વર્ષ દસમું, અંક ચોથો, સં. ૨૦૦૯, મહા (વાર્ષિક લવાજમ ૩–૦–૦)
૧૧૨
વીતરાગનો ભક્ત
‘ભગવાનને કારણે મને શુભરાગ થયો’ –એમ જ્યાંસુધી પરદ્રવ્યને કારણે રાગ
થવાની બુદ્ધિ છે ત્યાંસુધી વીતરાગપણું અંશમાત્ર પણ થતું નથી; તેમજ તે શુભરાગથી જે
ધર્મ માને તેને પણ જરાય વીતરાગતા થતી નથી, એટલે તે વીતરાગનો ભક્ત નથી.
વીતરાગનો ભક્ત તો તેને કહેવાય કે જે પોતામાં વીતરાગતાનો અંશ પ્રગટ કરે. ‘હું તો
જ્ઞાનસ્વરૂપ છું, મારા સ્વરૂપમાં રાગ નથી અને પરદ્રવ્ય મને રાગ કરાવતું નથી’ –આમ
પ્રથમ વીતરાગીશ્રદ્ધા કરે ત્યારે વીતરાગનો ભક્ત કહેવાય. પ્રથમ શ્રદ્ધામાં પણ
વીતરાગતા થયા વિના રાગ ટળશે ક્યાંથી? આત્મા પોતે જ પરાશ્રય ભાવે રાગ કરે છે
ને સ્વાશ્રયભાવે રાગ ટાળીને વીતરાગતા પણ પોતે જ કરે છે–એમ ઓળખે તો સ્વાશ્રય
તરફ વળીને વીતરાગભાવ પ્રગટ કરે. –એનું નામ વીતરાગનો ભક્ત. –પ્રવચનમાંથી.