Atmadharma magazine - Ank 102
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
જેવું ઉપાદાન તેવું નિમિત્ત
(જ્ઞાનીને સર્વત્ર શુદ્ધાત્મકથા, અજ્ઞાનીને સર્વત્ર વિકથા)
સમયસારની ચોથી ગાથામાં શ્રી આચાર્યદેવ કહે છે કે સર્વે જીવોએ પૂર્વે
અનંતવાર કામભોગ–બન્ધનની જ કથા સાંભળી છે, પણ શુદ્ધ આત્માની કથા પૂર્વે કદી
સાંભળી નથી. શબ્દો ભલે કાને પડયા, પણ અંતરમાં શુદ્ધાત્માની રુચિ કરીને તેને
લક્ષમાં લીધો નહિ માટે તેની વાત પણ સાંભળી નથી–એમ કહ્યું. હવે એ જ વાતને
સૂલટાવીને કહીએ તો, જાણે શુદ્ધ આત્માને લક્ષમાં લીધો છે તે જીવો પરમાર્થે શુદ્ધ
આત્મા સિવાય બીજી વાત સાંભળતા જ નથી; જ્ઞાનીઓ ખરેખર કામ–ભોગ–બંધનની
કથા સાંભળતાં જ નથી કેમ કે તેમાં એકતાબુદ્ધિ થતી નથી; શુદ્ધાત્મામાં જ એકતાબુદ્ધિ
હોવાથી તેનું જ શ્રવણ કરી રહ્યા છે.
જ્ઞાની કોઈ વાર લડાઈ વગેરેની વાત કરતાં હોય....તે વખતે પણ તેમની દ્રષ્ટિ
અંતરમાં એકત્વ–વિભક્ત આત્મા ઉપર હોવાથી ખરેખર તો તે પોતાના ભાવશ્રુતમાંથી
એકત્વ–વિભક્ત આત્માનું શ્રવણ કરે છે. તેમના ભાવશ્રુતનું પરિણમન આત્મામાં
એકત્વ–પણે જ થઈ રહ્યું છે, તેથી નિમિત્ત તરીકે દ્રવ્ય શ્રવણ પણ તેવું જ ગણ્યું છે.
અને અજ્ઞાની તો કામ–ભોગ–બંધનના ભાવો સાથે જ એકત્વપણે પરિણમી રહ્યો છે
તેથી તે તેવી જ કથા સાંભળે છે–એમ કહેવામાં આવ્યું છે. શ્રી તીર્થંકર ભગવાનની
સભામાં બેઠો હોય અને દિવ્ય ધ્વનિ કાને પડતો હોય તે વખતે પણ તે અજ્ઞાની જીવ
કામ–ભોગ–બંધનની વિકથા જ સાંભળી રહ્યો છે, કેમકે ઉપાદાનમાં જેવું પરિણમન
હોય તેવો નિમિત્તમાં આરોપ આવે. શબ્દો તો જડ છે તેમાં કાંઈ ‘વિકથા’ કે ‘સુકથા’
નથી. પણ જ્યાં ઉપાદાનમાં ઊંધુંં પરિણમન હોય ત્યાં નિમિત્ત તરીકે શ્રવણને ‘વિકથા’
કીધી. અજ્ઞાનીને જે કથા વિષય–કષાયપોષક થાય છે તે જ કથા જ્ઞાનીને વૈરાગ્યપોષક
થાય છે. કથાના શબ્દો એક જ હોવા છતાં એક જીવ પોતાના ઊંધા ઉપાદાનને લીધે
તેને વિષયકષાયનું નિમિત્ત બનાવે છે એટલે તેને માટે તે વિકથા છે, અને બીજો જીવ
પોતાના સઘળા ઉપાદાનને લીધે તેને જ વૈરાગ્યનું નિમિત્ત બનાવે છે એટલે તેને માટે
તે વિકથા નથી.
આમાં ઉપાદાન–નિમિત્તનો સિદ્ધાંત પણ આવી જાય છે કે ઉપાદાનને નિમિત્ત
અનુસાર પરિણમવું નથી પડતું. જો નિમિત્ત અનુસાર ઉપાદાન થતું હોય તો એક જ
કથા સાંભળનારા જ્ઞાની અને અજ્ઞાની બંનેને સરખા પરિણામ થવા જોઈએ, પણ તેમ
બનતું નથી. આથી નક્કી થાય છે કે જેવું નિમિત્ત હોય તેવું ઉપાદાન થાય–એવો
સિદ્ધાંત નથી, પણ જેવું ઉપાદાન હોય તેવું નિમિત્ત હોય છે–એમ સમજવું.
શ્રી સમયસાર ગા. ૪ ના પ્રવચનમાંથી
વીર સં. ૨૪૭૬ અષાડ સુદ ૨
*