વીરશાસન જયંતી મહોત્સવ
મગધ દેશની રાજગૃહી નગરીમાં વિપુલાચલ પર્વત ઉપર શ્રી મહાવીર પ્રભુજીનું
સમવસરણ શોભી રહ્યું છે. વૈશાખ સુદ દસમે પ્રભુજીને કેવળજ્ઞાન થઈ ગયું છે અને ભવ્ય
જીવોનાં ટોળેટોળાં પ્રભુજીની દિવ્યદેશના ઝીલવા માટે ચાતકની જેમ તલસી રહ્યાં છે......કે
કયારે પ્રભુનો દિવ્યધ્વનિ છૂટે અને કયારે એ દિવ્યદેશના ઝીલીને પાવન થઈએ! ! !
.......પણ પ્રભુનો દિવ્યધ્વનિ હજી છૂટતો નથી.....દિવસો પર દિવસો વીતતા જાય
છે....છાંસઠ છાંસઠ દિવસ વીતી ગયા.......હવે તો અષાડ માસ પૂરો થયો ને શ્રાવણ વદ એકમ
(ગુજરાતી અષાડ વદ એકમ) આવી.......!
–એ દિવસના સુપ્રભાતે ગૌતમસ્વામી વીરપ્રભુજીના સમવસરણમાં
પધાર્યા......માનસ્તંભને દેખતાં અભિમાન ગળી ગયું..........ને વીરપ્રભુજીની દિવ્યવાણીનો
ધોધ છૂટયો......તીર્થંકરપ્રભુની અમોઘ દેશના શરૂ થઈ.....અનેક સુપાત્ર જીવો એ
તત્કાલબોધક દેશના ઝીલીને રત્નત્રયથી પાવન થયા....ગૌતમસ્વામી ગણધરપદ પામ્યા ને
દિવ્યધ્વનિમાંથી ઝીલેલું રહસ્ય બારઅંગરૂપે ગૂંથ્યું. એ ધન્યદિને ભવ્યજીવોના આનંદ અને
ઉલ્લાસની શી વાત!!
અહો!
‘સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી.....
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તે સંજીવની.’
વીરપ્રભુના શ્રીમુખથી વહેલી એ સ્યાદ્વાદ–ગંગાનો પવિત્ર પ્રવાહ અછિન્નધારાએ
વહેતો થકો આજેય અનેક મુમુક્ષુઓને પાવન કરી રહ્યો છે. આ અષાડ વદ એકમે
જગત્કલ્યાણકારી શ્રી વીરશાસનપ્રવર્તનના ૨પ૦૬ વર્ષ પૂર્ણ થઈને ૨પ૦૭મું વર્ષ પ્રારંભ
થશે.... વીરશાસન જયંતીના એ મંગલ–મહોત્સવને મુમુક્ષુઓ આજેય હોંશપૂર્વક ઊજવે છે.
‘સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો, જિનજીનો ૐકાર નાદ રે,
જિનજીની વાણી ભલી રે.
વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ ૐકાર નાદ રે,
જિનજીની વાણી ભલી રે.
હૈડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે.
જિનેશ્વરદેવની વાણીના વાયરા, વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે.’
*