પરદ્રવ્યની ક્રિયા આત્મા કરી શકે છે એમ બતાવવાનું શાસ્ત્રનું પ્રયોજન નથી.
છતાં જે ઊંધા અર્થ સમજે અને રાગભાવને પોષવાનો આશય કાઢે તે જીવ શાસ્ત્રના આશયને સમજ્યો નથી.
× × ×
(૩૧) આચાર્યદેવની ભાવના
અહીં શ્રી પ્રવચનસારની ૧૫૯ મી ગાથા ચાલે છે, તેમાં શ્રી આચાર્યદેવ કહે છે કે શુદ્ધોપયોગ પ્રગટ કરીને
હું સદાય આત્મામાં નિશ્ચલપણે ઉપયુક્ત રહું છું. જો કે આ ટીકા લખાય છે ત્યારે તેમને શુભ વિકલ્પ વર્તે છે, પણ
અંર્તસ્વભાવના આદરમાં તે વિકલ્પનો નિષેધ વર્તે છે; તે વિકલ્પના આશ્રયમાં અટકવાની ભાવના નથી પણ
શુદ્ધઆત્માના આશ્રયની જ ભાવના છે. તેથી કહે છે કે શુદ્ધ ઉપયોગ પ્રગટ કરીને હું સદા આત્મામાં જ
નિશ્ચલપણે ઉપયુક્ત રહું છું.–આ મારો શુદ્ધોપયોગનો અભ્યાસ છે.
(૩૨) આત્માની સમજણ
સૌથી પહેલાંં સત્સમાગમે આત્માની સાચી સમજણ કરવી તે શુદ્ધોપયોગનું કારણ છે. અનંતકાળમાં જીવે
બધું કર્યું છે પણ આત્માની સાચી સમજણ કદી કરી નથી. આત્માની સાચી સમજણ અપૂર્વ છે, જો એક સમય
પણ આત્માને ઓળખે તો મુક્તિનો રસ્તો થયા વગર રહે નહિ.
.શ્રેણિક રાજા.
જેને સમ્યગ્દર્શનનું ભાન નથી તેની મુક્તિ નથી. સમ્યગ્દર્શન હોય પણ ચારિત્રદશા ન હોય
છતાં શ્રેણિકરાજા જેવા એકાવતારી ગૃહસ્થદશામાં અનંત થઈ ગયા. તે સમ્યગ્દર્શનનો મહિમા છે.
શ્રેણિકરાજાને એક પણ વ્રત ન હતું, છતાં આત્માના ભાનમાં રહી, ક્ષાયિકસમ્યગ્દર્શન પ્રગટ
કરી, તીર્થંકર નામકર્મ–‘જગત્ગુરુનું બિરુદ’ બાંધ્યું છે. અત્યારે પ્રથમ નરકમાં, ચોરાશી હજાર વર્ષનું
આયુષ્ય બાંધીને ગયા છે. ત્યાં તે કાળ પૂરો કરી, આ ભરતક્ષેત્રમાં જન્મ લઈ પહેલા તીર્થંકર થશે,
અને જગતના તારક થશે, ઈન્દ્રો તેમના ચરણ સેવશે. સમ્યગ્દર્શન વિના આવાં પુણ્ય પણ બંધાય નહિ.
–સમયસાર પ્રવચનો ભાગ ૧ પૃ. ૧૫૪