Atmadharma magazine - Ank 102
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
Atmadharm Regd. No. B. 4787
______________________________________________________________________________
‘–દર્શાવું તો કરજો પ્રમાણ’
(અનંત જ્ઞાનીઓના અભિપ્રાયની એકતા)
‘હું એકત્વ–વિભક્ત આત્માને દેખાડું છું’ એમ કહીને પછી આચાર્યદેવ કહે છે કે ‘જો હું
શુદ્ધાત્મા દેખાડું તો તે પ્રમાણ કરજો.’ વર્તમાનમાં તો હું દેખાડનાર છું અને ભવિષ્યમાં આ
સમયસાર દ્વારા બીજા કોઈ સંતો શુદ્ધાત્મા દેખાડે તો તે પણ હું જ દેખાડું છું–એમ ગણીને તે પ્રમાણ
કરજો, કેમકે ભાવ અપેક્ષાએ અમારી એકતા છે. ભવિષ્યમાં ય શુદ્ધાત્મા દેખાડવામાં આ શાસ્ત્રના
એકલા અક્ષરો જ નિમિત્ત નહિ થાય પણ કોઈ ચેતનવંત સાક્ષાત્ સંભળાવનાર જ્ઞાની પુરુષ જ
નિમિત્ત હશે–એમ પણ આમાં આવી જાય છે. શાસ્ત્ર પોતે પોતાના ભાવ નહિ સમજાવે પણ જ્ઞાની
આત્મા તેના ભાવ સમજાવશે. કોઈ એમ માને કે ‘કદી પણ જ્ઞાનીનું નિમિત્ત મળ્‌યા વગર હું મારી
મેળે શાસ્ત્ર વાંચીને આત્મજ્ઞાન પામી ગયો’–તો તે મિથ્યાદ્રષ્ટિ અને સ્વછંદી છે.
આચાર્યભગવાન કહે છે કે વર્તમાનમાં તો હું પોતે આ સમયસાર દ્વારા શુદ્ધાત્મા દેખાડું છું તે
સાંભળનારા પ્રમાણ કરજો, અને ભવિષ્યમાં બીજા જ્ઞાની આ સમયસાર દ્વારા શુદ્ધાત્મા દર્શાવે તો તે
વખતે પણ ‘અભિપ્રાય અપેક્ષાએ એકતા હોવાથી’ તે હું જ દર્શાવું છું–એમ સમજીને શ્રોતાઓ તે
પ્રમાણ કરજો. મારો જે ભાવ છે તે કોઈ જ્ઞાની જ્યારે જ્યારે હજારો વર્ષે ભવિષ્યમાં સંભળાવે ત્યારે
ત્યારે તે સાંભળનારા તેને પ્રમાણ કરજો. મારે જેવો શુદ્ધ આત્મા દર્શાવવો છે તેવો શુદ્ધ આત્મા
ભવિષ્યમાં કોઈ બીજા જ્ઞાની દર્શાવે, તો તે વખતે કહેનારના ભેદથી ભેદ ન પાડવો પણ ભાવ
અપેક્ષાએ એકતા છે તેથી તે પ્રમાણ કરજો.
હું મારા સમસ્ત નિજવૈભવથી એકત્વ–વિભક્ત આત્મા દર્શાવું છું, મારે શુદ્ધ આત્મા જ
દર્શાવવો છે અને તમે પણ તમારા સ્વાનુભવથી તેને પ્રમાણ કરજો; વચ્ચે બીજું કથન આવે તો તેના
ઉપર મારી મુખ્યતા નથી અને તમે પણ તેની મુખ્યતા ન કરતાં શુદ્ધ આત્માને જ ગ્રહણ કરજો.
વર્તમાનકાળના શ્રોતા કે ભવિષ્યકાળના શ્રોતા તે બધાને આ વાત લાગુ પડે છે. વર્તમાનમાં આ
સમયસારમાં હું જે એકત્વસ્વભાવ કહેવા માંગું છું તે વર્તમાનમાં તમે પ્રમાણ કરજો, તેમ જ જ્યારે
જ્યારે કોઈ જ્ઞાની–સંતો ભવિષ્યમાં પણ આત્માનો એકત્વ સ્વભાવ કહેનારા મળે ત્યારે ત્યારે તે
સાંભળનારા પ્રમાણ કરજો–આમ આચાર્યદેવે ઠેઠ સુધી સંધિ કરી છે; કેમ કે અભિપ્રાય અપેક્ષાએ
એકતા છે માટે જે એક જ્ઞાની કહે છે તે સર્વે જ્ઞાની કહે છે. એક જ્ઞાનીએ એક પ્રકારનો શુદ્ધ આત્મા
બતાવ્યો ને બીજા જ્ઞાની બીજા પ્રકારનો શુદ્ધ આત્મા બતાવે–એમ નથી, બધાય જ્ઞાનીઓનો ભાવ
સરખો જ છે.
જુઓ, આમાં શ્રી કુંદકુંદ ભગવાન સાથે બધા–જ્ઞાનીઓના અભિપ્રાયની સંધિ થઈ જાય છે.
જ્યારે જે કોઈ જ્ઞાની શુદ્ધાત્મા બતાવે તે જ કુંદકુંદાચાર્યદેવે બતાવ્યો છે. અને કુંદકુંદાચાર્યદેવે જે
શુદ્ધાત્મા બતાવ્યો છે તે જ બધા જ્ઞાનીઓ દર્શાવે છે. આ રીતે, એક જ્ઞાની જે શુદ્ધાત્મા કહે છે તે શ્રી
કુંદકુંદાચાર્યદેવ જ કહે છે કેમ કે ભાવ અપેક્ષાએ બધા જ્ઞાનીની એકતા છે. માટે જ્ઞાની જે શુદ્ધાત્મા
કહેવા માંગે છે તેને અંતરની આત્મસાક્ષી વડે પ્રમાણ કરજો.–‘જો દર્શાવું તો કરજો પ્રમાણ’ એમાંથી
આવું રહસ્ય નીકળે છે.
–શ્રી સીમંધરપ્રભુની ભક્તિ પ્રસંગે સમયસાર ગા. પ ઉપર પૂ. ગુરુદેવશ્રીને સ્ફૂરેલ ઉપાયો.
૨૪૭૬ઃ અષાડ સુદ ૩ ના પ્રવચનમાંથી
***
પ્રકાશકઃ–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રકઃ–રવાણી એન્ડ કંપની વતી જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ મોટા આંકડિયા, તાઃ ૨૬–૩–પ૨