આત્માનું કલ્યાણ થતું નથી. આ અપૂર્વ વાત સમજ્યે જ જીવનું કલ્યાણ થાય છે, એટલે
ઉપાય કર. દયા, ભક્તિ વગેરેનો રાગભાવ વચ્ચે હોય પણ તે કાંઈ શાંતિનો ઉપાય નથી.
રાગ અને સંયોગથી પાર વાસ્તવિક ચૈતન્યસ્વરૂપ શું છે તેની સમજણ કરવી તે જ શાંતિનો
રસ્તો છે. ભાઈ! તારા આત્મામાં તારી પ્રભુત્વશક્તિ ભરી છે. તારી પ્રભુતા તારામાં પડી
છે, તેની સન્મુખ થઈને પ્રતીત કરવી તે પ્રભુતાનો ઉપાય છે. જ્ઞાની તો વિધિ બતાવે, પણ
તે વિધિ સમજીને તેનો પ્રયોગ તો પોતાને જાતે કરવો પડે. અંતરમાં સ્વભાવ–સન્મુખ
થઈને પોતે જાતે પ્રયોગ કરે તો યથાર્થ શ્રદ્ધા–જ્ઞાન થાય. અજ્ઞાની વિકારની અને સંયોગની
તાકાતને દેખે છે, પણ વિકારથી પાર ધુ્રવ જ્ઞાનાનંદ સ્વભાવ એવો ને એવો પડ્યો છે તેની
તાકાત અને મહિમા અજ્ઞાનીને દેખાતો નથી. વિકાર તો ક્ષણે–ક્ષણે પલટી જાય છે ને
તેમાં એકાગ્રતા કરવી તે જ અપૂર્વ ધર્મની રીત છે. આ વાત કોને સમજાવાય છે? જેનામાં
સમજવાની તાકાત છે તેને આ વાત સમજાવાય છે. જ્ઞાની સંતો જાણે છે કે જીવોમાં આ
વાત સમજવાની તાકાત છે, જીવો આ વાત સમજી શકશે એમ જાણીને જ્ઞાનીઓ આવો
ઉપદેશ આપે છે. “હું સમજવાને લાયક છું” એવું લક્ષ કરીને જિજ્ઞાસાથી પ્રયત્ન કરે તો આ
વાત સમજાયા વગર રહે નહિ. આ કાંઈ જડને નથી સંભળાવતા, કીડી–મકોડાને નથી
સંભળાવતા, પણ જેનામાં સમજવાની તાકાત છે અને સમજવાની જિજ્ઞાસાથી જે સાંભળવા
આવ્યો છે તેને આ વાત સમજાવે છે.
હે ભાઈ! તારો આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છે. શરીરાદિક તો જડ અજીવતત્ત્વ છે,
શુભ–અશુભ ભાવો થાય તે તો આસ્રવ અને બંધતત્વ છે; તે જીવનું સ્વરૂપ નથી.
જ્ઞાનપર્યાય અંતર્મુખ થઈને અભેદ થતાં જે નિર્મળદશા થઈ તે સંવર–નિર્જરા–મોક્ષતત્ત્વ છે,
તે નિર્મળ દશા આત્માથી જુદી નથી પણ આત્મા સાથે અભેદ છે, તેથી તે આત્મા જ છે.
અંર્તસ્વભાવમાં ઢળતાં નિર્મળપર્યાય આત્મા સાથે અભેદ થાય છે. ભૂતાર્થસ્વભાવની
દ્રષ્ટિથી જોતાં નવે તત્ત્વોમાં એક શુદ્ધઆત્મા જ પ્રકાશમાન છે. જડથી ને પુણ્ય–પાપથી પાર,
તથા નિર્મળ–પર્યાય પ્રગટી તેમાં અભેદ શુદ્ધઆત્મા છે, આવા શુદ્ધઆત્માની દ્રષ્ટિ પ્રગટી
ત્યાં ધર્મીને એક શુદ્ધઆત્માની જ મુખ્યતા છે; સ્વ–પરપ્રકાશક જ્ઞાન ખીલ્યું તેમાં સંયોગને
તેમજ રાગને જાણે પણ શુદ્ધઆત્માની મુખ્યતા ધર્મીની દ્રષ્ટિમાંથી કદી ખસે નહિ.
અવસ્થામાં વિકાર હોવા છતાં આવા શુદ્ધઆત્માની દ્રષ્ટિ કઈ રીતે થાય તે વાત આચાર્યદેવ
વિશેષપણે દ્રષ્ટાંત આપીને સમજાવશે.