અવલંબને પૂર્ણજ્ઞાનનો વિકાસ પ્રગટી જાય તેનું નામ
કેવળજ્ઞાન. તે કેવળજ્ઞાન સર્વ પદાર્થોને અને તેની સમસ્ત
પર્યાયને એક સાથે પ્રત્યક્ષ જાણે છે. જેનો સ્વભાવ જ્ઞાન છે તે
કોને ન જાણે? અધૂરું જાણે કે અટકી અટકીને ક્રમેક્રમે જાણે
અથવા તો પરોક્ષ જાણે–એવું જ્ઞાનનું સ્વરૂપ ન હોય. સ્વ–પર
સમસ્ત પદાર્થોને એક સમયમાં પ્રત્યક્ષ, કોઈના પણ અવલંબન
વગર જાણવાનું જ્ઞાનસ્વભાવનું સામર્થ્ય છે, કેવળજ્ઞાન થતાં તે
સામર્થ્ય પૂરેપૂરું ખીલી જાય છે, અને તેમાં ત્રણકાળ ત્રણલોકના
સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યાયો એક સાથે સ્પષ્ટ જણાય છે. આવો
કેવળજ્ઞાનસ્વભાવ દરેક ચૈતન્યમાં દરેક સમયે શક્તિરૂપે
વિદ્યમાન છે; તેનો ભરોસો કરીને તેમાં અંતર્મુખ થતાં તે શક્તિ
વ્યક્તકાર્યરૂપ થાય છે. કેવળજ્ઞાન ભૂતકાળની અનંત પર્યાયને
તેમજ ભવિષ્યની અનંત પર્યાયને પણ વર્તમાન પર્યાય જેવી જ
સ્પષ્ટપણે જાણે છે, ઘણી દૂરની પર્યાય અસ્પષ્ટ જણાય અને
નજીકની પર્યાય સ્પષ્ટ જણાય એવો ભેદ તેનામાં નથી. વર્તમાન
પર્યાયને વર્તમાનરૂપે જાણે, ભૂતકાળમાં જે પર્યાયો વર્તી ગઈ
તેને તે પ્રમાણે જાણે તથા ભવિષ્યકાળમાં જે સમયે જે પર્યાય
વર્તશે તેને તે પ્રમાણે જાણે,–પરંતુ જાણે તો વર્તમાનમાં જ.
જાણનાર કાંઈ ભૂત ભવિષ્યમાં રહીને જાણવાનું કાર્ય નથી
કરતો, પણ પોતે વર્તમાનમાં જ ત્રણકાળનું બધું જાણી લે છે.
ભવિષ્યની પર્યાય પ્રગટ થશે ત્યારે તેનું જ્ઞાન થશે–એમ નથી,
પણ તે પર્યાય પ્રગટ થયા પહેલાં જ કેવળજ્ઞાનના
દિવ્યસામર્થ્યમાં તેનું જ્ઞાન થઈ ગયું છે. સમ્યગ્દ્રષ્ટિને આવા
કેવળજ્ઞાનની પ્રતીત હોય છે, અને પોતાના આત્મદ્રવ્યમાં પણ
આવું પરિપૂર્ણ સામર્થ્ય વર્તમાન ભર્યું છે–તે આખા દ્રવ્યને પણ
સમ્યગ્દર્શન વડે પ્રતીતિમાં લીધું છે. કેવળજ્ઞાન સમસ્ત પદાર્થોને
પ્રત્યક્ષ જાણે છે, ત્યારે શ્રુતજ્ઞાન તેમને પરોક્ષ જાણે છે.
શાસ્ત્રોમાં એમ આવે છે કે જેટલો કેવળજ્ઞાનનો વિષય છે
તેટલો જ શ્રુતજ્ઞાનનો પણ વિષય છે,–માત્ર પ્રત્યક્ષ પરોક્ષનો જ
ભેદ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ હોવા છતાં તેનામાં વિપરીતતા નથી,
તે પણ કેવળજ્ઞાનની જ જાતનું છે; અને તેનામાં પણ રાગ
તૂટીને જેટલું સ્વસંવેદન થયું છે તેટલું તો પ્રત્યક્ષપણું છે. પહેલાં
પોતાના પરિપૂર્ણ જ્ઞાનસામર્થ્યની પ્રતીત અને મહિમા કરીને
જેમ જેમ તેનું સ્વસંવેદન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનો
વિકાસ ખીલતો જાય છે અને છેવટ પૂર્ણ કેવળજ્ઞાન સામર્થ્ય
ખીલી જાય છે.–આવો કેવળજ્ઞાનનો પંથ છે. પોતાના જ્ઞાન
સ્વભાવના જ અવલંબન સિવાય બીજું કોઈ પણ કેવળજ્ઞાનનું
સાધન નથી.