: ૯૨ : આત્મધર્મ ૨૪૭૯: ફાગણ:
અજ્ઞાની જીવને અનાદિનો મોહ છે તેથી આવી હિતકારી સત્ય વાત તેને રુચતી નથી અને ઊલટો સામે
બાખોડિયાં ભરે છે. ભાઈ! તારા અનંતગુણો ત્રિકાળ તારી સાથે રહેનારા છે, એ સિવાય પુણ્ય–પાપ કે શરીર–
કુટુંબ વગેરે કોઈ તારી સાથે નહિ આવે; માટે પર મારું કારણ ને હું પરનો કારણ–એવી બુદ્ધિ છોડ. પર સાથે
કાર્ય–કારણપણું માનવું તે મિથ્યાત્વ છે. અહીં તો કહે છે કે તે મિથ્યામાન્યતાનું કારણ પણ ત્રિકાળી આત્મદ્રવ્ય
નથી, પરંતુ જે આમ સમજે તેને પર્યાયમાં મિથ્યાત્વ રહે જ નહિ.
વળી ઉપાદાન–નિમિત્તની વાત સાંભળીને કેટલાક એમ બોલે છે કે ભાઈ, જગતનાં કાર્ય તો તેના
ઉપાદાનથી થાય, આપણે તો ફક્ત તેના નિમિત્ત છીએ. પણ અહીં તો કહે છે કે અરે ભાઈ! તારી દ્રષ્ટિમાંથી
એકવાર પર સાથેનો બધોય સંબંધ તોડી નાંખ. નિમિત્ત થવા ઉપર જેની દ્રષ્ટિ છે તેની દ્રષ્ટિ પર ઉપર છે; જેની
દ્રષ્ટિ અનંતગુણના પિંડ આત્મા ઉપર છે તેને પર ઉપર દ્રષ્ટિ જ નથી, એટલે ‘હું પરને નિમિત્ત છું’ એ વાત તેની
દ્રષ્ટિમાં ક્યાં રહી? પરનો નિમિત્ત થવા ઉપર જેની દ્રષ્ટિ છે તેને સ્વસન્મુખદ્રષ્ટિ નથી પણ પર ઉપર જ દ્રષ્ટિ છે.
સ્વસન્મુખદ્રષ્ટિમાં તો આત્માને પર સાથે નિમિત્ત–નૈમિત્તિકસંબંધ પણ નથી. આવી દ્રષ્ટિ પ્રગટ્યા વગર પર્યાયના
નિમિત્ત–નૈમિત્તિકસંબંધનું યથાર્થ જ્ઞાન થાય નહિ. ત્રિકાળી આત્મા તો પરનું કે રાગ–દ્વેષનું નિમિત્તકારણ પણ
નથી, જો ત્રિકાળી આત્મા રાગાદિનું નિમિત્તકારણ હોય તો તે નિમિત્તપણું કદી છૂટે નહિ, સિદ્ધમાં પણ રાગ–દ્વેષ
થયા કરે. માટે ત્રિકાળી સ્વભાવ રાગ–દ્વેષાદિનું નિમિત્તકારણ પણ નથી. પર્યાયનું અશુદ્ધ ઉપાદાન તે રાગ–
દ્વેષાદિનું કારણ છે, પણ તે એક સમય પૂરતું છે, તેની અહીં વાત નથી; અહીં તો આત્માના ત્રિકાળી સ્વભાવની
વાત ચાલે છે. પુણ્ય–પાપ આત્માના અશુદ્ધ ઉપાદાનથી થાય ને કર્મ તેમાં નિમિત્ત છે–એ બંને વાત પરમાં જાય
છે, આત્માના શુદ્ધસ્વભાવમાં તે કાંઈ છે નહિ.
જુઓ, આ તો દ્રવ્યદ્રષ્ટિના અજરપ્યાલાની વાત છે. આવી દ્રષ્ટિ પચાવવા માટે અંતરમાં જીવની કેટલી
પાત્રતા હોય! સદ્ગુરુ પ્રત્યે વિનય–બહુમાન, વૈરાગ્ય વગેરે લાયકાત તેનામાં હોય જ. ગમે તેમ સ્વચ્છંદપૂર્વક
વર્તે અને આ વાત સમજાઈ જાય–એમ બને નહિ. જ્ઞાનપ્રધાન વર્ણન ચાલતું હોય ત્યારે એ બધી વાત વિસ્તારથી
આવે, અત્યારે દર્શનપ્રધાન વર્ણન ચાલે છે.
આત્મસિદ્ધિમાં કહ્યું છે કે :
‘સર્વ જીવ છે સિદ્ધસમ જે સમજે તે થાય’ આમાં આત્માના સ્વભાવની અને તે સમજવાની વાત કરી.
પણ તે સમજનાર જીવને નિમિત્ત કેવાં હોય? કે–‘સદ્ગુરુઆજ્ઞા જિનદશા નિમિત્તકારણમાંય.’ સર્વજ્ઞ વીતરાગ
જિનદશા કેવી હોય તેનો વિચાર અને સદ્ગુરુની આજ્ઞા તે આત્માનું સ્વરૂપ સમજવામાં નિમિત્તકારણ છે, કુદેવ–
કુગુરુને માનતો હોય અને આત્માનું સ્વરૂપ સમજી જાય–એમ બને નહિ, તે માટે આ વાત કરી છે. દ્રવ્યદ્રષ્ટિના
વિષયમાં એકલો અભેદ આત્મા જ છે, તેમાં નિમિત્તની વાત ન આવે. આવી અભેદદ્રષ્ટિથી જ વિકલ્પ તૂટીને
નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે. આત્મા અકારણસ્વભાવ છે, તેના અનુભવ માટે બીજું કોઈ કારણ છે જ
નહિ. દેવ–ગુરુનો વિચાર કરે અથવા આત્મા છે–તે નિત્ય છે એવા પ્રકારે ભેદથી આત્માના વિચાર કરે–તે પણ
ખરેખર આત્માના અનુભવનું કારણ નથી. પોતાના અનુભવમાં વ્યવહારની કે પરની મદદ લેવી પડે એવો
આત્માનો સ્વભાવ જ નથી. તેમ જ આત્મા પરનું કારણ થાય એવો પણ તેનો સ્વભાવ નથી.
પ્રશ્ન:– શું આત્મા વગર બોલાય છે? મડદાં કેમ નથી બોલતાં? આત્મા હોય તો ભાષા બોલાય છે, માટે
ભાષાનું કારણ આત્મા છે કે નહિ?
ઉત્તર:– આત્માની હાજરી હોય ને ભાષા બોલાય તે વખતે પણ તે ભાષાનું કારણ આત્મા નથી પણ જડ
પરમાણુના કારણે ભાષા થઈ છે. જો ભાષાનું કારણ આત્મા હોય તો જ્યાંસુધી આત્મા હોય ત્યાં સુધી ભાષા
થયા જ કરે! શરીર બરાબર રહે તે જડની ક્રિયા છે, આત્માને કારણે નહિ; સર્પ કરડે અને ઘેન ચડે ત્યાં આત્મા
હોવા છતાં ડોક કેમ પડી જાય છે? તે જડનું કાર્ય છે, આત્મા તેનો અકારણ છે; વળી શરીર સારું નિરોગ હોય,
વજ્રર્ષભનારાચ સંહનન હોય, પરોઢિયાનો બ્રાહ્મમુહૂર્તનો કાળ હોય, નિર્જન જંગલ ક્ષેત્ર હોય, સારા દેવ–ગુરુ
નજીક બિરાજતા હોય–એ બધા બાહ્મપદાર્થો કારણ થઈને આત્માનું કાંઈ કાર્ય કરી દ્યે એમ જે માને છે તેને
આત્માના અકાર્યસ્વભાવની ખબર નથી, કોઈ અન્ય કારણોથી આત્માનું કાર્ય થાય એવો આત્માનો સ્વભાવ
નથી. જો પરનું કારણ–કાર્ય થાય તો આત્મા એકદ્રવ્યસ્વરૂપ ન રહેતાં અનેકદ્રવ્યસ્વરૂપ થઈ જાય. પણ આત્મા તો
પરનું કારણ નથી ને પરનું કાર્ય પણ નથી–એવા એકદ્રવ્યસ્વરૂપ છે, એવો તેનો અકાર્યકારણસ્વભાવ છે. આવા
સ્વભાવને દ્રષ્ટિમાં લેતાં મુક્તિરૂપી કાર્ય પ્રગટી જાય છે.