Atmadharma magazine - Ank 104
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
ઃ ૧પ૬ઃ આત્મધર્મઃ ૧૦૪
આવે નહિ, ને યથાર્થ આત્મા પ્રતીતમાં આવ્યા વિના કોઈ રીતે કલ્યાણનો માર્ગ પ્રગટે નહિ.
દ્રવ્ય અપેક્ષાએ આત્મા સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે–એવા વ્યાપકસ્વભાવને સામાન્યનય જાણે છે; અને
આત્માની એકેક પર્યાય બધી પર્યાયોમાં વ્યાપતી નથી એટલે પર્યાય અપેક્ષાએ અવ્યાપકસ્વભાવ છે–એમ
વિશેષનય જાણે છે.
‘નય’ તે સ્વ–પરપ્રકાશક પ્રમાણજ્ઞાનનો અંશ છે, પ્રમાણથી જાણેલા અનંત ધર્માત્મક પદાર્થના એક
અંશને મુખ્ય કરીને જાણે તે નય છે. નયજ્ઞાન વસ્તુમાં એક ધર્મને મુખ્ય કરીને જાણે છે, પણ તે વખતે વસ્તુમાં
બીજા જે અનંત ધર્મો રહેલા છે તેમનો તે નિષેધ નથી કરતું. જો બીજા ધર્મોનો સર્વથા નિષેધ કરીને એક ધર્મને જ
જાણે તો વસ્તુનું પ્રમાણજ્ઞાન નથી, તેમજ તે નય નથી પણ નયાભાસ છે.
પર્યાય અપેક્ષાએ આત્મા સર્વવ્યાપક નથી, કેમ કે એક પર્યાય બીજી પર્યાયમાં વ્યાપતી નથી; એટલે એક
પર્યાયમાંથી બીજી પર્યાય પ્રગટતી નથી, તેથી પર્યાય પ્રગટવા માટે પર્યાયની સામે જોવાનું ન રહ્યું પણ સામાન્ય
વ્યાપક એવા દ્રવ્ય સામે જોવાનું રહ્યું. મિથ્યાત્વ પર્યાય ટળીને દ્રવ્યના આશ્રયે સમ્યક્ત્વ પર્યાય પ્રગટી. તે બંને
પર્યાયમાં દ્રવ્ય વ્યાપક છે, પણ સમ્યક્ત્વપર્યાયમાં મિથ્યાત્વપર્યાય વ્યાપક નથી; આ રીતે દ્રવ્યપણે આત્મા વ્યાપક
છે ને પર્યાયપણે અવ્યાપક છે. પર્યાય અપેક્ષાએ પણ જો આત્મા પોતાની સર્વ પર્યાયોમાં વ્યાપક હોય તો
મિથ્યાત્વપર્યાય પણ બધી પર્યાયોમાં વ્યાપક થઈ જાય એટલે પર્યાયમાંથી મિથ્યાત્વ કદી ટળી જ ન શકે! માટે
પર્યાય અપેક્ષાએ આત્મા વ્યાપક નથી. મિથ્યાત્વ પર્યાય ટળીને સમ્યક્ત્વપર્યાય થતાં જાણે કે આખો આત્મા
પલટી ગયો હોય–તેમ પર્યાય અપેક્ષાએ જણાય છે.
સાધકની સમ્યગ્જ્ઞાનપર્યાય વધીને કેવળજ્ઞાન થતું નથી પણ તે અધૂરી પર્યાયનો અભાવ થઈને દ્રવ્યમાંથી
કેવળજ્ઞાનપર્યાય પ્રગટે છે; પૂર્વની પર્યાયનો તે કેવળજ્ઞાનપર્યાયમાં અભાવ છે. સાધકની સમ્યગ્જ્ઞાનપર્યાય થઈ તે
કેવળજ્ઞાનપર્યાયમાં અવ્યાપક છે પણ દ્રવ્ય પોતે કેવળજ્ઞાનપર્યાયમાં વ્યાપક છે. માટે, કેવળજ્ઞાનપર્યાય પ્રગટ
કરવા કોની સામે જોવું?–વ્યાપક એવા દ્રવ્યની સન્મુખતાથી જ કેવળજ્ઞાન પ્રગટે છે. જ્યાં સાધકની નિર્મળ
સમ્યગ્જ્ઞાનપર્યાય પણ કેવળજ્ઞાનપર્યાયમાં વ્યાપતી નથી તો પછી રાગાદિભાવ તો આત્માની નિર્મળપર્યાયમાં કેમ
વ્યાપે?
પર્યાયના આશ્રયે પર્યાય થતી નથી, કેમ કે એક પર્યાય બીજી પર્યાયમાં અવ્યાપક છે; મોક્ષમાર્ગની
પર્યાયમાંથી મોક્ષપર્યાય પ્રગટતી નથી કેમ કે મોક્ષપર્યાયમાં મોક્ષમાર્ગની પર્યાય અવ્યાપક છે. જ્યાં એક નિર્મળ
પર્યાય પણ બીજી પર્યાયને મદદ નથી કરતી, તો પછી શુભરાગરૂપ વિકારી પર્યાય કે શરીરાદિ જડની પર્યાય
આત્માને ધર્મની પર્યાયમાં મદદ કરે એ વાત કયાં રહી? એક પર્યાયનું બીજી પર્યાયમાં અવ્યાપકપણું છે માટે
પર્યાયનો આશ્રય છોડ, ને સર્વ પર્યાયમાં વ્યાપક એવા દ્રવ્યનો આશ્રય કર.
આત્મા અવ્યાપક છે એટલે કે તે તે કાળે વર્તતી પર્યાયને જ તે પ્રાપ્ત કરે છે, તે એક પછી એક પર્યાયને
પામે છે, એક સાથે બધી પર્યાયોને પામતો નથી;–આવું અવ્યાપકપણું તે પણ આત્માનો એક ધર્મ છે, અને તે
ત્રિકાળ છે. અવ્યાપકપણું પર્યાય–અપેક્ષાએ હોવા છતાં તે ધર્મ તો આત્મદ્રવ્યનો છે, એટલે પર્યાયનો વ્યય થઈ
જવા છતાં આત્માના અવ્યાપકધર્મનો નાશ થઈ જતો નથી; બીજી ક્ષણે બીજા ક્ષણની પર્યાયમાં જ આત્મા વ્યાપે
છે, એ રીતે તેનો અવ્યાપકધર્મ ચાલુ જ રહે છે. વિશેષપણે જોતાં તે તે સમયની પર્યાયમાં આત્મા વ્યાપે છે અને
સામાન્યપણે જોતાં આત્મા પોતાની ત્રણેકાળની સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે.
અજ્ઞાની લોકો કોઈ ઈશ્વરને સર્વ પદાર્થોમાં વ્યાપક માને છે, તે તો ભ્રમણા છે. અહીં તો કહે છે કે
ચૈતન્યપરમેશ્વર એવો તારો આત્મા જ તારી સમસ્ત પર્યાયોમાં વ્યાપક છે, એ સિવાય આત્મામાં કોઈ બીજું
વ્યાપતું નથી ને આત્મા કોઈ બીજામાં વ્યાપતો નથી. આવા તારા આત્માનો ભરોસો કર તો તેના આશ્રયે તારું
કલ્યાણ પ્રગટે. દ્રવ્યપણે વ્યાપક અને પર્યાયપણે અવ્યાપક એવા બંને ધર્મો આત્મામાં એક સાથે જ રહેલા છે.
આવા બધા ધર્મોથી આત્મવસ્તુનો નિર્ણય કરતાં બધાં વિરુદ્ધ પડખાં ટળીને જ્ઞાનની નિર્મળતા થાય છે.
***