Atmadharma magazine - Ank 113
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૯૦ : આત્મધર્મ ૨૪૭૯: ફાગણ:
આત્મદ્રવ્યનો અનુભવ થતો નથી. કોઈ કહે કે વ્યવહારને કારણે આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની રચના
થઈ,–તો એમ નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની રચનામાં આત્માના સ્વભાવ સિવાય બીજું કોઈ કારણ છે જ
નહિ. આત્મા પોતાના કાર્યમાં કોઈ બીજાની સહાય લેતો જ નથી અને પોતે કોઈ બીજાનું કારણ થતો નથી–
આવી સ્વયંસિદ્ધ અકાર્યકારણશક્તિ તેનામાં ત્રિકાળ છે. ભલે લાખો વર્ષ ભગવાનની ભક્તિ કરે, પણ પરને
લીધે આત્મામાં કાર્ય થાય–એવો ગુણ આત્મામાં નથી, તેમ જ તે ભક્તિનો રાગ કારણ થઈને તેનાથી
સમ્યગ્દર્શનરૂપ કાર્ય પ્રગટે એમ પણ બનતું નથી.
આત્માનું કાર્ય બીજાથી થતું નથી ને આત્મા કોઈ બીજાની ક્રિયા કરતો નથી. પર જીવ બચ્ચો ત્યાં તેને
બચવામાં આત્મા કારણ નથી, શરીર હાલવામાં કે બોલવામાં આત્મા કારણ નથી, પુણ્ય–પાપના પરિણામ થાય
તેમાં પણ આત્મદ્રવ્ય કારણ નથી–આવું આત્માની અકાર્યકારણત્વશક્તિનું સામર્થ્ય છે. આવો સ્વભાવ સમજતાં
પર ઉપર દ્રષ્ટિ રહેતી નથી. પણ દ્રવ્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે. જડ કર્મ થાય તેનું કારણ આત્મા નથી. ક્ષણિક
વિકારપરિણામ થાય તેના કારણપણે આખું દ્રવ્ય નથી એટલે આવા દ્રવ્યની સન્મુખ જોનાર જીવને ક્ષણિક
વિકારની કર્તૃત્વબુદ્ધિ રહેતી નથી. ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરતાં વિકારની ઉત્પત્તિ થતી નથી માટે ત્રિકાળી દ્રવ્ય
વિકારનું કારણ નથી. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની જ ઉત્પત્તિ થાય છે તેથી તે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું કારણ થાય એવો દ્રવ્યનો સ્વભાવ છે.
વ્યવહારરત્નત્રયથી આત્મા નથી બનતો. જો વ્યવહારરત્નત્રયથી આત્મા બનતો હોય તો
વ્યવહારરત્નત્રયનો નાશ થતાં આત્માનો પણ નાશ થઈ જાય! વળી, દ્રવ્યના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટી તે
તો દ્રવ્યમાં અભેદ છે એટલે વ્યવહારરત્નત્રયથી જેમ દ્રવ્ય નથી બનતું તેમ નિર્મળપર્યાય પણ તેનાથી બનતી
નથી. પર્યાય દ્રવ્યમાંથી આવે કે પરમાંથી? પર્યાય તો દ્રવ્યમાંથી જ આવે છે એટલે પર્યાયનો પિતા દ્રવ્ય છે. દ્રવ્ય
જ પોતાની પર્યાયનું ઉત્પાદક છે તેને બદલે બીજાને ઉત્પાદક માનવો તે કલંક છે. જેમ પુત્રનો જે પિતા હોય તેને
બદલે બીજાને પિતા મનાવે તો તે લોકવ્યવહારમાં કલંક છે, તેમ નિર્મળપર્યાયરૂપ પ્રજાનો પિતા દ્રવ્ય છે, દ્રવ્યના
આશ્રયે તે પર્યાય પ્રગટી છે તેને બદલે બીજાને તેનું કારણ મનાવવું તે કલંક છે. પુણ્ય–પાપમાંથી, નિમિત્તમાંથી કે
વ્યવહારમાંથી આત્માનું કાંઈ કાર્ય થતુ નથી, અને આત્માનો સ્વભાવ તે પુણ્ય–પાપનો કે વ્યવહારનો કર્તા નથી.
તો પછી આત્મા દેશનું કાંઈ કરે કે શરીરનું કાંઈ કરે કે પૈસા વગેરે લેવા–દેવાની ક્રિયા કરે–એ વાત તો છે જ નહિ.
જડની કે પરની ક્રિયા તો આત્માથી નથી થઈ, પરંતુ અહીં તો કહે છે કે પુણ્ય–પાપ આત્માથી થયા એમ
પણ નથી. પર્યાયદ્રષ્ટિમાં પુણ્ય–પાપ થાય છે, પણ ત્રિકાળી દ્રષ્ટિથી જોતાં આત્મામાં પુણ્ય–પાપ છે જ નહિ, માટે
આત્મા તેનો કર્તા નથી. પર્યાયબુદ્ધિવાળો જીવ આ વાત યથાર્થપણે માની શકે નહિ. આત્મા તો જ્ઞાન–દર્શન–સુખ
વગેરે અનંત સ્વભાવની મૂર્તિ છે, તેનામાં એવો કોઈ સ્વભાવ નથી કે જે વિકારનું કારણ થાય!–અથવા પરના
કાર્યને કરે!
આ આત્મા હોય તો જગતનું કાર્ય થાય–એમ નથી, અને જગતના પદાર્થો હોય તેને કારણે આત્માનું કાર્ય
થાય છે–એમ પણ નથી. આત્માના આવા સ્વભાવને જે ન ઓળખે તે જીવ આત્માનો બેખબરો એટલે કે ભાન
વિનાનો છે. સર્વજ્ઞ ભગવાને આત્મામાં એવો કોઈ ગુણ નથી જોયો કે શરીર–મન–વાણી વગેરે સરખાં હોય તો
આત્મામાં ધર્મનું કાર્ય થાય; તેમ જ આત્માના કારણે શરીર–મન–વાણી સરખાં રહે એવો પણ કોઈ ગુણ
ભગવાને જોયો નથી. તો હે મૂઢ! તું વળી સર્વજ્ઞથી વધારે ડાહ્યો ક્યાંથી નીકળ્‌યો! આત્માથી પરનું કાર્ય કદી પણ
થતું જ નથી તો મફતનો પરનું કરવાનું તું કેમ માને છે? જો શરીર–મન–વાણી વગેરેનાં કાર્યો આત્માથી થતાં
હોય તો તેમનાથી આત્મા કદી જુદો પડે નહિ અને પોતાનું સ્વકાર્ય કરવા તે કદી નવરો થાય નહિ. એ જ પ્રમાણે
દ્રવ્ય પોતે કારણ થઈને જો પુણ્ય–પાપને રચે તો દ્રવ્યમાંથી પુણ્ય–પાપ કદી જુદા જ ન પડે, એટલે વીતરાગતા તો
ન થાય પરંતુ ભેદજ્ઞાન થવાનો અવસર પણ રહે નહિ. માટે દ્રવ્ય પોતે વિકારનું કારણ નથી.–આમ સમજતાં
સ્વભાવ અને વિકારનું ભેદજ્ઞાન થાય છે અને સ્વભાવના અવલંબને વિકાર ટળીને વીતરાગતા પ્રગટે છે.