સુવર્ણપુરી સમાચાર
આ અંકનું નિવેદનઃ માનસ્તંભ પ્રતિષ્ઠા–મહોત્સવના સમાચારો જાણવા માટે આત્મધર્મના ઘણા
જિજ્ઞાસુ ગ્રાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હશે; પરંતુ તે સમાચાર વખતસર તૈયાર થઈ શકયા નહિ તેથી આ
અંક આટલો મોડો પ્રસિદ્ધ કરવો પડયો છે.–આ માટે સૌ ગ્રાહકો પાસે હાર્દિક ક્ષમા માંગીએ છીએ. આ અંક
જલદી છાપીને પ્રસિદ્ધ કરી આપવા માટે ‘અનેકાન્ત મુદ્રણાલય’ (મોટા આંકડિયા) ના સ્ટાફે જે મહેનત લીધી
છે તે બદલ તેને ધન્યવાદ ઘટે છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાઃ પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન નીચેના ભાઈઓ તથા બેનોએ સજોડે બ્રહ્મચર્ય
પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવશ્રી પાસે અંગીકાર કરી છે.–
(૧) ચૈત્ર સુદ આઠમના રોજ વનમાં દીક્ષા–કલ્યાણક બાદ સાવરકુંડલાના ભાઈ શ્રી જગજીવન કરસનદાસ
તથા તેમના ધર્મપત્ની–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
(૨) ચૈત્ર સુદ નોમના રોજ કેવળકલ્યાણક બાદ રસનાળના ભાઈશ્રી હરગોવિંદભાઈ ખારા તથા તેમના
ધર્મપત્ની–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
(૩) ચૈત્ર સુદ દસમ (બીજી) ના રોજ પ્રતિષ્ઠા બાદ બરવાળાના ભાઈશ્રી પાનાચંદ ભાઈલાલ તથા તેમના
ધર્મપત્ની લીલાવતીબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે.
પ્રતિજ્ઞા લેનારા સર્વે ભાઈઓ તેમ જ બેનોને ધન્યવાદ!ઃ અમ ઘેર પ્રભુજી પધાર્યાઃ ચૈત્ર સુદ ૧૨ ના
શુભ દિવસે મોરબી શહેરમાં શ્રી નેમિનાથ ભગવાન અને શ્રીવાસુપૂજ્ય ભગવાનના વીતરાગી જિનબિંબ પધાર્યા
છે. સોનગઢના પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પાવન હસ્તે આ બંને જિનબિંબોની
પ્રતિષ્ઠા થઈ હતી. પ્રભુજી પધાર્યા તે પ્રસંગે ત્યાંના મુમુક્ષુસંઘને ઘણો ઉલ્લાસ હતો. મોરબીના આંગણે પ્રભુજી
પધાર્યા એ ત્યાંના મુમુક્ષુઓના ધનભાગ્ય છે!
આભારઃ અધિક વૈશાખ માસનો આ વધારાનો અંક પ્રસિદ્ધ કરવા માટેનું ખર્ચ ભાઈશ્રી મોહનલાલ
ત્રિકમજી દેસાઈ (ભાવનગર) તરફથી આપવામાં આવ્યું છે. આ રીતે તેઓ દરેક વખતે અધિક માસના અંકનું
ખર્ચ આપે છે. આ માટે તેમનો આભાર માનવામાં આવે છે.
સમયસારની નવી આવૃત્તિઃ ગુજરાતી સમયસારની માગણી છેલ્લા કેટલાક વખત થયા અનેક
જિજ્ઞાસુઓ તરફથી થઈ રહી હતી; તેથી તેની નવી આવૃત્તિ છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ આવૃત્તિમાં
શ્રી અમૃતચંદ્રસૂરિકૃત આત્મખ્યાતિ નામની સંસ્કૃત ટીકા પણ છાપવામાં આવી છે. આ નવી આવૃત્તિની કિંમત
રૂા. ૬–૦–૦ રાખવામાં આવી છે.
વિદ્યાર્થીઓ માટે સુંદર તકઃ શ્રી જૈન વિદ્યાર્થી ગૃહની નવી ટર્મ, તા. ૧–૩–પ૩ થી શરૂ થઈ ગઈ છે.
હાલ, આ બોર્ડિંગમાં, ત્રણ ત્રણમાસની એક ટર્મ ગણી, એક વર્ષની ચાર ટર્મ નક્કી કરેલ છે. એક ટર્મનું લવાજમ,
વિદ્યાર્થી દીઠ આખી ફીનું રૂા. ૭પ) રાખેલ છે. અહીં, અંગ્રેજી પહેલા ધોરણથી શરૂ કરી, એસ. એસ. સી. (મેટ્રીક)
સુધીના અભ્યાસ માટે હાઇસ્કૂલ છે.
અહીં બોર્ડિંગમાં શ્રી જૈનદર્શનનો ધાર્મિક અભ્યાસ પણ કરાવવામાં આવે છે. ઉપરાંત, અહીં પરમોપકારી, પરમ
પૂજ્ય, સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી જેવા મહાન, અદ્વિતીય આધ્યાત્મિક સંતના સમાગમનો અપૂર્વ લાભ મળે છે.
અહીં બોર્ડિંગમાં દસ વર્ષથી ઉપરની ઉંમરના વિદ્યાર્થીઓ, કે જેઓ, ગુજરાતી પાંચમુ ધોરણ અને તેથી
ઉપર ગુજરાતી કે અંગ્રેજી અભ્યાસ કરતા હોય, તેઓને દાખલ કરવામાં આવે છે.
અત્રેની હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓને જૂન માસમાં પણ દાખલ કરવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. આથી,
જે વિદ્યાર્થીઓ ચાલુ માસમાં અગર આગામી ગ્રીષ્મ વેકેશન પછી, જૂન માસમાં દાખલ થવા ઈચ્છતા હોય,
તેઓએ નીચેના સરનામે લખી સંસ્થાના ધારાધોરણ તથા પ્રવેશપત્ર મંગાવી ભરી મોકલવાં.
લિ. મંત્રીઓ,
શ્રી જૈન વિદ્યાર્થીગૃહઃ સોનગઢ (સૌરાષ્ટ્ર)
સૂચનાઃ બેંકના ચેકો સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના નામના નહીં મોકલતાં, દોશી રામજી માણેકચંદ તથા
શાંતિલાલ પોપટલાલના નામના મોકલવા. (ટ્રસ્ટના નામના ચેક મોકલાશે તો પાછા મોકલવામાં આવશે.)
વેચવાનું છેઃ પ૦૦૦ વાંસ, ૪૦૦ વળી, પ૦૦ વાંસના પાલા તથા ઈલેકટ્રીક કોપર વાયર નં. ૧૦નો
૩૦૦ રતલ. વેચાણની શરતો રૂબરૂ મળવાથી કહેવાશે.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટઃ સોનગઢ